Param Sparsh Ni Yatra – Vachana 05

17 Views
29 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : સાધના-દીક્ષા-દાતા સદ્‍ગુરુ

  • તમે પણ જૂના જોગી છો! પ્રભુનાં પ્યારાં પ્યારાં શબ્દો સાંભળવા તમને ગમે છે – એ જ બતાવે છે કે તમારી સાધનાના મૂળિયાં જન્મોને ભેદીને ઊંડા ગયેલા છે!
  • કોઈ પણ સાધકને શું સાધના આપવી અને કેવી રીતે આપવી – એ સદ્‍ગુરુનો વિષય છે; સાધકે તો માત્ર સમર્પિત થઈને બેસી જવાનું હોય છે.
  • સદ્‍ગુરુ તમારી જન્માંતરીય ધારાને જોઈને આ જન્મમાં પણ તમને તે જ ધારામાં વહેવડાવશે.

પરમ સ્પર્શની યાત્રા – વેસુ ચાતુર્માસ વાચના –

આપણી સાધના આપણને નાનકડી લાગે. કારણ? ખ્યાલ આવી ગયો કે સાધના માત્ર કૃપા-સાધ્ય છે, પ્રસાદ-સાધ્ય છે, પ્રયાસ-સાધ્ય નથી. લોગસ્સ સૂત્રમાં એક બહુ મજાની પ્રાર્થના છે: “તિત્થયરા મે પસિયંતુ.” ભક્ત કહે છે  કે, પ્રભુ! તારી કૃપા સતત મારા પર વરસ્યા કરો અને એ કૃપાને હું સતત ઝીલ્યા કરું. પ્રભુની કૃપા સતત વરસી રહી છે. તો, આ પ્રાર્થનાનો લય એ છે કે, પ્રભુ! પ્રસાદ પણ તું વરસાવ, કૃપા પણ તું વરસાવ અને એને ઝીલવા માટે મને તૈયાર પણ તું કર. બધું જ પ્રભુ પર આપણે છોડી દેવું છે. કૃપા તું વરસાવ. એ કૃપાને ઝીલવા માટે સદગુરુને મોકલવાના હોય, તો સદગુરુને પણ તું મોકલી આપ. પણ કોઈ પણ રીતે તારી શ્રદ્ધાની વર્ષાને હું સતત ઝીલી શકું એવું તું કરી આપ. સદગુરુ શક્તિપાત માટે આપણને સજ્જ કરે. અને જે ક્ષણે આપણે સજ્જ થયા, એ ક્ષણે સાધના આપણને આપે છે. સદગુરુના પાંચ કાર્યોની આજે વાત કરવી છે. સદગુરુ શું કરે છે તમારા ઉપર?

આજના યુગમાં એક બહુ સરસ પુસ્તક લખાયું છે, An Autobiography Of A Yogi. સ્વામી યોગાનંદે એ પુસ્તક લખ્યું છે, best Seller પુસ્તક છે. એ સ્વામી યોગાનંદ 15 વર્ષની વયે પોતાના કુળગુરુ યુક્તેશ્વરગિરિના ચરણોમાં ગયા. ગુરુને કહ્યું, મને સાધના દીક્ષા આપો, મને ભણાવો. ગુરુએ ગ્રંથ ભણાવવાનું ચાલુ કર્યું. અઠવાડિયું થયું, યોગાનંદજીને લાગ્યું કે ગુરુ બહુ ધીમે-ધીમે-ધીમે મને ભણાવે છે, મારે તો જલદીમાં-જલદી યોગના શિખર ઉપર પહોંચી જવું છે. સાધના પૂરેપૂરી સદગુરુના હાથમાં હોય છે. સદગુરુ સાધના કઈ રીતે આપે- એ સદગુરુનો વિષય છે. સાધકે તો માત્ર સમર્પિત થઈને બેસી જવાનું હોય છે. પણ આ વાત યોગાનંદજીના ખ્યાલમાં નહોતી. અઠવાડિયા પછીની એક રાત્રે ગુપચુપ આશ્રમમાંથી નીકળી ગયા. બીજા ગુરુ પાસે ગયા, ત્યાં અઠવાડિયું રોકાયા  ત્યાં પણ મજા નહિ આવી, ત્રીજા આશ્રમમાં! બે મહિનામાં પાંચ આશ્રમ ફેરવી નાખ્યા. પણ છેલ્લે લાગ્યું કે મારા ગુરુ પાસે હતો, હું એ જ બરોબર હતો. એક રાત્રે પોતાના ગુરુ યુક્તેશ્વરગિરિના આશ્રમમાં યોગાનંદજી ગુપચુપ આવી ગયા. બીજી સવારે ગુરુ પાસે ગયા. ગુરુએ એટલા જ પ્રેમથી, જ્યાંથી ગ્રંથ અધુરો હતો, ત્યાંથી ભણાવવાની શરૂઆત કરી. ગુરુ એ પૂછતા નથી કે, તું ક્યાં ભાગી ગયો હતો? 

સાધકનાં  જીવનમાં સાધક ગુરુને પૂછ્યા વિના કશું જ કરી શકે નહિ. આ ભાઈ સાહેબ ભાગી ગયેલા, ગુરુ કશું જ પૂછતા નથી; માત્ર પ્રેમથી ભણાવ્યા કરે છે. યોગાનંદજીને લાગ્યું આજે પહેલો દિવસ છે, એટલે ગુરુ મને લડતા નથી. કાલે તો જરૂર લડશે કે ક્યાં ભાગી ગયો હતો? બીજા દિવસે એ જ પ્રેમથી ગુરુ ભણાવે છે. ત્રીજો દિવસ –  એ જ પ્રેમ ગુરુનો! યોગાનંદજી ધ્રુસકે-ધ્રુસકે રડે છે કે, ગુરુદેવ તમારી પાસે મેં સાધના દીક્ષા લીધી. તમને પૂછ્યા વગર હું ભાગી ગયો, તમે મને લડતા કેમ નથી? એ વખતે યુક્તેશ્વરગિરિએ કહેલું કે, બેટા! ગુરુના પ્રેમની નદીને કિનારા નથી હોતા. આ કિનારા વગરની પ્રેમની નદીમાં આપણને બધાને વહેવાનું મળ્યું છે.

એક સવાલ તમને કરું, રોજ તમે પ્રતિક્રમણમાં સવ્વસવિ બોલો. ભલે ગુરુદેવ બોલે, તમે મનમાં બોલો. વંદિતા પહેલા જે સવ્વસવિ સૂત્ર આવે છે, એ બહુ જ અદભુત છે. સાધકની આંખમાં આંસુ છે. અને પૂછે છે કે ગુરુદેવ! દિવસ દરમિયાન ખોટું વિચારાઈ ગયું, ખોટું બોલાઈ ગયું, ખોટું કરાઈ ગયું. હું શું કરું? સવ્વસવિ, દેવસિઅ, દુચ્ચિંતિઅ, દુબ્ભાસિઅ, દુચ્ચિટ્ઠિઅ, ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સદગુરુ એટલા જ પ્રેમથી કહેશે, પડિકકમેહ!  બેટા પાછો ફર.

કોઈ સદગુરુ એ તમને પૂછ્યું કે ભાઈ કેટલા વર્ષથી પ્રતિક્રમણ કરે છે? રોજ બોલવાનું, ખોટું વિચાર્યું, ખોટું બોલ્યું, ખોટું કર્યું, હું શું કરું? અને 20-20 વર્ષથી, 30-30 વર્ષથી અમે કહેતા આવ્યા છીએ પડિકકમેહ! તારે પાછા ફરવું નથી અને રોજ આ રાડો પાડવી છે. પડિકકમેહ, એ શબ્દ ગુરુના પ્રેમથી સભર છે. ગુરુની પાસે માત્ર અને માત્ર પ્રેમ છે. 

નાનકડી દીકરી હોય પાંચ વર્ષની, એને શરદી થઈ ગઈ. મા એ એને Vicks ઘસી આપ્યું. શરદીની ટીકડી આપી. પછી મા એ કહ્યું બેટા, Ice Candy બે-ચાર દિવસ ખાવાની નહિ. મમ્માએ એને બ્લેન્કેટ ઓઢાડીને સુવાડી દીધી. મમ્મા રસોઈના કામમાં ગઈ અને Ice Candy વાળાની ઘંટડી સંભળાઇ. બ્લેન્કેટ ફગાવીને બેબી સીધી નીચે! લાવો Ice Candy! ખાધી! શરદી પાછી ચાલુ થઈ ગઈ. બીજે તો ક્યાં જાય દીકરી? માની પાસે આવી. મા! શરદી થઈ ગઈ. મા એને પૂછે છે, આઈસ કેન્ડી ખાધી? તો કે હા! મેં ના પાડી હતી ને? મા ખવાઈ ગઈ. એ બેબી બે દિવસ, ત્રણ દિવસ, ચાર દિવસ, પાંચ દિવસ, રોજ Ice Candy ખાય અને રોજ શરદીની ફરિયાદ કરે, તો મા પણ શું કરે? કંટાળી જાયને? તને કેટલી વાર કહ્યું, પણ Ice Candy નહિ ખાવાની? અને સદગુરુ પડિકકમેહ વર્ષોથી તમને કહેતા આવ્યા છે છતાં એ જ પ્રેમ સદગુરુની પાસે છે. 

સદગુરુના આપણી ઉપરના પાંચ કાર્ય છે. પહેલું કાર્ય છે: સદગુરુ આપણા માટેની યોગ્ય સાધના આપણને આપે છે. વિનયની સાધના મજાની, વેયાવચ્ચની મજાની, સ્વાધ્યાયની મજાની, ભક્તિની મજાની! તમારી સાધનાને Route કયો આપવો એ સદગુરુ નક્કી કરશે. તમારી જન્માંતરીય ધારા હશે તો એને જોઈને સદગુરુ જન્માંતરીય ધારામાં વહેવડાવશે. 

હું ઘણીવાર કહું, એક સાધક મારી પાસે આવ્યો છે. બની શકે ત્રણ-ચાર જન્મથી એ સાધકને ગુરુચેતનાએ વેયાવચ્ચની ધારામાં મુકેલો હોય. મને એની જન્માંતરીય ધારાનો ખ્યાલ ન આવે અને હું એને સ્વાધ્યાયની ધારામાં મૂકું તો ગુરુ તરીકે હું Totally Fail ગયેલો માણસ છું. જે તમારી જન્માંતરીય સાધના છે એ જ સાધનામાં તમને મૂકવા છે. અને એટલે જ હું ઘણીવાર કહું છું તમે કંઈ નવા નિશાળિયા નથી. તમે બધા જ જુના જોગી છો. પ્રભુના પ્યારા-પ્યારા શબ્દો સાંભળવા તમને ગમે છે, એ બતાવે છે કે તમારી સાધનાના મૂળિયા જન્મોને ભેદીને ઊંડા ગયેલા છે. સદગુરુ તમારા માટેની Appropriate સાધના તમને આપે છે.

તિબેટની અંદર નારોપા નામનો એક વિદ્વાન થયો. એટલો મોટો વિદ્વાન કે એ વખતની વિદ્યાપીઠોની અંદર પણ એ ભણાવવા જતો. પૂરા તિબેટની અંદર પહેલા નંબરના વિદ્વાન તરીકે એની ખ્યાતિ હતી. પણ એકવાર એને લાગ્યું કે આ વિદ્વતાનો શું અર્થ છે? હું વિદ્વાન તો છું જ પણ એનો અહંકાર પણ મને છે. એને થયું આ જન્મ સાર્થક ત્યારે જ, જ્યારે સદગુરુ પાસેથી મને સાધના મળે! 

આપણે ત્યાં છે ને, વ્યાખ્યાન સાંભળવા આપણે આવીએ. પહેલાની પરંપરા આખી જુદી હતી. પહેલા પ્રવચન સાંભળવા કોઈ પણ જાય તો એ ગુરુના શબ્દો લેવા માટે નહોતો જતો. એ ગુરુ પાસેથી સાધના લેવા માટે જતો હતો. સાધના સદગુરુ જ આપે. તમારા માટેની Appropriate સાધના કઈ એ ગુરુ જ નક્કી કરે. પણ સૌથી પહેલા મારો જન્મ સાર્થક ક્યારે? જ્યારે પરમાત્માનું મિલન મને થઈ જાય અને પરમાત્માની સાધના મને મળી જાય. આવી ઝંખના આપણી ભીતર હોય ત્યારે. એક ઝંખના, આ જન્મની અંદર પ્રભુ મળવા જ જોઈએ અને એ પ્રભુની સાધના મને મળવી જ જોઈએ. અહીંયા આપણે બધા જ આવ્યા છીએ પ્રભુ શાસનમાં; એ માત્ર અને માત્ર પ્રભુની પ્રાપ્તિ માટે અને પ્રભુની સાધનાની પ્રાપ્તિ માટે આવ્યા છીએ. 

મિલારેપાને સાધનાની ઝંખના જાગી. પુરા તિબેટની અંદર નંબર એકના સદગુરુ હતા નારોપા! મિલારેપા નારોપા ગુરુ પાસે જાય છે, ગુરુના ચરણોમાં ઝુકે છે અને કહે છે ગુરુદેવ, મને સાધના દીક્ષા આપો. આપણે ત્યાં ત્રણ જાતની દીક્ષા છે. મંત્ર દીક્ષા, સાધના દીક્ષા અને જીવનવ્યાપિની દીક્ષા. તમે ઉપધાન કોઈપણ સદગુરુની નિશ્રામાં કર્યો અને એ સદગુરુએ તમને નમસ્કાર મહામંત્ર આપ્યો. તો એ વખતે તમને મંત્ર દીક્ષા મળી. પછી એક બીજા ગુરુ સાધના દીક્ષાના દાતા! 

ધારો કે તમને રોજના ત્રણ કે ચાર કલાક સાધના માટે મળે છે. આપણે તો 24 કલાક છે! તમને ત્રણથી-ચાર કલાક સાધના માટે મળે છે તો એમાં સાધના કઈ રીતે કરવી, એનું આખું Composition સદગુરુ તમને આપશે. કે ચાર કલાક તમને મળે છે વાંધો નહિ. એ ચાર કલાકમાં પ્રતિક્રમણ, સામાયિક, વાચના, ભક્તિ આ રીતે કરવાનું છે. એક સદગુરુ આપણા માથે જોઈએ. કેવા સદગુરુ ખબર છે? એક ભક્ત એક સદગુરુ પાસે ગયેલો. એ ભક્ત પોતાના સદગુરુથી કશું છુપાવતો નહોતો. રજ માત્ર વાત પણ ગુરુથી છાની ના હોય. એની પાસે કેટલી સંપત્તિ છે, એ પણ ગુરુ ને ખબર! એકવાર એ ભક્ત ગુરુની પાસે આવ્યો અને એ ણે કીધું સાહેબ એક ફેક્ટરી સારી જગ્યાએ નખાઈ રહી છે, એમાં હું પાર્ટનર બની શકું એમ છું. મારે રોકાણ બહુ ઓછું કરવાનું છે, પ્રોફિટ વધારે મળે એમ છે. ગુરુને પૂછવા આવે છે અને એ વખતે સદગુરુ એને ઝાડે છે. એ સદગુરુ કહે છે, તારું પેટ ભરાઈ ગયું, તારો પટારો ભરાઈ ગયો, હવે કર્માદાનના ધંધા તારે કરવા છે? નથી કરવાના! આવા સદગુરુ તમે રાખ્યા છે?

હું ઘણીવાર કહું, ડોક્ટર કેવા ગમે બોલો? તમારે ફેમિલી ડોક્ટર તરીકે રાખવાના હોય તો એ ડોક્ટરની સજ્જતા શું હોવી જોઈએ? ડોક્ટર Handsome હોવો જોઈએ, રૂપાળો હોવો જોઈએ મીઠું બોલનારો કે કડવું બોલનારો હોય તો પણ ચાલે! પણ એના વિષયમાં એ નિષ્ણાંત હોવો જોઈએ. તમને સદગુરુ કેવા ગમે? તમને પંપાળે એવા કે તમને ખોતરે એવા? બહુ સરસ, તારી સાધના તુ બહુ સરસ કરે છે, એવું સદગુરુ કહે તો ગમે કે તમારી સાધનાની ઉણપ કોઈ સદગુરુ બતાવે તો એ તમને ગમે? 

મારી પાસે ઘણા સાધકો આવતા હોય છે, એમની આંખમાં આંસુ હોય છે. એ વંદન પણ પૂરું કરી શકતા નથી, ડુસકા જ ડુસકા હોય છે. ધીરે-ધીરે શાંત થયા પછી એ કહે છે ગુરુદેવ, રોજના ત્રણ સામાયિક કરું છું અને છતાં સમભાવ મને કેમ ના મળે? Where Is My Fault? તમે સાધના કરો છો, સરસ! તમને ધન્યવાદ આપું છું. પણ તમારી સાધનામાં જ્યાં પણ અવરોધ છે, જ્યાં પણ Fault છે, એના માટે સદગુરુ પાસે આવવાનું અને સદગુરુ તમારા અવરોધને દૂર કરી દેશે. ગુરુએ જોયું કે, મિલારેપા સાધના દીક્ષાની વાત તો કરે છે. પણ એ સાધના આપવી ક્યાં? એનું મન, એનું હૃદય અહંકારથી ભરાયેલું છે. એટલે જ મેં પહેલા એક વાત કરી, કે બની શકે તો વાચના અને પ્રવચનના સમયની 10-15 મિનિટ પહેલા તમે આવી જાઓ. અહીંયા આવ્યા પછી નમસ્કાર મહામંત્રના જાપમાં તમે ખોવાઈ જાઓ. એ નમસ્કાર મહામંત્ર તમારા ચિત્તને શુદ્ધ કરી દેશે. થોડા પ્રશ્નો હતા, થોડી મૂંઝવણ હતી, બધું બહાર મૂકીને તમે આવ્યા. નવકાર મંત્રનો જાપ કર્યો, તમારું મન એકદમ શાંત થઈ ગયું અને પછી સદગુરુના શબ્દો, પ્રભુના શબ્દો એ ભૂમિકા ઉપર પડે તો શું થાય? એ એક-એક શબ્દ અંકુરિત થાય, પુષ્પિત અને ફલીત થાય.

એક સદગુરુની વાત આવે છે કે, એમની પાસે એક સાધક આવ્યો. સાધકને ખાલી દસ મિનિટનો ટાઈમ હતો. એને જવું પડે એમ હતું. તો એણે વિનંતી કરી, ગુરુદેવ મને કંઈક હિતશિક્ષા આપો. ગુરુ તૈયાર હતા. We Are Ever Ready. અમે હંમેશ માટે તૈયાર! ગુરુ તૈયાર હતા, છતાં ગુરુ બોલ્યા નહિ. ગુરુ એ જોવા માંગતા હતા કે એના મનની ભૂમિકા એકદમ શાંત થાય પછી બે ત્રણ શબ્દ આપીશ ને, તો પણ એના જીવન માટેનું એ ભાતું બની જશે. દસ મિનિટ થઈ. પેલાને જવું પડે એમ હતું, એ જાય છે. પંદરેક ડગલાં એ ચાલ્યો અને ત્યારે ગુરુએ કહ્યું ‘ઉભો રે, પાછો ફર!’ બે જ વાક્યો. ઉભો રે, પાછો ફર. પહેલા તો પેલો સાધક સમજ્યો કે ગુરુ મને પાછા બોલાવી રહ્યા છે હિતશિક્ષા માટે. માટે એ ગુરુ તરફ Turn થયો અને ગુરુ સામે એનુ મુખ મંડાયુ. ગુરુ હસતા હતા. એ સમજી ગયો કે ગુરુએ પુરી હિતશિક્ષા, પૂરા જીવન માટેની મને આપી દીધી! બે જ વાક્યમાં. ઉભો રે, તું પરભાવમાં જઈ રહ્યો છે. રાગ, દ્વેષ અને અહંકારમાં જઈ રહ્યો છે, ઉભો રે અને પાછો ફર! જે અમે સવ્વસવિમાં પડિક્કમેહ દ્વારા કહીએ છીએ, એ જ ગુરુએ કહ્યું. એક Appropriate ટાઈમ મળી ગયો. બે જ વાક્યો અને સાધક માટે પૂરા જીવનનું ભાતું થઈ ગયું. 

હવે ગુરુ નારોપાને થયું કે મિલારેપાને સાધના જોઈએ છે, પણ અહંકારી ચેતના છે. અને અહંકારી ચેતનાને સાધના કઈ રીતે આપી શકાય? પહેલા એના અહંકારને તોડવો પડે. એ ગુરુએ કહ્યું, સાધના દીક્ષાની વાત પછી, તું હમણા અહીંયા રહે. એક કુટીર બનાવવાની છે. એના માટે નજીકના પહાડમાંથી પથ્થરો તોડી લાવવાના છે. કાલે સવારે નાસ્તો કરીને, તું જજે અને ગાડું ભરીને પથ્થર લઈને આવજે. મિલારેપા સમજે છે કે ગુરુની Conditionએ જ સાધના થઈ શકે. 

એક શહેરમાં હું ગયેલો. મારા પ્રવચનો ચાલતા હતા. શનિવારના દિવસે મેં પ્રવચનમાં કહ્યું કે, રોજ હું પ્રવચન આપું છું. આવતીકાલે આપણે એવો એક પ્રયોગ કરી શકીએ કે હું એક કલાક નહિ, દોઢ કલાક કાલે પ્રવચન આપું. પણ સમય નક્કી નહિ. સવારના 8:00 થી સાંજના 6:00 સુધીમાં ગમે ત્યારે દોઢ કલાક પ્રવચન આપું. રવિવાર છે, તમારી ઝંખના કેટલી? ભલે અત્યારે તમારી અનુકૂળતા પ્રમાણે અમે આપીએ. પણ મારે તમને એવા તૈયાર કરવા છે કે તમે મારી ધારામાં આવી જાઓ. પર્યુષણ સુધીના મારા પ્રવચનો લગભગ એવા રહેશે, કે જેમાં હું તમારી જે ધારા અત્યારની છે ત્યાં આવું છું. સદગુરુની કરુણા સદગુરુનો પ્રેમ તમારા સુધી આવે છે અને પર્યુષણ પછીના પ્રવચનોમાં હું તમને મારી જોડે લઈ જઉં છું. જે સાધનાનું ઊંડાણ પ્રભુની કૃપાથી મને મળ્યું છે, એ ઊંડાણમાં હું તમને લઈ જઉં છું એટલે મને બેય રીતે વાંધો નથી. તમારા સ્તર પર આવીને મને બોલવામાં વાંધો નથી અને એમાં તમે તૈયાર થઈ ગયા તો મારા સ્તર ઉપર મારે તમને જરૂર લઈ જવા છે. આપણે છીએ ને માત્ર શ્રોતા નથી, શ્રાવક છીએ. કાનથી સાંભળે તે શ્રોતા; હૃદયથી સાંભળે તે શ્રાવક!

મેઘકુમાર Very First Time, પ્રભુની દેશનામાં ગયા, પહેલીવાર. શું પ્રભુનુ સંમોહન લાગ્યું! એ પ્રભુનું રૂપ, એ પ્રભુના પ્યારા પ્યારા શબ્દો! મેઘકુમાર પહેલી જ દેશનામાં Clean Bold થઈ ગયા! ઘરે આવ્યા. પોતાની ધારિણી માતાને કહ્યું કે, મા! હવે હું સંસારમાં નહીં રહી શકું. પ્રભુનું સંમોહન, પ્રભુનું આકર્ષણ એવું લાગેલું છે કે એના વિના એક ક્ષણ રહેવું અશક્ય છે! 

ચોથા પંચ સૂત્રના પ્રારંભમાં હરિભદ્રસૂરી મહારાજે એક મજાની પંક્તિ આપી, “स एवमभिपव्वइए समाते सुविछभावओ किरियाकलेण जुज्जइ विसुद्धचरणे महासते” ત્યાં બે શબ્દો એમને આપ્યા, અભિવ્રજ્યા અને પ્રવ્રજ્યા! આ એક બહુ મજાની વાત છે: પહેલા અભિવ્રજ્યા, પછી પ્રવ્રજ્યા. અભિવ્રજ્યા એટલે પરમાત્માનું એવું સંમોહન, એની આજ્ઞાનું એવું સંમોહન કે તમે એક ક્ષણ એના વિના રહી ના શકો. ઘણા દીકરાઓને જોયા છે, ઘણી દીકરીઓને જોઈ છે, રજા નથી મળતી. પણ એ જે ધ્રુસકે-ધ્રુસકે રડતો હોય, ગુરુદેવ કૃપા કરો, જલ્દી મને પ્રભુના માર્ગ પર લઈ લો! પ્રભુ વિના એક ક્ષણ રહેવાય એવું નથી! 

આનંદઘનજી ભગવંતે કહ્યું, “આનંદઘન બિન પ્રાણ ન રહે છીન, કોટી જતન કરી લીજે.” પ્રભુ કરોડો પ્રયત્ન કરું, તો પણ તારા વિના હું રહી શકું એમ નથી. એક અભિવ્રજ્યા તમારી પાસે છે. થોડા ભક્તોને જોયા છે કે દેરાસરમાં જાય. જવાનો સમય હોય, બહાર નીકળવાનો સમય ન હોય. 

મુંબઈ માટુંગામાં મારું ચોમાસું હતું. રત્નસુંદરસૂરી મહારાજ સાહેબના પરમ ભક્ત કુમારપાળભાઈ બહુ જ મોટા પ્રભુ ભક્ત છે. સરસ મજાનું ગૃહમંદિર બનાવ્યું છે. એ પોતે ભક્તિ કરવા જાય. સવારે 9:30 એ જાય, બપોરે ચાર, સાડા ચાર, પાંચ! નીકળવાનો સમય કોઈ નક્કી નહિ. એ કહેતા કે, ગુરુદેવ! પ્રભુનું એવું તો આકર્ષણ લાગે છે, હું બહાર નીકળી શકતો નથી! 

અભિવ્રજ્યા: આપણા બધાની પાસે આ અભિવ્રજ્યા જોઈશે. પરમાત્માનુ પરમ સંમોહન, એની આજ્ઞાનું પરમ સંમોહન, પછી પ્રવ્રજ્યા આવે. એટલે પ્રભુ સિવાયનું, પ્રભુની આજ્ઞા સિવાયનું – બધું જ છૂટી જાય. એ અભિવ્રજ્યા આવે, પછી પ્રવ્રજ્યા! અનંત જન્મો પરના આકર્ષણમાં ગયા, પરના સંમોહનમાં ગયા. આ એક જન્મ પ્રભુને સોંપી દેવો છે. અમારી વાત કરીએ- પ્રભુને જીવનની એક-એક ક્ષણ સમર્પિત કરી અને પ્રભુએ જે આનંદ આપ્યો છે! 

રત્નસુંદરસુરી મહારાજ સાહેબ ડીસા બાજુ વિહાર કરતા હતા. ઉત્તર ગુજરાતમાં. સવારના પહોરમાં વિહાર ચાલુ છે. આગળ આચાર્ય ભગવંત. પાછળ શિષ્યો. એમાં પાછળથી એક ઊંટગાડીવાળો આવે છે. હિન્દુ હતો, પણ સંતોનો ઉપાસક હતો. એણે જોયું, કોઈ સદગુરુ જઈ રહ્યા છે. એણે ઊંટગાડી થોભાવી, નીચે ઉતર્યો, આગળ આવ્યો, ગુરુના ચરણોમાં પડ્યો. પછી એણે પૂછ્યું, મહારાજ સાહેબ મજામાં છો ને? હવે એને શાતા શબ્દ ન આવડે તો કોઈ વાંધો નહિ. મહારાજ સાહેબ મજામાં છો ને? તમે અમને શું પૂછો? સાહેબ શાતામાં છો? હું ઘણીવાર કહું છું, તમે અમારી શાતા પૂછો અને તમારી શાતા પૂછાઇ  જાય! બને એવું? બને? 

ચાર ડિગ્રી તાવમાં શરીર શેકાતું હોય અને મહાત્માને પૂછો શાતામાં? ચહેરા ઉપર સ્મિત હોય, હાસ્ય હોય, અરે બહુ મજામાં, બહુ શાતામાં, બહુ શાતામાં! ત્યારે તમને થાય કે આ પ્રભુની અને સદગુરુની કૃપા એમને કેવી મળી છે કે, તાવ હોય કે બીજી કોઈ વ્યાધિ હોય; એની અસર બિલકુલ એમને નથી. એ માત્ર અને માત્ર પ્રભુના જ પ્રભાવમાં છે. નેમિસૂરી મહારાજ સાહેબના વિદ્વાન આચાર્ય ભગવંત ધર્મધુરંધરસૂરી મહારાજ સાહેબ અમદાવાદમાં હતા અને કેન્સર Detect થયું, અને એ પણ છેલ્લા સ્ટેજનું! અને એ યુગમાં આવા ઔષધો પણ નહિ. મારે અમદાવાદ જવાનું થયું. હું સાહેબની શાતા પૂછવા માટે ગયો. 9:30 વાગેલા. સાહેબે નવકારશીનું પચ્ચખાણ પાળેલું, સાથે Pain Killer લઈ લીધેલી. એકદમ સ્વસ્થ હતા. ઔપચારિક વાતો થઈ. મેં પૂછ્યું સાહેબજી શાતામાં? એ જ મુસ્કાન, એ જ સ્મિત! બહુ શાતામાં, બહુ મજામાં! મેં ધીરેથી પૂછ્યું, સાહેબ આ કેન્સર, આપને થઈ ગયું! મને એમણે ઝાડ્યો. મને કહે યશોવિજય તું બોલે છે? મને કેન્સર થયું છે કે મારા શરીરને થયું છે? હું તો આનંદઘન; અજર,અમર આત્મા છું. શરીર તો આમ પણ નશ્વર છે, જવાનું છે. 

આનંદઘનજી ભગવંતે “અબ હમ અમર ભયે ન મરેંગે.” મા એક મજાની પંક્તિ આપી. “નાસી, જાસી, હમ થીરવાસી, ચોખ્ખે વૈ નિખરેંગે!” આ શરીર નાશવંત છે, એ ખતમ થશે. હું અમર છું! નાસી, જાસી, હમ થીરવાસી, ચોખ્ખે વૈ નિખરેંગે! કાયાના પિંજરામાંથી બહાર નીકળીશું. મુક્તિનો અનુભવ કરીશું. આ અભિવ્રજ્યા આવે, આનંદ જ આનંદ! અમારી પાસે આનંદ જે છે એ માત્ર અને માત્ર આ અભિવ્રજ્યા નાં કારણે. 

તો પેલા ઉંટગાડીવાળાએ પૂછ્યું, મહારાજ સાહેબ મજામાં? આચાર્ય ભગવંતે કહ્યું, બહુ શાતામાં. એ વખતે ઊંટ ગાડીવાળો કહે છે, મહારાજ સાહેબ તમે મજામાં હોવ જ! તમે ભગવાન માટે આટલું બધું છોડ્યું, તો પ્રભુ તમારી કાળજી રાખે જ! એ ઉંટગાડીવાળાને ખ્યાલ ન હતો પણ એણે એક મજાનું સાધના સૂત્ર ત્યાં કને મૂકી દીધું. અને એ સાધના સૂત્ર છે “Surrender ની સામે care!” તમારું સમર્પણ જેટલું ગહેરું, એટલી પ્રભુની કાળજી વધારે. તો એમ થાય, પ્રભુને ભેદભાવ છે કે સમર્પિત થાય એની વધારે કાળજી કરે, બીજાની ઓછી કરે! ના, પ્રભુની કૃપા, પ્રભુની કરુણા, પ્રભુનો પ્રેમ એક સરખો બધા ઉપર વહી રહ્યો છે. પણ એને ઝીલી કોણ શકે? જે પ્રભુની આજ્ઞાને, પ્રભુને સમર્પિત થયો એ એની કૃપાના ઝરણાને આત્મસાત કરી શકે, એને સ્વીકારી શકે. 

અનંતા જન્મો આપણા વીત્યા. અનંત જન્મો પહેલા જે તીર્થંકર ભગવાન થયેલા એમની કૃપા વરસતી હતી કે નહિ બોલો? વરસતી હતી. મેં પણ એને ના ઝીલી, તમે પણ એને ના ઝીલી, તો જ આપણો સંસાર ચાલુ રહ્યો. તો શું ભૂલ થઈ ગઈ આપણી? We Have No Receptivity. એ પ્રભુની કૃપાને ઝીલવા માટે જે Receptivity જોઈએ, એ આપણી પાસે નહોતી. સદગુરુ આપણને Receptivity આપે છે, કે બેટા! તું માત્ર ભીનો-ભીનો થઈ જા, સમર્પિત થઈ જા, પ્રભુની કૃપા સતત તારા ઉપર વરસ્યા કરશે. એક શ્રદ્ધા જન્મી શકે હવે કે પ્રભુની કૃપાને ઝીલવાની Receptivity આવી ગઈ છે, તો હવે સંસાર બહુ નાનકડો છે. હવે વધારે જન્મો આપણે કરવાના નથી. એક જ આ અભિવ્રજ્યા, એક જ આ સમર્પણ ,પ્રભુના ચરણોમાં! 

પ્રભુ અનંતા જન્મો સંસારને સમર્પિત કર્યા. માત્ર નરક અને નિગોદ મળ્યા. આ જન્મ મારે તને સમર્પિત કરવો છે. પ્રભુને તમે એક જન્મ સમર્પિત કરો, પ્રભુ તમને મોક્ષ આપવા તૈયાર છે. બોલો, આવી Grand Exchange Offer કોઈએ કરી હશે? તારો કચરો- રાગ, દ્વેષનો મને આપી દે અને હું તને મોક્ષ આપું! અગણિત જન્મોમાં શું થયું? રાગ-દ્વેષથી હૃદય ભરાયેલું હતું ને પ્રભુ માટે આપણે એક બોર્ડ લગાડ્યું, No Vacancy For You! પ્રભુ તારા માટે હવે જગ્યા નથી!, આ જન્મમાં શું કરવું છે? પ્રભુથી પુરી રીતે અસ્તિત્વ ભરી દો અને એક બોર્ડ લગાવી દો No Vacancy For Others! હવે પ્રભુ સિવાય કોઈના માટે અંદર જગ્યા રહી નથી. એવા ભક્તોને જોયા છે, એવા સંતોને જોયા છે કે જેમના હૃદયમાં પ્રભુ સિવાય બીજા કોઈનો પ્રવેશ હોય જ નહિ. 

તો, અભિવ્રજ્યા આવી ગઈ. પરમાત્માનું પરમ સંમોહન, આમ પરમાત્માને જુઓ અને ગાંડા ઘેલા થઈ જાઓ. જંબુવિજય મહારાજ સાહેબ શંખેશ્વર ભગવાનના દરબારમાં જતા. એ પાછા નીકળતા હોય ને ત્યારે એમને જોવાની મજા આવતી. એ પાછા નીકળી જ ન શકતા હોય એવું આપણને લાગે! પ્રભુનું એવું ચુંબકિય તત્વ એમને ખેંચતું હોય, મંડપની બહાર ગયા ખમાસમણ દેવા મંડી પડે. પ્રભુને જોયા કરે, થોડા આગળ નીકળે, વળી ખમાસમણ, વળી પ્રભુને જોવે. એ વખતે વર્ષો પહેલા, અત્યારે જે ચોક છે ટાઇલ્સથી જડેલો, એ ધૂળથી ભરેલો હતો. એ ધૂળની અંદર જાય અને પ્રભુ દેખાઈ જાય, તો ધૂળમાં ખમાસમણ આપવા મંડી પડે. પ્રભુને જોયા કરે! રિતસર Literally આપણને લાગે કે પ્રભુના આકર્ષણમાંથી એ મુક્ત થઈ શકે એમ નથી! પરનું આકર્ષણ અનંત જન્મોની અંદર આપણને હતું. શું એક જન્મ પરમાત્માને ન આપી શકીએ? 

દીક્ષા એટલે શું? બોલો, દીક્ષા એટલે શું? તમારા, આપણા બધાના જ કેન્દ્રમાં પહેલા આપણું ‘હું’ હતું. ગુરુને, ભગવાનને રાખ્યા તો ખરા પણ ક્યાં? પરિઘમાં કેન્દ્રમાં તો હું જ રહીશ. ગુરુ પણ સારા ક્યારે? મને થાપડે ત્યારે જ, મને અનુકૂળ હોય ત્યારે જ! ગણિતનો નિયમ છે પરિઘે કેન્દ્રને અનુકૂળ થઈને રહેવું પડે. તો અગણિત જન્મોમાં આ હાલત હતી, આ જન્મમાં શું કરવું છે? કેન્દ્રમાં પ્રભુ આવી જાય, પરિઘમાં આપણે ગોઠવાઈ જઈએ. 

એકવાર એક પ્રવચનમાં એક ભાઈએ મને પૂછ્યું કે, સાહેબ તમારા જેવા સંતોને પ્રભુ મળે, તો અમને કેમ પ્રભુ ના મળે? મેં કહ્યું, તમને આ વાત એમને એમ નહીં સમજાય. એક Example તમને આપું. મેં કહ્યું અઠવાડિયા પહેલા હું એક ગામમાં ગયેલો. મારી વિહારયાત્રા ત્યાંથી પસાર થતી હતી. ગામમાં જૈનોના એક પણ ઘર નહિ. પણ મારું જવાનું થયું, લોકો, બધા આવી ગયેલા. સ્વાગત યાત્રા, પ્રવચનમાં 12:00 વાગી ગયા. બપોરે પણ પાછું પ્રવચન રાખેલું. પ્રવચન પૂરું થયું. નાનો હોલ ગામમાં અને એક રૂમ. રૂમમાં મારા એક શિષ્યને તાવ આવેલો, હું એને શાતા પૂછવા ગયેલો. કેમ છે બેટા? દવાની અસરમાં હતો. તાવ ઉતરી ગયેલો. એમ કીધું સારું છે. પછી એને યાદ આવ્યું સાહેબ બપોરે પણ આપનું  પ્રવચન છે, શરીર તો શરીરનું કામ કરે, થાકી જશે. તો આપ બપોરે અહીંયા રૂમમાં આરામ માટે પધારજો, પાટ અહીંયા છે. મેં કીધું, જોઈશ. વાપર્યા પછી મને પણ લાગ્યું, લોકો બહુ ભક્ત. સાહેબ પધારો, સાહેબ પધારો, સાહેબ પધારો! Disturbances Hall માં ચાલ્યા કરે, મેં કીધું ચાલો, રૂમમાં જાઉ અને આરામ કરી લઉ. રૂમમાં ગયો, અને શું થયું? પેલાનો તાવ એકદમ વધી ગયેલો અને એને ખ્યાલ ના રહ્યો કે મેં ગુરુદેવને આમંત્રણ આપ્યું છે. નીચેની ફરશ ઠંડી હતી, એ જ પાટ ઉપર આસન બિછાવીને સુઈ ગયો. હું અંદર ગયો એક જ પાટ, બીજી પાટ હતી વ્યાખ્યાનની એ તો અંદર આવે એવી હતી નહિ રૂમમાં. અને તાવવાળાને કંઈ ઉઠાડાય? અને હું નીચે સુઈ જાઉં તો તેના પસ્તાવાનો પાર ના રહે! કે ગુરુદેવ નીચે સુઈ ગયા. એટલે હું પાછો ફર્યો. તમને ખ્યાલ આવ્યો ખરી? પ્રભુ તો આવેલા તમારા દ્વાર સુધી, પણ સિંહાસન ઉપર તમે ચઢીને બેસેલા હતા, પ્રભુ પાછા ફર્યા. આ વખતે સિંહાસનને ખાલી કરી દો, માત્ર પ્રભુ માટે. ગુરુ નારોપાએ મિલારેપાને કહ્યું, પથ્થર તોડીને લાવો. સવારે નાસ્તો કરીને ગયો. સાંજ સુધી પથ્થર તોડ્યા. અડધુ-પોણું ગાડું જેટલા થયા, લઈને આવ્યો સીધો ગુરુ પાસે. સાહેબ! આટલા પથ્થર થયા છે. ગુરુ કહે સારું કાલે મળજે. બીજી સવારે એ જ વાત ગુરુ કહે પથ્થર ઓછા છે, લઈ આવો. સાત દિવસ સુધી આ રીતે ચાલ્યું. હું ઘણીવાર પૂછું, તમે હોવ તો શું થાય? હું પૂછું ભાઈ પેલા ક્યાં ગયા? અરે સાહેબ એ તો રહેતા હશે કંઈ! સાધના લેવા આવેલા અને તમે પથ્થર તોડવા મોકલ્યા. સાતમી સાંજે મિલારેપા પથ્થરનું ગાડું ભરીને લાવે છે. એ વખતે એના મનમાં એક વિચાર આવ્યો કે ગુરુ નંબર વન છે. પુરા તિબેટમાં એકદમ આદરણીય છે. એ ગુરુ મારા ઉપર કામ કરી રહ્યા છે એ નક્કી છે. પણ શી રીતે કામ કરે છે? મારે સાધના દીક્ષા લેવી છે અને પથ્થર તોડવાનું કામ કરાવે છે. એ સાતમી સાંજે પોતે પાછા ફરી રહ્યા છે આશ્રમ તરફ, ત્યારે એકદમ પ્રકાશ ફેલાયો અંદર! ઓહ! ગુરુ પથ્થર તોડાવતા નથી, મારા અહંકારને તોડાવે છે. અહંકાર નીતરી ગયું. જો મારે સાધના લેવી છે, તો સમર્પણ વિના સાધના ક્યાં છે? એ આશ્રમ સુધી આવતા આવતા અહંકાર નીતરી ગયો. ગુરુ પાસે ગયા. ગુરુએ જોયુ વાહ! આ તો ખાલી થઈ ગયો. ગુરુએ કહ્યું બેસી જા, આ ગૌધૂલી વેળા, બહુ મજાનો સમય! આપણે ગામડામાં સાંજના સમયને ગૌધૂલી વેળા કહે. ગાયોનું ધણ સીમમાંથી ગામમાં આવતું હોય અને એની રજ ગામમાં ઉડતી હોય, એને બહુ પવિત્ર મનાય છે. તો ગુરુએ કહ્યું ગૌધૂલી વેળા છે,બેસી જા. તને સાધના દીક્ષા આપી દઉં. On That Very Moment, ગુરુએ સાધના દીક્ષા આપી દીધી. પણ બહુ મજાની વાત તો એ થઈ કે મિલારેપાને તૈયાર થતા માત્ર સાત દિવસ થયા. આપણને કેટલા દિવસ લાગશે? નક્કી કરો. જલ્દીમાં-જલ્દી તૈયાર થવું છે. જલ્દીમાં-જલ્દી સદગુરુ પાસે જઈને સાધના દીક્ષા લેવી છે, અને પ્રભુના સાધના માર્ગ ઉપર ચાલવું છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *