વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : સબમેં હૈ, ઔર સબમેં નાહિ
સદગુરુ પોતાના હૃદયને totally ખાલી કરી નાંખે અને પછી હૃદયના એ ખાલીપનમાં પરમચેતનાનું અવતરણ થાય. બસ, એમનું કામ પૂરું થઇ ગયું! એ પછી સદગુરુ માત્ર પ્રભુનું કામ કરતા હોય છે. પછી તેમનું અસ્તિત્વ માત્ર અને માત્ર પ્રભુએ આપેલ પ્રેમને વિસ્તારવા માટે હોય છે. એટલે આવા સદગુરુઓ આપણા માટે તો પ્રભુ જ છે; પરમચેતના જ છે.
સદગુરુ બધાને પ્રેમ આપશે; પણ મૂર્ચ્છા, આસક્તિ, રાગ ક્યાંય નથી. ચેતના બધામાં વ્યાપક હોવા છતાં આસક્તિરૂપે, રાગરૂપે તેમની ચેતના એક પણ વ્યક્તિત્વમાં જવા માટે તૈયાર નથી. આ જ ઉદાસીનદશા. આ જ અપરિગ્રહ.
તમે પરમાં જાઓ છો તમારી અપૂર્ણતાને દૂર કરવા. તમે કોઈકને પ્રભાવિત કરો, એ તમારી પ્રશંસા કરે, તમારો અહંકાર પુષ્ટ થાય અને તમને લાગે કે પૂર્ણતા આવી! પણ જે ક્ષણે ઉપયોગ સ્વમાં ગયો અને ખ્યાલ આવી ગયો કે હું સ્વયં સંપૂર્ણ છું – પછી તમારે બીજા કોઈની જરૂરિયાત નથી!
Place : ૐકારસૂરિ આરાધના ભવન – વેસુ (સુરત)
નમસ્કાર ભાવ ની સાધના વાચના – ૭
એક દીકરીની દીક્ષા આપવા માટે પૂજ્યપાદ અધ્યાત્મયોગી ભક્તિયોગાચાર્ય કલાપૂર્ણસૂરિ દાદા કચ્છમાં ભુજમાં પધારેલ. દીક્ષાના આગળના દિવસે વરઘોડામાં પડી જવાથી સાહેબને પગે ફેકચર આવ્યું. હોસ્પિટલમાં સાહેબજીને મુકવામાં આવ્યાં. ફેક્ચર થઇ ગયેલું હતું થાપાનું, બોલ મુકવો પડે એવો હતો, એટલે ઓપરેશન કરવાનું હતું. બીજા જ દિવસે ઓપરેશનનું નક્કી થયું. એ બપોરે જેની દીક્ષા થવાની હતી, એ દીકરી હોસ્પિટલમાં દાદા પાસે આવી. વંદન તો એ માંડ માંડ કરી શકી! ધ્રુસકે ધ્રુસકે રડી પડી! એક જ વાત દાદા ! આપના હાથે મને રજોહરણ નહિ મળે! કેટલા સપના સેવેલા કે આજના યુગના શ્રેષ્ઠ ગુરુ પાસે મને દીક્ષા મળશે.,શ્રેષ્ઠ ગુરુના હાથે મને રજોહરણ મળશે, ગુરુદેવ! મારું સ્વપ્ન રોળાઈ ગયું. આવી ઈચ્છા હોય જ. આપણને બધાને પણ હોય. એ સદ્ગુરુને આપણે પ્રભુ કહેતાં હતા.
બહુ મજાની વાત છે એમણે પોતાના હૃદયને totally vacant કરી નાંખેલું, ખાલી કરી નાંખેલું; અને એ હૃદયના ખાલીપનમાં, રીતાપનમાં પરમચેતનાનું અવતરણ થયું. એટલે આપણા માટે તો આવા સદ્ગુરુઓ, આપણા માટે પ્રભુ જ છે.
એ પ્રભુના હાથે રજોહરણ મળવાનું હતું. ગુરુદેવ હોસ્પિટલમાં આવી ગયા. આવતીકાલે સાહેબજીનું ઓપરેશન છે. હવે આમાં એમના હાથે ઓઘો મળે એવી શક્યતા ક્યાં રહી? દીકરી ધ્રુસકે ધ્રુસકે રડે છે.. અને પ્રેમાવતાર, કરુણાવતાર ગુરુદેવ કહે છે; તને ઓઘો હું આપીશ.! તને ઓઘો હું આપીશ.. ડોક્ટરને કહી દીધું; આટલો સમય મારે જવું પડશે અને એ પછી હું હોસ્પિટલમાં એડમીટ થઈશ, અને પછી ઓપરેશન જ્યારે કરવું હોય ત્યારે કરજો. પણ, આટલો ટાઈમ મારે બહાર જવું પડશે. સાહેબજી મંડપમાં પધાર્યા અને દીકરીને રજોહરણ આપી દીધું. એ દીકરીને બીજી એક મનની અંદર સમસ્યા હતી; કે ગુરુદેવ! તમે મારી દીક્ષા માટે આવ્યાં, અને તમને આ પગે વાગ્યું એથી મને દર્દ થાય છે. મારી દીક્ષા માટે આપ પધાર્યા અને આપને તકલીફ થઇ. શું એ ગુરૂદેવનો પ્રેમ ! કેટલી પ્રેમથી એમણે એ દીકરીને સમજાવ્યું. આપણે પણ ખુશ થઇ જઈએ, કે વાહ! શું તર્ક વાપરે છે! ગુરુદેવે કહ્યું; મારું ચોમાસું બહુ દૂર નક્કી થયેલું છે. પણ હું ભુજ આવ્યો છું. ત્યારથી કચ્છવાળાઓની ઈચ્છા છે કે તમે કચ્છમાં જ તમે રહો. પણ મેં તો વચન આપેલું છે, એટલે મારે દૂર જવાનું છે ચોમાસા માટે. પણ આ ફેક્ચર થયું છે, અને ડોક્ટર ના પાડશે, અને કચ્છમાં મારું ચોમાસું થશે. આખું કચ્છ તારા કારણે રાજી થશે. આવા સદ્ગુરુઓનું અસ્તિત્વ માત્ર અને માત્ર પ્રભુએ આપેલ પ્રેમને વિસ્તારવા માટે હોય છે. એમનું કામ પૂરું થઇ ગયું, પછી પ્રભુનું કામ એ કરતાં હોય છે.
આવી જ વાત હિંદુ પરંપરામાં રામકૃષ્ણ પરમહંસ માટે આવે છે. રામકૃષ્ણ પરમહંસ પરમ ઉદાસીન સંત. મારા જીવન તરફ ખુલતી એમની એક વાત કરું. સેંકડો પુસ્તકો વાંચ્યા – હજારો વાંચ્યા. રામકૃષ્ણ કથામૃતને પણ પીધું! એમાં વચ્ચે વચ્ચે ફોટોગ્રાફસ્ આવે છે. રામકૃષ્ણ પરમહંસ પલંગ પર બેઠેલા હોય. સેંકડો લોકો એમના દર્શન માટે આવેલા હોય. સામે બેઠેલા હોય. પરમહંસ ઉદાસીનદશામાં પોતાની ભીતર ખોવાયેલા હોય. કોઈ એકદમ નજીક આવે અને પ્રશ્ન પૂછે તો પ્રશ્નનો ઉત્તર આપી દે. ફરી પાછા પોતાની ભીતર જતાં રહે. આવા ફોટોગ્રાફસ્ પણ જોયાં. જે લોકો ત્યાં જઈને આવેલા. એમની વાતો પણ મેં સાંભળી. અને એ ક્ષણે મેં પ્રભુને પ્રાર્થના કરેલી કે પ્રભુ! મારે પણ આવી ઉદાસીનદશા જોઈએ છે. મારી હાલત છે ને કરોડપતિના દીકરા જેવી હતી. માંગો અને મળી જાય! પ્રભુને કહ્યું, મારે પણ આ ઉદાસીનદશા જોઈએ, મળી ગઈ.! પ્રભુએ આપી દીધી.! આજે બધાની વચ્ચે હોવા છતાં હું મારામાં છું.
ઉપાધ્યાયજી ભગવંતે કહ્યું; કે સાધક કેવો હોય? “સબ મૈ હૈ ઔર સબ મૈ નાહી, તું નટ રૂપ અકેલો; આપ સ્વભાવ વિભાવે રમતો, તું ગુરુ ઔર તું ચેલો” “સબ મૈ હૈ ઔર સબ મૈ નાહી” – પ્રેમરૂપે સદ્ગુરુ બધાને પ્રેમ આપશે. પણ, મૂર્છા, આસક્તિ, રાગ ક્યાંય નથી. ચેતના બધામાં વ્યાપક હોવા છતાં આસક્તિરૂપે, રાગરૂપે, ચેતના એક પણ વ્યક્તિત્વમાં જવા માટે તૈયાર નથી.
આપણું પાંચમું મહાવ્રત અપરિગ્રહ. પરિગ્રહ એટલે શું? ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું; “मुच्छा परिग्गहो वुत्तो”. તત્ત્વાર્થ સૂત્રમાં પણ કહ્યું; “मूर्च्छा परिग्रह:” તમારી ચેતના, તમારો ઉપયોગ પર વસ્તુમાં કે પર વ્યક્તિમાં કે પર એવા શરીરમાં જાય એનું નામ પરિગ્રહ. અપરિગ્રહનો અર્થ એ થયો કે તમારી ચેતના 24 કલાક સ્વમાં જ રહેવી જોઈએ. તમારો ઉપયોગ 24 કલાક સ્વમાં રહેવો જોઈએ. તો જ તમે અપરિગ્રહી. તો ઉદાસીનદશામાં આ થાય છે કે ઉપયોગ બહાર ક્યાંય જતો જ નથી. ઉપયોગ માત્ર સ્વમાં હોય છે. અને એક વાત તમને કહું; એકવાર ઉપયોગ સ્વમાં ગયો, અને એનો આનંદ તમે માણ્યો, પછી તમે પરમાં જઈ શકતા નથી. ન જાવ એમ નથી કહેતો! You can’t go.! તમે જઈ શકતા નથી.!
આખિર પરમાં કેમ જાવ છો? તમે તમારી અપૂર્ણતાને દૂર કરવા માટે સતત મથી રહ્યા છો. અને એમ થાય આની જોડે વાત કરું. એને પ્રભાવિત કરું. એ કહે વાહ! શું તમારું જ્ઞાન! અને એ રીતે એ તમારી પ્રશંસા કરે. તમારો અહંકાર પુષ્ટ થાય, તમને લાગે કંઈક પૂર્ણતા આવી. 25-50-100 લોકો એમની જોડેનો સંપર્ક ગમે છે કેમ? તમે તમારી જાતને અપૂર્ણ માનો છો અને બીજા દ્વારા, બીજાની પ્રશંસા દ્વારા, બીજાઓ તમને સારો કહે એના દ્વારા, બીજાઓ તમને recognize કરે એ દ્વારા પૂર્ણતાને પ્રાપ્ત કરવા મથો છો. પણ જે ક્ષણે તમને ખ્યાલ આવે, કે તમે સ્વયં સંપૂર્ણ છો. તમારી બીજાની જરૂર જ ક્યાં છે? તમે સ્વયં સંપૂર્ણ છો. હું પણ સ્વયં સંપૂર્ણ છું. તમે પણ સ્વયં સંપૂર્ણ છો. કોઈની જરૂરિયાત નથી.
એક પ્રભુનો મુનિ, એક પ્રભુની સાધ્વી સ્વયં સંપૂર્ણ..! એને પરની કોઈ પણ આવશ્યકતા નથી! શરીરને રોટલી-દાળ જોઈએ છે એ મળ્યા કરે છે. મનને, તમારા મનને કોઈ જ જરૂરિયાત નથી! સામાન્યતયા શરીરની જરૂરિયાત આમ પણ બહુ ઓછી છે. રોટલી-દાળ, એક ઝુંપડું. જરૂરિયાત મનની જ વધારે છે. સેંકડો લોકો મને સારો માને….
એક ફિલોસોફરે કહ્યું છે; કે બીજા મને સારો માને એના માટે માણસ જેટલી મહેનત કરે છે, એના દસમાં ભાગની મહેનત ખરેખર સારો થવા માટે કરે ને તો એ સારો થઇ જ જાય. પણ મહેનત ઉંધી ચાલે છે. બીજા મને સારો ગણે. તો એક સંયમીના, એક સાધકના મનને કોઈ જ જરૂરિયાત નથી.! એ સ્વયં સંપૂર્ણ છે.
મને પુસ્તકો જોઈતા હતાં. એક વિહાર કરું. નવા 15-20 પુસ્તકો મારી પાસે હોય. અને 15 દિવસમાં વંચાઈ જાય. પ્રભુએ કૃપા કરી, કે એ શબ્દો પણ છૂટ્યા! વાંચવાનું પણ ગયું! એ પણ એક પરાધીનતા હતી પુસ્તકો રાખવાની. એ પણ પ્રભુએ લઇ લીધી! વાંચવાનું લગભગ છૂટી ગયું. સારામાં સારા પુસ્તકો ટેબલ ઉપર આવ્યા કરે, હું ટાઈટલ જોઈ લઉં. પાનાં ફેરવી નાંખું. સો માંથી એકાદ પુસ્તક જ મને વાંચવા યોગ્ય લાગે.
તો રામકૃષ્ણ પરમહંસ પરમ ઉદાસીનદશા. પણ એક contradiction – એક વિરોધાભાસ એમના જીવનમાં લાગતો. ક્યારેક સાંજના સમયે રસોડા ઉપર પહોંચી જાય. આશ્રમના રસોડે. આજે શું બનાવ્યું છે જમવામાં…? ક્યારેક કોઈ સંદેશ કે ચેવડો લઈને આવે. તો જાહેરમાં ફાકવા માંડે! એમના પત્ની અને પાછળથી એમના ઉત્તરાધિકારિણી માતાએ કહ્યું; કે તમે આ રીતે જાહેરમાં ખાવ, આ રીતે રસોડામાં પૂછવા આવો, એ બરોબર લાગતું નથી. એ વખતે રામકૃષ્ણ પરમહંસે એક રહસ્ય ખોલ્યું; એમણે કહ્યું, મારી નૌકા હવે છુટું છુટું થઇ રહી છે. પણ બીજી બાજુ મને ઈશ્વરનો સંદેશ સંભળાય છે કે તારે હજી રોકાવાનું છે. રોકાવાનું છે… રોકાવાનું છે… તો હોડી છુટું છુટું થતી હોય, અને હોડીને કિનારે લાંગરી જ રાખવી હોય, તો લંગરથી એને બાંધવી પડે. એમાં ભોજનનો રસ જે છે એનાથી મારી જીવનની નાવને મેં બાંધી છે. ઈશ્વર મને કહે છે; કે થોડા વર્ષ રોકાઈ જા. વિવેકાનંદ જેવા શિષ્યોને તૈયાર કરીને આપ ! તારું એક કામ પતાવી દે, પછી તું મારી પાસે આવ ! અને થોડા સમય પછી એવું બન્યું; સાંજે કહેવામાં આવ્યું; જમવાનો સમય થયો છે ચાલો. તો એમણે કહ્યુ, આજે જમવાનું નથી. આજે ઈચ્છા નથી જમવાની. એ જ રાત્રે મહાપ્રયાણ.
તો આ ઉદાસીનદશા આપણને મળે! દેવચંદ્રજી મ.સા. ચારિત્ર માટે ઉદાસીનદશા શબ્દ જ વાપરે છે. જ્ઞાન અને દર્શન માટે જાણંગભાવ શબ્દ વાપરે છે, અને ચારિત્ર માટે ઉદાસીનભાવ શબ્દ વાપરે છે.
તો કલાપૂર્ણસૂરિ દાદા આપણા યુગમાં આવેલા એક શ્રેષ્ઠ ગુરુ જેમને આપણે પ્રભુ તરીકે માનતા હતા. કારણ એક જ હતું કે એમણે પોતાના હૃદયને ખાલી કરી નાંખ્યું; અને એ હૃદયના ખાલીપણામાં પરમચેતના આવીને બિરાજમાન થઇ. આ વાત આપણા બધા માટે લાગુ પડે છે. જે-જે વ્યક્તિ પોતાના હૃદયને રાગ, દ્વેષ અને અહંકારથી ખાલી કરી દે, એના હૃદયની અંદર પરમ ચેતનાનું અવતરણ થયા વગર રહે જ નહિ. એટલે જ સદ્ગુરુનું કામ એ જ છે; તમારા હૃદયને ખાલી કરવું. અને પછી પરમ ચેતના તમારા હૃદયમાં અવતરિત થાય છે. આ પ્રભુનો પ્રસાદ મળે એના માટે છ ચરણો આપણે જોતા હતાં.
વચ્ચે પેલી વાત આપણી હતી. મહિલા પ્રોફેસર જર્મનીથી તિબેટ આવ્યાં. પહેલા અઠવાડિયે ગુરુએ સમજાવ્યું; how to bow? કઈ રીતે ઝૂકવું? એક અઠવાડિયા સુધી ગુરુના પ્રવચનો માત્ર નમસ્કાર ભાવ ઉપર હતાં. કે તું ઝુકે છે મસ્તકથી ઝુકે છે; મનથી ઝૂકતી નથી. માત્ર શરીર ઝુકે એ નહિ ચાલે; તારું મન ઝૂકવું પડશે! ‘નમો લોએ સવ્વસાહૂણં’ નવકારવાળી ગણો છો. બધા જ સાધુ ભગવંતોને, બધી જ સાધ્વીજી ભગવતીઓને મનથી ઝૂકવાનું થયું? મનથી ઝૂકવાનું થયું એટલે, એમની પાસે જે પંચ મહાવ્રત છે, એની ઈર્ષ્યા તમને આવી? મને આ ક્યારે મળે?
બીજું અઠવાડિયું શરૂ થયું અને ગુરુએ કહ્યું; હવે તું આવે પહેલા મને વંદન કરે એ બરોબર છે. એ પછી આશ્રમમાં જેટલા ભિક્ષુઓ છે એ બધાને ઝૂકવાનું, વંદન કરવાનું, અને છેલ્લે મારી પાસે આવી અને વાચના લેવાની. 100 – 150 ભિક્ષુઓ હતાં. પ્રોફેસર પોણા ત્રણે આવતાં હતાં. એ હવે દોઢ વાગે આવવા માંડ્યા. દોઢ વાગે ગુરુને વંદન કરે. પછી બધા જ ભિક્ષુઓને વંદન કરે. આ શું કર્યું? થીયરીકલી જે સમજાવ્યું હતું, એને ગુરુ practical સ્તર ઉપર લઇ ગયા.
અમારું પાલીતાણા ચોમાસું હતું, અરવિંદસૂરિ દાદાની નિશ્રામાં. રત્નસુંદરસૂરિ મહારાજ પણ જોડે. હિંમતભાઈ બેડાવાલા એ ચોમાસામાં હતાં, સાધક તરીકે. ઘણીવાર બપોરે મારી પાસે આવે, પણ આ જ પદ્ધતિ. ગુરુદેવને વંદન કરે. મને વંદન કરે. ક્રમસર બધાને વંદન કરી લે. છેલ્લે ફરીથી મારી પાસે આવે. મને વંદન કરે. વાયણાના આદેશ લે. અને પછી મારી પાસે વાચના લેવા માટે બેસે. એમની સાધના, હિંમતભાઈની, એટલી ઉંચી હતી, કે મારા કેટલાક શિષ્યો એમને કહેતાં કે હિંમતભાઈ તમે અમને વંદન કરો છો અમને શરમ આવે છે, અને એ વખતે હિંમતભાઈની આંખમાં આંસુ રહેતાં. સાહેબ તમારી પાસે પાંચ મહાવ્રત છે. તમારી પાસે પ્રભુની ચાદર છે. મારી પાસે ક્યાં છે?
તો ગુરુએ બીજા અઠવાડિયે practical form ની અંદર આ સાધના આપી. હવે 150 ભિક્ષુઓને વંદન કરવાના, અને ગુરુએ સમજાવ્યું છે એ રીતે. ઝૂકવાનું કેટલું ઘટિત થઇ જાય. ત્રીજું અઠવાડિયું શરૂ થયું; અને ગુરુએ કહ્યું, કે હવેથી આશ્રમમાં જે ઘાટી, નોકર-ચાકર, છે, એ બધાને પણ પગે લાગવાનું. ભિક્ષુઓને પગે લાગીને બધા જ નોકર-ચાકરને પગે લાગવાનું. એનામાં રહેલા સિદ્ધત્વને પ્રણામ કરવાના. તમે તમારા નોકરને ક્યારેય પગે લાગો? પ્રેમથી એને બોલાવો ખરા? દેરાસરનો પુજારી હોય. તમે મુંબઈ રહો છો. સુરત આવ્યા. ગોપીપુરા તમે રહેતા હતા. તમને ખબર છે કે ગોપીપુરા ખાલી થવા આવ્યું છે. એ ગોપીપુરાનો પુજારી શું આવક હોય એની પાસે? પગારમાં માંડ નભતું હોય. તમે મુંબઈથી આવ્યાં, તમારું દેરાસર. તમારા ભગવાન. અને એ પુજારી જે છે, તમે આવો ત્યારે શું કરો? ૨૦૦૦ની નોટ આપતાં જાવ. પુજારી હોય તો એને, ઉપાશ્રયમાં કચરો વાળનાર હોય તો એને, ગુરુદેવ પાસે કોઈ સેવક હોય તો એને. પ્રણામ ભલે ન કરો. યાદ તો કરો કે ન કરો?
ચોથા અઠવાડિયે ગુરુએ સાધના આપી; કે આશ્રમમાં કેમ્પસમાં જેટલા વૃક્ષો છે એ વૃક્ષોને પણ પ્રણામ કર ! એટલે હવે 11 વાગ્યાથી આવવાનું શરૂ થઇ ગયું. ભિક્ષુઓને પ્રણામ, નોકર-ચાકરોને પ્રણામ, અને પછી વૃક્ષોને પ્રણામ. એક-એક વૃક્ષ પાસે જઈને ઝુકવાનું..
ઉત્તર ગુજરાતમાં ભીલડીયાજી તીર્થ. ભીલડીયાજી અને ડીસા વચ્ચે એક વિહારધામ છે. એક વખત ભીલડીયાજી થી અમે લોકો એ વિહારધામમાં આવ્યા. વિહારધામમાં વૃક્ષો પુષ્કળ અને એને કારણે ભીલડીયાજીમાં જે ગરમી લાગી હતી, એના કરતાં બે થી ત્રણ point ગરમી ઓછી લાગી. ઘણા બધા મુમુક્ષુઓ જોડે હતાં. સાંજે ચાર એક વાગે મારી પાસે વાચના લેવા આવ્યાં. ત્યારે મેં વાચનામાં એમને પૂછ્યું; કે ગઈ કાલે ગરમી ખુબ હતી. તમે સ્વાધ્યાય બરોબર નહિ કરી શક્યા. આજે તમારો સ્વાધ્યાય કેવો રહ્યો? તો કહે આજે બહુ સારો રહ્યો. મેં કહ્યું; કોના કારણે? Due to the trees. આ વૃક્ષોને કારણે. તમારો સ્વાધ્યાય સારો થયો, એ આ વૃક્ષોને કારણે. એ વૃક્ષોને તમે ઝુક્યા મેં કીધું? મેં કહ્યું; સાંજે ઠંડક થાય ત્યારે એક-એક વૃક્ષ પાસે જઈ ઝુકજો; અને કહેજો કે તમારાથી અમારી સાધના આજે બહુ સારી થઇ!
કુમારપાળ મહારાજાએ સંઘ કાઢેલો. પાટણથી પરમપાવન શત્રુંજય તીર્થનો. હેમચન્દ્રાચાર્ય ગુરુની નિશ્રામાં. એવું બને ગુરુદેવ સામે ગામ પધારી જાય. સંઘવાળા રાહ જોતા હોય. ગુરુદેવ પધારે પછી કલાક – બે કલાકે કુમારપાળ રાજા આવે અને ઉદયન મંત્રી જોડે હોય. તો સંઘને દોઢ કલાક ખોટી થવું પડે. તો ગુરુદેવને એ ગમે નહિ. સંઘ એટલે એક ઉચ્ચ કક્ષાનું સંઘટન, અને એને આટલી તકલીફ થાય એ કેમ ચાલે? ઉદયન મંત્રીને ગુરુએ બોલાવ્યા. અને ગુરુએ કહ્યું કે તમને લોકોને આટલી બધી વાર કેમ લાગે છે? શું રાજા ધીરે ધીરે ચાલે છે? તો કહે; કે ના સાહેબ. કુમારપાળ રાજાની speed બહુ સારી છે. તો આટલી વાર કેમ લાગે છે? એ વખતે ઉદયન મંત્રીએ કહ્યું; સાહેબ! જેટલા વૃક્ષો રસ્તામાં આવે છે, એ વૃક્ષોને કુમારપાળ રાજા પ્રદક્ષિણા આપે છે, વંદન કરે છે અને કહે છે; કે હું અઢાર દેશનો માલિક છું પણ મારા યાત્રીકોને કપડાંના તંબુમાં રાખું છું. બપોરે એ લોકો ગરમીમાં હેરાન થાય છે. પણ, અહીંથી મારા યાત્રિકો નીકળ્યા હશે, કોઈ હજુ બાકી હશે, અહીંથી નીકળશે. હે વૃક્ષરાજ! તમે કેટલી ઠંડક એમને આપો છો. હું જે નથી આપી શકતો, એ તમે આપો છો; હું તમને નમસ્કાર કરું છું! નમસ્કાર ભાવને એકદમ expand કરવો છે… There should be the depth. ઊંડાણ પણ જોઈએ, અને વિસ્તૃતીકરણ પણ જોઈએ, અને એક નમસ્કાર ભાવ આવી ગયો, હૃદય થઇ ગયું ખાલી; અને એ ખાલી હૃદયમાં પરમ ચેતનાનો પ્રવેશ થઇ જાય.
કલાપૂર્ણસૂરિ દાદાના હૃદયમાં પ્રભુનું અવતરણ થયેલું. તમારા બધાના હૃદયમાં પણ પ્રભુનું, પરમચેતનાનું અવતરણ થઇ શકે. માત્ર આટલું જ કરવાનું છે; હૃદયને રાગ, દ્વેષ અને અહંકારથી ખાલી બનાવવાનું છે. એ અહંકારભાવ જાય, એના માટે નમસ્કાર મહામંત્ર આપણને મળ્યો છે.
