આન્તર યાત્રાનાં ત્રણ ચરણો
Paravani Ank – 10
પ.પૂ. ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિ મ.સા.
કવિ સુન્દરમ્ દ્વારા રચાયેલ એક ગોપી-ગીતનો પ્રારંભ આ રીતે છે :
‘હમ જમના કે તીર, ભરત નીર,
હમરો ઘટ ન ભરાઈ;
ઐસો ઘટ ક્યોં તુમને દિયો,
જિસે તુમ બિન કો ન સગાઈ…’
ગોપી યમુનાને કાંઠે પાણી ભરવા ગઈ છે. જોકે, ગોપી ગઈ છે એમ કહેવું એ ઓવર સ્ટેટમેન્ટ ગણાશે. ગોપીનું શરીર જમનાને કાંઠે જાય છે. એનું મન તો શ્રીકૃષ્ણમાં છે.
હવે એવું થાય છે કે મન પ્રભુમાં છે, શરીર અહીં છે; ઘડો નદીના પ્રવાહમાં બરોબર મુકાતો નથી અને એથી, એ ભરાતો નથી. ‘હમરો ઘટ ન ભરાઈ…’
ગોપી પ્રાર્થના’ય પ્રભુને કરે અને ફરિયાદ પણ પ્રભુને જ કરેને ! તો એ કહે છેઃ ‘ઐસો ઘટ ક્યોં તુમને દિયો, જિસે તુમ બિન કો ન સગાઈ…’ ઘડો તમારા હાથમાં હોય તો ભરાય… મારા હાથમાં હોય તો ન ભરાય… આવો ઘડો તમે કેમ આપ્યો?
મઝાની ઘટના, આ ગીતના સંદર્ભમાં, એક વાર એ ઘટી કે મંચ પરથી લક્ષ્મીશંકર આ ગીતને આલાપી રહ્યા હતા. અને ઑડિટોરિયમમાં સુન્દરમ્ અને ઉમાશંકર જોશી બાજુ બાજુમાં બેઠેલા.
લક્ષ્મીશંકર જ્યારે આલાપતા હતાઃ ‘ઐસો ઘટ ક્યોં તુમને દિયો?’ એ સમયે સુન્દરમ્ની આંખો છલછલાઈ ઊઠી. તેમણે ઉમાશંકર જોષીને કહ્યું : ‘ભાઈ, પ્રભુએ એવો ઘડો કેમ આપ્યો, ઈન્દ્રિયોનો, મનનો; જે ભરાવાનો નહોતો!’
આંખો દ્વારા પરમ-રૂપ ન દેખાય તો આંખોનો શો અર્થ? જર્મન કવિ રિલ્કેએ કહ્યું : ‘Put out my eyes, if that can see you…’ હરીન્દ્ર દવેએ એનો રસળતી ગુજરાતીમાં અનુવાદ કર્યો : ‘ઠારી દે આ દીપ નયનના, તવ દર્શનને કાજ, કામ નથી આ ખપનાં…’
•••
પરમ-રૂપને, પરમ-રસને પામવાની આ તલપ… આન્તરયાત્રાનું પ્રથમ ચરણ અહીં પ્રારંભાય છે : અન્તર્મુખ દશા.
અગણિત જન્મો સુધી બહિર્મુખ દશામાં રહેવાયું. જ્યાં પરરસ દ્વારા જ તૃપ્ત થવાની ભ્રમણા મન પર સવાર થયેલી હતી.
પ્રભુની અગમ્ય કૃપાને ઝિલાઈ અને બહિર્મુખદશામાંથી અન્તર્મુખ ભણી અવાયું.
•••
મહોપાધ્યાય યશોવિજયજી અધ્યાત્મ-ઉપનિષદ્માં કહે છે :
तेनात्मदर्शनाकाङ्क्षी, ज्ञानेनान्तर्मुखो भवेत् ।
આત્મદર્શન (આત્માનુભૂતિ)ની આકાંક્ષા અન્તર્મુખ દશા તરફ સાધકને લઈ જાય છે.
બહાર ખૂબ જોયું, ખૂબ અનુભવ્યું. લાગે કે આ પાણી-વલોણું જ હતું. અને ત્યારે, મોહનીયના ક્ષયોપશમથી, આત્માનુભૂતિનો વિચાર આવ્યો… અન્તર્મુખ દશા પકડાવા લાગી.
આ
અન્તર્મુખ સાધકની દશા કેવી તો હૃદયંગમ હોય છે!
હિમ્મતભાઈ બેડાવાલા, શશીકાન્તભાઈ, ચન્દ્રકાન્તભાઈ, પ્રાણલાલ દોશી આદિ બદ્રી જઈ રહ્યા હતા, વચ્ચે એક જગ્યાએ ગુફામાં સંત છે એ ખ્યાલ આવતાં તેઓ સંત પાસે ગયા. શાતા પૂછી…
નાનકડી ગુફામાં સંત હતા. એક વ્યક્તિ શરીર લંબાવીને સૂઈ શકે એટલી પણ જગ્યા નહોતી. આશ્ચર્ય થયું કે હિમાલયમાં તો ઘણી બધી વિશાળ જગ્યાઓ છે. તો સંત આટલી નાની ગુફામાં કેમ…
પૂછ્યું : આપ ઈતની સંકરી ગુહા મેં ક્યોં રહેતો હો? સંતે હસીને કહ્યું : બડી ગુહા કા ક્યા કામ હૈ? મૈં ઔર મેરે ભગવાન, દો તો યહાં રહતે હૈ; ફિર તીસરે કા કામ ભી ક્યા હૈ?
ભક્તો ઉત્તર સાંભળીને પ્રસન્ન થયા.
•••
બીજી એવી એક ગુફા રોડથી થોડે દૂર હતી. ત્યાં પણ સંત રહેતા હતા. હિમ્મતભાઈ આદિ સાધકો સંત પાસે જઈ રહ્યા છે.
ચન્દ્રકાન્તભાઈ, શશીકાન્તભાઈ, પ્રાણલાલભાઈ પહોંચી ગયા. સંતને વંદન કરીને બેઠા. હિમ્મતભાઈ ધીરે ચાલતા હતા. એટલે તેઓ આવે પછી સંગોષ્ઠિ કરવી એવો ભાવ હતો.
ત્યાં જ હિમ્મતભાઈ ગુફામાં પ્રવેશ્યા. તેઓ પ્રવેશ્યા અને સંત ઊભા થઈ ગયા. ‘અરે, આપ ક્યોં યહા આયે? આપ તો મુઝ સે ભી બડે સંત હો!’
માત્ર બે સેકન્ડ. હિમ્મતભાઈ ગુફામાં પ્રવેશ્યા. એમની ભીતરી ઊર્જા અનુભવી સંતે. અને તરત નક્કી કર્યું કે મારા કરતાંય વધુ અન્તર્મુખ આ ગૃહસ્થ છે.
સંત પહેલી જ વાર આ બધાને મળી રહ્યા હતા…
•••
બદ્રીમાં એક સંત છે. જેઓ ત્યાંની અતિશય ઠંડીમાં પણ ખુલ્લા શરીરે રહે છે. માત્ર કંતાનનું રૂમાલ જેવું અધોવસ્ત્ર પહેરે છે. કંતાનને હિન્દીમાં ટાટ કહે છે. એટલે સંતનું નામ પડ્યું : ટાટ બાબા.
પૂજ્ય જંબૂવિજયજી મહારાજ બદ્રીમાં રહ્યા ત્યારે એકવાર એમના શિષ્ય પુંડરીકરન વિજય (અત્યારે આચાર્ય) બહાર, રસ્તા પર ગયા… ત્યારે જ ટાટ બાબા ફરવા નીકળેલા.
પુંડરીકરન વિજયજીએ કહ્યું : બાબા, એક પ્રશ્ન પૂછના હૈ… સંતે કહ્યું : પૂછો. ‘આપ કો ઠંડ કૈસે નહિ લગતી? મૈંને તો ઇતને કંબલ ઓઢે હૈ, ફિર ભી મૈં કાંપ રહા હૂં.’
બાબાએ કહ્યું : ‘શ્રીમંત કે વહાં પૈસે બહુત હૈ, તો ચોર લોગ વહાં જાયેંગે… ગરીબ કી ઝોંપડી મેં ચોર ક્યોં આયેગા? ઐસે હી, તુમને બહુત કંબલ ઓઢે હૈ, તો ઠંડ તુમ્હારે પાસ હી તો આયેગી ન! મેરે પાસ આકર ક્યા કરેગી વહ? ઔર ઠહરેગી ભી કહાં?’
•••
એ ટાટ-બાબા બારે મહિના બદ્રીમાં જ રહે છે. ૫-૬ મહિના તો, અતિશય ઠંડીમાં, ત્યાં કોઈ ન હોય. મંદિર પણ બંધ. પૂજારી પણ ત્યાં નહિ.
અને બાબા બારે મહિના બદ્રીમાં રહે. કો’ક ભક્તે પૂછ્યું : બાબા, જબ યહાં કોઈ નહિ હોતા હૈ, તબ આપ કી ભિક્ષા કા પ્રબંધ કૈસે હોતા હૈ?
બાબાએ હસીને કહ્યું : ક્યા ભિક્ષા દેનેવાલે તુમ હોતે હો? કભી ભી ઐસા સોચના મત… વો તો ઉપરવાલા દેતા હૈ! ઉપરવાલે કી કૃપા…
અન્તર્મુખ સંત પોતાની સાધનાનું બ્યાન આપવા પણ તૈયાર નથી. કઈ રીતે તેઓ પાંચ-છ મહિના ત્યાં ગુજારતા હશે, તેની વાત પણ નથી કરતા…
અંદર ઊતરી ગયેલને બહાર આવવાનું કોઈ પ્રયોજન હોતું નથી.
•••
સાધકની આ અન્તર્મુખ દશાનું વર્ણન પૂજ્ય આનંદઘનજી મહારાજે આપ્યું : ‘સબ મેં હૈ ઔર સબ મેં નાહિં…’ આવો સાધક, ઉપયોગ સ્વરૂપે, આજુબાજુનો, પોતાને જરૂરી પદાર્થોનો ખ્યાલ રાખી શકે… પણ આસક્તિના રૂપમાં એ કોઈ પણ પદાર્થ કે વ્યક્તિમાં નથી. ‘સબ મેં નાહિં…’
•••
બીજું ચરણ : અન્તઃપ્રવેશ. સ્વગુણનો આંશિક અનુભવ અહીં થાય છે.
શ્રાવક સામાયિક લે છે. એ વખતે એને ગુરુ દ્વારા મળતું/ઉચ્ચારાતું ‘કરેમિ ભંતે!’ સૂત્ર સમભાવની અનુભૂતિ તરફ એને લઈ જાય છે.
અન્તઃપ્રવેશ.
તમારી પોતાની વૈભવી, આન્તરિક દુનિયામાં પ્રવેશ… તમે તમારા આનંદ ગુણનું પણ વેદન કરો છે. અને ત્યારે તમને ખ્યાલ આવે છે કે તમે આનંદઘન છો.
તમે સ્વયંસંપૂર્ણ છો એવો ખ્યાલ તમને આવતો જાય છે. ના, તમારું સુખ બીજાના હાથમાં નથી. એ તમારા જ હાથમાં છે.
રતિ અને અરતિ ક્યાં સુધી? તમે પરાધીન હો ત્યાં સુધી. તમારે બીજા દ્વારા તમારી પૂર્ણતાનો અહેસાસ કરવો છે. હવે શું થશે? કોઈ કહેશે : ‘તમે સરસ બોલ્યા…’ રતિભાવનાં મોજાં ઊછળશે. કોઇ કહેશે : ‘તમારા પ્રવચનમાં કંઇ સમજાતું જ નહોતું. સાવ ફિક્કું, નીરસ પ્રવચન…’ અરતિભાવમાં તમે જશો.
પણ ના, તમે બહિર્મુખ હવે નથી. બહારના કોઇના પ્રમાણપત્રની તમારે જરૂર નથી. તમે અન્તર્મુખ બનીને અન્તઃપ્રવિષ્ટ બન્યા છો.
આનંદની અનુભૂતિ શરૂ થઇ. રતિ-અરતિ એને માટે તુચ્છ, નગણ્ય છે. પૂજ્ય ચિદાનંદજી મહારાજ કહે છે : ‘જિને એ પિયાલા (આનંદનો) પીયા તિનકું, ઓર કેફ રતિ કૈસી?’
અન્તઃપ્રવેશ.
તમારી અનંત ગુણસંપત્તિને તમે જુઓ છો. બહારની પૂરી દુનિયા તમારા માટે શૂન્ય છે.
પ્રાચીન ઘટના છે.
મુનિરાજ ધ્યાન દશામાં છે.
એક સાધક તેમની આ આન્તરિક ક્ષણોને નીકટથી નિહાળી રહ્યો હતો. થોડા સમય પછી મુનિવરે આંખ ખોલી. સાધક નજીક આવ્યો. એણે વંદના કરી. પૂછ્યું : ગુરુદેવ! હમણાં અહીંથી કોઇ પસાર થયેલું?
મુનિરાજ તો ભીતર હતા. બહારનો એમને શો ખ્યાલ આવે! સાધકે કહ્યું : ગુરુદેવ! દશ મિનિટ પહેલાં જ બાજુના રસ્તા પરથી બહુ જ મોટું લશ્કર પસાર થયેલું. સેંકડો હાથી, ઘોડા, રથો… હજારો સૈનિકો…
મુનિરાજે એટલું જ કહ્યું : હશે. પસાર થયું હશે. પણ મનમાં ગણિત આ હતું : બહાર કોઈ હોય, ન હોય; મારે માટે હવે શો અર્થ રહ્યો આનો?
•••
ત્રીજું ચરણ : અન્તર્લીન દશા. દીક્ષા ગ્રહણનો સમય તે અન્તઃપ્રવેશ. અને દીક્ષા બાદ એક વર્ષ પછીનો ગાળો તે અન્તર્લીન દશા.
મહોપાધ્યાયશ્રી યશોવિજયજી ‘પંચવિંશતિકા’માં કહે છે :
जाग्रत्यात्मनि ते नित्यं, बहिर्भावेषु शेरते।
उदासते परद्रव्ये, लीयन्ते स्वगुणामृते॥
અન્તર્લીન દશામાં ડૂબેલ સાધકો સતત આત્મભાવમાં જાગૃત હોય છે. બહિર્ભાવમાં તેઓ સૂતેલ હોય છે અને પર દ્રવ્યો (જે સંયમ સાધના માટે જરૂરી છે)ના ઉપયોગ સમયે તેઓ ઉદાસીન દશામાં હોય છે; પરિણામે, સ્વગુણોની ધારામાં તેઓ લીન હોય છે.
સમભાવ, વીતરાગદશા, આનંદ આ બધા ગુણોનું અનુભવન એવું તો ચાલુ હોય છે કે બહાર આવવાનો હવે કોઇ અવકાશ જ ન રહ્યો.
‘અધ્યાત્મસાર’ (15/6)માં મહોપાધ્યાયજી આ જ વાત કહે છે :
न पर प्रतिबन्धोऽस्मिन्नल्पोऽप्येकात्मवेदनात्।
આત્મદશાની ગાઢ અનુભૂતિ હોવાથી અહીં પર પ્રત્યેની પ્રતિબદ્ધતા રહી જ નથી.
PARAVANI ANK 10
•••
પરાપૃચ્છા
– ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિ મ.
પ્રશ્ન : પ્રભુની અનુગ્રહકૃપા અને નિગ્રહકૃપાની વાત વિષે આપ ઘણી વાર કહેતા હો છો.
નિગ્રહકૃપા વિષેનો આપનો અનુભવ જણાવશો? (જો આપે માણેલ હોય તો.)
ઉત્તર : હા, પ્રભુનો પ્યારો પ્યારો હાથ અસ્તિત્વની પીઠ પર પસરાવાતો ઘણીવાર અનુભવ્યો છે. તેમ તેમની મીઠી, ચમચમતી તમાચ પણ આસ્વાદી છે.
તમાચ; પણ પ્રભુની હતી ને! એટલે મીઠી જ હોય ને! ‘મધુરાધિપતેરખિલં મધુરમ્…’
નિગ્રહકૃપાનો એક પ્રસંગ યાદ આવે છે. જૂનાડીસા (ઉત્તર ગુજરાત)માં મારું ચાતુર્માસ.
શ્રી સંઘના અગ્રણીઓને ધાર્મિક અધ્યાપકોના મિલનનો વિચાર આવ્યો. તેમણે મારી સામે એ વિચાર મૂક્યો. મેં હા પાડી.
મિલનના બે દિવસ નિશ્ચિત હતા. એ દિવસોની પૂર્વ સંધ્યાએ અધ્યાપકશ્રીઓ આવી ગયા. મિલન ઉત્તર ગુજરાતની ધાર્મિક પાઠશાળાઓના અધ્યાપકોનું જ હતું. પરંતુ મુંબઈ, ચેન્નઈ, બેંગલુરુથી પણ પંડિતવર્યો આવેલા.
મને અહંકાર આવ્યો. માત્ર મને સાંભળવા માટે આ લોકો આટલે દૂર દૂરથી આવ્યા છે!
રાત્રે આવ્યો અહંકાર. પણ પ્રભુ કેટલી તો ખબર રાખે છે આપણી! યશોવિજયના અહંકારના ફુગ્ગાને ફોડવા માટે પ્રભુની નિગ્રહ કૃપા ઊતરી.
સવારે નવ વાગ્યે મારે પ્રવચન કરવાનું હતું. સવારે ઊઠ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે ગળું એકદમ ઠપ થઈ ગયું છે.
મારું લિખિત પ્રવચન એક પંડિતવર્ય વાંચી ગયા…
પણ એ આખો દિવસ પ્રભુની આ નિગ્રહકૃપાને માણી. આંખો ભીની, ભીની જ રહી… મારા અહંકારને વિલીન કરવા પરમ ચેતનાએ કેવી તો કૃપા કરી!
અને બીજા દિવસે ગળું ખૂલી ગયું!
અહંકારનો ફુગ્ગો ફૂટી ગયો હતો ને!
•••