Maun Dhyan Sadhana Shibir 11 – Vachana – 12

2 Views
36 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત

Subject: વૃત્તિઓનું રૂપાંતરણ

સાધનાને અસ્તિત્વના સ્તર ઉપર ઊતારવી એટલે વૃત્તિઓને totally change કરી નાંખવી. તીવ્ર ઝંખના અને સદ્ગુરુના ચરણોમાં સમર્પણ વિના વૃત્તિઓનું રૂપાંતરણ નહિ થાય; હૃદયની નિર્મળતા નહિ થાય.

જો આ જન્મમાં ભગવાને આપેલી અમૃતસાધના દ્વારા તમારામાં વૃત્તિઓના ક્ષેત્રે સહેજ પણ રૂપાંતરણ થતું નથી, તો આવતા જનમમાં ક્યાંથી થશે? સાચી પ્રવૃત્તિ એ છે, જે વૃત્તિઓને રૂપાંતરિત કરી દે. પ્રભુની વીતરાગદશાનું દર્શન થાય અને એ દર્શન અસ્તિત્વના સ્તરે ઉતરે, પછી રાગ તમારામાં વધુ પડતો હોય જ નહિ; થઈ જાય તો ડંખ્યા વગર રહે નહિ.

પ્રવૃત્તિની સાથે વૃત્તિનું રૂપાંતરણ થવું જ જોઈએ. સામાયિક કર્યું; કેટલી અદ્ભૂત પ્રવૃત્તિ! સમભાવમાં ૪૮ મિનિટ રહેવાનું. એ સામાયિક કર્યા પછી વૃત્તિઓ પણ બદલાઈ જાય… તમે સમભાવની એવી દશામાં હોવ કે કંઈ પણ ઘટના ઘટી જાય, તમને એ ઘટનાનો સ્પર્શ પણ ન થાય. જો આવું થાય, તો હું માનું કે સામાયિક વૃત્તિના ક્ષેત્રે પણ પહોંચ્યું. માત્ર પ્રવૃત્તિથી સંતુષ્ટ ન થતા; વૃત્તિઓનું રૂપાંતરણ કેટલું થયું, એ જોજો.

મૌન ધ્યાન સાધના શિબિર જીરાવલા વાચના – ૧૨

સાધનાને અસ્તિત્વના સ્તરે પહોંચાડવા માટે બે તત્વ જરૂરી છે: સાધકની તીવ્ર ઝંખના અને અનુભૂતિવાન સદ્ગુરુના ચરણોમાં સંપૂર્ણ સમર્પણ.

એક વાત તમને કહું કે આ કેટલું જરૂરી છે? અત્યારે તમે ચાર કલાક સાધના કરો , પાંચ કલાક સાધના કરો, બે સામાયિક કરો , ચાર સામાયિક કરો, પ્રભુની અષ્ટપ્રકારી પૂજા કરો; તમારો રાગ કે દ્વેષ કે અહંકાર સહેજ પણ હાલતા-ડોલતા નથી; આ જન્મમાં ભગવાને મને આપેલી અમૃતસાધના દ્વારા તમારામાં સહેજ પણ વૃત્તિઓના ક્ષેત્રે રૂપાંતરણ થતું નથી, આવતા જનમમાં શું થશે? આ જનમમાં અત્યારે ધાર્મિક પ્રવૃત્તિઓ કરવા છતાં વૃત્તિઓ એની એ જ છે. વૃત્તિઓમાં રૂપાંતરણ આવ્યું? સાચી પ્રવૃત્તિ એ છે, જે વૃત્તિઓને રૂપાંતરિત કરી દે. તમારા વિચારો જડમૂળથી બદલાઈ જવા જોઈએ. વિતરાગદશાનું દર્શન થાય અને એ પ્રભુનું દર્શન અસ્તિત્વના સ્તરે ઉતરે; રાગ તમારામાં વધુ પડતો હોય નહિ, થઈ જાય તો ડંખ્યા વગર રહે નહિ; આ ભૂમિકા તમારી શ્રાવક-શ્રાવિકાની. ફરીથી રાગ વધુ માત્રામાં થાય નહિ અને થઈ જાય તો ડંખ્યા વગર રહે નહિ. વધુ માત્રામાં રાગ ન થાય એના માટે આપણે ત્યાં આખી સિસ્ટમ છે. એ સિસ્ટમ આ સાધના પદ્ધતિમાં પણ આવી. માત્ર વાઈટ એન્ડ વાઈટ વસ્ત્ર. બહેનોનો તો કેટલો સમય બચી ગયો, કહોને..! આ પહેરું કે આ પહેરું, એમાં જ અડધો કલાક જતો રહે.

એક પતિએ પત્નીને કહ્યું, રીસેપ્શનમાં જવાનો સમય થઈ ગયો, તું જલ્દી તૈયાર થઈને બહાર આવ હવે.. પેલી કહે છે, આવું છું પાંચ મીનીટમાં આવું છું. પાંચ મિનીટ થ,ઈ ફરી પત્નીને કહ્યું, હવે ક્યારે આવે છે તું? તો પેલી શું કહે છે?! એક કલાકથી તો કહું છું કે પાંચ મીનીટમાં આવું છું! તમે કેમ ઉતાવળ કરો છો? રાગને સીમિત કરવા માટેના આ પ્રભુના આપેલા માધ્યમો છે- વસ્ત્રો સાદા, ખાવાનું-પીવાનું સાદું, જીવનની આખી Life style સાદી તો રાગને પરખવાના નિમિત્તો ઓછા મળશે. આપણે ત્યાં ત્યાગ અને વૈરાગ્ય બે કહ્યા છે. માત્ર ત્યાગ ન ચાલે વૈરાગ્ય પણ જોઈએ.

સ્વામિનારાયણ સંપ્રદાયના વિશિષ્ટ સંત નીસ્ખુલાનંદજીનું એક ભજન છે, “ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના.” આયંબિલ કર્યું; સરસ કર્યું! છ વિગઈનો ત્યાગ કર્યો! તમને ધન્યવાદ આપું! મેં પહેલા કહ્યું છે, વારંવાર… વ્યવહાર માર્ગનો હું પૂરો સમર્થક છું, એમાં નિશ્ચય કેમ ઉમેરાય, એની જ વાત મારે કરવાની છે. વ્યવહારમાર્ગનું ખંડન કોઇ પણ સંયોગોમાં કોઇ પણ વ્યક્તિએ કરવું ન જોઈએ અને એવી કોઈ વ્યક્તિ મળે ને એનો પડછાયો લેતા નહિ. આજે ઘણા એવા મળે છે સીધું જ તમને કહેશે, આટલા સામાયિક કર્યા, આટલા પ્રતિક્રમણ કર્યા, શું થયું? મુકો સામાયિક. સામાયિક મુકવાની જરૂર નથી; પ્રોપર્લી અને પરફેકટલી કરવાની જરૂર છે. તો વ્યવહાર ક્રિયા પ્રભુએ આપેલી છે અને પ્રભુએ આપેલી વ્યવહાર ક્રિયા અમૃતક્રિયા છે, શબ્દો યાદ રાખજો. આ તો અમૃતનો કુંભ તમને મળ્યો છે! સામાયિકને આપણે અંદર લઇ ન ગયા. બાકી આ સામાયિક એટલે અમૃતનો કુંભ છે! પુણ્યાશ્રાવકનું એક સામાયિક અમૃતનો કુંભ હતો, એની આખી લાઈફસ્ટાઇલ ટોટલી બદલાઈ ગયેલી. તો આયંબિલ કર્યું, છ વિગઈનો ત્યાગ કર્યો પણ ગરમાગરમ ઢોકળા અને પૂડલા ખાવાનો વિચાર છે. ત્યાગ છે, વૈરાગ્ય નથી. ત્યાગ સરસ, no doubt. પણ વૈરાગ્ય ભળે તો કેટલો ત્યાગ સરસ થઈ જાય?

ધન્નાઅણગારની વાત તમે સાંભળેલી; છટ્ઠ ના પારણે આયંબિલ અને પાછો છઠ્ઠ, જાવજજીવન… દીક્ષાના દિવસે નિયમ લીધેલો, પ્રભુ હતા – સર્વજ્ઞ હતા, એમણે નિયમ આપી પણ દીધો કે આ પાળી શકશે. સજ્જાયકાર લખે છે કે વર્ષો સુધી આ રીતે છઠ્ઠના પારણે માત્ર આયંબિલ કરતા હતા; એમનું શરીર હાડપિંજરનો માળો બની ગયેલું! સજ્જાયમાં લખ્યું, ‘ચાલતા ખડખડે હાડ રે.’ ચાલે ત્યારે એક હાડ બીજા હાડને ટકરાય એટલે અવાજ આવે એમ. પણ એમનો જે આનંદ હતો..! દિવ્યાનંદ..દિવ્યાનંદ… શ્રેણિક મહારાજે એકવાર પૂછેલું, પ્રભુ! આપના બધા સાધુઓમાં પહેલા નંબરે કોણ ભાવદશામાં? આપણે તો બધાને એમ લાગે કે ભગવાન ગૌતમસ્વામીનું નામ આપશે, સુધર્માસ્વામીનું નામ આપશે. ભગવાને કહ્યું, નહિ! ધન્નો અણગાર એ અત્યારે મારો પ્રથમ પંક્તિનો ઉચ્ચ ભાવદશાનો સાધક છે!

હવે, એ ધન્નાઅણગારની એક નાનકડી એડીશન તમારાં જીવનમાં ન આવે? ભલે મહિનામાં એક જ આયંબિલ કરો છો. આયંબિલ શાળામાં એક-દોઢ વાગે જવાનું, ભલે તમે આયંબિલશાળાના ટ્રસ્ટી છો, કહેવાનું નહિ! રસોઈઓ ચમકી જાય! અરે! સાહેબ! તમારે આયંબિલ હતું? તમે કીધું પણ નહિ કે હું મોડો આવીશ! તમારા માટે બધું રાખી મુકત ને.. નહિ.. નહિ.. નહિ… મારે જરૂરિયાત નહોતી ને માટે કહેવડાવ્યું નહોતું. શું છે એ બોલ હવે? સાહેબ કાંઈ નથી, આ ઠંડી પાંચ-છ રોટલી પડી છે, આ કરીયાતાનું પાણી છે, દાળ નથી, શાક નથી, કાંઈ નથી; પૂડલા-ઢોકળાની તો વાત જ નથી! તમે કહ્યું, વાહ! બહુ સરસ! લાવ ભાઈ! ચાર જ રોટલી, પાંચમી નહિ. ચાર ઠંડી રોટલી અને કરીયાતાનું પાણી ગ્લાસમાં આપી દે, અને એ રોટલીને કરીયાતામાં ડબોળીને ખાઈ જાઓ અને આનંદ આવે ત્યારે માનું કે તમારો ત્યાગ વૈરાગ્યથી યુક્ત છે. ત્યાં શું થયું? પ્રવૃત્તિની સાથે વૃત્તિનું રૂપાંતરણ થયું. પ્રવૃત્તિ શ્રેષ્ઠ હતી, વૃત્તિ એને અનુરૂપ આવી ગઈ. સામાયિક કર્યું; પ્રવૃત્તિ કેટલી અદ્ભુત્ત! સમભાવમાં ૪૮ મિનિટ રહેવાનું! હવે જો વૃત્તિઓ બદલાઈ જાય… એ સામાયિક કર્યા પછી, એ ભાવદશામાં તમે રહેતા હોવ, કંઈ પણ ઘટના ઘટી ગઈ; તમને ઘટનાઓનો સ્પર્શ પણ ન થાય! શેરબજારમાં કદાચ તમે હોવ, 5 લાખ  ગયા એમ સાંભળો, કદાચ કોઈ અસર પણ ન થાય કે સંસાર છે ને ચાલ્યા કરે! આવું જો થાય તો હું માનું કે સામાયિક વૃત્તિના ક્ષેત્રે છે. તો ફરીથી યાદ રાખો, વારંવાર, માત્ર પ્રવૃત્તિથી સંતુષ્ટ નહિ થતા; વૃત્તિઓનું રૂપાંતરણ કેટલું થયું, એ જોજો.

અને એક બીજી વાત કહું, તમે છે ને તમારી જાતનું જે ઓબ્ઝર્વેશન કરશો ને એ સોફ્ટલી કરવાના, શાર્પલી નહિ કરવાના; પછી કદાચ એવું બને કે તમારી સાધનાનું, તમે તમારી વૃત્તિઓનું રૂપાંતરણનું ઓવર એસ્ટીમેશન કરો છો; છે એના કરતા વધુ તમે આંકી લો. સાધનામાર્ગમાં ઓવર એસ્ટીમેશન મોટામાં મોટું ભયસ્થાન છે. There should be the underestimation. તમે તમારી સાધનાને નાની કરીને જુઓ, બીજાની સાધનાને મોટી કરો. તમે ૧૦ સામાયિક કરતા હોવ, તો પણ એક સામાયિક કરનારની સાધકની સાધનાને તમે અભિનંદો, ત્યારે હું માનું ખરેખર સામાયિક તમારી પાસે આવ્યું છે! તો લાગે છે કે આ બહુ જ જરૂરી છે? વૃત્તિઓનું રૂપાંતરણ નથી થતું શું થશે? તમને પણ પૂછું શું થાય બોલો? વૃત્તિઓ એ જ રાગ અને દ્વેષની લઇ જાય ભીતર, થાય શું? અમને સામાન્યતયા શાસ્ત્રોમાં લખ્યું કે શ્રાવક દેવલોકમાં જ જાય, સાધુ આ કપડામાં દેવલોકનું જ આયુષ્ય બાંધે. અમારી ઈચ્છા હોય મનુષ્ય બનાવની જ હોય, દેવ થવાની નથી હોતી. પણ દેવનું આયુષ્ય બાંધે, પણ એ ક્યારે? શ્રાવક શ્રાવકત્વની ભૂમિકામાં હોય અને સાધુ સાધુત્વની ભૂમિકામાં હોય તો; માત્ર શ્રાવક તરીકેનો વેશ નહિ, માત્ર સાધુ તરીકેનો વેશ નહિ. વેશ તમને દુર્ગતિમાં જતો અટકાવતો નથી; વૃત્તિઓનું રૂપાંતરણ ન થાય ત્યાં સુધી દુર્ગતિમાં જવાનું દ્વાર બંધ થતું નથી! તો હવે તમારે સદ્ગુરુ પાસે આવવું જોઈએ. સાહેબજી મને એમ લાગે છે કે ધીરે ધીરે ધીરે મારી વૃત્તિઓમાં રૂપાંતરણ આવી રહ્યું છે, પહેલા ડગલે ને પગલે ક્રોધ થતો હતો હવે બહુ મોટું નિમિત્ત મળે તો પણ લગભગ ક્રોધ નથી થતો, થાય તો પણ જાગૃતિ આવી જાય છે, એમાંથી પાછો નીકળી જઉં છું. તો ગુરુદેવ આપ જરા જોઈ આપો ને કે મારું વૃત્તિઓના ક્ષેત્રે રૂપાંતરણ કેવું થયું છે? તમને લાગવું જોઈએ કે આ પાયાની બાબતો છે. અને આ પાયાની બાબતો ન હોય તો સાધનાનું સ્થિરીકરણ થઈ શકે નહિ. આપણે પછી આત્મસંતુષ્ટ બની જઈએ! આટલા સામાયિક કર્યા, આટલું પ્રતિક્રમણ કર્યું, આટલી પૂજા કરી; વૃત્તિઓના ક્ષેત્રે શું થયું? રૂપાંતરણ તો થયું નહિ! એટલે સાધનાથી આત્મસંતોષ, મિથ્યા આત્મસંતોષ ઉભો નથી કરવાનો; આપણી સાધના માત્ર અને માત્ર આત્મ નિર્મલીકરણ માટે છે, બીજું કોઈ એનો હેતુ નથી. તમારી જાત નિર્મલ બની? આટલું જ જોઈએ. નિર્મળ બની એનો અર્થ શું? રાગ ઘટ્યો? દ્વેષ ઘટ્યો? અહંકાર ઘટ્યો? શું થયું? સ્પષ્ટ રીતે લાગે કે રાગ-દ્વેષ-અહંકાર ઘટ્યા છે તો જ માનજો કે મારી આ સાધના ખરેખર આત્મ નિર્મલીકરણ તરફ મને લઇ જઈ રહી છે.

આના માટે આ બે તત્વો બહુ જ જરૂરી છે, જે મેં સવારના સેશનમાં કહેલા – તમારી સાધનાને અસ્તિત્વના સ્તરે ઉતારવાની એક તીવ્ર ઝંખના અને અનુભૂતિવાન એક સદ્ગુરુના ચરણોમાં સંપૂર્ણ સમર્પણ. સાધનાને અસ્તિત્વના સ્તર ઉપર ઉતારવી એટલે શું? વૃત્તિઓને ટોટલી ચેન્જ કરી નાંખવી, બસ બીજું કંઇ નથી! તમારી વૃત્તિઓ સંપૂર્ણતયા બદલાઈ જાય.

એક વાત તમને કહું, નિમિત્ત-નિમિત્ત-નિમિત્તની વાત ખોટી છે; કોઈ નિમિત્ત તમારામાં દ્વેષ કે અહંકાર કે રાગ ઉભો કરી શકતો નથી; તમારાં હૃદયની નિર્મલતા ઓછી છે માટે દ્વેષને ઝડપી લો છો! બોલો તમને એક સવાલ કરું. તમે કહેશો સાહેબ નિમિત્ત મળે અને ગુસ્સો આવી જ જાય છે, અત્યારની ભૂમિકા; આવતીકાલની ભૂમિકા જુદી હોવાની, આજની ભૂમિકા. હવે તમને પૂછું કે દરેક નિમિત્તે તમને ગુસ્સો આવે? તમારાં દીકરાનું ઓપરેશન કરવાનું છે અને હોસ્પિટલમાં એને એડ્મિટ કર્યો, ઓપરેશનની ડેટ નક્કી થઈ, ઓપરેશન થિયેટરમાં એને લઇ જવામાં આવ્યો, એનેસ્થેસિયા આપીને એને બેભાન બનાવવામાં આવ્યો, ઓપરેશન સરસ થઈ ગયું અને પછી હોસ્પિટલના કર્મચારિઓ સ્ટ્રેચર પર એને સુવડાવી અને સ્પેશિયલ રૂમમાં લઇ આવ્યા, બેડ પર એને મૂકી દીધો અને કર્મચારીઓ જતા રહ્યા, દીકરાએ આંખ ખોલી, એનેસ્થેસિયાની અસર ગઈ, એને આંખ ખોલી અને કહ્યું પપ્પા મારે પાણી પીવું છે, તરસ લાગી છે, અને તમને ખબર નથી કે એનેસ્થેસિયાની અસરમાંથી હમણાં મુક્ત થયો છે, હમણાં એને પાણી અપાય કે ન અપાય. એટલે તમે સીધા જ મોટા ડોક્ટરની ચેમ્બરમાં પહોંચો, એને જ ઓળખો છો તમે. જઈને ઉભા રહો, સાહેબ, સાહેબ, sir હમણાં મારા દીકરાનું ઓપરેશન થયું ને એ એનેસ્થેસિયાની અસરમાંથી બહાર આવી ગયો છે, હવે એને પાણી પીવું છે, પાણી અપાય કે ન અપાય? ડોક્ટર હોય એકદમ ગરમ મિજાજના સ્વભાવનો. મારી પાસે આવ્યા છો? આવું પૂછવા મારી પાસે આવ્યા છો? કોઈ હાઉસ ડોક્ટર રખડતો નથી? કોઈ નર્સ કોરીડોરમાં નહિ મળી? નર્સને પૂછો, હાઉસડોક્ટરને પૂછો, મને શું પૂછવા આવ્યા છો? હું મોટો ડોક્ટર! મારા જુનિયર્સ પેટ ચીરી નાંખે પછી ઓપરેશન થિયેટરમાં જનારો હું માણસ! તમે મને પૂછવા આવ્યા છો, પાણી અપાય કે ન અપાય?! સાલાએ હા કે ના કીધું હોત તો એક અક્ષરમાં પતી જાત! એ આટલા ગુસ્સાથી બોલે તમે સામે ગુસ્સો કેટલો કરો? ડોક્ટર મહીને કેટલી પ્રેક્ટીસ તમારી? પાંચ લાખ ની? સાત લાખની? હું અહિયાં પંદર લાખ કમાઉ છું, શું ગરમ સ્વભાવ બતાવો છો તમારો? નહિ ચાલે! કહો ક્યારેય આવું? કેમ નથી કહેતા? નિમિત્ત મળ્યું કે નહિ? તમારાં ego ને હર્ટ કરી નાંખ્યો છે, સીધો જ.. જાવ મારી પાસે નહિ આવવાનું! શું આવ્યા છો? શું સમજો છો તમે? તમારાં ego ને તોડી નાંખ્યું, છતાં તમે ગુસ્સો બહાર નથી લાવતા, કારણ શું? તમે સમજો છો, મારા દીકરાનું ભવિષ્ય આ ડોક્ટરના હાથમાં છે, સારું કંઇક આડું અવળું કરી નાંખે તો. આપણા ભારતમાં કંઇ વિદેશ જેવા કડક નિયમો નથી કે સહેજ ભૂલ થાય કે ડોક્ટરને લાખો ડોલરોના ખાડામાં ઉતરવું પડે. આપણે ત્યાં એવું મેડિકલ તંત્ર નથી કે સરકારી તંત્ર આપણે ત્યાં આવું નથી. બધું અંધેર છે. તો તમને થયું મારા દીકરાનું ભવિષ્ય આના હાથમાં છે, એટલે અત્યારે એને વતાવવો નહિ જોઈએ. બરોબર? તો એનો અર્થ શું થયો, તમે સમજ્યા? તમારો સ્વાર્થ જ્યાં હોય ત્યાં તમે ક્રોધને તમે દબાવી શકો છો. બોલો બરોબર? બરોબર? Ok…? આ વાત બરોબરને? તો ફરી નહિ જવાના ને હવે? તમે જયારે-જયારે ગુસ્સો કરો, તમારું આયુષ્ય એમાં બંધાઈ જાય, દુર્ગતિનું આયુષ્ય બંધાઈ જાય, નરકમાં તમને ક્રોધ લઇ જઈ શકે, તમારો સ્વાર્થ કેટલા અંશે બગડ્યો મને કહો? જે શ્રાવક નિયમા સદ્ગતિમાં જવાનો હતો- પ્રભુનું અભિવચન, અને એ શ્રાવક કે સાધુ દુર્ગતિમાં પટકાય આ ક્રોધને કારણે, તો તમારો સ્વાર્થ કેટલો બગડ્યો, મારે પૂછવું છે? પેલામાં સ્વાર્થ ઘવાયો, એના કરતા વધારે સ્વાર્થ આમાં ઘવાવાનો ખરો? તો બોલો, આ સ્વાર્થ ઘવાય છે, તમે ગુસ્સે ન થાઓ ને હવે? નક્કી ને હવે? હવે નક્કી ને? ગુસ્સો આવે જ નહિ. તમે શિબિરમાં જઈ આવ્યા, શું કરી આવ્યા? ક્રોધને દાદા જીરાવલાના ચરણોમાં મુકીને આવ્યા, બરોબર? એક-એક વસ્તુ છોડતાં જાઓ! અમારા શાલીભદ્ર રોજ એક પત્નીને છોડતો, તમારે એક એક શિબિરમાં એક એક વસ્તુ છોડી દેવાની, પાછી આવે નહિ એ રીતે હો પાછી, પાછી આવી જાય તો જાય નહિ હો પાછું!

લોજીકલી જે વસ્તુ સમજાય છે, એક્સપીરીયન્સમાં કેમ નથી આવતું? કારણ એ છે કે ધર્મને તમે બુદ્ધિ સુધી સીમિત રાખ્યું છે; હૃદયમાં તમે લઇ જ ગયા નહિ. બુદ્ધિ અને ધર્મને કોઈ સંબંધ નથી. બુદ્ધિથી ધર્મ મળે નહિ, બુદ્ધિથી સાધનામાર્ગે આગળ જવાય નહિ. ઝેન પંથોના આશ્રમોમાં સ્પષ્ટ બોર્ડ લગાવેલું હોય છે – ” no mind please.” તમારી બુદ્ધિ લઈને અહી આવતા નહિ! અને બુદ્ધિ લઈને આવો તો શું થાય ખબર છે તમને?

સંત દરિયા બહુ મોટા સંત થયા. એ સંત દરિયાએ એક રૂપક કથા આપી છે. રૂપક કથા, બનેલી નહિ. આપણા માટે બંધ બેસતી થાય એવી કથા. તો કથા એવી છે- એક બિલાડી હતી. બિલાડીને ગુરુ કરવાનો વિચાર આવ્યો! ભારતની જ રહી હશે ને, આપણી હિંદુ પરંપરા હતી, સુફી પરંપરા ગણો, મુસ્લિમ પરંપરા ગણો. આપણી એક પરંપરા હતી કે સાધના ગુરુ દ્વારા જ મળે, દરેકને માથે ગુરુ હોવા જ જોઈએ; અને એટલે આપણે પરંપરામાં બે શબ્દો આવ્યા: સગરો અને નગરો. જેના માથે ગુરુ નથી એ નગરો. ગુરુના નામ ધરાયું એ સગરો નહિ હો! ગુરુના ચરણોમાં ટોટલી સમર્પિત થયો એ સગરો. એ સગરાને શું મળે, એની વાત આનંદઘનજી મહારાજે કરી, “સગરા હોય સો ભરભર પીવે.” “સગરા હોય સો ભરભર પીવે, નગરા જાય પ્યાસા.” આ પ્રભુનો પરમરસ! પ્રભુનો સાધનારસ કોને મળે? સગરો હોય તેને. કોઈ શાસ્ત્ર દ્વારા સાધના પથ તમને મળી શકે નહિ. જીવંત સદ્ગુરુ જ તમને સાધના આપી શકે. ગ્રંથ ગુરુ દ્વારા મળે એમ મેં તમને પહેલા કહ્યું હતું પણ એ ઊંચકાયેલા સાધકની વાત છે; સામાન્ય સાધક માટે નથી. કોઇ પણ દર્દી હોય. અંગ્રેજીમાં ખુબ ભણેલો છે. ધૂંવાધાર લેકચર આપી શકે એમ છે. એ માણસ વિચાર કરે? દર્દ થયું છે, મેડીકલ બુક્સ બધી બહાર પડેલી જ છે ને, મેડિકલ બુક વાંચી લઉં, દવા લઇ લઉં અને સાજો થઈ જઉં; સાજો થાય કે મરે? ચોપડીમાં વાંચીને કોઈ દવા કરી શકે? Even તમારો મેડિકલ સ્ટોર છે. તમને અમુક અમુક વસ્તુ ખ્યાલ પણ હોય. શરદી માટે આ, ગરમી માટે આ, ફલાણા માટે આ, તમે ઘણીવાર એમને એમ દવા આપી પણ દેતા હોવ, પણ તમને જયારે ક્રિટીકલ disease થાય ત્યારે તમારે ડોક્ટર જોડે જવું જ પડે! તમારાં સ્ટોરમાં રહેલી દવા, તમે એમને એમ ખાવા મંડી પડો; તમારે હોસ્પિટલ ભેગા થવું જ પડે. અને એમાં પણ જેટલો નિષ્ણાંત ડોક્ટર, એટલું proper diagnosis. એટલે તમે તો એકદમ નિષ્ણાત પાસે જ પહોંચનારા. આ બાબતનો નિષ્ણાત માં નિષ્ણાત કોણ? બહાર બધી શોધ કરો છો, અહિયાં જ નથી કરતા! કારણ કે અહિયાં તમારી પાસે કોઈ હેતુ નથી! જૈન છીએ, કંઇક કરવું જોઈએ, જરાક આમ લાગે કે આપણે કરીએ છીએ; વાત પૂરી થઈ ગઈ. પણ આ કરવાથી મારે કંઇક મેળવવું છે આ વાત ખરી? વર્ષોથી સાધના કરનારે પોતાની જાતને પૂછવું જોઈએ, “whats my achivement?” જાતને પૂછો, “whats my achivement?”

બિલાડીને ગુરુ કરવાનો વિચાર આવ્યો, તો બુદ્ધિ બિલાડીની, અને ભારતની હવામાનને કારણે ગુરુ કરવાનો વિચાર આવી ગયો. અને એક સરોવરને કાંઠે ગઈ. બગલાભાઈ ત્યાં બેઠેલાં. બગલાનું ધ્યાન ચાલુ હોય. ક્યારે માછલું આવે ને ક્યારે પકડું. બગલો ધ્યાનમાં બેઠેલો, ક્યારે માછલું આવે અને ક્યારે પકડું. બુદ્ધિ બિલાડીની! બિલાડીએ નક્કી કર્યું, વાહ! ગુરુ હો તો એસા! સંત ગીરિયા એ મજાના શબ્દો કહ્યા, “दरिया बिल्ली गुरू किया, उज्जल बगु को देख!” વાહ! ગુરુ હો તો એસા! ” लोभी गुरु और लालची चेला” “लोभी गुरु और लालची चेला, दोनों नरकमें ठेलम – ठेला” તમને સદ્ગુરુના ચરણોમાં જવાની ઈચ્છા કેમ ન થઈ? સાધના આત્મનિર્મલિકરણ માટે છે, સાધના વૃત્તિઓના રૂપાંતરણ માટે છે, આ વસ્તુઓનો ખ્યાલ તમને નથી આવ્યો. મને એક શંકા છે કે આ અત્યારે તમે લોકો સાંભળનારા; તમારાં હૃદયમાં પણ ઊંડે સુધી પણ આ વાત ગઈ છે? કે જરા પ્રસ્તુતિ સારી છે એટલે વાત સારી લાગે છે? અમારા વ્યાખ્યાનમાં ૯૦ ટકા, ૯૫ ટકા કે ૯૮ ટકા તો શ્રોતાઓ અમને કેવા મળે ખબર છે? રત્નસુંદરજી જેવા બોલતા હોય – ફ્લુઅન્ટલી, મજા આવી ગઈ કહે છે! શું મહારાજ સાહેબની સ્પીચ! એટલે સ્પીચ સાંભળવા માટે અહીંયા આયો તું? પછી કોઈ પ્રવચનકાર મહાત્માએ નવા પદાર્થો આપ્યા, એકદમ નવા; વાહ! આ પદાર્થો તો સાંભળ્યા પણ નહોતા! બહુ મજાનાઆવી ગયા! તમે શેના માટે આવો છો? તમારાં કાનને સંતોષ થાય, ફ્લુઅન્ટલી વક્તા બોલે છે કારણે, મજા આવી ગઈ! એકદમ શ્રુંખલિત ભાષા છે, નોનસ્ટોપ બોલ્યા કરે છે; કાનને મજા આવી ગઈ! નવા પદાર્થો આપ્યા, નોટ કરવા માંડ્યા! મારી વાચનામાં નોટ કરનારા ઘણા હોય, પછી એમને કહું કે હૈયામાં નોટ કરો ને… કાગળિયામાં નોટ કરીને શું કરશો? અને મારા પ્રવચનો, આ લોકોએ બધી વ્યવસ્થા કરેલી છે, તમારાં ઘરે રોજ મળી શકે એવી વ્યવસ્થા છે. વારંવાર તમે એને સાંભળી શકો એમ છે, વારંવાર સાંભળો, પણ અંદર ઉતારો કંઇક. રોજ તમારાં ઘર બેઠા બધા પ્રવચનો તમને મળી શકે એમ છે; પણ અંદર ઉતારો આ પ્રવચનોને!

તો મને હજુ વહેમ છે કે આજની વાતો અંદર ઉતરી કે કેમ? શું લાગે છે આમ? મારે તમારી પાસેથી ૧૦૦ ટકા રીઝલ્ટ જોઈએ. હું મારા સાધુઓને ઘણીવાર કહું, મારી નાનકડી સાધ્વીઓને ઘણીવાર કહું, કે બેટા મારે ૧૦૦ ટકા નહિ એકસો ને પાંચ ટકા રીઝલ્ટ તારી પાસેથી જોઈએ. સો ટકા પણ નહિ ચાલે મારે, એકસો પાંચ ટકા જોઇશે. તમે બધા અત્યારે આપી શકો એમ છો ૧૦૦ ટકા. અંદર વાત ઉતરી ગઈ? સદ્ગુરુ ન મળે, અને સદ્ગુરુના ચરણોમાં સમર્પણ ન થાય, વૃત્તિઓનું રૂપાંતરણ નહિ થાય, હૃદયની નિર્મળતા નહિ થાય, તો શું થશે? અનંતા જન્મોમાં પ્રભુની સાધના મળી, અમૃત સાધના મળી, આપણી આ નાનકડી ભૂલે એ અમૃત સાધનાને નિષ્ફળ બનાવી છે! ખરેખર પ્રભુના ગુનેગાર આપણે છીએ! આપણે પ્રભુના મોટા અપરાધી છીએ! આટલી સરસ સાધના પ્રભુએ આપી, આપણે સાધનાને પીધી જ નહિ! આ બુદ્ધિના સ્તર ઉપર સાંભળવાની વાત નથી, કોન્શિયસ માઈન્ડના સ્તર ઉપર સાંભળવાની આ વાત નથી; અસ્તિત્વના સ્તરે એકવાર સાંભળો તો ખરા!

મુંબઈમાં કિરણ ભાઈ હતા. મુંબઈ વાળાઓએ લગભગ એમનું નામ સાંભળ્યું હશે. જુના સાધકોએ ખાસ સાંભળેલું છે. એમની ગોડીજીમાં વાચનાઓ થાય, પ્રવચનો થાય, આખા મુંબઈમાંથી સાધકો, દુરમાંથી – સબર્બમાંથી દોડીદોડીને ગોડીજીમાં આવે; ખાસ કિરણભાઈને સાંભળવા માટે. એક ડેપ્થ હતું.,સાધનાનું ડેપ્થ પકડાઈ ગયેલું, પણ એ ડેપ્થ સદ્ગુરુ પાસેથી આવેલું હતું; એ સદ્ગુરુ પ્રત્યેનું પૂરું સમર્પણ એમની પાસે હતું; આપણા યુગના મહાન સાધના મહિષી અને પ્રભુના શાસનના હાર્દને પામેલાં ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબ જ હતા, કિરણભાઈ ના ગુરુ પંન્યાસજી ભગવંત હતા. એ શું કરતા? છ મહીને- આઠ મહીને ગુરુદેવ પાસે પહોંચી જતા, ચરણોમાં બેસી જતા. માત્ર ગુરુદેવની નિશ્રા કામ કરે હો! પ્રવચનની ઈચ્છા છે ને એ પણ નકામી છે. સદ્ગુરુની ઓરા, સદ્ગુરુની ઉર્જા તમને પવિત્ર કરી શકે!

હું ઘણીવાર કહું છું, શબ્દોના લોભમાં રહેનારો માણસ સદ્ગુરુને ચુકી જાય છે! તમારી અત્યારની મુંબઈની- અમદાવાદની પરંપરા કઈ? વ્યાખ્યાન ૯ વાગે છે, સવા નવે- સાડા નવે ડોલતા આવવાનું, કેમ? ચુસ્ત શ્રોતા હોય તો નવમાં પાંચ વાગે હાજર થઈ જાય, સર્વ મંગલ થાય, દસ વાગે એટલે રવાના! માત્ર ગુરુના શબ્દો! ગુરુનું ઉપનિષદ નહિ.. પૂર્વ કાળ અમારો એવો હતો, મારા પોતાના પણ ખ્યાલમાં છે, ગુરુ મહારાજ નાનકડા ગામમાં વિચરતા, વ્યાખ્યાન રોજનું નહિ, કેટલા ભક્ત માણસો સવારે આવે, સાહેબ વહોરવા પધારો, બપોરે આવે સાહેબને વંદન કરી જાય, પાછા એકાદ સામાયિક કરી જાય, ઉપદેશની કોઈ ઈચ્છા નહિ! ગુરુનું ઉપનિષદ જ ઉપદેશ હતો એમને. રાત્રે પ્રતિક્રમણ પછી બધા જ ગુરુઓના ચરણસેવા કરે! બસ, એ જ ગુરુના ચરણોમાંથી ઉર્જા નીકળે છે, મારે પ્રાપ્ત કરવી છે. માત્ર શબ્દોનો લોભ સદ્ગુરુની ઉર્જાથી તમને બાકાત રાખે છે. કિરણભાઈ આ સમજુ હતા – ગુરુ પાસેથી માત્ર શબ્દો લેવાના ન હોય, ગુરુની દિવ્ય શક્તિ મારે લેવાની છે. કિરણભાઈ જે બોલતા, આજે એમની કેસેટ મળે છે, તમે સાંભળો કેટલું ઊંડાણ છે એમની પાસે! પણ એ કહેતા, આ ઊંડાણ મારી પાસે સદ્ગુરુ પાસેથી આવ્યું છે. ‘સદ્ગુરુ બિન કોન બતાવે માર્ગ?’ પ્રભુનો માર્ગ સદ્ગુરુ વિના કોણ બતાવી શકે?

કિરણભાઈ એકવાર સાહેબજી લુણાવામાં બિરાજમાન હતા, ચોમાસામાં. ઈચ્છા થઈ આવવું છે. સાહેબજીને પૂછાવ્યું, સાહેબજી ૧૦-૧૫ દિવસ આપણા ચરણોમાં રહેવા માટે આવવું છે, આપ સમય આપો. ગુરુદેવે સમય આપ્યો, આવી ગયા. સવારની ગાડીમાં ઉતર્યા. દેરાસરે ગયા. ગુરુદેવ પાસે આવ્યા. સાહેબ આપણી સેવામાં હાજર થઈ ગયો છું. તારું બધું કામ નીપટાવીને પૂજા વિગેરેનું, પછી મારી પાસે બેસજે. બપોરે 3 વાગે હું વાચના આપીશ. વાચના ખાલી એકાદ કલાક- અડધો કલાક જ આપે, મારી પાસે બેસવાની તને છૂટ આપું છું; કિરણભાઈને પણ એ જ જોઈતું હતું- ઉર્જા ગુરુની. તૈયાર થઈને આવ્યા, બેસી ગયા ગુરુની પાસે, એક રૂમના ખૂણામાં. ગુરુદેવની બોડીમાંથી ઉર્જા નીકળતી હતી, એ ઉર્જાને ગ્રહણ કરી; ઊંડા ઉતર્યા કરે સાધનામાં. ઉપર અડધો કલાક- કલાક સાહેબજી બોલે. પહેલી જ વાચના ગુરુની અને સાહેબજીએ કહ્યું મંગલાચરણ કર્યા પછી – એક યોગી પુરુષ હતા. જંગલમાં જઈ રહયા છે. ત્યાંના ભરવાડો બધા સામે આવ્યા, સાહેબજી! તમે આ માર્ગ ન લો, આ માર્ગે એક ભયંકર સર્પ રહે છે, જેની આંખમાં ઝેર છે, અને આંખના ઝેરથી એ હજારો-લાખોને ખતમ કરી ચુક્યો છે; આપ મહેરબાની કરીને આ રસ્તે ન પધારો, આપ આ રસ્તે પધારો, થોડો લાંબો થઈ જાય એમ છે, પણ આ રસ્તો બંધ થઈ ગયો છે સાપને કારણે; કોઈ જતું નથી. પશુ-પંખીઓને પણ એને ખતમ કરી નાંખ્યા છે! તમને ખ્યાલ આઈ ગયો, ચંડકૌશિકવાળીવાત છે? કિરણભાઈ આટલા જાગૃત સાધક! ભૂલ થઈ ગઈ એમનાથી, એ બોલી ગયા, ‘સાહેબજી! આપ ચંડકૌશિકવાળી વાત કહો છો ને?’ સાહેબજીએ કહ્યું, આજે સર્વમંગલ, કાલે પણ વાચના નહિ રહે, પરમ દિવસે જોઈશું. કિરણભાઈ સમજી ગયા, શું ચૂક થઈ ગઈ; આ સદ્ગુરુના અમૃત શબ્દો! એને અસ્તિત્વના સ્તર ઉપર ઝીલવાના હતા, આમાં બુદ્ધિનું સ્તર ક્યાંથી આવ્યું?! પોતાની મેમરી આવી, ચંડકૌશિક સાપવાળી વાત આવી, આ મેમરી ઘુસાડવાની ક્યાં જરૂર હતી આમાં? તો માત્ર સદ્ગુરુ વરસી રહ્યા છે, એને ઝીલવાનું કામ હતું! કિરણભાઈ તરત સમજી ગયા, કારણ જાગૃત સાધક હતા. તમારી બધાની ભૂમિકા મારે આ કરવી છે. શિબિરમાં તમને બોલાવું એનું કારણ પણ આ છે. પ્રવચનમાં મારે પણ નીચે ઉતરવું પડે છે; મારી ઈચ્છા નથી હોતી પણ લોકોની માંગણીઓ હોય, સાહેબ નથી સમજાતું; મારે નીચે ઉતરવું પડે છે!

મારા મિત્ર પ્રદ્યુમ્નસૂરી મહારાજ. એકવાર એક શહેરમાં જઈને, મને મળ્યા અમદાવાદમાં. સારા શહેરમાં ગયેલા. શહેરમાં જતા પહેલા એમને હતું કે ત્યાં તો બૌદ્ધિક વર્ગ એકદમ સારો હશે એટલે ઊંડી વાતો એમની સામે ચર્ચી શકીશ. ચોમાસું ઉતર્યું, મને મળ્યા. મને કહે, મારી ઈચ્છા ઘણી બધી હતી કે પ્રભુ શાસનનું નવનીત મેં જે મેળવ્યું છે હું આ લોકોને આપું, પણ અઠવાડિયું મારા પ્રવચનો ચાલ્યા; ટ્રસ્ટીઓ અને અગ્રણી શ્રાવકો આવ્યા, ‘સાહેબજી! આપની વાતો બહુ ભારે પડે છે. જરા નીચે ઉતરો.’ એ કહે કે હું નીચે ઉતર્યો! ફરી કહેવા આવ્યા કે સાહેબ હજુ નીચે ઉતરો કે અમને સમજાય એ રીતે. પ્રદ્યુમ્ન વિજય મહારાજ મને કહે કે યશોવિજયજી કેટલા નીચે ઉતરવાનું આપણે પણ?!

એટલે હું યુવા પ્રવચનકારોને ખાસ કહું છું, મારી પાસે એવા પ્રવચનકારો આવે મહાત્માઓ, ત્યારે એમને ખાસ વાત કહું છું કે તમે લોકો સભાને ક્રિએટ કરો અને સભાને તમે ક્રિએટ કરશો ને તો જ અમારા જેવા માણસો કંઇક બોલો શકશે; નહિતર અમારા જેવા માણસોને એકદમ નીચે ઉતરવું પડશે કે એક રાજા હતો! અને એક રાની હતી! અને મુલ્લાજીની વાતો એ કરવી પડશે અમારે! મેં એમને કહ્યું કે તમે સભાને ક્રિએટ કરો. શાસ્ત્રની એક મજાની ગાથા લો, શ્લોક લો, પદ લો; એના ઉપર To the point બોલો. એ લોકોની ઈચ્છા તો હતી, એમણે ફરિયાદ કરી, સાહેબ! આવું જો કરીએ ને સભા છૂટી જશે! લોકો આવશે જ નહી સાંભળવા. મેં કીધું એક કામ કરો: મેં કીધું, તમે બધા રત્નસુંદર નથી કે તમે જાઓ પહેલાં ઓડોટોરીયમ ભરાઈ ગયેલું હોય. આપણે ત્યાં પદ્ધતિ એવી છે- પાંચ સામાયિકવાળા બેઠેલા હોય, સાહેબ શરુ કરો કહે છે; ડોલતા ડોલતા ડોલતા થોડાક લોકો આવે જતા હોય, દસ બહેનો સામાયિક લઈને બેસેલી હોય. મેં કીધું, તમે કામ કરો એક – પંદર વીસ મિનીટ, to the point, શાસ્ત્રો ઉપર થોડી નિશ્ચય નયની વાતો ખોલો, એકદમ ઓડીયંશ ભરાઈ જાય, નીચે ઉતરી જજો થોડા, કંઇ વાંધો નથી. બે કામ થશે: મેં કીધું, તમારું પણ કામ થશે અને લોકોનું પણ કામ થશે. તમારું કામ એ રીતે થશે કે એકદમ ઉંચી ફિલોસોફરની વાત સરળતાથી કેમ પીરસવી એ તમને ખ્યાલ આવશે; એ બોલતા બોલતા જ ખ્યાલ આવશે. હાઈટ ફિલોસોફી જાણવી એ જુદું કામ છે એને કઈ રીતે પ્રેઝન્ટેશન કરવું એ અલગ વાત છે; એનો તમને ખ્યાલ આવશે. અને એ લોકો કમસેકમ તાનસેન નહિ બને તો કાનસેન તો બનશે. કંઇક શબ્દો પરિચિત હશે ને હા, હા આવું કૈક સાંભળેલું છે.

આજે તમને વાત કરું, દિગંબર ઉપાશ્રયોમાં અમારે ક્યારેક જવાનું થાય, ત્યારે દિગંબર ભક્તો અમને કહે, સાહેબ સ્વાધ્યાય કરાવો. હવે અમને ખ્યાલ હોય છે કે દિગંબર શ્રાવકો પણ સમયસાર, નિયમસાર, પ્રવચનસાર આવા બધા હાઈ ફિલોસોફીના નિશ્ચયનય ના ઊંચા ગ્રંથો વાંચતા હોય છે, અમે લોકો એમની સામે આપણો અધ્યાત્મસાર વિગેરે લઈને, એની નિશ્ચયનયની ગાથાઓ ટાંકીને બહુ જ ઊંડાણથી બોલી શકીએ છીએ; પણ ક્યારે? કમસેકમ એ લોકો કાનસેન તો છે, આમ તમારાં જેવા જ છે, બહુ ઉંચી કક્ષા નથી કંઇ, પણ સાંભળ સાંભળ સાંભળ કરીને આ શબ્દોથી પરિચિત બન્યા છે તો આ અમારી વાત થોડીક પલ્લે પડે છે.

રત્નસુંદરસુરિની એક વાત કરું તમને- એ સુરતથી ઝગડીયાજી થઈને આગળ જવાના હતા. તો વચ્ચે એક ગામ આવે તડકેશ્વર. જૈનોના તો બે-ચાર ઘર. હિન્દુઓના ઘર ઘણા. પણ હિંદુઓ પણ રત્નસુદરજીના નામથી પરિચિત હતા. તો હિંદુ લોકોએ આપણા જૈન ભાઈઓને કહ્યું ચાલો ને મહારાજ સાહેબ આવવાના છે. એમનો પ્રોગ્રામ પણ ઘોષિત થઈ ગયો છે. આપણી ફરજ છે. આપણે વિનંતી કરવા જવું જોઈએ. અમે બે જણા નહિ બાવીસ જણાનું આપણે સાથે જઈએ. જૈનો હિંદુઓ બધા વિનંતી કરવા ગયા. સાહેબ કહે, આ પ્રોગ્રામ નક્કી ને, આ દિવસે આવી જશું. પછી નક્કી કર્યું, સવારે નવ વાગે પ્રવચન. સાહેબ કહે સામૈયું-બામૈયું કરતા નહિ, ટાઇમ નહિ બગાડતા, નવ વાગે મારું પ્રવચન રહેશે, બપોરે ત્રણ વાગે પ્રવચન આપીશ, રાત્રે મારો વિશ્રામ ત્યાં છે તો ભાઈઓ માટે રાત્રે સદા આઠે સંગોષ્ઠી પણ રાખીશું, બહેનો નહિ આવી શકે. નક્કી કર્યો પ્રોગ્રામ.

સુરતથી એમનો વિહાર થયો. તડકેશ્વર જે દિવસે જવાનું હતું, એના આગળના દિવસે સમાચાર મળ્યા રત્નસુંદરસૂરિ મહારાજને કે તડકેશ્વરના ૨૨ યુવાનો તાપી નદીમાં હોડી લઈને જતા હતા, હોડી ઉંધી પડી; બાવીસે બાવીસ નવયુવાન લોકો તાપીમાં ગરકાવ થઈ ગયા! બચાવનારોને આવતા વાર લાગી, મડદા જ હાથ લાગ્યાં; જીવંત વ્યક્તિ કોઈ હાથ ન લાગી. હવે બાવીસ યુવાનોના મૃતદેહો તાપીની રેતમાં એકસાથે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો, એ ગામની સ્થિતિ કેવી હોય? સવારે રત્નસુંદરજી પ્રવેશ કયો. એમણે તો આવવાનું જ હતું. આગલી રાત્રે જ્યાં બાવીસ યુવાનોને એકસાથે અગ્નિસંસ્કાર થયેલો હોય, એ જ ગામના, એ ગામના માણસોની હાલત કેવી હોય? સામૈયાની તો ના જ પડેલી. ગયા. દેરાસરે ગયા. ઉપાશ્રયે ગયા. ઉપાશ્રયમાં હોલ હતો, પાછળ રૂમ હતો. ગોચરી વિગેરે રૂમમાં વાપરવાની હતી. વ્યાખ્યાન હોલમાં હતું. તો દર્શન વિગેરે કરી, નવકારશીનું પચ્ચક્ખાણ પારી, રત્નસુંદરસૂરી મહારાજ રૂમમાં ગયા. અને સમજતા હતા, આજ તો વ્યાખ્યાન રહે જ નહિ. સવાલ જ નથી કોઈ. શોકનું વાતાવરણ આટલું હોય ત્યાં વ્યાખ્યાનમાં કોણ આવે? એટલે આરામથી આઠ-સવા આઠે આવેલા. ભક્તિ અડધો કલાક કરી. ભક્તિ તો હોય જ અમારી પાસે. પોણા નવ- નવ થઈ ગયેલા. વાપરવા બેઠા આરામથી. કહે આપણે ક્યાં ૯ વાગે વ્યાખ્યાન કરવું છે હવે? ત્યાં એક શિષ્ય, કંઈક ગોચરી બાકી હતી અને લેવા માટે બહાર નીકળ્યો, હોલ જોયો એને, ઓડોટોરીયમ full pack! આખો હોલ ખીચોખીચ ભરાઈ ગયેલો.. એટલે વહોરવા પડતું મુકીને, દોડતો આવ્યો. સાહેબજી! સાહેબજી! હોલ તો આખો ભરાઈ ગયેલો છે! સાહેબજીનું વાપરવાનું પૂરું થઈ ગયેલું. આરામથી બેઠેલા. કે ક્યાં વ્યાખ્યાન છે? અચ્છા, એમ છે? કપડો ઓઢી, ગયા વ્યાખ્યાનમાં. પાટ પર બેઠા, વ્યાખ્યાન શરુ કર્યું.

રત્નસુંદરજીના શબ્દો હું કહું છું હવે- એમણે મને કહ્યું, સાહેબ! આપણી સરસ સભામાં જે વાતો મૂકું, એ વાતો મેં મૂકી. ૯૯ ટકા હિંદુ શ્રોતાઓ હતા. પા કલાક પછી ચિઠ્ઠી આવી. કહે, તમે બોલો છો, સરસ છે, enjoy કરીએ છીએ, પણ આનાથી ઊંડા કોઈ તત્વજ્ઞાનમાં જશો તો વાંધો નથી. પછી એમણે કહ્યું કે આપણી વાચનમાં જે પદાર્થો લઈએ એ પદાર્થો મેં લીધા. પાછી પા-કલાક પછી એક ચિઠ્ઠી આવી, આને પણ enjoy કરીયે છીએ અમે, આનથી ઊંડા જશો તો વાંધો નથી; રત્નસુંદરજી ખુશ થઈ ગયા! પછી મને એમણે કહ્યું કે સાહેબ આપણી સાધુ-સાધ્વીઓની વાચનામાં – પ્રબુદ્ધ સાધુ-સાધ્વીઓની વાચનામાં, જે પદાર્થો હું આપતો હોઉં છું, એ પદાર્થો એમની સામે મુકવા રજુ કર્યા મેં; અને સભા ડોલવા લાગી! અમને લોકોને છે ને તમારાં ચહેરા ઉપરથી ખબર પડી જાય કે તમે વાતને એપ્લાય કરી રહ્યા છો કે નહિ? એક કલાક વ્યાખ્યાન ચાલ્યું, આટલા ઊંડાણ પૂર્વક ચાલ્યું, લોકોએ enjoy કર્યું!

વ્યાખ્યાન પૂરું થયું. બધા બેઠેલા હતા. એક જૈન ભાઈએ કહ્યું કે સાહેબ આપને ગઈ કાલના સમાચાર તો મળેલાં જ હશે. જે ભાઈના – પટેલના, બે દીકરા જુવાન, કાલે એક સાથે મરી ગયા, એ ભાઈ આ છે. સફેદ ટોપી ઓઢી બેઠેલા. સાહેબે પૂછ્યું એમને કે તમારાં બે યુવાન દીકરા એક સાથે જતા રહ્યા તમારી શું ફીલિંગ રહી? શબ્દો યાદ રાખજો બધા – એક હિંદુ સાધક કહે છે આ! કહે સાહેબ! અમે પાંડુરંગદાદાના ઉપાશક છીએ, સ્વાધ્યાય મિશનમાં અમે જોડાયેલા છીએ, તો દાદાને સમાચાર મળ્યા મુંબઈમાં, તરત એમના સમાચાર આવ્યા ફેક્ષ પર કે દીકરાઓને પ્રભુએ પોતાના કામ માટે બોલાવી લીધા છે, ચિંતા કરશો નહિ, બસ મને એક જ વિચાર આવ્યો – મારી ફીલિંગ એક જ હતી, મારા દીકરાને પ્રભુએ પોતાના કામ માટે બોલાવ્યા, મને કેમ નહિ બોલાવ્યો? પછી આચાર્યશ્રીએ પૂછ્યું લોકોને કે આટલી ઊંડાણ ભરી વાત ગામડા-ગામના લોકો સમજી શકે એવું તો માનું પણ નહિ, કલ્પના પણ ન થાય, અને કહે કે સાહેબ અમે બધા- આખું ગામ સ્વાધ્યાય મિશનમાં જોડાયેલ છીએ. પાંડુરંગદાદાના પ્રવચનો ઉપનિષદ અને વેદો ઉપર જ ચાલતા હોય છે, ભગવદ્દગીતા ઉપર ચાલતા હોય છે, દાદા બહુ જ ઊંડાણથી બોલે છે, અમે લોકો નિત્ય એમને સાંભળીએ છીએ, વાંચીએ છીએ અને એને કારણે તત્વજ્ઞાનમાં ઊંડાણમાં દાદાના કારણે અમે પણ જઈ શકીએ છીએ.

તમારાં બધાની પાસે અપેક્ષા એ રાખું કે આ બધા પદાર્થો તમારી ભીતર જાય એટલું નહિ; એને તમે વારંવાર તમે વાગોળો.

હજુ આપણી વાત બાકી છે, કે તમારી તીવ્ર ઝંખના અને સદ્ગુરુ પ્રત્યેનું પૂર્ણ સમર્પણ, કઈ રીતે તમારામાં આખું જે પરિવર્તન લાવે છે, એની વાત બપોરના સેશનમાં.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *