Param Sparsh Ni Yatra – Vachana 03

10 Views
24 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : સદ્‍ગુરુ શક્તિપાત

  • જે સદ્‍ગુરુ પાસે તમે જાઓ અને તમારું હૃદય અકારણ પ્રસન્ન બની ઊઠે, તે તમારી જન્માન્તરીય ધારાના સદ્‍ગુરુ.
  • સદ્‍ગુરુ બેવડું કાર્ય કરે. એક, શકિતપાત ઝીલવા માટે તમને તૈયાર કરે. અને બીજું, જે ક્ષણે તમે તૈયાર થઇ જાઓ, તે ક્ષણે શક્તિપાત કરીને – on that very moment – પ્રભુમિલન કરાવી દે.
  • શક્તિપાત કરવામાં સદ્‍ગુરુને એક ક્ષણ પણ લાગતી નથી પરંતુ એ શક્તિપાત ઝીલવા માટે તમને તૈયાર કરવામાં ગુરુચેતનાને જન્મો લાગી જાય છે.

પરમ સ્પર્શની યાત્રા – વેસુ ચાતુર્માસ વાચના –

સાધકને પોતાની સાધના નાનકડી લાગે. કારણ સાધના માત્ર અને માત્ર કૃપાસાધ્ય છે. આનંદઘનજી ભગવંતે ચોથા સ્તવનમાં છેડે કહ્યું, “દર્શન દુર્લભ, સુલભ કૃપા થકી આનંદઘન મહારાજ.” પ્રભુ તારું દર્શન હું કરવા માટે જાઉં તો એ બહુ જ અઘરું છે. કદાચ અશક્ય. પણ તું કૃપા કરે તો તારું દર્શન હમણાં જ થઈ જાય. પ્રભુની કૃપાનું ભક્તમાં, સાધકમાં અવતરણ અને પ્રભુનું દર્શન. મજાની આ પ્રક્રિયા છે પ્રભુની કૃપા ઉતરી. સદગુરુ સાથે પ્રભુ એ તમારું મિલન કરાવી આપ્યું. એટલે જ જયવીયરાય સૂત્રમાં પ્રભુની પાસે આપણે સદગુરુ યોગ માંગીએ છીએ. પ્રભુ મારા માટે જે સદગુરુ તને યોગ્ય લાગે એ તું મને આપી દે. પ્રભુ પાસે માત્ર પ્રાર્થના કરો, પ્રભુ તમને સદગુરુ આપશે. એક વાત પૂછું, સદગુરુ મિલનની તડપન કેટલી તમારી પાસે છે?

એક મજાની કથા પરંપરામાં આવે છે. એક વ્યક્તિ- એને ખ્યાલ હતો સદગુરુ ના મળે ત્યાં સુધી પ્રભુનું મિલન અશક્ય છે. સદગુરુ તમને પ્રભુ આપી શકે છે. એ વ્યક્તિ જંગલમાં જાય છે. જંગલમાં એક વૃક્ષની નીચે એક સદગુરુ બેઠેલાં છે. આણે ગુરુને વંદન કરી અને પછી પૂછ્યું કે મને મારા સદગુરુ ક્યાં મળશે?

Indian Mysticism નો, ભારતીય રહસ્યવાદનો એક સિદ્ધાંત છે કે, તમારા સદગુરુ જન્માંતરીય ધારાના સ્તર પર નક્કી થયેલા છે. તમે બધા જ જૂના જોગી છો. ગત જન્મની અંદર જે સદગુરૂ સાથે તમારું ઋણાનુબંધ હતું એ જ સદગુરૂ આ જન્મમાં તમને મળી જાય.

મને લોકો ઘણી વાર પૂછે છે, કે સદગુરુ બધા જ શ્રેષ્ઠ કક્ષાના હોય છે, તો અમારા પોતાના સદગુરુ કયાં? ત્યારે હું કહું છું કે, જે સદગુરુ પાસે તમે જાવ અને તમારું હૃદય અકારણ પ્રસન્ન બની ઊઠે; તમે માની શકો કે તમારી જન્માંતરીય ધારાના સદગુરુ છે. પેલાએ પૂછ્યું, મને મારા સદગુરુ ક્યાં મળશે? ગુરુએ કહ્યું જંગલની અંદર એક વૃક્ષ છે, એના લાલ પત્તા છે, પીળા એના ફૂલ છે. આવું એ વૃક્ષ એની નીચે તારા સદગુરૂ મળશે. પેલો તો દોડ્યો; તડપન હતી જલ્દી-જલ્દી સદગુરુ મળે. ક્યાંક સદગુરુ મળે છે પણ ઉપર આવું વૃક્ષ હોતું નથી. મને તો કહેવામાં આવ્યું છે કે આવા વૃક્ષ નીચે તને તારા સદગુરુ મળશે. 5 વર્ષ સુધી સદગુરની શોધમાં એ માણસ રખડ્યો. છેલ્લે એને થયું મારી સમજવામાં કંઇક Misunderstanding તો થઈ નથી. 5-5 વર્ષ થયાં. જંગલના વૃક્ષ-વૃક્ષને છાણી નાખ્યું, પત્તા-પત્તાને છાણી નાખ્યું, ક્યાંય ગુરુ મળતા નથી. પણ Misunderstanding હોય તોય સમાધાન કોની પાસેથી મેળવવું? જે સદગુરુને પૂછેલું એ સદગુરુ વૃક્ષ નીચે હતા અને વૃક્ષ નીચે કોઈ ગુરુ 5 વર્ષો સુધી બેસી શકે ખરાં? વરસાદની જડીઓ વચ્ચે, અપાર ઠંડી વચ્ચે 5 વર્ષ સુધી એ ત્યાં બેઠેલા હોય એ તો શક્ય નથી. પણ છતાં એને થયું કે મારે ત્યાં જવું જોઈએ.

એ ત્યાં ગયો જ્યાંથી એણે જર્ની શરૂ કરેલી. એની નવાઈ વચ્ચે એ સદગુરુ ત્યાંજ બેઠેલા. અને બીજી નવાઇની વાત એ હતી કે જેવું વૃક્ષ એ સદગુરુએ કહેલું હતું એવા વૃક્ષ નીચે એ પોતે બેઠેલા હતા. એટલે કે એ જ એના સદગુરૂ હતા. પેલો કે સાહેબ તમે જ મારા સદગુરુ છો, હું નિપટ અજ્ઞાની માણસ છું. આપને તો ખ્યાલ હતો જ કે આ મારો શિષ્ય છે, તો પહેલા જ કહી દેવું હતું ને. આ 5 વર્ષ ટાંટીયાની કઢી થઈ. એ વખતે એ ગુરુ હસ્યા. ગુરુ તો આમ પણ હસતા જ હોય. અમારા જેવા દરેક સદગુરુ Smiling Face વાળા જ રહેવાના. તમને ખેંચવાના છે! ભલે ને પાછળ હાથ હોય અને એમાં ચપ્પુ હોય! તમારા વિભાવોના Operation માટે! પણ પહેલા તો તમને ખેચવાના. સદગુરુની એક બીજી પણ લાક્ષણિકતા છે. તમે આંગળી આપો તમારો પોંચો પકડે સદગુરુ, તમે પહોંચો આપો તમારો હાથ પકડે સદગુરુ, અને તમે હાથ આપ્યો તો આખા ને આખા ગયા.

સમર્પણની દુનિયામાં હું છું. પ્રભુના ચરણમાં, સદગુરુના ચરણોમાં જાતનું સમર્પણ કર્યું. પણ હું કહી શકું કચરો મેં આપ્યો પ્રભુને, સદગુરુને અને અનંત જન્મોમાં ન મળ્યું હોય એવું અમૃતતત્ત્વ મને મળ્યું. પ્રભુ મળી ગયા, સદગુરુ મળી ગયા. ગુરુએ કહ્યું તું તારી માંડે છે. મારે પાંચ વર્ષ અહીંયા તારા માટે બેસી રહેવું પડ્યું એની વાત કર! અને પછી એ ગુરુએ કહ્યું, બેટા 5 વર્ષે નહીં, 50 વર્ષે નહીં, 500 વર્ષે પણ નહીં, 500 જન્મે પણ સદગુરુ મળી જાય તો સોનું સસ્તામાં! એકવાર સદગુરુ તમને મળી ગયા, તમે એમના ચરણોમાં સમર્પિત થઈ ગયા Then You Have Not To Do Anything Absolutely.

તો, પ્રભુએ કૃપા કરી સદગુરુ આપ્યા. સદગુરુ પ્રભુનું દર્શન શી રીતે કરાવે એની મજાની વાત આનંદધનજી ભગવંતે 15મા સ્તવનમાં કરી. “પ્રવચન અંજન જો સદગુરુ કરે, પેખે પરમ નિધાન, હૃદય નયન નિહાળે જગ ધણી, મહિમા મેરુ સમાન.” ગુરુ તમારા ઉપર કઈ રીતે કામ કરે છે એ મજાની વાત આ કડીમાં આવે છે. પ્રવચન અંજન જો સદગુરુ કરે: ગુરુ તમારા હૃદયને બિલકુલ બદલી નાખે છે. એવો એ શક્તિપાત કરે તમે પુરાને પૂરા બદલાઈ જાઓ. જે ક્ષણે સદગુરુ શક્તિપાત કરે એ જ ક્ષણે, On That Very Moment તમે પ્રભુનું દર્શન કરી શકો. હૃદય નયન નિહાળે જગધણી: પણ બહુ મજાની વાત તો એ છે કે કડીના પહેલા ચરણમાં જો શબ્દ આવે છે. પ્રવચન અંજન જો  સદગુરુ કરે, મતલબ એ થયો કે સદગુરુ જો શક્તિપાત કરે તો તમે પ્રભુને જોઈ શકો પણ સદગુરૂ શક્તિપાત કરે તો!

હું ઘણીવાર શ્રોતાવૃંદ જોડે વાત કરું કે કોઈપણ સદગુરુ Conditionally શરતે ખુલી શકે ખરા? તુ આવ હું શક્તિપાત કરું પણ ખરો, ન પણ કરું. સદગુરુ Conditionally શરતે ખુલી શકે ખરા! એ તો કરુણામય છે, એ તો કહી દે આવી જા શક્તિપાત કરી દઉં છું. પ્રભુનું દર્શન કરાવી દઉં. જવાબ એ મળે છે આપણને લાગે છે હકીકતમાં એ જો શબ્દ આપણને લાગુ પડે છે. આપણે શક્તિપાત માટે તૈયાર હોઈએ, ઝીલવા માટે, તો સદગુરુ એ જ ક્ષણે શક્તિપાત કરી આપે. એટલે સદગુરુનું એક Dual Action ચાલે છે. Dual Action બેવડું કાર્ય પહેલા તમને શક્તિપાત ઝીલવા માટે તૈયાર કરવાના. જે ક્ષણે તમે તૈયાર થાઓ, એ જ ક્ષણે શક્તિપાત કરવાનો. શક્તિપાત કરતા કોઈપણ સદગુરુને એક સેકન્ડથી વધુ સમય લાગવાનો નથી. પણ એ શક્તિપાત ઝીલવા માટે તમને તૈયાર કરતા જન્મો લાગ્યા ગુરુ ચેતનાને!

હું ઘણીવાર હસતા-હસતા કહેતો હોવ છું કે સદગુરુને ઘણી બધી રાહ જોવડાવી, હવે કેટલી રાહ જોવડાવાની છે? We Are Ready, Are You Ready? અમે તૈયાર છીએ શક્તિપાત કરવા માટે! ગુરુની કૃપા, ગુરૂનો આશીર્વાદ એ શક્તિપાત છે. મારી દ્રષ્ટિએ શક્તિપાત એ Lift છે. મુંબઈમાં 35માં માળે, કે 40માં માળે તમારે જવું હોય, લિફ્ટમાં બેઠા. બટન દબાવ્યું. 40 માં માળે લિફ્ટ જઈને ઊભી રહી. પણ Electricity Fail હોય. 40 માળના દાદર ચડવા જાઓ તો નાકે દમ આવે. પ્રભુની કૃપા, સદગુરુની કૃપા એ લિફ્ટ વિષય, કષાય અને અહંકારમાં અનંતા જન્મોથી રહેલા આપણે, સીધા જ પ્રભુના માર્ગ પર ઊંચકાઈ જઈએ, કઈ રીતે શક્ય બને? કૃપા વિના અશક્ય છે!

તો, સદગુરુ તૈયાર છે શક્તિપાત કરવા માટે! તમારે ઝીલવા માટે તૈયાર બનવું જોઈએ. મને સવાલ થાય કે સદગુરુનો શક્તિપાત ઝીલવા માટે એક સાધકની સજ્જતા શું હોય? એક શક્તિપાત ઝીલાય જાય અને ફટાફટ તમે દોડી જતા હોવ, ઉડી જતા હોવ, તો કોણ શક્તિપાત માટે ઈચ્છા ના કરે! તો એ શક્તિપાતને ઝીલવા માટે તમારી સજ્જતા શું હોઈ શકે?

આપણી પરંપરામાં અરણીક મુનિની વાત આવે છે. વેશ્યાને ત્યાંથી અરણીક મુનિ પાછા આવે છે. સદગુરુના ચરણો પર મસ્તકને ટેકવ્યું. સદગુરુએ પોતાનો વરદ હાથ મુનિના માથા પર મૂક્યો. કૃપાનો ધોધ વરસાવ્યો અને શક્તિપાત થયો. પ્રભુનું દર્શન થઈ ગયું, પ્રભુના માર્ગનું સંપૂર્ણ દર્શન થઈ ગયું. સવાલ એ જ થાય કે અરણીક મુનિ એ હતા, સદગુરુ પણ એ જ હતા તો સદગુરુએ અરણિક મુનિ પર પહેલા શક્તિપાત  કેમ ન કર્યો? પહેલા જો શક્તિપાત થયો હોત તો અરણીક મુનિને વેશ્યાને ત્યાં જવાની નોબત જ ન આવત.

આ વાત, આ નાનકડી ઘટના આપણા માટે બહુ જ મહત્ત્વની છે. અગણિત જન્મોની અંદર જે નથી થયું એ આ જન્મમાં આપણે કરવું છે. હું તો આ જન્મને The Very First Birth કહું છું. અગણિત જન્મોમાં આપણે શું કર્યું ખ્યાલ નથી આવતો, કારણ જો પ્રભુનું દર્શન પહેલા થઈ ગયેલું હોત, પ્રભુના માર્ગનું દર્શન પહેલા થઈ ગયેલું હોત, તો મારો અને તમારો સંસાર ચાલુ ન હોત. અગણિત જન્મોમાં જે નથી મળ્યું એ આ જન્મમાં મળે એમ છે, મેળવવું છે? એ તમારી સજ્જતા હોય તો અમે લોકો બધું જ તમને આપવા તૈયાર છીએ. સદગુરુ તો ઉચકાયેલા સાધકને કહી શકે લે તને પ્રભુ આપું છું. કોઈપણ સદગુરુના તમારી તરફ ખુલતા કાર્યો કેટલા? માત્ર બે. સદગુરુનું પોતાની તરફ ખૂલતું કાર્ય એક જ છે. ભીતર જવું, ભીતર જવું. કારણ પ્રભુની નિશ્ચય આજ્ઞા એક જ છે, “તું તારા સ્વરૂપમાં સ્થિર થા”. એટલે કોઈ પણ સદગુરુનું પોતાના માટેનું કાર્ય એક જ છે. સ્વરૂપદશાની સ્થિરતા. પણ એ સદગુરુના તમારી તરફ ખુલતા કાર્યો બે જ છે. તમને પ્રભુની પ્યાસ નથી જાગી તો એ પ્યાસ જગવી દેવાનું કામ સદગુરુનું છે અને પ્યાસ જાગી ગઈ છે તો પ્રભુ આપવાનું કામ સદગુરુ કરશે. આ સભામાં મારે ક્યાંથી શરૂઆત કરવાની છે બોલો! બધા પ્યાસ વાળા જ છો ને! પ્યાસ, તડપન! ક્યારે પ્રભુ મળે? મીરાએ કહેલું, “તડપ તડપ જીવ જાશી.” પ્રભુ તું કેટલું તડપાવીશ? તડપી તડપીને પ્રાણ ચાલ્યા જાય છે! પ્યાસ! કેવી પ્યાસ.

કવિ સમયમાં ચાતક નામના પંખીની વાત આવે છે. ચાતક પંખીને ગળા પાસે કાણું હોય છે. તો એ પંખી ચાંચમાંથી પાણી પીવે, ગળાના કાણામાંથી નીકળી જાય. તો ચાતકને ના નદીનું પાણી કામ આવે, ના ઝરણાનું, ના કુંડનું! એ માત્ર અને માત્ર વરસાદની રાહ જોતું બેસી જાય. જે ક્ષણે વરસાદ નવલકધારે તૂટી પડે. ચાતક પંખી ઊંધું પડી જાય. પોતાની ચાંચોને પસારી નાખે અને વર્ષાના બિંદુને પોતાના અસ્તિત્વમાં સમાવી લે. તો ચાતકની એક પ્રતિજ્ઞા થઇ. પાણી જોઈએ પણ એ કુંડનું નહિ, ઝરણાનું નહિ, સરોવરનું નહિ, નદીનું નહિ,  માત્ર અને માત્ર વરસાદનું! ભક્તની પણ પ્રતિજ્ઞા છે, જોવા છે માત્ર પ્રભુને! પ્રતીક્ષા જે ક્ષણે કાળ બને, પ્રભુનું મિલન તમને થઈ જાય .

વિરહની વ્યથાનો જે Extreme Point છે, એની બાજુમાં જ મિલનનું પ્રારંભ બિંદુ છે. આનંદઘનજી ભગવંત પ્રભુ માટે કેટલું રડેલા? પ્રબંધકારો લખે છે, કે સવારે આનંદઘનજી ભગવંત ઉઠે છે ત્યારે એમનો સંથારો આંસુને કારણે એટલો ભીંજાયેલો હોય છે કે Literally આપણે એને નીચોવી શકીએ.

મીરાંને કોકે પૂછેલું, તું નાનકડી દીકરી તને પ્રભુ કેવી રીતે મળ્યા? ત્યારે મીરાએ કહેલું, “અંસુઅન સીંચ સીંચ, પ્રેમ બેલી બોય.” આંસુ ના ઘડે ઘડા ઠાલવ્યા છે. ત્યારે મને પ્રભુ મળ્યા છે. પ્રભુ જોઈએ? મને ખબર છે નવકારશી નથી કરી તમે, પણ કાલનો ઉપવાસ તો નથી. પ્રભુ જોઈએ? જવાબ સભાને અનુરૂપ કહેવાય ખરો? જવાબ એ આવે પ્રભુ જોઈએ જ! એ પણ Now And Here. ગુરુદેવ! પ્રભુ વિના એક ક્ષણ રહેવાય એમ નથી. જલદી-જલદી પ્રભુ અમને આપી દો. આ વિરહ વ્યથા જે ક્ષણે આવી પ્રભુ મળવા માટે સામેથી આવી જાય! અરણિક મુનિની વાતને આપણે એટલા માટે જોવી છે કે આપણે પ્રભુના, સદગુરુના શક્તિપાતને ઝીલવા માટે કેવી રીતે તૈયાર થઈએ? હું વારંવાર કહું છું, પ્રભુની કૃપા સતત-સતત-સતત વરસી રહી છે. પણ તમારી પાસે એવી Receptivity જોઈએ. આ જ હોલમાં કેટલા બધા દૂરદર્શન કેન્દ્રોએ છોડેલા દ્રશ્ય અને શ્રાવ્ય મોજાઓ ઘુમરાઇ રહ્યા છે. ન મને એની ખબર પડે, ન તમને પડે. ટીવી On થાય એટલે સીધા એ મોજાઓ પકડાવા લાગે. ટીવી પાસે Receptivity છે કે એ મોજાઓને પકડી શકે. તો પરમ ચેતનાના જે આંદોલનો છે એને આપણે પકડવા છે.

એક બહુ મજાની વાત કરું, એકદમ પ્રેક્ટીકલ વાત. આપણી આજુબાજુમાં બે જાતની ઉર્જાનો પ્રવાહ વહી રહ્યો છે. Positive ઉર્જા અને Negative ઉર્જા. પ્રભુની કૃપા સતત વરસી રહી છે, સંતોના હૃદયમાંથી Positive ઉર્જા સતત બહાર નીકળી રહી છે અને નિરાશ લોકોએ છોડેલ Negative ઉર્જા પણ આજુબાજુમાં છે. તો બંને ઉર્જાઓ તમારી આજુબાજુમાં છે. તમારે કઈ ઉર્જા પકડવી એ તમારા હાથમાં છે. જેવી વ્યવસ્થા ટીવીમાં છે કે તમારે જે Station પકડવું હોય જે Frequency નું એ Frequency નું સ્ટેશન તમે પકડી શકો છો. અહીંયા પણ બે Frequency થઈ. એક Positive ઉર્જાવાળી, એક Negative ઉર્જાવાળી. તમારે Positive ઉર્જાને પ્રાપ્ત કરવી છે, આખો દિવસ આનંદમાં રહેવું છે, તો સવારે ખાલી દસ મિનિટ પ્રભુને આપો. શાંત થઈને બેસી જાઓ અને મનને એકદમ હકારાત્મક બનાવી દો. હું કેટલો બડભાગી છું. જૈન કુળમાં જન્મ થયો, પ્રભુનું શાસન મળ્યું, સત્સંગ મળ્યો! વેસુનું તો ભાગ્ય ખુલી ગયું છે. જ્યાં પણ જે પણ ગલીમાંથી પસાર થાઓ, વેશ પરમાત્માના દર્શન તમને થાય. તો દસ મિનિટ પોઝિટિવ થીંકીંગ કરો. કેટલું સરસ મળ્યું, કેટલું સરસ મળ્યું, કેટલું સરસ મળ્યું! તો તમારા મનની Position એવી થશે, જે માત્ર Positive ઉર્જાને જ પકડશે. એ જ Frequency ને પકડશે. નેગેટિવ ઉર્જાને નહીં પકડે.

આજે તો Motivation નું બહુ મોટું Profession ચાલી નીકળ્યું છે. સુરતમાં અઠવાલાઇન્સમાં અમારું ચોમાસુ હતું. એ વખતે મોટીવેશનલ ગુરુ શિવ ખેરા આવવાના હતા. બહુ મોટું નામ Positive Thinkers માં, Positive Oratorsમાં એમનું નામ બહુ મોટું ગણાય. એક પ્રવચનની 8-10 લાખ રૂપિયાની ફી હોય. આયોજકો Planeમાં એમને બોલાવે. Five Star હોટલમાં રાખે. દોઢ કલાક હોલ પર આવીને પ્રવચન આપી જાય, દસ લાખનો ચેક આપી દે. તો, શિવ ખેરા આવવાના હતા તો દેખીતી રીતે મીડિયામાં એની ચર્ચા હોય જ. એ વખતે હું Morning Walk રોજ કરતો. Pressure હતું, Diabetes હતું. ઘણા સાધકો મારી જોડે Morning Walk માં આવતા. શિવ ખેરા આવીને ગયા. બીજી સવારે Morning Walk માં એક ભાઈએ મને પૂછ્યું, સાહેબ શિવ ખેરા આવી ગયા. આપને તો ખ્યાલ હશે, મેં કીધું હા. મેં પૂછ્યું તમે ગયેલા? મને કે હા ગયેલો. મેં કીધું પ્રવચન કેવું હતું? એમણે કહ્યું સાહેબ આટલું મોટું નામ છે, એક ભારતના ક્ષેત્રે નહીં, International ક્ષેત્રો ઉપર જ્યારે આટલું મોટું નામ છે, ત્યારે પ્રવચન પ્રભાવશાળી હોય જ! અને દોઢ કલાક પૂરેપૂરો એમનો સાંભળે ત્યારે એ માણસ થોડા સમય માટે Positive ઉર્જામાં આવી જ જાય! પણ પછી એ ભાઈ એ બહુ સરસ વાત કરી કે સાહેબ તમારા જેવા સંતોના પ્રવચનો રોજ હું સાંભળું છું અને તેથી મને કંઈ એમાં નવાઈ ના લાગી. તમે લોકો વગર પૈસે અમને આપો છો. એ લોકો 10 લાખ રૂપિયા લઈને આપે છે. ફરક આટલો જ. બાકી તમે જે આપો છો એ પણ અદ્ભુત છે.

તો, દસ મિનિટ સવારે સૌથી પહેલા પોઝિટિવ થીંકીંગમાં આવી જવાનું છે. કેટલું સરસ, કેટલું સરસ, કેટલું સરસ! અને જુઓ પછી આખી Frequency Positive ઉર્જાની પકડાશે અને બાકી નેગેટિવ ઉર્જામાં તો તમે રહેલા છો જ! તો એક દસ મિનિટ તમે આપો અને આખો દિવસ તમારો આનંદમાં જાય એ કેટલી મોટી બાબત છે! અને એકદમ Practical Approachમાં તમે આને મૂકી શકો એવી બાબત છે. અરણીક મુનિનાં દીક્ષાના પ્રારંભના વર્ષો! અરણીક મુનિ જ્ઞાની છે, ધ્યાની છે, તપસ્વી છે.બધું હોવા છતાં ચૂક ક્યાં થઈ? સાધના જગતના કર્તા પ્રભુ, સાધના જગતના કર્તા સદગુરુ. અરણીક મુનિ એમ માને છે, કે સાધના કઈ કરવી એ નક્કી હું કરું, સદગુરુને કહી દઉં, ગુરુદેવ અઠ્ઠમનું પચ્ચક્ખાણ આપો. ગુરુદેવ આજે અઠ્ઠાઈનું પચ્ચક્ખાણ આપી દો. મોટામાં મોટી ભૂલ એ થઈ કે સાધના જગતમાં જેણે સાક્ષી તરીકે સમર્પિત થઈને રહેવાનું હતું એ કર્તા બની ગયો. અને જે સદગુરુ કર્તા તરીકે હતા એમને સાક્ષીની ભૂમિકામાં મૂકી દેવામાં આવ્યા.

સાધના ગુરુદત્ત જ જોઈએ. ધારો કે ચૌદસના દિવસે તમે પૌષધ કર્યો. તમે એકલા જ છો પૌષધમાં. તમે ઘરેથી નક્કી કરીને આવ્યા કે મારે આયંબિલ છે. રાઇ મુહપત્તિ કરી. છેલ્લે તમે આદેશ માંગો છો, ઇચ્છકારી ભગવાન પસાય કરી પચ્ચક્ખાણ આદેશ આપશોજી. પછી Supplementaryમાં આગળ બોલો, સાહેબજી આયંબિલ. તમે એકલા છો, આયંબિલ કરવું તમારા માટે નક્કી છે. તો તમે પચ્ચક્ખાણની અંદર આદેશ લેતી વખતે કહી ન શકો ઈચ્છકારી ભગવાન પસાય કરી આયંબિલનો આદેશ આપશોજી. ના, નહી કહેવાય. કારણ શું? કારણ એક જ કે આજનું પચ્ચક્ખાણ એ આજની સાધના છે અને એ સાધના ગુરુદત્ત હોવી જોઈએ.

પ્રતિષ્ઠિત સંઘ હોય ને એમાં એક બોર્ડ લગાડેલું હોય, અહીંયા બુફે નિષેધ છે. બુફેનો ગુજરાતી પર્યાય શું થાય? સ્વરુચિ ભોજન. એટલે ભોજનમાં રુચિ પ્રમાણે ઉભા-ઉભા ખાવાનો નિષેધ હોય સંઘમાં. અને સાધનામાં તમારી ઈચ્છા પ્રમાણે સાધના કરવાની? ઉત્તરાધ્યયન સૂત્રમાં પ્રભુદત્ત સાધના તો પહેલા આવી, “पढमं पोरिसी सज्झायं, बिइयं ज्ञाणं ज्ञिआयह।” આ બધી સાધના આવી. પણ એ પછી એમાં જ આવે છે ” पुरिछज्जा पंजलि उडो किं कायव्वं  मए इस।?” પ્રભુએ આપેલી સાધના નક્કી છે: પહેલા પ્રહરમાં સ્વાધ્યાય, બીજામાં ધ્યાન વગેરે ત્રીજામાં ગોચરી પડીલેહણ નો વગેરે, ચોથામાં ફરી સ્વાધ્યાય. આ દિવસનો આખો ક્રમ. છતાં ગુરુ પાસે જાય છે,  पुरिछज्जा पंजलि उडो किं कायव्वं  मए इस?  હાથ જોડીને નમ્રતાથી પૂછે છે, ગુરુદેવ! આજે મારે શું કરવાનું છે? કારણ પ્રભુની આજ્ઞા, ગુરુ દ્વારા તમને મળી છે. ક્યારેક મહેમાન સાધુ ભગવંતો તો આવેલા છે, તો ગુરુદેવ કહેશે આજે અત્યારે તારે વૈયાવચ્ચ કરવાની છે. પછી એ વખતે દલીલ ના કરી શકો, ભગવાને શું કહ્યું છે?

GURU IS THE SUPREME BOSS! પ્રભુએ કહેલી આજ્ઞાઓ ઘણી બધી 45 આગમ ગ્રંથોમાં ફેલાયેલી. તમારા માટેની પર્સનલ આજ્ઞાઓ કઈ એ સદગુરુ નક્કી કરે છે. તમારા જીવનને પૂરેપૂરો આકાર આપવાનું કામ સદગુરુ કરે છે. ભીનો માટીનો પિંડ કુશળ શિલ્પીના હાથમાં આવી ગયો એ શિલ્પમાં બદલાઈ જાય. માઈકલ એન્જેલો- 2000 વર્ષ પહેલાંનો અદભુત ચિત્રકાર, અદભુત શિલ્પી. માઈકલનું એક શિલ્પ છે પીએટા. એ શિલ્પ એવું છે કે મા મેરી- ઈશુ ખ્રિસ્તની મા સિંહાસન પર બેઠેલા છે. અને વધસ્તંભેથી ઉતારાયેલ ઈશુનું મૃતદેહ એમના ખોળામાં છે. પણ એ વખતે મા મેરીના ચહેરા ઉપર માત્ર અને માત્ર પ્રેમ દીકરા પરનો છલકાઈ રહ્યો છે, અને ઈશુના ચહેરા ઉપર માત્ર કરુણા છે. વધસ્તંભે જતા વખતે પણ ઈશુએ કહેલું, પ્રભુ! એમને માફ કરજે, મને મારનારાઓને; એમને ખબર નથી એ લોકો શું કરી રહ્યા છે! આ જે ઈશુની કરુણા હતી એને માઈકલે આરસની અંદર એકદમ કંડારી.

Facial Expression ની દ્રષ્ટિએ એ વખતે પણ એ શિલ્પ અજોડ હતું અને 2000 વર્ષ પછી આજે પણ એ શિલ્પ અજોડ છે. એ વખતે માઈકલના મિત્રોએ માઈકલને પૂછેલું કે, આટલું અજોડ શિલ્પ તે કેવી રીતે કંડાર્યું? માઈકલનો જે જવાબ હતો તે યાદ રાખજો. માઈકલે કહ્યું આ શિલ્પ મારા મનમાં તૈયાર જ હતું. પણ એને માટે જોઈએ એવો મોટો આરસનો ટુકડો મને મળતો નહોતો. એકવાર એક આરસના વેપારીના ગોડાઉન પાસેથી હું પસાર થતો હતો. મેં એવો જ ટુકડો જોયો જે મારા શિલ્પ માટે જરૂરી હતો. મેં વેપારી જોડે વાતચીત કરી એને ખરીદી લીધો. એ આરસના ટુકડાને મારા સ્ટુડિયો પર લાવ્યો. મારા મનમાં ચિત્ર તૈયાર જ હતું, શિલ્પ તૈયાર જ હતું. મારે શું કરવાનું હતું? બિનજરૂરી ભાગ હતો પથ્થરનો એ તોડી નાખ્યો, શિલ્પ અંદરથી પ્રગટ થયું.

કોઈપણ સદગુરુ તમારા ઉપર આ રીતે કામ કરે છે. તમે બધા આનંદઘન છો જ. આનંદઘનજી ભગવંત ત્રણસો વર્ષ પહેલા થયા, બરોબર? તમે કોણ છો? Who Are You? તમે બધા આનંદઘન છો! અમારે છીણી અને ટાંકણી લઈને બેસી જવાનું છે. થોડા ઉપરના પડોને કાઢી નાખીએ, તમારું આનંદધન સ્વરૂપ પ્રગટ થઈ જાય. તમને કેવળજ્ઞાન મળશે એ બહારથી આવવાનું નથી, તમારી ભીતર જ અત્યારે કેવળજ્ઞાન છે. માત્ર એની આજુબાજુ આવરણ જ છે. સદગુરનું કામ એ છે કે બધા જ આવરણો તોડી નાખવાના. ભીની માટી તમે હોવ તો માત્ર આંગળીઓ ફેરવીને કામ કરશે. તમે પથ્થર કે આરસ હોવ તો છીણી અને ટાંકણી લેવી પડશે. તમે શું છો એના ઉપર આધાર છે. શિલ્પ પણ તમારા માટેનું અમારા મનમાં નક્કી છે.

હું ઘણીવાર કહું છું એક સાધકને જોતા સદગુરુ નક્કી કરે છે કે અત્યારની એની સાધનાનું Stand Point કયું છે! અને એ પણ નક્કી કરે છે કે આ જન્મના છેવાડા સુધીમાં એને ક્યાં સુધી પહોંચાડી શકાય! એક વાર હું પ્રવચનમાં વાત કરતો હતો. એક ભાઈ મારી સામે બેઠેલા. મને કે સાહેબ બધું જ પ્રભુ અને સદગુરુ કરી લે તો અમારે શું કરવાનું? અમારી સાધનાનું Stand Point તમે નક્કી કરો. અમે ક્યાં સુધી પહોંચી શકે એમ છીએ એ પણ તમે નક્કી કરી લો. અમારામાં એવી સંભાવના ના હોય તો એ સંભાવનાઓને પણ તમે પેદા કરી દો. તો અમારે શું કરવાનું? હું એકદમ હળવા મૂડમાં હતો. મેં કહ્યું, કે ભાઈ અત્યાર સુધી પ્રભુની કૃપા, સદગુરુની કૃપા એનું ઝરણું વહ્યા જ કરતું હતું. આપણે વહી કેમ ના શક્યા! કારણ? બુદ્ધિ અને અહંકારના પથ્થર આપણે એ ઝરણામાં ફેંક્યા. એટલે મેં કહ્યું, તમારે એક જ કામ કરવાનું છે: બુદ્ધિ અને અહંકારના પથ્થર એ કૃપાના ઝરણામાં તમારે ફેંકવા નથી! માત્ર સમર્પણની ધારામાં આવી જાઓ અને મોક્ષ આ રહ્યો! મોક્ષ ક્યાં દૂર છે? એક સમર્પણ તમારી પાસે આવ્યું, મોક્ષ આ રહ્યો!

તો, અરણીક મુની જ્ઞાની છે, ધ્યાની છે, તપસ્વી છે. છતાં સદગુરુ એમના ઉપર શક્તિપાત કરી શકતા નથી. આ વાતને decode કરવી જરૂરી છે, આ વાતમાં ઊંડા ઉતરવું બહુજ જ જરૂરી છે કે જેથી આપણી સજ્જતા પ્રગટે અને આપણે પણ સદગુરૂ ના શક્તિપાતને ઝીલી શકીએ.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *