વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : તમને અણગમતું ન કરીએ
પરમાત્મા સાથેનો પરમપ્રેમ જો મૃગાપુત્રની જેમ અસ્તિત્વના સ્તરે પહોંચી ગયો, તો પછી જ્યાં સુધી મોક્ષ ન મળે ત્યાં સુધી જન્મોના સીમાડાઓને વીંધીને પણ એ પરમપ્રેમ તમારી સાથે જ રહે છે.
મૃગાપુત્ર દીક્ષા લેવા જઈ રહ્યા છે તે ક્ષણોનું live વર્ણન આવ્યું: જેમ કપડાં પરની ધૂળને ખંખેરીને કોઈ ચાલી નીકળે, તેમ તમામ વિભાવોને ખંખેરીને મૃગાપુત્ર પ્રભુના માર્ગ પર ચાલી નીકળ્યા!
માત્ર પ્રભુને ગમતું જ કરવું – એ કદાચ અઘરું પડે, તો શરૂઆત ત્યાંથી કરીએ કે પ્રભુને અણગમતું ન કરીએ. તમને અણગમતું ન કરીએ; એ જ અમારી પ્રીતિ, એ જ અમારી ભક્તિ.
પરમ સ્પર્શની યાત્રા – વેસુ ચાતુર્માસ વાચના – ૧૪
મેરે પ્રભુ શું પ્રગટ્યો પૂરણ રાગ! પરમાત્મા સાથે પરમ પ્રેમ તમારો બંધાઈ ગયો, સંધાઈ ગયો, તો મોક્ષ હાથવેતમાં છે. એ પરમ પ્રેમ જન્મોના સીમાડાઓને વીંધી દે! કઈ રીતે વિસ્તરે છે, એની રોમહર્ષક વાત પરમ પાવન ઉતરાધ્યન સૂત્રમાં છે. એકવાર પરમ પ્રેમ, અસ્તિત્વના સ્તર ઉપર થઈ ગયો. જ્યાં સુધી મોક્ષ ન મળે ત્યાં સુધી એ પરમ પ્રેમ તમારા અસ્તિત્વમાંથી જવાનો નથી, જઈ શકે નહીં.
ઉતરાધ્યન સૂત્રમાં મૃગાપુત્રની વાત આવે છે. એ જમાનાના કરોડોપતિ શ્રેષ્ઠિનો તે એકનો એક દીકરો છે. વીસેક વર્ષની એની વય હશે. એના શહેરમાં મુનિરાજના દર્શનનો લાભ એને 20 વર્ષ સુધી મળ્યો નથી. અમે લોકો મહારાષ્ટ્રમાં આ વર્ષે જઈ આવ્યા. અંતરિક્ષજી દાદાની યાત્રા માટે! એવા કેટલાય ગામો હતા, જ્યાંના લોકોએ કહ્યું કે, સાહેબ! જિંદગીમાં પહેલીવાર પ્રભુના વેશનું દર્શન અમારા ગામમાં અમે કર્યું. બહાર તો અમે દર્શન કરેલું, પણ અમારા ગામમાં સૌથી પહેલી વાર અમારી સ્મૃતિમાં તમે પધાર્યા છો. એ સંદર્ભમાં જોવું, તો તમે કેટલા બડભાગી છો! આ સુરતની પુણ્યભૂમિ! તમે ઘરની બહાર નીકળો અને વેશ પરમાત્માના દર્શન થાય.
મારી પોતાની વાત કરું. આ વેશ પરમાત્માના દર્શનથી મારી આંખો ભીંજાય છે. એક બાલમુનિને જોઉં, એક નાનકડી સાધ્વીજીને જોઉં, મારી આંખો હર્ષના આંસુથી ઉભરાય છે. થાય, કેવી પ્રભુની કૃપા! કે આટલી નાની વયની અંદર પરમાત્માએ પોતાના માર્ગ ઉપર એને લઈ લીધો. વેશ પરમાત્માને જોઈએ આંખો ભીની-ભીની બની જાય. રજોહરણ સ્વીકારવા માટે બીજી કોઈ સાધના હોય કે ન હોય તમારી પાસે, એક જ સાધના હોય ચાલી જશે. એક વેશ પરમાત્માને જોયા આંખો ભીની બની જાય, બીજા વેશ પરમાત્માને જોયા આંખો ભીની બની જાય. તમારી આંખોની ભીનાશ તમને રજોહરણની પ્રાપ્તિ સુધી લઈ જશે.
20 વર્ષની વય સુધી મૃગાપુત્રને આ જન્મમાં મુનિરાજનું દર્શન થયું નથી. હરિભદ્રસૂરી મહારાજા એક મુનિની કાયાને, એક સાધ્વીની કાયાને ધર્મ-કાયા કહે છે. એવી કાયા જે સતત, સંવર અને નિર્જરા જ કરતી હોય છે. જે સતત પ્રભુની આજ્ઞાની અંદર ડૂબેલી હોય. મન તો ડૂબેલું હોય પ્રભુમાં, કાયા પણ પ્રભુમાં ડૂબેલી હોય.
20 વર્ષની વય, પોતાના મહેલના ઝરૂખામાં એ બેઠેલો અને એ વખતે એક મુનિરાજ વિહાર કરતાં-કરતાં ત્યાંથી જઈ રહ્યા છે. મુનિરાજને જોયા અને ચરણોમાં ઝૂકી ગયો. પહેલી જ વાર આ જન્મમાં એણે મુનિરાજને જોયા છે, પણ જોતા જ લાગ્યું કે આવું તો મેં ક્યાંક અનુભવ્યું છે, ક્યાં અનુભવેલું? ભીતર…ભીતર…ભીતર એ ઉતરે છે. જાતિસ્મરણ જ્ઞાન થાય છે. અને પોતાનો પૂર્વ જન્મ યાદ આવે છે. પૂર્વ જન્મમાં એ પોતે મુનિ હતા. એ મુનિપણાનો આનંદ અત્યારે એ અનુભવી રહ્યા છે. બસ ઝરૂખામાં બેસી જ રહ્યા, બેસી જ રહ્યા. કાયા મહેલમાં હતી, ઝરૂખામાં બેઠેલી હતી, મન મુનિપણાના આનંદના આસ્વાદમાં હતું. ગત જન્મની અંદર પ્રભુનો એ પરમ પ્રેમ અનુભવેલો, એનું સ્મરણ થાય છે.
જેનું સ્મરણ વર્ષો પછી વ્યક્તિને ઝખજોરી શકે, એ અનુભવ કેવો પ્રચંડ હશે! એ ક્ષણોમાં મૃગાપુત્ર પ્રભુના પરમપ્રેમને વાગોળી રહ્યા છે, અનુભવી રહ્યા છે. એ સદગુરુનો જે પ્રેમ મેળવેલો, એ પ્રેમને અત્યારે અનુભવી રહ્યા છે. એ અનુભવે છે કે સદગુરુના ચરણોમાં હું બેઠો છું, પ્રભુના ચરણોમાં હું બેઠેલો છું. સદગુરુના ચરણો તમને પ્રભુના ચરણો સુધી લઈ જાય છે.
એક મજાનું પુસ્તક, Best Seller હમણાંનું છે: “Living With The Himalayan Masters!” સ્વામી રામે એ પુસ્તક લખ્યું છે. એમાં એક મજાની ઘટના આવે છે. સ્વામી રામને એમના ગુરુ એકવાર પૂછે છે કે, બેટા! આપણે સદગુરુના ચરણનો જ સ્પર્શ કેમ કરીએ છીએ? મસ્તિષ્કનો કેમ નહિ? હાથને કેમ અડતા નથી? આપણે માત્ર સદગુરુના ચરણોનો સ્પર્શ શા માટે? સ્વામી રામે કહ્યું, ગુરુદેવ! મને ખ્યાલ નથી. એ વખતે ગુરુએ કહ્યું કે સદગુરુ એક વિરલ ઘટના છે. સદગુરુ એટલે પ્રભુમાં ડૂબેલું વ્યક્તિત્વ, અસ્તિત્વ! એક સદગુરુ પ્રભુની પાસે ગયેલા હોય, પ્રભુના ચરણોમાં પડેલા હોય, મસ્તક ઝુકાવીને! આપણે પાછળ બેઠેલા હોઈએ તો આપણી તરફ સદગુરુનું કયું શરીરનું અંગ લંબાતું હોય છે? સદગુરુ ઝુકી ગયા છે પ્રભુના ચરણોમાં, આપણે પાછળ બેઠેલા છીએ. માત્ર બે ચરણો સદગુરુના આપણી તરફ લંબાયેલા છે. ગુરુ કહે છે, સદગુરુના એ બે ચરણોનો સ્પર્શ આપણને પ્રભુના ચરણોના સ્પર્શ સુધી લઈ જાય છે. મૃગાપુત્ર અનુભવ કરી રહ્યા છે. એકવાર પરમ પ્રેમમાં ડૂબવું છે. અગણિત જન્મો વ્યર્થ ગયા, Meaning Less! એક જન્મને સાર્થક બનાવવો છે.
મારા માટે હું કહી શકું કે હું પ્રભુના પરમ પ્રેમમાં ગયો નથી, પ્રભુ મને ત્યાં લઈ ગયા છે. મારું પોતાનું કોઈ જ કર્તુત્વ નહોતું. પ્રભુ જ મને એમના પરમ પ્રેમમાં ડુબાડી રહ્યા છે. એક ઘટના મને યાદ આવે મારા જીવનની! પ્રભુનું દર્શન બે રીતે થાય. પહેલા અહોભાવાત્મક રૂપે પ્રભુને જોઈએ, આંખોમાંથી શ્રાવણ-ભાદરવો વરસતો હોય, ગળે ડૂસકાં-ડૂસકાં હોય, શરીરે રોમાંચ હોય આ પહેલું દર્શન અહોભાવાત્મક લયનું! બીજું દર્શન છે શુદ્ધ લયનું! જ્યાં પ્રભુની વિતરાગ દશાનું દર્શન કરી, આપણામાં રહેલી વિતરાગ દશાનું આપણે આંશિક અનુભવ કરીએ છીએ.
મેં દીક્ષા લીધી 11 વર્ષની વયે! પણ અહોભાવાત્મક લયનું પ્રભુનું દર્શન મારી પાસે નહોતું. મારી દીક્ષાને બે વર્ષ થયેલા. પરમ પાવન પાલિતાણાની યાત્રાએ જવાનું થયું. પાલિતાણા એક મહિનો રોકાયેલા હતા. ગુરુદેવ રોજ યાત્રાએ જાય, હું એમની સાથે જઉં, યાત્રા કરું. ગુરુદેવ આદેશ્વર દાદાના દરબારમાં કલાક-કલાક સુધી બેસે, હું પણ જોડે બેઠેલો હોઉં. પણ પ્રભુને જોઈને જે આંખોમાંથી આંસુની ધાર વહેવી જોઈએ એવું દર્શન મારી પાસે નહોતું!
પાલીતાણાથી વિહાર થવાનો હતો. ભાવનગર ઘોઘા થઈને રાજકોટ તરફ જવાનું હતું. સમાચાર મળ્યા કે ભાવનગર ઘોઘા થઈને રાજકોટ જવાનું છે. કોઈ ચહલપહલ ભીતર નહોતી. પણ પછી ખ્યાલ આવ્યો કે ઘોઘામાં ધર્મશાળાની બિલકુલ નજીકમાં દરિયો છે. દરિયાની વાત આવી હું ઉછળ્યો! ગુરુદેવને પૂછ્યું, કે ઘોઘામાં ધર્મશાળાની એકદમ નજીકમાં દરિયો છે. મને કે હા! મેં કહ્યું, મારે દરિયાને જોવો છે એટલે સવાર-સાંજ કલાકો સુધી દરિયાને કાંઠે મારે બેસવું છે, આપને સાથે આવવું પડશે. ગુરુદેવે કહ્યું, Okay આવીશ.
તમે લોકોએ પ્રભુના પ્રેમને માણ્યો કે નહિ મને ખબર નથી. સદગુરુના પ્રેમને માણ્યો છે? એક તમારો નાનો દીકરો અમને આપો, પછી જુઓ તમે શું પ્રેમ કરતા હતા, અમે દિલ ફાડીને એને પ્રેમ કરીશું! આટલા મોટા ગુરુદેવ! ઘોઘા અમે પહોંચ્યા. નવખંડા પાર્શ્વનાથના દર્શન થયા, પણ વિધિ પુરતા! ચટપટી દરિયે જવાની હતી. નવકારશી વપરાઈ ગઈ, પોરશી ભણાઈ ગઈ, સીધો જ દરિયે. ગુરુદેવ સ્વાધ્યાયનું પુસ્તક લઈને આવેલા હતા. એ સ્વાધ્યાય કરતા હતા. તો હું દરિયાને જોઈ રહ્યો હતો. એ વખતે મને ખ્યાલ નહોતો કે દરિયાને જોવામાં મને આનંદ કેમ આવે છે! પાછળથી એનો ખ્યાલ આવ્યો.
ઉપનિષદનું એક સૂત્ર વાંચ્યું, “यद वै भूमां तत् सुगम्य, नाल्पे सुखमस्ति।” ઉપનિષદનું આ એક બહુ જ પ્યારું સૂત્ર છે. “યદવઈભૂમાં તત્ સુખમ્, નાલ્પે સુખમસ્તિ.” જ્યાં વિશાળતા ત્યાં સુખ, જ્યાં સંકુચિતતા ત્યાં સુખ નહિ. આજના મનોવૈજ્ઞાનિક પણ કહે છે કે, છત એકદમ નીચી હોય અને તમારે એવા મકાનમાં રહેવાનું હોય તો તમારી ચેતના ગુંથિત થતી જશે, અવરૂઢ થતી જશે. ખુલ્લા અવકાશમાં તમે રહો ત્યારે તમારી ચેતના પ્રસરે છે.
તો, એ દરિયાને જોવાનો આનંદ નહોતો, અંદર વિશાળતા જોઈતી હતી. બહારની વિશાળતા દ્વારા અંદરની વિશાળતાને પ્રાપ્ત કરવાની આ એક ભૂમિકા હતી. ત્રણેક કલાક દરિયે બેઠો હું! આરોહ-અવરોહ, મોજાના ઉછાળા બધું જોયા કરતો હતો. સમુદ્રની એક વિશેષતા છે એ ક્ષણે-ક્ષણે નવીન રૂપ ધરે છે.
માઘ કવિએ કહ્યું, “क्षणे क्षणे यद् नवता मुपैति तदेव रुपं रमणीयता।” રમણીય વસ્તુ કંઈ? જે ક્ષણે-ક્ષણે નવી થાય! આ વ્યાખ્યા પણ કેમ આપી? આપણા મનને કારણે આપી. તમારું મન Wavering છે. એક ને એક વસ્તુ જોઈને તમે થાકી જાઓ છો. જ્યાં દ્રશ્યમાં પલટો આવે ત્યાં તમને આનંદ આવે છે. તમારા મનની ચંચળતાને કારણે તમે દ્રશ્યોની અંદર પણ ક્ષણે-ક્ષણે નવીનતા જોવાની ઈચ્છા કરો છો.
12:00 વાગે ગુરુદેવ એ કહ્યું, ભાઈ! હવે જઈશું. મેં કીધું, ચાલો. ઉપાશ્રય ગયા, ફરી બપોરે આવી ગયા. ફરી સાંજે ઉપાશ્રય. બીજી બપોરે એક ઘટના ઘટી. જે ઘટના દ્વારા પ્રભુએ મને પોતાની સાથે જોડ્યો. બીજી બપોરે દરિયાકાંઠે બેઠેલા. ઘોઘા તીર્થના મેનેજર અમારી જોડે આવેલા. થોડીવાર થઈ હશે. એક મચ્છીમારનો દીકરો 12-13 વર્ષનો, ત્યાં આવ્યો, ડબ્બામાંથી દોરી કાઢી. મેનેજર જોઈ ગયા, 20 રૂપિયાની નોટ આપી, એને ભગાડી મૂક્યો. એ દ્રશ્યની અસર મારા ચિત્ત તંત્ર ઉપર એવી પડી, એ જ વખતે હું ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો! મેં પ્રભુને કહ્યું કે, પ્રભુ આ પણ 12-13 વર્ષનો માસુમ દીકરો, હું પણ અત્યારે 13 વર્ષનો માસુમ બચ્ચો છું. પ્રભુ! મારા ઉપર તારી કેવી કૃપા ઉતરી! તારા શાસનમાં તે મને જન્મ આપ્યો. સ્કૂલમાં હું ભણતો. મારો Colleuge બેંચમાં ક્યારે માંકડ દેખાય અને પેન્સિલની અણીથી એને દબાવવાની કોશિશ કરે ત્યારે હું રાડ પાડી બેઠતો, કે નહિ, નહિ, નહિ! એ જીવ છે, એને પીડા ના અપાય. અને પ્રભુ શ્રામણ્ય આપ્યા પછી નજરે ન દેખાતા વાયુકાયના જીવોની જયણા માટે પણ તે મને મુહપત્તિ આપી દીધી. પ્રભુ તે મને કેટલો બચાવ્યો! તું ના હોત તો મારું શું થાત? મને 60-65 વર્ષ પહેલાની આ ઘટના, આજે પણ એવી જ યાદ છે. રડતો-રડતો નવખંડા પાર્શ્વનાથના દેરાસરે ગયો. ત્યાં જઈને ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો. કે પ્રભુ! તે મને કેટલો બચાવ્યો? પ્રભુ કેટલી આપણી સુરક્ષા કરે છે!
મેં વચ્ચે કહેલું Surrender ની સામે care! સામાન્ય સૂત્ર છે કે તમારું સમર્પણ જેટલું પ્રગાઢ, એટલું જ પ્રભુનું સુરક્ષાચક્ર તમારા ઉપર વધુ કામ કરે. પણ ક્યારેક તો પ્રભુ આ નિયમને પણ બાજુમાં મૂકી દે છે અને સીધી જ સુરક્ષા આપણને આપી દે છે. આપણી કોઈ હેસિયત હોય કે ન હોય, પ્રભુ સીધા આપણા ઉપર વરસી પડે છે. એ પ્રભુની કૃપા, એ પ્રભુનો પરમપ્રેમ કદાચ અતીતની યાત્રામાં એ મળ્યો હશે પણ અસ્તિત્વના સ્તરે ગયેલો નથી. અસ્તિત્વના સ્તરે ગયેલો હોય તો બીજા જન્મમાં, ત્રીજા જન્મમાં, ચોથા જન્મમાં એનું સ્મરણ થાય અને એ સ્મરણ દ્વારા એ પરમપ્રેમ પુનર્જીવિત થઈ જાય.
મૃગાપુત્ર મુનિરાજને જોયા પછી, જાતિસ્મરણ જ્ઞાન થયા પછી, પૂર્વ જન્મની સ્મૃતિઓને અનુભવી રહ્યા છે. એ પ્રભુના પરમ પ્રેમને, એ સદગુરુના પરમ પ્રેમને અત્યારે માણી રહ્યા છે. કેવો એ અનુભવ હશે! જન્મને પેલે પારનો અનુભવ, એ કરી રહ્યા છે. પણ કેવો તીવ્ર અનુભવ હશે કે એ પ્રભુના પરમપ્રેમનો અનુભવ થતા, પૂરો સંસાર એમને ફિક્કો લાગે છે. માતા-પિતાને વિનંતી કરી, મારે પ્રભુના માર્ગ ઉપર જ જવું છે. ઘણી-ઘણી પરીક્ષા થઈ. પણ લાગ્યું જન્માંતરીય વૈરાગ્ય છે, દીક્ષાની રજા મળી!
મૃગાપુત્ર દીક્ષા લેવા માટે જ્યારે જઈ રહ્યા છે, એ ક્ષણોનું બહુ જ મજાનું Live વર્ણન ઉતરાધ્યયન સૂત્રમાં પ્રભુએ પોતે આપ્યું છે. ઉતરાધ્યયન સૂત્ર પ્રભુએ અંતિમ દેશનામાં ફરમાવેલું છે. તો એ ક્ષણોનું Live વર્ણન- ” रेणुयव्वं पडे लग्गं निद्धुणिताण निग्गओ।” કપડા પરની ધૂળને ખંખેરીને કોઈ ચાલી નીકળે, તેમ તમામ વિભાવોને રાગ, દ્વેષ, અહંકાર, ઈર્ષ્યાને ખંખેરીને મૃગાપુત્ર પ્રભુના માર્ગ ઉપર ચાલી નીકળે છે! બહુ મજાની વાત એ છે ” रेणुयव्वं पड़े लग्गं”, ભીના કપડામાં ધૂળ ચોંટે. એ ધૂળ આત્મસાત થઈ જવાની છે, કપડામાં ભળી જવાની છે. પણ એકદમ સૂકા કપડા હોય, કોરા કપડાં હોય અને ધૂળ લાગે તમે આમ ખંખેરો અને ધૂળ નીચે સરી પડે. મૃગાપુત્રનો ગત જન્મનો પરમ પ્રેમ એવો હતો કે રાગ, દ્વેષ, અહંકાર, ઈર્ષ્યા એમના અસ્તિત્વનો કબજો લઈ શકી નથી. માત્ર કોરા કપડાં ઉપર ધૂળ ચોંટેલી હોય, એ રીતે એમના Conscious Mind પર ક્યારેક નિમિત્તને વશ રાગ-દ્વેષની ધૂળ ચોંટેલી હતી. પણ એક જ ક્ષણમાં એ ધૂળને એમણે ખંખેરી નાખી.
એક પરમ પ્રેમ! Then You Have Not To Do Anything Absolutely! તમારે કાંઈ જ કરવું નથી, પછી જે પણ કરવાનું છે. એ પરમાત્મા કરશે, એ સદગુરુ કરશે. આપણે તો પછી બાળક જેવા થઈ જવાનું! તારે લઈ જવો હોય તો લઈ જા, નહીંતર બેઠો છું. નાનકડો બાબો મમ્મીની જોડે માસીને ત્યાં ગયો. માસીએ Full નાસ્તો કરાવ્યો. હવે જવાનું છે. પાંચ-છ વર્ષનો દીકરો છે. ચાલે એવો, દોડે એવો. મમ્મીએ એને આંગળી બતાવી. ચાલ બેટા હવે જવાનું છે, મારી આંગળી પકડ, આપણે જઈએ. પણ પેલાએ નાસ્તો Full કર્યો છે. પેટ Full થઈ ગયું છે. ચાલવાની ઈચ્છા નથી. મમ્મી કહે છે આમ, પેલો કહે છે આમ. કોનો વિજય થાય બોલો? મમ્મી કહે છે ચાલ આંગળીએ વળગી જા. પેલો કે નહિ, તું મને ઉંચક. અને મા પ્યારથી પોતાની ગોદમાં ઊંચકે છે. આવી જ Journey આપણે જો કરવી હોય મોક્ષ સુધીની, પ્રભુ તૈયાર છે! કોઈ માસક્ષમણ નહિ, કોઈ તપશ્ચર્યા નહિ, માત્ર સમર્પણ!
એક વાત આજે કરું. અમે લોકોએ શરીર પ્રભુને સોંપ્યું, મન પણ પ્રભુને સોંપ્યું. અમારી પાસે જે કંઈ હતું, એ પ્રભુને સોંપી દીધું. તમારી માટે Discount માં વાત કરું છું, Discount આપવું પડે ને ભાઈ! શરીર પ્રભુને ના આપી શકો વાંધો નહિ, મન પ્રભુને આપશો? સિદ્ધિતપ શરીરથી નથી થયો, મનથી કરી શકાય? એ તપસ્વીઓની અનુમોદના થાય, એ તપસ્વીઓની ભક્તિ માટે તમે આગળ આવો. શું થયું? મનથી સિદ્ધિતપ તમે કર્યો.
મન પ્રભુને આપવા તૈયાર? ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણએ અર્જુન પાસે એનું મન માંગ્યું છે! એક મન આપી દો. તમને પૂછું, શરીર પ્રભુને સોંપ્યું, બરાબર? ૫૦ ડિગ્રી ગરમીની અંદર પણ પંખાનો વિચાર નહીં આવે તો શરીર પ્રભુને સોંપ્યું, મન કોને સોપ્યું? મન કોને સોંપ્યું?
એક વિખ્યાત Philosopher એ એકવાર કહેલું કે, આપણે કદાચ મનમાં માનતા હોઈએ, અમુક ગુરુનો હું શિષ્ય છું, અમુક ગુરુણીની હું શિષ્યા છું. વાસ્તવમાં શું છે? તો Philosopher એ કહેલું આપણે બધા મન-ગુરુના ચેલા અને ચેલી છીએ. સાચી વાત! સાચી વાત? ગુરુ કહે એ ગમે, પણ ક્યારે? મનને અનુકૂળ હોય, એવું કહે તો. ઈચ્છા આમ છે અને આજ્ઞા આમ આવી, હવે શું થાય? એક જન્મમાં તમે મન પ્રભુને, સદગુરુને નહી સોપી શકો? અર્જુન શ્રીકૃષ્ણને પૂછે છે, હું તમને મન આપી દઉં. તમે મને શું આપશો? શ્રીકૃષ્ણ ચેતના એટલે ગુરુ ચેતના! ગુરુ ચેતનાનો આ Call છે આપણને બધાને! તમે તો અર્જુન છો જ ઋજુ-ઋજુ, સરળ-સરળ, Crystal Clean Hearted! બરાબર? એ અર્જુન! શ્રીકૃષ્ણ-ચેતના વચન આપે છે, ” निवसिष्यसि मय्येव अत उर्ध्व न संशय:।” તે તારું મન મને આપી દીધું, પછી તું મારામાં જ શાશ્વતીના લયથી રહેવાનો છે. તું તારો નહિ, તું મારો થઈ ગયો! આપણે આપણા તો બન્યા, પ્રભુના બનવું છે હવે?
કાંઈ જ કરવાનું નથી. તમારા માટે Discount ની વાત કરી. બની શકે અહીંથી તમે ઘરે જાવ, ગરમી બહુ હોય. પહેલું જ કામ શું થવાનું છે? A.C. On કરવાનું, પંખો On કરવાનું. એ વાયુકાયની વિરાધનામાં તમારું શરીર બેઠેલું હોય, એ વખતે તમારા મનમાં જો ડંખ થાય તો તમે એક અંશે પ્રભુની આજ્ઞાના આરાધક બની જાવ છો. શરીર આજ્ઞાની વિરાધનામાં છે. મનની અંદર એ વિરાધનાનો ડંખ છે, એ ડંખ દ્વારા તમે પ્રભુ સાથે જોડાઈ જાવ છે. તમારું મન એ વખતે તમે પ્રભુને સમર્પિત કરી દીધું છે.
18 પાપસ્થાનકની વાત દર રવિવારે આચાર્ય ભગવંત કરી રહ્યા છે. બસ એક પણ પાપસ્થાનક સેવવું પડે, એ વખતે આંખમાં આંસુ હોવા જોઈએ. મારા પ્રભુએ જેની ના પાડી છે, એ હું કરું? એક મા પર દીકરાને પ્રેમ છે, તો દીકરો શું કરશે? ‘મા’ને ગમે એમ કરશે ને? પ્રભુ આપણને ગમે છે. આપણે શું કરશું અથવા શું કરવાની ઈચ્છા રાખીશું? મારા પ્રભુને જે ગમે છે, એ મારે કરવું છે.
આપણા કવિ ઉશનસની એક મજાની કાવ્ય પંક્તિ છે. એ કહે છે,
“તમને અણગમતું ના કરીએ; એ જ અમારી પ્રીતી, એ જ અમારી ભક્તિ!”
ઉશનસ કહે છે પ્રભુ! તને ગમે તે કરવું, એ તો બહુ અઘરું છે. મારે Totally vacate થવું પડે. ભક્તિ એટલે શું? સમર્પણ એટલે શું?
યુરોપમાં હમણાં એક પુસ્તક બહાર પડ્યું છે, લગભગ અઢીસો પાના, કાગળ બહુ સારા! Well bound પુસ્તક! પણ અઢીસોએ અઢીસો પાના કોરા છે. અને મુખપૃષ્ઠ ઉપર એક જ શબ્દ છાપેલો છે, “Devotion!” “ભક્તિ!” એકદમ Practically એ લેખકે ભક્તિ એટલે શું? એનો ખ્યાલ આપી દીધો. તમારું હૃદય, તમારું મન, ઈચ્છાશૂન્ય બને, વિભાવશૂન્ય બને, તમે બિલકુલ ખાલી-ખાલી-ખાલી થઈ જાઓ, એનું નામ ભક્તિ! તમારે માત્ર ખાલી થવું છે, ભરવાનું કામ પ્રભુ અને ગુરુ કરશે. અને એથી આગળ વધી જાવ, ખાલી તમે ના થઈ શકો, ખાલી પણ અમે કરી દઈશું. માત્ર તમારી ઈચ્છા જોઈએ. ખાલી અમે કરી દઈએ, ભરી તમને પ્રભુ દે. પ્રભુની કૃપા વરસી જ રહી છે પણ તમારું પાત્ર રાગ-દ્વેષથી ધુળથી ભરાયેલું છે. એ પાત્રને ખાલી કરવાનું કામ અમારું, ભરવાનું કામ પ્રભુનું! તૈયાર? તૈયાર?!
ઉશનસ કહે છે, તમને ગમે તે કરવું થોડું અઘરું છે, સંપૂર્ણ સમર્પિત થઈ જવું છે! પણ પ્રભુ હું શરૂઆત ક્યાંથી કરીશ? તમને અણગમતું ના કરીએ એ જ અમારી પ્રીતિ, એ જ ભક્તિ! તને ના ગમે એવું અમે ના કરીએ. તો પ્રભુ તમને ભરી દે. સદગુરુ તમને ખાલી કરે.
તિબેટની અંદર મિલારેપા થયો. વચ્ચે મેં એની વાત કરેલી એવા-એવા સદગુરુઓ થયા કે જેમની પાસે સાધક આવે, ખ્યાલ આવે કે રાગ-દ્વેષથી ભરાયેલો છે. ખાલી કેમ કરવો અને એની Technique દરેક સદગુરુ જાણતા હોય છે. એક ઝેન કથા છે. ધ્યાન શબ્દમાંથી ઝાણ બન્યું, પ્રાકૃતમાં પાલીમાં. એ ઝાણમાંથી ઝેન શબ્દ આવ્યો. ઝેન કથાઓની એટલી બધી ફેક્ટરી હોય છે કે આજે અંગ્રેજીમાં એ Best Seller પુસ્તકો લખાય. એવા 100માંથી, 1 થી 5 ઝેન કથાઓ ઉપર હોય છે. કથાઓ બહુ નાનકડી રહેતી હોય છે, પણ એનું Interpretation બહુજ મજાનું રહેતું હોય છે.
એવી એક ઝેન કથા છે. એક સાધક ગુરુની પાસે આવ્યો. અને એણે ગુરુને કહ્યું, મને સાધના દીક્ષા આપો. ગુરુ તો તૈયાર હોય. પણ ગુરુએ Dual Action કરવું પડે. તમે એમ માનતા હોવ કે હું તૈયાર છું, ગુરુ પાસે જઈશ. સાધના દીક્ષા લઈ આવો. પણ ખરેખર તમે તૈયાર ના હોવ, તો સદગુરુ Dual Action કરશે. પહેલા તમને સાધના દીક્ષા લેવા માટે તૈયાર કરશે. જે ક્ષણે તૈયાર થયા, એ જ ક્ષણે સાધના દીક્ષા આપશે.
તો, ગુરુ મજાના હતા. તિબેટમાં આવેલો આ આશ્રમ હતો. તિબેટમાં ઠંડી બહુ પડે. ચાની કીટલી સવાર થી સાંજ ઉકળતી જ હોય ઘરોમાં, આશ્રમોમાં. ગુરુએ જોયું કે સાધના દીક્ષા લેવા આવ્યો છે પણ વિદ્વાન માણસ છે. અને વિદ્વત્તાનો અહંકાર એની પાસે છે. હવે અહંકાર જે રીતે ભરાયેલો છે, હું સાધનાને મુકું ક્યાં? પણ ગુરુ બહુ મજાના માણસ! ગુરુએ કહ્યું, તું સાધક પછી, પહેલા મારો મહેમાન તો ખરો ને! તને ચા આપું. ગુરુએ પોતે કપ-રકાબી એના સામે મૂક્યા અને ગુરુ કીટલી હાથમાં લઇ ચા એને Serve કરે છે. કપ ભરાઈ ગયો, ગુરુએ ચા રેડવાનું ચાલુ રાખ્યું. રકાબીમાં ચા જાય છે, રકાબી ભરાઈ ગઈ અને ગુરુનું ચા રેડવાનું કામ ચાલુ. જાજમ પર ચા રેડાવવા લાગી. પેલો કહે સર-સર શું કરો છો? જાજમ પર ચા ઢોળાય છે! ગુરુ કહે કે કંઈ સમજણ પડી તને? કપ અને રકાબી ભરાઈ ગયા અને ચા નાખીએ તો જાય ક્યાં? જાજમ પર! ધરતી ઉપર! એમ તારું હૃદય અહંકારથી છલોછલ ભરાયેલું છે. હું વિદ્વાન છું, હું મોટો માણસ છું! આ અહંકારથી તારું હૃદય ભરાયેલું છે. હવે હું સાધનાને મુકું ક્યાં? એ તો મને કહે. એ સાધક યોગ્ય હતો, ગુરુની એક જ લપદાક; એ Totally vacant થઈ ગયો. ચા પીતા પહેલા Totally vacant થઈ ગયો, ખાલી થઈ ગયો. અને ગુરુએ એને ચા પીતા પહેલા જ સાધના દીક્ષા આપી. ગુરુ તૈયાર જ હોય છે.
તો, સદગુરુ તમને ખાલી કરે છે પ્રભુ તમને ભરી આપે છે. મજાની વાત છે ને? તમારે કાંઈ કરવાનું નહિ. આમે હોસ્પિટલમાં તમે જાવ તમારે શું કરવાનું? બેડ પર સૂઈ જવાનું. જે વખતે દવા આપવાની એ વખતે Nurse આવી જશે. Cardiogram લેવાનું છે, તો Technician આવી જશે. X-Ray લેવાનો છે, તો માણસ તમને X-Ray રૂમમાં લઈ જશે. બધું જ એ લોકોએ કરવાનું છે. તમારે કંઈ કરવાનું હોતું નથી. અમારી હોસ્પિટલમાં Admit થઈ જાઓ. ખાલી પણ કરી દઈશું, ભરી પણ દઈશું.
તો મૃગાપુત્ર કેવા ખાલી થઈ ગયા હશે કે દીક્ષા લેવા એ જાય છે અને એ ક્ષણે ઉત્તરાધ્યયન સૂત્રકાર કહે છે “रेणुयव्वं पडे लग्गं निद्धुणिताण निग्गओ।” કપડા પરની ધૂળને ખંખેરીને કોઈ ચાલે, એ બધા જ વિભાવોને ખંખેરીને મૃગાપુત્ર પ્રભુના માર્ગ ઉપર ચાલવા માટે નીકળી પડે છે. તમે બધા પણ એ જ રીતે પ્રભુના માર્ગ પર ચાલવા માટે નીકળો, એવા આશીર્વાદ!