Maun Dhyan Sadhana Shibir 01 – Vachana – 4

223 Views 41 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત

સાક્ષીભાવની સાધના ત્રિપદી

સંયોગ-વિમુક્તિ – પદાર્થો અને વ્યક્તિઓની દુનિયામાં રહેવા છતાં તમે એવા ઉદાસીનભાવે રહો છો કે જેથી બને એટલો ઓછો સંયોગ એમની જોડે રચાય. જો સંયોગ ઓછો રચાય, તો પાછળથી સ્મરણ પણ ઓછુ રહેશે.

દેહાધ્યાસ-વિમુક્તિ – દેહ રહે; દેહ પરનો પ્રેમ ન રહે. શરીર નીરોગી છે કે નહિ – એની જોડે સ્વસ્થતા ને કોઈ સંબંધ નથી. શરીરમાં ભલે રોગો હોય, શરીર કદાચ જવાનું હોય, તો ભલે જાય; તમે સ્વસ્થ હોવ.

અહં-વિમુક્તિ – અહં ભાવની શૂન્યતા. નિર્મળ આત્મ ચૈતન્ય એ જ હું – આ માન્યતા, આ અનુભૂતિ ત્યાં દ્રઢ થયેલી હોય છે. ધ્યાન દશામાં તમે ઊંડા ઊતરીને તમારા નિર્મળ ચૈતન્યનો અનુભવ કરો છો.

મૌન ધ્યાન સાધના શિબિર – ૦૧ (સાંજે) – વાચના – ૪

પ્રભુની સાધનાનું composition છે: સમર્પણ + સાક્ષીભાવ. પ્રભુએ ઉત્તરાધ્યયન સૂત્રના પહેલા અધ્યયનના પહેલા ગાથા સૂત્રમાં આ વાત કહી. કોઈ પણ વ્યક્તિ પૂછે કે પ્રભુની સાધનાનું composition શું… સાક્ષીભાવ + સમર્પણ – આ પ્રભુની સાધનાનું composition. संजोगा विप्पमुक्कस्स, अणगारस्स भिक्खुणो। विणयं पाउकरिस्सामि, आणुपुव्विं सुणेह मे ।। સમર્પણની ત્રિપદી આપણે જોઈ રહ્યા છીએ. અને સાક્ષીભાવની ત્રિપદી આપણે જોવાની છે. સમર્પણની ત્રિપદીમાં શરણ સ્વીકાર, દુષ્કૃત ગર્હા, અને સુકૃત અનુમોદના હતી.

પંચસૂત્રના બહુ જ પ્યારા શબ્દો છે. “હોઉ મે એસા અણુમોઅણા, જિણાણં મણુભાવઓ” આ અનુમોદના ધર્મ પ્રભુની કૃપાથી મને મળો. બહુ જ અઘરું છે… અનુમોદના ધર્મ. કારણ? બીજાએ કરેલી સાધનાની જ્યારે તમે અનુમોદના કરો છો, શબ્દોથી પ્રશંસા કરો છો, ત્યારે તમારા અહંકારને બાજુમાં જવું પડે છે. અત્યાર સુધી સાધનાની વાતમાં પણ તમે માત્ર તમે કરેલી સાધનાને high lights આપેલી છે. અનુમોદના ધર્મ દુષ્કર છે. અને એટલે કહ્યું, હોઉ મે એસા અણુમોયણા – પ્રભુ તારી કૃપાથી મને આ અનુમોદના ધર્મ મળો. અને એ પછી તો ગજબની વાત કરી – “હોઉ મે એસા સુપત્થણા” તારી કૃપાથી અનુમોદના ધર્મ મળો એ પ્રાર્થના મેં કરી. પણ એ પ્રાર્થના પણ તારી કૃપાથી હું કરી શક્યો.

લલિત વિસ્તરાની પંજિકામાં એક બહુ પ્યારી વાત આવે – એક પણ શુભ ભાવ તમારા મનમાં આવે, એક પણ શુભ વિચાર તમારા મનમાં આવે, માનજો પ્રભુએ એ વિચાર, એ ભાવ તમને આપ્યો છે. ત્યાં લખ્યું – “એકોSપિ શુભો ભાવ:, તીર્થકર પ્રદત્ત: એવ” એક પણ સારો વિચાર આવે તમારી માલીકીયત કરીને બેસી નહિ જતા હો… મને આ ભાવ આવ્યો… પ્રભુએ શાસન સ્થાપ્યું. ગણધર ભગવંતોએ દ્વાદશાંગી રચી. અને એ દ્વાદશાંગીમાંથી બધા જ શુભ વિચારો વહ્યા, એટલે મને કે તમને આવતાં શુભ વિચારની માલીકીયત પ્રભુની છે. તો અનુમોદના પ્રભુ તારી કૃપાથી મળો, એ પ્રાર્થના પણ તારી કૃપાથી થશે. તો એક રીતે અનુમોદના દુષ્કર પણ થઇ. અને બીજી બાજુ સુકર થઇ ગઈ. પ્રભુની કૃપા- અનુમોદના કર્યા જ કરો.

બીજી એક મજાની વાત – કરણને અને કરાવણને એક મર્યાદા છે. અનુમોદના ને કોઈ સીમા નથી. તમે સાધના એક દિવસમાં કરી – કરીને કેટલી કરો…. રાત્રિ – દિવસનો પૌષધ લઇ લો… ચૌવિહારો ઉપવાસ કરી લો… તમે ઉપધાન કરાવો… ૫૦૦ – ૧૦૦૦ સાધકોને તો તમે સાધનાને કરાવવામાં પણ નિમિત્ત રૂપ બનો. પણ કરણને અને કરાવણને limitations છે. Anumodna has no limitations. મહાવિદેહમાં રહેલા કરોડો – કરોડો મુનિ ભગવંતોની, કરોડો સાધ્વીજી ભગવતીઓની સંયમ સાધનાની અનુમોદના એક ક્ષણમાં આપણે કરી શકીએ છીએ.

તો અનુમોદના ધર્મ દુષ્કર જરૂર… આપણે કરવા જઈએ ત્યારે… અને આ નિયમ તો દરેક સાધનાને લાગશે. હું વિચાર કરું કે મારે દીક્ષા લેવી છે. દુષ્કર…. પણ એની કૃપા થઇ જાય હું એના માર્ગ પર આવી ગયો. ક્યારે પણ એમ કહેતાં નહિ કે દીક્ષાની રજા નહોતી મળતી, પછી સંબંધીઓ માનતા નહોતા. સ્વજનોની અનુમતિ નહોતી. મેં છ વિગઈનો ત્યાગ કર્યો, મેં આમ કર્યું અને હું દીક્ષા માર્ગે આવ્યો. ક્યારે પણ આવું નહિ કહેતાં. પ્રભુની કૃપા થઇ અને આપણે બધા અહીંયા આવી ગયા. એક એની કૃપા; સાધના easiest.

તો આખી જ પંચસૂત્રની સાધના ત્રિપદીનો ઝોક સમર્પણ પર હતો. જે ક્ષણે તમે પ્રભુને, સદ્ગુરુને સમર્પિત થઇ ગયા. Then you have not to do anything absolutely. પછી તમારે શું કરવું છે… તમારા માટેની appropriate સાધના સદ્ગુરુ તમને આપશે. એ સાધનાને કેમ ઘૂંટવાની એ પણ સદ્ગુરુ તમને સમજાવશે. એ સાધનાને develop કરવા માટેનું appropriate atmosphere પણ સદ્ગુરુ આપશે. સદ્ગુરુનું aura field, સદ્ગુરુનું ઉપનિષદ. એ શું છે… સદ્ગુરુ એ તમારી સાધનાને develop કરવા માટેનું એક appropriate atmosphere છે.

હું ઘણીવાર કહેતો હોઉં છું – રેલ્વેના એક compartment માં એક બલ્બ પર એક માખી હોય છે. ગાડી ચાલી રહી છે. તો ગાડીની ભીતરનું અવકાશ પણ ચાલી રહ્યું છે. હવે એ ગાડીને ચાલ્યા જ કરવું છે. માખીને એક berth થી બીજી berth ઉપર જવું છે. ત્રણ મીટરનો ફાસલો છે. એ અવકાશમાં ઉડશે.. પણ અવકાશ પણ ગતિમાન છે. ગાડી ગતિમાન તો ગાડીની અંદરનું અવકાશ પણ ગતિમાન છે. માખી ૩ મીટરની journey કરે, ત્યાં સુધીમાં ડબ્બો, ૩૦ મીટર ખસકી ગયો છે. તો માખીને પોતાની નાનકડી journey તો મળશે, ઉપરાંત ડબ્બાની journey પણ મળી જશે. ડબ્બાનો વેગ, એ compartment નો વેગ એને મળી જશે. આ જ વાત આપણે ત્યાં છે.

સદ્ગુરુના ઉપનિષદમાં તમે બેઠા, એ ઉપનિષદ તમારી સાધનાને uplifted કરી દેશે. સ્થૂલભદ્રજી ગુરુની પાસે આવ્યા. ગુરુએ શક્તિપાત કર્યો. અને સ્થૂલભદ્રજીની સાધનાને એકદમ uplifted કરી દીધી. મારા જેવો ગુરુ કે બીજા કોઈ સદ્ગુરુ સ્થૂલભદ્રજીની bio – data સાંભળે તો એને દીક્ષા આપી શકે…?! જે માણસ વેશ્યાને ત્યાં પડ્યો અને પાથર્યો રહેનારો હતો, એનો સગો બાપ મરવા પડ્યો, તો પણ કહે છે કે બાપા માંદા પડ્યા તો વૈદ્યને બોલાવો. મારું શું કામ છે. એ માણસ ગુરુની પાસે આવે છે. અને ગુરુને કહે છે – મને દીક્ષા આપો. સદ્ગુરુએ એટલું જ જોયું છે કે એ શક્તિપાત ઝીલી શકે એમ છે. કરેમિ ભંતે આપ્યો. શક્તિપાત થઇ ગયો. અને આપણને ખ્યાલ છે પહેલાના સ્થૂલભદ્રજી ક્યાં, પછીના સ્થૂલભદ્રજી ક્યાં… એક સદ્ગુરુનો શક્તિપાત, એક સદ્ગુરુનું ઉપનિષદ, તમારી સાધનાને ઉચકી લે… એ સાધનાને કેમ ઘૂંટવી. એ પણ તમને સદ્ગુરુ સમજાવે. ધન્ના મુનિ અને શાલીભદ્ર મુનિને આ જ સાધના ઘૂંટવા માટે ગુરુએ વૈભારગિરિ ની ગુફામાં મોકલેલા.

સાધનાને કેમ ઘૂંટવી એ પણ સદ્ગુરુ સમજાવે. એ સાધનાને ઉચકવા માટેનું વાતાવરણ સદ્ગુરુ આપે. અને તમારી સાધનામાં ક્યાંક અવરોધ આવ્યો, તો અવરોધને હટાવાનું કામ પણ સદ્ગુરુ કરે. એટલે જ મેં ગઈ કાલે કહેલું કે you have the back seat journey. કારની પાછળની સીટમાં આરામથી બેસી જાઓ… ગાડી મંઝિલે પહોચી જાય. સાધના easiest છે. જે – જે લોકો, જે – જે સાધકો સાધનાના શિખર ઉપર પહોંચ્યા; એ બધાનું statement એક જ હતું: વાહ! it was so easy. આટલું બધું આ સરળ હતું. was it so easy? આટલું બધું સરળ! એક સમર્પણ આવી ગયું, then you have not to do anything absolutely.

હોસ્પિટલમાં તમે admit થયા, તમારે bed પર આરામ કરવાનો છે. જે પણ કરવાનું છે એ ત્યાંના મેડીકલ તંત્રે કરવાનું છે. તમારે કાંઈ જ કરવાનું નથી. એ જ વાત અહીંયા છે. તો આખી જ પંચસૂત્રની સાધના ત્રિપદીનો ઝોક સમર્પણ નો હતો.

ઉત્તરાધ્યયન સૂત્રમાં પ્રભુએ સાક્ષીભાવની ત્રિપદી આપી. સંયોગ વિમુક્તિ. દેહાધ્યાસ વિમુક્તિ, અને અહં વિમુક્તિ.

આ ત્રણ ચરણો પ્રભુએ સાક્ષીભાવના આપ્યા. પહેલું ચરણ પદાર્થોની દુનિયામાં તમે રહો છો, વ્યક્તિઓની દુનિયામાં તમે રહો છો, તમારી પાસે થોડો સાક્ષીભાવ આવી જાય. તમે બધાથી અપ્રભાવિત હોવ. અમે પણ તમારી દુનિયામાં જ રહીએ છીએ હો… ફરક એટલો જ છે… અમે પ્રભુથી, પ્રભુ શાસનથી એ હદે પ્રભાવિત બની ગયા છીએ… કે હવે દુનિયાની કોઈ વ્યક્તિ, દુનિયાનો કોઈ પદાર્થ અમને પ્રભાવિત ન કરી શકે. કેટલી મજા આવે બોલો… એટલે તો વારંવાર મારા પ્રવચનમાં હું પૂછતો હોઉં છું કે અમારા આનંદની તમને ઈર્ષ્યા આવે છે…? ever green, ever fresh છીએ. આ અમારો આનંદ ગમી ગયો તમને…? ગમી ગયો તો એનું કારણ આ…. અમે પદાર્થોથી, વ્યક્તિઓથી અપ્રભાવિત છીએ.

દેવચંદ્રજી મ.સા.ના જીવનમાં એક ઘટના ઘટે છે. સૌધર્મેન્દ્ર મહાવિદેહમાં સીમંધર દાદા પાસે ગયા, સૌધર્મેન્દ્ર એ પ્રભુને પૂછ્યું કે પ્રભુ! ભરતક્ષેત્રમાં અત્યારે શ્રેષ્ઠ જ્ઞાની પુરુષ કોણ? સીમંધર દાદાએ કહ્યું કે અત્યારે દેવચંદ્રજી જ્ઞાનીમાં જ્ઞાની પુરુષ. સૌધર્મેન્દ્ર ને થયું કે આવા જ્ઞાની પુરુષના, આવા સાધક પુરુષના ચરણોમાં વંદના કરવા મારે જવું જોઈએ. ઇન્દ્ર દેવચંદ્રજી મ.સા પાસે આવે છે. બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને આવે છે. એ વખતે સાહેબ પ્રવચન આપી રહ્યા છે. સભાને છેડે ઇન્દ્ર આવીને બેસી ગયા. આ પ્રભુની સભા, ધર્મસભા. અહીંયા તમારા કરોડ રૂપિયાને બહાર ખંખેરીને આવવાના. અબજોપતિ તમે હોવ તો એ તમારા અબજો રૂપિયાને બહાર ખંખેરીને આવવાના. અહીંયા તમે માત્ર ને માત્ર સાધક તરીકે આવો છો. ઇન્દ્ર સભામાં ઠેક પાછળ બેસી ગયા. દેવચંદ્રજી મહારાજને પોતાના જ્ઞાનથી ખ્યાલ આવી ગયો કે સૌધર્મેન્દ્ર આવ્યા. પણ પ્રભુથી એ હદે એ ગુરુદેવ પ્રભાવિત બનેલા હતા, કે બીજા કોઈથી પ્રભાવિત થવાનું હતું નહિ. ૨ વાત છે. પ્રભુથી જે પ્રભાવિત બની ગયો. પ્રભુ શાસનથી જે પ્રભાવિત બની ગયો, એ બીજાથી પ્રભાવિત પણ ન થાય, અને બીજાને પ્રભાવિત કરવાની ઈચ્છા પણ ન કરે.

તમે આવ્યા છો, સાધના તમને આપવી એ અમારું કર્તવ્ય છે. કર્તવ્ય પણ કેમ? પ્રભુની આજ્ઞા છે માટે… પ્રભુએ કહ્યું યશોવિજય તારી પાસે જે સિદ્ધિ છે એને તારે બીજાને આપવાની છે. હું બોલું છું, મારા પ્રભુની આજ્ઞાને કારણે… તો પ્રભુથી જે પ્રભાવિત બન્યો એ કોઇથી પ્રભાવિત થાય નહિ, અને કોઈને પ્રભાવિત કરવાની ઈચ્છા ન રાખે. એક જ લક્ષ્ય છે માત્ર ભીતર ઉતરવાનું.

એવો તો આનંદ આવે છે તમે કદાચ પૂછો ને કે સાહેબ તમારી પાસે કેવો આનંદ…? તો મારે કહેવું પડે… beyond the words. Beyond the expectation. શબ્દોને પેલે પારની આ ઘટના છે. આપણી દુનિયામાં – તમારી દુનિયામાં એવા શબ્દો નથી કે જે શબ્દોમાં હું આનંદની વ્યાખ્યા કરી શકું. ભીતરનો આનંદ beyond the words. પણ હા I can’t say it. But you can experience it. હું એને કહી ન શકું પણ તમે એને અનુભવી જરૂર શકો. કબીરજીએ કહ્યું, આ અનુભવની વાત કરતાં “ગૂંગે કેરી સરકરા” એ કહે મૂંગો માણસ હોય, અને એણે સાકર ખાધી, તમે એને પૂછો કે સાકર કેવી લાગી..? એની પાસે શબ્દો જ નથી. શું કહે… એ એના ચહેરાના હાવ – ભાવ પરથી દેખાડશે કે બહુ મજા આવી.. બહુ મજા આવી… બહુ મજા આવી…

અમારી પાસે એ આનંદ છે. અને એક વાત નક્કી છે આનંદ માત્ર ને માત્ર મારી અને તમારી ભીતર છે. બહાર જે છે એને આપણે રતિભાવ કહીએ છીએ. રતિ અને અરતિનું એક સર્કલ તમારી પાસે છે. સહેજ મનગમતું થયું; રતિભાવ ભીતર છલકાયો. અણગમતું થયું; અરતિભાવ છલકાયો. એ રતિ અને અરતિના ચક્કરને આપણે તોડી નાંખવાનો છે અને આનંદને પામવાનો છે. આનંદને ભલે પામી ન શકો અત્યારે… પણ એ આનંદને પામવાની ઝંખના તમારી ભીતર રોપાય ને હું માનું કે મારો આ પરિશ્રમ સાર્થક. તમારા મનમાં નક્કી થઇ જાય કે મેળવવા જેવું તો આ જ છે.

ઇન્દ્ર ત્યાં બેઠેલા છે. દેવચંદ્રજી મહારાજ જે રીતે પ્રવચન કરી રહ્યા છે, એ જ રીતે પ્રવચન કરી રહ્યા છે. ઇન્દ્ર આવેલ છે તો એને પ્રભાવિત કરું કોઈ વાત નથી. તો સાક્ષીભાવનું પહેલું ચરણ આ છે. જ્યાં પદાર્થોની દુનિયાથી, વ્યક્તિઓની દુનિયાથી તમે બિલકુલ બેખબર હોય. અષ્ટાવક્ર ઋષિએ કહ્યું, “સમ: સર્વત્ર વૈતૃષ્ણાત્ ન સ્મરતિ કૃતમત્કૃતં” કેટલી તો ઉદાસીનદશા એની પાસે છે કે પા કલાક પહેલા ખાધેલું હોય, એને યાદ નથી કે મેં ખાધું કે ન ખાધું… ખાધું તો શું ખાધું… એ પણ એને યાદ નથી. તમે બહારની દુનિયાથી જેટલા બેખબર બનો, એટલા જ તમારી ભીતરની દુનિયામાં તમે ડૂબશો.

 Living with the Himalayan masters હમણાંનું best seller પુસ્તક છે. સ્વામી રામે લખ્યું છે. એમાં સ્વામી રામ એક પ્રસંગ લખે છે. એકવાર સ્વામી રામ એક શ્રેષ્ઠ યોગી સાથે હતા. કારણ કે જેટલા વધુ યોગીઓને મળો, એટલી તમારી યોગની દિશા વધુ ખુલે. તો સ્વામી રામ એ યોગીની જોડે છે. યોગી પરની દુનિયાથી બિલકુલ બેખબર બનેલા છે. ૧૨ વાગે એક ભક્ત આવ્યો. યોગી બહુ જ નામાંકિત છે. હજારો લોકોની શ્રદ્ધા એમના ઉપર છે. ૧૨ વાગે એક ભક્ત આવ્યો, પરોઠા, શાક, મીઠાઈ બધું લઈને… યોગીએ ભીજન કર્યું, અડધો કલાક થયો હશે. બીજો ભક્ત આવ્યો… એ બાબા યે પ્રસાદ હૈ… ગુલાબજાંબુ… થોડી કૃપા કરો…. યોગીએ ગુલાબજાંબુ પણ લઇ લીધા. ફરી અડધો કલાક થયો, ત્રીજો એક ભક્ત આવ્યો બાબા યે પ્રસાદ કૃપા કરો થોડી.. રસગુલ્લે હૈ… એ વખતે સ્વામી રામ એ યોગીને કહે છે… બાબા આપકા ભોજન તો ૧૨ બજે હો ગયા. ફિર આપને આધે ઘટે કે બાદ ગુલાબજાંબુ ભી લે લિયે… અહા અચ્છા એસા… કેવા હશે વિચાર તો કરો..! નસ્મરતિ કૃતમત્કૃતં કારણ એ ક્રિયા થઇ ત્યારે સંબંધ રચાતો નથી. તો પાછળથી ખ્યાલ ક્યાંથી આવે. આ એક બહુ મજાનું ગણિત. જે ક્ષણે જે ઘટના ઘટે છે, એ ઘટનામાં તમે હાજર છો. તો જરૂર પાછળથી તમે એનું સ્મરણ કરી શકો. પણ ઘટના શરીરના સ્તર પર ઘટી રહી છે. તમારું ભીતરી સ્તર છે. તમે ભીતર ડૂબેલા છો. એ ઘટના શરીરના સ્તર પર ઘટે છે. તમે એ વખતે એ ઘટનામાં હાજર નથી. તો પાછળથી સ્મરણ કોણ કરે?

પ્રભુની સાધનામાં આ જ વાત છે: અનાર્ય દેશમાં પ્રભુ પધાર્યા. લોકો શિકારી કુતરા પાછળ છોડે… જે પ્રભુની પિંડીમાંથી માંસના લોચેલોચા કાઢી નાંખે. પ્રભુ આગળ પધારે જંગલમાં, પ્રભુને કાર્યોત્સર્ગ ધ્યાનમાં રહેવું છે. ત્યાં આચારાંગ સૂત્રમાં શિષ્ય ગુરુને પૂછે છે… કે આટલી મોટી ઘટના પ્રભુના શરીર ઉપર ઘટી ગઈ, પ્રભુ કાર્યોત્સર્ગ ધ્યાનમાં જવા માટે તૈયાર થયા છે. એ વખતે આ ઘટનાનું સ્મરણ પ્રભુને હોય કે નહિ…? સુધર્મા સ્વામી ભગવાન કહે છે કે એ ઘટનાનું સ્મરણ પ્રભુને ન હોય. શિષ્યને નવાઈ લાગઈ .. કેમ ન હોય… અમને તો કોકે કંઈક કહ્યું હોય તો અડધો કલાક સુધી યાદ રહે. આટલી મોટી ઘટના શરીર ઉપર ઘટી અને પ્રભુને યાદ નથી! જવાબ એટલો સરસ અપાયો કે જે ક્ષણે ઘટના ઘટી એ વખતે પ્રભુ હાજર જ નહોતા તો પાછળથી સ્મરણ કોણ કરે!

અત્યારે એવા મુનિવરો છે જેમને પૂછો વાપર્યા પછી, શું વાપર્યું…? તો એ કહેશે કે મને ખ્યાલ નથી. અમારા ત્યાં મહાત્મા પીરસતાં હોય, એ જે વહેંચતા હોય ગોચરી.. એમણે જે પાત્રામાં મુક્યું એ મેં વાપરી લીધું પણ મને ખ્યાલ નથી કે ખરેખર મેં શું વાપર્યું. આ સાક્ષીભાવનું પહેલું ચરણ. સંયોગ વિમુક્તિ.

હું ઘણીવાર કહું છું કે પ્રારંભિક સાધકની સંયોગ મુક્તિ કેવી હોય, અને ઉચકાયેલા સાધકની સંયોગ વિપ્રમુક્તિ કેવી હોય. પ્રારંભિક સાધક હોય એ સંયોગોથી છૂટો પડ્યો, પદાર્થો અને વ્યક્તિઓના સંયોગથી છૂટો પડ્યો, પણ એની મનોદશા કેવી હોય. સાદા દર્પણ જેવી.. આ તમારા બધાની વાત છે… હો… તમારા બધાની.. અત્યારે તમારી મનોદશા કેવી હોય… સાદા દર્પણ જેવી… સાદું દર્પણ કેવું હોય.. સામે જે હોય એનું પ્રતિબિંબ પડે. એ વસ્તુ જાય એટલે દર્પણ કોરું કટ. સામે કોલસો હતો એનું પ્રતિબિંબ પડશે, પણ દર્પણમાં ડાઘ પડશે ખરો..? દર્પણમાં ડાઘ પડે…? કોલસો સામે છે; પ્રતિબિંબ ઉપસાયુ… કોલસો ગયો; પ્રતિબિંબ ગયું. દર્પણ ચોખ્ખું. હીરો મુક્યો સામે; હીરાનું પ્રતિબિંબ ઉપસાયું, હીરો લઇ લીધો, દર્પણ કોરું કટ…

એમ પ્રારંભિક કક્ષાનો મુનિ કે સાધ્વી અથવા સાધક કેવા હોય…

એની સામે કોઈ આવ્યું તો ખબર છે કોઈ આવી ગયું… કોઈ કરોડોપતિ આવ્યો હોય, પણ અહીંયા તો ભક્ત તરીકે જ આવેલો છે. આવ્યો ખ્યાલ આવે કોક આવ્યું. ગયો દર્પણ કોરું કટ. પાછળથી યાદ પણ નથી આવતું કોઈક આવ્યુ હતું. પૂછે ફલાણા ભાઈ આવ્યા હતા… ભાઈ આવ્યા હતા કે નહિ મને કંઈ ખબર નથી. અહીંયા તો ઘણા બધા લોકો આવે છે. આ પ્રારંભિક સાધકની મનોદશા. ઉચકાયેલો સાધક હોય એની મનોદશા કેવી હોય, જાદુઈ દર્પણ જેવી… કે એ દર્પણની સામે કોઈ પણ વસ્તુ મુકો એ પ્રતિબિંબ કોઈનું પાડે જ નહિ.

કલાપૂર્ણ સૂરિ દાદા હતા… સાહેબને પીધા તા, પીધેલા… સાંભળેલા નહિ. તમે પ્રવચન સાંભળતા હોવ છો. સાંભળો નહિ; પીવો. મેં સવારે કહેલું સદ્ગુરુ તો બોલતા નથી, પ્રભુ બોલે છે, પ્રભુને પીવો. પીશો તો શું થશે.

એક શરાબી માયખાના માંથી ચકાચક પી ને નીકળે, એની લડખડાતી ચાલ જોઈએ; આપણે પૂછવું ન પડે કે ભઈલા કેટલો પીધો છે. તો પ્રભુને પીવો. કલાપૂર્ણસૂરિ દાદા તો પ્રભુમય અસ્તિત્વ હતું. ૨૪ કલાક પ્રભુમય જ એ હતા. એમને સાંભળેલા, પીધેલા, એમના ઉપનિષદમાં બેસવાનું થયેલું. હજાર માણસ સામે હોય, સાહેબ બોલી રહ્યા હોય, એમના મનમાં, એમના જાદુઈ દર્પણમાં એક પણ વ્યક્તિનું પ્રતિબિબ પડતું નહોતું. કોઈને પ્રભાવિત એમને કરવા નહોતા. એમની સામે માત્ર ને માત્ર પ્રભુ હતા. તો આ જાદુઈ દર્પણ જેમાં સામે રહેલનું પ્રતિબિંબ અંદર પડતું નથી. તો સાક્ષીભાવનું આ પહેલું ચરણ. કે પદાર્થો અને વ્યક્તિઓની દુનિયામાં રહેવા છતાં તમે એવા ઉદાસીનભાવે રહો… કે બને એટલો સંયોગ એમની જોડે ઓછો થાય. અને સંપર્ક ઓછો રચાય તો પાછળથી સ્મરણ પણ ઓછુ રહેશે.

Over ૫૦, કે ઓવર ૬૦ જે લોકો હોય એ લોકો નક્કી કરી શકે… કે સંબંધો એટલા ઓછા કરી દેવા છે. મોબાઈલને ફેંકી દેવાનો. બોલો ૨ દિવસ ફેંક્યો કેટલી મજા આવી… આવી મજા…? મૌનમાં મજા આવી આમ… આ તો ૨ જ દિવસ થયા ને.. અઠવાડિયું દસ દિવસ તમે મૌનમાં રહો ને પછી બોલવાનું ભારે પડી જાય, બોલવાની ઈચ્છા ન થાય. એ હદે મૌન ગમી જાય. તો જેમ જેમ તમે આગળ વધો વયમાં એમ સંબંધોને ઓછા કરતાં જાવ. સંબંધોના સમીકરણોને બદલતાં જાવ. આપણે ત્યાં કેટલી સરસ વ્યવસ્થા છે. તમે નિર્વૃત્ત થઇ ગયા, આટલા સરસ બધાના ધર્મસ્થાનકો. ૧૨ મહિના સદ્ગુરુઓ અહીંયા પધારતા હોય, તમે આવો, સત્સંગ કરો, સામાયિક કરો, સ્વાધ્યાય અહીંયા કરો… કેટલો આનંદ આવે… તો સાક્ષીભાવનું પહેલું ચરણ પદાર્થો અને વ્યક્તિઓની દુનિયામાં રહેવું પડે તો પણ જેટલો બને એટલો સંપર્ક ઓછો કરવો.

ઇઝરાયલમાં એમનો એક વાર્ષિક દિવસ આવે છે જેને એ લોકો સબાથ કહે છે. એ સબાથના દિવસે આખો દેશ યહૂદી છે તો ટી.વી. સ્ટેશનો બંધ, બધા જ રેડિયો ચુપ, કોઈ ઘરમાંથી બહાર ન નીકળે. અને માત્ર ઘરમાં મૌન રહી અને ઈશ્વરની ઉપાસના કરે. રાષ્ટ્રીય તહેવાર… અને એ તહેવારમાં વાત એક જ ભીતર જાવ, ભીતર જાવ. ભીતર જાવ… શબ્દોને છોડો. બધા જ સંપર્કોને છોડો. તમારી અંદર જાવ…

સાક્ષીભાવનું બીજું ચરણ છે: દેહાધ્યાસ મુક્તિ. મૂળ શબ્દ છે અનગાર. અગાર એટલે ઘર પણ થાય. આ પણ ઘર જ છે ને.. આ શું છે.. તમારા નિર્મલ ચૈતન્યને રહેવાનું ઘર…

સંત રવિદાસને એક સાધકે પૂછ્યું કે સદ્ગુરુની પહેચાન શું? સદ્ગુરુની પહેચાન શું… “ઘર મેં ઘર દિખલાઈ દે, વો સદ્ગુરુ હમાર” કેટલી મઝાની વ્યાખ્યા આપી. “ઘર મેં ઘર દિખલાઈ દે, વો સદ્ગુરુ હમાર” આ ઘરમાં રહેલા વાસ્તવિક ઘરને, નિર્મલ ચૈતન્યને ચૈતન્યને જે બતાવી આપે, જે ઓળખાવી આપે, એ સદ્ગુરુ. સદ્ગુરુનું એક જ કામ છે, તમારા નિર્મલ ચૈતન્ય સુધી તમને લઇ જાય. કોશિશ અમારી એ હોય છે કે તમારી ભાષા ફરી જાય, તમારા વિચારો ફરી જાય, અડધી રાત્રે જગાડે.. કોણ… તું  મગન, હું છગન… અરે તું મગન નથી. મગન તો આનું નામ છે. તું નિર્મલ ચૈતન્ય છે. એમ બોલ .

રમણ મહર્ષિ કહેતાં કે ડુંગળીનો દડો કોઈના હાથમાં હોય, એમાં ડુંગળી શું છે…? ઉપર તો એક ફોતરું જ છે. ફોતરું કાઢ્યું, બીજું ફોતરું, ત્રીજું ફોતરું… એમ એ સાધના આપતાં- હું કોણ..? તો તમે ફોતરાંને ઉખાડતાં જાવ, શરીર એ તમે છો? No, you are bodyless experience. you are bodyless experience. નામ તમે છો? ના, નામ તો સમાજે આપ્યું છે. ઓળખાણ માટે, વ્યવસ્થા માટે.. અને એ એ નામ વાળા તમે હોસ્પિટલમાં જાવ તો નંબરમાં ફેરવાઈ જાય, પેશન્ટ નંબર ૪૭… નામ ગયું… નામ કે નંબર વ્યવસ્થાનો હિસાબ છે. you are the nameless experience.

એક સાધક હતો એનું નામ હતું જોતાન… ગુરુ પાસે થોડા દિવસ રહેલો… ગુરુએ એને સમજાવેલું તું કોણ છે… તું શરીર નથી, તું નામ નથી, તું મન નથી. you are bodyless experience. you are nameless experience. you are mindless experience. બધું સમજાવેલું… એ ગયો ૨ વર્ષે પાછો આવ્યો. ગુરુ બરોબર ઓળખે છે એને.. અને ગુરુએ પૂછ્યું તું કોણ… ગુરુ એનું નામ નથી પૂછતાં, તું કોણ પૂછે છે… એ કહે છે હું જોતાન. ગુરુ કહે છે ૨ વર્ષ પહેલાં પણ તું જોતાન હતો, આજે પણ તું જોતાન છે. ૨ વર્ષમાં તે કર્યું શું..? what did you do? ૨ વર્ષમાં તે શું કર્યું…? તારા nameless experience માં તે શું કર્યું? ૨ વર્ષ પહેલા પણ તું જોતાન હતો, આજે પણ કહે છે હું જોતાન છું. શું સાધના તે કરી…

તમે કોણ છો? શરીર તો માત – પિતાથી મળેલું છે. અને આ શરીર રાખમાં પલટાઈ જવાનું છે. ખબર જ છે આપણને… એકવાર અત્યંત બૌદ્ધિક લોકોની સંગોષ્ઠી હતી, એમાં હું બોલતો હતો, મેં એક પ્રશ્ન કર્યો, કે આ શરીર જન્મે જન્મે બદલાતું રહ્યું, ક્યારેક પશુ બન્યા આપણે, ઊંટનું કે સિહનું શરીર હતું. દેવલોકમાં ગયા તો દેવનું શરીર હતું. શરીરો સતત બદલાતાં રહ્યા છે. તો શરીરોની આ બદલાહટ વચ્ચે પણ તમે હું તરીકે શરીરને કઈ રીતે પ્રયોજી શકો છો… ખ્યાલ છે શરીરો બદલાતા જ રહ્યા છે. આ શરીર પણ મટી જવાનું છે. બીજું શરીર મળશે, એ મટી જશે ત્રીજું મળશે. મોક્ષમાં ન જઈએ ત્યાં સુધી… તો શરીરો બદલાઈ રહ્યા છે એ ખ્યાલ છે. અને છતાં તમારો હું શરીરમાં સીમિત કેમ થઇ ગયો… બૌદ્ધિક શ્રોતાઓ હતા.. એમને લાગ્યું પ્રશ્ન બરોબર છે. પણ હજી અમારી બુદ્ધિ હું તરીકે શરીરમાં સીમિત છે. ત્યારે એમણે મારી સામે જોયું, સાહેબ અમને ખ્યાલ નથી આવતો. મેં કહ્યું next to soul body… આત્મા પકડાતો નથી. એટલે તમે શરીરને હું તરીકે પ્રયોજીને બેસી ગયા છો. ક્યાંક તો ખીટી હોય તો કોટ લટકાડી દો, પણ ખીટી ન હોય તો શું કરો… સોફા ઉપર મૂકી દો પછી… કોટ તો મુકવો જ છે. એમ તમારા હું ને તમારે ટાંગવાનું જ હતું. next to soul body. એટલે આત્મતત્વ ન પકડાય ત્યાં સુધી શરીરમાં હું પણું રહેવાનું છે. એટલે આપણી આખી જ સાધના નિર્મલ ચૈતન્યના અનુભવ સુધીની છે. આત્માને માત્ર વિચારવાથી કામ નહિ ચાલે.

ઉપનિષદનો સરસ મંત્ર છે, “જ્ઞાयमात्मा प्रवचनेने लभ्य: न मेधया न बहुना श्रुतेन” પ્રવચનો સાંભળવાથી આત્મા નહિ મળે. ઘણું વાંચશો તો પણ આત્મા નહિ મળે. તમારી પ્રખર બુદ્ધિ હશે તો પણ આત્મા નહિ મળે. આત્મ તત્વમાં અંદર જવા માટે માત્ર ને માત્ર અનુભૂતિ જોઈશે. શબ્દો નકામા છે. વિચારો નકામા છે. માત્ર અનુભવ જોઈએ.

એક શિષ્ય આત્મતત્વ ઉપર બહુ સરસ બોલતો હતો. ગુરુને સમાચાર મળ્યા, એ શિષ્ય ગુરુ પાસે આવેલો. તો ગુરુએ કહ્યું કે તું આત્મતત્વ ઉપર બહુ સરસ બોલે છે. મને સમાચાર મળ્યા છે. જરા મારી પાસે બોલી જા તો… ગુરુની પાસે બોલવું એટલે છક્કા છૂટી જાય ને… પણ એને હિંમત કરી… દોઢ કલાક સુધી non – stop માત્ર નિર્મલ ચૈતન્ય ઉપર એ બોલ્યો. reference પર reference તાકી તાકીને…. દોઢ કલાકે એનું પ્રવચન પૂરું થયું. એના મનમાં તો એમ હતું કે ગુરુ મને બાહોમાં લેશે કે વાહ! બહુ સરસ પ્રવચન તે આપ્યું. પણ ગુરુ એના શબ્દો તરફ જોતા જ નહોતા. ગુરુ એના ચહેરા તરફ જોતા હતા. એ બોલઈ રહ્યો હતો આત્મતત્વ ઉપર પણ આત્મતત્વની અનુભૂતિ એના ચહેરા પર ક્યાંય દેખાતી નહોતી. ગુરુએ એ વખતે એક જ વાક્ય કહ્યું… with the picture of the cakes. તું ભાખરીના ચિત્રથી તારા પેટને ભરી ન શકે. ભાખરી ક્યાં હતી તારી પાસે…? ભાખરીના ચિત્રો હતા.

આત્મતત્વની અનુભૂતિ ક્યાં છે તારી પાસે… એ અનુભૂતિ હોય તો અભિવ્યક્ત થયા વગર રહે નહિ. તારો ચહેરો આખો બદલાઈ ગયેલો હોય. તારા ચહેરા ઉપર તો એક જ વાત હતી. હું શબ્દોને બોલી રહ્યો છું. અને ગુરુ મારા શબ્દોને જોઈ મારી પ્રસંશા કરશે. અહંકારની ધારામાં તું છે… ક્યાં છે અનુભૂતિ તારી પાસે…? નિર્મલ ચૈતન્યનો અનુભવ… આનંદ જ આનંદ. જોઈએ છે આનંદ…? તો એના માટે એક જ માર્ગ છે. there is only one way. બીજો કોઈ જ માર્ગ નથી. નિર્મલ ચૈતન્યની તમારી અનુભૂતિ વિના આનંદનો કોઈ સોર્સ નથી. તો સાક્ષીભાવનું બીજું ચરણ દેહાધ્યાસ મુક્તિ.

દેહ રહે, દેહ પરનો પ્રેમ ન રહે. દેહ જવાનો છે ભલે જાય, આનંદઘનજી ભગવંતે એમના પદમાં કહ્યું “નાસી જાસી હમ થીરવાસી, ચોખ્ખે વ્હૈ નીખરેંગે” ૨ division પડી જશે. નાશવંત શરીર અહીં રહેશે. હું કાયાના પિંજરમાં બહાર નીકળી મુક્ત ગગનમાં વિચરીશ. નાસી જાસી હમ થીરવાસી – હું તો શાશ્વત છું. “અબ હમ અમર ભયે ન મરેંગે”

મારા દાદા ગુરુદેવ ભદ્રસૂરિ દાદા… ૧૦૩ વર્ષનું એમનું આયું હતું. ૮૪ વર્ષના જ્યારે સાહેબ થયા… ત્યારે હોજરીનું કેન્સર detact થયું. Detact થયું ત્યારે એકદમ છેલ્લા stage માં હતા. અને એ સમયમાં કેન્સર માટેની કોઈ રેમેડી શોધાયેલી હતી નહિ. કીમો – બીમો પણ શોધાયેલા નહોતા. તો ડોકટરે કહ્યું કે અમારી પાસે છેલ્લામાં છેલ્લી જે દવા જે છે એ અમે આપી દઈશું. પણ અમને લાગે છે કે આનો કોઈ ઉપાય અમારી પાસે નથી. હાલત એટલી બગડવા લાગી કે અગ્નિ સંસ્કાર માટેનો પ્લોટ નક્કી થઇ ગયો. અમે રાધનપુર ચોમાસું હતા. ચંદનના કોથળા આવી ગયા કે હવે કલાકો ગણવાના છે… અને શરીર પણ લથડતું જ ગયું. ખોરાક બિલકુલ લેવાય નહિ. શરીર કૃશ થતું જ ગયું. છેલ્લે વિચાર એક આવ્યો કે નજીકમાં પાલનપુર, ત્યાં એક ડોક્ટર હતા સૈયદ, diagnosis માં બહુ નિષ્ણાંત. તો થયું નજીકમાં જ છે, એમને બોલાવીએ એકવાર… ડોક્ટર સૈયદ આવ્યા. એમણે સાહેબને જોયા, રીપોર્ટ જોયા, ડોક્ટરને પણ લાગ્યું કે હવે આમાં કંઈ થઇ શકે એવું છે નહિ… થોડા દિવસોનો મામલો છે. પણ ડોક્ટર તરીકે એમને ખ્યાલ હતો કે પેશન્ટની હાજરીમાં આ વાત કહેવાય નહિ. એટલે ડોકટરે કહ્યું કે ગુરુજીના પ્રમુખ શિષ્ય કોણ છે? આપણે બહાર બેસીએ… હું એ વખતે બાલમુનિ તરીકે… ખાલી ૧૫ – ૧૭ વર્ષની મારી વય. હું ત્યાં રૂમમાં જ… તો ડોકટરે કહ્યું, આપણે બહાર બેસીએ… પ્રમુખ શિષ્ય કોણ છે…. એ વખતે દાદા ગુરુદેવ શરીર એટલું લથડેલું; આત્મબળ એમનું કેટલું…! એમણે કહ્યું ડોકટર બહાર જવાની કોઈ જરૂર નથી. તમારે એટલું જ કહેવું હશે, કે ૨ – ૪ દિવસનો મામલો છે. તો કોઈ વાંધો નથી. ૨ – ૪ દિવસને બદલે ૨ – ૪ કલાક હોય તો પણ વાંધો નથી, હું તૈયાર છું. આવતી ક્ષણે જવું પડે તો પણ હું તૈયાર… આ શું હતું? દેહાધ્યાસ મુક્તિ.

આપણા બધા જ મહાપુરુષો પ્રેમસૂરિ દાદા, ખંભાતમાં જૈન શાળામાં બિરાજમાન. અને એ એમના કાળધર્મનો દિવસ. સવારે એકદમ સ્વસ્થ છે. સાહેબજીની આચાર ચુસ્તતાનો આપણને ખ્યાલ છે. પ્રેમસૂરિ દાદા એટલે સાધુઓ માટેનું એક જીવંત workshop. સાહેબજી વિહારમાં હોય કે ચોમાસામાં હોય, ૫૦ – ૬૦ મુનિવરો જોડે હોય, પણ એ જે સાહેબ જે training આપી છે, અદ્ભુત. સંયમ જીવનની training આપી. તો એ મહાપુરુષ સવારમાં કહે છે, આજે ઘર બદલવાનું છે. સાહેબજી શેષ કાળમાં દર મહિનાનો ખ્યાલ રાખતા, મહિનો પૂરો થયો ચાલો ભાઈ રૂમ બદલો, યા તો ઉપાશ્રય બદલો યા તો રૂમ બદલો… ઘર બદલો. એટલે સવારથી કહેતાં કે આજે ઘર બદલવાનું છે. ઘર બદલાવાનું છે. શિષ્યો સામાન્ય રીતે વિચાર કરે કે માસ કલ્પ પૂરો થવા આવ્યો એટલે સાહેબજી કહે છે કે હવે આપણે કાં તો ઉપાશ્રય બદલો. કોઈને ખ્યાલ ન આવ્યો કે સાહેબજી આ ઘર છોડીને જતાં રહેવાના છે. પણ એ મહાપુરુષ એમનું મૃત્યુ કેવું હોય.. સમાધિ મૃત્યુ.

ગુરુદેવ અરવિંદસૂરિ દાદાનું સમાધિ પૂર્વકનો કાળધર્મ મેં જોયો. પાલીતાણામાં અમે બધા જ. સાહેબજી સવારના પહોરમાં દર્શન વિગેરે કરી નિત્ય વિધિ કરી, નવકારશી વાપરી, અને હોલમાં round લેવા માટે નીકળ્યા. ડોકટરે કહ્યું થોડું એમને ફેરવવાનું. ૮૯ વર્ષની વય હતી. ૭૫ વર્ષ ઉપરનો એમનો દીક્ષા પર્યાય હતો. સાહેબજી હોલમાં પધાર્યા. જાણે કે બધાને દર્શન આપવા. પછી સાહેબ રૂમમાં ગયા, બેઠા, થોડીવાર આરામ માટે સુતા. સાહેબજી સુઈ જાય, આપણે સમજીએ કે સાહેબજી સુતા છે. પણ એક મુનિરાજને લાગ્યું, કંઈક ગરબડ જેવું છે. અમે લોકો તરત ભેગા થયા, સાહેબજીને ક્યારેક blood નો પુરવઠો મગજમાં ન મળે, ત્યારે ૫ – ૧૦ મિનિટ બોલે પણ નહિ. અને બની શકે… ડોકટરે પણ કહેલું કે આમાં ગભરાવા જેવું નથી. આપણે દવાઓ આપેલી છે, પાછું circulation ચાલુ થઇ જાય એટલે ready છે. અમે પણ એમ માનેલું, પણ ડોક્ટરને બોલાવ્યા, ડોકટરે જોઇને કહ્યું, સાહેબજી નથી. અમારી નજર સામે બિલકુલ સ્વસ્થ, શરીરમાં કોઈ તકલીફ નહિ, કોઈ બીજી તકલીફ નહિ. શ્વાસોશ્વાસ નિયમિત લેવાતા હતા. એક શ્વાસ પૂરો થયો. દેહાધ્યાસ વિમુક્તિ જેમણે પહેલાથી શીખેલી હોય છે. એ મહાપુરુષો દેહને પણ આ રીતે વિસર્જિત કરી શકે છે.

અને સાક્ષીભાવનું છેલ્લું ચરણ છે: અહં ભાવની શૂન્યતા. શું મજાના step આપ્યા! એક પછી એક ચરણો. સૌથી વધારે રાગ તમને અત્યારે શરીરમાં છે. એટલે પહેલા શરીરને ન લીધું, પહેલા પદાર્થોને લીધા, વ્યક્તિઓને લીધા, એના પરનું attachment ને છોડો. એ છોડાઈ ગયું તો બીજું ચરણ body attachment છોડી દો. કેટલી મજાની વાત body રહે, body નું attachment ન રહે.

નેમિસૂરિ મ.સા. ના વિદ્વાન આચાર્ય ધર્મધુરંધરસૂરિ મહારાજ. સાહેબજી એકવાર અમદાવાદમાં. અને સાહેબજી ને પણ કેન્સર detact થયેલું. હું અમદાવાદ ગયો, સાહેબજીની શાતા પૂછવા માટે ગયો. કે કેન્સર third stage માં છે, વેદના અપાર છે. એ જમાનામાં pain killer પણ એટલી સારી શોધાયેલી નહિ. સાંજે ચૌવિહાર વખતે છેલ્લી pain killer લે, ૩ એક કલાક એની અસર રહે, પછી જે દુખાવો થાય એ સાહેબ જ સહન કરી શકે. હું સવારે ગયેલો ૯ એક વાગે, સાહેબજીએ નવકારશીનું પચ્ચક્ખાણ પાળી, વાપરી અને દવા લઇ લીધેલી. એકદમ સ્વસ્થ હતા. આપણી કલ્પના હોય.. third stage નું કેન્સર.. સુતેલા હશે… ના, બેઠેલા હતા અને સ્વાધ્યાય કરતા હતા. કેન્સર ની કોઈ અસર એમના મનમાં નહોતી. આપણે પણ ૨ division ન પાડીએ… રોગ શરીરમાં હોય, મનમાં શું કામ હોય…?

આ કોરોના વખતે ઘણાને કોરોના થયો નહિ શરીરમાં પણ કોરોના મનમાં આવ્યો ને મરી ગયા. મને કોરોના થઇ જશે…? મારે કોરનટાઈન થવું પડશે? ભાઈ! કોરનટાઈન તો કેમ થઇ શકાય…? એકલા રહેવાનું…? પણ અમારી જેમ મસ્તીથી એકાંતમાં રહેલો હોય, એટલે કોરનટાઈન થવું બહુ ગમે. પણ જેના શરીરમાં કોરોના નહોતો આવ્યો. એના મનમાં કોરોના આવ્યો ને મરી ગયો. એવા ઘણા કિસ્સા છાપામાં આવ્યા. તો રોગને શરીર સુધી રાખો. તમે સ્વસ્થ રહો.

આપણે ત્યાં છે ને એક બહુ સરસ શબ્દ છે. સ્વાસ્થ્ય. સ્વસ્થતા. અંગ્રેજીમાં health, આરોગ્ય, આપણી પરંપરામાં બહુ પ્યારો શબ્દ આવ્યો, સ્વસ્થતા. એક જણો બીજાને પૂછે, તમે સ્વસ્થ છો ને… પેલો કહે હા, હું સ્વસ્થ છું. ન પૂછનાર ને ખબર હોય, કે સ્વસ્થ શબ્દનો અર્થ શું… ના જવાબ આપનાર ને ખબર હોય. સ્વસ્થ હોવું એટલે શું…? સ્વમાં હોવું. તમારામાં હોવું. શરીર નિરોગી છે કે નહિ એની જોડે સ્વસ્થતા શબ્દને સંબંધ નથી. શરીરમાં ભલે રોગો રહ્યા. શરીર તો રોગોનું ઘર છે જ આમેય… તું સ્વસ્થ છે ને… તો કેટલો સરસ શબ્દ. ભાઈ! તું સ્વસ્થ છે? તું તારી અંદર છે ને , તું તારી અંદર હોઈશ ને તને કોઈ પીડા નહિ આવે. બરોબર…

તો કેન્સર સાહેબજીના શરીરમાં હતું. મનમાં નહોતું. મારે જવાનું… અરે! આ શરીર જવાનું હું ક્યાં જવાનો છું… હું ગયો, સાહેબ પાસે બેઠો. વંદન કર્યું, શાતા પૂછી. મેં કહ્યું સાહેબજી આપને આ કેન્સર થઇ ગયું! એક વ્યવહારિક ભાષામાં, ઔપચારિક ભાષામાં આપણે કહીએ ને… મને કહે યશોવિજય તું બોલે છે આ…! મને કેન્સર થયું છે…? કે આ મારા શરીરને થયું છે? કેન્સર કોને થયું છે…? મારા શરીરને થયું છે. હું તો આંનંદઘન છું. હું તો એટલે જ મજામાં છું. મારા આનંદને, મારી મજાને તોડી શકે એવી કોઈ ઘટના દુનિયામાં નથી.

આ શબ્દો યાદ રાખજો. તમારી પાસે એવો એક ભીતરી આનંદ હોય, જે આનંદને લેનાર, જે આનંદને તોડનાર દુનિયાની કોઈ ઘટના ન હોઈ શકે. ગમે તેમ થઇ જાય બહાર, બહાર થયું… ભીતર શું છે…?

ગજસુકુમાલ મુનીએ શું કહેલું – પાડોશીની આગમાં આપણો અળગો કેમ? આગ લાગી છે પણ ક્યાં? મારા શરીરમાં નહિ પાડોશીને ત્યાં. આ દેહ એટલે પાડોશી. મારી જોડે રહે છે માટે પાડોશી.

અને છેલ્લું ચરણ: અહં ભાવની શૂન્યતા. તમે સીધા જ નિર્મલ આત્મતત્વના આનંદમાં ડૂબી ગયા. ગજસુકુમાલ મુનિની જ વાત કરું, આપણે એવું માનીએ, કથા તમે સાંભળેલી છે. આપણે એવું માનીએ કે એમણે કેટલું બધું સહન કર્યું. તાજું લોચ કરાયેલું મસ્તક, એના ઉપર પેલાએ માટીની પાળ બાંધી, ખેરના અંગારા નાંખ્યા. શરીરનો sensitive માં sensitive portion અહીંયા. ત્યાં ખેરના અંગારા મુકાયા. એ અંગારાની દાહકતા નીચે ઉતરે છે. કેટલી પીડા હોય? આપણે એમ માનીએ છીએ… બાળજીવો માટે કહેવાય કે એમણે બહુ જ સહન કર્યું. સહન કર્યું; એ શુદ્ધ થયા અને સિદ્ધ થયા.

વાત એ છે કે પરિષહ સહન એ વ્યવહાર ચારિત્ર છે; નિશ્ચય ચારિત્ર નથી. પદ્મવિજય મ.સા એ કહ્યું “પરિષહ સહનાદિક પરકારા, એ સબ હૈ વ્યવહારા, નિશ્ચય નિજ ગુણ ઠરણ ઉદારા, લહત ઉત્તમ ભવપારા” સાતમાં ગુણઠાણાની ટોચ પર તમે જાવ, શ્રેણી તમારે માંડવાની છે ક્ષપકશ્રેણી. એ વખતે સહન કરવાની કોઈ વાત નથી. તમે એ વખતે ધ્યાન દશામાં એટલા ઊંડા ઉતર્યા છો. કે માત્ર તમે તમારા નિર્મલ ચૈતન્યનો અનુભવ કરી રહ્યા છો.

એક બહુ મજાનું સૂત્ર તમને આપું… શરીરમાં પીડા છે માટે તમને પીડાનો અનુભવ થાય એ વાત નથી. વાત એ છે કે તમારો ઉપયોગ પીડામાં જાય, તો તમને પીડા લાગે. ૪ ડીગ્રી તાવમાં કોઈનું શરીર સેકાતું હોય, body ache, headache છે, દવા લીધી તો પણ અસર થતી નથી. એવા વખતે સમાચાર આવે કે એક કરોડ રૂપિયાની લોટરી લાગી ગઈ. હવે એનો વિચાર કરોડ રૂપિયામાં જાય, tax કાપતાં પણ આટલા પૈસા મારી પાસે બચશે. આમાંથી શું કરીશ… કાર લાવીશ. આ કરીશ, તે કરીશ. હવે એના વિચાર શરીરમાંથી કરોડ રૂપિયામાં જાય, પીડા છું થઇ જાય.

તો તમારા મનને, તમારા ઉપયોગને તમે ક્યાં મૂકી શકો છો. એ જ જોવાનું રહ્યું. તો ગજસુકુમાલ મુનિએ આ ત્રીજા ચરણની અંદર પોતાના ઉપયોગ, નિર્મલ આત્મ ચૈતન્યમાં મૂકી દીધું. એ સાક્ષીભાવના ત્રીજા ચરણમાં આવી ગયેલા હતા કે જ્યાં દેહનો અધ્યાસ બિલકુલ તૂટી ગયેલો હતો. સૂક્ષ્મ હું પણ નીકળી ગયેલું હતું. અને નિર્મલ આત્મ ચૈતન્ય એ જ હું, આ માન્યતા, આ અનુભૂતિ દ્રઢ થયેલી હતી. અને એથી એ વખતે પણ એ આનંદમાં હતા.

ભગવતી સૂત્રમાં લખ્યું છે: એ વખતે એમની સાધના માટે “એક પુગ્ગલ દિટ્ઠી  જીયાઈ” એ શું કરતા હતા એ વખતે? એમનો ઉપયોગ ત્યાં નહોતો… બળી રહ્યું છે ત્યાં. એ ધ્યાનમાં હતા. અને ધ્યાન કઈ રીતે શરૂ કર્યું… એ સ્મશાનની અંદર કોઈ પત્થરનો ટુકડો હતો, તો કોઈ પત્થર તીકડો હતો… એના ઉપર દ્રષ્ટિને ફેરવી, એના ઉપર એકાગ્ર થયા. અને એ પુદ્ગલ દ્રવ્ય ઉપરથી એ સીધા જ આત્મદ્રવ્યમાં સ્થિર થયા. અને એ રીતે સ્વની અંદર એ સ્થિર થયા.

તો સાક્ષીભાવના ત્રીજા ચરણે આ હું ઉડી જાય છે. પદાર્થો અને વ્યક્તિઓનો સંયોગ છૂટ્યો, પછી શરીર પરની પ્રીતિ પણ એકવાર જતી રહે. પણ હું… અત્યારે છે ને તમારો હું ૨૪ કલાક આમ ડોકાયા કરતું હોય હો… મેં કહેલું ને વચ્ચે કે તમે એક try કરો… રાત્રે બેસો તમારી જાત સાથે અને વિચારો કે આજના દિવસમાં કયા કયા વિચારો આવેલા. દર અડધો કલાકે, દર કલાકે તમારો હું બહાર આવશે વિચારોમાં… મેં આમ કહ્યું ને પેલો impress થઇ ગયો. મેં આમ કર્યું ને પેલો તો થઇ ગયો, વાહ! વાહ…! શું તમે કર્યું… ગજબનું કર્યું… આવું તો કોઈ ન કરે.

એટલે હજુ શરીર પરની પ્રીતિ છોડવી સહેલી છે પણ આ હું પરની પ્રીતિ છોડવી મુશ્કેલ છે. પણ સાક્ષીભાવના ત્રીજા ચરણે હું પરની પ્રીતિ પણ જતી રહે છે. અને નિર્મલ ચૈતન્ય તે હું. આ પકડાય જાય છે.

તો આપણે શરૂઆત કરેલી કે અહંકારના લયમાં જે હું ડૂબેલું છે એને સમર્પણના લયમાં લઇ જઈને ભીનું ભીનું બનાવી દેવું છે. તમે માત્ર ભીના ભીના હોવ. કેટલી મજાની ધારા આપણને મળી છે. મેં પ્રભુનો અભિષેક કર્યો. મને આનંદ આવ્યો. ત્યાં હું છે પણ અહંકારનો લય નથી. ભીનાશનો લય છે. મેં સદ્ગુરુને સાંભળ્યા, મેં પ્રભુને પીધા, મને આનંદ આવ્યો. મેં છે પણ અહંકારનો લય નથી. ત્યાં સમર્પણનો લય આવ્યો.

અને પછી આપણે આ સાક્ષીભાવના ૩ ચરણોને જોયા. તો સમર્પણના ૩ ચરણો, અને સાક્ષીભાવના ૩ ચરણો આ ૬ ચરણો ઘૂંટાઈ જાય તો આપણી સાધના ક્યાંથી ક્યાં પહોંચે… આપણું જે ultimate goal છે, નિર્મલ ચૈતન્યને અનુભવવાનું, ત્યાં સુધી આપણે પહોંચી શકીએ..

પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરીએ… કે પ્રભુ આપની કૃપાથી મારા આ હું ને છોડીને મારા નિર્મલ ચૈતન્યરૂપી હું ને હું પ્રાપ્ત કરી શકું.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *