Param Sparsh Ni Yatra – Vachana 15

10 Views
22 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : પરમ વિરહાસક્તિ

અગણિત જન્મોમાં આપણે અતૃપ્ત હતાં, પ્યાસા હતાં; પણ ખ્યાલ નહતો કે એ પ્યાસ શેની છે? અજ્ઞાનને કારણે સંપત્તિ અને પદાર્થોથી એ તરસ છીપાવવાનો પ્રયત્ન કર્યો પણ ક્યાંયથી તૃપ્તિ મળી નહિ. કારણ કે એ પ્યાસ છે પરમ ચેતનાના પરમપ્રેમની. જ્યાં સુધી એ ન મળે, આપણે અતૃપ્ત જ રહેવાના.

જે ક્ષણે પરમાત્માના પરમપ્રેમમાં તમે ડૂબ્યા, કે પછી તમારું મન પૂર્ણ-પૂર્ણ બની ગયું. પછી તમને ક્યાંય અધૂરપ દેખાતી નથી. જો ગુણસાગર જેવો પરમપ્રેમ મળી જાય, તો લગ્નની ચોરીમાં પણ કેવળજ્ઞાન થઇ શકે!

પ્રારંભિક કક્ષાએ પરમાત્માનો આંશિક આસ્વાદ મળે, એ પણ એટલો બધો મીઠો લાગે કે પછી દુનિયાની કોઈ વસ્તુ, વ્યક્તિમાં મન લાગી શકે નહિ. જો કે અલપઝલપ મિલન આપીને પછી પ્રભુ અદ્રશ્ય થઇ જાય; બાકી રહે પરમ વિરહાસક્તિ.

પરમ સ્પર્શની યાત્રા – વેસુ ચાતુર્માસ વાચના – ૧

એ પરમ પ્રેમ મળે, ત્યારે ભીતરી દશા ભક્તની કેવી હોય? એ જ સ્તવનામાં પૂજ્યશ્રી એ આગળ એક કડીમાં કહ્યું,

” પૂરણ મન, પૂરણ સબ દિસે, નહિ દુવિધા કો લાગ, પાઉ ચલત પનહી જો પહીરેતસ નહી કંટક લાગ!” 

જે ક્ષણે પરમાત્માના પરમ પ્રેમમાં તમે ડૂબ્યા, પૂરણ મન, પૂરણ સબ દિસે! તમારું મન પૂર્ણ પૂર્ણ બની ગયું. તમને ક્યાંય અધૂરક દેખાતી નથી.

ઉપનિષદનો મંત્ર છે,

ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात्पूर्णमुदच्यते ।
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॥

 ઉપનિષદના ઋષિ કહે છે, મને તો બધું જ પૂર્ણ-પૂર્ણ દેખાય છે. કોઈ વ્યક્તિ અધૂરી મને ક્યારેય પણ લાગતી નથી. આ પણ પૂર્ણ, પેલું પણ પૂર્ણ! પૂર્ણથી પૂર્ણ વધે અને પૂર્ણમાંથી પૂર્ણ ને લઈ લો તો પણ પૂર્ણ બચે! “પૂરણ મન, પૂરણ સબદિસે.”

અત્યાર સુધી અગણિત જન્મોમાં હું અને તમે અતૃપ્ત હતા. પ્યાસા-પ્યાસા હતા. પ્યાસ હતી પણ ખ્યાલ નહોતો કે પ્યાસ શેની છે!, અજ્ઞાનને કારણે સંપત્તિ એકઠી કરી, પ્યાસ છુપાઈ નહિ. તૃપ્તિ મળી નહિ. પદાર્થોનો ઢગલો ભેગો કર્યો. એમ માનેલું, આનાથી તૃપ્તિ મળશે, તૃપ્તિ મળી નહિ. પ્યાસ છુપાઈ નહીં. શી રીતે છુપાય? પાણીની તરસ લાગી હોય, એને શિરો-પુરી ને ભજીયા આપો, તરસ શી રીતે છુપાય? અગણિત જન્મોની એ પ્યાસ લઈને આપણે ચાલ્યા છીએ અને એ છે પરમ ચેતનાના પરમ પ્રેમનો! જ્યાં સુધી એ ના મળે આપણે અતૃપ્ત જ રહેવાના; પ્યાસા પ્યાસા રહેવાના.

મને પણ આ પંક્તિઓ અનુભૂતિ પછી સમજાઈ. જે ક્ષણે પરમાત્માનો પરમ પ્રેમ મળ્યો; આખી સૃષ્ટિ બદલાઈ ગઈ! એ પછી એક વ્યક્તિ પ્રત્યે ક્યારેય પણ આંશિક તિરસ્કાર મને આવ્યો નથી! પ્રભુ પ્રત્યેનો પરમ પ્રેમ, એની આજ્ઞા પ્રત્યેના પરમ પ્રેમમાં પણ બદલાયો. પ્રભુએ કહ્યું, બધા જ સિદ્ધાત્માઓ છે. એને તું એ રીતે જો! પ્રભુએ પૂરી સૃષ્ટિને જોવાની એક નવી દ્રષ્ટિ આપી. એ પરમપ્રેમ મળ્યો, આનંદ જ આનંદ છે!

શ્રીપાળ કુમાર પાસે આ જ પરમ પ્રેમ હતો. અને એ પ્રભુ પરનો પરમ પ્રેમ પ્રભુની આજ્ઞા પરના પરમ પ્રેમમાં ફેરવાઈ ગયેલો. અને એથી ધવલ શેઠ પણ એમને પરિપૂર્ણ દેખાય છે. ધવલ શેઠ પણ અનંત ગુણોના માલિક છે એ રીતે શ્રીપાળજી એમને જોઈ શકે છે. એ Reverence For The Life શ્રીપાળ કુમાર પાસે હતો. ચૈતન્ય પ્રત્યેનો સમાદર! જ્યાં જ્યાં ચૈતન્ય, ત્યાં આદર પ્રગટે!

એ પરમ પ્રેમમાં આપણે ડૂબવું છે. કિનારે બેસીને છબછબિયા ઘણીવાર માર્યા. આ જન્મ, માત્ર અને માત્ર પરમ પ્રેમમાં ડૂબવા માટે છે. એના માટે ત્રણ ચરણો આપ્યા છે,

  1. મિલન
  2. ગુણકલન
  3. એકાકારી ભવન

એ પરમ પ્રેમનો અનુભવ એકવાર થઈ ગયો એ પરમપ્રેમ ક્યારે પણ છૂટવાનો નથી. જન્મો ભલે બદલાય એ પરમપ્રેમ સહેજ પણ ઓછો થઈ ન શકે!

ગુણસાગર શ્રેષ્ઠી પુત્ર છે. આઠ કન્યાઓ સાથે સગપણ એમનું નક્કી થઈ ગયેલું છે. લગ્નના મુહૂર્ત જોવાની તૈયારીઓ ચાલે છે. એ વખતે ગુણસાગરે એક મુનિરાજને જોયા. જોતાની સાથે પૂર્વ જન્મનું અનુભવેલું મુનિપણાનું સુખ યાદ આવે છે. મુનિપણાનો આનંદ, પ્રભુનો એ પરમ પ્રેમ ગયા જન્મમાં અનુભવેલો છે. આ જન્મમાં 20 વરસની વય પછી જાતિસ્મરણ જ્ઞાન થયું. એ પરમ પ્રેમ યાદ આવે છે, અને પૂરું ચિત્તતંત્ર પરમાત્માને એ જ ક્ષણે સમર્પિત થઈ જાય છે. કેટલો પરમાત્માનો પરમ પ્રેમ માણ્યો હશે! કે જન્મ બદલાઈ ગયો, આ જન્મની અંદર 20-20 વર્ષના વાણા વીતી ગયા. જે ક્ષણે એ પરમ પ્રેમની સ્મૃતિથઈ એ પરમ પ્રેમમાં એ જ ક્ષણે ડૂબી ગયા.

તમારે ખાલી એક જન્મમાં, એક વાર ડૂબવું છે પછી તમે એના વિના રહી નહીં શકો. અને ડુબાડશે પણ એ પોતે જ! પ્રભુ જ ડુબાડશે. તમારી સજ્જતાને જોઈને પ્રભુ તમને ડુબાડશે. એકવાર તમે ડૂબી ગયા, પછી તમે એના સંમોહનમાંથી ક્યારેય પણ બહાર નીકળી નહી શકો. એવો પરમ પ્રેમ અનુભવી રહ્યા છે કે સંસારનું કહેવાતું બધું જ સુખ તણખલા જેવું લાગે છે. માતા-પિતાને કહી દીધું હું પ્રભુના પરમ પ્રેમમાં ડૂબવા માટે આ જન્મમાં આવેલો છું. સગપણ કેન્સલ કરી નાખો. લગ્ન મારે કરવાના છે નહીં. હું માત્ર પ્રભુના પરમ પ્રેમમાં જ ડૂબવાનો છું. માની આંખમાં આંસુ છે. મા કહે છે, દીકરા! આપણા ખાનદાન સામે તો જો! આ આઠ કન્યાઓ એકદમ સારામાં સારા ઘરની, આપણા ખાનદાનને જોઈને આવી રહી છે. દીકરા! મારા આંસુની સામે તો જો! તારે લગ્ન કરવા જ પડશે. માના આંસુ, દીકરો શું કરી શકે? પણ એ વખતે ગુણસાગરે કહ્યું કે, મા! તારા આંસુની ખાતર લગ્ન કરી લઈશ. લગ્નનો દિવસ તમારો, બીજી સવારે પ્રભુના પરમ પ્રેમમાં ડૂબવા માટે હું જવાનું છું, હું દીક્ષા લેવાનો છું, તમારે ના પાડવાની નથી. તમારા માટે લગ્ન કરવા હું તૈયાર. પણ લગ્ન પછીની બીજી સવાર મારી છે.

માએ વિચાર કર્યો દીકરો આટલો તો પલળ્યો છે. અને આઠ કન્યાઓ આવશે એ પોતાનું કામ કરશે ને! માએ હા પાડી. લગ્નનો વરઘોડો નીકળ્યો. એ વખતે ગુણસાગરના મનની અંદર એક જ વાત ઘુમરાઈ રહી છે. માના આંસુને ખાતર આ વિધિ થઈ રહી છે, બાકી ખરી વિધિ આવતીકાલે છે. પ્રભુના પરમ પ્રેમમાં એવો ડૂબી જાઉ, એવો ડૂબી જાઉ કે બસ એના સિવાય કશું જ મારા માટે દુનિયામાં રહે નહીં!

એ જ લયમાં આચારાંગ સૂત્રે કહ્યું, तद्दिठ्ठीए!ભક્તોનો બહુ મજાનો આ લય છે. તમારી દ્રષ્ટિ, તમારી નજર ક્યાં હોય? માત્ર અને માત્ર એ પરમાત્મા તરફ! મારા ભગવાન શું કહે છે દશવૈકાલિક સૂત્રમાં શિષ્ય પ્રશ્ન કરે છે. कछं चरे ? कछं चिट्ठ ? 50 વર્ષની વયે જેને દીક્ષા લીધી છે એ શિષ્ય ગુરુને પૂછે છે કઈ રીતે ચાલુ? કઈ રીતે બેસવું? કઈ રીતે ખાવું? તમે બાજુમાં આવો તો તમને શું થાય? ભાઈ 50 વર્ષના માણસ એ ગુરુને પૂછે છે કે કેવી રીતે ખાવું? કઈ રીતે ચાલવું? અરે ભાઈ, બે પગથી ચાલવાનું અને જમણા હાથથી ખાવાનું! પણ પ્રશ્નનું ઊંડાણ ત્યાં છે એવી રીતે ખાવું, એવી રીતે પીવું, એવી રીતે ચાલુ કે મારા પ્રભુની આજ્ઞામાં જ હું હોવ. મારા પ્રભુનો જે પરમ પ્રેમ મેં સ્વીકાર્યો છે. એમાં સહેજ પણ આંચ આવવી ન જોઈએ. ભોજન નંબર બે ઉપર, સુઈ જવાનું નંબર બે ઉપર, બધું જ નંબર બે ઉપર. નંબર એક ઉપર છે પરમાત્માનો પરમપ્રેમ!

ગુણસાગરનો લગ્નનો વરઘોડો ચાલે અને ગુણસ્થાનકમાં એ ઉચકાતા જાય છે. અને લગ્નની ચોરીમાં એમને કેવળજ્ઞાન થાય છે! એ પ્રભુનું શાસન મને અને તમને મળ્યું છે; જ્યાં લગ્નની ચોરીમાં કેવળજ્ઞાન થઈ શકે! કુરગડુ મુનિને ખાતા ખાતા કેવળજ્ઞાન થાય છે. એ પરમ પ્રેમમાં ડૂબવું છે.

મિલન! પહેલા એ પરમ પ્રેમનો સહેજ આસ્વાદ મળે. આસ્વાદ કઈ રીતે મળે? કલાપૂર્ણસૂરી દાદા જેવા મહાપુરુષને જોઈએ; એમના મુખ પરના આનંદને જોઈએ; ત્યારે થાય કે પરમ પ્રેમમાં ડૂબવું એટલે શું? પોતાના પરમ આનંદને પ્રાપ્ત કરવો! દાદા કહેતા કે મારી એક-એક ક્ષણ પરમ પ્રેમમાં છે અને એટલે આનંદમાં છે! આવા સંતોને જોઈએ એટલે પરમ પ્રેમનું મિલન થાય. એ પછી થોડી ક્ષણો તમે ધારામાં વહો તો એ પરમ પ્રેમ દ્વારા તમને શું મળ્યું એની અનુભૂતિ તમને થાય. કોઈપણ સાધના તમે કરો, એ સાધનાની અનુભૂતિ જે ક્ષણે તમને થશે, તમને એ સાધના ઉપર તીવ્ર પ્રેમ જાગી જશે.

મોરારજીભાઈ દેસાઈ તત્કાલીન મુંબઈ રાજ્યના મુખ્યમંત્રી હતા. પછી તો વડાપ્રધાન પણ થયેલા. પણ ઘટના એ સમયની કહું છું કે જે સમયે મોરારજીભાઈ મુંબઈ રાજ્યના મુખ્યમંત્રી હતા. એકવાર એમને અરુણાચલ પ્રદેશમાં જવાનું થાય છે. એમણે પોતાના સેક્રેટરીને કહ્યું કે અરુણાચલ પ્રદેશની મારી સરકારી Visit છે. પણ ત્યાં અરુણાચલમમાં રમણ મહર્ષિ વિદ્યામાન છે. એ સંતના ચરણોમાં મારે અડધો-કલાક, કલાક બેસવું છે. એટલે પ્રોગ્રામ એ રીતે કરજો કે અડધો-કલાક, કલાક સંતના ચરણોમાં હું બેસી શકું. મોરારજીભાઈ આમ પણ આધ્યાત્મિક પુરુષ હતા. આશ્રમમાં બે દિવસ પહેલા Police Van, Security Van બધા આવી ગયા. આશ્રમમાં ખ્યાલ આવી ગયો મુખ્યમંત્રી આવી રહ્યા છે. પણ રમણ મહર્ષિની નિસ્પૃહતાની છાપ શિષ્યવૃંદ ઉપર, સાધકવૃંદ પર એવી હતી કે મુખ્યમંત્રી આવે છે એની નોંધ લેવા પણ કોઈ તૈયાર નહોતું. બધા જ સાધનામાં ડૂબેલા છે.

આપણી એક પરંપરા હતી, ગીતાર્થ ગુરુ એક હોય! હીરસૂરી મહારાજ સાહેબ સુધી આ પરંપરા ચાલુ હતી. એમની નિશ્રામાં સેંકડો આચાર્યો હોય, સેંકડો પંન્યાસો હોય. ગીતાર્થ ગુરુ જ તમને સાધના આપી શકે. તમારી સાધના માત્ર અને માત્ર ગીતાર્થ ગુરુની નિશ્રામાં ચાલે. એટલે આચાર્યો ભલે ઘણા હોય પણ સાર્વભૌમ આચાર્ય એક જ, જે ગચ્છાધિપતિ છે!

આપણે ત્યાં એક મજાની પરંપરા હતી. હું માનું છું કે પરંપરાને પુનર્જીવિત પણ કરી શકાય. નિશ્ચય ગુરુ અને વ્યવહાર ગુરુની એક પરંપરા આપણે ત્યાં હતી. આપણા જે ગીતાર્થ ગુરુ ગચ્છાધિપતિ છે, એ આપણા નિશ્ચય ગુરુ છે અને દીક્ષા વખતે જે ગુરુનું નામ ધરાવાયું છે, એ વ્યવહાર ગુરુ છે. તમારી પૂરી સાધના એને નિશ્ચિત કરનાર માત્ર ગીતાર્થ ગુરુ છે. વ્યવહાર ગુરુને એ અધિકાર નથી. વ્યવહાર ગુરુ શું કરે? નિશ્ચય ગુરુએ જે સાધુને, જે સાધ્વીને સાધના આપી છે, એને Follow Up કરાવવાનું કામ કરી શકે.

હોસ્પિટલમાં આજે આજ વાત ચાલુ છે. મોટા ડોક્ટર રાઉન્ડ પર આવે, એમની જોડે ડોક્ટરો અને નર્સનો કાફલો હોય, એ ડોક્ટર દર્દીને જુએ, Monitors જોઈ લે. નવામાં ફેરફાર શું કરવાના એની નોંધ કરાવી દે. પછી 24 કલાક Follow Up કરવાનું કામ એ નીચેના તંત્રનું છે. પણ આજ્ઞા આપવાનું કામ, નિશ્ચય કરવાનું કામ મોટા ડોક્ટરનું છે. આ જ પરંપરા આપણે ત્યાં હતી. ગીતાર્થ ગુરુ જે છે એ પરમ જ્ઞાની છે. એ તમારી જન્માંતરીય ધારાને પણ જોઈ શકે છે. તમારી જન્માંતરીય ધારા પ્રમાણેની ધારામાં તમને મૂકી શકે. તમારી પાસે જન્માંતરીય ધારા નથી, તો નવું Composition સાધનાનું શું આપવું? એ પણ ગીતાર્થ ગુરુ નક્કી કરી શકે. વ્યવહારગુરુએ માત્ર એને Follow Up કરાવવાનું કામ જ કરવાનું હોય છે. એના કારણે સાધના એટલી જ Smoothly ચાલતી હોય. પછી દર પંદર દિવસે આલોચના લેવા આવો એટલે શું? તમે સદગુરુ પાસે આવ્યા અને તમારી સાધના કેવી રીતે ચાલે છે એની વાત કરી. અને એના આધારે સાધનામાં સુધારો-વધારો કરવાનો હોય તો નિશ્ચય ગુરુ ફરીથી કરીને આપશે. કેટલી મજાની પરંપરા હતી. એક નિશ્ચય ગુરુ! એમની નિશ્રામાં 100-150-200-500 શિષ્યો! એક જ સરખું કામ ચાલ્યા કરે.

બીજી એક મજાની વાત કરું, કલાપૂર્ણસૂરી દાદા ભક્તિની ધારામાં ઊંડા ઊતરેલા, જયઘોષસૂરી દાદા આગમિક પદાર્થોની અંદર બહુ જ ઊંડા ઊતરેલા. બીજા બીજા આચાર્ય ભગવંતો તો અમુક-અમુક શાખાઓમાં ઊંડા ઊતરેલા હોય. પછી આપણે ત્યાં એવું ચાલતું- મારા શિષ્યોને મારે ભક્તિની ધારામાં મોકલવો છે, તો હું એને કલાપૂર્ણસૂરી દાદા જોડે મોકલું. કે દાદા જોડે જા અને ભક્તિની ધારામાં તું આગળ વધ. એટલી મજાની રીતે સાધના ચાલતી હતી. એક-એક નિશ્ચય ગુરુ પાસે એક-એક વર્કશોપ ચાલતો હતો.

આજે સાધના તમે તમારી ઈચ્છા પ્રમાણે કર્યા કરો છો. તમારી સાધનાનું નિયામક કોણ? મેડિકલ સ્ટોર તમારી પાસે છે. તમે કેમિસ્ટ છો. ગમે તેવો રોગ થયો, તમારા સ્ટોરમાં જઈને તમે દવા ફાકી લેશો? Hospitalized તમને કરવા પડશે. તમે દવા તમારી રીતે લઈ શકતા નથી. ડોક્ટર પ્રિસ્ક્રાઈબડ કરે એ જ દવા તમે લઈ શકો છો. એ જ વાત અહીંયા છે. તમારા માટેની કઈ સાધના? એ સદગુરુ નક્કી કરે. આવા Workshops ચાલતા હોય કેટલી મજા આવે! હું તો એક એક ચોમાસામાં વાત કરું છું કે ચતુર્વિધ સંઘ માટે Workshop ચલાવીએ આપણે. સાધના જીવંત રૂપે તમારી પાસે આવવી જ જોઈએ. સદગુરુ પોતાની પાસે જે કઈ છે, એ બધું જ તમને આપવા તૈયાર છે. માત્ર તમે એને ઝીલવા માટે તૈયાર થઈ જાવ.

આશ્રમનું વાતાવરણ માત્ર આધ્યાત્મિક હતું, કારણ રમણ મહર્ષિ જેવા સદગુરુ હતા. મુખ્યમંત્રી આવવાના છે. સંતનો દરબાર છે, કોઈપણ આવે! સાંજે 5:00 વાગે મોરારજીભાઈ આવવાના હતા. પણ દરેક રાજનેતામાં બને છે એમ, ટાઈમ એમનો Delay થયો. 5:30-5:45. આશ્રમમાં કોઈ ચહલ પહલ નથી. Security Van ફરી રહી છે. બાકી કોઈ ચહલપહલ નથી. કેમ ના આવ્યા? ક્યારે આવશે? કોઈ શિષ્ય પૂછવા માટે તૈયાર નથી. એકવાર અંદરનો રસ તમને જાગી ગયો કે મળી ગયો, બહાર તમે નહિ જાવ એમ નહિ! તમે જઈ શકો નહિ!

તૈત્તરીય ઉપનિષદમાં ઋષિ કહે છે, ‍रसो वै से:!  રસ એક જ છે; જે પરમાત્મામાં છે, જે તમારી નિર્મળ ચેતનામાં છે. બાકી કુચ્ચા છે. અનંતા જન્મો કુચ્ચાની અંદર વેડફી નાખ્યા. આ જન્મમાં શું કરવું છે? પરમાત્માને પૂરેપૂરા પામવા છે? છે નક્કી? લક્ષ્ય કોઈ છે? પ્રભુનું શાસન મળ્યું. પ્રભુની સાધના મળી. પ્રભુનું શ્રામણ્ય મળ્યું! લક્ષ્ય શું છે? લક્ષ્ય એક જ! એના પ્રેમમાં ડૂબી જાવ! અને એના પ્રેમમાં ડૂબી જવું એટલે બધાના પ્રેમમાંથી મુક્ત! ભક્તનો માર્ગ છે ને સહેલો છે. ભક્તનો માર્ગ છે જોડ-તોડ! પ્રભુ સાથે જોડાઈ જાવ, બધાથી છૂટી જાઓ. સાધકનો માર્ગ છે તોડ- જોડ! આ છોડું, આ છોડું, આ છોડું! આને તો છોડ્યું પણ આ રહી ગયું. તો ભક્તનો માર્ગ easiest છે, પ્રભુ સાથે જોડાઈ ગયો, બીજા બધા સાથેથી મુક્તિ!

પોણા છ વાગ્યા. રોજના નિયમ પ્રમાણે મહર્ષિ ધ્યાનમાં બેસી ગયા. કોઈ કહેતું નથી સાહેબ! હમણાં આવશે મુખ્યમંત્રી! આવશે તો આવશે. ધ્યાનમાં બેઠા. દસેક મિનિટ થઈ અને મોરારજીભાઈ આવ્યા. સીધા એમને સંતની જે ગુફા હતી, ત્યાં દોરી જવામાં આવ્યા. કહેવામાં આવ્યું કે સંત હમણાં ધ્યાનમાં ગયા છે. પૂછ્યું, કેટલો સમય ધ્યાનમાં રહેશે? પટ્ટ શિષ્યએ કહ્યું, સાહેબ એ તો અમે કહી શકીએ નહીં. અડધો કલાક થાય, કલાક થાય, બે કલાક થાય, મોરારજીભાઈ પાસે અડધો-પોણો કલાક હતો. તેમણે વિચાર્યું અડધો-પોણો કલાક બેસી જાઉં અને થોડો સત્સંગ કરી લઉં. ખાસ તો મોરારજીભાઈ એક પ્રાર્થના કરવા આવેલા, કે આપ આટલી ઊંચી કક્ષાના સંત છો. એક ગુફામાં કેમ બેસી ગયા છો? હું એક રાજ્યનો મુખ્યમંત્રી છું, મારા રાજ્યમાં પધારો. શહેરોની અંદર પ્રવચન આપો. રાજ્ય સરકાર આપની બધી જ વ્યવસ્થા ઉઠાવી લેશે, પણ લોકોને આપના જ્ઞાનનો લાભ આપો. આ વિનંતી કરવા આવેલા. અડધો કલાક-પોણો કલાક એ નાનકડી ગુફામાં સંતની સાથે બેસવાનું થયું. પહેલી જ વાર મોરારજીભાઈ આવા પ્રભાવશાળી સંતની ઉર્જામાં બેઠા અને ગુફા નાનકડી અને સંતની ઉર્જા જે છે એ ઘનીભૂત થયેલી ત્યાં.

અડધો કલાકમાં એવો એમને અનુભવ થયો કે એમણે એક ચિઠ્ઠી ઉપર સેક્રેટરીને લખીને આપ્યું કે આજની રાતના બધા જ કાર્યક્રમો આગળના રદ કરી દો. આજે આશ્રમમાં જ રોકાવાનું છે. આવતીકાલ સવારનો પણ કોઈ કાર્યક્રમ નક્કી ના કરતા. કાલે પણ અહીંથી કેટલા વાગે જઈશું, એ સંતના હાથમાં છે. ચિઠ્ઠી બહાર સેક્રેટરીને આપી દીધી. પણ કલાક મોરારજીભાઈ બેસી જ રહ્યા. એક કલાકે સંતે આંખ ખોલી. એ જે નિર્મળ હાસ્ય, સ્મિત, એ યૌગિક આભાસ! મોરારજીભાઈ ચરણોમાં દંડવત થઈને ઝૂકી ગયા. એમને પોતાને લાગ્યું કે મહર્ષિ કંઈક નવો જ પ્રયોગ કરી રહ્યા છે. હું એમને વિનંતી કરવા આવ્યો છું. કે તમે મુંબઈ પધારો, શહેરોમાં આવો, લોકોને શબ્દો આપો. પણ, આમની તો ઉર્જા એટલી પ્રભાવશાળી છે કે આ ક્ષેત્ર ઊર્જા-ક્ષેત્ર બની જશે અને એમના વિદાય પછી પણ સેંકડો વર્ષો સુધી એ ઉર્જા જીવંત રહેશે અને લાખો લોકો એ ઉર્જામાં ડૂબશે. કશું જ મોરારજીભાઈ બોલ્યા નહિ. સંત પણ મૌનમાં જ રહ્યા. એક કલાક ફરી બેઠા. સવારે ફરી બેઠા. એક ઉર્જાનો અનુભવ મળી ગયો. એમને થયું કે આમના શબ્દોની જરૂરિયાત અમને નથી. એમની ઊર્જા એટલી Effective છે કે, અમારા રાગ, દ્વેષ અને અહંકારને એ ઉર્જા ખતમ કરી શકે છે.

આજે પણ અરુણાચલમમાં લાખો લોકો વર્ષે જાય છે. ઘણા બધા લોકો મારી પાસે પણ આવતા હોય છે, અને એમનો અનુભવ છે કે મહર્ષિ જ્યાં બેસતા હતા, જ્યાં ધ્યાન કરતા હતા, એ ગુફામાં Permission લઈને થોડી વાર બેસી શકાય છે. પણ એ ગુફામાં બેસતાની સાથે જ કંઇક નવિન અનુભવ થયા જ કરતો હોય છે. એક પણ સાધના, એની અનુભૂતિ તમને થઈ એટલે તમે એ સાધનાને વળગી રહેવાના છો. મારું કામ એકદમ સરળ છે, એકવાર પરમ પ્રેમનો અનુભવ તમને કરાવી લઉં. એ પછી એ છૂટવાનો નથી.

ભક્ત છે ને, એ ત્રિભેટે આવેલો છે. પ્રારંભિક કક્ષાનો ભક્ત એ ત્રિભેટે આવીને ઉભેલો છે. મિલન થયું. પરમાત્માનું આંશિક આસ્વાદ મેળવ્યો. એટલો બધો મીઠો લાગ્યો, એટલો બધો મીઠો લાગ્યો કે દુનિયાની કોઈ ચીજમાં મન લાગી શકે નહિ. દુનિયાની કોઈ વ્યક્તિમાં લાગી શકે નહિ. અને પ્રભુ અદ્રશ્ય થઈ ગયા. મિલનનો આસ્વાદ હૃદયમાં છે. અત્યારે પ્રભુ મળતા નથી, બીજે ક્યાંય મન લાગતું નથી. એ ક્ષણોમાં એ વખતે કહેલું કે પ્રભુ આના કરતાં પહેલાં હું ઠીક હતો. જ્યારે તું નહોતો મળ્યો, ત્યારે બીજા પદાર્થોમાં, બીજી વ્યક્તિઓમાં હું મનને આપી શકતો અને મજાથી રહેતો. તે તો મારો એ આનંદ ઝુટવી લીધો અને તું મને મળતો નથી!

મીરાએ કહેલું, પ્રભુ! તું મને કેટલો તડપાવીશ? આસ્વાદ મળી ગયો, પ્રભુ છૂટી ગયા. હવે એના વિના ગમતું નથી, એ મળતો નથી. એ વખતે મીરાંએ કહેલું “તડપ તડપ જીવ જાસી” પ્રભુ તું મને કેટલો તડપાવીશ? તડપી-તડપીને મારા પ્રાણ ચાલ્યા જશે. મીરાએ એક પદમાં કહ્યું છે, છાતી ભીંસાતી હોય, આંખમાંથી આંસુ પણ હવે ન નીકળતા. આંખો કોરી કટ થઈ ગઈ છે. આંસુઓનો Stock ખતમ થઈ ગયો છે. છાતી ભીંસાઈ રહી છે, અને એ મળતો નથી. આ વિરહની પીડા જે છે ને એ અદ્ભુતથી પણ અદ્ભુત છે.

અને એટલે જ મહર્ષિ નારદે એક શબ્દ આપ્યો, “વિરહાસક્તિ”. પહેલીવાર નારદે ભક્તિ સૂત્ર વાંચ્યું. 11 પ્રકારની ભક્તિની વાત કરી અને એમાં એમણે કહ્યું “વિરહાસક્તિ”. પ્રભુના વિરહનું એ આકર્ષણ, એ ખેંચાણ મને અનુભવ નહોતો એ! નવાઈમાં પડ્યો. મિલનનો આનંદ હોય?

હમણાં એક ગીત વાંચેલું એની એક કડી હતી “મિલનમાં મજા શું? મજા ઝુરવામાં, મિલનમાં મજા શું? મજા ઝુરવામાં!” છાતીફાડ રડો એના માટે, તો મને પણ ખ્યાલ નહિ આવ્યો. તો વિરહનું આકર્ષણ, વિરહનું ખેંચાણુ કઈ રીતે હોઈ શકે? પણ મને પણ અલક-ઝલક મિલન થયું! એ છૂટી ગયો અને જે પીડા થઈ એ વિરહની પીડા પણ એવી તો ગળચટ્ટી લાગી મીઠી મીઠી! પછી કારણ સમજાયું, વિરહનું! આકર્ષણ શેના માટે હોય છે કે વિરહની ક્ષણોમાં પણ તમે એની જોડે Associat થાવ. તમે એની સાથે જોડાવો.

નારદ ઋષિએ પરમ વિરહાસક્તિ શબ્દ આપ્યો છે. એ નારદ ઋષિના ભક્તિ સૂત્રો ઉપર ઘણા બધા ભાસ્યો થયા. એ ભાષ્યકારે સવાલ કર્યો કે પરમ વિરહાસક્તિ એ શબ્દને છોડવો શી રીતે? પરમની વિરહાસક્તિ કે પરમ એવી વિરહાસક્તિ? શબ્દને છોડવો શી રીતે? એ ભાષ્યકારે એટલો મજાનો જવાબ આપ્યો. એણે કહ્યું કે પરમની વિરહાસક્તિ એ રીતે શબ્દને છોડી જ ના શકાય. કારણ વિરહ હોય અને આકર્ષણ હોય એ પરમમાં જ હોય. પરમાં તો પીડા જ પીડા છે. પર તો મળે એટલે પીડા ચાલુ થઈ જાય, તમને અનુભવ એના વિયોગમાં થાય છે. પરમાં તો પીડા જ પીડા છે. એટલે પરમની વિરહાસક્તિ એ રીતે શબ્દને છોડી ન શકાય. પરમ એવી વિરહાસક્તિ. વિરહનું આકર્ષણ, વિરહનું ખેંચાણ એ પણ શ્રેષ્ઠ કોટીનું! એકવાર અલક-ઝલક મિલન થાય પછી જ આ પરમ વિરહાસક્તિનો અનુભવ થાય અને એ પછી બીજું ચરણ ગુણકલન આપણને મળી શકે.

આપણે Workshopના રૂપમાં ચાલવું છે. મારી જોડે ચાલશો ને? અત્યારે મારી જોડે ચાલવાનું, 9:30 વાગે રત્નસુંદરસુરી મહારાજ જોડે ચાલવાનું. ગુરુ સાથે ચાલવાનું. મજા આવી જાય ને! કેવી મજા આવે? મેં કાલે કહેલું, ગુરુના ચરણને જે હાથ અડે એ હાથ પ્રભુના ચરણને અડે. અને ગુરુની સાથે ચાલો, ગુરુના હાથ આવી જાય. ગુરુનો હાથ આવી જાય હાથમાં, પછી મોક્ષ સુધી છોડાય ક્યાં? તો એ પરમ પ્રેમ આપણને બધાને મળે એવી પ્રભુને પ્રાર્થના.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *