વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત
Subject: આંતરયાત્રા
બહિર્યાત્રામાં બહુ ફર્યા. બહાર ફરીએ એ પ્રવાસ છે; યાત્રા નથી. યાત્રા તો ક્યારે? પ્રભુની સન્મુખ ચાલીએ, એ યાત્રા. સંસારને સામે રાખીને ચાલીએ, એ પ્રવાસ. આપણી આંતરયાત્રા શરૂ થાય છે. આંતરયાત્રામાં વિચારોનું મૌન જરૂરી છે. અને એ વિચારોના મૌનને રાખવા માટે શબ્દોનું મૌન નિતાંત જરૂરી છે.
આપણે ત્યાં આંતરયાત્રાના ત્રણ પથોની ચર્ચા છે. એક પથ છે ગુણસ્થાનકવાળો: મિથ્યાત્વ ગુણસ્થાનકથી અયોગી ગુણસ્થાનક. એ કર્મગ્રંથના શાસ્ત્રકારોએ બતાવેલો છે. બીજો એક માર્ગ યોગદ્રષ્ટિ સમુચ્ચયમાં ભગવાન હરિભદ્રાચાર્યએ બતાવ્યો છે. એ છે મિત્રા દ્રષ્ટિથી પરા દ્રષ્ટિ સુધીની આઠ દ્રષ્ટિઓનો યાત્રાપથ.
આ વખતે આપણે આંતરયાત્રાના જે માર્ગ ઉપર ચાલવું છે, તે ત્રીજો યાત્રાપથ યોગબિંદુમાં હરિભદ્રસૂરિ મહારાજે આપ્યો છે: અધ્યાત્મ યોગથી વૃત્તિસંક્ષયયોગ. અધ્યાત્મયોગ, ભાવનાયોગ, ધ્યાનયોગ, સમતાયોગ, અને વૃત્તિસંક્ષયયોગ.
મૌન ધ્યાન સાધના શિબિર ૧૧ – જીરાવલા વાચના – ૧
નમો અરિહંતાણં
નમો સિદ્ધાણં
નમો આયરિઆણં
નમો ઉવજ્ઝાયાણં
નમો લોએ સવ્વ સાહૂણં
એસો પંચ નમુક્કારો
સવ્વ પાવપ્પણાસણો
મંગલાણં ચ સવ્વેસિં
પઢમં હવઈ મંગલં
મંગલં શ્રીમદ્દ અર્હન્તો, મંગલં જિનશાસનમ્
મંગલમ્ સકલ સંઘો, મંગલમ્ પૂજકા અમી,
કમઠે ધરણેન્દ્રે ચ, સ્વોચિતં કર્મ કુર્વતિ,
પ્રભુસ્તુલ્ય મનોવૃત્તિ:, પાર્શ્વનાથ શ્રિયેસ્તુ વઃ
જ્ઞાનધ્યાનક્રિયાદિકાર્ય કુશલ:, પ્રધુમ્ન જેતા ગુરુ,
આંતરલોચનમેકમસ્તુ સુતરાં, પ્રુદ્દભાષિતંયસ્યવૈ,
ૐકારેણ સુસેવિતોsપિસતતં, ૐકાર સેવા પરઃ
સોયં સૌમ્ય મના: સદાવિજયતે, શ્રી સિદ્ધિસૂરીશ્વર:
સોયં સૌમ્ય મના: સદાવિજયતે, શ્રી ભદ્રસૂરીશ્વર:
સોયં સૌમ્ય મના: સદાવિજયતે, શ્રી ૐકારસૂરીશ્વર:
સોયં સૌમ્ય મના: સદાવિજયતે, અરવિંદસૂરીશ્વર:
પરમતારક દેવાધિદેવ મહામહિમ શ્રી જીરાવલા પાર્શ્વનાથ દાદાના ચરણોમાં પ્રભુની જ સાધનાનો સ્વાધ્યાય કરવા માટે આપણે બેઠા છીએ. પ્રભુની સાધના સ્વાધ્યાય એટલે પ્રભુનો શબ્દ સ્પર્શ.
પૂજ્યપાદ દેવચંદ્રજી મ.સા.એ આ બહુ જ રૂપકડા શબ્દો આપ્યા. સ્વાધ્યાય એટલે પરમાત્માનો શબ્દ સ્પર્શ. ૨૪માં સ્તવનમાં એક પંક્તિ આવે છે, ‘શાસ્ત્ર અભ્યાસ પણ કાંઈ કીધો’ એની ઉપર એમની પોતાની દેવચંદ્રજી મ.સા.ની સ્વોપજ્ઞ વ્યાખ્યા છે અને એમાં એમણે લખ્યું કે ભાઈ! તે શાસ્ત્રોનું અધ્યયન તો કર્યું, પણ પ્રભુનો શબ્દ સ્પર્શ તને મળ્યો? શું છે આ શબ્દ સ્પર્શ? પહેલાં પરમાત્માનો શબ્દ સ્પર્શ શું હોય છે? એ જાણી લઈએ અને પછી આ સ્વાધ્યાયમાં પરમાત્માના આ પ્યારા પ્યારા શબ્દ સ્પર્શને અનુભવવામાં આપણે આગળ જઈએ.
પાંત્રીસ એક વર્ષ પહેલાં આચારાંગજી સુત્રનો સ્વાધ્યાય દર વર્ષે હું કરતો. ઘણા બધા પૂજનીય આગમ ગ્રંથો છે, બધાનો સ્વાધ્યાય થયો પરંતુ આચારાંગજીનો સ્વાધ્યાય દર વર્ષે હું કરતો. કારણ એ હતું, કે આચારાંગજીમાં પ્રભુના મૂળ શબ્દો inverted comma માં ભગવાન સુધર્મા એ મુક્યા છે. Editing વગરના સુત્રો. એક સૂત્ર છે, ‘आणाए मामगं धम्मं’ આજ્ઞામાં મારો ધર્મ છે. સુધર્મા સ્વામી ભગવાન – જેમણે editing કર્યું પ્રભુની વાણીનું – એ લખી ન શકે કે આજ્ઞામાં મારો ધર્મ છે. એમણે લખવું પડે (કે) આજ્ઞામાં પ્રભુનો ધર્મ છે. પણ એમણે કૃપા કરી કે પરમાત્માના શબ્દોને inverted comma માં મૂક્યા.
તો આવા આચારાંગજીનો દર વર્ષે હું સ્વાધ્યાય કરતો. એ ક્ષણોની વાત કરું, એક વહેલી સવારે, પરમાત્માની પાસે ગયેલો, ચૈત્યવંદના કરતો હતો. સ્તવનામાં એક પંક્તિ આવી, “આશ ધરીને હું પણ આવ્યો, નિજ કર પીઠ થપેટી” પદ્મવિજય મ.સા.ની પાર્શ્વનાથ પરમાત્માના ચરણોમાં પેશ થયેલી આ સ્તવના છે અને એની આ એક પંક્તિ. “આશ ધરીને હું પણ આવ્યો, નિજ કર પીઠ થપેટી” – એક બાળક માં ની પાસે જાય છે, એની ઈચ્છા શું હોય? માં પોતાને વહાલ આપે, માં પોતાની પીઠ પર પોતાના કોમળ કોમળ હાથને પસવારે, આ જ બાળકના લયમાં પરમાત્માની પાસે પદ્મવિજય મ.સા. પહોંચ્યા છે. અને એમણે આ પંક્તિ ગાઈ. આશ ધરીને હું પણ આવ્યો, નિજ કર પીઠ થપેટી – આ પંક્તિ રટતાં રટતાં મારી આંખો ભીંજાઈ ગઈ. ગળે ડૂસકાં આવેલા. મેં પ્રભુને કહેલું કે પ્રભુ પદ્મવિજય મ.સા. મોટા ગજાના ભક્તિયોગાચાર્ય હતા. એટલે કદાચ એમણે કહ્યું પણ હશે. તે એમની પ્રાર્થના સ્વીકારી પણ હશે. અને એમના અસ્તિત્વની પીઠ પર તારો હાથ પસવારાયો પણ હશે. પણ મારું શું? What for me? મને તારો સ્પર્શ મળે ખરો? ઘણીવાર કરું છું એમ, એ દિવસે પણ પ્રાર્થનાનો આ બોલ પ્રભુની કોર્ટમાં ફેંકી દીધો. અને હું ઉપાશ્રયે ચાલ્યો.
હું એક જ કામ કરતો આવેલો છું, કોઈ પણ પ્રાર્થના છે, પ્રાર્થનાનો બોલ પ્રભુની કોર્ટમાં ફેંકી દેવાનો. પ્રભુ જે પણ ઉત્તર આપે, મજાનો જ હોય. ઉત્તર ન આપે તો સમજવાનું કે એ પ્રશ્ન ઉત્તર આપવાને યોગ્ય નહોતો. ઉપાશ્રય આવ્યો. ઈરિયાવહી કરી. મારા આસન પર બેઠો. આચારાંગજીનું પુસ્તક મારા ટેબલ ઉપર હતું. અચાનક જ આમ એક પાનું ઉથલાવ્યું. અને એ પાનાં ઉપર જે પહેલું સૂત્ર આવ્યું, હું તો નાચી ઉઠ્યો. મને થયું, વાહ! પ્રભુ તો શબ્દ સ્પર્શ આપવા તૈયાર બેઠેલા છે. મારા અસ્તિત્વની પીઠ ઉપર પ્રભુનો હાથ ક્યારનો ફરી રહ્યો હતો. મને ખબર શુદ્ધા નહોતી! બસ પ્રભુને પ્રાર્થના કરીને આવ્યો. અને પ્રભુએ તરત જ કહી દીધું કે બેટા! મારો હાથ, મારો કોમળ કોમળ હાથ તારા અસ્તિત્વ ઉપર સદાને માટે ફરી રહ્યો છે.
શું હતું એ સૂત્ર? अणाणाए एगे सोवट्ठाणा, आणाए एगे णिरुवट्ठाणा. एयं ते मा होउ. એ સૂત્રમાં એમ આવ્યું, પ્રભુ કહી રહ્યા છે, કેટલાક સાધકો આજ્ઞા ધર્મનો સ્વીકાર કર્યા પછી પણ આજ્ઞા ધર્મના પાલનમાં ઉત્સાહવાળા નથી હોતા. કેટલાક અનાજ્ઞામાં ઉદ્યમશીલ પણ હોય છે. પણ એ પછી જે પ્રભુએ કહ્યું ને, લાજવાબ! एयं ते मा होउ. પણ આ તારા માટે નથી હો ભાઈ…! આ વાત તારી નથી. તું તો આજ્ઞાને પાળનારો છે. You are my beloved one. ઘણા બધાને માટે આવું બની શકે. Not for you. તારા માટે નહિ. કારણ તું મારો પ્રીતિપાત્ર છે. You are my beloved one. આંખોમાંથી આંસુ ઝરી ગયા. વાહ! પ્રભુનો સ્પર્શ તો મારા અસ્તિત્વની પીઠ પર ચાલુ જ હતો ફરતો. મને ખ્યાલ શુદ્ધા નહોતો. એ પછી તો પરમાત્માનો પ્યારો પ્યારો હાથ પસવારાતો સંવેધ્યો છે. ક્યારેક કરુણા મય હાથ પણ પસવારાતો સંવેધ્યો છે. અને ક્યારેક પ્રભુની મીઠી મીઠી તમાચ પણ ખાધી છે. તમાચ પણ મીઠી મીઠી કહું છું, હો! એની હતી ને..! એણે આપેલી ને..! તમાચ. મજાની જ હોય ને…! ‘मधुराधिपतेरखिलम् मधुरम्’ માધુર્ય નો અધિપતિ પરમાત્મા એનું બધું જ મધુરું હોય. સમવસરણ પણ મધુરું, એમનું બોલવું પણ મધુરું, એમનું સોનાના કમળ પર ચાલવું એ પણ મધુરું. અને દેવછંદામાં પ્રભુનો આરામ કરવો એ પણ મજાનો, मधुराधिपतेरखिलम् मधुरम्. તો બધું જ મધુર હોય, એની તમાચ પણ મધુર જ હોય ને…! તો “एयं ते मा होउ” બેટા! આ તારા માટેની વાત નથી, તું મારો પ્રીતિપાત્ર છે. You are my beloved one. પ્રભુનો પ્યારો પ્યારો હાથ મારી પીઠ ઉપર પસવારાતો મેં સંવેધ્યો. ક્યારેક કરુણામય હાથથી પ્રભુએ મને ઉચક્યો છે. બહાર કાઢ્યો છે. ક્યારેક રાગની ઘટનામાં હું પડી જતો હોઉં. દ્વેષના ખાડામાં હું પડી જતો હોઉં, અહંકારની ખીણમાં પડવા માટે તૈયાર થયેલો હોઉં, પ્રભુનો કરુણામય હાથ આવીને એ વખતે મને બચાવી લેશે.
પ્રભુ તમને પણ બચાવવા તૈયાર છે. He is ever ready. ભગવદ્દગીતામાં પરમચેતના તરફથી કોલ આવ્યો. योगक्षेमं वहाम्यहम्. આ પરમચેતનાનો આપણને મળેલો કોલ છે. योगक्षेमं वहाम्यहम्. બેટા! તારું યોગ અને ક્ષેમ બંને મારે કરવાનું છે. યોગ એટલે અપ્રાપ્ત સાધનાની, અપ્રાપ્ત ગુણોની પ્રાપ્તિ. અને ક્ષેમ એટલે પ્રાપ્ત સાધનાનું, પ્રાપ્ત ગુણોનું સંરક્ષણ/ સંવર્ધન. તો પરમચેતનાનો આપણને મળેલો કોલ, ‘योगक्षेमं वहाम्यहम्’ તમે તો આમાં શું કહેવાના? તમે શું કહેશો? ‘करिष्ये वचनं तव’ અર્જુને કહેલું, ‘करिष्ये वचनं तव’ પ્રભુ તમે જેમ કરશો એમ કરીશ. હું તમારો આજ્ઞાંકિત સેવક છું. હું ઘણીવાર કહું છું, surrender ની સામે care. એક વર્તુળ છે. Surrender ની સામે care. તમારું જેટલું સમર્પણ એટલી પ્રભુની કાળજી. પ્રભુચેતનાને કોઈ ભેદભાવ નથી. પણ તમે પ્રભુચેતનાના પ્યારને પ્રભુચેતનાની કરુણાને તમારા સમર્પણના પાત્રમાં જ ઝીલી શકો.
એકવાર રાજસ્થાન જસવંતપુરાના ચાતુર્માસમાં પ્રભુને મેં કહેલું કે પ્રભુ! સુલસાજી પર તું વરસ્યો. ચંદનાજી પર તું વરસ્યો. મેઘકુમાર ઉપર તું વરસ્યો. અમારા ઉપર કેમ વરસતો નથી?! બહાર નીકળ્યો દેરાસરમાંથી વાદળ ઘેરાયેલું આકાશ. ઉંચે જોયું, થયું કે ઉપાશ્રય પહોંચાશે કે કેમ..? પ્રભુનું નામ લઈને નીકળી ગયો. ઉપાશ્રય પહોંચી ગયો. ત્યાં પહોંચ્યા પછી મારી બારીમાંથી મેં જોયું. પાણી ભરેલા વાદળાં વરસતાં નહોતા, ખીસકી રહ્યા હતા. આવીને આગળ ખસ્યા. દોઢ કીલોમીટર દૂર એક પર્વત હતો, હરિયાળો પર્વત, ત્યાં ટકરાણા અને ત્યાં વસરી ગયા. મને થયું વાહ! પ્રભુએ જવાબ આપી દીધો! વાદળાને કોઈ ભેદભાવ નહોતો કે અહીંયા વરસવું કે અહીંયા ન વરસવું. પણ એ રાજસ્થાનની ધરતી, ગરમ-ગરમ ધરતી, પેલું વાદળાંનું બાષ્પ ઠંડું થઈને વરસે કેમ? જ્યાં હરિયાળું ઘાસ મળ્યું, ઠંડક મળી નીચે, ઉપરનું બાષ્પ ઠંડું થઈને વરસવા માંડ્યું. તો મને થયું કે વાહ! પ્રભુ તો વરસવા તૈયાર છે. અમારી પાસે સમર્પણનું પાત્ર ક્યાં છે? તો surrender ની સામે care.
એકવાર આપણા રત્નસુંદરસૂરીજી ડીસા બાજુ વિહાર કરી રહ્યા હતા, પાછળથી એક ઊંટલારી વાળો આવ્યો. એણે જોયું સંત કોઈ ચાલી રહ્યા છે. ઊંટલારી થોભાવી. આગળ ગયો. સંતના ચરણોમાં ઝૂક્યો. પૂછ્યું? મ.સા. મજામાં છો ને? એને શાતા શબ્દ ન આવડે… મ.સા. મજામાં છો ને? રત્નસુંદરસૂરિ કહે બહુ મજામાં, બહુ મજામાં, બહુ મજામાં… એ વખતે એ ઊંટલારી વાળો શું કહે છે, મ.સા. તમે મજામાં હોવ જ. તમે તમારું જીવન પ્રભુને સમર્પિત કર્યું તો પ્રભુ તમારી કાળજી રાખે જ ને. Surrender ની સામે care નું સૂત્ર એ ઊંટલારીવાળા પાસે હતું.
તો ‘करिष्ये वचनं तव’ ભક્તનું વચન. ‘योगक्षेमं वहाम्यहम्’ પરમચેતનાનું વચન. પ્રભુ તૈયાર જ છે. Ever ready.
તો પ્રભુનો પ્યારો પ્યારો હાથ પણ સંવેધ્યો છે, ક્યારેક કરુણામય હાથે પ્રભુએ મને ઊંચક્યો છે. પ્રભુના હાથમાં ઊંચકાવવાનું મળ્યું, કેટલું સૌભાગ્ય આપણું…! રાગ કે દ્વેષની ધારામાં અહંકારની ધારામાં જવાનું થાય છે. એ જ વખતે આચારાંગજી ના ભગવાન મારી સામે આવી જાય છે. શું કહે છે ભગવાન? एस खलु गंथे, एस खलु मोहे, एस खलु मारे, एस खलु णरए. એકદમ પ્યારથી કરુણાથી કહે છે, અરે બેટા! તું ક્યાં જાય છે? રાગમાં જવું છે તારે…?! આ દ્વેષમાં જવું છે તારે?! અહંકારમાં જવું છે? एस खलु गंथे. આ રાગ, દ્વેષ ને અહંકાર તો ગાંઠ છે. તું તો મારો નિર્ગ્રંથ છે, પ્રભુ કહે છે! તું મારો નિર્ગ્રંથ છે! ગાંઠના વિહોણું તારું અસ્તિત્વ છે. ગાંઠ પાડવા ક્યાં જાય છે હવે…? બેસી જા. પછી કહે છે, હવે જ્યારે ન અટકું ને તો एस खलु मोहे. આ ગુસ્સો તારો અહંકાર છે, તારું અજ્ઞાન છે. एस खलु मोहे. ગુસ્સો કેમ આવે છે? તારા અહંકારના કારણે આવે છે. મને કેમ કીધું કોઈએ..! અરે તું એટલે કોણ? આનંદઘન આત્મા છે. તું શરીર નથી. You are bodyless experience. You are nameless experience. You are mindless experience. પછી પ્રભુ કહે છે, एस खलु मारे, દીકરા આ રાગ, દ્વેષ ને અહંકાર તો મૃત્યુ છે મૃત્યુ. તારે મૃત્યુને ભેટવા જવું છે…? અને છેલ્લે પ્રભુ કહે છે, ‘एस खलु णरए’ આ તો નરક છે! નરક છે! તારે નરકમાં જવું છે…?! આ કરુણામય હાથ ઊંચકી લે. અને ક્યારેક અસત્ પ્રવૃત્તિમાં લાગી ગયા હોઈએ ત્યારે પ્રભુની તમાચ પણ ખાવી પડે. કદાચ ખોટા વિચારો આવી ગયા કે પ્રભુને સંમત ન હોય એવું બોલાઈ ગયું કે કરાઈ ગયું. તો પ્રભુ તમાચ ઠોકશે. ‘एत्थ अगुत्ते अणाणाए’ તું તારા મન, વચન, કાયાના યોગોને નિયંત્રિત ન કરી શકે, તો મારી આજ્ઞાની બહાર છે. Get out. આ પ્રભુનો શબ્દ સ્પર્શ..! એક-એક શબ્દ મળે ભીના થઇ જાવ. એ ભીનાશ ભક્તિની અને સ્વાધ્યાયનું ઊંડાણ એ સાધનાને વેગ આપવામાં મહત્વના કારણરૂપ છે.
આ વખતે આપણે આ સત્રમાં આંતરયાત્રાના એક માર્ગ ઉપર ચાલવાનું છે. જોવાનું છે એમ નહિ કહું હો. તમારે સાંભળવાનું છે એમ નથી કહેતો. You have to walk. ચાલવું છે ને…? ભલે મારી સાથે ચાલજો વાંધો નથી. ચાલવું છે ને…? ઉપનિષદમાં ગુરુ શું કહેતાં? પ્રભુ અમે બંને સાથે સ્વાધ્યાય કરીએ. ગુરુ પ્રભુને કહે છે, પ્રભુ! હું અને મારો શિષ્ય સાથે સ્વાધ્યાય કરીએ. ‘सह नौ भुनक्तु. सह वीर्यं करवावहै.’ અમે સાથે સ્વાધ્યાય કરીએ. અમે સાથે સાધનામાં આગળ ચાલીએ. આપણે સાથે ચાલીશું. ચાલવું છે ને…? સાંભળવાની માત્ર તૈયારી કરીને નથી આવ્યા ને…? ચાલવાની તૈયારી કરીને આવ્યા છો ને…? તો આંતરયાત્રા એક પથ પર આપણે ચાલવાનું છે.
આપણે ત્યાં આંતરયાત્રાના ત્રણ પથોની ચર્ચા છે. એક પથ છે ગુણસ્થાનકવાળો. મિથ્યાત્વ ગુણસ્થાનકથી અયોગી ગુણસ્થાનક. એ કર્મગ્રંથ શાસ્ત્રકારોએ બતાવેલો છે. બીજો એક માર્ગ યોગદ્રષ્ટિ સમુચ્ચયમાં ભગવાન હરિભદ્રાચાર્યએ બતાવ્યો છે. અને એ છે મિત્રા દ્રષ્ટિથી પરા દ્રષ્ટિ સુધીની આઠ દ્રષ્ટિઓનો યાત્રાપથ. ત્રીજો એક યાત્રાપથ યોગબિંદુમાં હરિભદ્રસૂરિ મહારાજે આપ્યો છે. અધ્યાત્મ યોગથી વૃત્તિસંક્ષયયોગ સુધીનો યાત્રાપથ. અધ્યાત્મયોગ, ભાવનાયોગ, ધ્યાનયોગ, સમતાયોગ, અને વૃત્તિસંક્ષયયોગ. આપણે આ વખતે આ સત્રમાં આ ત્રીજા માર્ગ ઉપર ચર્ચા કરવાની છે. હું ભૂલ્યો. ચર્ચા કરવાની નથી. ચાલવાનું છે.
હરીભદ્રસૂરિ ભગવંતે આ બે મજાના માર્ગો આપણને આપ્યા. મિત્રાથી પરાનો માર્ગ પણ અદ્ભુત છે. એને પણ આપણે ક્યારેક આગલા સત્રોમાં જોઈશું. આ વખતે આપણે અધ્યાત્મયોગથી વૃત્તિસંક્ષયયોગ સુધીના યાત્રાપથને જોવાનો છે. વચ્ચે કહું by the way હરીભદ્રસૂરિ મહારાજના ગ્રંથોને, હું માત્ર શ્રેષ્ઠ ગ્રંથો કહીને અટકતો નથી. હું એમના સર્જન કાર્યને શ્રુત સમવતાર કહું છું. શ્રુત સમવતાર! આગમિક શ્રુતનું – પ્રભુના મૂળભૂત શબ્દોનો એમણે આપણા યુગની ભાષામાં ઉતાર્યો. અવતરિત કર્યો. સમવતાર કર્યો. આ કામ બહુ જ વિરલ મહાપુરુષો જ કરી શકે. શ્રુત સમવતાર. બીજી વાત કહું, હરીભદ્રસૂરિ મહારાજને ઊંડાણથી તમે સમજો નહિ ત્યાં સુધી પ્રભુની સાધનાનો હાર્દ તમારી પાસે આવી શકે નહિ.
નિશ્ચય, વ્યવહારનું અદ્ભુત balancing એ પ્રભુની સાધનાનું હાર્દ. હું તો પ્રભુની સાધના ઉપર ઓવારી ગયેલો માણસ છું. દુનિયાની લગભગ સાધના પદ્ધતિઓ જોઈ. અને એ પછી પ્રભુની સાધના પદ્ધતિ જોઈ. નાચી ઉઠ્યો! વ્યવહાર અને નિશ્ચયનું આટલું અદ્ભુત balancing, મને તો બીજે ક્યાંય દેખાણું નહિ. વ્યવહારનું format, અદ્ભુત! આ સાધ્વાચાર, આ શ્રાવકાચાર.. અદ્ભુત..! વ્યવહારનું format આનાથી વધુ સરસ કયું હોઈ શકે? નિશ્ચયનું format પણ અત્યંત અદ્ભુત છે. એટલે આપણે એ હરીભદ્રસૂરિ મહારાજે વ્યવહાર-નિશ્ચયના balancing રૂપ સાધનાના હાર્દને જે આપ્યું છે એને પણ જોયા કરીએ.
બીજી વાત કરું, જીવંત ગુરુઓની જેમ ગ્રંથ ગુરુઓની એક પરંપરા છે. સુધર્મા સ્વામી ભગવાનથી લગાવીને મારા ગુરુદેવ સુધીની એક જીવંત ગુરુ પરંપરા. એવી જ જ એક બીજી પરંપરા છે, ગ્રંથ ગુરુ પરંપરા. મારા ગ્રંથ ગુરુ પહેલાં હરીભદ્રાચાર્ય છે. પછી દેવચંદ્રજી મારા બીજા ગ્રંથ ગુરુ છે. ૩૦ વર્ષની મારી ઉંમર હશે. પૂર્વનું-પશ્ચિમનું અઢળક વાંચતો. અંગ્રેજી પછી બુકવર્મ કહે છે એવો, પુસ્તકનો કીડો. સવારથી સાંજ સુધી વાંચ્યા કરું. પણ વાંચ્યા પછી શું? માત્ર અહંકાર. ગુરુદેવ મારા અહંકારના ફુગ્ગાને જોઈ ગયા. ગુરુ પાસે છે ને ટાંકણીનો જથ્થો હોય છે હો, તમે ગમે એટલા ફુગ્ગા ફુલાઈને આવો ને, ટાંકણી ઘોંચી દેશે.
ગુરુદેવે વિચાર કર્યો, કે આના માટે appropriate ટાંકણી કઈ છે? મને બોલાવ્યો. મને કહે, તું આટલું બધું વાંચે છે, હરીભદ્રસૂરિ મહારાજના ગ્રંથો તે વાંચ્યા? મેં કહ્યું કે ના વાંચ્યા નથી પણ હવે લેવાના છે. મેં પૂછ્યું, સાહેબજી પહેલો ગ્રંથ એમનો કયો વાંચું? મને કહે તું યોગબિંદુ વાંચ. Actually હરીભદ્રાચાર્યના યોગગ્રંથો જે છે એના વાંચનના ક્રમમાં છેલ્લે યોગબિંદુ આવે છે. મને ગુરુદેવે સૌથી પહેલા યોગબિંદુ આપ્યું. કારણ કે મારા અહંકારના ફુગ્ગાને એમણે ફોડવો હતો. એ યોગબિંદુમાં છેલ્લે આવ્યું, ‘विदुषां शास्त्रसंसार: सद्योगरहितात्मनाम्’ તમારું ભીતરી નેત્ર ખુલ્યું નથી. શ્રદ્ધાનું નેત્ર તમારું ખુલ્યું નથી. તો તમારી પાસે શાસ્ત્રોનો પણ એક સંસાર છે. શાસ્ત્રોનો પણ એક સંસાર છે…! ચોંકી ગયો..! મારી પાસે શું હતું? ભીતરનું નેત્ર તો ખૂલેલું નહોતું. માત્ર પુસ્તકોનો સંસાર મારી પાસે હતો. સામાન્ય વ્યક્તિ પાસે પદાર્થોનો સંસાર હોય, ધનનો સંસાર હોય, મારી પાસે ગ્રંથોનો સંસાર જ હતો. એવી એક તમાચ ઠોકી હરીભદ્રાચાર્યએ બુદ્ધિ અને અહંકારની ધૂળ એ વખતે ખરી પડી.
મને આનંદઘનજી યાદ આવેલા. એમણે કહેલું, ‘ગુરુ મોહે મારે શબ્દ કી લાઠી, ચેલે કી મતિ અપરાધી ની નાઠી’ ગુરુ મોહે મારે શબ્દ કી લાઠી, ચેલે કી મતિ અપરાધી ની નાઠી – સમજી ગયા? ગુરુની એક શબ્દ લાકડી પડે ને બુદ્ધિ અને અહંકારની ધૂળ ખંખેરાઈ જાય. પણ આપણી ધૂળ ખંખેરાતી નથી. કારણ શું? તમે હોશિયાર માણસો છો. રેઇનકોટ પર over coat ઠઠાવીને આવ્યા છો. લાકડી વાગે તો over coat ને, કેમ બરોબર…? આ વખતે બધું કાઢીને બેસજો હોં. સીધી લાકડી ઠોકાવાની છે. બુદ્ધિ અને અહંકાર નીકળી જવાનો છે. તો મને પ્રભુના વ્યવહાર અને નિશ્ચયની પુરી સમજ અને એનું પૂરું balancing હરીભદ્રસૂરિ મ.સા. એ આપ્યું. અને સમર્પણ અને સાક્ષીભાવનું base પૂ.દેવચંદ્રજી મ.સા. એ મને આપ્યું. વિદ્વાન હતો, ભક્તિની ધારા મારી પાસે નહોતી. તો દેવચંદ્રજી મહારજ ને વાંચતાં થયું, એકલો સાક્ષીભાવ તો કોરો પડી જાય છે. સમર્પણ જોઇશે. એટલે સાક્ષીભાવની ધારામાં સમર્પણ દેવચંદ્રજી મ.સા. એ ઉમેર્યું. એટલે મારા ગ્રંથ ગુરુઓ બે થયા.
તો આવતી કાલથી, સવારથી વાચનાઓથી આપણે અધ્યાત્મયોગથી એક મજાની યાત્રા શરૂ કરવાની છે. બહુ મજાની યાત્રા છે. અને એ યાત્રા માત્ર theorical નહિ, practical પણ કરવાની છે. રોજ ૩૦ મિનિટનું ધ્યાનાભ્યાસ ત્રણ વખત કરાવવામાં આવશે. ત્રણ વખત હું કરાવીશ. સમુહમાં. તમને ફાવી જાય એટલે તમારે પછી એને ઘૂંટ્યા જ કરવાનું છે. જેટલો ધ્યાનાભ્યાસ વધુ થશે, result એટલું વધુ સારું મળશે. એટલે આવતીકાલથી કાર્યક્રમ આખો આપી દેશે. ત્રણ વાચનાઓ છે. ત્રણ વખત ધ્યાનાભ્યાસ છે. બે ટાઈમ પ્રભુભક્તિ સમુહમાં છે. બીજું બધું જ જે છે એ બતાવી દેશે.
હવે આપણે જવાનું છે ક્યાં? આંતરયાત્રામાં. બહિર્યાત્રામાં બહુ ફર્યા. બહાર તો બહુ ફર્યા. હકીકતમાં છે ને બહાર ફરીએ એ પ્રવાસ છે. યાત્રા નથી. યાત્રા તો ક્યારે? પ્રભુની સન્મુખ ચાલીએ ત્યારે યાત્રા. સંસારને સામે રાખીને ચાલીએ એ પ્રવાસ. આપણી યાત્રા શરૂ થાય છે. આંતરયાત્રામાં વિચારોનું મૌન જરૂરી છે. અને એ વિચારોના મૌનને રાખવા માટે શબ્દોનું મૌન નિતાંત જરૂરી છે. તમારા બધા માટે હું અપેક્ષા રાખું છું, કે તમને કાલે સવારે મૌનના પચ્ચક્ખાણ આપવામાં આવે ત્યારથી ૨૨મી તારીખના મધ્યાહ્ન સુધીમાં તમારે શબ્દોનું મૌન આત્મસાક્ષીએ પાળવાનું છે. કોઈ CCTV કેમેરા તમારા રૂમમાં મુકવામાં નથી આવ્યા. અંદર જ તમે ઘુસપુસ કરો તો કોઈને ખબર પડવાની નથી. પણ તમે સાધના કરવા માટે આવ્યા છો. અને સાધનાનું પૂરેપૂરું result તમારે મેળવવું છે. આ ગરમીમાં બધું જ છોડીને મુંબઈ, સુરત, અમદાવાદથી તમે આવેલા છો. તો તમને આ સ્વાધ્યાયનો પુરેપુરો લાભ મળે. આ સ્વાધ્યાય તમારો પરમાત્માનો શબ્દ સ્પર્શ બને.
આ સ્વાધ્યાય અનુભૂતિમાં જાય, એના માટે ધ્યાનાભ્યાસ જરૂરી, ધ્યાનાભ્યાસ માટે વિચારોનું મૌન જરૂરી, અને વિચારોના મૌન માટે શબ્દોનું મૌન જરૂરી છે એટલે જ્યારે આવતી કાલે સવારે પચ્ચક્ખાણ આપવામાં આવે ત્યારથી શબ્દોનું મૌન બિલકુલ શરૂ થઇ જશે. મોબાઈલ તમારા લેવામાં આવી જશે. ક્યાંય કોઈની સાથે વાત કરવી નથી.
માત્ર મૌન, મૌન અને મૌન. અને એ મૌનમાં આ પ્રભુના પ્યારા પ્યારા શબ્દો ઊગી નીકળશે..