Maun Dhyan Sadhana Shibir 02 – Vachana – 1

3 Views
33 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત

Subject : आज्ञा तु निर्मलं चित्तं कर्त्तव्यं स्फटिकोपमम्

૪૫ આગમ ગ્રંથોની અંદર પ્રભુની જે આજ્ઞા વિસ્તરાઈને રહેલી છે, ફેલાઈને રહેલી છે એનો સાર, એનો નિચોડ શું? आज्ञा तु निर्मलं चित्तं कर्त्तव्यं स्फटिकोपमम्. ચિત્તને સ્ફટિક જેવું પારદર્શી, નિર્મળ બનાવવું – આ પ્રભુની આજ્ઞા.

સાધકના ચિત્તની બે જ ભૂમિકા હોઈ શકે. યા તો એ સદાને માટે નિર્મળ હોય. અને જો એવું નથી, નિમિત્તોની અસર થઇ જાય છે, નિમિત્તોને કારણે રાગ-દ્વેષ-અહંકાર ઊઠી જાય છે, તો પણ એ રાગ-દ્વેષ-અહંકાર થોડી જ ક્ષણોમાં નીચે બેસી જાય અને ચિત્ત ફરી નિર્મળ બની જાય.

આવી નિર્મળતા મેળવવા માટે આપણે અહોભાવને ઘૂંટવો છે. અહોભાવ જો સતત ચાલે, તો રાગ-દ્વેષ-અહંકાર-ઈર્ષ્યા – કોઈ પણ વિભાવની તાકાત છે કે તમારા મનમાં આવી શકે?! અહોભાવની વ્યવહાર સાધના બરોબર ઘૂંટાય, તો પછી નિશ્ચયમાં જવું, સ્વની અનુભૂતિ અત્યંત સરળ બની જાય.

મૌન ધ્યાન સાધના શિબિર – ૦ (સવારે) – વાચના – ૧

નમો અરિહંતાણં
નમો સિદ્ધાણં
નમો આયરિઆણં
નમો ઉવજઝાયાણં
નમો લોએ સવ્વ સાહૂણં
એસો પંચ નમુક્કારો
સવ્વ પાવપ્પણાસણો
મંગલાણં ચ સવ્વેસિં
પઢમં હવઈ મંગલં

મંગલં શ્રીમદ્દ અર્હન્તો, મંગલં જિનશાસનમ્
મંગલમ્ સકલ સંઘો, મંગલમ્ પૂજકા અમી,
કૃતાપરાધેSપિ જને, કૃપામંથરતારયો:
ઇષદ્દબાષ્પાર્દ્રયોર્ભદ્રં, શ્રી વીર જિન નેત્રયો:
કમઠે ધરણેન્દ્રે ચ, સ્વોચિતં કર્મ કુર્વતિ,
પ્રભુસ્તુલ્ય મનોવૃત્તિ:, પાર્શ્વનાથ શ્રિયેSસ્તુ વઃ
જ્ઞાનધ્યાનક્રિયાધિકાર્ય કુશલ:, પ્રધુમ્ન જેતા ગુરુ, 
આંતરલોચનમેકમસ્તિ સુતરાં, પૃદભાષિતં યસ્ય વૈ,
ૐકારેણ સુસેવિતોSપિ સતતં, ૐકાર સેવા પરઃ
સોયં સૌમ્યમના: સદા વિ જયતે, શ્રી સિદ્ધિસૂરીશ્વર:
સોયં સૌમ્યમના: સદા વિ જયતે, શ્રી ભદ્રસૂરીશ્વર:
સોયં સૌમ્યમના: સદા વિ જયતે, શ્રી ૐકારસૂરીશ્વર:
સોયં સૌમ્યમના: સદા વિ જયતે, અરવિંદસૂરીશ્વર:
સોયં સૌમ્યમના: સદા વિ જયતે, કલાપૂર્ણસૂરીશ્વર:
સોયં સૌમ્યમના: સદા વિ જયતે, જયઘોષસૂરીશ્વર:

યોગસાર નામનો એક બહુ જ મજાનો ગ્રંથ છે, એ ગ્રંથના રચયિતા કોણ? કોઈ નામ રચયિતા મહાપુરુષનું ગ્રંથને છેડે નથી. એટલે એમ માની શકાય એ પશ્યન્તિ ના લયમાં અથવા પરાના લયમાં એ ગ્રંથ આવેલો હશે. આપણે ત્યાં ઘણા બધા ગ્રંથો આ લયમાં આવેલા છે.

પશ્યન્તિ નો લય… એક મહાપુરુષે વર્ષો સુધી એક સ્થળે એક ગ્રંથની મંત્ર દીક્ષા, શબ્દ દીક્ષા અનેકોને આપેલી છે. એવું બને કે એ મહાપુરુષની વિદાય થઇ, એમણે જેમને ગ્રંથ આપેલો, એ મહાત્માઓની ચિર વિદાય થઇ. વાતાવરણમાંથી એ ગ્રંથ લુપ્ત થયો. પણ actually એ લુપ્ત થયો નથી. કોઈ મર્મી સાધક એ સ્થળે આવે, જ્યાં પેલા મહાપુરુષે સેંકડોને એ ગ્રંથની મંત્ર દીક્ષા આપેલી. અને એ જગ્યાએ આવીને એ ધ્યાનમાં રહે તો એ ગ્રંથના શબ્દો એની સામે તરવરવા લાગે. રીતસર લુપ્ત થયેલા મનાતા ગ્રંથને એ જોવા માંડે, એ લખી લે. પણ એ પોતાનું નામ તો નહિ જ લખે. કારણ પોતે માત્ર લિપિકાર છે. ગ્રંથના રચયિતા પોતે નથી. તો પશ્યન્તિમાં આખો ને આખો ગ્રંથ આપવામાં આવે છે. પરા ની અંદર માત્ર ભાવો આપવામાં આવે છે. કોઈ મહાપુરુષ બીજા મહાપુરુષને મજાના ભાવો આપે છે. એ ભાવોને આધારે એ મહાપુરુષ ગ્રંથની જે રચના કરે છે, એને પરા માં આવેલો ગ્રંથ કહેવાય છે. એમાં ભાવ બીજા મહાપુરુષનો છે. શબ્દો એમના પોતાના છે. શબ્દો એમના પોતાના હોવા છતાં એ કૃતિની જવાબદારી પોતાના ઉપર લેતા નથી.

પંચસૂત્ર આપણે ત્યાં પરા ના લયમાં આવેલો ગ્રંથ છે. હરિભદ્રસૂરીશ્વરજી મ.સા ને પંચસૂત્રની સાધના ત્રિપદી ભાવોથી આપવામાં આવી. હરિભદ્રસૂરી ભગવંતે પોતે એ ગ્રંથની રચના કરી અને છતાં કૃતિકાર તરીકે એમણે પોતાનું નામ ન લખ્યું. પરંપરામાં એ વાત આવી… કે પંચસૂત્ર મૂળ ચિરંતનાચાર્ય કૃત છે. એટલે કે પૂર્વાચાર્ય કૃત… પણ મહોપાધ્યાય યશોવિજય મહારાજે ધર્મ પરિક્ષામાં એટલો સ્પષ્ટ પાઠ આપ્યો કે એનાથી નિર્વિવાદ રીતે નક્કી થયું કે પંચસૂત્ર મૂળ પણ હરિભદ્રસૂરી મ.સા ની જ રચના છે. ધર્મ પરિક્ષામાં ઉપાધ્યાયજી ભગવંતે લખ્યું કે પંચસૂત્રમાં આ પ્રમાણે હરિભદ્રસૂરી મહારાજે લખ્યું છે. અને પંચસૂત્ર મૂળનો પાઠ ત્યાં આપ્યો છે. તો એ ગ્રંથ પંચસૂત્ર પરા માં આપણને મળ્યો.

તો આ યોગસાર ગ્રંથ પશ્યન્તિ ના લયમાં અથવા તો પરા ના લયમાં વહી આવેલો આપણને મળ્યો. એ ગ્રંથના પ્રારંભમાં શિષ્ય ગુરુદેવને એક પ્રશ્ન કરે છે. પ્રશ્ન બહુ જ મજાનો છે. આંખોમાં આંસુ છે, શિષ્યના ગળામાં ડૂસકાં છે, અને એ ગુરુદેવને કહે છે કે ગુરુદેવ! ૪૫ આગમ ગ્રંથોની અંદર પ્રભુની આજ્ઞા વિસ્તરાઈને રહેલી છે. ફેલાયેલી છે. ગુરુદેવ એ ૪૫ આગમ ગ્રંથોની અંદર પ્રભુની જે આજ્ઞા ફેલાઈને રહેલી છે એનો સાર, એનો નિચોડ મને આપો ને… શિષ્યની આંખમાં આંસુ છે. કે ગુરુદેવ! હું ક્યારે આપના મુખે ૪૫ એ ૪૫ આગમ ગ્રંથો સાંભળીશ. મારું જીવન કેટલું મને ખ્યાલ નથી ગુરુદેવ… પણ ૪૫ આગમ ગ્રંથોમાં રહેલી પ્રભુની આજ્ઞાનો સાર, એનો નિચોડ મને આપી દો ને… કેટલાક પ્રશ્નો એટલા મજાના હોય છે કે ગુરુની તબિયત ખુશ થઇ જાય.

કઠોપનિષદમાં નચિકેતા જ્યારે યમને પ્રશ્નો કરે છે, ત્યારે યમ કહે છે –  त्वादृक् भूयान्नचिकेतः प्रष्टा તારા જેવો પ્રશ્ન પૂછનારો મળવો દુર્લભ છે. મને એક ઘટના યાદ આવે, ચૈત્ર સુદી તેરસનો દિવસ… પ્રભુ મહાવીરદેવના જન્મ કલ્યાણક પર હું બોલી રહ્યો હતો. અભિષેકના સમયે ધોધ બંધ પાણી પ્રભુના પાવન દેહ પર વરસી રહ્યું છે. ત્યારે ઇન્દ્ર મહારાજાને શંકા થઇ કે આટલા નાનકડા ભગવાન અને આટલું અભિષેકનું ધોધ બંધ વહેતું પાણી એને સહન કરી શકશે? હું આ પ્રશ્નની ચર્ચા કરતો હતો, ત્યાં એક ભાવકનો એક મજાનો પ્રશ્ન આવ્યો, કે ગુરુદેવ! અનંત પરમાત્માઓનો અભિષેક મેરુ પર્વત ઉપર થઇ ગયો, કોઈ પણ ઇન્દ્ર મહારાજાને જે સવાલ નહિ થયેલો એ પ્રભુ મહાવીરદેવના અભિષેક વખતે ઇન્દ્ર મહારાજને કેમ થયો? જવાબ આપતા પહેલા મેં એ ભાવકને કહ્યું કે જવાબ તો પછી આપું… પણ આટલો મજાનો પ્રશ્ન પૂછ્યો તને ધન્યવાદ આપું. કેટલો મજાનો સવાલ હતો. કલ્પસૂત્રની અંદર, પરમ પાવન કલ્પસૂત્રની અંદર આ ઘટના તમે કેટલી વાર સાંભળી છે… ક્યારે તમને આ સવાલ થયેલો હશે ખરો..? મેં એને કહ્યું કે આ જે ઇન્દ્ર મહારાજની શંકા હતી ને એ શંકા પણ મૂલ્યવતી હતી. ભક્તની શ્રદ્ધા એ તો મૂલ્યવતી હોય જ, પણ ભક્તનો સંદેહ પણ મુલ્યવાન છે. કારણ એ ભક્તનો છે. મેં કહ્યું કે ભક્તિ ઇન્દ્ર મહારાજની વઘેલી છે, કદાચ જન્માન્તરીય સંબંધ પણ પ્રભુ સાથેનો એમનો હોઈ શકે. પણ આ સંદેહ ભક્તિમાંથી આવ્યો છે. તીર્થંકર ભગવંતોનું બળ અનંત ઇન્દ્રોથી પણ વધુ છે. એ ખ્યાલ ઇન્દ્ર મહારાજને છે. કારણ એ સમ્યગ્દ્રષ્ટિ છે. છતાં એમને આ શંકા થઇ. કારણ શું? કારણ ભક્તિ.

મેં કહ્યું ભક્તિ એટલી પ્રગાઢ કે એ ભક્તિની ક્ષણોમાં પ્રભુની શક્તિનો ખ્યાલ નથી રહેતો… મારા પ્રભુ, મારા પ્રભુ, મારા નાનકડા પ્રભુ આ જ વાત ઇન્દ્રના મનમાં આરોપિત થયેલી છે. અને એ ભક્તિને કારણે આ સંદેહ એના મનમાં આવ્યો છે એટલે તમારો પ્રશ્ન પણ ક્યારેક આવો હોય ભક્તિમાંથી ઉઠેલો તો એ પ્રશ્ન પણ મહત્વનો છે. જવાબ ભલે ન મળે એ બે નંબરની વાત છે પણ તમારો પ્રશ્ન એ જ મહત્વપૂર્ણ ઘટના છે. શિષ્યનો પ્રશ્ન કેટલો મજાનો છે… ગુરુદેવ! મારું આયુષ્ય કેટલું મને ખબર નથી. ૪૫ આગમગ્રંથોને આપના શ્રી મુખે હું સાંભળી શકીશ કે નહિ એ મને ખ્યાલ નથી પણ ગુરુદેવ મારે મારા જીવનને સફળ બનાવવું છે કૃપા કરો અને ૪૫ આગમમાં પ્રભુની આજ્ઞા જે વિસ્તરાઈને પડેલી છે એનો સાર, એનો નિચોડ મને આપો. કરુણામયી ગુરુ છે, પ્રેમાવતાર ગુરુ છે. હું ઘણીવાર કહું છું ને ગુરુના પ્રેમની નદીને કિનારા નથી હોતા. એક નિઃસ્વાર્થ પ્રેમની નદી આપણે માં ની અંદર જોઈ શકીએ. પ્રભુ પછી માં ની અંદર જોઈ શકીએ, અને સદ્ગુરુમાં જોઈ શકીએ. પ્રભુએ તો અગણિત  જન્મોથી આપણને ચાહ્યા છે. નરક અને નિગોદમાં આપણે હતા, એની ચાહત આપણા પરની ચાલુ હતી. અને એટલે જ વિતરાગ સ્તોત્રમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય એ કહ્યું ત્વમ્ અકારણવત્સલ… પ્રભુ મને તો સુધબુધ પણ નહોતી. તું શું છે… અને છતાં તે મારા પર અપાર પ્રેમ વરસાવ્યો. કેવો પ્રેમ એનો વરસ્યો છે. ક્યારેક દેરાસરે જાવ છો, કલ્પના આવે છે આ પ્રભુએ આપણા ઉપર કેટલો બધો પ્રેમ વરસાવ્યો છે.

રુસિ (Russian) નવલકથાકાર ટૉલ્સ્ટૉયે એક મજાની કથા લખી છે. એક માં એને બે દીકરા, એક ૬ વર્ષનો, એક ૮ વર્ષનો, એકવાર ૮ વર્ષના દીકરાએ માં ને કહ્યું કે માં તારો પ્રેમ શ્રેષ્ઠ જ હોય. માં ના પ્રેમની તુલના આપણે કરી શકીએ નહિ. પણ માં આજે મારે તને કહેવું છે કે, તારા અમારા બે ના પ્રેમ પરના પ્રેમ કરતા અમારા બેનો તારા પરનો જે પ્રેમ છે એ superior છે. માં હસવા લાગી… માં એ પૂછ્યું બેટા! શી રીતે? આઠ વર્ષનો દીકરો કહે છે માં ગણિત તો સ્પષ્ટ છે. તારે બે દીકરા છે. તારો પ્રેમ અડધો અડધો વહેંચાઇ જાય છે… અમારે તો એક જ માં છે અમારો બધો પ્રેમ તને મળે. ટૉલ્સ્ટૉયની કથા અહીંયા પુરી થાય છે. આપણે એને આગળ વધારીએ… આપણે પ્રભુ રૂપી માં ને અગણિત બાળકો છે. પણ એક – એક બાળકની એ માં એ personal care લીધી છે.

નરક અને નિગોદમાં આપણે હતા, ત્યાં પણ એનો વરદાયી હાથ આપણા ઉપર હતો. અને એની જ કૃપાએ આપણને ઊંચકીને અહીં સુધી લાવ્યા. ઉપાધ્યાય યશોવિઅજ્ય મહારાજ પાર્શ્વનાથ પ્રભુની સ્તવનામાં કહે છે કે ‘ઇતની ભૂમિ પ્રભુ તુમ હી આણ્યો’ પ્રભુ તમે જ મને ઉચકીને અહીં સુધી લઈને આવ્યા છો. તો એ પ્રભુના પ્રેમ પછી સદ્ગુરુનો પ્રેમ અને માં નો પ્રેમ… ગુરુ પ્રેમાવતાર છે. ગુરુએ માત્ર ૧૬ અક્ષરોની અંદર, ૧૬ શબ્દો નથી કહેતો… ૧૬ અક્ષરોની અંદર ૪૫ આગમ ગ્રંથોમાં રહેલી પ્રભુની આજ્ઞાનો સાર આપ્યો. ‘આજ્ઞા તું નિર્મલં ચિત્તં, કર્તવ્યં સ્ફટિકોપમં’ ‘આજ્ઞા તું નિર્મલં ચિત્તં, કર્તવ્યં સ્ફટિકોપમં’ પ્રભુની આજ્ઞા એટલે શું? ચિત્તની નિર્મળતા. ચિત્તને સ્ફટિક જેવું પારદર્શી નિર્મળ બનાવવું આ પ્રભુની આજ્ઞા. ૩ દિવસના થિયરિ સેશનમાં આપણે માત્ર આ જ subject ઉપર focus થવાના છીએ. કે આપણે આપણા ચિત્તને નિર્મળ શી રીતે બનાવી શકીએ. એના માટે શું કરવું છે, શું નથી કરવું… આની આખી guide line આપણે અહીંયા જોવાની છે. એની સાથે દેવચંદ્રજી મ.સા. એ સુમતિનાથ પ્રભુના સ્તવનમાં નિર્મળતાને પ્રાપ્ત કરવા માટે એક સપ્તપદી આપી છે. એને પણ આપણે જોવાની છે. અને ધ્યાનના સ્તર ઉપર પણ નિર્મળતાને અનુભવવાની કોશિશ કરવાની. તો પ્રભુની આજ્ઞા એટલે નિર્મળ ચિત્ત. વાત તો મજાની થઇ. ચિત્ત નિર્મળ નિર્મળ હોય, રાગ – દ્વેષ અહંકાર નો કચરો નીચે બેસી ગયેલો હોય, અને ઉપર ચિત્તમાં નિર્મળ – નિર્મળ  વિચારોનું જળ વહ્યા કરતું હોય.

બુદ્ધના જીવનની એક બહુ સરસ ઘટના આવે છે, મહાત્મા બુદ્ધ અને એમનો પટ્ટ શિષ્ય આનંદ બેઉ જંગલમાં ચાલી રહ્યા છે. વચ્ચે એક વહોળો આવ્યો. નાનકડી નદી જેને આપણે કહીએ… એ વહોળામાં થોડીવાર પહેલા એક ગાડું પસાર થયેલું. ગાડામાં માલ ઘણો ભરેલો હતો. એટલે વજનદાર ગાડું હતું. એ વજનદાર ગાડું એમાંથી પસાર થયું એના કારણે નીચેનો કચરો બધો ઉપર આવી ગયેલો. બીજી બાજુ એ બુદ્ધ અને આનંદે વહોળાને પસાર કર્યો ત્યારે વહોળાનું પાણી બહુ જ ગંદુ હતું. વહોળાને ઉતરીને પેલે પાર ગયા. પા એક કિલોમીટર દૂર ગયા. બુદ્ધ એક વૃક્ષ નીચે બેઠા. આનંદ પણ બેઠો. બુદ્ધે કહ્યું આનંદ! પાણી જોઈએ છે. આનંદ માટે બુદ્ધ ગુરૂ છે, ભગવાન છે, ગુરુની આજ્ઞા પાણી….. કમંડળ લઈને નીકળી પડે છે, પણ ઉનાળાનો સમય છે. ખેતરો બધા સૂકાં ભટ્ટ પડેલા છે. ત્યાં કૂવો દેખાય છે, પાણી અંદર નથી. તળાવ દેખાય છે, પાળ જોઇને ત્યાં જાય, પણ તળાવ આખું કોરું ભટ્ટ છે. અડધો, પોણો કલાક ભટકીને, ફરીને એ ગુરુ પાસે આવે છે, આંખમાં આંસુ છે, પહેલી જ વાર એવું બન્યું છે કે ગુરુની આજ્ઞાનું પાલન થયું નથી. પાણી તો ક્યાંય છે નહિ, બુદ્ધ એ વખતે હસ્યા, બુદ્ધે કહ્યું: આપણે જે વહોળાને પસાર કરેલો એમાં શું પાણી નહોતું, દૂધ હતું એમાં… એમાં શું હતું… પાણી જ હતું ને… આનંદ છે, શિષ્ય છે, અને કોઈ પણ શિષ્યમાં કોઈ argument  ક્યારેય હોઈ શકતી નથી. માત્ર સ્વીકાર. ન તર્ક, ન દલીલ, ન બુદ્ધિ માત્ર સ્વીકાર. મનમાં એક વિચાર થઇ ગયો, કેટલું ગંદુ પાણી શું મારા ગુરુને હું આપી શકું? પણ ગુરુ કહે છે… શું એમાં પાણી નહોતું? જી ગુરુદેવ… ત્યાં જાય છે. એની નવાઈ વચ્ચે પાણી એકદમ નિર્મળ થયું. શું થયું? અડધો, પોણો કલાક થયેલો  એટલે કચરો બધો નીચે જતો રહ્યો અને ઉપર નિર્મળ પાણી આવી ગયું. એ પાણી કમંડળમાં ભરીને લાવે. બુદ્ધે પીધું, આનંદે પીધું. ઠંડું પાણી, મીઠું પાણી, કોપરા જેવું. એ વખતે બુદ્ધે આનંદને કહ્યું, કે પાણી પીવું એ તો સામાન્ય ઘટના હતી. મારે તને એક બોધપાઠ આપવાનો હતો.

કોઈ પણ સાધકનું મન કેવું હોવું જોઈએ? બે વાત છે કાં તો એ બિલકુલ નિર્મળ હોય તો બરોબર… કદાચ એને નિમિત્તોની અસર થાય છે. તો પણ નિમિત્તોની અસર કેટલો સમય રહે? આ વહોળામાં ગાડું પસાર થયેલું, કચરો ઉપર આવી ગયો. થોડી ક્ષણો મળી, કચરો નીચે જતો રહ્યો, નિર્મળ પાણી ઉપર આવી ગયું. સાધકના ચિત્તની બે જ ભૂમિકા હોઈ શકે. યા તો એ સદાને માટે નિર્મળ હોય, અને એવું નથી, નિમિત્તોની અસર થઇ જાય છે. નિમિત્તોને કારણે રાગ – દ્વેષ કે અહંકાર ઉઠી જાય છે, તો પણ એ રાગ – દ્વેષ અને અહંકાર કેવા હોવા જોઈએ? થોડી ક્ષણોની અંદર એ નીચે બેસી જાય, અને તમારું ચિત્ત ફરી નિર્મળ બની જાય. આપણે આ કોશિશ ૬ દિવસમાં કરવી છે. હું તૈયાર, તમે પણ તૈયાર થઈને આવ્યા છો.

મારે એક logo હોય છે, He is ever ready. પ્રભુ હંમેશ માટે તૈયાર… ધર્મનાથ દાદા બેઠા છે અહીંયા… He is ever ready… આપણને નિર્મળ કરવા માટે એ તૈયાર છે સતત, we are also ready. અને શિબિરમાં આવ્યા છો માટે you are also ready… બરોબર… આમ શું થાય, પ્રવચનમાં તમે કદાચ મન થોડીવાર સદ્ગુરુ ને સોંપી દો, પણ જ્યારે દાદર ઉતરવા માંડો ને કોઈ વ્યક્તિ મળે ને, સામાન્ય વાતચીત કરે ને… તો પણ તમારું મન એ સામાન્ય વાતચીતમાં જતું રહેતું હોય છે. શિબિરમાં આવી ઘટના ઘટશે, કે સંપૂર્ણ મૌન હોવાને કારણે તમે અહીંયા કહેવાયેલી વાતોને વાગોળી શકશો. હું ઘણીવાર કહું છું કે, ધન્ના મુનિ અને શાલિભદ્ર મુનિ વૈભારગિરિની ગુફામાં, પણ પ્રભુનું રાજગૃહીમાં સમવસરણ થાય ત્યારે બંને મુનિઓ અચૂક આવે. સમવસરણમાં આવ્યા, ઈરીયાવહિયા કરી પ્રભુને વંદન કર્યું. અને પછી પ્રભુની દેશના એ લોકો સાંભળતા નથી, તમારે પણ સાંભળવાની નથી હોં દેશના… પીવાની છે. એ તમારા અસ્તિત્વનું, તમારા મનનું, હૃદયનો કબજો લઇ લે… તો ધન્ના મુનિ અને શાલીભદ્ર મુનિ પ્રભુને પી રહ્યા છે.

હું વારંવાર કહેતો હોઉં છું I have not to speak a single word. He has to speak. અને એટલે જ એક પણ વાચના આપીને હું ઉભો થાઉં ત્યારે મારી આંખ ભીની હોય છે. અને મારી આંખની ભીનાશ પ્રભુને કહેતી હોય છે કે પ્રભુ! તારી પાસે તો અગણિત sound system છે. તે મારા જેવા નાચીજ માણસની sound systems નો ઉપયોગ કર્યો. પ્રભુ તારો હું ઋણી છું. હું પણ શ્રોતા જ છું તમારી જેમ જ… તો ધન્ના મુનિ અને શાલીભદ્ર મુનિ દેશનાને પીએ છે. દેશના પુરી થઇ, પ્રભુને વંદના કરી, બેઉ જણા ગુફા તરફ જવા માટે નીકળે છે. ઈર્યાસમિતિ પૂર્વક ચાલી રહ્યા છે. એ વખતે હજારો આંગળીઓ એમના તરફ તકાઈ રહી છે. ઘણાને ખ્યાલ હોય કે ધન્ના મુનિ અને શાલીભદ્ર મુનિ. પણ ક્યા ધન્ના મુનિ? આગળ ચાલે છે એ કે પાછળ ચાલે છે એ … તો હજારો આંગળીઓ બતાવતી હોય, આગળ જાય એ ધન્ના મુનિ અને પાછળ જાય એ શાલીભદ્ર મુનિ. પણ આ બધાથી બેખબર માત્ર ઈર્યાનું શોધન કરતા, બંને મુનિવરો ગુફામાં આવે… ઈરિયાવહિયા કરીને આસન ઉપર બેસે. અને પછી એક કામ કરે, પ્રભુએ theorical form માં જે કહ્યું છે એને practical form માં કેમ ફેરવવું એનું ચિંતન કરે.

તમારે પણ આ જ કરવાનું છે. વચલા સમયમાં ધ્યાન પણ આવશે. તમે અનુપ્રેક્ષા પણ કરી શકો. જે સાંભળ્યું છે એને જીવનમાં ઉતારવું છે. કઈ રીતે ઉતારવું એની મથામણમાં પડી જવું.

તો સાધકના ચિત્તની બે જ દશા આપણે જોઈ રહ્યા છીએ. એક તો સતત નિર્મળ દશા, અને એ ન બને ત્યાં સુધી નિમિત્તોને કારણે થોડીક અસર થઇ જાય, પણ થોડીક… ૫ મિનિટ, ૧૦ મિનિટ કે ૧૫ મિનિટ. ૧૫ મિનિટ ખરી નિમિત્તને તમે એકદમ બહાર નીકળી ગયા, એકદમ fresh થઇ ગયા. તો હવે આપણે step by step જોવાનું છે કે એના માટે આપણે શું – શું કરી શકીએ…

પહેલી વાત છે અહોભાવ. પ્રભુએ એટલી મજાની સાધના આપી, કે જે સાધના ઉપર ઓવારી ગયેલો હું માણસ છું. વ્યવહાર અને નિશ્ચયનું મજાનું combination પ્રભુએ સાધનામાં આપ્યું. અને એટલે જ વ્યવહારનો હું ચુસ્ત સમર્થક માણસ છું. કારણ મારી દ્રષ્ટિ બહુ જ સ્પષ્ટ છે. પ્રભુએ clear vision મને આપ્યું છે. એક અહોભાવ વ્યવહારની ઘટના પણ એને ક્યારેય સામાન્ય લેખવાની નથી. અહોભાવની ક્ષણોમાં તમે હોવ, ત્યારે એક પણ વિભાવ તમને સ્પર્શશે નહિ. આ નાનકડી ઘટના છે? રાગ – દ્વેષ અને અહંકાર સામાન્ય – સામાન્ય નિમિત્તોમાં તમારા મનનો કબજો લઇ લેતા હોય છે એક અહોભાવની જડીબુટ્ટી પ્રભુએ એવી આપી.. કે એ તમારી પાસે આવે, એ તમારા મનમાં હોય, ત્યાં સુધી રાગ – દ્વેષ અને અહંકારને દૂર રહેવું પડે. અહોભાવ – દેરાસરમાં ગયા, પરમાત્માનું દર્શન કર્યું, કેવી આંખે? કોરી આંખે કે ભીની આંખે? કોરી કોરી આંખે થતું દર્શન પ્રભુને સ્વીકાર્ય નથી. પ્રભુને જુઓ આંખોમાંથી આંસુ વરસતા હોય, બહુ મજાની ઘટના છે. પ્રભુનું તમે દર્શન કરો, આંખોમાંથી આંસુ વરસતાં હોય, સામે જ પ્રભુ બિરાજમાન છે. છતાં ય એમનું સ્વરૂપ સ્પષ્ટ દેખાતું નથી કારણ આંખોમાં આંસુ છે એ બાષ્પજલને કારણે દર્શન શક્તિ અવરોધાયેલી છે. પણ એ વખતે હૃદયની અંદર પ્રભુ આપણને દર્શન આપે.

એક દર્શન આ ભીની આંખે થયેલું, બીજું એક દર્શન છે, તમારી આંખ ભીની નથી, ભીની થતી નથી. અને પરમાત્માના ભીના ભીના રૂપનું દર્શન કરવું છે. તો શું કરવાનું? એના માટે શાસ્ત્રએ કહ્યું સદ્ગુરુની આંખમાં ઝાકવાનું, સદ્ગુરુના નયનમાં ભીનાશની પૃષ્ઠભૂ ઉપર તરતા પ્રભુનું સ્વરૂપ તમને દેખાય. એક અહોભાવ જો સતત ચાલે તો રાગની, દ્વેષની, અહંકારની, ઈર્ષ્યાની, કોઈન પણ વિભાવની તાકાત છે કે તમારા મનમાં આવી શકે?

 અહોભાવ! રેવતીજી ને આંગણે સિંહ અણગાર વહોરવા માટે પધાર્યા, ધર્મલાભનો અવાજ સાંભળ્યો, સાડા ત્રણ કરોડ રુંવાળા નાચી ઉઠ્યા છે. અત્યારે પણ આ જ અહોભાવ તમારા બધામાં હું જોઈ રહ્યો છું. આ જ અહોભાવ તમારી પાસે છે. હું મુનિ તરીકે હતો ને વહોરવા જતો ત્યારે તમારા બધાની આંખોની અંદર જે અહોભાવ… જે આંસુ જોયા છે. આજે પણ મને યાદ છે. રેવતીજીના સાડા ત્રણ કરોડ રુંવાળા ઊંચા થઇ ગયા છે. વેશ પરમાત્મા મારે આંગણે… મહાત્મા અંદર પધાર્યા, રેવતીજીએ કહ્યું સાહેબજી! આ લો… સાહેબજી! આ લો… સાહેબજી! આ લો… મહાત્માએ કહ્યું, તમે તમારા માટે એક ઔષધિ પાક બનાવ્યો છે પ્રભુને માટે એની જરૂરિયાત છે માટે એ વહોરવા માટે હું આવ્યો છું. હવે તો આનંદ શિખર ઉપર પહોંચી ગયો. આમ તો પોતે વહોરાવે, પણ પોતે વહોરાવે એ પ્રભુ વાપરશે કે નહિ વાપરે એ તો ખ્યાલ આવે નહિ… આ તો સ્પષ્ટ કહે છે પ્રભુને માટે વહોરવા માટે આવ્યો છું. એ ઔષધિ એવી હતી કે એક દિવસમાં એક ચમચીથી વધારે લઇ ન શકાય. એક ચમચી ઔષધિ વહોરાવતા કેટલી સેકંડ લાગે? કેટલી સેકંડ? દોઢ સેકંડ, બે સેકંડ, અઢી સેકંડ… એ અઢી સેકંડમાં અહોભાવની ધારા કેટલી ઉચકાઈ હશે… કે રેવતીજીએ ત્યાં તીર્થંકર નામકર્મ અંકે સો કર્યું. આ હોભાવની તાકાત. પ્રભુએ સિદ્ધાંતો તો મજાના આપ્યા, સાધના તો મજાની આપી, પરંપરા પણ એટલી મજાની આપી. હું પહેલા Rationalist હતો, આજે હું ચુસ્ત Traditionalist, ચુસ્ત Emotionalist છું. આ પરંપરાએ આપણને જે આપ્યું છે એ વિચારીએ ને આપણી આંખો ભીની બની જાય. આ મુંબઈ જ્યાં જમીનના ભાવ આસમાને છે, ત્યાં આટલા ભવ્ય ઉપાશ્રયો, આટલા ભવ્ય દેરાસરો કેમ આપણને મળ્યા? પરંપરાને કારણે મળ્યા. એ પરંપરા તરફ પણ આપણે નત મસ્તક છીએ. તો એવી પરંપરા આપણને મળી છે કે જે પરંપરા ૨૪ કલાક આપણને અહોભાવમાં રાખી શકે. ઓફિસે જાવ તમે બરોબર….. ત્યાં પણ શું કરો? સૌથી પહેલા શું કામ કરો ઓફિસે ગયા પછી? પ્રભુના ફોટાને દર્શન કરો, ધૂપ દીપ કરો, ગુરૂદેવનો ફોટો હોય તો ત્યાં વંદન કરો, પરંપરા બહુ મજાની, હવે એક વાત ઉમેરવી છે એમાં, એ દર્શન કર્યા પછી પ્રભુને અને સદ્ગુરુને પ્રાર્થના કરવાની, કે પ્રભુ, ગુરુદેવ હું ઓફિસમાં નથી તમારી premises માં છું. ઘરમાં ભગવાન હોય તો ઘર દેરાસર બની જાય કે નહિ… ઘર મંદિર બની જાય ને, એમ ઓફિસમાં પણ પ્રભુ છે, તો પ્રભુ! તારી premises માં હું બેઠેલો છું, અને એટલે બીજી કોઈ ઈચ્છા તારા ચરણોમાં મુકતો નથી, એ જ ઈચ્છા મુકું છું કે કદાચ સંપત્તિ મને વધુ પડતી મળે તો પણ એના રાગમાં હું તણાય ન જાઉં.

મહાત્માને વંદન કરો ત્યારે શું કહેશો? અમારા ત્યાં એવા મહાત્મા હોય છે જે કહી દે, વહોરવા માટે ગયા, નિર્દોષ ગોચરી મળી, લઇ લીધી, તો એ કહેતા ધર્મની વૃદ્ધિ, સાધનાની વૃધ્ધિ. શરીર નિર્બળ બની ગયું છે. ગોચરી વાપરવાથી સાધના સારી થશે એટલે ગોચરી મળે તો કહેતા સાધનાવૃદ્ધિ. નિર્દોષ ગોચરી ન મળે તો કહેતા તપોવૃદ્ધિ. એમ તમારે પણ ગુરુદેવના ફોટાને વંદન કરતા પ્રાર્થના આ કરવાની કે પ્રભુ! સંપત્તિ મળે તો પણ એનો રાગ મને ન આવે, અને કદાચ એવી સંપત્તિ ન મળે, અપેક્ષા પ્રમાણેની તો પણ મને ગ્લાની ન થાય. પ્રભુ! આવું સુરક્ષા ચક્ર મને આપજે.

એક વાત હું વારંવાર કરું છું, Surrender ની સામે Care. આ એક બહુ સરસ સૂત્ર આપણી સાધનાનું છે. Surrender ની સામે care. પ્રભુ અમારી કાળજી second to secondની રાખે છે. ક્ષણ – ક્ષણની.. કેવી કાળજી? બેઉ જાતની… બાહ્ય કાળજી અને અભ્યંતર કાળજી… અમારા શરીરની પણ કાળજી રાખે છે. અમારું શરીર સ્વસ્થ રહે છે એ પણ પ્રભુની કૃપા છે. જેથી અમે વધુ સાધના સારી રીતે કરી શકીએ. અને અમે લોકો વિભાવની અંદર એક ક્ષણ માટે ન જઈએ. એક ક્ષણ માટે ન જઈએ…. એવું સુરક્ષાચક્ર એ પણ પ્રભુ આપે છે.

એકવાર મને એક મહાત્માએ કહેલું, કે તમારી પાસે નાના – નાના યુવાન મહાત્માઓ ઘણા બધા છે. તમે મુંબઈ જઈ રહ્યા છો. તો તમને બરોબર લાગે છે મુંબઈ જવું? આ બધા તમારા મહાત્માઓ ગામડાઓમાં રહેલા છે. અને મુંબઈ મોહનગરી છે, ભોગનગરી છે, મેં એમને એ જ કહેલું કે હું મુંબઈ ૨ – ૩ વાર જઈ આવેલો છું. જ્યાં સુધી મુંબઈમાં અમે પગ નહોતો મુક્યો ત્યાં સુધી મારી પણ અવધારણા એ હતી, કે મુંબઈ મોહનગરી છે, પણ મુંબઈ ગયા પછી મારી પણ અવધારણા તૂટી ગઈ છે. અને મુંબઈ ને પણ હું અહોભાવ નગરી જ માનું છું. અને એ હજારો – લાખો લોકોના અહોભાવની સુરક્ષા માટે આ સેંકડો મુનિવરો મુંબઈમાં વિચરે છે. એ જરૂરી.. જરૂરી.. જરૂરી  છે.

તો ખરેખર તમારો અહોભાવ મેં જોયો છે એમ નહિ કહું, માણ્યો છે. જે શ્રદ્ધા, જે અહોભાવ બીજી જગ્યાએ છે એ જ મુંબઈમાં છે. આટલી વ્યસ્તતા વચ્ચે પણ તમારો જે અહોભાવ પ્રવચનશ્રવણથી માંડીને પ્રભુભક્તિ અને ગુરુભક્તિનો લાજવાબ છે. મુંબઈના અહોભાવને ખરેખર હું અભિવાદન કરું છું. તો બહુ સરસ છે, પણ હજુ વધુ સરસમાં આપણે જવાનું છે. સંતોષ માનવાનો નથી. તો બે વાત મેં કરી: સાધના પ્રભુ  એ, એ આપી વ્યવહાર – નિશ્ચયની, અને એ વ્યવહારમાં અહોભાવ આપી દે, એ અહોભાવ ઘૂંટાય, નિશ્ચયમાં જવું, શુદ્ધમાં જવું એ આસાન બની જાય. એટલે આપણે ત્યાં શુભને પગથિયા કહ્યા છે. શુદ્ધ એ શિખર છે, આ પગથિયા ન હોય તમે શિખર ઉપર જાવ શી રીતે? એટલે બહુ મજાની સાધના પ્રભુએ આપણને આપી, મારે છે ને તમને પાછા માત્ર અહોભાવમાં રાખવા નથી. અહોભાવનો બેઝ તમારો સ્થિર કરી અને શુદ્ધમાં તમને લઇ તો જવા જ છે, આપણે ત્યાં એક તકલીફ તો છે જ. આપણે આપણી સાધનાને જોવી તો જોઇશે. Where is the fault? હું ઘણીવાર કહું છું આ પ્રભુનું શાસન તમને પહેલીવાર મળ્યું? કેટલાય જન્મોમાં મળેલું, અને આ પ્રભુની પ્યારી પ્યારી ચાદર તમને પણ મળેલી કે નહીં??? ગત જન્મોની અંદર, પ્રભુનું શાસન મળેલું, પ્રભુની આ ચાદર મળેલી. છતાં મારો અને તમારો સંસાર ચાલુ કેમ રહ્યો? Where was the fault? આપણે આ જોવું પડશે, નહિ જોવો તો શું થશે? આ જન્મમાં પણ સાધના કરશું, હતા ત્યાં ને ત્યાં રહીશું…  એટલે શુભ અહોભાવની ધારા બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ.

પણ એ આપણને બેઝ બનાવી આપે છે કે જે બેઝ પરથી આપણે શુદ્ધમાં કુદી શકીએ. શુદ્ધ એટલે શું? આપણી પોતાની અનુભૂતિ. સ્વાનુભૂતિ. તમે તમારા સમભાવનો અનુભવ કરો. તમે તમારા આનંદનો અનુભવ કરો. એ સ્વાનુભૂતિ છે. તમારા ગુણની અનુભૂતિ કે તમારા સ્વરૂપની અનુભૂતિ એને આપણે સ્વાનુભૂતિ કહીએ છીએ. તો આખરે આપણે સ્વની અનુભૂતિ સુધી જવું છે. એટલે આ શુભ, આ અહોભાવ એ આખરે તો માર્ગ છે. એટલે પ્રભુએ નિશ્ચય આજ્ઞા શું આપી? વ્યવહાર આજ્ઞા ઘણી બધી આપી, તમારા માટે પણ છે, પૂજા થી માંડીને સામાયિક, પૌષધ સુધી… અમારા માટે દશવિધ સામાચારી થી માંડીને પંચાચાર પાલનની… પરંતુ પ્રભુની નિશ્ચય આજ્ઞા કઈ છે? તમારા માટે અને અમારા માટે? નિશ્ચય આજ્ઞા પ્રભુની એક જ છે “તું તારા સ્વરૂપમાં સ્થિર થા” હું ઘણીવાર પૂછું છું, તમે તમે ન હોવ તો શું હોવ? તમે તમે ન હોવ તો શું હોવ? તમને તમારો અનુભવ છે? તમે એટલે કોણ? ભાઈ આ શરીર તો માત – પિતાએ આપેલું…. રાખમાં ભળી જવાનું છે. નામ સોસાયટીએ એક Identity માટે આપેલું છે, આમાં તમે કોણ? મારે પૂછવું છે. Who are you? તમે એટલે શરીર? તમે એટલે શાશ્વતીના લયની ચેતના. તમે આનંદઘન છો. આનંદધનજી ભગવંત ૩૦૦ વર્ષ પહેલા થયા, તો તમે બધા કોણ છો? તમે બધા આનંદઘન છો. એટલે આપણે ૨ stage થયા, નિર્મળતા માટે એક અહોભાવને ઘૂંટવો છે. અને અહોભાવને ઘૂંટીને આપણા શુદ્ધ સ્વરૂપની આછી સી ઝલક આપણે મેળવવી  છે. તમારું સ્વરૂપ બિલકુલ નિર્મળ છે. પ્રભુના દર્શન કરવા જાવ ને ત્યારે તમે તો પ્રભુને ઘણી વાતો કરો છો. પ્રભુ શું કહે છે તમને ખ્યાલ છે કઈ? પ્રભુ કહે છે સત્તા રૂપે તું મારા જેવો જ છે. મારામાં ને તારામાં કોઈ અંતર નથી. માત્ર તું રાગ – દ્વેષ અહંકારને કારણે કર્મોને બાંધી રહ્યો છે, અને એ કર્મોને કારણે તારો આત્મા મલીન થઇ ગયો છે… એ મેલને કાઢી નાંખ, આજથી જ આપણી સાધના એ મલિનતા ને કાઢીને આત્માને નિર્મળ બનાવવા માટેની છે. તો પ્રભુ કહે છે, તું મારા જેવો છે, અને એ પ્રભુની નિર્મળતા જોતા આપણને થાય કે પ્રભુ તારી પાસે જેવી નિર્મળતા છે, એવી જ નિર્મળતા મારી પાસે છે. તું કૃપા કર, તું કરુણા કર… કે મારી એ નિર્મળતા અંદરની છે એ પ્રગટ થઇ જાય. તો આપણે આ રીતે કામ કરવું છે. ધીરે ધીરે… મારે તમને સાથે રાખીને ચાલવાનું છે. તો આપણે પહેલા બે વાત કરી, સાધકનું ચિત્ત યા તો એકદમ નિર્મળ હોય, યા તો નિર્મળ છે પણ નિમિત્તોની અસર થાય ત્યારે પાછું ગંદુ થઇ જાય, ૫ – ૧૦ – ૧૫ મિનિટ મળે પાછું નિર્મળ થઇ જાય, આ બીજી અવસ્થામાં તો તમારા મનને ઝૂકવું જ છે. કારણ કે તમે કરી શકો એમ છો, મારો એક logo છે you can do this, but if you desire. તમારી સંકલ્પ શક્તિ પ્રબળ હોય, તમારી ઝંખના પ્રબળ હોય, અઘરું કાંઈ નથી. સંસાર અઘરો કે સાધના અઘરી? હું સાધના ને easy નહિ. Easiest કહું છું. સાધનામાં કંઈ કરવાનું જ નથી. એક સમર્પણ આવી ગયું તમારી પાસે, પ્રભુ તમને ઉચકીને આમ થી આમ મૂકી દેશે. એ પણ વાત અવસરે કહીશ. એક સમર્પણ total surrender તમારી પાસે આવી ગયું, Than you have not to do anything absolutely. પછી તમારે કંઈ જ કરવું નથી. પછીનું કામ પ્રભુ અને સદ્ગુરુ કરી આપશે. તો આપણો ultimate goal આ સેશન દરમિયાન એટલો જ છે, કે મારે મારા ચિત્તને સતત નિર્મળ રાખવાની કોશિશ કરવી છે. કદાચ એકદમ પ્રબળ નિમિત્ત હોય, અને એની અસર થઇ જાય, તો પણ ૫ – ૧૦ મિનિટ – ૧૫, પછી ૧૫ મિનિટે તો હું એ અસરમાંથી મુક્ત થઈ જ જાઉં. એના માટે કેટલીક practical સાધનાઓ પણ છે એની પણ આપણે વાતો કરીશું. અને એ અહોભાવની ધારાને આપણે સઘન બનાવીને practical meditation માં જ્યારે જઈશું, ત્યારે ભીતરની નિર્મળ દશાનો, ભીતરની શાંત દશાનો આપણે અનુભવ કરીશું. આપણે જે અહીંયા ધ્યાન કરવાનું છે, એને હું ધ્યાન નથી કહેતો ધ્યાનાભ્યાસ કહું છું. ધ્યાન તો બહુ આગળની વસ્તુ છે. પણ આપણે એ ધ્યાન માટેનો અભ્યાસ કરવાનો છે. આપણે જે ધ્યાન અભ્યાસ કરીશું એ સંપૂર્ણ તયા પદ્ધતિ આપણા જૈન ગ્રંથો પરથી બનેલી છે. મેં દુનિયાની બધી સાધના પદ્ધતિઓનો અભ્યાસ કર્યો. વિપશ્યના જેવી ને તો practically પણ ઘૂંટી લીધી. પણ પછી પ્રભુની સાધના એ તો પ્રભુએ આપેલી શ્રેષ્ઠતમ છે. એટલે એમાં કોઈની પણ શેરભેળ કરાય નહિ. ઘણા બધા લોકો પ્રભુની સાધનામાં પણ બીજી શેરભેળ કરતાં હોય છે. પ્રભુની સાધના પ્રભુના પૂર્વાચાર્યોના ગ્રંથોમાંથી જ મેળવી શકાય. ન મારી બુદ્ધિમાંથી, કે ન કોઈની પાસેથી પણ મારે લેવાની છે.

દુનિયાની શ્રેષ્ઠતમ સાધના મારા પ્રભુએ મને આપી છે, તો બહાર લેવા માટે શા માટે જાઉં, એક વાત તમને કહું… દુનિયામાં આજે ૭૦૦ સાધના પદ્ધતિઓ already જીવંત છે. કેટલીકમાં સેંકડો સાધકો છે, વિપશ્યના જેવી માં લાખો – કરોડો સાધકો છે. પણ ૭૦૦ સાધના પદ્ધતિઓ જીવંત છે. અને કોઈ પણ સાધના પદ્ધતિને ધ્યાન વિના ચાલી શકે નહિ. વિભાવના ધ્યાનની અલગ અલગ કરે એ જુદી વસ્તુ છે. ધ્યાન વિના ચાલી શકે નહિ. પણ કાર્યોત્સર્ગ માત્ર આપણી જૈનોની… છે. કાર્યોત્સર્ગ દુનિયાની કોઈ સાધનામાં નથી. એટલે સમય મળશે એમાં આપણે બધી જ વાતો  ધીરે ધીરે વાતો કરીશું.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *