વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત
Subject: મંત્રદીક્ષા
તમારા Conscious mind ના level ઉપર નમસ્કાર મહામંત્ર હતો, અસ્તિત્વના સ્તરે નહતો. મંત્રદીક્ષા થકી ગુરુ તમને અસ્તિત્વના સ્તરે એ મંત્ર ઊતારી આપે. મંત્રનો એક અર્થ છે: मननात् त्राणाच्च मन्त्र. તમે વિચાર કરો, ચિંતન કરો અને તમને રક્ષણ આપે – તે મંત્ર. નમો અરિહંતાણં નો તમે વિચાર કર્યો. નમો એટલે શું? ઝૂકવું. આ ચિંતન થાય અને તમને અહંકારભાવથી રક્ષણ મળી જાય!
આગળની ભૂમિકા ઉપર મંત્રની નિરૂક્ત બદલાઈ જાય: मननात् त्रायते इति मन्त्र:. જે વિચારોમાંથી પણ આપણને મુક્તિ આપે, એ મંત્ર. નકામા વિચારો, વિકલ્પો બહુ ચાલી રહ્યા હોય, ત્યાં મંત્ર speed-breaker તરીકે કામ આપે.
કોઇ પણ સાધક માટે એક સદ્ગુરુદેવ, સાધનાના દાતા હોવા જોઈએ. સાધનાદાતા ગુરુ એક જ હોય. પંચમહાવ્રતધારી બધા જ મહાત્માઓ નમનીય; આપણી શ્રદ્ધાનું કેન્દ્ર, ઉપાસનાનું કેન્દ્ર. પરંતુ સાધનાને follow-up કરવી માત્ર એક જ સાધનાગુરુના માર્ગદર્શનમાં.
મૌન ધ્યાન સાધના શિબિર ૧૧ – જીરાવલા વાચના – ૧૫
આપણે ત્યાં ત્રણ જાતની દીક્ષાઓ છે: એક સાધના દીક્ષા, એક મંત્ર દીક્ષા અને એક જીવન વ્યાપિની દીક્ષા. ત્રણે દીક્ષાઓના ઊંડાણમાં જવું જરૂરી છે.
સાધના દીક્ષા એટલે શું? કોઇ પણ સાધક માટે એક સદ્ગુરુદેવ, સાધનાના દાતા હોવા જોઈએ. સાધના દાતા ગુરુ એક જ હોય. નમનીય બધા જ મહાત્માઓ, પંચમહાવ્રતધારી બધા જ મહાત્માઓ, આપણા માટે શ્રદ્ધાનું કેન્દ્ર, ઉપાસનાનું કેન્દ્ર. પ્રવચન બધા જ મહાત્માઓના સાંભળવાના પણ સાધનાને follow up કઈ રીતે કરવાની; એક જ મહાત્માના – એક જ તમારાં સાધનાગુરુના માર્ગદર્શનમાં; અને આ જ વાત તમે કરો છો બહારની દુનિયામાં.. કોઈ પણ રોગ છે. તમે પેશન્ટ છો, રોગમુક્તિ એ તમારું ધ્યેય છે. એક જ ડોક્ટરને તમે પકડી રાખો છો. મિત્ર ડોક્ટર પણ બીજો હોઈ શકે, પ્રેમનો સંબંધ એની જોડે છે; પણ મારા ડોક્ટર તો આ જ. મારી પોતાની વાત કરું- મારું શરીર રોગોનું ઘર છે, પણ એક ભક્ત ડોક્ટર છે; હું એને મારા ડોક્ટર તરીકે માનું છું. ઘણીવાર ગામડા ગામમાં જાઉં, પ્રેશર ઉંચકાઇ જાય, ડાયાબીટીસ વધી જાય. ભક્તો તો એટલાં બધા હોય. આને બોલાઈ લાવે, આને બોલાઈ લાવે. બધા પ્રિસ્ક્રીપ્શન લખીને જાય. પછી હું કહી દઉં બધા પ્રિસ્ક્રીપ્શનના લેટરો મને આપી દો. એકેય દવા લાવવાની નથી. મારા ડોક્ટર આ છે- સી. કે. વોરા, એમનો ફોન નંબર આ છે, તમે ફોન પર વાત કરો કે સાહેબને આ અત્યારે તકલીફ થઈ છે, શું આપવું જોઈએ? એ જે દવા કહેશે, એ જ હું લેવાનો છું. એ ડોક્ટર પણ તત્વજ્ઞ છે. મારી પાસે આવે ને પહેલા નીચે બેસી જ જાય. બહુ જ નિષ્ણાંત ડોક્ટર છે, એ કહે કે અત્યારે તમે ગુરુ છો, હું તમારો શિષ્ય છું. ડોક્ટરની હરોળમાં આવે ને તરત ખુરશી પર બેસી જાય. તો હું પણ સ્વસ્થ રહેવા માટે એક જ ડોક્ટર રાખું છું. જો હું ૨૫-૫૦ ડોકટરોનું કહ્યું માનું ને, તો હું સાજો થઈ જ ન શકું!
તમારી તકલીફ આ થઈ છે! એક મહારાજ સાહેબ પાસે ગયા કહે, આ માળા ગણો, તો કહે તહત્તિ! મહારાજ સાહેબ કરુણાથી કહે એનો વાંધો નહિ, મહારાજ સાહેબ કહે એમાં કોઈ વાંધો આપણને નથી; એ કહે છે એમાં માત્ર અને માત્ર એમની કરુણા છે! પણ તમે બધી સાધના તો સ્વીકારી કઈ રીતે શકો?! ઘણા બધા સાધકો મને મળે, બે પાનાં ભરીને મંત્રો લખેલા હોય; આની માળા રોજ ગણું છું! મેં કીધું ,તને ટાઇમ કેટલો થાય? ત્રણ કલાક. મેં કહ્યું, મન સ્થિર કેટલો સમય રહે છે? મને કહે પા કલાક! પછી એ મને સાધનાગુરુ તરીકે સ્વીકારે છે ત્યારે હું એ કાગળીયા પર ચોકડી મારી દઉં છું! કોઇ પણ મંત્ર તારે આ જપવાનો નથી! હું તને આપી દઉં એ મંત્ર જપજે! Actually, તમારી પાસે એક માર્ગદર્શન જોઈએ, શા માટે સાધના કરવા માંગો છો? રાગ-દ્વેષ અને અહંકારના જે રોગો, જે દોષો અનંતા જન્મોથી ઘર કરીને બેઠેલા છે, એને તમારે કાઢવા છે; એક જ નિષ્ણાંત ગુરુ જોઇશે. એક જ! Only one.! હું કહું છું નિષ્ણાંત ગુરુઓ બધા જ છે; તમારાં માટે માત્ર એક રહેશે.! બધા જ સદ્ગુરુઓ જે અંદર ઉતરેલા છે, એ આ વિષયના પારગામી હોય જ! પણ મારા માટે ગુરુ આ.! કારણકે બધાનું કહ્યું કરવા જાઉં શક્ય જ નથી.!
બીજું એક સાધનાગુરુમાં શક્યતા શું હોય, તમને સમજાવું.. ધારો કે એક સાધનાગુરુ પાસે તમે સાધના સ્વીકારી. ગુરુ પણ શું પૂછે છે તમને પહેલા શ્રાવકોને, બેટા કેટલા કલાક તને મળે, ચોવીસ કલાકમાં? પેલો કહે ત્રણ કલાક, પેલો કહે ચાર કલાક. વાંધો નહિ. એ ત્રણ કલાક કે ચાર કલાકની, ગુરુ એક વ્યવસ્થિત સાધના કરીને આપે. પછી એ સદ્ગુરુ કહે છે, આ સાધનાને આ રીતે ઘૂંટવાની. મંત્ર જાપ કરવાનો. તને મંત્ર આપ્યો. પણ એ મંત્રને તારે આ રીતે ઘૂંટવાનો છે… ‘નમો અરિહંતાણં’ તને નાનકડો મંત્ર જ આપ્યો મેં.! પણ ‘નમો’ ‘નમો’ ‘નમો’ તારી ભીતર જવું જોઈએ. આ ‘નમો’ તારી ભીતર નહિ જાય; તારો અહંકાર નીકળવાનો નથી.! એટલે માત્ર ‘નમો અરિહંતાણં’ જપવાથી તારું કોઈ કામ થવાનું નથી.! રાગ-દ્વેષ અહંકાર એવા ને એવા રહેવાના; ‘નમો અરિહંતાણં’ જપવાનો સંતોષ નહિ રહે, ગુરુ આ ભૂલ તમારી પકડી પડશે.!
