Param Sparsh Ni Yatra – Vachana 31

25 Views
22 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : પુણ્યપ્રકોપ

સદગુરુની અહેતુક કૃપા, નિષ્કારણ પ્રેમ આપણા પર વરસી રહ્યો હોય છે. આપણા તરફથી બિલકુલ સમર્પણ ન હોય અને છતાં સદગુરુનો પ્રેમ આપણા ઉપર વરસ્યા કરતો હોય છે. કારણ? એ પ્રેમાવતાર છે; પ્રેમ આપવો એ જ એમનું કર્તવ્ય છે.

સદગુરુ નો આ પ્રેમ આપણને પ્રભુના પ્રેમમાં ડુબાડી દે અને જે ક્ષણે આપણે પ્રભુના પ્રેમમાં ડૂબ્યા, આપણે દોષોથી સંપૂર્ણતયા મુક્ત થઇ જઈએ.

સદગુરુ ક્યારેય ગુસ્સે ન થાય પણ જો શિષ્ય માટે જરૂરી હોય, તો પુણ્યપ્રકોપ કરે. ગુરુના ગુસ્સાને આપણે પુણ્યપ્રકોપ કહીએ છીએ. ગુરુ ભીતરથી તો એકદમ ઠંડા જ છે પરંતુ શિષ્ય માટે ગુસ્સો જરૂરી છે, તો એનો ઉપયોગ કરી લે છે. અને એ પણ એમનો પ્રેમ જ છે.

પરમ સ્પર્શની યાત્રા – વેસુ ચાતુર્માસ વાચના – ૩૧

પરમાત્માનો પ્રેમ અગણિત સમયથી સતત વરસતો આવ્યો. આપણી અસહાયદશામાં આપણે એ પ્રેમને ઝીલી શકીએ. એ અસહાયદશા એ જ ચતુ:શરણ સ્વીકાર. પ્રભુના શરણનો સ્વીકાર. સદ્ગુરુના શરણનો સ્વીકાર. 

ગઈ કાલે મેં કહેલું કે surrender ની સામે care. પણ એમાં અનુપાત કેવો હોય છે, 1% surrender, 99% care. ક્યારેક તો એવું લાગે કે સદ્ગુરુની અહેતુક કૃપા, સદ્ગુરુનો નિષ્કારણ પ્રેમ આપણા ઉપર વરસી રહ્યો છે. આપણા તરફથી બિલકુલ સમર્પણ ન હોય અને છતાં સદ્ગુરુનો પ્રેમ આપણા ઉપર વરસ્યા કરતો હોય. કારણ એ પ્રેમાવતાર છે. પ્રેમ આપવો એ જ તો એમનું કર્તવ્ય છે. ઘણા બધા સદ્ગુરુઓનું પોતાનું કર્તવ્ય અમુક સમયે પૂરું થઇ ગયું હોય, પણ પછી પ્રભુની આજ્ઞાથી એમને રહેવાનું થયું. 

કલાપૂર્ણસૂરિ દાદા, જે ક્ષણે પરમાત્માનો સાક્ષાત્કાર એમને થયો, એ ક્ષણે એમનું અવતારકૃત્ય પૂરું થઇ ગયું; પછી પ્રભુની એમના તરફની આજ્ઞા ખુલી કે તારે રોકાવાનું છે અને બધાને તારો પ્રેમ આપવાનો છે. આપણે એમને અનુભવેલા… સાક્ષાત્ પ્રેમ મૂર્તિ… જ્યારે પણ તમે જાવ, સતત તમારા ઉપર એ પ્રેમ વરસાવતા હોય.! તો આવી સદ્ગુરુની કૃપા, આવો સદ્ગુરુનો નિષ્કારણ પ્રેમ આપણને પણ મળ્યો છે. હવે આપણે એને ઝીલી લઈએ. 

બાયજીદ બહુ મોટા ચમત્કારિક સંત હતા. મંત્રો અને તંત્રો પર એમનું અજોડ પ્રભુત્વ. લબ્ધિઓ એમના હાથના ટેરવે. પણ બાયજીદ અહં ચેતના હતા. અને એથી બધી જ શક્તિઓ અહંકારમાં ખતવાતી. એકવાર બાયજીદ જંગલમાંથી પસાર થઇ રહ્યા છે. જંગલમાં એક વૃક્ષ નીચે એક સાધિકા બેઠેલા છે. જ્ઞાનની સર્વોચ્ચ સપાટી ઉપર બિરાજમાન એ હતા. એમણે બાયજીદને જોયા. એક જ ક્ષણમાં બે કામ થયાં. બાયજીદને જોતાંની સાથે એને અહં ચેતનાનો ખ્યાલ આવ્યો, એની સાથે એમનામાં પડેલી સજ્જતાનો પણ ખ્યાલ આવ્યો. 

અહંકાર હોય ગભરાતા નહિ! સદ્ગુરુ તમારા અહંકારને જડમૂળમાંથી કાઢી નાંખશે. એકવાર સદ્ગુરુના પ્રેમમાં તમે પડ્યા, સદ્ગુરુ પરમના પ્રેમમાં તમને ડુબાડશે. બસ, પછી તમારા હૃદયમાં કોઈ જગ્યા જ નથી. જેમાં રાગ-દ્વેષ કે અહંકાર રહી શકે. તો, એ સાધિકાએ, એ ગુરુણીએ બે વસ્તુ જોઈ. બાયજીદનો અહંકાર અને બાયજીદમાં પડેલી એક સજ્જતા. સજ્જતા એ હતી; કે આના ઉપર શક્તિપાત કરવામાં આવે તો એ ઝીલી શકે એમ છે. એમને બુમ મારી, “બાયજિદ અહીં આવ !” સ્વરમાં, શબ્દોમાં એટલી આજ્ઞાપકતા હતી કે બાયજિદને ખેંચાઈને આવવું પડ્યું.! 

ભારતીય ગુરુ પરંપરામાં બે જાતની ગુરુ પરંપરા થઇ. એક સદ્ગુરુ એવા હતા, કે જેમણે પોતાનું શિષ્યવૃંદ પોતાના અધિકારીને સોંપી દીધેલું. એવા સદ્ગુરુઓ આજ્ઞાચક્રને ઉત્તેજિત નહિ કરતાં. એવા સદ્ગુરુઓ સીધા સહસ્રારમાં જતાં. જે સદ્ગુરુઓને શિષ્યો જોડે કામ કરવાનું હતું. શિષ્યો ઉપર યોગ અને ક્ષેમ કરવાનું હતું. એ સદ્ગુરુઓએ આજ્ઞાચક્રને એકદમ ઉત્તેજિત કર્યું. આ જે ગુરુણી હતાં, એમનું આજ્ઞાચક્ર અત્યંત ઉત્તેજિત હતું. બાયજિદ જતાં હતાં બીજી બાજુ, પણ શબ્દોમાં એટલી આજ્ઞાપકતા હતી કે બાયજીદને ખેંચાઈને આવવું પડ્યું. ગારુડીક મંત્ર બોલે અને સર્પને ખેંચાઈને આવવું પડે, એ રીતે બાયજિદને આવવું પડ્યું. શિષ્ટાચાર પણ કર્યો બાયજીદે. 

પછી એ ગુરુણીએ કહ્યું, “આ એક પોટલી છે. એને પૂર્વ દિશામાં આવેલ મઠમાં પહોંચાડી દે.” આટલો અહંકારી માણસ કોઈનું પોટલું ઊંચકીને એ આપવા જાય.! પણ, એ વખતે એ ગુરુના ઓરા ફિલ્ડમાં હતો. આપણે ત્યાં અવગ્રહ આપણે કહીએ છીએ. એ અવગ્રહ એટલે ઓરા ફિલ્ડ. એ અવગ્રહ એટલે ઉર્જા વર્તુળ. તમે વિના કારણે સદ્ગુરુના ઓરા ફિલ્ડમાં જઈ શકતાં નથી. 

બહુ મજાની વાત આનંદઘનજી ભગવંતની છે. આનંદઘનજી ભગવંત નિર્જર જગ્યાએ આવેલ દેરાસરમાં પ્રભુની ભક્તિ માટે બેઠેલા અને અનાયાસ પરાવાણી શરૂ થઇ. “ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે” આપણું સદ્ભાગ્ય કે જ્ઞાનવિમલસૂરિ મહારાજ એ વખતે ત્યાં આવેલા. એમણે note down કર્યું. 22 સ્તવન લખાઈ ગયાં. સહેજ અવાજ ધીમો પડ્યો આનંદઘનજી ભગવંતનો, જ્ઞાનવિમલસૂરિ મહારાજ એ શબ્દોને સાંભળવા માટે સહેજ નજીક આવ્યાં. બહુ મજાની વાત છે. તમારી સામે કોઈ આવે તમને ખ્યાલ આવે કે કોઈ આવ્યું. આનંદઘનજી ભગવંતનું ઓરા ફિલ્ડ એકદમ નિર્મળ; એ ઓરા ફિલ્ડમાં જે ક્ષણે જ્ઞાનવિમલસૂરિ મહારાજે પ્રવેશ કર્યો, આનંદઘનજી ભગવંતને ખ્યાલ આવી ગયો કે પાછળ કો’ક આવ્યું છે. અને ૨૩મું અને ૨૪મું સ્તવન આનંદઘનજી ભગવંત મનમાં જ બોલ્યા છે. એટલે અત્યારે આપણને જે ચોવીસી મળે છે, એમાં બાવીસ સ્તવનો જ નિર્વિવાદ રૂપે આનંદઘનજી ભગવંતના છે. બે સ્તવનો એમના નથી, એવું પરંપરા કહે છે. 

તો બાયજિદ સદ્ગુરુની ઓરા ફિલ્ડમાં, ઓરા સર્કલમાં હતાં. કહ્યું; “આ પોટલી આપી આવ.” હાથમાં લેવી પડી! થોડા ડગ દૂર ગયા. ઓરાફિલ્ડ પૂરું થયું. અહંકાર સળવળી ઉઠ્યો. સામાન્યતયા સદ્ગુરુનું ઓરા સર્કલ સાડા ત્રણ હાથનું આપણે ત્યાં કહેવામાં આવ્યું છે. એટલે જ સીતામાતાએ રાવણને કહેલું, સાડા ત્રણ હાથથી દૂર ઉભો રહેજે. મારા ઓરાસર્કલમાં તને આવવાની છૂટ નથી આપતો. પણ, સદ્ગુરુ જેટલા પ્રભાવશાળી એટલું એમનું ઓરાફિલ્ડ પણ પ્રભાવશાળી. ક્યારેક તો કિલોમીટરો સુધી સદ્ગુરુના ઓરાફિલ્ડને મેં અનુભવ્યું છે. 

ઓરાસર્કલની બહાર ગયો બાયજિદ, અહંકાર સળવળી ઉઠ્યો. હું મજુર છું? પોટલી આપવા માટે હું જાઉં? શક્તિ ઘણી હતી. એક વાઘ પસાર થતો હતો. વાઘને બોલાવ્યો. પાળતું પ્રાણીની જેમ વાઘ ઉભો રહ્યો. વાઘની પીઠ ઉપર પેલી પોટલી બાંધી દીધી, અને પૂર્વ દિશા તરફ આંગળી ચીંધી, અને પોતાના કપડાં બતાવ્યા કે આવા કપડાંવાળાને ત્યાં તું આપી આવ. વાઘ ઉપડ્યો.! કારણ કે ચમત્કારિક સંત હતાં, વાઘ ઉપર પણ એમનું પ્રભુત્વ હતું. એ વખતે પેલા ગુરુણીએ ફરી બાયજિદને બોલાવ્યો, “અહીં આવ.” જવું પડ્યું બાયજિદને. એ વખતે ગુરુનો પ્રેમ એના ઉપર વરસી પડ્યો. એ વખતે ગુરુ કહે છે; “તારા જેવો અહંકારી, નાલાયક, હરામ હાડકાનો માણસ કોઈ જોયો નહિ બીજો!” શબ્દ શક્તિપાત.! નાલાયક! અહંકારી તો  છે જ, પણ નાલાયક! મારા જેવાની સામે તું તારા અહંકારને પ્રદર્શિત કરે છે! અને હરામ હાડકાનો! તારા ટાટીયા ભાંગી ગયા હતાં કે તે વાઘને હેરાન કર્યો! એક જ વાક્ય કીધું! “તારા જેવો અહંકારી, નાલાયક, હરામ હાડકાવાળો માણસ બીજો જોયો નહિ!” એવો શક્તિપાત થયો, બાયજિદ એ જ ક્ષણે એ ગુરુના ચરણોમાં પડે છે. ધ્રુસકે ધ્રુસકે રડે છે, બાયજિદ… જીંદગીમાં ક્યારેય પણ ન રડેલો માણસ, ડુસકાં ભરી રહ્યો છે! અને ડૂસકાં જ્યારે થમ્યા, ત્યારે બાયજીદે કહ્યું, શું આપની આ કૃપા! શું આપનો આ પ્રેમ! મારા જેવા અહંકારી માણસ ઉપર તમારો આટલો બધો પ્રેમ! એ બાયજિદ એ ગુરુણીનો ઉપાસક થઇ ગયો. સેંકડો શિષ્યો પછી બાયજિદને થયા. પણ, બાયજિદ કહેતાં કે મારા ગુરુ તરીકે એક સાધિકા સ્ત્રી છે. 

ગુરુએ જે વાક્ય વાપર્યું, આપણને લાગે કે આવું બોલાય? “નાલાયક, હરામ હાડકાંનો”, પણ આપણી પરંપરા એક મજાની વાત કહે છે. ગુરુના ગુસ્સાને, ગુરુના ક્રોધને આપણે ક્રોધ નથી કહેતાં, પુણ્યપ્રકોપ કહીએ છીએ. પુણ્યપ્રકોપની વ્યાખ્યા એ છે, ગુરુ પોતે ઠંડા છે અંદરથી. એકદમ શીતલ શીતલ. પણ, શિષ્ય માટે ગુસ્સો જરૂરી છે તો આપી દે છે. એટલે જ પાક્ષિક ખામણામાં આપણે બોલીએ સારીયો, વારિયો, ચોઈયો, પડીચોઈયો. ગુરુની સ્મારણા મીઠી લાગે? મીઠી લાગે? ગુરુ પ્રેમથી યાદ કરાવે; બેટા! કેટલો સ્વાધ્યાય આજે થયો? આજે ભક્તિમાં કેવું રહ્યું? ગુરુની સ્મારણા કેવી લાગે? મીઠી.! 

પછી વારણા. ક્યારેક ગુરુ ના પાડે, “તારે આ કામ નથી કરવાનું”; વહોરવા જવાનું કામ છે પણ ગુરુદેવને ખ્યાલ આવી ગયો કે એક ભાઈ બનાવેલ છે, અને એને મળવા માટે આને જવું છે, ઉપાશ્રયમાં મળી શકે એમ નથી; ગુરુ ના પાડે છે. એ ગુરુની ના પણ કેવી લાગે? બોલો મીઠી મીઠી.! 

પછી ચોયણા. ગુરુ કડક શબ્દોમાં કહે, “મેં ના પાડેલી, કેમ કર્યું?” એ પણ કેવું લાગે? મીઠું મીઠું! અને પડીચોયણા. ક્યારેક ગુરુ ધોલ પણ ઠોકી દે. તમાચ પણ ઠોકી દે. કેવી લાગે? મારા ગુરુદેવે મને તમાચ નથી ઠોકી, પણ પ્રભુની તમાચ મેં ખાધેલી છે, અને એ મારો અનુભવ બહુ મજાનો રહ્યો! પ્રભુની તમાચ મીઠી મીઠી લાગે.! એ મીઠી તમાચ પ્રભુની, એ જ પ્રભુની નિગ્રહકૃપા.! તમારા અહંકારના ફુગ્ગાને ફોડવા માટે પ્રભુ પોતે આવે.! કેટલી મોટી વાત.! 

મારી ઉંમર ૨૫ કે ૨૭ ની હશે. અમદાવાદ શાંતિનગરમાં હું હતો. એ વખતે એક યોગ શિક્ષક મને પ્રાણાયામ વિગેરે શીખવવા આવતાં. પ્રવચન પૂરું થાય દસ વાગે. સાડા દસ-પોણા અગિયાર વાગે આવતાં. એકાદ કલાક પ્રાણાયામ વિગેરે મને શીખવતાં. એકવાર એ વહેલાં આવેલા. પ્રવચનમાં પણ બેસી ગયા. પ્રવચન પૂરું થયું, અમે બેઉ ઉપર ગયા. હું fresh થઈને બેઠો. યોગના એ પ્રશિક્ષકે મને પહેલો સવાલ કર્યો કે આજે મેં તમારું પ્રવચન સાંભળ્યું. તમારું પ્રવચન સારું ગયેલું હોય તો તમારી feeling શું હોય? હું નવો-સવો વક્તા હતો. મેં નિખાલસ રીતે કહ્યું કે પ્રવચન સારું જાય, અહંકારની અનુભૂતિ આવે છે. એ વખતે જે યોગના પ્રશિક્ષકે જે કહ્યું ને, બહુ જ મજાનું કહ્યું! મને કહે, મ.સા. તમારા અહંકારનું કોઈ status ખરું? મેં પૂછ્યું, તમે શું કહેવા માંગો છો? મને કહે, એવા પ્રવચનકાર હોય, જે ૮-૧૦ લાખ લોકોને હસાવી શકે, રડાવી શકે, નચાવી શકે. એ પ્રવચનકાર કદાચ અહંકાર કરે તો પણ આપણે એને વ્યાજબી ઠેરવીએ. તમારી સભામાં ૧૦૦-૧૫૦ જણા હશે. એ ૧૫૦ જણા રાજી થયા તો શું ફરક પડે? નારાજ થયા તો પણ શું ફરક પડે? આઠ અબજ માણસોથી છલકાતી દુનિયા એમાં ૧૦૦ જણા આમ થયા કે ૧૦૦ જણા આમ થયા શું ફરક પડે? મને સ્પષ્ટ રૂપે એ વખતે લાગેલું કે યોગના એ પ્રશિક્ષકની આ સજ્જતા નહતી, કે આ હેસિયત પણ નહતી; પણ પ્રભુ પરમચેતના મારા અહંકારના ફુગ્ગાને ફોડવા માટે આવ્યાં. બેઉ કૃપા પ્રભુએ મારા ઉપર કરી છે. અનુગ્રહ કૃપા પણ એટલી વરસાવી છે. નિગ્રહ કૃપા પણ. 

એના પછીની ઘટના. પ્રાણાયામ, ભસ્ત્રિકા, આ બધું જ થઇ ગયું. હવે યોગની આંતર દુનિયામાં જવું છે. પ્રાણાયામ આદિ તો બહિરંગ યોગ છે. મોક્ષની સાથે જોડી આપે એ અંતરંગ યોગ. એમાં મારે જવું હતું. અમારો વિહાર ઉત્તર ગુજરાતની અંદર જ. દાદા ગુરુદેવની ઉંમર ૯૦-૯૫ની, એટલે બહાર જઈ શકાય નહિ. એ પ્રદેશમાં કોઈ મહાત્માનું વિચરણ નહિ. એક વખત બપોરે વિચાર થયો; કે મારે યોગની અંતરંગ દુનિયામાં જવું છે. તો મારે શું કરવું જોઈએ? મારું જીવન માત્ર અને માત્ર પ્રભુને પામવા માટે છે, અને યોગનો અર્થ મારા માટે આ જ હતો, પ્રભુ સાથેનું મારું જોડાણ. તો યોગના ઊંડાણમાં જવા માટે મારે શું કરવું જોઈએ? ક્યાં જવું જોઈએ? કેવી રીતે જવાય? એ દિવસે થોડો થાકેલો હતો. આ વિચાર પછી સહેજ સુઈ ગયો હું. ઊંઘની અંદર સ્પષ્ટ આભાસ થયો. શબ્દો સંભળાયા સ્પષ્ટ. કે બેટા! તારે ક્યાંય જવાની જરૂર ક્યાં છે? હું ડગલે ને પગલે તારી કાળજી કર્યા કરું છું. તારે ક્યાંય જવાનું નથી, તારી પુરી સંભાળ મારા હાથમાં છે! તારું યોગ અને ક્ષેમ મારા હાથમાં છે! 

આંખો ખુલી, પણ એ વખતે હું rationalist હતો, પૂરો Devotionalist નહતો; ભક્તિવાદી પુરેપુરો નહતો, બુદ્ધિવાદી હતો. તો મને થયું કે આ ખરેખર મને કહેવામાં આવ્યું, કે આ મારો આભાસ હતો. આભાસ પણ હોઈ શકે. પણ આભાસ નથી, એ વાત પરમચેતનાએ સ્પષ્ટ કરવી હતી. એ જ બપોરે એક માણસ આવ્યો. એના હાથમાં યોગનું એક પુસ્તક. મને એણે આપ્યું કે આ પુસ્તક તમે જોયું છે? હવે એ વખતે હું book worm. મારા રસના કોઈ પણ પુસ્તકો ગુજરાતી, હિન્દી, અંગ્રેજીમાં મારી નજર બહાર ન હોય. પણ એણે જે પુસ્તક આપ્યું, એ પુસ્તક મેં વાંચેલું જ નહિ, જોયેલું પણ નહિ. મેં કહ્યું, મેં આ જોયું નથી. તો પેલી વ્યક્તિ કહે છે; તમારા માટે જ હું આ લાવ્યો છું. મેં એ પુસ્તક વાંચ્યું, હું જ્યાં અટકતો હતો, ત્યાંથી જ આગળના પગથિયાં એમાં શરૂ થતાં. એ પગથિયે પગથિયે ચાલ્યો. અઠવાડિયું થયું; એક ભાઈ મને મળવા માટે આવ્યા. મને કહે; તમને યોગમાં રસ છે. મને પણ યોગમાં રસ છે. એટલે હું તમારી પાસે આવ્યો છું. એ હિંદુ સજ્જન હતાં. મેં પૂછ્યું; તમારી અત્યારની ભૂમિકા કઈ છે? તો એમણે એ ભૂમિકાની વાત કરી, કે હું જ્યાં અટકેલો, ત્યાંથી એમની ભૂમિકા શરૂ થતી હતી. એમણે કહ્યું; હું આ રીતે ગયો. આ રીતે ગયો. આ રીતે ગયો, આ રીતે ગયો. મને એમાંથી બધા જ steps મળી ગયા. એટલે જે ક્ષણે પરમચેતનાને આપણે સમર્પિત થયા. સદ્ગુરુ ચેતનાને આપણે સમર્પિત થયા, એ ક્ષણે તો એની કૃપા, એનો પ્રેમ ઉતરે જ છે. પણ ક્યારેક ક્યારેક આપણે સમર્પિત નથી થયા, તો પણ એનો પ્રેમ આપણા ઉપર ઉતરે છે. 

પણ પેલા ગુરુએ બાયજિદમાં એક જ જોયું; કે અહંકારી ચેતના છે. અત્યારે સમર્પિત થઇ શકે એમ નથી, પણ એનામાં એક સજ્જતા છે કે હું જો શક્તિપાત કરીશ, તો એને ઝીલી શકશે. અને એ શક્તિપાત કેવો ઝીલાઈ ગયો; કે અહંકારના શિખરે બેઠેલો માણસ સીધો જ સમર્પણના શિખર ઉપર આવી ગયો. તો સદ્ગુરુ પુણ્યપ્રકોપના સ્વામી છે. 

બુદ્ધના જીવનની એક ઘટના છે. બુદ્ધ પરમ શાંતિમાં ડૂબેલ વ્યક્તિત્વ, અસ્તિત્વ. પણ એકવાર દેવદત્ત નામના શિષ્ય ઉપર બુદ્ધ ગુસ્સે થયા છે. પટ્ટશિષ્ય આનંદ નવાઈથી જોઈ રહે છે. મારા ગુરુ, મારા ભગવાન બુદ્ધ અને એ ગુસ્સે થાય? હું ઘણીવાર કહું છું; તમે લોકોએ તમારી અવધારણાની frame માં ગુરુના ચિત્રને મઢવાની કોશિશ કરી છે. તમારી અવધારણાની frame, તમારી કલ્પનાની frame, તમારી બુદ્ધિની frame. એક ગીતાર્થ ગુરુ એના આચરણને તમે તમારી બુદ્ધિમાં કઈ રીતે સમાવી શકો? 

કાલિકાચાર્ય મહારાજની કથા આપણા ખ્યાલમાં છે. એક સાધ્વીજીના શીલના રક્ષણ માટે એમણે પોતે તલવાર હાથમાં લીધી. આપણે હોય તો શું કહીએ? મ.સા. એમનાથી તલવાર હાથમાં ઉપાડાય? એ લડાઈ કરવા જાય? ગીતાર્થ ગુરુ જે છે, એમના વચનને આપણે સ્વીકારવાનું છે, માત્ર હૃદયથી, બુદ્ધિને વચ્ચે લાવવાની નથી. સદ્ગુરુઓ અતિતની યાત્રામાં એક નહિ, બે નહિ સેંકડો મળ્યાં. આપણે ત્યાં ને ત્યાં કેમ રહ્યા? એ સદ્ગુરુએ અહેતુક પ્રેમ તમારા ઉપર વરસાવેલો. પણ તમે બુદ્ધિની, અહંકારની ધારામાં, કઈ રીતે સદ્ગુરુના પ્રેમને ઝીલી શકો? આનંદ પટ્ટશિષ્ય બુદ્ધના એ જોઈ રહ્યા, અને પછી લખ્યું છે કથામાં; કે આનંદ બુદ્ધના ગુસ્સાને પી રહ્યા છે. વાહ ! આવો એક અવસર આવ્યો; કે મારા ભગવાન ગુસ્સે પણ થાય છે! પાછળથી  આનંદે બુદ્ધને પૂછેલું કે પ્રભુ આપ ગુસ્સે થયા?! હજુ આમ કલ્પનામાં વાત ઉતરતી નથી. ત્યારે બુદ્ધે કહેલું; કે આનંદ ! હું ગુસ્સે ક્યાં થયો હતો? મેં તો ગુસ્સાનો ઉપયોગ કર્યો હતો. બુદ્ધ કહે છે; મેં ગુસ્સો નહતો કર્યો.! મેં ગુસ્સાનો ઉપયોગ કર્યો હતો. અને પછી ભગવાન બુદ્ધ સમજાવે છે આનંદને; કે એક વૈદ્ય હોય અને એની પાસે ડાયાબીટીસનો દર્દી આવે. ૨૫૦૦ વર્ષ પહેલાં પણ ડાયાબીટીસ હતું. એનું નામ મધુપ્રમેહ એ વખતે હતું. વૈદકના ગ્રંથોની અંદર એની માહિતી આપણને મળે છે. 

