વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : સાધના માત્ર કૃપાસાધ્ય છે
- પ્રભુની કૃપા આપણને સદ્ગુરુ સાથે જોડી આપે. સદ્ગુરુનો શક્તિપાત આપણને પ્રભુ સાથે જોડી આપે.
- જો તમે neutral થઈને – શાંત થઈને – સદ્ગુરુના અવગ્રહમાં આવો, તો તેમના પવિત્ર દેહમાંથી નીકળતી ઊર્જા તમારા ચિત્તને એક ક્ષણમાં વિભાવશૂન્ય કરી દે.
- જે ક્ષણે તમે વિભાવશૂન્ય બન્યા, હૃદયને ખાલી કરી નાખ્યું, તે જ ક્ષણે પ્રભુ ત્યાં આવીને બિરાજમાન થઇ જાય.
પરમ સ્પર્શની યાત્રા – વેસુ ચાતુર્માસ વાચના – ૪
આપણી સાધના આપણને નાનકડી લાગે. કારણ? સંપૂર્ણ સાધના જગત પર પ્રભુ કર્તૃક્તા છવાયેલી છે. સાધના માત્ર અને માત્ર કૃપા સાધ્ય છે. એ કૃપા સાધ્યતાની વાત મહામહોપાધ્યાય યશોવિજય મહારાજે “આનંદ કી ઘડી આઈ” સ્તવનામાં બહુ જ સરસ રીતે પેશ કરેલી છે. શરૂઆત એમણે કરી, “કર કે કૃપા, પ્રભુ દરિશન દીનો” પ્રભુ તારું દર્શન મેં નથી કર્યું, તે કૃપા કરી અને તારું દર્શન હું કરી શક્યો.
તો, સમ્યક્ દર્શન કોણે આપ્યું? આપણે મેળવ્યું કે એણે આપ્યું? બહુ મજાની કડી આવી, “નિત્યાનિત્ય કા ભેદ બતા કર, મિથ્યાદૃષ્ટિ હરાઈ.” મારી જે મિથ્યાદૃષ્ટિ હતી, એને પ્રભુએ લઈ લીધી અને સમ્યગદર્શન મને આપ્યું. હું અનિત્ય એવા શરીરને નિત્ય માનીને જીવતો હતો. પ્રભુએ નિત્ય આત્મતત્વ અને અનિત્ય જડતત્વો, એ બેનો ભેદ મને સ્પષ્ટ રીતે બતાવી આપ્યો. મારા મિથ્યાત્વને પ્રભુએ લીધું અને મને સમ્યગદર્શન પ્રભુએ આપ્યું. એ પછી, અમે લોકોએ દીક્ષા લીધી. હું પણ ભૂલથી બોલી ગયો કે અમે લોકોએ દીક્ષા લીધી. મેં દીક્ષા લીધી નથી, પ્રભુ એ મને દીક્ષા આપી છે.
અને એટલે જ મજાની કડી આવી “સર્વ સંગ પરિત્યાગ કરાકર, અલખ ધૂન મચઈ.” સર્વસંગનો પરિત્યાગ હું તો ક્યાં કરી શકું એમ હતો, પ્રભુ! તે એ કરાવ્યું. મારા દાદા ગુરુદેવ ભદ્રસુરીદાદા! મેં 11 વર્ષની વયે દીક્ષા લીધી, ફરી ભૂલી ગયો પાછો! એકવાર મેં દાદાને પૂછેલું કે, દાદા આપની દીક્ષા શી રીતે થઈ? એ વખતે આપણા યુગના મહાન ભક્તિયોગાચાર્ય, મહાન સ્થિતપ્રજ્ઞપુરુષ ગુરુ એમણે કહ્યું કે, બેટા! પ્રભુ એ મને દીક્ષા આપી છે. મેં કહ્યું પ્રભુ તમને શી રીતે દીક્ષા આપે? ત્યારે દાદાએ મજાની વાત કરી. દાદા મને કહે છે કે રાધનપુરમાં મારો જન્મ! ધાર્મિક જ્ઞાન ખરું, પ્રતિષ્ઠા આદિ વિધિ-વિધાન પણ હું કરાવતો. પણ દીક્ષા લેવાની કોઈ ભાવના મારી પાસે નહોતી. એકવાર રોજની જેમ ચિંતામણી પાર્શ્વનાથ પ્રભુના દેરાસરે પૂજા માટે ગયેલો. પુષ્પ પૂજા આવી, ફૂલ મારા હાથમાં અને એ વખતે અચાનક મારા હોઠેથી એક પ્રાર્થના સરી. મેં પ્રભુને કહ્યું કે પ્રભુ એકેન્દ્રિય એવું આ ફૂલ, એને તો તું તારા ચરણોમાં સ્થાન આપશે. પંચેન્દ્રિય એવો હું તારા ચરણોમાં મારું સ્થાન ખરું? જ્યાં એ પ્રાર્થના પૂરી થઈ. ભગવાનના મુગટની અંદર એક ફૂલ સ્થિત થયેલું હતું. કોઈ રીતે નીકળે એવું લાગતું નહોતું. એ ફુલ ત્યાંથી ઉછળી દાદાના હાથમાં પડ્યું. દાદા, પ્રભુનો સંકેત સમજી ગયા કે પ્રભુ મને સ્વીકારવા માટે તૈયાર છે.
