વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત
Subject : મૈત્રયોગી
સાધક એટલે શું? સાધકને શરીરની પ્રતિકૂળતાઓ જોડે કોઈ સંબંધ નથી. શરીર તૂટી જાય, તો પણ વાંધો નથી; છિન્ન ભિન્ન થઇ જાય, તો પણ વાંધો નથી. એને તો એક જ વાત છે કે મારું સાધના જગતમાં જે લક્ષ્યાંક છે, એ anyhow સિદ્ધ થવું જોઈએ.
શરૂઆતની ચાર દ્રષ્ટિ એ ભીતરના સૂર્યોદય પહેલાની દ્રષ્ટિઓ છે; સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરવા માટેના પગથિયાં છે. પાંચમી દ્રષ્ટિમાં અધ્યાત્મનો સૂર્યોદય; સમ્યગ્દર્શનની પ્રાપ્તિ. છઠ્ઠી દ્રષ્ટિએ સવારના દસ વાગ્યાનો પ્રકાશ. અને સાતમી અને આઠમી દ્રષ્ટિમાં બપોરના બાર વાગ્યાનો પ્રકાશ.
પહેલી મિત્રા દ્રષ્ટિમાં જે સાધક આવ્યો, એના માટે બહુ પ્યારું વિશેષણ અપાયું: મૈત્રયોગી. કોઈ પણ જીવ સંકટમાં હોય અને તમારી ચેતના મુખરિત બને; અંદરથી એક કરુણાનું ઝરણું વહેવાનું શરુ થાય. એ કરુણાનું જ development, એ મૈત્રીભાવ. કરુણામાં હું બીજાની દયા કરું છું એ ભાવ છે; જ્યારે મિત્રાદ્રષ્ટિમાં એ મારો મિત્ર છે એ ભાવ છે. અગણિત જન્મોના અહંકારનું અંધારું સહેજ છંટાવા લાગે, ત્યારે આ મૈત્રી પ્રગટે.
મૌન ધ્યાન સાધના શિબિર ૧૮ – શ્રી મણિલક્ષ્મી તીર્થ વાચના – ૧
તિબેટ ઉપર રાતોરાત ચીનનું આધિપત્ય છવાઈ ગયું, એ વખતે તિબેટના સર્વોચ્ચ ધર્મ ગુરુ દલાઈલામા ભારત આવી ગયા. થોડાક ભિક્ષુઓ તિબેટમાં રહી ગયેલા. ચીનના સત્તાવાળાઓએ એ બધા જ ભિક્ષુઓને પકડીને જેલમાં નાંખી દીધા! અપરાધ શું? અપરાધ કોઈ નહિ! તમે ભિક્ષુ છો ને..! માટે જેલમાં જતાં રહો! અઢાર વર્ષે ચીનનો બહુ મોટો રાજ્યોત્સવ આવ્યો; જેલના બધા કેદીઓને મુક્ત કરવામાં આવ્યા, એ વખતે આ બૌદ્ધ ભિક્ષુઓને પણ જેલમાંથી છોડવામાં આવ્યા.
એક ભિક્ષુ પોતાના ગુરુના ચરણોમાં વંદના સમર્પિત કરવા માટે તિબેટથી ભારત આવ્યો. ગુરુના ચરણોમાં પડ્યો, આંખમાંથી આંસુની ધાર વહે છે! સદ્ગુરુ અઢાર-અઢાર વર્ષ વીતી ગયા, તમારા દર્શનને..! આંખોમાંથી શ્રાવણ-ભાદરવો નીકળે છે, ગળે ડૂસકાં છે… ગુરુએ એને આશ્વાસન આપ્યું. પછી ગુરુએ પૂછ્યું કે અઢાર વર્ષના જેલવાસમાં સૌથી અઘરું શું હતું? અઘરું તો બહુ જ હતું! ખાવાનું પૂરતું ન મળે! Barracks એવી આપવામાં આવેલી, જ્યાં ધોળે દિવસે મચ્છર અને ડાંસ શરીરને પોલી ખાય! સહેજ ભૂલ થાય; અને જેલર ડંડો લઈને તૂટી પડે! ગુરુ કહે છે, અઢાર વર્ષની અંદર તને અઘરામાં અઘરું શું લાગ્યું?
સાધક એટલે શું? એનો ખ્યાલ તમને અહીંયા આવે… સાધકને શરીરની પ્રતિકુળતાઓ જોડે કોઈ સંબંધ નથી. એને તો એક જ વાત છે કે મારું જે લક્ષ્યાંક છે – સાધનાના જગતમાં, એ સિદ્ધ થવું જોઈએ! Any How! શરીર તૂટી જાય, તો પણ વાંધો નથી. શરીર છિન્ન-ભિન્ન થઇ જાય તો ય વાંધો નથી. લક્ષ્યાંક એક જ છે: મારે મારી સાધનાને ઘૂંટવી છે. અહીંયા હું આવ્યો છું, માત્ર અને માત્ર મારી સાધનાને ઘૂંટવા માટે.
એ વખતે એ ભિક્ષુએ કહ્યું, કે ગુરુદેવ! અઢાર વર્ષમાં અઘરામાં અઘરી બાબત એક જ હતી; અને એ બાબત એ હતી, કે એક ક્ષણ માટે પણ મને ચીનના સત્તાવાળાઓ ઉપર કે જેલના સત્તાવાળાઓ ઉપર તિરસ્કાર ન આવે! જે લોકો યાતનાઓની ઝડીઓ વરસાવે છે; એમના ઉપર સહેજ પણ તિરસ્કાર ન આવે, એ મારી સાધનાનું લક્ષ્યાંક હતું, અને એ મને અઘરું લાગતું હતું. ગુરુ તો face reading ના માસ્ટર! એનો ચહેરો જોયો; જોઇને નક્કી કર્યું કે આ માણસ અઘરી પરીક્ષામાંથી પણ pass થયેલો છે. ગુરુએ પૂછ્યું, result શું? ત્યારે એણે કહ્યું, ગુરુદેવ! પ્રભુની કૃપા! આપની કૃપા કે ૧૮ વર્ષમાં એક મિનિટ માટે, એક સેકંડ માટે કોઈના પ્રત્યે તિરસ્કાર નહોતો આવ્યો..!
વર્ષો પહેલાં આ ઘટના મેં વાંચેલી. જે દિવસે આ ઘટના મેં વાંચી. એ જ દિવસે એક નવા પુસ્તને લખવાનો પ્રારંભ કરવા હું જતો હતો; વિચારતો હતો કે શરૂઆત ક્યાંથી કરવી? અને ત્યાં આ ઘટના વાંચી, રોમાંચ ખડા થઇ ગયા! ૧૮-૧૮ વર્ષ સુધી યાતનાઓની ઝડીઓ વરસી..! અને છતાં એ ભિક્ષુને ચીનના સત્તાવાળાઓ ઉપર કે જેલના સત્તાવાળાઓ ઉપર સહેજ પણ તિરસ્કાર આવતો નથી! મેં નવા પુસ્તકનો પ્રારંભ આ જ ઘટનાથી શરૂ કર્યો, અને છેલ્લે લખ્યું કે પહેલી મિત્રા દ્રષ્ટિમાં આવેલો સાધક કેવો તો મજાનો હોય છે! મિત્રા દ્રષ્ટિમાં જે સાધક આવે છે, એના માટે એક પ્યારું વિશેષણ વાપરવામાં આવે છે: “મૈત્ર્ય યોગી.” પહેલી જ દ્રષ્ટિમાં તમે યોગી બની જાવ છો! પાંચમી દ્રષ્ટિએ અધ્યાત્મનો સૂર્યોદય, છટ્ઠી દ્રષ્ટિએ સવારના દસ વાગ્યાનો પ્રકાશ, અને સાતમી અને આઠમી દ્રષ્ટિમાં બપોરના બાર વાગ્યાનો પ્રકાશ.
શરૂઆતની ચાર દ્રષ્ટિ જે છે: એ ભીતરના સૂર્યોદયની પહેલાંની દ્રષ્ટિઓ છે. સમજો કે સવા છ વાગે સૂર્યોદય થાય છે, પાંચ વાગે તમે જાગ્યા, અંધારું છંટાવા લાગ્યું છે, પોહ ફાટવા આવ્યો છે, સહેજ – સહેજ પ્રકાશ આવવા માંડ્યો છે. સવા પાંચ વાગશે; અંધારું ઓછું થાય છે, પ્રકાશ વધે છે. સાડા પાંચે પ્રકાશ એથી પણ વધે છે. પોણા છ અને છ એ એથી પણ વધે છે. તો પાંચમી દ્રષ્ટિએ સૂર્યોદય; સમ્યગ્દર્શનની પ્રાપ્તિ. એ પહેલાંની દ્રષ્ટિઓ જે છે, એ સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરવા માટેના પગથિયાં છે.
યોગદ્રષ્ટિ સમુચ્ચયમાં ભગવાન હરીભદ્રાચાર્યએ એટલી તો મજાથી આ દ્રષ્ટિઓની પ્રસ્તુતિ કરી છે, કે તમે સાંભળો અને ચાલવા માંડશો. તમને થશે કે આમાં તો કંઈ અઘરું છે જ નહિ! અને મારો તો એક logo છે: it is so easy! It is easy, એમ હું નથી કહેતો; it is so easy…! બહુ જ સરળ છે!
તો પહેલી દ્રષ્ટિમાં સાધક ‘મૈત્ર્ય યોગી’ બને છે. એની આજુબાજુના આનુસાંગિક ગુણોની પણ ચર્ચા હરીભદ્રસૂરિ મ.સા. એ કરી છે. શરૂઆત ક્યાંથી થશે? મિત્રા દ્રષ્ટિની પણ આગળથી… જ્યારે અહંકારનું અંધારું સહેજ છંટાવા લાગશે. અહંકાર; દુનિયાનું કેન્દ્રબિંદુ હું જ છું.. અગણિત જન્મો સુધી તમે તમારી જાતને દુનિયાનું કેન્દ્રબિંદુ માનીને રહ્યા છો. એ અંધાર ઘેરી રાતમાં પહેલો જે પ્રકાશ પડે છે, એ પ્રકાશની વાત કરી: “दु:खितेषु दयात्यन्तम” શરૂઆત અહીંથી થાય છે.. કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ પ્રાણી સંકષ્ટ માં પડેલું હોય; તમારી ચેતના મુખરિત બને; એક કરૂણાનો ઝરો અંદરથી વહેવો શરૂ થઇ જાય. એ જે કરુણાભાવ હતો, એનું જ development- એ મૈત્રીભાવ. કરુણાભાવમાં હું બીજાની દયા કરું છું, એ ભાવ છે. મિત્રા દ્રષ્ટિમાં એ મારો મિત્ર છે!
રાજસ્થાન પાવાપુરીમાં કે.પી. સંઘવી ટ્રસ્ટે પાંજરાપોળ ખોલી. બહુ જ મોટા પાયા ઉપર એનો ઉદ્ઘાટન સમારોહ હતો. મારે ત્યાં જવાનું થયું. હું ગુજરાતથી રાજસ્થાનની સરહદમાં પહોંચ્યો, પા-પા કિલોમીટરે, અડધો-અડધો કિલોમીટરે હોર્ડીન્ગ આવ્યા કરે, ‘પાવાપુરી જીવદયા ધામ.’ પવાપુરી હું પહોંચ્યો. ઉદ્ઘાટન સમારોહમાં મેં એક વાત કહી, મેં કહ્યું, જીવદયા શબ્દનો અર્થ તમે શું કરો છો? જો તમે એવો અર્થ કરતાં હોવ, કે હું પ્રાણીઓની દયા કરું છું, તો એ વાત બરોબર નથી. આપણે દયા કરનારા કોણ?! આપણે માત્ર અને માત્ર પ્રેમ કરવાનો છે.! પ્રભુ ક્ષણે- ક્ષણે આપણી પર વરસી રહ્યા છે. એમનો પ્રેમ ક્ષણે-ક્ષણે આપણા ઉપર વરસી રહ્યો છે, એ પ્રેમને ઝીલવો છે અને એ પ્રેમને ઝીલીને એને વિસ્તૃત કરવો છે. પ્રભુનો પ્રેમ અગણિત જન્મોથી વહેતો આવ્યો છે, but we had no receptivity. એ અંધારઘેરા ખંડમાં – આપણા અતિતમાં, પ્રભુના પ્રેમને ઝીલવાની સજ્જતા આપણી પાસે નહોતી.
તો ધીરે-ધીરે બધી વાતો કરવી છે કે પ્રભુના પ્રેમને ઝીલવા માટેની receptivity કઈ, અને એ પ્રેમને ઝીલ્યા પછી બીજાઓને શી રીતે આપવું? તો શરૂઆત અહીંથી કરે છે: “दु:खितेषु दयात्यन्तम” કોઈને પણ તમે પીડામાં જોવો; તમારી આંખો આંસુથી ઉભરાઈ આવે. તમે એને કેટલા રૂપિયા આપો, એની જોડે કોઈ સંબંધ નથી; તમારી પાસે એના માટે તમારી આંખના આંસુ કેટલા છે?, એની જોડે સંબંધ છે. મારો મિત્ર! મારો ભાઈ! અને એ આટલા સંકષ્ટમાં છે! કેમ ચાલી શકે?
તો આપણે ધીરે ધીરે આ રીતે શરૂઆત કરવાની છે: દયા, એનું development, પ્રેમ. દયા વાસ્તવિક ક્યારે કહેવાય? પ્રેમ વાસ્તવિક ક્યારે? તમારા જીવાતા જીવનની વાતો હરીભદ્રસૂરિ મહારાજે યોગદ્રષ્ટિ સમુચ્ચયમાં લખી છે. તો પેલી સભામાં પૂછ્યું: કે જીવદયા શબ્દનો અર્થ તમે શું કરો છો? જીવો પરની દયા.. તો તમે ખોટા છો! તમે કોણ દયા કરવાવાળા? એટલે દયા કરવાવાળો ઉંચો! દયાને લેનાર નીચો! આ જ થયું ને? પ્રેમમાં ઉચ્ચતા-નિચ્ચતા નહિ રહે. પણ જ્યાં દયા આવી… મેં કહ્યું, પરંપરામાં શબ્દ છે, તો એ શબ્દને રાખવો હોય તો અર્થ એ કરી શકાય કે જીવો દ્વારા મારી દયા.
મેં જોયું છે, એ પ્રાણીઓની સેવા જે-જે લોકો કરતાં હતાં, એમને ડોક્ટર પાસે જવાની જરૂરત જ ન પડે. પ્રાણીઓ દ્વારા એમના ઉપર દયા થઇ ગઈ. પછી મેં ધીરેથી સુઝાવ આપ્યો કે ‘જીવ-મૈત્રી’ શબ્દ બહુ સરસ છે! ખાલી એક કે દોઢ દિવસ પાવાપુરી રોકાયો હું, પાછું ગુજરાતમાં જ આવવાનું હતું, સેંકડો હોર્ડીન્ગ ફરી ગયેલા, રાતોરાત! પાવાપુરી જીવ-મૈત્રી ધામ. ત્યાં તો એક દિવસમાં ફરી ગયા બોર્ડ; આપણે અહીંયા પણ બોર્ડ ફેરવવાના છે. તો આ જ લયમાં આપણે ધીરે ધીરે આગળ વધીશું.