વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત
Subject : ઇતની ભૂમિ પ્રભુ તુમ હિ આણ્યો
त्वमकारणवत्सलः પ્રભુ! તારો પ્રેમ તો અપાર છે, અસીમ છે, અવ્યાખ્યેય છે. પણ, એ અહેતુક છે, અકારણ છે. મેં કશું જ તને સમર્પિત કર્યું નહિ અને છતાં તું મારા ઉપર આટલો વરસી ગયો!
નરક અને નિગોદમાંથી આપણને મનુષ્ય જીવનમાં લાવનાર કોણ? પ્રભુનું શાસન આપણને આપનાર કોણ? પ્રભુની સાધના પદ્ધતિમાં આપણને ડૂબાડનાર કોણ? ઉત્તર એક જ છે: પ્રભુનો પ્રસાદ. એનો પ્રેમ. પ્રભુના પ્રેમમાં ડૂબી જાઓ અને એક પણ વિભાવ – રાગ, દ્વેષ કે અહંકાર – એક ક્ષણ માટે પણ તમારી ભીતર પ્રવેશી ન શકે.
અગણિત જન્મોમાં તમે કોઈની સાથે પ્રેમ નથી કર્યો. પ્રભુની સાથે તો નહિ, ગુરુની સાથે તો નહિ, કોઈની પણ સાથે પ્રેમ નથી કર્યો; સિવાય કે તમારી જાત સાથે. પ્રેમ હતો માત્ર પોતાની જાત પ્રત્યે. મને જે સારા લાગે, તે સારા અને મને જે ખરાબ લાગે, તે ખરાબ. એક આ જન્મ મળ્યો છે માત્ર અને માત્ર પ્રભુના પ્રેમમાં ડૂબવા માટે!
મૌન ધ્યાન સાધના શિબિર ૧૮ – શ્રી મણિલક્ષ્મી તીર્થ વાચના – ૪
મિત્રા દ્રષ્ટિથી બે મજાની યાત્રાનો પ્રારંભ થાય છે. જીવસૃષ્ટિ સાથેના પ્રેમની યાત્રાનો પ્રારંભ અને સ્વરૂપદશાના પ્રેમની યાત્રાનો પણ પ્રારંભ. પણ આ બંને યાત્રાઓના પ્રારંભના મૂળમાં પરમચેતનાનો પ્રેમ છે. જ્યાં સુધી પરમ ચેતનાનો સ્પર્શ આપણને થતો નથી; ત્યાં સુધી એક પણ યાત્રાની શરૂઆત થઇ શકતી નથી.
વિતરાગ સ્તોત્રમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય એ પ્રભુના પ્રેમની આ વાતને મજાની પ્રસ્તુતિ આપી: “भवत्प्रसादेनैवाहमियतीं प्रापितो भुवम्” એ જ પંક્તિનો આપણી ભાષામાં અનુવાદ મહોપાધ્યાય યશોવિજય મહારાજે આપ્યો: “ઇતની ભૂમિ પ્રભુ તુમ હિ આણ્યો” નરક અને નિગોદમાંથી મનુષ્ય જીવનમાં લાવનાર કોણ? પ્રભુનું શાસન આપણને આપનાર કોણ? પ્રભુની સાધના પદ્ધતિમાં આપણને ડૂબાડનાર કોણ? ઉત્તર એક જ છે- પ્રભુ..! એનો પ્રસાદ..! એનો પ્રેમ..! નરક અને નિગોદમાં આપણે હતા, ત્યાં પ્રભુના આ પરમ પ્રેમનો સ્પર્શ પહેલ વહેલો મળેલો! પણ એ વખતે આપણને ખ્યાલ નહોતો. મનુષ્ય જીવનમાં આવ્યા પછી સાધનાની પગથારે ચડ્યા પછી ખ્યાલ આવે કે પ્રભુનો પ્રેમ શું કરે છે! પ્રભુનો પ્રેમ વિભાવોની સામે એક મજાનું રક્ષા કવચ છે. પ્રભુના પ્રેમમાં તમે ડૂબી જાવ…! એક પણ વિભાવ… રાગ, દ્વેષ કે અહંકાર એક ક્ષણ માટે, not a second, તમારી ભીતર પ્રવેશી શકે..!
તો પ્રભુનો પ્રેમ એ વિભાવો સામેનું એક મજાનું રક્ષા કવચ છે. આ જ લયમાં વિતરાગ સ્તોત્રમાં એક મજાની ચર્ચા આવે છે. બહુ મજાની છે. એક બાજુ હેમચન્દ્રાચાર્ય કહે છે કે પ્રભુ! તારા પ્રેમે, તારા પ્રેમના સ્પર્શે, મને નવજીવન આપ્યું, મને વિભાવોમાંથી સુરક્ષિત કર્યો. એ જ વિતરાગ સ્તોત્રમાં હેમચંદ્રાચાર્ય લખે છે: “रत्नत्रयं मे ह्रियते” પ્રભુ તારો પ્રેમ જેને પણ સ્પર્શે, એને વિભાવ સ્પર્શી ન શકે; એને બદલે તારું શાસન મળ્યું, તારી સાધના મળી, તારું શ્રામણ્ય મળ્યું, અને છતાં વિભાવો મને સ્પર્શે છે..! હેમચંદ્રાચાર્યએ આપણા વતી આ વાત લખી છે. એ તો સાધનાની ટોચ પર પહોંચી ગયા હતા. આપણા લયમાં, નીચે ઉતરીને એમણે આ વાત કરી કે પ્રભુ તારું શ્રામણ્ય મળ્યું; અને છતાં વિભાવોનો સ્પર્શ કેમ થઇ શકે?
બહુ મજાનો સવાલ છે. જો પ્રભુના પ્રેમનો સ્પર્શ તમને શ્રામણ્ય આપી શકે, તો એ જ પ્રભુના પ્રેમનો સ્પર્શ વિભાવોમાંથી તમને સુરક્ષિત કરી આપે; તો વિભાવો આવ્યા કેમ? ઉત્તર – આખા વિતરાગસ્તોત્રમાં ક્યાંય નથી..! શબ્દમાં ઉત્તર નથી; અશબ્દમાં ઉત્તર છે. હું ઘણીવાર કહું છું કે અમારા જેવા માણસોની તમારે જરૂરિયાત ક્યાં પડે? શબ્દો તો તમે વાંચી લેવાના છો. પંક્તિઓને તમે ખોલી દેવાના છો! પણ, between the words, between the lines જે છે, એનો તમને ખ્યાલ નહિ આવે! શબ્દમાં ઉત્તર એટલા માટે નથી અપાયો કે તમારે સદ્ગુરુ પાસે જવું પડે. નહિતર તમે તો પંડિત છો બધા! થોડી puzzel રાખી મૂકી. જે તમારાથી ઉકલે નહિ. એટલે સદ્ગુરુ પાસે જવું પડે.
તો between the words, between the lines વાત મજાની છે; જે પ્રભુના પ્રેમનો સ્પર્શ પ્રભુનું શાસન અપાવે! પ્રભુની સાધનામાં ડુબાડે! જે પ્રભુનો પ્રેમ શ્રામણ્યની પગથારે સાધકને લઇ જાય.. એ પ્રેમનો સ્પર્શ જ્યાં સુધી હોય ત્યાં સુધી વિભાવોનો સ્પર્શ થઇ શકે નહિ.! તો શું થયું? ગરબડ ક્યાં થઇ? શ્રામણ્યની પગથારે ચલાયું, તપ, જપ અને સાધના થઇ અને એ વખતે મનમાં અહંકાર આવ્યો! હું તપ કરું છું! હું જપ કરું છું! હું સાધના કરું છું! આ અહંકાર આવ્યો; પ્રભુના પ્રેમનો સ્પર્શ છૂ થઇ ગયો..!
આપણી પરંપરામાં અરણીક મુનિની વાત બહુ મજાની છે. અરણીક મુનિ જ્ઞાની હતા. તપસ્વી હતા. ધ્યાની હતા. પણ એમની સાધનામાં ક્યાંક ત્રુટી રહી ગઈ. ત્રુટી ક્યાં રહી? ત્રુટી ત્યાં હતી કે અરણીક મુનિ માનતા કે હું તપ કરું છું, તપ મારે જ કરવાનો છે, ગુરુદેવને ખાલી કહી દઉં કે મને છટ્ઠનું પચ્ચક્ખાણ આપો, એટલે ગુરુદેવ બોલી દે. હું તપ કરું છું…! સાધનાનો કર્તા હું છું! ગુરુ સાક્ષી છે..! બહુ મોટી ભૂલ થઇ આ..! જે પ્રભુ, જે સદ્ગુરુ સાધના જગતના કર્તા છે; એને એમણે સાક્ષી રૂપે કલ્પ્યા..! અને જેને સાક્ષી રૂપે રહેવાનું હતું; એ કર્તા બની ગયો..! આટલી એક નાનકડી ભૂલ અરણીક મુનિ પટકાઈ ગયા..! વેશ્યાને ત્યાં રહ્યા! વેશ્યાને ત્યાંથી સદ્ગુરુ પાસે આવ્યા. બહુ જ હૃદયંગમ દ્રશ્ય છે. સહેજ આંખો બંધ કરી વિચારીએ, અરણીક મુનિ ધીરે ધીરે ધીરે ડુસકા ભરતાં, આંખોમાંથી આંસુને વરસાવતાં, સદ્ગુરુ પાસે આવે.. એમના ચરણોમાં ઝુકે.. પોતાનું મસ્તક ગુરુના ચરણ પર ટેકવે છે.
આ એક બહુ મજાની આપણી પરંપરા છે. કોઈ પણ શિષ્ય, કોઈ પણ ભૂલ કરીને સદ્ગુરુ પાસે આવે, ત્યારે એણે બીજું કંઈ જ કરવાનું નથી; એણે પોતાનું મસ્તક ગુરદેવના ચરણો પર મૂકી દેવાનું છે..! સદ્ગુરુના ચરણમાંથી જે ઉર્જા નીકળે છે; એ ઉર્જા સાધકને purify બનાવી દે છે..!
અરણીક મુનિએ ગુરુના ચરણો પર માથું ટેકવ્યું, સદ્ગુરુએ શક્તિપાત કર્યો! એ શક્તિપાત ઝીલાયો..! ભીતર તો આમૂલચૂલ ક્રાંતિ સર્જાઈ..! બહાર પણ જે અરણીક મુનિ વૈશાખ અને જેઠની બળબળતી બપોરે ખુલ્લી શેરીઓમાં ચાલી શકતા નહોતા, એ ધખધખતી શિલા ઉપર સંથારો કરીને બેસી ગયા..!
એક સવાલ તમને ક્યારેય થયો? અરણીક મુનિ એ જ હતા! સદ્ગુરુ પણ એ જ હતા! તો સદ્ગુરુએ પહેલા શક્તિપાત કેમ નહિ કર્યો? પહેલા શક્તિપાત થયો હોત તો વેશ્યાને ત્યાં જવાની નોબત ન આવત.! ઉત્તર એ મળે છે કે સદ્ગુરુ તૈયાર હતા, અરણીક મુનિ તૈયાર નહોતા!
તમારા પર કેટલી વાર સદ્ગુરુનો શક્તિપાત થયો, તમને ખ્યાલ છે? કરેમિ ભંતે તમને મળ્યું, એ સદ્ગુરુનો શક્તિપાત હતો. સમભાવમાં જીવન પર્યંત રહેવું એ આપણા માટે ટફ છે, ટફેસ્ટ છે; પણ સદ્ગુરુનો શક્તિપાત મળે, તો easiest છે.! સદ્ગુરુ શક્તિપાત કરવા તૈયાર છે; આપણે તૈયાર નથી!
હું તો ઘણીવાર સાધુ-સાધ્વીજીઓને ફરીથી કરેમિ ભંતે આપું છું. તમને ખ્યાલ નહોતો; કરેમિ ભંતે મળી પણ ગયું, તમે એ જ વિભાવોની ધારામાં રહ્યા, પરમનો સ્પર્શ તમને મળ્યો જ નહિ! એક કરેમિ ભંતે માં એ તાકાત છે કે તમને પ્રભુના પ્રેમના સ્પર્શમાં આગળ વધારી દે..! એક કરેમિ ભંતે માં આ તાકાત છે..!
તમે પણ સામાયિક લો, સદ્ગુરુ તમને કરેમિ ભંતે આપે, એ કરેમિ ભંતે એ શબ્દ શક્તિપાત છે! એ ૪૮ મિનિટ તમે રાગ-દ્વેષમાં ન જાવ એમ નહિ, તમે જઈ શકો નહિ! સદગુરુનો શક્તિપાત જો ઝીલાઈ ગયો; સમભાવનું ઝરણું એવું તો સતત ચાલ્યા કરતું હોય, કે તમે વિભાવમાં એક ક્ષણ માટે જઈ શકો નહિ! વિભાવનો સ્પર્શ સંપૂર્ણતયા બંધ થયો; એટલે પરમનો સ્પર્શ ચાલુ થયો.
સવાલ એક જ છે- તમારે કોના સ્પર્શમાં રહેવું છે? પ્રભુના પ્રેમના સ્પર્શમાં? કે રાગ અને દ્વેષના સ્પર્શમાં?
એક વાત હું ઘણીવાર કહું છું; તમને પણ કહું: ચાલો પ્રભુનો પ્રેમ કેવો હોય, તમે અનુભવ્યો નથી. તમને એનો સ્પર્શ મળ્યો નથી. પણ રાગ-દ્વેષનો અનુભવ તમને છે? નથી..! અનંત જન્મોથી દ્વેષની ધારામાં, રાગની ધારામાં, અહંકારની ધારામાં તમે વહીને આવ્યા છો અને છતાં એ વિભાવનો અનુભવ તમને નથી.! ક્રોધનો અનુભવ છે આમ? કેવો લાગે ક્રોધ આમ? મીઠો કે ખારો કે કડવો કે કેવો લાગે આમ? મને તો યાદ નથી કંઈ… મારે તો બધું છૂટી ગયું છે. એટલે મને કંઈ ખ્યાલ નથી. તમને પૂછું ? ક્રોધ કેવો લાગે કરો ત્યારે આમ? મજા આવે આમ..? ક્રોધ આવે છે કેમ? ચોરનું પગેરું શોધો. ક્રોધના મૂળમાં અહંકાર છે..! મને કેમ કીધું?! મારી વાત કેમ તોડી?!
તો કરેમિ ભંતે માં એ તાકાત છે કે પાંચ જ મિનિટ સામાયિક લીધાને થઇ હોય, અને પ્રભુના પ્રેમના સ્પર્શમાં તમે ડૂબી જાવ..! પ્રભુના પ્રેમનો સ્પર્શ કેવો હોય? તમને પુછુ છું? ક્રોધ કેવો હોય એવું તમને પુછાય આમ! તમે તો કરતાં જ નથી હવે! છૂટી ગયો…! છૂટી ગયો ને? પાછળ પાછળ આવે છે?!
અરણીક મુનિ તૈયાર નહોતા, સદ્ગુરુ તૈયાર હતા! બસ, અરણીક મુનિમાં આ જ ત્રુટી રહી ગઈ; હું સાધના કરું છું! સાધનાનું કર્તૃત્વ પોતાની પાસે રાખ્યું; અરણીક મુનિ ગુરુના શક્તિપાતથી વંચિત રહ્યા.! તમારે સદ્ગુરુનો શક્તિપાત જોઈએ? I am ready. Are you ready? શક્તિપાત છે ને એને હું lift કહું છું. મુંબઈમાં તમે ગયા ૪૦માં માળે કોકને મળવા માટે જવાનું છે, લીફ્ટમાં બેઠા, બટન દબાવ્યું, lift ૪૦માં માળે જઈને ઉભી રહેશે. પણ electricity fail હોય, અને તમારે દાદરા ચડવા પડે તો? નાકે દમ આવી જાય..! એમ રાગ, દ્વેષ અને અહંકારમાં ડૂબેલા આપણે સાધનાના શિખર ઉપર કઈ રીતે જઈ શકીએ? There is only one way. એક જ માર્ગ છે: સદ્ગુરુના ચરણો પર આપણી જાતનું સમર્પણ.! હું કંઈ છું જ નહિ! સમર્પણનો અર્થ હું એવો કરું છું કે ૧+૧ = ૧.. બરોબર..? ૧+૧ = ૨ નહિ! ૧…! સમર્પણ થાય ત્યારે શિષ્ય જતો રહે; માત્ર ગુરુ રહે! શિષ્યની ઈચ્છા, શિષ્યના વિચારો, શિષ્યના વિભાવો બધું જ ડૂબી જાય..! માત્ર સદ્ગુરુની આજ્ઞા રહે..! કે ૧+૧ = ૧… શ્રામણ્યનો આનંદ ક્યારે આવે? તમે ડૂબી જાવ…!
એક વાત હું ઘણીવાર કહું છું, કે તમે છો ને એ જ મોટી તકલીફ છે..! તમારો ‘હું’ ૨૪ કલાક માટે તૈયાર જ હોય છે. આ મોટામાં મોટી તકલીફ છે. જે ક્ષણે તમારું હું જાય, પ્રભુ તૈયાર છે, સદ્ગુરુ તૈયાર છે..! શક્તિપાત કરતાં એક સેકંડ લાગે..! શક્તિપાત કરતાં એક સેકંડ લાગે, પણ એ શક્તિપાત માટે તમને તૈયાર કરતાં વર્ષો નહિ, જન્મો લાગી ગયા.! કેટલાય જન્મોથી ગુરૂ ચેતના તમારી પાછળ કામ કરી રહી છે..! કે બેટા! તું તારા અહંકારને બાજુમાં મૂકી દે, તારે કશું જ કરવાનું નથી, બધું જ પ્રભુ અને ગુરુ કરી આપશે.! પણ તારા કર્તૃત્વને તું બાજુમાં મૂકી દે. સદ્ગુરુના સંમોહનમાં હતા, એમના aura field માં હતા, ત્યાં સુધી હા એ હા કરી, બહાર ગયા અને પાછું કર્તૃત્વ બહાર આવી ગયું! મારી બાજુવાળો તો ખુરશીમાં બેઠો બેઠો ઊંઘતો હતો, હું આખું પ્રવચન જાગતા જાગતા સાંભળું! આનો ય અહંકાર આવે! તમારે અહંકાર લાવવા માટે કોઈ કારણની જરૂર પડે જ નહિ.! ચેમ્પિયન માણસ હોય ને! ક્રોધમાં કોઈ ચેમ્પિયન હોય, તો એને ગુસ્સો કરાવવામાં નિમિત્તની જરૂર જ ન પડે.! એમ અહંકારમાં ચેમ્પિયન હોય, કોઈ પણ નિમિત્ત હોય, અને ન હોય તો પણ અહંકાર કરી શકે.!
તો અગણિત જન્મોથી ગુરુ ચેતના તમને તૈયાર કરી રહી છે, શક્તિપાત ઝીલવા માટે…! એક જ વસ્તુ જોઈએ છે, પ્રભુ પરનો, સદ્ગુરુ પ્રત્યેનો અત્યંત બહુમાન ભાવ.! એ મળી ગયો, અહંકાર બાજુમાં ગયો, શક્તિપાત ઝીલવા માટેની સજ્જતા તમારી પાસે આવી ગઈ.! આટલી નાનકડી સજ્જતા લાવવા માટે કેટલાય જન્મોથી ગુરુ ચેતના મહેનત કરી રહી છે.! હવે આ જન્મમાં શું છે બોલજો? હવે બહુ મહેનત નહિ કરાવો ને હવે? એક શિબિરને કામ પૂરું; કે કામ શરૂ? મને એકેયમાં વાંધો નથી હો…! નક્કી કરો કે આ જન્મમાં સદ્ગુરુના શક્તિપાતને ઝીલવો છે. અને એ ઝીલાય તો જ રાગ, દ્વેષના આ દુર્ગમ કીચડમાંથી આપણે બહાર નીકળી શકીએ..! એ સિવાય આપણી કોઈ તાકાત નથી કે આપણે આમાંથી બહાર નીકળી શકીએ.
અરણીક મુનિને વેશ્યાને ત્યાં જવાનું વરદાન રૂપ થયું. એમને ખ્યાલ આવી ગયો કે મારા કરવાથી સાધના થવાની નથી.! આ સાધનાનું કર્તૃત્વ હતું, એના કારણે હું ડૂબી ગયો.! એ સદ્ગુરુ પાસે આવ્યા, સદ્ગુરુએ ચહેરો જોયો, અરે વાહ! આ તો શક્તિપાત ઝીલવા માટે તૈયાર થઈને આવ્યો છે.! ગુરુ કેટલા રાજી થયા હશે? અને અમને પણ તમારે રાજી જ કરવા છે ને? બોલો અમે રાજી શી રીતે થઈએ? આમ ૨૫-૫૦ સોનામહોર મૂકી દો એટલે અમે રાજી થઈએ? અમે રાજી થઈએ માત્ર અને માત્ર તમારા જીવન પરિવર્તનથી! સદ્ગુરુ રાજી થયા..! અત્યાર સુધી છે ને, મારો રાજીપો, હું ખુશ થાઉં; આ જ વાત તમારા કેન્દ્રમાં હતી! અગણિત જન્મોમાં તમે કોઈની સાથે પ્રેમ નથી કર્યો.! પ્રભુની સાથે તો નહિ! ગુરુની સાથે તો નહિ! કોઈની સાથે પ્રેમ નથી કર્યો.! સિવાય કે તમારી જાત.! દીકરો પણ સારો હતો તો ક્યાં સુધી? તમારું કહ્યું કરતો હતો ત્યાં સુધી.! એ કહ્યું નથી કરતો, છાપામાં add આપે, મારે અને મારા દીકરાને કોઈ સંબંધ નથી.! એટલે મારા નામે એને કોઈ પૈસા-બૈસા એને આપવા નહિ.! અગણિત અતિતમાં મેં અને તમે આપણી જાત સિવાય કોઈની સાથે પ્રેમ નથી કર્યો.! ન પત્ની સાથે, ન પુત્ર સાથે, ન કોઈ સબંધી સાથે.! માત્ર પ્રેમ હતો પોતાની જાત પ્રત્યે.! મને જે સારા લાગે એ સારા, મને ખરાબ લાગે તે ખરાબ. એક જન્મ આ મળ્યો છે.. પ્રભુના પ્રેમમાં ડૂબવા માટે! આ વાત હું વારંવાર કહું છું અને કહેવાનો છું! કારણ એ પ્રભુના પ્રેમમાં ડૂબવાને કારણે મને જે અનુભવો થયા.. Beyond the words… beyond the imagination… એટલા બધા અનુભવો થયા..! કે લાગ્યું કે પ્રભુ જ બધું કરી રહ્યા છે.! મારે કશું કરવાનું રહેતું નથી…!
૨૫ એક વર્ષનું મારું વય હશે. દીક્ષા ૧૧ વર્ષે લીધી. એ વખતે યોગના ઘણા બધા ગ્રંથો વાંચેલા! પૂર્વના.. પશ્ચિમના.. અને એક ઝંખના કે પ્રભુ મને આ જન્મમાં એટલા માટે લાવ્યા છે કે હું ભીતર ડૂબું! અને ભીતર ડૂબવા માટે યોગ વિના ચાલે નહિ! પણ યોગ સાધનાનો કક્કો શી રીતે ઘૂંટવો મને ખબર નહોતી. સાધુ જીવનમાં ક્યાંય જવું એ કઈ શક્ય હોતું નથી. એક વખત સહેજ નિરાશા આવી! કે મારે ભીતર ડૂબવું છે, યોગની દુનિયામાં જવું છે, પણ એના માટે મારી પાસે કોઈ સામગ્રી નથી! સૂઈ ગયેલો! અને જાણે કે એક ભાસ થયો.. પરમ ચેતના કહી રહી છે: કે બેટા! તારે ચિંતા કરવાની ક્યાં જરૂર છે? હું બેઠો નથી? હું સફાળો બેઠો થઇ ગયો.! પણ એ વખતે હું rationalist હતો. પ્રખર બુદ્ધિવાદી. એટલે મનમાં સંશય થયો કે ખરેખર પરમચેતનાએ મને કહ્યું કે આ મારું auto suggestion હતું! આત્મસ્ફુરણ. પણ, પ્રભુએ કેવી કમાલ કરી..!
એ જ દિવસે સાંજે એક ભાઈ મારી પાસે આવ્યા, એક પુસ્તક લઈને…! યોગનું પુસ્તક હતું! મને એમણે પૂછ્યું કે આ પુસ્તક તમે વાંચ્યું છે? મેં હાથમાં લીધું, હું નવાઈમાં ડૂબી ગયો. એ વખતે અંગ્રેજીમાં જેને બુક વર્મ કહે; એવો પુસ્તકનો કીડો હું હતો. મારા રસના સેંકડો પુસ્તકો મેં વાંચી કાઢેલા. Internet ઉપર જોઈ-જોઇને યોગની બાબતોના પુસ્તકો વાંચી કાઢેલા; પણ આ પુસ્તક મારી નજરની બહાર જ હતું. મેં કહ્યું, આ પુસ્તક તો મેં જોયું નથી. તો મને કહે તમને આપવા માટે જ આવ્યો છું.! પછીના શબ્દો મજાના હતા; મને કહેવામાં આવ્યું છે કે આ પુસ્તક મારે તમને આપવું! ખ્યાલ આવ્યો? એ પુસ્તક મેં વાંચવાનું શરૂ કર્યું. હું જ્યાંથી અટકતો હતો, ત્યાંથી આગળની વાતો હતી. મેં કહ્યું વાહ! ચાર દિવસ થયા, એક ભાઈ મને મળવા માટે આવ્યા, બેઠા મારી પાસે, મને એમણે પૂછ્યું કે તમને યોગ સાધનામાં રસ છે? મેં કહ્યું, હા. મેં સામે પૂછ્યું કે તમે કેટલા આગળ વધ્યા છો? ત્યારે એમણે તત્કાલીન પોતાની સાધનાની વાતો કરી, હું જ્યાં અટકીને ઉભો હતો, ત્યાંથી એમની સાધના શરૂ થતી હતી.! કે હું આ રીતે આગળ વધ્યો.. આ રીતે આગળ વધ્યો.. આ રીતે આગળ વધ્યો.. ત્યારે મને થયું કે પેલું auto suggestion નહોતું! પરમાત્મા જ મારી ક્ષણ-ક્ષણની કાળજી રાખી રહ્યા છે!
એક સૂત્ર હું ઘણીવાર આપું છું: Surrender ની સામે care. Surrender ની સામે care.! તમારું જેટલું સમર્પણ; care વધુ, કાળજી વધુ.! સુરક્ષાચક્ર મોટું.! પણ ક્યારેક પ્રભુ છે ને એ સુત્રને ઉલટાવી નાંખે છે. Surrender આપણું ન હોય, અને care થતી હોય.! અને એ વાત વિતરાગ સ્તોત્રના પ્રારંભમાં હેમચંદ્રાચાર્ય એ કરી- त्वमकारणवत्सलः (“ત્વં અહેત્કુ વત્સલ!”) પ્રભુ ! તારો પ્રેમ તો અપાર છે! અસીમ છે! અવ્યાખ્યેદ છે! પણ, એ અહેતુક છે! અકારણ! મેં કશું જ તને સમર્પિત કર્યું નથી.! અને તું મારા ઉપર આટલો વરસી ગયો.!
મહર્ષિ નારદ ભક્તિસૂત્રમાં બહુ મજાના સુત્રો આપે છે: “अनिर्वचनीयं प्रेमस्वरूपं।।
मूकास्वादमवत्।। प्रकाशते क्वापि पात्रे ।।” अनिर्वचनीयं प्रेमस्वरूपं – એ પ્રભુના પ્રેમને જેણે આસ્વાદ્યો છે! અનુભવ્યો છે! તમે એને પૂછો કે પ્રેમનો આસ્વાદ કેવો હોય? પ્રભુનો પ્રેમ કેવો લાગે? ત્યારે એ કહેશે કે શબ્દોની અંદર હું એ પ્રેમના આસ્વાદની વાત કરી શકું એમ નથી.! એકદમ proper ઉદાહરણ આપ્યું: मूकास्वादमवत्’ કબીરજી કહે છે; ‘ગૂંગે કેરી સરકરા’ મૂંગો માણસ; સાકર ખાધી, મોઢું તો પ્રસન્ન થઇ ગયું, મીઠાશને કારણે! પણ એ મૂંગા માણસને કોઈ પૂછે, કે તું સાકર ખાઈ રહ્યો છે, એનો સ્વાદ કેવો આવે? તો મૂંગો માણસ શું કહે?! એમ પ્રભુનો પ્રેમ જેણે પણ અનુભવ્યો છે, એ તમને શબ્દોમાં નહિ કહી શકે.! તો શું? તો શું કરવું પડે?
શાંતિનાથ પ્રભુના સ્તવનમાં મહોપાધ્યાયજીએ કહ્યું: “જિન હિ પાયા, તીન હિ છિપાયા, ન કહે કોઉં કંઈ કાન મેં, તારી લાગી જબ અનુભવ કી, તબ સમજે સહુ શાન મેં” જિન હિ પાયા, તીન હિ છિપાયા – જેણે આ અનુભૂતિ મેળવી; એણે છુપાવી દીધી.! કેમ? એ અનુભૂતિ ની અભિવ્યક્તિ થઇ શકતી નથી.! તો શું? માર્ગ શું? તારી લાગી જબ અનુભવ કી – તમને એ અનુભૂતિની તન્મયતા પ્રગટે, ત્યારે તમને થાય કે વાહ! આ આનંદ તો આવો હોય!
બીજો એક માર્ગ છે; અને એની વાત શ્રીપાળ રાસમાં મહોપાધ્યાયજીએ કરી: “જિનહી પાયા તિનહી છીપાયા, એ પણ એક છે ચીઠો; અનુભવ મેરુ છીપે કિમ મહોટો” એ કહે, જેણે મેળવ્યું, એને છુપાવ્યું એ તો ખાલી વાર્તા છે.! તમે એક તણખલાં ને છુપાવી શકો, મેરૂ ને કંઈ રીતે ઢાંકો? કયું કપડું લાવો તો મેરૂ ને ઢાંકે? ‘અનુભવ મેરૂ છીપે કિમ મોટો’ અનુભવના મેરુને તમે કઈ રીતે છુપાવી શકો? એટલે કે અનુભૂતિ જેમને થઇ છે; એમના ચહેરા પર તમે જોશો ત્યારે તમને એક ઝલક મળશે, કે હા.. અનુભૂતિ થાય, ત્યારે એવો એક આનંદ પેદા થાય છે, કે જેની લાખમાં ભાગની અસર ચહેરા ઉપર અંકાય છે છતાંય, આટલી અદ્ભુત હોય છે..! તો અનુભૂતિનો આસ્વાદ કેવો હશે..? કલાપૂર્ણસૂરિદાદાને આપણે જોયેલા… સતત એમનો ચહેરો હસતો હોય..! એક પ્રશમરસ એમના મુખ ઉપરથી સતત નીતરતો રહેતો..! તો એમને જોતા લાગે કે એક સદ્ગુરુના મુખ ઉપર આવો પ્રશમરસ છે તો પ્રભુનો પ્રશમરસ કેવો હશે!
તો વિતરાગસ્તોત્રમાં puzzle મૂકી.. એકબાજુ કહ્યું, પ્રભુ! તારા પ્રેમથી જ ઉંચકાઈને હું અહી સુધી આવ્યો છું; બીજી બાજુ કહે છે કે તારું શ્રામણ્ય મળ્યું અને છતાં રાગ-દ્વેષ મને હેરાન કરે છે.! તો હેમચંદ્રાચર્ય પૂછે છે કે પ્રભુ! નરક અને નિગોદમાંથી જે હાથે મારી રક્ષા કરી, એ તારો વરદ હાથ ક્યાં છુપાઈ ગયો? ક્યાં અદ્રશ્ય થઈ ગયો? બસ સાધના હું કરું છું, આ અહંકાર આવ્યો; પ્રભુના પ્રેમનો સ્પર્શ જતો રહ્યો.! મારા જીવનમાં ડગલે ને પગલે પ્રભુના પ્રેમનો મેં અનુભવ કર્યો છે..! આજે હું આનંદમાં નહિ, પરમ આનંદમાં છું.! કશું જ જોઈતું નથી.! હું સંપૂર્ણતયા પૂર્ણ છું.! એવી એક આનંદમય સ્થિતિ ભીતર પેદા થાય કે તમે સ્વયં સંપૂર્ણ બની જાઓ.! તમારે કોઈની, કશાની જરૂરિયાત ન રહે.!
તો આ પ્રભુનો પરમ સ્પર્શ…..
એ પરમ સ્પર્શના કારણે બે યાત્રા શરુ થઇ. જીવસૃષ્ટિ સાથેના પ્રેમની યાત્રા અને સ્વરૂપદશા સાથેના પ્રેમની યાત્રા. સ્વરૂપદશાનો પ્રેમ મિત્રામાં સહેજ પ્રગટે છે. પણ લખ્યું ‘मित्रायां दर्शनं मन्दं’ મિત્રાદ્રષ્ટિમાં એ જે બોધ છે, એ બોધ બહુ જ ધીમો, બહુ જ મંદ હોય છે. દિવાસળી જલાવી; પત્રની એક લીટી વાંચે પહેલા દિવાસળી બુઝાઈ ગઈ. પણ તમને ખ્યાલ ક્યારે આવે? એનું development જુવો ત્યારે. પાંચમી દ્રષ્ટિમાં જયારે સમ્યગ્દર્શન મળે છે ત્યારે પરનો રસ છૂટી જાય છે અને ભીતરનો આનંદ મળવા લાગે છે..!
યોગદ્રષ્ટિ સમુચ્ચય ગ્રંથ સંસ્કૃતમાં છે. હરીભદ્રાચાર્યે બનાવેલો. એનું જ ગુજરાતી વર્ઝન મહોપાધ્યાય યશોવિજય મહારાજે આપ્યું, આઠ દ્રષ્ટિની સજ્જાય. એમાં એમણે પાંચમી સ્થિરા દ્રષ્ટિની વાત કરી, જ્યાં સમ્યગદર્શન મળે છે કે ત્યાં શું થાય? એ વખતે એ સમ્યગદર્શન પામેલા, સ્વાનુભૂતિને પામેલા સાધકની મનોદશા, ભાવદશા કેવી હોય? તો બહુ પ્યારા શબ્દો આવ્યા, ‘બાલ્ય ધૂલી ઘર લીલા સરખી ભવ લીલા ઇહાં ભાસે રે’. વર્ષા સહેજ વરસે, રેત ભીની ભીની થઈ જાય અને બાળક રેતમાં ઘર બનાવે. પછી મારું ઘર-મારું ઘર એમ કહે પણ ખરો. બપોરના બાર વાગ્યા છે, મમ્મી હાંક મારે ચલ જમવા; એ જ ઘર પર પાટું મારી અને રવાના થઈ જાય! એટલે એ સમજે છે કે આ ઘર કહેવાની વસ્તુ છે; આ ઘરમાં કંઇ હું રહી શકું એમ નથી. ખાલી કહેવાની વાત છે. એ જ રીતે સમ્યગ્દર્શન જયારે મળ્યું, સ્વાનુભૂતિ જયારે થઈ; ત્યારે પરની દુનિયા વ્યર્થ… Totally meaningless લાગે છે.!
એક સાધક ગુરુ પાસે ગયો, ગુરુ બહુ જ જ્ઞાની હતા અને એ ગુરુ પાસે બ્રહ્મવિદ્યાના ઊંચા પાઠો લેવા માટે સાધક ગયો છે. આશ્રમમાં ગયો. ગુરુની ચેમ્બરમાં જવાની છુટ મળી. ગુરુની ચેમ્બરમાં પ્રવેશ્યો. ગુરુને વંદના કરી. અને વિનંતી કરી, સાહેબ! મને બ્રહ્મવિદ્યા શીખવો. બ્રહ્મવિદ્યાનું પહેલું સૂત્ર- ब्रह्म सत्यं जगन्मिथ्या (‘બ્રહ્મસત્ જગન્મિથ્યા.’) આત્મા જ સત્ય છે, બાકી બધું જડ જે છે, એ મિથ્યા છે. ગુરુએ એની પરીક્ષા લીધી. આમ તો ચહેરા પરથી ખ્યાલ આવી જ ગયો છે. પણ આજુબાજુ બીજા બેઠા હોય ને તમારાં જેવા; તો આની પરીક્ષા લે, તો તમને ય ખબર પડી જાય. તો ગુરુએ પરીક્ષા શરૂ કરી! ગુરુએ કહ્યું, તું નગરને વીંધીને અહીં સુધી આવ્યો, મારા આશ્રમ સુધી, તે રસ્તામાં શું જોયું? મોટું નગર હતું.. લોકો આમથી તેમ દોડતા હતા, તેમથી આમ દોડતા હતા.
મુંબઈવાળા સવારે આમ દોડે ને સાંજે આમ દોડે છે. પરાની ટ્રેનમાં… કેવી રીતે, ઉભા-ઉભા.. તો શા માટે આમ જવાનું? ક્યારેય પૂછ્યું, WHY? ચાલો સંસારમાં છો. અમુક હદનું અર્થ સામ્રાજ્ય પણ જોઈએ. ચાલો એટલું નક્કી ખરું કે એટલી મૂડી થઈ ગઈ કે વ્યાજમાંથી મજામાં તમે જીવન ગુજારી શકો એમ છો; ત્યારે ધંધો બંધ કરી દેવાનો, છો તૈયાર?
ગુરુ પૂછે છે, તે નગરમાં શું જોયું? ત્યારે કહે છે, સાહેબ! માટીનાં પુતળા માટી માટે દોડતા હતાં એ મેં જોયું. અમને મુંબઈમાં શું જોવા મળે? અમદાવાદ કે સુરતમાં શું જોવા મળે? માટીના પુતળા માટી માટે દોડતા હતા.! તમે છો ને, માટીના પુતળા નથી. ઉપનિષદોએ તમને ‘अमृतस्य पुत्राः’ કહ્યું છે. તમે અમૃત પુત્રો છો.! કારણ, તમારામાં ઘણી બધી સજ્જતા પડેલી છે.! શિષ્ય કહે છે, માટીના પુતળા, માટી માટે દોડતા હતા, એ મેં જોયું. બરોબર હતું..
હવે ગુરુએ બીજો સવાલ કર્યો કે આ રૂમમાં અત્યારે શું થઈ રહ્યું છે? આ પ્રશ્ન બહુ મજાનો હતો. કોઇ પણ સાધક માટે આ વસ્તુ બહુ જરૂરી છે. સામાન્યતયા શું થાય છે? આપણે આપણી સાધનાને over estimate કરીએ છીએ. હોય એના કરતાં વધુ છે એમ જોઇને આગળ વધીએ છીએ. તમારે તમારી સાધનાને under estimate કરવાની છે, over estimate નહિ. પોતાની સાધના પ્રત્યેનું over estimation એ જ સાધના જગતનો સૌથી મોટો અવરોધ છે.
રત્નસુંદરસૂરી કહેતાં કે અમારી આ હોસ્પિટલ હોય એ ઉભરાતી હોય, પણ પેશન્ટોથી નહિ visitors થી. રાજનેતા માંદો પડ્યો હોય તો કેટલા બધા visitors આવે? તો પેશન્ટ અમારે ત્યાં કોઈ હોય જ નહિ. આગળ વાળાને પૂછે, કેમ ભાઈ સાધના કેમ ચાલે છે? અરે, એકદમ સરસ. રોજનું આપણે બેસણું, પાંચ તિથી આયંબિલ, બીજી પાંચ તિથી એકાસણા, રોજના પાંચ સામાયિક, બે પ્રતિક્રમણ, અષ્ટપ્રકારી પૂજા. Ok. આપણે તો એકદમ સરસ છે.! એકેય પેશન્ટ છે આમાંથી? સાચું કહેજો? શું થયું? તમારી સાધનાનું તમે over estimation કર્યું.!
તમે ઓળી કરી, લાંબી ઓળી કરી! સરસ વાંધો નહિ! પણ એ પછી રીઝલ્ટ શું? પછી શીરો અને મગ ભાવે નહિ એવું બને? ગળે ઉતરે નહિ.! આ વિગઈવાળું ભોજન કેમ લઇ શકાય? આસક્તિની દુનિયામાં કેમ જઈ શકાય? આવો વિચાર આવે? તો સાધનાનું over estimation ન જોઈએ.
એટલે ગુરુ પૂછે છે કે આ રૂમમાં અત્યારે શું થઈ રહ્યું છે? અને એ વખતે એ સાધક કહે છે, એક માટીનું પુતળું ગુરુ પાસે જ્ઞાનની અપેક્ષાએ બેઠું છે. ગુરુ રાજી થયા.! સાહેબ! આટલું ભણીને આવ્યો છું અને થોડું બાકી છે તમે કરાઈ દો, એમ નહિ.! હું હજુ માટીનું પુતળું જ છું.! મારામાં કોઈ પરિવર્તન આવ્યું નથી.! ગુરુદેવ! તમે એવી કૃપા કરો કે મારું જીવન સંપૂર્ણતયા પરિવર્તિત થઈ જાય.!
ફરી વાત કરું. ગુરુને રાજી કરવા છે? પ્રભુનો રાજીપો જોઈએ? સદ્ગુરુનો રાજીપો જોઈએ? કે સોસાયટીનો જોઈએ? સોસાયટી ખુશ એટલે ખુશ.. કેમ? એકદમ આર્થિક રીતે સમૃદ્ધ હોવ, બીજી બધી રીતે આગળ પડતા હોવ, પૈસા પણ ખરચતા હોવ. લોકો કહે દાનવીર..! અને તમારી છાતી ફુલાય.! આ over estimation..! અને એવા કોઈને જગડુશાની પદવી આપી દે પાછો.! પદવી આપનારને અધિકાર નથી કે જગડુશાની પદવી તમે આપો. જગડુશા ક્યાં, ને તમે ક્યાં.! તમે દાન આપો ત્યારે તમારી જાતને પુછો કે આ દાન મારે કઈ રીતે આપવું છે? આજે પણ એવા લોકો છે, જે કહે છે કે કરોડ, બે કરોડ, પાંચ કરોડ ખર્ચવા છે પણ ક્યાંય મારું નામ ન આવવું જોઈએ.! આ સાધનાની સમજણ કહેવાય! કે મારું નથી કંઇ.! પ્રભુએ આપ્યું છે.! અને પ્રભુએ કહ્યું છે, એ રીતે ખર્ચવું છે.
એક સંઘના પ્રમુખ એક વખત મારી પાસે આવેલા. એ કહે સાહેબ મારે રિઝાઈન કરવું છે. મેં કહ્યું શું થયું? એ સંઘમાં પ્રતિષ્ઠા થયેલી. કરોડો રૂપિયાની ઉપજ થયેલી. એ લોકો જાતે જતા. જે-જે જગ્યાની અરજી હોય ત્યાં. અને એમણે નક્કી કર્યું કે પચાસ લાખને કારણે જિનાલયનું કામ અટકે છે તો સીધા પચાસ લાખ આપી દઈએ તો કામ પૂરું થઈ જાય. બીજે ગયા પચ્ચીસ લાખને કારણે કામ અટક્યું છે, પચ્ચીસ લાખ આપી દે. હવે આટલી મોટી રકમો સીધી આપી દે. એટલે સંઘવાળા કહે અમારે સન્માન કરવું છે. પેલા પ્રમુખ કહે બિલકુલ નહિ. પૈસા પ્રભુના અને પ્રભુને અમે આપ્યા આમાં અમે ક્યાં આવ્યા? પૈસા પ્રભુના, પ્રભુને અમે આપ્યા, આમાં અમે વચ્ચે છીએ જ ક્યાં? અમારું છે શું? પછી મારી પાસે આવ્યા કે સાહેબ અમે ના પાડીએ તો પણ એ સંઘની સોગંધ આપીને પણ અમારું સન્માન કરે છે. મારે આ જોઈતું નથી માટે પ્રમુખ પદેથી રાજીનામું આપું છું. આ તો કેમ ચાલે, સાહેબ? અમારું સન્માન? અમારું સન્માન કેમ હોઈ શકે?
ધર્મની સાચી સમાજ માટે ઊંડાણમાં જવું પડશે… નહીતર તો પહેલા શરત કરે, બે કરોડ આપું, તકતી કેટલા બાય કેટલાની, એ નક્કી કરો! એમાં એમ્બોસ કરેલા અક્ષરો હશે? ગોલ્ડન આવશે? બધું નક્કી કરો, શરત.. પછી બે કરોડ આપો, એમને એમ ના આપો! આ તો વેપાર થયો, આ દાન થયું?
તો એ સાધક કહે છે, એક માટીનું પુતળું ગુરુ પાસે જ્ઞાન લેવા માટે બેઠું છે. ગુરુ રાજી થઈ ગયા.! એને બ્રહ્મવિદ્યા શીખવી દીધી અને એનું જીવન પરિવર્તિત થઈ ગયું.!
આપણી વાત આ છે- પ્રભુના પ્રેમનો સ્પર્શ થાય.! મિત્રાદ્રષ્ટિ મળે અને જીવસૃષ્ટિ સાથેના પ્રેમની યાત્રાનો એક મધુરો પ્રારંભ થાય, એની સાથે સ્વરૂપદશાની યાત્રાનો પણ મજાનો પ્રારંભ થાય. એ સ્વરૂપદશાની યાત્રા પણ કેટલી મોહક હોય છે! અને પ્રભુની કૃપાથી, એ સદ્ગુરુની કૃપાથી, આપણી અંદર રહેલો આપણો સ્વભાવ કઈ રીતે નિખરે છે, એની વાતો અવસરે.
આખરે એ જ જોઈએ છે. પ્રભુની કૃપા.. ગુરુની કૃપા.. શેના માટે? શેના માટે? વાસક્ષેપ લેવા આવો, શેના માટે? અમે શું કહીએ, એ વખતે? नित्थार पारगाहो. તું સંસારને પેલે પાર.. એટલે રાગ, દ્વેષ, અહંકારને પેલે પાર જા.! આ અમારા આશીર્વાદ હોય. અને જ્યાં તમે રાગ-દ્વેષ અને અહંકારને શિથિલ કરો છો, ત્યાં આનંદ જ આનંદ છે! તમારાં આનંદને, તમારાં સુખને લુંટનાર, ઝૂંટવી લેનાર, કોઇ પણ હોય તો એ તમારો રાગ, તમારો દ્વેષ છે.! દ્વેષ! બીજાનામાં કોઈ તકલીફ છે, તમે હેરાન શા માટે થાઓ છો? એ આવો છે.! અરે, એ આવો છે પણ તું કેવો છે? એ તો કહે.!
આપણે દલપતરામની કવિતા આવતી. ઊંટે શિયાળને કહ્યું, કે તારી ડોક લાંબી છે, પછી કહે ગાયનું પુંછડું લાંબુ, ભેસનું શિંગડું લાંબુ. પેલાનું આ વાંકું. છેલ્લે બહુ સરસ પંક્તિ આવે છે, “સાંભળી શિયાળ બોલ્યું, અન્યનું તો એક છે, આપના અઢાર છે.” બીજા બધાનું તો એક-એક અંગ વાંકું હશે, તમારાં અઢારેય અઢાર અંગ વાંકા છે. ક્યારેય લાગ્યું એવું? કોઈનો દોષ જુઓ, ચાલો છૂટ આપું. હું છૂટ આપુ. પણ એટલાં માટે જોવાનો કે એ દોષ મારામાં છે કે નહિ? એ દોષ એનામાં છે, એ જોઇને ધિક્કાર કરવાનો નથી. પણ એ જોઇને મારામાં છે કે કેમ એ જોવાનો છે. વરસાદ પડ્યો હોય, સહેજ કીચડ થયેલો હોય, એક હૃષ્ટ-પુષ્ટ માણસ આગળ ચાલતો હોય અને સહેજ બેલેન્સ ચુકાઈ જાય, કાદવમાં પડે. પાછળ તમે છો, એને જોઇને તમે સાવધાન બની જાઓ કે આવો હૃષ્ટ-પુષ્ટ સશક્ત માણસ એ પણ આ કીચડમાં પડી જાય, તો મારે તો સાવધાન રહેવું જોઈએ. બરોબર.?
ભગવાને આ જ વાત કરી- ‘समयं गोयम ! मा पमायए’. હે ગૌતમ! એક ક્ષણનો પ્રમાદ નહિ કરતો.! પણ ગૌતમ સ્વામીને નહિ, આપણને કહ્યું છે.! ગૌતમ સ્વામી તો અપ્રમત્ત હતા જ.! પણ સંસારમાં એક નિયમ છે.. જો કે હવે તો બધી પરંપરાઓ તૂટી રહી છે.. સંસારમાં એક નિયમ છે, નવી વહુ આવેલી હોય, તો સાસુ સીધું એને કંઈ કહે નહિ. પોતાની દીકરીને કહે, બેટા! આપણા ઘરમાં આવું ન ચાલે! આપણા ઘરમાં આવું ન ચાલે! કહે છે કોને? દીકરીને. સંભળાવવું છે કોને? પેલીને તૈયાર કરવી છે કે આપણા ઘરમાં આમ જ ચાલશે. એમ પ્રભુએ કહ્યું ગૌતમ સ્વામીને, આપણને લાગુ પડે છે.. એક ક્ષણ પ્રમાદ નહિ કરવાનો. મેં એકવાર હસતાં-હસતાં કહ્યું, આપણે પ્રભુને ન કહીએ કે સાહેબ! ક્ષણનો પ્રમાદ આમેય હું નહિ કરું, હું તો કલાકોનો જ કરીશ.! મારા જેવો માણસ અને ક્ષણનો પ્રમાદ કરે?! તો તો પછી શું રહ્યું.! એ સ્વરૂપદશામાં કેવી રીતે development સર્જાય છે? એની વાત અવસરે કરીશું.