વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત
Subject: તોડ-જોડ અને જોડ-તોડ
આંતરયાત્રાના બે માર્ગો છે. એક માર્ગ તોડ-જોડ નો. પ્રીતિ અનંતી પર થકી, જે તોડે હો તે જોડે એહ. જે ક્ષણે અનંતા પરની પ્રીત ગઈ, સ્વની પ્રીત ચાલુ થઈ ગઈ. પરપદાર્થોનો ઉપયોગ હોય, પણ પરપદાર્થોમાં તમારો ઉપયોગ ન હોય. આ તોડ-જોડ નો માર્ગ; સાધકનો માર્ગ.
બીજો છે ભક્તનો માર્ગ; જોડ-તોડ નો માર્ગ. ભક્ત કહે છે કે છોડી છોડીને કેટલું છોડશું? આ છોડ્યું, પેલું છોડ્યું ને પેલુંય છોડ્યું; પણ એમાં કોઈ એક પર રહી ગયું, તો પાછું માથાનો દુખાવો! એના કરતા સીધા પ્રભુની સાથે જ જોડાઈ જાઓ ને! પ્રભુ સાથે જોડાઈ ગયા, એટલે સ્વ સાથે જોડાઈ ગયા. પછી બધું છૂટી જ જાય ને; છોડવાનું બાકી ક્યાં રહે કંઈ!
જોડ-તોડ ના માર્ગનું પહેલું ચરણ: પ્રભુ નિર્મલ દર્શન કીજીયે. નિર્મલનો અર્થ અહીં છે નિર્વિકલ્પ. તમે વિકલ્પો વગરના થઈને, વિચારો વગરના થઈને, બુદ્ધિ અને મનની frame ને બહાર કાઢીને પ્રભુનું દર્શન કરો, તો એ થયું નિર્મલ દર્શન.
મૌન ધ્યાન સાધના શિબિર ૧૧ – જીરાવલા વાચના – ૪
એક મજાનો આંતરયાત્રા પથ. તમે ચાલો ને મજા આવે. તમે ચાલો ને Fresh-fresh થઈ જાઓ. પ્રભુના માર્ગની એક વિશેષતાની તમને વાત કરું. બીજી કોઇ પણ જગ્યાએ મંઝીલ મળે. મંઝીલ નજીક આવે ત્યારે આનંદ થતો હોય છે. ચાલો આપણે પાલીતાણા જવાનું હતું, આવી ગયું. સંઘયાત્રી હોય, થાકેલો હોય, સામે ટેન્ટોનું નગર દેખાય તો ભાઈ ચાલો આપણો પડાવ આવી ગયો. મંઝીલ મળે અને આનંદ આવે એના કરતા પ્રભુના માર્ગની વિશેષતા એ છે, તમે માર્ગમાં ચાલો અને ઝૂમો. એરકંડીશન માર્ગ છે. પ્રભુનો જે માર્ગ છે ને એટલો મજાનો છે, તમે ચાલો ને તરોતાજા થઈ જાઓ.
જુના જમાનામાં હાથીયાથોરની વાડો રહેતી. થોર જ હોય, પણ હાથી જેટલો ઉંચો હોય એટલે તેને હાથીયોથોર કહેવામાં આવે. બે બાજુ હાથીયાથોરની વાડ હોય વચ્ચે રસ્તો હોય. ઉનાળાની બપોરે ચાર વાગે એ રસ્તો એરકંડીશન બની જાય. અમને તો અનુભવ નહોતો આનો. એક ગામમાં ગયેલા. આખો દિવસ ત્યાં રોકાઈ ગયા. બીજે દિવસે બીજે ગામ થોડે દુર જવાનું હતું. પણ 3-૪ કિલોમીટર દુર એક ગામ આવતું હતું. ભાવકોનું ગામ. એમને ખ્યાલ આવ્યો કે સાહેબનો આવતીકાલનો પ્રોગ્રામ તો પેલી બાજુ છે. તો અમારું ગામ આવશે વચ્ચે અમને લાભ નહિ મળે. એ લોકો આવ્યા. સાહેબ, અમને લાભ મળવો જોઈએ. મેં કહ્યું, ok હું તૈયાર જ હોઉં છું. શિયાળો હોત તો ત્રણ વાગે નીકળીને પણ તમારે ત્યાં આવી જાત. ઉનાળો છે હું શું કરું? આ સાધુઓનો વિચાર મારે કરવો પડે. એ કહે સાહેબ આ ગામવાળાઓને આપ પૂછી જુઓ ને અમારી પર વિશ્વાસ ન આવે તો. અહીંથી ગામની બહાર જાઓ, બે બાજુ હાથીયાથોરની વાડ ચાલુ થઈ જાય. વચ્ચે એક નેળિયું છે ઠેઠ અમારા ગામમાં પાસે એ નેળિયું ખુલે છે. એક ફૂટ રસ્તો એવો નથી જે થોરની વાડથી ઢંકાયેલો ન હોય. આ ગામવાળા બેઠેલાં. એમને કહ્યું સાહેબ વાત તો સાચી છે. અમે અમારા લોભ માટે કહીએ કે સાહેબ રોકાઈ જાઓ પણ એમને લાભ મળતો હોય તો આપ ચાર વાગે પધારશો ઉનાળાની બપોરે ગરમી નહિ લાગે. અને ખરેખર અમે ચાર વાગે બપોરે ચાલ્યા. અનુભવ એટલો મજાનો રહ્યો કે ઉપાશ્રયની ચાર દીવાલોમાં, ધાબાની નીચે, આગ ઝરતા ધાબાની નીચે ગરમીમાં અમે મહાલતા હતા. મહાલતા હતા હો. અને પછી એ હાથીયાથોરની એરકંડીશન વાડ અમને મળી ગઈ.
પ્રભુનો માર્ગ આ છે. તમે ચાલો અને તમને મજા આવી જાય. પૂછો આ લોકોને, કેવી મજા આવે છે? ૪૫ ડીગ્રી ગરમીમાં તમે લોકોએ જે મજા સહન કરેલી, તમે લોકોએ જે સહન કરેલી. એ તમે સહન નહિ કરી હો તમે રહી ગયા કહું છું. તમે રહી ગયા. એ.સી. માં જ તમે બેઠા રહ્યા. એ મજા તમે માણી ન શક્યા. તો પ્રભુનો માર્ગ મજાનો મજાનો છે. પ્રભુએ સ્વાનુભૂતિ માટે એક મજાનો માર્ગ ચિંધ્યો છે.
અત્યાર સુધી શું હતું? અનંતા જન્મોમાં પરમાંથી આપણે સુખને મેળવતા રહ્યાં. ભલે ભ્રમણા હતી. પણ મેળવતા રહ્યા. પણ આપણું મન તો વિવરિંગ હતું. વિવરિંગ માઈન્ડ લઈને આપણે બેઠા છીએ. એટલે એક જ પરમાં તો આ મન કંટાળી જતું. બદલાહટ તો એને જોઈતી. હવેલીમાંથી પછી હિમાલય જવાનું કરે, હિમાલયથી પાછો હવેલીએ આવે. રોટલી પરથી થાકે તો ભાખરી ઉપર જાય, ભાખરી ઉપરથી થાકે એટલે થેપલા ઉપર જાય. વાત તો એકની એક જ છે. પણ પરમાં એક બદલાહટ કરે કારણ એક જ પરમાં તમે કોન્સ્ટન્ટ રહી શકતા નથી.
એક ગીત નવું આવ્યું. બહુ જ ગમી ગયું. બહુ ગમે છે ને ભાઈ? ગીત બહુ ગમે છે ને? ટેપરેકોર્ડર તમારી પાસે મૂકી દેવામાં આવે. તમને ફરજ પાડવામાં આવે તમારે સાંભળવું જ પડશે. એ ગીત ૧૦૦ વાર, ૨૦૦ વાર, ૫૦૦ વાર તમારાં કાન પર ફેંકવામાં આવે શું થાય? કેમ? આપણું મન વિવરીંગ છે. એટલે એક જ પરથી એ કંટાળી જવાનું છે. અને અનંતા જન્મોમાં આપણે શું કર્યું? પરમાં બદલાહટ કરી. આ પરમાં થાક્યા તો પેલા પરમાં ગયા. પરનું પર જ. પણ વિવરીંગ માઈન્ડ હતું એટલે exchange મળ્યો. Change મળ્યો.
તો તમે ડોળીવાળાને જોયો હશે પાલીતાણામાં. ડોળીવાળા ડોળી લઈને નીકળે. વજન હોય. ખભા પર લાકડું મુક્યું હોય. ખભો તપી જાય થોડી વારમાં તમારો. દુ:ખવા આવે. ડાબા ખભા ઉપર લાકડું મુકેલું છે. ડાબો ખભો તપી જાય, ગરમ થઈ જાય. એટલે જમણા ખભે લાકડું મૂકી દે. હાશ, લાગે. બહુ સરસ! અરે! બહુ સરસ નથી રહેવાનું કાંઈ. ૧૦ મિનીટ લાગશે પાછો ડાબો ખભો તપવા માંડશે. આમથી પાછો આમ લઇ જઈશ તું.
પ્રભુએ આપણને મજાનો એક option આપ્યો. એટલે અનંતા જન્મોની સફર કરતા આ જન્મની યાત્રા અત્યંત મુલ્યવંત છે. અત્યંત મુલ્યવંત. કે પ્રભુએ આપણને એક નવો જ અવસર આપ્યો, એક નવી જ દિશા આપી કે બેટા પરથી તું કંટાળ્યો તો છે જ. હું તને એવી એક દુનિયા બતાવું કે જ્યાં થાક લાગે નહિ, જ્યાં કંટાળો આવે નહિ. અને એ દુનિયા છે તારી પોતાની દુનિયા તારા સ્વની દુનિયા. પ્રભુએ કૃપા કરી. માર્ગ બતાવ્યો. આપણે શું કરવાના? બે સેશનથી આપણે એક વાત ઘૂંટી રહ્યા છીએ. સ્વાનુભૂતિ મેળવવી જ છે. સ્વાનુભૂતિ મળવી જ જોઈએ. પણ હું કહું ત્યાં સુધી ચાલશે નહિ આ વાત. તમે જયારે કહેવા માંડશો કે સાહેબ must. સ્વાનુભૂતિ જોઇશે જ, એના વિના નહિ જ ચાલે. ત્યારે કામનો પ્રારંભ થશે. તમારું મન જયારે વાત સ્વીકારે છે ત્યારે કામ થઈ જાય. તો તમારા મનમાં આ વાત રોપાવી જોઈએ કે ચાલોને બસ એક ચાન્સ, એક તક લઇ લઈએ. સ્વાનુભૂતિનો આનંદ થોડો માણી લઇએ. જોઈએ તો ખરા કે કેવો છે આનંદ? આ રીતે પણ એકવાર સ્વાનુભૂતિમાં જવાનું મન થાય. પછી તમે પૂછવા આવજો સાહેબ સ્વાનુભૂતિનો માર્ગ કયો? અમે લોકો એ માર્ગ ઉપર ચાલેલા છીએ. ચાલેલા છીએ એટલે નહિ, સેંકડો-હજારો સાધકોને એ માર્ગ ચલાવ્યા છે અમે…. એટલે રસ્તાના એક એક point નો અનુભવ છે. તમે માત્ર તૈયાર થયા, યાત્રા શરૂ.
એ યાત્રાના બે માર્ગો છે. આપણે એક માર્ગ જોતા હતા. રાગ છૂટે પરનો. પરપદાર્થોનો ઉપયોગ હોય પણ પરપદાર્થોમાં તમારો ઉપયોગ ન હોય. ચા પીવાય. ચા નો ઉપયોગ તમે કરી શકો. ચા માં તમારે તમારો ઉપયોગ રેડવાનો નહિ. આને છે ને તોડ-જોડનો માર્ગ કહેવાય છે. અને આના સિવાયનો બીજો એક માર્ગ છે. જોડ-તોડનો માર્ગ. તોડ-જોડના માર્ગની ચર્ચા દેવચંદ્રજી મ.સા. એ પહેલા સ્તવનમાં કરી. ‘પ્રીતિ અનંતી પર થકી, જે તોડે તે જોડે એહ.’ ‘પ્રીતિ અનંતી પર થકી જે તોડે એ જોડે એહ.’ આ બાજુ તૂટી જાઓ, આ બાજુ જોડાઈ જાઓ. જે ક્ષણે અનંતા પરની પ્રીત ગઈ. સ્વની પ્રીત તમારી ચાલુ થઈ ગઈ. તો આ માર્ગ છે તોડ-જોડનો. અને એ માર્ગ સાધકનો છે.
ભક્તોનો એક માર્ગ છે, જોડ-તોડનો. એ કહે છે, કેટલું છોડશું? છોડી છોડીને. આએ છોડ્યું, પેલુંય છોડ્યું ને પેલુંય છોડ્યું. અને એક પેલું પર રહી ગયું તો પાછું માથાનો દુખાવો. એના કરતા સ્વની સાથે સીધા જોડાઈ જાઓ. અને સ્વની સાથે સીધા ન જોડાઈ શકીએ, પ્રભુ સાથે તો જોડાઈ જ શકીએ. આપણા પરમાત્મા વિતરાગ છે, સર્વજ્ઞ છે, નિર્મલ ચેતના છે. દર્શન કરવા ઘણીવાર ગયા. ભગવાનને ક્યારેય કહ્યું, કે ભગવાન મારો ભવિષ્યકાળ તું છે. કહ્યું? તારો ભૂતકાળ હું છું. તારો ભૂતકાળ હું છું, મારો ભવિષ્યકાળ તું છે. પ્રભુ એકવાર કેવા હતા? આપણી જોડે જ હતા. સંસારમાં રમતા હતા. તારો ભૂતકાળ એ હું છું અત્યારે, મારો ભવિષ્યકાળ તું છે. એટલાં માટે તારી પાસે આવ્યો છું કે મારે પણ તારા જેવું બનવાનું છે.
એક સવાલ વચ્ચે પુછું, પ્રભુનું દર્શન તમે કરો છો ને રોજે? આજે પણ કર્યું હશે. બોલીએ શું આપણે? પ્રભુનું દર્શન. Actual તમે મને જવાબ આપો. દર્શન તમે ખરેખર કોનું કરેલું? પ્રભુની આંગીનું દર્શન કરેલું? પ્રભુના દેહમાં જે સંગેમરમર વપરાયેલો છે, વાઈટ-યલો કે બ્લેક. એનું દર્શન કરેલું? કે પ્રભુનું દર્શન કરેલું બોલો? ક્યાં કર્યું છે પ્રભુનું દર્શન? પ્રભુની વિતરાગદશાને જોઈ છે? હું ઘણીવાર પૂછું લોકોને કે ભાઈ દર્શન કરીને આવ્યો? તો કહે હા સાહેબ દર્શન કરીને આવ્યો. પછી હું પૂછું પ્રભુએ કંઇક કહ્યું હતું આજ તને? તો કહે સાહેબ કહ્યું તો હશે પણ મારે પલ્લે કંઇ પડ્યું નથી. ત્યારે હું કહું કે પ્રભુએ પોતાની મુદ્રા દ્વારા, પોતાની મનમોહક મુદ્રા દ્વારા, મનમોહક પોતાના મુખ દ્વારા કહેલું કે બેટા! હું આનંદમાં છું તને દેખાય છે? હું આનંદમાં એટલાં માટે છું કે હું સ્વમાં છું. આ જીરાવલા દાદા. દશમના દિવસે કદાચ ૧૦,૦૦૦ માણસ હોય, પોષી દશમના. અને બારસના તમે જુઓ તો બધી બસો ઉપડી જાય. ૧૦૦ યાત્રિકો રહે. અને ભગવાનને ૧૦,૦૦૦ યાત્રિકો પૂજા કરતા હોય ત્યારે તમે જોજો અને ૫૦ કે ૧૦૦ યાત્રિકો ભગવાનની પૂજા કરતા હોય ત્યારે તમે ભગવાનને જોજો. ભગવાન કહેશે અલ્યા આ ક્યાં તું ખતવણી કરવા માંડ્યો? ૧૦,૦૦૦ હોય તો તારી બાજુ રાખ અને ૧૦૦ હોય તો તારી બાજુ રાખ. મારે શું છે? હું તો મારી ભીતર ડૂબેલો છું. પ્રભુ વિતરાગ છે માટે પ્રભુ આનંદમાં છે. પ્રભુ સ્વમાં ડૂબેલા છે માટે પ્રભુ આનંદમાં છે. એક દર્શન પરમાત્માનું તમને થઈ જાય. પ્રભુ આટલા આનંદમાં છે! મારે આનંદ જોઈએ તો મારે સ્વમાં ડૂબવું જોઈએ. મહાત્માને જુઓ, એમના આનંદને જુઓ. તમને થઈ જાય કે સ્વમાં ડૂબ્યા છે માટે આનંદમાં છે. અમારા લોકોની પાસે પણ કોઈ પ્રોજેક્ટ હોય, અમારે પણ કોઈ તીર્થ ઉભું કરવું હોય. અમે લોકો પણ એટલાં આનંદમાં ન હોઈ શકીએ હો. સીધી વાત કરું. ખુલ્લી વાત. અમારે પ્રભુ સિવાય કાંઈ જોઈતું જ નથી તો અમે આનંદમાં. માત્ર પ્રભુ જ જોઈએ છે. એટલે પ્રભુના દર્શન દ્વારા સ્વનું દર્શન કરવું છે, પ્રભુનો સ્પર્શ કરતાં સ્વનો સ્પર્શ કરવો છે.
તો સાધકનો માર્ગ થયો તોડ-જોડનો. ભક્તોનો માર્ગ થયો જોડ-તોડનો. પ્રભુ સાથે જોડાઈ ગયા એટલે સ્વ સાથે જોડાઈ ગયા. હવે બધું છૂટી જ ગયું છે ને ક્યાં રહ્યું જ છે પછી. મીરાં ભક્તિમતી હતી. મીરાંની એક મજાની કેફિયત છે. મીરાંને કો’કે પૂછ્યું, તમને શું ગમે? કયું વસ્ત્ર ઓઢવાનું ગમે? તમને શું ખાવાનું ગમે? ક્યાં બેસવાનું ગમે? તો હું તો કહેતો હો, મારી ફેવરેટ આઈટમ આ. આ ખાવાનું મને ગમે. બહેનોને પૂછો, આવી જાતની બનારસી સાડી હોય સિલ્કની એકદમ સરસ તો ગમે. મીરાંના શબ્દો યાદ રાખજો. મીરાં શું કહે છે. ‘જો પહેનાવે સો હિ પહનું’. એ જે પહેરાવે છે એ હું પહેરું છું. મારી કોઈ choice નથી. હું choiceless person છું. જો પહેનાવે સો હિ પહનું. जो दे सोही खाऊँ. જીહાં બિઠાવે તીતહિ બેઠું. એ કહે અહિયાં ઝુંપડીમાં તો ઝુંપડીમાં બેસી જાઉં. એ કહે બંગલામાં તો બંગલામાં. મારે કોઈ ફરક નથી પડતો બંગલો હોય કે ઝુંપડી હોય. જીહાં બિઠાવે તીતહિ બેઠું. ચિતોડની મહારાણી બની ગઈ તો મહેલમાં લઇ ગયા. કોઈ ફરક નથી પડતો એને. પ્રભુ બેસાડે ત્યાં મારે બેસવું છે. જીહાં બિઠાવે તીતહિ બેઠું. અને છેલ્લે જે વાત કરી છે! Excellent- લાજવાબ! बेचे तो बिक जाऊ. મારું આખું જીવન એના હાથમાં છે એ વેંચી નાંખે તો વેચાઈ જાઉં. बेचे तो बिक जाऊ.
આ ભક્તનો માર્ગ છે! તોડ-જોડનો! પ્રભુ સાથે જોડાઈએ એટલે નિર્મલચેતના સાથે જોડાઈએ. અને એ જ નિર્મલ ચેતના તમારી છે. તમે પ્રભુ સાથે જોડાયા એટલે સ્વ સાથે જોડાઈ ગયા. આપણે તોડ-જોડની વાત કરતા હતા. જે ભક્તો છે એના માટે જોડ-તોડનો માર્ગ બરોબર છે. પણ પ્રારંભિક સાધક માટે તોડ-જોડ બરોબર છે. ત્યાગ કરો, વૈરાગ્ય કરો, પ્રભુને પામો, સ્વને પામો. પદાર્થોનો રાગ છૂટી જાય, વ્યક્તિઓનો રાગ છૂટી જાય. છેલ્લે રહે છે આ શરીર. Body attachment પણ નીકળી જાય. Body attachment પણ નીકળી જાય, તમે રાજા.
અમારે ત્યાં દશવૈકાલીક સૂત્રમાં એક સરસ વાત લખી છે, संजया सुसमाहिया. પરમાત્માનો સાધુ, પરમાત્માની સાધ્વી પરમશાતામાં હોય. संजया समाहिया નથી લખ્યું. संजया सुसमाहिया. સવાલ થાય. પ્રભુનો સાધુ પરમ શાતામાં શી રીતે છે? જરા જાણીએ તો ખરા. ત્યાં વાત એક જ કરી. Body attachment એમનું તૂટી ગયું છે. અને એટલે શું કરે છે? ‘आयावयंति गिम्हेसु, हेमन्तेसु अवाउडा। वासासु पडिसंलीणा’ ગ્રીષ્મઋતુમાં તડકામાં બેસે છે, ઉનાળામાં તડકામાં બેસે છે. હવે ઉનાળાની બપોરે તડકામાં બેસનારો સાધક એ પતરાવાળું મકાન તો શું કરી શકે? જેણે છાપરું ઉપર હોય તો નથી ગમતું. ખુલ્લામાં જઈને તડકાને માણે છે. એને ગમે તેવું મકાન હોય, એની શાતાને તોડી શકે ખરું? ઠંડી ઋતુ છે. ઠંડીને માણવી છે. એ સાધુ હોય. સાંજે વિહાર કરતા જાય. જુના જમાનામાં ઉપાશ્રયો ખુલ્લી પરસાળ જેવા હતા. ખુલ્લી પરસાળ હોય. એક બાજુ સાવ ખુલ્લી. ઠંડી હોય પુષ્કળ. અમારા એ પૂર્વજો મજામાં આવી જતા એ વખતે. મજામાં. એ ખુલ્લી પરસાળને જોઇને આજે તો જલસો પડી ગયો કહે છે. કેમ? કદાચ સંથારાપોરસી ભણાવીને થોડો સ્વાધ્યાય કે ધ્યાન કરીને સુઈ જઈશું. એક કે બે શાલ આપણી પાસે છે. એક કલાક-બે કલાકમાં પોતે જ ઠંડી થઈ જવાની. શાલ ઠંડી થશે એટલે શરીર પણ ઠંડુ થશે. એટલે શાલ ફગાવીને ઉભા થઈ જઈશું. કાયોત્સર્ગ મુદ્રામાં ધ્યાન કરીશું. કાયોત્સર્ગ કરીશું. મજા આઈ ગઈ આજે તો.
બદ્રીમાં કેટલી ઠંડી છે તમને ખબર છે. છ મહિનામાં એટલો બરફ જામી જાય. કે મંદિરો પણ બંધ થઈ જાય અને પુજારીઓ પણ નીચે ઉતરી જાય. એ બદ્રીમાં એક સંન્યાસી છે. બારે મહિના ત્યાં રહે છે. ગમે તેટલી ઠંડીમાં પણ. ઠંડીમાં રહે છે એ વાંધો નહિ. એ પહેરે છે શું? માત્ર કંતાનનું એક Towel જેવું વસ્ત્ર. હિન્દીમાં કંતાન ને “તાટ” કહેવામાં આવે છે. એ બાબાનું નામ પડી ગયું “તાટબાબા”. જંબુવિજયજી મહારાજ સાહેબ બદ્રી પધારેલાં. એમને ખ્યાલ તો હતો જ “તાટબાબા” નો. એમના શિષ્ય પુંડરીકરત્ન વિજયજી. એમણે મને હમણાં જ વાત કરેલી કે સાહેબ બદ્રીની આપણી ધર્મશાળામાં બેઉ હતા. ભીંતો એટલી ઠંડી થઈ જાય કે ભીંતોને ધાબળા જે છે ઓઢાળવા પડે! અમે તો કેટલા ઓઢીએ? ૫-૭-૧૦ પછી મૂંઝાઈ જઈએ. ભીંતોને ધાબળા ઓઢાળી દઈએ અને તોય અમે થરથર ધ્રુજતા હોઈએ. ને એ વખતે બપોરે હું બહાર નીકળ્યો. ધર્મશાળાની બહાર. ત્યાં તાટબાબા ઊંઘતા હતા. એકલું કંતાન – towel જેવું વીંટેલુ નીચે. શરીર ખુલ્લુ. પુંડરીકરત્ન વિચારમાં પડી ગયા. સાલી ત્રણ કામલી ગરમગરમ ઠઠાઈ છે તોય ઠંડી લાગે છે. આ બાબા ખુલ્લા જીવે છે? નજીક ગયા. પ્રેમથી પૂછ્યું, બાબા ઠંડ નહિ લગતી? તો શું કહે છે? ઠંડ તુમ્હારે જૈસે લોગો કો લગતી હે જો શાલ પહનકર ચલતે હે. જિનકે પાસ શાલ હિ નહિ ઉન્હેં ઠંડ કેસી? શાલ હે તો ઠંડ હે. શાલ નહિ તો ઠંડ નહિ.
વિચાર કરો. Body attachment કેટલું તૂટી ગયેલું હશે? આપણું શરીર પણ habituated થઈ શકે છે. તમે એને કરતા નથી. વર્ષીતપ કરનાર સાધકને પૂછો, ઉપવાસ કેવો લાગે છે? તમે એક ઉપવાસ કરો ને આમ. સાંજે બરોબર જમાવેલું હોય અત્તરવાયણામાં. ને ઉપવાસ થયો ને બપોરે એક-બે વાગ્યા ત્યારે તો લાંબાલત્ત થઈને સુઈ જાઓ. અને સાંજે તો કાલે પારણામાં શું બનાવવાનું છે, જરા કહી દો પહેલા. કહે છે. યા તમે જ list આપી દો. એક ઉપવાસમાં હો. વર્ષીતપવાળાને પૂછો એ ઉપવાસ કેવો? અરે ઉપવાસમાં ખબર જ નથી પડતી ને કહે છે. બેસણામાં થોડી તકલીફ પડે પેટ ભરાઈ જાય એટલે. ઉપવાસમાં બહુ મજા આવે છે. એણે બોડીને habituated બતાવ્યું છે. શરીરને જેવી ટેવ પાડો એવી ટેવ એને પડે છે. તમે છે ને શરીરને treat કરતા આવડવું જોઈએ. શરીર છે ને ગધેડા જેવું છે. કુંભારને છે ને ગધેડા ઉપર ૧૫ મણ ભાર ભરવો હોય ને ૨૦ મણ ભાર પહેલા ભરે. ગધેડું ઉભું જ ન થઈ શકે. માંડ-માંડ બે ડગલાં ચાલે. એટલે કુંભાર ૫ મણ ભાર ઓછો કરી નાંખે. પેલાને એકદમ સરસ લાગે પછી. Body ને treat કેમ કરવી?
આચારાંગસૂત્રમાં ભગવાનની સાધનામાં આવે છે કે ઠંડી બહુ રહેતી. પ્રભુ પાસે દેવદુષ્ય સિવાય કંઇ હતું જ નહિ. ચોલપટ્ટો પણ નહોતો. બીજું કંઇ જ નહોતું. કપડો પણ નહોતો. શાલની તો વાત જ નહોતી. તો એ વખતે પ્રભુ ખંડેરમાં ધ્યાન કરતા. ભગવાન કોઈ ગામમાં લગભગ રહ્યા નથી. ખંડેરોમાં, ભીંતો પડુંપડું થતી હોય. થોડું ઘણું કદાચ છાપરું ટકેલું હોય. એવી જગ્યાએ પ્રભુ ધ્યાન કરતા. ઠંડી અત્યંત હોય. ત્યારે પ્રભુ શું કરતા ખબર છે? ભગવાન બહાર ફરતા ચોકમાં. ખુલ્લામાં. ખુલ્લામાં ફરીને પછી ખંડેરમાં આવી જતા. ભગવાન માટે ઠંડી, ખુલ્લુ, ભીંત બધું સરખું જ હતું. ભગવાને આપણને body treatment નો આ એક માર્ગ બતાવ્યો. એ ઠંડી લાગે છે વસ્ત્રો ભગાવી દો, ખુલ્લામાં ચાલો થોડુક, ઠંડી ઉડી જશે. આપણી વાત એ છે, તોડ-જોડનો માર્ગ આપણે એક વિચારી રહ્યા છીએ. કેવો લાગ્યો ભાઈ એ તો કહો?
મને લાગે છે કે પહેલો સ્વાનુભૂતિનો સ્વાદ થોડો ચખાડી દઉં. પછી આ બધું છૂટી જશે કેમ… પણ અમારી પણ તકલીફ છે. સ્વાનુભૂતિનો પેંડો તૈયાર છે કહું છું. અત્યારે જ તમારાં મોઢામાં મૂકી શકું એમ છું. તકલીફ કઈ છે? કહું તમને? પત્તા ખોલી નાંખું ને..? ત્રણ ડીગ્રી તાવ આવેલો છે અને પેંડો આપ્યો, થોડો ચબાવ્યો અને ફેંકી દે છે. કડવો-કડવો છે આ તો. એટલે પેંડો એને ખવડાવવો હોય તો શું કરવું પડે? પહેલા તાવ ઉતારવો પડે. તમારો તાવ ન ઉતરે ત્યાં સુધી અમારો પેંડો તમને કડવો જ લાગવાનો છે. કેટલી મુશ્કેલી છે અમારી બોલો! પેંડો તૈયાર. તમને ખવડાવવા અમે તૈયાર. તમે કહો ને સાહેબ અમે ખાવા માટે તૈયાર.
હું ઘણીવાર કહું છું, he is everready. Jirawala dada is everready. We are also ready. But are you ready? તમે તૈયાર? સંસારમાં સુખની જે બુદ્ધિ ચાલે છે એ તાવ છે. એ ઉતરે નહિ ત્યાં સુધી અમારો પેંડો મીઠો ક્યાંથી લાગે? અને અમે લોકો પણ એક puzzle માં છીએ. મૂંઝવણમાં. કે તમે પેંડો કેમ ખવડાવવો. એક વાર પેંડો ખવડાવી દઈએ ને બધું છૂટી જવાનું છે. પણ પેંડો ખવડાવવો કેમ? તાવ ઉતારવો જ પડશે પહેલા. એટલે પદાર્થ વાપરો એનો વાંધો નથી. પદાર્થમાંથી સુખ મળી જાય એવી બુદ્ધિ છે એ નકામી છે. ખરેખર તો છે ને તમે a.c માં બેસો કે પંખા નીચે બેસો. જીરાવલામાં પણ a.c rooms ઘણી થઈ ગઈ છે હવે. હમણાં તો ઠંડક છે. પણ ગરમી હોય અને વ્યાખ્યાનમાં બેઠેલા હોવ. ઘરે જાઓ કે ધર્મશાળામાં જાઓ. પહેલું કામ શું કરશો? પંખો કે a.c on કરવાનું. એક કામ તમે કરી શકો એ વખતે? શરીર તમે એ વખતે પ્રભુને સોંપી શકતા નથી. મન પ્રભુને સોંપી શકો? મારા પ્રભુએ કહ્યું છે કે આમાં વાઉકાયની વિરાધના થાય છે. હું કોઈ જીવને બચાવી તો શકતો નથી પણ કોઈ જીવોની વિરાધના થાય? એ મારાથી કેમ ચાલે? પણ ભગવાન પાસે તમે માફી માંગી શકો. પ્રભુ, સહનશીલતા મારી પાસે નથી. ગરમીને સહન કરી શકતો નથી, માટે મારે a.c માં બેસવું પડે છે. પણ સાહેબજી મારી ઉપર કૃપા વરસાવો કે મારામાં સહનશીલતા આવી જાય અને ઉનાળામાં પણ પંખા વિના a.c વિના મને ચાલે.
સુરતમાં એક ભાઈ મળેલાં મને. ચોવીસ કલાક a.c માં રહેનારા. ઓફિસમાં a.c. કારમાં a.c. ઘરે a.c. મારી પાસે આવે ત્યારે તો એમનેએમ બેસવું પડે. મને કહે સાહેબ સુખશિલીયો બહુ થઈ ગયો છું. ચોવીસ કલાક a.c. વિના ચાલતું નથી. મને કહે સાહેબ રસ્તો બતાવો. તો રસ્તો બતાવું મેં કીધું. તું કરવા તૈયાર હોય તો રસ્તો અમારી પાસે તૈયાર જ છે. મને કહે બતાવો સાહેબ. મેં કીધું અઘરો છે. કંઇ વાંધો નહિ સાહેબ, કરીશ. તો એક કામ કરો. બપોરે ઓફિસેથી ક્યારે આવો છો જમવા? મને કહે સાહેબ ૧-૧.૩૦ વાગે. જવાનું કેટલા વાગે? ચાર વાગે. મેં કીધું ૨.૩૦ થી 3.૩૦ વાગ્યા સુધી સામાયિક કરવાનું. ૨.૩૦.થી 3.૩૦ વાગે સામાયિક કરી દેવાનું. એણે તહત્તિ કરી. સાહેબ બરોબર. કારણ? મારે નરકમાં નથી જવું. નરકમાં જઈને ત્યાં આગળ ભઠ્ઠીમાં મારે શેકાવું પડશે. બસ પ્રભુને મારે પ્રાર્થના કરવી છે સામયિકમાં કે પ્રભુ એવી સહનશીલતા આપો a.c, પંખો બધું મારે છૂટી જાય. શરીર a.c માં બેઠેલું હોય, મન પ્રભુની પાસે જઈ શકે? પૂછું છું. અમે લોકોએ શરીર પ્રભુને સોંપ્યું મન પણ પ્રભુને સોંપ્યું. તમે શરીર પ્રભુને ન સોંપી શકો, મન પ્રભુને સોંપવા તૈયાર? તૈયાર? તો કોયડો ઉકેલાઈ જાય. ધીરે ધીરે ધીરે સહનશીલતા વધે. બધું છૂટતું જાય અને તમારી body treat થતી જાય. કાંઈ જ નથી આમાં બીજું. આપણા પૂર્વજો વર્ષો સુધી પંખા વગર રહેલાં કે નહી? A.c એ નહોતું કે પંખો એ નહોતો. હવે તો પંખામાં ગરમી લાગે હો. નહિ? બપોરે ૨ વાગે પંખામાં ગરમી લાગે તમને, આપણા પૂર્વજો, તમારાં પૂર્વજો પાસે પંખો પણ નહોતો, a.c પણ નહોતું. તોય તમારાં કરતા મજાથી રહ્યા હશે.
એક ભાઈની વાત મને યાદ આવે છે. A.c માં બપોરે સુઈ ગયેલો. નાનકડા ટાઉનમાં રહેતો હતો. અઢી વાગે ઈલેક્ટ્રીસીટી બંધ. A.c બંધ પડી ગયું. બે મીનીટમાં તો પરસેવો પરસેવો થઈ ગયો. પણ ખરેખર એવો જાગૃતિવાળો સાધક એ વખતે એને મુનિરાજ યાદ આવ્યા. સાચું કહેજો તમને કોણ યાદ આવે? મહાનગરોમાં તો ઈલેક્ટ્રીસીટી ફેઈલનો સવાલ આવતો જ નથી. પણ નાના ટાઉનમાં આવો સવાલ ઘણીવાર આવતો હોય છે. આવું કંઇક બને તો શું થાય? સૌથી પહેલી યાદ કોની આવે? ઇલેક્ટ્રિક ટેક્નીશીયનની બરોબર ને? હરામખોરો કામ કરતા જ નથી. કેમ વીજળી જતી રહી? પેલા ભાઈને મુનિરાજ યાદ આવ્યા. અઢી વાગે બનિયાન ઉપર ઝભ્ભો પહેરી વિધિપૂર્વક ગુરુ પાસે ગયો. વંદન કર્યું. સાહેબજી એક સવાલ પૂછવો છે પૂછું? આપની અનુકુળતા હોય તો પૂછું? પૂછો ભાઈ. અને એ વખતે એણે પૂછ્યું કે સાહેબ મારું a.c પાંચ મિનિટથી બંધ પડ્યું છે. A.c વિના મને રહેવાતું નથી. આપ વગર a.c એ વગર પંખાએ ચોવીસ કલાક કેવી રીતે રહો છો તમે માસ્ટર કી મને આપી દો ને ? હું પણ હેરાન ન થાઉં ક્યાંય. બોલો જોઈએ છે માસ્ટર કી? અમારી પાસે છે. મન પ્રભુને સોંપી દેવાનું ને. મારે પ્રભુની આજ્ઞા પ્રમાણે કરવું છે. હવે બોલો સ્વાનુભૂતિ આપણને જોઈએ છે બરોબર?
એ સ્વાનુભૂતિનો એક મજાનો માર્ગ પદ્મવિજય મહારાજે નવપદપૂજામાં સમ્યક્દર્શનપદની પૂજામાં આપેલો છે. ત્રણ ચરણો આપ્યા છે. પહેલા ચરણમાં સમ્યક્દર્શનની પૂર્વભૂમિકાનું વર્ણન કર્યું છે. બીજા ચરણમાં સમ્યક્દર્શનની વ્યાખ્યા આપી છે. અને ત્રીજા ચરણમાં એ સમ્યકદર્શન મળે તો શું થાય એની વાત કરી છે. બહુ જ પ્યારા ગુજરાતી ભાષામાં આવેલા શબ્દો છે. પહેલું ચરણ ‘પ્રભુ નિર્મલ દર્શન કીજીએ.’ ‘પ્રભુ નિર્મલ દર્શન કીજીએ.’ બીજું ચરણ ‘આતમ ધ્યાન કો અનુભવ દર્શન સરસ સુધારસ પીજીએ.’ ‘આતમ ધ્યાન કો અનુભવ દર્શન સરસ સુધારસ પીજીએ.’ અને ત્રીજું ચરણ ‘જેહથી હોવે દેવ ગુરુ ધર્મ ફુની, ધર્મ રંગ અઠ્ઠીમિજીયે.’ હવે આપણે ત્રણે ચરણને ક્રમસર જોઈએ. પહેલું ચરણ સ્વાનુભૂતિ મળે છે શી રીતે? જોઈએ છે નક્કી ને હવે તો? જોઈએ છે?
તો પહેલું ચરણ સ્વાનુભૂતિની પૂર્વાવસ્થાનું સ્વાનુભૂતિ કઈ રીતે મળે? આપણે જે વાત કરી ને જોડ-તોડનો માર્ગ, તોડ-જોડનો માર્ગ. એમાં આ જોડ-તોડના માર્ગની ચર્ચા ચાલે છે. ‘પ્રભુ નિર્મલ દર્શન કીજીયે.’ બહુ મજાનું વિશેષણ નિર્મલ છે. પ્રભુ દર્શન કીજીયે એમ નથી કહેતા. પ્રભુ નિર્મલદર્શન કીજીએ. એનો શું અર્થ? નિર્મલનો અર્થ ત્યાં છે, નિર્વિકલ્પતા. તમે વિકલ્પો વગરના થઈને, વિચારો વગરના થઈને, બુદ્ધિ અને મનની ફ્રેમને બહાર કાઢીને પ્રભુનું દર્શન કરો. પ્રભુને નીરખવા છે… પ્રભુને નીરખતા આનંદ પણ કેમ નથી આવ્યો કહો તો ખરા? આમ રૂંવાડા ખડા થઈ જાય ભગવાનને જોતા. આંખોમાંથી આંસુ છલકાય અને ગળે ડુંસકા બાંધે. કેમ નથી થતું આવું? દર્શન વિકલ્પ સાથેનો થાય છે. મનમાં કોઈક વિચાર ચાલે છે, શરીર દર્શન કરી લે છે. એટલે જ તમારી હાલત કેવી છે ખબર છે? દેરાસરે તમે જઈને આવ્યા, શ્રાવિકા તમારી પૂછે કદાચ દર્શન કરીને આવ્યા? હા,હા દર્શન કરીને આવ્યો. ચૈત્યવંદન પણ કર્યું તને વિશ્વાસ નથી આવતો. પેલીએ પાક્કી હોય. દર્શન કરીને આવ્યા છો ને. આજે આંગી કઈ હતી બોલો? ચાંદીની, સોનાની, વરખની કઈ આંગી હતી? તો તમે હાથ માથા ઉપર ફેરવો. સાલો પ્રશ્ન તો અઘરો છે થોડોક જરા. ફરી દેરાસર જાઉં તો ખબર પડે. કેમ ભાઈ? દર્શન કોનું થયું? દેરાસરમાં ગયેલા એ નક્કી, ચૈત્યવંદન કરેલું એ નક્કી, પ્રભુને જોયેલાં નક્કી. વિચારો પણ હતા ચાલુ. અને એને કારણે પ્રભુનું દર્શન ખરેખર થયું નથી.
એટલે સમ્યક્દર્શનની પૂર્વાવસ્થા આ કહે છે. ‘પ્રભુ નિર્મલ દર્શન કીજીયે.’ નિર્વિકલ્પ થઈને, નિર્વિચાર થઈને પ્રભુને જુઓ. કોઇ પણ ક્રિયા તમારી સાર્થક ક્યારે બનશે? વિકલ્પ વગર એ થઈ ત્યારે. પ્રભુની પૂજા કરવા ગયા. પ્રભુના અંગને સ્પર્શ કર્યો. આ જીરાવલા દાદા ઉર્જાથી છલકાતાં છે, તમને ખબર છે? ભારતભરમાં ગમે ત્યાં પ્રતિષ્ઠા થાય આ જીરાવલા દાદાનું નામ ત્યાં આગળ લખાય છે. મંત્ર પણ એમનો જ બોલાય છે. બહુ જ ઉર્જા ભરાયેલી છે એમના દેહમાં. એ ઉર્જા નવ અંગમાંથી નીકળે છે. એને નવ આપણે ચૈતન્ય કેન્દ્રો કહીએ છીએ. એ ચૈતન્ય કેન્દ્રોને તમે ટચ કરો છો. રણઝણાટી થતી નથી. કારણ શું? શું કારણ?
મેં એક પ્રવચનમાં પૂછેલું, વીજળીનો વાયર છે. થોડો લીક થયેલો છે. અડવા ગયા તો શોક લાગશે? બીજે અડવા ગયા તો શોક લાગે? પ્રભુ ઉર્જામય છે. વિદ્યુત નિરંતર ત્યાંથી વહી રહી છે. તમે સ્પર્શ કરો છો અંગોનો. ખલબલાટી નથી થતી, રણઝણાટી નથી થતી. કેમ નથી થતી? મેં પૂછ્યું, સામે જ એક ભાવુક બેઠેલો. મને કહે સાહેબ વાત તો તમારી ખરી છે. કંઇક થવું તો જોઈએ પણ કંઇ થતું નથી. કેમ ગરબડ ચાલે છે આ? ચાલે છે ને ગરબડ આ? દાદાનો સ્પર્શ કર્યો શું થયું હતું? મેં એને સમજાવ્યું કે ભાઈ, ઇલેક્ટ્રિક ટેકનીશીયન હોય, વીજળીના વાયર જોડે રોજ એને કામ પડવાનું છે. લાકડાના સ્લીપર વિગેરે પહેરીને કામ કરે. એને શું અસર થશે? એની અને વિદ્યુતની વચ્ચે અવરોધક તત્વ આવી ગયું. તું પ્રભુને સ્પર્શવા ગયો પણ તારા અને પ્રભુની વચ્ચે એક અવરોધક તત્વ આવી ગયું. અને એ હતા વિચારો. ગભારામાં જાઓ તોય વિચારો છોડતાં નથી. ચોવીસ કલાક તો કરો છો અડધો કલાક મુકી દો ને પણ. વિચારમુક્તિ, વિકલ્પમુક્તિ ઇહાં મુક્તિ રે. આ શક્તિ છે. વિકલ્પમુક્તિ કિધી મુક્તિ રે. વિચારોમાંથી મુક્ત થયા એટલે મુક્ત થઈ ગયા.
હકીકત કઈ થઈ ખબર છે? પૂજા થઈ પણ કરી કોને? કરી કોને? તમારી આંગળીએ, બોલો. તમે ક્યાં કરી? તમે ક્યાં હતા જ ત્યાં? સાલું સાડાબાર વાગી ગયા, એક વાગી ગયો. પૂજામાં આવ્યો છું. ભોજનશાળા બંધ થઈ જશે. અલ્યા ગભારામાં છે ને, ભોજનશાળાની ક્યાં માંડે છે તું?! પૂજા કોને કરી? આંગળીએ પૂજા કરી. તમે ક્યાં કરી? તમે તો બહાર ભાગેલા હતા. તમે ક્યારેય ક્યાંય સ્થિર હોવ છો? હા, વિભાવમાં રહી શકો છો. રાગ-દ્વેષની ધારામાં તમે સ્થિર રહી શકો છો. અને એ સ્થિરતાને અહીંયા લાવવાની છે.
તો એક મજાનું ચરણ આપ્યું. પ્રભુ નિર્મલ દર્શન કીજીયે. ત્રણ ચરણો છે. અદ્ભુત્ત ચરણો છે. અને એની યાત્રા કરીએ તો સ્વાનુભૂતિ ખરેખર આપણને સ્પર્શી જ જાય. અને એક વાત નક્કી છે. જીરાવલા દાદા પાસેથી સ્વાનુભૂતિની ગીફ્ટ લીધા વગર જવાનું નથી. ભલે ને આયોજકો કહી દે, શિબિર પૂરી થઈ ગઈ. અને ભોજનશાળા ચાલુ છે ને અને ધર્મશાળા ચાલુ છે. અમે રહીશું અહીંયા. ધામા નાંખીને….. કેમ? દાદા ગીફ્ટ ન આપે ત્યાં સુધી જવાનું નથી. અહીંથી. આજે સાંજે દર્શન કરવા જવાના.. પ્રભુના… કેવું દર્શન થશે? કેમ પ્રભુનો પ્રશમરસ તમને દેખાયો જ નહિ આજ સુધીમાં?
માનતુંગાચાર્ય ભક્તામરમાં કહે છે. ‘યૈ: શાન્તરાગ-રૂચિભિ: પરમાણુભિસ્ત્વમ્ નિર્માપિતસ્ત્રિભુવનૈક – લલામ ભૂત!’ પ્રભુ દુનિયાની અંદર શાંતરસના જેટલા પરમાણુઓ હતા એ પરમાણુઓથી તમારો દેહ બનેલો છે. અને એટલે જ તમારાં દેહમાં જે શાંતિ છે, જે પ્રશમભાવ છે એવો શાંતભાવ દુનિયામાં ક્યાંય નથી. એવો પ્રશમરસ આ પ્રભુના દેહમાંથી ઝરી રહ્યો છે. હું મૂર્તિ શબ્દ વાપરતો નથી હો. મૂર્તિ જયપુરથી લાવ્યા ત્યાં સુધી. પ્રાણપ્રતિષ્ઠા થઈ એટલે ભગવાન જ થઈ ગયા પછી. તો ભગવાનના એ પવિત્ર દેહમાંથી જે ઉર્જા ઝરે છે એના સંપર્કમાં તમે આવ્યા જ નહિ! તમે હાજર જ નહોતા દેરાસરમાં. ક્યાંય વિચારોમાં ખોવાઈ ગયેલા. આ તો મોબાઇલ નથી એટલુ સારું છે. એક ત્રણ વાગે આવવાનું હોય- પોણા ત્રણ વાગે આવવાનું હોય. એક ફોન આવી ગયો. ખલાસ..! મુડલેસ થઈ ગયા.. આખું પ્રવચન પછી કોણ સાંભળે? શરીર બેઠેલું રહે, કાન ખુલ્લાં રહે, મન ક્યાંય ગુમ થઈ ગયું. આમ લાગે કે મોબાઇલ નથી બહુ સારું છે આમ? થોડી મારી વાતો Apply થઈ રહી છે. જઈ રહી છે અંદર.. થોડી થોડી હો, બહુ તો નહિ કહું.
આજે સાંજે પ્રભુનું નિર્મલ દર્શન કરવું છે. અને ખરેખર પ્રભુનું નિર્મલદર્શન એટલે શું? અને એને કઈ રીતે કરાય એની વાતો આપણે આવતા સેશનમાં કરીશું. હવે થોડું પ્રેક્ટીકલ. આ પ્રેક્ટીકલ આપણે આ જ કરી રહ્યા છીએ. પ્રભુમાં જે પ્રશમભાવ છે એ જ પ્રશમભાવ મારી ભીતર છે. એ પ્રશમભાવ મારી પાસે છે ખરો, મને એનો ખ્યાલ નથી. ખજાનો મારા ઘરમાં છે અને હું ચિંથરે હાલ ફરું છું. હાલત આ છે.
એક વાત તમને કહું. એક છોકરો હતો. નાનો હતો. એના પિતા બહુ જ બુદ્ધિશાળી. ધંધો બહુ મોટો. રકમ બહુ. તિજોરી છલકાયેલી. પિતા સમજુ હતો. કે મારા પછી કોઈ સંભાળનાર નથી. નાનો કોઈ ભાઈ પણ નથી. દીકરો નાનો છે. હું જો sudden ખતમ થઈ જાઉં તો નાનો દીકરો કંઇ સંભાળી શકે નહિ અને બધું ખતમ થઈ જાય. પણ દીકરાનું ભવિષ્ય જોખમાવું ન જોઈએ. એટલે પોતાના એક મિત્રને વાત કરી રાખેલી. કદાચ એવું બને મારા ગયા પછી જે મુનીમો છે એ ધંધાને ખતમ કરી નાંખે. છોકરો જે છે એ અનાબ-સનાબ વાપરવા માંડે. તિજોરીમાં રહેલું કદાચ ખતમ પણ થઈ જાય. છોકરો ચિંથરેહાલ થઈ જાય. ત્યારે તમે એને કહેજો અહિયાં, અહિયાં, અહિયાં મેં આ રીતે સોનું મુકેલું છે. ખરેખર દશા એ જ થઈ. પિતાને એક રાત્રે sudden હાર્ટ એટેક આવ્યો. સિવિયર હાર્ટ એટેક. ખતમ થઈ ગયા. મુનીમોએ બધું ખતમ કરી નાંખ્યું. આજુબાજુવાળા બધા આવી ગયા. દુકાનનું આખું ધનોતપનોત નીકળી ગયું. છોકરો ૧૪-૧૫ વરસની ઉંમરનો. થોડું ભણેલો સ્કૂલમાં, વધારે ભણેલો પણ નહિ. ખરાબ મિત્રો એને મળી ગયા. છે પૈસાદારનો માણસ. નીચોવાય એટલો નીચોવો આને. જુગારના અડ્ડામાં લઇ ગયા. અને એ રીતે આને પાયમાલ કરી નાંખ્યો. તિજોરીનો આખી થઈ ગઈ ખતમ. હવે એની પાસે પોતાની હવેલી સિવાય કંઇ રહ્યું નહિ. ખાવાના સાંસા પડયા. એટલે મિત્રોએ ભાગી જ જાય ને હવે. કે આ ખતમ થઈ ગયો હવે. ખવડાવે કોણ? બે ટાઇમની રોટલી કોણ આપે એને? વિચારે છે શું કરું? કે હવેલી વહેંચી નાંખું? કે નાનુ ઘર લઇ લઉં. તો કેટલા દિવસ પૈસા ચાલશે?
પેલા uncle રાહ જ જોતા હતા. આ છોકરાને ઠેસ નહિ લાગે ત્યાં સુધી ભાનમાં નહિ આવે. હવે એને ઠેસ લાગી છે. હવે એને સમજાવું. કહે છે કે ભાઈ તારા પિતા છે ને બહુ હોંશિયાર હતા. દુકાનમાં અને તિજોરીમાં છે ને એના કરતા બીજું વધારે છે. પણ તને બધું અત્યારે નહિ બતાવું. મને કહ્યું છે કે તબક્કે તબક્કે બતાવવું. એટલે જો તારી આ હવેલીનો આ ઋતુમાં જે પડછાયો પડે સવારે દસ વાગે એ પડછાયાની જગ્યાએ તારી હવેલીનો જે ઝરુખો છે એ ઝરુખાનો પડછાયો જ્યાં પડે ત્યાં તારે ખોદવાનું. સોનામહોરોના ૧૫ થી ૨૦ ચરુ ત્યાં આગળ દટાયેલા છે. આગળનું શું પછી હું તને કહીશ. પેલો છોકરો શું કરે પછી બોલો? કોઈને કહેવા જાય? મજુરને બોલાવવા જાય? કે હવેલીનો દરવાજો અંદરથી બંધ કરી કોદાળી અને ત્રિકમ પાવડો લઈને મંડી પડે? શું કરે?
તમારી હાલત કેવી છે? અત્યારે કંઇ નથી. આનંદના નામે શૂન્ય છે તમારી પાસે. તમે માત્ર રતિ અને અરતિમાં છો. સુખ-દુઃખ ના ચક્રમાં. મનગમતી ઘટના ઘટી ગઈ; સુખ. અણગમતી ઘટના ઘટી; દુઃખ. તમારાં સુખનું કોઈ ઠેકાણું ખરું? તમારું સુખ કેટલું રહે છે નક્કી ખરું કાંઈ? ઘડીકમાં આમ થયું ને, કોઈ કહે તમે બહુ સરસ બોલ્યા હો. ત્યારે એકદમ લાઈટ on થઈ ગઈ. કોઈક કહે શું બોલ્યા આમ, ધડ માથા વગરનું, કંઇ સમજાતું જ નહોતું. લાઈટ ઓફ. તમારી પાસે રતિ અને અરતિ છે. આનંદ નથી. હવે તમને કહેવામાં આવે કે અસીમ આનંદ તમારી ભીતર છે. સ્વાનુભૂતિ મળે અને આનંદ જ આનંદ થઈ જાય. હવે તમે શું કરો? હા, છે તો બરોબર પણ કંઇ નહિ હમણાં. બરોબર ને..? કે જોઈએ? જોઈએ? જોઈએ જ. એ ખજાનાને ખોલવાની આપણે ક્રિયા કરી રહ્યા છીએ. અંદર જે સમભાવ છે એ સમભાવના ખજાનાને થોડુક આપણે અનુભવવાનું છે. ચાલો આંખે બંધ.