Maun Dhyan Sadhana Shibir 03 – Vachana – 3

781 Views 25 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત

રાગ-દ્વેષ-અહંકારના શિથિલીકરણના ઉપાયો

શાશ્વતીના લયનો આનંદ કેવો હોય, એની અલપઝલપ ઝાંખી ચોથા ગુણઠાણે સ્વાનુભૂતિની કક્ષાએ મળી શકે. એ આનંદને આપણે માણીશું, તો શાશ્વતીના લયના આનંદની ઈચ્છા થશે. એવો આનંદ મેળવવો – એ આપણી મંઝિલ. અને રાગ-દ્વેષનું શિથિલીકરણ – એ માર્ગ.

રાગ-દ્વેષ ના શિથિલીકરણના ઉપાયો : દ્રષ્ટાભાવ, ઉપયોગનું સ્થાનાંતરણ, પરમપ્રેમનો અનુભવ, પરમ શબ્દાનુભૂતિ અને સ્વગુણાનુભૂતિ.

વિભાવની ક્ષણોમાં પરમાત્માના શબ્દો યાદ આવે, તો એ શબ્દો રાગ-દ્વેષને શિથિલ બનાવી દે – આ પરમ શબ્દાનુભૂતિ. એક ગુણ પણ એટલો ઊંડાણથી અંદર ગયેલો હોય (અસ્તિત્વના સ્તર સુધી) કે એ આ જન્મમાં જ નહિ, બીજા જન્મમાં પણ તમને સુરક્ષા આપી શકે – આ સ્વગુણાનુભૂતિ.

મૌન ધ્યાન સાધના શિબિર – ૦૩ (ઘાટકોપર) – વાચના – ૩

અનહદની ખોજમાં

“મેરે સાહિબ ને મુજકો બહોત કુછ દિયા.”

ગીતકારનો આશય એ છે કે મારા પ્રભુએ બધું જ મને આપ્યું છે. બહોત કુછ નહિ, સબ કુછ. જે પણ મળ્યું છે અને જે પણ મળશે એ બધું માત્ર અને માત્ર એની કૃપાથી. સાધના માર્ગમાં એક ઇંચ, એક સેન્ટીમીટર, આપણે ચાલી શકતા નથી. એ ચલાવે છે. ગઈ કાલે આપણે ત્રીજું ચરણ જોતા હતા. રાગ – દ્વેષની શિથિલતા. અને એક ચરણ હતું; પરમ પ્રેમની અનુભૂતિ.

અનંતા જીવનો આપણે પસાર કર્યા. સાર્થક કેટલા..? જે જીવનમાં એના પ્રેમને આપણે અનુભવ્યો એટલા જ જીવન સાર્થક. એ વરસી જ રહ્યો છે. વરસી જ રહ્યો છે. અને ગઈ કાલે કહ્યું હતું, એમ ઝીલાવે પણ એ છે. આપણે માત્ર આ મુદ્રા કરીને બેસી જવાનું. અત્યાર સુધી પ્રભુ વરસતા રહ્યા. આપણા હાથ પીઠ પાછળ હતા. આજે હવે હાથને અંજલીની મુદ્રામાં જોડી દઈએ, અને એના પ્રેમના બિંદુ – બિંદુને આપણા અસ્તિત્વમાં ઝીલીએ.

પંન્યાસ પ્રવર ભદ્રંકરવિજય મ.સા. એ, પૂજ્યપાદ અધ્યાત્મ યોગી કલાપૂર્ણસૂરિ મ.સા. એ આ પ્રેમને અનુભવેલો. એમને પૂછવામાં આવેલું કે સાહેબ! આ પ્રેમ કેવો હોય…? એની વાત તો કરો… ત્યારે એ મહાપુરુષોની પાસે પણ ગહન ચુપી હતી. એ પ્રેમનો અનુભવ કરી શકાય. આપણી દુનિયામાં એવા શબ્દો નથી કે જે શબ્દો દ્વારા એ અનુભૂતિને પ્રગટ કરી શકાય. અનુભૂતિવાન હજારો મહાપુરુષો આપણી પરંપરામાં થયા. પણ અભિવ્યક્તિના ક્ષેત્રે બહુ જ થોડા મહાપુરુષો આવ્યા. કારણ… ૨ કારણ હતા… અનુભૂતિની દુનિયામાં ગયા પછી શબ્દોની દુનિયામાં આવવું અઘરું પડે છે. એ આનંદ, એ મસ્તી એ કેફ એવો હોય છે કે એને છોડીને શબ્દોની દુનિયામાં આવી નથી શકાતું. કદાચ કોઈ મહાપુરુષ આવી પણ જાય, તો પણ આપણી દુનિયામાં એ અનુભૂતિને વ્યાખ્યાહિત કરી શકે એવા કોઈ શબ્દો નથી. પછી શું કરવું પડે… વ્યાખ્યાને પણ નેતી – નેતીની ભાષામાં લઇ જવી પડે. આ પીડા ત્યાં નથી. આ વિચારોની પીડા ત્યાં નથી. આ શરીરની પીડા ત્યાં નથી. એ રીતે એ અનુભૂતિની વાત કરવી પડે. પરમાત્માની અનુભૂતિ એ જ સ્વની અનુભૂતિ. એટલે સ્વની અનુભૂતિ માટે નેતી – નેતીની ભાષા લેવી પડે.

બહુ મજાની અનુભૂતિની વ્યાખ્યા હૃદયપ્રદીપ ષડત્રિંશિકામા આવી. જો કે એમને સ્પષ્ટ કહ્યું કે શબ્દોની અંદર મેં અનુભૂતિને ઉતરવાની કોશિશ કરી છે. કેટલો હું સફળ થયો છું, એ હું ન કહી શકું. “शब्दादिपञ्चविषयेषु विचेतनेषु, योऽन्तर्गतो हृदि विवेककलां व्यनक्ति…….” સ્વાનુભૂતિ માટેની સરસ વ્યાખ્યા… અને સરસ પ્રક્રિયા. વ્યાખ્યા પણ આમાં છે. પ્રક્રિયા પણ આમાં છે. “शब्दादिपञ्चविषयेषु विचेतनेषु, योऽन्तर्गतो हृदि विवेककलां व्यनक्ति” તમે બોલી રહ્યા છો. શ્રોતાઓ બહુ જ પ્રેમથી તમને સાંભળી રહ્યા છે. કદાચ અહંકારની ધારા સહેજ ઉપજે પણ છે. એ વખતે જો એવું થઇ શકે કે તમે બોલનાર તરીકે ન રહો… જોનાર તરીકે હોવ… આટલી જ પ્રક્રિયા છે. સ્વાનુભૂતિ માટેની આટલી જ પ્રક્રિયા છે. બોલનાર શરીર છે. વ્યવસ્થિત રીતે વિચાર કરનાર મન છે. હું નથી. પ્રવચનની આખી જ પ્રક્રિયામાં હું ક્યાંય નથી. હોઠનો ઉપયોગ થાય છે. જીભનો ઉપયોગ થાય છે. Conscious mind નો ઉપયોગ થાય છે.  योऽन्तर्गतो हृदि विवेककलां व्यनक्ति– અંદર એક રહેલો છે જે એમ કહે છે, કે હું આ નથી. ભોજન લઇ રહ્યા છો. આજે try કરજો. ભોજન તમે લઇ રહ્યા છો. એક ક્ષણ એવી આવે, ભોજન કરનારો અલગ હોય, જોનારો અલગ હોય. ભોજન કરનાર શરીર છે. તમે જોનાર છો.

તો સ્વાનુભૂતિની બહુ જ મજાની આ વ્યાખ્યા આપી. તો પરમપ્રેમની અનુભૂતિ એ જ સ્વાનુભૂતિમાં પલટાય છે. પરમનો પ્રેમ તમે માણો. એ પ્રેમની અંદર વિતરાગદશાની સુગંધ છે. એ પ્રેમમાં ઉદાસીનદશાની સુગંધ છે. તમે એ વિતરાગદશા, એ ઉદાસીનદશા, એ પ્રશમરસ એનો આસ્વાદ લો… પરમ પ્રેમનો અનુભવ થયો… અને એ પરમ પ્રેમનો અનુભવ તમને સ્વાનુભૂતિમાં લઇ જાય. એવી ક્ષણો તમારા જીવનમાં ઘણી આવી છે કે જ્યારે તમે ક્રિયા કરનાર તરીકેથી છુટા પડ્યા છો. પણ જોનાર તરીકે નથી આવ્યા. કોઈ કામ તમે કર્યું, અને બધા લોકોએ ટીકા કરી, આવું કામ… આવું કામ થતું હશે… ટૂર નું આયોજન હતું. એવી એજન્સી ને નક્કી કરી નાંખી. ખાવાનું ઠેકાણું નહિ, પીવાનું ઠેકાણું નહિ… કયાંય ધર્મશાળામાં ઉતરવાનું ઠેકાણું નહિ… જેણે આ નક્કી કર્યું છે, એના ઉપર બધા તૂટી પડ્યા. અને ત્યારે એને કાર્ય કરવા ઉપર ઉદાસીનભાવ આવી ગયો. હવે આવા કોઈ સમાજના કામો કરવા જ નથી. એટલે કાર્ય કરનાર તરીકેથી એ છૂટો પડ્યો પણ એની પાસે એ દ્રષ્ટિ નથી કે જેથી તે જોનાર તરીકે આવી શકે.

એ જ રીતે પરમ પ્રેમનો અનુભવ તમને ઘણીવાર થયો છે. અલપ – ઝલપ અનુભવ… પણ તમે એને co – incidence માં ખપાવી લીધો. હતો પરમપ્રેમ… હતી એની કૃપા અને તમે એને co – incidence માં ખપાવી દીધું. આપણે જો ખ્યાલ ન રાખીએ ને તો હોય એનો પ્રેમ.. આપણે બીજું જ માની બેસીએ…

૩૦ એક વર્ષનું મારું વય. અમદાવાદમાં મારું ચોમાસું, એક યોગ શિક્ષક મને યોગ શીખવવા માટે આવતાં હતા. મારું પ્રવચન પૂરું થાય પછી અડધો કલાકે એ આવતાં. એકવાર એવું બન્યું મારું પ્રવચન ચાલતું હતું ને એ આવી ગયા. બેઠા પ્રવચનમાં… પછી અમે બે ઉપર ગયા. હું કપડાં વિગેરે change કરીને પાછો આવી ગયો. એ વખતે એમણે મને પૂછ્યું કે પ્રવચન તમારું બહુ સારું ગયું હોય, તો તમને કંઈ feeling થાય? એ વખતે ધ્યાનની કોઈ સાધના મારી પાસે હતી નહિ. પ્રભુની આવી પરમ કૃપાનો પણ અનુભવ નહોતો. એટલે મેં કહ્યું કે પ્રવચન સારું જાય તો અહંકાર આવે. બીજો પ્રશ્ન: પ્રવચન બરોબર ન હોય તો? મેં કહ્યું ગ્લાની ની feeling થાય. એ વખતે એમણે એક બહુ સરસ વાત કરી – એમણે કહ્યું કે તમારા અહંકારનું કોઈ status ખરૂ? હું વિચારમાં પડ્યો કે અહંકારના status ની વાત શું કરે છે… એ કહે એવા વક્તા હોય, જેનું નામ પડે ને auditorium છલકાઈ જતું હોય. એવા પ્રવચનકાર હોય, જે લાખોની મેદની ને શબ્દો દ્વારા હસાવી શકતા હોય, નચાવી શકતા હોય, રડાવી શકતા હોય.

એવા પ્રવક્તાઓ કદાચ અહંકાર મનમાં લાવે તો પણ એને વ્યાજબી માની લઈએ, પણ તમારી સભામાં ૧૦૦ – ૧૫૦ જણા હતા હવે એ રાજી થાય તો યે શું.. નારાજ થાય તો યે શું… આઠ અબજ માણસોથી છલકાતી આ દુનિયા, એમાં ૧૦૦ જણા એક tiniest portion… દરિયાના પાણીની સામે એક ચમચીનું પાણી… મને વાત બહુ મજાની લાગી. પણ પછી મને થયું…કે યોગ શિક્ષકની એટલી ઉંચાઈ નહોતી કે આવી વાત એ પ્રસ્તુત કરી શકે… ત્યારે મને થયું કે પરમ ચેતના પોતે જ મારા અહંકાર ને નાબુદ કરવા માટે આવે છે. આપણે એને co – incidence માં ખપાવી દઈએ.

એ પહેલાનો એક અનુભવ, ધ્યાનની દુનિયામાં જવું જ હતું. એક લગાવ… પણ જ્યાં અમે લોકો વિચરતા હતા, ત્યાં કોઈ આવા ધ્યાનના જ્ઞાની પુરુષો નહોતા. અને સાધુ જીવનની મર્યાદા, એટલે બહાર તો કંઈ એ રીતે જઈ શકાય પણ નહિ. તો એક દિવસ વિચાર આવ્યો… કે ધ્યાન સાધનામાં આગળ વધવા હવે શું કરવાનું… તે દિવસે કામ વધુ પહોંચેલું, થાકી ગયેલો… સૂઈ ગયો દિવસે… સુતો, થોડી વાર થઇ… અને એક આભાસ થયો. કોઈ કહેતું હતું કે તારે કંઈ ચિંતા કરવાની જરૂર છે? હું બેઠો છું ને… બેઠો થયો. બેઠા થયા પછી પણ, જાગ્યા પછી પણ, એ દ્રશ્ય બરોબર દેખાય… તારે ક્યાં ચિંતા કરવાની છે?! હું બેઠો છું. પણ એ વખતે હું બુદ્ધિજીવી હતો. એટલે મેં વિચાર કર્યો કે કદાચ આ એક auto suggestion હોય, મારા મનમાં વિચારો ચાલતા હતા… તો એનું auto – suggestion આ આવ્યું. હું એ માનવા તૈયાર નહોતો… કે આ પરમનો પ્રેમ હતો.

પણ પછી એવું બન્યું… એ જ દિવસે સાંજે એક ભાઈ એક પુસ્તક લઈને આવ્યા. યોગનું જ હતું. મને એમણે પૂછ્યું – કે આ પુસ્તક તમે જોયું છે? એ વખતે પણ હું book worm હતો. પુસ્તકીયો કીડો. મારા રસનું કોઈ પુસ્તક લગભગ બાકી રહેલું ન હોય. અને આ પુસ્તક મેં જોયેલું જ નહિ. મેં કહ્યું, આ પુસ્તક મેં નથી જોયું. તો કહે કે લો, તમને આપવા માટે જ આવ્યો છું. પછી તપાસ કરી કે આ કોણ હતું… તો કહે કે આ ગામમાં તો આવો કોઈ માણસ છે નહિ… એ પુસ્તક મેં વાંચ્યું. જ્યાં હું અટકતો હતો… ત્યાંથી શરૂઆત હતી. આખી journey હતી એક યોગીની. અને એ journey ને આધારે પગલે પગલે હું ચાલી ગયો. પુસ્તક પૂરું થયું હવે આગળ શું… એ જ દિવસે એક ભાઈ મને મળવા માટે આવ્યા… એમણે મને કહ્યું, તમને ધ્યાનમાં રસ છે એટલે હું તમને મળવા આવ્યો છું. મેં એમને સામે પૂછ્યું કે તમે યોગમાં ધ્યાનમાં ક્યાં સુધી ગયા છો? ત્યારે એમણે પોતાની journey ની વાત કરી. હું જ્યાં અટક્યો હતો… આ પુસ્તકમાં.. ત્યાંથી એમને journey ની શરૂઆત કરી. મેં એ steps બરોબર જોઈ લીધા. એ ભાઈ ગયા.. એ steps પ્રમાણે હું ચાલ્યો પાછો… ફરી જરૂરિયાત પડી, ફરી કોઈ આવી ગયું. ત્યારે મેં માન્યું કે આ પરમપ્રેમ હતો. આ પરમ કૃપા હતી. તો પરમપ્રેમની અનુભૂતિ શું કરે..? રાગ અને દ્વેષને શિથિલ બનાવી દે.

“નહિ અચાહ નહિ ચાહના, ચરનન લયલીના રે, ભક્તિ કા મારગ ઝીણા ઝીણા રે”

નહિ અચાહ નહિ ચાહના – અચાહ, ક્યાંય અણગમો દ્વેષ નથી. ક્યાંય રાગ નથી. અહીં અહંકાર લખ્યો નથી. પણ રાગનો જ એક પ્રકાર અહંકાર થઇ જાય છે. રાગ પદાર્થો ઉપર હોય, વ્યક્તિઓ ઉપર હોય, શરીર ઉપર હોય, અને સૌથી વધારે ગાઢ રાગ આપણા સૂક્ષ્મ હું ઉપર છે. દુનિયાના મોટામાં મોટા યુદ્ધો આ હું ને કારણે લડાયા. હું કહું તે સાચું, તું કહે તે ખોટું. અને એ હું કેવો પાછો…? સાચું કે નકલી…? તમે જે હું ના આધારે જીવનને ચલાવો છો, એ હું સાચું અસલી છે કે નકલી છે….? માત – પિતાએ શરીર આપ્યું, society એ નામ આપ્યું. તમે એના ઉપર હું નું સ્ટીકર લગાવ્યું. Society એ નામ આપ્યું… કારણ કે નામ વગર વ્યવહાર ન ચાલે. પણ તમે હોસ્પિટલમાં જાઓ તો નામમાંથી નંબરમાં ફરી જાઓ. પેશન્ટ નંબર ફલાણા ફલાણા… તો આ તમારી identity સાચી કે ખોટી…? અને એ ખોટી identity ની પાછળ આખું જીવન પસાર કરવાનું…? જે ક્ષણે પરમ પ્રેમની અનુભૂતિ થશે.. એ ક્ષણે બધું છૂટી જશે. તમે જ નહિ હોવ…

એક મજાની વાત કરું… પ્રભુ આપણા હૃદયમાં અવતરિત ક્યારે થાય? હૃદયના સિંહાસન પરથી તમે ઉતરી જાવ ત્યારે.. એક ભાઈ મને કહે મ.સા, “મનમંદિર આવો રે, કહું એક વાતલડી” કેટલી વાર બોલ્યો પણ પ્રભુ આવ્યા નહિ. મેં કહ્યું, પ્રભુ આવેલા પાછા જતા રહ્યા… મને કહે કે કેમ..? મેં કહ્યું સિંહાસન એક હતું… એના ઉપર તું ચડી બેઠેલો. એટલે ભગવાન પાછા ફરી ગયા. તમે સિંહાસન પરથી નીચે ઉતરવા તૈયાર છો…? અહંકારને છોડવા તૈયાર છો? પ્રભુ તમારા હ્રદયમાં… પ્રભુ હૃદયમાં આવે એ તો પાછળની ઘટના છે. પ્રભુનો પ્રેમ તો આ જ ક્ષણે તમે અનુભવી શકો. એનું શાસન કોને આપ્યું..?

લલિત વિસ્તરા સૂત્રની પંજિકામાં એક વસ્તુ લખી કે જે પણ સારા વિચારો, જે પણ સારા ભાવો, અને જે પણ સારી ક્રિયાઓ તમે કરો છો… એ માત્ર ને માત્ર પ્રભુની કૃપાથી જ કરો છો. એક પણ સારો વિચાર આવ્યો, એના ઉપર માલીકીયત કરીને નહિ બેસી જતા. એક પણ સારો ભાવ આવ્યો, એક પણ સારું અનુષ્ઠાન તમારા દ્વારા થયું, કહેજો પ્રભુએ કરાવરાવ્યું. વર્ષીતપ મેં કર્યો કે પ્રભુએ કરાવરાવ્યો…? સિદ્ધિતપ કોણે કરેલો..? મેં કરેલો…કેમ … મેં કરેલો નહિં, પ્રભુએ કરાવરાવેલો. તો ત્રીજું ચરણ આ થયું: પ્રભુ પ્રેમની અનુભૂતિ.

પહેલું ચરણ હતું: દ્રષ્ટાભાવ. રાગ અને દ્વેષ દ્રશ્ય બની ગયા; તમે દ્રષ્ટા બની ગયા. એટલે અલગાવ બિંદુ આવી ગયું. લગાવ અલગાવમાં ફરી ગયો. Attachment detachment માં ફેરવાઈ ગયું. બીજું હતું: ઉપયોગનું રૂપાંતરણ, સ્થળાંતરણ. જે ક્ષણે રાગમાં મન જઈ રહ્યું છે, એ જ ક્ષણે પ્રભુના દેરાસરમાં તમે તમારી જાતને કલ્પો, પ્રભુની વિતરાગદશાને તમે જોઈ રહ્યા છો… એવું વિચારો.. આંશિક રીતે વિતરાગદશાનો અનુભવ કરો અને રાગ છું થઇ જાય.

ત્રીજું ચરણ આ કે પરમના પ્રેમથી હૃદય એવું ભરાઈ જાય કે રાગ અને દ્વેષને રહેવા માટે જગ્યા ન રહે. આવે ક્યાંથી પણ… ધર્મશાળા ફૂલ થઇ ગઈ હોય… એક પણ રૂમમાં, એક પણ યાત્રિક માટે જગ્યા ન હોય તો મેનેજર શું કહે… please sir no  vacancy. ખાલી corridor માં તમારે સૂઈ જવું હોય તો ઠીક છે, બાકી રૂમ એક પણ મળી શકે એમ નથી. એમ પ્રભુથી હૃદય ભરાઈ ગયું પછી બીજાનો અવકાશ ક્યાં છે.

રહીમની એક ચોટડૂક પંક્તિ છે. “પ્રીતમ છબી નયનન બસી, પર છવિ કહાં સમાય, ભરીસરાય રહીમ લખી, પથિક આય ફિર જાય” પ્રીતમ છબી નયનન બસી – પ્રિતમની છબી એ પરમ પ્યારા પાર્શ્વનાથ પ્રભુની છબી હૃદયમાં વસી ગઈ, નયનોમાં વસી ગઈ, એ નયનમાં એ હૃદયમાં બીજું કોણ આવી શકે…! અને એના માટે ઉદાહરણ આ જ આપ્યું: ભરિસરાય રહીમ લખી, પથિક આય ફિર જાય. સરાય – ધર્મશાળા પુરી ભરેલી છે, યાત્રિક આવે છે એને કહેવામાં આવે છે, no vacancy; એ પાછો જાય છે .એમ આંખમાં અને હૃદયમાં જ્યારે પરમાત્મા છવાઈ ગયા, પરમાત્મા જ પરમાત્મા માત્ર છે ત્યારે બીજા પદાર્થ નો, બીજી વ્યક્તિનો પ્રવેશ ત્યાં આગળ શક્ય નથી.

ચોથું ચરણ છે: પરમશબ્દાનુભૂતિ. પરમાત્માના શબ્દો. અને એ શબ્દો રાગ અને દ્વેષને શિથિલ બનાવી દે. ધારો કે તમે ક્રોધ કરવા માટે તૈયાર થઇ ગયા. ક્રોધ મનમાં આવું આવું થઇ રહ્યું છે… એ ક્ષણોમાં પ્રભુના પ્યારા શબ્દો તમારા કાન પર અથડાય… તો ક્રોધ છું થઇ જાય. બહુ જ પ્યારું સૂત્ર આચારાંગજી માં છે: “ एस खलु गंथे, एस खलु मोहे । एस खलु मारे, एस खलु णरए ||” 

ક્રોધ કરવા માટે કોઈ તૈયાર થયું છે. પ્રભુએ એને શું કહે છે, અરે! તું મારો દીકરો… તું ક્રોધ કરે…! एस खलु गंथे – એ ક્રોધ તો ગાંઠ છે ગાંઠ… તારે તારા જીવનને ગાંઠોથી યુક્ત બનાવવું છે? એટલે પગમાં છે ને થોડી નસોમાં તકલીફ હોય, તો આપણે શબ્દ વાપરીએ પગ ગંઠાઈ ગયો છે… એટલે પગ બરોબર ચાલતો નથી. ક્રોધ શું કરે… પુરા તમારા વ્યક્તિત્વને ગંઠાવી નાંખે. તમે એવા ન રહો જેમાં શાંત મુદ્રામાં હતા ત્યારે હતા. એ ક્રોધની ક્ષણોમાં તમને ખ્યાલ પણ ન રહે. તમારાથી કોઈને ખરાબ શબ્દો બોલાઈ પણ જાય.

તો પ્રભુ કહે છે, एस खलु गंथे. આ ક્રોધ તું કરે છે મૂકી દે, મૂકી દે.. એ તો ગાંઠ છે ગાંઠ… તો પણ પેલો નથી સમજતો, ત્યારે પ્રભુ આગળ વધે છે. एस खलु मारे, एस खलु मोहे! અરે આ તો અજ્ઞાન છે! અજ્ઞાન! ક્રોધ કેમ આવે બોલો..? તમને જો ખ્યાલ હોય… કે પેલી વ્યક્તિ જે ખરાબ શબ્દો કહે છે એનું કારણ હું છું, મારું કર્મ છે. તો તમને ક્રોધ થાય ખરો…? નાનું બાળક પણ સમજે, પાંચ વર્ષનું બાળક હોય ને દોડતું હોય ને પડી જાય, ઢીંચણ છોલાઈ પણ જાય, આજુબાજુ જોવે.. કોઈ જોતું નથી. ધૂળ ખંખેરીને ઉભો થઈને ચાલવા માંડે. પણ આગળ જતાં કોઈ uncle ટપલી મારે ને તો ય રેકોર્ડ શરૂ થઇ જાય એનો.. કેમ કે ત્યાં કોઈ બીજું છે. હું પડી ગયો એમાં તો હું હતું.. કોના ઉપર દોષનો ટોપલો ઢાળું?

તો તમે અજ્ઞાનને કારણે માનો છો કે એણે તમને કહ્યું. એણે તમને નથી કહ્યું… તમારા કર્મે કહ્યું છે. હકીકતમાં પ્રભુ શાસનને પામેલ વ્યક્તિત્વ કેવું હોય… કોઈ uncle તમારા માટે બિલકુલ કારણ વિના અડધો કલાક non – stop ગાળોનો વરસાદ વરસાવે ત્યારે તમે પ્રેમથી કહો…. uncle મને સુધારવા માટે તમે બહુ જ મહેનત લીધી, તમારા ગળાને શોષ પડ્યો હશે; આ થોડું ઠંડું પાણી પીઓ. બની શકે કે નહિ…? બની શકે…?

તો પ્રભુએ કહ્યું: एस खलु मोहे. એમાં પણ અટક્યો નહિ, તો પ્રભુએ આગળ કહ્યું एस खलु मारे. અલા ક્રોધ તો મૃત્યુ છે મૃત્યુ. ઘણા લોકો ક્રોધની અંદર extreme point પર પહોંચ્યા, એમની નસ એ આવેગને સહન ન કરી શકી… હેમરેજ થયું… નસ ફાટી ગઈ એટલે પતન થઇ ગયું. પ્રભુ કહે છે: एस खलु मारे. આ મૃત્યુ છે મૃત્યુ.

એક ભાઈ એક જગ્યાએ જતાં હતા paying ગેસ્ટ તરીકે… ત્યાં રહે અને પોતાના ધંધાનું કામ કરે… બે દિવસ, ચાર દિવસ ફરી પાછા જાય… બાજુના flat માં પતિ – પત્ની રહે… અને એમને ઝગડા માટે કોઈ કારણ જોઈએ જ નહિ.. ચેમ્પિયન હતા. ઝગડા માટે વળી કારણ હોય… એ તો નબળા માણસો માટે હોય… ગ્લાસ આમથી આમ કેમ મુકાયો… એના ઉપર એક કલાક ઝગડો ચાલે… એકવાર પેલા ભાઈ ગયા… બાજુના ફ્લેટમાંથી અવાજ ન આવે, એણે પોતાના જજમાનને પૂછ્યું કે બાજુવાળા ઘર બદલીને બીજે ગયા… તો કહે કે ના… ના… ત્યાં જ છે, તો પછી અવાજ કેમ નથી આવતો… તો જજમાને કહ્યું બેઉ ડોક્ટરની આજ્ઞામાં છે. બેનને હાઇપર ટેન્શન થઇ ગયેલું, ઉપરનું બી.પી. ૨૨૫ ઉપર થઇ ગયેલું….. આ તો શહેર છે તાત્કાલિક સારવાર મળી ગઈ. પણ ડોકટરે કહ્યું જો ઊંચા અવાજે બોલ્યા તો મર્યા… એટલે હવે ડોક્ટરની આજ્ઞામાં શાંત છે. ભાઈને સિવિયર હાર્ટ એટેક આવેલો. તરત જ ડોકટર પાસે લઇ ગયા.. એન્જ્યોગ્રાફી કરી. Stand મૂકી દીધા પણ પછી ડોકટરે કહ્યું કે હવે જો જોરથી બોલ્યા ને તો મર્યા… એટલે બંને હમણાં ડોકટરની આજ્ઞા છે. તમે કોની આજ્ઞામાં…? एस खलु मारे….

અને છેલ્લે પ્રભુએ કહ્યું: एस खलु णरए. અરે! આ તો નરક છે નરક….. તું ક્રોધ કરીશ, નરકમાં તારે જવું પડશે.. છોડ આને… તો આ ચોથું ચરણ થયું. પરમશબ્દાનુભૂતિ. પરમાત્માના શબ્દો જે છે એના અનુભવના કારણે આપણે રાગ -દ્વેષથી અલગ થયા.

છેલ્લું ચરણ છે: સ્વગુણાનુભૂતિ. એક ગુણ એટલો ઊંડાણથી અંદર ગયેલો હોય, અસ્તિત્વના સ્તર સુધી કે એ…. એ જન્મમાં તો ઠીક, બીજા જન્મમાં પણ તમારી સુરક્ષા આપી શકે. મૃગાપુત્રની વાત આવે છે, શ્રેષ્ઠીપુત્ર છે. એ જમાનાના કરોડોપતિ શ્રેષ્ઠીનો પુત્ર… ઘરમાં જ પંડિતો રાખીને એને ભણાવવામાં આવ્યો.. ૧૫ – ૧૬ વર્ષની એની વય, talented બહુ જ હતો, અને આટલા સુખી ઘરનો દીકરો. વૈવિશાળ માટે કન્યાઓના માંગા એટલા બધા આવતાં… શેઠ કહે છે, જોઈએ છે જોઈએ છે.. અને એમાં એકવાર મૃગાપુત્ર ઝરૂખામાં બેઠા છે. અને એ વખતે ત્યાંથી પસાર થતાં એક મુનિરાજને એને જોયા. ઘરમાં દેરાસર હતું. અને ઉપાશ્રયમાં મ.સા બહુ જ ઓછા આવતાં.. ચોમાસું તો થતું જ નહિ. આમ પણ શેષ કાળમાં કયારેક આવતાં.

મૃગાપુત્ર પોતાની આ જિંદગીમાં very first time મ.સા. ને જોયા.. જોતા જ એ વિચારમાં પડી ગયો. આવું તો ક્યાંક જોયેલું છે. ઊંડા ઉતરાયું; એટલે જાતિ સ્મરણ જ્ઞાન થયું. મુનિરાજ તો દૂર દૂર પહોંચી ગયા. જાતિ સ્મરણ દ્વારા ખ્યાલ આવ્યો કે પોતે ગત જન્મની અંદર મુનિ હતો. અને એ મુનિપણાનો આનંદ જે માણેલો … એ વૈરાગ્યનો આનંદ, એ ભક્તિનો આનંદ, એ સ્વાધ્યાયનો આનંદ… એ જે માણેલો એની યાદ આવે છે. આ જન્મમાં વૈરાગ્યનો અનુભવ નથી. ગત જન્મના વૈરાગ્યનો અનુભવ છે. પણ એ અનુભવ એટલો બળુકો છે કે કરોડો રૂપિયા, આ મોટો બંગલો, અને આગળ ભોગવવાનું સુખ; આ બધું જ એના મનમાંથી છું થઇ ગયું. કશું જ ન જોઈએ. મારે જોઈએ માત્ર મુનીપણું.

એક જ દ્રશ્ય જોવાયું, ગત જન્મના વૈરાગ્યનો અનુભવ થયો… કેવો અનુભવ હશે બોલો તો… એ ગયા જન્મનો અનુભવ આ જન્મની અંદર એને વૈરાગ્યના આનંદનો અનુભવ કરાવે છે. રાગમાં શું આનંદ છે તમારી પાસે…?! અમારી પાસે જે આનંદ છે, એ આનંદ છે તમારી પાસે…? અમારો આનંદ શાશ્વતીના લયનો… તમારો આનંદ ક્ષણિક… કોઈ મિત્ર મળ્યો ઘણા વર્ષે… મજા આવી… ગયો એટલે પાછુ દુઃખ.

અમારો આનંદ શાશ્વતીના લયનો છે. મૃગાપુત્રનો રાગ છું થઇ ગયો. હવે દીક્ષા જ લેવાય… બીજું કાંઈ નહિ. માત – પિતાને કહ્યું.. હવે એકનો એક દીકરો રજા કેમ મળે…! રજા મળે કેમ…! પણ એને સ્પષ્ટ કહ્યું કે પિતાજી હું સંસારમાં રહી શકું એમ નથી. આ તમારી સુંવાળી પથારી મને કાંટાળી પથારી લાગે છે. આ તમારા બધા ભોગ મને રોગ જેવા લાગે છે. એની આંખના આંસુ ખાય નહિ, પીએ નહિ, શરીર સુકાવા લાગ્યું; ત્યારે માત – પિતાએ રજા આપી. રજા આપી અને પછી એ ગુરુ પાસે દીક્ષા લેવા માટે જાય છે…

ઉત્તરાધ્યયન સૂત્રમાં આખી આ કથા છે. અને એમાં છેલ્લું વર્ણન બહુ જ સટીક છે. મૃગાપુત્ર સંયમ લેવા માટે ગુરુ પાસે જાય છે. એ ક્ષણોનું વર્ણન આપ્યું “रेणुयं व पडे लग्गं निद्धूणित्ताण निग्गओ” કોઈ જગ્યાએ તમે ગયા છો. ધૂળ છે પણ બેસવું જ પડ્યું છે. પાંચ મિનિટ બેઠા.. ઉભા થઈને પહેલી કામ શું કરો… ધૂળને ખંખેરવાનું… એમ રાગ અને દ્વેષને અને અહંકારની ધૂળને ખંખેરીને મૃગાપુત્ર પ્રભુના માર્ગ ઉપર ચાલી નીકળ્યા..

તો પાંચ ચરણો આપણી સામે આવ્યા. જે પાંચે પાંચ ચરણો રાગ – દ્વેષને શિથિલ કરી શકે. અને રાગ – દ્વેષની શિથિલતા એ માર્ગ અને સ્વાનુભૂતિ એ મંઝિલ. તો માર્ગ પણ મજાનો. મંઝિલ પણ મજાની. હું તો ઘણીવાર કહું કે પ્રભુના માર્ગે કંઈ રીતે જવાનું… six lane road છે. Imported સરસ મજાની કાર છે. લીમ્બોરગિરિ જેવી.. એમાં તમારે પાછળની સીટ પર બેસવાનું છે… ખાલી સોફરને કહેવાનું છે કે અહીંયા જવાનું છે અને તમારી કાર દોડે છે. તો આ back seat journey જેવી આ સાધના યાત્રા છે.

પ્રભુએ આપેલો માર્ગ, પ્રભુએ આપેલી કાર, સદ્ગુરુ સોફર તરીકે. તમારે પાછળની seat માં બેસી જવાનું, તમને પહોંચાડી આપે ગુરુ…. માત્ર કારમાં બેસવાનું છે હો… આટલું તો કરશો ને પાછા..

તો મંઝિલ મજાની: સ્વને અનુભવવો, સ્વના આનંદને પામવો.

શાશ્વતીના લયનો આનંદ કેવો હોય, એની એક અલપ – ઝલપ ઝાંખી ૪થા ગુણઠાણે સ્વાનુભૂતિની કક્ષાએ મળી શકે અને એ આનંદને આપણે માણશું તો શાશ્વતીના લયના આનંદની ઈચ્છા થશે.

તો આનંદને મેળવવો એ આપણી મંઝિલ અને એના માટે રાગ – દ્વેષ ને શિથિલ કરવા એ આપણો માર્ગ.

આ માર્ગ… આ મંઝિલ…

માર્ગ ઉપર દોડો; મંઝિલને પામો.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *