વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : પ્રીતિ કા મારગ ઝીણા ઝીણા રે
પ્રભુપ્રીતિનો માર્ગ અઘરો છે; કારણ? ત્યાં છે નહિ અચાહ; નહિ ચાહના. એ માર્ગ આપણા માટે અપરિચિત છે. આપણા માટે પરિચિત માર્ગો માત્ર બે છે: એક, વ્યક્તિઓ પરનો ધિક્કાર અને બીજું, બીજા પર મને પ્રેમ છે એવો વહેમ!
જો તમે પ્રભુની પ્રીતિમાં પડ્યા નથી, તો તમે એક પણ વ્યક્તિ સાથે પ્રેમ કર્યો જ નથી. જ્યાં કેન્દ્રમાં તમે છો, તમારું હું છે અને તમે બીજાને ચાહો છો, તો તે રાગ. હકીકતમાં ત્યાં તમે બીજાને નહિ, તમારા હું ને જ ચાહી રહ્યા છો.
કાનને કે મનને ખુશ કરવા માટે પ્રવચન સાંભળવાનું નથી; અસ્તિત્વને ભીંજવવા માટે આ પ્રવચનો સાંભળવાના છે. ચેતન મનને બાજુએ મૂકીને – જ્યાં કોઈ જ વિચાર ન હોય – આ પ્રવચનોને સાંભળો; આ શબ્દોને તમારી ભીતર ઊતરી જવા દો…
પરમ સ્પર્શની યાત્રા – વેસુ ચાતુર્માસ વાચના – ૩૩
પ્રીતમાં ડૂબાડવા માટે આજે પ્રભુ પોતે આવી ગયા છે. એકવાર એ પ્રભુ પ્રીતનો આંશિક આસ્વાદ મળે, તમે એના વિના રહી શકો નહિ. પ્રભુની પ્રીત અઘરી છે, પણ શા માટે? એ અપરિચિત માર્ગ છે, અનભ્યસ્ત માર્ગ છે માટે.
જે ક્ષણે સદ્ગુરુ તમને પ્રભુ પ્રીતનો આંશિક આસ્વાદ કરાવે, તમે એના સંમોહનમાં એવા તો પડી જાવ, કે પછી એના વિના બીજું કાંઈ જ તમને ગમી શકે નહિ. એક પ્રાચીન પદના સથવારે આજે પ્રભુ પ્રીતિની ધારામાં ચાલીએ. પદનું પ્રારંભ, ઉઘાડ; “પ્રીતિ કા મારગ ઝીણા ઝીણા રે” પ્રભુ પ્રીતિનો માર્ગ અઘરો છે. કેમ અઘરો છે? કારણ બીજું કોઈ જ નથી. કારણ એક જ છે, અપરિચય.
આપણા માટે પરિચિત માર્ગો બે છે; એક તો વ્યક્તિઓ પરનો ધિક્કાર, અને બીજું, બીજા પર મને પ્રેમ છે, એવો એક વહેમ. આ બે માર્ગ તમારા પરિચિત છે. એક વાત આજે તમને કહું; અત્યાર સુધીમાં પ્રભુ પ્રીતિમાં તમે નથી પડ્યા. તો તમે એક પણ વ્યક્તિ સાથે પ્રેમ કર્યો જ નથી. તમે માત્ર અને માત્ર તમારી સાથે જ પ્રેમ કર્યો છે. તમને અનુકુળ હોય એને સ્વીકારી લો, જે ક્ષણે તમને લાગ્યું કે પ્રતિકુળ છે, તમે એને ફેંકી દેશો. અત્યાર સુધી આપણે કોઈને પણ ચાહી શક્યા નથી; તમે માત્ર તમારી જાતને જ ચાહી છે. એટલે બીજાને મેં પ્રેમ કર્યો છે, એ તમારો વહેમ છે.
તો બે માર્ગો તમારા પરિચિત છે. યા તો અણગમો છે ત્યાં ધિક્કાર વરસાવવો, તિરસ્કાર વરસાવવો; અને જ્યાં અનુકુળતા લાગે, ત્યાં એની સાથે પ્રેમ કરવો. પણ, એ પ્રેમ એની સાથે નથી, તમારી જાત સાથેનો છે.
“પ્રીતિ કા મારગ ઝીણા ઝીણા રે, નહિ અચાહ નહિ ચાહના, ચરનન લય લીના રે” તમારા માટે અભ્યસ્ત માર્ગ બે હતાં. અચાહત અને ચાહત. પ્રીતિનો માર્ગ, પ્રભુ પ્રીતિનો માર્ગ એમાં અચાહત, દ્વેષ, ધિક્કાર, તિરસ્કારને કોઈ સ્થાન નથી. એ જ રીતે તમે જેને રાગ કહો છો, પ્રેમ કહો છો, એ પ્રેમનું પણ સ્થાન પ્રીતિમાં નથી. રાગ અલગ છે, પ્રેમ અલગ છે. પ્રભુ સાથે પ્રીતિ આપણે કરવી છે. રાગ એટલે શું? જ્યાં કેન્દ્રમાં તમે છો, કેન્દ્રમાં તમારો હું છે, અને તમે બીજાને ચાહો છો એ રાગ છે. હકીકતમાં તમે બીજાને નહિ, તમારા ‘હું’ ને જ ચાહી રહ્યા છો. નહિ અચાહ નહિ ચાહના, ચરનન લય લીના રે – પ્રીતિના માર્ગમાં માત્ર છે સમર્પણ. સદ્ગુરુ પરમ પ્રીતિનો આંશિક આસ્વાદ તમને ચખાડે. એ આસ્વાદ, તમે સ્તબ્ધ બની જાવ! આવો આનંદ! આવો આસ્વાદ! ક્યારે પણ આવો આસ્વાદ તો માણ્યો જ નથી! એ આસ્વાદના પ્રેમમાં તમે પડો, અને પૂર્ણ પ્રેમ પામવાની ઈચ્છા થાય, સમર્પણ આપોઆપ આવી જાય. સૂત્ર એ છે; પ્રભુ મિલનની અત્યંત તડપન + સદ્ગુરુ સમર્પણ = પ્રભુ પ્રીતિની ધારા ઉપર વેગપૂર્વક ચાલવાનું.
ત્રણસો વર્ષ પહેલા મહામહોપાધ્યાય યશોવિજય મહારાજા થયા. એક વહેલી સવારે એમણે ગુજરાતથી રાજસ્થાન તરફની વિહાર યાત્રા શરૂ કરી. રાજસ્થાનમાં એમને મેડતા જવું છે. મેડતાની આસપાસ આનંદઘનજી ભગવંત વિચરે છે. એમને પ્રભુનો સાક્ષાત્કાર કર્યો છે. ઉપાધ્યાયજી ભગવંત એ સદ્ગુરુના ચરણોમાં જવા ઈચ્છે છે કે જેથી સદ્ગુરુ પોતાને પ્રભુનો સાક્ષાત્કાર કરાવી આપે. મેડતા પહોચી ગયા. ત્યાંના ફલવૃદ્ધિ પાર્શ્વનાથ પ્રભુના દેરાસરની બાજુના ઉપાશ્રયમાં ઉપાધ્યાયજી ભગવંત પોતાના શિષ્યવૃંદ સાથે ઉતર્યા. થોડીવાર પછી એક શ્રાવક વંદન માટે આવે છે. ઉપાધ્યાયજી ભગવંતે એ શ્રાવકજીને પૂછ્યું કે આનંદઘનજી ભગવંત ક્યાં છે? મેડતા મોટું શહેર. ઘણા બધા દેરાસરો. ઘણા બધા ઉપાશ્રય. પૂછ્યું; આનંદઘનજી ભગવંત કયા ઉપાશ્રયમાં છે? એ વખતે એ શ્રાવકે કહ્યું, ગુરુદેવ! આનંદઘનજી ભગવંત તો જંગલમાં છે. અરે! જંગલમાં! કઈ જગ્યાએ, મને એ કહે? મારે જલ્દીમાં જલ્દી એમને મળવું છે. સદ્ગુરુ મિલનની તડપન છે. શા માટે? સદ્ગુરુ જ પ્રભુ સાથે મારો સાક્ષાત્કાર કરાવશે. જલ્દીમાં જલ્દી પ્રભુ સાથે મળવું છે. એક ક્ષણ હવે વચ્ચે વિલંબ સહેવાય તેમ નથી. આજ ક્ષણે પ્રભુ મળતા હોય, તો આ જ ક્ષણે પ્રભુ જોઈએ છે.
તમારે ય પ્રભુ તો જોઈએ ને? ક્યારે? આજે જ જોઈએ? એવા ભક્તો જોઈએ, જે સદ્ગુરુને કહી દે, ગુરુદેવ ! પ્રભુ આપો ! પ્રભુ વિના એક ક્ષણ રહેવાય એવું નથી. અમે તૈયાર છીએ. પ્રભુ તમને આપી દઈએ. અમારું કામ બીજું શું? અમારા બે જ કાર્યો છે. પ્રભુની પ્યાસ, તડપન તમને નથી જાગી, તો એ જગવી દેવી, એ અમારું કામ છે; અને પ્યાસ જાગેલી છે તો પ્રભુનો સાક્ષાત્કાર કરાવી દેવો એ અમારું કામ. બે જ કામ અમારા, તમારી તરફ ખુલી રહ્યા છે. મેનેજમેન્ટ લેવલનું કોઈ પણ કાર્ય હોય, એ તમે કરજો. ઉપધાન કરાવવાના છે, ભાઈઓને ક્યાં રાખવાના? બહેનોને ક્યાં રાખવાની તમારો વિષય છે. અમારે તો એ આરાધકો આવ્યાં, એમને પ્રભુ સાથે જોડી દેવાના છે.
કોઈ પણ સદ્ગુરુ હોય, એમના બે જ કાર્યો છે. તમને પ્રભુની પ્યાસ નથી જાગી તો જગવી દઈએ. અને પ્યાસ જાગી છે તો, પ્રભુ સાથે મિલન કરાવી દઈએ. પ્યાસ જાગી ગઈ? પ્યાસ જાગી ગઈ છે? તો આજે જ મિલન થઇ જાય! મને છે ને ઉધારીનો ધંધો ફાવતો નથી. Now and here! અત્યારે પ્રભુ આપી દઈએ!
એવી તડપન સદ્ગુરુ માટેની છે કે ઉપાધ્યાયજી ભગવંતે પૂછ્યું; જંગલમાં પણ ક્યાં છે? મારે ત્યાં એમને જલ્દી મળવા માટે જવું છે. પેલા શ્રાવકે કહ્યું, ગુરુદેવ હવાનો પત્તો લાગે, તો આનંદઘનજી ભગવંતનો પત્તો લાગે. આજે અહીં હોય, કાલે ક્યાંય હોય. આપ ક્યાં શોધો? અચાનક એ શ્રાવકને યાદ આવ્યું; એ કહે ગુરુદેવ! એવું લાગે છે, કે હમણાં આનંદઘનજી ભગવંત મેડતાની બાજુના જંગલમાં છે. હમણાં અમે જોયું; ૪ દિવસ પહેલાં આનંદધનજી ભગવંત ફલવૃદ્ધિ દાદાના દર્શન માટે આવેલા. એ પહેલા અઠવાડિયા પહેલા આવેલા. એટલે ચાર દિવસ પહેલા પધારી ગયા છે. આપ અહીં જ રોકાવો. ૩-૪ દિવસની અંદર આનંદઘનજી ભગવંત આપને મળી જવા જોઈએ. ઉપાધ્યાયજી ભગવંતને પણ લાગ્યું; કે બીજો કોઈ માર્ગ નથી. રોકાઈ જાઉં. એ રોકાઈ ગયા. મેડતાના શ્રાવકોને ખ્યાલ આવ્યો કે મહોપાધ્યાય યશોવિજયજી ગુજરાતથી અહીં પધાર્યા છે. જિનશાસનમાં બહુ મોટું નામ હતું, ઉપાધ્યાયજી ભગવંતનું. મેડતાના શ્રાવકોએ વિનંતી કરી; પ્રવચન ધારા ચાલુ. કલાક-દોઢ કલાક, બે કલાક ઉપાધ્યાયજી ભગવંતની પ્રવચન ધારા ચાલે, અને મંત્રમુગ્ધ બન્યા હોય એમ બધા જ શ્રાવકો એમને પીએ.. બરોબર ચોથા દિવસે સવારે પ્રવચન ૯ વાગે શરૂ થયું, સવા નવ આસપાસ આનંદઘનજી ભગવંત દેરાસરે પધાર્યા, દસ- સવા દસ વાગે દેરાસરમાંથી બહાર નીકળ્યા. આખો સંઘ ઉપાશ્રયમાં, કોઈ વ્યક્તિ દેરાસરમાં નહિ. આનંદઘનજી ભગવંત બહાર નીકળ્યા. બાજુમાં ઉપાશ્રય અને ઉપાશ્રયમાંથી પ્રભુની વાણીનો અવાજ બહાર આવી રહ્યો છે, અને આનંદઘનજી ભગવંત ઉપાશ્રય તરફ ડગલાં માંડે છે.
પહેલી વાર જ્યારે મેં આ કથા વાંચી, ત્યારે હું પણ સ્તબ્ધ થઇ ગયેલો. આનંદઘનજી ભગવંત એટલે એ વખતની ટોચની અભિવ્યક્તિ. ટોચની અનુભૂતિ. શીર્ષસ્થ વ્યક્તિ. એમની પાસે બધા આવે, એમને કોઈની પાસે જવાનું હતું નહિ. ઉપાશ્રયમાં શા માટે એ પધારે છે? યાદ રાખો, આનંદઘનજી ભગવંત ઉપાશ્રયમાં યશોવિજયજીને સાંભળવા માટે નહિ, પ્રભુને સાંભળવા માટે જાય છે. પ્રભુને પીવા માટે જાય છે.
જ્યાં સુધી તમે કાનના સ્તર ઉપર અને conscious mind ના લેવલ ઉપર પ્રવચનને સાંભળશો, ત્યાં સુધી તમારી સામે પ્રવચનકાર છે. જે ક્ષણે કાનનું સ્તર ગયું, conscious mindનું સ્તર ગયું; અસ્તિત્વનું સ્તર પકડાયું, એ વખતે કોઈ પ્રવચનકાર નથી, માત્ર પ્રભુ છે, અને પ્રભુના શબ્દોને તમે પી રહ્યા છે. એવી એક અનુભૂતિ શ્રવણના આનંદની તમને મળે, કે મંગલાચરણ થયું; અને પ્રવચનકાર મહાત્માએ શરૂઆત કરી, કે મારા પ્રભુએ આમ કહ્યું છે. એ જ ક્ષણે તમે બંધ આંખે સમવસરણમાં પહોંચી જાવ અને પ્રભુને સાંભળતા હોવ એ રીતે તમારું શ્રવણ ચાલુ થઇ ગયું; અસ્તિત્વને ભીજવવું છે. કાનને ખુશ કરવા નથી. મનને ખુશ કરવું નથી. અને હું તો મનોરંજનનો માણસ છું જ નહિ; હું મનોભંજનનો માણસ છું.
ઉપનિષદો કહે છે; “આચાર્યો હિ મૃત્યુ:” સદ્ગુરુ એટલે શું? મૃત્યુ! તમારી વૈભાવિક ક્ષણોને નિસ્ત નાબુદ જે કરી દે, એ સદ્ગુરુ. એ ક્યારે થાય? અસ્તિત્વના સ્તરે સાધના પહોંચે ત્યારે. એકવાર conscious mind ને બાજુમાં મૂકી દો! કોઈ જ વિચાર નહિ; માત્ર આ શબ્દોને તમારી ભીતર જવા દો… અમે લોકો એવી રીતે throwing કરવા માંગીએ છીએ, કે આ શબ્દો તમારા અસ્તિત્વ સુધી પહોંચે. માત્ર તમારી સજ્જતા એ હોય, કે જ્યાં અહીંયા બેઠા, બધા જ વિચારો છૂ! માત્ર એક શ્રવણ ચાલી રહ્યું છે.. અને આ તમારા વિષયનો અનુભવ છે- ભૂખ લાગી હોય અને જમતા હોવ ત્યારે કયો વિચાર આવે? ત્યારે માત્ર ભોજનની પ્રક્રિયા ચાલી રહી છે. બાયર આવ્યો છે, ૫-૧૦ લાખ, ૨૫ લાખ ના હીરા લઇ જાય એમ છે, એ વખતે માત્ર એનામાં જ મન હોય કે બીજે મન જાય? એટલે મનને સ્થિર કરતાં તમને આવડે છે. હું તો એક કલાકના પ્રવચનનનો પણ હિમાયતી નથી. એટલે જ સવા સાત થી આઠ. ૪૫ મિનિટનો જ મારો ડિસ્કોર્સ હોય છે. માત્ર ૪૫ મિનિટ. એ ૪૫ મિનિટ તમે totally સદ્ગુરુને આપવા તૈયાર ખરા? પ્રભુને આપવા તૈયાર ખરા? અરે ૪૫ પણ નહિ discount આપું, પાછળથી આવો, દસ મિનિટ આપો, But there should be the totality!
આનંદઘનજી ભગવંત પ્રભુને પીવા માટે જાય છે. આખો હોલ ચિક્કાર. બારણાં પાસે સહેજ જગ્યા. એ શીર્ષસ્થ વિભૂતિ બારણાં પાસે આસન પાથરીને બેસી જાય છે. બધા જ શ્રોતાઓની નજર માત્ર પ્રવચનકાર તરફ. તમને તો બીજા પણ દેખાય હો. આજુબાજુવાળા દેખાય ને? એ બધા શ્રોતાઓ એવા ડૂબી ગયેલા, ઘણાની આંખો બંધ. જેની આંખ ખુલ્લી હતી, એ માત્ર પ્રવચનકાર મહાત્માને જોઈ રહ્યા હતા. આનંદઘનજી પધાર્યા. બેસી ગયા. ખબર ન પડી કોઈને. એ બાજુ બિકાનેરની સાલ પ્રસિદ્ધ હોય છે. વ્હાઈટ સાલ. શિયાળાનો સમય; બધા જ વ્હાઈટ સાલ ઓઢીને આવેલા. આનંદઘનજી ભગવંતે પણ એ જ રીતના સાલ ઓઢેલી. દાઢી પણ સાલની અંદર. ઓઘો પણ અંદર હતો. બેસી ગયા. હવે ખબર તો પડે નહિ. પણ, ઉપાધ્યાયજી ભગવંત પ્રવચન આપી રહ્યા છે. અચાનક નજર બારણાં પર ગઈ અને ચોંકી ગયા! અરે! આનંદઘનજી ભગવંત તો અહીં આવીને બેસી ગયા છે! શી રીતે ખ્યાલ આવ્યો? હજારો આંખોનો દરિયો, એમની સામે હતો. એમાંથી આનંદઘનજી ભગવંતની બે આંખો એમને છૂટી કેવી રીતે પાડી? બીજા બધાની આંખોમાં પ્રભુના સાક્ષાત્કાર માટેની પ્યાસ હતી; આનંદઘનજી ભગવંતની આંખોમાં પ્રભુ પોતે હતા! સદ્ગુરુની આંખમાં પ્રભુ હોય છે!
એ પ્રભુને જોયા, અડધા વાક્યે વ્યાખ્યાન બંધ. વચલા રેક ઉપરથી ઉપાધ્યાયજી ભગવંત બારણાં તરફ ગયા ત્યારે લોકોને ખ્યાલ આવ્યો કે આનંદઘનજી ભગવંત પધારેલ છે. સીધા જ ઉપાધ્યાયજી ભગવંત એમના ચરણોમાં પડ્યા. ધ્રુસકે ધ્રુસકે રડે છે. ગુરુદેવ! ગુરુદેવ! આપે મને કેટલો તડપાવ્યો? ક્યારથી આવી ગયો મેડતા, આજે દર્શન આપ્યા. આનંદઘનજી ભગવંતને પાટ પર બિરાજમાન કર્યા. ઉપાધ્યાયજી ભગવંત નીચે બેસી ગયા, આસન પાથરીને. તમારી સાથે મારાથી બેસાય નહિ. જે શ્લોક પર ઉપાધ્યાયજીનું પ્રવચન ચાલુ હતું, એ શ્લોક પર આનંદઘનજી ભગવંતે પ્રવચન ચાલુ કર્યું. પણ અનુભૂતિ યુક્ત શબ્દો.! બધાને ઓચ્છવ થઇ ગયો.! પ્રવચન પૂરું થયું, ઉપાધ્યાયજી ભગવંતે આત્મ-સમર્પણ ગુરુના ચરણોમાં કર્યું. ગુરુદેવ! તમારા ચરણોમાં આવ્યો છું, પ્રભુનો સાક્ષાત્કાર કરાવો. તડપન પુરેપુરી હતી. આનંદઘનજી ભગવંતે શક્તિપાત કર્યો અને એ જ ક્ષણે ઉપાધ્યાયજી ભગવંતને પ્રભુનો સાક્ષાત્કાર. એક તમારી તડપન, એ તડપન સદ્ગુરુ-સમર્પણને પણ લઇ આવશે, પ્રભુના સાક્ષાત્કારને પણ લઇ આવશે.
પણ, તડપન થાય ક્યારે? ટી.વી. ભારતમાં આવેલો જ નહતો. ટેલીવિઝન શું તમને ખ્યાલ પણ નહતો. એ વખતે મારે ત્યાં ટેલીવિઝન નથી. એવી પીડા થતી હતી? ખ્યાલ જ નહતો. એમ પ્રભુની પ્રીતિની ધારે જઈએ અને જે આનંદ મળે એનો ખ્યાલ જ્યાં સુધી તમને નથી, ત્યાં સુધી તડપન પણ ક્યાંથી મળવાની? મિલન તો દૂર છે, તડપન પણ દૂર છે. સદ્ગુરુ એક જ કામ કરવા ઈચ્છે છે કે આ પરમપ્રીતિનો આંશિક આસ્વાદ તમને મળી જાય. એ પ્રભુના મુખને જોઈએ, એ સદ્ગુરુના મુખને જોઈએ, સદ્ગુરુના મુખ ઉપર એ આનંદ છે, પણ એ આનંદ શેનો છે? સદ્ગુરુના મુખ ઉપર દિવ્ય આનંદ છે, પણ એ આનંદ શેનો છે? પ્રભુ પ્રીતિની ધારે ચાલવાનો આનંદ છે. સદ્ગુરુના ચહેરા પરનો આનંદ તમને જો સ્પર્શી જાય, તો તમે પણ પ્રભુ પ્રીતિની ધારા ઉપર ચાલવાનું શરું કરી દો. “પ્રીતિ કા મારગ ઝીણા ઝીણા રે, નહિ અચાહ નહિ ચાહના, ચરનન લય લીના રે” જે ક્ષણે આંશિક પ્રીતિનો આસ્વાદ મળ્યો, એ જ ક્ષણે સમર્પણ આવી ગયું; અને તમે પરમ પ્રીતિની ધારા ઉપર ચાલવાનું શરૂ કરી દો છો.
પછી શું થાય? “ચિત્ત મેં શ્રુત એસે બસે, જૈસે જલ મીના રે” “ચિત્ત મેં શ્રુત એસે બસે, જૈસે જલ મીના રે” પ્રભુની પ્રીતિની ધારે તમે ચાલો છો પછી બીજા કોઈ શબ્દો તમને ગમશે નહિ; તમને માત્ર અને માત્ર પ્રભુના શબ્દો ગમશે. મીરાંનું એક ભજન છે; “બોલ મા, બોલ મા, બોલ મા, રાધા-કૃષ્ણ વિના બીજું બોલ મા” તું બીજું કશું જ ન બોલ, મારે કંઈ સાંભળવું પણ નથી. માત્ર પ્રભુના શબ્દો મારે સાંભળવા છે. “ચિત્ત મેં શ્રુત એસે બસે, જેસે જલ મીના રે” ૧૧-૧૧.૩૦, ૧૨ વાગે એક મુનિરાજ સ્વાધ્યાય કરતાં હોય, કે અર્થાનુપ્રેક્ષા કરતાં હોય, ગોચરી આવી ગઈ, એકાસણું છે, કહેવામાં આવ્યું, ભાઈ ગોચરી આવી ગઈ ચાલો. પ્રભુના શબ્દોનો સ્વાધ્યાય કરતાં કરતાં એ મુનિરાજ ઉઠે છે. ગોચરી માંડલીમાં જાય છે. શરીર ગોચરી વાપરે છે. પણ એ વખતે પણ મનની અંદર પ્રભુના શબ્દો ઘુમરાઈ રહ્યા છે. “ચિત્ત મેં શ્રુત એસે બસે, જૈસે જલ મીના રે”
જંબુવિજયજી મ.સા. ઝીંઝુવાડામાં ચોમાસું હતા. ઝીંઝુવાડા મારી જન્મભૂમિ. એમનું મોસાળ થાય. આપણા ભાગ્યેશવિજયસૂરિ પણ એ વખતે મુનિ પદે. સાહેબ પાસે ભણવા માટે એ ચોમાસામાં ગયેલા. સાહેબ પોતે ભણાવતા. એકવાર એક પંક્તિ આવી, આગમ ગ્રંથની; એ પંક્તિનો અર્થ સાહેબને બેઠો નહિ. કેટલા બધા એ નિખાલસ હતાં. પ્રભુ જ્યારે ભીતર આવી જાય, પછી નિખાલસતા, સૌમ્યભાવ બધું જ આવી જાય. એમણે પૂછ્યું; ભાગ્યેશવિજય! તને આ પંક્તિનો અર્થ બરોબર સમજાય છે? પૂર્વા-પર સંગતી થતી નથી, તો કઈ રીતે આ વાક્યને બેસાડવું? ભાગ્યેશવિજયજીએ કહ્યું; સાહેબ! મને પણ ખ્યાલ નથી આવતો. આખો દિવસ ગયો. રાતના દસ વાગ્યા. જંબુવિજય મ.સા. ને ઊંઘ નથી આવતી. એ પેલી આગમની પંક્તિ મનમાં રમ્યા કરે છે. આનો શું અર્થ? આનો શું અર્થ? અને રાત્રે સવા દસ વાગે અર્થ સ્પષ્ટ રીતે સમજાય છે. સવા દસ વાગે રાત્રે અર્થનો ખ્યાલ આવ્યો. પછી એમને થયું કે ભાગ્યેશવિજય જાગતો હોય તો એને પણ આ અર્થ કહી દઉં તો એની પણ રાત સારી જાય. સવા દસ વાગે હાથમાં દંડાસણ લઇ જંબુવિજય મ.સા. ભાગ્યેશવિજયના પાટ પાસે આવ્યા? સહેજ કહ્યું; ભાગ્યેશવિજય જાગે છે? સાહેબનો અવાજ? જાગી ગયા! ચરણોમાં પડ્યા, રાત્રે આપ, અહીં મારા પાટ પાસે ! એ વખતે જંબુવિજય મ.સા. કહે છે; પેલી પંક્તિનો અર્થ બેસતો નહતો ને, એ મને હમણાં જ બેઠો, એટલે હું તને કહેવા આવ્યો છું.. “ચિત્ત મેં શ્રુત એસે બસે, જૈસે જલ મીના રે”
એ જંબુવિજય મ.સા. ને શંખેશ્વરની અંદર આચારાંગ સૂત્ર પરની વાચના આપતાં જોયેલા. જ્યારે આમ બોલેને મારા પ્રભુએ કહ્યું છે, ત્યારે ઉછળે. એમના ચહેરા ઉપર પ્રભુ પરનો તીવ્ર અહોભાવ, તીવ્ર અનુરાગ આપણને સ્પષ્ટ રીતે દેખાય. કલાપૂર્ણસૂરિ દાદાને સાંભળવા એ તો એક જીવનનો લ્હાવો હતો. પાલીતાણા ચોમાસું સાહેબજીનું હતું, ત્યારે અમારું પણ હતું. પણ સાહેબને સાંભળીએ એટલે લાગે કે જાણે પ્રભુને આપણે પી રહ્યા છીએ, પ્રભુના ચરણોમાં જ બેઠા છીએ. કારણ એમનું પૂરું અસ્તિત્વ પ્રભુમય બની ગયું. “ચિત્ત મેં શ્રુત એસે બસે, જૈસે જલ મીના રે” પછી શું થાય? “ભક્તિ કી રસધાર મેં નિશદિન ભીના રે” ભક્તિની રસધારામાં સતત ભીંજાયેલા રહે.
સુરદાસજીએ એક મજાના પદમાં એક સરસ વાત કરી છે. સુરદાસજી કહે છે કે પ્રભુ! તારી પ્રીતિની ધારા ઉપર જે ચાલ્યો એને તું સતત ભીંજવે છે. સુરદાસજી એ પદમાં કહે છે; “નિશદિન બરસત નૈન હમાર” “નિશદિન બરસત નૈન હમારે” પ્રભુ ચોમાસાની અંદર પણ વાદળાં સતત ભીના નથી હોતા. મારી આંખોના આકાશને બારે મહિના લગાતાર ચોમાસું છે. મારી આંખો રાત અને દિવસ ચૂંહ્યા જ કરે છે, ચૂંહ્યા જ કરે છે. પ્રભુ તું મને મળી ગયો! એ આનંદ હ્રદયમાં સમાઈ શકતો નથી, આંખો વાટે, અશ્રુ વાટે એ આનંદ બહાર નીકળે છે. આંખોના આંસુ એ હૃદયની, અનુભૂતિની અભિવ્યક્તિ છે. હૃદય જે અનુભવે છે, એને આંખ આંસુ દ્વારા અભિવ્યક્ત કરે છે. “નિશદિન બરસત નૈન હમારે, સદા રહત વર્ષા ઋતુ હમ પર” “તો ભક્તિ કી રસધાર મેં, નિશદિન ભીના રે” અને છેલ્લે એ પદમાં કબીરજી કહે છે; “સાંઈ સેવન મેં દેઈ સિર, કછુ વિલયન કીના રે” પ્રભુના ચરણોની અંદર જીવન સમર્પી દીધું અને પ્રભુને પામી દીધ! એક રૂપિયો આપો, અને કરોડ રૂપિયા સામે મળતાં હોય, તમારામાંથી કોણ ચુકે? બોલો… તમારામાંથી કોણ ચુકે? કોઈ ચુકે? આ ગંદુ શરીર, આ ગંદુ મન એ પ્રભુને આપો, અને પ્રભુ આખા ને આખા તમને મળી જાય, કોણ આ સોદો ચુકે બોલો..? આવી grand exchange offer કોઈએ આપી હશે ! તારો કચરો તું મને આપી દે, હું તને સોનું આપી દઉં! આ શરીર લક્સ અને લીરીલ થી તમે નવડાવી નવડાવીને થાકી જાવ તો પણ પરસેવાની બદબૂ વહાવે એવું આ શરીર; અને રાગ અને દ્વેષ જેમાં સતત ખદબદી રહ્યા છે, એવું તમારું મન. એ શરીર અને મન તમે પ્રભુને સોંપો, પ્રભુ આખા ને આખા તમને મળી ગયા.
અમારું પણ સમર્પણ એટલું ઊંડું નથી. એક મુનિ જો ખરેખર શરીર આપે છે તેમ, પોતાના મનને સંપૂર્ણતયા પ્રભુને આપી દે, મન, ચિત્ત, હ્રદય, અસ્તિત્વ બધું જ પ્રભુને સોંપી દે, એ જ ક્ષણે એને પ્રભુ મળી ગયા. બોલો now and here થઇ ગયું ને? આ પ્રભુ એટલે જ પધાર્યા છે આજે, “કે હું તમને મળવા આવ્યો છું!” એક શરીર એક મન પ્રભુને સોંપી દો, પ્રભુ તમારા! પ્રીતિ કા મારગ ઝીણા ઝીણા – આ પ્રભુ પ્રીતિનો માર્ગ. અને એ જ માર્ગ ઉપર આપણે દિવસોથી ચાલી રહ્યા છીએ. આપણે ચાલી રહ્યા છીએ એમ કહું, કે હું ચાલુ છું એમ કહું? શું કહું? તમે બધા સાથે છો?
એક ડગ પણ મંડાઈ ગયો ને.. વિનોબાજી કહે છે; બહુ મોટા ભક્ત, કે પ્રભુ પ્રીતિની ધારા ઉપર એક ડગ તમે માંડો, પ્રભુ સામેથી આવશે અને તમને બાહોમાં ઉચકી લેશે. જેમણે પરમાત્માનો સાક્ષાત્કાર કર્યો છે, એવી વ્યક્તિના આ શબ્દો છે. તો દિવસોથી આપણે પ્રભુ પ્રીતિની ધારા ઉપર ચાલી રહ્યા છીએ. અને મને લાગે છે; કે જ્યાં સુધી તમારો ડગ પ્રભુપ્રીતિની ધારા ઉપર ન પડે, ત્યાં સુધી મારે આ જ કોશિશ ચાલુ રાખવી છે. આવતી કાલે વાચના માંગલિક છે. સિદ્ધિતપના પારણાને કારણે. એ પછી રોજ સવારે આપણે મળશું. અને આ જ પ્રભુ પ્રીતિની વાતો આપણે સતત કર્યા કરશું.
