વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત
Subject: સ્વાનુભૂતિ
કોઇ પણ આંતરયાત્રાનો પથ હોય, સ્વાનુભૂતિની વાત તો એમાં કેન્દ્રસ્થાને રહેવાની જ છે. કારણ કે સ્વનો અનુભવ ન કરો, ત્યાં સુધી સાધના કેવી! શરીર માટે સાધના કરવાની છે? ના. સાધના માત્ર અને માત્ર આત્મનિર્મલીકરણ માટે છે.
ગુણસ્થાનકોવાળી આંતરયાત્રાના પથમાં ચોથે ગુણસ્થાનકે સ્વાનુભૂતિની સ્પર્શના થાય છે. મિત્રા થી પરા સુધીના યાત્રાપથમાં પાંચમી સ્થિરા દ્રષ્ટિમાં સ્વાનુભૂતિનો સ્પર્શ થાય છે. આપણે જે જોઈ રહ્યા છીએ, એ ત્રીજા આંતરયાત્રા પથમાં પ્રારંભમાં જ સ્વાનુભૂતિના સ્પર્શની વાત છે! સ્વાનુભૂતિનો સ્પર્શ જેને નથી થયો, એ સાધક આ ત્રીજા આંતરયાત્રા પથને શરૂ પણ કરી શકતો નથી.
સ્વાનુભૂતિનો માર્ગ કયો? પુદ્ગલ અનુભવ ત્યાગથી કરવી જસુ પરતીત. પુદ્ગલોનો ઉપયોગ તમે કરી શકો; પણ એમાં રાગ-દ્વેષાત્મક અનુભવ તમને ન થવો જોઈએ. તમે માત્ર દ્રષ્ટા છો; માત્ર અને માત્ર દ્રષ્ટા.
મૌન ધ્યાન સાધના શિબિર ૧૧ – જીરાવલા વાચના – ૨
અંતરયાત્રાના એક પથ ઉપર આપણે ચાલવું છે. અધ્યાત્મયોગથી વૃત્તિસંક્ષય યોગ સુધીનો એક બહુ જ મજાનો ભગવાન હરિભદ્રાચાર્યે આપેલો આંતરયાત્રાનો પથ.
કોઇ પણ આંતરયાત્રાનો પથ હશે, સ્વાનુભૂતિની વાત તો કેન્દ્રસ્થાને રહેવાની જ છે. સ્વાનુભૂતિ વિના સાધનાનો પ્રારંભ શક્ય જ નથી. ગુણસ્થાનકોવાળી આંતરયાત્રા ના પથમાં ચોથે ગુણસ્થાનકે સ્વાનુભૂતિની સ્પર્શના થાય છે. મિત્રાથી પરા સુધીના બીજા આંતરયાત્રા પથમાં પાંચમી સ્થિરા દ્રષ્ટીએ સ્વાનુભૂતિનો સ્પર્શ થાય છે. ત્રીજા આ આંતરયાત્રા પથમાં પ્રારંભમાં જ સ્વાનુભૂતિના સ્પર્શની વાત છે. સ્વાનુભૂતિનો સ્પર્શ જેને નથી થયો એ સાધક આ ત્રીજા આંતરયાત્રા પથને શરૂ પણ કરી શકતો નથી. તો સૌથી પહેલા સ્વાનુભૂતિને આપણે માત્ર જોવી છે એમ નહિ કહું, એને આત્મસાત કરવી છે.
સ્વાનુભૂતિ શબ્દ કહે છે તેમ સ્વનો અનુભવ. આપણે આપણો જ અનુભવ ન કરીએ તો ચાલે કેમ? હું મારા ‘હું’ થી જ દુર હોઉં, ચાલી શકે ખરું?
એક બૌદ્ધભિક્ષુ એકવાર રડતા હતા. કોઈકે પૂછ્યું કેમ રડો છો? ત્યારે એમણે કહ્યું કે સાંજે બુદ્ધ ભગવાન પાસે હું વંદન માટે જઈશ. કદાચ બુદ્ધ ભગવાન મને પૂછશે કે બેટા! તું મુદ્ગલાયન જેવો જ્ઞાની કે આનંદ જેવો પ્રબુદ્ધ સાધક કેમ ન બન્યો? હું કહીશ પ્રેમથી હાથ જોડીને કે ગુરુદેવ! ભગવંત! આપ એવો બનાવશો ત્યારે એવો પણ બની જઈશ. પણ જો પ્રભુ મને પૂછશે કે તું સ્થિરચિત્ત કેમ નથી? તારું ચિત્ત ડામાડોળ કેમ છે? કદાચ ભગવાન મને આવું પૂછશે તો હું શું જવાબ આપીશ? એના માટે હું રડી રહ્યો છું. કારણ, દીક્ષા વખતે બુદ્ધ ભગવાને મને મારું નવું નામ સ્થિરચિત્ત આપેલું છે. ભગવાને મારા ઉપર શક્તિપાત કર્યો છે. હરીભદ્રસૂરી મહારાજ ષોડશકમાં આ જ વાત કહે છે. “નામન્યાસ એવ શક્તિપાત:”. ગુરુ જયારે દીક્ષા વખતે શિષ્યને નવું નામ આપે છે ત્યારે ગુરુ માત્ર નામ નથી આપતા, શક્તિપાત કરે છે. પછી ગુરુના શક્તિપાતની અસર એ હોય છે. બિલકુલ ક્રોધી માણસ હોય. વારંવાર ક્રોધ કરનારો હોય. ગુરુ એના ઉપર શક્તિપાત કરે. દીક્ષા વખતે નામ આપે, ‘પ્રશમરતિ’. બસ જિંદગીના અંત સુધી એ ક્રોધ કરી શકતો નથી. એ ક્રોધ નથી કરતો એમ નહિ કહું. ક્રોધ એ કરી શકતો નથી. કારણ, સદ્ગુરુએ શક્તિપાત કરેલો છે.
આ બૌદ્ધભિક્ષુ કહે છે. પ્રભુએ બુદ્ધ ભગવાને મારા ઉપર શક્તિપાત કર્યો છે. સ્થિરચિત્ત નામ આપી દીધું. બેટા! તારે સ્થિરચિત્ત રહેવાનું છે. હવે મારું ચિત્ત ડામાડોળ છે. પ્રભુ મને પૂછશે, તું સ્થિરચિત્ત કેમ ન બન્યો? હું શું જવાબ આપીશ? એના માટે હું રડી રહ્યો છું. અને પછી એ બૌદ્ધભિક્ષુના બહુ જ પ્યારા શબ્દો હતા. ‘હું’ ‘હું’ ન હોઉં તો શું હોઉં? ‘હું’ સ્થિરચિત્ત છું. હું જો સ્થિરચિત્ત ન હોઉં તો શું હોઉં? આ એક પીડા છે. ‘હું’ ‘હું’ ન હોઉં તો શું હોઉં? આ પીડાનો સ્પર્શ થઈ ગયો. સ્વાનુભૂતિની યાત્રા ચાલુ થઈ જશે. બીજું કશું જ કરવાનું નથી. તમારે તમારાં ‘હું’ ને અનુભવવાનો છે. ‘હું’ કોણ? તમે કોણ છો? ખબર છે તમને? તમે આનંદઘન છો. 300 વરસ પહેલા આનંદઘનજી થયા એ જૂની વાત છે. તમે બધા જ આનંદઘન છો. આનંદનો એક અજશ્ર ફુવારો તમારી ભીતરથી નિરંતર ઉડી રહ્યો છે. કેવી વિડંબના છે! આનંદનો ફુવારો નિરંતર જેની ભીતરથી ઉડી રહ્યો છે એ સાધક વિષાદઘન હોય, પીડાઘન હોય, ચાલી શકે ખરું? તમે આનંદઘન છો જ. સવાલ જ નથી. પ્રભુ તમને આનંદઘન કહે છે. આ આનંદઘનત્વ એ તમારો ‘હું’. તમે આનંદઘન ન હોવ તો શું હોવ, મારે તમને પૂછવું છે?
તો સ્વાનુભૂતિ કોઈ પણ સાધનાના કેન્દ્રમાં રહેવાની જ છે કારણ કે સ્વનો અનુભવ ન કરો ત્યાં સુધી સાધના કેવી? શું શરીર માટે સાધના કરવાની હોય છે? નહિ. સાધના માત્ર અને માત્ર આત્મનિર્મલીકરણ માટે છે. ‘હું’ ‘હું’ બનુ એના માટે જ બધી સાધના છે. અને સ્વાનુભૂતિના શિખર ઉપર તમે પહોંચી ગયા. YOU HAVE NOT TO DO ANYTHING ABSOLUTELY. તમારે કશું જ કરવાનું નથી. સિદ્ધભગવંતો સ્વાનુભૂતિની શિખર દશામાં પહોંચી ગયા, હવે માત્ર અક્રિયરૂપે બેઠા છે. They have not to do anything absolutely. સ્વાનુભૂતિથી જ સાધના શરૂ થાય છે. સ્વાનુભૂતિથી જ સાધનાની શિખરાનુભુતિ છે. એ જ સ્વાનુભૂતિને આપણે અહીંથી મેળવીને જવાનું છે.
લોકમાન્ય તિલકે ઘોષણા કરેલી, સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે. બ્રીટીશરોને હાંકી કાઢીશ અને મારા દેશમાં મારું રાજ્ય હું સ્થાપીશ. તમારે કહેવું છે, સ્વાનુભૂતિ એ મારો જન્મસિદ્ધ અધિકાર છે. સ્વાનુભૂતિ નહિ મળે ત્યાં સુધી હું જંપીશ નહિ. પ્રભુની પાસે પણ માત્ર એક જ પ્રાર્થના કરો, પ્રભુ મારે જોઈએ માત્ર અને માત્ર સ્વાનુભૂતિ. એનાથી ઓછું મારે કશું જ નહિ જોઈએ. હું ઘણીવાર કહું છું. પ્રભુ પાસે માંગો એટલે મળે એમ નહિ, પ્રભુ પાસે માંગો એટલે મળે જ. આજે પ્રાર્થનાની શક્તિ માત્ર ભારતમાં નહિ, યુરોપ અને આફ્રિકાના અંધારઘેરા ખંડોમાં કામ કરી રહી છે. પ્રભુને પ્રાર્થના કરો. ON THAT VERY MOMENT એ પ્રાર્થના activate બને છે. અહીંયા પ્રભુને પ્રાર્થના કરી એ પ્રાર્થના HEARTLY હોય, હૃદયના ઊંડાણથી નીકળેલી હોય. એ જ ક્ષણે એ સક્રિય બને છે, સાકાર બને છે. પ્રાર્થના કેટલી ઝડપથી કામ કરે છે એની વાત કરું. તમે સ્વિચ on કરો અને પંખો ફરફરી ઉઠે કે લેમ્પ જલી ઉઠે એમાં પણ વચ્ચે પ્રતિ પ્રતિ પ્રતિ સેકંડ લાગે છે. પ્રાર્થના ON THAT VERY MOMENT સક્રિય બને છે.
તો જીરાવાલા દાદાના ચરણોમાં આપણે આવ્યા છીએ, દાદાને કહેવું છે દાદા સ્વાનુભૂતિ લીધા વિના હું તારી પાસેથી જવાનો નથી. બાળક માં ની પાસે આવે. કોઈક વિશેષ દિવસે, birthday ના દિવસે, માં ગીફ્ટ તૈયાર જ રાખે ને? હું તો કહી દઉં તમારે માંગવાનું પણ નથી. પ્રભુ કહે છે લે, બેટા! સ્વાનુભૂતિ લઈને જા. HE IS EVER READY. દાદા તૈયાર છે. મારે તમને તૈયાર કરવા છે. કે દાદાના દાનને તમે ઝીલી શકો. કેમ ભાઈ અમે લોકોએ દાદાના એ જ દાનને ઝીલ્યું. તો શું દાદાને કોઈ ભેદભાવ છે? કે યશોવિજયને આપવું અને બીજાને નહિ આપવું. અને ભેદભાવ હોય તો દાદા દાદા તરીકે બેસી ન શકે. પ્રભુ તૈયાર છે તમને બધાને સ્વાનુભૂતિ આપવા માટે, તમારે જોઈએ? જોઈએ નહિ, જોઈએ જ. Must. સ્વાનુભૂતિ વિના મને હવે ચાલી શકે જ નહિ. આ વાત પર તમારે દ્રઢ બનવું પડશે. તો સ્વની અનુભૂતિ કેમ થાય? બરોબર? કરવી છે એ નક્કી જ થઈ ગયું. સ્વાનુભૂતિ જ જોઈએ બીજું કાંઈ જ નહિ.
તો સ્વની અનુભૂતિ થાય શી રીતે?
દેવચંદ્રજી મહારાજે અભિનંદનસ્વામી ભગવાનના સ્તવનમાં પ્રારંભમાં જ બહુ મીઠડી પ્રસ્તુતિ આપી. શું મજાનો કાવ્યાત્મક પ્રારંભ છે! ‘કયું જાણું કયું બની આવશે, અભિનંદન રસ રીત’ મને ખબર નથી કે પ્રભુનો પરમરસ હું કઈ રીતે પી શકીશ? સ્વાનુભૂતિ એટલે પ્રભુનો પરમરસ. ઉપનિષદો સ્પષ્ટ કહે છે. “રસો વૈ સ:”. રસ માત્ર એક જ – આ પ્રભુનો પરમ રસ છે એ જ, સ્વાનુભૂતિ. બીજા બધા કુચ્ચા. ‘કયું જાણું કયું બની આવશે, અભિનંદન રસ રીત. પરમાત્માનો રસ મને શી રીતે મળશે? અને પછી મજાની પ્રસ્તુતિ આવી, ‘પુદ્ગલ અનુભવ ત્યાગથી કરવી જસુ પરતીત.’ દેવચંદ્રજી મહારાજ સાહેબ પ્રતીતિના અનુભૂતિના માણસ છે. જેણે પોતે અનુભૂતિ કરી હોય ને એની અભિવ્યક્તિમાં જે બળ હોય છે ને એ બળ સામાન્ય વ્યક્તિની અભિવ્યક્તિમાં ક્યારેય પણ નથી હોતું. દેવચંદ્રજી મહારાજની અભિવ્યક્તિ સ્પર્શે છે. કારણ, અનુભૂતિથી ભીની-ભીની બનેલી એ અભિવ્યક્તિ છે. તો સ્વાનુભૂતિ માટેનો પ્રભુના પરમરસને ચાખવા માટેનો મજાનો માર્ગ આપે છે. ‘પુદ્ગલ અનુભવ ત્યાગથી, કરવી જસુ પરતીત .’ ચલ ભાઈ. પૂછે છે દેવચંદ્રજી મહારાજ સ્વાનુભૂતિ જોઈએ? ચલ હમણાં જ આપી દઉં. NOW AND HERE. ઉધારીનો ધંધો વળી ક્યાં કરવો? સાહેબ શી રીતે?
તો મજાનો માર્ગ આપ્યો. એકદમ સરળ. પુદ્ગલોનો ઉપયોગ તું કરજે. શરીર છે તારી પાસે. આહારના પુદ્ગલો, વસ્ત્રના પુદ્ગલો તને જોઇશે. પુદ્ગલોનો ઉપયોગ તું કરી શકે છે. પણ એમાં રાગ-દ્વેષાત્મક અનુભવ તને ન થવો જોઈએ. કેટલી સરળ વાત છે? એક કપ નહિ, ચાર કપ ચા તમે પીવો ગરમાગરમ. કોઈ વાંધો નથી. એક વાર નહિ ચાર વાર ચા પીવો. દેવચંદ્રને મ.સા. ને વાંધો નથી અને મને પણ વાંધો નથી. પણ ચા ટેસ્ટી છે એવું મનમાં આવ્યું તો વાંધો છે.
એક સવાલ પૂછું? અત્યારે નવકારશી માટે જશો. ચા કોણ પીશે? એ તો મને કહો. ચા તમે પીશો કે શરીર પીશે? Division પાડતા શીખો હવે. ચા કોણ પીશે? We have not to drink the tea. તમારે ચા પીવાની નથી. હું ચા પીવા લાગીશ ને ત્યારે આ વસ્તુ હશે. મારું શરીર ચા પીતું હશે, હું દ્રષ્ટાભાવમાં હોઈશ. એક સાધુ ગોચરી વાપરીને બહાર આવે. એને તમે પૂછો, શું વાપર્યું સાહેબ? એ કહે મને કાંઈ યાદ નથી. પાત્રામાં મુકાયું હશે એ વાપરી ગયું હશે. યાદ નથી. બરોબરને? વાપર્યું આણે, શરીરે. એને પૂછો, મને શું પૂછો છો? ખાનાર શરીર, પીનાર શરીર. તમે માત્ર દ્રષ્ટા છો. માત્ર અને માત્ર દ્રષ્ટા તમે છો. ખાનાર શરીર, ચા પીનાર શરીર. તમે જોનાર છો.
જનકરાજાએ અષ્ટાવક્ર ઋષિને આ જ પ્રશ્ન પૂછેલો, કે મને કર્મબંધ કેમ થાય છે? શું પ્યારા શબ્દો અષ્ટાવક્ર ઋષિએ કહેલા, ‘एको द्रष्टासि सर्वस्य मुक्तप्रयोऽसि सर्वदा.’ અષ્ટાવક્ર ઋષિ જનકરાજાને કહે છે, ‘एको द्रष्टासि सर्वस्य मुक्तप्रयोऽसि सर्वदा.’ તું માત્ર દ્રષ્ટા છે. અને દ્રષ્ટા તરીકે તું મુક્ત છે. ભગવાને આ જ વાત આચારાંગસૂત્રમાં કહી. સાધકે પૂછ્યું, किमत्थि उवाहि पासगस्स? પ્રભુ દ્રષ્ટાને કઈ ઉપાધિ હોય છે? किमत्थि उवाहि पासगस्स? ભગવાને કહ્યું ‘णत्थि त्तिबेमि’. દ્રષ્ટાને કોઈ પીડા નથી. દ્રષ્ટાને કોઈ કર્મબંધ નથી. હવે વાત એ આવી. કર્મબંધ થાય છે કેમ? ‘अयमेव हि ते बन्धो दृष्टारं पश्यसीतरम्’ અષ્ટાવક્રઋષિ કહે છે; अयमेव हि ते बन्ध:- તું કર્મબંધ ક્યારે કરે છે? જયારે દ્રષ્ટા તરીકે – હું તરીકે તું બીજાને કલ્પે છે. હું તું પોતે જ છે આનંદઘન આત્મા. શરીર તે હું નથી. શરીરને હું તરીકે કલ્પ્યું. મનને હું તરીકે કલ્પ્યું. કર્મબંધ થઈ ગયો. મનને આ ગમે છે માટે કરવું છે. કર્મબંધ શરૂ થઇ ગયો. શરીર ખાય, શરીર પીએ. તમે માત્ર દ્રષ્ટા છો. આજે નાસ્તો કર્યા પછી જે જે લોકોને લાગે, જે જે સાધકોને લાગે કે ખરેખર નાસ્તો કેવો હતો, એની ખબર પણ પડી નથી. મારા મનમાં એની નોંધ લેવાઈ નથી. એ લોકોએ પોતાની નોંધપોથીમાં નોંધ કરવાની. કહેવાનું નથી કોઈને. મૌન તો તમારી પાસે છે જ.
મૌનની અસર કેવી થાય તમને કહું. ગઈ જીરાવાલા શિબિરમાં અહીંયા બધું full થઈ ગયેલું. કેટલાક સાધકો ત્રિસ્તુતિક ધર્મશાળાથી બાજુમાં, થોડેક દુર, ૨૦૦-૫૦૦ મીટર દુર, ત્યાં રહેલાં. કોઈ વૃદ્ધ સાધક હશે. ચાલી નહિ શકતા હોય. રીક્ષાવાળો આમ જતો હતો. બોલાવ્યો, ઇશારાથી. ઈશારો કર્યો, આમ? – ઉપાશ્રય તરફ. રીક્ષાવાળો ઉપાશ્રય આવ્યો. આનંદભાઈ ત્યાં ઉભેલા હતા. પૂર્વના વ્યવસ્થાપક. એમણે એક દ્રશ્ય નિહાળ્યું. પેલા સાધક તો ઇશારાથી વાતો કરે હમ, ઉ , ઉં.. પેલો રીક્ષાવાળો એ આમ આમ કરવા માંડ્યો. પેલા આનંદભાઈ કહે રિક્ષાવાળા તારે તો બોલવાની છુટ છે, તું તો બોલ પણ, તું ઈશારા કેમ કરે છે? પેલો રીક્ષાવાળો કહે આ તમારાં લોકોના સંગમાં રહીને હું પણ બોલવાનું ભૂલી ગયો છું. આ, આર્ય મૌન તમારી પાસે છે.
એક જ વાત પર આજે તમને લઇ જાઉં છું. તમે માત્ર દ્રષ્ટા છો. જે ક્ષણે દ્રષ્ટા બન્યા તમે, એ ક્ષણે મુક્ત. જે ક્ષણે દ્રષ્ટા ને શરીર તરીકે કલ્પ્યું, દ્રષ્ટા મન તરીકે કલ્પ્યું. કર્મબંધ ચાલુ. સાધકની તો ભાષા કેવી હોય? તાવ આવેલો હોય ને તો શું કહે? આ શરીરને તાવ આવેલો છે. કોને તાવ આવ્યો? ભાઈ તને તાવ આવ્યો છે? તું આનંદઘન તું અરુજ અને અમર છે. તો રોગ તારામાં આવવાનો ક્યાંથી? સિદ્ધ ભગવાનને તાવ આવે છે? આપણી નિર્મલ ચેતના સિદ્ધ ભગવંત જેવી જ છે. તમે માત્ર દ્રષ્ટા છો, કર્તા નથી.
વૈભાવિક જગતના કર્તા તરીકેથી આજે resign થવું છે બોલો? સ્વાનુભૂતિ હમણાં આપી દઉં તમને. વૈભાવિક તમામ કાર્યકલાપમાંથી કર્તૃત્વને કાઢી નાંખવું છે. ક્યાંય તમે કર્તા નથી. શરીર ખાતું હોય તો ભલે ખાય. શરીર પીતું હોય તો ભલે પીવે. શરીર ઊંઘતું હોય તો ભલે ઊંઘી જાય. તમારે જાગતા રહેવાનું છે.
આજે યૌગિક પરિભાષામાં એક નવો શબ્દ આવ્યો છે. Conscious sleep. Conscious sleep. જાગૃત નિદ્રા. બહુ મજાની વાત છે ત્યાં કે ભાઈ ઊંઘી કોણ જાય? જે થાકેલો હોય એ ઊંઘી જાય. શરીર થાક્યું છે તો ઊંઘી જાય. Conscious mind વિચારો કરીને થાક્યું છે તો ઊંઘી જાય. તમારે ક્યાં થાકવાનું છે? તમારે ક્યાં ઊંઘવાનું છે? We have not to sleep. અને આ જ લયમાં ભગવાને કહ્યું, ‘मुणिणो सया जागरन्ति, सुत्ता अमुणी.’ ‘मुणिणो सया जागरन्ति.’ મારો સાધક, મારી સાધિકા સતત જાગૃત છે. કારણ, પ્રભુ આ લયમાં કહે છે. એનું શરીર ભલે ઊંઘ્યું હશે, એ જાગૃત છે.
તમને ખ્યાલ છે? પૌષધ કરો તમે, સંથારાપોરસીનું સૂત્ર બોલો એમાં વાત આવે છે: अतरंत पमज्जए भूमिं. પડખું બદલવાનું હોય ઊંઘમાં ત્યારે પણ સાધક જે છે તે ચરવળાથી એ જમીનને અને પોતાના પડખાના શરીરને પુંજે છે. આ ક્યારે બની શકે? શરીર ઊંઘે છે અને તમે જાગો છો. એ વાત નક્કી છે. સમેતશિખરની યાત્રા એ તમે ગયા રેલ્વેની નાનકડી બર્થ ઉપર તમારે સુવાનું છે. પણ બેડમાં તમે આમથી તેમ આળોટતા હોવ. પણ અહિયાં નાનકડી જ બર્થ છે. સાંકડી બર્થ. તમે તમારાં Conscious mind ને સુચના આપો છો કે રાત્રે હાલ્યા-ડૂલ્યા તો નીચે પછડાઈ જઈશું. તમે સુચના આપો છો. Conscious mind ને સુચના આપનાર તમે. unconscious mind સુધી એ સુચના પહોંચે. Conscious mind સુતું હોય તો પણ unconscious mind માં એ માહિતી સંગ્રહાય; તમે પડતા નથી. ઊંઘવાનું કોણે? તમારે નહિ. શરીર ઊંઘી જાય, કોન્શિયસ માઈન્ડ ઊંઘી જાય. ખાવાનું શરીરને, પીવાનું શરીરને, ઊંઘવાનું શરીરને.
તમારે જાગતા રહેવાનું બરોબરને?
તમે માત્ર ને માત્ર દ્રષ્ટા.
આ સ્વાનુભૂતિને આજે આપણે ચર્ચવાની છે આગળ ને આગળ. અત્યારે થોડું આપણે પ્રેક્ટીકલ કરી લઈએ.