Nischaya Drashti Hriday Dhariji, Pale Je Vyavahar

3 Views

‘નિશ્ચયદૃષ્ટિ હૃદયે ધરીજી, પાળે જે વ્યવહાર…’
Paravani Ank – 08

પ.પૂ. ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિ મ.સા.

વ્યવહાર-નિશ્ચયાત્મક પ્રભુની સાધના પર ઓવારી ગયેલો હું છું. કેટલી અદ્‌ભુત આ સાધના પદ્ધતિ! અદ્‌ભુત સંતુલન, Balancing,
વ્યવહાર અને નિશ્ચયનું અહીં છે.

ક્યાંક એવું બને : વ્યવહારનું પાલન દેખાતું હોય, પણ નિશ્ચયદશાનું સ્પષ્ટીકરણ ન હોય. ક્યાંક નિશ્ચયની માંડણી ઠીક હોય, પણ વ્યવહાર દૃષ્ટિગોચર જ ન થાય…

આની સામે, પ્રભુની નિશ્ચય અને વ્યવહારના
એકદમ સ્પષ્ટીકરણવાળી સાધનાને આપણે proper way – સમ્યગ્ માર્ગ કહી શકીએ.

આમ જુઓ તો, વાત બહુ જ સ્પષ્ટ છે : વ્યવહાર એટલે માર્ગ. નિશ્ચય એટલે મંઝિલ.

હવે જો તમારી પાસે મંઝિલનું સ્પષ્ટીકરણ નથી; શું મેળવવું એ નક્કી નથી; માર્ગની જરૂર ક્યાં રહી? જેને ક્યાંય જવું જ નથી, એના માટે માર્ગ ક્યાં છે? અને માર્ગને ઉડાવી દો તો મંઝિલે પહોંચવાનું શી રીતે? માર્ગ વિના મંઝિલ શી રીતે?

•••

પ્રભુએ કહેલ બધી જ વ્યવહાર સાધનાઓ નિશ્ચય સાધનાને સ્પર્શે છે.

પ્રભુનું દર્શન કરવા એક ભક્ત ગયો. અહો-ભાવથી એની દર્શન-યાત્રા શરૂ થઈ. આંખોમાંથી વહેતાં આંસુ, ગળેથી પ્રગટતાં ડૂસકાં… એ આંસુઓએ દૃષ્ટિને, visionને એટલી સ્વચ્છ કરી આપી કે પ્રભુની સ્વરૂપસ્થિતિ એને દેખાવા લાગે છે.

પૂજ્ય દેવચન્દ્રજી મહારાજે ‘યોગચક્ષુ’ દ્વારા
પ્રભુની સમાધિયુક્ત દશાને ‘જોઈ’ અને એ ક્ષણોની અભિવ્યક્તિ કરતાં તેમણે કહ્યું : ‘દીઠો સુવિધિ જિણંદ, સમાધિરસે ભર્યો હો લાલ.’

ભક્ત પ્રભુના આવા જ દર્શનને ઈચ્છે છે. ભક્તની પાસે આંશિક સમાધિરસનો અનુભવ હશે, તો જ એ પ્રભુની સમાધિમય દશાને, ‘જોઈ’ શકશેને!

અહોભાવ દ્વારા શરૂ થયેલી યાત્રા પરમાત્માના શુદ્ધસ્વરૂપના દર્શન સુધી પહોંચી.

હજુ આગળ જવું છે. સ્વરૂપનો આંશિક અનુભવ થાય ત્યાં સુધી.

એ અનુભવયાત્રાનાં ચરણો પણ કેવાં તો મજાનાં છે!

‘ભાસ્યો આત્મસ્વરૂપ અનાદિનો વિસર્યો હો લાલ!’ પ્રભુની એ સમાધિમય, પૂર્ણ આનંદમય સ્થિતિને જોઈને દર્શકને પોતાને ખ્યાલ આવે છે કે આવું જ તો પોતાનું સ્વરૂપ છે. હું આનંદમય છું, હું સમાધિમય છું. એટલે કે દર્શન પછી ભાસન/જ્ઞાનનું ચરણ આવ્યું.

હવે શું થશે?

મારું સ્વરૂપ આ જ છે એમ નક્કી થયા પછી
પર-રૂપથી છૂટવાનું મન થશે. ‘સકલ વિભાવ ઉપાધિ થકી મન ઓસર્યો હો લાલ…’ દર્શકને થાય છે કે વીતરાગ દશા મારું સ્વરૂપ છે. જ્યારે રાગ છે પરરૂપ, વિભાવ. સમત્વ મારો ગુણ છે. ક્રોધ વિભાવ છે.

મઝાનો બંગલો હમણાં જ જેને વારસામાં મળ્યો, એ વ્યક્તિ હવે ઝૂંપડા જેવા ઘરમાં રહેશે ખરી? તેમ આનંદપૂર્ણ મારું સ્વરૂપ છે એ જાણ્યા પછી પીડામય વિભાવોમાં કોણ જશે?

એટલે હવે એ નક્કી કરે છે કે મારે મારા સ્વરૂપમાં જ રહેવું છે. પરરૂપમાં હરગીજ નહિ. અને એટલે, ‘સત્તા સાધન માર્ગ ભણી એ સંચર્યો હો લાલ…’ વીતરાગ દશા એ જ મારું સ્વરૂપ છે, તો એ કઈ રીતે મળે? ખ્યાલ આવે છે, સદ્‌ગુરુના સમાગમ દ્વારા, કે વૈરાગ્ય એ વીતરાગ દશાની પ્રાપ્તિનું સાધન છે. એટલે એ વૈરાગ્યને આત્મસાત્‌ કરે છે. વૈરાગ્ય તીવ્ર રીતે ઘૂંટાયો : વીતરાગ દશા ક્યાં દૂર છે?

રાગના ખાડાને વૈરાગ્યની માટી દ્વારા ભરી દેવાનો. સમતળ જમીન આવી તે વીતરાગ દશા.

શુભથી શરૂ થયેલ, વ્યવહાર સાધનાથી શરૂ
થયેલ સાધના નિશ્ચયના સ્પર્શ સુધી પહોંચી.

•••

વ્યવહાર સાધનાનો પક્ષધર હું છું. કારણ કે આ વ્યવહાર સાધના પાયો બનાવી આપે છે. તે પર નિશ્ચયનો મહેલ ઊભો થાય છે.

વ્યવહાર સાધના અહોભાવથી પૂર્ણ હોય છે. પ્રીતિ અનુષ્ઠાનને કારણે એ સાધકનું એક એક અનુષ્ઠાન પ્રભુની પ્રીતથી સભર રહેશે. ‘મારા ભગવાને કહ્યું છે એ અનુષ્ઠાન હું કરું’. પ્રભુ પરની પ્રીતિ તીવ્ર હશે; વિભાવો એ સમયે હૃદયમાં નહિ હોયને! પ્રભુની પ્રીતિથી હૃદય પરિપૂર્ણ થઈ ગયું. હવે રાગ-દ્વેષ આદિને રહેવાની જગ્યા જ ક્યાં રહી?

•••

સમ્રાટ અકબર પાસે તાનસેને એટલું તો મધુર ગીત ગાયું, ભાવવિભોર થઈને, કે સમ્રાટ ખુશ થઈ ગયા. કહે છે : તાનસેન! ઘણા સંગીતકારો સાંભળ્યા, પણ તારા સંગીતની તોલે કોઈ ન આવે.

તાનસેન કહે છે : મહારાજ! તમે મારા ગુરુ હરિદાસને સાંભળો તો તમને મારું સંગીત ઘોંઘાટ
જેવું લાગશે.

અકબર કહે : તો તારા ગુરુને માનસહિત રાજસભામાં નિમંત્રીએ અને તેમનું સ્વર્ગીય ગાન સાંભળીએ.

તાનસેને કહ્યું : મહારાજ! એ પ્રભુ સિવાય કોઈની પણ સામે ગાતા નથી. ન મહેફિલ, ન જનસમૂહ કે ન કોઈ સમ્રાટ… જમુનાને કાંઠે ઝૂંપડીમાં
તેઓ રહે છે. રાત્રે આંખો બંધ કરી પ્રભુની પ્રાર્થના કરે છે. ક્યારેક રાત્રે નવ-દશ વાગ્યે પણ કરે. ક્યારેક પરોઢિયે કરે.

અકબરે કહ્યું : આપણે રાત્રે ત્યાં જઈએ અને સાંભળીએ. રાત્રે આઠેક વાગ્યે રથમાં બેસી સમ્રાટ અને તાનસેન જમુનાને કાંઠે પહોંચ્યા. રેતમાં ચાલીને હરિદાસજીની ઝૂંપડીની પાછળ બેઉ બેઠા.
સોનાના સિંહાસન પર બેસનાર સમ્રાટ રેતમાં બેઠા. દોઢેક કલાક પછી હરિદાસજીનું ગીત ચાલુ થયું. દોઢેક કલાક સુધી એમણે ગીતને એ રીતે ઘૂંટ્યું કે સમ્રાટ પણ સ્તબ્ધ થઈ ગયા. ગીત પૂરું થયું. બેઉ ચાલ્યા. રથમાં બેઠા. અકબર એટલા સ્તબ્ધ છે આ ગાન સાંભળીને કે થોડી વાર એ બોલી શકતા નથી. પછી તેમણે કહ્યું : તાનસેન! આ તો અદ્‌ભુત ઘટના હતી. કલ્પનાને પણ પેલે પારની. પણ હું રોજ તો આ રીતે સંગીત સાંભળવા ન જઈ શકું. તું જ તારા ગુરુ પાસેથી આ દર્દ, આ ઊંડાણ શીખી આવને, જેથી મને આવી જ તૃપ્તિ રોજ મળે.

તાનસેન કહે : મહારાજ! એ શક્ય નથી.  ‘કેમ?’ ‘મહારાજ! મારા ગુરુ માત્ર ને માત્ર પ્રભુની પ્રીતથી ગાય છે. એટલે એમના એ ગાનમાં પ્રભુની પ્રીતિ ઊતરે છે. મારા ગાનમાં એ નથી. માટે એ દર્દ મારા કંઠમાં નહિ આવે…

•••

પ્રભુની પ્રીત આ કાર્ય કરે છે : તમને ‘એ’ની
સાથે સંબદ્ધ કરી રાખે છે. તમે ‘એ’ની સાથે જોડાયા. બીજા બધાની – રાગ, દ્વેષ આદિ તમામની – પ્રીત છૂટી.

‘તુમસે હૈ જોડી, અવર સંગ તોડી;
સાંચી પ્રીત મૈંને, તુમસે હૈ જોડી…’

•••

વ્યવહાર સાધનામાં અહોભાવ છલકાયો. રાગ, દ્વેષ આદિ એ સમયે સાધકના મનમાં ન રહ્યા. હવે એની વૈરાગ્ય, સમત્વથી યુક્ત યાત્રા આગળ ચાલશે અને વીતરાગદશાનું આંશિક અનુભવન થશે.

ક્રમ આવો થયો :

વ્યવહાર સાધના ‘ અહોભાવ ’ રાગ, દ્વેષ આદિનું શિથિલીકરણ ‘ વૈરાગ્ય, સમત્વ આદિને પામવા માટેની સઘન સાધના ’ નિશ્ચય સાધનાનો સ્પર્શ.

•••

આ પૃષ્ઠભૂ પર શ્લોકને ચર્ચીએ.

अलिप्तो निश्चयेनात्मा, लिप्तश्च व्यवहारतः ।
शुद्ध्यत्यलिप्तया ज्ञानी, क्रियावान् लिप्तया दृशा॥

વ્યવહાર દૃષ્ટિએ આત્મા લિપ્ત છે. રાગ-દ્વેષથી લિપ્ત છે. અને એને કારણે કર્મોથી પણ લિપ્ત છે. નિશ્ચય દૃષ્ટિએ આત્મા અલિપ્ત છે.

સમયસાર ગ્રન્થ કહે છે : ‘कोहे कोहो000’ ક્રોધ ક્રોધમાં છે. મારામાં નહિ. હું તો સ્વરૂપસ્થિતિમાં મગ્ન છું. 

ક્રોધ આવ્યો. હવે જુઓ. ક્રોધ કોને આવ્યો છે? એ તમારા મનને આવેલ છે. તમે તો માત્ર દ્રષ્ટા જ છો. ક્રોધમાં જનાર લિપ્ત ચેતના છે. તમે એને જોનાર છો.

તો, ક્રોધ દૃશ્ય છે. તમે દ્રષ્ટા છો. પતંજલિ ઋષિ કહે છે : तदा द्रष्टुः स्वरूपेऽवस्थानम्। તમે દ્રષ્ટા છો, તો તમે સ્વરૂપમાં રહેલ છો.

અધ્યાત્મ ઉપનિષદ્‌માં મહોપાધ્યાયશ્રી યશોવિજય મહારાજે પણ આ જ વાત કરી –

तेनात्मदर्शनाकांक्षी, ज्ञानेनान्तर्मुखो भवेत्।
द्रष्टुर्दृगात्मता मुक्ति – र्दृश्यैकात्म्यं भवभ्रमः॥

આત્મદર્શનનો આકાંક્ષી સાધક જ્ઞાન વડે અન્તર્મુખ બને છે. આ અન્તર્મુખદશા જ બહુ મહત્ત્વની વાત છે. તમે અન્તર્મુખ બનો છો ત્યારે બાહ્યજગત જોડેનો તમારો સંપર્ક કપાઈ જાય છે.

આ દશામાં જ દૃશ્ય અને દ્રષ્ટા અલગ થઈ જશે. દ્રષ્ટા માત્ર જોવાની પળોમાં હોય; – એ ક્ષણોમાં રાગ-દ્વેષ ન હોય તો એ દ્રષ્ટાભાવ મુક્તિનો પથ બનશે. અને બહાર દેખાતા પદાર્થો, વ્યક્તિઓ જોડે રાગ-દ્વેષની ભૂમિકા પર એ જાય છે, ત્યારે એ જ બહિર્મુખદશા સંસારનું કારણ બનશે.

•••

તમે દ્રષ્ટા છો… કર્તા નથી…

તમારે કશું કરવું નથી. વિભાવોમાં ક્યાંય જવું નથી. તમે છો દ્રષ્ટા. દૃશ્યોથી અલિપ્ત. આ થઈ નિશ્ચય દૃષ્ટિ.

•••

વ્યવહાર દૃષ્ટિએ આત્મા લિપ્ત છે. રાગ-દ્વેષની ધારામાં જઈને એ કર્મબંધ કરે છે.

હવે એ લિપ્ત દશાને અલિપ્ત દશામાં ફેરવવી છે. ‘क्रियावान् लिप्तया दृशा000’ સાધક વિચારે છે કે પળે પળે હું રાગ-દ્વેષમાં જાઉં છું. ના, આ તો ન જ ચાલે… અને હવે એ સાધક રાગ-દ્વેષની શિથિલતા માટેના પ્રયત્નો કરવા મથશે. વૈરાગ્ય દ્વારા એ સાધના પુષ્ટ બને એવો ખ્યાલ હોવાથી સાધક વૈરાગ્યને તીવ્ર બનાવવા માટેનો પ્રયત્ન શરૂ કરશે.

વૈરાગ્યની એક વ્યાખ્યા છે : પર દ્વારા સુખ મળે છે આ બુદ્ધિ પરની અનાસ્થા.

વૈરાગ્ય માટે ત્યાગ જરૂરી છે, એવો ખ્યાલ તો તરત જ આવશે. એટલે એ ત્યાગમાર્ગે ચાલશે. કપડા સાદા. પદાર્થોમાં બિનજરૂરી તમામનો ત્યાગ.

શ્રાવકની ભૂમિકા પર પરિગ્રહને  નિયંત્રિત કરનાર એ સાધક હશે. શ્રમણની ભૂમિકા પર એ અપરિગ્રહી હશે. અપરિગ્રહતાનો અર્થ છે તમારી ચેતનાનું પરમાં ન જવું તે.

પરમાં ન જનારી ચેતના સ્વમાં કેટલી આસાનીથી જશે.

•••

વૈરાગ્ય… એની ઊચકાયેલી દશા… એથી વધુ ઊચકાયેલી દશા… આ છે માર્ગ, જે સાધકને વ્યવહાર માર્ગેથી નિશ્ચય માર્ગ તરફ લઈ જાય છે.

•••

અને નિશ્ચયદૃષ્ટિ પરિપક્વ થતાં જ તેને ખ્યાલ આવે છે કે હું અલિપ્ત છું જ. ત્રૈકાલિક ધ્રુવ આત્મા હું છું. ‘शुद्ध्यत्यलिप्तया ज्ञानी000’ હું અલિપ્ત છું જ. પરંતુ રાગ-દ્વેષના ઘેરાવમાં હું હતો માટે લિપ્ત હતો.

એટલે, વ્યવહાર દૃષ્ટિ લિપ્તદશાને શિથિલ બનાવવા માટે શુભ યોગોમાં સાતત્ય પર ભાર મૂકશે અને એ શુભમાંથી સાધક શુદ્ધમાં આવ્યો એટલે નિશ્ચય સાધના રૂપે અલિપ્ત દશા તેને મળી જાય.

પણ, એક એક પદાર્થમાં ગમો કે અણગમો થતો હોય; લિપ્ત દશા છે જ; ત્યારે હું અલિપ્ત છું, આ તો શરીર ખાય છે,  આવું કહેવું તે બરાબર નથી. સાધકે આ સમયે આન્તરનિરીક્ષણ કરવું જોઈએ કે દૂધપાક-પૂરી કે બાસુંદી-પુરી ખાતાં મજા લાગે છે? આસક્તિથી તમારી ચેતના ગ્રસ્ત થાય છે? જો હા, તો તમારે અલિપ્ત દશા પામવા માટેની સાધના કરવી જોઈએ.

PARAVANI ANK 08

•••

પરાપૃચ્છા

– ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિ મ.

પ્રશ્ન : સાક્ષીભાવ એ શું નિષ્ક્રિયતાની સાધના છે?

ઉત્તર : ના, સાક્ષીભાવનો સાધક પોતાની ભૂમિકાને અનુરૂપ કાર્યો કરે જ છે; પણ એ કાર્યોમાં કર્તૃત્વનો ભાવ નથી હોતો…

કર્તૃત્વ-મુક્ત કાર્ય એ સાક્ષીભાવ. તમે જ્યારે કાર્યનું કર્તૃત્વ તમારા માથે લો છો, ત્યારે બે શક્યતાઓ રહે છે : અહંકારની અને ગ્લાનિની.

કોઈએ તમારા એ કાર્યની પ્રશંસા કરી તો તમારા હૃદયમાં અહંકારની લાગણી જન્મે છે. એ કાર્ય બરોબર નથી થયું એમ કોઈ કહે છે ત્યારે તમારા હૃદયમાં ગ્લાનિનો ભાવ રહે છે.

આનાથી વિરુદ્ધ, તમે સાક્ષી/દ્રષ્ટા બનો છો ત્યારે તમે તમારી ફરજ બરોબર બજાવો છો;
પણ કર્તૃત્વનો ભાવ ન હોવાને કારણે અહંકારની કે ગ્લાનિની દશા આવતી નથી.

•••

એક જ્ઞાની ગુરુદેવ પોતાના સેંકડો શિષ્યોની સાધના પર ધ્યાન રાખે; ઉપયોગી સૂચનો/માર્ગદર્શન સાધકોને નિરંતર આપે. પરંતુ કર્તૃત્વ ન હોવાને કારણે માત્ર એ આનંદમાં રહે છે…

‘‘કોઈએ માર્ગદર્શન સ્વીકાર્યું, કોઈએ નહિ સ્વીકાર્યું; એ એમની બાજુ ખૂલતી વાત છે. મેં મારી ફરજ બજાવી છે…’’ આવો વિચાર તેમને આવે છે.

•••

કર્તૃત્વ-મુક્ત કાર્ય માટેની ભક્તિધારાની પણ એક મઝાની વિભાવના છે.

ભક્ત વિચારે છે : હું જ વામન વ્યક્તિત્વ છું; તો મારા દ્વારા થતાં કાર્યો પણ એવાં જ રહેશેને! એને બદલે પ્રભુ દ્વારા! સદ્‌ગુરુ દ્વારા થતાં કાર્યો કેટલાં તો મઝાનાં અને સાર્થક બની રહે!

આ પરંપરામાં એક સરસ વાત આપણે ત્યાં છે. ગુરુ શિષ્યને કોઈ ગ્રન્થ ભણાવે છે, ત્યારે હું તને આ વિદ્યા આપું છું એમ નથી કહેતા.

તેઓ કહે છે : સદ્‌ગુરુઓની પરંપરા તને આ ગ્રન્થ/જ્ઞાન આપે છે.

(ખમાસમણાણં હત્થેણં…)

અહીં સદ્‌ગુરુનું કાર્ય રહે છે; કર્તૃત્વ નથી રહેતું અને કર્તૃત્વ ન રહેવાથી કાર્યને મઝાની ગરિમા મળે છે.

•••

સાક્ષી બનો!

કાયોત્સર્ગ એ સાક્ષીભાવને જ ઉજાગર બનાવવાની પ્રક્રિયા છે. તમારા શરીરના પણ એ વખતે તમે સાક્ષી હો છો. પૂજ્ય આનંદઘનજી મહારાજ યાદ આવેઃ

‘કાયાદિકનો સાખીધર રહ્યો…’

•••

સાક્ષી બનો…! પરમ આનંદને પામો…!

•••

TAGGED:
Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *