વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત
Subject: પ્રભુ નિર્મલ દરિશન કીજીએ
સ્વાનુભૂતિ માટેનો મજાનો માર્ગ છે: પ્રભુ નિર્મલ દરિશન કીજીએ. પ્રભુની સાધના પદ્ધતિમાં મંઝિલ તો મજાની છે જ; માર્ગ પણ મજાનો છે. નિર્મલ દરિશન એટલે વિચારમુક્ત ક્ષણોમાં થયેલું પ્રભુનું દર્શન. દર્શન સાચું તો જ થાય, જો એ વિચારમુક્ત હોય.
વિચાર અને વિભાવ એકમેક સાથે સંકળાયેલા છે. વિભાવ એટલે રાગ, દ્વેષ, અહંકાર, તિરસ્કાર. વિભાવરૂપી રજકણ, ધૂળનો કણ વિચારોરૂપી પવનની પાંખ પર સવાર થઈને તમારા મનમાં ઘુસણખોરી કરે છે! કોઈ પણ વિભાવને તમારી ભીતર આવવા માટે વિચારનું જ દ્વાર છે, બીજું કોઈ દ્વાર છે જ નહિ. માટે જ અમારો આગ્રહ છે કે વિચારમુક્ત બની જાવ. જ્યાં સુધી વિચારના દ્વારને તમે બંધ ન કરો, ત્યાં સુધી વિભાવનું દ્વાર બંધ ન થાય.
આ સ્વાનુભૂતિ મેળવવી હશે, તો પહેલા ભેદજ્ઞાન પણ જોઇશે. ભેદાનુભૂતિ. શરીરથી બિલકુલ અલગ થઇ જાવ. શરીર શરીર છે. હું હું છું. માત્ર શરીરના સ્તર પર કે conscious mind ના સ્તર પર સાધના હશે તો નહિ ચાલે. જો આ સાધના તમને અસ્તિત્વના સ્તર પર મળી ગઈ, તો પછી મૃત્યુ પછી તમે કોઈ પણ યોનિમાં ગયા, ત્યાં તમારી સાધના ચાલુ જ રહેવાની છે.
મૌન ધ્યાન સાધના શિબિર ૧૧ – જીરાવલા વાચના – ૬
સ્વાનુભૂતિ માટેનો એક મજાનો માર્ગ. ‘પ્રભુ નિર્મલ દરિશન કીજીએ’ મેં ગઈ કાલે કહેલું કે પ્રભુની સાધના પદ્ધતિમાં મંઝિલ તો ખેર મજાની છે જ. માર્ગ પણ મજાનો છે. તમારે સ્વાસ્થ્ય પ્રાપ્તિ કરવી હોય તો નિરોગી બનવું એ તો મજાની એક ધારા છે, પણ એના માટે કડવી દવાઓ પીવી પડે છે. અહીંયા મીઠી મીઠી ચોકલેટ જેવી દવાઓ છે. માર્ગ પણ મજાનો, મંઝિલ પણ મજાની. પ્રભુનું બધું જ મધુર મધુર હોય. ‘પ્રભુ નિર્મલ દરિશન કીજીએ’ આ માર્ગ છે. અને એ માર્ગ ઉપર ચાલો તો સ્વાનુભૂતિ દૂરની ઘટના નથી.
નિર્મલ દરિશન એટલે વિચારમુક્ત ક્ષણોમાં થયેલું પ્રભુનું દર્શન.
વિચારો શું કરે તમને સમજાવું… દેરાસરમાં તમે ગયા, એક વ્યક્તિ તમારી બહુ જ પ્રિય છે. દિલ્લી રહે છે. અઠવાડિયું દસ દિવસે ફોન ઉપર એની જોડે સંપર્ક પણ થતો હોય છે. દેરાસરમાં તમે એ વ્યક્તિને જુઓ, તરત શું વિચાર આવે…? અરે! આ અહીંયા…! દિલ્લીથી મુંબઈ આવી ગયો છે, મને સમાચાર પણ આપતો નથી! અલ્યા ભાઈ! તું કોનું દર્શન કરવા આવ્યો છે?! પ્રભુનું કે પેલાનું? એ જ રીતે દર્શન કરવા ગયા છો, એક વ્યક્તિ એવી આવી, જેના પ્રત્યે તમને સહેજ અરૂચિ છે. તિરસ્કાર છે. એ વ્યક્તિ પૂજાના સરસ કપડાં પહેરીને, પૂજાની મોટી પેટી લઈને પૂજા કરવા આવે. તમારા મનમાં શું થાય? સાલો બનાવટીયો માણસ બહાર કંઈ ધંધા કરે છે, ભગવાનને ઠગવા માટે આવ્યો છે. ગયું દર્શન…! એક પણ દર્શન તમારું સાચું ક્યારે થાય? એ વિચાર મુક્ત હોય તો. તમને આમાં ખ્યાલ આવ્યો? વિચાર અને વિભાવ એકમેક સાથે સંકળાયેલા છે. વિભાવ એટલે રાગ, દ્વેષ, અહંકાર, તિરસ્કાર.
હું ઘણીવાર કહું છું કે, રાગ-દ્વેષની ધૂળ તમારા મનમાં આવે છે શી રીતે? તમે કોઈ town માં રહેતાં હોય, ધૂળિયા રસ્તા છે પણ એ રસ્તાનું રજકણ તમારા ઘરમાં ક્યારે આવે? રજકણ એમનેમ ઉડીને આવતું નથી. એને હવાની પાંખ મળે છે. ત્યારે તમારા ઘરમાં આવે છે. વિભાવ એ રજકણ છે. રાગ, દ્વેષ, અહંકાર એ ધૂળનો કણ છે. પણ તમારા મનમાં એને ઘુસણખોરી કઈ રીતે કરી…? વિચારો દ્વારા.
તમે સામાયિકમાં બેઠેલા છો. ઘરે જ બેઠેલા છો, એક જાગૃતિ છે, કે હું સામાયિકમાં છું. કરેમિ ભંતે નું પચ્ચક્ખાણ મેં લીધેલું છે. મારે સમભાવમાં રહેવાનું છે. આટલી જાગૃતિ તમારી પાસે જોઈએ. સામાયિક એટલે માત્ર કટાસણા પર બેસવું એમ નહિ, સમભાવમાં બેસવું એ સામાયિક છે. વ્યવહાર ક્રિયાઓ બધી બહુ જ સરસ છે. ચરવળો મજાનો, કટાસણું મજાનું, મુહપત્તિ મજાની બધું જ મજાનું છે. પણ સમભાવ ન આવે તો, એ ઉપકરણો આપણા માટે કામના નહિ. તો તમારા મનમાં એક જાગૃતિ છે, કે મારે સમભાવમાં રહેવાનું છે. એમાં એક વ્યક્તિ તમારી રૂમમાં enter થઇ રહી છે. ખરેખર સામાયિકમાં કોઈની સામે નજર ન જવી જોઈએ. સિવાય કે પોતાના અંતરઆત્મા તરફ. અરે! ૨૩ કલાક બહારની દુનિયાને જોતાં જ હતાં તમે, આ એક મોકો મળ્યો છે, અંદર ઝાંકવાનો. મોકાને કેમ ગુમાવો છો? પણ તમારી જાગૃતિ ઓછી પડી. તમે પેલી વ્યક્તિને જોઈ, જાગૃતિ સાવ ચુકાઈ ગઈ. આ માણસ! અહીં આયો છે! સાલો નાલાયક! હરામખોર! મારી કેટલી ગંદી વાતો એને સમાજમાં ફેલાવેલી? શું કરવા આવ્યો છે મારા ઘરે…?! આટલું થઇ ગયું, એમાં જાગૃતિ આવી જાય, અરે! હું તો સામાયિકમાં છું! મારે તો આવો વિચાર થાય નહિ. અને એ વિચાર નાબુદ થઇ ગયો; તિરસ્કાર નાબુદ. તિરસ્કારને તમારી ભીતર આવવા માટે વિચારનું જ દ્વાર છે, બીજું કોઈ દ્વાર છે જ નહિ. એટલે વિચારના દ્વારને તમે બંધ ન કરો ત્યાં સુધી વિભાવનું દ્વાર બંધ ન થાય. અને માટે જ અમારો આગ્રહ છે કે વિચારમુક્ત બની જાવ.
મુંબઈની હમણાંની એક ઘટના તમને કહું, એક યુવાન હતો, જૈન હતો, શ્રદ્ધાળુ પણ હતો, રોજ પ્રભુની પૂજા વિગેરે સરસ રીતે ભાવથી કરતો. ડાયમંડ ના ધંધામાં એનો એક partner હતો, partner થોડો weak નીકળ્યો. એક રાત્રે એ partner ઓફિસમાંથી પોતાના ભાગનું તો લઇ ગયો, વધારાના ૪૦ લાખ પેલાના લઈને ભાગી ગયો. રાતોરાત ભાગી ગયો અને છું થઇ ગયો. સવારે પેલા યુવાને જોયું ખબર પડી ગઈ. પેલાનો પત્તો જ ન મળે. બે મહિના સુધી ક્યાં સંતાઈ ગયો ખબર ન પડી. બે મહિના પછી આવ્યો. એ જ પોતાના ફ્લેટમાં રહેવા માંડ્યો. નવી ઓફીસ એણે શરૂ કરી. આ યુવાન એના ત્યાં ગયો કે ભાઈ! આપણે partner હતા, ઠીક છે તને ઈચ્છા થઇ ને તું છૂટો થયો. મને કોઈ વાંધો નથી. પણ ૪૦ લાખ તું વધારાના લઇ ગયો છે. એ ૪૦ લાખ તું મને આપી દે. પેલો કહે નથી આપવા જાવ. ૪૦ લાખ નહિ, એક પૈસો પણ નહિ મળે. તું શું કરીશ બોલ? બ્લેકનો વહીવટ હતો, કઈ કોર્ટમાં તારે જવાનું છે? યુવાન એકદમ સીધોસાદો… ભાઈસાબ મારે કંઈ કોર્ટમાં નથી જવાનું, કેસ કરી શકું એવી હાલત નથી મારી, પણ હું પ્રેમથી તમને કહું છું, કે આ તમને શોભતું નથી. તમે પણ જૈન છો. તમે રોજ પ્રભુની પૂજા કરનારા છો. તમારા માટે આ શોભે નહિ. તમે આપી દો. નથી આપવા જા. હવે મુશ્કેલી એ થઇ, ૪૦ લાખ તો ગયા, સમજ્યા. બંને જણા એક જ લત્તામાં રહેતાં હતાં. બંને માટે દેરાસર એક હતું. અને મુંબઈમાં પૂજાનો સમય પણ એક જ હોય. આઠ-સાડા આઠે તો ભાગવાનું હોય તમારે બધાને… અમને તમારી દયા આવે છે હો… શેના માટે દોડો છો પણ…! દોડો છો કોના માટે, શેના માટે?
એકવાર મુંબઈની બહુ સારી સભા હતી. લગભગ શ્રીમંત માણસોથી છલકાતી, કરોડોપતિ બધા જ હતા. મેં એમને એક સવાલ કર્યો. મેં કહ્યું, તમારામાંથી કોઈ વ્યક્તિ એવી નથી, કે જે ધંધો ન કરે. પૈસા વ્યાજમાં મૂકી દે, અને વ્યાજથી આસાનીથી ન ચલાવી શકે એવા તમારા પૈકીના કોઈ નથી મેં કીધું. કદાચ વ્યાજના પૈસા પણ વધે તમે એકદમ વૈભવી life style થી જીવો તો પણ, આ તમારી હાલત છે. બરોબર…? બધાએ accept કર્યું બરોબર… તો મેં કહ્યું તમને પચ્ચક્ખાણ આપું? નવો ધંધો હવે નહિ કરવાનો. હવે તમારે કોના માટે દોડવું છે એ તો કહો… ભગવાને જોઈએ એના કરતાં વધારે આપી દીધું. હવે ભાઈ જંપીને બેસો.
તો મુંબઈમાં આઠ-સાડા આઠે ભાંગવાનું હોય, સવારે ઉઠ્યા થોડીક morning walk કરી. નાહ્યા, અને પૂજામાં આવ્યા. આ યુવાન આવે, પેલો ભાઈ પણ એ વખતે પૂજા કરવા આવે. અને એણે તો ૪૦ લાખ પાછા દબાયેલા આના… નવી લાંબી પહોળી મજાની કાર લીધેલી. લક્ઝુરીયસ ફ્લેટ તો હતો જ. મોટી કાર લીધેલી. અને એ કારની અંદર બરોબર સરસ મજાના પૂજાના કપડાં પહેરીને, મોટી પેટી લઈને પૂજા કરવા માટે આવે. યુવાન આવેલો હોય, અને પેલો આવે. અને યુવાન એને જોવે. કાળઝાળ ક્રોધ ઉપડે. આ માણસ! સાલો હરામખોર! મારા ૪૦ લાખ ઠોકી ગયો છે. એક પૈસો એને આપવો નથી. મોટી પૂજાની પેટી લઈને આવ્યો છે. ભગવાનને છેતરવા માટે…! મનમાં ને મનમાં ગાળો ચોપડાવે. સાલા છેતરપિંડીના ધંધા બંધ કર પહેલા. રોજ આવું ચાલે.
પણ એ જાગૃત યુવાન હતો. એને એકવાર વિચાર કર્યો કે ૨૪ કલાકમાં જૈન હોવા છતાં બીજી કોઈ સાધના તો હું કરતો જ નથી. એક માત્ર મારી સાધના પૂજા છે. પૂજામાં તો કઈ સક્કરવાળ તો વળતો નથી. મારી આખી પૂજા પેલાના દ્વેષમાં વહી જાય છે. આ તો ન ચાલે. એ વખતે એમના સંઘમાં આચાર્ય રત્નસુંદરસૂરીજી આવેલા, રવિવારે એમનું પ્રવચન સાંભળ્યું, યુવાનને થયું, આ મહાત્મા પાસે બપોરે જાઉં, મારી સમસ્યાનું નિરાકરણ કરી આપશે. સમય માંગ્યો, બપોરે ગયો. વંદન કરીને બેઠો. પોતાની સમસ્યા મૂકી, સાહેબ મારી પૂજા રોજ બગડે છે. મારી પૂજાને વ્યવસ્થિત કરી આપો સાહેબ, મારે બીજું કાંઈ જોઈતું નથી. રત્નસુંદરસૂરિ એને પૂછે છે, ok. આવતી કાલથી તારી પૂજા ready થઇ જાય, હું તને કહું છું. પણ તું ભગવાન માટે કેટલું છોડવા તૈયાર એ મને કહે… ૪૦ લાખ છોડવા તું તૈયાર ખરો? ભગવાનની પૂજા સારી થાય એના માટે ૪૦ લાખ તારે છોડવા છે? સાહેબ તમે કહો એ છોડી દઉં. મારી પૂજા બરોબર થવી જોઈએ. રત્નસુંદરસૂરિએ કહ્યું, નિયમ લઇ લે, પેલો ૪૦ લાખ આપવા આવે તો પણ એક પણ પૈસો એનો તારે ખપે નહિ. આપવા આવે તો પણ કહી દેવાનું કે એક-એક પૈસો માત્ર charity માં આચાર્ય ભગવંત કહે છે ત્યાં મારે ખર્ચવાનો છે. એક પણ પૈસો મારે ઉપયોગમાં લેવાનો નથી. Ok સાહેબ! તૈયાર..રત્નસુંદરસૂરિજીએ પહેલાં પૂછ્યું… કે આ ૪૦ લાખ ન આવે, તારું ઘર કેમ ચાલે છે? સાહેબ બહુ સરસ ચાલે છે. મારો પણ લક્ઝુરીયસ ફ્લેટ સારા એરિયામાં છે, પોશ એરિયામાં, દીકરાઓને સારામાં સારું શિક્ષણ આપી શકું છું. મારી પાસે એક-બે કાર પણ છે. બધું જ મારી પાસે છે. પેલા ૪૦ લાખમાંથી એક પૈસો ન આવે તો મારા જીવન વ્યવહારમાં ક્યાંય ઉણપ આવે એવું નથી. ૪૦ લાખ છોડી દીધા એક ધડાકે..!
બીજી સવારે આખી જ વાત બદલાઈ ગઈ. યુવાન આવ્યો, પેલો ભાઈ આવ્યો, કારમાંથી નીચે ઉતર્યો. હવે દ્વેષ હતો, કોના કારણે હતો? એ વ્યક્તિ પર દ્વેષ નહોતો. ૪૦ લાખને કારણે દ્વેષ હતો. ૪૦ લાખનું ભૂત ગયું. આ યુવાન પેલો કારમાંથી નીચે ઉતરે ત્યારે સામે જાય છે. પ્રણામ કરે છે. સાહેબ કેમ છો? મજામાં છો ને? શાતામાં છો ને? કંઈ કામકાજ હોય તો કહેજો સાહેબ… બીજો દિવસ એ જ વાત. કેમ છો સાહેબ બરોબર ચાલે છે ને બધું…? મજામાં ને…? અઠવાડિયામાં પેલો ઢીલો ઘેસ થઇ ગયો. સાલું આવા માણસના પૈસા મેં દબાવેલા છે! એણે કહ્યું પૂજામાં મળ્યા ત્યારે આજે જરાક મારી ઓફિસે પ્લીઝ આવશો… મારી બધી રકમ આપી દેવી છે તમને… યુવાન કહે જુઓ, કોઈ જ ઉતાવળ કરતા નહિ. કારણ ગુરુદેવ પાસે મેં નિયમ લીધો છે. આ ૪૦ લાખ ગયા ખાતે છે. એમાંથી એક પણ પૈસો તમે આપો તો પણ હું વાપરવાનો નથી. આ બધા જ બધા પૈસા ગુરુદેવ જ્યાં કહેશે ત્યાં સાત ક્ષેત્રોમાં વાપરવામાં આવશે. પેલાની આંખો ઓર ભીંજાઈ ગઈ. ૪૦ લાખ આવી ગયા. સાત ક્ષેત્રમાં વપરાઈ પણ ગયા. એક જ વાત, મારી પૂજા સારી થવી જોઈએ. દ્વેષ કેમ આવતો હતો? વિચારો આવતાં હતા. એને જોઇને વિચારો આવે… સાલો, હરામખોર, નાલાયક. પણ વિચારનું મૂળ શું હતું? ૪૦ લાખ રૂપિયા. મૂળ તોડી નાંખ્યું. ડાળા-પાંખડા રહે ક્યાંથી?
હમણાં ઘણા લોકો દ્રષ્ટાભાવમાં રહેતા હોય છે. Observation. માત્ર Observation કર્યા કરે. જોયા કરે બધું. એક સાધક ૧૦ વર્ષથી Observationમાં હતો. પણ ભીતરથી કોઈ ફેરફાર થયેલો નહિ. એને થયું કે ક્યાંક મારી ચુંક છે. મારે એને ગામ જવાનું થયું. મારા પુસ્તકો એને વાંચેલા. મારી પાસે આવ્યો, કે સાહેબ હું અટવાઉં છું, જરા માર્ગદર્શન આપો. મેં કહ્યું શું થયું? સાહેબ Observation કરું છું. બધું જોયા કરું છું. પણ અંદરની પરિસ્થિતિમાં કશો ફેરફાર પડ્યો નથી. રાગ, દ્વેષ, અહંકાર એના એ જ છે. મેં એને કહ્યું, ભાઈ તે ડાળા – પાંખડા તોડ્યા, મૂળ ને સલામત રાખ્યું? હવે મૂળ સલામત છે તો ડાળી-પાંખડી ફરીથી ઉગવાની જ છે. રાગ, દ્વેષ, અહંકાર એ મૂળ છે; એને તોડ. દ્રષ્ટાભાવ દ્વારા, વિચારમુક્તિ દ્વારા, ખરેખર શું કરવું છે? વિભાવોને હાંકી કાઢવા છે. એને વાત એટલે જચી ગઈ. બીજા પાંચ વર્ષે મને મળ્યો મને કહે સાહેબ ok… રાગ, દ્વેષ, અહંકાર બધું જ શિથિલ થવા માંડ્યું છે.
હવે તમારી વાત કરું, તમારે શું કરવું છે બોલો… ‘પ્રભુ નિર્મલ દરિશન કીજીએ’ નિર્મલ દર્શન કરવું છે? સદ્ગુરુ છે ને, તમારા વિભાવોને કાઢે, તમને વિચારમુક્ત બનાવે. બધું જ કરવા સદ્ગુરુ તૈયાર હોય છે. માત્ર તમે તૈયાર હોવ એટલે વાત પુરી થઇ જાય છે.
મીરાંના જીવનની એક ઘટના તમને કહું, મીરાં એક સમી સાંજે ગુરુના આશ્રમે ગઈ છે. આશ્રમના દરવાજા બંધ છે. મીરાંએ બારણાને ટકોરા લગાવ્યા, અંદરથી ગુરુનો અવાજ આવ્યો, કોણ છે? મીરાંએ કહ્યું, ‘હું મીરાં – પ્રભુના ચરણોની દાસી’ આખરે મીરાં પોતાની જાતને introduce શી રીતે કરે? હું મીરાં – પ્રભુના ચરણોની દાસી. તમે કઈ રીતે ઓળખાણ આપો? હમણાં બધા મીરાં જેવા જ લાગો છો. આ સાધ્વીજી મહારાજ જોડે તમે બેઠા હોવ ને, તો ક્યાં સાધ્વીજી પૂરા થયા અને ક્યાં તમે ચાલુ થયા ખબર ન પડે… white and white. મીરાં પોતાની જાતને કેટલી સરસ રીતે introduce કરે છે. હું મીરાં – પ્રભુના ચરણોની દાસી. આજની મીરાં શું કહે? હું મીરાં! ખબર છે…? પેલો ૫૦ કરોડનો બંગલો હમણાં લીધો ને મીડિયામાં નામ આવ્યું ને, એ હું છું. કેમ…!
તમારો પરિચય શી રીતે આપશો? કરોડો રૂપિયાથી, તમારા વૈભવથી કે પ્રભુથી? મીરાંએ તો પ્રભુ મળ્યા પછી કહેલું, ‘વસ્તુ અમુલક પાયો મૈને’ વસ્તુ અમુલક પાયો મૈને… પ્રભુ મળ્યા એટલી અદ્ભુત ચીજ મને મળી છે, દુનિયામાં એની તોલે કોઈ ચીજ ન આવી શકે. કોઈ વ્યક્તિ ન આવી શકે. હું મીરાં – પ્રભુના ચરણોની દાસી. ગમી ગયું?
એક શિષ્યે દરવાજો ખોલ્યો, મીરાં અંદર ગઈ, ગુરુના ચરણોમાં શાષ્ટાંગ દંડવત્ થઈને લેટી પડી. પાંચ-દસ મિનિટ ભાવાવેશ. અહીંયા પણ તમારા ઘણા બધાના ભાવાવેશને હું જોઉં છું. દર્શન કરતી વખતે, વંદન કરવા આવે ને રડી પડે એવા ઘણા સાધકો છે. મીરાં દસ મિનિટ શાષ્ટાંગ દંડવત્ મુદ્રામાં પડી રહે છે. આંખમાંથી આંસુ વહી રહ્યા છે. ગળે ડૂસકાં. સદ્ગુરુ મને મળી ગયા… સદ્ગુરુ મળ્યા પછી પ્રભુ ક્યાં દૂર છે…! સદ્ગુરુ શું કહે, ખબર છે? લે, પ્રભુને આપું લઇ જા! તમને પહેલા તૈયાર કરે સદ્ગુરુ, જે ક્ષણે તૈયાર થઇ ગયા, પરમાત્મા સાથે તમારું મિલન કરાવી દે. મીરાં બેઠી થઇ. મીરાંની ભૂમિકા એટલી મજાની હતી, ગુરુને લાગ્યું કે હવે મીરાંને એકદમ સમર્પિત થવા માટે વધુ જોઈતું નથી. થોડું જ જોઈએ છે. અને એટલે ગુરુએ પૂછ્યું બેટા! તે હમણાં કહ્યું, હું મીરાં – પ્રભુના ચરણોની દાસી. મારે તને પૂછવું છે, કે આ બેઉ સાથે કેમ બની શકે…? તું મીરાં પણ હોવ અને પ્રભુના ચરણોની દાસી પણ હોવ, બે શી રીતે બની શકે? મીરાંને ખ્યાલ નહિ આવ્યો કે ગુરુદેવ શું કહી રહ્યા છે. સર મને ખ્યાલ નહિ આવ્યો, આપ શું કહો છો… આપણા લયમાં જોઈએ તો મીરાં બરોબર બોલેલી. સરસ બોલેલી. Introduction આનાથી વધુ સારું કયું હોઈ શકે?! પણ એમાં પણ જે ક્ષતિ રહી ગઈ છે, ગુરુને એ કાઢવી છે.
ગુરુ શું કરે ખબર છે? શું કરે? મારી પાસે હવે ઘણા બધા સાધકો આવતાં હોય છે, અને સાધકો આવે, વંદન કરે અને રડી પડે, પછી એક જ વાત હોય, કે સાહેબજી આપને ખ્યાલ છે મારી સાધનાનો… ચાર- પાંચ સામાયિક કરું છું, અષ્ટપ્રકારી પૂજા કરું છું. બે સમય પ્રતિક્રમણ કરું છું પણ ગુરુદેવ આપની પાસે એટલા માટે આવ્યો છું, હું ક્યાં ચૂકું છું એ મને બતાવો. Where is my fault? ચાર સામાયિક રોજ કરું, છતાં સમભાવ મારો પુષ્ટ ન થાય, હું ક્યાંક ચૂકું છું ગુરુદેવ… હું ક્યાં ચૂકું છું મને ખ્યાલ નથી આવતો. ગુરુદેવ please મને બતાવો, હું ક્યાં ચૂકું છું. એટલે કોઈ પણ ગુરુ પાસે કેમ જવાનું? શાબાશી મેળવવા નહિ હો… ઓહોહો બહુ સરસ ચાર સામાયિક રોજ કરે છે! આવું સાંભળવા નહિ જવાનું… સાહેબ મારી સામાયિક માં ત્રુટી ક્યાં છે એ બતાવો. ક્યાં ચૂકું છું હું?
તો મીરાં બહુ જ ઉંચી કક્ષાએ પહોંચી છે. સંપૂર્ણ સમર્પણ માટે વચ્ચે નાનકડો પડદો આજે રહ્યો છે, અને એ પડદાને ગુરુને આજે ખીસવવો છે. તો ગુરુ કહે છે, બેટા! પ્રભુના ચરણોની દાસી બનવાનો અર્થ એ છે, કે પ્રભુના સમુદ્રમાં, પરમ ચેતનાના સમુદ્રમાં તારા જીવનનું બુંદ ભળી ગયું. અત્યારે વરસાદ વરસે છે, વરસાદનું એક ફોરું – ટીપું હવામાં છે એ દરિયા ઉપર પડે તો શું થાય..? દરિયામાં mix-up થઇ જાય. પછી તમે કહો કે પેલું જે ફોરું હતું, હવામાં તરતું હતું. એને મારે દરિયામાંથી કાઢવું છે, નીકળે? એ ટીપું, એ બિંદુ દરિયામાં કેવી રીતે મળ્યું? એણે પોતાની identity ગુમાવી નાંખી. તમારી પૂરી identity સમાપ્ત ન થાય, ત્યાં સુધી પ્રભુ તમને મળે નહિ. નામશેષ થવું પડે, વ્યક્તિ શેષ તમારે થવું પડે, તમારા એ વૈભાવિક અસ્તિત્વને સંપૂર્ણતયા નાબુદ કરવું પડે તો પ્રભુ મળે. છે તૈયારી? સંપૂર્ણ identity ખતમ કરી નાંખવાની.
અમારા ત્યાં શું થાય ખબર છે? ૨૦ વર્ષનો એક દીકરો દીક્ષા લે, ગુરુ એને દીક્ષા વખતે નવું નામ આપે છે, નામ આપવાનો અર્થ છે, એની આખી જૂની identity ખતમ કરી નાંખી. જુનું નામ ભૂંસી નાંખ્યું એમ નહિ, એ નામ સાથે જેટલી identity ભેગી થયેલી હતી એ બધાને તલવાર લઈને ગુરુએ કાપી નાંખી. ગુરુ તલવાર લઈને બેઠેલા છે યાદ રાખજો હો… face smiling હોવાનો, હાથમાં તલવાર રહેવાની. તમારે મન ઉડાવવું જ છે. અને વિભાવ તમારામાં છે, હું તમારી ખાલી પ્રશંસા ખોટી કરીશ. અહો, બે ટાઈમ પ્રતિક્રમણ કરે છે, અષ્ટપ્રકારી પૂજા કરે છે, આમ કરે છે અલ્યા કરોડ રૂપિયા સંઘમાં ખર્ચી નાંખ્યા! બહુ સરસ! નહિ…. હું ગુરુ તરીકે ચૂકું છું. મારે એને પૂછવું પડશે, કરોડ રૂપિયા તે ખર્ચ્યા એનો વાંધો નથી. પણ કરોડ મેં ખર્ચ્યા એનો અહંકાર તો મનમાં નથી ને…? અને એનો અહંકાર હોય તો, એ કરોડ તે ખર્ચ્યા નથી. કરોડ તારી પાસે જ છે પછી… અરે પ્રભુનું બધું છે. તમે પ્રભુને આપી રહ્યા છો. મેં આપ્યું કેમ બોલો છો? શી રીતે બોલી શકાય? આ બધું તમને મળ્યું; પ્રભુથી તો મળ્યું છે. ભલે પુણ્યના ઉદયે મળ્યું, પુણ્યના માલિક કોણ? પ્રભુ. નવતત્વ કોણે બતાવ્યા? પ્રભુએ બતાવ્યા.. તો બધું પ્રભુનું છે. હવે પ્રભુનું આટલું બધું આપેલું છે! થોડુક તમે પ્રભુને આપ્યું અને એમાં અહંકાર કરો છો!
એક વાત બરોબર સમજી લો, by the way દાન ગમે એટલું કરો મને વાંધો નથી. સાધર્મિક સહાયતામાં કરોડો રૂપિયા ખર્ચો તમે, ખાસ કરવા જેવું છે. દેરાસર બનાવો કોઈ વાંધો નથી. શહેરનો નવો વિકસતો એરિયા છે, જૈન કુટુંબો આવી રહ્યા છે, નવું દેરાસર બનાવો વાંધો નથી. બધું જ કરો તમે વાંધો નથી. પણ એ કરતી વખતે અહંકાર મનમાં ન આવવો જોઈએ. અને એટલે જ એક વાત હું વારંવાર કહું છું કે તકતી વગરનું દાન મારે તમારી પાસે જોઈએ છે. તકતી વાળું દાન કરો ને, એ દાન તરીકે હું નથી ગણતો. એમાં તો પૈસા વસૂલ થઇ ગયા ને તમારા..! પેલા મેનેજમેન્ટવાળાને પૈસા જોઈએ છે, તમારે નામ જોઈએ છે. ભાઈ આરસની તકતી કે ગ્રેનાઈટ ની તકતી…? અક્ષર સોનેરી કે કેવા? કેટલા બાય કેટલાની તકતી બોલો પહેલા..! આ તમે દાન આપવા જાવ છો કે ભાવતાલ કરવા જાવ છો? શું કરવા જાવ છો?! આને હું દાન નથી કહેતો, તમારો દીકરો પણ ન જાણે, ઘરમાં કોઈ ન જાણે, ગુપચુપ પાછલા બારણેથી સાધર્મિકોને સહાયક પહોંચાડી દો. અથવા એવા જ કોઈ સારા કામો કરી લો, હું માનું એ તમારું દાન છે.
હમણાં બૌદ્ધ વિપશ્યના ઇન્સ્ટીટ્યુટે બૌદ્ધ ગ્રંથો બહાર પાડ્યા. લગભગ ૮૦ થી ૯૦ volumes હતા. બધા વિદ્વાનોને એ લોકો ભેટ મોકલતા હતા. મારી પાસે પણ આવ્યા. મેં એક સરફરી નજર નાંખી કે આ project માં ખર્ચ કેટલો થયો હશે? Well bound પુસ્તકો, well edited, pages બહુ સારા. સરફરી નજરે મને લાગ્યું કે ૧૦—૧૨ કરોડનો પ્રોજેક્ટ આ છે. પણ નવાઈની વાત એ હતી, એક પણ પુસ્તકમાં એક પણ દાતાનું નામ નહિ. ૧૦-૧૨ કરોડનો પ્રોજેક્ટ.. કોઈનું નામ નહિ! મને જરા નવાઈ થઇ મારે જરાક જોવું જોઈએ કે આ છે શું? તો વિપશ્યના ઇન્સ્ટીટ્યુટ ઇગતપુરીએ બહાર પાડેલું. એક-બે સાધકો વિપશ્યના કરવા માટે ઇગતપુરી જતા હતા. મેં એમને પૂછ્યું કે તમને આનો ખ્યાલ ખરો? કે હા, સાહેબ ખ્યાલ છે. એ લોકોએ જ્યારે નક્કી કર્યું કે ગ્રંથો અમારે છપાવવા છે, ભગવાન બુદ્ધની વાણીને અમારે પ્રકાશિત કરવું છે ત્યારે એ લોકોએ એક બોર્ડ મુક્યું અને દાનપેટી મૂકી. જેની પણ ઈચ્છા હોય એ દાન આપી જાય. કોઈનું નામ નહિ આવે. માત્ર તમે દાન આપી દો. ૧૨ કરોડ ભેગા થઇ ગયા એટલે પુસ્તકો છાપવાનું કામ ચાલુ થઇ ગયું. તો તમારી સાધનામાં ક્યાં ચુંક છે, એ જાણવા માટે સદ્ગુરુની પાસે આવો કે ગુરુદેવ હું ક્યાં ચૂકું છું?
તો મીરાંને ગુરુ સમજાવે છે કે મીરાં ક્યાં ચુકી રહી છે. Actually મીરાંની ભૂમિકા બહુ ઉંચી છે. છતાં મીરાંને હજુ પ્રભુ નથી મળ્યા. કંઈક થોડું બાકી છે. એ વખતે પ્રભુ નથી મળ્યા ત્યારે મીરાંની તડપન કેવી હતી? મીરાંએ કહ્યું છે એ વખતે ‘તડપ તડપ જીવ જાશી’ તડપ તડપ જીવ જાશી. પ્રભુ તું મને કેટલો તડપાવીશ? તડપી તડપીને પ્રાણ ચાલ્યા જશે. આંખો સુઝી ગઈ છે. રડીને રડીને આંખો સુઝી ગઈ છે. છાતી કાંપી રહી છે. મારો પ્રાણ ચાલ્યો જશે, તું મને ક્યારે મળીશ? પણ હવે શું ચુંક છે એ તો ગુરુ જ બતાવે. તો ગુરુ કહે છે કે વરસાદના પાણીનું એક બિંદુ દરિયામાં પડ્યું; identity એની સમાપ્ત થઇ ગઈ. એમ તું પણ જો પરમાત્માના ચરણોની દાસી છે, મતલબ એ થયો કે પરમાત્માના સમુદ્રની તું એક બિંદુ છે. એટલે બિંદુ દરિયામાં ભળી ગયું. Identity ક્યાંથી હોય?! તું મીરાં ક્યાંથી હોય, પછી…?! આ મીરાંની identity તું ક્યાંથી લાવી પણ તું? આ મીરાં નું લેબલ ક્યાંથી લાવી? Identityless થઇ જા. Nameless થઇ જા. Body less, mindless થઇ જા. પ્રભુ આ રહ્યા…!
આપણે દરિયામાં ગયા ખરા, કિનારે ગયા, પાછા આવ્યા બરોબર…? કારણ મારું બિંદુ ખોવાઈ જશે તો… આપણે બચી-બચીને ચાલનારા માણસો છીએ. કેટલી તક આવી જયારે પરમચેતનાના સમુદ્રમાં તમે એકદમ ભળી જાવ. તમે બચી- બચીને ચાલ્યા છો. પછી હું ભળી જાઉં, પછી મારી identity નું શું..? મને કોણ ઓળખે? મારું નામ શું? પાછા ફરી ગયા તમે… હવે પૂરું જીવન દાવ પર લગાવવું છે? એક વાત યાદ રાખો, માત્ર ખાતાં-પીતાં ને મોજ-મજા કરતાં પ્રભુ મળવાના નથી. પૂરું જીવન દાવ પર લગાવવું છે બોલો…? પૂરું જીવન. પ્રભુ જીવન મારું નહિ તારું. લગાવવો છે દાવ…? જે જીવનનો દાવ લગાવી ન શકે એને પ્રભુ મળી ન શકે. ગુરુ કહે છે તું મીરાં, પ્રભુના ચરણોની દાસી. શી રીતે હોઈ શકે પણ…?! જો તું પ્રભુના ચરણોની દાસી છે તો મીરાં છે જ નહિ. You are nameless, you are identity less. આ identity નું પૂછડું ક્યાંથી આવ્યું તારું? નામનું પુંછડું ક્યાંથી આવ્યું?
By the way એક વાત કરું, આ જ વરસાદનું ટીપું ધૂળમાં પડે તો શું થાય? તરત જ એ ધૂળની અંદર ખતમ થઇ જાય. ચુસાઈ જાય, શોષાઈ જાય બિંદુ, ખતમ થઇ જાય. એ જ બિંદુ દરિયા ઉપર પડે તો? તમારા જીવનના બિંદુઓ અને મારા પણ અનંતીવાર સંસારની રેતમાં પડ્યા, એ બિંદુઓ શોષાઈ ગયા, ચુસાઈ ગયા, ખતમ થઇ ગયા. આ જીવનના બિંદુને અમર કરવો હોય તો માર્ગ એક જ છે. પરમચેતનાના સમુદ્રમાં એને mix up કરી દો.
અને ત્યારે જ આનંદઘનજી ભગવંતે ગાયું, ‘અબ હમ અમર ભયે ન મરેંગે.’ ‘યા કારણ મિથ્યાત્વ દિયો તજ..’ ‘સો હમ કાલ હરેંગે’ ‘અબ હમ અમર ભયે ન મરેંગે’ પ્રભુ મળ્યા, પ્રભુ મારું મિથ્યાત્વ, મારી ભ્રમણાઓ લઇ લીધી. અને સમ્યગ્દર્શન પ્રભુએ આપ્યું. સ્વાનુભૂતિ આપી. ‘અબ હમ અમર ભયે ન મરેંગે’ કો’કે પૂછ્યું ઠીક છે, અત્યારે તમે યુવાન છો, શરીર સારું છે. શરીર ઘરડું થયું, રોગો વધી ગયા, છૂટવાની વેળા આવી અહીંથી.. ત્યારે શું થાય? તો કેટલા સરસ શબ્દો એમણે આપ્યા, ‘નાસી જાસી હમ થીરવાસી, ચોખે વ્હૈ નિખરેંગે.’ મૃત્યુ આવશે તો શું થયું? નાસી જાસી હમ થીરવાસી – આ શરીર તો નાશવંત છે જ આમેય, નાશવંત છે એ જતું રહે એમાં નવાઈની વાત શું છે? હું તો કાયાના પિંજરમાંથી બહાર નીકળીશ, હમ થીરવાસી! હું ચૈતન્ય! હું નિત્ય! શાશ્વત ચૈતન્ય! હું તો સ્થિરમાં રહેનારો છું. શાશ્વતીમાં રહેનારો છું. મારે ક્યાં મૃત્યુ છે?
ભગવદ્દગીતામાં એટલે જ કહ્યું, ‘नैनं छिन्दन्ति शस्त्राणि, नैनं दहति पावकः’ શસ્ત્રોથી છેદાય એ શરીર, તમે નહિ. અગ્નિથી બળે એ શરીર તમે નહિ. આ સ્વાનુભૂતિ મેળવવી હશે ને પહેલાં ભેદજ્ઞાન જોઇશે. ભેદાનુભૂતિ. શરીરથી બિલકુલ અલગ થઇ જાવ. શરીર, શરીર છે, હું, હું છું. ઠીક છે. શરીરમાં રહું છું અત્યારે, એટલે શરીર કામ આપે છે. માંદુ પડે તો દવા પણ લઇ લેવાની વાંધો નહિ. ખોરાક પણ આપી દો વાંધો નથી. પણ જવાની વેળા આવે ત્યારે આરામથી છૂટી જવાનું. રોગ આવે ત્યારે શું કહેશો? મને રોગ આવ્યો? કે આને રોગ આવ્યો? શરીરને…? રોગ કોને આવે?
ધર્મધુરંધરસૂરિ મહારાજ આપણા એક પ્રબુદ્ધ આચાર્ય હતા. એ સાહેબને ગળાનું કેન્સર થયું. એ જમાનામાં pain killer પણ એટલા સારા શોધાયેલા નહિ. દવાઓ પણ એટલી સારી શોધાયેલી નહિ. સાહેબ સાંજે ચૌવિહાર વખતે એક pain killer લે, રાત્રે ૩-૪ કલાક એનો કેફ રહે. અને પછી જે પીડા શરૂ થાય! સાહેબ જ એ સહન કરી શકે, બીજું કોઈ સહન ન કરી શકે. હું અમદાવાદ આવેલો, સાહેબ અમદાવાદમાં. હું શાતા પૂછવા ગયો સાહેબને, સાહેબ જોડે બેઠો. શાતા પૂછી. મેં વર્ષો પહેલા એમનું દર્શન કરેલું. એ વખતે જે મુસ્કાન, જે સ્મિત, એમના ચહેરા ઉપર હતું, એ જ સ્મિત જોયું. કોઈ ફરક નહિ! કેન્સર ફરક શું પાડી શકે તમારામાં…? શરીર દુબળું પાતળું બની શકે. તમારામાં શું ફરક પડે? એ જ સ્મિત… એ જ મુસ્કાન.. તો સાહેબ શાતામાં? મને કહે બહુ શાતામાં, એકદમ શાતામાં. તો કહ્યું કે સાહેબ પણ આ કેન્સર થયું આપને…? મારી ઝાટકણી કાઢી! મને કહે, યશોવિજય! તું બોલે છે! મને કેન્સર થયું છે? કે મારા શરીરને થયું છે? કેન્સર થયું શરીરને મારે શું લેવા-દેવા છે? શરીરને થયું છે, ડોકટરો દવા કરે છે. શિષ્યો પણ દવા કરે છે, રહે છે ત્યાં સુધી ઠીક છે, આરાધના કરશું. ઉપડશું તો બીજા જન્મમાં આરાધના કરશું, છે શું…!
જો સાધના તમને અસ્તિત્વના સ્તર પર મળી ગઈ તો, મૃત્યુથી કંઈ ગભરાવાનું નથી. અહીંયા સાધના કરી, જન્મ બદલાયો, ફરી મનુષ્ય થયા, દેવ થયા, ગમે તે યોનિમાં ગયા. સારી યોનિમાં જ જવાના. ત્યાં તમારી એ જ સાધના ચાલુ રહેવાની છે. હું ઘણીવાર કહું છું રાત્રે તમે લેટર લખવા માટે બેઠા, ચાર લીટી લખાઈ અને light off થઇ ગઈ. ચાલો કાલે સવારે લખશું. સવારે લેટર હાથમાં લીધો, હવે ક્યાંથી લખવાનું છે? પાંચમી લીટીથી.. ચાર લીટી ગઈ કાલે રાત્રે લખાઈ ગઈ છે. જે સાધના આ જન્મમાં કરી એને ફરી આવતાં જન્મમાં ઘૂંટવી ન પડે, એનાથી તમે આગળ ચાલશો. પણ ક્યારે? માત્ર શરીરના સ્તર પર કે conscious mind ના સ્તર પર સાધના હશે તો નહિ ચાલે. અસ્તિત્વના સ્તર પર એ સાધના ગઈ હશે તો થશે. એટલે આપણે આ કામ કરવું છે. એના માટે આપણે ભેગા થયા છે.
તો સ્વાનુભૂતિ માટે બહુ જ નાનકડું સૂત્ર આપ્યું. ગમી જાય એવું તો ખરું જ, પણ હોઠે યાદ રહી જાય એવું પણ ખરું. આમ યાદ રહી ગયું આમ…? ‘પ્રભુ નિર્મલ દરિશન કીજીએ’ યાદ રહી ગયું? ક્યાં સુધી યાદ રહ્યું આમ…? હોઠ સુધી? મન સુધી? કે તમારા સુધી? હોઠ તમે નથી. આ conscious mind તમે નથી. તમે નિર્મલ ચૈતન્ય છો. ક્યાં સુધી ગયા શબ્દો..? મારે છે ને તમને સંભળાવવું છે હો… તમારા કાનને નહિ, તમારા conscious mind ને નહિ, અત્યાર સુધી સેંકડો પ્રવચનો સાંભળ્યા છે તમે? માત્ર કાન ખુશ થઇ ગયા વાહ! મ.સા. બહુ સરસ બોલે છે! મજા આવી ગઈ! મજા લેવા ગયો હતો અહીંયા?! આ કોઈ થિયેટર છે?! મ.સા. એ કોઈ નવી જ વાત કહી, આજ તો બહુ સરસ જાણવાનું મળ્યું. અરે! જાણવા આવ્યો હતો તું..?! જાણવાનું હોય તો ચોપડીમાં જ તને મળી જાય. તો શેના માટે આવ્યો હતો એ તો કહે…! આ મૌન – જે આર્ય મૌન છે એનું કારણ એક જ છે કે પ્રભુના આ શબ્દો તમારી ભીતર ચાલ્યા જાય. હકીકતમાં આ શબ્દોને સાંભળવાના છે જ નહિ, આ શબ્દોને પીવાના છે. અત્યાર સુધી સાંભળ્યું છે, મજા આવી. પીઓ…..!
હું ઘણીવાર કહું છું, એક શરાબી મયખાનામાંથી પીને નીકળ્યો ચકાચક… એ ચાલતો હોય, લડખડાતી ચાલે, તમારે એને પૂછવું પડે કે ભાઈ કેટલો પીધો છે? એની ચાલ કહી આપે કે ચકાચક પીને નીકળ્યો છે. તમે અહીંથી પ્રભુને પીને નીકળો, યશોવિજયને નહિ હો…! યશોવિજય નામની ઘટના તો છે પણ નહિ. પ્રભુને પીને નીકળો. ચહેરા ઉપર મસ્તી હોય આમ! કોઈ નવો અજાણ્યો આવે ને, કેમ આટલા બધા ખુશ ખુશ! કંઈ છે વાત? હા, પ્રભુને પીને આવ્યો છું!
તો ‘નિર્મલ દરિશન કીજીએ’ નો એક અર્થ આ છે કે પ્રભુને પીઓ.. પ્રભુને અંદર ઉતારો… પ્રભુને બહાર નહિ રાખતાં. તો પ્રભુ અંદર જવા તૈયાર છે. તમે પ્રભુને અંદર લઇ જવા તૈયાર હોવ તો તમારે વિચારમુક્ત થવું પડે. નિર્મલ દર્શન તમારે કરવું પડે. હવે ધ્યાનાભ્યાસ.