પ્રભુની કૃપા મળી ગઈ. પણ લાગ્યું કે, મામલો થોડો Tough છે. ઘરેથી રજા મળે એવી કોઈ શક્યતા લાગતી નહોતી. પણ પ્રભુ એ જ બીજો વિચાર આપ્યો. અને એમણે ત્યાં ને ત્યાં દીક્ષાનું મુર્હૂત ના નીકળે ત્યાં સુધી ઘી, ચોખા, ઘઉં અને ગોળ આ બધાનો ત્યાગ કરી દીધો. મધ્યાહન પૂજા કરી ઘરે આવ્યા. રોટલી, દાળ,શાક અને ભાત તૈયાર હતા. ના ઘઉંની રોટલી ખવાય, ના ભાત ખવાય. બાજરીનો લુખ્ખો રોટલો એ દિવસે તેમ ણે ખાધો. મહિનામાં ઘરવાળા કંટાળી ગયા કે આના કરતા તું દીક્ષા લઇ લે અમને વાંધો નથી. મુર્હૂત વધાવાયું. દીક્ષા થઈ ગઈ.
દાદાએ મને કહ્યું, કે બેટા! તે “લલિતવિસ્તરા” સૂત્ર વાંચેલું છે. એની પંજિકામાં શું આવે છે, ખ્યાલ છે તને? ત્યારે મેં કહ્યું હા! “एकोऽपि शुभ भाव:, तीर्थंकर प्रसादात एव लभ्य:” એક પણ શુભ ભાવ તમને મળ્યો એ પ્રભુની કૃપાથી મળ્યો. એક પણ સારો વિચાર તમને મળ્યો એ પ્રભુની કૃપાથી મળ્યો.
તો, દાદાએ મને કહ્યું, બેટા! દીક્ષા લેવાનો ભાવ મને પ્રભુએ આપ્યો. દીક્ષા લેવા માટેની અનુકૂળતા, આ નિયમ દ્વારા પ્રભુએ મને આપી. તો પ્રભુએ દીક્ષા આપી કહેવાય કે નહીં? બહુ મજાની આ પંક્તિ, ” एकोऽपि शुभ भाव:, तीर्थंकर प्रसादात एव लभ्य:” વચ્ચે એવ મૂક્યો છે. પ્રભુની કૃપા અને મારો પ્રયત્ન આ વાત પણ રાખી નથી. એક પણ શુભ ભાવ આવ્યો એ પ્રભુની કૃપાથી તમને મળ્યો છે. કારણ? પ્રભુએ ત્રિપદી આપી. ગણધર ભગવંતોએ દ્વાદશાંગી રચી! જે પણ સારા વિચારો દુનિયાની અંદર છે એ બધા જ દ્વાદશાંગીમાંથી નીકળેલા છે. એટલે એક-એક શુભ વિચારો ઉપર, એક-એક શુભ ભાવ ઉપર પ્રભુના હસ્તાક્ષર છે! દુનિયાનો એક પણ શુભ ભાવ એવો નથી, જેના ઉપર પ્રભુના હસ્તાક્ષર ના હોય.
તો, પ્રભુએ દીક્ષા આપી. પછી શ્રેણી મંડાવશે. વીતરાગ બનાવશે, એ પણ પ્રભુની કૃપા.
“અપૂર્વકરણ ગુણસ્થાનક સુખકર, શ્રેણી ક્ષપક મંડવાઇ” હું માંડીશ કે મેં માંડી એ પ્રયોગ નથી, ક્ષપક શ્રેણી મંડવાઈ, એ મંડાવશે, એ કરશે. I Have Not To Do Anything Absolutely! “વેદ તીનોકા છેદ કરાકર, ક્ષીણમોહી બનવાઇ.” ત્રણ વેદોનો છેદ પણ એ કરાવશે. મને ક્ષીણમોહી પણ એ બનાવશે. He Has To Do, I Have Not To Do Anything Absolutely!
હવે આપણે જોઈએ કે પ્રભુની કૃપા કેવી રીતે Activate થાય છે! ગઈકાલે આપણે જોતા હતા “કરકે કૃપા પ્રભુ દર્શન દીનો.” પ્રભુએ કૃપા કરી અને પ્રભુનું દર્શન થયું. કારણ, એક મજાની પ્રક્રિયા ત્યાં કને છે. પ્રભુની કૃપા આપણને સદગુરુ સાથે જોડી રાખે છે. સદગુરુ આપણા ઉપર શક્તિપાત કરે છે. યૌગિક ભાષામાં કહું, તો આપણા ત્રીજા નેત્રને ખોલી આપે છે. શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે ભગવદ્ ગીતામાં “દિવ્યમ્ દદામિ તે ચક્ષુ:” તુ આ તારી આંખોથી મને નહીં જોઈ શકે, તને હું દિવ્ય નેત્ર આપીશ. સદગુરુ શક્તિપાત કરે, દિવ્ય નેત્ર ખોલી આપે અને એ દિવ્ય નેત્ર દ્વારા આપણે પ્રભુનું દર્શન કરી શકીએ. વચ્ચે જો સદગુરુ નથી, વચ્ચે સદગુરુની કૃપા નથી તો દર્શન પ્રભુનું શક્ય નથી.
સમવસરણમાં હું અને તમે કેટલીવાર જઈ આવ્યા? પણ, ત્યાં ગયા પછી શું થયું? પ્રભુના પ્રતિહારીઓને જોવાયા, 64 ઈન્દ્રોને જોવાયા. પ્રભુના મુખ ઉપર જે પરમ ઉદાસીન ભાવ હતો એ ક્યાં જોવાયો હતો? સદગુરુ કૃપા ન કરે ત્યાં સુધી પ્રભુનું આ દર્શન આપણે કરી શકતા નથી.
હમણાં માટુંગામાં, મુંબઈમાં અંજનશલાકા હતી. ગચ્છાધિપતિ પૂજ્યપાદ રાજેન્દ્રસુરી મહારાજ સાહેબની નિશ્રામાં 36 આચાર્ય ભગવંતો હતા. અને અંજનશલાકા મહોત્સવ ચાલતો હતો. એ વખતે મેં કહેલું કે પ્રભુના કલ્યાણકોમાંથી સૌથી વધારે ધ્યાન તમારે લગ્ન મહોત્સવ અને રાજ્યાભિષેક પર આપવાનો છે. કુદરતી રીતે ત્યાં ભગવાન પણ અંજનશલાકા વિધિ માટેના મોટા હતા. મેં કહ્યું, પ્રભુની લગ્ન વિધિ ચાલી રહી છે એ વખતે આજુબાજુ ક્યાંય નજર નહિ નાખતા. માત્ર પ્રભુના મુખને જોવો. કેવી ઉદાસીન દશા ત્યાં ઝલકી રહી છે! મોહનીય કર્મ બીજી કોઈ રીતે ખતમ થાય એમ નથી. આ જન્મમાં કેવળજ્ઞાન મેળવવાનું છે, તો આ રીતે પણ એ કર્મને નિર્જરિત કરવું છે. લગ્નની ક્રિયા ચાલી રહી છે, પ્રભુ ક્યાં છે સ્વમાં! પિતા કહે છે, ભાઈ કહે છે, એક દિવસનું રાજ્ય સ્વીકારી લે; પછી દીક્ષાની અનુમતિ! એ રાજ્ય અભિષેક ચાલતો હોય, પ્રભુ સ્વમાં છે. એ પ્રભુની જે પરમ ઉદાસીન દશા છે, એનું દર્શન થયું છે? કરવું છે?
ભક્તિયોગાચાર્ય કાંતિવિજય મહારાજે કહ્યું, પ્રભુ તારો યોગ અદભુત છે. કહેવાય તો પરમયોગી અને આમ તો પરમભોગ તારી પાસે છે. “ત્રિગડે રત્ન સિંહાસન બેસી, ચિહુંદિશી ચામર ઢળાવે. અરિહંતપદ ભોક્તા, તો પણ યોગી કહાવે!” પ્રભુ! તું યોગી કે ભોગી? પણ એક અદભુત વાત એ છે કે પરમભોગ માત્ર અને માત્ર પ્રભુની પાસે છે.
લલિતવિસ્તરા સૂત્રમાં ‘ભગવંતાણં’ પદની વ્યાખ્યા કરતા હરિભદ્રસુરિ મહારાજે કહ્યું કે, ઐશ્વર્ય માત્ર અને માત્ર પ્રભુની પાસે છે. અને પ્રભુના ભક્તોની પાસે છે. બાકી દુનિયામાં ઐશ્વર્ય ક્યાં છે? એ અબજોપતિ હોય કે ખરબોપતિ હોય! રાત્રે સૂતેલો હોય અને Call Bell વાગે. એના છાતીના ધબકારા વધી જાય. I.T. વાળા આવ્યા કે E.D. વાળા આવ્યા! આ એક-એક સંપત્તિ વાળાને પૂછ્યું ક્યારે, અમારા જેવી આરામથી નિદ્રા તમે લઈ શકો ખરા? પરમ ભોગ માત્ર પ્રભુની પાસે છે.
તો, એ પ્રભુના પરમ ઉદાસીનપણાનું દર્શન સદગુરુ કરાવે છે. આપણે ગઈકાલે જોતા હતા કે શક્તિપાત કરવા ગુરુ તૈયાર છે, પણ શક્તિપાત ઝીલવા માટે તમે તૈયાર છો ખરા? હકીકતમાં સદગુરુનું Dual Action તમારા ઉપર ચાલુ છે. Dual Action – બેવડું કાર્ય. પહેલા તમને શક્તિપાત ઝીલવા માટે તૈયાર કરવાના. અને જે ક્ષણે તૈયાર થઈ જાવ એ જ ક્ષણે શક્તિપાત કરવાનો. શક્તિપાત કરતા એક સેકન્ડ લાગશે, પણ શક્તિપાત સદગુરુનો તમે ઝીલી શકો તે માટે તમને તૈયાર કરતા વર્ષો નહિ, જન્મો ગુરુ ચેતનાને લાગી ગયા.
સભા: શક્તિપાત એટલે?
સદગુરુની જે કૃપા વરસે, એમનો જે આશીર્વાદ વરસ્યો, એમના પવિત્ર દેહની અંદર ચારિત્રની જે શક્તિ ઉભરાયેલી છે એનું હસ્તાંતરણ સદગુરુ તમારા તરફ કરે છે. શા માટે તમે સદગુરુ પાસે આવો છો?
બ્રિટિશરો ભારતમાં આવ્યા. ઓફિસરોએ જોયું કોઈ મોટા ગુરુ હોય, દર્શન માટે લાઈન લાગે. ધોમધખતા તડકામાં લોકો બે કલાક ઉભા રહે એમનો નંબર આવે. ગુરુ પાસે ગયા. ચરણસ્પર્શ કર્યો ન કર્યો, સ્વયંસેવકો કહે, ચલો આગળ જાવ, આગળ જાવ. એ લોકોને નવાઈ લાગે કે આ લોકો શું કરે છે? ગુરુ ઉપદેશ આપતા હોય તો બરાબર છે, બે કલાક બેસીએ! એક પણ શબ્દ ગુરુનો મળવાનો નથી તો બે-બે કલાક ધોમધખતા તડકામાં આ લોકો શા માટે બેસે છે? પછી એમને ખ્યાલ આવ્યો ભારતમાં રહ્યા ત્યારે કે સદગુરુની ઊર્જાને મેળવવા માટે એ લોકો આ મહેનત કરતા હતા. સદગુરુની પાસે તમે આવો અને સદગુરુની ઉર્જાને પ્રાપ્ત કરો. અવગ્રહ શેના માટે છે? વંદન કરવું હોય, સાડા ત્રણ હાથના સદગુરના અવગ્રહમાં તમારે આવવું હોય, તો તમારે રજા લેવી પડે છે. ગુરુ હા પાડે, તમે અવગ્રહમાં આવી શકો. ચરણસ્પર્શ તો અલગ વસ્તુ છે પણ સાડા ત્રણ હાથ સુધી ચારે બાજુ ગુરૂની દેહમાંથી ઉર્જા નીકળી રહી છે. તમે જે ક્ષણે અવગ્રહમાં આવ્યા એ ક્ષણે સદગુરુની ઉર્જા તમને મળી ગઈ. અને જો તમે Neutral થઈને, શાંત થઈને આવ્યા તો એ ઉર્જા તમારા ચિત્તને વાસીત કરી દે, ભરી દે અથવા બદલી નાખે.
50-50 વર્ષ સુધી એક સદગુરુએ સંયમની સાધના કરી. આપણે એમના ચરણોમાં બેસીએ. બની શકે આપણી જો ઉત્કટ ભાવધારા હોય, તો એમના દેહમાંથી નીકળતી ઉર્જા આપણને એ જ ક્ષણોમાં Purify બનાવી નાખે. એટલે વાત એ છે કે ઉર્જા તો સતત નીકળી રહી છે. શક્તિપાત થઈ રહ્યો છે. વાસક્ષેપ શું છે? શક્તિપાત છે.
શક્તિપાત ગુરુ ચાર રીતે કરે. શબ્દ દ્વારા પણ કરે. જા તારું કલ્યાણ થાય! એ શબ્દોમાં એટલી તાકાત હોય કે કદાચ એ વ્યક્તિનું પાપ ભયંકર હોય, ઉદયમાં આવવાનું હોય, એકમાત્ર સદગુરુ બોલી ગયા કે જા તારું કલ્યાણ થાય! પેલા કર્મોને બાજુમાં હટી જવું પડે. સદગુરુ શબ્દોથી શક્તિપાત કરે ,આંખથી શક્તિપાત કરે, હાથથી શક્તિપાત કરે અને પોતાની ઊર્જા દ્વારા પણ શક્તિપાત કરે. એટલે સદગુરુની બાજુથી શક્તિપાત કરવાનું કામ ચાલુ છે, પણ એ શક્તિપાત ઝીલવા માટે આપણે તૈયાર ખરા?!
હવે તમને સવાલ થાય કે શક્તિપાત ઝીલવા માટે અમારી સજ્જતા શું? એના માટે આપણે ગઈકાલે અરણીક મુનિની વાત જોતા હતા. વેશ્યાને ત્યાંથી અરણીક મુનિ આવ્યા. ગુરુના ચરણ પર પડ્યા. ગુરુના ચરણ પર મસ્તકને ટેકવ્યું, ગુરુએ હાથ મૂક્યો. શક્તિપાત થઈ ગયો અને અરણીક મુનિની ભીતરી દશા પૂરેપૂરી બદલાઈ ગઈ.
એક ખૂબ મજાની વાત વચ્ચે કહું, કોઈપણ શિષ્ય સ્ખલન કરીને આવે કે દોષ સેવીને આવે, સૌથી પહેલું કામ એ શિષ્ય શું કરશે? ઉપાશ્રયમાં આવી ગુરુના ચરણ પર મસ્તક ટેકવવાનું કામ કરશે. ગુરુના પૂરા દેહમાંથી ઊર્જાને નીકળે છે પણ જમણા પગના અંગૂઠામાંથી અને આંગળીઓમાંથી જે ઊર્જા નીકળે છે, એ વધુ સશક્ત હોય છે. માત્ર તમે સદગુરુના ચરણે મસ્તક મૂકી દો, તમે Purify બની જાઓ. અરણીક મુનિ ઉપર શક્તિપાત થયો. સવાલ એ થાય, સદગુરુ એ હતા, અરણીક મુનિ એ હતા; સદગુરુએ પહેલા શક્તિપાત કેમ ન કર્યો? પહેલા કર્યો હોત તો વેશ્યાને ત્યાં જવાની નોબત જ ન આવત. આપણા માટે આ વાતને Decode કરવી બહુ જરૂરી છે. આપણે ક્યાં અટકીએ છીએ એનો ખ્યાલ આવે. અરણીક મુનિ જ્ઞાની હતા, તપસ્વી હતા. Minus Point કયો હતો? એ એમ માનતા કે સાધના મારે કરવાની છે, સાધનાનો નિર્ણય પણ મારે કરવાનો છે. એટલે ગુરુદેવ આજે છઠ્ઠનું પચ્ચખાણ આપી દો. તમે સદગુરુને શું સમજો? ટેપ રેકોર્ડર! તમારે સ્વીચ દબાવવાની, સાહેબજી છઠ્ઠ! સાહેબજી અઠ્ઠમ!
તો, સાધના પ્રત્યે એક Self Confidence હતો જે અવરોધક બન્યો. સાધના જગતમાં પ્રભુ કર્તા છે, સદગુરુ કર્તા છે, સાધક સાક્ષી છે. એ સમર્પિત છે. અરણીક મુનિમાં શું બન્યું? સાધક જે છે એ કર્તા બની ગયો. હું જ નક્કી કરું ને હું જ સાધના કરું. ગુરુ તો માત્ર સાક્ષી છે. સાધના પ્રભુ કર્તૃક પણ છે, ગુરુ કર્તૃક પણ છે.
એક અપેક્ષાએ પરમચેતના અને ગુરુચેતનાને એકાકાર થયેલી સંઘટના રૂપે જોવામાં આવેલા છે. મહોપાધ્યાય યશોવિજય મહારાજ સાહેબ એક સ્તવનામાં બહુ મજાની વાત કરે છે, “જસ કહે સાહિબે મુગતિનુ, કર્યું તિલક નિજ હાથે.” ઈશારો બહુ મજાનો છે. સદગુરુ તમારા આજ્ઞાચક્રને પુશ કરે છે. યૌગિક લયમાં કહું તો આજ્ઞાચક્રની નીચે સંસાર છે, આજ્ઞાચક્રની ઉપર મોક્ષ છે. સદગુરુ તમારા આજ્ઞાચક્રને પુશ કરે છે અને પુસિંગ થયું એટલે મોક્ષની યાત્રા શરૂ. તો, આજ્ઞાચક્રને પુશ કરનાર સદગુરુ છે. ઉપાધ્યાયજી ભગવંત શું લખે છે? “જસ કહે સાહિબે મુગતિનુ, કર્યું તિલક નિજ હાથે.” ત્યાં એમણે ગુરુચેતના અને પરમચેતનાને એકાકાર થયેલી સંઘટના રૂપે વર્ણવેલી છે.
ત્રણ શબ્દ આપણી પરંપરામાં છે – ગુર વ્યક્તિ, ગુરુ ચેતના, પરમ ચેતના. જેમને આપણે ગુરુ વ્યક્તિ તરીકે ઓળખીએ છીએ, એ સિદ્ધિસૂરીદાદા હોય, પ્રેમસૂરીદાદા હોય કે જયઘોષસૂરીદાદા હોય. આપણી તરફ એ ગુરુ વ્યક્તિ રૂપે છે. એમની તરફ એ ગુરુ ચેતના છે. ગુરુ ચેતનાને હું બારી જેવા કહું છું. એક બારીની Identity શું હોય? લોખંડના કમાળિયાછે કે લાકડાના કમાળિયા! એ કાંઈ બારીની Identity નથી. બારીની ઓળખ એટલી જ છે, તમે છતની નીચે છો, ભીતોંની વચ્ચે છો. ત્યારે અસીમ અવકાશ જોડે તમને જે જોડી આપે એ બારી. ઘણીવાર કબાટ અને બારી બહારથી સરખા લાગતા હોય, તમે ખોલો અને ભીંત તો કબાટ. તમે ખોલો અને કાંઇ નહીં તો બારી.
ગુરુ એટલે પરમ રિક્તા, પરમ ખાલિપન, પરમ વિભાવશૂન્યતા. એ પરમ વિભાવશૂન્યતાના અવકાશમાં પરમચેતનાનું અવકાશ ઉતરે છે. પરમચેતના તમારા બધાની ભીતર અવતરિત થવા તૈયાર જ છે. તમે જે ક્ષણે વિભાવશૂન્ય બન્યા, તમે તમારા હૃદયને ખાલી કરી નાખ્યું; પ્રભુ ત્યાં આવીને બિરાજમાન થઈ જાય.
બાઇબલ પણ કહે છે, “Empty thy vessel, I will fill it.” તો, સદગુરુની પરમ વિભાવશૂન્યતામાં પરમચેતનાનું અવકાશ ઉતરી આવ્યુ. એટલે ગુરુચેતના અને પરમ ચેતના એક થઈ ગયા. કારણ? એ પરમચેતનાનું અવકાશ થોડુંક ભીતર ઉતરી ગયું છે. પણ હા, આખરે બારી છે. બારી દ્વારા આકાશ દેખાય, પણ એનો માત્ર ટુકડો જ દેખાય. તમે ચોકમાં જાવ ત્યારે અસીમ અવકાશને જોઈ શકો. સદગુરુ દ્વારા આપણે પરમાત્માને જોવાના છે. પરમાત્માને પામવાના છે.
તો ગુરુવ્યક્તિ, ગુરુચેતના અને પરમચેતના! તો, સાધના ગુરુ કર્તૃક કહો કે પ્રભુ કર્તૃક કહો અને વાત એ છે પ્રભુએ કહેલી આજ્ઞા તમારા માટે Personally જે છે, તે સદગુરુ દ્વારા જ આવે છે. 45 આગમગ્રંથોમાં ઘણી બધી આજ્ઞાઓ છે, પણ તમારા માટેની Proper આજ્ઞાઓ કઈ? એ સદગુરુ દ્વારા જ તમારી પાસે આવશે.
તો અરણીક મુનિ પાસે આ સાધનાનું કર્તૃત્વ આવી ગયું. હવે આપણે જોવાનું જે સાધના આપણે કરીએ છીએ, એ વખતે મનમાં કઈ માન્યતા હોય છે. આખી ભાષા તમારી બદલાઈ જાય છે. આમ આંખમાં આંસુ હોય. સાહેબ! પ્રભુએ વર્ષીતપ કરાવ્યો! પ્રભુએ સિદ્ધિતપની પ્રેરણા આપી. પ્રભુએ આ કરાવ્યું. તમારો અહંકાર જડમૂળથી નીકળી જાય. પ્રભુ જ બધું કરાવે છે, પ્રભુ જ બધું કરે છે, પછી પ્રભુ પોતે કરે કે સદગુરુ દ્વારા કરાવે. અરણીક મુનિના મનમાં આ માન્યતા કે સાધનાનો નિર્ણય હું કરું, સાધના હું કરું. વેશ્યાને ત્યાં જવાનું એમના માટે વરદાન જેવું થઈ ગયું હતું. આખો જે સાધના પરનો Self Confidence, આત્મવિશ્વાસ હતો એ તૂટી ગયો. મારા કરવાથી શું થઈ શકે? આટલા વર્ષો દીક્ષા પાડી, આટલા વર્ષોમાં આટલી સાધના કરી અને એ મારી સાધના નંદવાઈ ગઈ, તૂટી ગઈ. કારણ? મેં કરેલી હતી. હવે એક જ વાત આવી ગઈ સદગુરુના ચરણોને પકડી લઉં, સદગુરુને પૂરેપૂરો સમર્પિત થઈ જાઉં. એ કહે એ જ કરવાનું.
યોગબિંદુમાં હરિભદ્રસુરી મહારાજે પ્રારંભિક સાધકના બે વિશેષણો આપ્યા. નિરાગ્રહશીલતા અને દ્વંદ્વાતીતતા. આ બહુ મજાની વાત છે, તમારા માટે પણ એટલી મજાની છે. નિરાગ્રહશીલતા! એક શિષ્ય કે એક શિષ્યા, ગુરુ કે ગુરુણીને સમર્પિત થયા. પછી કોઈ આગ્રહ નથી. હું રોજ એકાસણા જ કરીશ, આવો પણ આગ્રહ નહિ. પ્રારંભિક સાધક કોઈપણ આગ્રહ રાખી શકે નહિ. હું આમ જ કરીશ- એમાં નિયમ તો 5% હોય અને 95% તમારો અહંકાર હોય. ગુરુ, ક્યારેક તમારા સારા વિચારને, સારા કાર્યને પણ તોડશે. તમને લાગશે કે સારું કાર્ય ગુરુએ ના કેમ પાડી? ના એટલા માટે પાડી કે ગુરુને એ કાર્યની પાછળ રહેલો તમારો અહંકાર દેખાય છે. અને ગુરુએ એ અહંકારને તોડવો છે.
એક શિષ્ય હતો. વર્ધમાન તપની 99 ઓળી થઈ ગઈ. 100મી ઓળી શરૂ થઈ. ગુરુદેવે શરૂ કરાવી. રોજ પચ્ચખાણ ગુરુદેવ આપે. 100 દિવસ આંયબિલના પચ્ચખાણ ગુરુદેવે આપ્યા. હવે 101માં દિવસે ઉપવાસ થાય, તો 100મી ઓળી Certify થાય! 101માં દિવસે શિષ્ય ગુરુ પાસે આવ્યો, ગુરુએ એને એકાસણાનું પચ્ચખાણ આપ્યું. તમે હોવ તો શું કરો? સાહેબજી ભૂલી ગયા, આજે તો 100મી ઓળીનો મારે ઉપવાસ આવે. એ શિષ્ય એવો હતો, ગુરુએ એકાસણાનું પચ્ચખાણ આપ્યું. સ્વીકારી લીધું. સ્વીકારી તો લીધું, કોઈ કારણ પૂછવાની પણ ઈચ્છા થતી નથી. Guru Is The Supreme Boss. ગુરુ જે પચ્ચખાણ આપે, મારે કરવાનું. તમને આમ અનખન થઈ હશે કે 100 આયંબિલ ગુરુએ કરાવ્યા અને 100મી ઓળી Certify કેમ ના કરવા દીધી? ગુરુને ઓળી શરૂ કર્યા પછી લાગ્યું કે 100 ઓળી પૂરી થશે, એનો એને અહંકાર થશે. મેં 100 ઓળી પૂરી કરી! 100 આયંબિલ ભલે કરે, 100મી ઓળી એની પૂરી થવા દેવી નથી. આ તો એક નાનકડી વાત છે. શક્તિપાત ગુરુનો ઝીલવો હોય તો સંપૂર્ણ સમર્પણ વિના શક્ય જ નથી. તમે તો શું કહો! સાહેબ મારી 100મી ઓળીનું શું થાય? 100 આયંબિલ નકામા ગયા પાછા. 100મી ઓળીની ક્યાં માંડે છે, તારી ગુરુઆજ્ઞાનું શું, એ તો કહે!
મારે દર્શનશાસ્ત્ર ભણવાનું હતું, મૈથીલ પંડિત હતા. બહુ વિદ્વાન! નક્કી કર્યું તર્કસંગ્રહથી શરુઆત કરીશું. જે દિવસે શરૂઆત હતી એ દિવસે બે પુસ્તક લઈને હું ગયેલો. એક પંડિતજીને આપ્યું, એક મારી પાસે રાખ્યું. પંડિતજી બગડ્યા, क्या हम गधे हे? હું ગધેડો છું? ये पुस्तक तो तुम्हारे लिए होती हे| हम पुस्तक देख कर पढ़ाएंगे?! तो हम पंडित कहां के? પછી મેં જોયું એ ચોમાસામાં તર્કસંગ્રહ, મુક્તાવલિ, વ્યાપ્તિપંચક, સિદ્ધાંતરક્ષણ બધું થયું. એક શબ્દ પંડિતજીએ પુસ્તકમાંથી જોયો નથી. તર્કસંગ્રહનું છેલ્લું સૂત્ર આવ્યું પંડિતજી કહે, बस अब रहने दो। अब शेषम गणेशाय | હું Rationalist, બુદ્ધિવાદી. કેમ, પૂરું કેમ નહિ કરવાનું? એ વખતે પંડિતજીએ કહ્યું,
રત્નસુંદર મ.સા.: ક્યારથી હૃદયવાદી થયા. હૃદયવાદી ક્યારથી થયા?
ભક્તિયોગાચાર્ય યશોવિજય મ.સા: પ્રભુએ બુદ્ધિ તોડી નાખી, અને હૃદય આવી ગયું.
પ્રભુની કૃપા નહોતી ત્યાં સુધી હું Rationalist, નર્યો બુદ્ધિવાદી હતો. પ્રભુએ કૃપા કરી આજે ચુસ્ત Traditionalist, Emotionalist, devotionalist હું છું. મેં કહ્યું કેમ, પૂરું કેમ નહીં કરવાનું? મને કહે हमारी एक परंपरा है। ग्रंथ को कभी पूर्ण नहीं पढ़नेका | तुम पूरा पढ़ लोंगे तो अहंकार होगा की मेने पूरा पढ़ लिया! कोई भी ग्रंथ कभी पूरा पढ़ने का ही नही ।
નિરાગ્રહશીલતા- મને આ પહેલેથી મળેલું. પંડિતજી હોય તો પંડિતજી, એમની પણ એક પરંપરા છે. એ પરંપરાને મારે માન આપવું જોઈએ. આજે હું ચુસ્ત Traditionalist, પરંપરાવાદી છું. એક પણ નાની પરંપરા જ્યાં હોય, એને સમજવાની કોશિશ કરો. પણ ક્યારે તોડવાની કોશિશ ના કરો.
રાજસ્થાન પાડીવમાં મારું ચોમાસું. ત્યાં સંવત્સરિક મહાપર્વના દિવસે ચઢાવો બોલાયો. કે આવતીકાલે પારણા પાંચમ, દ્વાર ઉદ્ઘાટનનો ચઢાવો! બપોરે મેં અગ્રણી શ્રાવકને પૂછ્યું કે ગુજરાતમાં આવો ચઢાવો નથી હોતો. તમારે ત્યાં કેટલા વર્ષથી ચાલે છે? એ મને કહે સાહેબ 70-80 વર્ષના ચોપડા મળે છે અને એમાં તો આ ચઢાવો લખેલો છે. મેં કીધું શેના માટે આ ચઢાવો? મને કહે સાહેબ એ તો તમને ખબર પડે. આ પરંપરા કેમ એ તો તમને ખબર હોય. પછી મેં વિચાર કર્યો, મને થયું કે પ્રતિષ્ઠા પછી દ્વાર ઉદ્ઘાટનનો મહિમા કેમ? પ્રતિષ્ઠાના દિવસે પ્રભુની ઊર્જા તો નીકળી જ રહી છે સતત. હજારો ભાવુકો આવ્યા છે એમની શ્રદ્ધા જે છે એ પણ જિનાલયની અંદર ઘુમરાઈ રહી છે. રાત્રે અજોડ ઘટના ઘટે! પ્રભુના દેહમાંથી નીકળતી ઊર્જા અને ભાવિકોની શ્રદ્ધાની ઉર્જા એ બેવનું મિલન થાય. દ્વાર ઉદ્ઘાટનનો જે ચઢાવો લે, એ સૌથી પહેલા અંદર જાય. વિધિકારકને પૂછીએ ને કે ભાઈ, મહારાજ સાહેબને કેમ પહેલા અંદર નહીં જવાનું, પહેલા ચઢાવાવાળાને! કે સાહેબ ખબર નથી મને, ચોપડીમાં લખેલું છે. પણ એનું કારણ આ જ છે કે ચઢાવો લેનાર પહેલા અંદર જાય. વાળવાની વસ્તુ તો સામાન્ય છે, પણ સૌથી મોટી વસ્તુ એ છે કે આખી રાત જે પેલી ઉર્જાનું મિલન થયું છે એ ઉર્જા સૌથી પહેલા એની મળે. જ્યાં આપણે પરંપરાને સમજવાની કોશિશ કરીએ ત્યાં એક એક પરંપરામાંથી આપણને કંઈક ને કંઈક મળે.
તો હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ બે વાત કરે છે. નિરાગ્રહશીલતા અને દ્વંદ્વાતીતતા! ઘરોમાં સંઘર્ષ છે. આજનું મનોવૈજ્ઞાનિક આજના યુગને Stress Age કહે છે. તણાવોનો યુગ. ઘરમાં તણાવ-તણાવ ચાલ્યા કરે છે. એ તણાવનું કારણ શું? આગ્રહો. એકબીજાના આગ્રહો. એ અમારો ભૂતકાળ હતો, જ્યાં પત્ની પાસે કોઈ વિચાર ન હતો. પતિ બોલે એટલે વાત પૂરી થઈ ગઈ.
દક્ષિણમાં એક કવિ થયા. થીરુવલ્લુવર. લગ્નના દિવસે એમણે પત્નીને કહ્યું, હું જમવા માટે બેસું ત્યારે બીજું બધું તો તું મૂકીશ જ, એક સોયો પણ મુકજે પાટલા ઉપર. દક્ષિણ ભારતમાં દાળ-ભાતનો ખોરાક. સવારે 10:00 વાગે સાંજે 5:00 વાગે. પત્ની રસોઈ કરે, થાળીમાં ભાત મુકે, વાટકીમાં દાળ અને પાણી માટે ગ્લાસ. અને સોયો પણ પાટલા ઉપર મૂકી દે અને જોડે રહીને જમાડે. મહિનો, બે મહિના, ચાર મહિના, વર્ષ, બે વર્ષ, પાંચ વર્ષ થયા. સોયાનો કોઈ ઉપયોગ થતો નથી. ઉપયોગ થાય કે ના થાય, સવારે ગરમ પાણીમાં ઉકાળીને મૂકવો પડે. પાટલા ઉપર પેલો ફરી સાફ કરવો પડે. ફરી સાંજે ગરમ પાણીમાં ઉકાળીને મૂકવો પડે. ફરી પાછું સાંજે સાફ કરવું પડે. ચાર વખત ઝંઝટ અને ઉપયોગ બિલકુલ નહીં. લગ્નને 50 વર્ષ પૂરા થયા, 51મું વર્ષ ચાલતું હતું, પંડિતજી એ પત્નીએ પૂછ્યું કે સોયો હું મુકાઉ છું, ઉપયોગ થતો નથી. તને વિચાર નથી આવતો કે મારા પતિએ સોયો મૂકવાનું કેમ કહ્યું? એ પત્ની કહે છે, વિચાર શેનો આવે? તમારી આજ્ઞા- મુકવાનું તો મૂકવાનું! આજે શું થાય?
રત્નસુંદર મ.સા.: આજે પત્ની આજ્ઞા કરે.
એ સંભળાવી દે તમારે તો બોલવું જ છે. શક્કરભેદી જીભ ને અક્કરભેરા ટાલિયા. પણ કેવો એ યુગ! પત્ની કહે છે વિચાર શેનો આવે? તમે આજ્ઞા આપી, મારે આજ્ઞાને Follow Up થવાનું. આ તમારે ત્યાં હતું, ત્યારે તમારા ઘરોમાં કોઈ તણાવ નહોતા, કોઈ સંઘર્ષો નહોતા. તો આપણે બધી જ વાતો ધીરે ધીરે ખોલવી છે કે સાધના પ્રભુ કર્તૃક છે, ગુરુ કર્તૃક છે. માટે સાધના આપણને નાનકડી લાગે છે. એ સાધનાને કરી જીવનને સફળ કરીએ.