Maun Dhyan Sadhana Shibir 18 – Vanchan 2

5 Views
17 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત

Subject : अद्वेषो गुणवत्सु

अद्वेषो गुणवत्सु. ગુણવાન આત્માઓ પ્રત્યેનો અદ્વેષ. જ્યાં જ્યાં ગુણ દેખાય, ત્યાં સહજ અનુરાગ પ્રગટે. જરૂર, થોડોક અપવાદ એ છે કે એક વ્યક્તિ પર તમને અત્યંત દ્વેષ ઊભરાયો અને એ વખતે એનામાં રહેલા ગુણોને તમે જોઈ શકતા નથી માટે દ્વેષ કરો છો, તો મિત્રા દ્રષ્ટિને વાંધો નથી. પણ જ્યાં તમને ગુણો દેખાય, ત્યાં તમને એ ગુણો પ્રત્યેનો અનુરાગ હોવો જ જોઈએ.

સૃષ્ટિના પ્રેમનું અને સ્વરૂપના પ્રેમનું પ્રાગટ્ય જ્યાંથી થાય, તે મિત્રા દ્રષ્ટિ. મિત્રા દ્રષ્ટિમાં अद्वेषो गुणवत्सु થી શરૂઆત થાય છે અને આ જે ગુણાનુરાગ શરુ થયો છે, એ છઠ્ઠી દ્રષ્ટિમાં એવો તો ઊંચકાય છે કે પછી ત્યાં બધા આત્માઓ પ્રત્યે પ્રેમ જ હોય છે: सर्वजीवस्नेहपरिणाम: साधुत्वम्. અને આ પ્રેમના મૂળમાં પરમનો સ્પર્શ છે, પરમનો પ્રેમ છે.

પ્રભુનો પ્રેમ સતત આપણા પર વરસી રહ્યો છે. એને ઝીલવા માટેની સજ્જતા એટલે અહંકારની આંશિક શિથિલતા. જ્યાં સુધી અહંકાર શિથિલ બને નહિ, ત્યાં સુધી પ્રભુના પ્રેમને આપણે સ્વીકારી શકીએ નહિ. અહંકારને શિથિલ કરીને તમે શબ્દો અને વિચારોને પેલે પાર જ્યાં સુધી જતા નથી, ત્યાં સુધી પ્રભુના આ પ્રેમનો સ્પર્શ થતો નથી.

મૌન ધ્યાન સાધના શિબિર ૧૮ – શ્રી મણિલક્ષ્મી તીર્થ વાચના

મિત્રા દ્રષ્ટિ – સૃષ્ટિના પ્રેમનું અને સ્વરૂપના પ્રેમનું, પ્રાગટ્ય જ્યાંથી થાય તે મિત્રા દ્રષ્ટિ. સૃષ્ટિ પ્રત્યેનો પ્રેમ! સ્વરૂપ પ્રત્યેનો પ્રેમ! સૃષ્ટિ પ્રત્યેના પ્રેમનો એક મજાનો development દ્નષ્ટિઓમાં મળે છે: “अद्वेषो गुणवत्सु च” ત્યાંથી શરૂઆત થઇ અને “सर्वजीवस्नेहपरिणाम: साधुत्वम्” છટ્ઠી દ્રષ્ટિમાં આનું development મળ્યું. શરૂઆત અહીંથી થાય છે: “अद्वेषो गुणवत्सु च”. ગુણવાન આત્માઓ પ્રત્યેનો અદ્વેષ. જ્યાં જ્યાં ગુણ દેખાય, ત્યાં સહેજ અનુરાગ પ્રગટે છે. જરૂર! આ પહેલી દ્રષ્ટિમાં થોડોક અપવાદ એ છે કે એક વ્યક્તિ પર તમને અત્યંત દ્વેષ ઉભરાયો, અને એ વખતે એનામાં રહેલા ગુણોને તમે જોઈ શકતા નથી અને એના પ્રત્યે દ્વેષ કરો છો, તો મિત્રા દ્રષ્ટિને વાંધો નથી… પણ જ્યાં તમને ગુણ દેખાયા, ત્યાં તમને એ ગુણો પ્રત્યેનો અનુરાગ થવો જ જોઈએ.

હરીભદ્રસૂરિ મહારાજા મનોવૈજ્ઞાનિક આયામના આચાર્ય છે. એ રીતે વાતને તેઓ શરૂ કરે છે કે જ્યાં તમે બેઠેલા છો. આઠ દ્રષ્ટિની સૌથી મજાની વાત હોય તો એ; એ છે કે તમે જ્યાં બેઠેલા છો, ત્યાંથી જ તમને ઊંચકવાની વાત શરૂ થાય છે. ગુણ દેખાય અનુરાગ સહેજે પ્રગટી જાય! ગુણ દેખાય તો તો અનુરાગ પ્રગટે જ. પણ ગુણ ન દેખાય તો? અત્યાર સુધીની આપણી સફર એવી રહી, કે જ્યાં આપણા ગુણો આપણને દેખાયા, બીજાના દોષો આપણને દેખાયા. ગુલાબ અને કાંટા… બેઉનું સાહચાર્ય હોય છે. જ્યાં ગુલાબ ત્યાં કાંટા; જ્યાં કાંટા ત્યાં ગુલાબ. હવે એ ઘટનાને તમે કઈ રીતે જોવો છો, એના ઉપર આધાર રહેશે.

ગુલાબમાં કાંટા ભોંકાતા જોશો તો! અરે! ગુલાબની આ સૂક્ષ્મ પાંદડીઓ અને એને આ તીક્ષ્ણ કાંટાઓ ભોંકી રહ્યા છે! પણ કાંટામાં ગુલાબને જોવો તો..! અત્યાર સુધી શું થયું? શું થયું બોલો? ગુલાબમાં કાંટા દેખાયા? કે કાંટામાં ગુલાબ દેખાયા?

હમણાંની એક મજાની ઘટના કહું, ૨૫-૩૦ વર્ષ પહેલાંની જ. પાલનપુરમાં એક ધર્મ શ્રદ્ધાળુ આત્મા.. સંઘના પણ અગ્રણી, ખુબ ધર્માનુરાગી. પર્યુષણા મહાપર્વનો પ્રારંભ થયો, એ ભાઈ ચૌસઠ પ્રહરી પૌષધ લઈને બેસી ગયા. એમના એક સંબંધી મુંબઈ રહેતા હતા. એમના યુવાન દીકરાએ સોળભત્તું કરેલું અને સોળ ભત્તાનું પારણું પારણા પાંચમના દિવસે હતું. પત્રિકા આવી ગઈ, મળી પણ ગઈ, પણ એ ભાઈ તો ચૌસઠ પ્રહરી પૌષધમાં હતા, એટલે જવાનો સવાલ નહોતો. એ પછી પણ રથયાત્રા, તપસ્વીઓનો બહુમાન સમારંભ, ચૈત્યપરિપાર્ટી ઘણા બધા કાર્યક્રમો હતા. તો એમણે વિચાર્યું કે અઠવાડિયા પછી મુંબઈ જાઉં અને એ યુવાન દીકરાની શાતા પૂછી આવું. અઠવાડિયા દસ દિવસ પછી, એ ભાઈ પાલનપુરથી ટ્રેનમાં બેઠા, રાત્રે સાડા નવ વાગે બોમ્બે સેન્ટર પહોંચ્યા, બાજુમાં જ સંબંધીનું ઘર હતું, ટેક્ષી કરીને ઘરે પહોંચી ગયા. રાતના પોણા દસ વાગેલા! પેલો યુવાન દીકરો એની routine life ચાલુ થઇ ગયેલી. તો નવ વાગે આવ્યો ઘરે, થોડો આરામ કર્યો, હાથ-મોઢું ધોયા. અને dining table ઉપર બેઠો. સોળ ભત્તાનો હમણાંનો તપસ્વી રાત્રે પોણા દસ વાગે ગરમાગરમ ભાખરી ને શાક ખાવા માટે બેઠો છે.

તમને પૂછું, તમે હોય તો શું વિચાર આવે? લ્યો! આ સોળભત્તું કર્યું કે લજ્વ્યું? અનંત જન્મોની અંદર આ જ આપણી દ્રષ્ટિ હતી. દરેક આત્મામાં ગુણ હોય જ છે. આપણને કેમ નહિ દેખાયા? આપણા vision માં તકલીફ હતી! તકલીફ ત્યાં નહોતી; આપણામાં હતી! મારા ચશ્માનાં ગ્લાસ ઉપર ડાઘ હોય, પછી મને તમારા white and white વસ્ત્રોમાં પણ ડાઘ દેખાશે. પણ ડાઘ ત્યાં છે કે ડાઘ અહીં છે? મિત્રા દ્રષ્ટિ જ્યાં સુધી ન મળી; ત્યાં સુધી આ ભ્રમણા ચાલુ રહી. ત્યાં જ ડાઘ છે, ત્યાં જ દોષ છે. હવે ખ્યાલ આવે છે કે મારા vision માં ગરબડ હતી! તમને ખ્યાલ આવે? Where is the fault?

પાલનપુરવાળા ભાઈ પેલા યુવાન દીકરાને જોવે, ગરમાગરમ ભાખરી અને શાક ખાવા માટે બેઠેલો છે. રીતસર, literally એના પગમાં પડ્યો! પેલો શરમાઈ ગયો, જમવાનું પૂરું થયું, બધા બેઠા સોફા ઉપર, એ વખતે પાલનપુરવાળા ભાઈએ કહ્યું, શું અદ્ભુત આ પ્રભુનું શાસન! શું અદ્ભુત પ્રભુની કૃપા! શું અદ્ભુત ગુરુદેવોનું પચ્ચક્ખાણ! એ પાલનપુરવાળા ભાઈએ કહ્યું, યુવાનને, તમે સવારે નાસ્તો કરીને ગયા હશો. બપોરે ૧૨ વાગે ગરમાગરમ રોટલી-શાક ટીફીનમાંથી ખાધા હશે. ત્રણ વાગે તમે ચા પીધી હશે. પાંચ- સાડા પાંચ વાગે તમે snacks – fruits થોડું લીધું હશે! છતાં પણ રાત્રે સાડા નવ વાગે તમારે જમવું પડે છે અને એ તમે સોળ ભત્તુ કરી શક્યા…! શું અદ્ભુત પ્રભુશાસન! એ કહે મારા જેવો માણસ હોય ને, ચેન્નાઈ જવું હોય તો ચોવીહારો અટ્ઠમ કરી લે! પણ તમે! તમે આ કરી શક્યા! ખરેખર આ પરમાત્માની કૃપા તમારા ઉપર હતી, આ સદ્ગુરુદેવોની કૃપા તમારા ઉપર હતી..! આ શું હતું? Vision માં ફેરફાર થઇ ગયેલો. મિત્રા દ્રષ્ટિ આવે એટલે vision માં ફેરફાર થઇ જાય. આ જે ગુણાનુરાગ શરૂ થયો છે, એ છટ્ઠી દ્રષ્ટિમાં એટલો તો ઉંચકાય છે કે છટ્ઠી દ્રષ્ટિમાં આવેલ સાધકને બધા જ આત્માઓ પ્રત્યે પ્રેમ હોય છે. તમને બધામાં ગુણ જ દેખાય તો બધા પરનો પ્રેમ તમારો સુદ્રઢ બનવાનો જ છે.

તો મિત્રા દ્રષ્ટિથી સૃષ્ટિ પ્રત્યેના પ્રેમનો પ્રારંભ થયો. એ પ્રારંભ પણ શી રીતે થયો? વારંવાર development તરફ હું જવાનો, એટલા માટે કે વાત તમને સ્પષ્ટ થાય. મિત્રા દ્રષ્ટિમાં એવો પ્રેમ એની પાસે નથી, પણ એક ખોફ ઉઠ્યું.. એક પ્રકાશ યાત્રાનો પ્રારંભ થયો! એ પ્રારંભ શી રીતે થયો? અને એમાં development શી રીતે આવ્યું?

એક બહુ મજાનો વિચાર આપણી પરંપરાએ આપણને આપ્યો છે. પ્રભુનો પ્રેમ સતત આપણા ઉપર વરસી રહ્યો છે. હવે હું માત્ર પ્રેમ શબ્દ વાપરવાનું પસંદ કરું છું. કૃપા પણ નહિ! કરુણા પણ નહિ! પ્રેમ.. એનો પ્રેમ સતત વરસી રહ્યો છે! એક ક્ષણ એવી નથી, એક ક્ષણાર્ધ એવું નથી, કે એનો પ્રેમ ન વરસી રહ્યો હોય! સવાલ એ થાય કે એનો પ્રેમ અગણિત સમયથી વરસી રહ્યો હોય. હું કે તમે એને ઝીલી ન શક્યા, કારણ શું? કારણ એક જ કે receptivity, સજ્જતા આપણી પાસે નહોતી અને એ સજ્જતા એટલે અહંકારની આંશિક શિથિલતા. જ્યાં સુધી અહંકાર શિથિલ બને નહિ, ત્યાં સુધી પ્રભુના પ્રેમને આપણે સ્વીકારી શકીએ નહિ. આખરે જગ્યા તો હોવી જોઈએ ને અંદર! જગ્યા જ ન હોય તો તમે કરો શું?

ગાંધીજી Round table conference માટે લંડન ગયેલા. ગાંધી ભકતો ઘણા જોડે હતા. એ વખતે Bertrand Russell નું નામ બહુ મોટું. બહુ મોટા ફિલોસોફર.. અને અળવા માણસ; જે માણસ તત્વજ્ઞ હોય એ ગંભીર હોય જ નહિ. સદા મુસ્કાનવર્પ જ હોય. અહંકારી માણસ ગંભીર રહે, મને કંઈક આવડે છે! પણ જ્યાં અહંકાર જ નથી; પ્રભુનો પ્રેમ છે; ત્યાં મુસ્કાન જ મુસ્કાન છે. તો Bertrand Russell બહુ મોટા તત્વજ્ઞ અને એટલા જ મજાના માણસ. એક ગાંધી ભક્તે Bertrand Russell ને પૂછ્યું કે મિસ્ટર રસેલ તમે ગાંધીજીને નજીકથી જોયા આ વખતે, તમને લાગ્યું હશે કે ગાંધીજી ખરેખર મહાત્મા છે! રસેલે એકદમ હળવાશથી કહ્યું, હા બીજા નંબરના મહાત્મા તરીકે એમને જરૂર સ્થાન અપાય. પેલા ગાંધી ભક્તને થયું, કે આ ક્રિશ્ચયન માણસ છે, એના ભગવાન ઇસુ ખ્રિસ્ત ને પહેલાં નંબરે, એ માને અને બીજો નંબર મારા ગાંધીજીનો લગાવે તો વાત તો બહુ સારી જ ગણાય ને? પણ કુતુહલ.. પેલાએ પૂછ્યું, બીજા નંબરે ગાંધીજી તો પહેલા નંબરે કોણ? તો Bertrand Russell એ કહ્યું કે પહેલો નંબર હું મારા માટે જ રાખું છું! હું બીજા નંબરથી જ શરૂઆત કરું છું. તમારે આવું નથી આમ..! જ્યાં સુધી પહેલાં નંબર ઉપર તમે છો, ત્યાં સુધી મિત્રા દ્રષ્ટિ નહિ. પહેલા નંબર ઉપર પરમાત્મા આવ્યા, મિત્રા દ્રષ્ટિની શરૂઆત થઇ ગઈ. રસેલ કહે છે, પહેલો નંબર હું મારા માટે જ રાખું છું.

ગણિતનો એક નિયમ છે: કેન્દ્ર અને પરિઘ. બે ઘટનાઓ છે, તો પરિઘ જે છે, એણે કેન્દ્રને અનુસરવું પડે. પરિઘ કઈ રીતે ચાલે? કેન્દ્રને જ અનુસારે. કેન્દ્રનું ટપકું દોર્યું, પછી આજુબાજુ ફરો એનું નામ પરિઘ. તો કેન્દ્રમાં કોણ? તમે, પ્રભુ કે સદ્ગુરુ?

આપણે એકદમ હળવાશથી વાતો કરીએ. પહેલા નંબરે કોણ? તમને ગુરુ કેવા ગમે? પ્રભુની વાત થોડી દૂર છે. સદ્ગુરુ તમને કેવા ગમે? તમને પંપાળે એવા કે તમને ખોતરી નાંખે એવા? સદ્ગુરુ તમને કેવા ગમે? અમારે શું કરવાનું કામ? તમારા અહંકારને પુષ્ટ કરવાનું! એટલા માટે અહીં બેઠા છીએ! આહા બહુ સરસ હો! શું તમારી સાધના! અરે એના માટે નહિ, તમારી સાધનામાં ક્યાં તકલીફ છે, એ જોવા માટે અહીં બેઠા છીએ! સદ્ગુરુ પાસે જઈને ક્યારેય પૂછ્યું કે ગુરુદેવ! પ્રભુની સાધના મને મળી, છતાં હું ક્યાં ચુક્યો? રોજના ૫ સામાયિક કરું, પાંચ વર્ષથી ચાલુ છે અને છતાં સહેજ નિમિત્ત મળે અને ગુસ્સો છલકાઈ આવે છે. ગુરુદેવ હું ક્યાં ચૂકું છું? પૂછ્યું?

માં આનંદમયીનું નામ ભારતીય હિંદુ સંતોની દુનિયામાં બહુ આગળ પડતું છે. સ્વામી રામકૃષ્ણ, રમણ મહર્ષિ અને પછી તરત જ નામ લેવું હોય તો આનંદમયી માંનું આપણે લઇ શકીએ. એ આનંદમયી માં પાસે એક ભક્ત આવ્યો. દર મહિને એકવાર માં ના ચરણોમાં આવનાર… માં ના ચરણોમાં આવ્યા ને એને ૨૦ વર્ષ થયા. ૨૦ વર્ષ પૂરા થયા; એકવીસમાં વર્ષનો પ્રારંભ.. માં ના ચરણોમાં એ ઝુકી પડ્યો અને ધ્રુસકે ધ્રુસકે રડે છે! એ કહે છે; માં! ૨૦-૨૦ વર્ષથી તારી પાસે હું આવું છું, અને છતાં મારામાં સહેજ પણ પરિવર્તન નથી. મારે શરમાવાનું કે તારે શરમાવાનું? You can challenge us. You can challenge us. કે સાહેબ મારે શરમાવાનું કે તમારે? હું તમારો ભક્ત છું; મારામાં આ તકલીફો હોય, તો તમારે શરમાવાનું, મારે શું? બાળકના વસ્ત્રો મેલા છે તો માં ને શરમાવાનું હોય ને. બાળકને શું શરમાવાનું? You can say this. You can say this but if you are surrendered. સંપૂર્ણ સમર્પણ જે ક્ષણે તમારી પાસે આવ્યું, તમને મોક્ષ સુધી લઇ જવાની જવાબદારી સદ્ગુરુ ચેતનાની છે. You have not to do anything absolutely. જે પણ કરવાનું છે, એ પ્રભુ અને ગુરુ કરી દેશે. અને જો તમારી પાસે સમર્પણ નથી, તો ગમે તેવા શક્તિશાળી સદ્ગુરુના હાથ પણ બંધાયેલા છે. અમે કશું જ ન કરી શકીએ. એક તમારું સમર્પણ; કામ પૂરું! અને જો તમારું સમર્પણ નહિ તો સદ્ગુરુ ગમે એટલા ઉંચી કક્ષાના મળી જાય, તમને કોઈ ફળશ્રુતિ ન થાય! એટલે મહિમા તમારો મોટો છે હો…! અમે ગમે તેવા ઉંચી કક્ષાના હોઈએ, તમારા ઉપર કંઈ નહિ કરી શકીએ! અને તમે સમર્પિત થયા તો? બધું કામ પૂરું..!

તો મિત્રા દ્રષ્ટિમાં બે પ્રેમનો પ્રારંભ થાય છે. વ્યક્તિઓ પ્રત્યેનો પ્રેમ, સ્વરૂપ પ્રત્યેનો… તો વાત એ આવી કે પ્રભુનો પ્રેમ સતત વરસી રહ્યો છે! ચાલો, ૨૪ કલાક માટે નહિ, આપણે discount આપી દઈએ. દેરાસરમાં જાવ કે અમારી પાસે આવો ત્યારે અહં શૂન્ય બનીને આવવાના? ચાલો મોટું discount…! ૨૪ કલાકમાંથી ખાલી બે કલાક! બે કલાક અહં શૂન્ય બનીને આવવાના? તમે પૂછશો સાહેબ શું થાય? શું થાય નહિ; મોટી ક્રાંતિ સર્જાય! એ બે કલાક તમે અહં શૂન્ય હતા; પ્રભુનો પ્રેમ તમને સ્પર્શ્યો. ઓવરકોટ પહેરેલો હતો, એટલે વરસાદનો છાંટો સ્પર્શતો ન હતો. એ અહંકાર નો ઓવરકોટ નીકળી ગયો; હવે પ્રભુના પ્રેમનો સ્પર્શ થશે. અને એ સ્પર્શ..! beyond the words…! beyond the imagination…! શબ્દોને પેલે પારની ઘટના..! કલ્પનાને પેલે પારની ઘટના..! અનંત જન્મોની અંદર જેવો સ્પર્શ નહોતો મળ્યો, એવો સ્પર્શ પ્રભુનો આ ક્ષણે મળ્યો. હું એ વાત કરી રહ્યો છું, જે તમે આજે કરી શકો એમ છો. હું છે ને now and here નો માણસ છું. મને ઉધારબાજી ફાવતી નથી. રોકડી વાત. ભગવાન જોઈએ? Now and here..! ભગવાનના પ્રેમનો સ્પર્શ જોઈએ? Now and here કરાવી આપું; તમે તૈયાર હોવ તો…

તો બે કલાક તમે પ્રભુને આપ્યા, આજે તો અભિષેકમાં ગયા હતા ને? કેવો આનંદ આવ્યો હતો? અભિષેક તાંત્રિક ક્રિયા છે. વીરવિજયજી મહારાજે ચૌસઠ પ્રકારની પૂજામાં લખ્યું, “પ્રભુ નવરાવીને મેલ નીવારશું” અભિષેક પ્રભુનો કરીશું, પણ અમારી જાત પણ અભિષેક થઇ જશે. તમારી જાત નિર્મળ બની જશે..! અને આજે અભિષેક કરીને આવ્યા છો. થોડો અહંકારનો થપેડો ઉપરથી નીકળી ગયો છે. બરોબર? તો આજે તો પ્રભુનો સ્પર્શ થવો જ જોઈએ. કરવો છે..? પ્રભુના પ્રેમનો સ્પર્શ કરવો છે? This is the experience. માત્ર શબ્દોથી કંઈ કામ ન સધે. અનુભૂતિ સુધી આપણે જવું છે. મૌન સાધના શિબિરનો અર્થ જ આ છે. એટલે તમે બોલતા બંધ થાવ; એટલે ‘એ’ બોલવાનું શરૂ કરે. જ્યાં સુધી હું બોલતો હતો ને, ત્યાં સુધી મજા નહોતી આવતી! મને પણ નહોતી આવતી તો શ્રોતાઓને ક્યાંથી આવે! પણ જે ક્ષણે મેં બોલવાનું બંધ કર્યું, અને એણે બોલવાનું ચાલુ કર્યું, પછી મને સાંભળવાની તો મજા આવે જ છે. મને સાંભળવાની મજા આવે છે…!

એટલે હું વારંવાર કહેતો હોઉં છું, I have not to speak a single word. I have not to speak a single word, He has to speak. એણે બોલવાનું છે… તમે તો ઘણું બધું બોલી નાંખ્યું; હવે એને થોડું બોલવા દો! તમે મૌનમાં જશો, અને ‘એ’ બોલશે! માત્ર આ મૌનમાં શબ્દોને પેલે પાર નહિ, આપણે વિચારોને પણ પેલે પાર જવું છે. અને એક વાત યાદ રાખો: જ્યાં સુધી વિચારોને પેલે પાર તમે ન જાવ, ત્યાં સુધી પ્રભુના પ્રેમનો સ્પર્શ ન થાય. સતત તમારા મનને સ્પર્શ તમારા વિચારોનો થાય છે. Beyond the thoughts. Speechless બન્યા, thoughtless બની જાવ. વિચારો છે જ નહિ તમારી પાસે. અને વિચારો તમને સ્પર્શતા નથી, તો જે તમને સ્પર્શે છે, એ કોણ છે? એ પ્રભુનો પ્રેમ.. અદ્ભુત ઘટના આ પૃથ્વી પરની, આપણા માટે કોઈ હોય, તો એક જ છે: પ્રભુના પ્રેમના સ્પર્શમાં ડૂબી જવું. “આપણે ન હોઈએ અને એ હોય.” 

તો બે વાત ઉપર આપણે focus થઇ રહ્યા છીએ. મિત્રા દ્રષ્ટિમાં સૃષ્ટિ પ્રત્યેના પ્રેમનો પ્રારંભ થાય છે, અને સ્વરૂપ પ્રત્યેના પ્રેમનો પ્રારબ્ધ થાય છે. પણ એ બંને પ્રેમના પ્રારંભના મૂળમાં પરમનો સ્પર્શ છે. એટલે એ પરમનો સ્પર્શ ફરી કેવી રીતે મળે? ફરી કેવી રીતે મળે? ફરી કેવી રીતે મળે? એની મજાની વાતો આગળ કરશું.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *