વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : સમૂહચેતનાનું ઉર્ધ્વીકરણ
ગુરુ જયારે એક સમૂહ ઉપર કામ કરે છે અને સાધનાની ધારામાં એમને આગળ લઇ જાય છે, ત્યારે એક સમૂહચેતના જન્મે છે; એવી સમૂહચેતના કે જેનું ઉર્ધ્વીકરણ એક સાથે થાય છે.
સમર્પણ આવે ત્યારે સદગુરુ કેવી રીતે તમારી ઉપર કામ કરે એની વાત પંદરસો તાપસોને થયેલા કેવળજ્ઞાનના પ્રસંગ થકી જોવી છે.
પાંચસો તાપસોને કરેમિ ભંતે ના શક્તિપાતથી પોતાની ભીતર રહેલા સમભાવનો અનુભવ મળ્યો. બીજા પાંચસોને પ્રભુની પરમ ઉદાસીનદશાની વાત સાંભળતાં-સાંભળતાં અને ત્રીજા પાંચસોને સમવસરણમાં બેઠેલા પ્રભુની ઉદાસીનદશાનું દર્શન કરતાં-કરતાં પોતાની ઉદાસીનદશાનો અનુભવ થઇ ગયો.
પરમ સ્પર્શની યાત્રા – વેસુ ચાતુર્માસ વાચના – ૨૭
પરમાત્માનો પ્રેમ સતત આપણા પર વરસતો રહ્યો છે. ક્યારેક આપણે એને ઝીલી શક્યા, ક્યારેક એને ન પણ ઝીલી શક્યા.
અસહાયદશા આપણા ચિત્તમાં જ્યારે છવાયેલી હતી, ત્યારે પ્રભુના પ્રેમનું અવતરણ આપણી ચેતનામાં થયું. ભક્તની અસહાયદશા એ જ પંચસુત્રની સાધના ત્રિપદીનું પહેલું ચરણ, શરણ સ્વીકાર. એકવાર પ્રભુના શરણનો સ્વીકાર તમે કર્યો, સદ્ગુરુના શરણનો સ્વીકાર તમે કર્યો; પછીનું બધું જ કામ પરમચેતનાનું અને ગુરુ ચેતનાનું છે. તમારે કશું જ કરવાનું હોતું નથી! સદ્ગુરુ ચેતનાને તમે પૂર્ણતયા સમર્પિત થયા; સદ્ગુરુ ચેતનાનો કૉલ છે કે હું તને મોક્ષે પહોચાડીને રહીશ, પણ તમે સમર્પિત હોવ તો… તમે સમર્પિત ન હોવ તો, ગમે તેવા પહોંચેલા ગુરુ પણ કહેશે કે હું કાંઈ કરી શકીશ નહિ. તમારું સમર્પણ નથી, તો અમારા હાથ બંધાયેલા છે. We can’t do anything absolutely!
એક સમર્પણ આવે, ત્યારે સદ્ગુરુ કઈ રીતે તમારા ઉપર કામ કરે છે, એની વાત આજે જોવી છે. ભગવાન ગૌતમની અષ્ટાપદ યાત્રા પછીની પંદરસો તપસ્વીઓને દીક્ષિત કરવાની વાત આપણી પરંપરામાં પ્રસિદ્ધ છે. પણ, એનો એક unknown angle એ છે કે સદ્ગુરુ કઈ રીતે શિષ્યવૃંદ પર, સાધક વૃંદ પર કામ કરે છે. પંદરસો તપસ્વીઓ હતાં. ૫૦૦-૫૦૦ની ત્રણ બેચ હતી. ભગવાન ગૌતમ અષ્ટાપદની યાત્રા કરીને નીચે ઉતર્યા. એ પંદરસો તપસ્વીઓએ એ સદ્ગુરુના ચરણોમાં જીવનનું સમર્પણ કરી દીધું. પછીની વાત બહુ મજાની છે. ૫૦૦-૫૦૦ ને એકસાથે કેવલજ્ઞાન થાય છે. પંદરસોને એક સાથે થતું નથી. પહેલાં ૫૦૦ની પહેલી બેચને, પછી બીજી બેચને, પછી ત્રીજી બેચને. આ એક બહુ મજાની વાત છે.
એક સમૂહ ઉપર ગુરુ જ્યારે કામ કરે છે, અને સાધનાની ધારામાં એમને આગળ લઇ જાય છે, ત્યારે એક સમૂહ ચેતના જન્મે છે; એવી સમૂહ ચેતના જેનું ઉર્ધ્વીકરણ એકસાથે થાય. પરમપાવન શત્રુંજય તીર્થ ઉપર લાખો મુનિઓ, કરોડો મુનિઓ એકસાથે મોક્ષને પામે…. શું હતું? આ એક વિશિષ્ટ પ્રયોગ આપણી પરંપરાનો હતો. એક સદ્ગુરુ પોતાની પાસે રહેલા વૃંદને એવી રીતે તૈયાર કરે કે એક સામુહિક ચેતના પેદા થાય. બની શકે કે એક શિષ્ય થોડો નબળો હોય, એક શિષ્ય થોડો વધુ પ્રબળ પણ હોય, પણ જ્યારે સામુહિક ચેતના થાય છે ત્યારે બધાનું ઉર્ધ્વીકરણ એકસાથે થાય છે. એવી એક મજાની જીવંત પરંપરા હતી.
કલાપૂર્ણસૂરિ દાદાએ એક પ્રયોગ કર્યો. એ ભક્તિયોગાચાર્ય હતા. પરમાત્માનો સાક્ષાત્કાર એમણે અનુભવેલો. એ માત્ર અને માત્ર પ્રભુભક્તિની વાતો કરતાં, એના કારણે પ્રભુ ભક્તોનું એક વૃંદ એમની આસપાસ એકઠું થયું. શિષ્યો પણ ભક્તિસભર, ભક્તો પણ, સાધકો પણ ભક્તિસભર. હવે સદ્ગુરુનું કામ ચાલુ થયું. એક વૃંદ તૈયાર થયું… જે વૃંદ માત્ર પ્રભુભક્તિની ધારામાં જઈને મોક્ષ સુધી પહોંચી જાય. બીજા કોઈ આચાર્ય ભગવંત સાધનાની ધારામાં ડૂબેલા હોય, એમની પાસે સાધકોનું વૃંદ આવે. એ સદ્ગુરુ એ વૃંદ ઉપર એવી રીતે સાધનાનું પ્રત્યારોપણ કરે, કે જેથી પૂરું સાધક વૃંદ સામુહિક ચેતનામાં જોડાઈ એકસાથે આગળ ને આગળ વધે. એટલે જ મને અફસોસ થાય છે, કે હમણાંની આ પરંપરા આટલી જલ્દી લુપ્ત કેમ થઇ ગઈ?
હીરવિજયસૂરિ મહારાજ સુધી આ પરંપરા જીવંત રહી છે. એક જ આચાર્ય હોય, સદ્ગુરુ સાધનાદાતા અને એમની નિશ્રામાં સેંકડો આચાર્યો, પંન્યાસો અને હજારો મુનિઓ અને સાધ્વીઓ સાધના કરતાં હોય. તમને એક ઘટનાનો ખ્યાલ આવશે. હીરસૂરિદાદા એમનું અંતિમ ચાતુર્માસ ઉનાની અંદર, સૌરાષ્ટ્રમાં. મહાજ્ઞાની મહાપુરુષ હતાં. પોતાના શરીર ઉપર એ ઉપયોગ મુકતા જ નહતા. પણ, એકવાર એમને ખ્યાલ આવી ગયો કે આ ચોમાસાની અંદર જ હું અહીંથી પસાર થઇ જવાનો છું. એમની પાસે એવા આમનાયો હતાં, એવી ગુઢ પરંપરાઓ હતી, જે એમણે પોતાના શિષ્ય વિજ્યસેનસૂરીજીને આપવી હતી. ચોમાસા પહેલાં ઉપયોગ મુકેલો નહિ, અને એટલે વિજયસેનસૂરિજીને આગ્રા ચાતુર્માસ માટે મોકલ્યા. જે વખતે ખ્યાલ આવ્યો, ત્યારે હીરસૂરિ દાદાએ એક પત્ર લખ્યો, વિજયસેનસૂરિ ઉપર; અને એમાં લખેલું આ પત્ર મળે વિહાર કરી મારી પાસે આવવું. ચોમાસું શરૂ થઇ ગયું છે… ઝડપી સાંઢણી ઉપર એક શ્રાવક આગ્રા પહોંચ્યો. વંદન કરીને ગુરુનો પત્ર આચાર્યશ્રીના હાથમાં આપ્યો. પત્ર વાંચ્યો. તરત જ સંઘને એકઠો કર્યો; અને કહ્યું કે ગુરુદેવની આજ્ઞા છે, મારે આજે નહિ, અત્યારે ને અત્યારે વિહાર કરવાનો છે.! બે મહાત્માઓને તમારી આરાધના માટે મૂકી જાઉં છું; બાકી અમે જઈએ છીએ. કેવો એ સંઘ હશે! વિચાર કરો! એ સંઘની મને ઈર્ષ્યા આવે છે.! સંઘમાંથી એક વ્યક્તિએ કહ્યું નથી કે ગુરુદેવ ચોમાસામાં વિહાર થાય ખરો? ગુરુદેવ એક સાર્વભૌમ ગચ્છાધિપતિ એમની આજ્ઞા, વિચાર કરવાનો હોય જ નહિ.!
વિજયસેનસૂરિ મહારાજ વિહાર કરે છે. પાટણ પહોંચ્યા. રોજના ૩૦-૪૦ કિલોમીટરનો વિહાર. ચાલી શકાય એટલું ચાલો. ઝડપી પહોંચો. પાટણ પહોંચ્યા ૧૦-૧૦.૩૦ નો સમય હશે, ઉપાશ્રય ગયા. દેવવંદન ચાલી રહેલું હતું. ભાદરવા સુધી બારસ ! આજે શેનું દેવવંદન? પૂછ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે હીરસૂરિદાદા ગઈ કાલે સ્વર્ગલોક પામી ગયા છે. પછી વિજયસેનસૂરી પાટણમાં રોકાઈ ગયા. પણ, હીરસૂરિદાદા વિજયસેનસૂરિજીને જે આપવા માંગતા હતા એ આપી ન શક્યા, અને એને કારણે ઘણી પરંપરા de-link થઇ ગઈ.
વચ્ચે હું ઉના ગયેલો, એક રાત એ સમાધિ સ્થળે હું રહેલો.. બહુ મજાનો બગીચો અને એમાં ગુરુદેવનું સમાધિ મંદિર છે. ત્યાં હું ધ્યાનમાં બેઠેલો અને મને એક આભાસ મળ્યો કે દાદા ! તો જીવંત જ છે.! હીરસૂરિ દાદા એમની ઉર્જા અહીંયા જીવંત છે.! આમ શું થાય – ક્યાંક કોઈ સામાન્ય સ્થળ પર અગ્નિદાહ થયેલો હોય, આજુબાજુ અશુચિ પણ હોય. આ તો બાદશાહે આપેલો બહુ મોટો બગીચો, અને એ બગીચાની વચ્ચે ગુરુદેવની અંતિમ ક્રિયા થયેલી. એટલે ઉર્જા પુરેપુરી સચવાયેલી છે. મને થયું કે દાદાની ઉર્જા અહીં પથરાયેલી છે. થોડાક સાધકો એક-બે મહિના અહીંયા ધ્યાનમાં ઉતરે તો કદાચ હીરસૂરિદાદા – સેનસૂરિમહારાજને જે આપવા માંગતા હતાં, એ મળી શકે. તો આ રીતે સદ્ગુરુ શિષ્યવૃંદ ઉપર કામ કરતાં હતાં.
આપણી પરંપરા કહે છે કે ગૌતમ સ્વામી ભગવાને ખીરથી પારણું કરાવ્યું. ૫૦૦ને કેવલજ્ઞાન થયું, પંદરસોને નહિ થયું. કારણ, સાધનાની આ સમૂહ ચેતના હતી. ૫૦૦ની સાધના થોડી ઉંચી હતી, બીજા ૫૦૦ની એનાથી થોડી નીચે, ત્રીજા ૫૦૦ની એનાથી થોડી નીચે. તો જેમની સાધના superior હતી. એ સાધક વૃંદને કેવલજ્ઞાન થયું.! ઈશારો શું છે, તમને સમજાવું. કથામાંથી આપણે ઈંગીતોને તારવવાના હોય છે. ખીર એટલે શું? આવશ્યક નિર્યૂક્તિ તમે ભણેલા છો. કરેમિ ભંતે આપણે ઉચ્ચરીએ, સામાયિક આપણને મળે, એ સમભાવને કેવો કહ્યો? ખીર જેવો આત્માનો મધુર પરિણામ, એ સમભાવ.
તો કરેમિ ભંતે લેતાં સદ્ગુરુનો શક્તિપાત ૫૦૦ને મળી ગયો. Actually તમારા બધા ઉપર પણ શક્તિપાત થઇ રહ્યો છે. કરેમિ ભંતે સૂત્ર એ શક્તિપાત છે. દીક્ષાની વિધિમાં પહેલાં લુંચન કે પહેલા કરેમિ ભંતે? પહેલાં લુંચન પછી કરેમિ ભંતે. કેમ..? સદ્ગુરુ એક દીકરો હોય તો પોતાના હાથે એના ચોટીના ભાગના વાળનું લુંચન કરે છે, અને દીકરી હોય તો સદ્ગુરુનો વાસક્ષેપ ત્યાં મુકવામાં આવે છે. એ શક્તિપાતને કારણે બ્રહ્મરંદ્ર ખુલ્લું થઇ જાય. તમે છે ને આત્મતત્વને જાણ્યું કે નહિ એ તો મને ખબર નહિ. પણ, તમે તમારા શરીરને પણ પૂરેપૂરું જાણી ચુક્યા છો? તમારા શરીરના બે મહત્વપૂર્ણ પોર્શનસ્ એક તો કરોડરજ્જુ/ spinal cord. કરોડરજ્જુ ને યોગિક ભાષામાં મેરૂદંડ કહેવાય છે. મેરૂ ક્યારેય ઝુકે? મેરૂ ક્યારેય ઝુકે? તમારા બધાના મેરૂ ઝૂકેલા છે, આમ… યોગશાસ્ત્રોમાં આસનો – postures ઘણા બધા બતાવ્યા. પદ્માસન, અર્ધપદ્માસન, સ્થિરાસન; પણ એમાં પગની સ્થિતિમાં ફેરફાર થાય. There is no option, અહીંયા કોઈ વિકલ્પ નથી; મેરૂદંડ ટટ્ટાર જ જોઈએ.!
બીજું તમારા શરીરનું મહત્વપૂર્ણ અંગ છે – ચોટીનો ભાગ. પહેલાંના શ્રાવકો છે ને ચોટલીવાળા રહેતાં; અને ચોટલીને હું એન્ટેના કહું છું. એન્ટેના હોય, એરિયલ હોય તો રેડિયોના, ટી.વી. ના તરંગો પકડાય. એમ બ્રહ્માંડમાં રહેલ પરમચેતનાના વિકિરણોને પકડવા માટે એ ચોટલી એ એન્ટેના હતી. એ ચોટલીનો નીચેનો ભાગ એનું નામ બ્રહ્મરંદ્ર. નામ પણ કેટલું મજાનું..! બ્રહ્મરંદ્ર.! બહ્મ એટલે પરમાત્મા; એમને પ્રવેશવા માટેનું દ્વાર એ બ્રહ્મરંદ્ર! સદ્ગુરુ વાળને ઉખેડીને બ્રહ્મરંદ્રને ખુલ્લું કરે; અને પછી તમને કરેમિ ભંતે અપાય. એટલે કે કરેમિ ભંતે કાનથી લેવાની વસ્તુ નથી.! બ્રહ્મરંદ્રથી, અસ્તિત્વથી સ્વીકારવાની ઘટના છે.
તો ૫૦૦ની પહેલી બેચ પર કરેમિ ભંતે આપતાં શક્તિપાત થયો. એ સમભાવ આત્મસાત્ થયો. છટ્ઠું ગુણઠાણું. એનું ઊંડાણ મળ્યું, સાતમું ગુણઠાણું. આત્માનુભૂતિ થઇ, આઠમાથી ક્ષપકશ્રેણી; વિતરાગદશા અને કેવલજ્ઞાન. સદ્ગુરુ કઈ રીતે કામ કરે છે ! સદ્ગુરુ તૈયાર છે. તમે તૈયાર છો? જે કરેમિ ભંતે સૂત્ર સ્થૂલભદ્રજીને મળેલું, જે કરેમિ ભંતે સૂત્ર આ ૫૦૦ મુનિવરોને મળ્યું. એજ તમને મળ્યું છે કે બીજું? એ જ મળ્યું છે. સદ્ગુરુએ એ સૂત્ર દ્વારા શક્તિપાત કરવા ઈચ્છેલો હતો, તમે એ શક્તિપાતને ઝીલી ન શક્યા.
હું ઘણીવાર કહું છું કે એ શક્તિપાત જો ઝીલાઈ ગયો, તો તમે વિભાવમાં ન જાઓ એમ નહિ; વિભાવમાં જઈ શકો નહિ. ૫૦૦ની પહેલી બેચ કેવલજ્ઞાનને પામી ગઈ. ૧૦૦૦ બાકી છે હજુ. હવે બીજી ૫૦૦ની બેચ પર કામ શરૂ થાય છે. પારણું થઇ ગયું. ભગવાન ગૌતમે કહ્યું, ચાલો ભગવાન પાસે. ૫૦૦ તો કેવલજ્ઞાને પણ થઇ ગયેલા. ૧૦૦૦ જે બાકી રહ્યા છે, એમના મનમાં થાય છે, અરે! તમે જ ખુદ ભગવાન જેવા છો! તમારા એ વળી ગુરુ છે? તમારી ઉપર બીજા ભગવાન છે પાછા?! એ વખતે ગૌતમસ્વામી ભગવાને પ્રભુની પરમઉદાસીનદશાનું વર્ણન કર્યું, વિતરાગદશાનું વર્ણન કર્યું કે મારી પાસે તો કાંઈ નથી.! મારા ભગવાન પરમ ઉદાસીન દશામાં છે.! તમે ત્યાં જશો, તમે જોશો, બાહ્ય ઠાઠ કેટલો છે; પણ એ બાહ્ય સમૃદ્ધિની વચ્ચે એમનું યોગેશ્વરીય કેટલું પ્રબળ છે.! આપણી ચૂક શું થઇ ખબર છે? સમવસરણમાં ઘણીવાર જઈ આવ્યાં, પણ માત્ર ૬૪ ઇન્દ્રોને જોઇને પાછા ફરી ગયા. માત્ર ચામરો વિંઝાતા હતાં, એને જોઇને આપણે પાછા ફરી ગયા. જે જોવાનું હતું એ છૂટી ગયું. ચાલો એ વખતે છૂટી ગયું, આજે ચાલુ થયું? આજે પ્રભુના દર્શન તમે કર્યા, ત્યારે પ્રભુની પરમ ઉદાસીન દશા તમને દેખાયેલી?
હું નાનો હતો ને, ૨૦-૨૨ વર્ષનો. ત્યારે બહુ જ વાંચતો. અંગ્રેજી માં જેને bookworm કહે ને એવો ગ્રંથ – કીટ હું હતો. એમાં વિહારની અંદર એક જગ્યાએ એક મેગેઝીનનો થોકડો મળી ગયો. એ મેગેઝીન સુધારકો દ્વારા પ્રસિદ્ધ થતું હતું અને એમાં ૨-૪ અંકોની અંદર એ વાત લેખકે લખેલી કે વિતરાગ પરમાત્મા અને એને આ શ્વેતામ્બરો આભુષણોથી લાદી દે છે.! એ ભગવાન તો વિતરાગ છે, અને એમને આ હીરાનો મુગટ? સોનાની આંગી.? હું એ વખતે ભક્તિની ધારામાં આવેલો નહિ; મને પણ થયું કે પ્રભુ વિતરાગ છે. તો આ બધું શા માટે? અને એમાં હું શંખેશ્વર ગયેલો. સાંજે પ્રભુની ભક્તિમાં બેઠેલા. સરસ મજાનો હીરાનો મુગટ, સોનાની આંગી, દર્શન કરીને ઉપાશ્રય તરફ ગયા. જંબુવિજય મ.સા. એ વખતે ત્યાં હતાં. મારા સંસારી સંબંધે કાકા થાય. હું એમની પાસે ગયો; વંદન કર્યું અને મેં કહ્યું પ્રભુ તો વિતરાગ છે; એમને આ આભુષણો શા માટે? જંબુવિજય મહારાજ પરમાત્માના પરમ ભક્ત.! એમણે કહ્યું; ભાઈ ! એ તો ઠાકુર છે ઠાકોર.! જગતનો ઠાકુર છે.! હસતાં હસતાં મને કહે; એના માથે મુગટ ન હોય તો તારા માથે હોય? પણ, આપણે મુગટને જોયો એનો વાંધો નહિ, આંગીને જોઈ એનો વાંધો નહિ, પણ, પ્રભુની ચહેરા ઉપરની પરમ ઉદાસીનદશાને જોઈ? અમારી ભક્તિ છે અમે બધું જ પરમાત્માને અર્પિત કરીએ છીએ. પણ પ્રભુ આ બધાથી ન્યારા છે.! એક પ્રભુની પરમ ઉદાસીનદશાનું દર્શન કરો; તમારી ભીતરની ઉદાસીનદશા મુખરિત બનશે.
૫૦૦ની બીજી બેચ પર સદ્ગુરુનું કામ શરૂ થયું. અને ગુરુ કહે છે; એ મારા પરમાત્મા પરમઉદાસીનદશામાં છે. ઉદાસ હોવું અલગ છે હો.! અને ઉદાસીન હોવું અલગ છે. ઉદાસ હોવું એટલે ગમગીન હોવું, બેચેન હોવું. ઉદાસીન હોવું એટલે શું? ઉદાસીન શબ્દ, બે શબ્દોના જોડાણથી બનેલો છે- ઉદ્+આસીન, ઉંચે બેઠેલો.
નદી વહી રહી છે. તમે ભેખડ ઉપર બેઠેલા છો. નદીને જોઈ રહ્યા છો. નદી વહી રહી છે. તમે માત્ર એને જોઈ રહ્યા છો. એ નદીના પાણીની તમારા ઉપર કોઈ અસર થતી નથી. ઘટનાને તટસ્થ રહીને માત્ર જોવી, એ ઉદાસીનદશા.
એક હિંદુ ગુરુ પૂનમની રાત્રે નદીની બાજુમાં આવેલી ભેખડ ઉપર શિષ્યોની સાથે બેઠેલા. સંગોષ્ઠી ચાલી રહી છે. એમાં ગુરુએ એક પ્રશ્ન કર્યો કે આ ભેખડ ધારો કે માટીની છે, જેના ઉપર આપણે બેઠા છીએ, એ તૂટી જાય તો શું થાય? જે ભેખડ ઉપર આપણે બેઠા છીએ એ તૂટી જાય તો શું થાય? જવાબ તો સીધો હતો. ભેખડ તૂટી તો ભેખડ ઉપર બેસનારા સીધા નીચે પડે, નદીના પ્રવાહમાં. પણ શિષ્યોને લાગ્યું કે ગુરુ કંઈક ઊંડાણની વાત કરવા માંગે છે, એટલે એક પણ શિષ્યએ જવાબ નહિ આપ્યો. બધા શિષ્યો ગુરુના મુખને જોવા લાગ્યાં.
હિંદુ પરંપરામાં શિષ્ય માટેનું, સાધક માટેનું એક સરસ વિશેષણ છે; ગુરુમુખી. જેનું મુખ, જેનો ચહેરો સતત ગુરુ તરફ હોય એ ગુરુમુખી. ભગવાને કહ્યું તેમ; “तद्दिट्ठीए”
પણ એ જ હિંદુ પરંપરામાં શિષ્ય માટે સાધક માટે એક ગાળ છે. કહો કે ગાળનું extreme point શું છે એ? કોઈ પણ શિષ્યને સાધકને તમે મનમુખી કહી દો, તો એ એના માટેની ગાળ છે.! શિષ્ય કે સાધક ગુરુમુખી જ હોય; મનમુખી ક્યારે પણ હોઈ શકે નહિ.! તમે બધા ગુરુમુખી ને? કે મનમુખી? પોતાના મન તરફ, પોતાની ઇચ્છાઓ તરફ જેનો ચહેરો હોય, જેનું મન હોય એ મનમુખી.
બધા શિષ્યો ગુરુની સામે જોવે છે. અને એ વખતે ગુરુએ કહ્યું, શું ફરક પડે? અત્યારે આપણે ભેખડ ઉપર છીએ, પછી નદીના પ્રવાહમાં હોઈએ. ફરક શું પડે? આપણું હોવું એ તો એનું એ જ છે. સ્થિત્યન્તર શરીરનું બદલાય છે, નહિ કે આપણું.! તમે પડી ગયા ચાલતાં ચાલતાં. કોણ પડ્યું? કોણ પડ્યું? મારું શરીર પડી ગયું હતું. મારા શરીરને લાગ્યું છે. આવો શબ્દપ્રયોગ પણ તમારી પાસે નથી ને? મેલેરિયાનો, ચીકનગુનિયાનો હમલો ઘણો છે હમણાં. પણ, એ મેલેરિયા થયો, ત્યારે સાધક શું કહેશે? આ શરીરને મેલેરિયા થયો, મને મેલેરિયા થયો એમ તમે કહો? કે આને થયો એમ કહો? શું કહો?
ગુરુ કહે છે; ફરક શું પડે? અત્યારે ભેખડ ઉપર છીએ. પછી નદીમાં હોઈશું.. આપણું હોવું એવું ને એવું અકબંધ રહેવાનું છે. આ ઉદાસીનદશા. ઘટના ગમે તેવી હોય તમારું હોવું એ અવિચલ છે. એટલે તમારી નજર જે ક્ષણે being પર આવી, એ ક્ષણે ઉદાસીનદશા ચાલુ થઇ ગઈ. Doing એટલે સંસાર. Being એટલે સાધના. કશું પણ કરવાનું નથી. ઘણા પૂછે; ધ્યાનમાં જવાનું ને, શું કરવાનું? અરે ધ્યાનમાં કંઈ કરવાનું હોય જ નહિ. ત્યાં કરવાનું નથી, વિચારવાનું નથી, માત્ર હોવાનું છે.! પણ, હા તમે ખોટા પરમાં ગયેલા છો, તો પાછા ફરવાની ક્રિયા તમારે કરવી પડે. Doing એટલું આવી શકે. બાકી ધ્યાન એટલે totally being.! માત્ર હોવાપણું.! એકવાર તમે ધ્યાનમાં ઊંડા ઉતરો, તમારા હોવાપણાનો આનંદ તમે અનુભવો પછી આ દુનિયામાં આવવું તમને ગમશે નહિ.!
વિવેકાનંદ સંન્યસ્ત પહેલાં નરેન્દ્રના નામે. જન્માન્તરીય પરમાત્મ પ્રીતિ. કોઈ પણ ગુરુ પાસે જાય, પૂછે; have you a realized to the God? તમે પ્રભુનો સાક્ષાત્કાર કર્યો છે? એમ કરતાં એ રામકૃષ્ણ પરમહંસ પાસે પહોંચ્યા. અને એમને પૂછ્યું; have you a realized to the God? રામકૃષ્ણ પરમહંસ હસે છે… મેં કર્યો કે નહિ, એની વાત બાજુએ રાખ.! તારે કરવો છે? તારે પરમાત્માનો સાક્ષાત્કાર કરવો છે? કે વાતો કરવા આવ્યો છે? એ વખતે નરેન્દ્ર કહે છે; really.! પ્રભુ ન મળે તો જન્મ વ્યર્થ છે.! ગુરુદેવ! પ્રભુ સાથે મારો સાક્ષાત્કાર કરાવી આપો.! અને એ સદ્ગુરુએ નરેન્દ્રના માથા ઉપર હાથ મુક્યો.! નરેન્દ્ર એક અઠવાડિયું સમાધિદશામાં રહ્યો છે.!
અઠવાડિયા પછી પણ ગુરુ એને સમાધિમાંથી બહાર લાવે છે. જે ક્ષણે નરેન્દ્ર સમાધિમાંથી બહાર આવ્યો, એ ક્ષણે એણે કહ્યું; ગુરુદેવ! હોશની દુનિયામાંથી મને બેહોશીની દુનિયામાં તમે કેમ લાવ્યા? નરેન્દ્રના શબ્દો હતાં, કે ગુરુદેવ! આ જન્મમાં નહિ, ભવચક્રની અંદર જેવો આનંદ ન મળેલો હોય, એવો આનંદ તમે મને આપેલો, હવે એ આનંદની દુનિયામાંથી આ પીડાની દુનિયામાં મને તમે કેમ લઇ આવ્યા?! ગુરુએ કહ્યું; એકવાર તને સાક્ષાત્કાર થઇ ગયો છે. હવે વારંવાર તું કરી શકીશ. તારે જે કાર્યો બહારના કરવાના છે, એ કરતો પણ જા; અને અંદર પણ તું ઉતરતો જઈશ. એકવાર એ સ્વાદ લાગી ગયો, પછી એ નરેન્દ્ર વિવેકાનંદ બની ગયા.! અને વિવેકાનંદ બન્યા પછી પણ વારંવાર એ સમાધિદશામાં ઉતરી જતાં.! એકવાર being નો આનંદ મળી ગયો. પછી આનંદનો રસ ક્યારે પણ સુકાતો નથી.! તમે એને ક્યારે પણ ભુલી શકતા નથી.!
૫૦૦ની બીજી બેચ પર કામ ચાલુ થયું. ઉદાસીનદશાની વાત કરી. અને પછી કહ્યું; એ ઉદાસીનદશા તમારી ભીતર છે.! એ ૫૦૦ મુનિરાજો અંદર અંદર અંદર ઉતરે છે; પોતાની ઉદાસીનદશાનો અનુભવ લે છે. છટ્ઠું ગુણઠાણું આવ્યું.. દેવચંદ્રજી ભગવંત જ્ઞાતાભાવ અને દ્રષ્ટાભાવ માટે જાણંગભાવ શબ્દ વાપરે છે; જ્ઞાન અને દર્શન માટે. અને ચારિત્ર માટે ઉદાસીનભાવ શબ્દ વાપરે છે. ચારિત્ર એટલે શું? ઉદાસીનદશા.! એ ઉદાસીનદશાનો અનુભવ થયો – છટ્ઠું ગુણઠાણું. ઉદાસીનદશા પ્રબળ બની – સાતમું ગુણઠાણું. ક્ષપકશ્રેણી મંડાઈ, વિતરાગદશા. કેવલજ્ઞાન.!
ત્રીજા ૫૦૦ની બેચ બાકી છે. વિહાર થયો. પ્રભુના સમવસરણ પાસે અવાયું. અને છેલ્લી ૫૦૦ની ટુકડીએ પભુનું દર્શન કર્યું.! સમવસરણની બાહ્ય ઋદ્ધિનું નહી, પ્રભુનું દર્શન કર્યું.! એ પ્રભુના મુખ ઉપર જે વિતરાગદશા ઝળુંબી રહેલી હતી, જે ઉદાસીનદશા મુખરિત બનેલી હતી, એનું દર્શન થયું.! અને અંદર strike થઇ. એક flash.. એક ઝબકારો.. એ ઝબકારાને આધારે અંદર ઉતર્યા. પોતાની ઉદાસીનદશાનો અનુભવ, છટ્ઠું ગુણઠાણું. પ્રબળ અનુભવ, સાતમું ગુણઠાણું. ક્ષપકશ્રેણી, વિતરાગદશા અને કેવલજ્ઞાન.! સમવસરણમાં પહોંચતા ૧૫૦૦ એ ૧૫૦૦ કેવલજ્ઞાની બની ગયા. સદ્ગુરુ આ રીતે તમારાં ઉપર કામ કરે છે. તમારી પાસે માત્ર સમર્પણ જોઈએ.! Total surrender.!
સમર્થ સદ્ગુરુઓ મળ્યાં. પ્રભુનું શાસન મળ્યું. પ્રભુની સાધના પદ્ધતિ મળી. પ્રભુનું શ્રામણ્ય મળ્યું. એકવાર નહિ, પણ અનેકવાર.! અને એ નિષ્ફળ ગયું! સંસાર મારો અને તમારો ચાલુ રહ્યો.! કારણ શું? એક જ કારણ દેખાય- સમર્પણનો અભાવ. એક જો સમર્પણ આપણી પાસે હોત તો એવા સમર્થ ગુરુઓ અતિતની યાત્રામાં આપણને મળેલા, જે આપણને મોક્ષે પહોંચાડીને જ રહે.! ભલે આ યુગમાં જન્મ્યા વાંધો નથી, સમર્પણ જો તમારી પાસે હોય તો મોક્ષ આ રહ્યો.! તો પ્રભુના શરણે જવું, પ્રભુનો શરણ સ્વીકાર કરવો સહેલો છે, ગઈ કાલે કહ્યું હતું; પ્રભુ હાથ પકડતાં નથી. સદ્ગુરુ બે રીતે હાથ પકડશે. તમારાં દોષો દેખાશે તો પણ હાથ પકડશે. કેમ? આ દોષ કેમ સેવ્યો? અને બીજા લયમાં પણ તમારો હાથ પકડશે, અને ગુરુ એક યાત્રા શરૂ કરશે. પ્રભુએ સદ્ગુરુને કહેલું છે; કે તારે આને સાથે લઈને આવવાનું છે. ગુરુ શિખર ઉપર પહોંચી જાય. પ્રભુની આજ્ઞા થાય કે તળેટી ઉપર જા, અને કો’કને લઈને ઉપર આવ.
સદ્ગુરુ ચેતના નીચે ઉતરે, તમે છો ત્યાં સુધી.! અનુભૂતિના શિખર ઉપરથી સદ્ગુરુ શબ્દોની તળેટીએ ઉતરે.! તમારા સુધી આવે.! અને તમારો હાથ પકડીને ઉપર લઇ જાય.! તમે તો ઉપર બેસી જશો, પ્રભુ કહેશે ગુરુ ચેતનાને, તું પાછો નીચે જા; અને નવા કો’કને લઇ આવ.!
સદ્ગુરુ તૈયાર છે, તમે તૈયાર થઇ જાવ, મોક્ષ આ રહ્યો.!
