Param Sparsh Ni Yatra – Vachana 16

16 Views
24 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : ખણં જાણાહિ પંડિએ

સુલસાજી જેવા પ્રભુ પ્રત્યેના પરમપ્રેમથી દર્શનમોહનીયનો ક્ષયોપશમ મળે; પ્રભુની એક-એક આજ્ઞા પ્રત્યે તીવ્ર આદર ભીતર છલકાય. એ આદર જ પૌષધમાં ખેસનું પડિલેહણ કરવા જેવી નાનકડી ક્રિયાને પણ પ્રીતિ-અનુષ્ઠાન બનાવીને અપૂર્વ નિર્જરા પ્રાપ્ત કરાવે.

આપણું આ આખું જીવન પ્રભુના ઋણમાંથી મુક્ત થવા માટેનો એક નાનકડો આયાસ બની રહેવું જોઈએ. પ્રભુએ આપણને જે આપ્યું છે અને અત્યારે પણ ક્ષણે-ક્ષણે પ્રભુ જે આપી રહ્યા છે, એના બદલામાં આપણે પ્રભુને શું આપી શકીએ?

આપણે પ્રભુના ચરણોમાં શુદ્ધ ક્ષણો ધરવી છે; એવી ક્ષણો કે જે રાગ, દ્વેષ, અહંકાર, ઈર્ષાથી મુક્ત હોય. આમ પણ પ્રભુના પરમપ્રેમમાં હોય એને બીજે ક્યાંય રાગ ક્યાંથી હોય?! અને રાગ ન હોય, તો દ્વેષ કે અહંકાર કે ઈર્ષા પણ ક્યાંથી!

પરમ સ્પર્શની યાત્રા – વેસુ ચાતુર્માસ વાચના – ૧

મેરે પ્રભુ શું પ્રગટ્યો પૂરણ રાગ! એ પ્રભુના રૂપને જોઈએ અને પાગલ થઈ જઈએ. એ પ્રભુના એક શબ્દને સાંભળીએ અને આપણું અસ્તિત્વ ભીનું-ભીનું થઈ જાય. પ્રભુના પ્યારા પ્યારા શબ્દો ઉપર પહેલેથી મને લગાવ હતો. અને એટલે આચારાંગ સૂત્રનો સ્વાધ્યાય દર વર્ષે હું કરતો. પ્રભુના શબ્દોમાંથી પસાર થવાનું; એક ભીનાશ સતત રહેતી હતી. મારા પ્રભુએ Personally For Me આટલી મજાની વાતો કરી. પણ એકવાર મહાભારતની એક ઘટના વાંચી અને એ પછી પ્રભુના શબ્દોના પરમ પ્રેમમાં હું ભીંજાઈ ગયો. અત્યાર સુધી પ્રભુના શબ્દો પર પ્રેમ હતો, પણ એ ઘટના વાંચી મહાભારતની અને એ પ્રભુના એક-એક શબ્દ ઉપર પરમ પ્રેમ જાગી ગયો! પછી જે આચારાંગજીનો સ્વાધ્યાય થયો! દર વર્ષે એક મહિનો આચારાંગજીના સ્વાધ્યાયમાં જાય. એ 30એ 30 દિવસ મારી આંખો ભીની, ભીની હોય. એ પરમ પ્રેમ પ્રભુના શબ્દોનો પ્રભુએ આપ્યો છે.

ઘટના મહાભારતની વાંચી બહુ મજાની ઘટના હતી. ઉદ્ધવજી વૃંદાવન જવાના હતા. કોઈ કામ, પ્રસંગમાં! એમને થયું કે વૃંદાવનમાં ગોપીઓ ઘણી છે. શ્રીકૃષ્ણના નામ પર ઘેલી થયેલી! શ્રીકૃષ્ણ તો આવવાના નથી, પણ એમનો એક પત્ર લઈને જાઉ. ઉદ્ધવજી શ્રીકૃષ્ણના મિત્ર છે. એમણે શ્રીકૃષ્ણને કહ્યું, એક પત્ર ગોપીઓના નામ પર લખીને આપો. શ્રીકૃષ્ણ એ પત્ર લખીને આપ્યો. ઉદ્ધવજી એ પત્ર લઈને વૃંદાવન આવ્યા. રથને જોયો દૂરથી આવતો; ગોપીઓને થયું, શ્રીકૃષ્ણ આવતા લાગે છે. બીજું રથમાં કોણ આવે? પચાસેક ગોપીઓ એકઠી થઈ. રથનો દ્વાર ખુલ્યો. શ્રીકૃષ્ણ તો હતા જ નહિ. ઉદ્ધવજી બહાર આવ્યા, જોયું 50 ગોપીઓ સામે ઊભેલી છે; શ્રીકૃષ્ણના દર્શન માટે આતુર!

તમે લોકોએ પ્રભુના દર્શનનો આનંદ મેળવ્યો? જ્યાં સુધી પ્રતીક્ષાની પીડામાંથી પસાર ન થઈએ, ત્યાં સુધી દર્શનનો આનંદ મળી શકે નહિ. આખી રાત પ્રભુના અદર્શનમાં ગઈ હોય અને સવારે તમે દોડો પ્રભુના દર્શન માટે! મને છે ને દર્શનાર્થીઓ કેવા ગમે ખબર છે? બેડરૂમમાંથી નીકળ્યા, આંખો ચોળતા-ચોળતા! સીધા દોડે દેરાસર તરફ. એવી રીતે દોડતો હોય, કોઈને અડફેટમાં લઈ લે. પેલો સામેવાળો પૂછે, આટલી ઝડપથી ક્યાં દોડો છો? અને એ વખતે એનો જવાબ હોય, ગઈકાલે રાત્રે આરતી વખતે પ્રભુનું દર્શન કરેલું, એ પછીની આખી રાત પ્રભુના દર્શન વગર ગઈ છે. જલ્દી, જલ્દી, પ્રભુનું દર્શન મારે કરવું છે. અને એ દર્શન પણ ક્યારે થાય?

ભક્તિયોગાચાર્ય મોહનવિજય મહારાજે કહ્યું,

“ચિત્ત ચાહે પ્રભુ ચાકરી, મન ચાહે મળવાને કાજ; નયન ચાહે પ્રભુ નિરખવા, દ્યો દરિશન મહારાજ!”

કહે છે, ” દ્યો દરિશન મહારાજ!” પ્રભુ મને દર્શન આપો! પણ એમને ખ્યાલ છે કે, પ્રભુના દર્શન માટેની સજ્જતા મારી કઈ હોવી જોઈએ? ત્રણ સજ્જતા ભક્તની પ્રભુના દર્શન માટેની છે. “ચિત્ત ચાહે પ્રભુ ચાકરી, મન ચાહે મળવાને કાજ, નયન ચાહે પ્રભુ નિરખવા.” નયન, મન અને ચિત્ત આ ત્રણે પ્રભુના દર્શન માટે તડપતા હોય, ત્યારે પ્રભુનું દર્શન થાય. આંખોમાં તડપન છે. ક્યારે પ્રભુ મળે? ક્યારે પ્રભુનું દર્શન થાય? મન અને ચિત્તને અલગ પાડ્યા છે. મન એટલે Conscious Mind! ચિત્ત એટલે અસ્તિત્વનું સ્તર! ચિત્તિ શક્તિ જોડે, ચૈતન્ય જોડે સંકળાયેલું હોય એ ચિત્ત.

તો, Conscious Mind પ્રભુના દર્શનને ઝંખતું હોય અને અસ્તિત્વનું સ્તર પણ પ્રબળ ઝંખનાથી યુક્ત હોય, ત્યારે જ પ્રભુ મળે, ત્યારે જ મળે! દર્શન થાય, કારણ પ્રભુ દર્શન આપવા તૈયાર બેઠા છે. He Is Ever Ready, Are You Ready? તમે તૈયાર? દર્શન જોઈએ?

તમે ઘરેથી નીકળો, દેરાસરે પહોંચો. કોઈ વ્યક્તિ સામે મળે, તમને ખ્યાલ હોય ખરો? તમારી આંખો, તમારું મન, તમારું ચિત્ત માત્ર અને માત્ર પ્રભુની દર્શનની પ્યાસથી યુક્ત હોય. દર્શન આ રહ્યું! આ ક્ષણે, On This Very Moment! પણ એના માટેની સજ્જતા જોઈએ. ગોપીઓની પાસે પ્રતીક્ષા હતી. વિરહની પીડા હતી. ક્યારે પ્રભુ મળે? ક્યારે પ્રભુ મળે?

ભાગવત ભક્તિનો ગ્રંથ છે. એ ભાગવતમાં એક ભક્ત ઈચ્છા કરે છે. એવી ઈચ્છા કરે છે:

आसामहो चरण रेणु जुषामहं स्याम् वृंदावने किमपि गुल्मलतौषधिनाम्।

ભાગવતનું આ સૂત્ર છે. ભક્ત કહે છે કે, વૃંદાવનમાં ભક્ત તરીકે જન્મવું, એ તો લ્હાવો છે. પણ વૃંદાવનની અંદર એક વૃક્ષની વેલડી થવું એ પણ લ્હાવો છે! આવતા જન્મની અંદર, મને વૃંદાવનની અંદર એક વેલડી તરીકે અવતાર મળશે તો પણ હું માનીશ કે મારો જન્મ સાર્થક થયો! એ જ ગોપીઓ પ્રભુના દર્શન માટે દોડતી હશે. એ ગોપીઓની ચરણ રજ વેલડી રૂપે મને મળશે.

આવી જ એક પ્રાર્થના વસ્તુપાલ મંત્રીએ કરી: ત્વત પ્રાસાદે કૃતે …

પ્રભુ! આવતા જન્મમાં દેવનો અવતાર મળે પણ ત્યાં તું ન મળવાનો હોય તો મારા માટે દેવનો અવતાર નકામો છે. પંખીના અવતારમાં અવતરવાનું મને ગમશે, જો તારા દેરાસરમાં માળો બાંધીને રહેવાનું સૌભાગ્ય મને મળશે! તારા દેરાસરની અંદર માળો બાંધીને હું રહીશ અને સતત તારું દર્શન કરીશ. અને તારા દર્શન માટે આવતા ભક્તોનું પણ દર્શન કરીશ.

ઉદ્ધવજીએ પોતાના હાથમાં રહેલો પત્ર ગોપીઓની સામે ધર્યો કે શ્રીકૃષ્ણ આવી શક્યા નથી, પણ એમનો આ સંદેશ તમે વાંચો. એક પણ ગોપી એ પત્રને લેવા માટે આગળ આવતી નથી. ઉદ્ધવજી વિચારમાં પડ્યા. આ ગોપીઓ શ્રીકૃષ્ણના નામ પર ઘેલી થયેલી! શ્રીકૃષ્ણનો પત્ર મારા હાથમાં છે. હું બતાવું છું, એક પણ ગોપી એ પત્રને લેવા આવતી કેમ નથી?

ઉદ્ધવજી જ્ઞાની હતા. ગોપીઓ ભક્ત હ્રદયા છે. ઉદ્ધવજી પાસે જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ છે. ભક્તની પાસે મોહનીયનો ક્ષયોપશમ છે. આપણી સાધનામાં આપણે માત્ર અને માત્ર મોહનીયના ક્ષયોપશમ ઉપર ભાર આપીએ છીએ. દર્શન મોહનીયનો ક્ષયોપશમ થશે એટલે પ્રભુની આજ્ઞા પ્રત્યે તીવ્ર આદર ભીતર છલકાશે! મારી દ્રષ્ટિએ આજ્ઞાનું પાલન નંબર એક ઉપર છે. પ્રભુની એક-એક આજ્ઞા પ્રત્યે તમારા ચિત્તમાં પૂર્ણ આદર હોય, તમે બાજી જીતી ગયા છો! દર્શન મોહનીયનો ક્ષયોપશમ પ્રભુની એક-એક આજ્ઞા પ્રત્યે તમારા ચિત્તમાં આદર પેદા કરશે. ઓહ! મારા પ્રભુએ કહ્યું છે! નાનામાં નાની વાત પણ હોય, એક જ વાત આવે, મારા પ્રભુએ કહ્યું છે! અને એ વખતે તમારું અનુષ્ઠાન પ્રીતિ-અનુષ્ઠાન થઈ જાય!

સામાન્યત: પૌષધ કર્યો, ખેસ પલેવ્યો, વિધિ છે માટે પલેવ્યો. એ આખી અલગ વાત થઈ. અને એ ખેસનું પડીલહેણ કરતી વખતે મારા પ્રભુએ કહ્યું છે, તેમ પડીલહેણ કરતા જાવ છો અને હૃદયની અંદર પ્રભુ પ્રત્યેનો, પ્રભુની આજ્ઞા પ્રત્યેનો પ્રેમ છલકાતો જાય છે. પ્રભુ પ્રત્યે, પ્રભુની આજ્ઞા પ્રત્યે પૂર્ણ પ્રેમ તમારી ભીતર છલકાયો, અપૂર્વ નિર્જરા તમે પ્રાપ્ત કરી લીધી! પાલન કર્યું, પણ એ પાલન વખતે આદર નહોતો; તો એ આજ્ઞાના પાલનથી કદાચ થોડું પુણ્ય બંધાઈ શકે, કદાચ થોડી નિર્જરા થઈ શકે. પણ એ આજ્ઞાના પાલનમાં પ્રભુની આજ્ઞા પ્રત્યેનો આદર મળે ત્યારે નિર્જરા અપાર થઈ જાય. નાનામાં નાનો તમારો પ્રયત્ન અને એકદમ સરસ Result તમને મળે. બહુ જ નાનકડી પ્રક્રિયા છે, પણ એ નાનકડી પ્રક્રિયાને પરમાત્માના પ્રેમથી રંગી નાખવાની છે. મારા ભગવાન, મારા ભગવાને કહ્યું છે!

સુલસાજીએ ધર્મલાભ શબ્દ સાંભળ્યો. એ પણ પ્રભુના શ્રી મુખેથી નહિ, અંબર શ્રાવક ચંપાનગરીએ ગયેલ. પૂછ્યું, પ્રભુ રાજગૃહી જાઉં છું, કામ-સેવા? એ વખતે પ્રભુએ ના શ્રેણિક મહારાજાને યાદ કર્યા, ના અભય મંત્રીને યાદ કર્યા! પ્રભુએ કહ્યું રાજગૃહીમાં સુલસા નામની મારી શ્રાવિકા છે, એને મારો ધર્મલાભ કહેજે. એ અંબર શ્રાવકે સુલસાજીને ત્યાં આવીને જ્યારે કહ્યું કે, પ્રભુએ તમને ધર્મલાભ પાઠવ્યો છે. શું સુલસાજીને આનંદ થાય છે! જે દિશામાં પ્રભુ બિરાજમાન એ દિશામાં ઘૂંટણિયે પડ્યા. આંખોમાંથી ચોધાર આંસુ વરસી રહ્યા છે, ગળે ડૂસકાં-ડૂસકાં છે. અને ડૂસકાંમાથી ચળાઈને આવતા શબ્દો હતા, પ્રભુ ક્યાં તું, ક્યાં હું! તું ત્રિલોકેશ્વર, અખિલ બ્રહ્માંડેશ્વર! તુ ઉઠીને તારી એક નાચીજ દાસીને યાદ કરે છે! તું મને ધર્મલાભનો આશીર્વાદ પાઠવે છે! પ્રભુ તારા ઋણમાંથી હું મુક્ત ક્યારે થઈશ? એક ધર્મલાભ શબ્દ એ પણ પ્રભુના શ્રી મુખેથી મળ્યો નથી, એક શ્રાવકના કંઠેથી મળ્યો છે.

આ સુલસાજીની વાત હતી. હવે તમારી વાત કરું. પ્રભુના શબ્દો “Inverted Comma” માં અમારે કહેવાના છે. એક શબ્દ અમારે આઘો-પાછો કરવાનો નથી. પ્રભુના પ્યારા-પ્યારા શબ્દો અને એ પણ પ્રભુના પ્રતિનિધિ જેવા વેશ પરમાત્મા તમારી સામે મૂકે, એક કલાકમાં હજારો શબ્દો આવી જાય, તમારી હાલત કેવી હોય? સુલસાજીને એક શબ્દ પ્રભુનો મળ્યો, ધ્રુસકે-ધ્રુસકે રડે છે. ડૂસકાં જ ડૂસકાં છે. તમને હજારો શબ્દ મળ્યા આંખો ભીની-ભીની બને?

આચારાંગ સૂત્ર વાંચતા મારી આંખો આ જ રીતે ભીંજાયેલી હતી, કે પ્રભુ તે Personally For Me આટલા બધા શબ્દો કહ્યા! તારી એક-એક ક્ષણ કિંમતી અને તે મારા માટે આટલા મજાના શબ્દો કહ્યા! સુલસાજીને લાગે છે, આખું જીવન પ્રભુના ચરણોમાં સમર્પિત કરી દઉં તો પણ પ્રભુના ઋણમાંથી હું મુક્ત નહીં થઈ શકું. આપણું આખુય જીવન ઋણ મુક્તિ માટેનો એક નાનકડો પ્રયાસ બની રહેવો જોઈએ. પ્રભુનું ઋણ એટલું બધું માથા ઉપર છે, સદગુરુનું ઋણ એટલું બધું માથા ઉપર છે, અને માતા-પિતાનું ઋણ પણ કેટલું બધું માથા ઉપર છે!

કલિકાલસર્વજ્ઞ આચાર્ય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ પોતાની મા પાહિણી ને દીક્ષા આપી. આચાર્ય ભગવંતની માતા એ સાધ્વી માતા બન્યા. સેંકડો સાધ્વીજીઓના ગુરૂણી માતા બની ગયા. એક વાર આચાર્ય ભગવંત પાટણમાં બિરાજમાન. માતૃશ્રી મહારાજ પણ પાટણમાં બિરાજમાન. બપોરનો સમય, સમાચાર મળ્યા કે બા મહારાજનું સ્વાસ્થ્ય બરોબર નથી. આચાર્ય ભગવંત તરત જ ઉપાશ્રય પહોંચી ગયા. શ્રાવિકા ઊભા થયા, આખો સંઘ ભેગો થઈ ગયો. વૈદ્યોએ કહ્યું, અમારી પાસે હવે કોઈ દવા નથી. આચાર્ય ભગવંતે  કહ્યું, આપણે હવે માતાજીને ધર્મનું ઔષધ આપવાનું છે. બધા ધર્મ સંભળાવવા માંડ્યા. મા! તમારા સ્વાસ્થ્યના લાભ માટે 100 સામાયિક, 500 સામાયિક, 1000 સામાયિક, સાધુ-સાધ્વીજીઓએ સ્વાધ્યાય કહ્યો, બધાએ બધું કહ્યું! આચાર્ય ભગવંત મૌન બેઠા છે. એ વખતે મા ની નજર પોતાના દીકરા ઉપર પડી કે મારો દીકરો મને શું આપે છે? એ વખતે કલિકાલ સર્વજ્ઞશ્રીની આંખો ભીની ભીની હતી; કે જે મા એ જીવન આપ્યું, જે મા એ સંસ્કારો આપ્યા, જે મા એ મને પ્રભુના માર્ગ પર મૂક્યો, એ મા નું જ બધું છે મારી પાસે, એ મા ને હું શું આપું?

હરીભદ્રસૂરી મહારાજ સાહેબ પંચસુત્રમાં કહે છે, “दुष्प्रतिकारो माता पिता”! મા અને પિતાના ઉપકારોમાંથી આપણે ક્યારે પણ ઋણ મુક્ત ના બની શકીએ! અમે લોકોએ સંસારના સંબંધો તોડ્યા પણ મા તો અમારા માટે પણ પૂજનીય જ હોય. આ જ સુરતમાં કૈલાશનગરમાં મારું ચોમાસું હતું. મારા માતૃશ્રી મહારાજનું ચોમાસુ પણ કૈલાશનગરમાં હતું. 90 ઉપરની એમની ઉંમર! બાજુમાં ગૌતમ એપાર્ટમેન્ટમાં પહેલા માળે ઉપાશ્રયમાં એમને રાખેલા. રોજ સવારે દર્શન, ચૈત્યવંદન, ભક્તિ કરીને મા ની પાસે જવાનું. એમની પાસે જઈને બેસવાનું, એ જ્યાં સુધી ના કહે કે તુ જા, ત્યાં સુધી ઊભા નહિ થવાનું. અને છેલ્લે એમનો વાસક્ષેપ લઈને ઊભા થવાનું. મા નો આશીર્વાદ!

ભાગ્યેશસૂરી મહારાજ સાહેબ અહીંયા જ બેઠા છે. એમના માતૃશ્રી મહારાજ અહીંયા જ છે. રોજ સવાર અને સાંજે માતાજીની પાસે જાય છે. એમની જોડે બેસવાનું અને એ કહે ત્યારે ઉઠવાનું. અમે લોકો પણ માતા અને પિતાના ઉપકારને કયારે પણ વિસરી શકતા નથી! અમદાવાદમાં એક ડોક્ટર અમારા પ્રવચનમાં આવતા. એકવાર બપોરે આવ્યા. મેં ડોક્ટરને પૂછ્યું કે, આરાધનામાં શું કરો? એમ કહે સાહેબ કોઈ આરાધના કરતો નથી. પ્રવચનમાં પણ પહેલી જ વાર, તમારા પ્રવચનમાં આવ્યો છું. બાકી કોઈ આરાધના નથી. પણ એક વસ્તુ છે નાનપણથી, મા નો હું પૂરેપૂરો ભક્ત છું. પિતા Expired થયેલા છે, મા વિદ્યમાન છે. મા નો હું પૂરેપૂરો ભક્ત છું. એટલે મા ને ન ગમે એવું ક્યારે પણ હું કરતો નથી. રોજ સવારે હોસ્પિટલે જતા પહેલા મા ની રૂમમાં જાઉં એમનો આશીર્વાદ લઇ અને પછી જ ઘરની બહાર પગ મુકવાનો. રાત્રે હોસ્પિટલથી ઘરે આવીને ગમે એટલો થાકેલો હોઉ માં ની રૂમમાં જાઉં, એમના ચરણોમાં બેસું. તરોતાજા થઈ જાવ. એ વખતે કોઈ સમય નક્કી નહિ. મા કદાચ અડધો કલાક-કલાક.. જ્યાં સુધી મા માથા ઉપર હાથ મૂકીને કહે નહિ કે બેટા જા, ત્યાં સુધી મારે ઊભા નહિ થવાનું!

એકવાર રાત્રે હું આવેલો. મા એ મને પૂછ્યું કે બેટા આજે બપોરે શું ખાધું? તો મેં કીધું મા! આમ તો હું ટિફિન લઈને જાઉ છું ઘરેથી, પણ આજે તો અમારી Medical Conference હતી એટલે ત્યાં જ જમવાનું હતું. મા એ પૂછ્યું શું ખાધું? મા ની પાસે જૂઠું બોલવાની હિંમત ક્યારે પણ થઈ નથી. મેં કહ્યું, મા! શિરો હતો, બટાકાનું શાક હતું, Potato Chips હતી. દાળ, ભાત અને શાક હતું. મા એ માથે હાથ ફેરવ્યો, જા બેટા! બીજે દિવસે સવારે મા ના આશીર્વાદ લઈને હોસ્પિટલે ગયો. રાત્રે આવ્યો, મા ની જોડે બેઠો અડધો કલાક અને મા એ કીધું, બેટા જા. મારી રૂમમાં આવ્યો. એ વખતે મારી શ્રાવિકા એ મને કહ્યું કે આજે મા એ ઉપવાસ કર્યો છે. આમ તો મા પાંચ તિથિ પહેલા ઉપવાસ કરતા હતા, પણ Pressure ની તકલીફ થઈ, ડોક્ટરે ના પાડી એટલે હવે પાંચ તિથિ એકાસણા કરે છે. ઉપવાસ તો ક્યારેય કરતા જ નથી. આજે કોઈ તિથિ નહોતી. મા ને સવારે હું ચા-નાસ્તો આપવા માટે ગઈ તો મા એ કીધું, મારે ઉપવાસ છે. મેં ઘણું પૂછ્યું મા શેનો ઉપવાસ? તમારે Pressure ની દવા લેવાની હોય. રોજ સવારે નાસ્તો કરીને, દવા તમે નહિ લો Pressure ઊંચકાઈ જશે. મા એ એટલું જ કહ્યું પચ્ચખાણ લઈ લીધું છે, ઉપવાસનું! આ શેનો ઉપવાસ કર્યો હશે? ખબર નથી! એ ડોક્ટર કહે છે, સાહેબ મને લાઈટ થઈ ગઈ કે મેં કાલે કહ્યું બટાકાનું શાક મે ખાધેલું એનું પ્રાયશ્ચિત મારી માએ લીધું. માએ મને કહ્યું નથી કે તારે બટાકા નહીં ખાવાના, પણ એ દિવસથી મારા બટાકા છૂટી ગયા. એક વસ્તુ મારા મનમાં નક્કી છે મારી મા ને જે ન ગમે એ હું ક્યારેય કરું નહિ અને મારી મા ને જે ગમતું હોય એ કરવાની કોશિશ સતત હું કરતો રહું.

કલિકાલ સર્વજ્ઞશ્રીની આંખો ભીની થઈ ગઈ. મા ની આંખો એમ કહે છે કે, મારો દીકરો મને શું આપે? પણ હું મા ને શું આપું? પણ મા જો માંગે છે, તો મારે આપવું જ છે. પણ મારી મા, એની ગરિમાને અનુરૂપ મારે આપવું છે અને એ વખતે એમણે કહ્યું મા! તારા સ્વાસ્થ્ય લાભ માટે સાડા ત્રણ કરોડ શ્લોક પ્રમાણ નવા સાહિત્યનું સર્જન કરીશ. કલિકાલ સર્વજ્ઞશ્રીના ગ્રંથો આપણને મળ્યા એ પાછળનું કારણ આ મા છે.

એક વાત તમને કહું, અનુભૂતિની ટોચ પર પહોંચ્યા પછી, શબ્દો રહી શકતા નથી. શબ્દો તળેટી છે, અનુભૂતિ શિખર છે. જે ક્ષણે તમે અનુભૂતિમાં ગયા, શબ્દો છુ થઈ ગયા! તમે શબ્દોની દુનિયામાં ઉતરી શકતા નથી. આપણા અસંખ્ય મહાપુરુષો થયા. ગ્રંથો કેટલાનાં મળે? આવા થોડાક મહાપુરુષો- કે જેમણે કોઈને કોઈ કારણસર શબ્દોની તળેટી પર ઉતરવું પડે. બાકી અનુભૂતિના શિખર ઉપર જે પહોંચી ગયો, એના માટે શબ્દોની તળેટીએ આવવું એ ખરેખર મુશ્કેલ હોય છે. કલિકાલ સર્વજ્ઞશ્રીના ગ્રંથો આપણને મળ્યા, એ પાહિણી સાધ્વી માતાને કારણે!

તો, ઋણ મુક્તિ માટેનું આપણું જીવન છે. અમને તો સતત Feeling થાય કે પ્રભુએ અમને જે આપ્યું છે અને પ્રભુ અમને અત્યારે ક્ષણે-ક્ષણે જે આપી રહ્યા છે, એના મુકાબલે અમે પ્રભુને કશું જ આપી શકતા નથી. પ્રભુ એક-એક ક્ષણ અમારી Care કરે છે. અમે પ્રભુને કશું જ આપી શકતા નથી.

ઉદ્ધવજીએ પત્ર હાથમાં રાખ્યો. એક પણ ગોપી પત્ર લેવા આગળ નથી આવતી. સૂરદાસજીએ પોતાના એક પદમાં આ વાત લખે છે, ગોપીઓ પોતાના ભગવાનના પત્રને લેવા માટે આગળ કેમ નથી આવતી? સૂરદાસજી પદમાં લખે છે, “પરસે જરે” ગોપીઓને એક ડર છે, શેનો ડર? પત્રને હાથમાં લઈશું એ બળી નહિ જાય? ભક્તની બે જ ભૂમિકા છે: પ્રભુનું મિલન! તો આનંદ જ આનંદ! પ્રભુ નથી મળ્યા,તો વિરહાવસ્થાનો જુરાપો! એ વિરહને અગ્નિ કહેવામાં આવ્યો છે. વિરહાગ્ની! એ વિરહની આગ પુરા શરીરમાં, પુરા અસ્તિત્વમાં છે. કાગળને હાથમાં લઈશું, એ હાથથી કાગળ વળી નહિ જાય? ચાલો કાગળ હાથમાં ન લો, નજીક આવીને વાંચો તો ખરા! નજીક આવીને પોતાના પરમ પ્રિયનો પત્ર વાંચવા એક પણ ગોપી તૈયાર નથી. શું હતું? વિલોકે ભીંજે! નજીક જઈશુ, એ પરમ પ્રિયના શબ્દને જોઈશું; આંખમાંથી આંસુનો ધોધ વહેશે અને આંસુના ધોધમાં એ અક્ષરો ચહેરાઈ જશે. કઈ ભૂમિકા? મને એ વખતે થયું કે ગોપીઓની આ ભૂમિકા! પોતે જેને ભગવાન માને છે, એનો પત્ર હાથમાં લેવા તૈયાર નથી અને એ નજીક પત્ર આવશે તો આંખમાંથી આંસુનો ધોધ એટલો વહેશે કે અક્ષરો ભુંસાઈ જશે. મને થયું મારા ભગવાનના શબ્દો કોરી-કોરી આંખોએ કેમ વાંચી શકીએ?અને એ ક્ષણથી આચારાંગજીનો સ્વાધ્યાય શરૂ થાય છે. આંખોમાંથી શ્રાવણ-ભાદરવો ચાલુ થાય!

એ આચારાંગજીનું એક સૂત્ર આજે કહું. ત્રણ જ શબ્દનું એ સૂત્ર છે,खणंजाणाहि पंडित।! એનો સીધો અર્થ એ થાય છે કે જ્ઞાની સાધક એક-એક ક્ષણને ઓળખે છે. એક-એક ક્ષણનું મૂલ્ય એની પાસે હોય છે. હું એનો અનુવાદ અલગ રીતે કરું છું. હું એ રીતે અનુવાદ કરું છું કે, પ્રભુ કહે છે કે બેટા! તું એક ક્ષણ મને આપીશ? પ્રભુ કહે છે કે, બેટા! એક ક્ષણ, એક મિનિટ તું મને આપીશ? આપણે તો ઓળઘોળ થઈએ. પ્રભુ તે આખું જીવન આપ્યું અને તું માંગી-માંગીને મારી એક મિનિટ માંગે છે? આપી!

પ્રભુ છે ને, આચારાંગજીમાં કુશળ ગુરુ તરીકે આવેલા છે. પહેલા તો બુચકારે. બેટા તું બહુ ડાહ્યો! કેટલો સરસ! મેં માગ્યું, તું કહે છે આપ્યું! સદગુરુની એક લાક્ષણિકતા છે, પહેલા તમને બુચકારે, નજીક લાવે. નજીક કેમ લાવે ખબર છે? ગાલ પર ચમચમતી ઠોકવી હોય ને, તો પણ તમને નજીક લાવવા જરૂરી છે.

એ સદગુરુની લાક્ષણિકતાની વાત પદ્મવિજય મહારાજ સાહેબે નવપદ પૂજામાં કરી છે “નમો ઉવજઝાયાણં, જપો હો મિત્તા!” પદ્મવિજય મહારાજ જેવા મોટા ગજાના ભક્તિયોગાચાર્ય “નમો ઉવજઝાયાણં, જપો હો મિત્તા!” અરે મિત્ર! નમો ઉવજઝાયાણં જાપ કર! એટલા મોટા ગજાના ભક્તિયોગાચાર્ય આપણને મિત્ર તરીકે સંબોધે છે. એટલે આપણને બુચકાર્યા-બુચકાર્યા! આપણે નજીક ગયા, સીધો હાથ તૈયાર હતો. “નમો ઉવજઝાયાણં, જપો હો મિત્તા, એકાગ્ર ચિત્તા, એ પદ ધ્યાવું રે!” ડાફોળીયા નહિ મારતો, એકાગ્ર ચિત્ત થઈને ધ્યાન કર! સીધી જ તમાચ ઠોકી દીધી.

તો, પ્રભુ પણ આચરાંગમાં આવા ગુરુ તરીકે ઉપસ્થિત થયા છે. પહેલા કીધું, વાહ! બહુ ડાહ્યો તું! મેં એક મિનિટ માંગી, તે કીધું હા, પ્રભુ હું તૈયાર છું! હવે પ્રભુ કહે છે, હા તો પાડી, પણ તું મને જે ક્ષણ આપે એ અશુદ્ધ હોય તે ચાલે ખરી? પ્રભુના ભંડાર ઉપર ફળ મૂકવું હોય તો પણ ધોઈને મૂકીએ. શુદ્ધ-શુદ્ધ હોય એ જ પ્રભુના દરબારમાં મુકાય. તો પ્રભુ કહે છે, ભલે એક મિનિટ તું મને આપ, પણ તારી એ એક મિનિટ શુદ્ધ હોવી જોઈએ. શુદ્ધનો મતલબ શું? જે મિનિટની અંદર તમને આસક્તિ ન થયેલી હોય, કોઈના પ્રત્યે દ્વેષ ના થયેલો હોય, તમને અહંકાર ન આવેલો હોય, ઈર્ષ્યા ના આવેલી હોય એવી એક મિનિટ! 58 સેકન્ડ બરાબર ગઈ, 59મી સેકન્ડે તમારા રૂમમાં એક વ્યક્તિ આવી, તમને અણગમતી છે. તમારા મનમાં તિરસ્કાર ઉભો થયો. આ કેમ અહીંયા આવ્યો? એ મિનિટ ગઈ! કચરા ટોપલીમાં નાખી દો! એક મિનિટ શુદ્ધ પ્રભુને આપવાની છે.

આજનું હોમવર્ક. કરશો? એક મિનિટ શુદ્ધ પહેલી પ્રભુને આપવાની, બીજી શુદ્ધ મિનિટ ગુરુને આપવાની અને બીજી જેટલી શુદ્ધ મિનિટ હોય એ તમારી! મને કહેજો તો ખરા લખીને પણ, કે આજના દિવસમાં શુદ્ધ મિનિટો તમને કેટલી મળી? કે જે 60 એ 60 સેકન્ડની અંદર રાગ, દ્વેષ  અહંકાર, ઈર્ષ્યાનો સહેજ પણ પ્રતિબિંબ ન પડે! પ્રભુની અપેક્ષા તો એ છે આપણા માટે કે મારા પરમ પ્રેમમાં જે મુનિ ડૂબી ગયો, જે સાધ્વી ડૂબી ગઈ, જે શ્રાવક કે શ્રાવિકા ડૂબી ગઈ, એના હૃદયની અંદર બીજા પ્રત્યેનો રાગ ક્યાંથી હોઈ શકે? પ્રભુના પ્રેમમાં જે ડૂબ્યો, એના હૃદયમાં બીજા પ્રત્યેનો પ્રેમ ના હોઈ શકે. અને જો રાગ નથી, તો દ્વેષ પણ નથી, તો અહંકાર પણ નથી!

તો, પ્રભુના પરમ પ્રેમમાં ડૂબવું છે. કદાચ આપણે નહિ પણ ડૂબી શકીએ! પ્રભુને પ્રાર્થના કરી શકો કે પ્રભુ તું પણ ભેદભાવ રાખે છે? અઈમુત્તા મુનિને આઠ વર્ષની નાની ઉંમરમાં તે બોલાવી લીધા અને તારા પ્રેમમાં ડુબાડી કેવળજ્ઞાની બનાવી દીધા! મારા માટે તારો ભેદભાવ છે? પ્રભુ જોડે લડો, વાંધો નથી! રડવાનું હોય તો રડો. Fighting તો આવડે જ છે ને! Fighting ઘરે નહિ કરવાની! Fighting બે જગ્યાએ જ કરવાની, એક દેરાસરમાં પ્રભુ પાસે અને ઉપાશ્રયમાં અમારી જોડે. સાહેબ આટલા બધાને દીક્ષા આપી પણ અમને કેમ નહિ આપી? કરો ઝઘડો! પ્રભુને પણ કહી દો, સુલસાજીને તીર્થંકર પદ આપ્યું, રેવતીજીને આપ્યું, મને કેમ નહિ? મને પણ આપી દો! મને પણ તમારા પરમ પ્રેમમાં ડુબાડી દો! પ્રભુ તમને એના પરમ પ્રેમમાં ડુબાડી દેશે!

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *