વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : પરમ સ્પર્શની યાત્રા
- પ્રભુનો સ્પર્શ – પરમ સ્પર્શ – પામવા માટે જ આ જીવન છે.
- નરક અને નિગોદમાંથી અહીં સુધી પ્રભુ જ આપણને લાવ્યા છે અને પરમ સ્પર્શ પણ પ્રભુ જ આપણને આપશે.
- સદગુરૂની આંગળી ઝાલીને પરમનો સ્પર્શ પામવા માટેની આ યાત્રા કરવી છે.
પરમ સ્પર્શની યાત્રા – વેસુ ચાતુર્માસ વાચના – ૧
પરમાત્માના દર્શન માટે દેરાસરે હું ગયેલો. પાર્શ્વનાથ પ્રભુ સામે બિરાજમાન હતા. સ્તવનાની અંદર પદ્મવિજય મહારાજે રચેલી, પાર્શ્વનાથ પ્રભુના ચરણોમાં પેશ થયેલી એક મજાની કૃતિ હું રટી રહ્યો હતો. એમાં એક પંક્તિ આવી,
“આશ ધરીને હું પણ આવ્યો, નિજ કર પીઠ થપેટીએ”
એક બાળક માંની પાસે આવ્યો. બાળકની અપેક્ષા એક જ છે કે માં પોતાનો વ્હાલસોયો હાથ પોતાની પીઠ પર પસવારે. એજ લયમાં પદ્મવિજય મ.સા. એ પ્રભુને કહ્યું, “આશ ધરીને હું પણ આવ્યો, નિજ કર પીઠ થપેટીએ”. સ્તવના પુરી થઇ, ચૈત્યવંદન પૂરું થયું. પણ આ કડીએ મારા મનનો કબજો લઇ લીધો. મારી આંખો આંસુથી છલછલાઈ ઉઠી. મેં પ્રભુને કહ્યું, પ્રભુ! પદ્મવિજય મહારાજ સાહેબ તો મોટા ગજાના ભક્તિયોગાચાર્ય હતા. એમણે કહ્યું અને તમે એ સ્વીકાર્યું પણ હોય. એમના અસ્તિત્વની પીઠ પર તારો વ્હાલસોયો હાથ ફર્યો પણ હોય, પણ પ્રભુ! મારુ શું? મને તારો સ્પર્શ ક્યારે મળશે?
પરમ સ્પર્શ! એ પરમ સ્પર્શ માટે જ આપણું આ જીવન છે. મેં પ્રભુને કહ્યું, પ્રભુ! તું મને તારો સ્પર્શ આપ. પ્રભુની કોર્ટમાં પ્રાર્થનાનો કોલ ફેંક્યો અને હું ઉપાશ્રય આવ્યો. એ વખતે આચારાંગજીનો સ્વાધ્યાય મારે ચાલતો હતો. લગભગ ત્રીસ વર્ષ સુધી લગાતાર દર વર્ષે આચારાંગજીનો સ્વાધ્યાય મેં કર્યો. ઉપાશ્રય પહોંચ્યો. ઇરયાવહિયા કરી આસન ઉપર બેઠો. આચારાંગજીનું પુસ્તક ટેબલ પર જ હતું. એમ જ મે પાનું ખોલ્યું અને ડાબા હાથના પાના પર જે પહેલું સૂત્ર આવ્યું, એને વાંચતા હું ઝૂમી ઉઠ્યો. કે પ્રભુ તે તો પરમ સ્પર્શ આપી જ દીધો છે મને. આજે તે એનો અનુભવ પણ કરાવ્યો!
બધું એ જ આપે ને. પરમ સ્પર્શ પણ એ આપે. એની અનુભૂતિ પણ એ કરાવે. મારો એક લોગો છે: I have not to do anything, absolutely. He has to do. એ મા છે ને! બધું એ કરે, મારે શું કરવાનું? I I have not to do anything, absolutely. મજાનું સૂત્ર હતું જેણે પરમ સ્પર્શની અનુભૂતિ મને આપી. અણાણાએ એગે સોવઠાણા આણા એગે નિરૂવઠાણા. तेन तै मां होतु।
સૂત્રના પૂર્વાધમાં પ્રભુએ સાધક વૃંદને ઉદ્દેશીને વાત કરી. પણ ઉત્તરાર્ધ લાજવાબ! લાગ્યું કે Personally for me હતું. પૂર્વાધમાં પ્રભુ કહે છે, કેટલાક સાધકો અનાજ્ઞામાં ઉદ્યમશીલ છે, કેટલાક આજ્ઞા પાલનમાં હતોત્સાહ છે. પણ ઉત્તરાર્ધમાં શું કહ્યું? કે एतं तै मां होतु. તારા માટે આ વાત નથી બેટા.
પ્રભુ કહી રહ્યા છે: you are my beloved one, my child. તું મારો પ્રીતિપાત્ર છે, બેટા! પ્રભુ આપણને પ્રીતિપાત્ર તરીકે સંબોધે છે. શું એણે પ્રેમ કર્યો છે! આપણે તો શું પ્રેમ કરીએ એને?! એણે જે પ્રેમ કર્યો છે!
કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય વીતરાગ સ્તોત્રમાં એ પ્રેમની વાત કરે છે. “भवत् प्रसादिनैवाह भियत्ती प्रापितो भुवम्। .” અને એનો આપણી ભાષામાં અનુવાદ મહોપાધ્યાય યશોવિજય મહારાજે આપ્યો: “ઇતની ભૂમિ પ્રભુ તુમ હી આણ્યો”. શું એનો પ્રેમ! એનો પ્રેમ આપણને નરક અને નિગોદમાંથી મનુષ્ય ગતિમાં લાવે. એનો પ્રેમ આપણને એનું શાસન મળ્યું લાવે. એનો પ્રેમ અમને એનું શ્રામણ્ય આપે.
એકવાર આ પંક્તિ પર હું ભાષ્ય કરતો હતો, “ઇતની ભૂમિ પ્રભુ તુમ હી આણ્યો ” પ્રભુ! મનુષ્ય જીવન સુધી, તારા શાસનની પ્રાપ્તિ સુધી અને તારા શ્રામણ્યની પ્રાપ્તિ સુધી તું જ મને લઈને આવ્યો. એક ભાવકે મજાનો પ્રશ્ન કર્યો, “ગુરુદેવ! પ્રભુની કૃપા જરૂર. પણ અમારો પણ પ્રયત્ન તો ખરો જ ને!” તો, “ઇતની ભૂમિ પ્રભુ તુમ્હી આણ્યો” જકાર કેમ આવે? પ્રભુ તુ જ મને લઈને આવ્યો છે? હું જરા હળવા મુડમાં હતો. મેં કહ્યું કે પાછળના બારણાથી પણ આપણું કર્તૃત્વ, આપણું “હું” દાખલ ન થઈ જાય ને એના માટે એ ‘જ ‘ શબ્દ વાપર્યો છે.
એ વખતે મેં એક રૂપક કથા કહેલી. એક હાથી હતો. રોડ પર ચાલતો હતો. વચ્ચે નદી આવી. નદી ઉપર પુલ. પુલ જરા જૂનો થઈ ગયેલો. હાથીભાઈના પગલાં જરા ધમધમ પડે. પુલ ધ્રુજવા લાગ્યો, પણ સદભાગ્યે પુલ તૂટી ન પડ્યો. પુલ પૂરો થયો. રોડ પર હાથીની સવારી આગળ ચાલે છે. તે વખતે હાથીને તો ખબર ન હતી, પણ એક માખી હાથીના કાન પાસે બેઠી. એણે કહ્યું, હાથીભાઈ, હાથીભાઈ આપણે બેઉયે ભેગા થઈને પુલને કેવો ધ્રુજાવી દીધો? ઘણીવાર હું કહું, એ માખી આપણા કરતાં વધુ પ્રામાણિક હતી. એણે એમ ન કહ્યું કે હાથીભાઈ મેં પુલને ધ્રુજાવ્યો. ક્રેડિટ થોડી હાથીને પણ આપી ખરી! આપણે શું કહીએ? મેં વર્ષીતપ કર્યો. દીક્ષા તમે લીધી કે પ્રભુએ તમને અપાવી, બોલો? ક્યારેક કહેતા નહીં કે દીક્ષાની રજા નહતી મળતી. છ વિગઈનો મેં ત્યાગ કર્યો અને સંબંધીઓએ રજા આપી. ક્યારેય પણ કહેતા નહીં.પ્રભુએ તમને સિલેક્ટ કર્યા અને પછી સદગુરુ એ તમને રજોહરણ આપ્યું છે. પ્રભુ તમને અહીં લઈને આવ્યા છે, તમે આવ્યા નથી. સાધના જગતનું પૂરેપૂરું કર્તુત્વ પ્રભુનું જ છે. મેં કહ્યું કે આપણો ‘હું’ વચ્ચે દાખલ ન થઈ જાય એટલા માટે ‘ જ ‘ શબ્દ મુકયો છે. “ઇતની ભૂમિ પ્રભુ તુમ હી આણ્યો”
એ પરમ સ્પર્શની અનુભૂતિ! મને એ દિવસ યાદ આવે છે. એ આખો દિવસ મારી આંખો છલછલાયેલી રહી. ગળે ડૂસકાં. પ્રભુ! મેં ખાલી તારી પાસે પ્રાર્થના કરી કે પરમ સ્પર્શ મને મળવો જોઈએ. એ પરમ સ્પર્શ મને આપી દીધો!
આજથી આપણી એક મજાની યાત્રા શરૂ થાય છે – પરમસ્પર્શ યાત્રા! આચાર્ય પ્રવર રત્નસુંદરસુરી મહારાજ ભગવતી સૂત્રના માધ્યમે પરમસ્પર્શ તમને કરાવશે. કેવી મજા આવે બોલો? પરમનો સ્પર્શ અને સદગુરુ જોડે ચાલવાનું. આજે ગુરુપૂર્ણિમાના દિને સદગુરુની એક લાક્ષણિકતાની વાત કરું. સદગુરુ પાસે કાર્ય છે, કર્તૃત્વ નથી. એક ઔપનિષધિક મંત્ર છે. એનો આપણી ભાષામાં અનુવાદ મહોપાધ્યાય યશોવિજય મહારાજસાહેબે કર્યો છે. એમાં ઉપાધ્યાયજી ભગવંત કહે છે, “ગુરુ નિરંતર ખેલા”! ગુરુ નિરંતર ખેલા: જે સદગુરુ છે તે ખેલની ભૂમિકામાં છે. કર્તૃત્વ નથી, થાક પણ નથી.
ઘણીવાર મને ઘણા લોકો પૂછે છે, કે સાહેબજી વર્ષોથી તમે વાચના આપો છો, ઘણીવાર એકના એક ચહેરા તમારી સામે હોય. તમને એમાં કોઈ બદલાહટ દેખાય પણ નહીં. તમને થાક લાગે કે નહીં? ત્યારે હું કહું છું, મને થાક લાગે નહીં. જ્યાં કર્તૃત્વ છે ત્યાં થાક છે. જ્યાં કર્તૃત્વ નથી ત્યાં થાક નથી. પ્રભુની આજ્ઞા છે, તું બોલ. અને મારી ભૂમિકાની વાત કરું તો મારે ક્યાં બોલવું પણ છે? He has to speak. ગુરુ સતત ભીતર રહેલા હોય છે.
પદ્મવિજય મહારાજે નવપદ પૂજામાં કહ્યું, “સારણાદિક ગચ્છમાંહી કરતા, પણ રમતાં નિજઘર માં”. શિષ્યને કંઈક યાદ પણ કરાવ્યું, ગુરુ કોક વસ્તુની ના પણ પાડે, શિષ્યે કદાચ ન પણ સ્વીકાર્યું. ગુરુની કઈ ભૂમિકા? “પણ રમતા નિજઘરમાં”. આ અંતરયાત્રા સતત ચાલુ છે અને એટલે મજા જ મજા છે.અમે લોકો Ever Green, Ever Fresh! કર્તવ્ય બજાવવાનું, સારણા કરવાની, વારણા કરવાની પણ ભીતરની યાત્રા સતત ચાલુ રહે. તમારા માટે એક સૂત્ર આપુ આજે? જ Over 50 અને Over Sixty જે સાધકો છે એ બધા માટે એક મજાનું સૂત્ર: Stay as a guest at home. 50 અને 60 વર્ષ થઈ ગયા. તમે સાધક છો. ઘરમાં મહેમાનની જેમ રહો. ઘર દીકરાનું. ભળાવી દીધું બધું એને અને તમે મજાથી રહો.
સભા: મહેમાન ૩ દિવસ સારા લાગે.
આ મહેમાન જુદા હોય પાછાં. આ અંદરના મહેમાન છે.
તો પરમસ્પર્શની અંદર સતત રહેવું છે. એક હિન્દુ સંત એકવાર એમણે પ્રવચનમાં કહ્યું, તમે નદીમાં ઉતરો ત્યારે પણ તમે પાણીને સ્પર્શો નહીં. શિષ્યો સમજી ગયા કે ગુરુ શું કહેવા માંગે છે. ઘટનાની નદીમાં ઉતરો ને ઘટનાને સ્પર્શ ના કરો. ઘટના ઘટના છે, તમે તમે છો. પણ થોડાક મહેમાનો આવેલા. એમને થયું કે ભાઈ, ગુરુદેવ તો ચમત્કારીક ગુરુદેવ છે. નદી પર ઉડી શકતા હશે એ હવામાં. એટલે એ કહે છે, નદીમાં ઉતરો પણ પાણી સ્પર્શો નહીં. પણ આપણા માટે એ શક્ય નથી. એ જ સાંજે ગુરુને ક્યાંક બહાર જવાનું થયું. આશ્રમ નદીના કિનારે છે. મહેમાનો જોડે છે. ગુરુ નદીને ઉતર્યા. સામાન્ય મનુષ્ય ઉતરે તે રીતે. તમે હો તો તમને શું થાય? સાહેબ પાટ પર જુદું બોલે છે. એવા એ મહેમાનો હતા, ભક્તિથી સભર. એમણે વિચાર્યું કે ગુરુદેવનો કહેવાનો અર્થ આપણે હજુ સમજી શક્યા નથી. બીજી સવારે ફરી પ્રવચન.
ગુરુ Face reading ના માસ્ટર હોય છે. તમે તમારી સાધનાની કેફિયત કહો, તે તમારા તરફ ખુલતી વાત છે. સદગુરુ તો તમારા ચહેરાને જોઈને તમે ક્યાં છો, એ નક્કી કરી શકે છે. તમારી અત્યારનું સાધનાનું Stand Point સદગુરુ નક્કી કરી શકે છે. અને આ ધર્મના છેવાડા સુધીમાં તમને ક્યાં સુધી પહોંચાડી શકાય તેમ છે એ પણ સદગુરુ જોઈ શકે છે. તમારામાં એવી સંભાવનાઓ પેદા કેમ કરવી તે પણ સદગુરુ જાણે છે. એકમાત્ર સમર્પણ તમારી પાસે આવી ગયું, તમારે કશું જ કરવાનું નથી. એ માટે ચોથા પંચસૂત્રમાં હરિભદ્રસુરિ મહારાજે સૂત્રઆપ્યું. “આયઓ ગુરુ બહુમાન”. સદગુરુ સમર્પણ, સદગુરુ બહુમાન તમારી પાસે આવી ગયું, મોક્ષ આ રહ્યો! કોઈપણ સદગુરુ કહેશે મોક્ષ જોઈએ, લે તને આપી દઉં. પણ સામી બાજુ તમારી પાસે સમર્પણ ન હોય તો ગમે તેવા સમર્થ સદગુરુના હાથ પણ બંધાયેલા છે. એટલે જ જયવીયરાય સૂત્રમાં “સુહગુરુ જોગો” માંગીએ છીએ. પ્રભુ! મને સદગુરુ યોગ આપ. કેમ સદગુરુ નહીં માંગ્યા? પ્રભુ પાસે સદગુરુ કેમ નહીં માંગ્યા? બહુ મનોવૈજ્ઞાનિક લયની આ પ્રાર્થના છે.
આપણી અતિતની યાત્રામાં કેટલાય સદગુરુઓ મળ્યા. હરિભદ્રસુરિ મહારાજ જેવા, હેમચંદ્રાચાર્ય જેવા સદગુરુઓ આપણને મળ્યા. આપણે એમને સમર્પિત ન થઈ શક્યા તો એ ગુરુઓ પણ આપણા પર કશું કરી શક્યા નહીં. એક તમારું સમર્પણ, મોક્ષ આ રહ્યો. મારો અને તમારો સંસાર ચાલુ કેમ રહ્યો? એકમાત્ર સદગુરુ સમર્પણ આપણી પાસે ન હતું.
ઘણા લોકો મને પૂછે, સાહેબ સમર્પણ બહુ અઘરું પડે. ત્યારે હું સામે કહું કે શું સોપવાનું તમારે ગુરુને કે પ્રભુને? છે શું? તમારી પાસે એક શરીર છે, એક મન છે. Lux અને Lyril થી નવડાવી નવડાવીને થાકી જાઓ, તો પણ પરસેવાની બદબૂ વહાવે એવું શરીર છે અને રાગ-દ્વેષથી ઉભરાયેલું મન છે. એ શરીર અને મન પ્રભુને સોંપી દો. પ્રભુ કહેશે, લે તને મોક્ષ આપી દઉં. અને એ બંને પરનું મમત્વ રાખ્યું તો આપણો સંસાર ચાલુ ને ચાલુ છે.
સમર્પણ! સદગુરુ Face Reading ના માસ્ટર હતા. મહેમાનોએ પ્રશ્ન પૂછ્યો નથી પણ એમને ખ્યાલ આવી ગયો. એમણે કહ્યું કે ગઈકાલે સાંજે નદી ઉતરવાની થઈ ત્યારે નદીનું પાણી મારા પગને સ્પર્શ્યું હશે કદાચ, પણ હું પાણી ને સ્પર્શ્યો ન હતો. કારણ? હું 24 કલાક પરમના સ્પર્શમાં જ છું. ઇર્ષ્યા આવે આવા સંતોની?જે 24 કલાક પરમાત્માની જોડે રહેતા હોય છે. પરમનો સ્પર્શ! આ જીવન શેના માટે છે? એક પરમાત્મા મળી જાય, જીવન આપણું સાર્થક.
ભગવતી સૂત્ર મેં વાંચ્યું. અqને એ વખતની મારી જે ભાવનુભૂતિ હતી તે વાત કરું. એ દિવસોની અંદર, ભગવતી સૂત્રના સ્વાધ્યાયના દિવસોમાં મારી આંખો સતત ચોંટી ગઈ. આંખોમાંથી આંસુ વરસ્યા જ કરે. કઈ રીતે સૂત્ર વાંચુ? પુસ્તક હાથમાં છે, આંખમાં આંસુ છે. થોડું વાંચુ, ફરી આંખો આંસુથી ભરાઈ જાય. ફરી આંસુઓને લુછું. અને આગળ ચાલુ. ભગવાન ગૌતમ ગોચરીએ જાય. એક વ્યક્તિ એક પ્રશ્ન પૂછે. બહુ જ નાનકડો પ્રશ્ન હોય. ભગવાન ગૌતમ એને કહે છે પછી આનો જવાબ આપું તો ચાલે? પેલો કહે છે સાહેબ, આપની અનુકૂળતાએ જવાબ આપજો. એ પ્રશ્નને લઈને ભગવાન ગૌતમ પ્રભુની પાસે જાય. પાત્રા યથાસ્થાન મૂકી દીધા. પ્રભુની પાસે આવ્યા. ગૌતમે ત્રણ પ્રદક્ષિણા આપી, વંદન કરી, પછી પૂછ્યું, પ્રભુ! આ પ્રશ્નનો ઉત્તર શું? કઈ મનોદશા પ્રભુ ગૌતમની હશે? આ મનોદશા તમને બધાને મળે એના માટે વાત કરી રહ્યો છું.
એ ભગવતી સૂત્ર સંભળાય. આચાર્ય શ્રી બોલતા હોય. પૂરું ઓડિટોરિયમ ડુસકા છલકાયેલું. એ ડૂસકાઓના અવાજની વચ્ચે આચાર્યશ્રી બોલતા હોય. બની શકે આવું?! ભગવાન ગૌતમની મનોદશા કઈ હતી? એમની મનોદશા એ હતી કે અનંતજ્ઞાનીના સાનિધ્યમાં હું છું, તો મારા જ્ઞાનનો ઉપયોગ શા માટે હું કરું? ચાર જ્ઞાનના સ્વામી ભગવાન ગૌતમ, 50,000 કેવળજ્ઞાની શિષ્યોના ગુરુ ભગવાન ગૌતમ! અને એ કહે છે અનંતજ્ઞાની પ્રભુનાં સાનિધ્યમાં હું છું, મારા જ્ઞાનનો ઉપયોગ હું શા માટે કરું? આ શું હતું? સંપૂર્ણ પ્રભુકર્તૃત્વનો સ્વીકાર હતો. હું શા માટે વિચારું? શા માટે? અનંતજ્ઞાની પ્રભુના સાનિધ્યમાં હું છું, મારે કશું વિચારવું પણ ના જોઈએ. મારા પ્રભુની જે આજ્ઞા, એ પ્રમાણે મારે કરવાનું.
પહેલી વાત આ હતી: અનંત જ્ઞાની પ્રભુના સાનિધ્યમાં હું છું, શા માટે મારા જ્ઞાનનો હું ઉપયોગ કરું? બીજી વાત એ હતી કે પ્રભુના ઉપનિષદમાં જવા માટેનું એમના માટેનું બહાનું હતું. વિના કારણે દેવછંદામાં બિરાજમાન પ્રભુની પાસે તમે કેમ જાઓ? પણ આ પ્રશ્ન પ્રભુના ઉપનિષદમાં જવાનું એક મજાનું બહાનું. પ્રશ્ન પૂછવા માટે પ્રભુની પાસે જવાનું.
ઉપનિષદ! એ તો પ્રભુના હતા. પણ સદગુરુના ઉપનિષદનો પણ બહુ મહિમા આપણા ત્યાં છે. સદગુરુ શબ્દો દ્વારા પણ પ્રભુની વાતો તમારી સમક્ષ કરે. આંખ દ્વારા પણ કરે, ઈશારા દ્વારા પણ કરે અને પોતાની દૈહિક ઉર્જા દ્વારા પણ કરે. ગુરુ શબ્દો દ્વારા પ્રભુની વાતો તમને કરશે પણ એમાં મર્યાદા છે. એક કલાક-દોઢ કલાક, જેવી તમારી સાંભળવાની ક્ષમતા. બરાબર? પણ જ્યારે તમે સદગુરુની ઊર્જાને પકડતા થઈ જાઓ ત્યારે? માત્ર સદગુરુના ચરણોમાં બેઠા. ન્યુટ્રલ થઈને, શાંત થઈને સદગુરુના દેહમાંથી જે પવિત્ર ઊર્જા નીકળી રહી છે તેને તમે પકડી લેશો.
આપણે ત્યાં સદીઓથી ઊર્જાને પકડવાની વાત ચાલતી આવી છે. અમદાવાદમાં,સુરતમાં, મુંબઈમાં ભોયરાવાળા દેરાસરો છે. ભોયરામાં રહેલું દેરાસર એટલે ઊર્જાને એકઠી કરવાની એક મજાની ટેકનીક. અમદાવાદના ભોયરાના દેરાસરમાં હું અંદર ઉતર્યો. 40 પગથિયાં હું નીચે ગયો ત્યારે નીચેની ફરસ આવી. 40 પગથિયાં છ-છ ઇંચના નહીં પણ 8-8 ઇંચના. 9-9 ઇંચના. ત્યાં હું ગયો. સીધી જ પ્રભુની ઊર્જા પકડાવા લાગી. પ્રભુના દેહમાંથી જે ઉર્જા નીકળી રહી છે, તે ઊર્જા ત્યારે ત્યાં ભમરાતી રહી છે. એ ઉર્જા ત્યાં ફળીભૂત બનેલી છે. તે ઊર્જાને તમે સીધી પકડી શકો. મેં જોયેલું પાંચ-પાંચ ફૂટની ભીંતો. વેન્ટિલેટર એક શહેરમાં પડતું હોય પોળની અંદર. પણ એ વેન્ટિલેશન સીધુ અંદર ના આવે એ ભીતમાં જ પડે. ભીંતમા થોડે ગયા પછી બીજું વેન્ટિલેશન હોય. ચોથા કે પાંચમાં વેન્ટિલેશને બહારની હવા અંદર આવે. કોશિશ એ હતી કે અંદર ઉત્પન્ન થયેલી ઊર્જા બહાર ન આવે. અને ભક્ત ભક્તિની ધારામાં ત્યાં નીચે ઊતર્યો. સીધી એ ઉર્જાને એ પકડી શકે. સદગુરુ પાસે આવો પાંચ મિનિટ બેસો. તમે જો ન્યુટ્રલ હશો, શાંત હશો. સદગુરુની ઉર્જાને તમે પકડી લેશો.
તો, ઉપનિષદ. સદગુરુની ઔરામાં આવી જવું. ભગવાન ગૌતમ માટે પ્રશ્ન એ ઉપનિષદ માટેનું બહાનું હતું અને ત્રીજી વાત પણ હતી. ત્રીજી વાત એ હતી મારો પ્રશ્ન તો સામાન્ય છે પણ ઉત્તરદાતા પ્રભુ અસાધારણ જ્ઞાનથી ભરેલા છે. તો પ્રભુ મારા સામાન્ય પ્રશ્નોનો એવો ઉત્તર આપશે જે સેંકડો, હજારો લોકો માટે પ્રતિબોધક બની જશે. આ ભગવાન ગૌતમની મનોદશા હતી.
તો, મજાની યાત્રા શરૂ થઈ રહી છે. એ યાત્રામાં તમને સહભાગી બનાવું છું. ઉપનિષદનો એક સરસ મંત્ર છે “સહનાવવતુ, સહનૌભુનક્તુ, सह वीर्य करवावछै .” મને પોતાને આ મંત્ર બહુ ગમે છે.
મારી તમારી સાથેની જે યાત્રા છે કે આચાર્યશ્રીની તમારી સાથેની યાત્રા છે તેનું પ્રતિબિંબ આ મંત્રમાં પડે છે. ગુરુ પ્રભુને પ્રાર્થના કરે છે: ‘સહનાવવતુ’. ગુરુ એમ નથી કહેતા કે પરના સ્પર્શમાંથી, વિભાવમાંથી હું મારા શિષ્યને રક્ષા આપું. શું કહે છે ગુરુ? ‘સહનાવવતુ’. પ્રભુ! તું મારી અને મારા શિષ્યોની વિભાવોમાંથી રક્ષા કર. પ્રભુ, એવું એક રક્ષાચક્ર આપે છે કે, આપણે એક સેકન્ડ માટે રાગ દ્વેષમાં ન જઈ શકીએ. આમ તો સૂત્ર એવું છે, સરન્ડરની સામે કેર! તમારું જેટલું સમર્પણ એટલી પ્રભુની કાળજી તમે લઈ શકો. પણ ક્યારેક પ્રભુની અહૈતુતીક કૃપાનો અનુભવ થાય છે. આપણું સમર્પણ બિલકુલ ન હોય અને પ્રભુ તરફથી આપણને અપાર વરદાનો મળ્યા કરતા હોય છે. ‘સહનાવવતુ’ પ્રભુ, તું મારી અને મારા શિષ્યોની વિભાવોમાંથી રક્ષા કર.
બીજું સૂત્ર આવે છે. ‘સહનૌભુનક્તુ’. ભોજન, આંતર ભોજન એટલે સ્વાધ્યાય. ગુરુ નથી કહેતા કે હું મારા શિષ્યને ભણાવું. હું તો પ્રવચનકાર તરીકે આમેય હોતો નથી. હું શ્રોતા તરીકે જ હોઉં છું. પ્રભુ બોલે એ મારે સાંભળવાનું હોય છે. સહનૌભુનક્તુ’: પ્રભુ હું અને મારા શિષ્યો સાથે સ્વાધ્યાય કરીએ.અને છેલ્લે કહ્યું, “સહવિર્યમ કર્વાવહૈ”. અમે બધા જ સાથે તારા માર્ગ પર યાત્રા કરીએ.
એટલે આપણી આ એક સહયાત્રા છે. પણ આ યાત્રામાં ડૂબવું છે. ડૂબવા માટેની એક શરત એક બહુ પ્યારી ઘટના યાદ આવી. પોંડીચેરીમાં માતાજીને શ્રી અરવિંદના સાવિત્રી ઉપર બોલવાનું હતું. એમણે એક સરસ મજાનો વિચાર પ્રવચનસત્રની પૂર્વ સંધ્યાએ મુક્યો. એમણે શ્રોતાવૃંદને કહ્યું કે 8:30 વાગે બધાએ ઓડિટોરિયમમાં આવી જવાનું. 8:30 એ ઓડિટોરિયમના દરવાજા બંધ થઈ જશે. પછી પૂરું શ્રોતાવૃંદ અને શ્રી માતાજી ધ્યાનમાં જતા રહેશે. અડધો કલાક. બરોબર 9:00 વાગે માતાજી આંખ ખોલે. પોતાની સામે ટેબલ પર સાવિત્રીનું પુસ્તક પડેલું છે. એમ જ કોઈ પાનું ખોલે અને પહેલા બે કે ત્રણ ફકરા વાંચે અને એના ઉપર બોલે. અડધો કલાકનું પ્રવચન. પછી પાછું 15 મિનિટ બધું જ ઓડિયન્સ ધ્યાનમાં જતું રહે. 9:45 એ બધા છૂટા. હેતુ એ હતો કે તમે અડધો કલાક ધ્યાનમાં જાઓ, મન એકદમ શાંત થયેલું હોય અને એ મનની શાંત દશા ઉપર પ્રભુના પ્યારા-પ્યારા શબ્દો ઝરે અને એ અસ્તિત્વના સ્તર ઉપર જઈ શકે. અને એ પછી પણ થોડીવાર જો ધ્યાન થઈ શકે તો એ શબ્દો અંતઃસ્થ રહી શકે. માતાજી માટે પણ એક મજાની વાત હતી, એમણે પણ એ વિચાર્યું કે મારી બુદ્ધિ વચ્ચે આવી ન જોઈએ. ધ્યાનમાં જવું. એમને એમ પુસ્તક ખોલું. જે પણ ફકરો આવે, મને તો ખબર નથી,એ ફકરા ઉપર પ્રભુ બોલાવે તે બોલવું. About Savitri માં આ પ્રવચનો ગ્રંથસ્થ થયેલા મેં વાંચ્યા. વાંચતા જ લાગ્યું કે આ Human Touch નથી, Divine Touch છે. આ પરાવાણી છે. આ પરમનો સંસ્પર્શ છે. તમે આવું કરી શકો. વાચનાની પહેલા, પ્રવચનની પહેલા 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ પહેલા આવી શકો. શાંતિથી બેસી જાઓ. નવકાર મંત્રનો જાપ કરતા હોવ, ધીરે ધીરે ધીરે તમારું મન નવકાર મંત્રને સમર્પિત થઈ જાય અને એ પછી પ્રભુના શબ્દો તમને મળે.
તો, આવતીકાલે સવારે 7:00 વાગ્યે પરમ સ્પર્શ યાત્રા ચાલુ થઈ જશે. મારી તો કોઈ ઈચ્છા પણ નથી હોતી પણ પ્રભુ એમ ઈચ્છે છે કે પરમ સ્પર્શ તમને બધાને મળે. આ વખતે બહુ મોટી સંખ્યામાં સાધુ ભગવંતો, સાધ્વીજી ભગવંતો પધારેલ છે. બધાની ઈચ્છા છે, ડૂબવું છે અને અમારી ઈચ્છા ડુબાડવાની છે. ડૂબો, ભીતર ડૂબો. જે કાંઈ છે તે ભીતર જ છે બહાર કાંઈ નથી. તૈતર્ય ઉપનિષદમાં ઋષિ કહે છે, ‘રસો વૈ સ:! રસ એ જ છે જે ભીતર છે. બહાર તો ગુચ્છા જ છે. એ પરમરસ અને પરમસ્પર્શ તમને મળે એવી શુભેચ્છા.