વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત
Subject : સ્વાનુભૂતિનો સૂર્યોદય અને મધ્યાહ્ન
પ્રભુનો ગુણ જોયો અને મનની અંદર એ સતત, સતત ઘૂંટાયો. પછી એની ઈચ્છા થાય છે – જિનગુણ ઝંખના. પરંતુ આવી સામાન્ય ઇચ્છાથી પણ પ્રાપ્તિ થતી નથી! એ ઝંખના તમારું અસ્તિત્વ બની જાય; એના સિવાય બીજી બધી જ ઇચ્છાઓ ખતમ થયેલી હોય, એવી જિનગુણને પ્રાપ્ત કરવાની તીવ્ર ઝંખના થાય, પછી પાંચમા ચરણે તમને જિનગુણનો સ્પર્શ મળે.
સ્વાનુભૂતિના અરુણોદયમાં સપ્તપદીનું પહેલું પદ પરરસમુક્તિ. સ્વાનુભૂતિના સૂર્યોદયમાં સપ્તપદીના બીજા પદ જિનગુણ દર્શનથી છઠ્ઠા પદ જિનગુણ સ્પર્શન સુધીની યાત્રા. જિનગુણ સ્પર્શ દ્વારા નિજગુણનો સ્પર્શ થાય એટલે અલપ-ઝલપ અનુભૂતિ થાય – એ સ્વાનુભૂતિનો સૂર્યોદય. અને સપ્તપદીના સાતમા પદમાં જિનગુણની અનુભૂતિ થાય છે; તમે અનુભવમાં ડૂબી જાઓ છો – એ સ્વાનુભૂતિનું મધ્યાહ્ન.
મધ્યાહ્નના ચરણમાં સ્વાનુભૂતિમાં ઉદાસીનદશા ઊમેરાય છે. ચોથા ગુણઠાણાની સ્વાનુભૂતિમાં તમે શ્રદ્ધાને મામલે ચોક્કસ હોવ છો પણ ક્યારેક ચારિત્ર મોહનીયનો ક્ષયોપશમ ન હોય એના કારણે મોહમાં તમે ખેંચાઈ પણ જાઓ છો. પાંચમા, છટ્ઠા, સાતમા ગુણઠાણે જેમ-જેમ ચારિત્ર મોહનીયનો ક્ષયોપશમ થતો જાય, તેમ-તેમ ઉદાસીનદશા વધતી જાય અને સ્વાનુભૂતિ પ્રગાઢ બનતી જાય.
મૌન ધ્યાન સાધના શિબિર ૧૨ – શંખેશ્વર વાચના – ૧૨
સ્વાનુભૂતિનો સૂર્યોદય. પાંચ ચરણો જો આપણે પસાર કરીએ તો સ્વાનુભૂતિ આ રહી. મજાની વાત એ છે, કે આ ચરણો અનુભૂતિવાન સદ્ગુરુએ આપ્યા છે. અનુભૂતિવાન સદ્ગુરુના શબ્દો મળવા એ પણ બહુ અઘરું કામ છે. અનુભૂતિના શિખર ઉપર જે બિરાજમાન હોય છે એને શબ્દોની તળેટીએ આવવાનું ગમતું નથી.
આનંદઘનજી ભગવંતની ચોવીશી આપણને મળી ગઈ. શી રીતે મળી ગઈ? બહુ જ મજાની ઘટના છે, આનંદઘનજી ભગવંતે પોતે એ સ્તવનો લખ્યા નથી. કોઈની પાસે લખાવરાવ્યા પણ નથી. તો શી રીતે મળ્યા? કિંવદન્તિ એવી છે… એકવાર આનંદઘનજી ભગવંત જંગલમાં આવેલ કો’ક દેરાસરમાં ગયેલ, ઋષભદેવ પરમાત્મા મૂળનાયક તરીકે બિરાજમાન. સામે બેઠા છે અને અંદરથી અનુભૂતિ શબ્દોમાં પ્રગટવાની ચાલુ થઇ ગઈ. આને આપણે ત્યાં પરાવાણી કહેવામાં આવે છે. પરાવાણી જેમાં human touch ન હોય, માત્ર divine touch હોય.
By the way વચ્ચે એક વાત કરું, અરવિંદ આજના યુગના બહુ મોટા યોગી થયા, એમનું એક પુસ્તક છે સાવિત્રી. બહુ ટફ ગણાય છે. એ સાવિત્રી ઉપર એમના જ અનુયાયીની માતાજીને લેકચર્સ આપવાના હતાં, પણ એમણે એક મજાનો અભિગમ સ્વીકાર્યો. એમણે કહ્યું, સાવિત્રી ઉપર હું નહિ બોલું, પરમતત્વ બોલશે. શું કર્યું એમણે? નવ વાગ્યાનો ટાઈમ સવારનો પ્રવચનનો, પોતે આવીને ખુરશી ઉપર બેસી જાય, auditorium આખું નવ વાગ્યા પહેલા ભરાઈ જાય. નવ વાગે auditorium ના બારણાં બંધ થઇ જાય. અડધો કલાક આખું જ ઓડીયન્સ ધ્યાનમાં જતું રહે. માતાજી પોતે પણ ધ્યાનમાં જતા રહે. નવ ને એકત્રીસ મિનિટે માતાજી આંખ ખોલે, સાવિત્રીનું પુસ્તક એમના ટેબલ ઉપર પડેલું હોય. એમ જ એ પાનું ખોલે, જે પાનું આવ્યું, એનો પહેલો જે પેરેગ્રાફ એમાં હોય, એ વાંચવાનો અને એના ઉપર અડધો કલાક લેકચર આપવાનું. અને ફરી પાછું અડધો કલાક આખું auditorium ધ્યાનમાં જતું રહે. દોઢ કલાક લોકો બેસે, પ્રવચન ખાલી ૩૦ મિનિટનું. એ પ્રવચનો છપાયેલા છે. મેં વાંચેલા પણ છે. ‘About the Savitri’ પણ વાંચતા લાગે કે really એમાં human touch નથી. માનવીય સંસ્પર્શ નથી, divine touch છે. દિવ્ય સ્પર્શ છે. તો માતાજીએ એક બહુ સરસ વિચાર કરેલો, કે મારે બોલવું છે અને હું વિચાર કરીને જઈશ તો મારો વિચાર વચ્ચે આવશે. મને પણ ખ્યાલ જ નથી શું બોલવાનું છે મારે, બસ એમ જ ખોલો પાનું, એમ જ પેરેગ્રાફ વાંચો, એમ જ એના ઉપર બોલો…
મને આ વાત બહુ ગમી ગયેલી. એ અરસામાં મારે રાણકપુર જવાનું થયેલું, રાણકપુર તીર્થમાં વાચના હતી, તો મેં વિચાર કર્યો કે પંન્યાસજી ભગવંત ભદ્રંકર વિજય મ.સા. રાણકપુર ખુબ રહેલા હતા. એટલે એમનું aura field રાણકપુરમાં હતું. પ્રભુનું તો હતું જ. એ સદ્ગુરુનું પણ aura field ત્યાં હતું. તો મને થયું મારે શું કરવા બોલવું જોઈએ! એ પરમ ચૈતન્ય અને ગુરુ ચૈતન્ય જ બોલે. તેના માટે મેં પણ એ અભિગમ સ્વીકારેલો. પંન્યાસજી ભગવંતનું પુસ્તક મારી સામે હતું. પરમ તત્વની ઉપાસના. અને પછી અડધો કલાક બધા ધ્યાનમાં જતા રહીએ, આંખ ખોલવાની, પુસ્તક ખોલવાનું, જે પાનું હાથમાં આવ્યું, પહેલો પેરેગ્રાફ જે હોય એ વાંચવાનો, એના ઉપર બોલવાનું.
તો આવી રીતે પરાવાણીને સંગ્રહિત કરવાના ઘણા બધા પ્રયત્નો થયા છે. કે તમે એમાં વચ્ચે ન હોવ. તમારા માટે એક નાનકડું સરસ practical approach આપું. પરાવાણી માટેનું. કે એક સૂત્ર છે, એનો સામાન્ય અર્થ તમે જોઈ લીધો. પછી એ સુત્રનો વિશેષ અર્થ પણ જોઈ લીધો. એ પછી પરાવાણીનો ક્રમ આવે છે. મેં ઘણા બધા ગ્રંથોને આ રીતે જોયા છે. ઉત્તરાધ્યયન સૂત્ર, આખો સ્વાધ્યાય થઇ ગયો. એની ત્રણ- ચાર-પાંચ ટીકાઓ છે બધી જોવાઈ ગઈ. હવે જો મારી બુદ્ધિ લઈને હું બેસું, તો મારી બુદ્ધિ કમ્પેરેટિવ સ્ટડીથી આગળ ન જાય. તુલનાત્મક અભ્યાસ આપી શકે. આ ટીકાકારે, આ ભાષ્યકારે આ અર્થ કર્યો. આ ભાષ્યકારે આ અર્થ કર્યો. હું શું કરું? માત્ર એ મૂળ શબ્દો પ્રભુના, એ હોય મારી સામે ને, હું હોઉં. વચ્ચે કોઈ બુદ્ધિ નહિ, વચ્ચે બીજું કશું જ નહિ. કંઈ વિચારવાનું પણ નહિ. ખાલી એ શબ્દો સામે જોવાનું. મનમાં કંઈ ઉગે તો નોંધી દેવાના. તો આપણો આ સ્વાધ્યાયનો આ ક્રમ છે. સુત્રાનુપ્રેક્ષા, અર્થાનુપ્રેક્ષા, અને પછી અવતરણ. ઉપરથી જે આવે છે એને તમે ઝીલો.
તો આનંદઘનજી ભગવંત એ દેરાસરમાં ગયા. અને પરાવાણી ચાલુ થઇ ગઈ. “ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે, ઓર ન ચાહું રે કંત” ખરેખર એ બધા સ્તવનો બોલાઈ પણ ગયા હોત, અને એ જ વાતાવરણમાં રહી ગયા હોત, આપણા સુધી આવત નહિ. પણ આપણા સદ્ભાગ્યે જ્ઞાનવિમલસૂરિ મહારાજને એ જ વખતે અચાનક ત્યાં જવાનું થયું. પાછળ બેઠેલા, અને આ પરાવાણી શરૂ થઇ. અચાનક જ. “ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો” જ્ઞાનવિમલસૂરિ મહારાજ પણ બહુ મોટા ગજાના ભક્તિયોગાચાર્ય છે, પણ આ શબ્દો સાંભળીને એ પણ અવાક્ થઇ ગયા! આ શબ્દો..! આ તો પરાવાણી છે. નોટ અને પેન એમની પાસે હતી. તરત જ એમને નોટ ડાઉન કરવા માંડ્યું. ૨૪ એ ૨૪ સ્તવનો એમણે લખી લીધા. પછીની ઘટના એથી મજાની છે. કે આનંદઘનજી ભગવંત તો જંગલોમાં જ ફરતાં, ગામમાં ક્વચિત્ આવે. એ પણ રાજસ્થાન બાજુમાં જ, મેડતાની આજુ-બાજુ ફરતાં.
જ્ઞાનવિમલસૂરિ મ.સા. સુરત પધારેલા. ગુજરાતમાં, અને એમને વિચાર થયો. કે આ સ્તવનો તો લખાઈ ગયા ૨૪, પણ એનો અર્થ સામાન્ય માણસો નહિ કરી શકે. તો ગુજરાતી ભાષામાં એનું વિવેચન હું કરું, તો એટલા મોટા દિગ્ગજ ભક્તિયોગાચાર્ય પોતે પણ છે, એ વિવેચન લખવા માંડ્યા. એક સ્તવન ઉપર લખ્યું, પણ એમને લાગ્યું કે આ એકદમ ફિક્કું છે, આ ચાલી ન શકે. આનંદઘનજીના જે શબ્દો છે, એ શબ્દોનો તો આમાં અર્થ આવતો જ નથી. ત્યારે એમને થયું કે શું કરવું જોઈએ? અનુભૂતિવાન ગુરુ એ પણ હતા, એમને ખ્યાલ આવી ગયો કે ધ્યાનની પૃષ્ઠ ભૂમિકા ઉપર ગયા વિના આ ગ્રંથ ઉપર હું લખી નહિ શકું. એટલે સુરતની અંદર છ મહિના એ સુરજમંડન પાર્શ્વનાથના ભોંયરામાં કલાકો સુધી ધ્યાનદશામાં બેઠેલા. લખવાનું બાજુમાં મૂકી દીધું. ભગવાન પાસેથી પરમ ચૈતન્ય પ્રાપ્ત કરી લઉં. છ મહિના. સમજો કે સવારથી સાંજ સુધીમાં જેટલો પણ સમય મળ્યો એમને, એ ભોંયરામાં આવીને ધ્યાન કરવા માંડ્યા. અને છ મહિના પછી એમણે કલમ ઉપાડી. અને પછી એમને આખો અર્થ લખીને આપ્યો.
એક બહુ મજાની વાત by the way કહું, કે ભોંયરાના દેરાસરો બહુ જ, બહુ જ મહત્વના છે. પરમ ચૈતન્યની વાત તો તમે જાણી જ. કે પરમાત્માના દેહમાંથી સતત ઉર્જા નીકળી રહી છે. પણ જો ભોંયરાનું મંદિર હોય, તો એ ઉર્જા ત્યાં ને ત્યાં ઘુમરાતી હોય છે. મેં અમદાવાદના ઘણા બધા ભોંયરાવાળા દેરાસરો જોયા. એટલી સરસ સીસ્ટમ્સ આપણા પૂર્વજોએ વિચારેલી, વાઘણપોળના અમદાવાદના એક દેરાસરમાં નીચે ઉતર્યો હું, મેં note down કર્યું, ચાલીસ પગથિયાં નીચે ઉતર્યો ત્યારે ભોંયતળિયું આવ્યું. અને એ પગથિયાં પણ છ-છ ઇંચના અત્યારે હોય છે એવા નહિ, આઠ-આઠ, નવ-નવ ઇંચના પગથિયાં. એટલે ઊંડે ગયા પછી પ્રભુની aura તો મેં લઇ જ લીધી. પણ પછી મેં અભ્યાસ કર્યો. તો ભીંતો બહુ જ જાડી એ વખતે રાખતાં. મંદિરોની ભીંત આમ પણ થોડી જાડી હોય. એ લોકો તો ચાર-ચાર ફૂટની, પાંચ-પાંચ ફૂટની ભીંતો રાખતાં. જેથી બહારના પર્યાવરણની અંદર અસર ન થાય. Ventilation મુકેલું પણ એ રીતે કે એક ventilation પોળમાં પડતું હોય, પણ એ સીધું ભોંયરામાં નહિ આવે. પોળમાં જે છે ventilation, પોળમાંથી હવા લેનારું, એ ભીંતની અંદર જ ખુલશે. જાડી ભીંત છે એ ભીંતમાં ખુલશે. ભીંતમાં ને ભીંતમાં પાછું પોલાણ હશે ત્યાં બીજું ventilation આવશે. એટલે ત્રીજા કે ચોથા ventilation એ એ હવા ગળાઈને અંદર આવશે. એટલે પુરી કોશિશ આપણા પૂર્વજોએ એ કરી, કે ભગવાનની bodyમાંથી જે ઉર્જા પ્રગટ થઇ રહી છે, એ ઉર્જા ત્યાં ને ત્યાં રહે. અને પછી ભક્ત માત્ર ભક્તિની ધારામાં અંદર ઉતરે, એટલે એને પરમ ચૈતન્યના વિકિરણો મળી જાય.
મંદિરોનું આખું તંત્ર હતું, પણ હવે શું થયું? ટ્રસ્ટીઓ તજ્જ્ઞ ગુરુઓનું માર્ગદર્શન લેવા આવતાં નથી. ટ્રસ્ટીઓ સોમપુરાનું માર્ગદર્શન લે, સોમપુરાને જેમ વધુ ઘનફૂટ થાય એમાં મજા આવે. એ તો ઘનફૂટ ખડકી નાંખે. આરસ વધારે ખડકી નાંખે. તમારા પૈસા વધારે જાય. સો વર્ષ પહેલાંનું એક દેરાસર એવું નથી જેમાં બારીઓ હોય. બારીઓ હોઈ શકે જ નહિ મંદિરમાં… ત્યાં અંધારું રાખવાનું છે. ગર્ભગૃહમાં પણ અંધારું. મંડપમાં પણ અંધારું. ગર્ભગૃહ માટે તો સીધી વાત, there should be only one door. માત્ર એક જ દ્વાર હોય. બધી જ ભીંતોમાં બિલકુલ આરસ જ આરસ. કે પત્થર. તમે ventilation પણ મૂકી ન શકો ગભારામાં, કાચ પણ મૂકી ન શકો કે કાચ દ્વારા આપણે પ્રકાશને લાવી દઈએ. પ્રકાશ નહિ, હવા નહિ, માત્ર એનર્જી જે create થઇ રહી છે, એ એનર્જી સીધી જ બહાર આવવી જોઈએ. અને મંડપમાં રહેલ ભક્તને મળવી જોઈએ. પાલીતાણા જાવ તમે, દાદાના ગૂઢ મંડપમાં કેટલું અંધારું છે. મોટો મંડપ, પણ માત્ર ત્રણ બારણાં મળે મંડપને, ગભારાને એક બારણું, તો આખી સીસ્ટમ આ હતી, આજે જ્યાં બારીઓ થઇ, એ હમણાંની સીસ્ટમ છે. પહેલાંની સીસ્ટમમાં બારીઓ નહિ આવે. એટલે શું આખું તંત્ર હતું. શિખર ઊંચું શા માટે? શિખરની નીચે ભગવાન હોય. તો બહારના વિકિરણો અંદર ન આવે, એના માટે શિખરની હાઈટ ઉંચી રાખતાં. આખું વિજ્ઞાન હતું. આખું.. પણ એ વિજ્ઞાન અમારી પાસે રહેલું, મંદિર તમારી પાસે રહ્યું. ક્યારેક કો’ક લોકો મારી પાસે આવે, દસ કરોડનું, પંદર કરોડનું મંદિર બનાવવાનું હોય, plan લઈને આવે, એવો plan હોય કે બારીઓ જ બારીઓ ખડકી નાંખેલી હોય. હું પછી એમને કહું, તમે અમારી સલાહ લો તો ઠીક છે, સલાહ ન લો કદાચ તો પણ તમારા માટે આ કરો એનો વાંધો નથી. કમસેકમ અમારા જેવા માટે નીચે થોડુક ભોંયરું બનાવજો અંધારાવાળું… કે ભાઈ એક જ પરમાત્મા હોય, અને અમે લોકો ધ્યાન કરી શકીએ.
તો પરાવાણી એટલે હૃદયમાંથી સંસ્ફ્રુર્ત વાણી. કાઢેલી નહિ, નીકળેલી. અનુભૂતિ શબ્દનો દેહ પકડે અને જે તમારી પાસે આવે એ પરાવાણી. તો દેવચંદ્રજી મહારાજના શબ્દો પરાવાણી છે. અને આપણે આજે પાંચ ચરણો સ્વાનુભૂતિના સૂર્યોદયમાં ગોઠવ્યા છે, એ દેવચંદ્રજી મ.સા. એ આપ્યા છે. એક અનુભૂતિવાન સદ્ગુરુ.
પહેલું ચરણ જિનગુણ-દર્શન. પરમાત્માની વિતરાગદશા જોઈ. અથવા પરમાત્માનો પ્રશમ રસ જોયો. આપણા પરમાત્મા શાંત રીતે બેઠેલા હોય એ તો દેખાય જ. કશું કરવાનું એમને નથી. હાથમાં માળા પણ આપણે આપી નથી. કશું કરવાનું નથી. સિદ્ધશિલા ઉપર ગયા. સ્વાનુભૂતિના શિખર ઉપર ગયા. માત્ર ત્યાં સ્વની અંદર સ્થિર થઈને રહેવાનું હોય છે. તો પરમાત્માના ચહેરા ઉપર એક પરમ વિતરાગદશા આપણે ઉભારતા હોઈએ છીએ.
ઓશો એ એક સરસ વાત લખેલી, કે બુદ્ધ ભગવાનની જેટલી મૂર્તિ હોય ને એમાં કરુણાને ઉભારવામાં આવે છે. બુદ્ધ ભગવાનની કોઈ પણ મૂર્તિ જોવો, એ મૂર્તિકારને કહેવામાં આવે, કે ભગવાનના ચહેરા ઉપર એકદમ કરુણા ઉપસવી જોઈએ. પણ આપણા તીર્થંકર ભગવંતોના ચહેરા ઉપર માત્ર વિતરાગદશા ઝળકશે. કારણ કરુણા પણ સાપેક્ષદશા છે, તમે આગળ જાવ છો, સ્વમાં ડૂબી જાવ છો, ત્યારે એ કરુણા પણ રહેતી નથી. કરુણા એટલે કોમળતા. તમે કઠોર છો, ત્યાં સુધી કોમળતા જરૂરી છે. કઠોરભાવ ગયો તો કોમળતા પણ ગઈ. જેમ રાગ, વૈરાગ્ય, અને વિતરાગદશા. વૈરાગ્ય સાધના અવસ્થા છે. અને વિતરાગદશા સિદ્ધાવસ્થા છે. કોઈ સાધક હશે તો વિરાગી હશે. કારણ રાગનો ખાડો છે. વૈરાગ્યની માટી તમારે નાંખવાની. જેટલો રાગનો ખાડો ઊંડો, વૈરાગ્ય વધારે તીવ્ર. સશક્ત, ધધકતો બનાવો. પણ એ વૈરાગ્યની માટી નાંખ્યા પછી જે સમથળ જમીન બની, એ વિતરાગદશા. એ વિતરાગદશામાં વૈરાગ્ય નથી. તમારી પાસે જેમ વૈરાગ્ય હોય ને હું આ ન ખાઉં, હું આમ ન પહેરું, હું આમ ન કરું. એ વૈરાગ્ય છે. મારે આ ન જોઈએ, મારે આ ન જોઈએ, મારે આ ન જોઈએ… પણ વિતરાગદશામાં કશું જ આ નથી. તો વૈરાગ્ય સાધના અવસ્થા છે. એમ બુદ્ધ ભગવાનના ચહેરામાં જે કોમળભાવ મુક્યો એ પણ સાધના અવસ્થા છે. જ્યારે પ્રભુ સ્વમાં ડૂબી ગયા, ત્યારે માત્ર ભીતર હોવાપણું છે. તમે પણ સ્વાનુભૂતિમાં ડૂબી જાવ ને માત્ર તમે ભીતર છો. બહાર કશું જ તમારું ખુલતું નથી.
તો એ પ્રભુનું એ જે દશા છે ને એ ખાલી મુખ છે ને, એને તમે જુઓ ને ખાલી જુઓ, દસ મિનિટ, પંદર મિનિટ, વીસ મિનિટ કંઈક feeling થશે. કંઈક પકડાશે. અને એ જે પ્રશમરસ તમને પકડાય, એ ઉદાસીનદશા તમને પકડાય.. કંઈ પણ પકડાય, જે પણ પકડાય… એ તમારા મનમાં ઘૂંટાવી જોઈએ. અને જિનગુણ-દર્શન પછી જિનગુણ-રૂચિનું step આપ્યું. કે એ ગુણો તમારા મનનો કબજો લઇ લે.
એક નવું જ ગીત આવેલું હોય, અને બહુ સરસ ગીત હોય, એક માણસ નીકળ્યો હોય ગામડાંની બજારમાં અને બધાના રેડિયો પરથી એ જ ગીત વાગતું હોય તો એ સાંભળતા સાંભળતા એને અંદરથી એ ગીત ફૂટવા માંડે છે. એમ આ જિનગુણ-દર્શન કરતાં કરતાં આ પ્રભુના ગુણો તમારા મનનો કબજો લઇ લે. તો આ બીજું ચરણ થયું જિનગુણ-રૂચિ. એકદમ appropriate ક્રમ આપેલો છે. લાગે આપણને કે અનુભૂતિવાન આચાર્ય તો હતા જ. પણ આપણા માટે મનોવૈજ્ઞાનિક આયામમાં ખુલ્યા છે. આપણી દશાને જોઇને આપણે જે રીતે ઉચકાઈ શકીએ એ steps એમણે આપ્યા છે.
તો રૂચિ આવી. એટલે કે એ ગુણ જ ગમ્યા કરે છે તમને, વારંવાર, વારંવાર વારંવાર..ભલે દેરાસરમાં કલાક છો તમે, પણ બીજા પાંચ-સાત-દસ કલાક એને વાગોળવામાં જાય છે. અદ્ભુત ગુણ, અદ્ભુત ગુણ, અદ્ભુત ગુણ. એટલે તમારા મનનો કબજો એ ગુણ લઇ એ છે. આ જિનગુણ-રૂચિ. અને આ રૂચિ થાય તો જ એને મેળવવાની ઝંખના આવે.
આટલું બધું શ્રવણ થયું. જ્ઞાની ગુરુ ભગવંતોએ તમને આપવામાં બાકી નથી રાખ્યું, છતાં આગળ કેમ વધાયું નહિ… એનું કારણ આ. આ ક્રમ તમારી પાસે નહોતો. સાંભળી લીધું એટલું ન ચાલે. સાંભળ્યું, note down કર્યું, અથવા record કર્યું. ફરીથી વારંવાર એને સાંભળો. Points એમાંથી નોંધો. પછી એમાંથી એક જ point ખાલી તારવી લો. પછી બધું નહિ તારવો, એક point. કોઈ પણ પ્રવચનકાર હશે ને એક જ કેન્દ્રવર્તી સુત્રોને લઈને વિસ્તાર કરશે. કોઈ પણ પ્રવચનકાર હોય, એની પાસે એક જ સૂત્ર હોય છે, અને સુત્રોના આધારે જ development આપે છે. એ મૂળભૂત સુત્રને પકડી લો. પછી એને ઘૂંટો પછી. ભલે અઠવાડિયું તમે વ્યાખ્યાન સાંભળવા નહિ જાવ ચાલશે પછી… જો આ તમે કરવાના હોય ને તો વધારે સાંભળવું નથી બીજું. આ કોર્ષ નક્કી થાય પછી બીજું સાંભળજો. તો અઠવાડિયા સુધી એને ઘૂંટો. ઘૂંટશો અને તમને થશે કે આ તો બહુ સરળ છે આમાં શું વાત છે! કારણ કે સંસાર જ તમારો અઘરો છે, સાધના તો સહેલી છે. તમારા સંસારમાં તમારે બધાને રીઝવવા નીકળવું છે. આ એ રાજી, અને એ રાજી રે… લગન દીકરીના પણ જેટલા હોય એટલા બધા રાજી થવા જોઈએ. તમારો સંસાર અઘરો છે. સાધના તો સહેલી છે. પણ આ તમે ઘૂંટો તો તમને ખ્યાલ આવે ને. એટલે એ જે તમે મૂળ point સાંભળ્યો એ તમારા મનમાં પાંચ-સાત દિવસ ઘુમરાવવો જોઈએ. અમારી તો વિવશતા છે કે તમને રોજ તમને બે-બે, ત્રણ વખત આપવું પડે છે અમારે. બાકી ખરેખર તો એક જ પ્રવચન, એક કેન્દ્રવર્તી સુત્ર અડધો કલાક-પોણો કલાક આપી દીધું, આખો દિવસ તમારે એના ઉપર જ ઊંડા ઉતરવાનું. આપણે ક્યારેક આવી શિબિર રાખીશું પાછા. તમે જ્યારે એકદમ work shopના રૂપમાં આવશો ત્યારે આપણે આ જ કરવું પડશે. કારણ કે બહુ સાંભળવાનો પણ અર્થ નથી.
મારી પાસે આવનાર સાધકોને હું વારંવાર કહું છું, બહુ વાંચો નહિ હવે… બહુ વાંચવું નથી હવે… એકાદ પાનું, બે પાનાં વાંચ્યા. બસ આંખો બંધ કરી દો. એક એમાંથી સૂત્ર તારવી લો અને અંદર ઉતરી જાવ. નહિ તો તમે શું કરશો શબ્દોનું વર્તુળ બનાવી નાંખશો. આ ગ્રંથ વાંચ્યો. આ ગ્રંથ વાંચ્યો. આ ગ્રંથ વાંચ્યો. અને વાંચીને શું કર્યું એ તો કહે… શબ્દોનું વર્તુળ તે બનાવ્યું. એટલે શબ્દોનું વર્તુળ બનાવવું નથી. વર્તુળને કોઈ ગતિ હોતી જ નથી. એમાં ગોળાકાર ફરવાનું જ હોય છે માત્ર. આપણે શબ્દ એટલો જ લેવો છે કે ચિંતન આપણું શરૂ થઇ શકે. એટલે હું શબ્દને, સ્વાધ્યાયને સ્કૂટર ને મરાતી કિક જેવી કહું છું. કિક બે-ચાર વાર લગાવી, સ્કુટર ચાલુ થયું એના ઉપર બેસ ગયા પછી… આનાથી વધારે વાંચવું પણ નથી. આનાથી વધારે સાંભળવું પણ નથી. એક point લઇ લો ચાલો પછી. આ રીતે કરશો તો શું થશે…? એ મેળવવાની ઝંખના થશે.
તમે ક્યારેક વિચાર કરો, આટલું બધું સાંભળ્યું અત્યાર સુધીમાં કેમ એ પામવાની ઈચ્છા નથી થતી… કેમ આપણે ત્યાં ને ત્યાં બેઠેલા છીએ. કારણ આ જ કે આ ક્રમ પકડાયો નહિ. તો દર્શનમાં ને શ્રવણમાં બેઉમાં ક્રમ આ છે. પ્રભુનું દર્શન કર્યું ગુણનું. એ જ ગુણ અઠવાડિયા સુધી અંદર મનમાં રમવો જોઈએ. એક પ્રવચન સાંભળ્યું, એક જ point એમાંથી લઇ લો, વધુ નહિ લો, એક જ point. અને એક point ને વારંવાર, વારંવાર, વારંવાર ઘુમરાવો.
જેમ કે આપણે સ્વાનુભૂતિના અરુણોદયમાં એક જ સૂત્ર આપેલું. પરરસથી મુક્તિ. તમે એક જ point પકડેલો હોય. પરરસથી મુક્તિ. પર વાપરવાની મને હા પાડી છે, પરદ્રવ્ય વાપરવાની, પરનો રસ કરવાની પ્રભુએ ના પાડી છે. કપડાં તો પહેરવાનાં છે મારે પણ કપડાં પર મને રાગ થાય તો ચાલી નહિ શકે.
બોલો અહીંયા કેટલો ટાઈમ બચી ગયો, બહેનોનો… સાચું કહેજો… white and white છે. તમારો સમય કેટલો બચાવ્યો બોલો અમે… અને રીશેપ્સનમાં જવાનું હોય તો… વિચારમાં ને વિચારમાં કલાકો વીતી જાય. કયું વસ્ત્ર પહેરવું… તમારે ત્યાં મજાની ઘટના શું ઘટે ખબર છે, તમને પણ ખ્યાલ નથી એનો… મને ખ્યાલ છે એનો… તમારે બધાને પોતાના કપડાં બીજાને બતાવવા છે. બધા બતાવવા માટે જ આવે છે. કોઈને જોવું છે જ નહિ. એકેયને જો હરામ તમારો ડ્રેસ જોવાનો હોય તો… એ કહે હું દેખાડવા જ આવેલો છું. હું ક્યાં જોવાનો છે…! આવી ખોટી કસરતમાં કેટલા કલાકો બગાડ્યા તમે…! કદાચ white and white ન પહેરી શકો તો પણ એક simple કલરના બસ વસ્ત્રો બસ. એકાદ કલર રાખો એક કે બે કલર રાખો જેથી કરીને ચોઈસમાં તમારો સમય વધુ જાય નહિ.
એટલે પરરસથી મુક્તિ. આ એક સૂત્ર તમે પકડ્યું હોય તો શું થાય પછી… ખાવાની હા છે પણ ખાતી વખતે મારે રાગ નથી કરવો. સાલું tasty હશે તો રાગ થઇ જશે. ચાલો એના માટે ઉપાય. એ વખતે સ્તવનની કોઈ કડી લેવાની… મનને સ્તવનની કડીમાં મૂકી દેવાનું. મન સ્તવનની કડીમાં હોય, શરીર ખાઈ લે, તો મનને યાદ જ ન હોય પાછળથી સ્મરણ કોણ કરશે?! તો જિનગુણ-દર્શન. પછી જિનગુણ-રૂચિ.
અને જિનગુણ-રૂચિ પછી ત્રીજું ચરણ શું આવે છે, જિનગુણપ્રાપ્તિની ઝંખના. હવે એમ થશે કે કે આ પ્રશમરસ તો મારી ભીતર પણ છે. અને છે જ મારી ભીતર. કારણ સત્તા રૂપે હું ને પ્રભુ બેય સરખા જ છીએ. પ્રભુમાં અનંત ગુણો ખુલ્લા થયા છે, મારામાં અનંત ગુણો ઢંકાયેલા પડ્યા છે. વાત તો એકની એક જ છે. સૂરજ અત્યારે એવો જ છે. કે જેવો પહેલા ચમકતો હતો એવો… સુરજમાં કોઈ ફેરફાર નથી. એ તો વાદળાં વચ્ચે આવ્યા છે, વાદળા જાય સુરજ એવો જ ચમકે છે. એમ મારામાં ને પ્રભુમાં સત્તા રૂપે ફેરફાર નથી. જિનસત્તા એ જ નિજ સત્તા છે. તો મારામાં પણ આ ગુણ છે. તો મારી ભીતર જે ગુણ છે એને હું કેમ ન પામું..?! એટલે આપણને ઈચ્છા થશે કે ચાલો હવે આ ગુણને મારે પામવો છે. ઉદાસીનદશાને મારે પામવી છે. અથવા પ્રશમરસને મારે પામવો છે.
પછી તમે સદ્ગુરુ પાસે જાવ ફરીથી હવે, સાહેબ પ્રશમરસ મારે જોઈએ, એકદમ મન શાંત હોય, ice pack જાણે આમ મુકેલી હોય. બોલો નિમિત્તોને કારણે તમે ગુસ્સે થાવ છો? કે તમારા હૃદયની નિર્મળતા નથી માટે ગુસ્સે થાવ છો? પેલાએ શું બોલવું એ, એ જાણે. તમારે શું લેવું એ તમે નક્કી કરો. હું ઘણીવાર કહું ખજુરની પ્રભાવના કોઈએ કરી, ઠળિયા સાથે ખજુર છે. ૧૦૦-૧૦૦ ગ્રામનું પેકેટ ભેટમાં આપ્યું. પ્રભાવનામાં હજાર જણાને આપ્યું હોય, પછી ઝઘડો કરવા કેટલા લોકો આવે એની જોડે… આવે? કેમ ખજુરમાં ઠળિયા નહોતા…! ઠળિયાવાળી ખજુર કેમ આપી..? ઝઘડો ન કરે? પણ તમે શું કરો, ખજુર-ખજુર ખાઈ જાવ, ઠળિયો ફેંકી દો. આવડે છે આટલું? તો આ જ શીખી જાવ ને… કો’કે કંઈક કહ્યું; લેવા જેવું લઇ લો, બીજું ફેંકી દો. આમાં ગુસ્સે થવાની વાત ક્યાં આવી બોલો…? આમાં ગુસ્સે થવાની વાત ક્યાં આવે છે?
એટલે તમારે તમારા પ્રશમરસને જો develop કરવો હોય તો દુનિયાનું કોઈ નિમિત્ત એવું નથી જે તમારા પ્રશમરસને તોડે. તમે જ માત્ર તમારા પ્રશમરસની ધારાને તોડનારા છે. અને આ સૂત્ર સમજી લેશો ને તો તમારી પ્રશમરસની ધારા ક્યારેય તૂટશે નહિ. એ બોલ્યો, સારું હોય એ લઇ લો. મારા માટે ઉપયોગી હોય એ લઇ લઉં, બિનઉપયોગી મૂકી દઉં. કદાચ એનું પ્રેઝન્ટેશન બરોબર નથી. એ એકદમ સ્મૂથલી બોલતા શીખેલો નથી, રફ્લી બોલે છે. તો કંઈ વાંધો નહિ. એની વાણીમાં સત્યનો જે અંશ છે એ હું લઇ લઉં. જે તમારા માટે કામનો થઇ જાય. આમાં ગુસ્સે થવાની વાત ક્યાં આવે!
તમે ગુસ્સે કેમ થાવ છો? તમે તમને સમજ્યા નથી માટે. મને આમ કહેનાર કોણ?! એટલે ‘હું’ આવી ગયો. આ અહંકાર એ તો બધા રોગોનું મૂળ છે એ તો… મને કેમ કીધું?! મને કહેનાર કોણ?! પણ હું એટલે ચૈતન્ય ઘન આત્મા, હું એટલે આનંદઘન આત્મા. તો ભાઈ કોણે કહ્યું આને…? તમારા શરીરને કહ્યું કે આનંદઘન આત્માને કહ્યું? કોને કહ્યું…? કોને કહ્યું…? તો મને ક્યાં કહ્યું છે?!
ગજસુકુમાલ મુનિએ આ જ વાત કરેલી, “પાડોશીની આગમાં જી, આપણો અળગો ગેહ” પાડોશીને ત્યાં આગ લાગી છે, મારે ત્યાં ક્યાં આગ લાગી છે! શરીર એટલે પાડોશી. ખેરના અંગારા માથામાં ભરાયેલા છે, શું કહે છે, “પાડોશીની આગમાં જી, આપણો અળગો ગેહ” આપણા ઘરમાં કંઈ નથી. આપણા ઘરમાં મજા છે.
તો પ્રશમરસને પામવાની એક ઝંખના થાય છે. અને ઝંખના થશે તો જ તમે સદ્ગુરુઓ પાસે ફરીથી આવશો. એ આવશો એ સાચી રૂપે આવશો. અત્યાર સુધી આવ્યા ને, કદાચ પરંપરાને કારણે આવ્યા. મ.સા.જોડે જવું જોઈએ, પ્રવચન સાંભળવું જોઈએ. એટલે એમાં ય આ બધા અગ્રણી માણસો હોય ને એમને તો એવું થાય મ.સા. ને લાવ્યા ચોમાસું આપણે ન જઈએ તો સંઘનું કેવું લાગે પાછું? પરોપકારી માણસો. સંઘ માટે આવી જાય. એટલે પરંપરાથી આવ્યા. કાં તો પ્રવચનકાર મહાત્મા બહુ જ સરસ છે. એટલું મજાનું બોલે છે, ચાલો જઈ આવીએ, મજા આવશે થોડી… ખરેખર સદ્ગુરુ પાસે જે જ્ઞાન લેવા જવાનું છે… એ જ્ઞાન લેવા તમે આવ્યા જ નથી. આ ત્રીજું ચરણ ન મળે ત્યાં સુધી સદ્ગુરુ પાસે વાસ્તવિક રૂપે અવાય જ નહિ.
તો પ્રભુનો પ્રશમરસ જોયો, એ મનની અંદર જે છે એ સતત, સતત સતત ઘૂંટાયો. હવે એની ઈચ્છા થાય છે, મનમાં ઘૂંટાશે ને પછી તો તમે ભુલી જ જવાના છો. એ પ્રશમરસ જોયો, પાછા તમારી દુનિયામાં આવ્યા. પ્રશમરસ છૂ પાછો. પણ મનમાં જો ઘૂંટાશે અઠવાડિયું દસ દિવસ. રોજ ભગવાન પાસે આવો સવાર-સાંજ એ જ પ્રશમરસને જોવો. પછી એક જ ગુણને જોવો. પછી બીજા ગુણને જોવાની કોશિશ નહિ કરતાં. એક જ ગુણ જોવો, અને એ મનમાં એકદમ જે છે એ છવાઈ જાય, પછી તમને થશે કે આનું નાનકડું edition તો અત્યારે મને મળવું જ જોઈએ. ભલે પ્રભુની પાસે પ્રશમરસનો સાગર છે, પણ મારી પાસે પણ એ પ્રશમરસનું ઝરણું તો જોઈએ જ. આ ઈચ્છા થઇ. પણ આ ઇચ્છાથી પણ પ્રાપ્તિ થવાની ના પાડે છે. જિનગુણપ્રાપ્તિની ઝંખના ત્રીજું ચરણ, પછી ત્રીજા ચરણ પછી તરત સ્પર્શની વાત નથી કરતાં. ચોથું ચરણ આપે છે, જિનગુણપ્રાપ્તિની તીવ્ર ઝંખના. સામાન્ય ઇચ્છાથી પ્રાપ્તિ થતી નથી. ઝંખના તમારું અસ્તિત્વ બની જાય. એ ઝંખના સિવાય બીજી બધી જ ઇચ્છાઓ ખતમ થયેલી હોય, ત્યારે એ તીવ્ર ઝંખના કહેવાય.
કોઈ છોકરો ઉત્તર ગુજરાતના ગામડામાંથી મુંબઈ આવે, ડાઈમંડમાં કે બીજી લાઈનમાં જવા માટે, પછી એ ક્યાંક ભાડાની રૂમમાં રહે, ૫-૧૦ છોકરાઓ જોડે, ક્યાંકથી ટીફીન મંગાવીને ખાઈ પણ લે, પણ એનું આખું જ ધ્યાન ક્યાં છે? બરોબર શીખવું છે, ને પૈસા કમાવવા છે. માત્ર પૈસા કમાવવાની ઝંખના, એક જ ઝંખના. એ મુંબઈ આવી ગયો. રહેવાનું ઠેકાણું પડતું નથી. દસ જણા વચ્ચે નાનકડી ખોલીમાં રહેવાનું છે. એક બાથરૂમ છે દસ જણા વચ્ચે. ઘરે બહુ વિશાળ ઘર હતું, એ મુકીને આવ્યો છું, ખાવાનું ઘરે એની માં બનાવીને આપતી, ગરમાગરમ.. એ નથી. ટીફીનનું ગમે તેવું ખાવું પડે છે. પણ એની ઝંખના માત્ર એક છે પૈસા કમાવવા છે. એટલે પૂરું મન એક ઝંખનામાં આવી ગયું.
કબીરજીએ એક બહુ સરસ વાત લખી છે, કે ચાલો સદ્ગુરુ પાસે તમે ગયા. સાંભળવાની ઈચ્છા છે એવું તમે માનો છો. પણ ખરેખર શ્રવણ રૂચિ ક્યારે કહેવાય. જો શ્રવણ યોગ ક્યારે કહેવાય? એટલું સરસ પદ એમને આપ્યું, ‘સબ તન ભયે શ્રવણ’ કબીરજી કહે છે, ‘સબ તન ભયે શ્રવણ’ તમારું આખું શરીર કાન બની જાય. ત્યારે શ્રવણ યોગ આવેલો કહેવાય. ત્યારે શ્રવણની રૂચિ આવેલી કહેવાય. મતલબ કે ખાવું પડ્યું તો ખાઈ લીધું. રસ એમાં નથી. ક્યારે સદ્ગુરુનું પ્રવચન છે? ક્યારે હું જલ્દી જલ્દી પહોંચી જાઉં. ‘સબ તન ભયે શ્રવણ’ પૂરું શરીર, પૂરું અસ્તિત્વ કાનમાં આવી ગયું છે.
એમ પૂરું અસ્તિત્વ ઝંખનામાં આવે ત્યારે તીવ્ર ઝંખના કહેવાય. અને એ તીવ્ર ઝંખના આવે, તો પછી પ્રાપ્તિ વચ્ચે પછી અવરોધ કોઈ નથી. તીવ્ર ઝંખના અને પ્રાપ્તિ વચ્ચે કોઈ અવરોધ નથી.
એટલે જિનગુણ-દર્શન પહેલું ચરણ, જિનગુણ-રૂચિ બીજું ચરણ, જિનગુણ પ્રાપ્તિની ઝંખના ત્રીજું ચરણ, જિનગુણ પ્રાપ્તિની તીવ્ર ઝંખના ચોથું ચરણ અને પાંચમાં ચરણે જિનગુણ સ્પર્શ. હવે એ પ્રભુનો જે પ્રશમરસ છે એની અનુભૂતિ તમને થશે. કારણ કે તમારી ભીતર જે પ્રશમરસ છે, એનું સંવેદન, એનો અનુભવ તમે કરી શકશો.
તો દેવચંદ્રજી મહારાજ અનુભૂતિવાન ગુરુ છે. અને એટલે આખો અનુભૂતિનો માર્ગ બતાવે છે. તો આપણે ત્રણ તબક્કા મૂળ જોયેલા. અને એના માટે સપ્તપદીની સાધના આપણે જોતા હતા. ત્રણ ચરણોમાં પહેલું ચરણ હતું, સ્વાનુભૂતિનો અરુણોદય. એનું ચરણ હતું પરરસથી મુક્તિ. બીજું ચરણ આવ્યું, સ્વાનુભૂતિનો સૂર્યોદય. એમાં આ પાંચ ચરણ આવ્યા. જિનગુણ-દર્શન, જિનગુણ-રૂચિ, જિનગુણ પ્રાપ્તિની ઝંખના, જિનગુણ પ્રાપ્તિની તીવ્ર ઝંખના, અને જિનગુણ સ્પર્શ.
અને હવે ત્રીજું જે ચરણ છે સ્વાનુભૂતિનો મધ્યાહ્ન. એમાં જિનગુણ અનુભૂતિ થાય છે. અહીંયા આપણે સ્વાનુભૂતિના સુર્યોદયમાં જિનગુણ સ્પર્શ કહીએ છીએ. અને સાતમાં ચરણમાં એટલે કે સ્વાનુભૂતિના મધ્યાહ્નમાં જિનગુણનો અનુભવ, નિજગુણનો અનુભવ. તો સ્પર્શ અને અનુભૂતિમાં કયો ફરક તમને સમજાવું, સ્પર્શ એટલે સામાન્ય અનુભૂતિ. અલપ-ઝલપ અનુભૂતિ. અને અનુભૂતિ એટલે પુરેપુરા અનુભવમાં તમે ડૂબી ગયા.
દાખલા તરીકે પ્રભાસ પાટણ ગયેલો હોય કોઈ, એટલે સ્વામીનાથના દરિયાકિનારે બેંચ પર બેઠેલો છે, ભરતીનો સમય છે ને પાણીના મોજાં આવે છે. અને પાણીના મોજાં એના ખુલ્લા પગને અડે છે તો ઠંડું પાણીનો સ્પર્શ એને મળે છે. પણ એ વખતે કદાચ સૂર્ય મધ્યાહ્ને હોય અને થોડી ગરમી હોય તો એનું શરીર થોડું તાપમાં પણ હોઈ શકે. પણ નીચે ઠંડક છે, તો શું થયું… શીતલતા નો સ્પર્શ મળ્યો. એ જ માણસ દરિયામાં ડૂબકી લગાઈ દે તો? એનું સંપૂર્ણ અસ્તિત્વ જે છે એ એની અંદર શીતલતાના રંગે રંગાઈ ગયું.
એમ સપ્તપદી ના છટ્ઠા ચરણે જિનગુણ સ્પર્શ દ્વારા નિજગુણનો સ્પર્શ થાય એટલે અલપ-ઝલપ અનુભૂતિ થાય, અને સાતમા ચરણમાં એટલે કે સ્વાનુભૂતિના મધ્યાહ્નમાં જિનગુણની અનુભૂતિ થાય છે. તો અરુણોદયમાં શું હતું, પરરસની મુક્તિ, સૂર્યોદયને આપણે બરોબર ખોલીને જોઈ લીધો. મધ્યાહ્નમાં શું હોય છે, કે એ જ સ્વાનુભૂતિ જે છે એમાં ઉદાસીનદશા ઉમેરાય છે. ચોથા ગુણઠાણે જે સ્વાનુભૂતિ હોય તમારી પાસે એમાં તમે શ્રદ્ધાને મામલે ચોક્કસ હોવ છો. પણ ક્યારેક એવું બને છે, કે ચારિત્ર મોહનીયનો ક્ષયોપશમ ન હોય એના કારણે મોહમાં તમે ખેંચાઈ પણ જાવ. એટલે પાંચમાં ગુણઠાણે, છટ્ઠા ગુણઠાણે, સાતમા ગુણઠાણે જેમ-જેમ ચારિત્ર મોહનીયનો ક્ષયોપશમ થતો જાય, તેમ ઉદાસીનદશા આવતી જાય. અને એ ઉદાસીનદશા જ્યારે આ સ્વાનુભૂતિમાં મળે ત્યારે સ્વાનુભૂતિ પ્રગાઢ બની જાય. આ રીતે ત્રણ ચરણો આપણી પાસે હતા. અને સપ્તપદીની સાધના આપણી પાસે હતી. એનો સ્વાધ્યાય આપણે કર્યો.
આવતી કાલે આપણું મંત્ર દીક્ષાનું સેશન છે. સાડા નવ વાગે એટલે એ વખતે મંત્ર દીક્ષા એટલે શું? મંત્ર દ્વારા શું થાય, એ બધી વાતો કહેવામાં આવશે. અત્યારે એક મેગેઝીનનો, સામાયિકનો બીજો અંક જે છે એનું વિવેચન થઇ રહ્યું છે. એ સામાયિકનું નામ છે પરાવાણી. આપણા પૂર્વ પુરુષોએ જે પરાવાણી આપણને આપી છે એ પરાવાણીનો એમાં સંગ્રહ થયો છે, અને આજના બહુ સારા ચિંતકોએ પણ એ પરાવાણીને ઉદ્દેશીને જે કંઈ લખ્યું છે, એ બધું એમાં સંગ્રહિત થયું છે. અને એ પરાવાણી તમારા ટેબલ ઉપર હોય તો તમે સતત સ્વાધ્યાય દ્વારા પણ તમારી ભીતર જઈ શકો એમ છો. એવી વ્યવસ્થા બહુ સરસ રીતે ગોઠવાઈ ગઈ છે. અને તમારા ઘર સુધી એ સામાયિક આવી શકે એવી વ્યવસ્થા વ્યવસ્થાપકોએ કરી છે. Practical ચાલુ.