વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : પુદ્દગલ-અનુભવ-ત્યાગ
પરમચેતનાનો સાક્ષાત્કાર એ જ આત્મ-સાક્ષાત્કાર. જિનગુણ અનુભૂતિ દ્વારા નિજગુણ અનુભૂતિ. પુદ્દગલ-અનુભવ-ત્યાગથી કરવી જસુ પરતીત (પ્રતીતિ / અનુભૂતિ).
પુદ્દગલ-અનુભવ-ત્યાગ. પુદ્દગલનો ત્યાગ નહીં. પુદ્દગલ સારું હોય તો રાગ કરવાનું અને ખરાબ હોય તો દ્વેષ કરવાનું બંધ કરવું – એ પુદ્દગલ-અનુભવ-ત્યાગ. એના માટે જોઈશે દ્રષ્ટાભાવ.
દ્રષ્ટાભાવ. તમે માત્ર દ્રશ્યને જુઓ છો. એની અંદર તમારી ચેતના જતી નથી; સારા કે નરસાનો કોઈ વિચાર તમારા મનમાં આવતો નથી.
પરમ સ્પર્શની યાત્રા – વેસુ ચાતુર્માસ વાચના – ૯
શ્રીપાળ રાસમાં મહામહોપાધ્યાય યશોવિજય મહારાજે બે મજાના ચરણો આપ્યા:
“આતમ ભાવે સ્થિર હોજો, પર ભાવે મત રાચો રે”
આનું જ વિસ્તૃતિકરણ એમણે પોતે જ એક પદમાં આપ્યું છે. એ પદનું ધ્રુવપદ છે,
“પ્રભુ મેરે, તું સબ બાતે પુરા!”
ત્યાં આત્મસત્તાને સંબોધન કરીને આખું જ પદ શરૂ થયું છે, “પ્રભુ મેરે, તું સબ બાતે પુરા” મહોપાધ્યાયજી ભગવંત કહે છે, “તમે બધા સ્વયં સંપૂર્ણ છો.” પુરી સ્વયં સંપૂર્ણતા, વિતરાગ દશામાં મળશે. પણ અત્યારના સ્તરની સ્વયં સંપૂર્ણતા, આજે જ તમે મેળવી શકો એમ છો.
“પ્રભુ મેરે, તુ સબ બાતે પુરા” તમે સ્વયં સંપૂર્ણ છો. તમારા શરીરને કોઇ પદાર્થની જરૂર પડી પણ શકે. તમને કોઈ પણ પદાર્થની, કોઈ પણ વ્યક્તિની આવશ્યકતા નથી. પ્રભુનો એક મુનિ, પ્રભુની એક સાધ્વી, સ્વયં સંપૂર્ણ છે. અસંપૂર્ણતા એટલી જ કે એની પાસે શરીર છે. શરીર હોવાને કારણે શરીરને જોઈતા પુદ્દગલો એણે લેવા પડે છે.
તો, અત્યારના સ્તરની સ્વયં સંપૂર્ણતા આપણે મેળવવી છે. એના માટેનો માર્ગ પણ એમણે આગળ બતાવ્યો. માર્ગ પણ મજાનો છે.
“પર સંગ ત્યાગ લાગ નિજ રંગે, આનંદ વેલે અંકુરા; નિજ અનુભવ રસ લાગે મીઠા, શિવ ઘેબર મેં છુરા!”
એક-એક ચરણમાં એક-એક સાધના આપે છે. સ્વયં સંપૂર્ણ બનો જ. તમે બની શકો છો. If you desire, you can do this! If you desire! તમારી જો પ્રબળ ઝંખના હોય તો આજે જ તમે સ્વયં સંપૂર્ણ બની શકો. અસંપૂર્ણતા તમારી એટલી જ રહે કે શરીરનું સ્તર હજી તમારી પાસે છે.
તો, પહેલું ચરણ: “પર સંગ ત્યાગ લાગ નિજ રંગે!” પરના સંગને છોડી દે. ઊંડી વાત છે. શરીરરૂપી પુદ્દગલ છે, હું પણ પરને ઉપભોગું છું. હું પણ કપડાં પહેરું છું. રોટલી-દાળ ખાઉ છું. પણ શરીરના સ્તર પર પરનો સંગ જરૂર છે; મનનું સ્તર બિલકુલ ભીતર ડૂબી જવું જોઈએ. “પર સંગ ત્યાગ લાગ નિજ રંગે” શરીરના સ્તર પર, પરનો સંગ હોઈ શકે. એક મુનિરાજ ગોચરી કરે, ગોચરી વાપર્યા પછી પૂછવામાં આવે, શું વાપર્યું? તો એ કહેશે, મને બરોબર ખ્યાલ નથી. કેમ? શરીરે ગોચરી વાપરી લીધી, મન કોઈ મજાની તત્વજ્ઞાનની પંક્તિઓમાં હતું. શરીર ખાય, શરીર કપડાં પહેરે, મન ક્યાં હોય? અંદર!
બે વાત છે: સાધક પર સંગને છોડીને નિજ રંગમાં જશે. ભક્ત પરના સંગને છોડીને પરમના સંગમાં જશે અને ત્યાંથી નિજ રંગમાં આવશે. મીરાએ, પ્રભુને કહેલું, ‘લાલ ન રંગાઉં, હરિ ન રંગાઉં, અપને હી રંગ મેં રંગ દે ચુનરીયા!’ પ્રભુ કોઈ રંગ મારે ન ચાલે, મારે એક જ રંગ જોઈએ, તારો રંગ! મારા પુરા અસ્તિત્વ પર તારો રંગ ચડી જવો જોઈએ. હું, હું ન હોઉં, તું હોય! લાલ ન રંગાઉં, હરી ન રંગાઉં, તેરે હી રંગ મેં રંગ દે ચુનરીયા! અને એ રંગ કેવો જોઈએ? શાશ્વતીના લયનો, સતત ટકે એવો. માત્ર આ જન્મમાં રહે એવો નહીં જ્યાં સુધી મોક્ષ ના મળે ત્યાં સુધી એ પરમસંગ, એ પરમ રંગ રહેવો જોઈએ. અને એટલે મીરાએ આગળ કહ્યું, ‘એસા હી રંગ દો, કે રંગ નાહી છૂટે, ધોબીઆ ધૂએ ચાહે સારી ઉમરીયા! એસે હી રંગ દો!’ પ્રભુ મને એવી રંગી દો, કે બીજો કોઈ રંગ એના ઉપર ચડે નહીં અને આ રંગ ક્યારે ઉતરે નહીં. ભક્ત પરના સંગને છોડીને, પરમના સંગમાં જશે, પરમના રંગમાં રંગાશે અને પછી સ્વાનુભૂતિ કરશે. સાધક પરના સંગને છોડીને સીધો સ્વમાં ઉતરી જશે. બેઉ રસ્તા મજાના છે. તમે ભક્ત હોવ તો ભક્તનો માર્ગ પણ મજાનો છે. તમે સાધક છો તો સાધક તરીકેનો તમારો માર્ગ પણ મજાનો છે.
ભક્ત અને સાધકની એક બીજી વ્યાખ્યા આજે આપું. સાધક પાસે છે ને એક પ્રતિશદ કર્તૃત્વ બચ્યું છે, અને એટલે જ સાધનાના જે પડાવે પોતે ઉભો છે એનાથી આગળના પડાવે શી રીતે જવું, એની વિચારણા એ કરશે. એના માટે સદગુરુને એ પૂછશે પણ ખરો. પણ સાધકની વ્યાખ્યા એ જેની પાસે બીજો કોઈ જ પ્રશ્ન નથી. પ્રશ્ન હોય, વિચાર હોય, તો માત્ર એક જ, કે સાધનાના આ પડાવ ઉપરથી આગળના પડાવ ઉપર કઈ રીતે જવું. ગુરુનું માર્ગદર્શન એના માટે મારે મેળવવું છે. ભક્તની પાસે આ વિચાર પણ નથી, આ પ્રશ્ન પણ નથી. એ Totally Dedicated છે. સંપૂર્ણતયા સમર્પિત છે અને એટલે જ એને કોઈ પ્રશ્ન નથી થતો, એને કોઈ વિચાર નથી આવતો. મારે જે ભૂમિકાએ જવાનું હશે, સદગુરુ મને ત્યાં લઈ જશે. મારે કોઈ જ પ્રયત્ન કરવાનો નથી. કારણ, એની પાસે કર્તૃત્વ બિલકુલ બચ્યું નથી. એ માત્ર અને માત્ર કૃપાની ધારામાં વહી રહ્યો છે.
તો, “પર સંગ ત્યાગ, લાગ નિજ રંગ!” શરીરના સ્તર પર ભોજન હોય, સાધક માટે વાંધો નથી. શરીરના સ્તર પર વસ્ત્ર પહેરાયેલા છે, સાધક માટે વાંધો નથી. મનની અંદર સારાપણા કે નરસાપણાની છાયા ઉપસવી ન જોઈએ. તમારા માટે એક લિટમસ ટેસ્ટ આપું. તમે પૂજા કરીને ઘરે આવ્યા. Wardrobe માં તમારા માટે કપડા મુકાયેલા હતા. તમે એમાંથી ઝભ્ભો પહેર્યો, પાયજામો પહેર્યો. નવકારશીનું પચ્ચખાણ આવી ગયેલું, પચ્ચખાણ પારી પછી તમે નાસ્તા માટે બેઠા. નાસ્તો પૂરો થઈ ગયો. હવે એક મિનિટ આંખ બંધ કરો અને તમારી જાતને પૂછો કે આજે ઝભ્ભો કયા કલરનો પહેર્યો છે. તમારી પાસે ઘણા બધા કલરના ઝભ્ભા છે, મરુન કલરનો, એસ કલરનો, ક્રીમ કલરનો. તમે આંખો બંધ કરીને તમારી જાતને પૂછો છો કે આજે કયો ઝભ્ભો મેં પહેર્યો છે? જવાબમાં ગૂંચવણ થાય, બરોબર ખ્યાલ આવતો નથી. તો સાધક તરીકે તમારી પાસે Perfection આવ્યું. શરીરએ ઝભ્ભો પહેર્યો, મન એ પહેર્યો નથી. મન એ જો પહેરેલો હોત તો તરત ખ્યાલ આવી જાત. ઝભ્ભો પહેર્યો હોય, દર્પણમાં પછી જોયું હોય, કેવો સરસ લાગું છું! તો મનમાં એની છબી પડી ગયેલી હોય. પણ ઝભ્ભો માત્ર પહેરી લીધો, નાસ્તો કરવા બેસી ગયા. આંખો બંધ કરી. પૂછ્યું જાતને, ખ્યાલ નથી આવતો, તો તમારી સાધનાનું Perfection સારું કહેવાય. અને જો ચોક્કસ ખ્યાલ આવી ગયો તો થોડા ઓછા માર્કસ તમને મળ્યા.
આમ જુઓ તો સ્વમાં ડૂબવા માટેની કેટલી નાનકડી વિધિ બતાવી છે! કેટલી નાનકડી! હું So Easy કહું તો બરોબર નથી? ત્રણ ટાઈમ ખાઓ, ચાર ટાઇમ ખાઓ, વાંધો નહીં. શરીર ખાય, મન ન ખાય. આમાં તમને શું વાંધો હોય? શરીરને કપડાં પહેરાવવાના. અમારા માટે શું હોય? સંયમની મર્યાદા માટે અમે લોકો વસ્ત્રો પહેરીએ. “तं पि संज्जमलजठा धारिंती, परिहिंतीय :” માત્ર સંયમની મર્યાદા માટે, માત્ર પ્રભુની આજ્ઞા છે. માટે,બીજો કોઈ આશય નથી.
તો, બહુ જ નાનકડી પ્રક્રિયા. અર્થશાસ્ત્રનું એક સૂત્ર છે, Minimum Effort, Maximum Result. આપણી દરેક સાધના આવી છે. નવકારશીનું પચ્ચખાણ તમે કરો. કેટલું રિઝલ્ટ તમને મળે, કેટલું ફળ તમને મળે. Minimum Effort, Maximum Result. શરીર ખાઈ લે, શરીર કપડા પહેરી લે, મન એમાં ઓછું જાય, એવું તમે કરી શકો તો, તમારી ભીતર જવાની શક્યતા તમારા માટે પણ એટલી જ ઉભી છે.
મુલ્લાજી ઘરે બેઠેલા. સવારનો પહોર,ચા-નાસ્તો કરી, તૈયાર થઈને બેઠેલા ક્યાંક બહાર જવા માટે. ત્યાં એમનો મિત્ર ગામડેથી આવે છે. એણે પણ ચા પીધી, નાસ્તો કર્યો. પછી પૂછ્યું ક્યાં જાવ છો અત્યારે? મુલ્લાજી કહે એક કામ કરો ને બે-ચાર ઓફિસરને મળવા માટે જાઉં છું. સારા ઓફિસરો છે, તું પણ મારી જોડે ચાલ. તને પણ પરિચય થઈ જાય. પેલો કે વાત તો ઠીક છે, હું તો ગામડેથી તને મળવા આવ્યો છું. મારો ઝભ્ભો તો જો કેવો છે, મુલ્લા કહે એમાં શું છે! મે નવો ઝભ્ભો સિવડાવ્યો છે, આપણા બેનું શરીર એક સરખું છે, નવો ઝભ્ભો તને આપી દઉં. પેલાએ નવો ઝભ્ભો પહેરી લીધો. નવો ઝભ્ભો પેલાના શરીર ઉપર અને મુલ્લાજીના મનમાં! મુલ્લાજી જોયા કરે છે, ઝભ્ભો કેવો સરસ! ઝભ્ભો કેવો સરસ! પહેલા જ ઓફિસરને ત્યાં ગયા, Introduction ચાલ્યું. મુલ્લાજીએ કહ્યું, મારા મિત્ર છે, ગામડે રહે છે બહુ મોટી ખેતીવાડી છે, બહુ મોટી જમીન જાગીર છે, શ્રીમંત માણસ છે. અને અમે લોકો એકદમ Close Friends છીએ. એમણે ઝભ્ભો પહેર્યો છે ને, એ મારો જ છે. બહાર નીકળ્યા, મિત્ર બગડ્યો. યાર તું મને Introduce કરતો હતો કે ઝભ્ભાને Introduce કરતો હતો. મુલ્લાજી કહે ભૂલી ગયો, હવે નહીં કહું.
બીજી જગ્યાએ ગયા. Introduction ચાલુ થયું એ બધી વાત કરી અને પછી કહ્યું એમણે ઝભ્ભો પહેર્યો છે એ એમનો જ છે, મારો નથી! બહાર નીકળ્યા, પેલો મિત્ર કહે યાર તું શું કરે છે પણ? પણ મુલ્લાજી કરે શુ? ઝભ્ભો મનમાં ફસાઈ ગયેલો. મુલ્લાજી એ કહ્યું હવે એક જ ઓફિસર બાકી છે અને હું પ્રતિજ્ઞા લઉં છું કે ઝભ્ભાની વાત બિલકુલ નહીં કરું. ત્રીજા ઓફિસરને ત્યાં ગયા ત્યાં Introduction ચાલ્યું. બધી જ વાત થઈ ગઈ, છેલ્લે કહ્યું, એમના માટે મેં બધી જ વાત કરી, એમના ઝભ્ભાની વાત બાકી રહી, પણ એ હું નહીં કરું. કારણ મારી પ્રતિજ્ઞા છે.
કેટલી નાનકડી સાધના ઉપાધ્યાયજી ભગવંતે આપી, “પર સંગ ત્યાગ લાગ નિજ રંગે.” બીજા ચરણમાં કહે છે ” આનંદ વેલી અંકુરા.” શરૂઆતની અંદર આછી-આછી સ્વની અનુભૂતિ પકડાઈ. શું થયું? આનંદની વેલડીને અંકુરા ફૂટ્યા. અને જ્યાં તમે આગળ વધ્યા, ત્યાં નિજસ્વરૂપની અનુભૂતિનો રસ ચાખવા મળશે. એ રસ કેવો છે?” નિજ અનુભવ રસ, લાગે મીઠા.”
એક વાત પૂછું! તમને લોકોને અમારી ઈર્ષ્યા આવે છે? અમે લોકો સતત આનંદમાં હોઈએ છીએ અને એ આનંદ ભીતરનો છે. એ ભીતરનો આનંદ જોઈને એ મેળવવાની ઈચ્છા થાય છે? ઈર્ષ્યા એટલે શું? જે વસ્તુ ગમે છે પણ એ મળતી નથી પણ બીજાને મળેલી છે તો એ વ્યક્તિ ઉપર આપણને ઈર્ષ્યા થાય. તો, અમારા આનંદની તમને ઈર્ષ્યા થાય છે? સતત આનંદ! આ ભવ્ય ઉપાશ્રયમાં પણ આનંદ અને પતરાવાળા ઉપાશ્રયમાં ઉનાળામાં બેઠા હોઈએ તો પણ એટલી મસ્તીથી બેઠા હોઈએ. અમારી મસ્તી ભીતરથી પ્રગટે છે અને તમારું જે સુખ છે એ બહારથી પ્રગટે છે. એટલે જ તમે પરાધીન છો અને અમે સ્વાધીન છીએ. અમારું સુખ A.C. પર આધારિત નથી. Electricity Fail થાય તો શું થાય? સાચું કહેજો! બપોરે 2:00 વાગે જમીને સુતેલા હોવ, A.C. ચાલુ હોય, Electricity Fail થઈ, A.C. બંધ પડ્યું. શું Feeling થાય? એ વખતે જો કે તમારી વાત તો અલગ છે, તમને તો એ વખતે મહારાજ સાહેબ યાદ આવે! A.C. બંધ પડી ગયું, એક-બે બારી ખોલી નાખી, ગરમ-ગરમ હવા આવી રહી છે અને એ વખતે તમને મુનિરાજ યાદ આવે. અને એ બપોરે બે વાગે તમે ઝભ્ભો પહેરી, શર્ટ પહેરી તમે ઉપાશ્રય આવો. ગુરુદેવ સ્વાધ્યાય કરતા હોય, તમે વંદના કરો. અને પછી પ્રેમથી પૂછો, સાહેબજી મારું A.C. પાંચ મિનિટથી બંધ પડી ગયું છે અને હું મૂંઝાઈ ગયો છું. તમે વગર A.C. એ વગર પંખે કઈ રીતે મજાથી રહો છો?
તમને ખ્યાલ છે, હું વર્ષોથી ભગવાનના Air Conditioned હાથોમાં છું. જે ક્ષણે મને પ્રભુ મળ્યા, પ્રભુનો મેં સાક્ષાત્કાર કર્યો. એ જ ક્ષણેથી આખી મારા જીવનની દિશા બદલાઈ ગઈ. હું એક જ વાક્યમાં કહી શકું, એ જ ક્ષણથી પ્રભુએ મને પોતાની Air Conditioned હથેળીમાં રાખ્યો. શરીરમાં રોગો અપાર આવ્યા, પગથી માથા સુધીમાં એક પણ Major અંગ એવું નથી કે જ્યાં ઓપરેશન ન થયેલું હોય. પણ પ્રભુએ મને Air Conditioned હથેળીમાં રાખ્યો છે. જશલોકની કે Breach Candyની હોસ્પિટલમાં બેડ પર હું સુતેલો હોવ, ત્યારે પણ એટલો જ મજામાં હતો. કોઈ ચિંતા ક્યારે પણ નહોતી. પ્રભુ મારી ચિંતા કરતા હતા, હું શા માટે મારી ચિંતા કરું? પણ એક વાત તમને કહું, પ્રભુને કોઈ ભેદભાવ નથી કે ભાઈ યશોવિજયસૂરિને, મુનિચંદ્રસૂરિને, રત્નસુંદરસૂરિને કે ભાગ્યેશવિજયસૂરિને હું Air Conditioned હથેળીમાં રાખું, આવો ભેદભાવ પ્રભુ પાસે નથી. પ્રભુ બધા માટે તૈયાર છે. ત્યાં જ પેલું સૂત્ર આવે છે, Surrender ની સામે care! તમારું સમર્પણ જેટલું ગાઢ પ્રભુની કાળજી એટલી વધુ. એમાં પણ પ્રભુને ભેદભાવ નથી. પણ સમર્પણ જેટલું પ્રગાઢ બને છે એટલી આપણી Receptivity પ્રગાઢ બને છે. પ્રભુની કૃપા સતત ઉતરતી રહી છે, સતત વરસતી રહી છે. પણ એને ઝીલવા માટે જે Receptivity જોઈએ, એ સમર્પણની પ્રગાઢતા દ્વારા આવે છે.
For A Chance: અગણિત જન્મો રાગ અને દ્વેષને હવાલે કર્યા, અહંકારને હવાલે કર્યા. એક જન્મ પ્રભુને આપવો છે? છો તૈયાર? ભલે શ્રાવકપણામાં રહો, પણ ત્યાં રહીને પણ પ્રભુની જેટલી આજ્ઞાઓ પાળવી છે એટલી આજ્ઞાઓ તમે પાળો. હું તો ત્યાં સુધી કહું છું કે આજ્ઞાપાલન પણ પછી છે, આજ્ઞા પ્રત્યેનો તીવ્ર આદર સૌથી મહત્વનો છે. પ્રભુની એક-એક આજ્ઞા પ્રત્યેનો તીવ્ર આદર. હું પણ શરીરથી નિર્બળ છું અને એટલે જ પ્રભુની બધી આજ્ઞા હું નથી પાળી શકતો. પણ એટલું ચોક્કસ કહી શકું કે પ્રભુની એક-એક આજ્ઞા પર તીવ્ર અહોભાવ, તીવ્ર આદર છે.
ઘણીવાર આપણને લાગે કે મને પણ છે. તમને પણ Feeling થાય કે મને પણ પ્રભુની આજ્ઞા પ્રત્યે આદર છે જ! ખરેખર છે કે નહિ એ જોવું હોય તો એના માટે એક પારાશીશી તમને હું આપુ. પ્રભુની આજ્ઞા પ્રત્યે આદર હશે તો પ્રભુની આજ્ઞાના પાલકો પ્રત્યે આદર હોવાનો જ! એક પણ સાધુ-સાધ્વીજી ભગવંત ઉપર, એક પણ શ્રાવક-શ્રાવિકા ઉપર તમને ક્યારેય પણ તિરસ્કાર ન થાય. માત્ર એને જોઈને અહોભાવ જ છલકાય, એવું હૃદય તમારી પાસે છે? આજ્ઞા પ્રત્યે આદર છે એ માની લેવું એ સહેલું છે. પણ, આ પારાશીશીમાંથી એને ચકાસો કે પ્રભુની આજ્ઞાના જેટલા પાલકો છે એ બધા જ પાલકો મને એટલા જ સરસ રીતે ગમે છે! તમે બેઠેલા હતા રેલિંગ પાસે અને તમારી આગળ કોઈ ભાઈ આવીને બેસી ગયા. એ વખતે તમને શું થાય? મારા સાધક, મારા પ્રભુના શ્રાવક, મારા પ્રભુએ જેને ચાહ્યો છે એને હું કેમ ધિક્કારી શકું? એટલે પ્રભુની આજ્ઞાના જેટલા પણ પાલકો છે, એ દરેક પાલકો પ્રત્યે અહોભાવ!
ઉપાધ્યાય યશોવિજય મહારાજે પંચવિંશતિકામાં કહ્યું છે, કે માત્ર સમકિતિ નહિ, પણ માર્ગાનુસારી હોય એ પણ પ્રભુનો સેવક જ છે. ત્યાં એમણે સરસ વાત કરી છે કે, ભારત દેશ, ભારત સરકારનો એક મંત્રી દિલ્હીમાં રહીને કામ કરે છે. ભારત સરકારનો એક એલચી અમેરિકામાં જઈને કામ કરે છે. છે અમેરિકામાં, પણ ભારત સરકાર વતી કામ કરે છે. તો દૂર હોય એથી સેવકત્વમાં વ્યાઘાત આવતો નથી. જ્યાં પણ સહેજ ધાર્મિકતા તમને દેખાય- અરે! મનુષ્ય માત્રની અંદર, પ્રાણી માત્રની અંદર ગુણો ભરાયેલા જ છે. જ્યાં પણ તમને ગુણો દેખાય ત્યાં ઝૂકી પડજો.
એકવાર પાલીતાણાથી શંખેશ્વરની યાત્રા ચાલતી હતી. વચ્ચે લખતર આવ્યું. લખતરમાં આપણું સરસ દેરાસર છે. પ્રાચીન ભવ્ય આદિનાથ દેરાસર. ઉપાશ્રય બે છે. આપણો પણ છે, સ્થાનકનો પણ છે. આપણા ઉપાશ્રયમાં ઘણા મહાત્મા હોય. ત્યારે સ્થાનકમાં ઉતરવાનું. અમે સ્થાનકમાં ઉતરેલા. સ્થાનકનો ઉપાશ્રય રોડ ઉપર. મેં જોયું, 9-9:30 વાગે રોડની ફૂટપાથ પર એક નાનકડી પેટી હતી એ ખોલી એક મોચી બેઠેલો. થોડીવાર પોતાનું કામ કરી એ સીધો ઉપાશ્રયમાં આવ્યો. ઉપાશ્રયમાં આવીને બધા મહાત્માઓને વિનંતી કરી, તમારા મોજા મને આપો. હું એને બરાબર કરી આપીશ. કોઈએ ના પાડી તો પરાણે પણ એમના મોજા લીધા. સાંજે 4 વાગે બધા જ મોજા બહુ જ સરસ રીતે તૈયાર કરી અહીંયા આવ્યા. અને એક-એક મહાત્માને આપવા લાગ્યા. એ વખતે એક ભાવુક વંદન માટે આવેલા. એમણે મોચી ભાઈનો ભાવ જોયો. એમની આંખો ભીની બની. આટલો ભાવ! સામે એની પેટી જોવે છે. આ માણસ કમાતો શું હશે? ખાતો શું હશે? અને આટલી ભક્તિ! એ ભાઈએ 2000ની નોટ સીધી જ કાઢી. અને મોચી ભાઈને એણે કહ્યું આ સ્વીકારો. એમણે પ્રેમથી કહ્યું, નહિ સાહેબ! સંતોની સેવાના બદલામાં કશું જ લઈ શકાય નહિ. સંતોની સેવાના બદલામાં એક રૂપિયો પણ હું લઉં તો મારી સેવા અફળ જાય. હા, મારી પેટી સામે જ છે, તમારા જુત્તા Polise કરાવવા હોય તો ત્યાં આવી જજો અને પછી તમે જે આપશો એ હું લઈશ. પણ સંતોની સેવાના બદલામાં હું કશું જ નહિ લઈ શકું. શું હતું આ? એક નાનામાં નાની વ્યક્તિ! એની અંદર પણ કેટલી ગુણવત્તા હોય છે!
તો, આજની વાત બરોબર યાદ રાખો, પ્રભુની આજ્ઞા પ્રત્યે મને આદર છે. એ હું ત્યારે જ માની શકું, જ્યારે આજ્ઞાના પાલક પ્રત્યે મને આદર છે. શંખેશ્વરમાં પૂજાની લાઇનમાં બેઠા. બધા થાળી મૂકીને આઘા પાછા ગયા અને કોક તમારી આગળ આવી ગયું તો પણ તમારા મનમાં બીજો કોઈ વિચાર ન આવે, મારો શ્રાવક, મારો ભાઈ,પરમાત્માનો ભક્ત.
ફરી આપણે મૂળ વાત ઉપર જઈએ. “પર સંગ ત્યાગ, લાગ નિજ રંગ.” પરનો સંગ છુટી જાય, તમે ભીતર પહોંચી જાઓ. અમારી પાસે જે આનંદ છે તે આનંદ તમને મળી જાય તેમ છે. તમે ઓફિસે જાઓ સૌથી પહેલા ત્યાં જઈને શું કામ કરો? પ્રભુની છબી છે, વંદન કરો. ગુરુદેવનો ફોટો છે, વંદન કરો. એ વખતે પ્રભુને કહેજો કે પ્રભુ તને વંદન કરીને તારી છાયામાં, તારા ઉપનિષદમાં બેસું છું. ભૂલે ચૂકે પણ મને અનીતિનો વિચાર ન આવે.
એક શ્રાવકનો મને ખ્યાલ છે. ધંધો બરાબર ચાલતો નથી, એમાં એના દીકરાને પેટમાં દુખવા આવ્યું. ડોક્ટર પાસે લઈ ગયા Appendix છે. Operation તરત કરાવું પડશે. બે-અઢી લાખનો ખર્ચો હતો. ધંધો ચાલતો નથી. મૂડી ખવાઈ ગઈ છે. ખાવું કઈ રીતે એની મુશ્કેલી છે. એમાં અઢી લાખ ક્યાંથી કાઢવા? વ્યાજે પણ કોણ આપે? એ મૂંઝવણમાં છે. ત્યાં એની પાસે ઓફર આવી. કે આ કાગળ એમાં ખોટી Signature કરવાની છે. પણ તું ખોટી Signature કરી દે. અઢી લાખ રૂપિયા, તને આપી દઉં. આ માણસે જિંદગીમાં ક્યારે પણ અનિતી આચરી નથી. આજે સહેજ વિચારમાં પડી ગયો. શું કરું? ખાવાના પૈસા નથી દીકરાનું ઓપરેશન કરાવવું જ પડે એમ છે. અઢી લાખ સીધા મળે છે, શું કરું? સંઘર્ષ ચાલ્યો ભીતર, એમાં છેલ્લે નક્કી થયું કે પૈસા લેવા પડશે. નક્કી કર્યા પછી એ ભાઈ Wash Basin પાસે જાય છે. મોઢું ધોવે છે, ખુરશી પર આવે છે અને Signature કરી દે છે. અઢી લાખ રૂપિયા મળી ગયા. પછી પેલાએ પૂછ્યું, કે આપણે વાત નક્કી થઈ. તમારે ખાલી Signature કરવાની હતી. એમાં Wash Basin પાસે તમે કેમ ગયા હતા? એ વખતે શ્રાવકે કહ્યું કે, જિંદગીમાં ક્યારેય અનીતિ કરી નથી. ખોટી Signature મારે કરવાની હતી, પણ મને થયું, મારા કપાળની અંદર મારા પ્રભુની આજ્ઞાના સ્વીકારના પ્રતીકસમું તિલક હોય. ત્યાં સુધી મારા હાથે આ થઈ ન શકે. એટલે Wash Basin પાસે મોઢું ધોવા માટે નહીં; તિલક ધોવા ગયો હતો. જ્યાં સુધી મારા કપાળમાં આ તિલક હોય ત્યાં સુધી Signature! પ્રભુની આજ્ઞાની વિરુદ્ધનું હું એક પણ કાર્ય કરી શકું નહિ. કેટલી ખુમારી એની!
તમારે નક્કી ખરું? જ્યાં સુધી તિલક ના ભૂંસાય ત્યાં સુધી શું શું ન થાય? કેટલી ખુમારી! મારા પ્રભુની આજ્ઞા, એનું પાલન મારે કરવું જ છે. નથી કરી શકતો તો એના માટેનો માર્ગ આપો. ના છૂટકે આંખમાં આંસુ છે અને સિગ્નેચર થાય છે. કદાચ પાપ કરવું પડે એ વખતે આંખોમાંથી આંસુ વહે છે. આંખોમાંથી આંસુ ઝરતા હોય, ગળેથી ડુસકા વહેતા હોય. પ્રભુ! તારી આજ્ઞા વિરુદ્ધ હું ડગલું ભરું છું. મારે ભરી ન શકાય પણ હું શું કરું પ્રભુ? આ વિવશતા પણ દેખાવી જોઈએ.
જીત મજાની વસ્તુ છે પણ સંઘર્ષ એનાથી પણ મજાનો છે. ગુજરાતીમાં એક કહેવત છે, “જીત થકી પણ ઝુંઝવું પ્યારું.” મળે ન મળે બે નંબરની વાત છે, કાંટાની ટક્કરની લડાઈ તો આપો. સંજ્ઞાઓની સામે, રાગની સામે, દ્વેષની સામે! ગુસ્સો આવી જાય એમ છે, નક્કી કરો જેના ઉપર ગુસ્સો મને આવે કે જેના ઉપર હું ગુસ્સાથી બોલું એને સો રૂપિયા મારે આપી દેવાના. ક્રોધની સામે લોભને ટકરાવો! એમનેમ ક્રોધ જાય એમ નથી. જેના ઉપર ગુસ્સે થાવ એને સો રૂપિયાની નોટ મારે આપી દેવાની છે આ નિયમ કરો. ભલે પહેલા દિવસે કદાચ 200-500 આપવા પડશે. પણ ધીરે-ધીરે તમારો ક્રોધ અંકુશમાં આવી જશે. પરમાંથી, પરભાવમાંથી, રાગ, દ્વેષ, અહંકારમાંથી આપણે સ્વભાવની યાત્રામાં જવું છે. મહોપાધ્યાય યશોવિજય મહારાજ આપણી જોડે છે, એમની આંગળી પકડીને ચાલીશું.