વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત
Subject: અમલ, અખંડ, અલિપ્ત
પ્રભુનું દર્શન એટલે પ્રભુના ગુણોનું દર્શન અને પ્રભુના સ્વરૂપનું દર્શન. વિચારમુક્ત બન્યા પછી, પ્રભુથી પ્રભાવિત બન્યા પછી પ્રભુના સ્વરૂપને જોવાનું છે. વીતરાગતા, જ્ઞાન, દર્શન એ પ્રભુના ગુણો છે. પ્રભુનું સ્વરૂપ શું? અમલ, અલિપ્ત અને અખંડાકાર ચેતના – એ પ્રભુનું સ્વરૂપ. અને પ્રભુનું આ સ્વરૂપ આપણું પોતાનું પણ સ્વરૂપ છે.
અમલ એટલે નિર્મલ. કર્મોનો કોઈ મલ પ્રભુની પાસે નથી. તમારું અસ્તિત્વ પણ નિર્મલ જ છે; માત્ર મોહને કારણે તમે તમારા સ્વરૂપને ખોટું માની બેઠા છો. પ્રભુની અખંડાકાર ચેતના છે. તમે સિદ્ધશિલા પર જશો ત્યારે જ્ઞાન, દર્શનનો ઉપયોગ તમારો પણ સદાકાળ માટે અખંડપણે ચાલ્યા કરશે; અત્યારે તમારો એ ઉપયોગ ખંડિત થાય છે માત્ર વિકલ્પોને કારણે.
રાગ-દ્વેષના ભાવકર્મ દ્વારા દ્રવ્યકર્મ પકડાય છે. પ્રભુ એ રાગ-દ્વેષથી પણ અલિપ્ત છે. એમ તમે પણ રાગ-દ્વેષથી લિપ્ત નથી. અનાદિની સંજ્ઞાથી વાસિત થયેલું મન વિભાવમાં જાય છે પણ તમે એ વિભાવનું કર્તૃત્વ લઇ લો છો એ જ ભૂલ કરો છો.
મૌન ધ્યાન સાધના શિબિર ૧૧ – જીરાવલા વાચના – ૭
સ્વાનુભૂતિ માટેનો મજાનો માર્ગ ‘પ્રભુ નિર્મલ દરિશન કીજીએ’
વિચારમુક્ત ક્ષણોમાં થયેલું પ્રભુનું દર્શન આપણને જોઈએ છે. કારણ એ જ ક્ષણોમાં પ્રભુની વિતરાગદશાને તમે જોઈ શકશો. એ જ ક્ષણોમાં પ્રભુના પ્રશમરસને તમે પી શકશો.
એ પ્રશમરસ પ્રભુના દેહમાંથી સતત છલકાઈ રહ્યો છે. ઘણીવાર કલ્પના કરવાનું મન થાય ગભારામાં કે ગભારાની તરત જ નજીકમાં ઇચ્છામિ ખમાસમણો ની મુદ્રામાં આપણે આપણા આ સહસ્રારને જમીન સાથે touch કરીએ ત્યારે પ્રભુના પ્રશમરસનો આપણને સ્પર્શ થઇ જાય. કારણ એ પ્રશમરસ રેલાઈ રહ્યો છે. રેલાઈ રહ્યો છે, રેલાઈ રહ્યો છે. જેટલા તમે સૂક્ષ્મમાં જશો, વિચારમુક્ત બન્યા પછી; એટલા જ તમે પ્રભુની ઉર્જાને પકડી શકશો. એકવાર પ્રભુની ઉર્જા પકડાઈ ગઈ, એકદમ શાંત મન થઇ ગયું, પછી બસ પ્રભુને જોયા જ કરો. બીજું કાંઈ જ કરવું નથી.
એક ભક્ત મને મળેલો, એ કહે સાહેબ પ્રભુ પાસે જાઉં છું. ચૈત્યવંદન પણ પૂરું ક્યારેક થાય, ન થાય… બસ પ્રભુને નિરખ્યા જ કરું છું, નિરખ્યા જ કરું છું. મેં કહ્યું ok તમારું ચૈત્યવંદન પ્રભુએ સ્વીકારી લીધું મેં કીધું. આખરે તો આજ કરવું છે. પ્રભુનું દર્શન એટલે પ્રભુના સ્વરૂપનું દર્શન અને પ્રભુના ગુણોનું દર્શન. પ્રભુનું સ્વરૂપ શું? જે આપણું પોતાનું પણ સ્વરૂપ છે.
દેવચંદ્રજી મહારાજે નવમાં સ્તવનમાં કહ્યું, ‘મોહાદિકની ઘૂમી, અનાદિની ઊતરે, હો લાલ; અમલ, અખંડ, અલિપ્ત સ્વભાવ જ સાંભરે, હો લાલ’ આ સ્વરૂપની ઝાંખી, પ્રભુના સ્વરૂપની, આપણા નિર્મળ સ્વરૂપની ઝાંખી આપણને ઘણીવાર અતિતમાં થઇ ગઈ છે. અને એટલે સરસ શબ્દ એમણે વાપર્યો ‘સાંભરે હો લાલ’ પણ પ્રભુનું આ સ્વરૂપ યાદ ક્યારે આવે? ‘મોહાદિકની ઘૂમી અનાદિની ઉતરે હો લાલ’ – મોહ શિથિલ બને, ત્યારે જ પ્રભુનું દર્શન થઇ શકે.
તો પ્રભુના સ્વરૂપની ત્રણ વાતો કરી: અમલ, અખંડ, અલિપ્ત. વિચારમુક્ત બન્યા પછી પ્રભુથી પ્રભાવિત બન્યા પછી પ્રભુના સ્વરૂપને જોવાનું છે, પણ શું જોવાનું છે એની વાત કરી. પભુ છે અમલ, કર્મોનો કોઈ મલ પ્રભુની પાસે નથી. નથી જ્ઞાનાવરણીય કર્મોનો મલ. નથી અંતરાય કર્મોનો મલ. નથી મોહનીય કર્મોનો મલ. પ્રભુ નિર્મલ છે. અમલ એટલે નિર્મલ. એ પ્રભુના સ્વરૂપનો વિચાર કરો ત્યારે હું પણ નિર્મલ છું. મારું અસ્તિત્વ નિર્મલ જ છે. માત્ર મોહને કારણે હું મારા સ્વરૂપને ખોટું માની રહ્યો છું.
કોઈ દુબળો પાતળો માણસ હોય, ભમરી-બમરી કરડી અને બે હાથ સુઝી ગયા, પછી કહે વાહ! હું કેટલો જાડો થઇ ગયો! ભમરી કરડી અને સોઝો આવ્યો, એકદમ વધારે પડતો સોઝો આવી ગયો. બંને હાથ પહેલાં કરતાં ડબલ થઇ ગયા. ત્યારે કહે છે, વાહ! હું કેટલો જાડો થઇ ગયો! ભાઈ! તું જાડો નથી થયો. આ વિકૃતિ છે તારી. ડોક્ટર પાસે તું જઈશ, તને દવાઓ આપશે, તારી વિકૃતિને સાફ કરશે. તું હતો ને પાછો એવો થઇ જઈશ. આપણે સોજાવાળું આપણું સ્વરૂપ એને આપણું સ્વરૂપ માનીને બેઠા છીએ. તમે નિર્મલ છો જ. અને એટલે પ્રભુની સામે ગયા પછી પ્રભુની જે નિર્મલ આંતરાત્મ દશા જોઈ ને, મારી આંતરાત્મદશા પણ આટલી જ નિર્મલ છે એ વિચાર કરવાનો છે. અમલ..
પછી કહ્યું અખંડ. પ્રભુનું સ્વરૂપ અખંડાકાર ચેતના છે. અખંડાકાર. અને તમારું મૂળ સ્વરૂપ પણ અખંડાકાર ચેતના છે. આપણે સિદ્ધશિલા પર જઈશું ત્યારે જ્ઞાન, દર્શનનો ઉપયોગ સદાકાળ માટે ચાલ્યા કરશે. આપણી ચેતનામાં કોઈ ખંડ નહિ હોય. આજે તમારી ચેતના વારંવાર ખંડિત થાય છે, ખંડિત કેમ થાય છે? વિકલ્પોને કારણે થાય છે. દેરાસરમાં ગયા, ભલે શુદ્ધની વાત જવા દો, શુભભાવ આવ્યો, અહોભાવ આવ્યો, પરમાત્માનું દર્શન કરતાં આંખોમાંથી આંસુ વહ્યા. સરસ ભક્તિ થઇ, બહાર નીકળ્યા અને એક ચંપલ ચોરાઈ ગયું છે. ધારા ખંડિત..!
એક દિવસમાં તમારી ધારા કેટલા ખંડોમાં વિભક્ત થાય છે! શુભ વિચારો સતત ક્યારેય કલાક પણ રહ્યા હશે ખરા? એક નાનકડું નિમિત્ત મળે છે, અશુભમાં સીધા પટકાઈ જાવ છો. તો પ્રભુનું સ્વરૂપ અખંડાકાર ચેતના છે. કોઈ ખંડોમાં વિભક્ત એ ચેતના નથી. જ્ઞાન, દર્શનનો ઉપયોગ સદાકાળ માટે ભીતર ચાલ્યા કરવાનો છે. એક જ લયમાં પ્રભુની ચેતના રહેવાની છે. આપણી ચેતનાનું ઠેકાણું જ નથી. દિવસમાં કેટલા રંગ બદલે.
તો પ્રભુનું જે મૂળભૂત સ્વરૂપ છે, અખંડાકાર ચેતનાનું એવું જ મૂળ રૂપ આપણું છે. તમે અખંડાકાર ચેતના છો જ.
એનો નાનકડો પ્રયોગ કરો. વિકલ્પ કોઈ આવી ગયો, વિચાર કોઈ આવી ગયો. એમાં ભળવું નહિ, વિચારમુક્તિ માટેનું આ એક બહુ સરળ સૂત્ર છે. ઘણા લોકો કહે, સાહેબ વિચારોને અટકાવવા કેવી રીતે? કે બારણું નથી કોઈ એવું કે બારણું બંધ કરી દે ને વિચારો ન આવે. વિચારો તો આવે જ છે. ચાલો આવે છે. વિચારો આવવાનું કામ ભલે કરે, વિચારોને જોવાના, વિચારોમાં ભળવાનું નહિ. આટલું નક્કી કરીએ. વિચારોને જોવા એટલે શું? અને ભળવું એટલે શું? જોવાનો મતલબ એ થયો કે વિચાર દ્રશ્ય બની ગયા. ટેબલ છે મારી સામે છે, ટેબલ દ્રશ્ય છે હું દ્રષ્ટા છું. તો દ્રશ્ય ને દ્રષ્ટા ક્યારેય એક થવાના છે…? તમે ખુરશી ઉપર બેઠેલા છો, પણ ખુરશી દ્રશ્ય છે ને તમે દ્રષ્ટા છો. ખુરશી અને તમે એક થઇ જવાના છો? તો વિચાર દ્રશ્ય છે, વિચાર તમારું સ્વરૂપ નથી. વિચાર દ્રશ્ય છે. આ શરીર પણ દ્રશ્ય છે, તો શરીરને જોનાર જે તમે છો, એ દ્રષ્ટા છે. તો વિચાર દ્રશ્ય છે, તમે દ્રષ્ટા છો. વિચારોની અસર તમારા ઉપર નહિ થાય.
હું ઘણીવાર સમજાવું છું. દૂર એક પહાડ હોય, ૨૫-૩૦ કિલોમીટર દૂર, જંગલમાં આગ લાગી, આગ થોડી વધુ લાગી છે. તમે ૨૫ કિલોમીટર દૂર કોઈ સ્થળે છો. એ આગ તમને દેખાય છે. રાતના સમયે તમે જુઓ છો અરે! આગ લાગી છે પહાડ ઉપર. પણ એ આગ તમને ગરમી આપે? એ આગની કોઈ અસર તમને થાય ખરી? પણ આગ અહીંયા નજીકમાં જ હોય, તમે fire place કરીને બેઠેલા હોવ, તાપણું કરીને હાથને શેકતા હોવ, તો સહેજ ઠંડી ઓછી થઇ જાય. ગરમીનો અનુભવ થશે. તો ત્યાં ગરમીનો અનુભવ થાય છે. પહાડની ગરમીમાં – આગમાં ગરમીનો અનુભવ થતો નથી. તો જે વિચાર તમારી ભીતર અસર કરે, રાગ, દ્વેષ કે અહંકાર તમારી ભીતર છલકાવે તો એ વિચારમાં તમે ભળી ગયા કહેવાઓ. અને જે વિચાર તમારા ઉપર અસર ન કરી શકે એ વિચારને જોઈ લીધો છે માત્ર તમે, આવ્યો ને જોઈ લીધો. આવ્યો ને જોઈ લીધો.
આગળ વધીએ તો આ જ વાત ક્રોધ માટે છે. મન છે અનાદિની સંજ્ઞાથી દુષિત છે. અને એને કહેવામાં આવેલું છે. કે અનુકુળતામાં રાગ કરવો, પ્રતિકુળતામાં દ્વેષ કરવો. પ્રતિકુળ વાતાવરણ થશે એટલે એ મન ક્રોધિત થઇ ઉઠશે. એટલે સત્તામાં પડેલો ક્રોધ ઉદયમાં આવશે. ત્યાં સુધી વાંધો નહિ, મનમાં ક્રોધ આવે ત્યાં સુધી વાંધો નથી. તમારામાં ક્રોધ આવે તો વાંધો છે મને… મન અને તમે એક કેમ થઇ જાવ છો, મારે તમને પૂછવું છે? તમે મન નથી. You are mindless expression. તમે બિલકુલ મનથી ભિન્ન છો.
અને છતાં મન જોડે રહેવું હોય તો એક વ્યવસ્થા કરી આપું, બે જાતના મન આપણે વિચારી લઈએ, એક સંજ્ઞા પ્રભાવિત મન, એક આજ્ઞા પ્રભાવિત મન. સંજ્ઞા પ્રભાવિત મન કહેશે, આને આમ કહ્યું તને, તું ગુસ્સો કર, કેમ નથી કરતો? આજ્ઞા પ્રભાવિત મન કહેશે કે એને ક્યાં કંઈ ખરાબ વચન કહ્યું છે! એ તો સજ્જન માણસ છે. મારા કર્મને કારણે એ ખરાબ બોલ્યો છે. તો ખરેખર નિમિત્ત તો મારું કર્મ છે, એ વ્યક્તિ તો છે જ નહિ. તો નિમિત્ત એ છે જ નહિ, એના પર ગુસ્સો કેમ આવે?! આ આજ્ઞાવાસિત મન તમને કહેશે. બોલો આજ્ઞા વાસિત મન છે તમારી પાસે? આપી દઉં? હું mind transplantation નિષ્ણાંત માણસ છું. તમારું સડેલું મન આપી દો. નવું મજાનું મન તમને આપી દઉં બોલો… છો તૈયાર? પણ તમારું અત્યારનું મન તમને ન ગમે તો આપવા આવશો? તમે તમારા ક્રોધનો બચાવ કરવાના છો. સાહેબ થોડો ક્રોધ તો કરવો જ પડે ને નહિતર દુનિયામાં રહેવાય કેમ? પછી મને philosophy સમજાવે. અલ્યા તું તો ક્રોધ કરે છે, મને philosophy સમજાવવા આવ્યો છે! ક્રોધનો બંધ તમે કર્યો છે કર્મનો, મોહનીય કર્મનો, સત્તામાં પડેલું છે, ઉદયમાં આવશે. પણ ઉદયમાં આવે ત્યારે કર્મ તમે બે ઘટનામાં જઈ શકો છો. એક ઘટના એ કે અત્યારે તમે કરો છો. ઉદયની ક્ષણોમાં ઉદયથી પ્રભાવિત થઇ જવું. ક્રોધ ઉઠ્યો તો ક્રોધિત થઇ જવું. હવે ક્રોધિત થશો તો શું થશે… એ વખતે ફરી તમે ક્રોધ ક્રોધનો બંધ કરશો. અને એ ક્રોધ જે ભીતર ઉઠેલો છે મનમાં, તમારામાં ક્રોધ છે નહિ. મનમાં ક્રોધ છે. એ મનમાં ક્રોધ જે ઉઠ્યો છે; માત્ર જોઈ લો; નિર્જરા થઇ જશે.
એટલે હું બે શબ્દો વાપરું છું, તમારી ચેતનાને તમારે ઉદયાનું ગત ચેતના બનાવવી છે કે સ્વસત્તાનું ગત ચેતના બનાવવી છે? ઉદયમાં તમે ભળી ગયા, રાગમાં ભળી ગયા, અનુકુળ પદાર્થ સામે આવ્યો, ખાવાની ઈચ્છા થઇ, ભોગવવાની ઈચ્છા થઇ, રાગની ધારામાં તમે વહેવા લાગ્યા. આ ઉદયાશ્રિત તમારી ચેતના થઇ. તો ખાસ કરવું છે આ. ઉદય આવે ત્યારે ઉદયને જોઈ લેવાનો છે. તમે ઘણા મહામુનિઓને જોયા હશે, ગમે એટલી અશાતા હોય શરીરમાં, ચાર ડીગ્રી તાવમાં શરીર સેકાઈ રહ્યું છે, તમે પૂછો સાહેબ શાતામાં? હો… એકદમ શાતામાં, દેવ-ગુરુ પસાય. કેમ? અશાતા નો ઉદય ચાલે છે. No doubt. ચાર ડીગ્રી તાવ છે એટલે અશાતાવેદનીયનો ઉદય ચાલી રહ્યો છે. પણ એ મહાત્મા ઉદયની ક્ષણોમાં ભળતાં નથી. તમે એ વખતે ઉદયની ક્ષણોમાં વહો છો, નવું કર્મ ફરી બંધો છો. અને એ મહાત્મા માત્ર અશાતાના ઉદયને જોઈ લે છે, એ કર્મ એમનું ખરી જાય છે. ફરી ફરી તમારે કર્મોને બાંધવા, કે કર્મોથી મુક્ત થવું એ તમારા હાથમાં છે.
ખાલી નાનકડી process છે: વિચારોને જોવા; વિચારમુક્તિ માટેનું બહુ મજાનું આ સૂત્ર છે. વિચાર આવે છે, તમે અટકાવી શકતા નથી. વિચારને જોઇ લો. આમાં તો અઘરું કંઈ નથી ને…? આમાં તો અઘરું કંઈ નથી ને…?! વિચારને જોવાના… તકલીફ છે ને વિચારોની નથી; તમારી છે. ફરીથી કહું, તકલીફ એક પણ વિચારની નથી, તમારી છે. તમે વિચારો સાથે સાંઠ-ગાંઠ બાંધીને બેસી જાવ છો. મારા વિચાર… તું આનંદઘન આત્મા છે, તારે વિચાર હોય જ નહિ. વિચાર મન કરે છે.
હવે એક વાત તમને કહું, મન સેક્રેટરીની ભૂમિકામાં છે. તમે bossની ભૂમિકા ઉપર છો. જે boss સેક્રેટરી જે કાગળ લાવે એમાં સહી કરવા મંડી જ પડે ઊંધું ઘાલીને… એની પેઢીનો દેવાળું કાઢવાનો વખત આવે છે. સેક્રેટરી ફૂટી ગયેલી હોય, ખોટો જ કાગળ લઈને આવે, એ પેઢીને નુકશાનમાં મુકતો હોય, boss ઊંધું ઘાલીને સહી કરી આપે તો શું થાય? અત્યાર સુધીમાં તમારી પેઢીએ દેવાળું કેમ કાઢ્યું? આના કારણે, આ મનની સેક્રેટરી જે પરિપત્ર લઈને આવે, હા ચાલો, સહી કરી દો, accepted. શું accepted?! પહેલાં જોતો ખરો પણ… આ મન એવી વાતો લઈને આવે છે, જે તને નરક અને નિગોદમાં મોકલી શકે.
હું લીચીની વાત ઘણીવાર કહું છું. લીચી યુવાન હતો, એકવાર હિંદુ ગુરુના આશ્રમે જાય છે, ગુરુ બહુ જ પહોંચેલા હતા, ગુરુએ ખાલી લીચીને જોયો, ગુરુ face reading ના master હતા. ચહેરો જોયો, ખ્યાલ આવી ગયો, વૈરાગ્યની ધારામાં વહેતું અસ્તિત્વ છે. પહેલીવાર આશ્રમમાં આવેલો એ માણસ ગુરુ એને પૂછે છે ક્યારે સંન્યાસ લેવો છે? ક્યારે સંન્યાસ લેવો છે? કેમ કહ્યું? વૈરાગ્યની ધારા એના ચહેરા ઉપર જોઈ લીધી. અને લીચી કહે છે ગુરુદેવ! દીક્ષા તો લેવી જ છે પણ વિચાર કરું છું, ક્યાં લેવી, ક્યારે લેવી? કઈ રીતે લેવી? અને એ વખતે ગુરુએ એક master stroke લગાવ્યો છે. ગુરુએ કહ્યું, વાહ! તું ખરો માણસ છે! જે તારી બુદ્ધિએ અને જે તારા અહંકારે અનંતા જન્મોની અંદર તને નરક અને નિગોદમાં રખડાવ્યો છે. એ બુદ્ધિને તું પૂછવા જાય છે ક્યાં દીક્ષા લેવી? ક્યારે દીક્ષા લેવી, કઈ રીતે દીક્ષા લેવી? વાહ! ખરો માણસ છે તું! તું મનને પૂછવા જાય છે!
એક જ ગુરુનું વાક્ય..! લીચીની બુદ્ધિ અને અહંકારની રજ નીચે ખરી પડી. એને કહ્યું ગુરુદેવ! આપના ચરણોમાં છું, આપને યોગ્ય લાગતું હોય તો અત્યારે મને સંન્યાસ આપી શકો છો. અને ગુરુએ એ જ વખતે એને દીક્ષા આપી દીધી. દીક્ષા આપ્યા પછી ગુરુએ પોતાની પરંપરા પ્રમાણે પોતાની ચાદર લીચીને ઓઢાડી. એ વખતે પરંપરામાં બહુ જ મોહક રીતે કહેવાયું કે લીચીએ ગુરુને ઓઢ્યા હતા. લીચીએ ચાદર ઓઢી હતી એમ નહિ, ગુરુની ચાદર નહિ; ગુરુને ઓઢ્યા હતા.
આ સાધુ ભગવંતોને, આ સાધ્વીજી ભગવતીઓને કહી દઉં તમે પ્રભુને ઓઢેલ છે. દીક્ષા લીધી શું થયું? આ ચાદર અમે એમનેમ નથી આપી. માત્ર ચાદર શરીર પર છે એમ નહિ માનતા. પ્રભુની ચાદર તમારા પુરા અસ્તિત્વને વળગીને રહેલી છે. તમારા અસ્તિત્વનો એક નાનકડો હિસ્સો પણ પ્રભુની ચાદરની બહાર, પ્રભુની આજ્ઞાની બહાર જવો ન જોઈએ. કામળી કાળ વખતે જેમ સાવધાની રાખો, એક આંગળી પણ કામલીની બહાર જતી ન રહે. એ જ રીતે મારો વિચાર, મારો આચાર, મારું વ્યક્તિત્વ પ્રભુની આજ્ઞાની ચાદરની બહાર ન જાય એની જાગૃતિ જેની પાસે આવે છે એ જ પ્રભુનો સાધુ, એ જ પ્રભુની સાધ્વી.
તો લીચીની બુદ્ધિ એક ક્ષણમાં ખરી પડી. કેમ? જે તારી બુદ્ધિએ તને અનંતા જન્મોમાં રખડાવ્યો છે. નરક-નિગોદની સફર કરાવી છે. એ બુદ્ધિને તારે પૂછવું છે કે ક્યાં દીક્ષા લેવી? શું દીક્ષા લેવી? બોલો તમારે સાધના કરવી છે તમે કોને પૂછવાના બોલો…? તમે કોને પૂછવાના? પ્રભુ અખંડાકાર ચેતના છે. અમારી ચેતના ખંડોમાં વહેંચાયેલી છે. અને ખંડોમાં તમારી ચેતનાને વેંચનાર કોણ? માત્ર તમારા વિચાર. બે કલાક રાખો, વિચાર કરવાના નહિ. વિચાર આવે તો ભળવાનું નહિ. જુઓ એક ધારા તમારી ચાલે છે કે નથી ચાલતી… ધારા ચાલે જ. કેમ ન ચાલે…?! ભલે અત્યારે અહોભાવની ધારા છે, શુભની ધારા છે, તો શુભની ધારા અખંડ ચાલે જ. કેમ ન ચાલે…?
અમારા ત્યાં તો પ્રાચીન ગ્રંથોમાં એ વાત આવે છે, કે સવારે શ્રાવક ઉઠે, ભગવાનના મંદિરે જાય, દર્શન કરે, ચૈત્યવંદન કરે, બપોરે મધ્યાહ્ન પૂજા કરે, અષ્ટપ્રકારી પૂજા, સાંજે આરતી ઉતરવા માટે જાય, કારણ એટલું સરસ સમજાવ્યું કે સવારે પ્રભુના દર્શન કર્યા છે. અને પ્રભુનું દર્શન કર્યા પછી એની અંતરાત્મદશા જે નિર્મલ થઇ છે, એ નિર્મલતા એ દુકાને જશે, ઓફિસે જશે, ઘરમાં જશે તો પણ એટલી મલિન નહિ થાય. થોડી મલિન થવા લાગશે નાહી-ધોઈને પાછો દેરાસરે પૂજા કરવા માટે જાય. અડધો કલાક-કલાક પૂજામાં બેસશે. ફરી નાહી લેશે પ્રભુથી, પ્રભુના જળથી નાહવાનું.
હું ઘણીવાર કહું છું તમે તો પ્રભુનો અભિષેક કરો, પ્રભુ તમારો અભિષેક કરે ખબર છે તમને? પ્રભુ તમારો અભિષેક કરે. છે ખબર? હું શંખેશ્વરમાં હતો, બપોરનો ટાઇમ, એક ભક્ત પરિચિત હતો, વંદન કરવા આવ્યો, મારી જોડે બેઠો. એની આંખમાં આંસુ… એ કહે સાહેબજી આ જ તો પ્રભુ મારા ઉપર વરસી પડ્યા. મેં કહ્યું શું થયું? મને કહે સાહેબ! ૨૦ વર્ષથી લગાતાર શંખેશ્વર આવું છું. પૂનમે આવું તો અભિષેકનો ચાન્સ મળે જ નહિ. બેસતાં મહિને આવું છું. પણ પહેલાંથી મારી ઈચ્છા હતી કે પ્રભુનો અભિષેક કરવાનો લાભ મને મળે. રોજ ચડાવો બોલું, શરૂ કરું, મારા બજેટની બહાર જાય તો ચડાવો મારે છોડી દેવો પડે. આજે પ્રભુની પ્રસાદી મને મળી ગઈ. અભિષેકનો ચડાવો મને મળી ગયો. પ્રભુનો અભિષેક મેં કર્યો. એનો આનંદ એટલો કે સવારે ૯-૯.૩૦ એ અભિષેક કરેલો, અઢી વાગે મારી પાસે આવે છે બપોરે એ વખતે એની આંખમાંથી હર્ષના આંસુ જાય છે. મેં કહ્યું ભાઈ! તે તો પ્રભુનો અભિષેક કર્યો. પ્રભુએ પણ તારો અભિષેક કરી લીધો. તારી આંખમાંથી જે હર્ષના આંસુ સરે છે એ પ્રભુએ કરેલો તારો અભિષેક છે.
તો મધ્યાહ્નને શ્રાવક પૂજા કરવા જાય; ફરી પવિત્ર થઇ જાય. ફરી બપોરે થોડો થોડો મેલ લાગેલો હોય, સાંજે ફરી પ્રભુની પાસે જાય, ચૈત્યવંદન કરે, આરતી ઉતારે, સાફ થઇ જાય. પાવર રહે પછી, સવારે દર્શન કર્યું બપોર સુધી રહે. બપોરે પ્રભુનો સ્પર્શ કર્યો, સાંજ સુધી રહે. સાંજે પ્રભુની આરતી ઉતારી પછી તો રાત્રે ખાસ પ્રવૃત્તિ હોતી નથી. આરામ કરવાનો હોય છે. એટલે આખી રાત શુભની ધારા ચાલુ. આવી રીતે શુભની ધારા તમારી ચલાવવા માટે આટલી બધી મથામણ, આપણા પૂર્વ મહાપુરુષોએ કરેલી છે. તમે જો ધારો તો જરૂર આ ધારા અખંડ તમે ચલાવી શકો. પ્રભુની અખંડ ચેતના છે ને એ શુદ્ધની છે. એમાં કોઈ વિચાર નથી, શુભ વિચાર પણ નથી. વિચાર આત્માનુ સ્વરૂપ છે જ નહિ, ત્યાં માત્ર સ્વરૂપની સ્થિરતા જ છે. માત્ર સ્વરૂપમાં સ્થિત થઈને પ્રભુ બેઠા છે. કોઈ વિચાર નથી, કશું કરવાનું નથી. આપણે હજુ શુભની ભૂમિકા ઉપર હોઈએ તો શુભમાં રહેવું નથી. શુદ્ધમાં જવું છે. પણ શુભની ભૂમિકા ઉપર હોઈએ ત્યારે પણ શુભની ધારા અખંડ ચાલે એના માટે કંઈક કરવું છે.
ઓફિસે ગયા, સરસ મજાના સ્તવનાના પુસ્તકો રાખો, યશોવિજય ચોવીસી, અર્થ સાથેનું પુસ્તક મળે છે, ઓફિસે રાખો. બાયર આવ્યો વાતચીત કરી, કોઈ નથી, ચોપડીના પાના ફેરવો. એકાદ કડી અને એનો અર્થ જે છે એ કરવા મંડી પડો. You can do this. શુભની ધારા અખંડ ચલાવવી હોય તો you can do this, if you want. આટલી જ વાત છે, if you want. એક સંકલ્પ છે તમારી પાસે કે શુભની ધારા મારે અખંડ ચલાવવી છે, ચાલે જ, કેમ ન ચાલે….?! કારણ તમારે ચલાવવાની નથી. પ્રભુએ ચલાવવાની છે. પ્રભુએ કેટલા તો માધ્યમો આપ્યા! વિચાર તો કરો.
હું મારા શિષ્યોને ઘણીવાર પૂછું કે બેટા! વહોરવા ગયો હતો, લોકો ભાવથી વહોરાવતાં હતા. તને શું feeling થયું? ત્યારે કહે છે સાહેબ! એ વખતે મારી આંખોમાં આંસુ આવેલા. કે આ લોકોને પ્રભુના વેશ પર કેટલો આદરભાવ છે. જે એમને ત્યાં છે, બસ મોકળે મને વહોરાવવું જ છે મ.સા. ને, પાત્રા ભરી દેવાની વાત છે. સાહેબ વહોરતા વહોરતા મારી આંખમાં આંસુ આવી ગયા. તમારો એ ભાવ અમને પણ સ્પર્શે છે. ઘણીવાર થાય કે અમારી પાસે કદાચ પ્રભુની આજ્ઞાનું પાલન એટલું બધું નથી. અને છતાં માત્ર વેશ પર તમે આટલું બધું આપી રહ્યા છો અમને. અમારી આંખો તમારાથી ભીની બને છે. તમારી આંખો અમારાથી ભીની બને બરોબર…? પ્રભુથી ભીની બને.
મેં દીક્ષા ૧૧ વર્ષે લીધી. શરૂઆતમાં ગુરુદેવે મને વહોરવા નહોતા મોકલતાં. એકવાર દિક્ષાના દોઢ એક વર્ષ પછી સાડા બાર વર્ષની મારી ઉંમર હતી. એક ગામમાં હતા, ગુરુદેવે કહ્યું, યશોવિજય આજે તારે વહોરવા જવાનું છે. અમારા માટે એક સૂત્ર છે, ‘आज्ञा गुरुणाम् अविचारणीय’ ગુરુની આજ્ઞા આવી પછી વિચાર નહિ કરવાનો. Guru is the supreme boss. ગુરુ કહે એટલે કરી જ લેવાનું. હું તૈયાર થઇ ગયો, કપડો ઓઢ્યો, કામળી પહેરી, હાથમાં દાંડો લીધો, તરપણી અને પાત્રું લીધું. વહોરવા નીકળ્યો. પહેલા જ જે ઘરે ગયો, ધર્મલાભ દઈને અંદર ગયો, ઘરને જોતા લાગ્યું કે લોઅર મિડલ ક્લાસનું ઘર છે. રસોડામાં ગયો, શ્રાવિકા માતા આંખોમાં અહોભાવ, ચહેરા પર પ્રસન્નતા, સાહેબ પધારો, પધારો, પધારો. અને પછી વહોરાવવાની વાત આવી. મારે તો ૧૦-૧૫ ઘરે જવાનું હતું. થોડું થોડું લેવાનું હતું. મને કહે સાહેબ પાતરું તો નીચે મુકો તમારું, હું વહોરાવું શી રીતે? પાતરું મેં નીચે મુક્યું… મેં કહ્યું, મારે અડધી કપ ચા જોઈએ વધારે નહિ, અડધો કપ જ. હા, પણ તમે પાતરું નીચે મુકો. મેં નીચે મુક્યું. અને પછી એ માં એ મારું પાત્ર આખું ચા થી ભરી કાઢ્યું. વિચાર આવ્યો મને, કદાચ પોણો લીટર કે લીટર દૂધ લાવ્યું હશે. એમાંથી ચા બનેલી છે. ઘરના બધા સભ્યોને ચા પીવાની બાકી છે. તપેલું ભરેલું હતું, કોઈ વિચાર એ માતાએ કર્યો નથી. પછી દૂધ લાવી શકાશે એટલા પૈસા છે કે નહિ. દૂધ લાવી શકાશે કે કેમ? ચા થશે કે કેમ? કોઈ જ સવાલ નહિ. માત્ર તપેલી આખી ઠલવી નાંખી.
એ વખતે મેં મારી આત્મકથામાં લખ્યું છે કે મારી આંખો તો ભરાઈ જ આવી. ચા નું પાત્ર તો ભરાયું મારી આંખો ભરાઈ ગઈ. અને મારી આંખના આંસુ પ્રભુને કહેતાં હતા કે પ્રભુ! તારા આજ્ઞા પાલનના પથ પર કેટલો ચાલુ છું એ મને ખબર છે. એટલી આજ્ઞા પાલનની ચોકસાઈ હજુ મારી પાસે નથી આવી. છતાં માત્ર તારા વેશ પર આટલો અહોભાવ આ લોકોને છે! અને તમારા અહોભાવને જોઈને અમે લોકો ભીના થતાં હોઈએ છીએ. અને તમે લોકો પ્રભુને અને સાધુ મહાત્માને જોવો, ભીની ભીની આંખ થઇ જાય તમારી.
આ કાળમાં, મુંબઈમાં 44 દિક્ષાઓ થાય, બધા યુવાનો હોય, ગ્રેજ્યુએટ હોય. તમારી આંખો છલકાઈ ન ઉઠે! નાનકડો બાળક હોય તો વિચાર પણ કરીએ. આ તો પુખ્ત વયનો માણસ છે. આજે તો ૧૨ અને ૧૪ વયમાં છોકરો તમારું બધું જ જાણી લેતો હોય છે internet ઉપર. કંઈ બાકી રહેતું જ નથી પછી એના માટે… ૨૦ વર્ષનો, ૨૨ વર્ષનો યુવાન, વેલ એજ્યુકેટેડ ટેલેન્ટેડ એ દીક્ષા ગ્રહણ કરે છે. તમારી આંખો આંસુથી ભીની ન બને? એ પ્રભુનું આકર્ષણ કેટલું એને લાગ્યું હશે?! એ પ્રભુના પથ પર દોડવા માટે તૈયાર થઇ ગયો છે! અમને અહીંયા લાવનાર માત્ર અને માત્ર પભુનું આકર્ષણ છે. અને એટલે જ પંચસૂત્રમાં ચોથા પંચસુત્રમાં કહેવામાં આવ્યું, ‘स एवमभिपव्वइए समाणे’ નવદીક્ષિત સાધુ અભિપ્રવ્રજિત છે. બે શબ્દો આપ્યા, અભિવ્રજ્યા અને પ્રવ્રજ્યા. પ્રવ્રજ્યા એટલે તમે જેને દીક્ષા કહો છો એ, પણ એ દીક્ષાની પહેલા અભિવ્રજ્યા છે. અભિવ્રજ્યા એટલે પરમાત્માનું પરમ સંમોહન. એવું એક સંમોહન પરમાત્માનું, પરમાત્માની આજ્ઞાનું કે સાધક, ભક્ત એક ક્ષણ, પ્રભુ વિના, પ્રભુની આજ્ઞા વિના ન રહી શકે.
આનંદઘનજીએ ગાયેલું, ‘આનંદઘન બિન પ્રાણ ન રહે છીન. કોટિ જતન કરી લીજીએ’ ‘આનંદઘન બિન પ્રાણ ન રહે છીન. કોટિ જતન કરી લીજીએ’ હું કરોડો પ્રયત્નો કરું તો પણ પ્રભુ વિના હું એક ક્ષણ રહી શકું એમ નથી. આ અભિવ્રજ્યા ખરેખર આવે ને પછી જ પ્રવ્રજ્યા આવે એ વાસ્તવિક પ્રવ્રજ્યા છે. પરમાત્માનું પરમ સંમોહન.. મારી પાસે જે પણ મુમુક્ષુઓ આવે, હું એને પહેલાં પ્રભુ પાસે મોકલું છું કે પ્રભુનું સંમોહન કેટલું આવ્યું આની પાસે? પ્રભુની આજ્ઞા પ્રત્યે સંમોહન કેટલું છે? નહિતર અહીંયા આવ્યા પછી પણ ભટકી ન જાય શું ખબર? અભિવ્રજ્યા. માત્ર પરમાત્માનું સંમોહન, પરમાત્માનું તીવ્ર આકર્ષણ. અને એ અભિવ્રજ્યા તમે પણ કરી શકો છો. અને અભિવ્રજ્યા પછી પ્રવ્રજ્યા તમારા માટે પણ આવી શકે છે. પણ પ્રવ્રજ્યાની પૂર્વે અભિવ્રજ્યા તો કરી લો. બસ પરમાત્માને જોવો. આંખમાંથી હર્ષના આંસુ છલકાયા કરે. પ્રભુ તું મને મળી ગયો છે! ક્યારેક વેદનાના આંસુ પણ છલકાય, પ્રભુ તું મને મળ્યો, પુરેપુરો ક્યાં મળ્યો છે હજુ…! ભગવાનને પુરેપુરા પામવા એ જ આ જન્મનું લક્ષ્યાંક છે.
સંત કબીરજીને કો’કે પૂછેલું, પ્રભુ તમને મળ્યા? કબીરજીની બહુ જ મજાની કેફિયત હતી, શું કેફિયત હતી? ‘કહે કબીર મેં પૂરો પાયો’ ‘કહે કબીર મેં પૂરો પાયો.’ પ્રભુ મળ્યા એટલું નહિ, પુરેપુરા પ્રભુ મને મળી ગયા. એ પુરેપુરા પ્રભુ કેમ મળે… એ વાત કાલે બતાવીશ. કારણ કે તમારે જોઈએ છે બરોબર ને…? પ્રભુને પુરેપુરા પામવા એનું નામ જ સ્વાનુભૂતિ. એ જ સ્વાનુભૂતિ. ભક્ત કહેશે મેં પરમાત્માની પુરી અનુભૂતિ કરી. સાધક કહેશે મેં આત્માની પુરી અનુભૂતિ કરી. વાત એકની એક જ છે. પરમાત્માની અનુભૂતિ એટલે નિર્મલ ચેતનાની અનુભૂતિ. આત્માની અનુભૂતિ એટલે પણ નિર્મલ ચેતનાની અનુભૂતિ. બે એક જ છે.
તો પુરેપુરા પ્રભુ જોઈએ? કાલે બતાવી દઉં. રસ્તો બતાવી દઉં. અહીંયા તો કેવી સુવિધા છે ખબર છે? બોર્ડ હોય ને રસ્તા પરનું માર્ગ બતાવે ખરો, પણ એ ચલાવે નહિ. પ્રભુની સાધનાને હું કેવી કહું છું? પાછળની સીટ પર બેસી જવાનું કારમાં, તમારે કંઈ કરવાનું નથી. મોટો ઓફિસર હોય શું કરે? જવાનું છે ક્યાંક? સોફરને ફોન કરે, સોફર તરત સાહેબની ગાડીને a.c કરી નાંખે. સાહેબ આવી જાય. દરવાજો ખોલે… સાહેબ પાછલી સીટ પર બેસી જાય, કહી દે ખાલી આ જગ્યાએ જવાનું છે. ગાડી ઉપડે. આ સુવિધા છે અત્યારે તમારી પાસે. પ્રભુ તૈયાર… સદ્ગુરુ તૈયાર… તમારે જવાની ઈચ્છા હોવી જોઈએ બસ. પ્રભુએ આપેલો મજાનો માર્ગ, સદ્ગુરુ જેવા આપણા પથ દ્રષ્ટા. આપણે જલસો જ જલસો છે હો…
તો પ્રભુના સ્વરૂપની વાત કરતાં હતા આપણે, ‘અમલ, અખંડ, અલિપ્ત સ્વરૂપ જ સાંભરે હો લાલ’ તમને ક્યારેય યાદ આવ્યું આમ…? પ્રભુને જોતા કંઈ યાદ આવે છે? સમવસરણની યાદ આવે છે? હું અને તમે કેટલી વાર સમવસરણમાં જઈ આવ્યા..? ઘણીવાર… પ્રભુને જોતા કંઈ યાદ આવે છે? પ્રભુને સાક્ષાત્ વિહરતાં નિહાળેલા. સુવર્ણ કમળ ઉપર પ્રભુ વિહાર કરતાં હતા. આપણે એ દિવસે જોયેલું, યાદ આવે છે કંઈ? કારણ શું થયું? એ દ્રશ્ય અસ્તિત્વના સ્તર સુધી પહોંચેલું નહોતું. પ્રભુ, પ્રભુની ભક્તિ, પ્રભુનું આજ્ઞાપાલન અસ્તિત્વના સ્તરે ન પહોંચે તો એની અસર આવતાં જન્મોમાં ન રહી શકે.
તો અમલ, અખંડ, અલિપ્ત, અમલ એટલે કર્મના મલથી રહિત, અખંડ, અખંડાકાર ચેતના, એ સિદ્ધત્વ પ્રાપ્ત થયું, જે દશા છે એ જ દશા અનંતકાળ સુધી ચાલ્યા કરવાની. કોઈ એમાં ફરક પડવાનો નથી. અખંડ ચેતનાની ધારા ચાલ્યા કરશે. અને ત્રીજી વાત છે, અલિપ્ત. કર્મોથી પ્રભુ અલિપ્ત હતા, એમ રાગ-દ્વેષથી પણ અલિપ્ત છે. કર્મ દ્રવ્ય કર્મ છે. રાગ-દ્વેષ ભાવ કર્મ છે. ભાવકર્મ દ્વારા દ્રવ્ય કર્મ પકડાય છે. તમે કર્મને પકડો કેમ બોલો…? સામાયિકમાં હોવ ને શુભભાવમાં હોવ ને કર્મને ક્યાં પકડવાના…! ભલે ને કર્મ તમારી બાજુમાં જ રહ્યું. જ્યાં રાગ-દ્વેષની ધારામાં આવ્યા ફટ લઈને પેલું પકડાઈ જવાનું. રાગ-દ્વેષ ભાવકર્મ છે. પેલું દ્રવ્યકર્મ છે. કારણ કે એ પરમાણુ સ્વરૂપ છે. અલિપ્ત, પ્રભુ ભાવ કર્મથી પણ અલિપ્ત છે. રાગ, દ્વેષ, અહંકાર કશું જ પ્રભુની પાસે નથી. તમારું મૂળભૂત સ્વરૂપ પણ આવું જ છે. તમે કર્મોથી લિપ્ત નથી. રાગ-દ્વેષથી તમે લિપ્ત નથી, રાગ-દ્વેષથી લિપ્ત નથી તો ક્રોધ કોણ કરે છે? અનાદિની સંજ્ઞાથી વાસિત થયેલું મન કરે છે. તમે ક્યાં કરો છો? તમે ક્રોધનું કર્તૃત્વ લઇ લો છો એ જ ભૂલ કરો છો. ક્રોધ હું કરું છું એમ કેમ બોલો છો?
સમયસાર નિશ્ચયનયનો સરસ ગ્રંથ છે, એમાં કુંદકુંદાચાર્ય લખે છે, ‘कोहे कोहो’ ‘ज्ञानं ज्ञाने’ (નાણે નાણો) કોહે કોહો – ક્રોધ આવે તો ક્રોધને પૂછો, ભાઈ મને શું પૂછો છો? મારે અને ક્રોધને લેવા-દેવા શું છે? જે સત્તામાં હતું એ ઉદયમાં આવીને અને જતું રહેશે. મારે અને ક્રોધને લેવા-દેવા શું છે? તમે વિકલ્પો જોડે રાગ-દ્વેષ જોડે સાંઠ, ગાંઠ બાંધો છો. એ જ તમારી મુશ્કેલી છે. વિચાર, વિચાર છે. તમે, તમે છો. વિચાર ચિત્તાકાશમાં છે. તમે ચિદાકાશમાં છો. અરે! ચિત્તાકાશમાં વિચાર હોય તો તમને શું ફરક પડે છે? તમારે અને વિચારોને કંઈ લેવા-દેવા નથી. બસ તમે વિચારોથી પ્રભાવિત થાવ છો એ જ ખોટી વસ્તુ છે. વિચાર આવ્યો કદાચ મનમાં સારો છે, શુભભાવની ધારામાં વહો એનાથી… ખરાબ છે niglet કરી દો.
તમારી હાલત આ છે, સેક્રેટરી જે લાવે એના ઉપર signature કરી નાંખવાની.. બરોબર…? કંઈક જાગૃત થઇ જાવ. વિચાર આવ્યો, કેવો છે? મને ક્યાં લઇ જાય એમ છે? એ વિચાર મને કર્મબંધ કરાવે એમ છે, સાલું આટલો તો કર્મનો બોજ લઈને તો ફરું છું. અને નવા કર્મ પાછા ખરડવા છે? નહિ, નહિ… પછી તમે ઉડાડી દેશો દ્વેષને પણ, કેમ ભાઈ? પેલું મન કહેશે, આને તને આવું કહ્યું તો દુનિયાનો નિયમ છે ટીટ ફોર ટેટ. તમે કહેશો દુનિયાનો નિયમ છે, મારા મહાવીરનો શું નિયમ છે? ‘क्षमा वीरस्य भूषणम्’ અરે તમે વેદ તો વિચારો. બાઈબલ શું કહે છે? બાઈબલમાં ઇસુ ખ્રિસ્ત એ શું કહ્યું, તારા ડાબા ગાલ પર કોઈ તમાચ ઠોકે, તારો જમણો ગાલ તું ધરજે. ઇસુ ખ્રિસ્ત કહે છે. તારા ડાબા ગાલ પર કોઈએ ધોલ ઠોકી તો જમણો ગાલ ધરજે. લે ભાઈ લગાવી દે. કમસેકમ તારો ક્રોધ તો ઓછો થઇ જાય, મને ફાયદો થાય.
તમારા મનના કમ્પ્યુટરમાં feeding સાવ ખોટું છે. અનંતા જન્મોની વાસનાને કારણે કમ્પ્યુટરનું feeding સાવ ખોટું છે. નવા પ્રોગ્રામ અંદર દાખલ કરી શકતા નથી તમે, માત્ર જઈ આવો છો, લેકચર સાંભળી આવો છો. નવા પ્રોગ્રામ આવા હોઈ શકે છે. પણ તમે તમારા મનના કમ્પ્યુટરના એક પણ પ્રોગ્રામને ચેન્જ કરવા તૈયાર નથી. કાં તો કમ્પ્યુટર મને આપી દો, હું નવો પ્રોગ્રામ feed કરીને તમને આપી દઉં. કાં તમે feed કરો, મને વાંધો નથી. કંઈક તો કરવું પડશે ને…? પ્રભુનું શાસન મળ્યું, અદ્ભુત ઘટના એક મળી ગઈ આપણને, છતાં આપણે હતાં ને એવા ન રહીએ કેમ ચાલે…? તો પ્રભુનું સ્વરૂપ વિચારતાં કમસેકમ આંખમાં આંસુ તો આવી જ જાય. મારા પ્રભુ આવા..! અમલ, અખંડ, અલિપ્ત. કર્મના મળથી રહિત છે, રાગ-દ્વેષના મલથી રહિત છે. અને અખંડાકાર ચેતના છે. હું એમનો સાધક, હું એમનો ભક્ત અને મારા પ્રભુએ હું ચાલી શકું એવા માર્ગ બતાવ્યા છે, હું કેમ ન ચાલુ…?!
પ્રભુના માર્ગની એક બીજી વિશેષતા બતાવું, કે તમે જે stand point પર ઉભા છો. ત્યાંથી તમે ઊંચકવાની વાત કરી છે. તમે માર્ગાનુસારી ભૂમિકામાં પહેલી દ્રષ્ટિ તમને આપી, તમે માર્ગાનુસારી ભૂમિકા કહેવાઓ. સમ્યગ્દર્શનની ભૂમિકા ઉપર છે પાંચમી દ્રષ્ટિમાં સ્થિર થઇ જા. ચાલ પછી તને છટ્ઠી દ્રષ્ટિમાં લઇ જાઉં. પ્રભુ નથી કહેતાં તું સમ્યગ્દ્રષ્ટિ હોય. સ્વાનુભૂતિવાળો હોય, તો જ તને ઊંચકું એમ પ્રભુ કહેતાં નથી. તું ક્યાં છે મને ખબર છે, પણ તું જ્યાં છે, ત્યાં મારા કૃપાનો હાથ મારે લંબાવવો છે. મારે તને પકડવો છે. લઇ જવો છે. પ્રભુ તૈયાર છે, પ્રભુની કરુણા વરસવા તૈયાર છે. આપણે તૈયાર થવું છે. આજે માત્ર પ્રભુના સ્વરૂપ વિશે ચિંતન કર્યું. ત્રણ જ વાત પ્રભુના સ્વરૂપની છે, આ ગુણ નથી. વીતરાગતા, જ્ઞાન, દર્શન એ પ્રભુના ગુણો છે. પ્રભુનું સ્વરૂપ શું? આત્મદ્રવ્યનું સ્વરૂપ એ સ્વરૂપ કહેવાય, અને આત્મદ્રવ્યમાં રહેલા ગુણો એ ગુણો કહેવાય.
તો આત્મદ્રવ્યનું નિર્મલ આત્મદ્રવ્યનું સ્વરૂપ શું? અલિપ્તદશા. નિર્મલદશા. અને અખંડાકાર ચેતનાદશા. આપણે એ જ ભૂમિકા ઉપર જવું છે. અને એટલે સમત્વની ધારાને પકડવાની આપણે કોશિશ કરીએ છીએ. ધ્યાનાભ્યાસમાં આપણે માત્ર આપણી ભીતરની શાંતિનો સહેજ અહેસાસ કરવો છે. જેથી લાગે કે ક્યાંક ખોટા હતા.
તમે અશાંત તો હતા, શાંતિ માટે કર્યું શું? એનો એજ હોબાળો પાછો લીધો. ફરી અશાંતિ આવે એવો જ. ખરી શાંતિ તમારી ભીતર જ છે. ન કોઈ હિલ સ્ટેશન પર જવાથી શાંતિ મળે. આજનો માણસ હિલ સ્ટેશને જાય ને, તો પ્રકૃતિને જોતો નથી. ત્યાં ટી.વી. જુએ છે. અલ્યા હરામખોર અહીંયા ટી.વી. જોવા આવ્યો છે? અહીં સૂર્યોદય જો, સુર્યાસ્ત જો, પ્રાકૃતિક દ્રશ્યોને જો તું, કુદરત સાથે તારી સંવાદિતા કર. ત્યાં એ ટી.વી. ના ડોગરા સામે જઈને બેસી જાય છે. એરકંડીશનનો રૂમ ક્યાં છે? કયા ગેસ્ટ હાઉસમાં? ટી.વી. વગેરે છે કે નહિ? ત્યાં એ ટી.વી. ને શું કરવું છે પણ તારે? એટલે અશાંતિમાંથી શાંતિમાં જવાના માર્ગો પણ તમારા ખોટા છે. એક પરમાંથી બીજા પરમાં.
પ્રભુ કહે છે કે તારા માટે માર્ગ એ છે કે તારી ભીતરની જે શાંતિ છે એનો અનુભવ કર. અને ભીતરની શાંતિનો અનુભવ કરવા માટે ધીરે ધીરે ધીરે તમારા મનને સ્થિર બનાવવું છે. સ્થિર નહિ બને ત્યાં સુધી અંદરની શાંતિનો અનુભવ કોણ કરશે. તો ચાલો ધ્યાનાભ્યાસ શરૂ.