વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત
Subject: જ્યાં અમનસ્ક દશા, ત્યાં આનંદ
તમે બધા જ આનંદઘન છો. આનંદ એ મનનો સ્વભાવ નથી; તમારો સ્વભાવ છે. પહેલા મનને નિયંત્રિત કરવું છે અને પછી મનની પેલે પાર જવું છે.
પહેલા મન ઘટનાઓને પોઝિટિવલી જોતું થાય. પછી મન ઘટનાઓ પ્રત્યે ઉદાસીન બને. અને આગળ જતાં અમનસ્ક દશા પ્રાપ્ત થાય. જ્યાં સુધી મન, ત્યાં સુધી રતિ-અરતિ. જ્યાં અમનસ્ક દશા, ત્યાં આનંદ.
મનને પોઝિટિવ ટચ આપો. જો ઘટનાને ઘટવાની છૂટ છે, તો એ ઘટનાનું પોઝિટિવ અર્થઘટન કરવાની છૂટ તમને પણ છે જ!
મૌન ધ્યાન સાધના શિબિર ૧૬ – સુરત વાચના – ૧
નમો અરિહંતાણ
નમો સિદ્ધાણં
નમો આયરિઆણં
નમો ઉવજઝાયાણં
નમો લોએ સવ્વ સાહૂણં
એસો પંચ નમુક્કારો
સવ્વ પાવપ્પણાસણો
મંગલાણં ચ સવ્વેસિં
પઢમં હવઈ મંગલં
કૃતાપરાધેsપિ જને, કૃપામંથરતારયો:
ઇષદ્દબાષ્પાર્દ્રયોર્ભદ્રં, શ્રી વીર જિન નેત્રયો:
કમઠે ધરણેન્દ્રે ચ, સ્વોચિતં કર્મ કુર્વતિ,
પ્રભુસ્તુલ્ય મનોવૃત્તિ:, પાર્શ્વનાથ શ્રિયેSસ્તુ વઃ
સુધાસોદરવાગ્જ્યોત્સ્ના, નિર્મલી કૃત દિડમુખ:
મૃગલક્ષ્મા: તમ: શાન્ત્યૈ, શાંતિનાથજિનોસ્તુવ:
જ્ઞાનધ્યાનક્રિયાધિકાર્ય કુશલ:, પ્રદ્યુમ્ન જેતા ગુરુ:,
આંતરલોચનમેકમસ્તિ સુતરાં, પૃદ્ભાષિતં યસ્ય વૈ,
ૐકારેણ સુસેવિતોSપિ સતતં, ૐકાર સેવા પરઃ
સોયં સૌમ્યમના: સદા વિજયતે, શ્રી સિદ્ધિસૂરીશ્વર:
સોયં સૌમ્યમના: સદા વિજયતે, શ્રી ભદ્રસૂરીશ્વર:
સોયં સૌમ્યમના: સદા વિજયતે, શ્રી ૐકારસૂરીશ્વર:
સોયં સૌમ્યમના: સદા વિજયતે, અરવિંદસૂરીશ્વર:
સોયં સૌમ્યમના: સદા વિજયતે, જયઘોષસૂરીશ્વર:
એક અમેરિકન પ્રોફેસર weekend પર જંગલના અંતરંગ ભાગોમાં સફર કરવા માટે પત્ની સાથે નીકળ્યા, કાર જંગલમાં અંદર, અંદર, અંદર પહોંચી ગઈ. એ જ ક્ષણે સ્ટેરીંગ પરનો નિયંત્રણ પ્રોફેસરનો ચુકાઈ ગયો. ગાડી ઝાડ સાથે અથડાઈ. પ્રોફેસરને વાગ્યું. કપાળમાંથી, ગાલમાંથી લોહી દદડી રહ્યું છે, આમ તો લગભગ એ લોકો નીકળે ત્યારે first aid box તો હોય જ, પણ આજે first aid box પણ ભુલાઈ ગયેલું છે. લોહી તો લુછ્યું, કાર ખોટવાઈ ગઈ છે, ચાલે એમ નથી. રોડ સુમસામ છે, એક પણ ગાડી જતી કે આવતી ત્યાં મળતી નથી. પ્રોફેસરને અત્યંત પીડા થાય છે, પણ first aid box નથી, એક પણ pain killer ટીકડી નથી. એ વખતે પત્નીએ કહ્યું: કે હું હમણાં યોગના કલાસીસ શીખું છું અને એમાં એક વાત મેં શીખી, કે શરીરમાં વેદના થાય છે, પણ એ વેદના ને કારણે આપણને વેદનાની અસર થાય છે એવું નથી, મન એ વેદનાની ઘટનામાં પરોવાય છે, ત્યારે જ વેદનાનો અનુભવ થાય છે, એક કામ તમે કરો, કોઈ સરસ મજાના વિચારમાં તમારા મનને મૂકી દો, તમે તમારા students ની સામે સરસ પ્રવચન કરી રહ્યા છો અથવા તો યુનીવર્સીટી લેવલે તમારું સન્માન થઇ રહ્યું છે, એવી કોઈ કલ્પના કરો અને મનને એ ક્ષણોમાં પરોવી દો,
Pain killer ટીકડી હોત તો, તો પ્રોફેસર આ કામ ન કરત, પણ pain killer ટીકડી છે નહિ, વેદનાને સમાવવા માટે બીજી કોઈ સાધન સામગ્રી નથી. ત્યારે પ્રોફેસરે આ કામ કર્યું મનને એક સરસ મજાના વિષયમાં divert કરી દીધું. અને નવાઈ… હવે વેદનાની અસર થતી જ નથી. એ પ્રોફેસર ઘરે તો પહોંચી ગયા, પણ ઘરે પહોંચ્યા પછી યોગના કલાસીસ ભરીને યુનિવર્સીટીમાંથી રજા મુકીને ધ્યાનના આચાર્ય બની ગયા,
તો મારે એ વાત કરવી છે કે ધ્યાનમાં શું કરવું છે, ઉપયોગને, મનને ખાલી ફેરવવું છે, it is so easy. Meditation બહુ જ સરળ છે, બીજું કંઈ જ કરવાનું નથી. મન, તમારો ઉપયોગ પરની અંદર અનંતા જન્મોથી રહ્યો છે. એને સ્વમાં મુકવો છે. સેકંડો નહિ, હજારો સાધના ગ્રંથોનો સાર એક લીટીમાં કહું તો એ એક લીટી એ હોય કે ઉપયોગને, મનને પરમાંથી સ્વમાં મુકવું. તો ઉપયોગને, મનને પરમાંથી સ્વમાં મુકવો છે. તમે કોણ છો? તમે આનંદઘન છો.
એક આનંદઘનજી ભગવંત ૩૦૦ વર્ષ પહેલાં થઇ ગયા, પણ તમે કોણ છો? તમે બધા જ આનંદઘન છો. આનંદનું ઝરણું તમારી ભીતર સતત વહી રહ્યું છે, practical meditation આપણે કરાવશું. એમાં સીધું જ આ આનંદનો અનુભવ તમે કરી શકશો… અહીંથી તમે જાવ ત્યારે એક કળા તમારા હાથમાં આવેલી હોવી જોઈએ. ઉપયોગને, મનને પરમાંથી સ્વમાં કેમ ફેરવવું…
એક જ ગુજરાતી સાધના સૂત્ર ઉપર મારા પ્રવચનો ચાલશે, કડી બહુ મજાની છે, મહામહોપાધ્યાય યશોવિજય મહારાજે અમૃતવેલની સજ્ઝાયમાં એક કડી આપી છે, જે ઉપયોગને કઈ રીતે બદલવો, શી રીતે બદલવો એની વાત કરે છે, અને ઉપયોગ સ્વમાં શી રીતે મુકાય, એની પણ વાત કરે છે, કડી આ પ્રમાણે છે – દેહ, મન, વચન પુદ્ગલ થકી, કર્મથી ભિન્ન તુજ રૂપ રે, અક્ષય અકલંક છે જીવનું, જ્ઞાન આનંદ ભરપૂર રે” તારું સ્વરૂપ કેવું છે, દેહ, મન, વચન, પુદ્ગલ અને કર્મ આ બધાથી ભિન્ન તારું સ્વરૂપ છે, તારું નિર્મલ ચૈતન્ય અક્ષય છે, નિષ્કલંક છે, અને જ્ઞાન અને આનંદથી ભરપૂર છે, આપણે એકદમ practically કામ કરવું છે, ઉપયોગને દેહમાંથી કાઢવો, ઉપયોગને મનમાંથી કેમ બહાર કાઢવો, એ આપણી આખી જ સાધના છે. જેમ કે પહેલાં મનની વાત કરું, તો પહેલાં મનને નિયંત્રિત કરવું છે, અને પછી મનને પેલે પાર જવું છે, beyond the mind. You are the mindless experience. You are the nameless experience. You are the bodiless experience. જ્યારે આ અનુભવ થશે ને ત્યારે એક ક્ષણ એવી ન હોય, જે ક્ષણ તમને વિષાદમાં, પીડામાં લઇ જઈ શકે. ઘણા લોકો મને પૂછે કે પ્રભુ તમને મળ્યા, પછી શું થયું…. ત્યારે હું કહું કે પ્રભુ મને મળ્યા એ પછી પ્રભુએ પોતાની air – condition હથેળીમાં મને રાખ્યો છે. એક ક્ષણ એવી નથી આવી, not a second કે હું પીડામાં ગયો હોઉં… શરીરમાં રોગો ગમે એટલા આવ્યા, પણ એ રોગોને કારણે હું સહેજ પણ પીડિત ક્યારે પણ થયો નથી. પ્રભુની air – condition હથેળીમાં સતત હું રહ્યો છું. પણ પ્રભુને કોઈ ભેદભાવ નથી હો… કે યશોવિજયને air – condition હથેળીમાં રાખવો અને બીજાને નહિ રાખવા… તમને બધાને પણ પ્રભુ પોતાની air – condition હથેળીમાં રાખવા ઈચ્છે છે.
હકીકત તો એ છે કે પ્રભુ તમારી ભીતર અવતરિત થવા ચાહે છે. પણ initial stage નું કામ સદ્ગુરુ ચેતનાએ કરવાનું હોય છે. એટલે પ્રભુ સદ્ગુરુને initial સ્ટેજનું કામ સોંપે છે, તમારા જીવનની એક ઘટના કહું જે તમે ભુલી ગયા છો, ૪૦૦ – ૫૦૦ જન્મ પહેલાં કે ૧૦૦૦ જન્મ પહેલાં એક સદ્ગુરુના ચરણમાં આપણે બેઠેલા, સદ્ગુરુએ પરમ ચેતનાના ઐશ્વર્યની વાતો કરી, આપણે એ સાંભળતાની સાથે પરમ ચેતનાના સંમોહનમાં પડી ગયા, એક ક્ષણ પ્રભુને પ્રાર્થના કરી, કે પ્રભુ! તું શું મને ન મળે, એ એક ક્ષણની પ્રાર્થના પર પ્રભુએ આપણને select કર્યા. Select કર્યા પછી ગુરુ ચેતનાને પ્રભુએ સંદેશ આપ્યો, કે I am selected him, I am selected her. ગુરુ ચેતનાને ખ્યાલ છે કે initial stage નું કામ પોતાને કરવાનું છે, સદ્ગુરુ શું કરે, તમારા હૃદયના પાત્રને સ્વચ્છ બનાવે, પ્રભુની કૃપા સતત વરસી રહી છે, પણ વાત એ છે કે ટોચ સુધી ધૂળથી ભરાયેલો ગ્લાસ છે, એમાં પાણી પડશે તો પણ શું થશે સિવાય કે કીચડ… એ ગ્લાસ ખાલી થઇ જાય, સ્વચ્છ થઇ જાય, પછી એમાં નિર્મળ જળ ભરાઈ જાય. સદ્ગુરુ આપણા હૃદયના પાત્રને સ્વચ્છ કરે છે, ૪૦૦ – ૫૦૦ જન્મથી, ૧૦૦૦ જન્મથી સદ્ગુરુ ચેતના તમારા ઉપર આ કામ કરી રહી છે, પણ આપણે સદ્ગુરુ ચેતનાની નજીક હતા, ત્યાં સુધી ખાલી રહ્યા, જે ક્ષણે એમની premises થી બહાર ગયા, રાગ અને દ્વેષથી પાછા ભરાઈ ગયા. પણ એ સદ્ગુરુ ચેતના થાકતી નથી.
એકવાર મને એક ભાવકે પૂછ્યું કે સાહેબ! વર્ષોથી તમે બોલી રહ્યા છો, ક્યારેક તો એક ના એક ચહેરા તમારી સામે હોય, એમાં કોઈ પરિવર્તન થયેલું હોય નહિ, તો તમને થાક લાગે કે ન લાગે? મેં કહ્યું ન લાગે. મને કહે કે કેમ ન લાગે? મેં એને સમજાવ્યું, કે જ્યાં doing છે ત્યાં થાક છે, જ્યાં being ત્યાં થાક નથી. અને એટલે જ આનંદધનજી ભગવંતે કહ્યું; “ગુરુ નિરંતર ખેલા” અમે લોકો હંમેશા ખેલની ભૂમિકા ઉપર beingની ધારામાં.. જ્યાં doing ત્યાં થાક, જ્યાં being ત્યાં freshness.
અમે લોકો ever fresh, ever green છીએ, કારણ શું beingની ધારા પ્રભુએ અમને આપી દીધી. Doing એ જ સંસાર, being એ જ સાધના. જ્યાં કર્તૃત્વ છે ત્યાં સંસાર ખડો થઇ ગયો, જ્યાં માત્ર being, માત્ર અસ્તિત્વ, ત્યાં સાધના… તો સદ્ગુરુ ચેતના હજાર – હજાર જન્મથી આપણા ઉપર કામ કરી રહી છે, હું ઘણીવાર હસતાં હસતાં કહું કે સદ્ગુરુ ચેતનાએ હજાર જન્મો સુધી તમારી રાહ જોઈ. હવે કેટલી રાહ જોવડાવાના છો?
તો doing માંથી being માં જવું એટલે જ ઉપયોગને પરમાંથી સ્વમાં લઇ જવાનો. ઉપયોગ પરમાં હોય, મન પરમાં હોય થાક જ થાક છે. સારું છે કે શરીરની વ્યવસ્થામાં નિદ્રાનો પણ એક ભાગ છે, જો ઊંઘ ન આવે ને તો માણસનું મન વિક્ષિપ્ત બની જાય. Disturb થઇ જાય. માત્ર વિકલ્પો તમને થકવી નાંખે. વચ્ચે ગાઢ ઊંઘ આવે છે એ સમયે વિચારો નથી હોતા, એટલે શરીર અને મન થોડા fresh થઇ જાય છે. વિકલ્પો તમને થકવે, નિર્વિકલ્પ દશા તમને freshness આપે. તો બહુ પ્યારું સૂત્ર ગુજરાતી ભાષાનું આપણી સામે છે, “દેહ, મન, વચન પુદ્ગલ થકી, કર્મથી ભિન્ન તુજ રૂપ રે, અક્ષય અકલંક છે જીવનું, જ્ઞાન આનંદ ભરપૂર રે”
તો મન માટે આપણે શું કરવું છે, મનને નિયંત્રિત કરવું છે, અને પછી beyond the mind આપણે જવું છે. આનંદ એ મનનો સ્વભાવ નથી, તમારો સ્વભાવ છે. જ્યાં સુધી મન છે ત્યાં સુધી રતિ અને અરતિ છે, જ્યાં આત્મતત્વનો ઉઘાડ થયો ત્યાં જ આનંદ છે. તો પહેલાં મનને નિયંત્રિત કરીએ, પછી મનને પેલે પાર જઈએ, પહેલાં મનને positive touch આપશું, આજે સમાજમાં negativity એટલી બધી ફેલાઈ ગઈ છે કે motivational speakers નો રાફડો ફાટ્યો છે.
આ જ સુરતમાં હું હતો, અઠવાલાઇન્સમાં મારું ચાતુર્માસ હતું, રોજ સવારે morning walk માટે હું જતો, ૫ – ૭ ભક્તો પણ જોડે ચાલતા, એ વખતે શિવખેરા આવવાના હતા સુરતમાં, motivational speaker માં શિવખેરાનું બહુ મોટું નામ. તો મીડિયામાં એની નોંધ આવ્યા કરતી હતી, શિવખેરા આવ્યા અને ગયા, બીજી સવારે morning walk માં હું હતો, એક ભાઈએ મને કહ્યું; સાહેબ! કાલે શિવખેરા આવી ગયા, મેં પૂછ્યું, તમે એમના લેકચરમાં ગયેલા, મને કહે કે હા, સાહેબ…. મેં કહ્યું કેવું લાગ્યું, મને કહે સાહેબ! આટલું મોટું નામ હોય તો કામ તો રહે જ. ૧૦ લાખ રૂપિયાની એની ફી હતી, દોઢ કલાક બોલવાની, તો એનું કામ સારું તો હોય જ. તો જ લોકો પૈસા આપે, પણ પછી એ ભાઈએ માર્કાની વાત કરી, એ કહે સાહેબ! તમારા જેવા સંતોને જેણે પણ સાંભળ્યા હોય એના માટે શિવખેરામાં કોઈ નવાઈની વાત નહોતી.
તો પહેલી વાત મનને positive attitude માં લઇ જઈએ. કોઈ પણ ઘટના છે, ઘટનાને ઘટવાની છૂટ છે ને… તો એ ઘટનાનું અર્થઘટન કેમ કરવું એની છૂટ તમને નહિ? ઘટનાને ઘટવાની છૂટ છે, એનું અર્થઘટન કેમ કરવું એ તમે નક્કી કરો,
વિનોબાજી એક જગ્યાએ ભુધાન યાત્રામાં ગયેલા, ગામમાં જે આશ્રમ હતો ત્યાં ઉતર્યા, આશ્રમના ટ્રસ્ટીઓએ કહ્યું: કે સાહેબ! આજે હરિજનોને લઈને અહીનું મુખ્ય મંદિર જે છે, ત્યાં અમે જવાના છીએ. આપ પધારી ગયા છો તો આપના નેતૃત્વમાં આ કાર્યક્રમ રાખીએ. વિનોબાજીએ કહ્યું: મંદિર જવાનો વાંધો નથી. પણ ટ્રસ્ટીઓની સહમતી છે? કોઈની ના હોય, તો ઝઘડો કરીને ભગવાનના દર્શન કરવા એવું હું માનતો નથી. એ ટ્રસ્ટીઓએ ચાલાકી શું કરી… એ મંદિરના લેટર હેડ ઉપર, પાંચ ટ્રસ્ટીઓની સહી સાથેનો પત્ર બતાવ્યો, કે તમે લોકો હરિજનોને લઇને મંદિરે દર્શન કરવા આવો અમને કોઈ વાંધો નથી. વિનોબાજી એ ગામથી અજાણ્યા, એમણે કહ્યું એ બરોબર છે, પણ ૧૧ ટ્રસ્ટીઓ હતા, છ વિરુદ્ધમાં હતા, પાંચે જ સાઈન કરી આપેલી. છ ટ્રસ્ટીઓ એટલા વિરુદ્ધમાં હતા, કે જો કદાચ હરિજનો આવે ને તો માથું ફોડી નાંખે… ૧૦૦ ગુંડાઓ એમણે રોકેલા, વિનોબાજી સરઘસના મોખરે, સેકંડો હરિજનો, જ્યાં મંદિરની નજીક આવ્યા, ગુંડાઓ તૂટી પડ્યા, વિનોબાજીને લાકડી લાગી, મોઢા ઉપર, નાકમાંથી લોહીનો ફુવારો, મોઢામાંથી લોહી નીકળવા માંડ્યું, બેભાન થઇ ગયા, સ્ટ્રેચરમાં એમને નાંખીને આશ્રમમાં લઇ જવામાં આવ્યા, સરઘસ વિખેરાઈ ગયું, ડોકટરો આવ્યા, વિનોબાજીની દવા થઇ, વિનોબાજી ભાનમાં આવ્યા, ભાનમાં આવ્યા પછી વિનોબાજી શું કહે છે? હું તો પ્રભુના દર્શન માટે જતો હતો, પ્રભુએ સામે ચાલીને મને સ્પર્શ આપ્યો. ગુંડાની લાકડી અડી અને એમાં પણ પ્રભુનું દર્શન થયું, વિનોબાજી કહે છે, હું પ્રભુના દર્શન માટે જતો હતો, પ્રભુએ સામેથી આવીને મને સ્પર્શ આપ્યો, પરમ સ્પર્શ મને મળ્યો, આ શું હતું, ઘટનાનું મજાનું અર્થઘટન.
એક ઘટનાને positive touch આપી દીધો. તો ઘટનાને લઈને મનને positive touch આપવો, મનને ઉદાસીનદશામાં લઇ જવું, અને પછી અમનસ્ક સ્થિતિમાં જવું, આ ત્રણ પડાવ દ્વારા આપણે ઉપયોગને મનમાંથી કાઢી અને સ્વમાં મૂકી શકીએ… તો આખી જ આપણી લેક્ચર સીરીઝ માત્ર ને માત્ર ઉપયોગને પરમાંથી કાઢી સ્વમાં કેમ મૂકવો એના ઉપર ચાલશે.