Vartaman Yog : Anadaj Anand

5 Views

વર્તમાન યોગ : આનંદ જ આનંદ
Paravani Ank – 09

પ.પૂ. ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિ મ.સા.

વર્તમાન યોગ… હમણાં એક પુસ્તક પ્રકાશિત થયું છે : ‘Power of now.’ ઇકહાર્ટના આ પુસ્તકની વીસ લાખથી વધુ નકલો વેચાઇ ગઇ છે.

એ બતાવે છે કે ભૂત અને ભવિષ્યના વિચારોથી પ્રબુદ્ધ મનુષ્ય એવો થાક્યો છે કે એ વર્તમાનમાં જીવવા ચાહે છે.

લેખક એક સ્થળે ઝેન ગુરુની, શિષ્યની સાધનાને ચકાસવાની પદ્ધતિને સમજાવે છે :

‘કેટલાક ઝેન ગુરુઓ પોતાના શિષ્યોની ઉપસ્થિતિની (વર્તમાન યોગની) જાગરુકતાની પરીક્ષા કરવા માટે જરા પણ અવાજ કર્યા વિના, તેમની પીઠ પાછળ જઇને, અચાનક, તેમના પર સોટીનો પ્રહાર કરતા. જો વિદ્યાર્થી પૂરેપૂરો ઉપસ્થિત, જાગૃત હોય તો તેને પોતાની પીઠ પાછળ આવેલ ગુરુનો સંકેત મળી રહેતો. અને તે તેમના પ્રહારને ટાળવા એક તરફ ખસી જતો.

પરંતુ જો તેને સોટી વાગતી, તો એનો મતલબ એ થયો કે તે વિચારોમાં ગરકાવ હતો. અનુપસ્થિત, અજાગૃત હતો.’

•••

આપણી પરંપરામાં જાગૃતિ શબ્દ બહુ જ મૂલ્યવાન લેખાય છે. 

પ્રભુએ આચારાંગ સૂત્રમાં કહ્યું : मुणिणो सया जागरंति॥ મુનિઓ-સાધ્વીઓ સતત જાગૃત હોય છે.

આ જાગૃતિ વિચારમુક્ત હોય છે. ભૂતકાળ અને ભવિષ્યકાળનો કોઇ વિચાર આવતો નથી. અને વર્તમાન કાળમાં, જો તમે ઉદાસીન દશાની ધારામાં હો, તો વિચાર ક્યાં છે?

•••

વિચારમુક્ત એક એક ક્ષણ મહત્ત્વની છે.

બાનઝાન નામના ઝેન ગુરુ, આત્મજ્ઞાનની પ્રાપ્તિ પૂર્વે, બજારમાં એક વાર ચાલી રહ્યા હતા, ત્યારે તેમણે વેપારી અને ગ્રાહકનો એક સંવાદ સાંભળ્યો. વેપારી કહે છે : મારા દુકાનની દરેક વસ્તુ શ્રેષ્ઠ જ હોય છે.

બાનઝાન જ્ઞાનને પામ્યા. એમણે એ વિચાર્યું કે મારા જીવનની દરેક ક્ષણ પણ શ્રેષ્ઠ જોઇએ. અને, વિચારમુક્ત હોય તે જ ક્ષણ શ્રેષ્ઠ હોય…

•••

વિચારમુક્તિ માટે છે શુદ્ધ મનોગુપ્તિ.

મનોગુપ્તિના બે પ્રકાર : 1) શુભ મનોગુપ્તિ અને  2) શુદ્ધ મનોગુપ્તિ.

શુભ મનોગુપ્તિમાં સાધકની એ જાગૃતિ હોય છે કે બિનજરૂરી એક પણ વિચાર ન આવે. ક્યારેક વિચાર આવે ત્યારે માત્ર ભક્તિ, મૈત્રી, સેવા આદિના જ આવે.

•••

શુદ્ધ મનોગુપ્તિમાં સાધક વિચારોને પેલે પાર જાય છે. 

યોગશાસ્ત્રના ૧૨મા પ્રકાશમાં કલિકાલ સર્વજ્ઞ આચાર્ય હેમચન્દ્રસૂરિજી કહે છે તેમ ઉદાસીનભાવમાં ડૂબેલ, કૃત્યો જેના છૂટી ગયા છે તેવો અને પરમ આનંદમાં મગ્ન સાધક કશું જ વિચારતો નથી.

•••

औदासीन्यनिमग्न: प्रयत्नपरिवर्जित: सततमात्मा।
भावितपरमानन्दः क्वचिदपि न मनो नियोजयति॥

આ ભૂમિકા તો મઝાની છે,
પણ એને શી રીતે પામવી?

લાગે છે કે વર્તમાન યોગની સાધના દ્વારા સાધક શુદ્ધ મનોગુપ્તિ તરફ જઇ શકે.

આદ્ય શંકરાચાર્યે જીવન્મુક્ત દશાનું જે વર્ણન આપ્યું છે, તે વર્તમાન યોગની દશામાં આવેલ સાધકનું છે :

‘‘अतीताननु-सन्धानम्, भविष्यदविचारणम्। औदासीन्यमपि प्राप्ते, जीवन्मुक्तस्य लक्षणम्॥’’ 

ભૂતકાળ સાથેનો વૈચારિક છેડો છૂટી જાય, ભવિષ્યનો કોઇ વિચાર ન હોય… અને વર્તમાન ક્ષણ ઉદાસીનતાથી ભરાઇ ગઇ; તમે જીવન્મુક્ત. તમે વર્તમાન યોગના સાધક.

શરૂઆત આ રીતે કરીએ : ભૂતકાળમાં જે ઘટના ઘટી ગઇ; એને યાદ કરીને મેળવવાનું શું? ઘટના તો ઘટી જ ગઇ છે; હવે એ ઘટનાના સ્વીકાર સિવાય કયો માર્ગ બાકી રહે છે?

ધારો કે બપોરે ત્રણ વાગ્યે કોઇએ તમને કંઇક કહ્યું. 30 થી 40 સેકન્ડ એ કંઇક બોલ્યા. ત્રણ ને એક મિનિટે ઘટના નથી. હવે એ ઘટનાના મૃતદેહને ઊંચકીને તમે કેટલું ચાલશો?

બીજી વાત : ત્રણ વાગ્યે જે ઘટના ઘટેલી, એને અનંત કેવળજ્ઞાનીઓએ પોતાના જ્ઞાનમાં જોયેલી… ઘટનાના અસ્વીકારનો અર્થ શું એવો નહિ થાય કે આપણે કેવળજ્ઞાની ભગવંતોના જ્ઞાન પ્રત્યે અશ્રદ્ધા કરી?

‘ઉપમિતિ’ના શબ્દો યાદ આવેઃ “अतः अतीतचिन्ता महामोहविलसित – मेव…” ભૂતકાળમાં થયેલ ઘટનાઓ અંગે વિચાર કરવો તે મહામોહજન્ય કૃત્ય છે.

•••

હવે ભવિષ્ય સંબંધી વિચારોની વાત કરીએ. ભવિષ્યના જે વિચારો તમે કરશો, તેમાં કેન્દ્રમાં તમે હશો… ‘હું આમ કરીશ ને હું તેમ કરીશ…’

પણ ભવિષ્યની બધી જ ઘટનાઓના કેન્દ્રમાં જે નાયક તરીકે રહેવાનો છે, તે કેટલો સમય રહેવાનો છે? નાયક વગર તો વાર્તા ચાલશે કેમ?

•••

ભૂતકાળ અને ભવિષ્યકાળના વિચારોથી જો તમને મુક્તિ મળી, તો તમે મન પર નિયંત્રણ મેળવ્યું. એનો ઉપયોગ વર્તમાન કાળની ક્ષણને ઉદાસીન દશા વડે ભરવા માટે કરવો છે.

•••

એવો સાધક ખાશે, પીશે, બોલશે; પણ એ ક્રિયાઓ સાથે એનું તાદાત્મ્ય નહિ રચાય. એ બધાં કાર્યો ઉદાસીનભાવે થઇ રહ્યા છે; ત્યાં ગમો-અણગમો નથી.

•••

એક ઝેન કથા યાદ આવે…

સાધકે 5-7 વર્ષ સુધી આશ્રમમાં સ્વાધ્યાય કર્યો. પછી તેને ગુરુ પાસે જવાનું કહેવાયું; ગુરુ દ્વારા તેને ઊંડું જ્ઞાન મળે એ માટે.

સાધક ગુરુના ખંડમાં ગયો. વન્દના કરી. ગુરુ એને પૂછે છે : ‘સામે શું દેખાય છે?’ સામે પર્વત હતો, એમાંથી વહેતાં ઝરણાં હતાં… વૃક્ષો હતાં…

સાધકે કહ્યું : ‘પર્વત, ઝરણાં, વૃક્ષો દેખાય છે.’ ગુરુ એના ચહેરાને જોઇ રહેલા. એમણે કહ્યું : ‘હમણાં તું ફરી આશ્રમમાં જા. બે વર્ષ પછી આવજે મારી પાસે.’

ગુરુ એમ પણ નથી કહેતા કે ભૂલ ક્યાં થઇ રહી છે. ‘તું શોધી કાઢ. તું ઊંડો ઊતર…’ 

બે વર્ષ સુધી એ ઊંડાણમાં ગયો. એને એક વસ્તુ પકડાઇ કે બૌદ્ધ દર્શન દરેક પદાર્થને ક્ષણસ્થાયી – એક ક્ષણ ટકી રહેનાર માને છે. બીજી ક્ષણે એ વિનષ્ટ થાય છે… એટલે, ગુરુના પ્રશ્નના ઉત્તરમાં મેં ‘છે’ કહ્યું હતું એને બદલે ‘નથી’ કહેવું જોઇતું હતું. જો કંઇ છે જ નહિ; તો પર્વત છે, ઝરણાં છે… કેમ કહેવાય.

બે વર્ષ પછી ફરી એ ગુરુ પાસે ગયો. ગુરુએ એ જ પ્રશ્ન પૂછ્યો. સાધકે કહ્યું : ‘કશું જ નથી.’

ગુરુએ કહ્યું : બે વર્ષ પછી આવજે.

હવે?… હવે શું કરવું?… ‘છે’ નો જવાબ ખોટો, ‘નથી’ નો જવાબ ખોટો… તો હવે કઇ રીતે આગળ વધવું.

અને ખરેખર, બે વર્ષના સ્વાધ્યાય દ્વારા એને ખ્યાલ આવ્યો કે એની ચૂક ક્યાં થતી હતી.

બે વર્ષ પછી એ ગુરુ પાસે ગયો. વન્દન કર્યું. ગુરુએ એ જ પ્રશ્ન પૂછ્યો : સામે શું દેખાય છે? સાધકે કહ્યું : ‘પર્વત, ઝરણાં, વૃક્ષો…’

ગુરુ એના મુખ ભણી જોઇ રહ્યા હતા. એમણે કહ્યું : ઓ. કે. સરસ… અને ગુરુએ આગળના પાઠો એને આપ્યા.

પહેલો અને છેલ્લો જવાબ સરખો જ હતો. તો ફરક ક્યાં પડ્યો? પહેલીવાર પર્વત, ઝરણાંની વાત સાધકે કરી ત્યારે એને એ બધું મનોહર લાગતું હતું. ગુરુ જોઇ રહ્યા હતા કે એનો ગમો એ તરફ હતો. અને ગમો (રાગ) તમને બાંધી નાખે…

બીજીવાર ‘નથી’ કહ્યું, 

એ તો વાસ્તવનો અસ્વીકાર હતો.

ત્રીજીવાર જ્યારે એણે કહ્યું, ત્યારે એની ઉદાસીન દશા એટલી પ્રગાઢ બનેલી કે એ ‘પર્વત છે, ઝરણાં છે’ એમ બોલે છે. પણ એ પદાર્થો જોડે એનો સંબંધ રચાતો નથી. ન ગમા સ્વરૂપે, ન અણગમા સ્વરૂપે… માત્ર એ પદાર્થો છે. પણ એ પદાર્થો જોડે મારો કોઇ સંબંધ રચાતો નથી. મારું તાદાત્મ્ય એમની સાથે સધાતું નથી.

ગુરુ સાધકને આ વર્તમાન યોગની સાધના આપવા માગતા હતા. જે સાધકે મેળવી લીધી…

•••

વર્તમાન યોગ… એક સરસ ઘટના યાદ આવે. નદીના કિનારે એક મંદિર, નાની ધર્મશાળા. યાત્રિકો ત્યાં આવતા. દર્શન કરતા. આગળ વધતા. એક યાત્રિકવૃન્દ એક સાંજે મંદિરમાં આવ્યું. દર્શન કર્યાં. એ લોકોને નદી ઊતરીને સામી બાજુ જવાનું હતું. નદી પર પુલ નહોતો.

એક યાત્રિકે પૂજારીને પૂછ્યું : નદીમાં કેટલું પાણી હશે?

પૂજારીએ કહ્યું : હું તો ઘણી વાર આ નદી ઊતરું છું. માત્ર ઢીંચણ-સમાણું જ પાણી છે. તમે આરામથી ૧૦ મિનિટમાં નદી પાર કરી દેશો.

છતાં યાત્રિકોની પૂછપરછ ચાલુ જ રહી. ફરી ઉપર મુજબ જવાબ આપ્યો… તોય એક યાત્રિકે પૂછ્યું: તમે છેલ્લે નદી ક્યારે ઊતરેલા? એ વખતે પાણી કેટલું હતું…?

હકીકતમાં, આટલી સ્પષ્ટતાઓ પછી આ પ્રશ્ન નિરર્થક જ હતો. પણ પૂજારી તત્ત્વજ્ઞ હતો. એણે કહ્યું : ‘હું નદીને ઊતરું છું, ત્યારે જ નદી ઊતરું છું. એ પહેલાં નદીને ઊતરતો નથી!’

•••

વર્તમાન યોગ… એકવાર અભ્યસ્ત થયા પછી એ સાવ સરળ છે. અને એ જો અભ્યસ્ત થયો, તો તમે કેટલી બધી પીડાઓથી મુક્ત થયા?

તમારું મન તમને યા તો ભૂત-કાળમાં લઇ જાય છે, યા ભવિષ્યમાં. પરિણામ શું? સુખદ કલ્પનાઓ કે સ્મરણ દ્વારા રતિભાવ ઊછળશે. દુખદ કલ્પના કે સ્મરણ દ્વારા અરતિ/પીડા જન્મશે. અને રતિ-અરતિના દ્વન્દ્વમાંથી પાછળની જ અસર વધુ રહે છે.

વર્તમાન યોગ એટલે કર્મ-બંધથી મુક્તિ, પીડાથી મુક્તિ… આનંદ જ આનંદ…

•••

વર્તમાન યોગ આવ્યો. શુદ્ધ મનોગુપ્તિની ઝલક મળવા લાગે.

PARAVANI ANK 09

•••

પરાપૃચ્છા

– ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિ મ.

પ્રશ્ન : સદ્​ગુરુ શિષ્ય પર ક્યારે કામ કરી શકે છે?

ઉત્તર : ભગવદ્ ગીતામાં બે પ્રસિદ્ધ પંક્તિઓ આવી : “करिष्ये वचनं तव…” અને “योगक्षेमं वहाम्यहम्…”

પહેલું વાક્ય અર્જુનનું છે : ‘શ્રીકૃષ્ણ! આપ કહેશો તેમ જ હું કરીશ…’ બીજું વચન શ્રીકૃષ્ણનું છે : ‘તારું યોગ અને ક્ષેમ હું કરીશ.’

સાધના કે ગુણની પ્રાપ્તિ તને નથી થઇ તો એ કરાવીશ (યોગ) અને પ્રાપ્ત થયેલ સાધના કે ગુણ સહેજ નિસ્તેજ/નિષ્ક્રિય બનશે તો તરત એને એકદમ ઊંચકી આપીશ…

અર્જુન છે ઋજુ ચેતના… ઋજુ શબ્દ પરથી અર્જુન શબ્દ ઊતરી આવ્યો છે. આ ઋજુ ચેતના છે તે જ શિષ્ય ચેતના છે.

કૃષ્ણ શબ્દનો અર્થ પણ બહુ મઝાનો છે. કૃષ્ ધાતુ ખેંચવાના અર્થમાં વપરાય છે. શિષ્યના  કૉન્સ્યસ માઇન્ડને અથવા અસ્તિત્વના સ્તર પર રહેલ કામ, ક્રોધાદિને જે ખેંચી લે તે કૃષ્ણ. કૃષ્ણ ચેતના તે ગુરુચેતના…

•••

અર્જુન કહે છે : “करिष्ये वचनं तव…” પ્રભુ! તમે કહેશો તે પ્રમાણે જ કરીશ. શિષ્ય જ્યારે સમર્પિત થઇ જાય છે, ત્યારે જ એ ગુરુની કરુણાને, ગુરુદેવ દ્વારા પોતાના પર થતા કાર્યને અનુભવે છે.

શિષ્ય સમર્પિત નથી હોતો, ત્યારે ગુરુના હાથ બંધાયેલા છે… ગુરુ કશું કરી શકતા નથી… મતલબ એ છે કે સમર્પણના પાત્ર વિના શિષ્ય ગુરુની કરુણાને ઝીલી શકતો નથી.

શિષ્ય પાસે સમર્પણ આવ્યું. એને જલસો જ જલસો છે… પછી એને સાધના સદ્​ગુરુ આપશે. સાધના ઘૂંટાવરાવશે સદ્​ગુરુ. સાધનાને ઊંડાણમાં લઇ જવાય એ માટેનું વાતાવરણ (મૌન, એકાન્ત વગેરે) ગુરુ આપશે અને સાધનામાં અવરોધ આવ્યો તો એને હટાવશે પણ સદ્​ગુરુ.

•••

ઝૂકી જવું… અને એ પણ સદ્​ગુરુનાં ચરણોમાં… અને ગુરુદેવનું કાર્ય શરૂ!

હકીકતમાં, સદ્​ગુરુનાં ચરણોમાં તમે નથી ઝૂકતા… સદ્​ગુરુના ગુણો જ તમને ઝુકાવે છે.

આમ તો, નવ્વાણું ટકા કૃપા અને એક પ્રતિશત પ્રયત્ન એ સાધનાનું સ્વરૂપ છે. પણ અહીં તો એક ટકો પ્રયત્ન પણ ન રહ્યો શિષ્યનો.

કારણ કે ગુરુદેવનાં ચરણોમાં તેને ઝુકાવવાનું કામ ગુરુદેવના ગુણોએ કર્યું.

•••

સમર્પણ આવ્યું. સદ્​ગુરુનું કાર્ય તમે અનુભવી શકશો… આજ સુધી તમે કલ્પી પણ ન હોય તેવી સાધના ગુરુદેવ તમને આપશે. (યોગ)

પણ, માત્ર સાધના આપીને સદ્​ગુરુ પોતાનું કાર્ય પૂર્ણ નથી કરી લેતા. એ સાધના તમારી વધુ ને વધુ અનુભૂતિ ભણી કેમ જાય એનો પણ ખ્યાલ તેઓ રાખશે (ક્ષેમ)

•••

“करिष्ये वचनं तव” (તવ્વયણસેવણા) પેલી બાજુ; “योगक्षेमं वहाम्यहम्” આ બાજુ.

•••

TAGGED:
Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *