‘અપન મેં આપ સમાના…’
Paravani Ank – 07
પ.પૂ. ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિ મ.સા.
પૂનમની રાત.
ગુરુ શિષ્યો સાથે, નદી કિનારે આવેલ એક ભેખડ પર, બેઠા છે. સંગોષ્ઠિ ચાલી રહી છે.
અચાનક ગુરુએ પૂછ્યુઃં આપણે જે માટીની ભેખડ પર બેઠા છીએ, એ ભેખડ તૂટી પડે તો શું થાય?
જવાબ તો સીધો હતો. નીચે પડાય તો ધસમસતા નદીના પૂરમાં તણાઈ જવાય… પણ ગુરુ પૂછી રહ્યા હતા. શિષ્યોને લાગ્યું કે ગુરુદેવ આ સન્દર્ભે કોઈ નવી વાત કરશે, એટલે તેઓ ગુરુદેવના મુખ સામે જોઈ રહ્યા.
ગુરુએ કહ્યું : ભેખડ તૂટે તો શું થાય? કંઈ ન થાય. અત્યારે આપણે ભેખડ પર છીએ. પછી આપણે નદીના પ્રવાહમાં હોઈએ. આપણું અસ્તિત્વ – હોવાપણું તો બેઉ પરિસ્થિતિમાં અકબંધ છે. શરીર હોય યા ન હોય, અસ્તિત્વ તો અખંડ ઘટના છેને! શરીર એક પર્યાય છે, તે ભેખડ પર હોય કે નદીમાં હોય, તમે તો છો જ. તમે અખંડાકાર ચૈતન્ય છો.
આ અસ્તિત્વનું અનુભવન તે સાક્ષીભાવ…
•••
ઝેન પરંપરા સાક્ષીભાવને એન્લાઈટનમેન્ટ કહે છે. જાગૃતિ. તમે જાગી ગયા. હવે સ્વપ્ન ક્યાં છે? સ્વપ્નમાં સમ્રાટ બનેલા. જાગ્યા. હવે શું?
તમારી કર્તૃત્વની પકડ બતાવે છે કે તમે જાગ્યા નથી. જાગ્યા એટલે સાક્ષી થયા. હવે શું કરવાનું છે?
ઝેન ગુરુ બાસો કહે છેઃ
Sitting silently, Doing nothing.
Spring comes and the grass grows by itself.
શાન્ત રીતે બેસવું, ન કાંઈ કરવું…
વસંત આવશે અને ઘાસ એની મેળે ઊગશે…
•••
આપણે સાક્ષી છીએ. કાર્યો ઘટ્યાં કે ઘટના ઘટી એ સમયે આપણે માત્ર હાજર હતા. આપણું કર્તૃત્વ ત્યાં ગેરહાજર હતું.
અસ્તિત્વ એ જ તો આપણો સ્વભાવ છે. Being. હોવાપણું.
અસ્તિત્વની ધારામાં જવાયું. કર્તૃત્વ છૂટી ગયું.
ભક્તના સ્તર પર કર્તૃત્વ ક્યાં રહે? બધું ‘એ’ જ કરે છે – પરમાત્મા.
તમે તો માત્ર નિમિત્ત છો. પ્રભુએ તમને નિમિત્ત તરીકે પસંદ કર્યા…
અને એથી જ, પ્રવચન આપ્યા પછી કે ગોષ્ઠિમાં કશુંક બોલ્યા પછી ભક્તની આંખો ભીની હોય છે. આંખોની એ ભીનાશ કહેતી હોય કે પ્રભુ! તારી પાસે તો અગણિત સાઉન્ડ સિસ્ટમ્સ હતી. તેં મારા કંઠનો ઉપયોગ કર્યો!
સાધકને પણ ખ્યાલ છે કે કાર્યો ક્રમબદ્ધ પર્યાય રૂપે નિશ્ચિત હોય છે. અનંતા કેવળજ્ઞાની મહાપુરુષોએ પોતાના જ્ઞાનમાં એ પર્યાય ઘટિત થવાનો છે, તે જોયેલું છે. તો એ પર્યાય ઘટિત થાય જ. એ કાર્ય થવાનું જ હતું… થયું. એમાં પોતાનું કર્તૃત્વ ક્યાંથી આવ્યું?
એ ઘટના ઘટવાની જ હતી. કેન્દ્રમાં તમે હો કે અન્ય હોય; ફરક શો પડ્યો?
•••
કર્તૃત્વ નિરર્થક લાગે ત્યારે અસ્તિત્વની આનંદમયી ધારામાં વહેવાનું થાય.
કર્તૃત્વનું કારણ અહંકાર છે. ‘હું’. આભાસી ‘હું’. એ હુંને કઈ રીતે શિથિલ કરવું?
રસ્તો આ છેઃ આનંદઘન ‘હું’નો આંશિક પણ અનુભવ થાય તો આભાસી હું શિથિલ બની શકે.
પીડાઘન, વિષાદઘન રહેવું કોને ગમે? જો આનંદઘન દશા હાથવેંતમાં હોય તો!
પીડાઓથી છુટકારા માટે વિકલ્પોથી છુટકારો જોઈએ. કારણ કે કોઈ પણ ઘટના તમને પીડિત કરી શકતી નથી. પીડિત જે તમને કરે છે, તે ઘટના અંગેના તમારા વિચારો છે.
આ વાત આ રીતે સમજીએઃ એક સરખી અપ્રિય ઘટના ઘટ્યા પછી બે દૃષ્ટિબિન્દુઓ રહેતાં હોય છે.
એક દૃષ્ટિબિન્દુ છે ઘટનાના અસ્વીકારનું. ‘આ ઘટના આમ કેમ ઘટી? પેલી વ્યક્તિનું જ આ કામ છે! એ વ્યક્તિ જ્યાં હોય ત્યાં આવું જ કંઈક ઊભું કરે છે…’ આ દૃષ્ટિબિન્દુ પીડા આપશે. ઘટના ઘટી જ ગઈ છે, હવે તમે જેટલા પણ વિચારો કરો; ઘટના બીજી રીતે ઘટિત થવાની છે?
બીજું દૃષ્ટિબિન્દુ છે ઘટનાના સ્વીકારનું. આ ક્ષણે આ ઘટના ઘટવાની છે, એ જ્ઞાનીપુરુષોએ જ્ઞાનમાં જોયેલું જ હતું. અને એ રીતે જ ઘટના ઘટી છે; તો એ ઘટનાના સ્વીકાર સિવાય બીજો કયો રસ્તો?
ઘટનામાં અસ્વીકારજન્ય વિચારો ભળ્યા; પીડા… ઘટનાનો સ્વીકાર તો મઝા…
આ ચિન્તન ગાઢું બને તો એક ભ્રમણા તૂટે કે ઘટનાથી પીડા આવે છે. સ્પષ્ટ રીતે સમજાઈ જાય કે ઘટનામાં અસ્વીકારજન્ય વિચારો ભળશે તો જ પીડાનો અનુભવ થશે.
ઘટનાના સાક્ષી બનો.
•••
એ માટે શું થવું જોઈએ? ‘જ્ઞાનસાર’ પ્રકરણ (2/3) કહે છેઃ
स्वभावसुखमग्नस्य. जगत्तत्त्वावलाेकिनः।
कर्तृत्वं नान्यभावानां. साक्षित्वमवशिष्यते।।
સાક્ષી બનવા માટે (જોકે, આ શબ્દો બરોબર ન આવ્યા, નહિ? સાક્ષી તરીકે તો હોવાનું છે. ત્યાં બનવાની વાત ક્યાં આવી? એટલે કહીશુઃં સાક્ષી હોવા માટે) બે તત્ત્વોને જરૂરી માન્યાઃ સ્વભાવસુખની મગ્નતા અને જગતના તત્ત્વોનું અવલોકન.
•••
સ્વના સુખમાં ડૂબવાની વાત. જ્યાં છે માત્ર આનંદ જ આનંદ.
એ ક્ષણોમાં લાગે કે તમે સ્વયંસંપૂર્ણ છો. કદીય ન અનુભવી હોય એવી આ ક્ષણો…
આવા સાધકને પાછળથી પુછાય કે કેવો આનંદ તમે માણ્યો? તો એ કહેશેઃ હું કઈ રીતે એને વર્ણવું? આ વાત મહોપાધ્યાયશ્રી યશોવિજય મહારાજે શ્રી ઋષભદેવ પ્રભુનાં સ્તવનમાં કહીઃ ‘દરિસને અતિહી આનંદ… લાલ રે.’
પ્રભુની એ સ્વભાવદશાનું દર્શન, એનો આંશિક અનુભવ અને આનંદ જ આનંદ… અને એથીય મઝાની વાત એ થઈ કે આનંદને એક જ વિશેષણ આપ્યુઃં ‘અતિહી…’ અત્યંત આનંદ…
એક જ વાર અતિ શબ્દ એટલા માટે વપરાયો કે સો વાર અતિ શબ્દ વપરાય તોય એ આનંદને અભિવ્યક્ત કરી શકાતો નથી. એટલે શબ્દની અસમર્થતા બતાવવા એક જ વાર અતિ શબ્દ વાપર્યો.
•••
સ્વભાવદશાનો આનંદ… હોવાપણાનો આનંદ…
આ આનંદને મેળવવાના એક માર્ગની વાત સંત કબીરજીએ કરીઃ
ગુરુકૃપાલ કૃપા જબ કીન્હી, હિરદૈ કમલ વિગાસા;
ભાગા ભ્રમ દસોં દિશિ જાગા, પરમ જ્યોતિ પરગાસા…
આ કડીને વાંચતાં પહેલા ચરણે હું વિચારવા અટકેલોઃ કૃપાવતાર ગુરુદેવે જ્યારે કૃપા કરી… અરે, કૃપાવતાર ગુરુ તો સતત કૃપા વરસાવ્યા કરેને! તો પછી આવું વિધાન કેમ આવ્યું?
પછી ખ્યાલ આવ્યો કે કબીરજી શું કહેવા માગે છે. ‘જબ’ શબ્દ સાધક તરફ ઊછળીને આવે છે. સદ્ગુરુ કૃપા તો સતત વરસાવે જ છે… પણ એને ઝીલનાર ક્યાં તૈયાર હોય છે? સમર્પણની ધારામાં આવેલો શિષ્ય જ સદ્ગુરુની કૃપાને ઝીલી શકે છે.
તો, સદ્ગુરુની કૃપાને જ્યારે સાધકે ઝીલી ત્યારે તેનું હૃદયકમળ વિકસિત થયું. મતલબ એ થયો કે સ્વાર્થ, રાગ, દ્વેષ આદિની સંકુચિતતા ગઈ. હવે એ મૈત્રીભાવથી સભર બન્યો.
ગુરુ કૃપાવતાર!
શિષ્ય પ્રેમાવતાર!
મૈત્રીભાવ હૃદયમાં વ્યાપ્ત બન્યો તો સ્વાર્થ, રાગ, દ્વેષ ક્યાં રહેશે? એમને રહેવાની જગ્યા જ ન રહીને!
રાગ, દ્વેષ, અહંકાર શિથિલ થયા. પરરસની અનુભૂતિ ઓછી થવા લાગી. હવે સ્વની દિશામાં પ્રયાણ!
‘ભાગા ભય દશો દિશિ જાગા, પરમ જ્યોતિ પરગાસા…’
અભયનો અર્થ પૂજ્ય આનંદઘનજી ભગવંતે ચિત્તસ્થૈર્ય કર્યો છે. (ભય ચંચળતા હો જે પરિણામની…) ‘ભાગા ભય…’ એટલે કે ચિત્તસ્થૈર્ય મળ્યું. (રાગ-દ્વેષને કારણે જ તો મનમાં વિકલ્પોની ચંચળતા રહેતી હતીને!)
‘દશો દિશિ જાગા.’ સંપૂર્ણ જાગૃતિ મળી. તથાકથિત જાગૃતિમાં વિકલ્પોનું પૂર હોય છે. આ એવી જાગૃતિ મળી, જ્યાં નિર્વિકલ્પ દશા (ચિત્તસ્થૈર્ય)ની પૃષ્ઠભૂ પરની હોશ, Awareness છે.
કેટલો મઝાનો ક્રમ થયો! રાગ-દ્વેષની શિથિલતા → ચિત્તસ્થૈર્ય → જાગૃતિ અને સ્વના આનંદની અલપઝલપ અનુભૂતિ. ‘પરમ જ્યોતિ પરગાસા…’ અંધાર ઘેરી ભીતરની દશા પ્રકાશમય બની ગઈ!
•••
“स्वभावसुखमग्नस्य…” પરભાવમાં બહુ રહ્યા. હવે સ્વભાવદશામાં રહેવું છે.
કબીરજી કહે છે : ‘અપને પરિચૈ લાગી તારી, અપન મેં આપ સમાના…’
સ્વના જ્ઞાનથી એક દિશા ખૂલે છેઃ શું ખરેખર, મારી ભીતર આનંદ જ આનંદ છે! ન રતિ ભાવની ભરતી, ન અરતિ ભાવની ઓટ… નિશ્ચલ સમુદ્ર જેવી દશા… મારી ભીતર જ આવો ખજાનો છે, અને હું એનાથી અપરિચિત છું!
મેક્લુહાને એક રૂપક કથા લખી છેઃ દરિયામાં રહેનારી નાનકડી માછલી મોટી માછલીને પૂછે છેઃ દરિયો કેવો હોય, જરા વાત તો કરો! મોટી માછલી સામે કહે છે : દરિયો? દરિયો વળી બીજો કયો? આપણે જેમાં રહીએ છીએ તે જ દરિયો છેને!
આપણી હાલત આવી તો નથીને!
•••
‘અપને પરિચૈ (પરિચયે) લાગી તારી, અપન મેં આપ સમાના…’
ત્રણ ચરણો આપ્યાઃ આત્મજ્ઞાન, સમાધિ (તારી), સ્વાનુભૂતિ.
‘મારું આત્મસ્વરૂપ આટલું સરસ છે!’ એ જાણ્યા પછી સાધક પરરસથી વિમુક્ત થવા લાગે છે. ધ્યાન અને સમાધિમાં તે જાય છે. એ દશામાં સ્વરૂપદશાનો આનંદ તીવ્રતાથી વેદાય છે… અને, સ્વાનુભૂતિ આ રહી! “स्वभावसुख – मग्नस्य…”
•••
“जगत्तत्त्वावलोकिनः…” જગતનાં તત્ત્વોનો તે દ્રષ્ટા હોય છે. ઉત્પત્તિ, વ્યય અને સ્થિતિ આ ત્રણ તત્ત્વો છે. કોઈ પણ દ્રવ્ય પર્યાય રૂપે અનિત્ય છે. પર્યાય ઉત્પન્ન થશે, નષ્ટ પણ થશે. દ્રવ્ય સ્થિર છે, નિત્ય છે.
જેમ કે, શરીર એ પર્યાય છે. આત્મતત્ત્વ તે દ્રવ્ય છે. શરીર રૂપી પર્યાય ઉત્પન્ન પણ થશે, નષ્ટ પણ થશે. આ બેઉ અવસ્થામાં – પર્યાયની ઉત્પત્તિ અને તેના નાશમાં – સાધકની પ્રતિક્રિયા માત્ર જોવાની છે. પર્યાયો નશ્વર છે જ, તો એ નષ્ટ થવાના જ છે… એમાં વળી દુઃખ કેવું?
હા, માત્ર પર્યાયબુદ્ધિ વ્યક્તિત્વ પ્રસન્ન પણ થશે. નારાજ પણ થશે. રોગ આવ્યો તો નારાજ. રોગ ગયો તો ખુશી.
•••
રમણ મહર્ષિ જ્યારે ભયંકર માંદગીમાં હતા. ત્યારે તેમણે હસતાં હસતાં કહેલું : શરીર કેળના પાંદડા જેવું છે. તેના પર પુરી, શાક, મીઠાઈ લેવાય. ભોજન થયું એટલે એ પાંદડાને ફેંકી જ દેવાનું હોય છે.
શરીર જ જાય છે. આત્મતત્ત્વ તો સ્થિર છે. તેમણે ઉમેરેલું : They say I am dying, but I am not going away. Where could I go? I am here… હું મરતો નથી, હું તો અહીંજ છું : શાશ્વતીના લયમાં. મરણધર્મા શરીર છે, હું નહિ…
ભગવદ્ગીતા યાદ આવે :
नैनं छिन्दन्ति शस्त्राणि. नैनं दहति पावकः।
એ આત્માને શસ્ત્રો છેદી શકતા નથી કે અગ્નિ એને બાળી શકતો નથી…
•••
આ થઈ જગત્તત્ત્વાવલોકિતા. સ્વભાવસુખમગ્નતા આવી, જગત્તત્ત્વનું દર્શન થયું. હવે કર્તૃત્વ ક્યાં છે?
પર્યાયો ઉત્પન્ન પણ થશે, નષ્ટ પણ થશે. એમાં આપણું કર્તૃત્વ ક્યાં? અને આ બુદ્ધિ આવતાં મારું કાર્ય મોટું, ભવ્ય; પેલાનું કાર્ય નાનું આવો વિચાર પણ નહિ આવે.
કર્તૃત્વ ગયું. કર્તૃત્વનો છેદ, મનમાંથી, થઈ ગયો. હવે તમે છો માત્ર સાક્ષી. તમે હવે છો માત્ર આનંદની ધારામાં.
•••
સાક્ષી પાસે અનુભૂતિ જ છે. એ અભિવ્યક્તિની દુનિયામાં જવા નથી ઈચ્છતો. પણ સાક્ષીની અનુભૂતિ કેવી હોય એની મઝાની વાત પરબતકુમાર નાયીએ કરીઃ
તમે તમારું જાણો,
અમે જગતની વાતો ઉપર, મૂકી દીધો છે પાણો…
ભલે આંગણે વહેતી ગંગા, નથી આચમન કરવું,
ઈચ્છા હોડી કાંઠે મૂકી, નથી સાગરે તરવું,
સુખની તમને હોય ખેવના,
મજાની ચાદર તાણો…
આ ઘર ભટક્યા, ઓ ઘર ભટક્યા,
તોય તરસના ગાડાં,
જે સપનાંને બાળી નાખ્યા,
એ આવે છે આડાં;
મન મરકટને પડતું મૂકી, ભીતરરસને માણો.
•••
સાક્ષીભાવ.
એન્લાઈટનમેન્ટ.
એક બૌદ્ધ ગુરુ સડન એન્લાઈટનમેન્ટ (તત્ક્ષણ જાગૃતિ)ના ગુરુ તરીકે પ્રસિદ્ધ હતા. એક સમ્રાટનો મંત્રી એ ગુરુનો ભક્ત હતો. એક વાર તેણે સમ્રાટ પાસે ગુરુના પ્રભાવની વાત કરી. સમ્રાટ કહેઃ રાજમહેલમાં ગુરુને બોલાવીએ.
દિવસ નક્કી થયો. સભાખંડ સુસજ્જ હતો. ગુરુ આવ્યા. મંચ પર બેઠા. સમ્રાટ, મંત્રી આદિએ વંદન કર્યું.
સમ્રાટ અચંબામાં પડી ગયા. ‘આ શું?’ વિચાર્યું હતું કે ગુરુ 1-2 કલાક પ્રવચન આપશે… મંત્રીની ભૂલ એ થયેલી કે તેમણે ગુરુની વિશિષ્ટ પદ્ધતિની વાત સમ્રાટને નહિ કરેલી.
ગુરુ તો તત્ક્ષણ જાગૃતિના ગુરુ હતા. સાધકની આંખોમાં આંખો પરોવે અને સાધક અજ્ઞાનની ઘેરી નીંદમાંથી બહાર આવે.
મંત્રીએ આ વાત કરી સમ્રાટને કહ્યુઃ વર્ષોથી હું એ ગુરુ પાસે જાઉં છું. પરંતુ આજના જેવું પ્રભાવશાળી પ્રવચન ક્યારેય તેમનું થયું નથી.
આપણા અજ્ઞાન પર તેમણે મુક્કીઓ લગાવેલી…
સમ્રાટ ફરી એ ગુરુ પાસે ગયા અને બોધને પામ્યા.
સાક્ષી બનવામાં (હોવામાં) વાર કેટલી?
પર સાથેનું તાદાત્મ્ય : કર્તૃત્વ, પ્રમાદ. એ તાદાત્મ્ય છૂટ્યુ : સાક્ષીભાવ, જાગૃતિ.
•••
સાક્ષી અને ભક્ત બેઉએ કર્તૃત્વનું વિલોપન કરેલ છે.
શ્રી રમણ મહર્ષિ માટે ભક્ત F.H. Humphreys લખે છેઃ ‘સદ્ગુરુએ પોતાની જાત પરમ ચેતનાના સમુદ્રમાં ઓગાળેલ હોય છે. એ ગુરુ પ્રભુનું વાજિંત્ર જ છે. તેમનું મુખ ખૂલે છે અને પ્રભુના શબ્દો સંભળાય છે. અને જ્યારે તેઓ તેમનો હાથ – આશીર્વાદની મુદ્રામાં ઊંચકે છે ત્યારે પ્રભુની કૃપા/ઊર્જા તેમાંથી વહેતી હોય છે.’
•••
શ્રી શશીકાન્તભાઈ મહેતા પણ ઘણીવાર કહેતાઃ ‘I am the instrument of the God!’
એક પ્રસંગ એમણે એક વાર્તાલાપમાં કહેલોઃ તેઓ (શશીકાંતભાઈ) અમેરિકા ગયેલા. છાતીમાં દુખાવો ઉપડ્યો. હૃદયની બાયપાસ સર્જરી કરવાનું નક્કી થયું. એ સમયે આ સર્જરી જોખમકારક ગણાતી. ઑપરેશન થિયેટરમાં જતાં પહેલાં તેમણે પ્રભુને પ્રાર્થના કરીઃ પ્રભુ! અહીં રહીશ તો અહીં તારી વાતો કરીશ. તારી પાસે બોલાવીશ તો તારી સેવા કરીશ.
ઑપરેશન સફળ થયું. તે પછીના વાર્તાલાપમાં આ ઘટનાનું વર્ણન કરીને તેઓ હસતાં હસતાં કહેતાઃ ‘પ્રભુનેય લાગ્યું હશે કે આ બખાળિયો અહીં આવીનેય બખાળાં કાઢશે. એના કરતાં ભલે ધરતી પર જ રહ્યો!’
PARAVANI ANK 07
•••
પરાપૃચ્છા
– ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિ મ.
પ્રશ્ન : સદ્ગુરુ ચેતના અમારા પર કઈ કઈ રીતે કામ કરે છે? કૃપા કરીને સમજાવો!
ઉત્તર : ભગવાન ગૌતમ સ્વામીજીના જીવનની એક પ્રસિદ્ધ ઘટના દ્વારા આ વાતને સમજીએ.
ઘટના પ્રસિદ્ધ છેઃ ગૌતમ સ્વામીજી અષ્ટાપદ તીર્થની યાત્રા કરીને નીચે ઊતર્યા અને તેમણે પંદરસો તપસ્વીઓને દીક્ષિત કર્યા.
ખીર વાપરતાં 500 મુનિઓના વૃંદને કેવળજ્ઞાન, પ્રભુગુણ સાંભળતાં બીજા 500ના વૃન્દને અને સમવસરણમાં બિરાજમાન પ્રભુનું દર્શન કરતાં ત્રીજા પાંચસો મુનિઓને કેવળજ્ઞાન થયું.
•••
ઘટનાના ઊંડાણમાં જોઈએ.
ગૌતમ સ્વામીજીએ દીક્ષા સમયે બધાને ‘કરેમિ ભંતે!’ સૂત્ર આપ્યું. એ હતો શબ્દ શક્તિપાત.
પહેલા વૃન્દે એ શક્તિપાતને એવી રીતે ઝીલ્યો કે એને સમત્વની અનુભૂતિ તત્કાળ થઈ. એ અનુભૂતિ આગળ વધી અને કેવળજ્ઞાન સુધી એ અનુભૂતિ લંબાઈ.
ખીરનો સ્વાદ મધુર હોય છે. સમભાવને શાસ્ત્રમાં ‘ખીર જેવી મીઠાશથી સભર’ એવી ઉપમા આપવામાં આવી છે.
એટલે, પહેલા વૃન્દ પર ગુરુનો શબ્દ શક્તિપાત ઊતર્યો. એ વૃન્દે એને તીવ્રતાથી ઝીલ્યો… અને કાર્ય થઈ ગયું.
તો, ગુરુદેવ શક્તિપાત દ્વારા કાર્ય કરે છે એ પહેલી રીત થઈ શિષ્યો પર કામ કરવાની.
શક્તિપાતનો મતલબ એ છે કે સદ્ગુરુ પોતાનામાં રહેલી આત્મિક/ગુણાનુભૂતિ રૂપ શક્તિ અધિકારી શિષ્યને આપે છે.
•••
જ્યારે ગૌતમ સ્વામી ભગવને કહ્યુઃ ચાલો, હવે પ્રભુ પાસે જઈએ?
હજાર શિષ્યોને નવાઈ થઈ. આપ જ પ્રભુ છો. તો આપના ગુરુ કોણ?
ત્યારે ગૌતમ સ્વામીજીએ પ્રભુની પરમ ઉદાસીન દશાનું વર્ણન કર્યું. ચોસઠ ઈન્દ્રો ચરણમાં ઝૂકતા હોય કે સોના-રૂપાના સમવસરણમાં રત્ન સિંહાસન પર આરૂઢ થવાનું હોય; આ બધું જોનારની તરફ ખૂલતું હતું. પ્રભુ તો માત્ર ને માત્ર સ્વમાં સ્થિત હતા.
આ દશાનું વર્ણન સાંભળતાં પાંચસો મુનિઓના બીજા વૃન્દના અન્તસ્તરમાં ખલબલાટી મચી. ભીતર ઊતરાયું. ઉદાસીન દશાની અનુભૂતિ… ને યાત્રા આગળ વધી. કૈવલ્યની પ્રાપ્તિ.
•••
ત્રીજું વૃન્દ સમવસરણ પાસે આવે છે. પ્રભુની ઉદાસીન દશાને એ જુએ છે. આન્તરયાત્રા શરૂ થઈ, જેણે એ વૃન્દને કૈવલ્ય સુધી પહોંચાડ્યું.
પૂજ્ય કાન્તિવિજય મહારાજ પ્રભુની આ પરમ ઉદાસીન દશાને સ્તવનામાં વર્ણવે છેઃ
ત્રિગડે રતન સિંહાસન બેસી,
ચિહું દીશી ચામર ઢળાવે;
અરિહંત પદ પ્રભુતાનો ભોગી,
તો પણ યોગી કહાવે રે…
બાહ્ય વિભૂતિઓની વચ્ચેની આ પરમ ઉદાસીનતા એ જ તો પરમ ભાેગ છેને! પરમાં તો ભોગ ક્યાં છે? પ્રભુ જ પરમ ભોગી. ‘ભગવંતાણં.’ પરમ ઐશ્વર્યથી છલકાતું જેમનું સ્વરૂપ છે…
•••
અહીં આપણને સદ્ગુરુની શિષ્યો પર કામ કરવાની ત્રણ પદ્ધતિઓ દેખાય છે.
(1) ‘કરેમિ ભંતે!’ સૂત્ર શક્તિપાત પૂર્વક એવી રીતે આપે સદ્ગુરુ કે શિષ્ય સમભાવને છોડીને વિભાવમાં જઈ શકે નહિ.
જરૂર, દરેક સદ્ગુરુ આ રીતે જ ‘કરેમિ ભંતે!’ સૂત્ર આપે છે…
ઝીલનાર અહોભાવથી પરિપૂર્ણ વ્યક્તિત્વ જોઈએ.
અહોભાવની પૃષ્ઠભૂ પર સદ્ગુરુના એ શક્તિપાતને ઝીલી શકાય.
(2) સદ્ગુરુ એવી વાચના આપે; જે શિષ્યને એના નિર્મળ સ્વરૂપ તરફ જવામાં સહયોગી બને.
વાચનામાં સદ્ગુરુ વ્યવહાર અને નિશ્ચયનું બેલેન્સિંગ કરતા હોય છે.
એક એક વ્યવહાર ક્રિયા સાધકને પોતાના ગુણોની કે સ્વરૂપની અનુભૂતિ સુધી કઈ રીતે પહોંચાડે છે, તે તેઓ શિષ્યવૃન્દને સમજાવે છે.
(3) સદ્ગુરુ પ્રવચન અંજન આંજીને ‘હૃદય નયન’ને એવી રીતે ખોલી આપે છે કે શિષ્ય પ્રભુની સ્વરૂપસ્થિતિને જોઈ શકે છે.
આવી ઘણી બધી રીતો છે, જે દ્વારા સદ્ગુરુ શિષ્યને તેના મૂળ સ્વરૂપ સુધી લઈ જવાની કોશિશ કરે.
•••
અમદાવાદ રહેલી વ્યક્તિને સુરત આવવું છે. તો એનો માર્ગ અલગ હશે. અને મુંબઈથી કોઈ યાત્રીને સુરત આવવું છે તો…? એ અલગ જ માર્ગ હશે.
મંઝિલ એક હોવા છતાં માર્ગમાં ફરક હોવાનું કારણ એ છે કે એ જે બિંદુ પર ઊભો છે, ત્યાંથી મંઝિલ તરફ એને જે લઈ જાય તે એનો માર્ગ.
સાધક અત્યારે કયા પડાવ પર છે, તે સદ્ગુરુ જાણે છે. અને તે બિંદુ પરથી એને ઊંચકી મંઝિલ ભણી યાત્રા કરાવે છે સદ્ગુરુ.
•••
અહીં તો માત્ર ત્રણ રીતની વાત કરી. આવી ઘણી બધી પદ્ધતિઓ છે.
સમર્પિત શિષ્ય અને સદ્ગુરુનું મિલનઃ મોક્ષ આ રહ્યો!
•••