વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : જાગૃતિ
સંપૂર્ણ સમર્પિતતા એ જ receptivity. પ્રભુઆજ્ઞા પ્રત્યે સંપૂર્ણ સમર્પિતતા આવે, એટલે સતત પ્રસાદ ઊતર્યા જ કરે અને જીવન આનંદમય બની જાય. જીવનની એક-એક ક્ષણ પ્રભુદત્ત અને ગુરુદત્ત જ હોવી જોઈએ. તમારા જીવનની એક ક્ષણ પણ એવી ન હોય, જેના પર પરમાત્માના હસ્તાક્ષર ન હોય.
આજે homework માં વિચારજો કે ચોવીસ કલાકમાંથી તમારી કેટલી ક્ષણો પ્રભુદત્ત હોય છે? શરીર જો પ્રભુદત્ત એવી કોઈ ક્રિયામાં હોય, પણ મન ક્યાંક ભટકે છે, તો એ ક્ષણ પ્રભુદત્ત નથી. શરીર, મન, હૃદય, તમારું પૂરું અસ્તિત્વ પ્રભુદત્ત એવી કેટલી ક્ષણોમાં હોય?
હૃદયને નિર્મળ રાખવા માટે સતત જાગૃતિ જોઈશે. જેની પાસે ક્ષણ-ક્ષણનું પ્રભુસ્મરણ છે, તે ભક્ત અને જેની પાસે ક્ષણ-ક્ષણની જાગૃતિ છે, તે સાધક. સાધકના જીવનની એક એક ક્ષણ, એક એક ડગલું જાગૃતિપૂર્વકનું જ હોય; એવી જાગૃતિ કે જેથી રાગ, દ્વેષ, અહંકાર એક ક્ષણ માટે પણ ભીતર પ્રવેશી ન શકે.
Place : ૐકારસૂરિ આરાધના ભવન – વેસુ (સુરત)
નમસ્કાર ભાવ ની સાધના વાચના – ૧૨
પ્રભુનો પ્રસાદ સતત આપણા ઉપર વરસતો રહ્યો છે. એ પ્રસાદને ઝીલી શકાય તો જીવન આનંદમય બની જાય.
લોકો મને ઘણીવાર પૂછે કે પ્રભુ મળ્યાં, પ્રભુની કૃપાનો સ્પર્શ થયો, એ પછી તમારા જીવનમાં શું પરિવર્તન આવ્યું? ત્યારે હું કહું છું કે પ્રભુની કૃપાનો સ્પર્શ મળ્યા પછી પ્રભુએ પોતાની air-condition હથેળીમાં મને રાખ્યો. પણ પ્રભુને કોઈ ભેદભાવ નથી કે યશોવિજયને મારી air-condition હથેળીમાં હું રાખું અને બીજાને ન રાખું. પ્રભુ તૈયાર છે! આપણી પાસે receptivity હોવી જોઈએ.
ગઈ કાલે આપણે જોયેલું. એ receptivity એટલે સંપૂર્ણ સમર્પિતતા. ત્રીજા મહાવ્રતમાં ચાર વાત આવે છે. એમાંની બે વાત લઈએ; પ્રભુ અદત્ત, ગુરુ અદત્ત. પ્રભુ અદત્તતા અને ગુરુ અદત્તતા એ માત્ર ગોચરીના સંબંધમાં છે એવું નહિ માનતા. એ જીવનવ્યાપી ઘટના છે. તમારા જીવનની એક ક્ષણ એવી ન હોય જેના પર પરમાત્માનો હસ્તાક્ષર ન હોય. તમારા જીવનની એક-એક ક્ષણ પ્રભુદત્ત જોઈએ.
આજે homework માં વિચારજો કે ચોવીસ કલાકમાં કેટલી મિનિટો, કેટલી સેકંડો એવી તમારી પાસે છે જે ખરેખર પ્રભુદત્ત હોય. સ્વાધ્યાય કરો છો, વૈયાવચ્ચ કરો છો, અનુષ્ઠાનો કરો છો, તો એ સમય પ્રભુદત્ત છે. પણ ઊંડાણથી જોઈશું તો એકવાત આપણને જોવા મળશે કે શરીર વૈયાવચ્ચમાં હોય કે શરીર પાત્રાનું પ્રતિલેખન કરતુ હોય, પણ મન બીજે ક્યાંય હોય, તો તમારી એ ક્ષણો પ્રભુદત્ત નથી. કારણ, તમે શરીર એ ક્ષણોમાં પ્રભુને સોંપ્યું; મન તો સોંપ્યું નહિ.! તો એ રીતે જુઓ. શરીર, મન, હૃદય, પૂરું અસ્તિત્વ પ્રભુદત્ત કેટલી ક્ષણો છે? ઉપધાનમાં તમે આવ્યા ને તમારી બધી જ ક્ષણો કેવી હોય? પ્રભુદત્ત અને ગુરુદત્ત. પ્રભુદત્ત ક્ષણને પણ ગુરુદત્ત ક્ષણ રૂપે સ્વીકારવાની છે. પ્રભુદત્ત ક્ષણ છે પણ એ ગુરુદત્ત ન હોય તો ચાલી શકે નહિ. ગુરુદેવે કહ્યું; કે તારે પ્રવચન આપવાનું છે. અઠવાડિયું રોકાવાનું છે. ગુરુદેવે પહેલા દિવસે કહ્યું, તારે પ્રવચન રોજ આપવાનું છે. પણ તમારા માટે નિયમ શું છે? જેટલા દિવસો પ્રવચન માટે તમે જાઓ. ગુરુદેવ પાસે આવો, ગુરુદેવને વંદના કરો અને પૂછો કે ગુરુદેવ પ્રવચન આપવા જાઉં? રોજે-રોજ ગુરુદેવની આજ્ઞા તમારે લેવાની છે. તો કેટલીક ક્ષણો પ્રભુદત્ત.. કેટલીક ક્ષણો ગુરુદત્ત..
મને પ્રભુએ એવો પ્રસાદ આપ્યો કે બધી જ ક્ષણો પ્રભુદત્ત, ગુરુદત્ત બની ગઈ. I am totally choiceless person. એક પણ ઈચ્છા ક્યારેય પણ થઈ નથી, થતી નથી. મેં મારા માટે એકપણ પ્રાર્થના પ્રભુને ક્યારેય કરી નથી. આધ્યાત્મિક વિકાસ માટે કરી, ભૌતિક જગતની એક પણ બાબત માટે, શરીરના રોગોને દુર કરવા માટે કે આવી કોઇ પણ બાબત માટે પ્રભુને પ્રાર્થના મેં ક્યારેય પણ કરી નથી.
રામકૃષ્ણ પરમહંસ એમને ગળાનું કેન્સર થયું. એ એવા પ્રભુના ભક્ત હતાં કે પ્રભુની પાસે જઈને પ્રાર્થના કરે; એટલે પ્રભુ તરફથી એ વરદાન એમને મળી જ જાય. શિષ્યોએ એકવાર ગુરુદેવને વિનંતી કરી; કે ગુરુદેવ! આપને ગળાનું કેન્સર થયું છે અને એ કેન્સર વધતું જાય છે; આપ પ્રભુને પ્રાર્થના કરો, કેન્સર દુર થઈ જાય.! શિષ્યો માટે શું હતું? ગુરુનું રહેવું એ જરૂરી છે.
બે મજાના એન્ગલો છે. સદ્ગુરુ માટે કોઈ જ ઈચ્છા નથી. અહીંયા રહો તો પણ સાધના કરવાની છે. એ સાધનાને અસ્તિત્વના સ્તર ઉપર એવી મૂકી છે કે જ્યાં પણ જવાશે ત્યાં સાધનાનો દોર વણછુટ્યો, અણછુટ્યો ચાલુ થઈ જ જવાનો છે.
આ એક વાત બહુ જ મહત્વની છે. સાધનાને માત્ર conscious mind ના લેવલ ઉપર મુકવાથી ચાલશે નહિ; સાધનાને અસ્તિત્વના સ્તર ઉપર મુકવી પડશે. તો સદ્ગુરુએ અસ્તિત્વના સ્તર ઉપર સાધના મૂકી છે, એમના માટે કોઈ ફેરફાર પડતો નથી. અહીંયા પણ સાધના કરવાની છે, જ્યાં જઈશું ત્યાં પણ સાધના કરવાની છે. શિષ્યો માટે શું છે? સદ્ગુરુનું માત્ર ઉપનિષદ જરૂરી છે. ૧૦૦ વર્ષના ગુરુદેવ હોય. એક શબ્દ બોલી ન શકે માંગલિકનો, વાસક્ષેપ આપી ન શકે; તો પણ શિષ્યની એ ઈચ્છા છે કે એ શિષ્યનું ઉપનિષદ મારા માટે જરૂરી છે. એ પાવન શરીરમાંથી જે ઊર્જા નીકળે છે, એ ઊર્જા આપણને purify બનાવી દે. શિષ્યોએ પ્રાર્થના કરી; કે ગુરુદેવ! આપ તો ઈચ્છાસિદ્ધ પુરુષ છો. જે ઈચ્છા કરો, એ સિદ્ધ થઈ જાય.!
બહુ મજાની વાત છે. ઈચ્છાસિદ્ધિ એક બહુ ઉંચી સાધના છે. જે પણ ઈચ્છા કરો એ સિદ્ધ થઈ જાય. પણ મજાની વાત એ છે કે જ્યારે ઈચ્છાસિદ્ધિ થાય ત્યારે ઈચ્છા જ નથી રહેતી.!
શિષ્યોએ કહ્યું; આપ ઈચ્છાસિદ્ધ પુરુષ છો. પ્રભુ પાસે જાઓ. પ્રાર્થના કરજો. અઠવાડિયા પછી શિષ્યોએ ફરી પૂછ્યું; ગુરુદેવ! પ્રભુને પ્રાર્થના કરેલી? એ વખતે રામકૃષ્ણ પરમહંસ કહે છે; કે મારું મન ૨૪ કલાક પ્રભુ તરફ કેન્દ્રિત થયેલું છે, એ મનને પ્રભુમાંથી ઉખાડીને શરીર ઉપર કઈ રીતે કેન્દ્રિત કરું? ૨૪ કલાક મારું મન પ્રભુમાં કેન્દ્રિત થયેલું છે. એ મનને ઉખાડીને હું શરીર ઉપર કઈ રીતે લાવું? તો સંપૂર્ણ સમર્પિતતા પ્રભુની આજ્ઞાની આવી એટલે સતત પ્રસાદ ઉતર્યા કરે અને જીવન આનંદમય બની જાય.
એક વાત પૂછું; અમારા આનંદની ઈર્ષ્યા આવે આમ? આવે? અમે લોકો સતત હસતા હોઈએ.. સતત પ્રસન્ન હોઈએ.. અમારા આ આનંદની ઈર્ષ્યા આવે છે? તમને પણ પૂછું; એક પ્રભુની સાધ્વી ક્યારેય પણ moodless હોઈ શકે ખરી? ક્યારેય પણ moodless ન હોય.! મેં એકવાર પ્રવચનમાં કહેલું કે રાત્રે બાર વાગે પુરુષોને અમારા ઉપાશ્રયમાં આવવાની છૂટ છે. રાત્રે ૧૦ વાગે, ૧૧ વાગે, ૧૨ વાગે આવો. કોઇ પણ સાધુ લમણે હાથ દઈને, moodless થઈને બેઠેલો હોય તો એને રંગેલા હાથે પકડો. પણ અમારા બધા જ સાધુઓ મજામાં છે, આનંદમાં છે. એ આનંદની ઈર્ષ્યા ઉપધાનવાળાઓને તો ખાસ આવશે હો! આટલું નજીક રહેવાનું થયું ને! સતત આનંદ.. એવો આનંદ તમારી પાસે હોય કે તમને શાતા પૂછવા આવનારો શરમાઈ જાય! કે આમની શાતા શું પૂછી શકાય? આ તો પરમ શાતામાં ડૂબેલા છે.! તો વાત સીધી થઈ ગઈ.
એક સમર્પિતતા આપણી પાસે આવી; પ્રભુનો પ્રસાદ ઉતારવા માંડ્યો. શું મહાપુરુષોની કરુણા હોય છે.! કો’કે પૂછ્યું કે ગુરુદેવ! સમર્પિતતાને લાવવી છે. કઈ રીતે લાવવી? આ અહંકારને શિથિલ બનાવવો શી રીતે? એના માટે છ ચરણ આપ્યા. પહેલું ચરણ નિરપેક્ષદશા. અપેક્ષામાં ‘હું’ છે. અપેક્ષા ગઈ એટલે ‘હું’ ગયો. ‘હું’ જાય એટલે સમર્પણ આવી જાય. પણ તમારો ‘હું’ જોરદાર છે. એટલે સદ્ગુરુને લાગ્યું; કે આ એક ઉપાયથી આનો ‘હું’ જવાનો નથી. એટલે બીજું ચરણ આપ્યું : ‘अनपेक्षः शुचिर्दक्ष (અનુપેક્ષ: શુચિ: દક્ષ)’ નિર્મળ હૃદયનો એ માલિક જોઈએ. નિર્મળ હૃદય. સંતોની પાસે એક નિર્મળ હૃદય છે.
હમણા એક ઘટના વાંચેલી, એક નાનકડા ગામની બહાર એક સંતનો આશ્રમ. સંત પ્રત્યે પુરા ગામની શ્રદ્ધા. ઘણીવાર આ વાત હું કહેતો હોઉં છે કે કલાપૂર્ણસૂરી દાદા માટે આટલું બધું પ્રચંડ આકર્ષણ લોકોનું હતું. કારણ શું? કારણ એક જ – એમની નિર્મલતા. એમને જોઈએ અને આપણા વિકારો દુર થઈ જાય.! એ મહાપુરુષનો સ્પર્શ મળે; તમે પાવન થઈ જાઓ.!
તો આ સંત પ્રત્યે પુરા ગામને શ્રદ્ધા. કારણ કે સંત એકદમ નિર્મળ હૃદયના માલિક હતા. એકવાર એ ગામની એક યુવાન દીકરી છાણા વીણવા માટે સીમમાં ગઈ હશે. છાણા વીણીને એ પોતાના ઘર તરફ જઈ રહી છે. ત્યાં એક ગુંડામાણસની નજર આ બાઈ ઉપર પડી. સ્ત્રી બહુ જ ચકોર હોય છે. બહેનને ખ્યાલ આવી ગયો કે આ માણસની દ્રષ્ટિ અપવિત્ર છે.
By the way એક સરસ વાત કરું. પુરુષ દેહ અને સ્ત્રી દેહ. સ્ત્રી દેહમાં એવી એક રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે, જેના કારણે એ દેહ ઝડપથી સમર્પિત થઈ શકે છે. સમર્પણના મામલે કદાચ તમે લોકો વધારે આગળ છો. પુરુષ અભિમાની છે. પુરુષ દેહની રાસાયણિક પ્રક્રિયા એ છે કે જેમાં અહંકાર વધુ ઉથલતો હોય છે. આ હમણાંની વૈજ્ઞાનિક શોધો છે.
તો પુરુષ દેહમાં અભિમાન વધુ પ્રજ્વલિત રહેતો હોય છે. સ્ત્રી દેહ ઝડપથી સમર્પિત થઈ શકે છે. ચંદનાજી, સુલસાજી, રેવતીજી કેટલી ઝડપથી સમર્પિત થયા છે! એક પ્રભુનો ધર્મલાભ શબ્દ મળે અને સુલસાજી ધ્રુસકે-ધ્રુસકે રડી પડે.! ચંદનાજી પાસે આંસુ હતા, સુલસાજી પાસે આંસુ હતા, રેવતીજી પાસે આંસુ હતા; અને એ આંસુ દ્વારા એ બધા જ પરમાત્માને પામી ગયા. પુરુષ દેહમાં એવી રાસાયણિક પ્રક્રિયા છે કે પુરુષ ઝડપથી રડી શકતો નથી. સ્ત્રી દેહમાં આ એક કોમળ ભાવ છે; અને એના કારણે સ્ત્રી દેહ ઝડપથી સમર્પિત થઈ શકે છે. એટલે સાધનાને મામલે તમે જો ધારો તો ખુબ આગળ જઈ શકો એમ છો. જે સમર્પણની વાત આપણે કરી એ તમને સહેલાઈથી મળી જાય એમ છે; તમે ઈચ્છો તમને મળી જાય! પ્રભુ મને સમર્પણ આપ; સમર્પણ મળી જાય! અને એ સમર્પણ મળે; બસ પ્રસાદને ઝીલ્યા જ કરો.. ઝીલ્યા જ કરો..
પેલી યુવાન બાઈને ખ્યાલ આવી ગયો. પેલાની દ્રષ્ટિ વિકારી છે. આશ્રમ બાજુમાં હતો. દોડતી યુવતી આશ્રમમાં જતી રહી. સંતના ચરણોમાં બાપુ મને બચાવો. બાપુએ પ્રેમથી કહ્યું, બેટા! આ સીડી નીચે ઉતરી જા ભોંયરામાં. તું સેફ છે. બાઈ નીચે ઉતરી ગઈ. પેલો ગુંડો આવ્યો. ક્યાં છે પેલી યુવતી? ક્યાં સંતાડી છે? સંત નિર્મલ હૃદયના હતા; અને એ નિર્મલ હૃદયની શક્તિ પણ અપાર હોય છે. સંતે આંખ લાલ કરી; શું બોલ્યો તું? યુવતી? અહીંયા કોઈ યુવતી આવી નથી. ભાગી જા! આ આશ્રમ તારા જેવા માટે નથી! ભાગી જા! એ સંતના શબ્દોમાં એટલો પ્રભાવ હતો; ગુંડો નાસી ગયો! પેલી યુવતીએ એ વાર્તાલાપ સાંભળી લીધો. જોયું કે ગુંડો ગયો છે. ઉપર આવી. ફરી સંતના ચરણોમાં પડી. સંતે કહ્યું; હવે તને એમને એમ નહિ મોકલું, મારા બે શિષ્યો તારી જોડે આવશે અને તને તારા ઘર સુધી પહોંચાડી દેશે. પેલો ગુંડો બહાર ઉભો હોય તો? બાઈએ ખુબ આભાર માન્યો. પણ પછી એણે કહ્યું કે બાપુ! મારી શીલરક્ષા માટે આપને જુઠું બોલવું પડ્યું. આપે કહ્યું; યુવતી? ક્યાં છે અહીંયા કોઈ યુવતી? આપને જુઠું બોલવું પડ્યું. એ વખતે સંત કહે છે; જુઠું? હું ક્યાં જુઠું બોલ્યો છું? એણે કહ્યું; એક યુવાન દીકરી, યુવાન બાઈ અહીંયા આવી છે? બેટા! તું તો પિતાને મળવા આવેલી એક નાનકડી દીકરી હતી. યુવાન દીકરી અહીંયા ક્યાં કોઈ હતી? અહીં તો માત્ર પોતાના પિતાને મળવા આવેલી એક પાંચ-છ વરસની નાનકડી દીકરી હતી. આ નિર્મલ હૃદય.!
એ નિર્મલ હૃદયને નિર્મળ રાખવા માટે જાગૃતિ જોઈએ છે. ઉપધાનમાં આવી ગયા. હૃદય એકદમ નિર્મળ બની જશે. નથી જુઠું બોલવાનું. નથી બીજું કંઈ અકાર્ય કરવાનું. વિચારો પણ માત્ર પવિત્ર-પવિત્ર આવવાના છે. અને એના કારણે ઉપધાન પૂરું થાય અને હૃદયનું દર્પણ એકદમ સ્વચ્છ બની જાય. પણ એ નિર્મળ હૃદયને નિર્મળ રાખવા માટે જાગૃતિ જોઈશે. સતત જાગૃતિ. ભક્ત કોણ છે? જેની પાસે ક્ષણ-ક્ષણનું પ્રભુનું સ્મરણ છે એ ભક્ત છે. સાધક કોણ? જેની પાસે ક્ષણ-ક્ષણ ની જાગૃતિ છે એ સાધક. એક ક્ષણ તમે ગાફેલ રહ્યા, તો અહંકાર તૈયાર જ છે! રાગ-દ્વેષ ભીતર પ્રવેશવા માટે તૈયાર જ છે. એટલે જ ઉત્તરાધ્યયન સૂત્રમાં પ્રભુએ કહ્યું કે મારો સાધક, મારી સાધિકા કઈ રીતે ચાલે? અદ્ભુત્ત સૂત્ર આવ્યું; “चरे पयाइं परिसंकमाणो, जंकिंचि पासं इह मन्नमाणो ।” “चरे पयाइं परिसंकमाणो, जंकिंचि पासं इह मन्नमाणो ।” એક-એક ક્ષણ અને એક-એક ડગલું સાધકનું જાગૃતિ પૂર્વકનું હોય છે. એવી જાગૃતિ કે રાગ-દ્વેષ-અહંકાર એક ક્ષણ માટે પણ ભીતર પેસી ન જાય.
આવા બે જાગૃત ગુરુઓની વાત કરું આજે. હિંદુ ગુરુઓ છે. બહુ જ ઉંચી કક્ષાના. એકવાર એવું થયું, રસ્તામાં બેને મળવાનું થયું. એક આમથી આમ જાય છે, બીજા આમથી આમ જાય છે. બંનેનું શિષ્યવૃંદ પાછળ છે. આગળ ગુરુ, પાછળ શિષ્ય. પહેલા ગુરુએ ધીરેથી ફૂંક મારી, બીજા ગુરુએ પોતાના પગને હવામાં તોડ્યો, વાત પૂરી થઈ ગઈ બેઉની; એક આમ બીજા આમ. પણ શિષ્યોની માયા બહુ જબરી હોય છે. પહેલા ગુરુના શિષ્યો કહે; આપણા ગુરુ કેટલા જોરદાર..! એક ફૂંક મારી અને પેલા ગુરુને કહી દીધું, આવી જા, એક ફૂંક મારું ને હવામાં ઉડાડી દઉં.! બીજા ગુરુના શિષ્યો કહે છે; કેવા આપણા ગુરુ! પેલા ગુરુએ ફૂંક મારી, આપણા ગુરુએ પાટું ઉગામી કે એક પાટું ઠોકીશ ને તો જમીનની અંદર તું જતો રહીશ! બે-ત્રણ દિવસ પછી બંને ગુરુઓને આ શિષ્યોની વાત જાણવા મળી. બેઉ પેટ પકડીને હસ્યા. એક ક્યાંય છે. એક ક્યાંય છે. બંને ગુરુઓએ પોતાના શિષ્યોને બોલાવ્યા; અને કહ્યું, ગાંડાઓ અમારી કક્ષા કઈ હતી એ તમને ખ્યાલ છે? એ પણ આજના યુગના શ્રેષ્ઠ ગુરુ છે! જાગૃત ગુરુ છે. તો આ ગુરુએ કહ્યું; કે મેં એ ગુરુની પાસે મારી જાગૃતિની વાત કરી. મેં એમને કહ્યું; કે આ ફૂંક મારી, શ્વાસ બહાર ગયો, એ શ્વાસને હું ફરીથી લઇ શકીશ કે નહિ, મને ખબર નથી; જીવન આટલું ક્ષણ ભંગુર છે એવું હું માનું છું, અને એથી એક-એક ક્ષણનો ઉપયોગ પ્રભુની સાધના માટે કરું છું.
બીજા ગુરુએ હવામાં પગને તોડેલો. એ ગુરુએ કહ્યું; પોતાના શિષ્યોને કે જ્યારે એ ગુરુએ પોતાની વાત કરી ત્યારે મારે પણ મારી વાત કરવી પડે. તો મેં પણ એમને કહ્યું; કે આ એક-એક પગને હું સાવધાનીપૂર્વક મૂકું છું; એટલે કે મારી જાગૃતિ પણ અકબંધ છે. જાગૃત ગુરુ તો મળી જાય. જાગૃત શિષ્યો મળવા મુશ્કેલ છે.. ગુરુ તો જાગૃત હોય જ.!
જાગવું એટલે શું બોલો? જાગવું એટલે શું? બહુ મજાની વાત છે.સવારે સાડા પાંચ વાગે સપનું આવ્યું. સ્વપ્નની અંદર કોઈ રીસેપ્શન પાર્ટીમાં તમે ગયા છો એ આવ્યું. જાત-જાતની વાનગીઓ તમે આરોગી લીધી. પેટ ભરાઈ ગયું સપનામાં. બીજી સરસ item આવી. મનમાં અફસોસ થયો. સાલું આટલી સરસ item આવવાની હતી, એ ખ્યાલ હોત તો થોડી જગ્યા રાખત. પણ કંઇ નહિ. એકાદ વાનગી તો લઇ લઉં taste કરવા. આ સપનું પોણા છ વાગે પૂરું થયું, જાગ્યા. જાગ્યા, પ્રભુનું દર્શન કર્યું, નવકારશીનો ટાઈમ થયો; લાવો ભાઈ ચા-નાસ્તો. અરે પોણા છ વાગે ઠોકી ગયો એનું શું? એ તો સપનામાં હતું.
સ્વપ્નનો મતલબ શું?
અસારતા, વ્યર્થતા, meaninglessness. જાગો ત્યારે ખ્યાલ આવે છે કે આ સ્વપ્ન આવેલું. પણ સ્વપ્ન એટલે જ વ્યર્થ. સ્વપ્ન એટલે જ નિરર્થક. આવી રીતે જાગવું છે કે આ સંસાર જે છે ને એ આખો વ્યર્થ લાગે – નકામો લાગે. શું છે રાગમાં? ગુસ્સામાં શું છે? ગુસ્સો કરશો અડધો કલાક – કલાક માથું દુઃખવા આવશે. શું મળે? શું મળી શકે? તો જાગૃતિનો અર્થ આ છે કે કદાચ પર પદાર્થોનો ઉપયોગ આપણે કરીએ, શરીરના સ્તર ઉપર, પણ મનના સ્તર ઉપર પર આવી શકે નહિ.
એક સાધુની ગોચરી એટલે શું? શરીરના સ્તર ઉપર. શરીરને જરૂરી હતું એ અપાઈ ગયું. મનને ખબર જ નથી, શું વાપર્યું? એટલે ગોચરી પછી પૂછવામાં આવે, શું વાપર્યું? તમે કહેશો કોઈ ખ્યાલ નથી. પરનું વિસ્મરણ એ જ સ્વના સ્મરણની અને સ્વની અનુભૂતિની યાત્રાનો માર્ગ છે. જેટલી પરની દુનિયા ભુલાશે એટલું જ તમે સ્વમાં મજાથી જઈ શકશો.
ઘણીવાર ઘણા લોકોના લાગે કે મારી મેમરી ઘણી છે. હકીકતમાં મારી મેમરી બહુ જ ઓછી છે. મારી યાદશક્તિ બહુ જ ઓછી છે. નામો તો બિલકુલ યાદ ન રહે. કોઈ વ્યક્તિ આવે યુવાન. સાહેબ મને ઓળખ્યો? ચહેરાથી પરિચિત લાગે. પણ એ જો પૂછે કે સાહેબ, શું મારું નામ? તો મારે કહેવું પડે કે તારી પરીક્ષામાં હું નાપાસ છું. એટલે એ જ્યારે પણ યોગમાર્ગમાં મારે જવું હતું ત્યારે મેં પોતે આ ટેકનીક મારા હાથમાં લીધી- વિસ્મરણની, કે જે બિનજરૂરી હોય એ કશું જ યાદ નહિ રાખવાનું. અડધો કલાક પહેલા કોઈ ચિઠ્ઠી આપી ગયેલું હોય અને કહે કે સાહેબ મારી ચિટ્ઠીમાં શું હતું? મેં કીધું ભાઈ મને ખબર નથી. ચિટ્ઠી સામે હોય, જવાબ લખી નાંખું, ચિટ્ઠીને ફાડીને dustbin માં નાંખી દઉં. મને ખબર નથી કે ચિટ્ઠીમાં શું હતું. જવાબ બરોબર અપાયેલો હોય, ચિટ્ઠીને સામે રાખીને. પણ એ ચિટ્ઠીની વાતને મારા મનમાં હું લઇ જવા તૈયાર નથી. તમારો પ્રશ્ન, તમારો ઉત્તર; પૂરું થઈ ગયું, મારે એની જોડે કંઇ લેવા-દેવા નથી. પરનું વિસ્મરણ એ સ્વની દુનિયામાં જવાનો બહુ મોટામાં મોટો મંત્ર છે. એ મંત્રને આત્મસાત કરજો.
