વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : વૈખરી થી પરા સુધીની યાત્રા
વાણીના આયામમાં વૈખરીથી પરા. જેમાં માત્ર શબ્દો છે, તે વૈખરી વાણી. શબ્દોની સાથે અર્થનું અનુસંધાન થાય, તે મધ્યમા. ધ્યાનની પૃષ્ઠભૂ પર સ્પષ્ટ અક્ષરો લખાયેલા દેખાય કે શબ્દો સંભળાય, તે પશ્યન્તિ. એનાથી પણ સૂક્ષ્મ માત્ર ભાવોના માધ્યમથી અપાય, તે પરાવાણી.
અનુભૂતિના આયામમાં વૈખરીથી પરા. શબ્દ તમે બોલો, તે વૈખરી. શબ્દની સાથે અર્થની અનુપ્રેક્ષા કરી, તે મધ્યમા. તમારા ગુણોની અનુભૂતિ તમે કરો, તે પશ્યન્તિ. તમારા સ્વરૂપની તમે અનુભૂતિ કરો, તે પરા.
જોનારાને (દ્રષ્ટાને) કાર્યથી છૂટો પાડવો – તે જ સાધના. જોનારો જયારે સ્પષ્ટ અનુભવ કરે કે શરીર આ બધું કામ કરી રહયું છે; મારે એની જોડે કોઈ સંબંધ નથી – તે અનુભૂતિની ક્ષણો.
પરમ સ્પર્શની યાત્રા – વેસુ ચાતુર્માસ વાચના – ૩૪
કેટલા બધા સદ્ગુરુઓએ આપણને પ્રભુ પ્રેમની ધારા ઉપર ચલાવ્યા. સદ્ગુરુઓની બે પરંપરા રહી; એક જીવંત સદ્ગુરુની પરંપરા, બીજી ગ્રંથ સદ્ગુરુની પરંપરા.
ગ્રંથ સદ્ગુરુઓએ પણ આપણને પ્રભુ પ્રીતિની ધારામાં લઇ જવા માટે કેટલા આયાસો કર્યા છે… મહોપાધ્યાય યશોવિજયજી મહારાજ, આનંદઘનજી ભગવંત, દેવચંદ્રજી ભગવંત… ગુજરાતી ભાષામાં સ્તવનોને આપીને એમણે પ્રભુ પ્રીત સાથે આપણને જોડવાનો પ્રયાસ કર્યો છે. આજે એક મજાના ગ્રંથની વાત કરું. એ ગ્રંથ છે, ‘હૃદયપ્રદીપ ષટ્ત્રિંશિકા’, ગ્રંથ મજાનો, પણ ગ્રંથકાર કોણ? ગ્રંથના રચયિતા કોણ? ગહન ચુપ્પી! કોઈ નામ ગ્રંથકારનું આપણને મળતું નથી. એટલે એમ માની શકાય કે ‘પશ્યન્તિ’ ના લયમાં અથવા ‘પરા’ ના લયમાં એ ગ્રંથ આપણને મળેલો છે.
ભાષાના ચાર પ્રકાર છે. વૈખરી, મધ્યમા, પશ્યન્તિ અને પરા. માત્ર શબ્દો જેમાં છે એ વૈખરી ભાષા. શબ્દોની સાથે અર્થનું અનુસંધાન જેમાં થાય એ મધ્યમા ભાષા. પશ્યન્તિ કોને કહીશું? શું મજાની આપણી પરંપરાઓ હતી! એક સદ્ગુરુ 300 વરસ પહેલા થઈ ગયા હોય. પગની ક્ષમતા ન હોય અને એથી એ સદ્ગુરુ એક જ ઉપાશ્રયમાં વર્ષો સુધી રહેલાં હોય. એ ગુરુએ એક ગ્રંથ અધિકારી શિષ્યોને આપેલો હોય, અને ખાસ કહેલું હોય કે તમારે પણ અધિકારી શિષ્યને જ આ ગ્રંથ આપવાનો છે. એવું બન્યું; જેમણે-જેમણે એ ગ્રંથ લીધો ગુરુ પાસેથી, એમને અધિકારી શિષ્યો ન મળ્યા, તો એ ગ્રંથ એ શિષ્યોની સાથે ગયો. સદ્ગુરુએ માત્ર મુખ દ્વારા એ ગ્રંથ આપેલો, એ ગ્રંથ કયાંય લખવામાં આવ્યો નથી. સદ્ગુરુ એ કહેલું કે આને લખવાનો નથી. તમે લખી લો તો ગમે તે વ્યક્તિના હાથમાં એ આવી શકે. કંઠસ્થ જ આપવાનો અને એ પણ અધિકારી શિષ્યોને જ આપવાનો. અધિકારી શિષ્યો ન મળ્યા અને એ ગ્રંથ આપણે કહીએ કે લુપ્ત થઈ ગયો. પણ એ લુપ્ત થયો નથી.
જે ગુરુદેવે વર્ષો સુધી એ ગ્રંથનું પારાયણ એ ઉપાશ્રયમાં કર્યું. કેટલાય શિષ્યોને એ ગ્રંથ સદ્ગુરુ એ પોતાના મુખ દ્વારા આપ્યો. એના પરમાણુઓ એ ઉપાશ્રયના એ ખંડની અંદર ઘુમરાઇ રહ્યા છે. ૧૦-૨૦ કે ૨૫ વરસ થયા, એ ગ્રંથને લુપ્ત થયાને, અને કોઈ અધિકારી વિદ્વાન જ્ઞાનની ધારામાં ગયેલો વિદ્વાન, એ ઉપાશ્રયમાં આવે છે; રાત્રે ધ્યાનમાં રહે છે અને ત્યાં એને આ ગ્રંથ મળી જાય છે.
પશ્યન્તિ ભાષા એટલે શું? જોતી ભાષા. દેખાતી ભાષા. તો પરંપરા કહે છે; કે ભીંત ઉપર સ્પષ્ટ અક્ષરો લખાયેલા એને દેખાય અથવા તો એ શબ્દો એને સંભળાય. તરત જ ખ્યાલ આવી જાય કે આ તો લુપ્ત થઈ ગયેલો ગ્રંથ મને આપવામાં આવી રહ્યો છે. એ જ વખતે એ લખી લે. ગ્રંથ લખાઈ ગયો. પણ એ મહાપુરુષ સમજે છે કે આ ગ્રંથ મેં રચ્યો નથી. મને આપવામાં આવ્યો છે. એટલે એ મહાપુરુષ એ ગ્રંથને છેડે પોતાનું નામ લખતાં નથી. જે મહાપુરુષે બનાવેલો એનું નામ ખ્યાલમાં નથી. તો આ ગ્રંથ ‘પશ્યન્તિ’ ના લયમાં આપણી પાસે આવેલો કહેવાય.યોગસાર એ પણ એવો ગ્રંથ છે. કોઈ નામ નથી પાછળ ગ્રંથકાર મહર્ષિનું. તો શબ્દો સીધે સીધા તમને આપવામાં આવે એ પશ્યન્તિ ભાષા.
પરામાં એથી પણ સુક્ષ્મતા છે. પરાની અંદર માત્ર તમને ભાવો આપવામાં આવે છે. એક મહાપુરુષ થોડે દુર રહેલાં હોય. એમણે સરસ ભાવો કર્યા, વિચારો કર્યા, અને પછી એ વિચારોના મોજા છૂટ્યા. એ ભાષા વર્ગણાના પુદ્ગલો કોઈ વ્યક્તિની પાસે આવ્યા. એ મનોવર્ગણાના પુદ્ગલો કોઈ વ્યક્તિની પાસે આવ્યા. એ ભાવો એણે ઝીલી લીધા. તમે અત્યારે પણ ભાવોને ઝીલી શકો. કેટલાયે મહાપુરુષો સરસ મજાના વિચારો, ભાવો કરતા હોય; એ મનોવર્ગણાના પુદ્ગલો છૂટે, આજુબાજુમાં તમે હોવ, તમારી પાસેથી એ મનોવર્ગણાના પુદ્ગલો જતા હોય, તમે ધ્યાનાવસ્થામાં હોવ તો એ મનોવર્ગણાના પુદ્ગલોને તમે પકડી શકો. તો ભાવોનું જે સંપ્રેષણ થયું, એને ઝીલી લેવામાં આવી, અને પછી એ મહાપુરુષે શબ્દો પોતાના વાપર્યા. પશ્યન્તિમાં શબ્દો એ જ છે જે પેલા મહાપુરુષે આપેલા હતા. પરામાં તમને માત્ર ભાવ આપવામાં આવ્યો, શબ્દો તમારા છે.
પંચસૂત્ર ચિરંતનાચાર્ય કૃત ગણાયું, એની પાછળ મને પોતાને લાગે છે કે હરીભદ્રસૂરી ભગવંતને પંચસૂત્ર પરામાં મળ્યું છે, ભાવોનું સંપ્રેષણ કોઈ મહાપુરુષે કર્યું, હરીભદ્રસૂરી ભગવંતે એને ઝીલી લીધું અને પોતાના શબ્દોની અંદર પંચસૂત્ર લખ્યું, પણ છેલ્લે એમણે પોતાના હસ્તાક્ષર ન કર્યા. કારણ? ભાવ મારો નથી. ભાવ મને આપવામાં આવેલો છે. તો આવા પશ્યન્તિ અને પરાના લયના ઘણા બધા ગ્રંથો આપણી પાસે છે. તો એક લય તો આ છે. વૈખરીથી પરા સુધીનો.
બીજો એક લય વૈખરીથી પરા સુધીનો છે, જે અનુભૂતિ તરફ આપણને લઇ જાય છે; અને એ ક્રમની વાત જ્ઞાનપંચમીના દેવવંદનમાં વિજય લક્ષ્મીસૂરી મહારાજે કહી છે. ત્યાં એમણે બે કડી આપી; “અનામિના નામનો રે, કીસ્યો વિશેષ કહેવાય; એ તો મધ્યમા વૈખરી રે વચન ઉલ્લેખ ઠરાય, ધ્યાન ટાણે પ્રભુ તું હોવે રે, અલખ અગોચર રૂપ, પરા પશ્યન્તિ પામીને રે કાંઈ પ્રમાણે મુનિ ભૂપ” એમણે આત્મા શબ્દને વૈખરીમાં લીધો અને આત્માનુભૂતિ પશ્યન્તિ અને પરામાં લીધો.
બહુ જ મજાનો ક્રમ; વૈખરી – આત્મા શબ્દ તમે બોલો એ વૈખરી. એ શબ્દ સાથે અર્થનું અનુસંધાન તમે કરો ત્યારે મધ્યમા. (“અતતિ ગચ્છતિ તાંસ્તાન્ પર્યાયાન્ સ આત્મા”) “अतति – सतत गच्छति तांस्तान् पर्यायानित्यात्मा ततश्चात्मा” દ્રવ્યરૂપે નિત્ય હોવા છતાં, સંસારમાં હોવાને કારણે જે પર્યાયોની સતત બદલાહટમાં છે તે આત્મા. પશ્યન્તિમાં ગુણાનુભૂતિ લીધી છે. પરામાં સ્વરૂપાનુભૂતિ લીધી છે. આત્મતત્વની અનુભૂતિ તમે બે રીતે કરી શકો. પ્રારંભિક સાધક આત્માના ગુણોની અનુભૂતિ કરશે, એ પછી સ્વરૂપાનુભૂતિ કરશે. સમત્વનો અનુભવ – તમે પશ્યન્તિમાં આવી ગયા. તમારો જે અસંયોગજન્ય આનંદ છે. એ આનંદનું વેદન ચાલતું હોય, ત્યારે તમે પશ્યન્તિમાં આવી જાઓ; અને અલિપ્ત, અખંડ આપણી જે ચેતના, એનો અનુભવ આપણે જયારે કરીએ ત્યારે પરામાં આવી જઈએ.
દેવચંદ્રજી ભગવંતે સ્વરૂપાનુભુતિ ની વાત નવમાં સ્તવનમાં કરી. ‘અમલ અખંડ અલિપ્ત સ્વભાવ જ સાંભરે હો લાલ’. તમે અમલ અને અલિપ્ત છો. કર્મના મલથી પણ તમે પર છો. રાગ-દ્વેષ થી પણ તમે પર છો. અને અખંડાકાર ચેતના તમારી છે. અત્યારે તમે ખંડોમાં વિભાજીત બનો છો. અને મનની કક્ષાએ લઈએ, વિચારોના સ્તર પર જોઈએ; તમે અત્યારે ખંડોમાં વિભક્ત થયેલી ચેતના છો. દેરાસરમાં ગયા; પાંચ મિનીટ મન સ્થિર રહ્યું, શુભ ભાવોમાં વહ્યા, કોઈ વ્યક્તિ તમારી પરિચિત, તમને અણગમતી દેરાસરમાં આવી ગઈ, અશુભ વિચારો શરૂ થઈ ગયા.
તો અત્યારે શુભના સ્તર ઉપર પણ તમારે વિચારોની ધારા અખંડ વહેતી નથી. તમારું સ્વરૂપ અખંડાકાર અનુભૂતિનું છે. જે ક્ષણે તમે સ્વરૂપદશાનો અનુભવ કર્યો. એ જ સ્વરૂપદશામાં શાશ્વતીના લય સુધી તમારે વહેતા રહેવું છે. કેવળજ્ઞાની તમે થઈ ગયા. સિદ્ધશિલા ઉપર તમે પહોંચી ગયા. તમારી ચેતના અખંડાકાર ચેતના બની ગઈ.
તો આત્મા શબ્દ તમે બોલો એ વૈખરી. એ શબ્દની સાથે અર્થની અનુપ્રેક્ષા કરી એ મધ્યમા. તમારા ગુણોની તમે અનુભૂતિ કરી એ પશ્યન્તિ. અને તમારા સ્વરૂપની તમે અનુભૂતિ કરી એ પરા.
તો ‘હૃદયપ્રદીપ ષટ્ત્રિંશિકા’ પશ્યન્તિના લયમાં આવેલો ગ્રંથ માની શકાય. એના પહેલા જ શ્લોકમાં અનુભૂતિની અભિવ્યક્તિ આપી છે. અનુભૂતિ કરનાર મહાપુરુષો અતિતની યાત્રામાં અગણિત થયા. પણ એ બધા જ મહાપુરુષો અનુભૂતિમાં ડૂબી ગયા. “જિન હી પાયા, તીન હી છિપાયા” હૃદયપ્રદીપ ષટ્ત્રિંશિકાકારે બહાર આવીને અનુભૂતિની અભિવ્યક્તિ આપી. અનુભૂતિની શબ્દદેહા આપી.
શ્લોકના બે ભાગ છે; પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ. બંનેમાં અનુભૂતિની અલગ-અલગ વ્યાખ્યા છે. પૂર્વાર્ધ મજાનો. “शब्दादिपञ्चविषयेषु विचेतनेषु, योऽन्तर्गतो हृदि विवेककलां व्यनक्ति” (“શબ્દાદિપંચવિષયેષુ વિચેતનેષુ યોન્તર્ગતો હૃદિવિવેકકલામ્ યન:”) આ પૂર્વાર્ધ છે. ખાવાની ક્રિયા ચાલી રહી છે. બોલવાની ક્રિયા ચાલી રહી છે. કશુક કરવાની ક્રિયા ચાલી રહી છે. એક ક્ષણ એવી આવે છે જ્યારે બોલનારથી, ખાનારથી જોનાર છૂટો પડે છે. એ જોનાર જે છૂટો પડ્યો, એ અનુભૂતિ. “યોન્તર્ગતો હૃદિવિવેકકલામ્ યન:” એ અંદર રહેલ જોનાર સ્પષ્ટ રીતે અનુભવ કરે છે; કે આ બધું શરીર કામ કરી રહ્યું છે, મારે એની જોડે કોઈ સંબંધ નથી. અનુભૂતિ કેટલી તો સરળ.! તમારા માટે તો કહેવાની વાત હોય જ નહિ. સતત જોનાર અલગ પડ્યો છે?
મેં પહેલા પણ કહેલું, પ્રભુની આચારાંગજીમાં પૂછવામાં આવ્યું; કે પ્રભુ ! જોનારને, દ્રષ્ટાને કોઈ પીડા ખરી? “किमत्थि उवाहि पासगस्स?“ “કિં અત્થિ ઉવાહિ પાસગસ્સ?” પ્રભુએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું; ‘णत्थि त्ति बेमि’ હું કહું છું, “કે નથી.” જે ક્ષણે તમે જોનાર થયા; બધી જ પીડાઓથી તમારી મુક્તિ.! અને આનંદના સમુદ્રમાં તમે ગરકાવ થઈ જાવ.!
બોલો આ શોર્ટકટ જોઈએ? કેટલી બધી પીડાઓ છે! સવારે ઉઠો ત્યારથી પીડા શરૂ. બધી જ પીડાઓથી મુક્તિ.! અને આનંદના સમુદ્રમાં તમે ડૂબી જાઓ.! આવી મજાની ઓફર પ્રભુની.! છો તૈયાર? તૈયાર? શું કરવાનું? જોનારને છુટ્ટો પાડો. You are only the observer. You are the seear. તમે માત્ર દ્રષ્ટા છો. તમારે કોઈ કામ કરવું નથી. Doing એ જ સંસાર.. Being એ જ સાધના..
પ્રભુની સાધનામાં ક્યાંય doing છે બોલો? તમને પૂછું? પ્રભુની સાધનામાં ક્યાંય doing છે? ગોચરી વહોરીને તમે આવ્યા, ઉનાળાનો સમય, ૪૫-૪૭ ડીગ્રી ગરમી, અડધો કિલોમીટર દુર જઈ, નિર્દોષ ગવેષણા કરી, ગોચરી લઈને તમે આવો છો, પણ એ કાર્ય ઉપર કર્તૃત્વ કોનું? સંપ્રતિનો આત્મા ગુરુ પાસે કેમ આવ્યો? આ doing ને કારણે આવ્યો. જ્યારે એણે મુનિવરોને કહ્યું; કે ભૂખ્યો છું, મને ખાવાનું આપો. એ વખતે એ મુનિઓએ કહ્યું; કે અમે તો ગોચરીને ભેગી કરનારા છીએ, ભિક્ષાને એક્કઠી કરનારા છીએ, આ ભિક્ષા પર અમારો અધિકાર નથી. તો તમારી પાસે doing નથી, મતલબ શું થયો? કાર્ય છે, કર્તૃત્વ નથી. Doing જેને આપણે કહીએ, એમાં હેરાન પરેશાન કરનારી ચીજ કર્તૃત્વ છે. મેં આ કર્યું… પછી મેં આ કર્યું, સારું થયું, લોકોએ કહ્યું; “બહુ સારું”; તમે ખુશ-ખુશ. લોકોએ કહ્યું; બરાબર ન થયું; તમે નારાજ. એ જે કર્તૃત્વ હતું- પીડા કરનારું, એને જ પ્રભુએ લઇ લીધું. એટલે તમારી પાસે કર્તૃત્વ મુક્ત કાર્ય છે, અને તમારી પાસે પણ કર્તૃત્વ મુક્ત કાર્ય છે.
ભક્તિ કરી અને સંઘ કાઢ્યો. પાંચ કરોડ ખર્ચ્યા. તમારી આંખમાં હર્ષના આંસુ હશે. પ્રભુએ મને નિમિત્ત બનાવ્યો. મેં સંઘ કાઢ્યો એમ નહિ.! પ્રભુની કૃપા! કે આટલું સરસ કાર્ય થયું! પ્રતિષ્ઠા મહોત્સવ સતત ચાલતા હોય, અમારી નિશ્રામાં. ચડાવા બોલાય- બે કરોડ, પાંચ કરોડ, દસ કરોડ, પંદર કરોડ. એ પંદર કરોડનો ચડાવો જેણે મળ્યો, એ અમારી પાસે વાસક્ષેપ લેવા આવે, ત્યારે એની આંખમાં હર્ષના આંસુ હોય છે, ગુરુદેવ અમને ચડાવો મળી ગયો! કેવી પ્રભુની કૃપા.! સામેવાળી પાર્ટીને હું ઓળખતો હતો. એ એકવીસ કરોડે પણ છોડે એમ નહોતી.! પણ ખરેખર પ્રભુની કૃપા મને લાભ મળ્યો.! પંદર કરોડ છોડ્યા એનું કર્તૃત્વ એની પાસે નથી; પ્રભુની પ્રતિષ્ઠાનો લાભ મળ્યો, એનો આનંદ એની પાસે છે.
સાધનામાર્ગમાં તમે જયારે પણ છો ત્યારે તમારી પાસે કર્તૃત્વ મુક્ત કાર્ય જોઇશે. અને તો જ કોઇ પણ અનુષ્ઠાન તમે કરાવશો એનો આનંદ તમે માણી શકશો. સંઘ કઢાવ્યો, દસ કરોડ ખર્ચ્યા, લોકોએ કહ્યું કે વ્યવસ્થા બરાબર નહોતી, આમ નહોતું, આમ નહોતું, આમ નહોતું, તમારા કાન પર એ વાત આવે, તમે પીડિત થઈ જાઓ. પણ જો કર્તૃત્વ મુક્ત કાર્ય પહેલેથી તમારું હોય, તો એ કાર્યમાં કોઈ તકલીફ ક્યારેય પણ આવે નહિ. કર્તૃત્વમુક્ત કાર્યનો મતલબ તમે સમજ્યા? તમે એ કાર્ય છોડી દીધુ, પ્રભુએ એને ઉપાડી લીધું! અને પ્રભુ જે કાર્ય કરે એ કેવું હોય?
હું ઘણીવાર કહું છું આપણે નાનકડા માણસો.. વેતિયા માણસો.. આપણું કર્તૃત્વ કેટલું? આપણાથી પણ નાનું.! આપણા વ્યક્તિત્વથી પણ આપણું કર્તૃત્વ નાનું હોવાનું.. આપણે કરીશું તો શું થશે? પણ એના કરતા પ્રભુને સોંપી દઈએ તો? મારે કંઇ જ કરવાનું નથી; “તું કરાવ…” મોટી મોટી તપશ્ચર્યાઓ થાય. આજે તપશ્ચર્યાઓનો યુગ ચાલ્યો છે. પાંચ વરસનો દીકરો સિદ્ધિતપ કરે. ગઈ સાલ નવસારીથી બાબો આવ્યો હતો, સાત વરસનો. માસક્ષમણ એને ચાલી રહેલું. અને મોઢા ઉપર દીપતી ચમક એવી જ. ત્યારે થાય કે પ્રભુ ‘જ’ આ કરાવે છે.
અકબર બાદશાહને હિરસૂરી મ.સા. નો સમાગમ કરાવનાર કોણ? ચંપાશ્રાવિકા નહિ. ચંપાશ્રાવિકાનું આ being. છ મહિનાના ઉપવાસ ચાલે. રોજ દેરાસરે જાય, ભક્તો જોડે હોય, ભજનો ગાય. અકબર બાદશાહે જોયું. પૂછ્યું; આ શેનો વરઘોડો છે. સમાચાર મળ્યા કે છ મહિનાના ઉપવાસ એ બાઈએ કર્યા છે. બાદશાહ કહે; એટલે શું? તો કહે; કે છ મહિના સુધી રાત્રે પણ નહિ ખાવાનું, દિવસે પણ નહિ ખાવાનું. બાદશાહ કહે; તારું માથું ફરી ગયેલું છે. દિવસે નહિ ખાવાનું, રાત્રે પણ નહિ ખાવાનું, અને છ મહિના સુધી…! અશક્ય.! બાદશાહ કહે; રમઝાનમાં હું રોઝા કરું. આખી રાત ઠોકી-ઠોકીને ખાઉં. તો પણ દિવસે ભૂખ્યો ડાંસ હોઉં. આ દિવસે પણ નહિ ખાવાનું, રાત્રે પણ ખાવાનું નહિ, બને કેમ? એ બાઈને માન સાથે બોલાવવામાં આવ્યાં. રાજમહેલમાં. ચંપાશ્રાવિકાને બોલાવવામાં આવી. બાદશાહે પરીક્ષા કરી. પછી પૂછ્યું; કે તું નાનકડી દીકરી તારી આટલી તાકાત ક્યાંથી? જો ચંપાશ્રાવિકાએ કહ્યું હોત કે મહારાજ અમે તો જૈનો, અમે તો નાનપણથી ઉપવાસની ટેવ પડેલી હોય એટલે કર્યા કરીએ. આ જો doing આવ્યું હોત તો? પણ નહિ એને સ્પષ્ટ કહ્યું; મારા પ્રભુ અને મારા ગુરુની કૃપાથી હું આ તપશ્ચર્યા કરી રહી છું. અચ્છા, પ્રભુ એટલે તો અલ્લાહ. તારા ગુરુ કોણ? તો કહે; હિરવિજયસૂરી મહારાજ મારા ગુરૂ છે. ક્યાં છે? ગુજરાતમાં. એ વખતે બાદશાહના મનમાં એક બીજ રોપાયું કે જે ગુરુ ગુજરાતમાં રહ્યા-રહ્યા દિલ્લીમાં રહેલી આ છોકરીને આટલી શક્તિ આપી શકતા હોય, એ ગુરુ કેટલા શક્તિશાળી હોય? મારે એ ગુરુનો સત્સંગ કરવો છે. અને પછી સાહેબ દિલ્લી પધાર્યા અને બાદશાહ અહિંસક બની ગયો.
તો તમારી પાસે પણ જયારે તમે સાધનામાર્ગમાં છો. કર્તૃત્વ મુક્ત કાર્ય તમારી પાસે જોઈએ અને હું તો ત્યાં સુધી કહું; કે સંસારની એક પણ ક્રિયા કરો ને, એમાં પણ જો આ being ને લાવો ને તો મજામાં રહેશો. મેં કમાયા, અહંકાર આવશે; પછી ખોયા તો કોણે ખોયા? એમાં કોનું નામ આવશે? બીજાનું.. તો કેટલી મજાની અનુભૂતિની વ્યાખ્યા આપી; “शब्दादिपञ्चविषयेषु विचेतनेषु, योऽन्तर्गतो हृदि विवेककलां व्यनक्ति” (“શબ્દાદિપંચવિષયેષુ વિચેતનેષુ યોન્તર્ગતો હૃદિવિવેકકલામ્ યન:”)
એક મજાની વાત આ જ ગ્રંથની by the way. કરું છું. આ ગ્રંથ માત્ર ૩૬ શ્લોકોનો છે. એકવાર મિત્ર પ્રદ્યુમ્નસૂરી મહારાજને વિચાર આવ્યો કે આ ગ્રંથની ઉપર આપણે ત્રણ જણા સાથે લખીએ. રત્નસુંદરસૂરી મહારાજ, હું અને પ્રદ્યુમ્નસૂરી, પ્રદ્યુમ્નસૂરી મહારાજ અમારા બંને માટે આદરણીય. એમણે વિચાર મુક્યો કે આપણે ત્રણેય જણાએ આ ગ્રંથ ઉપર લખવાનું છે. અમે ત્રણેય જણાએ એ ગ્રંથ ઉપર લખ્યું. ત્રણેયની વેવલેન્થ એક સરખી. અને એવો એક ગ્રંથ તૈયાર થયો કે જેમાં પશ્યન્તિમાં આવેલો ગ્રંથ અને ત્રણ જણાએ એના ઉપર વિવેચન આપ્યું. એ વખતે હું પાવાપુરી રાજસ્થાનમાં હતો. જયારે પ્રદ્યુમ્નસૂરી મહારાજ એ કહ્યું અને નક્કી થયું ત્યારે પાવાપુરીમાં હું ચાતુર્માસ હતો. હજારેક આરાધકોનું ચાતુર્માસ ચાલતું હતું. મને ખ્યાલ છે. પ્રવચન માટે જવાનું થતું. હું પણ પ્રવચન આપતો. મુનિચંદ્રસુરીજી આપતા. ભાગ્યેશસુરીજી આપતા. બીજાઓનું પ્રવચન ચાલે. ત્યારે હું લખ્યા કરતો..
એ ગ્રંથ પ્રકાશિત પણ થઈ ગયો. પછી એ ગ્રંથ લખવાના સમયની એક અનુભૂતિને પ્રદ્યુમ્નસૂરી મહારાજ જોડે મેં શેર કરેલી. મેં પ્રદ્યુમ્નસૂરી મહારાજને લખેલું; કે અનુભવ તો એવો રહ્યો કે એ જ લખાવરાવે છે. વ્યાખ્યાનની પાટ ઉપર બેઠેલો હોઉં અને કલમ ચાલ્યા કરતી હોય, હાથ મારો, લખાવનાર ‘એ’. તો મેં કહ્યું કે અનુભૂતિ એ છે કે ‘એ’ જ લખાવે છે. કોઈ વિચાર્યું પણ ન હોય, કોઈ સ્ફૂરણા પણ ન હોય, અચાનક જ પદાર્થો નીકળ્યા કરતા હોય. તમે વિચારેલું હોય અને લખો ને તો પણ એ વિચાર ઉપર તમારી માલીકીયત નથી હોતી. એ સારો વિચાર કોઈ મહાપુરુષે છોડેલો હોય છે, તમારી પાસે આવ્યો હોય અને તમે એને પકડી લીધો હોય છે. પણ મેં તો વિચાર પણ કરેલો પણ ન હોય! માત્ર લખતો હોઉં અને પદાર્થો આવ્યા કરતા હોય.
વિચારોની દુનિયા મારી લગભગ પૂરી થઈ ગઈ છે. હવે વિચારવાનું રહેતું પણ નથી. પહેલા વાંચતો બહુ, થોડું વિચારું. વાંચતો ઘણું, વિચારતો થોડું. હવે વાંચવાનું થોડું થયું, વિચારવાનું એકદમ ઓછુ થઈ ગયું. કોઈ પ્રયોજન ન રહ્યું. સીધા જ તમે અનુભૂતિની ધારામાં છો. Enjoy કરી રહ્યા છો તમારા આનંદને. તો આમ શબ્દોની ક્યાં જરૂર? વિચારની ક્યાં જરૂર? મારી ઈચ્છા એ છે કે તમને બધાને આ સ્ટેજ ઉપર લઇ જાઉં. જ્યાં શબ્દ ન હોય, વિચાર ન હોય, તમે પોતે જ હોવ. શબ્દ એ તમારું સ્વરૂપ નથી, વિચાર એ તમારું સ્વરૂપ નથી, માત્ર અનુભૂતિ એ તમારું સ્વરૂપ છે. શબ્દ અને વિચાર યોગોમાં જાય; ઉપયોગ એ તમારું સ્વરૂપ છે.
વિનોબાજીએ એક બહુ સરસ વાત એકવાર કહેલી. વિનોબાજીએ કહેલું; એક ખેડૂત હતો, એને બે ખેતર; એક આ બાજુ, એક પેલી બાજુ, લગભગ ૫૦૦ મીટરના અંતરે બે ખેતર. કુવો વચ્ચે હતો. પાણી મળવાની જગ્યા ત્યાં હતી, કુવો ત્યાં ખોદેલો, પાઈપલાઈન બિછાવેલી. એક ખેતરમાં એણે શેરડી વાવેલી, બીજામાં રાઈ વાવેલી. વિનોબાજી કહે છે; એ જ કુવાનું પાણી શેરડીના ખેતરમાં જાય ત્યારે શેરડીની મીઠાશને ઉભારે, એ જ કુવાનું પાણી જયારે રાઈના ખેતરમાં જાય ત્યારે રાઈની તીખાશને ઉભારે, પાણી એક જ છે.
એક પણ યોગ. મનોયોગ, વચનયોગ કે કાયયોગ; પ્રવાહિત ક્યારે થઈ શકે? ઉપયોગ એમાં ભળે ત્યારે. તમારો ઉપયોગ જેને તમારે સતત શુદ્ધ રાખવાનો છે, એ અશુભમાં જાય, એ મારી દ્રષ્ટીએ પ્રભુની મોટામાં મોટી આશાતના છે.. તમારો ઉપયોગ અશુભમાં કે અશુદ્ધમાં જાય એ તમે કરેલી પ્રભુની મોટામાં મોટી આશાતના છે. પ્રભુએ કહ્યું છે; કે તારે તારા ઉપયોગને સ્વમાં જ સ્થિર રાખવાનો છે, એ પ્રભુની આજ્ઞા વિરુદ્ધ આપણે આપણા ઉપયોગને પરની અંદર લઇ જઈએ છીએ.
તો અત્યારે આપણે શું કરી શકો? વિચાર સારો ચાલતો હોય એને ઉપયોગ આપો; જે ક્ષણે વિચાર અશુભ થાય, એ ક્ષણે તમારી આત્મશક્તિ ખેંચી લો અને વિચારને બંધ કરી લો. યોગો શુભમાં ચાલે ત્યાં સુધી ઉપયોગ આપો, પણ શુભમાં રહેવું એ પણ પગથિયામાં રહેવાનું છે. આપણી મંઝિલ તો શુદ્ધની જ છે.
તો એ શુદ્ધમાં શી રીતે જવાય એની અનુભૂતિની મજાની વાત ‘હૃદયપ્રદીપ ષટ્ત્રિંશિકાએ કરી. સંક્ષેપમાં એટલું જ કહું કે જોનારને છુટ્ટો પાડવો છે. એની આખી પ્રોસીજર અને ઉત્તરાર્ધમાં શું કહ્યું એની બધી વાતો આપણે અવસરે.
