વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : સુહગુરુજોગો
જયવીયરાય સૂત્રમાં આપણે રોજ બોલીએ છીએ : સુહગુરૂજોગો. “પ્રભુ! સદગુરુ-યોગ તું મને આપ.” પ્રભુ સદગુરુ સાથે આપણને જોડી આપે છે અને પ્રભુ જ સદગુરુના ચરણોમાં આપણને ઝૂકાવી દે છે અને પછી સદગુરુ પ્રભુ સાથે આપણને જોડી આપે છે!
જન્માંતરીય ઋણાનુબંધ જેની પણ સાથે ખુલતો હોય, તે તમારા ગુરુ. આ જન્મમાં પહેલી વાર જે ગુરુના ચરણોમાં તમે ગયા, ઝૂક્યા અને આંખોમાંથી આંસુની ધારા વહ્યા કરે; ગુરુ પ્રત્યે અતિશય ભક્તિ તમારા હૃદયમાં પ્રગટે – એ તમારી જન્માંતરીય ધારાના ગુરુ.
તમે માત્ર પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરો અને અહમ્ જતો રહે. જોકે શબ્દોથી પ્રાર્થના કરવી સરળ છે. પણ બિલકુલ ઝૂકી જવું – “હું અસહાય છું. અશરણ છું. તું જ મને શરણ આપી શકે એમ છે.” – આ રીતે ઝૂકી જવું એ આપણા હાથની વાત નથી. પ્રભુ જ આપણને આ રીતે ઝૂકાવી શકે!
Place : ૐકારસૂરિ આરાધના ભવન – વેસુ (સુરત)
નમસ્કાર ભાવ ની સાધના વાચના – ૫
આપણા પ્રયાસની સામે પ્રભુનો પ્રસાદ. એકવાર પ્રસાદનો અનુભવ થઈ ગયો પ્રયાસ છૂટી જાય છે.
અમેરિકામાં હમણાં એક ઘટના ઘટી. નિકોલસ નામની એક વ્યક્તિ વિમાનના પાયલોટ તરીકે હતી. શ્રેષ્ઠ પાયલોટ. એકવાર અમેરિકાના મિત્ર રાજ્યમા ક્યાંક યુદ્ધ હતું તો અમેરિકન સરકાર તરફથી એણે ત્યાં મોકલવામાં આવેલો. એ દિવસોમાં એક ઘટના ઘટી. દસેક વિમાનો અમેરિકાના એકસાથે ઉડ્યા. શત્રુ વિમાનોને ખ્યાલ આવી ગયો રડાર દ્વારા. પચાસેક દુશ્મનના વિમાનોએ એમના વિમાનોની ઘેરી લીધા. નિકોલસના વિમાન સિવાયના નવ વિમાનો છૂટી ગયા. નિકોલસ બરોબર ઘેરાઈ ગયો. ચારે બાજુ દુશ્મનના વિમાનો વચ્ચે એ એકલો, એણે ખ્યાલ નથી આવતો કે અત્યારે પોતે શું કરી શકે. પ્રભુની ભક્તિ એ વખતે એની પાસે ન હતી. શ્રદ્ધા કે સમર્પણ એની પાસે નહતા, પણ અચાનક નિકોલસનું વિમાન ત્રણ થી ચાર હજાર મીટર ઊંચે ફેકાયું. દુશ્મનના વિમાનો જોતા રહ્યા અને આ વિમાન એકદમ ઊંચે ઉડી ગયું. દુશ્મનો ત્યાં સુધી પહોંચે એ પહેલા ઉંચે ગયેલું એ વિમાન પોતાના લક્ષ તરફ, પોતાના airport તરફ દોડી ગયું અને સહી સલામત રીતે પોતાના airport ઉપર એ વિમાન ઉતરી ગયું. આ એક જ ઘટના નિકોલસનું મન totally ફરી ગયું, એને થયું કે ઈશ્વરે જ મને બચાવ્યો છે. હવેનું આ જીવન મારું નહીં ઈશ્વરનું છે. ઈશ્વરનો પ્રવેશ થયો. એને લાગ્યું મારે ભારત જવું જોઈએ. પાયલોટ તરીકે એને રાજીનામું આપી દીધું. ઘરે પણ કહી દીધું કે હું ભારત જાઉં છું. ભારત આવ્યો. કયા ગુરુ પાસે જવું, કોની પાસે શિક્ષા લેવી, કોની પાસે દીક્ષા લેવી, કોઈ જ ખ્યાલ નથી.
પણ તમને ખ્યાલ ન હોય તો વાંધો પણ શો છે? પ્રભુ તમારી જોડે છે. ‘જય વીયરાય સૂત્ર’માં રોજ બોલીએ છીએ ‘સુહગુરુ-જોગો’ પ્રભુ સદ્દગુરુ યોગ મને તું આપ. પ્રભુ સદ્દગુરુ સાથે આપણને જોડી આપે. પ્રભુ જ સદ્દગુરુના ચરણોમાં આપણને ઝૂકાવી દે અને પછી સદ્દગુરુ પ્રભુ સાથે આપણને જોડી દે. સદ્દગુરુના લોકોની સમક્ષ ખુલતા બે જ કાર્યો છે: તમારું તમારી તરફ ખુલતું કાર્ય કયું? કયું કાર્ય? એક જ કાર્ય. પ્રભુની આજ્ઞાને આત્મસાત કરીને ભીતર-ભીતર-ભીતર જવું. તમારું તમારી માટેનું એક જ કાર્ય છે. પ્રભુની આજ્ઞાને આત્મસાત કરો અને ભીતર-ભીતર-ભીતર જાવ અને તમારા આપડા લોકોની સમક્ષ ખુલતા બે કાર્યો છે: પ્રભુની પ્યાસ નથી જાગી તો પ્યાસ જગવી દેવી એ સદ્દગુરુનું કાર્ય છે અને પ્યાસ જાગેલી છે તો પ્રભુનું મિલન કરાવી દેવું એ સદ્દગુરુનું કાર્ય છે.
બાકી ઉપધાન કરાવવાનો છે તો આરાધકોને ક્યાં રાખવા, કઈ રીતે રાખવા એ management વાળાનું કામ છે. હું તો આખું આ બધું બની ગયું પછી ખાલી દેરાસર કેવું થયું છે જોવા માટે આવેલો. એ બધા જ તમારી તરફ ખુલતા કાર્યો છે અમારે એની જોડે કોઈ સંબંધ નથી. અમે તો જે લોકો અમારી નિશ્રામાં આવ્યા છે એ બધાને પ્રભુની ભેટ આપવા તૈયાર છે. તમે જે ભેટ આપો તે. અમારે તો પ્રભુ જ આપવાના છે.
પ્રભુની કૃપા શું કામ કરે છે. ઘણીવાર છે ને આ કૃપા તત્વ સમજાતું નથી પણ એ બુદ્ધિની પેલે પારની જ ઘટના છે. બુદ્ધિથી એને સમજવાની કોશીષ કરીએ તો આપડે અસફળ થઈએ. પ્રભુ વીતરાગ થઈ ગયા. સિદ્ધશીલા ઉપર પહોંચી ગયા. એમની કૃપા પૂરા વિશ્વનું સંચાલન કરે છે.
વર્ધમાન દ્રાત્રિંશિકામાં પૂજ્યપાદ સિદ્ધસેન દિવાકરસૂરી મહારાજે લખ્યું છે કે ‘સૂર્ય ઉગે છે, પૃથ્વી આ રીતે ટકી રહી છે એ બધું જ પ્રભુની કૃપાથી છે’ પણ એ કૃપા છે શું? આ પ્રસાદ છે શું? એ જ આર્હન્ત્ય ભૂર્ભુવ:
સ્વસ્ત્રયીશાન, માર્હન્ત્યં પ્રણિદદમહે’ ત્રણે લોક ઉપર જેનું અનુશાસન છે એવું આ આર્હન્ત્ય છે. પુરા બ્રહ્માંડમાં એ આર્હન્ત્ય ફેલાયેલું છે. અત્યારે સામાન્ય તીર્થંકર ભગવંતોનું આર્હન્ત્ય પણ પુરા બ્રહ્માંડમાં ફેલાયેલું છે અને પ્રભુ મહાવીરદેવનું આર્હન્ત્ય જે છે એ પણ બ્રહ્માંડમાં ફેલાયેલું છે, એ આર્હન્ત્યને તમારી ભીતર તમે કેવી રીતે સ્વીકારી શકો?
અહમ અને અર્હમ ફરક કેટલો છે? એક રેફનો છે. એ રેફ એટલે અગ્નિ બીજ કહેવાય. રકાર એ અગ્નિબીજ છે, જે અહમને બાળી નાખે એ અર્હમ. આર્હન્ત્યની એ તાકાત છે કે આપડા બધાના અહંકારને ખતમ કરી દે પણ આપણી ઈચ્છા હોય તો. અભવીનો આત્મા મોક્ષે જવાનો જ નથી કારણ કે એની ઈચ્છા જ નથી થવાની એની યોગ્યતા પરિપક્વતા થવાની નથી. તમે માત્ર પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરો અહમ ગયો. એટલે જ પંચસૂત્રના પહેલા સૂત્રમાં ભગવાન હરિભદ્રસુરી મહારાજે કહ્યું ‘હોઉ મે એસા સુપત્થણા’ પ્રાર્થના પણ હું કરી શકું એવું બળ પ્રભુ તું મને આપ. પ્રાર્થના કરવી શબ્દોથી સરળ છે, પણ બિલકુલ ઝૂકી જવું, હું અસહાય છું, હું અશરણ છું, તું જ મને શરણ આપી શકે એમ છે, આ રીતે ઝૂકી જવું એ આપડા વશની વાત નથી. પ્રભુ ઝૂકાવી દે.
નિકોલસ ભારત આવે છે ક્યાં જવું? કયા ગુરુના આશ્રમમાં જવું? ક્યાં શિક્ષા લેવી, ક્યાં દીક્ષા લેવી, કોઈ નક્કી નથી પણ દિલ્હી airport પર ઉતરે છે ત્યાં જ એક વ્યક્તિની ભેટ થાય છે એ એને એવી જગ્યાએ લઈ જાય છે જ્યાં નિકોલસને યોગ્ય ગુરુ મળી જાય છે.
ઘણીવાર એક પ્રશ્ન થાય કે મારા ગુરુ કોણ? બધા જ ઉંચી કક્ષાના ગુરુઓ હોય તો એમાં મારા ગુરુ કયા? તો જવાબ એ અપાયો છે કે જન્માંતરીય ઋણાનુબંધ કોઈની પણ સાથે ખૂલતો હોય તો એ ગુરુ તમારા હોય આ પહેલી વાત. પહેલી જ વાર એ ગુરુના ચરણોમાં તમે ગયા, ઝૂક્યા અને આંખોમાંથી આંસુની ધારા વહ્યા કરે છે એ ગુરુ પ્રત્યે અતિશય ભક્તિ તમારા હૃદયમાં છે ત્યારે તમે માની શકો કે પહેલી જ વાર જે સદ્દગુરુને હું જોઉં છું એમના પ્રત્યે આટલી ભક્તિ આવી, એનો મતલબ એ થયો કે જન્માંતરમાં પણ મારા ગુરુ આ હતા.
એટલે ઋણાનુબંધના સ્તર ઉપર પણ સદ્દગુરુને આપડે આપણા તરીકે કલ્પી શકીએ છીએ. ક્યારેક પ્રભુ દ્વારા આપણને સૂચન મળે છે સ્પષ્ટ સૂચન કે તું અહીંયા જા, આ જગ્યાએ જા. તમે એ જગ્યાએ જાવ અને જે સદ્દગુરુ મળે એ સદ્દગુરુ તમારા હોય.
નિકોલસે દીક્ષા લીધી. હિન્દુ ધર્મની. ગુરુએ ક્રિષ્ણપ્રેમ નામ આપ્યું. નામ અપાય એટલે શું થાય? શક્તિપાત થઈ જાય, એ નિકોલસ પ્રભુના પ્રેમમાં એવા તો ડૂબી ગયા. કઠોપનિષદ ઉપર બહુ જ ઊંડું ભાષ્ય એમણે લખ્યું છે એ વાંચીએ ત્યારે થાય કે એમની દશા કેટલી ઊંડી ગયેલી હશે. હિમાલયમાં અનમોલામાં એમનો આશ્રમ હતો અને જિંદગીના છેડા સુધી એ અનમોલામા જ રહ્યા. ઉમાશંકર જોષીએ કિશનસિંહ ચાવડાને કહ્યું કે જીવનની અંદર એક નિર્ગ્રંથ પુરુષને જોયો છે અને એ છે ક્રિષ્ણપ્રેમ. ઉમાશંકર જોષી જેવા મૂર્ધન્ય સાહિત્યકાર ભીતર ઉતરેલા માણસ જેમનાથી પ્રભાવિત થાય એ વ્યક્તિત્વ કેવું હશે? પણ એ કૃષ્ણપ્રેમ બન્યા શું થયું? પ્રયાસ છૂટ્યો, પ્રસાદ આવી ગયો. હવે એમને કશું જ કરવાનું નથી જે પણ કરવાનું છે એ પ્રભુએ કરવાનું છે.
આજ સવારે મુનિરાજશ્રીનો ભગવતી સૂત્રમાં યોગોદ્યહનનો પ્રારંભ થયો એ વખતે પ્રભુ ગૌતમ યાદ આવે. પ્રભુ ગૌતમ પણ અનંત જન્મોથી પ્રયાસની ધારામાં હતા, એ જન્મમાં પણ ઇન્દ્રભૂતિ તરીકે હતા. ત્યાં સુધી પ્રયાસની ધારામાં હતા. હું યજ્ઞો કરાવું અને મારા યજ્ઞો એટલે બસ standard આ અહંકાર. એ અહંકાર તૂટ્યો, પ્રભુનું દર્શન થયું, સીધા જ પ્રભુને સમર્પિત થઈ ગયા. જે ક્ષણે પ્રભુને સમર્પિત થયા, પ્રયાસ ગયો, પ્રસાદ આવ્યો.
એ પ્રસાદની કેટલી મજાની વાત છે કે પચાસ હજાર કેવળજ્ઞાની શિષ્યોના ગુરુ વ્હોરવા માટે જાય છે. આપડે જઈ શકીએ? (આ લોકો ન જવા દે) પચાસ હજાર કેવળજ્ઞાની શિષ્યોના ગુરુ ભગવાન ગૌતમ ગોચરીએ જાય એ વખતે કોઈ વ્યક્તિ નાનકડો સવાલ કરે છે. સાવ નાનકડો સવાલ છે. ભગવતીસૂત્રના છત્રીસ હજાર પ્રશ્નોમાં કેટલાક પ્રશ્નો તો સાવ સામાન્ય છે અરે! ચાર જ્ઞાનના સ્વામી ભગવાન ગૌતમ છે પણ ભગવાન ગૌતમ પેલા પ્રશ્નકર્તાને કહે છે કે આનો જવાબ પછી આપું તો ચાલે? પેલો કહે સાહેબ આપની અનુકૂળતાએ આપોને! અને ભગવાન ગૌતમ પાત્ર વિગેરે યથાસ્થાને મૂકી દે, પ્રભુની પાસે આવે દેવછંદામાં, ત્રણ પ્રદક્ષિણા આપે, વંદન કરે અને પછી પૂછે પ્રભુ! આ પ્રશ્નનો શું અર્થ? પહેલીવાર ભગવતી સૂત્ર વાંચ્યું ત્યારે હું રેશનાલિસ્ટ હતો (બુદ્ધિવાદી). બુદ્ધિએ તરત સવાલ ઉઠાવ્યો કે આટલો નાનકડો સવાલ અને કેમ ભગવાન ગૌતમ પ્રભુની પાસે જાય છે? બીજીવાર ઈમોશનાલિસ્ટ થયા પછી (સંવેદનશીલ થયા પછી) ભગવતીસૂત્ર વાંચ્યું. એ વખતે ખ્યાલ આવ્યો કે ભગવાન ગૌતમની મનોદશા કઈ હતી. પહેલી વાત એ હતી કે અનંતજ્ઞાનના સાનિધ્યમાં હું છું તો હું શા માટે મારા જ્ઞાનનો ઉપયોગ કરું? આપડે આપડા જ્ઞાનનો ઉપયોગ કરીએ, ગુરુ બેઠેલા હોય તો.
એટલે આચારાંગ સૂત્રમાં લખ્યું ‘તસન્નીએ’ ગુરુના જ્ઞાનથી એ જ્ઞાનયુક્ત બને છે. બીજી વાત એ હતી કે પ્રશ્નને બહાને પ્રભુના ઉપનિષદમાં જવા મળે, પ્રભુના ઉપનિષદમાં બેસવા મળે અને ત્રીજી વાત મારો પ્રશ્ન ભલે સામાન્ય હોય પ્રભુ અસામાન્ય જ્ઞાની છે, અસાધારણ જ્ઞાની છે એટલે મારા પ્રશ્નને પણ અતિરંજિત કરીને ઉત્તરીત કરશે. મારા સામાન્ય પ્રશ્નમાંથી પણ પ્રભુ એવું હાર્દ ખોલી આપશે સાધનાનું કે હું પણ ખરેખર મજામાં આવી જઈશ. તો આ શું હતું? પ્રસાદની ધારા હતી. હું શા માટે મારા જ્ઞાનનો ઉપયોગ કરું? હું પ્રયાસ શા માટે કરું? જો પ્રસાદની ધારા મને મળે ગઈ છે એટલે અનંત જન્મોથી ભલે પ્રયાસની ધારા ચાલેલી હોય એક્ષણ પ્રસાદનો અનુભવ થાય અને પ્રયાસની ધારા છૂ થઈ જાય. જીવનમાં ક્યારેય પ્રસાદનો અનુભવ થયો છે?
કલાપૂર્ણસુરી દાદાએ એકવાર પ્રવચનમાં કહેલું કે ‘હું પ્રભુની અંજનશલાકા કરવા જતો નથી. હું પ્રભુની પ્રાણ પ્રતિષ્ઠા કરતો નથી. એ વખતે પ્રભુ મારી પ્રાણ પ્રતિષ્ઠા કરે છે’ આ પ્રસાદની ધારાનો જવાબ હતો. મારે કાંઈ જ કરવાનું નથી જે પણ કરવાનું છે એ પ્રભુએ કરવાનું છે. પ્રભુ પરની આટલી નિર્ભરતા આવે તો.
દશવૈકાલિક સૂત્ર સૌથી પહેલા તમને આપવામાં આવ્યું એના પહેલા અધ્યયનમાં આ વાત કહેવામાં આવેલી “જે ભવંતિ અણિસ્સિયા’ પરથી જે અનિશ્રીત છે, એટલે કે પ્રયાસની ધારામાં જે નથી. પરમથી જે નિશ્રીત છે એટલે કે પ્રસાદની ધારામાં જે છે એ જ પ્રભુનો સાધુ, એ જ પ્રભુની સાધ્વી. “જે ભવંતિ અણિસ્સિયા’ કોઈ પરની નિશ્રામાં તમે નથી, તમે માત્ર અને માત્ર પરમની નિશ્રામાં છો.
ઉપધાન કરવા આવી ગયા કોની નિશ્રામા અત્યારે? પરમની નિશ્રામાં. એટલે કોઈ પૂછે.. શાતામાં? શું કહો? દેવ-ગુરુ-પસાય. પરમની નિશ્રામાં છો, પરની નિશ્રા છૂટી ગઈ. પરથી સુખ મળે એ ભ્રમણા ટળી ગઈ. હવે સુખ મળે માત્ર પ્રભુનું.
હું ઘણીવાર કહેતો હોવું છું કે પૈસાથી સુખ મળે એ નક્કી ખરું? જયંતીભાઈ. કરોડવાળા પાસે જેટલું સુખ હોય દસ કરોડવાળા પાસે દસ ઘણું હોય બરોબર. નક્કી ખરુંને આમ. નહીં નક્કી? ચાલો એ પૈસા મળ્યા એ પણ કોના પ્રભાવે? કોના પ્રભાવે? પુણ્યના પ્રભાવે. પુણ્યના માલિક પ્રભુ. પ્રભુના પ્રભાવે.
એક રાજસ્થાની શેઠ હતા. અને એમનો એક મેનેજર હતો. શેઠનો કરોડોનો કારોબાર. મેનેજર બધું સંભાળે. મેનેજર બહુ જ ભણેલો. MBA થયેલો. શેઠ કક્કો બારખડી શીખી અને સ્કૂલમાંથી પાછા આવી ગયેલા. એકવાર બેંકના મેનેજરે આ મેનેજરને કહ્યું કે તમારા શેઠ ચેક તો લખે છે પણ સહી એકસરખી આવતી નથી. મારે તો મુશ્કેલી પડી જાય. સહી એક સરખી ન હોય ઠીક છે, તમારો માણસ આવ્યો પૈસા આપી દઉં પણ પાછળથી ક્યારેક મને મુશ્કેલી પડી શકે. એટલે તમારા શેઠ પાસે બીજું કામ તો કંઈ છે નહીં હું ઘણીવાર તમારી પેઢીએ આવેલો છું. એક સરસ શેઠની સહી બનાવી આપું અને શેઠને કહો એ ઘૂંટયા કરે. Signature એક સરખું હોવું જોઈએ, તો જ અમે લોકો ચેક સ્વીકારી શકીએ. તો મનેજરે વ્યવસ્થિત સહી કરી આપી. શેઠને કહ્યું કે આને ઘૂંટ્યા કરો. શેઠ એ રીતે ઘૂંટ્યા કરે. એકવાર શેઠ ઘૂંટતા’તા મેનેજર જોતો’તો. મેનેજરને થોડું હસવું આવ્યું કે આ માણસ એની signature એને હરખી કરતા આવડતી નથી. એ કરોડો રૂપિયાના માલીક અને હું આટલો ભણેલો-ગણેલો મને મહિને ખાલી પાંચ હજાર રૂપિયા મળે. એને હસવું આવ્યું. શેઠ આમ તો ચાલાક હતા ભણેલા જ ન હતા ગણેલા તો હતા જ. એના હસવા પરથી ખ્યાલ આવી ગયો ત્યારે શેઠે કહ્યું ‘અહીંયા ન જો હાથ હામે, અહીં જોવાનું. મારું પુણ્ય જોરદાર છે અને પુણ્યને કારણે હું કમાવું છું.’
એટલે તમે પણ જે કમાવો છો ને સંસારમાં ! એમાં તમારો પ્રયાસ નહીં પણ પ્રસાદ કારણ હોય છે. તમે ઓછું ભણેલા છો એવી ધંધાની લાઇન તમને મળી ગઈ છે કરોડો રૂપિયા તમે કમાવ છો, અને હમણાં પેપરમાં વાંચેલું. એક પટાવાળાની નોકરી માટેની appointment હતી અને એમાં લખેલું હતું કે સાત ધોરણ ભણેલો માણસ જોઈએ, એને બદલે MBA થયેલા, MA થયેલા, BA થયેલા સેંકડો લોકો, સેંકડો યુવાનો એ પટાવાળાની નોકરી માટે, appoint માટે પહોંચી ગયા.
પ્રસાદ. તો નમસ્કારની ભાવની તમારી સાધના છે. પહેલું ઉપધાન એ પણ નમસ્કાર ભાવની સાધનાનું, પાંત્રીસુ જેમાં નમુત્થુણં વિશે એ પણ નમસ્કાર ભાવનું છે. નમુત્થુણં. બસ, એ નમુત્થુણંનો અર્થ તમને આવડતો હોય અને એ તમે ચૈત્યવંદનમાં બોલો, તમારી આંખ કોરી ક્યારેય પણ રહી શકે નહીં. તિન્નાણં, તારયાણં, બુદ્ધાણં, બોહયાણં. તિન્નાણં તમે તરી ગયેલા છો, પણ તારયાણં બોલો ત્યારે પ્રભુ! તું અમને તારનારો છે. અમારે કાંઈ કરવાનું નથી તારે જ અમને પેલે પાર લઈ જવાના છે
સ્તવનાકારે કહી દીધું ‘મુજ સરીખા મેવાસીને’ પ્રભુ! જો તું તારે, તારક તો તું જાણું ખરો’ જૂઠું બિરુદ શું ધારે”. પ્રભુ સુલસાજીને તે તાર્યા, રેવતીજીને તે તાર્યા એમાં કઈ મોટી વાત કરી છે, તે. તરે એવા હતા. મારા જેવા પથ્થરને તું તારે તો હું માનું કે તું ખરેખર તારક છે.
પાંત્રીસાવાળા જેટલા આરાધકો છે એ પહેલા તબક્કે નમુત્થુણં સૂત્રનો અર્થ કરી લે છે. અટ્ઠાવીસામાં પણ એ જ છે લોગસ્સ સૂત્ર. વંદે-વંદામિ. પ્રભુને હું વંદન કરું છું. “કિત્તિય-વંદિય-મહિયા” ત્યાં ત્રણવાર કહ્યું. કીર્તન કર્યું. લોગ્ગસ તમે બોલો અને પ્રભુની એ રીતે સ્તવના કરો તો કીર્તન કર્યું. માથું ઝૂકે તો વંદન થયું, અને મન ઝૂકે તો મહંત થયું. કિત્તિય-વંદિય-મહિયા. બોલો તમારૂ માથું તો ઝૂકે છે. લોગસ્સમાં તો જેટલીવાર “વંદે કે વંદામિ” આવે એટલીવાર મસ્તક ઝૂકે છે? મસ્તક ઝૂકે છે, મન ઝૂકે છે પછી? સદ્દગુરુને વંદન કર્યું. મસ્તક ઝૂકયું? મન ઝૂક્યું? મન ઝૂક્યું ક્યારે કહેવાય? એ સદ્દગુરુમાં રહેલ પંચ મહાવ્રતો તમને ગમી જાય અને તમારા મનમાં એક ભાવના થાય કે ક્યારે મને આ મળશે? એવી તીવ્ર ઝંખના થાય તો મનથી વંદન કરેલું કહેવાય.
કોઈ શ્રીમંતને ત્યાં જાવ, એનો સરસ મજાનો બંગલો છે, બંગલામાં ગયા, ચા-પાણી કર્યા, પછી બહાર નીકળ્યા. બહાર તો નીકળ્યા પણ બંગલાને પણ હાથે લઈને નીકળો છો? મનમાં એ બંગલો જ હોય. સાલું શું બંગલો હતો એમ શહેરમાં તો આવો બંગલો બનાવવો આપણી હેસીયતની વાત નથી. ખાલી જમીનના જ સો-બસો કરોડ થઈ જાય. ત્યાં મન ઝૂકી ગયું બંગલા તરફ. આવો બંગલો મારે હોય તો કેવું સારું. એમ આ જિનશાસનના મુનિવરને, ગુરુવરને હું વંદના કરું છું એ મુનિત્વ મને પણ મળી જાય તો કેવું સારું.
મનનો નમસ્કાર શું કરી શકે એની હું એક મજાની વાત કરું.
નિવૃત્તિનાથ મહારાષ્ટ્રના બહુ જ પ્રસિદ્ધ સંત. એમની જીવનકથામાં એક બહુ સરસ વાત આવે છે. નવ વર્ષની ઉંમરે નિવૃત્તિનાથ વંશ-પરંપરાથી પોતાના જે ગુરુ હતા એ ગુરુ પાસે જાય છે. ગુરુના ચરણોમાં એવી રીતે ઝૂકે છે total ખાલી થઈ જાય છે, (total vacant થઈ જાય છે) અને એ જ્યાં ખાલી થઈ ગયા, ગુરુએ એમને ભરી દીધા. નિવૃત્તિનાથ વંદન કરીને ઊભા થયા ત્યારે ગુરુનું બધું જ્ઞાન એમની પાસે હતું.
તુકારામ મહારાષ્ટ્રના મોટા સંત. તુકારામે એક બહુ મજાની વાત કરી કે ભોજનમાં પણ ‘મીઠોબા ઉતરે’ તો ભોજનનો આસ્વાદ મળે. કોઈપણ વસ્તુમાં પ્રભુ ન ઉતરે તો એ વસ્તુમાં આસ્વાદ હોય જ નહીં. કોઈ વસ્તુમાં, કોઈ વ્યક્તિમાં પોતિકો આસ્વાદ છે જ નહિ, જે પણ આસ્વાદ છે તે પ્રભુનો આસ્વાદ છે. એ વ્યક્તિમાં રહેલ પ્રેમને જોઈને તમે ઝૂકો છો એ પ્રેમ એને પ્રભુએ આપેલો છે, એટલે એ પ્રેમરૂપે પ્રભુ ત્યાં બિરાજમાન છે.
તુકારામનું એક સરસ વાક્ય છે ‘બહુ ભીતો જાણપણા, બહુ ભીતો જાણપણા આંડ નાયે નારાયણા’ હું માહિતી જ્ઞાનથી બહુ જ ગભરાયેલો છું. ‘બહુ ભીતો જાણપણા’ કેમ? આડ નાયે નારાયણા. એ મારી અને પ્રભુની વચ્ચે તો નહીં આવેને? એટલે જ આપણને માહિતીજ્ઞાન જોઈતું નથી હોતું. પરિણતીજ્ઞાન જોઈએ છે.
તો નમસ્કારભાવની પરીણતી તમને મળી જાય એવો આશીર્વાદ આપું છું.