મસ્જીદના હોજમાં કુતરું મરી ગયું. મુસ્લિમભાઈઓ ને શું હોય? નમાઝ પઢતા પહેલા વજુ કરવી પડે; હાથ, પગ, મોંઢું સાફ કરવાનું હોય. હોજ પાસે ગયા, કુતરું મારી ગયેલું અંદર, ગંધ મારે. હવે કુતરું મરી ગયેલું છે; પાણી દુષિત થઈ ગયું, આ પાણીથી વજુ કરાય કે ન કરાય? સ્વચ્છ થવાય કે ન થવાય.? મૌલવીને પૂછવા ગયા.. મૌલવી એ કહ્યું, ૧૦૦ બાલટી ડોલ હોજમાંથી બહાર કાઢી નાખો. મૌલવીના મનમાં એમ હતું કે કુતરું તો આ લોકો કાઢે જ, કુતરું કાઢ્યા પછી પણ થોડીક હવા દુષિત રહી જવાની, હોજ નાનકડો છે. તો ૧૦૦ બાલ્ટી પાણી એમાંથી બહાર કાઢી નાંખે ને, પાણી બધું આમ- તેમ, આમ-તેમ થઈ જાય; દુર્ગંધી પરમાણુઓ અંદરથી નીકળી જાય.
પેલા ભક્તો તો મંડી પડયા.! ૧૦૦ ની બદલે ૨૫૦ બાલ્ટી બહાર કાઢી નાખ્યું, વાહ.! મૌલવી આવ્યા નમાઝ પઢવા, જ્યાં હોલ પાસે જાય, ભયંકર ગંદકી માથું ફાટી જાય એવી.! પૂછ્યું ભક્તોને શું કર્યું? અરે સાહેબ! તમે કહ્યું હતું ને ૧૦૦ બાલ્ટી બહાર કાઢવાનું, અમે ૨૫૦ પાણી કાઢ્યું.! હરામખોરો પણ કુતરાને તો અંદર રાખ્યું તમે.! કુતરાને તો અંદર રાખ્યું.! ૨૫૦ બાલ્ટી પાણી કાઢી નાંખ્યું.! અહંકારનું કુતરું તમારી ભીતર છે… ‘નમો અરિહંતાણં’ એક લાખ વાર ગણી લીધું, કહે છે.! આ સદ્ગુરુના માર્ગદર્શન વિના તમે ગણો છો ને, માટે આ તકલીફ આવી.! કોઇ પણ સદ્ગુરુ તમારાં આ જાપને ચલાવી ન લે.! એ સ્પષ્ટ જોવે, ખાત્રી કરાવે કોઈની પાસે, જરા આનું અપમાન કરજો, મારે જોવું છે. સદ્ગુરુ કહે, આનું જરા આપમાન કરજો થોડું, ખોટેખોટું; તું હરામખોર છે અને નાલાયક છે, કેમ બેસી ગયો છે અહીંયા? ખોટેખોટું અપમાન કરજો એનું; એ ગુસ્સે થાય છે કે? (એ) મારે જોવું છે. એનામાં અહંકાર છે કે? (એ) મારે જોવું છે. આમ તો face reading થી અમને લોકોને ખ્યાલ આવી જાય, છતાં પણ પરીક્ષા કરીએ ક્યારેક.. અને એમાં લાગે અહંકાર તો છલોછલ ભરાયેલો છે. અમે લોકો તરત જ લાફો લગાઈશું. શું કરે છે તું? નવકાર મંત્ર ગણ્યાં.! ઝૂકવાની વાત તો તારી પાસે છે જ નહિ.! કોઈ એક બોલે તો તું દસ સંભળાવે છે સામે! નવકારથી શું મળ્યું તને બોલ? સાધના કરવી એ લક્ષ્ય નથી; સાધના દ્વારા કંઇક પ્રાપ્તિ થાય એ લક્ષ્ય છે.
માત્ર દુકાને બેઠા રહેવું, એ લક્ષ્ય ખરું.? કે પ્રોફિટ થાય એ લક્ષ્ય? કોઈ માણસ ૧૦૦ ના ૬૦ કરે ને; વકરો જબરદસ્ત લાગે હો.! દુકાન ભરાયેલી લાગે.. નફો શું? પ્રોફિટ શું? આ તમારી સાધનાની દુકાનમાં, નફો કેટલો મારે પૂછવું છે? આટલા વરસની સાધના પછી, કોઇ પણ પદાર્થ પ્રત્યેનો રાગ ઓછો થયો છે? આયંબિલની ૧૭ મી ઓળી થઈ ગઈ વાંધો નહિ; ૧૮માં દિવસે જો બરોબર ખળીયાતું દૂધ ન આવ્યું – એકદમ બદામ-પીસ્તાવાળું, સરસ મજાની ચા ન આવી; સીધું બોઈલર ફાટે છે.! આસક્તિ ઓછી થઈ તારી? જે હોય તે ચલાવી લે; દાળમાં મીઠું ન હોય તો પણ તું ચલાવી લે.! સવારના મગમાં મીઠું ન હોય તોપણ ખાઈ જાવ તું.! લે સારું થયું આ તો.! આસક્તિ ત્યાગ માટે તો આયંબિલ કરેલા, એ આસક્તિ ત્યાગનો લાભ ઓર મળી ગયો.! આ જો ન હોય તો ૧૭ દિવસની સાધનામાં શું મળ્યું બોલો.? આ ભૂલ તમારી માત્ર આ જનમની નથી, અનંતા જન્મોની છે! અને આ જન્મમાં પણ ભૂલ એ રિપીટ થઈ રહી છે.! કારણ શું? સાધનાદાતા સદ્ગુરુ તમારી પાસે નથી. એટલે જ્યાં તમે સદ્ગુરુ નહિ હોય તમારે તમારી જાતે સાધના લેવાની હશે; આ લોચો કાયમ માટે રહેવાનો છે.! ફરીના જન્મો સુધી પણ.! સાધના ગુરુ આપે એવું તમે રાખ્યું નથી; મને ગમે એ સાધના કરી લો.!
તમને ખબર છે એક તમારે પૌષધ હોય. એકાદ તમે પૌષધમાં છો; રાઈમુહપત્તિ કરી સવારમાં, તમે સવારે ઘરે કહીને આવ્યા છો, મારે આજે આયંબિલ છે. તમારાં મનમાં નક્કી છે મારે આયંબિલ છે, રાઈમુહપત્તિ પછી તમે આદેશ માંગો છો- ‘ઇચ્છકારી ભગવન પસાય કરી પચ્ચક્ખાણનો આદેશ આપશોજી.?’ આદેશ માંગવામાં શું બોલો? ‘ઇચ્છકારી ભગવન પસાય કરી પચ્ચક્ખાણનો આદેશ આપશોજી.’ ત્યારે તમે બોલો છો, આયંબિલના પચ્ચક્ખાણનો આદેશ આપશોજી? કેમ નહિ, તમને ખ્યાલ આવ્યો? આજે શું પચ્ચક્ખાણ કરવું તમારે, એ સાધના છે; અને સાધના ગુરુ જ તમને આપી શકે.. પૌષધમાં એકસણાથી ઓછુ તપ તો નથી જ થવાનું, પણ તમને આયંબિલ કરાવવું, ઉપવાસ કરાવવો, શું કરાવવું એ ગુરુના હાથમાં છે. તમે હોંશિયાર માણસો…! ઇચ્છકારી ભગવન પસાય કરી પચ્ચક્ખાણનો આદેશ આપશોજી.? સપલીમેન્ટરીમાં – સાહેબજી આયંબિલ…! શું છે આ?!
તમારી પાસે પણ ગુરુદત્ત સાધના છે. તમારાં જે ગીતાર્થ ગુરુદેવ છે, એ ગીતાર્થ ગુરુદેવ પાસે બેસવાનું, તમારી અંદરની ધારાની વાત કરવાની, એ અંદરની ધારાની એપ્રોપ્રીએટ સાધના આપશે. એક વાત સમજો, શરદી છે, ઊંડી ઉતરેલી શરદી છે, ડોક્ટર એના માટે એવો કોર્સ આપશે; કોઈ જુનો મરડો થયો છે તો બીજો કોર્સ આપશે. શ્વાસની તકલીફ છે તો, બીજી દવા આપશે; તમારી જે તકલીફ છે, એના આધારે સાધના અપાય છે. તમે ગુરુદેવ પાસે આવો, તમારાં પત્તા ખુલ્લાં કરો; અને પછી ગુરુદેવ તમને એના માટેની એપ્રોપ્રીએટ સાધના આપશે.! એ સાધનાને કરો એટલું નહિ, નિષ્ઠાપૂર્વક કરો અને મહીને મહીને રીઝલ્ટ ગુરુદેવ પાસે જવું જોઈએ. સાહેબજી મારામાં આ દોષ હતો, એના માટે આપે આ સાધના આપેલી છે, મહિનો થયો આ સાધના કરવામાં, સહેજ પણ ફરક પડ્યો હોય એમ લાગ્યું છે, પણ સાહેબજી નિમિત્ત મળતાં જ ફરી પાછો આ ગુસ્સો એવો ને એવો ઉછળે છે.. તો ગુરુદેવ આ સાધનામાં કોઈ ઉમેરો કરવાનો છે મારે? સાધના એમને એમ રાખવાની છે? અથવા સાધનામાં કોઈ ફેરફાર કરવાનો છે? આપ મને કૃપા કરીને જણાવશો. આ રીતે તમારી સાધના ચાલે; રીઝલ્ટ ન મળે; અમે જવાબદાર છીએ.!
હું તો ગેરંટી કાર્ડ આપનારો માણસ છું.. કોઇ પણ શિષ્ય મારી પાસે આવે કે સાધ્વી મારી પાસે આવે, અને કહે સાહેબ! અત્યારે મારી સાધના શું તમને ખબર છે? ૫ વરસ પછી મારી સાધના ક્યાં હશે? એને હું એને મારા લેટરહેડ ઉપર લખીને આપું છું, કે ૫ વર્ષે તારી સાધના આ ભૂમિકાએ ઉભી હશે! આ લેટરહેડ તારી પાસે રાખ અને ૫ વર્ષે તું ન હોય એ ભૂમિકાએ, મારી પાસે એ ગેરંટી કાર્ડ લઈને આવજે; સાહેબ! આ ભૂમિકાએ કેમ ન પહોંચ્યો? હું કહું ચોક્કસ ત્યાં તું પહોંચે જ.! એક શરત હું તને કહું છું કે તું સંપૂર્ણ સમર્પિત હોય તો.! If u have totally surrender.! તમારી પાસે ગુરુદત્ત સાધના છે, ગુરુ પ્રત્યેનું સંપૂર્ણ સમર્પણ છે; અમે લોકો તૈયાર છીએ, રીઝલ્ટ આપવા માટે.! બાકી એક વાત તમને કહું, સદ્ગુરુ સમર્પણ તમારી પાસે નથી તો કોઇ પણ સદ્ગુરુના હાથ બંધાયેલા છે.. કોઇ સદ્ગુરુ તમારાં ઉપર કામ નહિ કરી શકે….!
એક ડોક્ટર પાસે તમે જાઓ નહિ, એની ચેમ્બરમાં ન જાઓ, એને તમારી જાત તમે એને સમર્પિત ન કરો; નિષ્ણાંત ડોક્ટર પણ શું કરશે? એ તમારાં ઘરે આવીને તમારી ટ્રીટમેન્ટ કરશે?! તમારે એને પણ સમર્પિત થવું જ પડે છે.! એક ડોકટરે દવા આપી, બીજા ડોક્ટર પાસે ગયા, સાહેબ આ દવા આપી બરાબર છે.? પેલો કંપની ફરકમાં બીજી દવા લખી આપે, અરે આ દવામાં તો ફરક પડી ગયો, તો કઈ દવા સાચી.? ત્રીજા ડોક્ટર પાસે… આમાં એ પેશન્ટ સાજો થાય ખરો? તમારી હાલત આનાથી વધુ સારી છે? તમને પૂછું છું.? હવે તમે રોગમુક્તિની અપેક્ષા શી રીતે રાખી શકો? હું તો માનું છું, તમારી કોઈ અપેક્ષા પણ નથી! નિરપેક્ષ માણસ છો.! સાધના કરી લેવાની; ફળ મળે, ન મળે; પ્રભુ જાણે.. ‘कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन।’ ગીતાની પંક્તિને ખોટા અર્થમાં લઇ લો.! લાગે છે કે આ ભૂલ ચાલી રહી છે.? અને આ વાતમાં આટલું જ કરવાનું છે: સાધના તમારી પાસે ૪ કલાકનો સમય હોય, અમે 3.૪૫ કલાકની આપશું; અમને વાંધો નથી. અમારે તો કમ્પોઝીશન કરવું છે ને.! તમારાં દર્દને આધારે, અમારે કમ્પોઝીશન કરવું છે. કયો મંત્ર આપવો? સામાયિક, પ્રતિક્રમણ શું આપવું? પૂજામાં કઈ રીતે આપવું તમને ? સ્વાધ્યાય તમને શો આપવો? કમ્પોઝીશન અમારે કરવું છે. તમારાં દર્દના આધારે કમ્પોઝીશન અમે કરી આપશું.! તમે તમારી અત્યારની સાધના જણાવી પણ શકો અને ખાસ તો તમારું દર્દ જણાવી શકો.! ઘણાને આસક્તિ વધુ નડતી હોય છે, વિષય-વાસના નડે છે, ઘણાને જીવદ્વેષ નડે છે, ઘણા ને અહંકાર નડે છે; જે પણ દોષ પીડે છે, એની વાત લખો. અત્યારની તમારી સાધના લખો. જે પણ સદ્ગુરુ પર તમને શ્રદ્ધા છે, ત્યાં આગળ પહોંચી જાઓ. અને તમારી શ્રદ્ધા જે ગુરુ પાસે છે એના ચરણોમાં ઝુકી જાઓ.! સાહેબજી! હવે તમે કહો તે સાધના.!
ઉપનિષદો તો કહે છે, ગુરુ આપે તે મંત્ર! બાકી અમંત્ર.! ગુરુ આપે તે સાધના; બાકી અસાધના.! આપણે ત્યાં જીવંત આ પરંપરા હતી. એક પ્રયોગશાળા ચાલતી હતી ગુરુઓની. બરોબર તમારી ઉપર કામ કરતા હતા, પણ આ પરંપરા નષ્ટ થઈ ગઈ છે, પણ પુનઃજીવિત કરવી જ પડશે.! આ પરંપરા તમારાં જીવનમાં નહિ આવે, ગુરુદત્ત સાધના તમારી પાસે નહિ આવે, માત્ર તમારાં મનની લીધેલી સાધના તમારી પાસે હશે, તમને શું ખબર પડે કે કઈ સાધના તમારાં દર્દ માટે appropriate છે.? મારા ડોક્ટર કહે છે, સાહેબ એટલી એટલી નવી દવાઓ બહાર માર્કેટમાં ઉભરાઈ રહેલી છે કે અમારે રોજે રોજ અમારા મેડિકલ બુલેટીન્સ વાંચવા પડે છે.. આ દવામાં શું આવ્યું? એની કઈ અસરો? એની આડ અસરો કઈ? અમે સહેજપણ અઠવાડિયું બ્રેકમાં રહીએ ને તો અમે જૂની દવા લખી આપીએ, નવી અમે સારી દવા ન લખી શકીએ, અમારે એટલું અમારા જ્ઞાનને અપડેટ કરવું પડે છે. આ વસ્તુ જેમ ડોક્ટર પાસે શક્ય છે, એની પાસે જ્ઞાન છે. આ વસ્તુ ગુરુ માટે શક્ય છે, કારણ કે ગુરુ સાધનાના હાર્દ સુધી પહોંચેલા છે, સેંકડો સાધકોને એમણે સાધના કરાવી છે, એમને ખબર છે ગટ્સ ક્યાં છે? એટલે ગટ્સને ઉખેડી નાંખે. એટલે સાધના ગુરુદત્ત હોવી જોઈએ.. અને મંત્ર પણ ગુરુદત્ત જોઈએ…
તમે અઢારીયુ કર્યું ઉપધાનનું. અઢાર દિવસની આરાધના કરી તો ગુરુદત્ત મંત્ર તમને મળે. આજે એ જ પ્રોસેસ કરવી છે આપણે. જે લોકો અઢાર દિવસની સાધના નથી કરી શક્યા, એમને પણ વિધિપૂર્વક નમસ્કાર મહામંત્ર આજે આપવો છે.
મંત્ર શું કરે? તમને સમજાવું. સાધનાની વાત તો સમજી ગયા. સાધના આ રીતે જ લેવાશે..! મનઘડંત રીતે સાધના લેવાશે જ નહિ.! આપણે ત્યાં છે ને પ્રતિષ્ઠિત સંઘોમાં બોર્ડ લગાયેલું હોય: અહીંયા બુફે નિષેધ છે. બુફે એટલે શું? સ્વરુચિ ભોજન. ગુજરાતી પર્યાય બુફેનો આટલો જ છે.. સ્વરુચિ ભોજન. તમારી ઈચ્છા પ્રમાણે લઇ લો અને ખાવા મંડી પડો. તો આપણા ઉપાશ્રયોમાં સ્વરુચિ ભોજનની ના પાડે ભોજનમાં, તમે લોકો બધા જ સાધનામાં સ્વરુચિ ભોજન કરો છો! બુફે.! આજે આઠમ છે, એટલે આયંબિલ કરી લઉં જરા.! શું પણ?! આયંબિલ તારે નક્કી કરવાનું છે કે ગુરુએ નક્કી કરવાનું છે? આ જરા સરસ છે બોલ. આ જરા સ્વાધ્યાય આનો કરી શકું.. શું પણ?! તારા આ સ્વાધ્યાયથી શું મળવાનું છે, તને ખબર છે પણ? આ એવું છે કે મેડિકલ સ્ટોરમાં બેઠા છીએ, ચાલોને આ દવા ખાઈ લઈએ આજ…!
અત્યારસુધી આ ભૂલ સાધનામાર્ગમાં તમે દોહરાવી છે, પણ હવે આનું રીપીટેશન નહિ થાય, એની મને બહુ ખાત્રી નથી હો.! કારણ કે આવી વાત તો મેં ઘણી શિબિરોમાં કરેલી છે. થોડુ રીઝલ્ટ જરૂર મળે છે, પણ ઘણા સાધકો એવા રૂઢ થઈ ગયા હોય છે, આપણે કરતા હોઈએ એમ કરવાનું.! કારણ કે એવા લોકોને માત્ર આત્મસંતુષ્ટિ માટે સાધના જોઈએ છે.. આ બે સામાયિક કર્યા, પ્રતિક્રમણ કર્યું, પૂજા કરી, ભયો – ભયો કહે છે.! પણ આ સાધનાથી મારો આત્મા નિર્મલ કેટલો બન્યો? મારી જાત ઉપર રાગ-દ્વેષ-અહંકારના થપેડા લાગેલા હતા, એ થપેડામાંથી કેટલું ઓછું થયુ? એ વિચાર કરવો જ નથી એને.! એટલે એ ખ્યાલ પણ નહિ આવે.! તો સાધનામાર્ગમાં આ મોટી ભૂલ થઈ છે.
એટલે તમે વિચાર કરો- પ્રભુની સાધના તમને very first time આ જીવનમાં મળી રહી છે? No.. આ જીવનમાં, આ જન્મમાં very first time આ સાધના મળતી નથી; અગણિત વાર આ સાધના મળી ગઈ.! તમે હતા ત્યાં ને ત્યાં જ રહ્યા છો.! કોઈ ફેરફાર થયો નથી.! એ જ રાગ, એ જ દ્વેષ અને એ જ અહંકાર.. કેમ કે તમે સાધના કરતી વખતે કોઈ ધ્યેય રાખ્યું જ નથી.! હું શાના માટે સાધના કરું છું? તમને ખબર જ નથી.! જૈન પરંપરામાં જન્મ્યા છીએ માટે આ કરવું પડે. હવે સમજો.. આ શિબિરો આટલા માટે જ છે કે તમે જે કરો છો એમાં તમારી ભૂલ છે, એ તમને બતાવવી છે કે આ ન ચાલે.! ગુરુદત્ત સાધના જ રીઝલ્ટ આપી શકે; બાકી એક પણ સાધના નહિ.! સાધના પ્રભુએ કહેલી, પણ એ ગુરુ દ્વારા મળે; તો જ અસરકારક થાય. બોલો પ્રભુદત્ત સાધના બધી જ છે, આજ્ઞા પણ છે, તમે પ્રભુની આજ્ઞા, તમારી મેળે લઇ લેશો?
ઉત્તરાધ્યયનમાં લખ્યું, ‘पढमं पोरिसि सज्झायमं बिए झाणं झियायए’ એમ પકડીને બેસી રહે કોઈ! મારે પહેલા પ્રહરમાં સૂત્રપોરસી જ કરવાની છે, પછી પાત્રાપોરસી ભણાવીને અર્થપોરસી જ કરવાની છે. ઉત્તરાધ્યયાનમાં સ્પષ્ટ લખ્યું, ‘पुच्छिज्जा पंजलीउडो, किं कायव्व मए इह’ પ્રભુદત્ત સાધના આ આપે, કે જો ગુરુ હા પાડે તો તમે આ રીતે કરજો કે પહેલા પ્રહરમાં સૂત્ર પોરસી, પછી બીજા પ્રહરમાં અર્થપોરસી પણ ગુરુ કહે તો નહીતર નહિ.! અને એટલે તરત જ કહ્યું, ‘पुच्छिज्जा पंजलीउडो, किं कायव्व मए इह’ ગુરુ પાસે જાય વંદના કરે, હાથ જોડીને પૂછે, સાહેબજી આજે મારે શું કરવાનું છે? કેમ ભાઈ પ્રભુની આજ્ઞા છે તારી પાસે; નહિ…પ્રભુની આજ્ઞા ગુરુ દ્વારા મળે તો કામનું.! આ ગુરુ એટલે ગીતાર્થ ગુરુ પાછા. અગીતાર્થ ગુરુની વાત નથી. ગીતાર્થ ગુરુ તમારાં જે છે એની વાત છે. તો ગીતાર્થ ગુરુ પાસે તમારે નક્કી કરવાનું છે. એ સિવાય એવું બને, મહેમાનો આવી ગયા. આપણે ત્યાં સાધુ-સાધ્વી મહેમાન આપણા. મહેમાનો આવી ગયા, એમની ભક્તિ કરવી છે, પાણી લાવો, ગોચરી લાવો, પેલો વળગી પડે નહિ, ભગવાનની આજ્ઞા છે! નહિ ચાલે.. ગુરુ કહે, ભાઈ પાણી લઇ આવ, ગોચરી લઇ આવ; તહત્તિ ગુરુજી.! એટલે પ્રભુની આજ્ઞા ગુરુ દ્વારા આવે. એમ પ્રભુએ આપેલી સાધના ગુરુ દ્વારા આવે.
હવે મંત્રદીક્ષાની વાત. મંત્ર શું કરે છે? મંત્રના બે નિરૂક્ત છે, અર્થ. ‘मननात् त्राणाच्च मन्त्र’ પહેલું નિરૂક્ત છે. વેદોમાં નિરૂક્ત શબ્દ આવે – અર્થ માટે. તો ‘मननात् त्राणाच्च मन्त्र’ તમે વિચાર કરો, ચિંતન કરો અને તમને રક્ષણ આપે તે મંત્ર.! ‘નમો અરિહંતાણં’ વિચાર કર્યો, નમો એટલે શું? નમો એટલે શું? નમો એટલે શું? ઝૂકવું, ઝૂકવું, ઝૂકવું. આ ચિંતન કર્યું; રક્ષણ મળી જાય; અહંકારભાવમાં તમને રક્ષણ મળી જાય.! તો ‘मननात् त्राणाच्च मन्त्र’
આગળની ભૂમિકા ઉપર મંત્રની નિરૂક્ત બદલાઈ જાય. ‘मननात् त्रायते इति मन्त्र:’ જે વિચારમાંથી પણ આપણને મુક્તિ આપે, એ મંત્ર.! વિચારો, વિકલ્પો નકામા ચાલી રહ્યા છે; મંત્ર ત્યાં સ્પીડબ્રેકર તરીકે કામ આપે છે. આ બહુ અદ્ભુત્ત વાત છે. હું ઘણા લોકોને દવા આપું છું. સાહેબ વિચારો બહુ આવે છે, નકામા વિચારો બહુ આવે છે; હું એને કહું તારી સ્પીડ ચાલે છે ને વિચારોની, આપણે સ્પીડબ્રેકર વચ્ચે ઘુસાડી દઈએ.! ‘નમો અરિહંતાણં’ મંત્ર તને આપું છું. સહેજ loudly ભાષ્ય જાપ તારે કરવાનો. ‘નમો અરિહંતાણં’, ‘નમો અરિહંતાણં’, ‘નમો અરિહંતાણં’. આ સ્પીડબ્રેકર લાવો તમે; સ્પીડ તૂટે છે કે નહિ, જોઈ લો તમે.. તૂટે જ સ્પીડ..! કેમ કે પેલી જે આખી શ્રુંખલા હતી એ તોડી નાંખી.! મન ત્યાં હતું, મન અહીં આવે.. તો ‘मननात् त्रायते इति मन्त्र:’. જે મનનમાંથી, ચિંતનમાંથી તમને મુક્તિ આપે; વિચારમુક્તિ આપે તે મંત્ર.!
હવે એ મંત્ર શું કામ કરે તે તમને બતાવું. ગુરુદત્ત મંત્ર હો… ચોપડીમાંથી નીકળેલો મંત્ર નહિ.! તમે છે ને તમારાં શરીરને પણ સમજ્યા નથી હજી સુધી. તમારાં શરીરના એક મહત્વના અંગની તો મેં વાત કરી, Spinal code – કરોડરજ્જુ. બહુ જ મહત્વપૂર્ણ અંગ, મેરુદંડ એને કહેવામાં આવે; એ મેરુ ક્યારેય ઢીલો થઇ જવો ન જોઈએ, ટટ્ટાર જ રહેવો જોઈએ.
અમારે ત્યાં યોગશાસ્ત્રોમાં આસનો ઘણા બતાયા.. Postures ઘણા બતાવ્યા, પદ્માસન, અર્ધપદ્માસન, સુખાસન. તો બધામાં પગની પરીસ્થિતિમાં ફેરફાર છે; અહીંયા કોઈ ઓપ્શન નથી.! કોઇ પણ આસન હોય, ટટ્ટાર જ રાખવાનું છે.! કારણ કુંડલીની શક્તિ જે છે એ, નીચેથી ઉપર જાય મુલાધારમાંથી, રસ્તો એનો પાછળનો જ છે, કરોડરજ્જુ છે. હવે એક મહત્વપર્ણ અંગ તમારું, આ spinal code. બીજું છે, બ્રહ્મરંદ્ર. પહેલાના લોકો ચોટી રાખતા, એ ચોટીની નીચેનો ભાગ બ્રહ્મરંદ્ર. અર્થ એનો બહુ સરસ છે : બ્રહ્મ એટલે પરમાત્મા, રંદ્ર એટલે પ્રવેશદ્વાર. પરમાત્મા માટેનો પ્રવેશદ્વાર એટલે બ્રહ્મરંદ્ર. એક હિંદુ ફિલોસોફરે સરસ લખેલું, કે પ્રભુએ માણસને તો બનાવ્યો, પછી પ્રભુને થયું, મારો બનાવેલો માણસ, એના હૃદયમાં પ્રવેશવા મારા માટે જગ્યા રાખશે કે નહિ રાખે? હું જ એક special door રાખી મુકું, એના શરીરમાં. એટલે પ્રભુએ આ બ્રહ્મરંદ્ર રાખી દીધું. વાસક્ષેપ ગુરુ જ્યારે આપે છે ત્યારે શું કરે છે? અહીંયા નથી આપતા, અહીં જ આપે છે. બ્રહ્મરંદ્ર ઉપર. બ્રહ્મરંદ્રને ખોલવાની કોશિશ છે.
કોઈ છોકરો દીક્ષા લે. ગુરુ પોતે પોતાના હાથથી વાસક્ષેપ ત્યાં મૂકી, લુંચન કરે. એ લુંચન કેશનું જ માત્ર નથી; વિભાવનું લોચન છે. વિભાવ ત્યાંથી સમાપ્ત થઈ જાય; પરમાત્મા ત્યાંથી દાખલ થઈ જાય. તમે દીક્ષા નથી લેતા ત્યાં સુધી, વાસક્ષેપ દ્વારા એ process કરીએ છીએ; process એ જ છે અમારી. અને એટલે જ વાસક્ષેપ આપતાં અમે શું બોલીએ છીએ ખબર છે? ‘नित्थार पारगाहो.’ એટલે કે સંસારનો પારગામી તું બન.!
ત્યાં સંસારની પરિભાષા શું કરી? રાગ-દ્વેષ-અહંકાર એ સંસાર. એટલે સંસારનું કારણ એ જ છે. અને આ વાત ઉપાધ્યાય યશોવિજય મહારાજે બારમાં ભગવાનના સ્તવનમાં કહી: ‘કલેશે વાસિત મન સંસાર, કલેશ રહિત મન તે ભવપાર.’ રાગ-દ્વેષ-અહંકારથી યુક્ત મન એ જ સંસાર. તો ગુરુ વાસક્ષેપ આપતા બોલે છે કે તારા કલેશ ઓછા થઈ જાય, તારો રાગ-દ્વેષ-અહંકાર ઓછો થઈ જાય.! આ ગુરુનો શબ્દ શક્તિપાત પહેલા આવે છે. પહેલા શબ્દ શક્તિપાત, એ ઝીલાય તો રાગ-દ્વેષ-અહંકાર ઓછા થઈ જ જાય.! પછી ગુરુ હાથથી શક્તિપાત કરે, વાસક્ષેપ આપે; બ્રહ્મરંદ્ર ખુલ્લુ થઈ જાય. બ્રહ્મરંદ્રની નીચે સહસ્ત્રાર છે. તમને તો તમારાં શરીરની પણ ખબર નથી.! હજાર પાંખડીવાળું કમળ.! જન્મો-જન્મોથી મૂરઝાયેલું-બીડાયેલું છે.! એ ખીલે ક્યારે ? ખુલે ક્યારે? આ ગુરુ બ્રહ્મમરંદ્રને ખુલે; ગુરુની શક્તિ સહસ્ત્રાર પર જાય; સહસ્ત્રાર ખુલે.! એક વિધિ તો આ છે. બ્રહ્મરંદ્રને ખોલીને વાસક્ષેપ વિગેરે દ્વારા શક્તિનું સંચારણ કરીને સહસ્ત્રારને ખુલ્લુ કરવું.
બીજી વાત એ છે કે મંત્ર તમને આપવામાં આવે. તમને જ્યારે મંત્ર આપવામાં આવે છે ને ત્યારે શું થાય? મંત્ર લેતી વખતે શું ભાવ હોવો જોઈએ, એના માટે આ ભૂમિકા કરું છું.. મંત્ર લેતા પહેલા એકદમ અહોભાવ હોવો જોઈએ.! કદાચ આ જનમમાં તો નહિ, ભવચક્રમાં કોઈ સદ્ગુરુ પાસેથી મને મંત્ર મળ્યો હશે કે કેમ? એવો મંત્ર મને મળી જાય; મારા જન્મ જનમનું કલ્યાણ થઈ જાય.. આ રીતનો ભાવાવેશ તમારી પાસે હોય, આ ભાવધારા તમારી પાસે હોય, તો સદ્ગુરુનો મંત્ર શું કરે? મંત્ર શાસ્ત્રમાં લખ્યું છે કે શબ્દ સાંભળતા જ, ગુરુનો શબ્દ સાંભળતા જ, ખટાક કરતો કડાકો બોલે છે અંદર; અને એ મંત્ર હૃદયમાં નથી જતો, બહાર નથી જતો, બીજા કાનથી બહાર નથી નીકળતો, એ સીધો સહસ્ત્રારમાં ઉપર જાય છે! અને એ મંત્ર, એ શબ્દો ,ગુરુના અપાયેલા શબ્દો; સહસ્ત્રારને ખોલી નાંખે! માત્ર તમે વિધિપૂર્વક લો તો.! અને વિધિ બીજી કોઈ જ નથી તમારાં તરફથી, માત્ર અહોભાવ.!
એટલે તો હું કહું છું. ૯૯% grace ૧% effort. ૯૯% કામ પરમચેતના અને ગુરુચેતના જ કરી લે; તમારાં માટે ૧% બાકી રાખ્યો.! અને એક ટકામાં અનંતા જન્મો તમે ગુમાવી દીધા.! એક ટકામાં…! પ્રભુ કહે ૯૯% તૈયાર છે, બસ ૧% તૈયાર થઈ જા ને.! સાહેબ ૧૦૦ એ ૧૦૦ ટકા તમે તૈયાર થાઓ ને, કહે છે.! ગુરુ મંત્ર આપે, અહોભાવની ભૂમિકા ઉપર એ ઝીલાય; એ જ નમસ્કાર મહામંત્ર મારે આપવાનો છે, પણ સદ્ગુરુ દ્વારા એ મંત્ર મળે ત્યારે સદ્ગુરુની એક શક્તિ કામ કરતી હોય છે, એ શબ્દ શક્તિપાત થશે, અને એ શબ્દ શક્તિપાત તમારી ભૂમિકા પ્રમાણે ઊંડાણ ઊંડાણ ઊંડાણ સુધી જશે.! મારે એવું throwing કરવું છે કે conscious mind ના લેવલ સુધી નહિ, અસ્તિત્વના સ્તર સુધી આ મંત્ર જાય.! આજનો આપેલો નમસ્કાર મહામંત્ર, નમો, નમો, નમો એટલું ભીતર ચાલ્યું જાય; અહંકાર તમારો તૂટી જાય! રાગ-દ્વેષ ક્ષીણ થઈ જાય! સાધનામાર્ગ પર- ગુરુદત્ત સાધનામાર્ગ પર તમે દોડવા મંડો.! તો સહસ્ત્રારને ખોલવાનો બીજો માર્ગ આ મંત્રદીક્ષા.
ત્રીજો માર્ગ છે કુંડલીની જાગૃતિ. આપણી નાભિની નીચે કુંડલીની શક્તિ સુષુપ્ત પડેલી છે. ક્યારેક સદ્ગુરુની કૃપાથી એ કુંડલીની શક્તિનું ઉત્થાન થાય છે. કુંડલીની નામ છે એનું! એટલે સાપ કુંડલુ વાળીને બેઠેલો હોય, એના જેવું એનું શરીર છે, પછી સીધી સટ થઇને એ આગળ દોડે છે! પણ સુષુપ્ત છે ત્યારે, એકદમ નાગ ગૂંચળું વાળીને બેઠેલો હોય, એ અવસ્થામાં છે.
એટલે એ સંદર્ભમાં કહું, આપણી પરંપરામાં સ્થાપનાચાર્યજી જે છે ને, એમાં અક્ષની પસંદગી કરવામાં આવેલી છે. સમુદ્રના કિનારે અક્ષ થાય છે, એમાં આંટા-આંટા-આંટા હોય છે, બીજું કાંઈ હોતું નથી; એમાં ગુરુતત્વની સ્થાપના કરી અને આ સ્થાપનાચાર્ય સમક્ષ આપણે ક્રિયા કરીએ છીએ. હવે આપણા પૂર્વચાર્યોએ આ અક્ષની પસંદગી કેમ કરી? એટલા માટે કે આ સદ્ગુરુ કુંડલીની જાગરણનું પ્રતિક છે.! સુષુપ્ત કુંડલીની એનું સ્વરૂપ આ છે- કુંડલા-કુંડલા-કુંડલા, ગોળાકાર; અને એને એકદમ જાગૃત કરે ગુરુ.! ગુરુની કૃપાથી કુંડલીની જાગૃત બને; બધા જ ચક્રોને વિંધી આજ્ઞાચક્ર સુધી આવે, આજ્ઞાચક્ર પછી સહસ્ત્રારમાં જાય. આજ્ઞાચક્ર અહીંયા આવ્યું – બે આંખની વચ્ચે.
યોગશાસ્ત્રો કહે છે, આજ્ઞાચક્રની નીચે સંસાર છે અને આજ્ઞાચક્રની ઉપર મોક્ષ છે. આજ્ઞાચક્ર સુધી પહોંચવું બહુ અઘરું નથી, પણ આ આજ્ઞાચક્રથી આ સહસ્ત્રાર સુધી જવું બહુ કઠીન છે! આજ્ઞાચક્ર સતેજ થાય ત્યારે શું થાય? એ વ્યક્તિની આજ્ઞા બધાને માનવી જ પડે! એવા સદ્ગુરુઓ થયા, એમને શિષ્યો પર કામ કરવાનું હતું, તો સહેલાઈથી કામ થઈ જય એના માટે એમણે આજ્ઞાચક્રને ઉદીપ્ત કર્યું; પણ જે ગુરુઓને માત્ર અંદર ઉતરી જવાનું હતું, એમણે આજ્ઞાચક્રને સતેજ નહિ કર્યું, સીધું સહાસ્ત્રારમાં ગયા એ લોકો.
આજ્ઞાચક્ર સતેજ બને ત્યારે શું થાય તમને વાત કરું. બાયજિત નામના એક સંત હતા; આમ સંત; મંત્રો ઘણા, શક્તિઓ ઘણી, પણ માત્ર બહિર્મુખ જીવન. મારો પ્રભાવ કેમ વિસ્તરે? લોકો મને કેમ ઓળખે? આપણી મહામુલી સાધના, આપણે ઘણીવાર સસ્તી પ્રસિદ્ધિ માટે ગુમાવી દીધી છે, અનંતા જન્મોમાં.! જે આત્મ નિર્મલીકરણ માટે વપરાવાની હતી, એને કાં તો બોડી બિલ્ડીંગ માટે, કાં તો મેન્ટલ પીસ માટે, અને કાં તો આપણી સસ્તી પ્રસિદ્ધિ માટે વાપરી દીધી.! બાયજિત સંત હતો પણ બહિર્મુખ સંત. જંગલમાં જ એક દિવસ ફરે છે. જંગલમાં ફરે ધોળા દિવસે, ધોળા દિવસે વાઘ-સિંહ હોય એની બીક નથી. કેમ? કોઈ પણ વાઘ-સિંહ સામે આવે ને સંમોહિત કરી શકે છે, હિપ્નોટાઈઝ કરી શકે છે વાઘ-સિંહ ને, તાકાત એવી હતી. એમાં એ જાય છે. એક વૃક્ષ નીચે એક બાઈ બેઠેલી છે. બહુ જ અંતર્મુખ સંત. એકદમ અંતર્મુખ. એનું આજ્ઞાચક્ર સતેજ બનેલું. અંતર્મુખ સાધકોમાં બીજી કોઈ વાત હોતી જ નથી, કોઈને ભક્ત બનાવવાની પણ ઈચ્છા નથી હોતી; કરુણા જરૂર હોય છે. એમને કરુણા થઈ કે આ બાયજિત આટલી સિદ્ધિઓ એની પાસે છે, પણ સાલો… એનામાં અજ્ઞાન છે, તો સસ્તી કીર્તિ માટે આ બધી સિધ્ધિઓને એ નકામી કરી રહ્યો છે.! જરા એને પ્રતિબોધ કરું! એટલે એ સ્ત્રીએ કહ્યું – સ્ત્રી ગુરુએ, બાઈજીત અહિયાં આવ.! નામ પણ જાણી ગયા પોતાની શક્તિથી! સ્વરોમાં-શબ્દોમાં એટલી આજ્ઞાપકતા હતી, સાપ જેમ મોરલીના અવાજથી ખેંચાય એમ ખેંચાવું પડ્યું બાઈજિતને. બાઈજિત નો અહંકાર જબરો હતો, કોઈ મારા પર શું આપણે ભૂરકી છાંટે?! પણ આ શબ્દો એવા હતા, આજ્ઞાપકતા એવી હતી; બાયજિતને ખેંચાવું પડ્યું! આવ્યો, નજીક આવ્યો, મને -કમને હાથ પણ જોડ્યા.! અને એ સાધિકા સ્ત્રી કહે છે, આ એક પોટલી છે, પૂર્વ દિશામાં પેલો આશ્રમ છે જંગલની બહાર, ત્યાં પહોંચાડી દેજે.! કોને કહે છે? બાઈજિત જેવા સિદ્ધ પુરુષને.! પણ એ સાધીકાના aura field માં જ્યાં સુધી હતો ને બાઈજિત ત્યાં સુધી વિચાર નથી કરી શકતો.! આજ્ઞા જ ઉઠાવે છે.! પોટલી હાથમાં લીધી, પણ જયારે aura field માંથી બહાર આવ્યો, પાછો અહંકાર આવી ગયો.! અરે હું કાંઈ મજુર છું?! પોટલી ઉપાડીને આપવા જાઉં એમ.! ઠીક છે, સંતે કહ્યું છે ,કામ કરી નાંખીએ પણ બીજી રીતે. એક વાઘ જતો હતો. પોતાની શક્તિથી એને ખેંચ્યો. વાઘ શાંત થઈને બેસી ગયો, કૂતરાની જેમ. એની પીઠ ઉપર પેલી પોટકી બાંધી દીધી દોરીથી. ઈશારો કર્યો, આ દિશામાં, આવા કપડાં હોય ત્યાં આપી આવ.! વાઘ ઈશારો સમજી ગયો, ચાલવા માંડ્યો.
બાઈજિત ને ફરીથી સંત બોલાવે છે. આવવું જ પડ્યું પાછું ફરીથી! એ વખતે પેલા ગુરુણી બાઈજિત પર શબ્દ શક્તિપાત કરે છે. શું કહે છે? તારા જેવો હરામ હાડકાનો! નાલાયક! અહંકારી માણસ મેં જોયો નથી! તારા જેવો નાલાયક! અહંકારી! હરામ હાડકાનો માણસ મેં જોયો નથી.! કોને કહે છે? બાઈજિતને.! અને એ શબ્દ સાંભળતા બાઈજિત ને શક્તિપાત મળી ગયો.! ગુરુના આજ્ઞાફિલ્ડને કારણે, ગુરુના aura field ને કારણે.! ગુરુની ઓરામાં આવેલો થોડીક વિનમ્રતા આવી, ઝીલાઈ ગયું; શબ્દ શક્તિપાત થઈ ગયો.! ગુરુના ચરણોમાં એ ઢળી પડ્યો.! અને પછી એ બાઈજિત સાવ બદલાઈ ગયા. શિષ્યો ઘણા થયા. કોઈ શિષ્ય પૂછે કે તમારાં ગુરુ કોણ? તો કહે મારા ગુરુણીજી એક વૃદ્ધ સ્ત્રી હતા. શું કહ્યું, ગુરુએ? તારા જેવો હરામ હાડકાનો માણસ! સાલા! મેં તને કામ સોંપ્યું, પોટકી આપી આવ.! તું હરામ હાડકાનો માણસ છે.! પેલા વાઘને મોકલ્યો! વાઘને હેરાન કર્યો તે.! અહંકારી.! તારે અહંકાર પ્રદર્શિત કરવો હતો મારી સામે કેમ.! કે જુઓ વાઘ ઉપર મારી શક્તિ ચાલે છે.! સાલા! અહંકારનું પ્રદર્શન કરે છે દુનિયામાં.! મારી સામે અહંકારનું પ્રદર્શન તું કરે છે.! નાલાયક.! તમને ક્યારેય આવો શબ્દ શક્તિપાત નથી મળ્યો કેમ?!
તમને તો મીઠું મીઠું આપી દઈશ બોલો.! બે જાતની દીક્ષા: એક સાધના દીક્ષા, એક મંત્ર દીક્ષા. સાધના દીક્ષા અત્યાર સુધી અપાઈ, માત્ર શિબિરમાં discourse છે નહિ, પ્રવચનો છે નહિ, સાધના દીક્ષા છે.! તમને માત્ર શબ્દો આપવા અમે બોલાવતા નથી.! શબ્દ દીક્ષા આપવા.. મંત્ર દીક્ષા આપવા માટે.. સાધના દીક્ષા આપવા માટે તમને બોલાવીએ છીએ.! મારા શબ્દો તમે ઘરે બેઠા સાંભળી જ શકો છો; શિબિરમાં આવવાની કોઈ જરૂરિયાત ન રહે, પણ જીવંત ગુરુ જે શક્તિથી શબ્દો ફેંકશે, એ જ તમારી ભીતર જતા રહેશે.! પહેલા પ્રવચન એટલાં માટે કે મેં એકવાર સાંભળેલું છે, તો ફરીથી યાદ કરીએ, ફરીથી યાદ કરીએ, ફરીથી વાગોળીએ; બાકી શબ્દ શક્તિપાત રેકોર્ડ્સ ક્યારેય ન કરી શકે, રેકોન્ડીંગસ્ ન કરી શકીએ, સદ્ગુરુ જ કરી શકે.!
તો અહિયાં કોઈ discourses અપાતા નથી, કોઈ પ્રવચનોની વાત નથી; માત્ર સાધના દીક્ષાની વાત છે.! કે તમારી સાધના છે એના કરતા સુપીરીઅર કેમ બને? એમ કરતા-કરતા તમે સ્વાનુભૂતિ સુધી કેમ જાઓ.?આપણે શરૂઆત ત્યાંથી કરી હતી કે અધ્યાત્મયોગથી વૃત્તિસંશયયોગ સુધી જવું, અને અધ્યાત્મયોગનું stand point શું? સ્વાનુભૂતિ..!
પણ હજુ સુધી આપણે આટલા discourses પછી સ્વાનુભૂતિ સુધી પહોંચ્યા નથી.! આજ બપોરના ખાલી એક વિષયના સમાપન તરીકે સ્વાનુભુતિની વાત કરી દઈશ, બધા જ ચરણો પુરા કરી દઈશ, પરંતુ ખરેખર સ્વાનુભૂતિની દીક્ષા મારે તમને આપવી છે.! મારા સાનિધ્યમાં તમને બેસાડીને, સ્વાનુભૂતિ ની દીક્ષા તમને આપવી છે! બીજી શિબિરની ઘોષણા પણ કરશે, એ લોકોની પણ એક મર્યાદા હોય છે, ૫૦૦-૭૦૦-૮૦૦ જેવી ત્યાં સગવડ હોય એવા રાખી શકે છે, પણ જેની પણ સ્વાનુભૂતિ માટેની બહુ જ ભૂખ છે, એમને મારે સ્વાનુભૂતિ આપવી જ છે.! અત્યારસુધીના આ સાધના દીક્ષાના જે પ્રવચનો થયા ને, એને હું એપીટાઈઝર જેવા સમજુ છું. રિસેપ્શનમાં, પાર્ટીમાં પહેલા શું આપો? એપલજ્યુસ. કેમ? ભૂખ ઉઘડે. મારે તમારી ભુખ જ ઉગાડવી હતી. કેટલી ઉઘડી મને ખબર નથી. ફેસ પરથી દેખાય છે તમારાં. બરોબરને.? સ્વાનુભૂતિ જ જોઈએ…! બીજું કાંઈ જ નહિ.! બરોબર.? હું મને ન અનુભવું, તે કેમ ચાલે પણ.! ટીવી ના ટચુકડા પડદા ઉપર આખી દુનિયાની વાત જાણનારો માણસ, એના ઘરની હાલતને ન જાણે એ ચાલે? ઇન્ડોનેશિયામાં આ બન્યું, અમેરિકામાં આ બન્યું, તારા ઘરમાં શું ચાલે છે એ જો પહેલા.! આખી દુનિયાના લાઇવ ન્યુઝ જોનારા તમે, ભીતરના ન્યુઝ ક્યારેય લીધા? કે તમારી ભીતર કેવો કડાકો બોલી રહ્યો છે.! સદ્ભાવોનો.!
તો સ્વાનુભૂતિની એક તલપ જાગે એના માટે જ અત્યાર સુધીના પ્રવચનો હતા. એટલે ખરેખર જો ભૂખ ઉઘડી હોય તો મારે તમને સ્વાનુભૂતિ આપવી જ છે.! પણ આ શિબિર માત્ર સ્વાનુભૂતિની ભૂખ ઉઘાડવા માટેની જ હતી. મારું એઇમ નક્કી જ હોય છે દરેક સીરીઝ પહેલા કે આ સીરીઝમાં – પ્રવચન શ્રેણીમાં મારે શું આપવું છે.. આ વખતે નક્કી કરેલું કે સ્વાનુભૂતિ માટેની તલપ જગાડી દેવી..! તલપ.. પછી નવકારશી થઈ ગઈ હોય અને ચા ની તલપ વાળો માણસ હોય, બહાર ફરતો હોય કયાંક, અરે ભાઈ! ક્યાં હોટલ છે? ક્યાં કંઇક મળશે ચા? આમ ફરે ને આમ ફરે… ચા વિના એકદમ કેવો થઈ ગયો હોય? બેચેન… એમ સ્વાનુભૂતિ મળી નથી મને; મને સ્વાનુભૂતિ જોઈએ છે.! આ સ્વાનુભૂતિની ભૂખ બરોબર ઉઘડશે ને, તો જ આના પછીના સત્રમાં તમને મળશે.! મારી ગેરંટી, મારે આપવી જ છે.! મને સ્વાનુભૂતિ મળ્યા પછી, હું બીજાને ન આપું, તો પ્રભુનો ગુનેગાર હું ઠરું.! મારે આપવી જ છે. તો માત્ર અહીંયા એક સાધના દીક્ષા રૂપે તમને સ્વાનુભૂતિ ઉગાડવાનું કામ કર્યું. અને બીજી દીક્ષા મંત્રદીક્ષા આજે આપવાની છે. અને ત્રીજી દીક્ષા તો તમારા માટે ફ્યુચર પ્લાનીંગમાં છે- જીવન વ્યાપિની દીક્ષા. પ્રભુની પ્રસાદી મળી ગઈ! જાવજજીવં.! યાવજ્જીવન માટે પ્રભુ હું તારા ચરણોમાં.! એ જીવન વ્યાપિની દીક્ષા, એ તમારાં ફ્યુચર પ્લાનીંગમાં રાખજો, પણ હમણાંના પ્લાનીંગમાં સ્વાનુભૂતિ તો છે જ. એ સ્વાનુભૂતિની દિશામાં આગળ જઈ શકાય એના માટે મંત્રદીક્ષા આપું છું..
નમસ્કાર મહામંત્ર એટલાં માટે આપું છું, એક તો શાશ્વત છે અને એની એફિશિયન્સી બહુ જ છે.! આ એકવાત સમજવા જેવી છે. મંત્રની પોતાની એફિશિયન્સી હોય અને મંત્ર દાતા ગુરુની એફિશિયન્સી એમાં ભળે. એફિશિયન્સી એટલી બધી છે કે કોને રચ્યું એ આપણને ખબર નથી અને દ્વાદશાંગીમાં આપણે માનીએ. પણ વારંવાર, વારંવાર એ રિપીટ થયો આવે છે, બીજી દ્વાદશાંગીઓમાં પણ નમસ્કાર મહામંત્ર હતો; એટલે અત્યંત જેમનું જીવન પવિત્ર હતું એવા મહાપુરુષો પાસેથી આપણને આ શબ્દ મળેલો છે.! એટલે આ મંત્રની એફિશિયન્સી બહુ સરસ છે.! શક્તિ એની બહુ જોરદાર છે.! હવે સદ્ગુરુ દ્વારા મળે.! શક્તિ ઓર વધી જાય.! અને એ ‘નમો’ તમારી ભીતર જતો રહે.! એટલે શું કહ્યું? ‘એસો પંચ નમુક્કારો, સવ્વપાવ-પ્પણાસણો’ આ પંચ પરમેષ્ઠીને કરાયેલો નમસ્કાર સર્વ પાપનો નાશ કરે છે.! પ્રભુનું વચન, ગણધર ભગવંતોનું વચન શંકાને કોઈ સ્થાન નથી.! પાપનો નાશ કરે એમ નથી કહ્યું! શું કહ્યું? સવ્વપાવ-પ્પણાસણો.. કોઈ પણ પાપ તમે કર્યુ જીવનમાં, અનંતા જન્મોમાં બધાને ખતમ કરવાની તાકાત, એસો પંચ નમુક્કારો માં છે! માત્ર આટલી જ વાત ગુપ્ત રાખી કે એ નમસ્કાર, અંદર ઉતરી ગયેલો હોવો જોઈએ.!
મારે એવો નમસ્કાર મહામંત્ર આજે આપવો છે કે તમારા અસ્તિત્વના સ્તરે એ નમસ્કાર મહામંત્ર તો ઉતરી જ જાય.! મારે સાધનાને પણ અસ્તિત્વના સ્તરે ઉતારવી છે, સ્વાનુભૂતિને પણ અસ્તિત્વના સ્તરે આપવી છે. એટલે પહેલું કામ આ કરું છે કે નમસ્કાર મહામંત્ર ને અસ્તિત્વના સ્તર ઉપર તમારે લેવો છે; Conscious mind ના લેવલ ઉપર નમસ્કાર મહામંત્ર હતો, અસ્તિત્વના સ્તર ઉપર કદાચ નહોતો, આજે એ મળી જાય..
તો મંત્રદીક્ષાનો હવે વિધિનો આપણે પ્રારંભ કરીએ.