વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત
Subject: સાધનાના પાંચ ચરણો
સાક્ષીભાવ અને સમર્પિતતાને ભીતર ઊતારવા માટેના પાંચ ચરણો: પહેલું ચરણ : સમર્પણ. બીજુ ચરણ : સાક્ષીભાવના સૂત્રોનો સ્વાધ્યાય. ત્રીજું ચરણ : સમર્પણ. ચોથું ચરણ : સાક્ષીભાવના સૂત્રોનું આત્મસાત કરવાપણું. અને ફરી પાંચમું ચરણ છે : સમર્પણ.
અલગ અલગ ચરણે સમર્પણના અલગ અલગ પ્રકારો છે. પહેલા ચરણમાં સમર્પણ દર્શનમોહનીયના ક્ષયોપક્ષમનું છે. પ્રભુ પરની એક શ્રદ્ધા… કે મારા ભગવાને કહ્યું છે એ રીતે મારે કરવું જોઈએ. સમર્પણની આવી ભીનાશ વિના, પ્રભુ પ્રત્યેની શ્રદ્ધા વિના સાક્ષીભાવના સૂત્રોનો અભ્યાસ પણ અશક્ય છે.
બીજા ચરણે સાક્ષીભાવના સૂત્રોનું અધ્યયન. સમર્પણનું પહેલું ચરણ આવ્યા પછી તમને લાગે કે કેવળજ્ઞાની બનેલા અને વીતરાગતાની ટોચ ઉપર રહેલા મારા પ્રભુએ આટલું બધું સરસ મારા માટે કહ્યું છે! આવી શ્રદ્ધા સાથે સાક્ષીભાવના સૂત્ર જયારે તમે વાંચશો ત્યારે તમને થશે કે મારા પ્રભુની આ વાત મારે મારા જીવનમાં ઊતારવી જ છે. આવી રીતે મેળવેલા સૂત્રોનો અભ્યાસ જ હૃદયસ્પર્શી બની શકશે.
મૌન ધ્યાન સાધના શિબિર ૦૯ – પાલીતાણા – વાચના – ૪
દેવાધિદેવ પરમતારક શત્રુંજય તીર્થાધિપતિ શ્રી ઋષભદેવ પ્રભુના ચરણોમાં વંદના.
સદ્ગુરુ પૂજ્યપાદ અરવિંદસૂરી દાદાના ચરણોમાં વંદના.
સ્વાનુભૂતિ આપણું લક્ષ્યાંક. Ultimate goal. એને પામવા માટે બે ચરણોની વાત દેવચંદ્રજી ભગવંતે નવમાં સ્તવનમાં કરી- સાક્ષીભાવ અને સમર્પિતતા.
એક પ્રોપર ક્રમ આજે તમને સમજાવું, કે સાક્ષીભાવ અને સમર્પિતતાને ભીતર કઈ રીતે ઉતારવી. પાંચ ચરણો છે. તત્વ બે જ છે, સાક્ષીભાવ અને સમર્પણ. પણ એના પાંચ ચરણો છે. પહેલું ચરણ- સમર્પણ, બીજુ ચરણ- સાક્ષીભાવના સુત્રોનો સ્વાધ્યાય, ત્રીજું ચરણ- સમર્પણ, ચોથું ચરણ- સાક્ષીભાવના સુત્રોનું આત્મસાત કરવાપણું અને પાંચમું ચરણ છે પાછું સમર્પણ.
એકદમ પ્રેક્ટીકલ વે છે આ. અને આ માર્ગ પર તમે ચાલી શકો એમ છો. ચાલવું છે ને? કે દોડવું છે? ચાલવું છે કે દોડવું છે?
પહેલું ચરણ સમર્પણ. સમર્પણની ભીનાશ વિના, પ્રભુ પ્રત્યેની એક મજાની શ્રદ્ધા વિના, સાક્ષીભાવના સુત્રોનો અભ્યાસ પણ અશક્ય છે. મેં અને તમે વર્ષો સુધી સાક્ષીભાવને સશક્ત કરનારા સુત્રો વાંચ્યા. આપણી ભીતર કંઇ પહોંચ્યું નહિ. આચારાંગસૂત્ર ગોખનારા તમારા પૈકીના ઘણા બધા. ભગવાને સાક્ષીભાવનું એક સરસ સૂત્ર આચારાંગસૂત્રમાં આપ્યું. ‘पडीलेहाए णावकंखति एस अणगारेत्ति वुच्चइ’. પ્રભુને પૂછવામાં આવે છે કે પ્રભુ તમારો સાધક કોણ? અણગાર કોણ? પ્રભુ એમ નથી કહેતા કે જેણે ઘર છોડ્યું એ અણગાર. ના. પ્રભુની વ્યાખ્યા આખી જુદી છે; ‘એસ एस अणगारेत्ति वुच्चइ’. પણ કોણ? બે શબ્દ આવ્યા છે: ‘पडीलेहाए णावकंखति एस अणगारेत्ति वुच्चइ- મનનું પ્રતીલેખન કરો. આત્મનિરીક્ષણ કરો. દોષો જે દેખાય એ તમને ન ગમે તમે સાધુ છો, તમે સાધક છો. આંતર નિરીક્ષણ કરો. દોષો પકડાશે. આંતર નિરીક્ષણ વિના દોષો પકડાશે નહિ. ભગવાને બહુ જ સરસ શબ્દ વાપર્યો, ‘પડિલેહાએ’. તમે જયારે આવેગની ક્ષણોમાં હશો ને ત્યારે આવેગ પર સવાર થઈ જ જવાના છો. કોઈકે કંઇક કહ્યું, તમે સાવધાન નથી, જાગૃત નથી તો ગુસ્સો તમને આવી જ જવાનો છે. અને ગુસ્સામાં તમે જેમ-તેમ બોલી પણ નાંખવાના છો. પણ રાતની નિરવ શાંતિમાં તમારી જાત જોડે તમે બેસો, આંતર નિરીક્ષણ કરો. કે શું આ રીતે કહેવું જરૂરી હતું? હું આટલું ગુસ્સાથી એની જોડે બોલ્યો એના બદલે પ્રેમથી એને કહ્યું હોત કે ભાઈ આને બદલે આમ કર્યું હોત તો કેવું સારું? તો એને વધુ અસર ન થાત?! આ તો એના દિલને મેં તોડી જ નાંખ્યું; અને ખરેખર કામ તો કંઇ થયું પણ નહિ. પેલું એના હૃદયને પ્રેમ આપી શકાય અને કામ કરાવી શકાત. આ આંતર નિરીક્ષણ તમે કરો ત્યારે તમારો ક્રોધ તમને દેખાય; કે તમે બિનજરૂરી ક્રોધ કર્યો છે. અને જરૂરી ક્રોધ તો ક્યારેય હોતો જ નથી! ક્રોધ પણ જરૂરી છે એવી માન્યતા ભ્રમણા જ છે. ગુરુ ગુસ્સે થાય પણ ગુરુ પાસે ક્રોધ નથી. પુણ્યપ્રકોપ છે. ગુરુ પોતે ઠંડા જ હોય છે. શિષ્યને જરૂરી છે માટે કંઇક ગરમ વચનો કહી દે છે. ગુરુ પોતે ઠંડા જ છે. એટલે ક્રોધ જરૂરી ક્યારેય પણ હોતો નથી. આ તો તમે છે ને તમારાં ક્રોધને વ્યાજબી ઠેરવવા માટે ક્યારેક ક્રોધને જરૂરી તરીકે દેખાડો છો. અને તમે કરો એ ખરાબ હોઈ શકે?! કૃષ્ણ કરે તે લીલા.! બીજો ક્રોધ કરે તો ખરાબ કહેવાય; મેં ક્રોધ કર્યો, એ જરૂરી હતો, કહે છે?! ક્રોધ જરૂરી ક્યારેય પણ ના હોય.
હવેના યુગમાં તો તમારાં કર્મચારીઓ પ્રત્યે પણ તમે ગુસ્સે થાઓ. કર્મચારીઓને ગમતું નથી. એ પણ સ્વાભિમાની માણસ છે. એ કહે તું નહિ તો તારો બીજો કોઈ ભાઈ, શેઠ ગોતી લઈશું. આવો શેઠ નહિ ચાલે મારે. રફ ભાષા બોલનાર માણસ એના કર્મચારીઓને પણ પસંદ નથી. આંતર-નિરીક્ષણ કરો, ક્રોધ પકડાશે. ક્રોધ પકડાયા પછી એ ન ગમે- એ ડંખે તો તમે સાધક. વાત એ છે બીજાનો ક્રોધ તમને ખુંચે જ છે. કોઈની જોડે વાત કરવાની હોય ને કોઈ કહે કે આની જોડે વાત કરી આવો ને. શું વાત કરે આની જોડે? સાલો ક્રોધી માણસ છે! અહંકારનું પુતળું છે! એની જોડે શું વાત કરે? એટલે બીજાનો ક્રોધ તમને ખુંચે છે બરોબર? આંતર-નિરીક્ષણ કરો. તમારો ક્રોધ પકડાય, તમને ખૂંચશે બોલો? આજે ટ્રાય કરી જુઓ.
જે – જે દોષો તમારી ભીતરમાં ઉત્પન્ન થાય છે, એ દોષોનો ખ્યાલ એ વખતે નહિ આવે પાછો. તમે એટલાં જાગૃત નથી કે એ જ વખતે તમને ખ્યાલ આવી જાય અને એ વખતે તમે એને તમે રોકી શકો. પણ આંતર-નિરીક્ષણની પળમાં તો એ સમજાઈ જશે. અહંકાર કરી નાંખ્યો. પછી તમે બુદ્ધિમાન માણસ છો, વિચાર કરી લો; અહંકારથી શું થાય? આ જે બૌદ્ધિક માણસો છે એ બધા, તમારા અહંકારને બરાબર સમજતા હોય છે. તમારી પાછળ એ જ કહેતા હોય સાલું અહંકારનું પુતળું છે, કંઇ જ નથી આ. એની બદલે નિરહંકારતાનો ભાવ હોત તો? આ રીતે આંતર નિરીક્ષણ કરીને દોષોને પકડો; દોષોને પકડ્યા પછી પોતાના એ દોષો જેને ખટકે એ સાધક. ‘पडीलेहाए णावकंखति एस अणगारेत्ति वुच्चइ’ બોલો આ જ સૂત્ર મેં અને તમે ઘણીવાર ગોખ્યું છે. થયું શું? આ ક્રમ નહિ પકડાયો.! સાક્ષીભાવનું સરસ સૂત્ર છે આ. એની પહેલા જે ભીનાશ જોઈતી હતી. એ ભીનાશ નહિ આવી.!
મેં આચારાંગસુત્રનો સ્વાધ્યાય લગભગ ૩૦ થી ૩૫ વરસ લગાતાર કર્યો છે. અને એમાં છેલ્લાં વર્ષોમાં તો એવી હાલત હતી કે આચારાંગજી ને હાથમાં લઈને બેસું અને આંખમાંથી આંસુનો ધોધ વહે.! એક-એક સૂત્ર એવું હોય એમ લાગે કે પ્રભુએ પર્સનલી ફોર મી કહ્યું છે. ઓહો મારા ભગવાન મારા માટે આટલી બધી પ્યારી વાતો કરી રહ્યા છે.! મારી આંખમાંથી આંસુ ઝરી જાય. ભગવાને છે ને આચારાંગજી માં બે કામ કર્યા છે; અનુગ્રહ કૃપા પણ વરસાવી છે, નિગ્રહ કૃપા પણ વરસાવી છે. ઘણીવાર અનુગ્રહ કૃપા વરસાવી. એક સૂત્રમાં પ્રભુ કહે છે, ‘अणाणाए एगे सोवट्ठाणा, आणाए एगे णिरुवट्ठाणा, एयं ते मा होउ’. કેટલાક સાધકો આનાજ્ઞામાં ઉપયોગશીલ છે. કેટલાક સાધકો આજ્ઞામાં હતોત્સાહ છે. પણ એ બીજા માટે, તારા માટે નહિ! ‘एयं ते मा होउ’; તું આવો નથી! કારણ? You are my beloved one. તું મારો પ્રીતિપાત્ર છે.! આ રીતે ભગવાને અનુગ્રહકૃપા વરસાવી. પોતાનો પ્રેમ બતાવ્યો. અને ક્યારેક પ્રભુએ લાલ આંખો પણ કરી છે. ‘पमत्ते बहिया पास’ ‘पमत्ते बहिया पास’ તું પ્રમાદી છે. Get out! બહાર નીકળી જા.!
ધમ્મપદમાં બુદ્ધને પૂછવામાં આવ્યું કે તમે શ્રમણની વ્યાખ્યા શું કરો છો? બુદ્ધ એક મોટા ગુરુ. કારણ કે સેંકડો-હજારો શિષ્યો હતા. તો બુદ્ધને પૂછવામાં આવ્યું કે તમે શ્રમણની વ્યાખ્યા શું કરો છો? ધમ્મપદ બૌદ્ધ ત્રીપેટકોમાં આગળ પડતો ગ્રંથ છે. જેમ આપણે ત્યાં ઉત્તરાધ્યયન, આચારાંગ છે એ રીતે. એમાં બુદ્ધ કહે છે, ‘समणो नत्थि बाहिरे’. ‘समणो नत्थि बाहिरे’. પાલી ભાષામાં છે. જે બહાર હોય તે શ્રમણ નહિ; ભીતર હોય તે શ્રમણ. શ્રમણને અને બાહરી દુનિયા સાથે શું લેવા-દેવા? તમે શ્રમણ છો; તમારી ભીતર ઉતરવાનું છે. ‘समणो नत्थि बाहिरे’. એ જ વાત પ્રભુએ અહિયાં કહી, આચારાંગજી. ‘पमत्ते बहिया पास’ તું પ્રમાદી છે, તું પરમાં જાય છે; તો મારા શાસનમાંથી, મારા શ્રામણ્યમાંથી તું બહાર.! પ્રમાદીનો અર્થ ઊંઘનાર એવો નહિ કરવાનો. પરમાં ગયા ને પ્રમાદી થઈ ગયા. સ્વમાં રહો તો અપ્રમત્ત; પરમાં રહો તો પ્રમત્ત. એનો કોઈ અર્થ જ નથી ને.! તો ભગવાને નિગ્રહ કૃપા પણ વરસાવી છે આચારાંગજીમાં! એ આચારાંગજી સુત્રોને રડતી આંખે કેટલી વાર મેં જોયેલી છે. અને એક-એક સુત્રને જોઉં અને આંખમાંથી આંસુ ઝરે, વાહ! મારા ભગવાને મારા માટે આટલી સરસ વાતો કરી.! એવી જ વાત અહિયાં આવે, ‘पमत्ते बहिया पास’ અને એ જ વાત અહિયાં સાક્ષી સૂત્રમાં કહે છે: ‘पडीलेहाए णावकंखति एस अणगारेत्ति वुच्चइ’
એક ઝેન કથા તમને કહું. એક શિષ્ય ક્યાંક બહાર જવાનો હતો, સંક્રમણ માટે. ગુરુ પાસે આવ્યો. ગુરુની આજ્ઞા લીધી, ત્યારે ગુરુ કહે છે, તું એક કામ કરજે, સાહેબ બોલો શું કરવાનું છે? તો તારો જે વિહાર પદ છે ને એ તો નક્કી જ છે. બીજા દિવસે સાંજે તું એક રેલ્વેસ્ટેશન પાસેની ધર્મશાળામાં જઈશ. એ stop જ છે તારે, તો એ ધર્મશાળામાં જયારે જાય અને ત્યાં રાતવાસો તું રહે, ત્યારે ધર્મશાળાના મુનીમને જોજે. એ મુનીમ પહોંચેલો માણસ છે. અંદર ઉતરેલો માણસ છે. એટલે એના ક્રિયા – કલાપ ને તું જોજે.
સુફી સંતોની વાત કરું તમને. એ સુફી સંત હોય, ઊંડા ઉતરેલા હોય. અને એ જૂત્તા સીવવાનું કામ કરતા હોય. ખબર જ ના પડે કે ઊંડો ઉતરેલો માણસ છે. બીજા કોઈ ગુરુ કોઈ શિષ્યને કહે કે તું જા એમની પાસે, એમની પાસે જ્ઞાન લઇ લે. પેલો જૂત્તા સીવી રહ્યો છે. ખાલી લાકડાનું બોક્ષ બાજુમાં છે. ફૂટપાથ પર બેસેલો છે. પેલો શિષ્ય જાય. ગુરુદેવ-ગુરુદેવ-ગુરુદેવ કૃપા કરો. શું કૃપા કરે? ભાગી જા. એક મહિના સુધી પેલો માણસ ટકે. એ એની આજુબાજુનો કચરો સાફ કરે. એના માટે પાણી ભરીને આવે. એના માટે રસોઈ કરીને આવે. એક મહિના સુધી એવી રીતે રહે. અને પેલાને લાગે કે ખરેખરો સાધક છે તો એક મહિના પછી એક રાત્રે એવું જ્ઞાન આપી દે; પેલાના જિંદગીના તાળા ખૂલી જાય! એ સુફી સંતો ઊંડા ઉતરેલા હોય; બહારથી તમને ખબર જ ના હોય.
તો ગુરુ કહે છે કે આ ધર્મશાળાનો મુનીમ ઊંડો ઉતરેલો માણસ છે. અને તું રાતવાસો કરે ને ત્યારે એના ક્રિયા-કલાપને જોજે. શિષ્યએ કહ્યું તહત્તિ. કારણ કે શિષ્યને પણ રસ હતો, કોઈ પણ ઊંડો ઉતરેલો માણસ હોય એને જોવો. ત્રીજી સાંજે બરોબર એનું એ રેલ્વે સ્ટેશન આવ્યું. બાજુમાં ધર્મશાળા હતી. ત્યાં ગયો. મુનીમે આદર સત્કાર કર્યો. કારણ કે ભિક્ષુકો માટે તો છૂટ જ હતી બધી. એક રૂમ ખોલી આપી. પૂછ્યું, સંત તમે કંઇક લેશો? દૂધ, ચા, નાસ્તો, ખીચડી કે એવું કંઇક લેશો. ભિક્ષુકે કહ્યું કે ના બપોરે હું જામ્યો છું. હું એક જ ટાઇમ જમું છું. સાંજે કંઇ મારે જમવાનું નથી. સારું. શિષ્ય એની રૂમમાં ગયો. અને નજર એની મુનિ તરફ છે. મુનિમ શું કરે છે? ૭-૮ વાગ્યા સુધી જેમ પેસેન્જર આવતા ગયા. રૂમ આપતો ગયો. લખતો ગયો. ડીપોઝીટ લેતો ગયો. આઠ વાગે એણે ખીચડી ખાધી. ખીચડી ખાઈ લીધી; તપેલુ-બપેલુ સાફ કરી નાંખ્યું. તપેલું બિલકુલ સાફ કરીને લાકડાના કબાટમાં મૂકી દીધું. પછી સુઈ ગયો. શિષ્ય વિચાર કરવા લાગ્યો કે સાલું આમાં કંઇ મળ્યું નહિ મને.! કંઇ સાધનાનો કલુ આમાં મળતી નથી મને. કંઇ વાંધો નહિ સવારે.
શિષ્ય સવારે ચાર વાગે જાગી ગયો. એ તો આમેય જાગનારો હતો. જાગ્યો. સાડા ચાર- પોણા પાંચ વાગે મુનીમજી ઉઠ્યા. બીજું કંઇ ન કર્યું. પ્રાર્થના કરી અને સ્નાન વિગેરે કર્યું. છ વાગે દૂધ વાળો આવ્યો. મુનીમજીએ કબાટમાંથી તપેલી કાઢી. પાણીથી સાફ કર્યું. અને એમાં દૂધ લીધું. દૂધ ગરમ કર્યું. ભિક્ષુકને આમંત્રણ આપ્યું. ગરમ-ગરમ દૂધ છે, થોડું લેશો? તો કહે, ના હું તો એક જ ટાઇમ જમું છું. સારું. અને ભિક્ષુક ત્યાંથી રવાના થયો. એ પોતાના પેલા ગામે પણ જઈ આવ્યો, વળતાં ગુરુ પાસે પણ આવ્યો. અને જ્યાં ગુરુ પાસે આવ્યો. તરત ગુરુએ પૂછ્યું, પેલી ધર્મશાળાના મુનીમને જોયેલો તે બરોબર? ભિક્ષુક કહે સાહેબ મેં જોયેલો. આપે કહેલું એટલે બરોબર મેં ધ્યાન રાખેલું. પણ મને એના કાર્ય-કલાપમાંથી કોઈ સાધનાનું કલુ મળતી નથી. ગુરુ કહે, શું જોયું બોલ? એણે બધી વાત કરી આ પ્રમાણે તપેલું સાફ કરીને કબાટમાં મુકીને સુઈ ગયો. સવારે ઉઠીને પાછું તપેલું પાણીથી ધોયું અને દૂધ લીધું. ગુરુ કહે, બસ આ જ મોટી સાધનાની કલુ હતી.! તું ચુકી ગયો.!
એણે રાત્રે આઠ વાગે તપેલું ધોઈને સાફ કરેલું, પછી કબાટમાં મુકેલું. રૂમમાં કબાટ, કબાટમાં તપેલું. છતાં સવારે દૂધ લેવું છે તો સીધું એ તપેલીમાં ન લીધું. એ તપેલી ધોઈને પછી લીધું. તું સમજ્યો કંઇ? રૂમમાં પણ રજકણ પ્રવેશી શકે. લાકડાનું કબાટ હતું. એની અંદર તિરાડમાંથી રજકણ પ્રવેશી શકે. અને રજકણ પ્રવેશી શકે એની સંભાવના હોય તો રજકણવાળી તપેલીમાં દૂધ લઇ શકાય નહિ. એટલે એણે રજકણવાળી તપેલી ધોઈ નાંખી. એ જ રીતે તમારું મન, તમારું ચિત્ત જ્યાં સુધી શુદ્ધ ન હોય તમે આ પ્રભુનું દૂધ, પ્રભુની શુદ્ધતાને શી રીતે લઇ શકો? એટલે તારે પણ સતત તારા ચિત્તને સાફ કરતા રહેવું જોઈએ. આ કલુ સાધનાની તને મળે એમ હતી. તું ચુકી ગયો. હવે મેળવી લે.
તો સતત-સતત-સતત આપણે આપણા ચિત્તને નિર્મળ કરતા રહેવું જોઈએ. અને એના માટેની વાત પ્રભુએ આપણને બતાવી. ‘पडीलेहाए णावकंखति एस अणगारेत्ति वुच्चइ’ તમારાં માટે પણ આ વાત લાગુ પડે છે. આમ અમારા માટે છે. પણ ભગવાને તમને પણ લઇ લીધા છે.! ‘पडीलेहाए णावकंखति’ આંતર-નિરીક્ષણ કરો, દોષ જુઓ, દોષ ખટકે તમે સાધક બની ગયા! જુઓ, કેટલી સહેલી વાત છે.! આમાં અઘરું છે કંઇ? એટલે તો હું કહું છું; it is so easy.! બહુ સરળ છે; અઘરું છે જ નહિ આમાં કંઇ.! આંતર-નિરીક્ષણ કરો તો દોષ પકડાય બરોબર.? અને દોષ પકડાય ને દોષ ન ખુંચે એવું બનશે? તો ક્યાં ગરબડ ક્યાં થઈ? દોષ પકડાશે જ ખરો? ક્રોધ કર્યો એમ લાગશે. પણ જો અહંકાર ભળશે ને ત્યાં તો અહંકાર કહેશે તે ક્રોધ કર્યો તે બરાબર કર્યો; એટલે અહંકારને તમારે શિથિલ બનાવવો પડશે. અને તો જ તમારુ આંતર-નિરીક્ષણ સાચું બનશે. એટલે આંતર-નિરીક્ષણ કર્યું, દોષો પકડાયા, દોષો ખટક્યા. તમે સાધક બની ગયા.
અને પછીનું સૂત્ર દેવચંદ્રજી મહારાજે સુમતિનાથ ભગવાનના સ્તવનમાં, ‘દોષથી ઉભગ્યો, દોષ ત્યાગે’. જે ક્ષણે દોષો તમને ખટક્યા, એ જ ક્ષણે દોષો ગયા.! દોષો કેમ રહ્યા છે? ખટક્યા નથી માટે! કયો દોષ ખટક્યો બોલો? કયા દોષ માટે તમે ધ્રુસકે-ધ્રુસકે પ્રભુની પાસે રડ્યા? નાસ્તો કરીને ગયા. ચા ટેસ્ટી હતી અને આસક્તિ થઈ ગઈ. પછી પ્રભુની પાસે જઈ ધ્રુસકે-ધ્રુસકે તમે રડ્યા? કે પ્રભુ આસક્તિ કેમ મને આવી ગઈ? મારે તો સાક્ષીભાવમાં જવું છે. નિર્લેપદશામાં જવું છે. શરીર છે તો ચા પી લે, શરીર છે તો નાસ્તો કરી લે. મારું મન એમાં કેમ ભળ્યું પ્રભુ? પ્રભુ મારું મન માત્ર અને માત્ર તારામાં જ રહેવું જોઈએ. તારા સિવાય અન્યમાં મારું મન કેમ જાય?
નારદઋષિને પૂછવામાં આવ્યું; ભક્ત કોણ? ભક્તની વ્યાખ્યા આપવામાં આવી. ‘तस्मिन् अनन्यता तद्विरोधिषूदासिनता च’. હું ઘણીવાર કહું છું કે, નારદઋષિનું આ ભક્તિસૂત્ર, ભક્તિયોગના ક્ષેત્રે માઈલ સ્ટોન કહ્યું છે. એટલે ભક્તિયોગમાં જેણે પણ ઊંડા ઉતરવું હોય એણે બીજા બધા સુત્રોની જેમ આ નારદનું ભક્તિસૂત્ર પણ વાંચવું. એના પર ઘણા બધા ભાષ્ય થયા છે. આપણા આચાર્ય રત્નસુંદરસૂરીએ પણ આના પર ગુજરાતીમાં ભાષ્ય લખ્યું છે. તો નારદઋષિ કહે છે. ભક્ત કોણ? ‘तस्मिन् अनन्यता तद्विरोधिषूदासिनता च’ આ ભક્તિ છે. तस्मिन् अनन्यता. તેને વિશે! નારદઋષિ છે ને ક્યારેય એમ નહિ કહે કે ભગવાન વિશે; તેને વિશે.! તે એટલે કોણ? ભગવાન. તમારાં માટે તે એટલે બીજું કંઇ છે. ભક્ત માટે તે એટલે કોણ? ભક્ત માટે બે જ ચીજ છે. હું અને તે. ભક્ત માટે બે જ ચીજ છે. બીજો પુરુષ એકવચનમાં તે. પહેલો પુરુષ એકવચનમાં હું; પછી હું તે માં ડૂબી જાય એટલે ભક્તિ પૂરી. તો ‘तस्मिन् अनन्यता’ કહે છે; તેણે વિશે એકાકાર દશા; આખી ચેતના તન્મય થઈ જાય, પ્રભુમય થઈ જાય.
અને પછી કહે છે, ‘तद्विरोधिषूदासिनता च’ જેટલા પણ અપરમ તત્વો છે એને વિશે ઉદાસીન દશા. આ બહુ મહત્વની વાત છે. પરમ તત્વને વિશેની એકાકાર દશા, અપરમ તત્વો જેટલા છે, આસક્તિથી, ક્રોધથી, અહંકારથી માંડીને જેટલા પણ, એ બધા જ અપરમ તત્વોને વિશે ઉદાસીન દશા. મતલબ નથી આનો કંઇ?! રાગ કરો, શું મતલબ? સિદ્ધર્ષીએ તો ઉપમિતિમાં કહ્યું, ‘અનાદભ્યાસ યોગેન……’ પ્રભુ માત્ર અનાદિના અભ્યાસથી હું રાગ-દ્વેષ ને અહંકારમાં જાઉં છું. બાકી એમાં સુખ જેવું છે શું? ભક્તિમાં જે આનંદ આવે, એ કોઈ વ્યક્તિના રાગમાં તમને આવી શકે? મીરાંએ પણ કહ્યું, હું કોને ચાહું? હું કોને ચાહું? જે મને શાશ્વતીના લયનો પ્રેમ આપી શકે એને હું ચાહું. જે માણસ પોતે નશ્વર છે. એ કેટલો સમય રહેવાનો એને ખબર નથી, એને પોતાને પણ; એને હું ચાહું? એને મારી ચાહત મળે? મીરાં કહે છે, હું એને ચાહું જે મને શાશ્વતીના લયનો પ્રેમ કરી શકે.!
એ જ વાત આનંદઘનજી એ કહ્યું પહેલા સ્તવનમાં. ‘રીઝ્યો સાહિબ સંગ ન પરિહરે રે ભાંગે સાદી અનંત’. એકવાર પ્રભુ મળી ગયા; પછી એ મિલન ક્યારેય પણ વિરહમાં પલટાવવાનું નથી. ભાંગે સાદિ અનંત. એ મિલનની આદિ થઇ. મિલનનો અંત ક્યારેય આવવાનો નથી. તો ‘तस्मिन् अनन्यता तद्विरोधिषूदासिनता च’ એ રાગમાં દ્વેષમાં કંઇ નથી. એક તમારી ભ્રમણા છે. સંસારમાં શું છે? બોલો? એક તમારી ભ્રમણા છે; ભ્રમણા સિવાય કંઇ જ નથી.
એક સુફી સંત રસ્તામાં જતા હોય છે. તો બે જણા ઉભેલા. એ બે જણા વચ્ચે ઝગડો પડ્યો. ઝગડો કેવો હતો? કાચો રસ્તો હતો. એક જણે એમ કહ્યું કે આપણા ગામથી સ્ટેશન ચાર ગાઉં છે. પેલો કહે કે નહિ સાડા ચાર ગાઉં છે; હવે ચાર હોય કે સાડા ચાર; એમાં આમને શું હતું? બેય અડી ગયા. પેલો કહે ચાર જ, ચાર ઉપર એક ઇંચ એ નહિ. મશીનથી માપીએ તોય એક ઇંચનો ફરક પડી જાય. ચાર ગાઉં ઉપર એક ઇંચ નહિ. પેલો કહે સાડાચારમાં એક ઇંચ ઓછું નહિ, કહે છે. બેઉ જણા વચ્ચે ઝગડો પડ્યો. ત્યાં પેલા સંત આવી રહ્યા છે. સંતને જોયા એટલે બે જણાને થયું કે સંત પાસે છે ને પેલા પગની અંદર માઈલો મીટર હોય. તો સંત રોજ ચાલનારા. એમને ખબર પડી જાય. તો સંતને પૂછી લઈએ કે સાહેબ આ ગામથી આ સ્ટેશન તમે ઘણીવાર ગયેલા છો. કેટલું થાય? અને સંત જે કહે એને આપણે સ્વીકારી લઈએ. સંત પાસે આવ્યા. અને પૂછ્યું કે સાહેબ, અમારા બે વચ્ચે ઝગડો છે. તો ઝગડાને કાઢો.
તો સંતે કહ્યું, કે તમારી વાત પછી. પહેલા હું પૂછું એનો જવાબ આપો. કીધું સાહેબ બોલો. તો સંત કહે છે, એક હાડકાનો ટુકડો હોય, સુકા હાડકાનો ટુકડો. એક કુતરું આવ્યું. કુતરાએ હાડકાનો ટુકડો મોઢામાં લીધુ; ત્યાં બીજું કુતરું આવ્યું. બીજા કુતરાને થયું કે હાડકાનો ટુકડો એક છે; એને પણ એ ટુકડો સામેથી ખેંચ્યો. હાડકાનો ટુકડો એક. કુતરા બે. બે કુતરા ખેચમખેચ કરી રહ્યા છે. તો સુફી સંત પેલા બે ને પૂછે છે કે આ વખતે હાડકાની ભૂમિકા શું હોય? હાડકું શું વિચારે? પેલા કહે, હાડકું શું વિચારે?! એ તો નિર્જીવ છે. તો સંતે કહ્યું, તમારી વાતો છે ને એના માટે હું ડેડ થયેલો માણસ છું. મરેલો છું, મને જવા દો. સંતને રસ જ નથી આવતો આમાં.! તમારી ક્ષુલ્લક વાતોમાં, રાગની, અહંકારની, ક્રોધની વાતોમાં સંતને મજા નથી આવતી. કારણ, સંતે પરમ ઐશ્વર્યને માણેલું છે.
એકવાર તમે પણ પરમ ઐશ્વર્યને માણી લો ને; તમને એવું લાગશે કે તમારી દુનિયામાં કુચા સિવાય કંઇ નથી. તૈતરીય ઉપનિષદમાં ઋષિ કહે છે, રસો વૈ સ:. રસો વૈ સ:. રસ એ જ છે, પ્રભુ.! બાકી દુનિયામાં બીજા તો કુચા છે.! તમે રસને માણ્યો નથી ને, એટલે કૂચામાં રસનું પ્રતિરોપણ તમે કરો છો. ગાયને ઘણીવાર જોઈ હશે. રસ સેન્ટર પાસે. શેરડીના એકદમ રસ કાઢેલા કુચા હોય, એને મજાથી ચાટતી હોય. કારણ કે એને રસ કેવો એ ખબર નથી. આખી શેરડી ખાવા એને મળતી નથી; તો કુચા તો કુચા. મારે તમને રસ પીવડાવો છે. હું તમને કહું, આ કુચુ છોડો, આ કુચુ છોડો. તો બીજું કુચુ પાછું રહી જવાનું.! એક સીધો રસ્તો એ છે, પરમરસ તમે પી લો; બધા કુચા નીકળી જાય.
આપણે ત્યાં તોડ-જોડ ની વાત કરી કે પ્રભુ સાથે જોડાઈ જાઓ તો બધું છૂટી જાય. અને બીજા બધાથી તમે અલગ થાઓ તો પ્રભુ મળે. તોડ-જોડ. દુનિયાથી તૂટી જાઓ પ્રભુથી જોડાઈ જાઓ. જોડ-તોડ. પ્રભુથી જોડાઈ જાઓ; દુનિયાથી છૂટી જાઓ. હવે સહેલો રસ્તો કયો? તમે આને છોડો, આને છોડો, આને છોડો. એક વસ્તુ પાછી રહી જાય, તો પાછું તોડ પૂરી ના થઈ એટલે જોડ નહિ થાય. એને બદલે પ્રભુ સાથે મિલન થઈ ગયું, બધું છૂટી જવાનું છે. એટલે ભક્તે કહ્યું કે જોડ-તોડ નો માર્ગ સરળ છે. એમાં પ્રભુ સાથે જોડાઈ જાઓ, સંબંધ થઈ જાઓ. દુનિયા છૂટી જશે.અને એટલે જ સાધુત્વનો અર્થ આ છે. પ્રભુ સાથે તમે આટલી હદે જોડાઈ ગયા; સંસાર છૂટી ગયો. સંસારમાં છે શું?! અને હજુ સાધકને પણ રાગ-દ્વેષ-અહંકારમાં કંઇક લાગતું હોય કસ જેવું, તો માનવું પડે કે પ્રભુ સાથે જોડાયેલો નથી. પ્રભુ સાથે જોડાયો હોય તો છૂટી જ જાય. ત્યાં રહી જ ના શકે. તો દોષ ડંખે અને નીકળી જાય; ગુણ ગમે એટલે મળી જાય, બરોબર? અત્યારસુધી દોષ ડંખ્યા નથી. બીજાના ડંખ્યા છે હો; તમારા નહિ.! બીજાના દોષો ડંખ્યા છે; તમારાં દોષો તમને ડંખ્યા નથી. અને બીજાના ગુણો તમને ગમ્યા નથી. ગુણ તમારાં જોયા અને દોષ બીજાના જોયા.! આપણે શીર્ષાસન કરી નાખીએ ચાલો હવે. દોષ પોતાના જોવાના; ગુણ બીજાના જોવાના. વાત તો એકની એક જ છે ને આમ? શીર્ષાસન કરી નાંખીએ. માત્ર અહંકાર ખલનાયક છે. અને ખલનાયકને કારણે આખી બાજી ચોપટ થઈ ગઈ છે. એટલે જ શાસ્ત્રોની આખી ચોટ અહંકાર પરની છે. નમો, નમો, નમો. પંચસૂત્રની આખી સાધના ત્રિપદી, આખા અહંકારભાવને ધ્વસ્ત કરવા માટે જ છે. શરણસ્વીકાર. શરણસ્વીકાર કોણ કરશે? જે પોતાની જાતને અસહાય માનતો હશે એ. દુષ્કૃત ગર્હા. પોતે કરેલા દુષ્કૃતોની નિંદા કોણ કરશે? જેને પોતાના દોષો ખટકશે એ. સુકૃત અનુમોદના. બીજાના ગુણોની અનુમોદના કોણ કરશે? જેને બીજાના ગુણો ગમેલા છે.
તો ‘पडीलेहाए णावकंखति’ આપણી વાત એ હતી કે પહેલા ચરણે સમર્પણ. બીજા ચરણે સાક્ષીભાવના સુત્રનું અધ્યયન. હવે અધ્યયન છે ને તમે એમને એમ કર્યું હશે ને તો તમે વાંચી જશો. આંતર-નિરીક્ષણ કરો. દોષ દેખાય. દોષ ડંખે. એ સાધક. વાંચી લીધું. તમને એની જોડે કંઇ લાગે કે વળગે? આપણે ત્યાં કહેવાય ને ન્હાવા-નિચોવવાનો સંબંધ નહિ.! કદાચ કોઈ કહે તો હા, સાધકની વ્યાખ્યા પ્રભુએ આવી કરી છે. પ્રભુએ કરી છે પણ તારા મનમાં શું છે એ તો બોલ? તારા મનમાં શું વ્યાખ્યા છે? એના મને તો કંઈ સ્વીકાર નથી કર્યો. તો જ્યાં સુધી સમર્પણ નહિ હોય ત્યાં સુધી સાક્ષીભાવના સુત્રોનું અધ્યયન પણ નકામું છે. એટલે એક શ્રદ્ધા.!
મારા ભગવાન કહે છે! મારા ભગવાન કહે છે એ તો સાચું જ હોય અને મારા હિત માટેનું જ હોય.
એક સદ્ગુરુ પણ ક્યારેક અનુભૂતિની કક્ષાએ બોલી શકતા નથી. મારા પ્રભુએ મારા માટે આટલું બધું કહ્યું! અનુભૂતિની ટોચ પર બિરાજમાન પ્રભુ! છદ્મસ્થ અવસ્થામાં તો પ્રભુ બોલતા નથી! કેવળજ્ઞાની બન્યાં; વિતરાગતાની ટોચ ઉપર! અને વિતરાગતાની ટોચ ઉપર ગયેલા ભગવાન, મારા માટે બોલે! પ્રભુને એવું કોઈ પ્રયોજન નથી. માત્ર ભાષાવર્ગણાના પુદ્ગલો ખપાવવા છે, એના માટે પ્રભુ બોલી રહ્યા છે. તો પ્રભુએ આટલું બધું સરસ મારા માટે કહ્યું છે! આ પ્રભુ પરની શ્રદ્ધા હશે અને તમે સાક્ષીભાવના સૂત્ર વાંચશો; તમને થશે કે મારા પ્રભુની આ વાત છે મારે મારા જીવનમાં આ ઉતારવી છે. પ્રવચનોને ડુસકાની પ્લેબેક પર સાંભળો. મેં એકવાર કહેલું હમણાં એક પ્રવચનમાં, કે મારે એક પ્રવચન એવું કરવું છે જે ડુસકાની પ્લેબેક પર હોય. ભીમસેન જોશી હોય કે ઓમકાર નાથ ઠાકુર હોય, સરસ ગાય, પ્લેબેક ન હોય તો? તબલાં વિગેરે ન હોય તો? મજા ના આવે. રિધમ જોઈએ જ. એમ મેં કહ્યું મારે એક પ્રવચન એવું કરવું જે ડુસકાની પ્લેબેક પર ચાલે! પૂરું આખું ઓડીટોરીયમ હિબકા ભરતું હોય! ડુસકા લેતું હોય! અને પ્રભુના પ્યારા-પ્યારા શબ્દો એના પર ચાલતા હોય! એટલે ભીનાશની ધારા ઉપર આપણે પ્રભુના શબ્દો લીધા નથી. એટલે સાક્ષીભાવના સુત્રો તમારાં લેવાની રીત તમારી ખોટી હતી.
એટલે પહેલું ચરણ, સમર્પણ. સમર્પણના પાછા બધા અલગ-અલગ પ્રકારો છે. અહિયાં સમર્પણ દર્શનમોહનીયના ક્ષયોપક્ષમનું છે. બધા સમર્પણ અલગ-અલગ છે. પહેલું સમર્પણ દર્શનમોહનીયના ક્ષયોપક્ષમનું છે. પ્રભુ પરની એક શ્રદ્ધા.! મારા ભગવાને કહ્યું છે! મારા પ્રભુએ કહ્યું છે, એ રીતે મારે કરવું જોઈએ. એ એક શ્રદ્ધા આવી ગઈ તો એક-એક શબ્દ. તો પછી આખુ વ્યાખ્યાન ક્યાં જરૂરી છે? હું માટુંગા મુંબઈમાં હતો ને મેં યુવાનોને એકવાર કહેલું કે તમને સમય ન મળે ને તો કલાક વ્યાખ્યાન નહિ આવો ને તો વાંધો નહિ. છેલ્લી પાંચ મિનીટ આવશો તોય આપી દઈશ. અને એમ પણ નહિ આવો. ખાલી આવી જજો, આપણે intro કરી લઈશું. બે મીનીટમાં, ચાર મીનીટમાં. બે મિનીટ-ચાર મિનીટ સાંભળો છો કે બે-ચાર કલાક સાંભળો છો, એનું કોઈ મહત્વ નથી. તમે એક આધારશિલા ઉપર સાંભળો છો એનું મહત્વ છે.
આ ધાબા ઉપર પચાસ ઇંચ વરસાદ પડે, ધાબાને શું થવાનું? આ ડામરના રોડ ઉપર પચાસ ઇંચ વરસાદ પડશે શું થવાનું? એ પોતાનામાં પાણી રાખશે જ નહિ, બીજાને આપી દેશે. ઉદાર છે હો, જેમ તમે ઉદાર. તમે બધા ઉદાર માણસો છો. ડામરનો રોડ પણ ઉદાર માણસ છે. એ ઢળાવવાળો હોય, પાણી પડ્યું નથી કે બાજુની જમીનને મળ્યું નથી. એ કહે હું નહિ રાખું કે તમને આપી દઈશ. તમે પણ શું કરો વ્યાખ્યાન સાંભળ્યા પછી? સાંભળ્યું? શું કહ્યું હતું મહારાજ સાહેબે? અરે એને સંભળાવે છે, તારી જાતને સંભળાવને પહેલા કહું છું. મહારાજ સાહેબે શું કહ્યું હતું? મહારાજ સાહેબે એના માટે નહોતું કીધું; તારા માટે કીધું હતું. તું તો સાંભળ પહેલા.! શ્રવણ છે પણ શ્રદ્ધા નહિ. અને શ્રદ્ધા વિનાનું સમર્પણ જે છે, શ્રદ્ધા વિનાનું શ્રવણ પણ જે છે, એ કોઈ અર્થ નથી. શ્રદ્ધા પહેલા જોઇશે; સમર્પણ, શ્રદ્ધા, પછી શ્રવણ. અત્યાર સુધી પ્રવચનો સાંભળ્યા કોરી કોરી આંખે કે ભીની-ભીની આંખે?
પ્રભુનું દર્શન કરો કોરી આંખે? ભગવાનને જુઓ આંખો ભીની ન બને તમારી? તો કોનું દર્શન કરો છો? ગઈ કાલે મેં કહ્યું હતું, આંસુથી જ યાત્રાનો પ્રારંભ થાય છે. આંસુ વગર યાત્રાનો પ્રારંભ નથી. તમે માત્ર કોરા રહ્યા છો. અને એટલે જ હું એકલા સાક્ષીભાવનો વિરોધી છે. ભગવાને એટલાં માટે જ સાક્ષીભાવ અને સમર્પણનો base આપ્યો. એકલો સાક્ષીભાવ કોરો પડી જશે. હું જ્ઞાની છું, હું આવો છું. એવા ઘણા ય જોયા છે સાક્ષીભાવવાળા કે શરીર ખાધા કરે છે મારે શું? અરે ખરેખર તને અસર નથી થતી? જો સાત્વિકરૂપે અને નિષ્ઠાથી બોલતો હોય તો આપણને વાંધો નથી. પણ ખરેખર દૂધપાક પીવે, અસર જુદી થાય છે અને લીમડાનો રસ પીવે છે, અસર જુદી થાય છે. અને એમ કહે છે, સાક્ષીભાવ છે, શરીર ખાઈ રહ્યું છે; એનો સાક્ષીભાવ હજુ કોરો છે. એટલે આપણે પહેલા સમર્પણ લાવવું છે. શ્રદ્ધા! મારા ભગવાન કહી ગયા છે! કોણ કહે છે એના ઉપર આધાર રહે ને ભાઈ?
એકવાત તમને કહું. અત્યાર સુધીનું શ્રવણ કેવું કર્યું છે? તમે સોસાયટીમાં હોવ. બે દીકરા છે તમારે. અને એક બંગલો મોટો તમારી બાજુવાળા જોડે છે. તમારી ઈચ્છા છે. બે ભાઈને બે બંગલા થઈ જાય તો સારું. મારી આંખ મીંચાઈ જાય તો. એટલે બીજા બંગલાની તપાસ કરી. એકદમ નજીકમાં નહિ, બહુ દુર પણ નહિ. એ રીતે આજુબાજુની સોસાયટીમાં કોઈ બંગલો જોઈ રહ્યો છે. તપાસ કરી છે, પણ એવો કોઈ બંગલો મળતો નથી ખાલી. એમાં સમાચાર મળે, કોઈએ ફોન કર્યો કે ભાઈ ફલાણી સોસાયટીમાં ફલાણા નંબરનો બંગલો, અને એ ભાઈ છે ને એમનો દીકરો અમેરિકામાં રહે છે. અત્યારસુધી એ ભાઈ અહીંયા રહ્યા. આ શહેરમાં. કારણ, એમના ઘરવાળા અહિયાં હતા. ઘરવાળા ઓફ થઈ ગયા. મહિનાની અંદર બધું કારજ પતી ગયું. હવે દીકરો પણ આગ્રહ કરે છે, પપ્પા તમે અમેરિકા આવી જાઓ. પપ્પાને પણ એમ લાગે છે કે અહિયાં એકલા રહેવાનો કોઈ અર્થ નથી. પોતાની ધર્મપત્ની હતી ત્યાં સુધી ઠીક હતું કે અહિયાં રહેતો હતો. હવે એકલો રહીને શું કરવાનો? તો મારે પણ અમેરિકા જતા રહેવું છે. તો એને બંગલો-ફંગલો બધું વેચીને જતા રહેવું છે. તો બંગલો સસ્તામાં મળી જાય એમ છે. આ તમે સાંભળો તો શું થાય? આરામથી સુઈ જાઓ એમ? બીજાને કહી આવો બંગલો મળે છે. શું કરો? શું કરો તમે એ તો કહો? દોડો તરત કેમ? વાત સાચી છે કે ખોટી એ પણ ખબર તો પડે એકવાર. દોડો તો ખરા જ.! ત્યાં જઈને પૂછો તો ખબર પડે. પાંચ કરોડનો બંગલો અને સાડાત્રણ-ચાર કરોડમાં આપવા તૈયાર છે. થોડો કશ મારો તમે અને ત્રણ કરોડ. પેલાને વેચવો જ છે. હાલ ભાઈ ત્રણ કરોડ. કેટલા રાજી થાઓ તમે? આ એક શ્રવણ થયું કે બંગલો મળે એમ છે; અને પેલાને વેચીને જવું છે, એને ગરજ છે વેચવાની. મારે લેવો છે. એવી વખતે એ શ્રવણ પછી શું થાય, હું કહું છું..? શ્રવણ પછી આચરણ થાય. તો અહિયાં આટલા પ્રવચનો સાંભળ્યા પછી શું થયુ? હતા ત્યાં ને ત્યાં જ. કેમ? કારણ શું? કારણ આ જ સમર્પણ નહોતું. દર્શનમોહનીયનો ક્ષયોપક્ષમ નહિ થાય ત્યાં સુધી પ્રભુની વાતો પરનો અત્યંત અહોભાવ પેદા નહિ થાય. વ્યાખ્યાન સાંભળી લીધું. હું ઘણીવાર પૂછું, વ્યાખ્યાન કોને સાંભળ્યું ભાઈ? તમારા કાને સાંભળ્યું? તમારાં મને સાંભળ્યું? તમે પોતે સાંભળ્યું? કોને સાંભળ્યું? વક્તા અસ્ખલિત ગતિએ બોલતાં હોય તો કાનને ઓચ્છવ થઈ જાય. પ્રવચનકાર મહાત્મા એવા પદાર્થો આપે જે એકદમ નવા હતા; તમારાં મનને ઓચ્છવ થઈ જાય. એમાં તમે ક્યાં? બહું મજા આવી ગઈ કહે છે.! શું મજા આવી? અહીં મજા માટે આવ્યા છો તમે?
અમદાવાદ પાલડીમાં મને એક ભાઈ મળેલો. અને અમદાવાદમાં પાલડી વિસ્તારમાં પાંચ-પાંચ મિનિટના walking distance ઉપર મોટા-મોટા ઉપાશ્રયો છે. ત્યાં જૈનોની વસ્તી પણ એટલી છે. તો walking distance પાંચ મિનિટનો. અને પાંચ-પાંચ મિનિટના walking distance પર સરસ મજાના ઉપાશ્રયો! એ ભાઈ મને કહે સાહેબ! ચોમાસાનો પ્રવેશ થઇ જાય બધાનો પછી હું મંડી પડું, નીકળી પડું. એક દિવસમાં બે કે ત્રણ વ્યાખ્યાન સાંભળી લઉં. એક વ્યાખ્યાનની શરૂઆત સાંભળી લઉં, એકને વચ્ચે સાંભળી લઉં, એકને છેલ્લે સાંભળી લઉં. જ્યાં સરસ વ્યાખ્યાન હોય ત્યાં પછી આખું ચોમાસું આપણું. મેં એને પૂછ્યું, સરસ વ્યાખ્યાનની તારી વ્યાખ્યા શું? સરસ વ્યાખ્યાનની તારી વ્યાખ્યા શું? બોલો… એને શું વ્યાખ્યા કરી એ પછી કહું. તમારી વ્યાખ્યા શું? વ્યાખ્યાન બધા સરસ જ હોય છે. વ્યાખ્યાન નીરસ ક્યારે હોય જ નહિ; સરસ જ હોય. તમે કાનના સ્તર ઉપર વ્યાખ્યા કરો છો, મનના સ્તર ઉપર વ્યાખ્યા કરો છો; અસ્તિત્વના સ્તર ઉપર વ્યાખ્યા કરો ને!
હું તો ઘણીવાર કહું છું, કે પ્રતિષ્ઠિત જે સંઘો જે હોય ને ત્યાં વર્ષોથી લોકો આરાધના કરી રહ્યા છે. એ લોકોએ ક્રાઉડ પુલર ઓરેટરનો આગ્રહ નહિ રાખવો જોઈએ કે પબ્લિક ને પકડી રાખે તેવા પ્રવચનકાર જોઈએ; એવા પ્રવચનકારોને નવા સંઘોમાં મૂકી દો. પ્રતિષ્ઠિત સંઘોમાં કેવા મહાત્મા જોઈએ? એકદમ સાદુ વ્યાખ્યાન વાંચનારા, ક્યારેક ચોપડીઓ જોઈને વાંચતા હોય. મારા ભગવાને આમ કહ્યું છે, કારણ કે સભા એવી છે, મારા ભગવાને આમ કહ્યું છે, અને એ સભાના બધા લોકો સમવસરણમાં પહોંચી જાય.! તમે જો વર્ષોથી સાધના કરો છો, તો તમારા માટે હજુ પણ પ્રભુનો શબ્દ આ રીતે અમારે કહેવો પડે…?! એકદમ sophisticated language માં બહુ સરસ સજાવીને મુકીએ, ત્યારે તમે સાંભળો, presentation બહુ સારું હોવું જોઈએ. Presentation ની કિંમત કોને હોય? નવા માણસોને ! તમારે શું હોય? કોઈ વેપારી હોય ને હીરાનો, પછી રત્નો છુટા પડ્યા હોય તો એ સમજે કે આ કિંમતી, આ કિમતી છે; નવો શીખાઉ હોય ને, તો presentation, આ બહુ સરસ લાગે છે. અરે દેખાવમાં સરસ છે; નકલી છે હીરા.! તમારે presentation સાથે સંબંધ છે ને? એટલે ખરેખર શ્રવણ મળ્યું નથી.
એટલે પાંચ ચરણોની આપણી યાત્રા છે, પહેલું ચરણ- સમર્પણ, બીજું ચરણ – સાક્ષીભાવના સુત્રોનો અભ્યાસ. એટલે સુત્રોનો અભ્યાસ પણ હૃદયસ્પર્શી ક્યારે બનશે? અહોભાવની ધારા હશે ત્યારે! શ્રદ્ધાની પૃષ્ઠ ભૂમિકા હશે ત્યારે! મારા ભગવાને કહ્યું છે! અમારે લોકોએ અમારા તરફથી કંઈ કહેવાનું હોતું જ નથી! અમારે જે પણ કહેવું એ પ્રભુ તરફથી જ કહેવાનું છે! અને પ્રભુની આજ્ઞા અને ગુરુનો એક શબ્દ પણ અમારી મતિમંદતાથી બોલાઈ જાય તો પણ એનું મિચ્છામિ દુક્કડમ્ અમે માંગતા હોઈએ છીએ. એ અમારે માત્ર inverted comma ની અંદર પ્રભુનું પ્રવચન આપવાનું હોય છે. પણ એ પ્રવચન સાંભળતા શું થાય છે, એ મારે એ પૂછવું છે? રૂવાળા ખડાં થાય છે? ઓહો મારા ભગવાને કહ્યું છે!
બોલો એક વાત તમને પૂછું : તમારો દીકરો અમેરિકામાં છે, ૫૦ વર્ષ પહેલાંની વાત છે. જ્યારે ટેલેક્સ કે ટેલિફોનનું પણ કંઈ ઠેકાણું નથી. પત્રો તો ક્યારે લખો ને ક્યારે મળે? એ વખતે તમારો દીકરો જ્યાં રહે છે અમેરિકામાં, એની બાજુમાં રહેનારા એક પાડોશી તમારા ગામના જ છે. એ અમેરિકાથી દેશમાં આવેલા, અને દેશમાં પણ તમારા ગામમાં જ, તમારા પાડોશમાં એ રહે છે. તમને ખબર પડે કે પેલા ભાઈ આવ્યા ઓહો ! મારા દીકરાની બાજુમાં રહે છે એ.! તમે એના ત્યાં જાવ. એનો સત્કાર કરે, ચા-પાણી પીવડાવે. તમારી ઇંતજારી હોય, કેમ દીકરો કેમ છે? દીકરાનો નાનો બાબલો કેમ છે? આમ કેમ છે? દીકરાને કેમ-કેમ ચાલે છે? પછી પેલો જવાબ આપે, તું આ presentation ઉપર ખ્યાલ હોય? પેલો જે જવાબ આપે, એમાં ખ્યાલ ક્યાં હોય? કઈ અભિવ્યક્તિ કરે છે? અભિવ્યક્તિ જોડે સંબંધ હોય? કે દીકરાના સમાચાર જોડે સંબંધ હોય? પ્રવચનમાં પ્રવચનકારની અભિવ્યક્તિ જોડે તમારે સંબંધ કે પ્રભુના શબ્દો સાંભળવા જોડે સંબંધ?
એક જણાએ સરસ કહેલું, એક ફિલોસોફરે, કે આપણે કેવા શ્રોતાઓ છીએ? કે કાપડિયાના ત્યાં એક માણસ ગયો. અને કાપડીયો છે ને કેવી રીતે કાપડ ફાડે છે, એની બરોબર એક્શન જોવે છે. આમ કરીને આમ. કાપડીયાના હાથમાં જ કાતર ઉગેલી હોય, અને કાતર લઈને રોજ આમ ફાડે. પેલો એક્શન જુવે છે વાહ સરસ રીતે ફાડે છે. પછી એને પૂછે છે કે તારે કાપડ કયું લેવાનું છે? મારે કંઈ લેવા-બેવાનું કંઈ નથી, કહે છે.! આ તો ખાલી એક્શન જોવું છું. તમારે આવું તો નથી ને?
રતનપોળ અમદાવાદમાં એક જગ્યાએ એક માણસ ગયો. બપોરનો ટાઈમ, સુટેડ-બુટેડ માણસ. એર-કંડીશન શો-રૂમમાં ગયો. તો શો-રૂમવાળા ને લાગ્યું, માણસ છે જરા ભારેખમ, એટલે કંઈક વકરો કરાવશે; બેસાડ્યો, સાહેબ ઠંડું લાવું- ગરમ લાવું? અલ્યા ગરમી છે ને ગરમની ક્યાં માંડે છે? ઠંડું લાવો ! પેલો બે-ત્રણ બાટલા લઇ આવ્યો, બધા ઠોકી ગયો. સાહેબ શું બતાવું હવે? બતાવો તમારી પાસે હોય એ, કહે છે! હજાર રૂપિયા મીટર બતાવ્યું. મૂરતિયો બહુ સારો લાગે છે. ૨૦૦૦ રૂપિયા મીટર બતાવ્યું, આવું ફાસ-ફુસિયું રાખો છો તમે? અમને પણ આવા મળે હો! સાહેબ ઉંચી તત્વોવાળી વાતો કરો ને એકદમ…! ૨૦૦૦ રૂપિયા મીટરવાળું બતાવ્યું. બસ તમે આવું જ રાખો છો એમ? આનાથી ભારે કંઈ નથી..! ત્યારે કદાચ ટ્યુબલાઈટ થઇ ઓહોહો ! આ તો બહુ સરસ માણસ લાગે છે આ જ તો… પાટણનું પટોળું એક લાખ રૂપિયાનું લાવેલું, સાહેબ પાંચ વર્ષથી ઘર જમાઈ તરીકે પડી રહ્યું છે, કોઈ ગ્રાહક આવેલું નહિ, એને થયું કે આજે આ પકડાઈ ગયો. એટલે એણે માળિયા પરથી પાટણનું પટોળું કાઢ્યું, કે સાહેબ જુઓ, તમારે ભારે વસ્તુ જોઈએ ને પાટણનું પટોળું. અરે પાટણનું પટોળું લાવો, લાવો લાવ મેં વાત તો સાંભળી છે, જોયું નથી, જોયું બરોબર…! સરસ કારીગીરી છે. અરે સાહેબ કારીગીરી ની વાત કરો છો. એક પટોળું આ કરતાં બે કે ત્રણ કારીગરોને બે વર્ષ લાગે ત્યારે આ તૈયાર થાય છે. અને સાહેબ લાખ રૂપિયામાં લીધું છે, no profit, no lose તમને લાખ માં આપી દઉં. સાહેબ પેક કરી દઉં ને? તો કહે કે ના, ના પેક નથી કરવાનું. તો સાહેબ શું પેક કરું? ૧૦૦૦ રૂપિયાવાળું, ૨૦૦૦ રૂપિયાવળું? નહિ, નહિ મારે કંઈ જોઈએ નહિ. મારે તો નેપકીન કે ટોવેલ પણ જોઈતો નથી. પેલો કહે, મારા બાટલા ઠોકી ગયો.! પછી શું કહે છે ? અરે યાર ગભરાય છે શું? આખી રતનપોળ માં તારા નામની ધજા ફરકાઈ દઉં, કે આને ત્યાં જે છે, એ કોઈના ત્યાં નથી. અમને આવા મળે હો ! સાહેબ ઉંચી વાત કરો, એવી ઉંચી વાત કરો ને પછી કહે છે, આ મ.સા. જેવું તત્વજ્ઞાન કોઈની પાસે નથી.! પણ તને શું મળ્યું એ તો કહે ! એ તો કહે મારે તો કંઈ જોઈતું જ નથી! નેપકીન પણ નહિ કે ટોવેલ પણ નહિ !
તો શ્રવણ છે, સમર્પણ નથી. પહેલું ચરણ સમર્પણ, બીજું સાક્ષીભાવના સુત્રો નો અભ્યાસ. ફરી ત્રીજું સમર્પણ. એ સમર્પણ અલગ લયનું છે. એના કારણે સાક્ષીભાવના સુત્રો અભ્યસ્ત થાય. ફરી ત્રીજું સમર્પણ આવે. આમ પાંચ ચરણોની યાત્રા છે, આપણે જોઈશું. તો એ ધારામાં આગળ વધવા માટે આપણે ધ્યાન અભ્યાસ કરીએ.
