વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત
Subject : सम्मं भूयाइं पासओ
મિત્રા દ્રષ્ટિથી પ્રાણી-મિત્ર બનવાની આપણી યાત્રાનો પ્રારંભ થાય છે. એ પહેલાં અગણિત ચરમાવર્તોની અંદર એક જ કામ આપણે કર્યું: જીવસૃષ્ટિ જોડે ધિક્કાર વરસાવવાનું. અનંતા જન્મોમાં આ જે પાપ કર્યું, એનું પ્રાયશ્ચિત્ત શું? મૈત્રીભાવ. Reverence for the life. ચૈતન્ય પ્રત્યેનો સમાદર. જ્યાં ચૈતન્ય, ત્યાં આદર.
સમ્યક્ રીતે જીવસૃષ્ટિને જોતા તમને આવડે, તો તમે પ્રાણી-મિત્ર બની શકો. અત્યાર સુધી બધાને એ રીતે જોયા છે કે મને અનુકૂળ હોય, એ સારો માણસ અને મને પ્રતિકૂળ હોય, તે ખરાબ માણસ! આ સમ્યગ્દર્શન નથી. જે વ્યક્તિ જેવી છે, તેવું એનું દર્શન તમે કરો, તો એ સમ્યગ્દર્શન કહેવાય.
દરેક પ્રાણી અનંત ગુણોથી યુક્ત છે. દરેક આત્મા આનંદથી સભર છે. દરેક આત્મા મૂળગામી રૂપે વીતરાગ જ છે. – આ રીતે એનામાં રહેલા ગુણોનું દર્શન કરવું, એ વાસ્તવિક દર્શન; સમ્યગ્દર્શન. જ્યાં આ દ્રષ્ટિ આવે, કોઈના પણ દોષ જોવાનું બંધ થઇ જાય. કદાચ તમે બીજાના દોષની વિચારણા કરો, તો પણ ત્યાં માત્ર કરુણાનો ભાવ હોય.
મૌન ધ્યાન સાધના શિબિર ૧૮ – શ્રી મણિલક્ષ્મી તીર્થ વાચના – ૩
પરમપાવન દશવૈકાલિક સૂત્રમાં ગુરુ અને શિષ્યનો એક મજાનો સંવાદ આવે છે, સદ્ગુરુ શિષ્યને આશીર્વાદ આપે છે- “તું સર્વ પ્રાણીઓનો મિત્ર થઇ જા!” શિષ્ય આ સાંભળીને રોમાંચિત થઇ ઉઠે છે. એક મજાની વાત તમને કહું, સદ્ગુરુ તમને કહે કે તું આ થઇ જા..! ત્યારે તમારે ના ક્યારેય પણ કહેવાની નથી! સીધો જ સ્વીકાર કરવાનો! કારણ તમારામાં સંભાવના હશે એવું થવાની તો સંભાવનાને સદ્ગુરુ ખોલી આપશે અને સંભાવના નહિ હોય તો સદ્ગુરુ નવી સંભાવના પેદા કરી આપશે!
સદ્ગુરુ Face reading ના master! એથી આગળ વધીને કહું તો Eyebrow reading ના master! Forehead reading ના master! અને છેલ્લે Third-eye reading ના master!
આપણી બે આંખની વચ્ચે ત્રીજી આંખ છે.. અદ્રશ્ય… જેને આજ્ઞાચક્ર કહેવામાં આવે છે. સદ્ગુરુ એ આજ્ઞાચક્રને push કરે છે, દબાવે છે અને સાધકની યાત્રા આજ્ઞાચક્ર થી સહસ્રારચક્ર સુધી ચાલે છે. અહીંના મૂળનાયક દાદા મુનિસુવ્રત પ્રભુને સમર્પિત થયેલ એક સ્તવનામાં મહોપાધ્યાય યશોવિજય મહારાજા એક બહુ સરસ વાત કરે છે: “જશ કહે સાહિબ મુગતિનું, કર્યું તિલક નિજ હાથે” વાત શું છે? સદ્ગુરુએ અહીંયા અંગુઠો દબાવ્યો, તમારા આજ્ઞાચક્રને push કર્યું. એ ઘટનાની વાતને ઉપાધ્યાયજી ભગવંતે આ રીતે પ્રસ્તુત કરી: “જશ કહે સાહિબ મુગતિનું, કર્યું તિલક નિજ હાથે” પ્રભુએ મારા કપાળમાં મુક્તિનું તિલક દોર્યું.
અહીંયા પરમચેતના અને ગુરુ ચેતનાને એકાકાર થયેલી સંઘટના રૂપે વર્ણિત કરવામાં આવી છે. સદ્ગુરુએ અંગુઠો દબાવ્યો છે. સદ્ગુરુ આજ્ઞાચક્રને push કર્યું છે. પણ કહેવાયું શું? પ્રભુએ મારા કપાળમાં મુક્તિનું તિલક દોર્યું! તો સદ્ગુરુ Third-eye reading ના master. તમે કોઈ પણ સદ્ગુરુ પાસે ગયા, તમારી સાધનાના stand point ની કોઈ કેફિયત તમારે આપવાની જરૂર નહિ. સદ્ગુરુ તમારા મુખને જોઈને નક્કી કરી લેશે કે અત્યારે તમે સાધનાના કયા પડાવે ઉભા છો! અત્યારનું તમારું સાધનાનું stand point કયું, આ જન્મના છેવાડા સુધીમાં તમને ઊંચકીને કયા પડાવ સુધી મૂકી શકાય એમ છે એ પણ સદ્ગુરુ નક્કી કરી લે છે! અને એ પ્રમાણે તમારી યાત્રા શરૂ થાય છે! ચાલો, સદ્ગુરુ જુએ છે અથવા સદ્ગુરુ વિચારે છે; એવી સંભાવના / એવી સજ્જતા, તમારી ભીતર નથી.. નથી તો ય શું થયું! સજ્જતાને, સંભાવનાને પેદા કરવી એ પણ સદ્ગુરુ નું કાર્ય છે!
એકવાર એક પ્રવચનમાં આ વાત expand કરી રહ્યો હતો; ત્યારે એક ભાવકે મને પૂછ્યું: કે ગુરુદેવ! જો પ્રભુ અને ગુરુ જ બધું કરી લેવાના હોય તો અમારે શું કરવાનું? અમારી સાધનાનું stand point કયું, એ ગુરુ નક્કી કરે. અમને આ જન્મના છેવાડા સુધીમાં ક્યાં સુધી પહોંચાડી શકાય એમ છે, એ પણ સદ્ગુરુ જોઈઓ લે! એવી સંભાવનાઓ ઓછી છે, તો એ સમભાવનાઓને પેદા પણ સદ્ગુરુ કરી દે! તો અમારે શું કરવાનું? હું પણ જરા હળવા મૂડમાં હતો! મેં કહ્યું, કે આપણે શું કરવાનું- આપણે બુદ્ધિ અને અહંકારના પથ્થર વચ્ચે નાંખવાના નહિ!
પ્રભુની કૃપાનું, પ્રભુના પ્રેમનું ઝરણું સતત ચાલી રહ્યું છે! ગુરુના પ્રેમનું ઝરણું સતત ચાલી રહ્યું છે! પણ, આપણે વચ્ચે બુદ્ધિ અને અહંકારના પથ્થરો નાંખીએ છીએ. તમે અત્યારે સાંભળી રહ્યા છો. મને સાંભળી રહ્યા છો, એમ નહિ કહું; કારણ યશોવિજય નામની ઘટના લુપ્ત થઇ ગઈ છે. યશોવિજય જ નથી, તો યશોવિજય ક્યાંથી બોલે! બોલનાર એ છે! તમે સાંભળો છો.. પણ કયા સ્તર પર? બુદ્ધિના સ્તર પર. અહંકાર ના સ્તર પર.
વક્તાએ ૧૦ વાત કહી, એક વાત પોતાને ગમતી હતી! એ બીજાને તરત કહે, જોયું! હું કહું છું ને એ જ મ.સા. કહે છે! એવી રીતે સાંભળો કે આ શબ્દો તમારા ભીતરને કંઈક સ્પર્શે. No question! no argument! માત્ર શ્રવણ…! આ શબ્દોને બુદ્ધિના સ્તર સુધી આપણે રાખવા નથી. અસ્તિત્વના સ્તર સુધી આ શબ્દોને પહોંચાડવાના છે.
તો પ્રભુનો પ્રેમ..! એનું ઝરણું..! સતત વહ્યા કરતું હતું…! આપણે બુદ્ધિ અને અહંકાર ના પથ્થર વચ્ચે નાંખ્યા..! મેં પેલા ભાઈને કહ્યું, કે તારે કામ એટલું જ કરવાનું કે બુદ્ધિ અને અહંકારના પથ્થર નાંખવાના નહિ! ઝેન આશ્રમમાં તો તકતી લગાવેલી હોય છે: No mind please. તમારી બુદ્ધિને લઈને અહીંયા આવતાં નહિ. અત્યારે પણ તમે બુદ્ધિ લઈને બેઠેલા હશો, તો મારું પ્રવચન પૂરું થશે, ભાગ્યેશવિજયસૂરિનું પ્રવચન ચાલુ થશે; એ તમારી બુદ્ધિ જે છે એ compare કરવામાં જતી રહેશે! કોણ વધુ સારું બોલ્યું? નહિ! બુદ્ધિનું અહીંયા કોઈ પ્રયોજન નથી… No mind please…!
સદ્ગુરુએ શિષ્યને કહ્યું, તું પ્રાણીમિત્ર બની જા..! સદ્ગુરનો આશીર્વાદ..! પછી તમારે કંઈ કરવું નથી..! બધું જ સદ્ગુરુએ કરાવવું છે..! પછી શિષ્ય પૂછે છે કે ગુરુદેવ આપ જ મને પ્રાણી મિત્ર બનાવી શકશો, મારી તો કોઈ તાકાત છે નહિ. એક વાત યાદ રાખો- સાધના જગતમાં એક ઇંચ, એક સેન્ટીમીટર આપણે ચાલી શકતા નથી! એની કૃપા વિના, એના પરમપ્રેમ વિના સાધના જગતમાં એક ડગલું ભરી શકાય નહિ! મહોપાધ્યાયજી કહે છે: “તું ગતિ” પ્રભુ સાધનામાર્ગમાં મારી ગતિ ‘તું’ છે. તુ મને ચલાવે છે..! માસક્ષમણ તમે કર્યું કે પ્રભુએ કરાવરાવ્યું?
એક હાથી રોડ ઉપર ચાલતો હતો. વચ્ચે નદી આવી. નદી ઉપર પુલ હતો. પણ પુલ થોડો જુનો થઇ ગયેલો. હાથીભાઈના પગલાં ધમ ધમ પડે, એટલે પુલ હલવા લાગ્યો. પણ સદ્ભાગ્યે પુલ તૂટી ન પડ્યો. પુલ પૂરો થયો. હાથી રોડ ઉપર ચાલે છે. એ વખતે હાથીને તો ખબર પણ નહોતી, એક માખી હાથીના કાન પાસે બેઠેલી, એણે કહ્યું, હાથીભાઈ! હાથીભાઈ! આપણે બેઉએ ભેગા થઈને પુલને કેવો ધ્રુજાવી નાંખ્યો! આપણે બેઉએ ભેગા થઈને પુલને કેવો ધ્રુજાવી નાંખ્યો! માખી મારા અને તમારા કરતાં વધારે ઈમાનદાર નહિ?! એણે થોડી credit તો હાથીને આપી! મેં પુલ ધ્રુજાવ્યો એમ માખી કહેતી નથી. હાથીભાઈ! આપણે બેઉએ ભેગા થઈને પુલને ધ્રુજાવ્યો.. આ માખીઓ શું કહે? મેં વર્ષીતપ કર્યો..! પ્રભુની કૃપાથી થયો છે! દીક્ષા તમે લીધી કે પ્રભુએ તમને આપી? ક્યારેય કહેતાં નહિ કે દીક્ષાની રજા નહોતી મળતી, મેં છ વિગઈનો ત્યાગ કર્યો અને પછી ઘરવાળા ઝૂક્યા અને રજા મળી ગઈ અને મેં દીક્ષા લીધી; આવું કહેતાં નહિ.. પ્રભુએ તમને select કર્યા! પછી જ સદ્ગુરુ તમને આ રજોહરણ આપી શકે..! જ્યાં સુધી પ્રભુ તમને select ન કરે! કોઈ પણ સદ્ગુરુ, કોઈ પણ સાધકને રજોહરણ આપી ન શકે.
એક પ્રશ્ન થાય છે કે પ્રભુએ મારામાં શું સજ્જતા જોઈએ હશે કે મને select કર્યો? આ વિચાર આવે? શું સજ્જતા તમારામાં જોયેલી કે પ્રભુએ તમને એના માર્ગ ઉપર દોડવા માટે select કર્યા! સદ્ગુરુને પૂછો કે ગુરુદેવ! મને પોતાને મારી પોતાની કોઈ સજ્જતા લાગતી નથી! પ્રભુએ મને select કર્યો, પ્રભુએ મને select કરી; કારણ શું? અને ત્યારે સદ્ગુરુ કહી દે કે બેટા! તારામાં સંભાવનાનું બીજ પડેલું પ્રભુએ જોયું. અને એથી એ સંભાવનાના બીજને ખીલવવા માટે તને સદ્ગુરુ પાસે મોકલવામાં આવ્યો. હવે એ બીજને પૂર્ણતયા વિકસિત કરવા માટે સદ્ગુરુ તૈયાર છે! તમે તૈયાર? તમારી ભીતર પણ જે સદ્ગુણો છે, એને ખીલવવા સદ્ગુરુ ચેતના તૈયાર..! તમે તૈયાર? મારો એક logo છે: He is ever ready. Munisuvrat dada is ever ready. We are also ready. But are you ready? જે બીજ તમારી ભીતર છે.! મિત્રા દ્રષ્ટિ રૂપે! એને સ્થિરા કે કાન્તાની અંદર વિકસિત કરવા માટે સદ્ગુરુ ચેતના તૈયાર છે, તમે તૈયાર છો? શિષ્ય કહે છે, ગુરુદેવ! મારી કોઈ સજ્જતા નથી, પણ આપનો આશીર્વાદ! આપનો શક્તિપાત મારા ઉપર છે; કામ થઇ જ જવાનું છે! સદ્ગુરુ હાથ દ્વારા શક્તિપાત કરે! વાસક્ષેપ એ શક્તિપાતની પ્રક્રિયા છે! સદ્ગુરુના હાથમાંથી પરમચેતનાની raise નીકળી રહી છે, અને એ પરમ ચેતનાની raise તમારી ચેતનાને ઊંચકે છે.
સદ્ગુરુ આંખો દ્વારા શક્તિપાત કરે.. એક સેકંડ સદ્ગુરુ સામે તમે જોયું, સદ્ગુરુ તમારી સામે દ્રષ્ટિપાત કરે; શક્તિપાત થઈ જાય..! શક્તિપાત એટલે ૫૦ વર્ષના સંયમી જીવનના પાલક સદ્ગુરુ મારા ઉપર શક્તિપાત કરે ત્યારે એમના ૫૦ વર્ષની સંયમી જીવનની સાધના મને આપી દે! તો હાથ દ્વારા સદ્ગુરુ શક્તિપાત કરે! આંખ દ્વારા પણ કરે! શબ્દ દ્વારા પણ કરે! જા બેટા! તારું કલ્યાણ થઇ ગયું! થઇ જ ગયું પછી! શબ્દ શક્તિપાત…!
અને ચોથો શક્તિપાત છે, ઉર્જા શક્તિપાત. સદ્ગુરુના પવિત્ર દેહમાંથી સતત ઉર્જા બહાર ફેંકાઈ રહી છે… તમે ધ્યાનની ક્ષણોમાં ઊંડા જાવ તો સદ્ગુરુના દેહમાંથી નીકળતી એ ઉર્જાને તમે પામી શકો..! સદ્ગૂરુ શક્તિપાત કરવા માટે તૈયાર..!
એક ભક્ત મને મળેલો વચ્ચે.. અઠવાડિયું દેખાયેલો નહિ, મેં કીધું તું ક્યાં ગયેલો? મને કહે પેલા હિંદુ ગુરુ પાસે ગયેલો શક્તિપાત કરાવવા માટે. મેં કહ્યું, પણ અમે અહીંયા બેઠેલા જ છીએ ને! એટલો લાંબો થયો…! He is ever ready. We are also ready. But are you ready? તમારી સજ્જતામાં બીજું કાંઈ જ જોઈતું નથી; પરમાત્મા પ્રત્યેનો, સદ્ગુરુ ચેતના પ્રત્યેનો, અત્યંત અત્યંત ભક્તિભાવ..! એટલે જ સાધનાનું composition એ રીતે હું આપું છું, કે ૯૯% grace ૧% effort. ૯૯% માત્ર કૃપા..! ૧ પ્રતિશત તમારો પ્રયત્ન…! અને એ પ્રયત્ન છે તમારી ભીનાશ… તમારું સમર્પણ… ૧ પ્રતિશત પ્રયત્ન તમારો અને ૧૦૦% result તમારું..! દુનિયામાં કોઈ માણસ આવો મળે કે ૧ લાખ તારા અને ૯૯ લાખ મારા, કરોડપતિ તું…! ૧% તમારો, ૯૯% એના! અને ૧૦૦% નું result તમારું! હવે કોણ તૈયાર ન હોય?! તમે કહો સાહેબ અમે તૈયાર નથી… તૈયાર..?
તો વાચના, પ્રવચન એ શબ્દ શક્તિપાત છે. સદ્ગુરુનો શબ્દ શક્તિપાત તમારામાં રહેલી સંભાવનાની વાત સદ્ગુરુએ કરી અને શક્તિપાત કર્યો કે તારી સંભાવનાઓ ખીલી જાઓ..! શિષ્ય કહે છે, ગુરુદેવ! આપ જ મને પ્રાણી મિત્ર બનાવશો.. કૃપા કરો ગુરુદેવ! મને પ્રાણી મિત્ર બનાવી દો..! અત્યાર સુધી અનંત અનંત જીવરાશી જોડે માત્ર અને માત્ર તિરસ્કાર અને ધિક્કાર મેં વરસાવ્યો છે..! ગુરુદેવ! હું બધા જ પ્રાણીઓનો મિત્ર બની જાઉં, આ વાત તો કેટલી મજાની છે! અરે ગુરુદેવ! આપની કૃપાથી, આપના શક્તિપાતથી એ વાત સાકાર પણ બનવાની છે..!
એ વખતે ત્યાં સૂત્રમાં લખાયું કે પ્રાણી મિત્ર કઈ રીતે બની શકાય? અદ્ભુત વાત છે: सव्वभूयऽप्पभूयस्स, सम्मं भूयाइं पासओ। (“सम्मं भूयाइं पासओ, सव्वभूव पभूवस्स”) “सम्मं भूयाइं पासओ” સમ્યક્ રીતે જીવસૃષ્ટિને જોતા તમને આવડે તો તમે પ્રાણી મિત્ર બની જાવ. વાત મારે એ કહેવી છે કે મિત્રા દ્રષ્ટિથી આ પ્રાણી મિત્ર બનવાની આપણી યાત્રાનો પ્રારંભ થાય છે. એ પહેલાં અગણિત ચરમાવર્તોની અંદર એક જ કામ આપણે કર્યું; જીવસૃષ્ટિ જોડે ધિક્કાર વરસાવવાનું!
આપણા યુગના સાધના મહિષી ગુરુદેવ પંન્યાસ પ્રવર ભદ્રંકર વિજય મ.સા કહેતાં કે આપણે પ્રભુના બે અપરાધો કર્યા છે; બે મોટી આશાતનાઓ પ્રભુની આપણે કરી છે. અને એ અપરાધ છે બે: કે જડ સૃષ્ટિ જોડે રાગ આપણે કર્યો! અને ચેતનાસૃષ્ટિ જોડે આપણે ધિક્કાર વરસાવ્યો..! શીર્ષાસન શું? પ્રાયશ્ચિત્ત શું? અનંતા જન્મોમાં પ્રભુની આજ્ઞાની આશાતનાનું આ જે પાપ કર્યું, એનું પ્રાયશ્ચિત્ત શું? જડ સૃષ્ટિ જોડે ઉદાસીનભાવ અને ચેતનાસૃષ્ટિ જોડે મૈત્રીભાવ..! શ્રીપાલકુમાર પાસે ધવલ માટે શું હતું? Reverence for the life..! શ્રીપાળજી પાસે એ દ્રષ્ટિ આવેલી, પાંચમી સ્થિરા દ્રષ્ટિમાં કે જ્યાં ચૈતન્ય ત્યાં મારો પ્રેમ..! શ્રીપાળજી સમ્યગ્દર્શનને પામી ચુકેલા હતા અને એટલે જ એમની પાસે Reverence for the life હતું. ચૈતન્ય પ્રત્યેનો સમાદર. જ્યાં ચૈતન્ય ત્યાં આદર.. તો આ જે સમ્યગ્ રીતે પ્રાણીઓને જોવાની વાત છે. અત્યાર સુધી શું કર્યું? અસમ્યગ્ રૂપે તમે બધાને જોયા. મને અનુકૂળ હોય એ સારો માણસ! મને પ્રતિકૂળ હોય તે ખરાબ માણસ..! આ સમ્યગ્દર્શન કહેવાય ખરું? એ વ્યક્તિ જેવી છે, તેવું એનું દર્શન તમે કરો તો સમ્યગ્દર્શન કહેવાય. અને તમને પીળિયો થયેલો હોય ને તમે કહો બધું પીળું પીળું છે, એ દર્શન સમ્યગ્ ખરું? એ પદાર્થ જેવો છે, એવો તમે જોતા નથી; તમને દેખાય છે એ પ્રમાણે તમે જુઓ છો..! સમ્યગ્દર્શનનો મતલબ એ છે કે દરેક પ્રાણી અનંત ગુણોથી યુક્ત છે..! દરેક આત્મા આનંદથી સભર છે..! દરેક આત્મા મૂળગામી રૂપે વિતરાગ જ છે..! આ રીતે એનામાં રહેલા ગુણોનું દર્શન એ વાસ્તવિક દર્શન છે..! અત્યાર સુધી એક પણ પ્રાણીનું દર્શન સમ્યગ્ રૂપે થયું નથી.
ઝરિયાની કોલસાની ખાણમાંથી, સાંજે કર્મચારીઓ બહાર નીકળે છે. બધાના શરીર કોલસાની રજથી રજોટાયેલા હોય છે. છેલ્લે એક કર્મચારી નીકળ્યો, રાજુ એનું નામ! અત્યારે એ કેવો દેખાય છે? કાળો-કાળો ડિબાંગ, હબસી જેવો.. પણ, એને જે ઓળખે છે, એમને ખ્યાલ છે કે આ રાજુ છે અને આની ચામડી તો એકદમ ગોરી ગોરી છે. હમણાં પાણીના નળ નીચે બેસશે, કોલસાની રજ નીકળી જશે, એટલે એની ગોરી ગોરી ચામડી પ્રગટ થશે. તો રાજુ ગોરી ચામડીવાળો છે, આવો જેને ખ્યાલ છે, એને રાજુની કાળી કાળી ચામડીને જોઇને ધિક્કાર થાય ખરો? ખબર છે, આ કાળાશ તો બહારની છે, ઉપરની છે, અંદરની નથી. તમને જે માણસ ક્રોધી દેખાય છે, એ ક્રોધ એ એની બહારની મેલની દશા છે.. અંદરથી એ નિર્મલ છે..!
એક બહુ મજાનું સૂત્ર આના સંદર્ભમાં આપું; એટલે શું કે તમને યાદ રહી જાય..! “બધા જ સારા જ છે, ખરાબ હોય તો એક હું છું.” આવી માન્યતા ભીતરની હોય ત્યારે પ્રભુ શાસનમાં નિશ્ચયથી પ્રવેશ મળે. આટલું તો યાદ રહેવાનું? આ સૂત્ર છે ને મારું પોતાનું છે. હું રોજ એને યાદ કરું છું કે બધા જ સારા જ છે! તમે બધા જ સિદ્ધ ભગવાન છો! બની શકે, કે મારા કરતાં વહેલો તમારો સિદ્ધત્વનો પર્યાય ખુલવાનો હોય. તમે બધા જ સારા જ છો, ખરાબ હોય તો એક યશોવિજય! કારણ બીજાના ગુણો દેખાયા, આપણા દોષ દેખાય.. અત્યાર સુધી બીજાના દોષો દેખતાં હતાં, તમારા ન હતા એવા ગુણોને પણ ઉભા કરી-કરીને જોતા હતા..! હવે બીજાના ગુણોને જોવા છે, પોતાના દોષોને જોવા છે.
સંતો શું કહે! કબીરજી શું કહે: “मो सैम कौन कुटिल खल कामी, जिन तनु दियो सोही बिसरायो, एसो निमक हरामी’” मो सैम कौन कुटिल खल कामी – મારા જેવો વાંકો, લુચ્ચો, સેક્સી માણસ કોણ હશે?! પણ એનાથી પણ મોટો અપરાધ આપણો એ છે, કયો અપરાધ? “जिन तनु दियो सोही बिसरायो, एसो निमक हरामी’” – જેને આ શરીર આપીને મનુષ્ય જીવનમાં મને મોકલ્યો, એ પ્રભુને હું ભુલી ગયો..! મારા જેવો નિમક હરામી કોણ હોય?
“બધા જ સારા જ છે, ખરાબ હોય તો માત્ર એક હું છું.” આ માન્યતા જડબેસલાક થઇ ગઈ તો નિશ્ચયથી પ્રભુશાસનમાં તમને પ્રવેશ મળશે. અને આ શું થયું? સમ્યક્ રૂપે દરેક આત્માનુ દર્શન. सम्मं भूयाइं पासओ તો આ જે સર્વ પ્રાણીઓના મિત્ર બનવાની ભૂમિકા આવી એનું બીજ ક્યાં રોપાયેલું? પહેલી દ્રષ્ટિમાં.
મિત્રા દ્રષ્ટિની ટીકામાં એક સરસ વાત આવે છે: अतोSस्यापरत्र न चिन्ता तद्भावेSपि करुणांशबिजस्यैवेषत्स्फ़ुरणमिति (अत: अस्य अपरत्र न चिन्ता, तत्राSपि करुणान्शस्य एव ईषद् उन्मज्जनं) જ્યાં મિત્રા દ્રષ્ટિ આવી, કોઈના પણ દોષ જોવાનું બંધ થઇ ગયું..! કોઈના દોષ તમને દેખાતા નથી..! કદાચ તમે બીજાના દોષની વિચારણા કરો તો પણ ત્યાં કરુણાનો ભાવ છે. એક સદ્ગુરુ તમારા દોષો માટે વિચારે ત્યાં તિરસ્કારની લાગણી નથી; ત્યાં પ્રેમની લાગણી છે! ત્યાં પ્રેમનો ભાવ છે! કે આ માણસ દોષને કારણે કેટલો ડૂબી જશે…!
સમાજમાં પ્રતિષ્ઠિત કહેવાતી વ્યક્તિ હોય અને એણે ભવ આલોચના અમને લખીને આપેલી હોય, એકદમ પ્રતિષ્ઠિત માણસ છે પણ ભૂતકાળમાં બહુ જ ખરાબ પાપો એનાથી થઇ ગયા છે. અમે એ વાંચી લઈએ, એ કાગળ ફાડી નાંખીએ, પ્રાયશ્ચિત્ત આપી દઈએ, અમને એ વ્યક્તિ ઉપર ધિક્કાર નહિ, પ્રેમ આવે છે..! અને જેને બીજાના દોષો જોઈએ પ્રેમ ન આવે, એ આલોચના બીજાને આપી પણ ના શકે. તમારા દોષને જોઇને ધિક્કાર કરવાનો અમને પણ અધિકાર પ્રભુએ નથી આપ્યો. અમને થાય કે વાહ! કેવું પ્રભુશાસન રોમ – રોમમાં વસી ગયું છે કે પોતાનાથી થયેલા મોટામાં મોટા અને નાનામાં નાના બધા પાપોની આ માણસ ગુરુ પાસે આલોચના લઇ રહ્યો છે!
તો तत्राSपि करुणान्शस्य एव ईषद् उन्मज्जनं એ દોષોને જોયા પછી પણ પ્રેમનો ભાવ છે..!
એક મજાનો સવાલ છેલ્લે કરું- કોરોના સમયમાં ઘણાને કોરોના થઇ ગયેલો, મને પણ થયેલો. હવે એ વખતે કોરોના ખરાબ કે કોરોના જેને થયેલો હોય એ વ્યક્તિ ખરાબ? ખરાબ કોણ? ઓહો! આને કોરોના થઇ ગયો! ધિક્કાર વરસાવો કે સહાનુભુતિ થાય? અરે! એમને કોરોના થઇ ગયો! શું થાય…?
એક તમારો મિત્ર છે. રુષ્ટ-પુષ્ટ શરીરવાળો, અને ક્યાંક લેબોરેટરી માં test કરાવવા ગયો. અને અચાનક બધું એવું ઉથલ્યું, કેન્સર third stage નું! તમને ખબર પડે કે એ મિત્રને third stage નું કેન્સર detect થયું છે, એ વખતે તમારી feeling શું હોય? સાલાને થયું એમ હોય? અરે! આવા માણસને કેન્સર! Third stage માં! એટલે રોગ ખરાબ કે રોગી ખરાબ? તમારે બોલવાનું નથી પણ મનમાં વિચારો, રોગ ખરાબ કે રોગી ખરાબ? હવે અહીંયા તમારું મન કેવું cheating કરે છે! કે ક્રોધને તમે ખરાબ નથી માનતા! ક્રોધીને ખરાબ માનો છો! આટલું બધું ગણિત ઉથલાઈ ગયું! ગણિત થોડું તો ઉથલાય, પણ આખું ને આખું! સાલો એની જોડે વાત કોણ કરે! અહંકારનું પુતળું છે..! પણ તું શું છે, એ કહે ને! તમે જો ખરેખર સાધક છો, તો આજે રાત્રે એક કોશિશ કરજો! સવારે ઉઠ્યા, મોડી રાત સુધીમાં જે વિચારો આવ્યા એની નોંધ ટપકાવો મનમાં, ઘરે ગયા પછી પણ આ કાર્ય કરી શકશો. સવારથી સાંજ સુધી જે વિચારો આવ્યા એની નોંધ મનમાં ટપકાવો. હવે એ નોંધને જુઓ.. તમને લાગશે, દર પા કલાકે, દર અડધો કલાકે ‘હું’ આવશે. મેં પેલાને આમ કહ્યું, પેલો impress થઇ ગયો! અલા! એ થયો કે નહિ થયો તું impress થયો, એમ બોલ! દર પા અને અડધો કલાકે તમારું ‘હું’ બહાર ડોકાશે.. એટલે જ સાધનામાર્ગમાં રાગ પણ અવરોધક છે, દ્વેષ પણ અવરોધક છે, પણ સૌથી પ્રબળ અવરોધક હોય તો એ અહંકાર છે..! અને એટલે જ અને એટલે જ એ અહંકારને દૂર કરવા માટે નમસ્કાર ભાવની સાધના આપણને આપવામાં આવી. ‘નમો..’ ઝુકી જાવ…!
તો આપણે ગઈ કાલે જોતા હતાં કે મિત્રા દ્રષ્ટિથી એક મજાની યાત્રાનો પ્રારંભ થયો. જીવસૃષ્ટિ સાથેના પ્રેમની યાત્રાનો પ્રારંભ અને સ્વરૂપ દશા સાથેના પ્રેમની યાત્રાનો પ્રારંભ. પણ, આ બંને યાત્રાના મૂળમાં શું છે? પ્રભુનો પ્રેમ..! જ્યાં સુધી પ્રભુના પ્રેમનો સ્પર્શ થતો નથી, ત્યાં સુધી ભીતરની યાત્રા શરૂ થતી નથી..! આ જન્મનું અવતારકૃત્ય માત્ર એક છે, અને એ છે પરમના સ્પર્શમાં ડૂબી જવું..!
મને તો પ્રભુએ અકારણ ચાહ્યો છે..! મેં કશું જ એના ચરણોમાં આપ્યું નહોતું..! એને મારા ઉપર પ્રેમની ઝડી વરસાવી..! અને જે ક્ષણે ‘એ’ મળ્યો એના પ્રેમનો સ્પર્શ થયો, એ જ ક્ષણે પરની દુનિયા છૂટી ગઈ..! એક પણ પદાર્થ પર, એક પણ વ્યક્તિ પર, શરીર પર, ઘટના પર attachment રહેવાનો સવાલ ન રહ્યો..! પ્રભુએ બધેથી detach કરી કરી નાંખ્યું..! જે attachment પર સાથે અનંતા જન્મોથી હતું, એ attachment ને પ્રભુએ લઇ લીધું.. પણ મારું જ લીધું, એવું નહિ! તમારું પણ લે હો!
એક મારો logo છે: you can do this..! આ પરમ સ્પર્શ તમે આજે મેળવી શકો એમ છો; If you desire…! એક પ્રબળ ઝંખના જોઈએ, આ જ જોઈએ છે… પરમાત્માનો સ્પર્શ, પરમાત્માના પ્રેમનો સ્પર્શ મને પહેલી ક્ષણે મળ્યો, ત્યારે શું થયું એની રોમાંચિત વાત કાલે કહીશ.