Maun Dhyan Sadhana Shibir 15 – Vanchan 5

12 Views 28 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત

પ્રભુ નિર્મળ દરિસન કીજિએ

  • પ્રભુનું નિર્મળ દર્શન કેવી રીતે થાય? પ્રારંભિક કક્ષાના સાધક માટે નિર્મળ દર્શન એટલે આંસુ વહેતી આંખોથી થતું દર્શન. ઊંચકાયેલા સાધક માટે નિર્મળ દર્શન એટલે નિર્વિચારતાની પૃષ્ઠભૂ પર થતું દર્શન.
  • ધ્યાતા (ધ્યાન કરનાર), ધ્યેય (પ્રભુ / પ્રભુના ગુણો) અને ધ્યાન (ધ્યાતા અને ધ્યેયને જોડતી કડી) માં અભેદ થાય – સાધકની ચેતના પ્રભુના ગુણો અથવા પ્રભુના સ્વરૂપમાં એકાકાર બની જાય – તે સમાધિ.
  • જ્યાં સુધી સમાધિનો આસ્વાદ તમે પોતે આંશિકરૂપે પણ મેળવ્યો નથી, ત્યાં સુધી તમે પ્રભુની સમાધિને જોઈ શકતા નથી.

પરમાર્હત્ કુમારપાળ મહારાજાએ આત્મનિંદા દ્વાત્રિંશિકા ના એક શ્લોકમાં ચાર ચરણોની સાધના આપી. પહેલું ચરણ પ્રભુ આજ્ઞાપાલનનો આનંદ, બીજું ચરણ પરમ અસંગદશા. ત્રીજું ચરણ સ્વાનુભૂતિ અને ચોથું ચરણ ઉદાસીનદશા.

પહેલું ચરણ પરમાત્માની આજ્ઞાના પાલનનો આનંદ. હમણાં જ શાહપુરમાં ઉપધાન હતા. એક ભાવકે, ઉપધાનમાં રહેલા એક સાધકે બહુ મજાની વાત મને કરેલી, એમણે મને કહ્યું: કે સાહેબ! અમારા નિવાસસ્થાનેથી દેરાસર અમારે જવાનું હોય, ઈર્યા ના પાલનપૂર્વક જવાનું છે. બે ડગલા ભરું છું અને આંખો ભીની ભીની થઇ જાય છે. મારા પ્રભુએ કેટલી મજાની સાધના મને આપી. એમણે મને કહ્યું – કે વિમાસણ એ થાય કે દેરાસર જવું છે માર્ગને જોતા જોતા જવું છે. પણ આંખોમાં આંસુ છે માર્ગને જોવો શી રીતે? પછી નેપકીનથી આંખો લૂંછી લઉં, અને ધીરે ધીરે ચાલુ. વળી આંસુ ઉભરાય, ફરી ઉભો રહું, ફરી નેપકીનથી આંખો લૂંછી લઉં.

મુંબઈ વાલકેશ્વર અને પછી ગોવાળિયા ટેંક માં અમારું ચાતુર્માસ, વહેલી સવારે ચતુર્વિધ સંઘની વાચના ચાલે. એમાં મેં એકવાર ઈર્યાસમિતિની વાત કરી. મેં કહ્યું – કે તમે ઈર્યાસમિતિનું પાલન કરો. માર્ગ પર ચાલો, જોતા જોતા તો કેટલા લાભ તમને થાય. પહેલો લાભ પ્રભુની આજ્ઞાનું પાલન, બીજું નિર્વિકલ્પદશાનો અભ્યાસ. અને ત્રીજો લાભ દ્રષ્ટિ સંયમ. અમે લોકો ૮ મહિના વિહાર કરીએ કલાક, ૨ કલાક, ૩ કલાક… તમે શત્રુંજય ગિરિરાજની કે ગિરનાર ગિરિરાજની ૯૯ યાત્રા કરતાં હોવ. એ યાત્રામાં ચડો અને ઉતરો તમે પણ એ ચડતી વખતે અને ઉતરતી વખતે, અને અમે વિહારમાં ચાલીએ ત્યારે ઈર્યાસમિતિનું પાલન જ્યારે કરીએ ત્યારે ન નવકારવાળી ગણી શકાય, ન સ્વાધ્યાય થઇ શકે મનમાં. માત્ર રસ્તા ઉપર, પગથિયા પર, ધ્યાન આપતાં આપતાં ચડવાનું છે. ચાલવાનું છે. યા ઉતરવાનું છે.

તો માત્ર જોતાં જોતાં તમે ચાલો તો શું થાય? વિચારો ઉપર નિયંત્રણ આવી જાય. નિર્વિચારદશાનો અભ્યાસ તમને મળી જાય. અને અમે લોકો કલાકો સુધી ચાલીએ અને પછી સ્વાધ્યાય કરીએ, આંખો અમારી ઝુકેલી જ હોય, તો અમને સંયમ પણ મળી જાય. એક મુનિની નજર ક્યારે પણ સીધી હોતી નથી. એની દ્રષ્ટિ ઝુકેલી જ હોય. પ્રભુ પાસે ગયા, ત્યારે આંખો ઉંચી કરી શકો. પ્રવચન સાંભળો છો આંખો ઉંચી કરી શકો, પણ એ સિવાયના સમયમાં દ્રષ્ટિ સંયમ તમને મળી જાય. તમારી આંખો સતત ઝુકેલી હોય.

એ ગોવાલિયા ટેંકના પ્રવચનમાં મેં વાત કરી. ૧૫ દિવસ પછી એક સાધક બપોરે મને મળવા માટે આવ્યા. એમણે કહ્યું – સાહેબ MARVELLOUS અદ્ભુત. ઓફીસ મારી દૂર છે ઓફીસ તો હું કારમાં જ જાઉં છું. પણ મેં નક્કી કર્યું ઈર્યાસમિતિનું પ્રવચન સાંભળ્યા પછી કે ઘર મારું બહુ દૂર નથી. તો ઘરેથી દેરાસર, ઉપાશ્રય આવું, ત્યારે નીચી નજરે જોતાં જોતાં જ આવવું. સાહેબ ૧૫ દિવસ થયા છે માત્ર, પણ જે અનુભવ થયો EXCELLENT. એ સાધકે મને કહ્યું કે નિર્વિચાર દશાને પામવા માટે ઘણા સમયથી હું પ્રયત્ન કરતો હતો. પણ માત્ર ૧૫ દિવસનું ઈર્યાપાલન અને મને નિર્વિચાર દશાનો અભ્યાસ પ્રગાઢ રીતે મળી ગયો.

તો એક – એક પ્રભુની આજ્ઞાનું પાલન કરો, અને તમારી આંખો હર્ષના આંસુથી ઉભરાઈ જાય. પ્રભુને જુઓ અને પ્રેમ છલકાય આંખોમાંથી… એ પ્રભુના દર્શનથી થયેલો પ્રેમ, પ્રભુની આજ્ઞાના પાલનના આનંદમાં CONVERT થાય છે, પ્રભુને જોતા કંઈ ભાવાનુભૂતિ થાય એની વાત આપણે ગઈ કાલે સવારે કરેલી.

માનવિજય મ.સા એ બધી જ ઇન્દ્રિયોને પરમાત્મા તરફ કેન્દ્રિત બનાવવા માટેનો એક મજાનો માર્ગ ગુજરાતી ભાષાની સ્તવનામાં આપ્યો, આંખ પછી એમણે કાનને પકડ્યા. બહુ જ પ્યારી કડી સ્તવનાની – “તુજ નામ સુણ્યું જબ કાને, હૈયું હુંઉ તબ શાને, મૂર્છાયો માણસ વાટે, સજ્જ હુએ અમૃત છાંટે,” અદ્ભુત વાત કરી, “તુજ નામ સુણ્યું જબ કાને,’ આ કાનમાં તારું નામ પડ્યું, અને હું સ્વસ્થ બની ગયો. પ્રભુ અગણિત સમયથી હું બેહોશીમાં હતો. પરની આસક્તિમાં, પરના દ્વેષમાં અને એ રીતે બેહોશીમાં હું હતો તારું નામ સાંભળ્યું અને હું હોંશમાં આવ્યો.

તમે ક્રોધ કરો હોંશમાં કે બેહોશીમાં? હમણાં એક માણસે એક research paper કર્યું. ત્રીશ વર્ષનું એનું સંશોધન. અને એને અંતે એણે એક research paper આપ્યું. સંશોધન એને સંસ્કારો ઉપર કર્યું. મેં એ research paper ની મુખ્ય વાતો વાંચી. એમાં એણે લખેલું – એક માઁ છે, દીકરો તોફાન કરે છે. અને માઁ એના ગાલ ઉપર લાફો લગાવી દે છે. એ માણસ તમારા અજ્ઞાત મનમાં સંસ્કારોની કેટલી પ્રગાઢતા છે એના ઉપર કામ કરી રહ્યો છે. એ કહે છે કે પછી એ માઁ ના હાથનું દીકરાના તોફાન સાથે conditioning થઇ જાય છે. દીકરો જ્યારે પણ સહેજ તોફાન કરે માઁ ની ઈચ્છા હોય કે ન હોય, માઁ નો હાથ ઊંચકાઈ જ જાય, લાફો મરાઈ જ જાય. સંસ્કાર કે ટેવ શરૂઆતમાં તમે પાડો છો, પછી એ  સંસ્કાર તમારા મનને પકડી લે છે. અંગ્રેજીમાં કહેવત છે, પહેલો કપ ચા નો માણસ પીએ, Man takes the first cup of tea, Than tea takes the man. પછી ચા માણસને પીશે. પહેલો જ કપ ચા નો તમારે પીવાનો છે. એવું વળગણ થઇ જશે, કે પછી ચા તમને પીતી હશે. આ જ વાત એણે કરી. કે એ માઁ ના હાથના દીકરાના તોફાન સાથે એવું conditioning થઇ જશે, કે જે જે ક્ષણે દીકરો તોફાન કરશે, માઁ નો હાથ એના ગાલ ઉપર ફરી વળશે. તો અનંત જન્મોથી આવી બેહોશી આપણા ઉપર સવાર થયેલી છે.

ક્રોધ હોંશમાં ક્યારે થઇ શકે ખરો? એમાં પણ મજાની વાત કરું… આજનો યુગ લાલ આંખવાળાનો રહ્યો જ નથી. એ યુગ પૂરો થઇ ગયો. હવે હસતાં ચહેરાવાળાનો જ યુગ છે. તમે તમારા દીકરાને પણ લાલ આંખથી કંઈ કહી શકતા નથી. અને કહ્યું તો એ ઘરમાંથી ભાગી જશે. મને પોતાને હસતાં ચહેરા ઉપર વધુ શ્રદ્ધા છે. મારા પરિચિત લોકો હોય ને એ ઘણી વખત મને કહે – સાહેબ! તમને ગુસ્સે થયેલા ક્યારેય જોયા જ નથી. મેં કહ્યું: મારે ગુસ્સે થવાની જરૂર પડતી જ નથી. કોઈ શિષ્યે કે કોઈ સાધકે અનુચિત કાર્ય કર્યું. હું એને પ્રેમથી કહું છું કે બેટા! આવું કરાય? મારા એ શબ્દોની એટલી અસર થાય છે કે એ વ્યક્તિ અનુચિત કાર્યથી છૂટી જાય છે. તો મારે ક્રોધ કરવાની જરૂર ક્યાં…! તમારે પણ ક્યાં જરૂર છે?

તો ભક્ત કહે છે – “તુજ નામ સુણ્યું જબ કાને, હૈયું હુંઉ તબ શાને,” હું ભાનમાં આવ્યો appropriate example આપે છે. “મૂર્છાયો માણસ વાટે, સજ્જ હુએ અમૃત છાંટે,” એક માણસ ગરમીમાં ચાલતો હોય, શરીરમાં dehydration થઇ ગયું, એ બેભાન થઇ ને રસ્તા વચ્ચે ઢળી પડ્યો. ઠંડું પાણી એના શરીર પર, એના માથા પર છાંટીએ એ ભાનમાં આવે,

એ રીતે પ્રભુ અનંતકાળથી રાગ અને દ્વેષની બેહોશીમાં હું પટકાયેલો હતો. તારું નામ સાંભળ્યું અને હોંશમાં આવી ગયો. પ્રભુનું નામ સાંભળો. શું થાય?

રામકૃષ્ણ પરમહંસના જીવનની એક ઘટના છે. આજના યુગના એક સમર્થ યોગી પુરુષ, ભક્ત પુરુષ. એક સવારે તળાવે સ્નાન કરી, અને મંદિરે જતા હોય, એ વખતે રાતની ગાડીમાં આવેલા લોકો જેમને સવારે એમના દર્શન કરી અને નીકળી જવું છે. એ લોકો કતાર બદ્ધ ઉભેલા હોય, મહર્ષિ પસાર થાય દર્શન કરીને એ લોકો વિદાય થાય. સેંકડો લોકો રોજ દર્શન માટે આવેલા હોય. એ વખતે આશ્રમના loud speaker ઉપરથી સૂચના પ્રસારિત થાય, કે મહર્ષિ તમારી બાજુમાંથી પસાર થાય ત્યારે તમારે ભગવાનના નામની જયઘોષણા કરવી નહિ. મહર્ષિએ વર્ષો પહેલા ભક્તોને કહેલું – કે મારા નામની જયઘોષણા ક્યારે પણ કરવાની નહિ. તો લોકો પ્રભુના નામનો જયઘોષ કરતા. પણ એ વખતે આશ્રમના loud speaker ઉપરથી સૂચના પ્રસારિત થાય છે કે મહર્ષિ તમારી બાજુમાંથી પસાર થાય ત્યારે તમારે ભગવાનનો જયઘોષ પણ ઉચ્ચારવાનો નહી. એક દર્શનાર્થીને નવાઈ લાગી કે આ નિષેધ શા માટે?  એ ઓફિસમાં ગયો. ઓફીસ બેરલને એણે પૂછ્યું કે શા માટે તમે આ સૂચના પ્રસારિત કરો છો? એ વખતે એ ઓફીસ બેરલે કહ્યું કે તમે તો સંતના દર્શન માટે આવ્યા છો. દર્શન કરીને જતાં રહેશો. સંતની આ મહર્ષિની જે મનોભૂમિકા છે એનો તમને ક્યાં ખ્યાલ છે…! પ્રભુનું નામ એ સાંભળે છે એ જ વખતે એ સમાધિમાં જતાં રહે છે. કોઈ પણ વ્યક્તિ માત્ર પ્રભુનું નામ ઉચ્ચારે મહર્ષિ પ્રભુનું નામ સાંભળે છે, સાંભળતાની સાથે એમને સમાધિ લાગી જાય છે. એકવાર તો તળાવેથી સ્નાન કરીને આવેલા મહર્ષિ અને શિલા ઉપર -પત્થર ની શિલા ઉપર ચાલતા હતા, એક દર્શનાર્થીએ પ્રભુના નામનો જયઘોષ કર્યો, બસ, પ્રભુનું નામ સાંભળ્યું, એટલો આનંદ, એટલો આનંદ, સંતને સમાધિ લાગી ગઈ. અને સમાધિ લાગે ત્યારે દેહનું ભાન રહે નહિ. એ પટકાઈ પડ્યા, સારું થયું ૨ -૩  સેવકો જોડે હતા. એમણે સંતને ઊંચકી લીધા. નહીતર એ પત્થરની શિલા ઉપર મહર્ષિનો દેહ પટકાયો હોત તો શું થાત? કેવી એ મનોદશા હશે! વિચાર કરો. પ્રભુનું નામ સંભળાય ને સમાધિ લાગી જાય.

આપણે ત્યાં એક સ્તવના છે, રામવિજય મ.સાએ બનાવેલી, એમાં એક પંક્તિ આવે છે, ‘સુણતાં જનમુખ પ્રભુની વાત, હરખે મારા સાતે ધાત.’ કોઈ પણ વ્યક્તિ પ્રભુનું નામ લે, પ્રભુની વાત કરે, એ સાંભળતાની સાથે મારા લોહી, માંસ, ચરબી અને હાડકાં સુધી સુખની અનુભૂતિ થાય છે. આપણા જ ભક્તિયોગાચાર્ય સદીઓ પહેલા થયેલા રામવિજય મહારાજ લખે છે. ‘સુણતાં જન મુખ પ્રભુની વાત, હરખે મારા સાતે ધાત.’

નારદ ઋષિનું ભક્તિસૂત્ર, ભક્તિ યોગના ક્ષેત્રે mild stone કૃતિ ગણાય છે. એમાં એક વ્યક્તિ નારદ ઋષિને ભક્તિની વ્યાખ્યા પૂછે છે, અને નારદ ઋષિ ભક્તિની વ્યાખ્યા આપે છે. હું ઘણીવાર કહેતો હોઉં છું, ભક્તિને તમે enjoy કરી શકો. ભક્તિને શ્વસી શકો. અનુપ્રાણિત કરી શકો. How can you say it? અમુક અનુભૂતિઓ એવી છે, you can experience it. You can’t say it. તમે એને અનુભવી શકો, તમે એને કહી ન શકો. ભક્તિ એવી એક અનુભૂતિ છે. તો ભક્તિને શબ્દોમાં શી રીતે બાંધી શકાય? પણ નારદ ઋષિ અભિવ્યક્તિના ક્ષેત્રે બહુ જ કુશળ છે. એમણે ભક્તિની વ્યાખ્યા આપી. ‘सा त्वस्मिन् परमप्रेमरूपा, अमृतस्वरूपा च’ એટલું મજાનું આ પ્રાંજલ સંસ્કૃત છે આ. કે એને ગુજરાતી કરવા જાઉં તો એનો ચાર્મ તૂટી જાય. પણ તમારા માટે ગુજરાતી અનુવાદ કરવો તો પડશે. નારદ ઋષિ એ વ્યક્તિને પૂછે છે – કે તે પ્રેમનો અનુભવ કર્યો છે? તારા ઘરે કુંડામાં ફૂલ છે, એ ફૂલને તે ચાહ્યું છે? રોજ સવારે એ ફૂલની શાતા પૂછવા જાઓ… how do you feel? નારદ ઋષિ આગળ પૂછે, એક પાંચ વર્ષના બાળકને તે ચાહ્યું છે? પેલો કહે હા, પ્રેમનો, ચાહતનો મને અનુભવ છે. તો નારદ ઋષિ કહે છે – એ પ્રેમને ચરમ શિખર ઉપર લઇ જા. અને એ પ્રેમ પ્રભુ પરનો હોય, એટલે ભક્તિ થઇ. પ્રેમને તું extreme point ઉપર લઇ જા. ચરમ બિંદુ પર. અને એ પ્રેમ પરમાત્મા તરફનો હોય એનું નામ ભક્તિ.

પરમાત્મા પરનો પરમપ્રેમ એ ભક્તિ. જો કે મેં અનુવાદ કર્યો પરમાત્મા પરનો પરમ પ્રેમ. નારદ ઋષિ શું લખે છે, ‘‘सा त्वस्मिन् परमप्रेमरूपा,’ એના વિશેનો પરમ પ્રેમ. એ ભક્તનું વ્યાકરણ બહુ મજાનું છે. એમાં third person છે ત્રીજો પુરુષ – પણ એમાં એકવચન તે. બીજો પુરુષ છે જ નહિ. અને પહેલા પુરુષમાં માત્ર હું. હું તે માં ઓગળી જાય એ ભક્તિ. તમે ના રહો, એ જ રહે.

વિનોબાજી છેલ્લા સમયમાં જ્યારે પ્રવચન આપતાં ત્યારે એમણે હું શબ્દનો પ્રયોગ બંધ કરી કાઢેલો. તો એ પ્રવચનમાં કહેતાં, આજ સુબહ બાબા ને ઐસા સોચા થા, હું ગયો. હું ને તે માં ડુબાડી દો.

સ્વામી રામ હમણાં જ થયા. એ હું શબ્દનો પ્રયોગ પોતાના નિર્મળ ચૈતન્ય માટે કરતા. અને આ શરીર માટે રામ શબ્દનો પ્રયોગ કરતા. એકવાર બહારથી આશ્રમમાં આવ્યા. હસતાં હોય છે. સંતો તો આમ પણ હસતાં હોય. કોકે પૂછ્યું શું થયું? ત્યારે એમણે કહ્યું આજ તો મજા આવી ગઈ. એક જણો રામને ગાળો આપતો હતો. હું જોતો હતો. કેવી મજા આવી જાય. એક ત્રિકોણ ઉભો કર્યો. એક ગાળ આપનાર, એક ગાળ ને ખાનાર, અને ત્રીજો ગાળને જોનાર. તમે દ્રષ્ટા છો.

મહોપાધ્યાય યશોવિજય મહારાજે અધ્યાત્મ ઉપનિષદ્દમાં મોક્ષ અને સંસારની  એક મજાની વ્યાખ્યા આપી છે. એમણે જ વાસુપૂજ્ય ભગવાનના સ્તવનમાં સંસાર અને મોક્ષની વ્યાખ્યા આપી પણ એ સરળ વ્યાખ્યા છે. “ક્લેશે વાસિત મન સંસાર, કલેશ રહિત મન તે ભવપાર.’ મનમાં રાગ – દ્વેષ ને અહંકાર છલકાયો એનું નામ સંસાર. મનમાંથી રાગ, દ્વેષ, અહંકાર ગયા એ મોક્ષ. આ એમણે મોક્ષની વ્યાખ્યાનું કરેલું easieation – સરલીકરણ. એ જ વ્યાખ્યા એમણે સાધકો માટે આપી. ત્યારે થોડી ઉચકાઈ. ‘द्रष्टु: द्रुगात्मता मुक्ति:, दृश्येकात्म्यं भवभ्रमः’ દ્રષ્ટા માત્ર જોવાની પળોમાં હોય. માત્ર જોવાની પળોમાં એ એનો મોક્ષ. અને દ્રષ્ટા પોતાની ચેતનાને પદાર્થોમાં, વ્યક્તિઓમાં, કે શરીરમાં નાંખીને રાગ અને દ્વેષની ધારામાં જાય એ સંસાર. કેટલી મજાની વ્યાખ્યા છે. આ હાથમાં સંસાર અને આ હાથમાં મોક્ષ. મોક્ષ ક્યાં દૂર છે? આ રહ્યો. તો તમે દ્રષ્ટા છો. તમારે માત્ર જોવાનું છે. એ ઘટના વિશેનું interpretation તમારે કરવાનું નથી. તમે ગરબડ ત્યાં કરો છો. તમારું કામ માત્ર ઘટનાને જોવાનું છે. માત્ર ઘટનામાંથી પસાર થઇ જવાનું છે. પણ અનાદિકાળની સંજ્ઞાથી વાસિત તમારું મન એ ઘટનાનું interpretation કરે છે. વિશ્લેષણ. એ મન વિશ્લેષણ કરે છે કે જે મનને સાચું વિશ્લેષણ કરતા આવડતું નથી. M.B.B.S ની ડિગ્રી પણ જેની પાસે નથી. ખાલી ગામઠી ડિગ્રી લઈને બેસી ગયો છે. એવા ડૉક્ટરને તમે શરીર બતાવવા જવાના? ઘટનાને જોવાનો અધિકારી કોણ? જે ઘટનાનું સમ્યક્ પૃથક્કરણ કરી શકે એ… તમને ઘટના જોવાનો પણ અધિકાર નથી. કારણ તમે તમારા મનથી એ ઘટનાને જોવો છો. અને તમારું મન જે છે એ જે કહે એને તમે સ્વીકારી લો છો. Boss પ્રમાદી છે, secretary ચાલાક છે. મન તમારું secretary છે. Boss તમે છો. તો તમે એટલા પ્રમાદી છો, કે secretary ફાઈલ લઈને આવે એને વાંચવા પણ તમે તૈયાર નથી. ઊંધું ઘાલીને તમે signature કરી નાંખો છો. પછી કરોડોના ફડચામાં તમે જાઓ, Secretary ફૂટી ગયેલો હોય તો શું થાય? ઘટનાનું પૃથક્કરણ તમે કરો કે તમારું મન કરે… બોલો. અમે છે ને ઘટનાનું પૃથક્કરણ જે પણ કરીએ એ સાચું…. કેમ? અમને પ્રભુએ એક સાધના આપી છે. સર્વસ્વીકાર ની.

મને હમણાં એક પ્રવચનમાં પૂછવામાં આવેલું કે પ્રભુની પૂરી સાધનાને એક શબ્દમાં તમારે મૂકવી હોય તો એ શબ્દ કયો હોય. તો મેં કહ્યું: ‘સર્વસ્વીકાર.’ એ એક શબ્દ એવો છે, કે જે પ્રભુની પૂરી પૂરી સાધનાનું પ્રતિનિધિત્વ કરે છે. તો અમારી પાસે સર્વસ્વીકાર છે.

મીરાંએ કહેલું: ‘કોઈ નિંદે, કોઈ બંદે, મેં અપની ચાલ ચલુંગી.’ બોલો ભાઈ! કોઈએ નિંદા કરી તમારી, એથી તમને તકલીફ શું પડે? અમે લોકો સતત બોલીએ એટલે અમને ખબર પડે કે બોલતાં ગળાને તકલીફ પડે. તો સાંભળતા કાનને તકલીફ પડતી નથી. કોઈએ નિંદા કરી, કરી… તમને શું તકલીફ પડી? ગાલ પર કોઈ લાફો ઠોકે જોશથી તો બને કે ગાલને તકલીફ પડે. પણ કોઈએ ગાળો આપી, તો કાનમાં સોજો આવવાનો. તો તકલીફ ક્યાં પડી… કોઈ તકલીફ નથી. માત્ર તમે માની લીધેલું ‘હું’ છે એમાં ઘસરકો પડે છે. એની તમને તકલીફ છે. હવે ‘હું’ પણ ખોટું પકડ્યું પાછું…. કયો ‘હું’ પકડ્યો? આ ‘હું’ શરીર વાળું… માત – પિતાએ આપેલું શરીર. રાખમાં મળી જનારું શરીર. એમાં તમે તમારી identity ઉભી કરી. પાયાથી જ ખોટું તો મીરાં કહે છે ‘કોઈ નિંદે, કોઈ બન્દે, મેં અપની ચાલ ચલુંગી.’

રમણ મહર્ષિને એક ભક્તે પૂછેલું કે આપ બહુ મોટા સંત છો, લોકો ફૂલના હાર આપના ગળામાં નાંખ્યા જ કરે, એ વખતે આપની feeling શું હોય? રમણ મહર્ષિ હસ્યા, એમણે કહ્યું ભગવાનની રથયાત્રા નીકાળવાની હોય, અને બળદ જોડવાના હોય, તો એ બળદને પણ આપણે ફૂલનો હાર ચડાવીએ, તો ફૂલના હાર જેટલા વધે એટલો બળદને ભાર વધે. એમ મને પણ બીજી feelings શું થાય, ગળાને વજન લાગે બીજું શું થાય? રમણ મહર્ષિ તો સંત હતા.

સુરેશ દલાલ આપણા ગુજરાતીના બહુ સારા કવિ, બહુ સારા લેખક. એકવાર જયા મહેતાએ સુરેશ દલાલને પૂછેલું કે તમે લબ્ધ પ્રતિષ્ઠ સાહિત્યકાર છો, જ્યાં જાઓ છો ત્યાં પ્રશંસકો તમને ઘેરી વળે છે. તમારા autograph માટે પડાપડી થતી હોય છે એ વખતે તમને શું થાય..? સુરેશ દલાલ કહે છે – હું કોઈ સંત નથી, કે અહંકાર ન હોવાનો દાવો કરું. પણ આ બધું કોઠે પડી ગયું છે. રોજનું થયું કોઠે પડી ગયું. ન્હાવા બેઠા હોઈએ નળમાંથી પાણી નીકળ્યા કરતું હોય, અથવા સાવર માંથી નીકળ્યા કરતું હોય, શરીર પર પડ્યા કરતું હોય, આપણે કોઈ વિચારોમાં હોઈએ એવું આ બધું છે. આ વરઘોડો ચાલ્યા કરે પણ એની કોઈ અસર થાય નહિ.

તમને એક – એક નાની ઘટનાની અસર થાય છે. હું ઘણીવાર કહેતો હોઉં છું, ઘટનાને ઘટિત થવાની સ્વતંત્રતા. તો એનું અર્થઘટન કરવાની તમને સ્વતંત્રતા નહિ? લોકમાન્ય તિલકજી આ જ મહારાષ્ટ્રના સ્વાતંત્ર્ય સેનાની પણ ખરા! અને એ ધર્મજ્ઞાતા પુરુષ પણ હતા. જેલમાં રહીને એમણે કામ શું કરેલું… ભગવદ્દગીતા ઉપર ભાષ્ય લખેલું… ભગવદ્દ ગીતા ઉપર જે કેટલાક સારા ભાષ્યો છે એ પૈકીનો એક લોકમાન્ય તિલકનો છે. તો એમના સમયમાં કોંગ્રેસ બે ભાગોમાં વિભક્ત હતી. ઉદ્દામ ને મવાદ. તો વિરોધીઓ તિલક ઉપર ગાળોનો વરસાદ વરસાવતા. એ વખતના મહારાષ્ટ્રના news papers તિલકજી પરની ગાળોથી ઉભરાતાં હતા. Media ને તો એ જ જોઈએ. છાપું કે એમ બધાને ખપે. એકવાર સવારના પહોરમાં એક મિત્ર લોકમાન્ય તિલકને મળવા માટે આવે છે. તિલકજી ચા પી રહ્યા હતા. છાપા બધા સામે હતા. અને બે – ચાર news paper ના heading માં તિલકજી ઉપરની ગાળો હતી. તિલકજી પ્રેમથી છાપું જોઈ રહ્યા હતા. પેલો મિત્ર આવ્યો. તિલકજી એ પૂછ્યું ચા – નાસ્તો કરીને આવ્યો. તો કહે હા. તિલકજી કહે છે ભલે નાસ્તો કરીને આયો, ચા તો ચાલે ગમે ત્યારે, ચા પી લે. ચા મંગાવી. પેલો ભાઈ ચા પીએ છે. એણે ચા પીતા પીતા પૂછ્યું તમે આ news papers આટલા પ્રેમથી વાંચી શકો છો. અમે લોકો વાંચી શકતા નથી, તમારા મિત્રો, તમારા પ્રેમીઓ… આ લોકોને ધંધો જ નથી બીજો તમારા ઉપર ગાળો જ ગાળો… ત્યારે તિલક ભાઈએ હસતાં હસતાં પૂછ્યું – કે તું નાસ્તો કરીને આવ્યો ને, શું લીધું નાસ્તામાં? પૌઆ, ઉપમા, ગરમાગરમ નાસ્તો કર્યો… હવે તું જો મારી પાસે ચા જોડે બીજો કોઈ ગરમ નાસ્તો નથી. ગરમ ગરમ ગાળોનો નાસ્તો હું કરું છું. ઘટના હતી, ઘટના ફરે એમ નહોતી. પણ ઘટનાનું અર્થઘટન તો આપણે કરવાનું હોય. તો એ અર્થઘટન તમે કરો તો કોઈએ ગાળ આપી, તમે ગાળને enjoy કરો, તમારું કર્મ ખપે કે ન ખપે…!

જિનશાસનને પામેલા સાધકો પાસે મારી એક અપેક્ષા છે. અડધો કલાક non stop કોઈ uncle કડવા શબ્દો તમને કહે, હવે તમે action ની સામે reaction ન આપો, તમે એક શબ્દ બોલો નહિ. Non action માં હોવ, પેલા uncle થાકે આખરે. એ થાકે ત્યારે તમે એમને કહો, કે uncle મને સુધારવા માટે તમે કેટલો બધો પરિશ્રમ લીધો. તમારા ગળાને થાક લાગ્યો હશે. જરા ઠંડું પાણી, આ જ્યુસ થોડું પીઓ. Action પેલાના હાથમાં, reaction આપવું અથવા non action માં જવું એ તમારા હાથમાં છે.

પ્રભુની સાધના જેને મળી છે, એ reaction માં ક્યારે નહિ જાય. એ non action માં જશે. એ બોલે છે એમાં એમનો વાંક નથી. મારા કર્મનો વાંક છે. ગુનેગાર કોણ? મારું કર્મ. ચૈત્રી ઓળીના દિવસો ચાલે છે.

શ્રીપાળ રાસની એક નાનકડી ઘટના કહું, ધવલશેઠે દાણચોરી કરી. રાજાનો tax ચૂકવ્યો નહિ. સૈનિકોએ એમને પકડ્યા. અને જેલમાં પૂરવા માટે લઇ જાય છે. શ્રીપાળ તો ત્યાં રાજાના જમાઈ તરીકે બેસી ગયા છે. શ્રીપાળ દેરાસરે જઈ રહ્યા છે. અને ધવલ શેઠને બાંધીને જેલમાં પૂરવા માટે લઇ જવાઈ રહ્યા છે. એ વખતે શ્રીપાળ શું કહે છે – અરે આમને પકડ્યા છે તમે… છોડી દો, એ તો મારા ઉપકારી છે. શ્રીપાળ ધવલ શેઠને પોતાના ઉપકારી કહે છે. હું મારા ઓળીના પ્રવચનમાં ઘણી વાર પૂછું છું, કે ધવલશેઠે શ્રીપાળ ઉપર શું ઉપકાર કર્યો? લોકો એક જ જવાબ આપે કે સાહેબ ધવલશેઠના વહાણમાં બેસીને ગયા ને શ્રીપાળ… હું કહું ok એ વાત આપણે સ્વીકારી લીધી. એ સિવાય કોઈ ઉપકાર ખરો?

બહુ મજાની ઊંડી વાત છે, શ્રીપાળજી ને થયેલું કે સમ્યક્દર્શન સ્વાનુભૂતિ, આ જનમમાં મને થવી જ જોઈએ. જેમ લોકમાન્ય તિલકે કહ્યું સ્વાતંત્ર્ય એ મારો જન્મસિદ્ધ અધિકાર છે. એમ એક સાધક કહેશે, સ્વાનુભૂતિને મેળવવી એ મારો જન્મસિદ્ધ અધિકાર છે. આ જન્મ શેના માટે સ્વની અનુભૂતિ માટે. સમ્યક્દર્શન એટલે સ્વાનુભૂતિ. અત્યાર સુધી પરને જોયા. પરનો અનુભવ કર્યો. હવે સ્વનો અનુભવ. તો શ્રીપાળજી ના મનમાં થયું કે સમ્યક્દર્શન આ જન્મમાં મને થવું જોઈએ. પણ હવે જ્ઞાની પુરુષ જ કહી શકે, કે મને ક્યારે થશે. અથવા તો હું નજીક છું કે મને થયું છે. પણ એમને ખ્યાલ હતો કે સમ્યક્દર્શન જેને મળેલું હોય એનો સમભાવ એકદમ પ્રગાઢ હોય. તો એમણે વિચાર કર્યો મારામાં સમભાવ કેવો છે? પણ હવે જ્યાં જાય ત્યાં બધા જ માન – સન્માન આપતા હોય, પાણી માંગે ને દૂધ મળતું હોય, એ સમભાવની પરીક્ષા કેમ કરવી? એમાં ધવલ શેઠે રાતના સમયે બોલાવ્યા. જુઓ તો ખરા દરિયામાં કેવું દ્રશ્ય જોવાનું છે? અને માંચીમાં બેસાડ્યા, દોરડાં તોડી નાંખ્યા, શ્રીપાળજી દરિયામાં પડ્યા. શ્રીપાળજી નું પુણ્ય વિમાન વહાણ દેવો આવી ગયા. સામે કાંઠે પહોંચી ગયા. નજીકમાં જે રાજ્ય હતું એ રાજાના અધિકારી થઈને બેસી ગયા. અને ધવલ શેઠ ફરતાં – ફરતાં ત્યાં આવ્યા. એ બંદર ઉપર ધંધો કરવો હતો. તો રાજાની પરવાનગી લેવી પડે. રાજાની સભામાં આવ્યા. અને જ્યાં જોવે રાજાની એકદમ નજીકનું સિંહાસન અને એમાં શ્રીપાળજી બેઠેલા. પેટમાં તેલ રેડાણું  ધવલને… આ, આ ક્યાંથી આવી ગયો અહીંયા.. દરિયામાં નાંખેલો… પણ એ વખતે શ્રીપાળજી ની આંખમાં લાલાશનો ટીસ્યો પણ ફૂટતો નથી. ત્યારે એમને થયું કે મારી અંદર થોડો સમભાવ છે. અને એ સમભાવની પરીક્ષા ધવલશેઠે કરી. તો ધવલશેઠ મારા ગુરુ બન્યા. અને ગુરુ તરીકે એ ધવલ શેઠને ઉપકારી માને છે. જો કે હું આનાથી પણ આગળ વધુ છું.

ધવલ શેઠે આ કામ કરેલું છે. તો એમને ઉપકારી તરીકે શ્રીપાળજી માંને એમાં કોઈ મોટી વાત નથી. એથી પણ આગળની વાત હતી reverence for the life. ચેતના પ્રત્યેનું સમાદર. જ્યાં ચેતના ત્યાં આદર. ‘નમો સિદ્ધાણં’ તમે બોલો ને… ભૂતકાળમાં સિદ્ધ ભગવંતો થયા, એમને નમસ્કાર બરોબર. વર્તમાનકાળમાં મહાવિદેહક્ષેત્રમાંથી સિદ્ધિપદને કોઈ મહાત્મા પામે તમારો નમસ્કાર. પણ ભવિષ્યમાં સિદ્ધ થવાના છે એ બધાને શું.. નમસ્કાર… આ બધાને…

એક મજૂર હોય એને પણ ભવિષ્યનો સિદ્ધ તમે જોઈ શકો. તમારા ત્યાં નૌકર છે ઘાટી. એને ભવિષ્યના સિદ્ધ તરીકે જોઈ શકો? તો શ્રીપાળજીની દ્રષ્ટિ આ હતી, ભવિષ્યના સિદ્ધ ભગવંત આ ધવલશેઠ છે. Reverence for the life. જ્યાં ચેતના ત્યાં સમાદર. તો એટલી અદ્ભુત સાધના આપણને મળી છે. અને એ સાધનાને આપણે આત્મસાત્ કરવા માટે અહીંયા આવ્યા છીએ. તો ‘નમો સિદ્ધાણં’ આપણું વ્યાપક ક્યારે બને? આપણી અંદર રહેલા સિદ્ધત્વને આપણે જોઈ શકીએ, તો બીજામાં રહેલા સિદ્ધત્વનું પણ દર્શન આપણે કરીશું. તો આપણી અંદર રહેલા સિદ્ધત્વનું દર્શન કરવાને માટે આપણે practical ધ્યાન શરુ કરીએ. શરીર હવે ટટ્ટાર થશે. આ spinal code જે છે ને એને અમારી યૌગિક ભાષામાં મેરૂદંડ કહેવાય છે. મેરૂ ઝુકે નહિ. એમ આ portion ઝૂકવો જ ન જોઈએ. યોગશાસ્ત્રમાં નીચેના પોસ્ટર્સ ઘણા બતાવ્યા. પદ્માસન, અર્ધપદ્માસન, પગની સ્થિતિમાં ફેરફાર આવે. અહીંયા નહિ. અહીં તો આમ જ. માત્ર વાચના સાંભળો ત્યારે એમ નહિ. સતત બેસવાની આ style હોવી જોઈએ. આજે નિષ્ણાંત ડોકટરો પણ કહે છે. Sleep disk. મણકાની તકલીફો વધી ગઈ એનું કારણ આ જ. બેસવાની ખોટી રીત. આપણે યોગી પુરુષોને જોઈએ છીએ. સો વર્ષે પણ ટટ્ટાર બેસતાં હોય છે. સ્વાસ્થ્ય પણ આ યોગ દ્વારા મળે છે. માનસિક શાંતિ પણ આ યોગ દ્વારા મળે છે. પણ આપણે માત્ર સ્વાસ્થ્ય કે માત્ર માનસિક શાંતિ આ યોગ દ્વારા જોઈતું નથી. આત્મિક નિર્મળતા આપણને જોઈએ છે. હા, by product રૂપે શરીરનું સ્વાસ્થ્ય અને મનની પ્રસન્નતા એ પણ મળી જવાની છે. ૭૭ years આ શરીરને થયા. આ શરીરમાં પગથી માથા સુધીનું કોઈ major અંગ એવું નથી કે જ્યાં operation ન થયેલું હોય. છતાં હું સ્વસ્થ છું એ પ્રભુની કૃપા છે અને યોગનો પ્રભાવ છે. સવારથી સાંજ સુધી હું ટટ્ટાર બેઠેલો જ હોઉં છું. અને કામ કરી શકું છું. શરીર આટલું કામ આપે છે. એટલે શરીરને પણ હું thanks કહું છું. કે શરીર તો હું નથી. આત્મા અલગ છે મારાથી.. પણ મને કામ આપે છે એટલે એને thanks કહું છું. તો યોગ ઘણા બધા કામો આપે છે. તો શરીર ટટ્ટાર….

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *