વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત
કર્મકૃત આપણું સ્વરૂપ એ આપણું વ્યક્તિત્વ છે અને આપણું શુદ્ધ સ્વરૂપ એ અસ્તિત્વ છે. કર્મકૃત સ્વરૂપમાં શરીર છે, મન છે, સમાજે આપેલું નામ છે. અનંત જન્મોથી આપણી એ શરીર પર, નામ પર પકડ રહી છે. ધ્યાન આપણને એ પકડમાંથી મુક્ત કરે છે.
હું કોણ? શરીર તે હું? ના. સિદ્ધશિલા પર શરીર સાથે નથી આવવાનું. તો શું નામ તે હું? ના. નામ તો સમાજે આપ્યું છે; માત્ર એક વ્યવસ્થા માટે. આમ એક પછી એક layer કાઢતા જાઓ પછી આખરે બાકી શું રહેશે? શુદ્ધ આત્મસ્વરૂપ.
ધ્યાન તમારા વ્યક્તિત્વને ધીરે-ધીરે ઓગાળતું જાય અને અસ્તિત્વને ધીરે-ધીરે પ્રગટ કરતું જાય. જેમ-જેમ ધ્યાન થશે, તેમ-તેમ તમારું નિર્મળ અસ્તિત્વ જે છે, એનો તમને અનુભવ થશે. પછી કર્મકૃત સ્વરૂપ ઉપર ગમો કે અણગમો રહેવાનો નથી; સંક્લેશવાળા હું માં, રાગ-દ્વેષમાં પછી તમે જઈ શકશો નહિ.
મૌન ધ્યાન સાધના શિબિર ૧૭ – જીરાવલા વાચના – ૪
અધ્યાત્મયોગ, ભાવના યોગ અને ધ્યાન યોગ. નિર્મળ મન, નિર્મળ હૃદય, નિર્મળ અસ્તિત્વ.
ધ્યાન વ્યક્તિત્વને અસ્તિત્વમાં પલટે છે. કર્મ કૃત આપણું સ્વરૂપ એ આપણું વ્યક્તિત્વ છે અને આપણું શુદ્ધ સ્વરૂપ એ અસ્તિત્વ છે. ધ્યાન શું કરે? Doing ને being માં પલટે, વ્યક્તિત્વ ને અસ્તિત્વમાં પલટે. કર્મકૃત સ્વરૂપમાં શરીર છે, મન છે, સમાજે આપેલું નામ છે, આ બધું જ છે. પણ આ બધું એટલું ભયજનક નથી, જેટલું ભયજનક એના પરનું મમત્વ છે. મારું શરીર, મારું નામ તમારા માટે કોઈએ ખરાબ વાત કરી, તમે તરત જ ઉકળી જાવ છો. આ દ્વેષ કેમ આવે? નામ સાથે સંકળાયેલી ઘટના દ્વેષ થઇ ગયો. મારા નામ પર એને કાદવ ઉછાળ્યો, હવે એને છોડું નહિ.
તો અનંત જન્મોથી શરીર પરની આ પકડ, નામ પરની આ પકડ ચાલુ ને ચાલુ રહે. ધ્યાન શું કરે? આ પકડમાંથી આપણને મુક્ત કરે. તમે ધ્યાનમાં ગયા, તમારું મૂળભૂત સ્વરૂપ એ પકડાઈ ગયું. તો આ સ્વરૂપ ઉપર ગમો કે અણગમો રહેવાનો નથી. હ્મમ? ઝુંપડી હતી તો દીકરાએ બંગલો બનાવ્યો. અને માં એ બંગલામાં રહેવા માટે જાય. ત્યારે ઝુંપડા પરનું મમત્વ રહેતું નથી. એ જ રીતે આનંદઘન ‘હું’ ની પ્રાપ્તિ તમને થાય ત્યારે સંક્લેશવાળા આ ‘હું’ જોડે તમારી પ્રીતિ નહિ રહે. આ તમારો ‘હું’ અત્યારનો કેવો છે? તમને આનંદ આપે એવું છે કે સંક્લેશમાં લઇ જાય એવું છે? હું ઘણીવાર ‘હું’ ને replace કરવાની વાત કરું છું. અહંકારના લયનો ‘હું’ છે, એને અહોભાવના લયના ‘હું’ માં ફેરવો, અને અહોભાવનો લય ગળથુંથીમાંથી આપણને મળ્યો છે. મેં પ્રભુનો અભિષેક કર્યો અને મને ખુબ આનંદ આવ્યો. ત્યાં ‘હું’ છે પણ અહંકારના લયમાં નથી. અહોભાવના લયમાં છે. પ્રભુના પ્યારા શબ્દો ગુરુદેવના મુખેથી મને સાંભળવા મળ્યા, કેટલો હું બડભાગી! ત્યાં ‘હું’ છે પણ, અહોભાવના રંગે રંગાયેલું. તો ત્રણ જાતના ‘હું’ થયા, એક ‘હું’ અહંકાર ના રંગે રંગાયેલું, બીજું અહોભાવના રંગે રંગાયેલું, અને ત્રીજું શુદ્ધ આનંદઘનતાના લયમાં રંગાયેલું. અહોભાવના લયનું ‘હું’ આપણને તરત જ મળી જાય એમ છે. આ શાસન મળ્યું અને અહોભાવ મળ્યો.
એક મુનિ ભગવંતને તમે જુઓ, એક સાધ્વીજી ભગવતીને તમે જુઓ, તમારું માથું ઝુકી જાય છે. પરમાત્માએ આપેલા પાંચ મહાવ્રતોને ધારણ કરનાર આ મહાપુરુષો છે. તો અહોભાવનો લય આપણા માટે બહુ જ પરિચિત છે. તો તમારા ‘હું’ ને પહેલાં, અહંકારના લયમાંથી અહોભાવના લયમાં લાવી દો. એ અહોભાવના લયમાં આવ્યા પછી એને શુદ્ધ લયમાં લાવતાં વાર નહિ લાગે. હું કોણ? આનંદઘન આત્મા. તમે કોણ છો? Who are you? તમે કોણ?
રમણ મહર્ષિ કહેતાં કે ડુંગળીનો દડો કોઈના હાથમાં હોય, હવે એ પૂછે કે ડુંગળી એટલે શું? તો ઉપર તો ફોતરું છે. ફોતરું કાઢ્યું, હવે ડુંગળી શું? બીજું ફોતરું છે, કાઢો ફોતરું, ત્રીજું ફોતરું કાઢો. તમે પણ જુઓ ‘હું’ કોણ..? શરીર તે ‘હું’. સિદ્ધશિલા માં શરીર આવવાનું? જોડે? નહિ.? શરીર તે ‘હું’? ના. I am the bodyless experience. તો શરીરના ફોતરાને બહાર કાઢો. હું નામ છું? નામ તો સોસાયટીએ આપ્યું છે. અને એક વ્યવસ્થા માટે, કે કરોડો અબજો લોકોમાંથી એક particular વ્યક્તિને કેમ બોલાવવી. નામથી તમે બોલાવી શકો. પણ એ જ તમે હોસ્પિટલમાં જાવ, નંબરમાં ફેરવાઈ જાવ. ત્યાં તમારા નામની કોઈ મહત્તા નથી. નંબર 180, નંબર 181. તમારું કોઈ નામ ત્યાં નથી. તો ત્યાં નંબર એ વ્યવસ્થાનો ભાગ છે. તો નામ એ તમે છો? નહિ, ફોતરું કાઢો. આખરે બાકી શું રહેશે? શુદ્ધ આત્મસ્વરૂપ. તો ધ્યાન શું કરે? વ્યક્તિત્વને ધીરે ધીરે ઓગાળતું જાય. અને અસ્તિત્વને ધીરે ધીરે પ્રગટ કરતું જાય.
સમી સાંજનો સમય, મીરાં ગુરુના આશ્રમે ગઈ છે, દરવાજા બંધ છે, મીરાંએ દ્વાર પર ટકોરા લગાવ્યા, અંદરથી ગુરુનો અવાજ આવ્યો, કોણ છે? મીરાંએ કહ્યું, ‘હું મીરાં, પ્રભુના ચરણોની દાસી.’ તમે આ રીતે ક્યારેય તમારી જાતને introduce કરી છે? હું ફલાણા ફલાણા ભાઈ પ્રભુનો ભક્ત. મીરાં કહે છે, ‘હું મીરાં, પ્રભુના ચરણોની દાસી’ કેટલી સરસ રીતે મીરાંએ પોતાને introduce કરેલી! દ્વાર ખુલ્યું, મીરાં અંદર ગઈ. ગુરુના ચરણો ઉપર શાષ્ટાંગ દંડવત્ થઈ ઝુકી, બેઠી અને ગુરુએ પૂછ્યું કે બેટા! તે હમણાં કહ્યું, હું મીરાં પ્રભુના ચરણોની દાસી. પણ બેટા, આ બે ઘટના એકસાથે કઈ રીતે હોઈ શકે? કે તું મીરાં પણ હોય, અને પ્રભુના ચરણોની દાસી પણ હોય. મીરાંને ખ્યાલ નહિ આવ્યો, કે ગુરુજી શું કહેવા માંગે છે? એણે પલકોને ઉંચે ઉઠાવી, એ પૂછવા કે ગુરુદેવ આપ શું કહો છો? ત્યારે ગુરુ કહે છે, કે પ્રભુના ચરણોની દાસી બનવાનો અર્થ શું? ગુરુ સમજાવે છે કે વરસાદનું એક ફોરું, ટીપું, હવામાં તરતું, દરિયામાં પડ્યું. દરિયામાં એ ટીપું પડ્યું. બે મિનિટ પછી કોઈ કહેશે કે પેલું ટીપું હમણાં દરિયામાં ગયું ને, એને બહાર લાવો તો? બહાર લાવી શકાશે? એ ટીપું એની identity ખતમ કરીને અંદર પહોંચી ગયું છે. Identity less થઇ ગયું છે. પણ એ ટીપાંએ પોતાની identity ગુમાવી પણ આખા ને આખા દરિયાને પામી લીધો. એ નાનકડું ટીપું, એમાં દરિયાના બધા ગુણધર્મો આવી ગયા! તો ગુરુ કહે છે, કે પ્રભુના ચરણોની દાસી બનવાનો અર્થ શું? કે તું એક નાનકડું પાણીનું ટીપું બની અને પરમના સમુંદરમાં identity less થઇને ખતમ થઇ જા.
સંત કબીરજીએ આપણા જીવનના બે લક્ષ્યાંકો આપ્યા. પહેલું લક્ષ્યાંક એ આપ્યું, ‘બુંદ સમાના સમુંદ મેં’ જીવનના બુંદને પરમ ચેતનાના સમુદ્રની અંદર સમાવી દેવું. વિલીન કરી દેવું. અને બીજું લક્ષ્યાંક શું છે? ‘સમુંદ સમાના બુંદ મેં’ આખો દરિયો એ બુંદની અંદર આવી જાય. કલાપૂર્ણસૂરિ દાદાને આપણે જોયેલા, એમણે પોતાનું જીવનનું બુંદ પરમ ચેતનાને સમર્પિત કરી દીધું. ‘બુંદ સમાના સમુંદ મેં’ એ એમણે કરી લીધું. તો સામી બાજુથી શું થયું? ‘સમુંદ સમાના બુંદ મેં’ એમની નાનકડી કાયામાં પરમ ચેતનાનો સમુદ્ર લહેરાતો હતો.
કોઈ પણ સદ્ગુરુ હોય, એ સદ્ગુરુને હું બારી જેવા કહું છું. એક બારીની identity શું? લોખંડની ગ્રીલ કે સ્ટીલની ગ્રીલ એ એની identity નથી. એની identity એ છે કે તમે છતની નીચે છો, ભીંતોની વચ્ચે છો. ત્યારે અસીમ અવકાશ જોડે તમને જે જોડી આપે તે બારી. તો ગુરુ ચેતના પરમ ચેતના સાથે આપણને જોડી આપે છે.
કારણ બારી જેમ ખાલી છે એમ સદ્ગુરુનું હૃદય vacant થયેલું છે. બારી અને કબાટ બહારથી સરખાં લાગતાં હોય. તમે ખોલો અને ભીંત તો કબાટ. તમે ખોલો અને કાંઈ નહિ તો બારી. બારી એટલે પરમ રીતાપન. પરમ ખાલીપન, પરમ શૂન્યતા. સદ્ગુરુ એટલે વિભાવશૂન્યતા, પરમશૂન્યતા, પરમરીતાપન. એ પરમરીતાપનની અંદર પરમચેતનાનું અવકાશ ઉતરી આવે છે. ખાલી જગ્યા પડી ને, તમે તો ખાલી કંઈ રાખ્યું જ નથી. પરમાત્મા અવતરિત થવા ઈચ્છે તો પણ કઈ રીતે અવતરિત થાય? સદ્ગુરુએ પોતાના હૃદયને totally vacant કરી નાંખ્યું. અને પરમ ચેતના આવી ગઈ.
બાઈબલમાં કહ્યું; Empty thy vessel and I’ll fill it. Empty thy vessel and I’ll fill it. તારા હૃદયના પાત્રને તું ખાલી કર. હું એને ભરી દઈશ. તો કલાપૂર્ણસૂરિ દાદાએ પૂરેપૂરું સમર્પણ પ્રભુના ચરણોમાં કર્યું. ‘બુંદ સમાના સમુંદ મેં’ એમણે કર્યું. તો એમની નાનકડી કાયામાં આખો જ પરમચેતનાનો સમુદ્ર લહેરાતો આપણને જોવા મળ્યો. સદ્ગુરુએ મીરાંને સમજાવ્યું કે તું નાનકડું ટીપું છે. તું દરિયાની અંદર પડ્યું, પરમ ચેતનાના સમુદ્રમાં, એનું નામ પરમાત્માના ચરણોની દાસી હોવું તે. હવે ટીપું identity less થઇ ગયું, તારું મીરાં નામ ક્યાંથી આવ્યું? You are nameless, you are identity less. એ જ ક્ષણે મીરાંએ નક્કી કર્યું, કે મીરાં કેન્દ્રમાંથી હટી રહી છે અને પરમાત્મા કેન્દ્રમાં આવી રહ્યા છે. તમે કેન્દ્રમાંથી હટો એટલી જ તો વાર છે. અમને એટલા માટે પ્રભુએ મોકલ્યા કે આ લોકોના ‘હું’ ને લઇ લો. પણ તમે પણ હોશયાર માણસો છો. એ તમારો ‘હું’ નો રેઇનકોટ અમે માંગીએ તો આપી દેશો, પણ આબુ રોડ સ્ટેશનેથી નવો લઇ લેવાના પાછા. એ ઘટના ઘટી, ત્યાં સુધી મીરાં પોતાના પદોમાં અંતે લખતી, ‘મીરાં કે ગિરિધર ગોપાલ’ પ્રભુ રહેતાં પણ મીરાં પણ રહેતી. આ ઘટના ઘટી પછી પદો રચાયા, પણ એમાં મીરાં નથી. ‘મેં તો રાવરી દાસી’ મીરાં ગઈ, પ્રભુ પ્રગટ્યા. તો આ શું હતું? વ્યક્તિત્વનું અસ્તિત્વમાં વિલોપન. મીરાં ગઈ, એનું વ્યક્તિત્વ ગયું, તો અસ્તિત્વ મળી ગયું.
કલાપૂર્ણસૂરિ દાદાએ પોતાનું વ્યક્તિત્વ પ્રભુને સોંપી દીધું, એક પરમચેતના સાથે સંપર્ક થયો અને પરમચેતનાના અસ્તિત્વના મહાસાગરમાં કલાપૂર્ણસૂરિ દાદા પણ ભળી જાય. તો ધ્યાન શું કરે? તમારા વ્યક્તિત્વને તોડીને-ફોડીને એને અસ્તિત્વમાં પલટે. શું થાય ધ્યાનમાં? તમે તમારા સ્વરૂપ ઉપર કેન્દ્રિત થયા. કે મારું સ્વરૂપ આવું છે, નિર્મળ છે. તમે એકદમ નિર્મળ છો. તમે સિદ્ધશિલાએ જવાના, કે આપણે બધા કેવલજ્ઞાનને પામવાના, એ કેવલજ્ઞાન બહારથી આવવાનું નથી, એ ભીતર જ છે. એ ભીતર જ છે. ધ્યાન દ્વારા આપણે એને પ્રગટ કરીએ છીએ. તો ખ્યાલ આવે કે આ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ આનંદઘનતાનું ભરેલું છે. અને એ જ્યારે દ્રઢ થાય – એક અનુભવ મળે આનંદઘનતાનો પછી તમે સંક્લેશવાળા હું માં જાવ કેમ? વ્યક્તિત્વ ગયું.
તો ધ્યાન એટલે અનુભવ. ધ્યાનનો નજીકમાં નજીકનો પર્યાય છે અનુભવ.
રામકૃષ્ણ પરમહંસ કહેતાં કે બ્રાહ્મણો જમવા માટે બેઠેલા હોય, લાડુ, પુરી, શાક, પીરસાતું હોય, અવાજ આવ્યા કરતો હોય, પણ જ્યાં ‘હર હર મહાદેવ’ બોલાય અને જમવાનું શરૂ થાય, ચુપ્પી. એમ શબ્દોનો ધમધમાટ, કે વિચારોની આ તમારી ઉથલ-પાથલ ક્યાં સુધી ચાલુ છે? અનુભવ નથી મળ્યો ત્યાં સુધી. મહાપુરુષોને શબ્દોની તળેટી ઉપર આવવું પડ્યું એ કેટલું તો કપરૂં લાગ્યું હશે? અનુભવની શિખરે એ બેસી ગયેલા. આત્માનુભૂતિ થઇ ગઈ છે, હવે એમાં જ એમને રહેવું છે, શબ્દ પર છે, વિચાર પર છે, પણ એક પ્રભુની આજ્ઞા કે તને જે મળ્યું છે એ તારે બીજાને આપવાનું છે. એ પ્રભુની આજ્ઞાને કારણે એ મહાપુરુષો શબ્દોની તળેટી ઉપર આવ્યા અને એમણે ગ્રંથો લખ્યા!
હરીભદ્રસૂરિ મ.સા. તો રાત્રે અચિત્ત હીરાના પ્રકાશની અંદર ગ્રંથો લખે છે. બહુ મોટા આચાર્ય ભગવંત છે, એટલા બધા સંઘો રોજ મળવા આવતાં હોય છે. દિવસે સમય ઓછો રહે છે. રાતની એમની નિદ્રાને બાજુમાં મુકીને આપણા માટે એમણે ગ્રંથોને રચ્યા છે.
એકવાર એક વિદેશી પ્રોફેસરે એક લેખમાં લખેલું, કે ઉપાધ્યાય યશોવિજય એ જ પાછળની અવસ્થાના આનંદઘન છે. અને એના માટે એની પાસે તર્ક હતો. કે આનંદઘનજીની રચનાઓ બહુ ઓછી મળે છે, થોડાક સ્તવનો, થોડાક પદો, આટલી મોટી હસ્તી હોય, એ તો કેટલા બધા ગ્રંથો લખી નાંખે! વિદેશી પ્રોફેસર એના હિસાબે વિચારે છે. કે અમે લોકો બુદ્ધિશાળી હોઈએ તો પુસ્તકો પર પુસ્તકો લખી નાંખીએ છીએ. તો આનંદઘનજી જેવા હોય એમને કેટલા પુસ્તકો હોય. અને પછી એણે અનુમાન કર્યું, કે યશોવિજય એ જ આનંદઘન. ખુબ ગ્રંથો લખ્યા, છેલ્લે પ્રભુ ભક્તિમાં આવ્યા, આનંદઘન નામ ધારણ કર્યું. અને સ્તવનો લખ્યા. મેં એ વાંચ્યું ત્યારે મને હસવું આવ્યું. પણ મને થયું, કે વિદેશની ધારામાં ઉછરેલો માણસ આવું વિચારે એમાં એનો કોઈ વાંક નથી.
આપણને તો ખરેખર એ સવાલ થાય, કે આ મહાપુરુષોએ આટલા બધા ગ્રંથો રચ્યા! શી રીતે રચ્યા પણ એમને? અનુભૂતિની ટોચ પર ગયેલા, અને એ શબ્દોની તળેટી ઉપર કેમ ઉતરી શકે…! તો હરીભદ્રસૂરિ ભગવંત અનુભૂતિની ટોચ પર ગયેલું વ્યક્તિત્વ છે, અને છતાં આપણા માટે એમણે ગ્રંથો લખ્યા. યોગના એમના ૪ ગ્રંથો. દરેક ગ્રંથમાં યોગની વ્યાખ્યા અલગ-અલગ. યોગબિંદુ નામના ગ્રંથમાં આ અધ્યાત્મ થી વૃત્તિસંક્ષય સુધીના પાંચ ચરણોમાં એમણે આધ્યાત્મિક વિકાસ ક્રમ આપ્યો છે. કે એક સાધક ચિંતનથી લઈને ભાવનમાં જાય. ભાવનથી ધ્યાનમાં જાય. ધ્યાન મળે એટલે સમભાવ મળે. અને સમભાવ મળે એટલે વૃત્તિસંક્ષય મળે. આમ ઘણા બધા શબ્દો છે, કાલે વાત કરીશ. વૃત્તિઓનું દમન, વૃત્તિઓનું શમન, વૃત્તિઓનું ઉર્ધ્વીકરણ, વૃત્તિઓનો ક્ષય, અને વૃત્તિઓનો સંશય. એટલે વિચારોના સંદર્ભમાં, વૃત્તિ એટલે વિચાર. વિચારના સંદર્ભમાં પાંચ ચરણો છે, એ આપણે આવતી કાલે જોઈશું.
તો એ મહાપુરુષ અનુભૂતિની ટોચ પર ગયેલા હતા, એમના શબ્દોમાં એ શક્તિપાત થયેલો છે, કે આપણે અનુભૂતિને પ્રાપ્ત કરી શકીએ. આપણી પરંપરામાં બે ગુરુઓની વાત આવે છે, જીવંત સદ્ગુરુ અને ગ્રંથ સદ્ગુરુ. જીવંત ગુરુ તો આપણા હોય છે એ હોય જ છે. બીજા ગ્રંથ ગુરુ. સદ્ગુરુ તમને કોઈ ગ્રંથ આપે, કે આ ગ્રંથ તારે ઘૂંટવાનો છે, એ ગ્રંથ, એ ગ્રંથના રચયિતા મહાપુરુષ, તમારા માટે ગ્રંથ ગુરુ બની ગયા. મારા ગ્રંથ ગુરુ બે છે, હરીભદ્રાચાર્ય અને પૂજ્ય દેવચંદ્રજી મ.સા. પહેલાં ગ્રંથ ગુરુ મારા ગુરુદેવે મને આપ્યા, લગભગ ૨૫-૨૭નું મારું વય. અંગ્રેજીમાં જેને બુક વર્મ કહે, એવો ગ્રંથોનો કીડો હું, ટેબલ પર પુસ્તકોનો ઢગલો પડેલો હોય, પૂર્વનું, પશ્ચિમનું સાહિત્ય વાંચ્યા કરતો હોઉં, ક્યારેક આલ્બેર કામુ ને વાંચું, ક્યારેક નિત્સે ને વાંચું. પણ એ વાંચન દ્વારા મારો અહંકાર પુષ્ટ થતો હતો. નાની વયમાં આટલું બધું મેં વાંચી લીધું! સદ્ગુરુ શું કામ કરે ખબર છે? ટાંકણીઓનો જથ્થો રાખે, મારી પાસે પણ છે હો, ફુગ્ગો ફુલાવીને આવો ને એક ટાંકણી ઘોંચી દઉં. હવે ગભરાશો નહિ ને પાછા? કે મારો ફુગ્ગો ફોડી નાંખશે તો…? મારો ફુગ્ગો બસ, તકલીફ આ છે, કોઈનો પણ અહંકાર તમને ખટકે છે, સાલો એ તો અહંકારી છે. શું જાય એની જોડે…! તમારો અહંકાર ખટકે છે?
તો ગુરુદેવ કરુણાથી યુક્ત બન્યા, મને બોલાવ્યો, હું ગુરુદેવના ચરણોમાં ગયો, વંદન કર્યું. ગુરુદેવે મને કહ્યું, તું આટલું બધું વાંચે છે, તો હરીભદ્રસૂરિ મહારાજને તે વાંચ્યા? મેં કહ્યું, સાહેબ વાંચ્યા નથી, પણ હવે મારી ગણતરી એ જ છે. તો મને કહે એમને વાંચ. મેં પૂછ્યું, એમના ગ્રંથો તો ઘણા બધા છે, કયા ગ્રંથથી શરૂઆત કરું? તો એમણે યોગબિંદુ ગ્રંથ મને આપ્યો. આ જ. હવે પરંપરા એવી છે, પહેલા યોગશતક, પછી યોગદ્રષ્ટિ સમુચ્ચય, પછી યોગવિંશિકા, અને છેલ્લે યોગનો ગ્રંથ યોગબિંદુ આવે. પણ છેલ્લે આવે છે એ મને પહેલો આપ્યો. હું વાંચવા માંડ્યો. અને એમાં છેલ્લે હરીભદ્રાચાર્ય લાકડી લઈને ઉભા થઇ ગયા, મારી સામે. ‘ગુરુ મોહે મારે શબ્દ કી લાઠી, ચેલે કી મતિ અપરાધી ની નાઠી’ તો એમણે લાકડી ઉપાડી! ‘વિદુષાં શાસ્ત્રસંસાર:, સદ્યોગરહિતાત્મનામ્’ જો યોગનું ચક્ષુ ખુલ્યું નથી તો વિદ્વાનો માટે શાસ્ત્રોનો પણ એક સંસાર છે. ગ્રંથ સંસાર…! લાકડી બરોબર વાગી. મને થયું વાહ! અત્યાર સુધી ગ્રંથોનો સંસાર જ ઉભો કર્યો છે. લોકો કોઈ સંપત્તિનો સંસાર ઉભો કરે, કોઈ પદાર્થોનો સંસાર ઉભો કરે, મેં શાસ્ત્રોનો સંસાર ઉભો કર્યો. એક લાકડી એવી લાગી, કે હવે સૌથી પહેલાં, યોગનું ચક્ષુ ખુલવું જોઈએ, પછી વાંચવાની વાત. વાંચવું નંબર બે પર છે. યોગનું ચક્ષુ ખુલવું એ નંબર વન પર છે. બધા જ પુસ્તકો બાજુ પર મૂકી દીધા. પ્રભુને પ્રાર્થના કરી કે બસ, યોગનું ચક્ષુ ખુલ્યું, પછી વાંચવા માંડ્યો. કેટલો ફરક પડે છે ખબર છે? એ ચક્ષુ ન હોય, અને ચક્ષુ હોય. કેટલો ફર્ક પડે છે!
મેં ભગવતી સૂત્ર પહેલાં વાંચ્યું, જ્યારે હું rationalist હતો. પ્રખર બુદ્ધિવાદી, શ્રદ્ધાવાદી નહિ, આ યોગનું ચક્ષુ ખૂલેલું નહિ. ત્યારે મને સવાલ થાય કે આટલો નાનકડો સવાલ અને ભગવાન ગૌતમ જવાબ આપતાં નથી! એ કહે છે પ્રભુને પૂછીને પછી જવાબ આપું. એ ભગવાન ગૌતમની મનોદશા મને સમજાયેલી નહી. પણ પાછો અહંકારી માણસ ને એ વખતે… કોઈને પૂછું કેમ? પૂછું તો પછી મારા અહંકારનું શું થાય પાછું?! પણ આ યોગનું ચક્ષુ ખુલ્યું, શ્રદ્ધાવાદી તરીકે ભગવતી સૂત્ર વાંચ્યું. ત્યારે ખ્યાલ આવ્યો કે ગૌતમ સ્વામીની મનોદશા કઈ હતી…! એક નાનકડો સવાલ પૂછાયો, ભગવાન ગૌતમ જવાબ નથી આપતાં કેમ? અનંતજ્ઞાનીના સાનિધ્યમાં હું છું. તો હું મારી બુદ્ધિનો ઉપયોગ શા માટે કરું? હું કોના સાનિધ્યમાં છું? અનંતજ્ઞાનીના સાનિધ્યમાં. અને મારે મારી તુચ્છ બુદ્ધિનો ઉપયોગ કરવાનો! પ્રભુ મને ઉત્તર આપવા તૈયાર છે તો પ્રભુને શા માટે ન પૂછું? એટલે વહોરીને આવે, પાત્રા મુકે, ગોચરી આલોચે, પ્રભુ પાસે આવે, પ્રદક્ષિણા દે, વંદન કરે, પછી પૂછે ભયવં કિં તત્તમ્? પ્રભુ આ પ્રશ્ન? એનો જવાબ શું? બહુ મજાની વાત એ હતી કે પ્રભુની એકદમ નજીક ક્યારે જવાય? પ્રભુનું ઓરા ફિલ્ડ બહુ લંબાયેલું હોય છે. પણ છતાં પ્રભુના દેહની એકદમ નજીક જવાનું ક્યારે બને? આ પ્રશ્ન એ બહાનું બની ગયું. એટલે ગૌતમ સ્વામી પહેલાં પ્રશ્ન કર્તા ને thanks કહે છે, કે તારા કારણે હું પ્રભુના ચરણોમાં આવી શક્યો. આ શ્રદ્ધાવાદી બન્યા પછી આ વાત ખુલી. આપણે ત્યાં છે ને આયાહિણં, પયાહિણં એ પાઠ છે, જે સ્થાનકવાસી પરંપરામાં આજે બોલાય છે.
તો સદ્ગુરુને પ્રદક્ષિણા આપવાની, પ્રભુને પ્રદક્ષિણા આપવાની. પ્રદક્ષિણાનો મતલબ શું? બે મતલબ છે. પ્રભુ કેન્દ્રમાં છે, હું પરિઘમાં ચાલુ છું, આ એક વાત. બીજી વાત પ્રભુની સામે બેઠા છીએ, તો પ્રભુના દેહમાંથી સીધી જે ઓરા નીકળે છે, એ તો મને સ્પર્શે છે, પણ આ બાજુથી, પાછળથી, પેલી બાજુથી, જે ઉર્જા નીકળે છે, એનો પણ મારે સ્પર્શ કરવો છે. એટલે આમ ફરવાનું. શત્રુંજય ગિરિની પ્રદક્ષિણા પણ આના માટે છે, કે ઘેટી બાજુથી કે આ બાજુથી ગિરિરાજને હું ચઢ્યો, તો રેઈસ મને મળ્યા, પણ અનંત સિદ્ધોની એ ભૂમિ છે, એકેક- એંગલથી રેઈસ છૂટે છે. તો બધા જ એંગલના રેઈસ મારે લેવા છે. Photographer શું કરે? બધા જ એંગલથી ફોટો લે ને, એમ બધા જ એંગલ્સ માં રહેલા રેઈસને મારે પકડવા છે. કેટલી મજાની આપણી પરંપરાની વાતો છે.
તો ધ્યાન તમારા વ્યક્તિત્વને અસ્તિત્વમાં પલટે છે. તમારું અસ્તિત્વ, તમારું સ્વરૂપ તમને ગમી ગયું; વ્યક્તિત્વ છૂટી જશે. શરીરમાં રહેવા છતાં તમે દેહાધ્યાસથી પર હશો. ખંધક મુનિની ચામડી ઉતારવામાં આવી, દેહાધ્યાસથી પર છે. ગજસુકુમાલ મુનિના તાજા લોચ કરાયેલા મસ્તક પર ખેરના અંગારા મુકવામાં આવ્યા. શું થાય એ વખતે? એક સહેજ કોલસો સળગતો અડી જાય તો? આ ખેરના અંગારા! એની દાહકતા એટલી બધી, અને મગજનો આ sensitive portion સીધી જ ત્યાં આગળ અસર થાય. કેટલી પીડા થાય! પણ ગજસુકુમાલ મુનિને પીડાનો અનુભવ નહોતો.
એક વાત બહુ મજાની કહું, શરીરમાં પીડા છે માટે પીડાનો અનુભવ થાય છે એ વાત ખોટી છે. તમારો ઉપયોગ, તમારું મન ત્યાં જાય છે માટે પીડાનો બોધ થાય છે. ચાર ડીગ્રી તાવમાં શરીર સેકાય છે, body ache છે, હેડેક છે, રહેવાતું નથી, ટીકડી લીધી, અસર નથી. અને ત્યાં સમાચાર મળે, એક કરોડની લોટરી લાગી ગઈ છે. ઉપયોગ, મન એક કરોડમાં જાય, ૨૫ લાખનો બંગલો, ૫ લાખની કાર, ફલાણું, ફલાણું, ફલાણું, ઉપયોગ જે છે એક કરોડમાં ગયો, તો શરીરમાંથી ખેંચાઈ ગયો. એમ ગજસુકુમાલે પોતાનો જે દિવ્ય આનંદ છે, ત્યાં ઉપયોગ મૂકી દીધો. અને ત્યાં ઉપયોગ મૂકી દીધો, એટલે શરીરમાં ઉપયોગ છે જ નહિ.
હમણાં પણ આવી ઘટનાઓ ઘટી છે. આપણા દેશનું વિલીનીકરણ થયું, એ પહેલાં કાશીનું state મોટું state ગણાતું, કાશીના મહારાજા બહુ જ ધાર્મિક વૃત્તિના. પેટમાં દુઃખવામાં આવ્યું. ડોકટરોની પેનલ ભેગી થઇ, એપેન્ડીક્ષ છે એમ નક્કી થયું. મહારાજાને હોસ્પિટલમાં એડમીટ કર્યા. એમની પોતાની જ હોસ્પિટલ છે. અને એક સવારે ઓપરેશન થીયેટરમાં એમને લઇ જવામાં આવ્યા. થીયેટરમાં લઇ જવામાં આવ્યા પછી પહેલું જ એમને એનેસ્થેશિયા આપવાનું છે. બેભાન બનાવવા માટેની દવા. તો મહારાજાએ સ્પષ્ટ ના પાડી, હું બેભાન નહિ થાઉં. હું જાગૃત જ છું, અને જાગૃત જ રહેવાનો. બીજો કોઈ હોય ને ડોકટરો કહી દે સાલા ભાગી જા. તારું પેટ ચીરશું, એવી પીડા થશે કે તું સહન નહિ કરી શકે. પણ આ તો મહારાજા છે. ડોકટરો કહે સાહેબ અમને અમારી રીતે કરવા દો. આ તમારો વિષય નથી. ડોકટરોને સ્પષ્ટ કહ્યું, ઓપરેશન તમારે જે રીતે કરવાનું હોય, એ રીતે કરો, એમાં મને વાંધો નથી. પણ બેભાન તો હું નહિ જ થાઉં. હવે… ભગવદ્ગીતાનું પુસ્તક મંગાવ્યું, મહારાજાએ, સ્થિત પ્રજ્ઞ ચેપ્ટરનો અભ્યાસ કરવા માંડ્યા. થોડીવારમાં આંખો મીંચાઈ, પુસ્તક નીચે પડ્યું, ઓપરેશન ચાલુ થયું, ઓપરેશન પૂરું થયું, ટાંકા લેવાઈ ગયા. કે સાહેબ ઓપરેશન પૂરું થયું. એમ… તો ચાલો રૂમમાં કહે છે. ઉપયોગને પોતાની સ્થિતપ્રજ્ઞ દશામાં એમણે મોકલી દીધો.
તો ધ્યાન દ્વારા તમે તમારા ઉપયોગને તમારા શુદ્ધ અસ્તિત્વ સાથે જોડો છો. તો તમારું અસ્તિત્વ નિર્મળ, નિર્મળ છે. આ વ્યક્તિત્વ જે છે એમાં ગંદકી છે. ભલે મન શુદ્ધ બન્યું, હૃદય શુદ્ધ બન્યું, તો પણ અમુક ગંદકી તો રહેવાની જ છે. રાગ-દ્વેષ મારામાં પણ છે, અને રહેવાનો છે. હું વિતરાગ ન બનું, તેરમાં ગુણઠાણે ન જાઉં ત્યાં સુધી સુક્ષ્મ કક્ષાનો રાગ મારી પાસે રહેવાનો જ છે. પણ આંશિક રૂપે મને મારા સ્વરૂપનો બોધ જેમ-જેમ થતો જાય, તેમ-તેમ હું એમાં ઢળતો જાઉં. અને એ નક્કી કરું કે મારું સ્વરૂપ આ છે, આનંદઘનતા એ મારું સ્વરૂપ. નિર્મળ અસ્તિત્વ એ મારું સ્વરૂપ. અત્યારે પણ તમારું અસ્તિત્વ નિર્મળ છે. તમારા શુદ્ધ સ્વરૂપ ઉપર રાગ-દ્વેષ કોઈ અસર કરી શકતા નથી. કર્મનો ઉદય ખરો પણ ક્યાં સુધી? મન સુધી, ચિત્ત સુધી, લેશ્યા સુધી, તમારા શુદ્ધ સ્વરૂપમાં રાગનો કે દ્વેષનો ઉદય નથી. બસ તમારી ભૂલ એટલી જ છે કે મનમાં રાગ અને દ્વેષ છે. તમે મન જોડે દોસ્તી એવી કરી નાંખી છે, કે મનને તમે હું માની બેઠા છો. તમે મનની પેલે પારની ઘટના છો. પણ અત્યારે મન સાથે તમારા અસ્તિત્વની – અશુદ્ધ અસ્તિત્વની સાંઠ-ગાંઠ થાય છે.
તો જેમ-જેમ ધ્યાન થશે, તેમ આ સાંઠ-ગાંઠ અટકશે. તમારું નિર્મલ અસ્તિત્વ જે છે, એનો તમને ખ્યાલ આવશે, અને તમને થશે કે ધ્યાનમાં ગયો, અને એકદમ સમભાવની ધારા ચાલતી હતી. કેટલો બધો આનંદ હતો! તમે ઘણીવાર શું કરો ખબર છે? ગુનો બીજાનો હોય, ને સજા તમે ભોગવો. કરો આવું? કરો આવું તમે? બીજામાં દોષ છે. એ અહંકારી છે, રાગી છે. ને તમે બળો છો! એ અહંકારી છે, એ આવો છે, એ આવો છે, અલ્યા ગુનો એ કરે, સજા તમારે ભોગવવાની? પણ આ ક્યારે ખ્યાલ આવશે? સમભાવનો આનંદ આવશે, અને એ આનંદની અનુભૂતિ એવી ગાઢ બનશે, કે તમે પછી રાગમાં, દ્વેષમાં જઈ શકશો નહિ.
એટલે અધ્યાત્મ યોગ દ્વારા નિર્મળ મન આપણને મળ્યું. કારણ કે શુભ ચિંતન થયેલું, એ પછી ભાવના યોગમાં આપણે આવ્યા, ત્યારે મનને આપણે ભાવિત કર્યું, અને એના દ્વારા નિર્મળ હૃદય આપણને પ્રાપ્ત થયું. ધ્યાન દ્વારા આપણે આપણા અસ્તિત્વને મૂળ સ્વરૂપને સ્પર્શ્યા. અને એને કારણે શું થયું? આપણું અસ્તિત્વ નિર્મળ બન્યું.
તો નિર્મળ મન, નિર્મળ હૃદય, નિર્મળ અસ્તિત્વ આ ત્રણ ચરણો થયા, બાકીના બે ચરણો આવતી કાલે…
હમણાં જેનું સંઘાર્પણ થયું, એ અધ્યાત્મબિંદુ ગ્રંથ માટે, પૂજ્યપાદ જયઘોષસૂરિ દાદા કહેતાં, કે આ શ્વેતાંબરો નો સમયસાર છે. સમયસાર ગ્રંથ બહુ જ ઉચ્ચ કક્ષાનો છે. દિગંબરીય. પૂજ્યપાદશ્રીએ કહ્યું, કે શ્વેતાંબરો પાસે કોઈ સમયસાર હોય તો આ અધ્યાત્મ બિંદુ છે. એ અધ્યાત્મબિંદુ ઉપર, સ્વોપજ્ઞ ટીકા તો હતી જ, પણ એના ઉપર ગુજરાતી અનુવાદ નહોતો. કોરોના કાળમાં આચાર્ય ભાગ્યેશવિજયસૂરિ સુરતથી થોડે વેશ્વામાં એક સોસાયટીમાં રહેલા, ૧૦૦ એક સાધુ-સાધ્વીજી હતા, વાચનામાં આ ગ્રંથ પસંદ કર્યો. અને એ જ વખતે એમના મનમાં બીજ રોપાયું, કે આના ઉપર મારે અનુવાદ લખવો છે, એ લખાઈ ગયો, છપાઈ ગયો, અને આજે વિદ્વાનોના કરકમળમાં જવા માટે તૈયાર થઇ ગયો છે. Practical સાધના.