વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત
Subject : સુહગુરુજોગો
- અતીતની યાત્રામાં આપણને સદ્ગુરુઓ તો સેંકડો મળ્યાં; પરંતુ સદ્ગુરુયોગ ક્યારેય ન મળ્યો.
- આપણાં બુદ્ધિ અને અહંકાર નીકળી જાય અને સમપર્ણ આવી જાય, તો સદ્ગુરુયોગ આ રહ્યો!
- ધ્યાન સાધનાનું પહેલું ચરણ – ભાવ પ્રાણાયામ. બાહ્યભાવ રેચક ઇહાં જી; પૂરક આંતરભાવ.
મૌન ધ્યાન સાધના શિબિર ૧૪ – તલેગાંવ વાચના – ૬ (સવારે)
સંત હરિદાસે વ્રજ ભાષામાં એક પદ લખ્યું છે એની એક પંક્તિ છે. “તિનકા બુયારી કે બસ” સંત હરિદાસ પ્રભુને કહે છે કે પ્રભુ! એક તણખલું સાવરણી ને આધીન હોય છે એમ હું તારે અધીન છું. સાવરણી લઇ જાય ત્યાં તણખલું જાય, એમ હું total choice less છું. કોઈ ઈચ્છા મારી નથી. પ્રભુ તું મને લઇ જાય ત્યાં મારે જવું છે.
ભક્ત ગૌરાંગ એથી પણ એક ડગલું આગળ વધ્યા. એમણે કહ્યું “તૃણાદપિ સુનિચેદ્ ભવિતવ્ય:” પ્રભુ! હું તો તણખલાથી પણ નીચો છું. તણખલું ક્યારેક હવામાં નિષ્ફળ થઇ જાય છે. એ માત્ર વાળનારીને, કે માત્ર સાવરણી ને અધીન રહેતું નથી. મારે તો તણખલાથી પણ નીચે જવું છે. પણ માત્ર તારે આધીન થઈને મારે રહેવું છે. કેવી પ્રભુની કૃપા એમને ગમી ગઈ હશે કે પ્રભુની કૃપાની ચાદર વિના એક ક્ષણ તેઓ રહેવા ઈચ્છતા નથી.
હમણાંની એક ઘટના કહું… અમેરિકામાં વિમાનનો એક pilot, અમેરિકાના કોઈક મિત્ર દેશમાં યુદ્ધ ચાલતું હશે. તો pilot ને યુદ્ધ અંગેની કામગીરી સોંપાઈ. એકવાર એવું બન્યું કે એ pilot વિમાનને લઈને ક્યાંક જઈ રહ્યો છે. અચાનક એણે જોયું, ચારે બાજુથી દુશ્મન દળના વિમાનોએ એના વિમાનને ઘેરી લીધેલું. એણે જોયું, ક્ષણભર એ મૂંઝાઈ ગયો. ચારે બાજુ દુશ્મનોના વિમાનો. વચ્ચે એનું વિમાન, એ જ ક્ષણે શું થયું… કોઈ અદ્રશ્ય શક્તિએ વિમાનનો કબજો સંભાળી લીધો. Pilot ને કશો જ ખ્યાલ નથી આવતો કે અત્યારે શું કરવું મારે! અદ્રશ્ય શક્તિએ એના વિમાનનો કબજો સંભાળી લીધો. વિમાનને એકદમ ઊંચું લઇ જવામાં આવ્યું અને એક કલાક પછી એ વિમાનનું એકદમ safely landing પણ કરાવવામાં આવ્યું. Captain landing થયા પછી એની cockpit માંથી બહાર નીકળે છે. ત્યારે એ કહે છે – this is my rebirth and by his grass. આ મારો પુનર્જન્મ છે અને એની કૃપા.
એક ઘટનાએ એ pilot ને એટલો હચમચાવી નાંખ્યો કે એણે નક્કી કર્યું કે હવેનું જીવન પ્રભુને સમર્પિત. Pilot તરીકે એણે resign કરી દીધું. ભારત આવ્યો. એક ગુરૂના ચરણોમાં એ આવ્યો. સંન્યાસ દીક્ષા એણે લીધી. અને કૃષ્ણપ્રેમ ના નામે એ વિખ્યાત યોગી બન્યો. હિંદુ ધર્મ ઉપર, હિંદુ ધર્મના ગ્રંથો ઉપર એટલો બધો લગાવ થઇ ગયો કે એ અમેરિકન ગોરો વિદ્વાન સંન્યાસી બનીને ગુરુની આજ્ઞા પ્રમાણે સ્વાધ્યાય માં લાગી ગયો.
ભગવદ્ ગીતા એમને બેહદ ગમી ગયું. વિખ્યાત યોગી થયા પછી પોતાના વાર્તા નામોમાં, કે પોતાના પ્રવચનો માં એ વારંવાર ભગવદ્ ગીતાના વચનોને court કરતા. ભગવદ્ ગીતાનું એક વચન છે જેમાં શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે ‘ન મે ભક્ત: પ્રણસ્યતિ’ મારો ભક્ત ક્યારે પણ નષ્ટ થતો નથી. એટલે કે વિભાવોને શરણે જતો નથી. પ્રભુ એક એવું સુરક્ષા ચક્ર આપે છે કે એક સેકંડ માટે, એક મિનિટ માટે તમે વિભાવોમાં ન જાઓ. કૃષ્ણે, શ્રી કૃષ્ણ ચેતનાએ અર્જુનને વચન આપ્યું, ભગવદ્ ગીતાના એ બે પાત્રો અદ્ભુત છે. કૃષ્ણ એટલે શું… કૃષ ધાતુ ખેંચવાના અર્થમાં વપરાય છે. જે તમારા conscious mind ને છીનવી લે, એ કૃષ્ણ ચેતના.
તમારું મન તમારી પાસે ન રહે. આ લોકોને પૂછો સાધ્વીજીઓને, મુનિવરોને, કે તમે શું વિચારો છો? કોઈ પૂછી લે કે પાર્શ્વ પ્રજ્ઞાલયમાંથી વિહાર થવાનો ક્યારે છે? એ લોકો એટલું જ કહેશે ગુરુદેવ જાણે. અમને કોઈ ખ્યાલ નથી. શિષ્યને વિચારવાનું નથી હોતું. He has not to think absolutely. કારણ conscious mind સદ્ગુરુએ લઇ લીધું. તમે વિચાર કરો તો શી રીતે કરો. અને વિચાર હોય ને તો ગરબડ શું થાય ખબર છે… ગુરુની આજ્ઞા તમે જો conscious mind ના સ્તર પર ઝીલો તો તમારું conscious mind રાગ, દ્વેષ, આદિથી ખરડાયેલું છે. એટલે ગુરુની આજ્ઞા મળતા પહેલા તરત જ એ conscious mind વિચાર કરશે. આનાથી મને ફાયદો કેટલો.. આનાથી મને અનુકૂળતા રહેશે કે પ્રતિકૂળતા રહેશે. અનુકુળ ગુરુની આજ્ઞા છે તહત્તિ. પ્રતિકૂળ આવી તો પણ conscious mind સદ્ગુરુને સોંપાઈ ગયું. હવે શું કરો? તો કૃષ્ણ, શ્રીકૃષ્ણ ચેતના એટલે સદ્ગુરુ ચેતના. જે તમારા મનને conscious mind ને ઉચકી લે, છીનવી લે એ જ ગુરુ ચેતના. અને અર્જુન એટલે શિષ્ય ચેતના. શિષ્ય કેવો હોય, અર્જુન જેવો. અર્જુન શબ્દ ઋજુ શબ્દ ઉપરથી આવ્યો છે. એકદમ જે ઋજુ છે, સરળ છે. એ શિષ્ય છે. એ total ગુરુને surrender થઇ શકે છે. શિષ્ય crystal clean hearted personality છે. crystal clean hearted personality – સ્ફટિક જેવું પારદર્શી એનું વ્યક્તિત્વ છે. સ્ફટિક કેવું નિર્મળ હોય, એવું જ નિર્મળ હૃદય શિષ્યનું છે. એ ગુરુથી કશું જ છુપાવવા માંગતો નથી. તો શ્રીકૃષ્ણ ચેતનાએ અર્જુન ચેતનાને વચન આપ્યું ‘ન મે ભક્ત: પ્રણસ્યતિ’ મારો ભક્ત મને જે સમર્પિત થઇ ગયો, એ ક્યારે પણ વિભાવોને સમર્પિત ન થાય. આમ જુઓ તો આ સાધના કેટલી અઘરી, એક પણ વિભાવ – રાગ, દ્વેષ, ઈર્ષ્યા, અહંકાર એક સેકંડ માટે તમારા હૃદયમાં ન આવે. આ સાધના કેટલી અઘરી. કેટલી અઘરી. પણ તમે ભક્ત બની ગયા. પ્રભુને ચરણે, ગુરુને ચરણે સમર્પિત બની ગયા તો તમને સુરક્ષા ચક્ર મળી ગયું.
તો એ કૃષ્ણપ્રેમને પ્રભુની કૃપાનો અનુભવ થયો. પૂરું જીવન પ્રભુને સમર્પિત કરી દીધું. આપણી સાધનામાં, આપણી વ્યવહાર સાધનામાં જે ૩ તત્વો ખૂટે છે એ પૈકીનું પહેલું તત્વ આ હતું… પ્રભુ કૃપાનો સ્વીકાર. ડગલે ને પગલે લાગે કે હું આ કરી શકું… તમે અથવા હું આપણે સાધનાને કરી શકીએ? પ્રભુ કૃપાને સદ્ગુરુના શક્તિપાત ને હું lift કહું છું.
મુંબઈમાં તમે છો, ૭૦માં માળે તમારો સંબંધી છે. એ બિલ્ડીંગ માં તમે ગયા, lift ચાલુ છે બેસી ગયા. બટન દબાયું, ૭૦માં માળે જઈને lift ઉભી રહેશે. પણ electricity fail થઇ ગઈ હોય, અને તમારે ૭૦ દાદર ચડવા પડે તો? એમ વિષય અને વિકારમાં અનંતા જન્મોથી ચકચૂર બનેલા આપણે પ્રભુની અને સદ્ગુરુની કૃપા ન હોય તો કઈ રીતે સાધનામાર્ગે આપણે ઉચકાઈએ? એક ગુરુનો શક્તિપાત, તમે નીકળી જાવ. પણ હું વારંવાર કહું છું તેમ સદ્ગુરુ શક્તિપાત કરવા તૈયાર છે, તમે એને ઝીલવા તૈયાર છો?
પરંપરામાં એક મજાની ઘટના આવે છે, એક સાધક એક સદ્ગુરુ પાસે ગયો. ગુરુ પાસે જઈને એણે વિનંતી કરી કે ગુરુદેવ! મને સાધના દીક્ષા આપો. ગુરુ વયોવૃદ્ધ હતા. બહુ ચાલી શકતા નહિ. એટલે એક નગરના એક મોટા ઉપાશ્રયમાં એ રહેતા. શિષ્યવૃંદ જોડે હતું. પણ એમણે કહેલું શિષ્યોને કે બે કે ચાર મારી સેવામાં રહો. બીજા બધા બહાર ફરો. એક જગ્યાએ સાધુથી રહેવાય નહિ. મારે તો પગની તકલીફના કારણે રહેવું પડે છે. પ્રભુની આજ્ઞા ઉપર એટલો પક્ષપાત કે શેષ કાળમાં મહિનો પૂરો થાય એટલે કહી દે કે ભાઈ ચાલો રૂમ બદલી નાંખો. ભગવાને કહ્યું છે શેષ કાળમાં એક જગ્યાએ એક મહિનાથી વધારે ન રહેવાય… રૂમ બદલી નાંખ્યા. આવા એ સદ્ગુરુ. ઘણા બધા સાધકો એમની પાસે સાધના દીક્ષા લેવા આવતાં. આ સાધક પણ આવ્યો. એણે કહ્યું ગુરુદેવ! મને સાધના દીક્ષા આપો. ગુરુદેવે એને કહ્યું કે તારે આવશ્યક ક્રિયા રોજની કરવાની. બે ટાઈમ પ્રતિક્રમણ, એક ટાઇમ સામાયિક, વ્યાખ્યાન શ્રવણ વિગેરે…. એ ઉપરાંત તને જે સમય મળે, એમાં મોરપીંછની સાવરણી લઈને ઉપાશ્રયને સાફ કર્યા કરવાનો. પેલાએ કહ્યું તહત્તિ ગુરુદેવ. રોજ પાંચ થી સાત કલાક સાવરણી લઈને ઉપાશ્રયને સાફ કર્યા કરતો. એના પછી આવેલા new comers સાધકો ગ્રંથો ભણી ગયા. ગુરુએ એમને ગ્રંથો ભણાવ્યા, આને ગુરુ એક પણ ગ્રંથ ભણાવતા નથી. તમારી તકલીફ ક્યાં થાય છે? સદ્ગુરુ પાસે તમે આવો છો. પણ તમારી બુદ્ધિ અને અહંકાર લઈને આવો છો. તમે જો આ ગુરુ પાસે ગયેલા હોત તો તમે વિચારત કે જોયું આ ગુરુદેવ… મને કહે સાવરણી લઈને ઉપાશ્રય સાફ કર. આ નવો આવ્યો એને ગ્રંથ ભણાવવા માંડ્યા. આ પક્ષપાતી ગુરુ જ છે ને…. આમાં જ આપણે રહી ગયા. કેટલાય જન્મોમાં કેટલાય સદ્ગુરુ મળ્યા. પણ બુદ્ધિ અને અહંકાર ને કારણે આપણે રહી ગયા. સમર્પણ આવ્યું નહિ. આના મનમાં કોઈ વિચાર આવતો નથી. ગુરુએ જે આજ્ઞા આપી એ પ્રમાણે મારે જીવવાનું. ૧૨ વર્ષ વીત્યા. કેટલા? ૧૨ વર્ષ! એક પણ ગ્રંથ ગુરુએ ભણાવ્યો નથી. અને સમર્પણની ભૂમિકા હોવાને કારણે આનો અહોભાવ વધતો જ જાય છે, વધતો જ જાય છે. સૌથી મોટી ગરબડ તમારો ‘હું’ કરે છે. તમારી ઈચ્છા, તમારી કલ્પનાઓ, તમારી ભ્રમણાઓ, એ પ્રમાણે દુનિયા ચાલવી જોઈએ. અને ગુરુએ પણ એ રીતે ચાલવું જોઈએ.
ગુરુની પાસે જ્ઞાન લેવા આવો, ગુરુ unconditionally તમને જ્ઞાન આપશે. ગુરુ વરસી પડશે. પણ તમારી સજ્જતા શું? સંપૂર્ણ સમર્પણ ૧૨ વર્ષ પુરા થયા, ગુરુ પાસે આવ્યા ને… ૧૩મું વર્ષ, જે દિવસે આને શરૂ થતું હતું ગુરુને બધો ખ્યાલ છે, વંદન કરવા સવારે આવ્યો. ગુરુએ પૂછ્યું: તને કેટલા વર્ષ થયા મારી પાસે આવ્યા ને? સાહેબજી! ૧૨ વર્ષ… શું કર્યું તે ૧૨ વર્ષમાં.. ગુરુદેવ! આપે કહેલું આવશ્યક ક્રિયાઓ રોજ કરવાની. એ આવશ્યક ક્રિયાઓ રોજ કરું છું. એના સિવાયનો જેટલો પણ સમય મળે મોરપીંછની સાવરણી લઇ ઉપાશ્રયને સાફ કરું છું. કચરો કાઢું છું. એટલો બધો અહોભાવ છે એના ચહેરા પર. એના શબ્દોમાં અહોભાવ. ક્યાંય સહેજ નિરાશા નથી. શું કરું ગુરુદેવ, બીજા બધાને તમે ભણાવ ભણાવ કરો છો. તમને ક્યાં ટાઈમ છે મારી સામે જોવાનો. આ ‘હું’ આવી ગયો. આની સામે જોયું ને મારી સામે ન જોયું. ‘હું’ ને બહાર મુકીને આવો.
એક સાધક આશ્રમમાં જાય છે. દરવાજા બંધ હોય છે. એણે દરવાજા ઉપર ટકોરા લગાવ્યા, અંદરથી ગુરુએ પૂછ્યું: કોણ? આણે કહ્યું: સાહેબ! એ તો ‘હું’ છું. ઘણા ને ભ્રમ હોય, કે મારા અવાજ ઉપરથી ગુરુ મને ઓળખી જશે. સાહેબ! એ તો ‘હું’ છું. ગુરુએ પ્રેમથી કહ્યું: હવે દરવાજો ખુલ્લો છે. પણ ‘હું’ ને મુકીને આવજે. એક નહિ, બે નહિ, ચાર નહિ… આપણી અતિતની યાત્રા માં સેંકડો સદ્ગુરુઓ તમને મળ્યા. પણ એક પણ સદ્ગુરુ પાસેથી તમે કંઈ જ પ્રાપ્ત ન કરી શક્યા. કારણ તમારો ‘હું’ અકબંધ હતો. એટલે જ આપણે જયવીયરાય સૂત્રમાં પ્રભુની આગળ રોજ શું માંગીએ, ‘સુહગુરુજોગો’ યાદ રાખો: પ્રભુની પાસે આપણે સદ્ગુરુ માંગતા નથી. સદ્ગુરુ યોગ માંગીએ છીએ. કારણ સદ્ગુરુ તો ઘણા બધા મળી ગયેલા. હેમચંદ્રાચાર્ય જેવા કે હરિભદ્રાચાર્ય જેવા સદ્ગુરુ પણ અતિતની યાત્રા માં મળી ગયેલા. પણ આપણે એમના ચરણોમાં સમર્પિત થઇ શક્યા નહિ. એટલે આજે તમે પ્રભુ પાસે શું માંગો છો, ‘સુહગુરુજોગો’
પ્રભુ સદ્ગુરુ આપીને તું છૂટી જઈ શકતો નથી. એ સદ્ગુરુના ચરણોમાં તું મને સમર્પિત કરાવી આપ. એ સદ્ગુરુ સાથે મારો યોગ, મારું જોડાણ થઇ જાય. જોડાણ ક્યારે થાય… બુદ્ધિ અને અહંકાર નીકળી જાય… સમર્પણ આવી જાય. જોડાણ શરૂ.
પેલાના ચહેરા પર અહોભાવ છે. શબ્દોમાં અહોભાવ છે. ગુરુદેવ! આપે કહ્યું હતું ને એ પ્રમાણે કરું છું. કચરો કાઢું છું ઉપાશ્રયનો, એ વખતે ગુરુદેવે શબ્દ શક્તિપાત કર્યો. ગુરુએ કહ્યું: જા, તારો બધો કચરો આજે નીકળી ગયો. રાગ અને દ્વેષનો, અહંકારનો જે કચરો ૧૨ વર્ષે નહિ, ૧૨ જન્મે નહિ, ૧૨૦૦ જન્મે પણ ન જાય. એને સદ્ગુરુએ એક સેકંડમાં કાઢી નાંખ્યો. જા, તારો કચરો ગયો. સવાલ એ થાય… સદ્ગુરુ એ હતા શિષ્ય પણ એ હતો. સાધક પણ એ હતો. ગુરુએ ૧૨ વર્ષ શેના માટે લીધા? હવે બોલો! તમારા ‘હું’ ને કાઢવા માટે કેટલો ટાઈમ જોઈએ બોલો… હવે છ દિવસ માટે આવો હું લાકડી લઈને મંડી પડું તો યે શું…
વર્ષોથી કામ કરું છું તમારા ઉપર… ‘હું’ ગયું….? ગુરુ લાકડી લગાવે ને હોશિયાર છો થોડું આમનું આમ કરી નાંખો. પાછું ગુરુથી દૂર ગયા એટલે પાછું આમથી આમ Centre માં ‘હું’ આવી ગયું. ૧૨ વર્ષ ગુરુને શેના માટે લાગ્યા…?
એના સમર્પણ ને તીવ્ર બનાવતા, એની અહોભાવની ધારાને તીવ્ર બનાવતા. સામાન્ય તયા ગુરુએ ગ્રંથો ભણાવ્યા હોત ને તો એક વર્ષમાં પણ અહોભાવ વધી જાત. ગુરુએ મને ગ્રંથો ભણાવ્યા. પણ ગુરુએ એવું કામ સોંપ્યું કે જેમાં લગભગ અહોભાવ ન હોય. કોઈ status નું કામ નહિ. તમને ગુરુ કામ સોંપે તો કયું કામ ગમે બોલો… ગુરુ કહે કે ઉપાશ્રયનો કચરો કાઢ, તો ગમે..? હા, ગુરુના ચરણ દબાવાના હોય તો એ ગમે. તમે સેવા પણ એવી ઈચ્છો છો જેમાં તમારો અહંકાર એકદમ પ્રજ્વલિત બને. સેવા પણ એવી જોઈએ… જેમાં તમારું status સચવાતું હોય. ‘હું’ ને અનંતા જન્મોથી કાઢવા માટે ગુરુ ચેતનાએ પૂરેપૂરી મહેનત કરી છે. પણ આપણે ગુરુ ચેતનાને ક્યારે પણ સહકાર આપ્યો નથી.
હવે લાગે છે કે ‘હું’ નીકળવું જોઈએ. હું કેન્દ્રમાંથી પરિઘમાં આવ્યું. શક્તિપાત થઇ ગયો. શિખર ઉપર પહોંચી ગયા. તો ગુરુએ કામ એવું સોપ્યું કે જેમાં એના અહોભાવની પુષ્ટિ થઇ ન શકે. કારણ કે રોજ કચરો કાઢતો, લોકો શું માને… હશે કોઈ નોકર – બોકર… આ વાત આપણે ખરેખર શીખવા જેવી છે.
અમદાવાદમાં પ્રમુખસ્વામીનો જે મહોત્સવ થયો અને આખું જે નગર વસેલું એમાં કેવા કેવા લોકોએ સેવા આપેલી.. એક બેન મારી પાસે આવેલા. એ બેન તો બોલેલી… અને બીજો કોઈ એની વાત કરે તો પણ એમને ન ગમે. પણ એ બેન ગયા પછી એ બેનના પરિચિત ભાઈ એ કહ્યું કે સાહેબ! આ બેન અબજોપતિ ઘરાનાના છે. પણ પ્રમુખસ્વામી નગરમાં એ કચરો કાઢતા હતા. રોડને સાફ કરવાનું કામ એમને આપવામાં આવેલું. એક પ્રોફેસર ત્યાં ગયેલા, એમણે જોયું પોતાનો મિત્ર એક પ્રોફેસર… જૂત્તા બરોબર ગોઠવતો હતો. તો પ્રોફેસરે પૂછ્યું કે આ શું કરે છે તું… તો કહે કે મને આ સેવાનું કામ સોપવામાં આવ્યું છે. નિષ્ણાંત ડોકટરો કે જેમની appointment કદાચ ૧૫ દિવસે કે મહીને તમને મળે. એવા ડોકટરો ત્યાં toilet સાફ કરતા. કેવી ગુરુ ભક્તિ હતી કે અમારા ગુરુએ અમારા માટે આટલું બધું કર્યું તો અમે અમારા ગુરુ માટે શું ન કરીએ?
એક ભક્ત આવેલા. મારી પાસે બેઠેલા. એમણે કહ્યું, સાહેબ પ્રમુખ સ્વામી નગરમાં જઈને આવ્યો. પછી એમણે એક અદ્ભુત વાત કહી… એ પોતે પણ પ્રમુખ સ્વામીના ભક્ત હતા, ઉપાસક હતા. એમણે કહ્યું કે સાહેબ! લોકો બધા નગરને જોઇને આવે છે. નગરની સ્વચ્છતા જોઇને આવે છે. મેં શું જોયું સાહેબ કહું? મેં કહ્યું: કહો. – મને કહે ત્યાં ૬૦,૦૦૦ સ્વયં સેવકોની આંખોમાં મેં ગુરુને – પ્રમુખ સ્વામીને જોયા.
તમે પ્રભુને ક્યાં જુઓ, સદ્ગુરુને ક્યાં જુઓ… તમારી આંખોમાં શું દેખાય? પાયાથી આપણે કંઈ કામ કરવું પડશે. મંદિર ૨ કરોડનું બન્યું એમાં તમે કેટલું કામ કરેલું… માથે દોડિયા લઈને તમે કેટલું કામ કર્યું? અકાલ તખ્ત ઈન્દિરાજી એ તોડી નાંખ્યો. પછી નવો બનાવડાયો કરોડો રૂપિયા ખર્ચીને… શીખ ભક્તોએ કહી દીધું આ અકાલ તખ્ત અમારા ભગવાનને નહિ ચાલે… અમે અમારી સેવાથી જે બનાવીશું તે જ અમારા ભગવાનને ચાલશે. કરોડોના ખર્ચે બનાવેલ એને તોડી નાંખવામાં આવ્યું. હવે શીખ ભક્તોએ પોતાના શ્રમ દ્વારા નવો અકાલ તખ્ત ઉભો કર્યો.
એક પ્રધાન હતો. કેન્દ્રીય મંત્રી શીખ હતો. એ ગુરુદ્વારા માં ગયો. સહેજ શિસ્ત વગર એ વર્ત્યો. તો ત્યાં જે બેઠેલ વ્યક્તિ હતી એણે કહી દીધું, આ ન ચાલે આ ગુરુદ્વારા છે. તો કેન્દ્રીય પ્રધાનને સજા કરી. અઠવાડિયા સુધી બહાર બેસો અને ભક્તોના જૂત્તા સાફ કરો. કેન્દ્રીય પ્રધાન ને! અને એનો ફોટો મીડિયામાં આવેલો. કે આ પ્રધાન! પાયેથી એક devotion એક ભક્તિ આપવામાં આવે છે. આપણે ત્યાં બધું જ હતું. કેમ ગયું? અને સમાજમાં આવે પછી મારે ત્યાં લાવું આવી વાત ક્યારેય કરતા નહિ હો! Charity begins from home. તમારે જ શરૂઆત કરવી પડશે. આપણે શરૂઆત કરીએ….
પ્રભુની ભક્તિ માત્ર પ્રક્ષાલ કરીએ એટલે પ્રભુની ભક્તિ થઇ ગઈ એમ નહિ. દેરાસર નો કચરો કાઢો તો પણ પ્રભુની ભક્તિ જ છે. સ્નાત્ર પૂજા ભણાવો પછી એમાં પદ આવે ‘અષ્ટ સંવર્ત વાયુથી કચરો હરે’ એટલે અમારા ભક્તો શું કરે? ખેસ પલ્લું હલાવે આખો દિવસ… તમે સાડી પલ્લું હલાવો… એ દીક્કુમારિકાઓ, જેમનો એક – એકનો વૈભવ અપાર હતો. એ પણ કહે છે પ્રભુના દરબારમાં અમે તો નોકર જ છીએ. એટલે અહીંયા કચરો કાઢવા મળે, એ પણ અમારા માટે મોટી એક ઉપલબ્ધી છે. આ ભાવ તમને આવે છે કે હું દેરાસરમાં કચરો કાઢું? તો સદ્ગુરુએ ૧૨ વર્ષ સુધી શું કર્યું? એના અહોભાવને, એના સમર્પણને શિખર ઉપર લઇ જતા હતા.
તમે વિચાર તો કરો. કચરો કાઢવાની ક્રિયા જેમાં એને કોઈ ઓળખવાનું નથી. એને કોઈ status મળવાનું નથી. પાંચ ગ્રંથો કોઈ ભણી ગયું ને તો એને status મળશે. પાંચ ગ્રંથો ભણી ગયો. આની memory સરસ છે. આનો ક્ષયોપશમ સરસ છે. Grasping power સરસ છે. પણ કચરો કાઢવામાં શું મળવાનું..? છતાં એ ક્રિયા મારા ગુરુએ મને આપી છે અને મારે કરવાની છે એક જ વાત. ત્યાં કામનું મહત્વ નથી. ગુરુનું મહત્વ છે. અને એ સદ્ગુરુ ઉપર નજર હોવાને કારણે ૧૨ વર્ષમાં એનો અહોભાવ big experience પર ચાલ્યો. સદ્ગુરુને લાગ્યું, અહોભાવ તીવ્ર બન્યો છે. શક્તિપાત કરી દીધો. જા, તારો કચરો નીકળી ગયો.
તો પ્રભુની કૃપા વિના સદ્ગુરુ ના શક્તિપાત વિના, આપણે સાધના માર્ગે એક ડગ પણ ભરી શકીએ નહિ. બીજી બે વાતો બાકી રહી. એ પહેલા આપણે જે ધ્યાનાભ્યાસ કરીએ છીએ. એમાં કઈ systemથી જઈએ છીએ એ વાત કરીએ. પહેલી વાત તો એ – કે આ ધ્યાનાભ્યાસ સંપૂર્ણતયા આપણા શાસ્ત્રોમાંથી જ લેવામાં આવ્યો છે. આજની વિપશ્યના જેવી international spread out જેવી સાધનોઓનો અભ્યાસ મેં જરૂર કર્યો છે. પણ એક પણ સાધનાની નકલ આમાં નથી. માત્ર ને માત્ર આગમ ગ્રંથો અને પાછળના મહાપુરુષના ગ્રંથોમાંથી આ સાધના લેવામાં આવી છે.
પાલીતાણામાં અમારું સંમેલન ભરાયેલું અને ત્યાં મને સૂચના કરવામાં આવી કે જૈન ધ્યાનની એક સાધના પદ્ધતિ નિશ્ચિત કરવાનું કામ તમને સોંપવામાં આવે છે. એ પ્રમાણે શાસ્ત્રોનો અભ્યાસ કરીને મેં પુસ્તક પણ લખ્યું કે જે હિન્દીમાં, ગુજરાતીમાં, અંગ્રેજીમાં મળે છે. અંગ્રેજીમાં એનું નામ meditation છે. અને બીજામાં જૈન ધ્યાન એ રીતે છે. તો એ તમે મેળવી શકો છો.
તો હવે આપણે જે સાધના કરીએ છીએ એના ૪ ચરણો છે પહેલું ચરણ ભાવ પ્રાણાયામ. જેને યોગબિંદુ ગ્રંથમાં હરિભદ્રસૂરિ મહારાજે આપેલ છે. ભાવ પ્રાણાયામ. પ્રાણાયામમાં ૩ વસ્તુ હોય છે. રેચક, પૂરક અને કુંભક. શ્વાસ લેવો એને પૂરક કહેવાય. છોડવો એને રેચક કહેવાય. અને સ્થિર કરવો એને કુંભક કહેવાય. કુંભક સામાન્યતયા ક્યાં વપરાય છે? અમારે કોઈ પણ મંત્રો બોલવાના હોય ત્યાં કુંભક વપરાય છે. એ કુંભક સ્થાપના ઉપર અમારે મંત્ર બોલવાનો હોય, તો પણ અમારે કુંભકમાં જઈને મંત્ર બોલવાનો હોય. એટલે કે શ્વાસ ને સ્થિર કરીને… તમે પ્રતિષ્ઠા કરો પ્રભુની ત્યારે પણ તમને કહેવામાં આવશે શ્વાસ સ્થિર કરો, કુંભકમાં જાઓ. અને પ્રતિષ્ઠા કરો.
આપણી આ સાધનામાં કુંભક નથી, પૂરક અને રેચક છે. યોગદ્રષ્ટિ સમુચ્ચય ગ્રંથ, યોગબિંદુ આ બધા હરિભદ્રસૂરિ મહારાજના સંસ્કૃતમાં ગ્રંથો છે. યોગદ્રષ્ટિ સમુચ્ચય ગ્રંથનો ગુજરાતીમાં અનુવાદ ઉપાધ્યાય યશોવિજય મહારાજે કર્યો. આઠ દ્રષ્ટિની સજ્ઝાય. એમાં એમણે આ ભાવ પ્રાણાયામની વાત સમજાવી. “બાહ્ય ભાવ રેચક ઇહાંજી, પૂરક આંતર ભાવ” આંતર ભાવ – શુભ ભાવો એને અંદર મુકવાના છે. રેચક શરૂ કરવાનું, જે કચરો છે અંદર, બાહ્ય ભાવ છે, એને બહાર કાઢવાનો. એટલે સમભાવલો અંદરનો ક્રોધ કાઢો.
વીતરાગદશાના આંદોલનો લો, તો રાગને બહાર કાઢો. ઉદાસીનદશાને અંદર લો, તો રાગ અને દ્વેષ બંને ને બહાર કાઢો. તો પહેલું ચરણ ભાવ પ્રાણાયામ છે. પણ ભાવ પ્રાણાયામમાં જતાં પહેલા આપણે દ્રવ્ય પ્રાણાયામ કરીએ છીએ. અત્યારે આપણે બધા અધૂરા શ્વાસે જીવીએ છીએ. લોકપ્રકાશ ગ્રંથમાં અત્યારે આયુષ્ય કેટલું હોય આ કાળમાં એની ચર્ચા કરતાં કહ્યું ૧૫૦ વર્ષની આસપાસનું આયુષ્ય હોય… વધુમાં વધુ. એની સામે એવા યોગીઓ અત્યારે છે જેમનું આયુષ્ય ૭૦૦ -૮૦૦ વર્ષનું ગણાય છે.
પાલનપુર પાસે ઇકબાલગઢ છે ત્યાં પર્વત પર યોગી છે તો એક વ્યક્તિ કહે મારા દાદાએ કહેલું કે મેં એમને આવા ને આવા યુવાન જોયેલા. અને એ દાદા કહે છે કે મારા દાદાએ પણ એમને આવા જ જોયેલા. તો પેઢીઓથી લોકો એમને જોતા આવ્યા છે. અને એ રીતે તાળો મેળવો તો ૫૦૦ – ૬૦૦ વર્ષનું આયુષ્ય થઇ જાય. તો હવે શાસ્ત્ર જોડે તાળો કેમ મેળવવો? તો શાસ્ત્રમાં સેકંડ અને મિનિટ જોડે દિવસનો સંબંધ નથી. વર્ષનો સંબંધ નથી. તો કાળ નો નાનામાં નાનો એકમ શું? નાનામાં નાનો યુનિટ શ્વાસ છે. શ્વાસ જેટલો ધીરો લો. આટલા શ્વાસ થાય ત્યારે આટલો સમય થયેલો ગણાય. શ્વાસ fridge કરો, fridge કરો, fridge કરો, fridge કરો. સમય વધી ગયો. એટલે આપણે કંઈ લાંબા આયુષ્ય માટે પ્રાણાયામ કરવો નથી.
વિદેશમાં આજે યોગા નું એક session હોય, પાંચ-પાંચ હજારની ફી હોય, registration માટે લાઈન લાગતી હોય છે. પણ એ લોકો યોગા જે કરે છે એ માત્ર શારીરિક સ્વાસ્થ્ય માટે. Health માટે… બીજું mental peace માટે. માનસિક શાંતિ માટે. આપણો ઉદેશ્ય એ નથી. આપણો ઉદેશ્ય આત્મિક નિર્મળતા છે. આપણો આત્મા એકદમ નિર્મળ બને. એ આપણો આશય છે. By product માં મન શાંત થઇ જ જવાનું. શરીર સ્વસ્થ થઇ જવાનું. તમને પ્રાણાયામ કરતાં આવડે, ભસ્રીકા વિગેરે તમને કરતાં આવડે, angiography કરાવી હોય, નાના blockage દેખાતા હોય, ડોક્ટર કહે કંઈ નહિ આપણે દવાથી ઓગાળી દઈએ. પણ પછી તમે દવા પણ ન લો, અને ભસ્ત્રિકા પ્રાણાયામ બરોબર કરો. શ્વાસને જોર જોરથી લેવાના. Blockage તૂટી જાય. એ ગાંઠો જે છે જે લોહીના પ્રવાહમાં અંતરાય કરતી હતી, ગાંઠ ઉખડી જાય. તો એ દ્રવ્ય પ્રાણાયામ થી શું થયું… શ્વાસની એક સાઈકલ… શ્વાસ બરોબર લેવાય ઊંડો શ્વાસ. પૂરો શ્વાસ. શ્વાસ બરોબર છોડાય. હવે શ્વાસ કેટલો અંદર રાખવો… એની પારાશીશી એ છે કે તમારે શ્વાસ ઝડપથી છોડવો પડે, તો તમે સ્થિર કર્યો એ ખોટો કર્યો. Channel બરોબર ચાલવી જોઈએ. ધીરે ધીરે લીધો. ધીરે ધીરે છોડ્યો. વધારે સમય સ્થિર કર્યો તમે રહી નથી શકતા, જોશથી શ્વાસ છોડવો પડે, બે – ત્રણ વાર શ્વાસ લેવા પડે. તો એ રીત ખોટી. એટલે શ્વાસ ધીમે ધીમે લો, પુરા ફેફસાં ભરાઈ જાય. ધીરે ધીરે શ્વાસ છોડી દો… એટલું ખાલી થઇ જાવ કે ફેફસાં totally ખાલી થઇ જાય.
તો ફેફસાની બહુ મોટી કસરત મળી જાય છે. હવે આપણું પહેલું ચરણ ભાવ પ્રાણાયામ છે. આપણે ત્યાં તો આ વાત હતી જ. પણ આજનો મનોવૈજ્ઞાનિક કહે છે કે તમારી આજુબાજુમાં positive thinking ના પુદ્ગલો અને negativity ના પુદ્ગલો ફેલાયેલા છે. એટલે positive energy અને negative energy તમારી આજુબાજુ છે. કારણ કરોડો નહિ, અબજો લોકોએ negativity ના વિકિરણો છોડેલા છે. કેટલું બધું છે તમારી પાસે… છતાં negativity હોય છે. આ નથી મળ્યું. અરે દશ વસ્તુ મળી છે એની સામે જુઓ… અગ્યારમી નથી મળી એની સામે જુએ છે.
આજે positive thinking ના પુસ્તકોનું લાખો ડોલર નું market છે. Motivational authors જે છે અને motivational auditors જે છે એમનું મોટું બજાર છે આજે.
હું સુરતમાં હતો અને શિવખેરા આવવાના હતા. તો motivational speaker માં બહુ મોટું નામ ગણાય છે. તો મીડિયા હોય એટલે બધી ચર્ચા હોય જ… કે શિવખેરા આવી રહ્યા છે. એક auditorium માં એમનો પ્રોગ્રામ હતો. દોઢ કલાકનું પ્રવચન. ફી પણ તગડી જ હતી. એવા operators દોઢ કલાકના લેક્ચર ના ૮ લાખ – ૧૦ લાખ રૂપિયાની ફી લેતા હોય છે. Plane માં આવે plane માં જાય. Five star hotel માં રોકાય. બધો ખર્ચ આયોજકોનો… સીધો ૧૦ લાખનો check લઇ લેવાનો. એ વખતે હું morning walk રોજ કરતો. અઠવાલાઇન્સ માં મારું ચોમાસું સુરતમાં, બાજુમાં જ બગીચો હતો બહુ મોટો… તેમાં હું morning walk કરતો. શરીર માટે જરૂરી છે એમ ડોકટરે કહેલું. તો ૫ – ૭ – ૧૦ ભક્તો પણ જોડે આવતાં. તો શિવખેરા આવીને ગયા. બીજી સવારે એક ભક્તે મને કહ્યું morning walk માં કે સાહેબ! શિવખેરા આવી ગયા. મેં કહ્યું: તમે ગયેલા સાંભળવા? તો મને કહે: હા, ગયો હતો. મેં કહ્યું: કેવું લાગ્યું? મને કહે: સાહેબ! સરસ જ હોય. આટલું મોટું નામ હોય, એક ભારતના level એ. તો દેખીતી રીતે કામ તો હોય જ. પણ પછી એ ભાઈએ સરસ વાત કરી… કે આપના જેવા સંતોના પ્રવચનો positive thinking પરના જ હોય છે. અને એ જે રોજ સાંભળતો હોય, એને આમાં કંઈ નવાઈ લાગે એવું હતું નહિ. પણ અમે મફતમાં આપીએ ને તમે ઓછા આવો? પેલા એક લેકચરની ૫૦૦૦ ની ફી હોય, તમે ફી આપીને પણ જાઓ.
જે. કૃષ્ણમૂર્તિ, બહુ સારા ચિંતક હતા. આજે હું એમને વાંચું છું… અને અંગ્રેજીમાં જ એમને વાંચીએ ત્યારે મજા આવે. અનુવાદમાં મજા નથી આવતી. પણ એ જે વિચાર – વૈભવ એમની પાસે હતો.. એ અદ્ભુત હતો. એ લગભગ વિદેશમાં રહેતા પણ ભારતમાં આવતાં. પણ એ ભારતમાં આવે, મુંબઈમાં એમના પ્રવચનો હોય, એટલો ક્રેઝ હતો કૃષ્ણમૂર્તિના નામનો… કે લોકો અંગ્રેજી એમને સાંભળવા માટે શીખતા. અને પછી એક status symbol બની ગયું. અમે કાલે કૃષ્ણમૂર્તિમાં ગયેલા કહે છે. એટલે એ પણ અહંકાર ની સામગ્રી બની જાય પાછી.. જે માણસ અહંકાર ઉપર જ ઘા કરતો રહ્યો આખી જિંદગી… કૃષ્ણમૂર્તિએ એક જ કામ કર્યું તમારા અહંકાર ઉપર જ હથોડા ઠોક્યા. એને સાંભળીને માણસ અહંકાર પુષ્ટ કરે. તમારી માયા બહુ જબરી છે.
તો ભાવ પ્રાણાયામ માં આપણે શું કરીએ છીએ. કે positive energy અને negative energy બેય આપણી આજુબાજુમાં છે. અને તમારા ટેલીવિઝન માં વ્યવસ્થા છે કે જે station પકડવું હોય, એ frequency પકડાય. અહીં તો બે જ છે, બે જ energy છે. તમારે પકડવા માટે આખી રીત છે. સવારે ઉઠ્યા અકારણ તમે પ્રસન્ન બની જાવ. ઓહો! કેટલું સરસ.. કેટલું સરસ આજે નવો દિવસ પ્રભુ તરફથી મને ભેટમાં મળ્યો, હું સ્વસ્થ ઉઠ્યો છું. ઓહો! પ્રભુ તારી કૃપા. તે મને નવો દિવસ ભેટમાં આપ્યો. એક સવારે ઊઠતાંની સાથે positive thinking માં તમે જાઓ, એ પાંચ મિનિટ તમે positive thinking માં જાઓ તો બે energy તમારી આજુબાજુમાં જ છે. Negative energy પણ અહી છે. Positive પણ અહીં છે. પણ તમારા મનનું stand point એ બની ગયું કે positive energy પકડાશે.
પણ ઊઠતાંની સાથે હાય! કાંઈ નથી આપણી પાસે.. આ નથી ને આ નથી. છાપું વાંચ્યું, આ મોંઘવારી! મારી નાંખ્યા આજે તો… આ પાંચ મિનિટ negativity આવી એ negativity પકડાયા કરશે પછી. પછી કહે કે હું ઉદાસ છું, હું ઉદાસ છું. પણ તું ઉદાસ જ હોય ને… શરૂઆતમાં ઉઠ્યો…. પાંચ મિનિટ પ્રભુને આપી દે… positivity માં જા. આખો દિવસ તું positive energy ને તું પકડતો થઇ જઈશ. તો આપણે એક કામ કરીએ છીએ ભાવ પ્રાણાયામમાં. કે આ તીર્થ પરિસરમાં હમણાં જ ઉપધાન થયેલા, અભયશેખર સૂરિ મ.સા.ની નિશ્રામાં…. વિશ્વકલ્યાણસૂરિ મ.સા. તો અહીંયા બિરાજમાન હોય છે. તો આ બધા સંતોના જે સમભાવના આંદોલનો છે એ અહીંયા વિખેરાયેલા હોય છે. આપણે આપણા મનને એક suggestion આપવાનું, કે મારે માત્ર સમભાવના આંદોલનો પકડવાના તો positive energy માં પણ ઘણા બધા પ્રકારો. સમભાવના આંદોલનો, ઉદાસીનદશાના આંદોલનો. ઘણા બધા શુભ ભાવના આંદોલનો છે. પણ તમે જે suggestion આપશો એ જ આંદોલન પકડાશે. તમારા મનની તાકાત અગાધ છે.
Einstein નો સાપેક્ષ વાદ સમજનારા આજે પણ દુનિયામાં આંગળીના વેઢે ગણાય એટલા માણસો છે. એટલો એ બુદ્ધિશાળી માણસ Einstein, એમની ખોપરીનું અધ્યયન થયું. એમણે પોતાનું શરીર ભેટ આપ્યું હશે. તો એમની ખોપરી વૈજ્ઞાનિક સંસ્થામાં છે આજે. અને students એના ઉપર research કરે છે. એ research માં એક કારણ નીકળ્યું… કે Einstein જેવા વ્યક્તિએ પણ પોતાની બૌદ્ધિક શક્તિનો ૧૦% ઉપયોગ જ કરેલો. એમના મનની જે અગાધ શક્તિ હતી… એમાંથી ૯૦% શક્તિ વપરાયા વગર પડી હતી. તમારી શક્તિ તો તમે વાપરતા જ નથી ને… અને એનું કારણ છે. કારણ એ છે – કે તમારા મનને તમે centralize ક્યાંય કરી શકતા નથી.
હમણાં એક laser કિરણોનું એક ઉપકરણ નીકળ્યું છે. નાનકડી pencil જેવું હોય. એને on કરો એટલે laser કિરણોનું શેરડો અંદરથી નીકળે. Laser કિરણ આમ પણ અત્યંત તેજસ્વી અને ઘાતક છે. પણ એ તમે on કર્યું સામે steel છે. તો steel ની આરપાર એ પહોંચશે અને steel માં પણ એ કાણું પાડી નાંખશે. પૂછવામાં આવ્યું કે આટલી બધી તાકાત ક્યાંથી આવી? તો કહેવામાં આવે છે કે laser કિરણો પોતે શક્તિશાળી છે. અને બીજી વાત એ છે કે એવી રીતે એને છોડવામાં આવે છે… કે કેન્દ્રિત થઈને એનો પ્રભાવ રહે. અહીંયા જે બલ્બ છે તમારા રૂમમાં એને on કરો એટલે આખા રૂમમાં પ્રકાશ. પણ એને ઘડામાં મૂકી દો તો? ક્યાં હવે પ્રકાશ આવશે? એટલે એ પ્રકાશ વિકેન્દ્રિત થઇ જાય છે. ફેલાઈ જાય છે. Laser કિરણોનું ઉપકરણ એવું બનાવ્યું છે. કે એ કિરણો કેન્દ્રિત થઈને રહે. વિકેન્દ્રિત થઈને નહિ. આમ નહિ જાય, સીધા જશે. એટલે સીધા જશે એના કારણે steel ને પણ વીંધી નાંખશે. તો તમારા મનની શક્તિનો ઉપયોગ તમે ક્યારે પણ કર્યો નથી. મનને ક્યારે પણ કેન્દ્રિત કર્યું નથી. એક પણ ક્રિયામાં તમારું મન સ્થિર રહ્યું છે?
એટલે અમારા ત્યાં યોગવિંશિકા ગ્રંથ છે હરિભદ્રસૂરિ મહારાજનો, એમાં એમણે લખ્યું કે તમે ચૈત્યવંદન કરો, એક ખમાસમણ આપો, કે પ્રતિક્રમણ કરો કોઈ પણ ક્રિયા કરો… એમાં ૪ વસ્તુ સમાયેલી હોવી જોઈએ. સૂત્રો તમે જે બોલો… એનો perfectly ઉચ્ચાર કરો. એને સંપદા પૂર્વક બોલવાના હોય છે. લોગસ્સમાં તમને ખ્યાલ આવે એક ચરણ આવે ત્યાં પદ પૂરું થયું. લોગસ્સ ઉજ્જોઅગરે તમે ઉભા રહો… ધમ્મતિત્થયરે જિણે ઉભા રહો પણ ઈરિયાવાહિયા કે નમુત્થુણં માં… તો ત્યાં તમારી ચોપડીમાં ૧ – ૨ – ૩ લખેલું હોય છે એ શું છે? સંપદા છે. નવકાર મંત્ર માં પણ શું છે… આપણે કહીએ પદ ૯, સંપદા – ૮ એટલે છેલ્લા બે પદ છે મંગલાણં ચ સવ્વેસિં પઢમં હવઈ મંગલં એ બેને સાથે બોલવાના. તો ઉચ્ચારણ સંપદા પૂર્વક, અને perfectly તમે કરો… એ પહેલું તત્વ. બીજું તમે બોલો ત્યારે એનો સામાન્ય અર્થ તમારા ખ્યાલમાં જોઈએ. કે નમુત્થુણં માં હું પ્રભુને નમસ્કાર કરી રહ્યો છું. ઈરિયાવહી સૂત્રમાં, જે હું આવ્યો અહીંયા, જે ક્રિયા કરવા માટે, રસ્તામાં વિરાધના થઇ ગઈ હોય, એનું મિચ્છામિ દુક્કડમ્ માંગી લઉં છું. આવો અર્થનો ખ્યાલ પણ જોઈએ. ત્રીજું તે તે વખતે જે મુદ્રા કરવાની છે. એ મુદ્રાનો પણ ખ્યાલ હોવો જોઈએ. કે જયવીયરાય માં અડધા જયવીયરાય સુધી આમ, પછી આમ. એ રીતે બધી મુદ્રાનો ખ્યાલ હોવો જોઈએ. અને ચોથું આલંબન સમક્ષ દ્રષ્ટિ. એટલે ઉપાશ્રયમાં ક્રિયા કરતા હોવ ત્યારે સ્થાપનાજી સમક્ષ, દેરાસરમાં ક્રિયા કરો ત્યારે પ્રભુ સમક્ષ. તમારી દ્રષ્ટિ કેન્દ્રિત થયેલી હોવી જોઈએ. બોલો! આવી રીતે ક્રિયા કરો. તો તમારું મન ક્યાં ભાગે? ૪ દોરડેથી ટાઈટ બાંધી દીધું.
તો આપણે જે સાધના કરીએ છીએ, એના રહસ્યો છે. તો પહેલું ચરણ ભાવ પ્રાણાયામ. અને એમાં આપણે મનને એક suggestion આપી દીધું કે મારે positive energy લેવાની છે. positive energy માં પણ મારે સમભાવને લેવાનો છે. હવે તમારે કોઈ પ્રયત્ન કરવાનો નથી. ટી.વી. માં તમે volume ફેરવી નાંખ્યું પછી બીજું કંઈ વારંવાર કરવાનું નથી. એ station પકડાયેલું રહેશે. અને એ station પર થતાં પ્રોગ્રામ તમારા ટી.વી માં આવતાં જશે. એમ જે સમભાવના આંદોલનો આજુબાજુમાં છે એ પકડાતા જશે. તમારા મનમાં, તમારા અસ્તિત્વમાં… એ ઠલવાતાં જશે. હવે આ ભાવ પ્રાણાયામ અત્યારે તો કરો જ છો… સાધના વખતે. પછી પણ ચાલુ રાખો. સતત. શુભભાવોમાં જ રહેવું છે. Negativity માં જવું જ નથી. ખરેખર તમે ધારો તો પણ Negativity માં જઈ શકો એમ છો? પ્રભુએ કેટલું બધું તમને આપ્યું.
૧૦૦ વર્ષ પહેલા મુંબઈમાં એક માણસ ગામડેથી આવેલો. મુનીમગિરિ કરતા એને ફાવતી હતી એજ શેઠને ત્યાં ચોપડા લખવા રહી ગયો. હવે એ જમાનામાં મહીને ૫૦ રૂપિયા મળે. એમાં મુંબઈની ચોલી નું ભાડું, પોતાને જમવાનું, અને ઘરે પૈસા મોકલવાના. ઘરેથી પણ સમાચાર આવ્યા કરે. આ જોઈએ, આ વધારે જોઈએ. બાબલો માંદો પડ્યો આમ છે, તેમ છે. એમાં એના ચંપલ ફાટી ગયા… મુનીમના સંધાય એવા પણ હતા નહિ, નવા જ લેવા પડે એમ છે. શેઠનું કામ ક્યારેક બપોરે ૧૨ વાગે ઉઘરાણી એ મોકલે. ચંપલ વગર જાઉં કેવી રીતે? એણે વિચાર કર્યો કે રવિવારે જાઉં પ્રભુ પાસે મંદિરમાં… સિદ્ધિ વિનાયક… કે ક્યાંય પણ જાઉં પ્રભુને પ્રાર્થના કરું કે મારે કોઈ હવેલી નથી જોઇતી, કે કાર નથી જોઈતી. એક ચંપલ જોઈએ એટલા પૈસા તો વધારે આપી દો. એ પ્રભુને પ્રાર્થના કરવા રવિવારે જાય છે. ત્યાં મંદિરની બહાર એક માણસ બેઠેલો, પગ એના બે કપાયેલા, ચહેરો પરિચિત લાગ્યો. વિચાર કરે પણ કંઈ ખ્યાલ નથી આવતો. પેલો માણસ ઓળખી ગયો… તમે પેલા શેઠના મુનીમ છો ને તો હા! હું તો મુનીમ, પણ તું કોણ મને યાદ નથી આવતું. અરે સાહેબ! રેલવેના પાટાને પેલે પાર પેલી ઝુંપડપટ્ટી છે ને ત્યાં હું રહું છું. તમે શેઠ માટે ઉઘરાણી કરવા માટે ત્યાં આવતાં હું તમને ઠંડું પાણી પાતો, ક્યારેક ચા પણ પાતો. હા! હવે યાદ આવ્યું બરોબર… તારે ત્યાં ઉઘરાણી માટે નહોતો આવતો. પણ તું મને એમનેમ ચા પાતો… ઓહોહો પણ આ શું થયું? તો કહે કે સાહેબ એકવાર ઉતાવળ હતી ને પાટા cross કરવા ગયો, train આવી, બે પગ કપાઈ ગયા. સારું થયું એક ચેરીટેબલ સંસ્થાએ બધો હોસ્પિટલ નો ખર્ચો ઉપાડી લીધો. પગ તો વ્યવસ્થિત થઇ ગયા. કપાવી નાંખવા પડ્યા. પણ હવે હું શું નોકરી કરું…એટલે મંદિરની બહાર બેસી રહું છું. જે મળે પૈસા સાંજે મારી પત્ની આવશે મને રેકર માં બેસાડીને ઘરે લઇ જશે. એ મુનીમ પ્રાર્થના કરવા અંદર જાય છે. એની પ્રાર્થના બદલાઈ ગઈ. હે પ્રભુ! ચંપલ માટે પૈસા આપ, એ પ્રાર્થના કરવાની હતી. પ્રાર્થના બદલાઈ ગઈ હે પ્રભુ! મારા પગ હેમખેમ રાખ્યા છે તારો આભાર.
આ positivity કેમ નથી આવતી તમારી પાસે? હું નાના flat માં છું ને પેલા લોકો મલબારમાં જઈને બેઠા છે. મલબાર રેલની વાત ક્યાં કરે, ઝુંપડપટ્ટી ને જોઈ આવ એકવાર. ધારાવે ની ઝુંપડપટ્ટી. એશિયાની મોટામાં મોટી ઝુંપડપટ્ટી જોઈ છે? તને લાગશે કે હું સુખી છું.
તો ૪ ચરણોમાં રહસ્ય છે. બપોરે એની વાત આગળ કરીશું અત્યારે ધ્યાનાભ્યાસ.