Subject : સો હિ ભાવ નિર્ગ્રંથ
ઉદાસીન. જ્યાં તમે પર રસથી મુક્ત થયા, તમે ઉદાસીન બની ગયા. ઘટનાઓની નદીના પ્રવાહથી દૂર ઊંચે ભેખડ ઉપર તમે બેઠેલા હોવ – ઉત્ આસીન, પછી એ ઘટનાઓ તમને અસર કેવી રીતે કરી શકે!
ગતવ્યથ. પરરસમુક્ત સાધક પીડાથી મુક્ત હોય. સુખ અને શાતા બે અલગ શબ્દો છે : શારીરિક પીડાનો અભાવ – એ સુખ અને માનસિક સમાધિ – એ શાતા. સાધકને શારીરિક પીડા આવી શકે પણ એ વખતે પણ અશાતા તો હોય જ નહિ. કર્મો ઉદયમાં આવીને નિર્જરી રહ્યા છે; જલસો જ જલસો!
સર્વારંભ પરિત્યાગી. પરરસમુક્ત સાધક પાસે કાર્યો હોય છે; પણ એ કાર્યોનું કર્તૃત્વ નથી હોતું. કર્તૃત્વમુક્ત કાર્ય. કાર્ય રહે પણ કર્તૃત્વ ન હોય. કોઈપણ સારું કાર્ય થાય; તમારો એક જ ભાવ હોય કે પ્રભુએ મને આ કાર્ય માટે નિમિત્ત બનાવ્યો.
મૌન ધ્યાન સાધના શિબિર – ૧૩ (ભીલડીયાજી) – પ્રવચન – ૬
મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજાએ સવાસો ગાથાના સ્તવનમાં સ્વાનુભૂતિ માટેની એક મજાની સાધના આપી. પરરસ મુક્તિ; પરમરસની પ્રાપ્તિ.
તમને પરરસથી મુક્ત પણ સદ્ગુરુ બનાવે અને પરમરસની પ્રાપ્તિ પણ સદ્ગુરુ કરાવે. સદ્ગુરુની તમારાં ઉપર કામ કરવાની મોહક રીતો હોય છે.
એક પ્યારી ઘટના યાદ આવે. માઈકલ એન્જેલોનું એક શિલ્પ છે pieta. બહુ જ વિખ્યાત શિલ્પ છે. એ શિલ્પમાં સિંહાસન ઉપર માં મેરી બેઠેલા છે અને એમના ખોળામાં વઘ સ્તંભેથી ઉતરાયેલા ઈશુનો મૃતદેહ છે. પણ એ બંનેના ચહેરા ઉપર જે કરુણાનો ભાવ કંડારવામાં આવ્યો છે. અદ્ભુત! Facial expression ની દ્રષ્ટિએ એ શિલ્પ આજે ૨૦૦૦ વર્ષ પછી પણ એવું ને એવું આકર્ષક રહે છે. આ શિલ્પ બની ગયું એને યોગ્ય જગ્યાએ મુકવામાં આવ્યું. મિત્રોએ માઈકલને પૂછ્યું – આટલું સરસ શિલ્પ તમે શી રીતે કોર્યું? માઈકલે કહે છે, શિલ્પ અંદર તૈયાર જ હતું, માત્ર બિનજરૂરી પથ્થર મેં તોડી નાંખ્યા. ઘણા વખત થી મારા મનમાં એક ઈચ્છા હતી કે આવું એક શિલ્પ બનાવવું. એટલે મારા મનમાં શિલ્પ તૈયાર થયેલું જ હતું. એમાં પથ્થર ની શોધ ચાલતી હતી. એવો પથ્થર આવી ગયો, એ સ્ટુડિયો માં મુકાઇ ગયો. અને મારું કામ શરુ થયું. અંદર શિલ્પ તૈયાર જ હતું, માત્ર મારે બિનજરૂરી આરસ કાઢી નાંખવાનો હતો; એ મેં કાઢી નાંખ્યો. શિલ્પ તૈયાર હતું.
સદ્ગુરુ આ જ રીતે તમારાં ઉપર કામ કરે છે. તમે આનંદઘન છો જ. તમે નિર્મળ ચેતના છો જ. આનંદઘનજી મહારાજ ૩૦૦ વર્ષ પહેલા થયા એ તો બરોબર. તમે બધા કોણ છો? તમે બધા આનંદઘન છો. એ તમારી આનંદઘનતા ને અમારે બહાર લાવવી છે. પરરસને કારણે રતિ અને અરતિ થવાથી મનમાં વિષાદ, ગ્લાનિ, પીડા જન્મે છે. પણ જ્યાં પરરસ નો ઉચ્છેદ થઈ ગયો; તમે સદાને માટે હસતા ને હસતા જ રહેવાના.
મુક્તિદર્શનસૂરિ મ.સા. ને તમારાં પૈકીના ઘણા લોકોએ સાંભળેલા છે એમ નહિ કહું… પીધેલા છે. પણ એમના ચહેરા ઉપર શું હતું. એ જ સ્મિત. એ જ મુસ્કાન. જ્યાં પરમરસની પ્રાપ્તિ થઈ; તમે આનંદઘન બની ગયા. એક પણ ઘટના પછી તમને પીડિત કરી શક્તિ નથી. હકીકતમાં કહું ને કોઈ ઘટનાની તાકાત તમને પીડા આપવાની છે જ નહિ. પીડા આપનાર તમારાં વિચારો છે. વિચારોને કારણે તમે ઘટનાની સાથે સાંઠ-ગાંઠ રચી નાંખો છો. અને એ જે સાંઠ-ગાંઠ છે; એ જ તકલીફ વાળી છે. ઘટના પીડા કઈ રીતે આપે? ઘટનાઓ તો મારા જીવનમાં પણ ઘટિત થાય. રોગો આવે, કઈ પણ આવી શકે. ઘટના ભલે આવે, એ ઘટના જોડે સંબંધ રચવો કે નહિ એ તમારે નક્કી કરવાનું છે.
તો ઘટના જોડે સંબંધ રચાય છે કેમ? કેન્દ્રમાં હું છે માટે. મને આમ કીધું, ઘટના જોડે સંબંધ થઈ ગયો. એ મને કહેનાર વ્યક્તિ ખરાબ. પરરસ મુક્તિ એટલે રાગ-દ્વેષ-અહંકાર માંથી મુક્તિ. અને એ થઈ ગઈ પછી પીડા છે જ ક્યાં? તમે સતત આનંદમાં.. સતત આનંદમાં…
તો તમને પરરસ મુક્ત પણ સદ્ગુરુ બનાવે, પરમરસથી યુક્ત પણ સદ્ગુરુ બનાવે. બોલો આજ તો મજા આવી ગઈ. તમારે કંઈ કરવાનું ના રહ્યું. મુંબઈમાં રહો છો લગભગ બધા. સત્સંગ ખુબ મળે છે તમને. તમારાં પૈકીના ઘણાય એવા હશે, જે બારે મહિના જિનવાણી નું શ્રવણ કરતા હશે. બારે મહિના સંતોના દર્શન નો લાભ તમને મળે છે. પણ ખરેખર તમે સંતોનું દર્શન કર્યું છે? સંતોના ચહેરા પરની મુસ્કાનનું દર્શન ન થયું… એ સ્મિતનું દર્શન ન થયુ, તો કેમ ચાલે? એ સ્મિતનું દર્શન કરો. તમને પણ થાય મારે પણ આવું સ્મિત જોઈએ. સદ્ગુરુને પૂછી લો. સદ્ગુરુ કહેશે હું પરરસથી મુક્ત બન્યો, પ્રભુએ મને બનાવ્યો. હું પરમરસથી યુક્ત થયો… એનું આ સ્મિત છે. તમારે એ સ્મિત જોઈએ છે. તમને આપી દઈએ. “NOW AND HERE”. જોઈએ..?
મેં પહેલા દિવસે પૂછેલું કે સંતોને જોઇને, સંતોના સ્મિતને જોઇને, સંતોના આનંદને જોઇને ઈર્ષ્યા કેટલી વાર આવી? અહોભાવ NO DOUBT તમારી પાસે છે. ઈર્ષ્યા કેટલી વાર આવી? તો સદ્ગુરુ બેઉ કામ કરવા તૈયાર છે. પરરસથી મુક્ત તમને બનાવી દે. તમને કહી દે અહંકારમાં શું છે? તું આ ગંદા શરીર ઉપર હું નું સ્ટીકર લગાવી શકે?
મેં હમણાં એક સંગોષ્ઠિમાં કહેલું કે એક કોલેજીયન છોકરો હોય અને ભાડાના ઘરમાં પતરાની ખોળી જેવું હોય એમાં રહેતો હોય. એનો કોઈ FRIEND હોય અને એ FRIEND ક્યારેક કહે કે યાર! તારા ઘરે તો ક્યારેક લઇ જા મને. હવે એ મુંઝવણમાં મુકાય. અત્યાર સુધી વટ મારેલો છે. કપડાં UP TO DATE પહેર્યા છે. કોઈને ખબર નથી પતરાની ખોળી માં હું રહું છુ. પણ પેલો મિત્ર કહે છે, મારે તારા ઘરે આવવું જ છે. પોતાના આવા ઘરને પોતાનું ઘર કહેતા એ શરમાય છે. એટલે એ શું કરે છે? કોઈ FREIND ને એ કહે છે કે હુ તારે ત્યાં આ FRIEND ને લઈને આવીશ. નાસ્તો વિગેરે તારે ત્યાં કરીશ. તું ફોડ નહિ પાડતો કે એ મારું ઘર નથી ને તારું ઘર છે. તો પતરાની ખોળી જેવા ઘરને પોતાનું ઘર કહેવા એ કોલેજીયન યુવાન તૈયાર નથી. તમે “આ” ને હું કહેવા તૈયાર છો? પ્રતિ પલ જેમાંથી ગંદકી છલકાઈ રહી છે, એવા શરીરને તમે હું કહેવા તૈયાર છો? હું નું સ્ટીકર તમે ક્યાં લગાવ્યું ખબર છે. માતાપિતા એ શરીર આપ્યું. સોસાયટીએ નામ આપ્યું. અને એના ઉપર તમે હું નું સ્ટીકર લગાવી દીધું. પણ તો પહેલી જ વાત કરું કે એ કોલેજીયન યુવાન ને પતરાની ખોળી જેવું ઘર પોતાનું ઘર છે એવું કહેતા શરમ આવે છે તો તમને આ હું છું એમ કહેતા શું થાય? હું આવો?! તમને તમારું કોઈ સ્ટેટસ ખરું કે નહિ? હવે કહી દો કે હું શરીરને પેલે પાર, નામને પેલે પાર; એક મજાની નિર્મળ જ્યોતિ છુ.
એક ઝેન કથા આવે છે. એક ગુરુ હતા. એની પાસે એક સાધક આવ્યો. એ સાધક દસેક વરસ પહેલા આવેલો. ફરી દસ વર્ષે આવેલો. પણ ગુરુને બરાબર યાદ છે. સાધકે વંદન કર્યું. ગુરુએ પૂછ્યું, તું કોણ? તું કોણ? તારું નામ શું એમ નથી પૂછતા…. તું કોણ? તમને હું પુછુ તમે કોણ? શું કહેશો… WHATS YOUR INDENTITY? તમે કોણ? ક્યારેય તમારી જાતને પૂછ્યું, હું કોણ છુ? અંદર ઉતરો, અંદર ઉતરો, અંદર ઉતરો. હું કોણ છુ? તો ગુરુએ પૂછ્યું, તું કોણ? એનુ નામ જોટાન હતું. એને કહ્યું SIR હું જોટાન છું. એટલે ગુરુ ગુસ્સે થઈ ગયા. અચ્છા! દસ વરસ પહેલા પણ તું જોટાન હતો. આજે પણ તું જોટાન છે! તો દસ વરસમાં તે કર્યું શું? NAMELESS EXPERIENCE માટે તે શું કર્યું? દસ વરસ પહેલા પણ તું જોટાન હતો, આજે પણ તું જોટાન? તારા નામ સાથેનો સંબંધ તારો વિખેરાયો કેમ નહિ? કેવી મજાની રીતે ગુરુ આપણને બોધ આપતા હોય છે.
સુઝુકી નામના એક બૌદ્ધ ગુરુ હતા. એમના પ્રવચનો નું EDITING એક પ્રોફેસરને સોંપેલું. તો RECORD પરથી એ EDIT કરતો જાય. એકવાર એણે એક વાક્ય ગુરુનું સાંભળ્યું. “THINGS AS IT IS”. THINGS AS IT IS. એને તરત લાગ્યું કે આ તો વાક્ય ચાલી જ ના શકે. “THINGS AS THEY ARE”. આપણે શું કહીએ. પદાર્થો જેવા એ છે. તો પદાર્થો જેવો એ છે, એવું તો કહેવાય નહિ…. “THINGS AS THEY ARE” કહેવાય “THINGS AS IT IS” કેમ કહેવાય? પણ એ ગુરુ પાસે આવ્યો. ગુરુને એણે પૂછ્યું કે આ વાક્ય હું બદલી શકું? ગુરુએ એને ના પાડી. ગુરુ કહે છે હું બોલ્યો છું એ બરોબર છે. “THINGS AS IT IS”. બધાજ પદાર્થો નકામા જ છે, બધા જ પદાર્થો અસાર છે. એને એક ખાનામાં નાંખી દઈશું. બધા પદાર્થો ભેગા…
આ જ વાત અપૂર્વ અવસરમાં શ્રીમદ્જીએ કહી ”રજકણ ને રિદ્ધિ વૈમાનિક દેવની, સર્વે માન્યા પુદ્ગલ એ જ સ્વભાવ”. રજકણ હોય કે વૈમાનિક દેવની રિદ્ધિ હોય બધી જ પૌદ્ગલીક ઘટના છે. અનંતા જન્મોથી પુદ્ગલે એ તમારા ઉપર પ્રભાવ જન્માવ્યો છે. હવે તમારે પુદ્ગલો ઉપર પ્રભાવ જન્માવવાનો છે.
શંકરાચાર્ય કહે છે “ચૈતન્યમ્ પ્રભવતી તનુ ન જડ: કદાચિત્”. ચૈતન્ય જે છે, એ જ આધિપત્ય ધરાવી શકે, જડ ક્યારેય પણ આધિપત્ય ધરાવી ન શકે. તો એક સદ્ગુરુને એકવાર તમે પીવો… પરરસ ગયો… કેમ બરોબર…? અને તમે પરરસ મુક્ત બનો ત્યારે તમે કેવા હોવ એની વાત ભગવદ્ ગીતામાંથી આપણે જોતા આવ્યા છીએ. નિરપેક્ષ: શુચિ: દક્ષ:
ચોથું વિશેષણ આપે છે ઉદાસીન. તમે ઉદાસીન છો. ઉદ્ + આસીન્. ઘટનાના પ્રવાહથી તમે દુર છો. એક પણ પૌદ્ગલિક ઘટના તમને અસર ક્યાંથી કરી શકે? તમે જો પરરસથી મુક્ત બન્યા તો પૌદ્ગલિક ઘટનાની કોઈ પણ અસર તમારા ઉપર થઈ શકે નહિ. તમે ઉદાસીન છો. ઉદ્ + આસીન્. ઉંચે બેઠેલા…. નદીના કિનારાથી પણ દુર ભેખડ ઉપર બેઠેલાં. અને નદીની અસર તમને કઈ રીતે થવાની? માત્ર તમે નદીના પ્રવાહને જોવાના છો.
એક હિંદુ સંતે એકવાર વાચનામાં કહેલું કે નદીને ઉતરો ત્યારે પાણી ને સ્પર્શો નહિ. શિષ્યો સમજી ગયા કે ગુરુ કઈ નદીની વાત કરે છે. ઘટના નદીની વાત છે. કે ઘટનાની નદીને ઉતરો ત્યારે પણ એને touch નહિ કરવાનું. પણ થોડાક મહેમાનો હતા. એમણે ગુરુને સાંભળ્યા. ગુરુ પ્રત્યે ભાવ ઘણો હતો. ગુરુએ કહ્યું, નદીને ઉતરો પાણીને ન સ્પર્શો. મહેમાનોએ વિચાર કર્યો, ભાઈ! ગુરુ તો બહુ મોટા ચમત્કારિક છે. અને એથી એ તો હવામાં ઉડતા હશે. પણ આપણું તો એવું ગજું છે નહિ. એ જ સાંજે ગુરુને ક્યાંક બહાર જવાનું હતું. આશ્રમ નદીને કાંઠે જ હતો. મહેમાનો સાથે, શિષ્યો સાથે, ગુરુ આગળ. હવે મહેમાનો જુએ છે કે ગુરુ નદી પર કઈ રીતે ચાલે છે? પણ એક સામાન્ય માણસ ચાલે એ રીતે નદીમાં પગ મુકીને ગુરુ ચાલ્યા. મહેમાનો વિચારવા પડી ગયા. પણ છતાં એમની શ્રદ્ધા ડગતી નથી. એ એમ માને છે કે આપણા સમજવામાં કંઈ misunderstanding થઈ છે. આપણે લોકો તો એવા શ્રોતા છીએ ને. ગુરુની વાત સમજ્યા ના હોઈએ, મહારાજ સાહેબ છે ને પાટ ઉપર જુદું બોલે ને પાટ નીચે જુદું બોલે. શ્રદ્ધા. શ્રદ્ધા વિના શ્રવણ છે જ નહિ.
એક શ્રદ્ધા હતી, ગુરુ બોલ્યા એ બરાબર જ હોય. પણ આપણે ગુરુને સમજી શક્યા નહિ. બીજી સવારે વાચના માટે બધા બેઠા. સદ્ગુરુ તો face reading ના માસ્ટર છે. ખ્યાલ આવી ગયો કે આમના ચહેરા ઉપર આ પ્રશ્ન છે. એ વખતે ગુરુ એ કહ્યું, કે ગઈ કાલે સાંજે નદીને ઉતરતી વખતે પાણી મારા પગને કદાચ સ્પર્શતું હશે; હું પાણીને સ્પર્શતો નહોતો. હું મારામાં જ હતો. હું બહાર હતો જ નહિ તો બહારની કોઈ પણ ચીજ નો સ્પર્શ મને કઈ રીતે થઈ શકે! ભીતર રહેવું છે….
તમે ત્યાં રહીને પણ સંસારમાં પણ સાક્ષીભાવમાં રહી શકો છો. સમાધિશતકમાં તમારાં માટેની વાત કરી છે. તમે બધા ભાવ નિર્ગ્રંથ છો. કેવા છો..? અમે લોકો દ્રવ્ય અને ભાવ બંનેથી નિર્ગ્રંથ. તમે દ્રવ્ય નિર્ગ્રંથ નથી બન્યાં. ભાવ નિર્ગ્રંથ, ભાવમુનિ તમે બની શકો. સમ્યક્ત્વ મળ્યું એટલે ભાવમુનિત્વનો સ્પર્શ થઈ ગયો. તો એ ભાવમુનિ કેવો હોય? આજે મને લાગે છે કે આ ભાવમુનિ તમને બનાવી દઉં. ભાવમુનિત્વની દીક્ષા. ભીલડીયાજી જઈ આવ્યા. શું કરી આવ્યાં? સાધુ અને સાધ્વી બનીને આવ્યાં. ભાવ સાધુ, ભાવ સાધ્વી.
તો સમાધિશતકમાં બહુ પ્યારી કડી આવી, “કેવલ આતમ બોધ હે, પરમારથ શિવપંથ, તામે જીનકી મગનતા, સો હિ ભાવ નિર્ગ્રંથ”. “સો હિ”. “હિ” કરીને લખે છે. એ જ ભાવમુનિ છે. કોણ? “કેવલ આતમ બોધ હે, પરમારથ શિવપંથ”. મોક્ષના બે માર્ગ. વ્યવહાર માર્ગ, નિશ્ચય માર્ગ. નિશ્ચય માર્ગ શું? આત્મજ્ઞાન, આત્માનો અનુભવ. સમ્યગ્દર્શન થાય ત્યારે શું થાય? આત્મ તત્વનો આંશિક અનુભવ તમને થાય. તો આત્માનો આંશિક અનુભવ એ નિશ્ચય મોક્ષનો માર્ગ છે. એનાથી તમે આગળ વધશો અને ઠેઠ ક્ષપકશ્રેણીમાં જઈ કેવળજ્ઞાની બની જશો. એ જે નિશ્ચય મોક્ષમાર્ગ થયો. આત્માનુભૂતિ. અને એના માટેના જે સાધનો છે. સ્વાધ્યાય, ભક્તિ, ક્રિયા એ બધુ જ વ્યવહાર મોક્ષમાર્ગમાં છે. એટલે આપણે તો જલસામાં છીએ. વ્યવહાર મોક્ષમાર્ગ પણ એટલો મજાનો અને એમાંથી નિષ્પન્ન થતો નિશ્ચય મોક્ષમાર્ગ પણ એટલો મજાનો.
તો “કેવલ આતમ બોધ હે, પરમારથ શિવપંથ, તામે જીનકી મગનતા….” એમાં જે ડૂબી ગયો; એ ભાવમુનિ. એટલે માત્ર દ્રષ્ટિ તમારી તમારાં વાસ્તવિક હું ઉપર જોઈએ. આટલું તો થયું તો પણ તમને ભાવમુનિ તરીકે, ભાવસાધ્વી તરીકે સ્વીકારી લઈએ. હું એટલે કોણ? રમણભાઈ અને ચમનભાઈ નહિ. હું એટલે નિર્મળ ચૈતન્ય. હું એટલે આનંદઘન અસ્તિત્વ. પછી મજાની વાત લખે છે કે આ આત્મજ્ઞાનમાં ,આત્માનુભૂતિમાં જે સાધક ડૂબ્યો એની feelings કેવી હોય? તો કહે “આતમજ્ઞાને મગન જો, સો સબ પુદ્ગલ ખેલ, ઇન્દ્રજાલ કરી લેખવે મિલે ન તિહા મનમેળ”. આત્મજ્ઞાની, શરીર છે એટલે ખાવા-પીવા ની ક્રિયા કરશે. તમે સંસારમાં છો તો business પણ કરશો. “આતમજ્ઞાને મગન જો સો સબ પુદગલ ખેલ, ઇન્દ્રજાલ કરી લેખવે – એ બધી જ પૌદ્ગલીક ઘટનાને એક માયા રૂપે સમજવી છે. વાસ્તવિક નહિ. વાસ્તવિક તો એક માત્ર મારા હું ને પ્રાપ્ત કરું એ જ સાધના છે. બાકી તો બધું વ્યવહાર જગતમાં કરવું પડે છે, કરી પણ લઈએ.
તો જ્યાં તમે આત્મજ્ઞાન માં ડૂબ્યા અને એનો આનંદ તમને મળવા માંડ્યો. આ બધું જ છુટી જશે. છોડવું નહિ પડે, છુટી જશે. તો ઉદાસીન:. પછી કહ્યું ગતવ્યથ:. પીડા બધી ગઈ; આનંદ જ આનંદ આવે. હવે પીડા છે ક્યાં? હું આ મુનિવરો ને ઘણી વાર કહું કે તમને કોઈ શાતા પૂછે ને ત્યારે શાતા પૂછનારો શરમાઈ જવો જોઈએ. તમારાં ચહેરા પર એ મસ્તી હોય, એ કૈફ હોય કે પૂછનારને એમ થાય કે આમને શાતા શું પૂછવી? આ તો પરમ શાતામાં ડૂબેલા છે. અને એક વાત by the way પુછુ? તમે અમારી શાતા કેમ પૂછો છો? સ્વામી શાતા છે જી?
બહુ જ મજાની ઘટના છે. ગુરુદેવની શાતા પૂછતા, તમારી શાતા મળી જવી જોઈએ. ૪ ડીગ્રી તાવમાં મુનિરાજનું શરીર શેકાઈ રહ્યું છે. તમને ખ્યાલ છે. તમે પૂછો સાહેબ શાતામાં? હો…. દેવ ગુરુ પસાય. ત્યારે તમને થાય કે આ છે શું? આ દેવ અને ગુરુ ની શક્તિ શું છે? કે શરીર આટલી નિર્બળ અવસ્થાની અંદર પણ કહે દેવ ગુરુ પસાય, મજામાં જ છુ. અને હું માત્ર મજામાં હોઉં. આ છે શું?
અમારા દાદા ગુરુદેવ હતા. ૧૦૪ વર્ષની વયે એમનો કાલધર્મ થયો. છેલ્લાં ૨૦ વર્ષથી ચત્તા અને ચત્તા એમને સુઈ રહેવું પડતું. પડખું પણ બદલી શકતા નહી. ફ્રેકચર થયેલું હતું, પણ છેલ્લે સુધી જ્યારે પૂછીએ કે સાહેબ શાતામાં? તો કહે પરમ શાતામાં, દેવ ગુરુ પસાય. અને પછી કહેતા, કે ભાઈ આ પ્રભુનો માર્ગ જ શાતાનો માર્ગ છે. અહિયાં અશાતા આવે જ ક્યાંથી? તમને ખ્યાલ છે, સુખ અને શાતા બે શબ્દો છે. શારીરિક જે સુખ છે, એને સુખ કહીએ છીએ અને માનસિક જે સમાધિ છે, તેને શાતા કહીએ છીએ. તો શરીરમાં પીડા આવી શકે મુનિને પણ, સાધ્વીજી ને પણ. અશાતા તો હોય જ નહિ. એ વખતે પણ કર્મો જે છે, ઉદયમાં આવી નીર્જરી રહ્યા છે જલસો. ઉદય ઉદીરણાથી પણ પુરવ નિર્જરા થાય.
અને છેલ્લું વિશેષણ આપે છે, પરરસ મુક્ત સાધકનું. સર્વારંભ પરિત્યાગ: એની પાસે કાર્ય હોય છે; પણ કર્તૃત્વ નથી હોતું. સારું કાર્ય તમે કરશો પણ એનું કર્તૃત્વ તમારી પાસે નહી હોય. આપણી જીનશાસનની એક અનોખી આ ભેટ છે, કર્તૃત્વ મુક્ત કાર્યની. કાર્ય રહે, કર્તૃત્વ ના જોઈએ.
સંપ્રતિ મહારાજાના પૂર્વ જન્મની વાત તમે સાંભળી છે. એ ભિક્ષુક હોય છે. ઘરે ઘરે ભીખ માંગે છે અને કહે છે મને કંઈક આપો. એ વખતે બે મુનિરાજ એક ઘરમાંથી બહાર નીકળે છે અને ભિક્ષુકે કહ્યું મને ખાવાનું આપો ને હું ભૂખ્યો છુ. એ વખતે એ મ.સા ના નથી પાડતા. એ એમ નથી કહેતા કે અમારા પાત્રમાં આવી ગયુ, અમે કોઈને ન આપી શકીએ. એ એમ કહે છે અમે તો આ ભિક્ષાને માત્ર ભેગી કરનારા, collect કરનારા છીએ. આ ભિક્ષા ઉપર અધિકાર અમારા ગુરુનો છે. એ વખતે પેલાને થયું કે આ લોકો ના પાડતા નથી. આ લોકો આટલા કરુણા વાળા છે, તો આમના ગુરુ તો કેટલાય કરુણા વાળા હશે. ગુરુ પાસે આવ્યો. પાછળ – પાછળ ઉપાશ્રય. ગુરુને કહ્યું મને ખાવાનું આપો. ગુરુએ જ્ઞાનથી જોયું. આગળના જન્મનો આ સંપ્રતિ થવાનો છે; દીક્ષા આપી દીધી. વાપરવા માટે બેસાડી દીધો.તો શિષ્યો પાસે શું હતું ? ખરા બપોરે, કલાક-દોઢ કલાક ફરીને ભિક્ષા લાવવાની છે, પણ એ ભિક્ષાના કૃત્ય ઉપર માલિકીયત ગુરુનું છે; કર્તૃત્વ પોતાનું નથી.
તો તમે પણ સારા કર્યો કરજો પણ પ્રભુએ મને નિમિત્ત બનાવ્યું એ જ વાત રાખજો. સંઘ કાઢાવો, ઉપધાન કરાવો, સાધર્મિક ભક્તિમાં પૈસા ખર્ચો, કોઈ જ વાંધો નહિ. સારા કર્યો કરવાના પણ કર્તૃત્વ ક્યારેય પણ ઓઢી નહિ લેવું. આ ૬ સજ્જતા જેની પાસે છે; એ સાધક પરરસથી મુક્ત બને છે. નિરપેક્ષ છે ,નિર્મળ છે, પ્રબુદ્ધ છે, ઉદાસીન છે, આનંદમય છે અને કર્તૃત્વ મુક્ત કાર્યવાળો છે, એ સાધક પરરસથી મુક્ત છે. અને એ સાધક પરમરસનું પાન કરી શકે છે. તમે બધા પણ એ જ પરમરસનું પાન કરો.
મંત્રદીક્ષા કાલે તમને અપાઇ ગઈ છે. પૂજ્ય ધુરંધરવિજય મહારાજ દ્વારા. આજે તમને સાધના દીક્ષા આપવાની છે. ઘણા સાધકોનો પ્રશ્ન હોય છે કે શિબિરમાં તો સાધના કરી, ઘરે ગયા પછી શું? તો ઘરે ગયા પછી તમારે શું કરવાનું છે. એ સાધના માટેનો પત્ર અને રોજ એ સાધના તમે કેટલી કરી એ તમારે ખાનામાં પુરવાનું છે. અને આખો લેટર ભરાઈ જાય પછી તમારે શિબિરના વ્યવસ્થાપકો ઉપર મોકલી દેવાનું છે.
તો એમાં 3 બાબતો લીધી છે. સાધનામાં. પહેલું આ પરરસ મુક્તિ. ખાતા આસક્તિ થઈ ગઈ, કપડાં પહેરતા આસક્તિ થઈ ગઈ તો આ આસક્તિ કેટલી મિનીટ? કેટલી સેકન્ડ રહી? એની નોંધ કરવી છે. નહિતર તો શું છે. આસક્તિ ને મોકલું મેદાન મળી જાય. અડધો કલાક, કલાક, બે કલાક. બહુ સારું હતું ખાવાનું. પણ હવે તમારી જાગૃતિ એના ઉપર આવે. અડધી મિનીટ થઈ ગઈ. અરે! આસક્તિમાં હું વહ્યો. ચાલો બંધ… પણ ૩૦ સેકન્ડ હું આસક્તિમાં ગયો મારે નથી જવું. એટલે દિવસ દરમિયાન જેટલી મિનીટ થાય, એ અલગ કાગળ પર લખવું અને પછી આજની તારીખ માં કુલ આટલી મિનીટ હું પરમાં ગયો એ પહેલું ખાનું તમારે ભરવાનું. ખાલી મિનીટ તમારે લખવાની. આટલી મિનીટ. અને સેકન્ડ હોય તો વધારે સારું.
બીજું ખાનું છે; જેમાં ભેદજ્ઞાન નો અભ્યાસ કરવાનો છે. અમૃતવેલની સજ્ઝાયમાં એક સરસ કડી આપી મહોપાધ્યાયજીએ “દેહ મન વચન પુદગલ થકી, કર્મથી ભિન્ન તુજ રૂપ રે, અક્ષય અકલંક છે જીવનો, જ્ઞાન આનંદ સ્વરૂપ રે”. એ કડી જે છે એને અર્થ સાથે એક-બે વાર જોવાનું. હું દેહ નથી, હું મન નથી, હું વચન નથી, હું પુદગલ નથી, હું બધાથી પર છું. આ ભેદજ્ઞાનનો અભ્યાસ કેટલી મિનીટ રોજ કર્યો; એ તમારે લખવાનું.
ત્રીજી વાત એ છે કે વિકલ્પો માં તમે કેટલી મિનીટ ગયા એ પણ તમારે લખવાનું. ત્રીજું ખાનું એનું છે. રાગ-દ્વેષ થાય છે. થાય છે. પણ એને SPREAD OUT કોણ કરે છે ? વિચારો. ખાધું; સારું લાગ્યું. તમારું મન બીજામાં જતું રહ્યું તો…. આસક્તિ ત્યાં દબાઈ ગઈ. પણ તમારું મન એમાં ને એમાં રહ્યુ તો? બહુ સરસ, બહુ ટેસ્ટી, બહુ મજાનું, કોને બનાયેલું?, ક્યાંથી લાવેલું? શું કરેલું? એટલે વિચાર જે છે તમારાં વિભાવ પ્રત્યેના, એ વિભાવો ને જ SPREAD OUT કરે છે. એટલે આવા વિચારો કેટલી વાર આવ્યા? કેટલી મિનીટ? એ તમારે લખવાનું. સારા વિચારો માટે કોઈ વાંધો નથી. શુભ ભાવો જેટલી વાર આવ્યા એની નોંધ કરવાની નથી. પણ રાગ-દ્વેષ-અહંકાર તરફ તમને લઇ જનારા વિચારો તમને કેટલી વાર આવ્યા એ ત્રીજા ખાનામાં તમારે ભરવાનું છે.
તો આ રીતની સાધનાપોથી તમને આપવામાં આવશે આજે. અને એ સાધનાને તમારે રોજ કરવાની છે અને બધા જ ખાનાને નિષ્ઠા થી તમારે ભરવાના છે.