તો બુદ્ધ કહે છે કે મધુપ્રમેહ નો દર્દી, ડાયાબીટીસનો પેશન્ટ વૈદ્ય પાસે આવ્યો. વૈદ્ય એને કડવી દવા આપે. કડવા ઉકાળા આપે. કારેલાંનું બાફેલું શાક ખાવાનું, કહે છે. વૈદ્ય કડવાશનો ઉપયોગ કરે છે. વૈદ્ય કડવો થતો નથી. એમ મેં ગુસ્સાનો ઉપયોગ કરેલો, હું ગુસ્સે થયો નહતો. સદ્ગુરુ ક્યારેય પણ ગુસ્સે ન થાય. પણ શિષ્ય માટે ક્રોધ જરૂરી છે તો પુણ્યપ્રકોપ કરી પણ દે. એ પણ એમનો પ્રેમ.! એ પુણ્યપ્રકોપ એ પણ એમનો પ્રેમ છે.! મારો શિષ્ય, મારો દીકરો અને એ પતન તરફ જઈ રહ્યો છે! નહિ! લાફો ઠોકીને પણ એને સીધા રસ્તે હું લાઉં! આ પ્રેમ છે! 

સ્વામી દયાનંદજીના ગુરુ ગિરજાનંદજી હતાં. દયાનંદજી વિદ્યાર્થી તરીકે ભણી રહ્યા છે. ગુરુએ બધા શિષ્યોને વારાફરતી આશ્રમને વાળવાનું, સાફ કરવાનું કામ સોંપ્યું. એક સવારે ગુરુ સ્નાન કરી, આશ્રમમાં આવ્યાં. પહેલો જ જે રૂમ દેખાયો, એમાં સહેજ કચરો હતો. આમ પણ ગુરુને કચરો જલ્દી દેખાય ને? કારણ કે અમારું પ્રોફેશન શું? તમારા કચરાને અમારે જોવું જ પડે છે ને? હું ઘણીવાર કહું છું, પ્રભુના ગુણોની અંદર સતત ડૂબેલા સદ્ગુરુને તમારા દોષોમાં ડોક્યું કરવું પડે, કેવું લાગતું હશે? કેટલી વેદના થતી હશે? તમે તો કદાચ નિઃસ્પૃહ માણસો હોવ.. દીક્ષા લીધી ને, આમેય ત્યાગી હોવ, નિઃસ્પૃહ. છો ને, ભલે ને દોષો રહ્યા, શું વાંધો છે? કેમ? મોટું મન હોય ને? ઉદાર મનવાળા.. 

પણ, સદ્ગુરુની વેદના તમને સ્પર્શી જાય તો પણ દોષમુક્ત તમે બની જાવ.! મારામાં દોષ છે, એના કારણે મારા સદ્ગુરુના હૃદયમાં કેટલી વેદના થતી હશે ! એક શિષ્ય સહેજ સ્ખલન કરીને આવે, એની પાસે જે પીડા હોય, એના કરતાં વધુ વેદના એના ગુરુને છે, કે નાડીને, માણીને ચકાસીને લીધેલો શિષ્ય અને એ પણ પ્રભુની આજ્ઞાને બેવફા નીવડે! સદ્ગુરુ સતત આનંદમાં..! પણ એકમાત્ર કરુણાનું દ્વાર ખુલ્લું છે, એના કારણે એ વેદના ગ્રસ્ત બની શકે છે.! ઘણા યોગીઓને મેં જોયા, એ લોકો એટલે બધે ઉપર પહોંચી ગયા છે કે પરમાં જવાના દ્વારો બંધ થઇ ગયા. પણ, એ યોગીઓએ જ્યારે ગુરુ પદે હતાં ત્યારે કરુણાનું દ્વાર ખુલ્લું રાખ્યું. અને એ કરુણાનું દ્વાર ખુલ્લું રહેલું એના કારણે વેદના સ્પર્શી. પછી  મારાપણું વિસ્તરી જાય છે, એ ભૂમિકાએ મારો સમુદાય કે મારૂ શિષ્યવૃંદ એટલું રહેતું નથી. 

પ્રભુશાસનની અંદર કોઈ પણ વ્યક્તિએ દુષ્કૃત્ય કર્યું હોય એની વેદના એમને સ્પર્શે છે. કારણ, કરુણાનું દ્વાર એમને ખુલ્લું રાખ્યું છે. એટલે એક ભૂમિકા એવી આવે છે; કે ગુરુ પદે તમે હોવ, ત્યાં સુધી તમારે કરુણાનું દ્વાર ખુલ્લું રાખવાનું હોય છે. એ ભૂમિકા પુરી થઇ જાય, તમે તમારા ઉત્તરાધિકારી ને શિષ્યવૃંદ સોંપી દો. બધી જ ચિંતા સોંપી દો. પછી કરુણાનું દ્વાર પણ બંધ થઇ જાય છે. માત્ર આત્માનુભૂતિમાં તમે ડૂબી જાવ છો. 

તો ગુરુ ગિરજાનંદજીએ કચરો જોયો. તરત જ પૂછ્યું; આજ આશ્રમને વાળવાનો વારો કોનો હતો? દયાનંદનું નામ આવ્યું. બોલાવો દયાનંદને. દયાનંદજી આવ્યાં. સાવરણી હાથમાં જ હતી. હજુ કામ ચાલુ હતું વાળવાનું. ગુરુએ સાવરણી હાથમાં લીધી. શિષ્યોની માન્યતા કદાચ એવી હશે; કે ગુરુ પોતે કચરો કાઢશે અને એમ બતાવશે. પણ, ઉંધી સાવરણી પકડી અને દયાનંદની પીઠ ઉપર જોરથી સાવરણી થી ઘા કર્યા. પાંચ, દસ, પંદર વાર ઠોકી સાવરણી. પીઠ લોહી ઝરતી થઇ ગઈ, અને દયાનંદ એટલા ને એટલા જ પ્રસન્ન.! 

કોઈ પણ શિષ્ય આગળ ક્યારે વધી શકે છે? ગુરુની કૃપાને એણે બરાબર ઝીલી હોય છે ત્યારે. પણ ગુરુની કૃપા આવી હોય તો ઝીલું ને આવી હોય તો ન ઝીલું. આવું વર્ગીકરણ નહિ કરતાં હો.! ગુરુ પ્રેમથી બોલે તો ઝીલું, કેમ બેટા ! કેમ છો? તો મજા આવે, પણ ગુરુ તાડૂકીને બોલે તો મજા ન આવે. બોલો ગુરુ જે આપે તે મજાનું? કે તમે ઈચ્છો તે ગુરુ આપે? ગુરુ જે આપે એનો સ્વીકાર તમે કરો? કે તમે ઈચ્છો એ ગુરુ આપે, એનો સ્વીકાર કરો? શું કરો?સદ્ગુરુ છે, જે આપે એનો સ્વીકાર કરો. તમે કોઈ અવધારણા વચ્ચે ન લાવો. કામ કઈ રીતે કરવું, ગુરુ ને ખ્યાલ છે. ડોકટરને ક્યારેય સલાહ આપો? સાહેબ, આ નહિ ને આ દવા લો. સાહેબ આ ઇન્જેક્શન નહિ, પેલું ઇન્જેક્શન. ભલે તમે કેમીસ્ટ છો. તમને દવા ને ઇન્જેક્શનના નામ ખ્યાલમાં છે, કે આના માટે આ દવા ને ઇન્જેક્શન વપરાય છે. પણ, અનુભવી ૫૦ વર્ષથી practice કરનારા ડોકટરને તમે સલાહ આપી શકો? એમ તમારા મનમાં વિચાર આવે કે સદ્ગુરુએ આમ ન કરવું જોઈએ. સદ્ગુરુ ગુસ્સો કરીને પણ તમારા ઉપર કામ કરી રહ્યા છે. એ પણ એમનું યોગ અને ક્ષેમ જ છે. 

દયાનંદજી ને પંદર દિવસ સુધી ચકામાં રહ્યા. 15 દિવસ પછી રૂઝ આવી. પણ ત્યાં સુધી પોતાનો ખેસ ઉંચો કરી, પોતાના ગુરુ ભાઈઓને બતાવતાં, જુઓ, ગુરુની પ્રસાદી કેવી મેં મેળવી છે! આવો સદ્ગુરુનો પ્રેમ પ્રભુના પ્રેમમાં આપણને ડુબાડી દે, અને જે ક્ષણે પ્રભુના પ્રેમમાં આપણે ડૂબ્યા, સંપૂર્ણ દોષોથી આપણે મુક્ત થવું છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *