દેશો તો તુમ હિ ભલો
- છ મહિનાના નાના બાળકને કાંઈ પણ જોઈએ ત્યારે તે માત્ર તેની મા સામે જુએ. એની આટલી જ સજ્જતા અને મા એની બધી જ જરૂરિયાતો પૂરી કરી આપે.
- એમ પ્રભુ! આજે અમને વરદાન આપો કે અમારે પણ કાંઈ પણ જોઈએ, તો અમે માત્ર અને માત્ર તમારી સામે નજર રાખીને બેસીએ. દુનિયામાં બીજા કોઈની પાસે જઈને કશું જ માંગવાની અમને ઈચ્છા ન થાય.
પ્રભુ આપના સાનિધ્યમાં સાધકોને સાધના આજે પરિપૂર્ણ થઈ રહી છે. આપે અપાર કૃપા વરસાવી અને એ કૃપા ઝીલવા માટેની receptivity પણ આપે આપી. આમ પણ નાનું બાળક એ શું કરે? એને તો જે પણ જોઈતું હોય એ માઁ ને કહી દે. પ્રભુ તમે અમારી માઁ છો જ. યુગોના યુગોથી તમે અમને બધાને ચાહ્યા જ કરો છો, ચાહ્યા જ કરો છો.
પણ બાળક તરીકેની સજ્જતા કદાચ અમારામાં પ્રગટી છે કે નહિ. ૬ મહિનાનું એક અબોધ શિશુ માંદુ પડ્યું, માઁ એના માટે રાત – પરોઢિયા કરે, રાતોની રાતો જાગે. માઁ માટે સીધી વાત છે, મારું બાળક છે. પણ પેલા ૬ મહિનાના અબોધ શિશુની લાયકાત શું? એની પાત્રતા એક જ છે. એની માટે દુનિયામાં માઁ સિવાય બીજું કશું જ નથી. એને પેટમાં દુખે છે, એ માઁ સામે જુવે છે, એની પથારી ભીની બની છે એ માઁ સામે જુવે છે, એને ભૂખ લાગી છે એ માઁ સામે જુવે છે. એના માટે માઁ સિવાય દુનિયામાં બીજી કોઈ જ ઘટના નથી. પ્રભુ આજે એક જ વરદાન માંગવાની ઈચ્છા થાય છે. તમે અમારી માઁ છો જ , પણ અમારી પાસે બાળક તરીકેની લાયકાત જે હોવી જોઈએ એ આજે આપી દો. અમે માત્ર ને માત્ર તમારી સામે નજર નાંખીને બેસીએ. અમારે સાધના જોઈએ છે અમે તમારી પાસે આવશું, અમારે સમ્યગ્દર્શન જોઈએ છે અમે તમારી પાસે આવશું, અમારે મોક્ષ જોઈએ છે અમે તમારી પાસે આવશું.
આ જ લયમાં મહોપાધ્યાય યશોવિજય મહારાજે કહ્યું, “દેશો તો તુમહી ભલો બીજો તો નવિ યાચું રે”. પ્રભુ આપીશ તો તારી પાસેથી લઈશ. તારી સામે હાથ લાંબો કરીશ. પણ યાદ રાખ, હું તારું બાળક છું. દુનિયાની અંદર બીજા કોઈની પાસે જઈને હું કશું જ માંગવાનો નથી. અને એ રીતે બીજાની પાસે હું માંગું તો મારી માઁ ની આ પ્રતિષ્ઠા નું શું થાય? અને તમે આપી જ રહ્યા છો. આજે જ સ્તવનમાં ગાયું “તુમ દર્શનથી સમકિત પ્રગટે નિજ ગુણ ઋદ્ધિ અપાર”. બસ તમારું દર્શન અમને મળી ગયું સમ્યગ્દર્શન ક્યાં દૂર છે? તમે એટલે પ્રશમ રસ, તમે એટલે વિતરાગદશા.
આ રીતનું તમારું દર્શન થયું, અમારી અંદર રહેલી વિતરાગ દશાનું, પ્રશમ રસનું દર્શન થયું, આ જ સમ્યગ્દર્શન. અને એ વિતરાગદશા આંશિક રૂપે અમને મળી, એ પ્રશમ રસ આંશિક રૂપે અમને મળ્યો. એટલે નિજ ગુણની પ્રાપ્તિ તમારી પાસેથી થઈ.
આજે અમે બેસીશું પ્રભુ વાચનામાં ત્યારે આપ તો હાજર જ હશો. આજે સ્વાનુભૂતિ ની દીક્ષા પણ આપ જ આપવાના છો. ઉદાસીનતાની દીક્ષા પણ આપ જ આપવાના છો. અને મંત્ર દીક્ષા પણ આજે આપ જ આપવાના છો. ખુબ ખુબ આભાર. આ રમણીય તીર્થ પરિસરમાં, મજાના જિનાલયમાં આપની સન્મુખ બેસવાનો જે આનંદ માણ્યો છે, એને ક્યારેય પણ ભૂલી નહિ શકીએ. બસ આજે આપના ચરણોમાં છેલ્લો ધ્યાનાભ્યાસ સમર્પિત કરીએ છીએ. આ પછીના session માં મંત્ર દીક્ષા હોવાના કારણે ધ્યાનાભ્યાસ નથી, એટલે અત્યારે પ્રભુના ચરણોમાં આ ધ્યાનાભ્યાસ કરીએ અને એ પ્રભુને સમર્પિત કરીએ.
શરીર ટટ્ટાર…. આંખો બંધ…… ધીરે ધીરે શ્વાસ લો…. ધીરે ધીરે શ્વાસ છોડો….. શ્વાસ ઊંડો….. પૂરો લ્યો….. પૂરો શ્વાસ છોડો…..આ દ્રવ્ય પ્રાણાયામ.
શ્વાસ લેવાય છે… શ્વાસ છોડાય છે…. હવે ભાવ પ્રાણાયામ. પ્રભુના દેહમાંથી નીકળતા પ્રશમરસના આંદોલનો ને શ્વાસ લેતી વખતે અંદર લઇ જવાના છે અને શ્વાસ છોડીએ ત્યારે ક્રોધના આંદોલનો ને બહાર વિસર્જિત કરવાના છે. બે મિનિટ ભાવ પ્રાણાયામ. કોઈ વિચાર નહિ. શરીર ટટ્ટાર. આંખો બંધ. વિચાર પણ નહિ. નિદ્રા પણ નહિ. એક મિનિટ ભાવ પ્રાણાયામ. પ્રભુના પ્રશમરસ ના આંદોલનો ભીતર જઈ રહ્યા છે. એક અનોખી તાજગી, એક મજાનો કેફ આવી જશે.
બીજું ચરણ ભાષ્ય જાપ, “તિત્થયરા મે પસીયંતુ”.
ત્રીજું ચરણ માનસ જાપ. મનમાં આ જ પદ નો જાપ કરો. એકદમ એકાગ્રતા. શરીર સ્થિર પહેલા ચરણથી બની ગયું છે. આ ત્રીજા ચરણે મનને સ્થિર બનાવવું છે. એક પણ વિચાર નહિ. ત્રણ મિનીટ માનસ જાપ. પૂર્ણ જાગૃતિ, હોંશ. બે મિનીટ સઘન માનસ જાપ.
ચેક કરી લો શરીર ટટ્ટાર છે, એક પણ વિચાર નથી આવતો. ઊંઘ પણ આવતી નથી. શરીર એકદમ ટટ્ટાર હશે તો ઊંઘ નહિ આવે. તમે એકદમ સતર્ક, જાગૃતિ વાળા હશો તો વિચાર નહિ આવે. એક મિનીટ બિલકુલ જાગૃતિ, હોંશ.
ચોથું ચરણ ધ્યાન અભ્યાસ. તમારી અંદર સમભાવનું ઝરણું સતત વહી રહ્યું છે. મન વિચારોમાં હોવાથી, સતત બહાર ફર્યા કરતુ હોવાથી, તમને તમારી અંદર રહેલ સમભાવનો અનુભવ થયો નથી. આજે વિચારવું નથી. મન બાજુમાં છે. ત્યારે તમે તમારા સમભાવનો અનુભવ કરો. એ ઠંડક નો અનુભવ, શાંતિનો અનુભવ, આનંદ નો અનુભવ.
શરીર ટટ્ટાર. આંખો બંધ. વિચાર એક પણ નહિ. ધ્યાન અભ્યાસ. ત્રણ મિનિટ. તમે શાંત છો. એકદમ શાંત છો. શાંતિ એ તમારું સ્વરૂપ છે. તમારી જ એ શાંતિ નો અનુભવ કરો. બે મિનિટ સઘન ધ્યાન અભ્યાસ. તમે જ આનંદઘન છો. આનંદ તમારી ભીતર જ છે. બહાર સંયોગજન્ય રતિ કે વિયોગજન્ય અરતિ છે. આનંદ તમારી ભીતર જ છે. એ આનંદનો અનુભવ કરો. છેલ્લી એક મિનિટ સઘન ધ્યાનાભ્યાસ. કાંઈ જ કરવું નથી. શાંત રીતે બેઠા છો. શાંતિ નો અનુભવ થાય તો કરવાનો, ના થાય તો આપણે વિચારવિહીન મુદ્રામાં શાંત રીતે બેસી રહેવાનું. આંખો ખોલી શકો છો.
“તિત્થયરા મે પસીયંતુ”.