Maun Dhyan Sadhana Shibir 04 – Vachana – 3

297 Views 35 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત

Subject : ધ્યાન ચાર ભગવંત બતાવે

અગણિત જન્મોથી આપણે પરમપ્રિયની પ્યાસ લઈને નીકળેલા યાત્રિકો છીએ. જ્યાં સુધી એ પરમપ્રિય ન મળે, એનો પ્રેમ ન મળે, ત્યાં સુધી આ પ્યાસ છીપાય નહિ. આ જન્મમાં એ પ્રેમ મળી જાય, આપણે તૃપ્ત થઇ જઈએ; એક સંપૂર્ણતાનો અહેસાસ થાય કે હવે બીજું કશું જ જોઈતું નથી.

પિંડસ્થ ધ્યાન. પિંડ એટલે શરીર. શરીરમાં જે જ્યોતિર્મય તત્ત્વ ઝળકી રહ્યું છે, એનો અનુભવ કરવો છે. એ અનુભવ શી રીતે કરવો? જ્યોત શું જ્યોત મિલત જબ ધ્યાવત, હોવત નહિ તબ ન્યારા. તમે તમારા મનને જો જ્યોતિર્મય બનાવો, તો એ જ્યોતિર્મય તત્ત્વને અનુભવી શકો.

સિદ્ધ ભગવંતો નિર્મળ આત્મસ્વરૂપ છે. હવે કોઈ રૂપ નથી. કોઈ શરીર નથી. કશું જ નથી. તાકો ધ્યાવત તિહાં સમાવે. એમનું તમે ધ્યાન કરો, તો તમારી ચેતના સિદ્ધમય બની જશે. આ રૂપાતીત ધ્યાન.

મૌન ધ્યાન સાધના શિબિર – ૦૪ (ઘાટકોપર) – વાચના – ૩

‘મેરે સાહિબ ને મુજકો બહુત કુછ દિયા’
‘મેરે સાહિબ ને મુજકો સબકુછ દિયા’
‘મેરે સાહિબ ને મુજકો અમૃત દિયા’

જેની કલ્પના પણ ન કરી શકીએ એવું અમૃત તત્વ પ્રભુએ આપ્યું. એનો પ્રેમ, એનો પરમપ્રેમ વરસતો જ રહ્યો. વરસતો તો હતો જ, ઝીલાવ્યો પણ એણે, અગણિત જન્મોમાં એની વર્ષા તો ચાલુ હતી, આપણે ઝીલી શકતા નહોતા. We had no receptivity. આ જન્મમાં એણે પ્રેમ આપ્યો…એણે પ્રેમ ઝીલાવ્યો. એ પ્રેમ…

નારદ ઋષિ ભક્તિસૂત્રમાં કહે છે: “અનિર્વચનીયં પ્રેમ સ્વરૂપં, મુકાસ્વાદનવત્” એ પ્રેમ એને તમે કયા શબ્દોમાં ઢાળી શકો? એ શબ્દોને પેલે પારની ઘટના છે. અનિર્વચનીયં પ્રેમ સ્વરૂપં, મુકાસ્વાદનવત્, પછી કહ્યું “પ્રકાશતે ક્વાપિ પાત્રે” આપણી ભાષામાં આપણે એનો અનુવાદ એ રીતે કરી શકીએ કે we can’t say it, but we can experience it. We can’t say it…. how will you say it? but you can experience it. અને આ જન્મ માત્ર અને માત્ર એના પ્રેમને અનુભવવા માટે છે. એનો પ્રેમ મળ્યો, હું કહી શકું કે હું સમગ્ર તયા સંપૂર્ણ છું. મારે કશું જોઈતું નથી હવે… તમને પણ કહું…. ઘણી બધી સંપત્તિ મળી, તૃપ્તિ થતી નથી. કેમ? શું કારણ?  કારણ એક જ છે કે  અગણિત જન્મોથી આપણે એ પરમ પ્રિયની પ્યાસ લઈને નીકળેલા યાત્રિકો છીએ. જ્યાં સુધી એ પરમ પ્રિય ન મળે, એ પરમપ્રિયનો પ્રેમ ન મળે, ત્યાં સુધી પ્યાસ છીપાય નહિ. આ જન્મમાં એ પ્રેમ મળી જાય, તૃપ્ત થઇ જઈએ. એક સંપૂર્ણતાનો અહેસાસ થાય, કે હવે કશું જ જોઈતું નથી. ‘મેરે સાહિબ ને મુજકો સબકુછ દિયા’. કશું જ બાકી ન રહ્યું.

મારી દ્રષ્ટિએ આ યુગની અંદર આની બહુ જ જરૂરિયાત છે. એક negativity society ની અંદર ઘર કરીને બેસી ગઈ છે. એ negativity ને કાઢવા માટે આ પરમપ્રિયનો પ્રેમ એક જ કાફી છે.

હું સુરતમાં હતો, motivational author, motivational speaker – Shiv Khera આવવાના હતા. બહુ મોટું નામ motivational speaking ના ક્ષેત્રે એમનું… તો દેખીતી રીતે મીડિયામાં એની ચર્ચા હોય જ. એ વખતે રોજ morning walk માટે હું જતો. ૫ – ૭ ભક્તો પણ મારી જોડે આવતાં, Shiv Khera આવી પણ ગયા. બીજા દિવસે morning walk માં એક ભક્તે મને પૂછ્યું, સાહેબ! Shiv Khera આવી ગયા, આપને તો ખ્યાલ હશે. મેં કહ્યું હા, પેપરમાં વાંચેલું. પછી મેં પૂછ્યું કે કેવું એમનું ભાષણ રહ્યું? એ ભાઈએ કહ્યું, સાહેબ! આટલું મોટું નામ હોય તો દેખીતી રીતે સરસ ભાષણ હોય જ. દોઢ કલાકના પ્રવચનને અંતે તમને એ એકદમ પ્રોત્સાહિત કરી દે, તમારી ભીતર આશાનો એક નવો સંચાર કરી દે. પણ પછી એ ભાઈએ કહ્યું કે સાહેબ! તમારા જેવા જૈન મુનિઓને જે સાંભળતો હોય, એને નવાઈ લાગે એવું કંઈ હતું નહિ એ પ્રવચનમાં motivational speaking નો અને motivational books નો કરોડોનો ધંધો આજે ચાલે છે. કારણ શું? Negativity ઘર કરી ગઈ છે. Negativity શા માટે છે? આપણા પૂર્વજો પાસે આ Negativity નહોતી. કારણ એક જ હતું, શરીર માટે, વ્યવહાર ચલાવવા માટે જોઈતું હોય એટલું મળી જાય એટલે ભયો ભયો… એમની પાસે લાંબી અપેક્ષાઓ નહોતી. તમારી પાસે અપેક્ષાઓ ઘણી છે. ટી.વી. માં, બીજી જગ્યાએ નવી નવી ads જોવો, નવા નવા સાધનોની વાત સાંભળો, વાંચો, તમને થાય કે મારે ત્યાં પણ આ જોઈએ. ટી.વી. તો છે જ. સ્લિમ ટી.વી. જોઈએ છે. ભાઈ તું સ્લિમ થાય ત્યાં સુધી બરોબર છે. ટી.વી. ને સ્લિમ કરવાની જરૂર ક્યાં છે…. તમારે જોવા માટે સાદું ટી.વી. પણ ચાલશે. સ્લિમ ટી.વી. કોના માટે? બહારવાળાઓ માટે… બહારવાળાઓને લાગે કે ના, આ માણસ તો સુખી છે. બીજા લોકો તમને certificate આપે એના માટે રાત – દિવસ તમારી મહેનત ચાલુ છે. એના કરતાં અમારું certificate લેવા આવી જાવ ને…

મહોપાધ્યાય યશોવિજય મહારાજે કહ્યું: ‘રીઝવવો એક સાંઈ’ એમનું મિશન હતું ‘રીઝવવો એક સાંઈ’ મારે એક મારા ભગવાનને રીઝવવા છે. બીજું કંઈ જ મારે જોઈતું નથી. અને આ તમારી society ક્યારે પણ રીઝે એવી છે ખરી? તમે અબજોપતિ થઇ ગયા તો society નોંધ લેશે. પણ society ની એક ગીધ નજર હોય છે કે ક્યારે બેટો પડે. એ કહેવાતાં society ના નંબર એક કે બે તરીકેના માણસની દીકરો કે દીકરી રાત્રે ભાગી જાય, આખા સમાજના મોબાઈલ ધણ – ધણવા મંડી પડે… સાંભળ્યું, પેલાની દીકરી ભાગી ગઈ. રસ ક્યાં હતો? તમે ચડો એમાં કે તમે પડો એમાં… society ક્યારે પણ તમને recognize કરવાની નથી. તો અમારી પાસે આવી જાવ…

તો અપેક્ષાઓ બહુ ઓછી હતી. રોટી – દાળ મળે, સંતુષ્ટ થઇ જતા. આજે કેટલું બધું જોઈએ છે? છતાં આપણા સંપન્ન સમાજમાં શરીરને જોઈએ છે એ તો બધું મળી જાય છે. તમારા પરિવારને જોઈએ છે એ પણ બધું મળી જાય છે, પણ મન તૃપ્ત થતું નથી. મીડિયા મુકેશ અંબાણીની સંપત્તિના ગુણાકાર અને ભાગાકાર બતાવે… અને તમે એ વાંચો…  ૧ લાખ કરોડ, બે લાખ કરોડ… સાલું આપણે તો ૨ – ૫ – ૧૦ કરોડમાં રમીએ છીએ, અને ૧ લાખ કરોડ…

અમને પ્રભુએ એવી સરસ દ્રષ્ટિ આપી, આનંદ જ આનંદ છે. કોઈ પણ મહાત્મા ખુબ ઉંચે ચઢેલા હોય, અમને એની અનુમોદના કરવાનું જ મન થાય કે વાહ! શું શક્તિ છે… તો પ્રભુનો પ્રેમ આ જન્મમાં મેળવવો છે. એ પ્રભુનો પ્રેમ એક અમૃત તત્વની અનુભૂતિ કરાવશે. ગઈ કાલે આપણે બે ધ્યાન જોયેલા …. રૂપસ્થ અને પદસ્થ… બેઉ ધ્યાન કેવા હતા? રોજ કરી શકાય એવા… પહેલા ભગવાનના દર્શન કરવા જાવ એટલે પદસ્થ ધ્યાન, ચા પીવા બેસો ત્યારે રૂપસ્થ ધ્યાન. રોજ થઇ શકે ?

ત્રીજું ધ્યાન છે પિંડસ્થ ધ્યાન. પિંડ એટલે શરીર. તમારા શરીરમાં એક જ્યોતિર્મય તત્વ ઝલકી રહ્યું છે. એ જ્યોતિર્મય તત્વને અનુભવવો છે.

મહોપાધ્યાય યશોવિજય મહારાજે શીતલનાથ પ્રભુના સ્તવનમાં તમારી અંદર રહેલ જ્યોતિર્મય તત્વની અનુભૂતિ માટેની પ્રક્રિયા બતાવી. બહુ જ સરળ પ્રક્રિયા છે. “જ્યોત શું જ્યોત મિલત જબ ધ્યાવત, હોવત નહિ તબ ન્યારા” બહુ સરસ વાત કરી… અંદરનું તત્વ, આત્મતત્વ,  જયોતિર્મય છે. પ્રકાશથી દેદીપ્યમાન. એ જ્યોતિર્મય તત્વ જે છે એની અનુભૂતિ શી રીતે કરવાની? તો બહુ મજાની વાત કરી… તમે તમારા મનને જ્યોતિર્મય બનાવો તો તમે જ્યોતિર્મય તત્વને જોઈ શકો.

શબ્દો પૌદ્ગલિક એટલે અજ્યોતિર્મય. વિચાર પૌદ્ગલિક અને એથી અજ્યોતિર્મય. અનુભૂતિ એક જે છે એ જ્યોતિર્મય છે. તો હવે પ્રક્રિયા શું છે? જ્યોતિર્મય બનીને જ્યોતિર્મયનો અનુભવ કરવો. પરમાત્મા પરમ જ્યોતિર્મય છે. આપણો આત્મા પણ એવો જ પરમ જ્યોતિર્મય છે. અત્યાર સુધી એ આત્મતત્વની વાતો સાંભળી. એના વિશે ક્યારેક વિચાર પણ કર્યો but where is the experience? અનુભૂતિ ક્યાં છે?

એક ગુરુએ પોતાના એક શિષ્યને કહ્યું કે તું આત્મતત્વ ઉપર બહુ સરસ બોલે છે એવું મેં સાંભળ્યું છે, આજે મારી સામે બોલ તો… ગુરુની સામે બોલવું છક્કા છૂટી જાય. પણ એને હિંમત કરી. દોઢ કલાક સુધી non – stop આત્મતત્વ ઉપર એ બોલ્યો. એક – એક ઉપનિષદ્દ, વેદ, એના રેફરન્સ ટાંચ્યા કરે,અને પોતાની વાતને આગળ ધપાવ્યા કરે, ગુરુ એના શબ્દોને સાંભળતા નહોતા, ગુરુ એના મુખને જોતા હતા… દોઢ કલાકે પેલાએ ભાષણ પૂરું કર્યું. અપેક્ષા એ હતી કે ગુરુ મને બાહોમાં સમાવશે. ગુરુ કહેશે વાહ! અદ્ભુત બોલ્યો તું… પણ ગુરુ એને કહે છે ભાખરીના ચિત્રોથી પેટ ન ભરાય. You can’t feel your stomach with the picture of the cakes. You can’t feel your stomach with the picture of the cakes…. ભાખરીના ચિત્રથી પેટ ભરાય? ભાખરી ખાવી પડે… તારી પાસે ક્યાં ભાખરી છે? આત્મતત્વની અનુભૂતિ તારી પાસે નથી. અને એટલે જ બોલતો હતો અને અહંકાર ઝળકતો હતો. હું તારા ચહેરાને જોયા કરતો હતો. આત્માનુભૂતિવાનનો ચહેરો આવો જ હોય.

અનુભૂતિ છે ને એની વાત તમારે કહેવી નથી પડતી… એ ખ્યાલ આવી જાય છે. શ્રીપાળરાસમાં મહોપાધ્યાયજીએ કહ્યું, “જિન હી પાયા, તીનહી છિપાયા, એહી એક જ ચિટ્ઠો” જેણે મેળવ્યું એણે છુપાવ્યું… એ તો ખાલી વાર્તા છે… કેમ? અનુભવ મેરુ છીપે કિમ મોટો… તમે તણખલા ને છુપાવી શકો…મેરૂપર્વતને કઈ રીતે છુપાવો. “અનુભવ મેરૂ છીપે કિમ મોટો” અનુભૂતિ તમને થઇ છે તો એ ચહેરા ઉપર ઝળકવાની જ છે. અનુભૂતિ મળી ગઈ… પછી…

જાપાનના સમ્રાટે ગુરુ રીંઝાઈને પૂછેલું કે ગુરુદેવ આપ તો ગુરુ છો, અમને ખ્યાલ છે… કોઈ પણ સાધક હોય એ પહોંચેલો છે નહિ પહોંચેલો એનો અમને ખ્યાલ શી રીતે આવે? આંખ જોતા આવડે, ચહેરો જોતા આવડે તો તો તરત ખબર પડી જાય… પણ એ જોતા નથી આવડતું તો અમને શી રીતે ખબર પડે કે પેલો સાધક પહોંચેલો છે અથવા નથી પહોંચેલો… ત્યારે ગુરુ રીંઝાઈ એ કહ્યું એના બેસવાને જુઓ, એના ચાલવાને જુઓ તમને ખબર પડી જશે કે એ પહોંચેલો છે કે નથી પહોંચેલો… નહિ પહોંચેલો હોય ને તો એ ક્યાંય જાય ને ધમ ધમ કરતો જાય… હું આવ્યો છું એમ… મારી નોંધ લે બધા… અને પહોંચેલો, એવી રીતે ચુપચાપ આવીને બેસી જાય કોઈને ખબર પણ ન પડે. અનુભુતિ મળી ગઈ… ખયાલ આવી ગયો.

રમણ મહર્ષિને એક યુરોપિયન જિજ્ઞાસુએ પૂછેલું કે આપ પહોંચી ગયા? તમે પહોંચી ગયા.. રમણ મહર્ષિ હસ્યા, એ કહે કે કોણ પહોંચે? ક્યાં પહોંચવાનું? ખરેખર તો યાત્રા જેવું કાંઈ છે જ નહિ. તમે છો… બસ છો એટલું આવી જાય પતી ગયું. માત્ર તમારું હોવું. Being માત્ર. Doing નહિ. Being આનંદ જ આનંદ. દેવચંદ્રજી મહારાજે પ્રભુની પાસે આ being માંગ્યું છે… તમે માંગ્યું ક્યારેય..? મોક્ષ એટલે શું? being. મોક્ષ એટલે સ્વરૂપસ્થિતિ. સિદ્ધ શિલા ઉપર બેસવું એનું નામ મોક્ષ નહિ, actually સિદ્ધશિલા ઉપર બેસવાનું છે પણ નહિ, એના ઉપર બેસવાનું છે. લોકના અંતભાગને શિખા અડે એ રીતે. અને સિદ્ધશિલાની અંદર તો પૃથ્વીકાયના રૂપે આપણે પણ કેટલી વાર જઈ આવ્યા. મોક્ષ એટલે શું? સ્વરૂપસ્થિતિ. તમે માત્ર છો, એનું નામ મોક્ષ. અને રમણ મહર્ષિ કહે છે કોણ પહોંચે? ક્યાં પહોંચવાનું? ખ્યાલ આવી ગયો…બેસી ગયા. એટલે જ હું કહું છું it is so easy. It is easy નહિ… it is so easy. બહુ જ સરળ છે. તમે છો બસ. Doing માં કેટલી મહેનત, being માં કંઈ કરવાનું જ નહિ.

તો દેવચંદ્રજી મહારાજે પ્રભુ પાસે being માંગ્યું. બહુ મજાના શબ્દો આવ્યા – “અસ્તિ સ્વભાવ જે આપણો રે, રૂચિ વૈરાગ્ય સમેત, પ્રભુ સન્મુખ વંદન કરીને, માંગીશ આતમ હેત” અસ્તિ સ્વભાવ જે આપણો રે – આપનો નથી કહ્યું આપણો કહ્યું છે. મારો પણ સ્વભાવ અસ્તિત્વ છે, તમારો સ્વભાવ પણ અસ્તિત્વ છે. Being. તમે અસ્તિત્વને પામી ચુક્યા છો. તો મને મારું અસ્તિત્વ આપી દો. બીજું કાંઈ મારે જોઈતું નથી. મારું હોવાપણું મને આપી દો. ઘણીવાર હું બેઠો હોઉં ને તો લોકો મને પૂછે શું વિચાર કરતા હતા? ત્યારે હું કહું કે વિચાર તો ગયો. વિચાર તો પાછળ છૂટી ગયો… જ્યાં હોવાપણું છે, ત્યાં વિચાર ક્યાં છે? ભૂતકાળ ગયો, ભવિષ્યકાળ આવશે ત્યારે… વર્તમાનયોગમાં તમે છો… આ વિચારનું પ્રયોજન જ ક્યાં છે? તમારું મન માત્ર તમને ભૂતકાળમાં કે ભવિષ્યકાળમાં લઇ જાય. તમારે જો વર્તમાન ક્ષણમાં રહેવું હોય, તો મનની જરૂરિયાત જ નથી. એક ક્ષણ આનંદથી એને ભરી દો. બીજી ક્ષણ એની ફોટો કોપી, ત્રીજી ક્ષણ એની ફોટો કોપી… પછી ઘટનાની કોઈ અસર નથી. ઘટના, ઘટના છે. તમે, તમે છો. તમે જ્યોતિર્મય છો, ઘટના અજ્યોતિર્મય છે. તો જ્યોત શું જ્યોત મિલત જબ ધ્યાવત – આપણું સ્વરૂપ આનંદથી ભરપૂર છે. આપણે આનંદઘન છીએ. સમભાવ આપણી ભીતર છલોછલ ભરેલો છે. પણ એ સમભાવની અનુભૂતિ ક્યારે થાય? તમે તમારા મનમાંથી વિચારોને હટાવી દો. તમારા મનની અંદર સહેજ સમતાનો અનુભવ લાવો. તો એ સમતાનું ઝરણું પેલા સમતાના સમુદ્રને મળી જશે. તમારા મનમાં જે સમભાવનું ઝરણું પેદા થયું, આનંદનું ઝરણું પેદા થયું, એ પેલા આનંદના સમુદ્રને મળી જશે.

એક પત્થરને દરિયામાં નાંખો, શું થશે? ઓગળશે નહિ, ઝરણું દરિયામાં ગયું, એ જ ક્ષણે દરિયામય થઇ ગયું. એમ અંદર અસ્તિત્વ સમભાવથી ભરેલું છે, એ સમભાવનો અનુભવ તમારે કરવો છે, થોડીક ક્ષણો માટે મનને સમભાવથી ભરી દો. આપણે practical સાધનામાં એ જ કરીએ છીએ કે મનની અંદર સમભાવ છે. એનો અનુભવ કરીએ, એનો અનુભવ કરીએ… એ સમભાવને કારણે જે શાંતિ, જે ઠંડક, જે અનુભવ થાય છે એનો આપણે અનુભવ કરીએ. અને એ રીતે આપણા મનની અંદર એક સજ્જતા પેદા થઇ, પછી આપણા સ્વરૂપની અંદર જે પૂર્ણ સમભાવ છે એની જોડે આપણું અનુસંધાન થઇ જાય. આપણા ધ્યાનના પહેલા ચરણમાં આપણે ભાવ પ્રાણાયામ કર્યું છે. આજના મનોવૈજ્ઞાનિકો આ વાત કરે છે. આજનો મનોવૈજ્ઞાનિક કહે છે – તમારી આજુબાજુમાં negativity ના અને positivity ના આંદોલનો ભરેલા છે. અમારા જેવા લોકોએ positivity ના આંદોલનો છોડ્યા, તો એ આંદોલનો અલગ આવી ગયા. લાખો લોકોએ નિરાશાના ને કારણે negativity ના આંદોલનો ને છોડ્યા.. તો એ પણ ether માં…વાતાવરણમાં છે.

હવે તમારે ક્યા આંદોલનો લેવા, તમારે કઈ frequency પકડવી એ તમારા હાથમાં છે. ટી.વી. માં frequency ઓ જ છે. જે frequency ઉપર તમે volume મુક્યું એ frequency પકડાશે. અહીંયા બે જ frequency છે. Positivity અને negativity. તો સવારના પહોરમાં તમે ઉઠ્યા, અકારણ એકદમ આનંદમાં આવી જાવ, આમ બે હાથ ભેગા કરો સિદ્ધશિલાનો આકાર થાય, મારે શિદ્ધશિલામાં જવાનું છે. અને આંશિક રૂપે સિદ્ધશિલાને મારે અહીંયા ખડી કરવની છે. ત્યાં જે છે સ્વરૂપાનુભૂતિ એની આંશિક આવૃત્તિ અહીંયા મારે ઉભી કરવાની છે. એકદમ આનંદ, એકદમ આનંદ, એ positivity ના આંદોલનોથી તમે મનને ભર્યું. હવે એ મન કઈ frequency ને પકડશે? positivity ની frequency ને પકડશે. Negativity ની frequency ને પકડશે નહિ.

તો positivity માં સમભાવ પણ છે, વિતરાગદશા પણ છે. આનંદ પણ છે, ઘણું બધું છે. તમારે રાગને હાંકવો હોય, તમે વિતરાગદશાને positivity માં લાવી શકો. અને વિતરાગદશાનો આંશિક અનુભવ કરી રાગને તમે હટાવી શકો. Actually રાગ ખરાબ, રાગ ખરાબ, રાગ ખરાબ… ૧૦૦ વાર નહિ, ૧૦૦૦ વાર નહિ, લાખ વાર સાંભળશો છતાં રાગ ખરાબ લાગવાનો નથી. કારણ you have no option. You have no option… વિકલ્પ તો જોઈએ ને… વિતરાગદશાનો આનંદ એકવાર મણાઈ ગયો, આમ આનંદ આનંદ ભીતર છવાઈ ગયો, પછી રાગદશામાં તમે જશો નહિ.

એટલે આ જન્મમાં સૌથી મોટી પ્રભુની ભેટ આપણને મળી છે આ… અગણિત જન્મોમાં પર સિવાય સ્વની દુનિયા છે, એવો જ ખ્યાલ નહોતો. પછી પરમાં મન થાકતું. રોટલો અને શાક બે દિવસ ખવાય, પણ રોજ  ન હોય પછી… મીઠાઈ પણ દિવાળીમાં ખાવ પણ રોજ ન ખાઈ શકો. એટલે મનને changes જોઈએ છે. પણ તમે changes આપ્યા કરો. ઘરથી હિમાલયમાં જાવ, હિમાલયથી ઘરમાં આવો. મનને તમે changes આપ્યા કરો, પણ એ બધા changes પરમાં ને પરમાં.

ડોલીવાળો પાલીતાણામાં હોય, તમને ઊંચકીને જતો હોય, એક ખભો એનો ગરમ ગરમ થઇ જાય, એટલે બીજા ખભા ઉપર લાકડી મુકે. એટલે હાસ થાય… અરે શું હાસ… હમણાં બીજો ખભો તપવાનો છે. અત્યાર સુધી તમે પરમાં ને પરમાં… changes કર્યા. Because you had no option. આ જન્મમાં પ્રભુએ વિકલ્પ આપ્યો. સ્વનો.. કે પરમાં તો કાંઈ નથી. સ્વની આનંદમય દુનિયા જે છે. એનો અનુભવ તું કર. અને ગેરંટી સાથે કહું એકવાર તમે સ્વનો અનુભવ તમે કર્યો… તમે પરમાં ન જાવ એમ નથી કહેતો, પરમાં જઈ શકશો નહિ. એટલી બધી મજા આવી ગઈ સ્વમાં કે પરમાં જવાય કેમ..? ૪૫ ડિગ્રી ગરમી છે, એ.સી. માં માણસ બેઠેલો છે, અને વિના કારણે બહાર કેમ જાય. તડકામાં સેકાવા માટે… એમ સ્વનો આનંદ મળી ગયો પ્રભુએ આ એ.સી. તમને આપ્યું. આનંદ જ આનંદ…. ઠંડક જ ઠંડક.

પ્રભુએ એ.સી. પણ આપ્યું. ટી.સી. પણ આપ્યું. Thought conditioning. એ.સી. માં air – condition તમે કરો છો. તમારી ઈચ્છા પ્રમાણે ઠંડી… ઓછી ઠંડી કરો છો. એવું જ પ્રભુએ Thought conditioning આપ્યું કે વિચારો ઉપર તમારું નિયંત્રણ હોવું જોઈએ. શુભ વિચારો છે આવ્યા, આવવા દો. જે ક્ષણે અશુભ થયા રોકી દો… Thought conditioning. જ્યોત શું જ્યોત મિલત જબ ધ્યાવત – જ્યોતિર્મય બનીને મનને જ્યોતિર્મય બનાવીને તમે આત્માની જ્યોતિર્મયતા નો અનુભવ કરી શકો. હવે બે ને છુટા પાડો, મન અલગ છે, શરીર અલગ છે. બધું પૌદ્ગલિક છે. આત્મા અલગ છે. આ ભેદજ્ઞાન. ભેદજ્ઞાન એટલે શું ? હું આ નથી. શરીરને વાગે, પીડા પણ થાય, મને પણ પીડા થાય છે હજુ… દેહાધ્યાસ મારો બિલકુલ ગયો નથી. એટલે થોડીક પીડા થાય છે. પણ અત્યારે મને એ પીડાનો પણ વાંધો નથી. પણ દેહાધ્યાસ એ રીતે ગયેલો છે કે ગમે તે ક્ષણે જવાનું આવે આપણે તૈયાર છીએ. જીવન અને મૃત્યુમાં કોઈ જ ફરક નથી. ભગવદ્દગીતા એ કહ્યું વાસાંસી જીર્ણાની યથા વિહાની”કપડું જુનું થયું, ફેંકી દો… નવું કપડું પહેરી લો. મૃત્યુ એટલે શું? તમે અસ્તિત્વના સ્તર ઉપર સાધના મૂકી દીધી. આગામી જન્મમાં એ સાધના આવવાની જ છે. શરીર બદલાય શો ફરક પડે છે નવું શરીર મળ્યું.

તો ભેદજ્ઞાન. હું આ નથી. એક નવકારવાળી ગણવી જોઈએ, હું એટલે શરીર નહિ, હું એટલે શરીર નહિ…. પછી આને શણગારવાની ઈચ્છા ન થાય. નથી આને તોડી નાંખવું. નથી આને શણગારવું. છે સાધના માટે કામ આપે છે. ચાલો ઠીક છે. મહાપુરુષો ને તો જ્યારે લાગતું કે શરીર સાધના માટે હવે ઉપયોગી નથી. ત્યારે અણસણ સ્વીકારી લે છે. એમનું સીધું જ ગણિત હતું. નોકરને પગાર આપીએ ક્યાં સુધી, કામ કરે ત્યાં સુધી. નીકર કામ ના કરે તો પગાર બંધ. તો પિંડસ્થ ધ્યાન એટલે તમારા શરીરમાં રહેલ જે આત્મતત્વ છે એનું દર્શન.

સંત રવિદાસનું એક વચન હું વારંવાર કોટ કરતો હોઉં છું. રવિદાસજીને પૂછવામાં કે સદ્ગુરુની વ્યાખ્યા તમે શું કરો? ત્યારે એમણે કહ્યું, ઘર મેં ઘર દિખલાઈ દે, વો સદ્ગુરુ હમાર, આ ઘરમાં રહેલ સાચા ઘરને જે બતાવી આપે, તે સદ્ગુરુ. એટલે સદ્ગુરુ તૈયાર જ હોય છે. આત્મતત્વનું દર્શન કરવા માટે. તમે તૈયાર છો? અને તમારી તૈયારી માટે શું જોઇશે? સાહેબ પ્રવચન ૨ કલાક આપી દો, સાંભળી લો, નહિ ચાલે. સાહેબ તમારા પ્રવચન ઉપર home work કરીને આવો… અનુપ્રેક્ષા, ચિંતન, thinking કરીને આવો, નહિ ચાલે. અનુભવ ક્યાં? અનુભૂતિ ક્યાં છે? આત્માની અનુભૂતિ આ જન્મમાં કરવી છે. એ જ આનંદની અનુભૂતિ. કોઈ પણ સદ્ગુરુ ને જોવો હસતાં ને હસતાં હોય. કેમ હસતાં હોય છે… કારણ શું? અનુભૂતિ થઇ ગઈ ભીતરની, આનંદ જ આનંદ છે પછી. શરીરમાં રોગ આવ્યો તો પણ આનંદ. જવાનું છે તો પણ આનંદ. રહેવાનું છે તો પણ આનંદ. કોઈ પણ પરિસ્થિતિ સાથે એ આનંદને લેવા – દેવા નથી. તમારે તો પરિસ્થિતિ આમથી આમ થાય એટલે મન બગડ્યું. અરે પરિસ્થિતિ ઉપર તમારો અધિકાર નથી, મન તો તમારું છે ને.. મન પર નિયંત્રણ કોનું? તમારું? કે મનનું તમારા ઉપર નિયંત્રણ? શું છે? તમારું મન ઉપર? કે મનનું તમારા ઉપર… હું ઘણીવાર કહું કે મન જેવું obedient servant એક પણ નથી. 

પણ તમારે એને આજ્ઞા કરવી પડે. તારે આમ કરવાનું, તારે આમ નથી કરવાનું. પણ આજ્ઞા કોણ કરી શકે…? એક નોકર બીજા નોકરને કહે તો પેલો નોકર માનશે નહિ. Boss કહેશે તો માનશે. એમ મનના સ્તરથી ચિત્તના, લેશ્યાના, અને છેલ્લે આત્માના સ્તર ઉપર જાવ, પછી મનને order કરો, આમ જ કરવાનું છે. મન તમારું કહ્યું માનશે. ચાલો, શરીર જે છે મારા પણ નિયંત્રણમાં નથી. મારું શરીર મારા નિયંત્રણમાં નથી. પણ મારું મન મારા નિયંત્રણમાં છે. એટલે મારા મનને હું કહું તેમ જ જવાનું છે. અને actually મેં તો મનને stop જ કરી નાંખ્યું છે. મનને કહી દીધું બાજુમાં રહે, તારું કામ નથી હમણાં… કંઈક વિચારવું હશે ત્યારે તને બોલાવી લઈશ. બાકી આરામથી સૂઈ જા.

“ભેદજ્ઞાન અંતરગત ધારે, સ્વ-પર પરિણતિ ભિન્ન વિચારે” હું એટલે માત્ર આત્મા. I am the bodyless experience. I am the nameless experience. I am the mindless experience. હું એટલે માત્ર આત્મા. બે જ ખાના રાખવાનાં સ્વ અને પર. સ્વના ખાનામાં હું, મારો આત્મા. બીજું બધું પરમાં. મારું શરીર એ પરમાં… મારું મન પણ પરમાં, કારણ કે બધું પૌદ્ગલિક છે. હું જ્યોતિર્મય છું. તો પરમાં કંઈક થઇ રહ્યું છે.

ગજસુકુમાલ મુનિ ની સજ્ઝાયમાં આવે, “પાડોશીની આગમાં જી, આપણો અળગો ગેહ” પાડોશીને ને ત્યાં આગ લાગે છે, મારે ત્યાં ક્યાં? આ શરીર એટલે પાડોશી. હું નહિ. તો “ભેદજ્ઞાન અંતરગત ધારે, સ્વ-પર પરિણતિ ભિન્ન વિચારે” પછી બહુ સરસ કહ્યું, ‘શક્તિ વિચારી શાંતતા અપાવે’ – અરે આ બાજુ હું એકલો, આ બાજુ આખી દુનિયા. પણ પછી ખ્યાલ આવે કે આત્મા તો અનંત શક્તિનો માલિક છે. અને પછી થાય કે હું એકલો જ પર્યાપ્ત છું. મારે મારા એકમાં જ રહેવાનું છે.

સુયગડાંગ સૂત્રમાં એક સૂત્ર છે – ‘एगे आया’ પાંચમાં, છટ્ઠા ગુણઠાણા સુધી સાધક હોય, ત્યારે એ સૂત્રનો અર્થ એ કરે. કે આત્મા એકસરખો છે. એટલે મને જેની સુખ – દુખની અનુભૂતિ થાય છે, એવી બીજાને પણ થાય છે. એટલે કોઈ પણ જીવની વિરાધના હું ન કરું. પણ સાતમે ગુણઠાણે જ્યારે જાય, ત્યારે ‘एगे आया’ નો અર્થ બદલાઈ જાય. આત્મા એક જ છે અને મારે માત્ર મારી ભીતર જવાનું છે. મારો ઉપયોગ મારે દુનિયામાં ક્યાંય રાખવાનો નથી. મારે માત્ર મારી ભીતર રહેવાનું છે. બોલો કેટલી મજા આવી જાય…અત્યારે શું થાય ખબર છે? ગુનો બીજો કરે, સજા તમે ભોગવો. પેલો ક્રોધી છે, હેરાન તમે થાવ. અલ્યા! ગુનો એ કરે છે, સજા તું ભોગવે છે. એટલે ગુજરાતીમાં એક કહેવત છે, ‘ભેંસના શિંગડા ભેંસને ભારે’ કોઈ વિચાર કરે ઓહોહો…આ ભેંસને તો શીંગડું કેટલું મોટું છે. કેટલું વજન લાગતું હશે. પણ ભાઈ તારે ક્યાં ઉપાડવું છે….. ભેંસનું શીંગડુ ભેંસને ભારે. એમ એનામાં કોઈ દોષ છે તો એ જોશે. એમાં તારે પંચાત ક્યાં કરવાની છે. આખી દુનિયાની ખબર લેવી છે. આ આવો, પેલો આવો, પેલો આવો… પેલો.. તું કેવો એ તો કહે…

દલપતરામની પેલી કવિતા આવતી ઊંટે શિયાળને કહ્યું તારી પૂંછડી વાંકી છે, તો શિયાળે કહ્યું ઊંટભાઈ તમારું તો બધું વાંકું છે ડોક એ વાંકી, ને પગ એ વાંકા બધું વાંકું… એમ કોક તો ક્રોધી હશે, કોક અહંકારી હશે, કોક લોભી હશે પણ આપણામાં બધા દુર્ગુણો છે.

એક philosopher એ કહેલું કે આજનો માણસ પારસમણી જેવો છે. પારસમણી શું કરે? લોઢાને સોનામાં ફેરવી નાંખે. એટલે જે દુર્ગુણ બીજાની પાસે એને ખરાબ લાગતા હોય, કે એનામાં આવે ત્યારે સારા થઇ જાય. ક્રોધ પણ મારો છે ને કહે છે. ક્રોધના ઉપર પણ તમે તમારા અહંકારનું પડ ચડાવી દીધું. તો “શક્તિ વિચારી શાંતતા અપાવે, તે પિંડસ્થ ધ્યાન કહેવાય” ૫ મિનિટ – ૧૦ મિનિટ રોજ રાખવાની હું આ નથી. માત – પિતાએ મને જન્મ આપેલો છે. અને રાખમાં આ શરીર ભળી જવાનું છે. હું અમર છું અને શાશ્વતીના લયમાં હું રહેવાનો છું.

આનંદધનજી ભગવંતે કહ્યું નાસી જાસી હમ થીરવાસી, ચોખ્ખે વૈ નિખરેંગે” નાશવંત જે છે એ અહીંયા પડી રહેવાનું છે. હમ થીરવાસી – ચિદાકાશમાં વિચરશું. ચોખ્ખે વૈ નિખરેંગે – શરીરના પાંજરામાંથી છુટા થઈશું એટલે નિર્મળ બની જઈશું. તો આ પિંડસ્થ ધ્યાન. છેલ્લું ધ્યાન છે રૂપાતીત ધ્યાન.

એક બહુ મજાનો વિચાર છે કે તમે અત્યારે તમારી ચેતનામાં રૂપાંતરણ કેટલું લાવી શકો? કેટલું લાવી શકો? ગ્રહસ્થ છો, શ્રાવક છો, સંસારના વ્યવહારો પણ તમે કરી રહ્યા છો. પણ તમારી ચેતનામાં તમે રૂપાંતરણ કેટલું લાવી શકો?  આપણી પરંપરા કહે છે – કે તમે જો ધ્યાનની ઊંડાણમાં જાવ તો અરિહંત અને સિદ્ધના નિર્મળ આત્માની જે અનુભૂતિ છે એ અનુભૂતિ આંશિક રૂપે તમે મેળવી શકો… શ્રીપાળ રાસમાં ઉપાધ્યાયજી મહારાજે કહ્યું, “અરિહંત પદ ધ્યાતો થકો, દવ્વહ ગુણ પજજાય રે’ ભેદ છેદ કરી આતમા અરિહંત રૂપી થાય રે” એટલે અભેદ મિલન થોડા સમય માટે પણ હોય, શાશ્વત સમય માટે પણ હોય. આપણે ૧૩માં ગુણઠાણે, ૧૪માં ગુણઠાણે જઈશું ત્યારે શાશ્વતીના લયમાં આપણું ચૈતન્ય નિર્મળ બની જશે. એ ક્યારે પણ પછી ડાઘ દુગ વાળું થવાનું નથી. અત્યારે થોડીક ક્ષણો માટે આપણે આપણા આત્માને નિર્મળ બનાવીશું. એક બહુ મજાનો વિચાર છે. વિચારની પાછળ એ વસ્તુ છે કે તમારી પાસે દર્પણ હોય, તો સામે રહેલ સરસ ચિત્રનું પ્રતિબિંબ તમે પાડી શકો, એ ચિત્રને ચીતરતાં છ મહિના લાગ્યા છે. તમે દર્પણ લઈને ગયા, દર્પણ ચોખ્ખું છે આખું ને આખું ચિત્ર એમાં પ્રતિબિંબિત થશે.

તમે તમારા હૃદયને નિર્મળ બનાવો. એટલે અરિહંત પ્રભુના, સિદ્ધ પ્રભુના નિર્મલ ચૈતન્યનું પ્રતિબિંબ તમારી ભીતર પડે. એટલે થોડી ક્ષણો માટે સિદ્ધ ભગવંતો સાથે તમારો અભેદ અનુભવ થાય. કેટલી મોટી વાત છે… કદાચ તમને ખ્યાલ નહિ હોય… કેવલી ભગવંત સમુદ્ઘાત કરે, સમુદ્ઘાત કરે એટલે શું કરે? કર્મો રહી ગયા હોય, એને ફેરવવા માટે પોતાના આત્મપ્રદેશોને પૂરા બ્રહ્માંડ વ્યાપી બનાવી દે. તો એક સમય એવો આવે કે એમના આત્મપ્રદેશો, નિર્મળ આત્મપ્રદેશો પૂરા બ્રહ્માંડમાં ફેલાયેલા હોય. કેવલી ભગવંતના આત્મપ્રદેશો પૂરા બ્રહ્માંડમાં ફેલાયેલા હોય. એટલે આપણને સ્પર્શે.

તો આટલી મોટી ઘટનાથી આપણે બેખબર હોઈએ છીએ. જો કે એ સમયની ઘટના છે. અને આપણો ઉપયોગ અસંખ્ય સમય થાય છે. પણ કલાપૂર્ણસૂરિ દાદાએ બહુ મજાની વાત કરી કે દર છ મહીને ભગવાન તમને મળવા આવે છે. ભગવાન તમને મળવા માટે આવે છે. અને હું એટલા માટે કહું છું કે ભગવાન તમને મળેલા જ છે. તમે ભગવાનને મળ્યા કે નહિ… ભગવાન તો મળ્યા જ છે. ભગવાને તો એક જ વાત કરી – ‘સવિ જીવ કરું શાસન રસી’ એવું તીર્થ ક્યારે સ્થાપું કે દુનિયાના તમામ લોકોને હું શાસન રસિક બનાવી મોક્ષે પહોંચાડું. પ્રભુનું ચાલ્યું હોય તો આપણે બધાને મોક્ષે મોકલી પછી એ મોક્ષે જાત. પણ કાળ સ્વભાવ એવો હતો કે પ્રભુને જવું પડ્યું. તો પ્રભુનું આ વિચાર કે મારે બધાને ભગવાન બનાવવા છે. એટલે પ્રભુ તમને મળવા આવી ગયા. પ્રભુ તમને મળેલા છે. અને તમારે ભગવાનને મળવું છે. અને તમારે ભગવાનને મળવું એટલે શું કરવાનું..? તમારે આ હૃદયને તમારે નિર્મળ બનાવવાનું.

દર્પણ નિર્મળ બન્યું એટલે ભગવાનની છબી પડી જશે. અત્યારે તમે દર્શન માટે જાવ છો… છબી પડે છે અંદર? બોલશો તમે કે ભગવાનનું દર્શન કરવા ગયા, આંગીનું દર્શન કર્યું તમે, પરમાત્માની મૂર્તિમાં જે સંગે મરમર જે વપરાયો એનું તમે દર્શન કર્યું. ભગવાનના ચહેરા ઉપર જે ઉદાસીન દશા છે એનું દર્શન તમે કર્યું? તો ભગવાનનું દર્શન ક્યાં કર્યું… આંગીનું કર્યું, મૂર્તિનું કર્યું, પ્રભુનું નથી કર્યું. અને પ્રભુનું દર્શન ત્યારે જ થવાનું કે જ્યારે તમારું મનનું દર્પણ નિર્મળ બનવાનું. એટલે ધ્યાનનો અર્થ આ જ છે, રાગ – દ્વેષ અહંકાર છે પણ તળિયે બેસી ગયા. ડહોળું પાણી હોય તો શું થાય… તમે ગ્લાસને સ્થિર મુકો, ધીરે ધીરે કચરો નીચે જામે, ઉપરનું પાણી સ્વચ્છ થઇ જાય. એમ ધ્યાનમાં કચરો બધો નીચે જતો રહેશે. રાગ – દ્વેષનો થોડીક ક્ષણો માટે તમારું મન નિર્મળ બનશે. અને એ નિર્મળ મનમાં પ્રભુની છબી પડશે. આ રૂપાતીત ધ્યાન. “રૂપ રેખ જામે નવિ કોય, અષ્ટગુણા કરી શિવ સુખ સોઈ, તાકો ધ્યાવત તિહાં સમાવે તે રૂપાતીત ધ્યાન કહેવાય” રૂપ રેખ જામે નવિ કોય – સિદ્ધ ભગવંતો નિર્મળ આત્મ સ્વરૂપ છે. હવે કોઈ રૂપ નથી. કોઈ શરીર નથી, કશું જ નથી. તાકો ધ્યાવત તિહાં સમાવે એમનું તમે ધ્યાન કરો… તો તમારી ચેતના સિદ્ધમય બની જશે.

નવપદ ઓળીમાં ખરેખર આ જ કરવાનું હોય છે. જે દિવસે જે પદની આરાધના છે. એ દિવસે તમારે તમારી ચેતનાને એવી બનાવવી છે. પહેલા દિવસે અરિહંતમયી, બીજા દિવસે સિદ્ધમયી, ત્રીજા દિવસે આચાર્યમયી – આચાર્ય બની જાવ. શર્ટ અને પાયજામો હોય તો ય…. તાકો ધ્યાવત તિહાં સમાવે એવી નિર્મળ ચેતના થઇ ગઈ કે સિદ્ધ ભગવંતોનું પ્રતિબિંબ અંદર પડે છે. એમની જેવી નિર્મળ ચેતના છે એવી જ આંશિક નિર્મળતા મારી ભીતર આવી ગઈ. અને એ નિર્મળતાનો હું અનુભવ કરું છું. ‘તાકો ધ્યાવત તિહાં સમાવે, તે રૂપાતીત ધ્યાન કહેવાય’ લોગસ્સમાં આપણે બોલીએ ને ‘સિદ્ધા સિદ્ધિં મમ દિસંતુ’ એ પણ રૂપાતીત ધ્યાન જ છે. તો આ ચાર ધ્યાનના પ્રકારો થયા, રૂપસ્થ, પદસ્થ, પિંડસ્થ, અને રૂપાતીત. એ ચારેય માર્ગ છે. આપણે ત્યાં માર્ગ જોડે કોઈ આપણને વાંધો નથી. મંઝિલ જેનાથી મળે, એ માર્ગ. એક વાત તમને પૂછું તમારે મંઝિલ જોઈએ છે? ચાલનારા માણસો બે જાતના હોય. એક morning walk વાળા, અને એક લક્ષ્ય લઈને ચાલનારા. ડૉક્ટરે કહ્યું hyper tension છે, ડાયાબીટીસ છે. પાંચ કિલોમીટર ચાલો. એટલે ઘરેથી અઢી કિલોમીટર દૂર જાય. અને અઢી કિલોમીટર પાછો ફરે. Back to home. હતા ત્યાં ને ત્યાં. લક્ષ્ય લઈને ચાલે છે કે મારે અમુક જગ્યાએ જવું છે. એ થોડું થોડું અંતર કાપીને પણ ત્યાં પહોંચી જાય છે. તમે સાધના કરો છો. તમે morning walker છો કે લક્ષ્ય લઈને ચાલનારા સાધક છો? એકાસણું કરી લીધું. બેસણું કરી લીધું, સામાયિક કરી લીધું… but why? But why? સામાયિક કર્યું સમભાવ કેટલો આવ્યો? ક્યારેય સદ્ગુરુ પાસે રડતી આંખે ગયા કે ગુરુદેવ! રોજના બે સામાયિક કરું છું. અને છતાં સહેજ પ્રતિકૂળ ઘટના ઘટે સીધું જ temperature ઉચકાઈ જાય છે. ગુરુદેવ! ગુરુદેવ! મારા સામાયિકનું શું? Where is the fault? મારા સામાયિકમાં ક્યાં ક્ષતિ છે બતાવો… ક્યારેય ગયા સદ્ગુરુ પાસે? પ્રતિક્રમણ કર્યું… પાપો પ્રત્યે તિરસ્કાર કેટલો પેદા થયો? ૧૮ પાપસ્થાનક માં પર-પરિવાદ એ પણ પાપસ્થાનક છે. પર-પરિવાદ એટલે નિંદા. કોઈની પણ નિંદા નહિ કરવી. અને તમે શું બોલો છેલ્લે… સેવ્યું હોય, સેવરાવ્યું હોય, સેવતાં પ્રત્યે અનુમોધ્યું હોય, એનું મિચ્છામિ દુક્કડમ્. એટલે નિંદા કરી હોય, નિંદા કરાવડાવી હોય, કોઈ નિંદા કરતું હોય એને પ્રોત્સાહિત કર્યો હોય તો હું એનું મિથ્યા દુષ્કૃત ગુરુદેવ માંગું છું. ખરેખર નિંદા તમને ખરાબ લાગી છે?

એટલે સાધના કરી લક્ષ્ય નહોતું. અત્યારે તમારી સાધનાનું લક્ષ્ય એક જ જોઈએ. મારે મારા હૃદયને નિર્મળ બનાવવું છે. રાગ – દ્વેષ, અહંકાર, ઈર્ષ્યા આ બધું શિથિલ બને. ધીરે ધીરે શિથિલ બનતું જાય. પછી… પહેલા જે નિમિત્તે તરત જ તમને ક્રોધ થતો હતો એનાથી કંઈક ઘણું ઊંચું નિમિત્ત મળે તો પણ તમને ગુસ્સો ન થાય. અને ત્યારે તમને થાય કે તમારી સાધના properly, perfectly ચાલી રહી છે. આ ધ્યાનનું હવે આપણે practical કરીએ.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *