Maun Dhyan Sadhana Shibir 11 – Vachana – 11

7 Views
35 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત

Subject: તીવ્ર ઝંખના અને સંપૂર્ણ સમર્પણ

પ્રભુનું નિર્મલ દર્શન કેમ નથી થતું? અશુભ વિચારો ગમે ત્યારે મનમાં ધસી આવે છે, માટે. સવાલ થાય કે રોજની ૪-૫-૬ કલાક સાધના કરનારા સાધકના મનમાં દુર્વિચાર કેમ આવે? કારણ છે કે એ સાધના conscious mind ના level ની છે, અસ્તિત્વના સ્તરની નથી; જયારે રાગ-દ્વેષ-અહંકાર આ બધું જ અસ્તિત્વના ધરાતલ પર છે. અનંત–અનંત જન્મોથી આપણા અજ્ઞાનને કારણે આપણે જ એને પુષ્ટ કરતા આવ્યા છીએ.

કદાચ તમારી પાસે શુભ ભાવો છે કે રાગ-દ્વેષની ઓછાશ છે, તો એ પણ નિમિત્તોના અભાવને કારણે છે? કે તમારું પોતાનું હૃદય નિર્મળ બન્યું – માટે છે? નિમિત્તના અભાવે હોય, તો એ વાસ્તવિક નથી; હૃદયની નિર્મળતાના કારણે હોય, તો જ વાસ્તવિક છે. ધ્યાનાભ્યાસમાં ચોથા ચરણમાં તમે જે અનુભવ કરો ને, એ પણ માત્ર વિકલ્પોના અભાવની શાંતિ છે. વિકલ્પોનો ઘોંઘાટ ગયો અને શાંતિ લાગે છે; એ તમારી પોતાની શાંતિ નથી.

પ્રભુએ આપેલી અમૃત સાધનાને અસ્તિત્વના સ્તર પર ઊતારવી જ છે – એવી પ્રબળ ઝંખના હોય અને બીજું, નિશ્ચય-વ્યવહારના પારગામી સદ્ગુરુના ચરણોમાં તમારું total surrender હોય. આ બે વસ્તુ આવે, તો આજે પણ અસ્તિત્વના સ્તર પર સાધના લઇ જવી શક્ય છે.

મૌન ધ્યાન સાધના શિબિર જીરાવલા વાચના – ૧૧

સ્વાનુભૂતિ માટેનો મજાનો માર્ગ: ‘પ્રભુ નિર્મલ દરિશન કીજીએ.’

 એના સંદર્ભમાં ગઈ કાલે આપણી વાત એ ચાલેલી, કે નિર્મલ દરિશન કેમ નથી થતાં? વિચારો, અશુભ વિચારો ગમે ત્યારે મનમાં ધસી આવે છે માટે. તો એક સવાલ એ થયો, રોજની ૪-૫-૬ કલાક સાધના કરનારો સાધક એના મનમાં શું દુર્વિચાર આવી શકે ખરો? ત્યાં આપણે એક વાત પકડી કે પાંચ – છ કલાકની સાધના પણ conscious mind ના લેવલની હતી, અસ્તિત્વના સ્તરની નહોતી. રાગ-દ્વેષ, અહંકાર આ બધું જ અસ્તિત્વના ધરાતલ પર છે. અનંત – અનંત જન્મોથી આપણા અજ્ઞાનને કારણે આપણે જ એને પુષ્ટ કરતાં આવ્યા છીએ. રાગની કોઈ તાકાત નથી, શું તાકાત છે…!

હું ઘણીવાર કહું છું, પ્રભુની તાકાત શું છે? અનંત જન્મોથી જે સંજ્ઞાઓને બળવત્તર તમે બનાવી છે, બધી જ સંજ્ઞાઓને એક જન્મમાં પ્રભુ તોડી શકે! If you have total surrendered; નહિતર નહિ. If you have total surrendered. સંપૂર્ણ સમર્પણ જોઈએ પ્રભુના પ્રત્યે. પ્રભુની આજ્ઞા એ જ ધર્મ; સંજ્ઞાનું કોઈ ગજું નથી. પણ આ એક સત્વ પ્રગટવું જોઈએ. આ જન્મમાં પભુ મળ્યા છે. મળેલા પ્રભુ ઘણા જન્મોમાં, આપણે એમને પીછાણ્યા જ નહોતા. આ મારા પ્રભુ સમૃદ્ધિ આપી દે. એમને પ્રાર્થના કરું, મારા રોગ-શોક ટળી જાય. આ મારા પ્રભુ! અનંતા જન્મોની મારી સંજ્ઞાઓને દૂર કરી શકે છે! – આ દ્રષ્ટિબિંદુથી કદાચ પ્રભુને ક્યારેય નથી જોયા આપણે.

તો મારો સવાલ છે, આ જન્મમાં પણ આ દ્રષ્ટિબિંદુથી પ્રભુને હજુ સુધી કદાચ નથી જોયા, આજથી ચાલુ થઇ જશે આ કામ? મારા પ્રભુ શું કરે? મારા પ્રભુ હો…! તમારા બધાના પોતાના પ્રભુ છે. પ્રભુ કોઈના બીજાના નથી, આપણા જ છે. આપણા પ્રભુ શું કરે? આપણી સંજ્ઞાઓને ધ્વસ્ત કરી નાંખે, તોડી-ફોડીને ફેંકી દે. એટલે કોઈ પણ સાધકે ગભરાવાનું નથી. સાહેબ શું કરીએ..? આસક્તિ મને પીડે છે..! સાહેબ શું કરું..? દ્વેષ વારંવાર મને આવી જાય છે.. રાગ અને દ્વેષની તાકાત શું, એ તો મને કહો? તો પ્રભુની તાકાત આ છે – જો તમે પ્રભુને સમર્પિત થયા તો, અનંત અનંત જન્મોથી તમારા અજ્ઞાનને કારણે તમે પુષ્ટ કરેલી સંજ્ઞાઓને એક જન્મમાં, અને હું તો કહું એક વર્ષમાં તોડી નાખે!

એક વર્ષનો દીક્ષાનો પર્યાય થાય, શું કહ્યું શાસ્ત્રોમાં? અનુત્તર દેવલોકનો વાસી જે દેવ છે, એની પાસે જે ચિત્ત પ્રસન્નતા છે, એના કરતાં પણ એ મુનિની ચિત્ત પ્રસન્નતા વધી જાય છે! હવે તમને એક વાત સમજાવું, કે દેવોમાં પણ ચિત્ત પ્રસન્નતા કેમ વધે છે? ત્યાં પણ ભલે અસ્તિત્વના સ્તરથી નહિ, પણ નિમિત્તના અભાવને કારણે રાગ-દ્વેષ ઓછા થતાં જાય છે. આગળ-આગળના દેવલોકમાં દેવીઓ હોતી નથી, દેવીઓ સાથેનો ભોગ પણ હોતો નથી, માત્ર ક્યારેક એનું સ્મરણ કરી લે, ક્યારેક એનો શબ્દ સાંભળી લે, અને ગૈવેયક અને અનુત્તરમાં ગયા પછી તો ૨૪ કલાક એમને માત્ર પ્રભુના ગ્રંથો જ વાંચવાના હોય છે. રત્નમય પ્રભુના પુસ્તકો એમની સામે હોય છે, એ વાંચ્યા કરતાં હોય છે, સતત સતત સતત માત્ર પ્રભુના પ્યારા શબ્દોમાં જ એમનું અસ્તિત્વ ડૂબેલું હોય છે. પણ છતાં ત્યાં તકલીફ એ છે, કે એ જે રાગ-દ્વેષ અહંકાર દેવલોકમાં થોડા ઓછા થાય છે, એ નિમિત્તના અભાવને કારણે ઓછા થાય છે; તમારી પોતાની ઉપાદાનની શુદ્ધિને કારણે નહિ.

અને એટલે યોગશતકના અંતમાં હરીભદ્રાચાર્યએ આ વાત બહુ સરસ રીતે ખોલી છે. એમને કહ્યું, કદાચ તારી પાસે શુભ ભાવો છે, કે રાગ-દ્વેષની ઓછાશ છે, એ નિમિત્તોના અભાવને કારણે છે કે તારું પોતાનું હૃદય નિર્મળ બન્યું છે માટે છે? So much difference બે માં… એક માણસ છે, તાવ આવે છે, શ્વાસ ચડે છે, હિલ સ્ટેશન ઉપર જાય, સરસ લાગે એને; એટલી સુકી હવા હોય, ઠંડક હોય, એકદમ પ્રદુષણ વગરની હવા હોય; સારું લાગે એને, પણ એ એને જે સારપ લાગે છે એ એની પોતાની નથી, શરીરની નથી, હિલ સ્ટેશનના વાતાવરણની છે. પાછો ઘરે આવે છે મુંબઈમાં; હતું એ નું એ, પાછો શ્વાસ ચડવા માંડે છે. એને પોતાને કોઈ ફરક ન પડ્યો. એ ફરક જે પડ્યો એ નિમિત્તના કારણે પડ્યો. એમ તમને પણ કોઈ નિમિત્ત ન મળે તો શું ગુસ્સો કરવાના?! ઘણા લોકો કહે, સાહેબ! નિમિત્ત મળેને ગુસ્સો આવી જાય! હું એની સામે હસું કે હરામખોર! નિમિત્ત વગર તું શી રીતે ગુસ્સો કરવાનો હતો? એકલો એકલો માણસ રૂમમાં બેઠેલો હોય અને બખાળા પાડતો હોય, તો આપણે શું કરવું પડે? Mental hospital માં જ દખેલવો પડે ને? સાલો એકલો – એકલો બખાળા પાડે છે! તો નિમિત્તના અભાવે જે શાંતિ થઇ; વાસ્તવિક નથી. તમારી હૃદયની નિર્મળતાને કારણે થયેલ શાંતિ એ વાસ્તવિક છે.

આપણે ધ્યાનાભ્યાસમાં ચોથા ચરણમાં થોડી પણ શાંતિનો તમે અનુભવ  કરો ને, એ પણ તમારી પોતાની નથી યાદ રાખજો. એ વિકલ્પોના અભાવની શાંતિ છે. ઘોંઘાટ ગયો ને શાંતિ લાગે છે. એ વાસ્તવિક શાંતિ નથી. તમારી પોતાની શાંતિ નથી. કોના જેવું છે તમને સમજાવું? કોઈ મુનિરાજ હોય, ૪૫ ડીગ્રી ગરમીમાં બપોરે ૧૨ વાગે વહોરીને આવેલા હોય, તમે એ ડામરની સડક પર ચાલતાં હોવ, ખુલ્લી સડક ઉપર, ખુલ્લા પગે, વૃક્ષ કે કાંઈ નથી તો શરીરને ગરમી લાગવાની, ભલે એમને ન લાગે પણ શરીરને ગરમી લાગશે. ઉપાશ્રયમાં આવશે તો શરીરને ઠંડક લાગશે. પણ એ જે ઠંડક છે, એ શિયાળાની ઠંડક જેવી નથી. માત્ર તડકાનો અભાવ થયો એની ઠંડક છે. એમ ધ્યાનાભ્યાસમાં થોડી પણ શાંતિ પકડાતી હોય તો એ વાસ્તવિક શાંતિ નહિ માનવાની, તમારી પોતાની શાંતિ એ નથી, તમારો પોતાનો સમભાવ એ નથી; વિકલ્પોના અભાવને કારણે થયેલી એ શાંતિ છે.

તો આપણે વાસ્તવિક શાંતિ જોઈએ છે. એટલે પ્રભુનો સાધુ, પ્રભુની સાધ્વી જે સંપૂર્ણતયા પ્રભુને મન, વચન, કાયાથી સમર્પિત છે, પ્રભુ એને કેટલી કાયા પલટ કરી શકે? પ્રભુ કહે, એક જન્મની ક્યાં જરૂર છે મારે! એક વર્ષમાં તારી કાયા પલટ કરી નાંખું! એક વર્ષની અંદર એને આખી ઉંચી ભૂમિકાએ મૂકી દે! શાસ્ત્રોએ દ્રષ્ટાંત આપવું પડ્યું કે અનુત્તરવાસી દેવોની ચિત્ત પ્રસન્નતા કરતાં પણ બધું ચિત્ત પ્રસન્નતા છે; પણ અનુત્તરવાસીની ચિત્ત પ્રસન્નતા જોડે ખરેખર મુનિની ચિત્ત પ્રસન્નતાને સરખાવી પણ ન શકાય! મુનિની ચિત્ત પ્રસન્નતા ભીતરથી આવેલી છે.. બોલો પ્રભુ કેટલા મોટા જાદુગર છે! અનંત અનંત જન્મોની તમારી સંજ્ઞાઓને, તમારી વાસનાઓને એક વર્ષમાં તોડી-ફોડીને ભુક્કો કરી નાંખે..! એ પ્રભુ મને અને તમને બધાને મળ્યા છે.. તમારા ઉપર પણ પ્રભુ એ જ કામ કરવા માંગે છે. પ્રભુને ભેદભાવ નથી હો..! મારો સાધુ બન્યો એટલે વધારે આપું એને… શ્રાવક બન્યો એટલે ઓછું આપું… નહિ… Dedication જોઈએ છે માત્ર. Surrender. Total surrender થઇ જાવ..

અત્યારે સાધના કરવા છતાં તમારી સમર્પિતતા ક્યાં છે બોલો? તમારી વાત નહિ, સાધુ-સાધ્વીઓની વાચનાઓમાં, હું એમને પૂછું છું કે તમાર સમર્પિતતા ક્યાં છે બોલો? પ્રભુની આજ્ઞાનું પાલન શરીરના સ્તર ઉપર થાય છે, મનના સ્તર ઉપર શું? મન કોને સોંપ્યું છે બોલો? એક તમારી જાગૃતિ છે? મારા મનની અંદર એક સેકંડ માટે પણ પ્રભુને અસંમત વિચાર ન આવી શકે, અને એક સેકંડ એવો વિચાર આવ્યો, તમે તરત જ ગુરુદેવ પાસે પ્રાયશ્ચિત લઇ લો. છે આ જાગૃતિ તમારી પાસે? મિનિટો ની મિનિટો સુધી અશુભભાવ ચાલતો હોય, તમને ખ્યાલ શુદ્ધા નથી હોતો..! બારીકાઈથી જુઓ- ૨૪ કલાકમાં શુભભાવોમાં કેટલો સમય રહો છો? અશુભભાવમાં કેટલો સમય રહો છો? તમે પણ જુઓ.. અને મારે તો તમને શુભમાં પણ રાખવા નથી; શુદ્ધમાં લઇ જવા છે. પણ એના માટેનું પહેલું ground આ છે- આ foundation છે કે શુભ તમારું ૨૪ કલાકનું કાયમી થઇ જવું જોઈએ, એ તમારા માટેની એક સાધના એ થઇ કે શુભયોગોમાં ૨૪ કલાક મનને રાખવું જોઈએ; શ્રાવકો માટે શરીર શુભમાં જ રહે એવું ન બની શકે, ઓફિસે પણ જાય, કે ધંધો પણ કરે બધું જ કરે, શરીર ત્યાં હોય, મન ક્યાં હોય? શ્રાવકની વ્યાખ્યા એ છે, કે જેનું શરીર સંસારમાં છે, જેનું મન ભગવાનમાં છે એ શ્રાવક. ફરીથી – ‘જેનું શરીર સંસારમાં છે, જેનું મન ભગવાનમાં છે, ભગવાનની આજ્ઞામાં છે, એ શ્રાવક.’ ૨૪ કલાક પ્રભુની આજ્ઞાનું ચિંતન, પ્રભુની આજ્ઞાનું પાલન, મનથી તો કરવું જ છે તમારે પણ, જુટ્ઠું બોલાઈ ગયું, દર્દ થયું, હું કહી દઈશ પ્રભુની આજ્ઞાના પાલક તમે થઇ ગયા. જુટ્ઠું બોલવું નથી, જુટ્ઠું બોલવું પડ્યું; હું તમને કહીશ તમે પ્રભુ આજ્ઞાના પાલક છો, જો દર્દ થયું તો.

એક ભાઈની વાત મારા ખ્યાલમાં છે, ઓફિસે બેઠેલા, નાનકડો ધંધો હતો. માંડ રોટલી-દાળ ભેગા થઇ શકે એમાંથી. દીકરાઓના શિક્ષણનો ખર્ચ બહુ વધારે, કેમ કાઢવો એની વિમાસણ.. રાત-દિવસ એ મથામણ કરે પણ પ્રભુ આજ્ઞાનો એ પાલક હતો. એટલે પ્રભુ આજ્ઞાની વિરુદ્ધ કંઈ નથી કરવું, એના મનમાં દ્રઢ રૂપે હતું. એમાં શ્રાવિકાને પેટમાં દુઃખાવો ઉપડ્યો, ડોક્ટર પાસે જવાયું, ઓપરેશન ઈમીજેટ કરવું પડશે એ નક્કી થયું, અને ઓપરેશનનો ખર્ચ બે લાખનો હતો. પેલો વિચારમાં પડ્યો, મેડીક્લેઇમ તો છે નહિ, બે લાખ રૂપિયા વ્યાજે લાવીશ, વ્યાજના ચક્કરમાં પડી જઈશ હું, આમેય રોટલી-દાળ ભેગા માંડ માંડ કમાય છે, વ્યાજના ચક્કરમાં હું ફસાઈ જાઉં, ક્યાંથી હું નીકળવાનો?! એટલી વિમાસણમાં મુકાયો, ડોક્ટર કહે છે, ઈમીજેટ ઓપરેશન કરવું પડે એમ છે. અને એ એક દિવસ દુકાન પર બેઠેલો, એક ભાઈ એની પાસે આવેલો, એણે કહ્યું, આ એક ખોટો કાગળ છે, તારે ખાલી signature કરવાની છે, તું signature કરે, ૨ લાખ રૂપિયા તને આપી દઉં. તમને ખબર છે, આવું ઘણું બનાવટી ચાલે છે. Signature ખાલી કરી દો.. પેલો ભાઈ મૂંઝવણમાં મુકાઈ ગયો! મારા પ્રભુની આજ્ઞાથી વિરુદ્ધ એક પણ ડગલું ન ભરાય એની સાવધાની આજ સુધી રાખી છે, શું કરવું હવે? એક બાજુ લાગે છે કે ૨ લાખ રૂપિયા વગર ચાલે એમ જ નથી. જો વ્યાજના ચક્કરમાં પડ્યો તો આખી જિંદગી હેરાન પરેશાન હું તો થઈશ, મારા દીકરા પણ થઇ જશે. બે લાખ રૂપિયા લેવા જોઈએ, પણ કેમ લઇ શકાય…?! દુઃખાતા મને ઉભો થયો, એણે કહ્યું ઉભા રહો સાહેબ હું આવું. વોશબેસીન પાસે ગયો, મોઢું ધોયું, નેપકીન થી લુછ્યું, આવ્યો અને સહી કરી દીધી. હાથ કાંપતા હતા, આંખમાં આંસુ હતા; Signature થઇ ગયી, બધું કામ પતી ગયું.

પેલાએ એને પૂછ્યું, મારે તમને પૂછવું છે કે signature કરવાની હતી, એમાં વોશબેસીન પાસે તમે કેમ ગયા હતા? મોઢું કેમ ધોયું? શું એનો જવાબ હતો, યાદ રાખજો! એક શ્રાવક કેવો હોય! એ કહે છે, આ ખોટી signature કરવી એ મારા પ્રભુની આજ્ઞાની વિરુદ્ધનું કામ છે, પણ હવે મારે દિવસ સાથે કરવું જ પડે એવું હતું ત્યારે પણ મને વિચાર આવ્યો, કે પૂજા કરીને સવારે આવેલો છું, ભગવાનની આજ્ઞાના સ્વીકારના પ્રતિક સમૂહ તિલક મારા કપાળમાં છે. મેં તિલક કર્યું ત્યારે ભગવાનને કહેલું પ્રભુ! તારી આજ્ઞાને હું સ્વીકારું છું મારા મસ્તકે, એ પ્રભુની આજ્ઞા મેં સ્વીકારેલી, અને હવે પ્રભુની આજ્ઞા વિરુદ્ધ હું કેમ કરી શકું? મથામણ મને ઘણી થઇ, છેવટે લાગ્યું ૨ લાખ રૂપિયા લેવા તો પડશે જ અને એક કામ મેં કર્યું, તિલકને ભૂંસી નાંખ્યું! મારા કપાળમાં પ્રભુની આજ્ઞાના સ્વીકારના પ્રતિક સમૂહ તિલક હોય, ત્યાં સુધી મારાથી પ્રભુની આજ્ઞા વિરુદ્ધનું એક કાર્ય થઇ શકે નહી! આ પ્રભુની આજ્ઞા માટેની કેટલી એક ઝંખના હતી…! તો આવી ઝંખના તમને મળી જાય ને તો પણ વાંધો ન આવે. તમારા માટે તો fully સર્વિસ છે. એક વર્ષમાં નક્કી ગેરંટી, બોલો!

મહોપાધ્યાય યશોવિજયજી પંચવિંશતિકામાં કહે છે, એક વર્ષનું આવું શ્રામણ્ય થાય તો સાધક જીવન મુક્ત બની જાય! જીવન મુક્ત…! શરીરમાં રહેવા છતાં, શરીરથી પર હોય! શરીર હાડકાંનો માળો થયો; થવા દો કહે છે, શરીરનું જે થાય તે, બેપરવાહ છે; મારી સામે માત્ર મારા પ્રભુની આજ્ઞા છે. જીવનમુક્તદશામાં એ આવી જાય છે. એટલે જીવનમુક્ત સાધક કેવો હોય? પાંચ દિવસ ખાવાનું નથી મળ્યું, એને ખ્યાલ નથી કે મેં નથી ખાધું અને કદાચ એક કલાક પછી ખાવાનું આપી દો તો ખાઈ લે છે! અત્યારે આવા સાધકો છે – ૮ વાગે ખાધું, ૯ વાગે કોઈ આપી દે, એનો દેહ બોધ સમાપ્ત થયેલો હોય છે! મેં ૮ વાગે ખાધું, એને ખબર જ નથી! કારણ કે એને એનું મન સંપૂર્ણ તયા પભુને સોંપી દીધેલું હોય છે. તમે એક કામ કરો, તમારું મન totally પ્રભુને સોંપી દો.

રામકૃષ્ણ પરમહંસ આપણા યુગના બહુ મોટા સંત. એકવાર એમણે ગળાનું કેન્સર થયેલું. એમને કોઈ ફરક પડતો ન હતો. કેન્સર થાય તો પણ શું? આજ મરી જવાય તો પણ શું? કોઈ ફરક નહોતો. ભગવદ્દગીતામાં શ્રીકૃષ્ણએ કહ્યું, કે મૃત્યુ એટલે શું? વસ્ત્ર જુનું થયું હોય તો કાઢી નાંખવાનું; નવું વસ્ત્ર પહેરી લેવાનું. મૃત્યુ એટલે જીવન છે જ નહિ; શરીર જુનું થઇ ગયું, કાઢી નાંખો, નવું લઇ લો; આ મૃત્યુ. તો રામકૃષ્ણ પરમહંસ માટે ન કેન્સરનો કોઈ સવાલ હતો, ન મૃત્યુનો કોઈ સવાલ હતો. પણ શિષ્યો માટે સવાલ હતો. શિષ્યોએ કહ્યું, ગુરુદેવ! તમારું ઉપનિષદ, તમારું માત્ર હોવું, અમારા માટે જરૂરી છે. ભલે આપ બોલી નથી શકતા, ગળાનું કેન્સર છે, કોઈ વાંધો નથી; આપનું અસ્તિત્વ, આપની body માંથી જે ઉર્જા નીકળે છે, એ ઉર્જા અમને purify બનાવી દે છે; એટલે ગુરુદેવ આપનું રહેવું જરૂરી છે. તો આપ તો ઈચ્છા સિદ્ધ યોગી છો, ખાલી પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરો, કેન્સર મટી જવું જોઈએ. સાહેબ આપના માટે કોઈ ઈચ્છા નથી, અમારા માટે, કેન્સર મટી જવું જોઈએ. કેન્સર મટી જ જાય. રામકૃષ્ણજી હસ્યા. બોલ્યા નહિ, હસ્યા ખાલી. બોલાય એવું હતું પણ નહિ. ત્રણ દિવસ ફરી શિષ્યે પૂછ્યું, સાહેબ! ભગવાનને આપે કહ્યું? ત્યારે એમને લખીને આપ્યું, કે હું તો ૨૪ કલાક મારા મનને ભગવાનમાં જ રાખું છું તો ભગવાનમાં રહેલા એ મનને આ નાનકડા શરીર પર focus કેવી રીતે કરું હું?! ૨૪ કલાક માટે ભગવાનમાં રહેલા મનને, હું શરીર પર focus શી રીતે કરું?

આ ભૂમિકા શું ન મળી શકે એવી છે? મળી શકે એવી છે. પણ તમારી એક તીવ્ર ઝંખના જોઇશે, સાધનાને અસ્તિત્વના સ્તર પર ઉતારવી જ જોઈએ, એવું તમને લાગી ગયું? ગઈ કાલના પ્રવચન પછી ઘણા બધા સાધકો આવેલા, આપની વાત સાહેબ બિલકુલ સત્ય, કે સાધના અસ્તિત્વના સ્તરે નહિ ઉતરે, તો અમારી બધી સાધના જે છે, અનંતા જન્મોમાં હતી એવી થઇ જશે અને અમારી વિષયવાસના એવી ને એવી ચાલુ રહેશે..! ગુરુદેવ અમને છોડાવો.! અમારે શું કરવું જોઈએ, સાધનાને અસ્તિત્વના સ્તરમાં ઉતારવા માટે? મેં કહ્યું, કાલે સવારે વાચનામાં એનો જવાબ આપું, એના માટે બે વસ્તુ જરૂરી છે, અને ખરેખર તમે એના માટે કટિબદ્ધ હોય તો જ થઇ શકે એમ છે, ખાલી વાતો સાંભળીને જો એને જવાનું હોય, એના માટે કોઈ શક્યતા જ નથી. સાધનાને મારે – પ્રભુએ આપેલી અમૃત સાધનાને મારે અસ્તિત્વના સ્તર પર ઉતારવી છે, એની પ્રબળ ઝંખના જોઈએ. પ્રબળ ઝંખના. અને બીજી વાત નિશ્ચય-વ્યવહારના પારગામી સદ્ગુરુના ચરણોમાં તમારું total surrender જોઈએ; સંપૂર્ણ સમર્પણ. આ બે વસ્તુ આવે તો, આજે પણ અસ્તિત્વના સ્તર પર સાધના લઇ જવી એ શક્ય છે.

પહેલાંના યુગમાં આવા ઘણા પ્રયોગો ગુરુઓએ કર્યા! ચુનંદા સાધકોને ભેગા કર્યા, અને ચુનંદા સાધકો જે સંપૂર્ણતયા ગુરુને સમર્પિત હતા, અને તીવ્ર ઝંખનાવાળા હતા, ગુરુએ એના ઉપર કામ કર્યું, અને બધાને result આપી દીધું! એટલે ગુરુ તરફથી promise હોય છે! તમારી પાસે બે વસ્તુ થઇ ગઈ: તીવ્ર ઝંખના સ્વાનુભૂતિ માટેની, સાધનાને અસ્તિત્વના સ્તરે ઉતરવાની અને સંપૂર્ણ સદ્ગુરુ સમર્પિતતા; બે વસ્તુ તમારી પાસે આવી; અમારું promise અમે ત્યાં પહોંચાડી દઈએ, સવાલ જ નહિ..! બે વસ્તુ તમારી પાસે જોઈએ. પણ ગુરુદેવ આપે કહ્યું એ બરોબર છે, પણ આટલું બધું થાય એમ નથી; ના એ વાત નહિ, સદ્ગુરુને total surrender તમે હોવ. કોઈ પણ સદ્ગુરુ, જે આ વિષયમાં ઊંડા ઉતરેલા છે, ધ્યાનમાં, સાધનામાં, અને જેનું જીવન બાહ્ય બધી જ પ્રક્રિયાઓથી મુક્ત છે, માત્ર આંતર જગતમાં જે ડૂબેલા છે, આપણે ત્યાં થયા પંન્યાસ ભદ્રંકરવિજય ગુરુદેવ, કલાપૂર્ણસૂરિ દાદા, આવા જે વિરલ વ્યક્તિત્વો હતા, એવા યોગી પુરુષો જે છે, એમના ચરણોમાં જીવનને સમર્પિત કરી દેવું પડે. એક તો તીવ્ર ઝંખના હોય – ગુરુદેવ મને આપો આ..! મને આના વિના ચાલે એમ નથી! એક તલપ… એક ઝંખના.. એવી હોય.. આના વિના ચાલી જ ન શકે! આ જીવન આના માટે જ છે! અને પછી ગુરુદેવના ચરણોમાં સંપૂર્ણ સમર્પણ.

આપણા યુગમાં પંન્યાસ ગુરુદેવ ભદ્રંકરવિજય મ.સા. ની નિશ્રામાં આવું એક કાર્ય થયું; એક મજાનું work shop. પંન્યાસજી ભગવંત શ્રેષ્ઠ કક્ષાના યોગી પુરુષ. એમનો એક-એક શબ્દ આજે મંત્ર જેવો ગણાય છે. સંપૂર્ણ જિનાગમોને એમણે આત્મસાત્ કરેલા. પ્રભુની વાતોને સંપૂર્ણતયા એમણે આત્મસાત્ કરેલી. એમનું જીવન માત્ર ને માત્ર પ્રભુ આજ્ઞામય બની ગયેલું! અને એવા યોગી પુરુષની સુગંધ તો ફેલાયા વગર તો રહે જ નહિ! આપણા યુગના એ વખતના શ્રેષ્ઠ ચુનંદા સાધકો બધા એમના ભક્ત બની ગયા હતા. હિંમતભાઈ બેડાવાલા, સ્વામી ઋષભદાસજી, શશીકાંતભાઈ મહેતા, ટોપ મોસ્ટ ચિંતકો. સ્વામી ઋષભદાસ બહુ મોટા ચિંતક, હિંમતભાઈ બેડાવાલા બહુ મોટા સાધક, રાતોની રાતો કાયોત્સર્ગ કરનારા, આવા બધા શ્રેષ્ઠ સાધકોનો એક જમાવડો સાહેબ પાસે ભેગો થયો કારણ કે બધાને ખ્યાલ આવ્યો કે અમારી ભૂખને અહીંયા સંતોષી શકાશે. પછી એ લોકો એ સદ્ગુરુને totally surrender થઇ ગયા! એક ગૃહસ્થ શિષ્ય હોવા છતાં, એક સાધુ કરતાં પણ વધારે સમર્પિત થઇ ગયા ગુરુદેવને! ગુરૂદેવનો એક શબ્દ એમના માટે જીવનમંત્ર! અને એ સદ્ગુરુએ એ બધાને પ્રાપ્તિ કરાવી દીધી! એટલે સદ્ગુરુ તરફથી કોલ નક્કી જ હોય છે: ‘योगक्षेमं वहाम्यहम्’- હું તને પહોંચાડી જ દઉં!

તો તમારી પાસે બે ચીજ જોઈએ- તીવ્ર ઝંખના, આ જોઈએ જ, must, આના વિના ચાલી ન શકે! અને બીજું સદ્ગુરુના ચરણોમાં સંપૂર્ણ સમર્પણ.. આજે લોકો છે ને ભટકી જ રહ્યા છે. આ ગુરુ પાસે ગયા, કોઈ હિંદુ ગુરુ પાસે જાય, કોઈ યોગના કલાસીસમાં જાય, પછી આ ન ફાવે તો બીજામાં જાય, બીજામાં ન ફાવે તો ત્રીજામાં જાય; શું પણ આ?! આનાથી કંઈ મળી શકે ખરું? આજનો એક student હોય, મેડીકલમાં ગયો છે, એક વર્ષ અમેરિકા યુનીવર્સીટીમાં ભણ્યો, બીજું વર્ષ લંડન યુનીવર્સીટીમાં ભણ્યો, ત્રીજો વર્ષ મુંબઈ યુનીવર્સીટીમાં ભણે, ડોક્ટર થઇ શકે ખરો? યુનીવર્સીટી એક જ હોય! એમ સદ્ગુરુ એક જ હોય! આજે જે ખૂટે છે ને એ ઝંખના અને સમર્પણ બે ય ખૂટે છે. ઝંખના અને સમર્પણ હોય તો પ્રાપ્તિ આ રહી! પ્રાપ્તિ ક્યાં દૂર છે? તીવ્ર ઝંખના ક્યાં છે? અત્યારે સાંભળશો, આ મળવું જોઈએ.. લોકો ઘણા મને કહે, સાહેબ! આપને સાંભળીએ છીએ ત્યારે એવી ઈચ્છા થઇ જાય કે મળવું જ જોઈએ, તો ચાર દિવસ અસર રહે છે, પછી હતા એ ના એ થઇ જઈએ છીએ! મતલબ એ થયો કે તીવ્ર ઝંખના નથી. ભિખારીને કરોડપતિ બનવાની ઝંખના છે, એટલે ૨-૪ દિવસ રહે એને?! એને સાંભળવું પડે પ્રવચન કે કરોડપતિ બનવું જરૂરી છે? એના મનમાં લાગી ગયું, હું ભિખારી તરીકે રહું ચાલે જ નહિ; મારે પૈસાદાર બનવું જ જોઈએ, ભલે બાહ્ય દુનિયામાં છે, પૈસાદાર બનું તો જ મારી કોઈ પ્રતિષ્ઠા રહે! તો તમને લાગવું જોઈએ કે આટલું બધું કર્યા પછી પણ હું ખિસ્સા ખાલી માણસ છું! જો મારી પાસે પ્રભુની આજ્ઞા પ્રત્યેની શ્રદ્ધા નથી, ગુરુ પ્રત્યેનું સમર્પણ નથી, અને એના માટેની ઝંખના નથી તો, હું ખિસ્સા ખાલી માણસ છું! તમારી વાત નહિ; અમારી વાત પણ એ જ છે.

ભગવાને આચારાંગ સૂત્રમાં શું કહ્યું ખબર છે? दुव्वसु मुणी अणाणाए’ ‘दुव्वसु मुणी अणाणाए’ જે મારી આજ્ઞાની બહાર છે, એ ખિસ્સા ખાલી માણસ છે. દુવ્વસુ – દુર્વસુ; એની પાસે કોઈ ધન છે જ નહિ, આત્મિક ધન. તો અમને પણ આ ઝંખના ન થાય; અમે ખિસ્સા ખાલી માણસો છીએ! અને અમારો સંસાર કેમ ચાલુ રહ્યો બોલો…? અમે જો સંસારમાં કેમ જન્મ લઈએ છીએ? કારણ એક જ અમારી તીવ્ર ઝંખના જાગી જ નહોતી! આ ભવમાં અમારી તીવ્ર ઝંખના છે, તો આગામી જન્મોમાં અમે પ્રાપ્તિ કરવાના જ છીએ; ચોક્કસ. પણ આવી તીવ્ર ઝંખના આપણે પેદા થઇ જ નહોતી! તો લાગે છે તમને કે આવી તીવ્ર ઝંખના તમે કરી શકો? એના માટે પણ પ્રભુને પ્રાર્થના કરો.. પ્રાર્થના એ આપણું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ માધ્યમ છે. પ્રભુને કીધું, પ્રભુ અમારે જોઈએ, ભીની ભીની આંખથી, ગળાના ડુસકા સાથે પ્રાર્થના કરો. પ્રભુ તું મળ્યો અને હું ખાલી માણસ! તને શોભે છે, પ્રભુને કહી દો..! પ્રભુ કહે, મને જ નથી શોભતું, પણ તને ખટકતું નથી, હું શું કરું? તમને ખટક્યું ક્યારેય? આવા પ્રભુનો હું ભક્ત..! અને આવી દરિદ્ર હાલતમાં હું?!

કરોડપતિની દીકરી પાંચ વર્ષની અબોધ છે, એને ખબર નથી, એ કદાચ કોઈ જગ્યાએ ચોકલેટ વેચાતી હોય અને લાઈનમાં ઉભી રહે ને, બીજાને એને જોઇને હસું આવે. આ દીકરી! એનો બાપ આખી ચોકલેટની દુકાનોની દુકાનો ખરીદી શકે એમ છે! અને એ એક ચોકલેટ લેવા લાઈનમાં ઉભી છે! તમારી હાલત જોઇને અમને શું થાય બોલો? જેને આવા પરમપિતા મળ્યા! આપણી પરમ માતા મળી – જીરાવલા દાદા! અનશ્વર સંપત્તિના માલિક! શાશ્વત સંપત્તિના માલિક! પ્રભુ આપણને મળ્યા! આપણે સાવ ખિસ્સા ખાલી માણસ હોઈએ  કેમ ચાલે?! પણ આ વાત જે અત્યારે કહું છું એ, ભીતર સુધી નહિ જાય તો, ૨-૪-૧૦ કલાક ભીંજામણ રહેવાની, પાછી એ જ પાછી તમે જંજાળમાં પડી જવાના છો. આવી વાતો મેં આટલા મોટા ઓડીયન્સની સામે પહેલી વાત નથી કહી, ઘણીવાર કહી છે. જો કે result મળ્યું છે, નથી મળ્યું એમ નથી. પણ મારે જોઈએ છે એવું result મને નથી મળ્યું. Result મળે છે ક્યારેક ક્લાસમાં, ક્યારેક ૨-૪-૫ સાધકો આવા મળી જાય છે, જેના પર કામ હું શરૂ પણ કરી દઉં છું; મારે માસમાં કામ કરવું છે, કારણ તમને બધાને આ વાત સ્પર્શી જાય, તમે બધા એ રીતે કામ કરવા મંડી પડો, અને પભુની સાધના તમને મળે, અમને આનંદ થાય! હવે છે ને અમારા જીવનમાં બીજું કંઈ છે જ નહિ, પ્રભુ મળી ગયા, સદ્ગુરુ મળી ગયા, સાધના મળી ગઈ, હવે પ્રભુ અમને કહે છે, બસ બેટા! હવે તું બેઠો રહે, બીજાને સાધના આપતો રહેજે.

કલાપૂર્ણસૂરિ દાદાનો કાળધર્મ થયો, પછી એક ભક્ત મળેલો, આંખમાં આંસુ, એ દાદા ગયા, એટલે કેટલો બધો આમ મનની અંદર આઘાત લાગેલો હોય! એ ભક્તની આંખમાં આંસુ, કે સાહેબ ગુરુદેવનું મિશન કેટલું સરસ ચાલતું હતું… સાહેબ જ્યાં જતા, એમના પુણ્યના ઉદયથી, બસ! હજારો લોકો પામી જતા! સાહેબનું મિશન કેટલું સરસ ચાલતું હતું! સાહેબજી જતા રહ્યા! મેં એને કહ્યું, ભાઈ! સાહેબજીનું મિશન તો વર્ષો પહેલાં પરિપૂર્ણ થઇ ગયું, સાહેબજીનું મિશન – ધ્યેય એક જ હતું: પ્રભુને પુરેપુરા પામી લેવા! વર્ષો પહેલાં પ્રભુ એમને પુરેપુરા મળી ગયેલા, એમની સાધના પરિપૂર્ણ થઇ ગયેલી, એમનું મિશન પૂરું થઇ ગયેલું, પછી પ્રભુનું મિશન ચાલતું હતું! પ્રભુ કહે રહી જા ત્યાં, અને મારી વાત હજારો લોકો સુધી તું પહોંચાડ…

એક મહાત્મા મને મળેલા, પ્રભાવક આચાર્ય, મને કહે, સાહેબ! શું દાદાનો પુણ્ય વૈભવ! દાદા મુંબઈમાં તો નહિ પધાર્યા, મુંબઈની બહારથી નીકળ્યા, દહિસર નાકા બહારથી, તો સાહેબનો એક દીદાર જોવા માટે, કલાપૂર્ણસૂરિ દાદાનું દર્શન કરવા માટે, દોઢથી બે લાખ લોકો સડકો પર ઉમટેલા! આખું મુંબઈ સડકો ઉપર ઉમટી ગયું! પેલા પોલીસ ઇન્સ્પેકટર વિચારમાં પડી ગયા, કોણ છે આ મહાત્મા?! એ જ પુણ્ય પ્રભાવ સાહેબનો ચાલુ, સુરતમાં ગયા, એક-એક જગ્યાએ બસ હજારો લોકો પાછળ-પાછળ ચાલતાં જ હોય, સાહેબનું આટલું સંમોહન! મેં કહ્યું, આ પ્રભુનું મિશન હતું, સદ્ગુરુને એટલી ઉંચી કક્ષાએ પહોંચાડી દીધા, એ સદ્ગુરુનું સંમોહન હજારો લોકોના મનમાં થયું, પણ સદ્ગુરુને પોતાના તરફથી કાંઈ જ જોઈતું નહોતું, એમની ઈચ્છા પણ નહોતી, એક ભક્ત મારો બને! સદ્ગુરુ ક્યારે પણ ખેવના ન રાખે – એક પણ ભક્ત મારો બને. મારે હજાર ભક્ત છે, અને દસ હજાર માણસો મારી સભામાં આવે છે, એ કોઈ સદ્ગુરુ બોલી જ ન શકે ક્યારેય. એને માત્ર અંદર જ ખૂલવાનું છે; તમે આવ્યા, આપી દીધું; વાત પુરી થઇ ગઈ. તમને દિલથી આપવું, એટલું જ કામ હોય છે!

તો પ્રભુનું મિશન હતું, પ્રભુએ કહ્યું, જુઓ! જે મને મળે છે, એની આંતર શુદ્ધિ કેવી હોય, એ જોઈ લો! કેવી નિર્મળતા દાદાની હતી આમ..! એમને જોઇને આપણને પ્રભુ દેખાતા હતા! તો પ્રભુ કહેતાં હતાં, જુઓ! જે મને પામે છે, એની આંતર શુદ્ધિ કેવી હોય, એ જુઓ! અને બાહ્ય પુણ્ય વૈભવ, એનો કેવો થઇ જાય, જુઓ! એટલે દાદાના માધ્યમે પ્રભુ કહેવા માંગતા હતા, કે ભાઈ મારા સુધી આવો તમે, તો તમને પણ આવું મળી જાય! તો એ મહાત્મા મને કહે, સાહેબ! શું દાદાનો પુણ્ય વૈભવ! મેં કહ્યું, તમે દાદાનો પુણ્ય વૈભવ તો જોયો, દાદાની આંતરશુદ્ધિ જોયેલી છે, મેં કીધું…? એ પ્રભુ મળી ગયા અને જે નિર્મલ હૃદય દાદાને મળ્યું, એના કારણે આ બધું હતું! નિર્મલ હદયના માણસને કશું માંગવાનું હોતું નથી; એની પાછળ પાછળ બધું ઉગતું આવે છે.

અને કલાપૂર્ણસૂરિ દાદાનો એક ખાસ મંત્ર હતો, એ વારંવાર કહેતાં, કે નિર્મલ હૃદય તમારી પાસે ન હોય ત્યાં સુધી ધ્યાન તમારી પાસે છે જ નહિ! ત્યાં સુધી માત્ર શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં તમે છો, પ્રાણાયામમાં તમે છો. આજે આખો દેશ પ્રાણાયામ કરે છે, રામદેવ બાબા કરાવે છે, આખો દેશ કરે છે, વિશ્વ પણ કરે છે; પણ ત્યાં હેતુ એ છે યોગ કરવાનો – બોડી બિલ્ડીંગ થાય, મેન્ટલ પીસ મળે, બે જ હેતુ છે. આપણા આ બે હેતુ છે જ નહિ, આપણો હેતુ એક જ છે – આત્મિક નિર્મળતા. ધ્યાન કરતાં ગયા.. મારો ક્રોધ હટ્યો? મારો રાગ હટ્યો? સમભાવમાં આપણે જઈએ, સમભાવનો સ્પર્શ થાય એટલે શું થાય? સમભાવની ક્ષણોમાં રાગ કે દ્વેષ હોઈ શકે? મારે ક્યાં સુધી તમને લઇ જવા છે તમને કહું, કે એ સમભાવનો આનંદ તમને સ્પર્શે તો રાગ – દ્વેષમાં જે પીડા છે, એનો તમને ખ્યાલ આવે. અત્યારે તમારી હાલત એ છે – રાગમાં છો એનો વાંધો નથી, રાગની પીડાનો અનુભવ તમને નથી; મારા માટે દુ:ખની ઘટના આ છે! રાગમાં સંસારી માણસ હોય, માની લીધું, પણ રાગની પીડા એની પાસે નથી. આ વાત મારે એકદમ ક્લેરીફાય કરવી છે કે રાગથી શું થાય? દ્વેષથી શું થાય? Logically તમને ખ્યાલ આવી જાય કે રાગ અને દ્વેષ એકાંતે દુઃખ આપનારા છે અને છતાં તમને એની પીડાનો અનુભવ નથી થતો!

બોલો, પૈસા મળે, પૈસાનો સંયોગ થાય, સુખ મળે કે દુઃખ મળે બોલો? શાસ્ત્રોએ સ્પષ્ટ કહ્યું, ‘संजोग मूला जीवेण, पत्ता दक्ख परंपरा’ પદાર્થોના, વ્યક્તિઓના સંયોગથી જ દુઃખોની પરંપરા સર્જાય છે.

એક ગામડા ગામનો માણસ હતો, રૂ નો વેપાર કરતો, એમાં એકવાર તેજી આવી ગઈ, લાખ રૂપિયા થઇ ગયા, એ જમાનામાં લક્ષ્યાધિપતિ એટલે આજનો અબજોપતિ. લાખ રૂપિયા એટલે બહુ મોટી વસ્તુ. રૂપિયો ગાડાના પૈડા જેવો હતો! તો લાખ રૂપિયા જ્યારે થયા ને તો કુદવા માંડ્યો! ઘરે કહ્યું આજે લાપસીનું આંધણ મુકો, આજે લક્ષ્યાધિપતિ થઇ ગયો! પછી તો એનું પુણ્ય સિતારામાં આવ્યું, તેજીમાં ને તેજીમાં ચાલ્યો.. બે લાખ, પાંચ લાખ, દસ લાખ, પૈસા વધતા જ ગયા… પંદર લાખ, વીસ લાખ. બરોબર… લાખ મળ્યા ત્યારે બહુ જ આનંદ હતો. પાંચ લાખ મળ્યા ત્યારે વધુ આનંદ હતો. દસ લાખ મળ્યા ત્યારે પણ વધુ આનંદ હતો. એ આનંદ શેનો હતો? પૈસાનો હતો એવું માનો ને તમે? તમે માનો ને? હવે તમને એક જ વાત કહું એની, વીસ લાખે પહોંચ્યો પછી મંદીમાં આવ્યો; વીસ ના પંદર થયા, પંદર ના દસ કર્યા. કેટલા છે અત્યારે? દસ લાખ. કેટલી મજામાં હોય એ મને કહો…? કેટલી મજામાં છે એ બોલો…? તો દસ લાખથી આનંદ મળતો હોય તો મજામાં હોવો જ જોઈએ? તો દસ લાખ આનંદ આપે છે? કે દસ લાખ મળ્યા એની ભ્રમણાથી આનંદ થાય છે? તમે બધા માસ હિપ્નોટીઝમ ના શિકાર છો..! એક સમૂહ ભ્રમણા તમારી ભીતર ચાલી રહી છે. પદાર્થ મળે એટલે સુખ મળે, વ્યક્તિઓનો સંપર્ક કર્યો એટલે સુખ મળે; સુખ ક્યાંય નથી, સુખ તમારી ભીતર જ છે.. અને સુખને સ્પષ્ટ કરવાનો, અનુભવવાનો એક જ માર્ગ છે, પ્રભુની આજ્ઞામાં જવું તે.

મને લોકો ઘણીવાર પૂછે, પ્રભુ મળ્યા પછી શું થયું? ત્યારે હું કહેતો હોઉં છું, કે પ્રભુ મળ્યા પછી પ્રભુની એર-કંડીશન હથેળીમાં હું છું! પ્રભુ મળ્યા પછીની એક ક્ષણ મારી પીડામાં નથી ગઈ! શરીરમાં રોગો ભયંકર આવ્યા, ઘણા આવ્યા, હું મજામાં હતો! ડોકટરો ડોકટરોનું કામ કરે, ઓપરેશન કર્યા કરે, આપણે મજામાં હોઈએ! પ્રભુએ એક ક્ષણ પણ મને પીડામાં નથી રાખ્યો! બીજી કોઈ પીડા તો અમારે હોતી જ નથી, માનસિક પીડા તો. તો શારીરિક રોગો આવ્યા, તો શું થયું? મજામાં ને મજામાં! આનંદની ધારા ક્યારે તૂટી જ નથી! તો પ્રભુ આ આનંદ આપે છે!

તો આપણે મૂળભૂત ચર્ચવાની બાકી છે હજી થોડી, કે સાધનાને અસ્તિત્વના સ્તરે લઇ જ જવી છે, અને એના માટે બે વસ્તુ ખાસ જોઇશે: તીવ્ર ઝંખના – સાધનાને અસ્તિત્વના સ્તરે ઉતરવાની અને સદ્ગુરુ સમર્પણ. સમર્પણ પણ મન ફાવતું નહિ! ફાવતી ગુરુની આજ્ઞા માની! નક્કી કોણ કરે, ગુરુની આજ્ઞા પર? મન નક્કી કરે! મનને અનુકૂળ છે, આજ્ઞાનો સ્વીકાર! મનને પ્રતિકૂળ છે આજ્ઞા પ્રત્યે, સાહેબ! આ તો નહિ ફાવે..! કેમ?! આ તમારી હાલત આ છે! તો આમની હાલત શું હોય બોલો..?! પરમાત્માને સંપૂર્ણ તયા સમર્પિત થયેલા સાધુ-સાધ્વીઓની હાલત આ હોય, તો શ્રાવકોની હાલત શું હોય!

પણ એવું કંઈ નથી, કે સાધુ જે ભૂમિકાએ નથી પહોચ્યો તો શ્રાવક ન પહોંચી શકે! આંતરદશામાં તમે આગળ જઈ શકો છો. અને એની એક વાત કરું, કે સામાન્યતયા સ્વાનુભૂતિ ચોથા ગુણઠાણે, સમ્યગ્દર્શન જેને આપણે કહીએ, એ ચોથા ગુણઠાણે, શ્રાવકપણું પાંચમાં ગુણઠાણે, સાધુપણું છટ્ઠા ગુણઠાણે. દ્રષ્ટિના ક્રમમાં શું છે, આઠ દ્રષ્ટિમાં..? કે પાંચમી દ્રષ્ટિએ સમ્યગ્દર્શન એટલે કે સ્વાનુભૂતિ, છટ્ઠી દ્રષ્ટિએ ઉદાસીનદશા, એટલે શ્રાવકપણામાં ઉદાસીનદશા છે, સાધુપણામાં પુરી ઉદાસીનદશા છે, આખી ઉદાસીનદશા એ છટ્ઠી દ્રષ્ટિ થઇ. તો તીર્થંકર ભગવંતો માટે કહ્યું, કે તીર્થંકર ભગવંતો ગ્રહસ્થપણામાં છે, અને છટ્ઠી દ્રષ્ટિમાં છે! પાંચમીમાં નહિ, છટ્ઠીમાં! કારણ પરમ ઉદાસીનદશા એમની પાસે છે. તો દ્રષ્ટિનું વર્ગીકરણ ગુણ સાથે થયું. ભગવાન ગ્રહસ્થપણામાં શ્રાવક પણ હોતા નથી, તમને ખ્યાલ છે, એમને વ્રત લેવાના હોતા નથી. સીધા પોતે ધર્મ પ્રવર્તાવે, અને સીધા જે છે એ દીક્ષા લઇ લે. તો પ્રભુ શ્રાવક પણ બનતા નથી! અને પાંચમું ગુણઠાણું નથી; છટ્ઠી દ્રષ્ટિ મળી જાય છે! છટ્ઠા ગુણઠાણા પછી ઉદાસીનદશા છે, એ પ્રભુને ચોથા ગુણઠાણે મળી જાય છે!

તો તમે ન પહોંચી શકો એમ નહિ, પાછળવાળી બહેનોને કહું છું. બધે પહોંચી શકો એમ છો. માત્ર તીવ્ર ઝંખના… માત્ર સદ્ગુરુ પ્રત્યેની સમર્પિતતા જોઈએ…

આ વાત હજુ મજાની છે, આગલા સેશનમાં હજી આપણે એને ઊંડાણમાં ચર્ચીશું. ધ્યાનાભ્યાસ.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *