વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત
Subject : કયું કર ભક્તિ કરું, પ્રભુ તેરી
મૌન ધ્યાન સાધના શિબિર ૧૮ – શ્રી મણિલક્ષ્મી તીર્થ સંવેદના – ૧
પ્રભુ તારા ચરણોમાં તારી ભક્તિ કરવા માટે આવ્યા છીએ. પણ, તારી ભક્તિ શી રીતે કરવી એ પણ તું સમજાવે, તું મને!
“કયું કર ભક્તિ કરું પ્રભુ તેરી” તારી ભક્તિ એટલે અંતર્મુખ બનવું! અનંત જન્મોથી હું બહિર્મુખ રહેતો આવ્યો છું! મારું મન, મારું ચિત્ત પદાર્થોમાં, વ્યક્તિઓમાં ફસાયેલું હતું. જે ક્ષણે તું મળ્યો, તારા અપાર રૂપને જોવાનું થયું, તે એટલો તો મુગ્ધ મને તારામાં બનાવી દીધો કે હવે ન પરનું આકર્ષણ રહ્યું! ન પરનું કોઈ ખેંચાણ રહ્યું! બસ, પ્રભુ! અત્યારે તું મારા મનની અંદર એવી રીતે પ્રવેશી જા; કે સતત મારું મન તારા મય રહે! પદાર્થમય મન, વ્યક્તિમય મન, અનંતા જન્મોમાં રહ્યું; આ જન્મમાં માત્ર તારા મય મારે બનવું છે.
આપણું meditation, આપણું ધ્યાન એટલે આ જ કે પ્રભુ સાથે એકાકાર થઇ જવું! પ્રભુ તારું સંમોહન એટલું તો પ્રબળ છે કે એકવાર તારી સાથે જોડાયા પછી બીજે ક્યાંય જોડાવાનું મન થતું નથી! આજે ચૌદસ છે, કદાચ નવકારશી કરવાની થશે, ડાઈનીંગ ટેબલ ઉપર બેસવાનું થશે, શરીર ચા પીતું હશે, શરીર નાસ્તો કરતું હશે અને તમે એને જોતાં હશો! આ સવારની નાસ્તા વખતની તમારી સાધના આ !
શરીર નાસ્તો કરે છે, શરીર ચા પીએ છે; તમે એ પ્રક્રિયાને માત્ર જુઓ છો! આ શું થયું? પરમાંથી મનને ખેંચવાનું થયું; અને એ જ મનને પછી પ્રભુ સાથે જોડી દેવું છે. પ્રભુ ! અમારી કોઈ શક્તિ નથી, કે અમે અમારા મનને સંપૂર્ણતયા પરમાંથી ઉખેડીને તારામાં સ્થાપિત કરીએ. પણ તારી શક્તિનો કોઈ ઓર-છોર નથી.
ઉપમિતિમાં સિદ્ધર્ષી ગણી કહે છે: “तवायत्तो भवो धीर भवत्तारोЅपि ते वश:” પ્રભુ! આ સંસાર પણ તારા હાથમાં છે, મારો મોક્ષ પણ તારા હાથમાં છે. બસ, પ્રભુ! એવી સાધના તારા ચરણોમાં ઘૂંટાવી દે; કે મારી મોક્ષ તરફની યાત્રા શરૂ થઇ જાય.