Param Sparsh Ni Yatra – Vachana 36

24 Views
26 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : પાડોશીની આગમાં, આપણો અળગો દેહ

તમારું સ્વરૂપ શું છે – તે વિશેનું તમારું અજ્ઞાન એ જ મોહ. મૂંઝવણને કારણે તમે શરીરને હું માની લો છો; વાસ્તવિક હું સુધી પહોંચતા નથી. આ મોહને ખતમ (કે શિથિલ પણ) કરી શકે, માત્ર આત્માનુભૂતિ.

જ્યાં આત્મતત્ત્વની અનુભૂતિ આવી; વાસ્તવિક, આનંદઘન હું નો અનુભવ થયો; મોહ ગયો. એવી આત્માનુભૂતિ માટે શું કરવું? જોનાર ને છૂટો પાડવો છે. હું જોનાર છું – આ પ્રતીતિને એકદમ સબળ બનાવવી છે.

તિત્થયરા મે પસીયંતુ. પ્રશ્ન થાય કે વીતરાગ એવા પ્રભુ પ્રસન્ન કેવી રીતે થાય?! પરંતુ, પરમ ચેતના નિષ્ક્રિય હોવાની વાત માત્ર છેલ્લાં સો-દોઢસો વર્ષોથી આપણે ત્યાં ચાલી છે; હકીકતમાં તો પરમ ચેતના પરમ સક્રિય છે. જે ક્ષણે તમે અસહાય બન્યા અને બધું જ એને સોંપી દીધું, તે જ ક્ષણથી એની કૃપા ઝીલાવા લાગે છે!

પરમ સ્પર્શની યાત્રા – વેસુ ચાતુર્માસ વાચના –

એક ભક્તે પ્રભુને કહેલું કે પ્રભુ! તારા વિના બીજી કોઈ જગ્યાએ હું મારા મનને જોડી શકતો નથી. બહુ પ્યારા શબ્દો કબીરજીના છે. “મેરા મન અનત કહાં ઉડ જાવે” અનત એટલે અન્યત્ર – બીજે. “મેરા મન અનત કહાં ઉડ જાવે” પ્રભુ તને છોડીને મારું મન બીજે ક્યાં જઈ શકે? કેવો પ્રભુનો પ્રેમ અનુભવ્યો હશે કે આ શબ્દો નીકળ્યા! 

આપણે જે પ્રભુ પ્રીતિનું શ્રવણ કરી રહ્યા છીએ એ જ પ્રભુ પ્રીતિની અનુભૂતિની ધારામાં કબીરજી વહી રહ્યા છે. શ્રવણ + આંસુ = પરમ પ્રીતિની અનુભૂતિ. ચંદનાજીએ પણ એ જ આંસુના બળ પર પ્રભુના પ્રેમની અનુભૂતિ મેળવેલી. કેવી બળુકી એ અનુભૂતિ હશે, કે એ અનુભૂતિએ ચંદનાજીને પ્રભુના ચરણોમાં મૂકી દીધા! પ્રભુના પ્રથમ સાધ્વીજી તરીકે ચંદનાજીને પ્રતિષ્ઠિત કર્યા! “મેરા મન અનત કહાં ઉડ જાવે” 

બહુ મજાનું સટીક ઉદાહરણ આપ્યું. “જૈસે પંખી જહાજ સે ઉડી, ફિર જહાજ પે આવે” પહેલાનાં યુગમાં વહાણો હતા. દિશા સૂચક યંત્રો નહતા. એ વખતે કોઈ વહાણ દરિયાની અંદર માર્ગ ભુલી ગયું. આકાશ વાદળાંઓથી ઘેરાયેલું છે. દિશાનો ખ્યાલ આવતો નથી. એમને એમ વહાણ ચાલ્યા કરે છે. ખલાસીને પણ ખબર નથી પડતી કે વહાણ મજધારે છે, કિનારે છે, ક્યાં છે…? રાશન ચુકાવા આવ્યું, પાણી મીઠું ખતમ થવા આવ્યું, એ વખતે એક જ વાત હોય કે કોઈ બેટ મળી જાય તો મીઠું પાણી ભરી લઈએ; ફળ-ફલાધિ ખાઈ લઈએ. પણ, બેટ નરી નજરે ક્યાંય દેખાતો નથી. એ વખતે એ લોકો વહાણ જ્યાંથી ઉપડે ત્યાંથી પાંજરામાં થોડા કબૂતરોને લાવતાં. રોજ દાણો-પાણી એને નાંખે. આવી વખતે ખલાસી પાંજરા ખોલી નાંખે છે. પાંજરામાં કેદ થયેલા કબૂતરો અનંત અવકાશમાં ઉડે છે. આકાશમાં ઉડ્યા પછી દૂર દૂર પણ ક્યાંક ધરતી જેવું લાગે, વૃક્ષો જેવું લાગે, તો કબૂતરો એ બાજુ જતાં રહે છે, અને એ બાજુ ગયેલા કબૂતરો પાછા ન આવે, કેપ્ટન સમજી જાય, કે હવે એ બાજુ કોઈ બેટ હશે. પણ ચારે બાજુ માત્ર પાણી જ પાણી છે, કબુતરની નજર પહોંચે ત્યાં સુધી, દસ, પંદર, વીસ કિલોમીટર સુધી માત્ર પાણી છે. ચારે બાજુ પાણી છે, ત્યારે થાકીને કબુતર ફરી વહાણ ઉપર આવી જાય છે. એ જ રીતે પ્રભુ તને છોડીને હું ક્યાં જાઉં? બીજી કોઈ જગ્યાએ મને આશ્રય મળી શકે એમ નથી. આવો પ્રેમ મને ક્યારેય પણ મળી શકે એમ નથી. 

પ્રેમનો તમને અનુભવ છે. પણ એકવાર પરમાત્માના પ્રેમને અનુભવી લો; બીજા બધા જ પ્રેમ છૂટી જશે! અમને પણ સંસારમાં હતા ત્યારે ઘણી બધી વસ્તુઓ પર પ્રેમ હતો. કેટલીક વ્યક્તિઓ ઉપર પણ પ્રેમ હતો. જે ક્ષણે પ્રભુનું સંમોહન લાગ્યું, પ્રભુના પ્રેમમાં અમે ડૂબી ગયા, પછી એ પ્રેમ એટલો તો મીઠો, એટલો તો મજાનો લાગ્યો, કે બીજા બધા પ્રેમના આસ્વાદો છૂટી ગયા. જ્યાં સુધી એક પણ પદાર્થ પર તમને પ્રેમ છે, એક પણ વ્યક્તિ પર તમને પ્રેમ છે, ત્યાં સુધી માનવાનું કે પ્રભુના પરમ પ્રેમમાં તમે ડૂબ્યા નથી. જે ક્ષણે એમાં ડૂબી ગયા, બીજું કંઈ રહેતું જ નથી. 

પ્રભુએ મારા ઉપર એવી કૃપા કરી, એના પ્રેમમાં એણે મને ડુબાડ્યો. મારી કોઈ સજ્જતા નહતી; એણે મને ડુબાડ્યો. એણે મને એનો આસ્વાદ કરાવ્યો.. કે એકવાર મારો આસ્વાદ તો જોઈ લે.. અને જ્યાં એ આસ્વાદ મળ્યો; બધું જ છૂટી ગયું! એના સિવાયનું બીજું બધું જ છૂટી ગયું. આ પરમપ્રીતિની અનુભૂતિ છે. 

આ જ અનુભૂતિની વાત બહુ મજાના લયમાં શ્રીપાલ રાસમાં મહોપાધ્યાય યશોવિજય મહારાજે કરી. “તુઠ્યો તુઠ્યો રે, મુજ સાહિબ જગનો તુઠ્યો; એ શ્રીપાલનો રાસ કરંતા…” પ્રભુનો પ્રસાદ એમણે મેળવ્યો. કયા સ્વરૂપમાં? અનુભૂતિ રૂપે. આપણે રોજ બોલીએ, લોગસ્સ સૂત્રમાં, “તિત્થયરા મેં પસીયંતુ” તીર્થંકર ભગવંતોનો પ્રસાદ મારા ઉપર ઉતરે, મારા ઉપર વરસે. 

એકવાર મેં કહેલું કે સવારના નવ વાગ્યા હોય, સુરજ ક્યારનો ઉગી ગયેલો હોય, અને કોઈ માણસ પૂછે કે સુરજ ઉગ્યો? અથવા એ પ્રાર્થના કરે, કે સુરજ ઉગો. અરે ભાઈ ! સુરજ ક્યારનો ઉગી ગયો છે! એમ પ્રભુનો પ્રસાદ ક્ષણે ક્ષણે તમારા ઉપર વસ્સી રહ્યો છે. છતાં પ્રાર્થના શું થઇ? “તિત્થયરા મેં પસીયંતુ” એનો અર્થ એ છે, કે પ્રભુનો પ્રસાદ ક્ષણે ક્ષણે વરસી રહ્યો છે; પણ હું એને ઝીલી શકતો નથી. પ્રભુ! તું એવી કૃપા કર, કે તારી પ્રસાદને તું ઝીલાવ! પ્રસાદને વરસાવ પણ તું.. પ્રસાદને ઝીલાવ પણ તું… 

એક ભાઈ એક જગ્યાએ ગયેલા, જે જજમાનને ત્યાં ગયેલા. એના ત્યાં કીમતી પુસ્તકો ઘણા બધા હતાં. પણ છુટા છવાયા પડેલા. એક પલંગ ઉપર, એક અલમારી ઉપર, પેલા ભાઈએ કહ્યું; જજમાનને કે આટલા સરસ પુસ્તકો તમારી પાસે છે, તો એક કબાટ લાવી અને કબાટમાં વ્યવસ્થિત પુસ્તકો મૂકી દો ને. એ વખતે એ ભાઈએ કહેલું (જજમાને) કે પુસ્તકો જેમની પાસેથી માંગી લાવ્યો છું, એમની પાસેથી કબાટ માંગવાની હિંમત હજુ આવી નથી! આપણે હિંમત રાખવાની છે! પ્રસાદ પણ તું વરસાવ! એને ઝીલાવ પણ તું! પાત્રતા મારી નથી, તો પાત્રતાને પણ તું ઉભી કર.! તારે જ બધું કરવાનું છે પ્રભુ.! અને જે ક્ષણે તમે અસહાય બન્યા, બધું જ તમે પ્રભુને સોંપી દીધું, એ વખતે પરમ શક્તિ સક્રિય બને છે. જ્યાં સુધી સંપૂર્ણતયા તમે એને બધું જ સોંપતા નથી, ત્યાં સુધી એ પરમ ચેતના નિષ્ક્રિય હોય છે. જે ક્ષણે તમે બધું જ સોંપી દીધું એ પરમાત્માને; પરમ ચેતના સક્રિય થઇ ગઈ. 

એકવાર અમદાવાદના એક ઉપાશ્રયમાં પહેલા માળમાં હું અને મારા મિત્ર પ્રદ્યુમ્નસૂરિ મહારાજ બેઠેલા. પ્રદ્યુમ્નસૂરિ મહારાજ બહુ જ મજાના વિદ્વાન. બેઠેલા અમે, ખાલી વાતો ચાલતી હતી. ત્યાં એમની નજર ગઈ એક ખૂણા ઉપર, થોડા બાવા બાઝેલા હતાં. મને કહે જુઓ, આ બાવા બાઝેલા છે અહીં, હું તો ફ્લેક્ષીબલ માણસ, મેં કહ્યું, આપણે બધા બાવા છીએ, તો બાવાના મુકામમાં બાવા જ હોય ને! એ વખતે પ્રદ્યુમ્નસૂરિ મહારાજે કહ્યું કે આ લોકો ઉપાશ્રયને પણ સ્વચ્છ રાખી શકતાં નથી. એ વખતે મારા મુખમાંથી અનાયાસ શબ્દો સરેલા; કે જે શ્રી સંઘ પરમ ચેતનાને નિષ્ક્રિય માને, એ સંઘ સક્રિય કઈ રીતે હોઈ શકે? 

પ્રભુને વિતરાગ માન્યા બરોબર છે. વિતરાગ પ્રભુ છે જ. પણ પરમચેતના નિષ્ક્રિય છે, આ વાત ખાલી ૧૦૦-૧૫૦ વર્ષથી આપણા મનમાં જામી ગયેલી છે. પ્રભુ કાંઈ કરે જ નહિ. ૨૫ વર્ષ પહેલા કોઈ પણ સમારોહ હોય, અને કોઈ મુમુક્ષુ દીક્ષા લેવા માટે જતો હોય, તો વક્તા એમ જ કહે શાસનદેવ એનું રક્ષણ કરે. પ્રભુ એનું રક્ષણ કરે, એવું તો બોલાય કેમ? મેં કહ્યું; જે શ્રી સંઘ પરમચેતનાને નિષ્ક્રિય માને, એ સંઘ સક્રિય ક્યાંથી હોઈ શકે. પરમચેતના પરમ સક્રિય છે. 

એક સૂત્ર સમજો આજે, પરમચેતના પરમ સક્રિય, ગુરુ ચેતના પરમ નિષ્ક્રિય, અને એ સિવાયની ચેતનાઓ જે છે એ સક્રિય હોય કે નિષ્ક્રિય એનો કોઈ મતલબ નથી. પરમચેતના પરમ સક્રિય છે. મને દીક્ષા કોણે આપી? પ્રભુના પંથ ઉપર જવાના ભાવ મને કોણે આપ્યાં? એણે જ તો આપ્યાં.! એ પરમ ચેતના પરમસક્રિય છે. આપણે ત્યાં આજે પણ આટલી ચમક દેખાય છે, એનું કારણ પ્રભુભક્તિ છે. કોઈ પણ આપણું સ્થાન હોય, કેન્દ્રમાં પ્રભુ હોય, હોય ને હોય. કોઈ પણ તીર્થ નાનકડું બનાવો, પ્રભુ વિના તીર્થ હોઈ શકે જ નહિ. એક વિહારધામ બનાવો, તો પણ દેરાસર તો હોય જ. આ જે કેન્દ્રમાં પ્રભુ છે, એના કારણે થોડી ચમક છે. પણ સ્થળના કેન્દ્રમાં પ્રભુ હોય, એટલા માત્રથી ચાલશે નહિ. તમારા હૃદયના કેન્દ્રમાં પ્રભુ જોઇશે. 

તો પંન્યાસ ભદ્રંકરવિજય મ.સા. એ આપણા યુગમાં આ ઘોષણા કરી; કે પરમ ચેતના પરમ સક્રિય છે. કલાપૂર્ણ સૂરિ દાદાએ આ વાતને બરોબર ઉઠાવી, અને એમના પ્રવચનોમાં એમણે એક જ વાત કરી કે પરમ ચેતના પરમ સક્રિય છે. કલાપૂર્ણસૂરિ દાદા કહેતાં,આજે મેં પ્રવચન આપ્યું, પણ પ્રવચન આપતાં પહેલા મંગલાચરણ કર્યું ત્યાં સુધી મને ખ્યાલ નહતો કે મારે શું બોલવાનું છે. બસ, દેરાસરે ગયેલો, પ્રભુને પ્રાર્થના કરેલી, કે પ્રભુ જે શ્રોતાવ્રુંદ આવેલો હોય, એના માટેની કલ્યાણકર વાતો મારા કંઠેથી તું પ્રગટાવજે. પ્રભુને પ્રાર્થના કરી લીધી, પ્રભુ બોલે.! 

તો પરમ ચેતના પરમ સક્રિય છે. વિતરાગ ખરા પ્રભુ. પ્રભુ પોતે સિદ્ધશિલા ઉપર ગયા. સીમંધર દાદા આદિ મહાવિદેહક્ષેત્રમાં; પણ પ્રભુ અલગ, પ્રભુની શક્તિ અલગ. અરિહંત ભગવાન અલગ અને આર્હન્ત્ય અલગ. આર્હન્ત્ય જે છે એ અત્યારે પણ વિજયી છે અને શાસન મહાવીર પ્રભુનું ક્યાં સુધી રહેવાનું? મહાવીર પ્રભુનું આર્હન્ત્ય છે ત્યાં સુધી. જે ક્ષણે શાસન વિલુપ્ત થશે, આર્હન્ત્ય મહાવીર પ્રભુનું અહીંથી વિલુપ્ત થશે. સામાન્ય તીર્થંકરોનું આર્હન્ત્ય સતત રહે, શાશ્વતીના લયમાં, પણ તે-તે તીર્થંકર ભગવંતનું આર્હન્ત્ય તે – તે પ્રભુના શાસન સુધી રહે. તો અત્યારે આર્હન્ત્ય, પ્રભુની ચેતના, પરમ શક્તિ જે પણ શબ્દ વાપરીએ એ સક્રિય છે નહિ, પરમ સક્રિય છે… જે પણ સાધના, જે પણ આરાધના થઇ રહી છે એના મૂળમાં શાસન એટલે આર્હન્ત્ય છે. એ પરમ ચેતનાને, એ પરમ શક્તિને આપણે ભુલી જઈએ, કેમ ચાલે? તો સતત પ્રાર્થના કરો, “તિત્થયરા મેં પસીયંતુ”  પ્રભુ તારો પ્રસાદ મારા ઉપર વરસો. 

તો મહોપાધ્યાયજી ભગવંત કહે છે કે મારા ઉપર પ્રભુ પ્રસન્ન થયા. તમે તો નવાઈમાં પડી જાવ પ્રભુ પ્રસન્ન થાય એવું બોલાય? વિતરાગ પ્રભુ, સિદ્ધશિલામાં પ્રતિષ્ઠિત થયેલા પ્રભુ પ્રસન્ન થાય? પણ ઉપાધ્યાયજી ભગવંતના શબ્દો છે; “તુઠ્યો તુઠ્યો રે, મુજ સાહિબ જગનો તુઠ્યો” મારા ઉપર પ્રભુ પ્રસન્ન થયા! પ્રભુનો પ્રસાદ મને મળ્યો! એ પ્રસાદ એટલે શું? અનુભૂતિ. એ એમણે સ્પષ્ટ કર્યું. “એ શ્રીપાલનો રાસ કરંતા, અનુભવ અમૃત રસ વુંઠ્યો રે” અનુભૂતિ મળી. સ્વરૂપદશાની અનુભૂતિ હતી જ. ગુણોની અનુભૂતિ હતી જ. પણ એમ માની શકીએ કે શ્રીપાળ કુમારના સમભાવની વાતોને વિચારતાં, એમની અનુભૂતિ, સમભાવની પ્રગાઢ બની ગઈ; અથવા અરિહંતાદિ નવ પદનું વર્ણન એમને કર્યું; અને “ભેદ છેદ કરી આતમા, અરિહંત રૂપી થાય રે” એ લખતી વખતે કદાચ અરિહંત પ્રભુ સાથે એમની ચેતનાનું મિલન થઇ ગયું. સ્વરૂપાનુભૂતિ એમને મળી ગઈ. “એ શ્રીપાલનો રાસ કરંતા, અનુભવ અમૃત રસ વુંઠ્યો રે” 

એ પછી અનુભૂતિનું માહાત્મ્ય બતાવ્યું. “પાયસમાં જેમ વૃદ્ધિનું કારણ ગોયમનો અંગુઠો, જ્ઞાનમાંહી તિમ અનુભવ જાણો તે વિણ જ્ઞાન તે જુટ્ઠો રે” હું પણ આવું statement ન આપી શકું હો! મારી હિંમત ન ચાલે! “તે વિણ જ્ઞાન તે જુટ્ઠો રે” બધું જ જ્ઞાન તમે મેળવેલું નકામું, જુટ્ઠું.. “પાયસમાં જેમ વૃદ્ધિનું કારણ ગોયમનો અંગુઠો” ગૌતમસ્વામી ભગવાનનો અંગુઠો એ દુધના-ખીરના પાત્રમાં મુકાયો પછી ખીર વધવા જ લાગી, વધવા જ લાગી, વધવા જ લાગી. એ જ રીતે તમારા જ્ઞાનની અંદર અનુભૂતિ ભળશે તો જ એ સમ્યક્ બનશે. માહિતી જ્ઞાનનો કોઈ મતલબ આપણે ત્યાં નથી. 

એક બાયોલોજીસ્ટ હોય, એ તમારા કરતાં કે મારા કરતાં જીવવિજ્ઞાનમાં બહુ ઊંડું જાણે છે. પણ એ બાયોલોજીસ્ટ જાણીને શું કરશે? એ કહેશે, આ જંતુને આ રીતે મરાય. આ જંતુને આ રીતે મરાય. આપણું જ્ઞાન ભલે ઓછું રહ્યું; પણ પ્રભુએ આપેલ અનુભવ એમાં ભળ્યો છે કે નાનામાં નાના જંતુની પણ વિરાધના હું ન કરું. એવી રીતે ચાલુ, એવી રીતે બેસું, કે એક પણ જીવને પીડા ન થાય. 

અને એ પછી એમણે  જે વાત કરી, શ્રીપાળ રાસમાં બહુ જ અદ્ભુત કરી. બે statement આવ્યાં. એ statement – “સંશય નવી ભાંજે શ્રુતજ્ઞાને રે” માત્ર શ્રુતજ્ઞાન તમે ભણશો એથી કોઈ અનુભૂતિ તો થવાની નથી, પણ સામાન્ય પ્રશ્નો પણ જે છે, એ અનુત્તરિત રહેવાના. એનો જવાબ નહિ મળે. અનુભવ વિના ખરેખર ઉત્તર મળતો જ નથી! મારી પાસે ઘણા સાધકો આવે. સાધનાનો પ્રશ્ન પૂછે; ત્યારે હું એને પૂછું કે આ તારો પ્રશ્ન બુદ્ધિના સ્તરનો છે કે અનુભૂતિના સ્તરનો? બેસી જા અહીંયા! ખરેખર તારે પ્રશ્નનું નિરાકરણ જોઈતું હોય તો, બેસી જા! તને સાધના કરાવી દઉં, સાધનામાં કોઈ અવરોધ નહિ આવે; પણ બૌદ્ધિક સ્તરનો ખાલી પ્રશ્ન હોય, તો એનો જવાબ આપવાનો કોઈ અર્થ પણ નથી. તો એક statement આ આવ્યું. “સંશય નવી ભાંજે શ્રુતજ્ઞાન”

બીજું statement એમણે આપ્યું; “હર્વ્યું અનુભવ જોર હતો જે, મોહ મલ્લ જગ બાઠો, પરિપરિ તેહના મર્મ દાખવી, ભારે કીધો ઉપરાઠો” મોહ – જે પ્રબળમાં પ્રબળ. એ મોહને પણ ખતમ કરી શકે તો માત્ર અનુભૂતિ. એને શિથિલ કરી શકે તો માત્ર અનુભૂતિ. અંધારું છે, તમે કઈ રીતે એને દૂર કરો? માત્ર પ્રકાશ આવે, અંધારું જતું રહે. અંધારાને દૂર કરવા માટે, બીજી કોઈ પ્રોસીજર નથી. પ્રકાશ લાવો અંધારું જતું રહે. એમ જ્યાં આત્મતત્વની અનુભૂતિ આવી, મોહ ગયો. મોહ એટલે શું? સ્વરૂપદશા તમારી શું છે? એ વિશેનું તમારું અજ્ઞાન. મોહનો અર્થ આ છે. તમે મૂંઝાવો છો. તમારું સ્વરૂપ શું એમાં? અને એ મૂંઝવણને કારણે શરીરને તમે હું માની લો છો. વાસ્તવિક જે હું છે ત્યાં સુધી તમે પહોંચતા નથી. જે ક્ષણે આત્મતત્વની અનુભૂતિ થઇ, મોહ ગયો! શરીર એટલે હું- આ વિભાવના અનંતા જન્મોથી ભલે ને ચાલતી હોય, એક ક્ષણમાં એ વિભાવના દૂર થઇ જશે! 

એક ગુફામાં સેંકડો વર્ષોથી અંધારું હોય, પણ એ ગુફાની અંદર કંઈક રહસ્ય છે આવું કો’કને ખ્યાલમાં આવ્યું, અને search light લઈને જાય, સેંકડો વર્ષોથી એ ગુફામાં અંધારું હતું. એ search light લઈને ગયો. Search light નો પ્રકાશ ફેંક્યો. અંધારું ક્યાં છે હવે? એમ આત્મતત્વની અનુભૂતિ થઇ ગઈ, તો મોહ ક્યાં છે…? અને આપણી સાધનામાં અવરોધ મોહનો જ છે; અને એટલે જ અભયસાગરજી મહારાજ જેવા વારંવાર કહેતાં કે જ્ઞાનાવરણીય ના ક્ષયોપશમ માટે તમે જેટલો ભાર મુકો છો, એને બદલે મોહનીયના ક્ષયોપશમ પર ભાર મુકો. 

એક પ્રશ્ન પૂછું? ભણવામાં વધુ રસ કે વૈયાવચ્ચમાં વધુ રસ? રસ વધારે શેમાં? ભણવામાં જે રસ છે, એમાં જોઈ લો, માત્ર પ્રભુના શબ્દો એ અનુભૂતિમાં ફેરવાય એના માટેનો રસ છે કે હું ભણેલ હોઉં તો સમાજમાં હું પ્રતિષ્ઠિત થાઉં એ બાબત છે? શું છે અંદર એ જોઈ લો. વૈયાવચ્ચ સીધો જ તમારા મોહને તોડી નાંખશે. ત્યાં સુધી કહ્યું પ્રભુએ “जे गिलाणं पडियरइ से मं पडिवज्जइ” જે ગ્લાનની સેવા કરે છે, એ મારી સેવા કરે છે. 

હું ઘણીવાર કહું; એક ગ્લાન મુનિ ઉપાશ્રયમાં હોય, અને એક ભક્તિવાળા મુનિ છે. પ્રભુની ભક્તિવાળા, ગ્લાન મુનિની સેવા જેમ-તેમ કરી લીધી, પ્રભુ પાસે જાય, સ્તવન ઉપર સ્તવન બોલે, ત્યારે ભગવાન શું કહે ખબર છે? આ રાગોડા તાણી મારા કાન શું કરવા દુઃખાડે છે? ત્યાં જઈને પેલાની સેવા કર, તો મારી ભક્તિ આવી જશે. તો એ આત્માનુભૂતિ કઈ રીતે થાય? 

એની વાત હૃદયપ્રદીપ ષડત્રિંશિકાએ કેટલી સરસ રીતે કહી. જોનારને છૂટો પાડો. બે દિવસથી આપણે વાત ચાલે છે. Practical થયું હતું કંઈ? Practical કરો. આજે નાસ્તો કરો ત્યારે, ભોજન કરો ત્યારે શરીર ખાય છે, હું જોઉં છું. એક અલગાવ બિંદુ, જે attachment body સાથેનું છે ને, એને detachment માં ફેરવવું છે. એટલું બધું attachment થઇ ગયું છે. હું એટલે શરીર.. હું એટલે શરીર… હું એટલે શરીર… આ detachment કરવું હોય તો detachment માટેનું સૂત્ર આ છે. હું જોનાર છું… ખાનાર બીજો છે… એ બીજો છે એ મારો પાડોશી છે. આ શરીર એટલે પાડોશી. 

ગજસુકુમાલ મુનિની સજ્ઝાયમાં આવે છે; “મારું કાંઈ બળતું નથીજી, બળે બીજાનું એહ, પાડોશીની આગમાં આપણો અળગો ગેહ” શરીરમાં કંઈક થઇ રહ્યું છે, પાડોશીને કંઈક તકલીફ થઇ છે; તો પાડોશીના સમાચાર લઇ લઈએ. એક સાધકની ભાષા ફરી જાય, મને તાવ આવ્યો એમ નહિ, મારા શરીરને તાવ આવ્યો છે. તાવ કોને આવે? તમને આવે? આનંદઘન, નિરંજન આત્મ સ્વરૂપ તમે, તમને તાવ ક્યાંથી આવે? તાવ શરીરને આવે. તો શરીરને તાવ આવ્યો એમ કહો. તમે જો સાધક છો, તો તમારી ભાષા પણ બદલાઈ જવી જોઈએ. વિચાર બદલાય તો ભાષા બદલાશે. વિચાર ક્યારે બદલાય? અનુભૂતિ થશે ત્યારે. 

તો હું જોનાર છું, આ પ્રતીતિને આપણે એકદમ સબળ બનાવવી છે. Doing છૂટી જાય; Being રહે. તમે તો અમને ક્યારે પૂછતાં પણ નથી, સાહેબ આટલા બધા આનંદમાં કેમ? અમારો આનંદ being ને કારણે છે, Doing ખરી પડ્યું, કંઈ કરવું નથી. અને મારી પોતાની વાત કરું, મારે કોઈ તીર્થ બનાવવાનું નથી, મારે કોઈ ઉપાશ્રય બનાવવાનો નથી, મારે કશું જ કરવાનું નથી; માત્ર being ની ધારા, અને એનો આનંદ એટલો બધો મળી ગયો છે કે doing માં જવાનું હવે શક્ય જ નથી! એ being નો આનંદ તમને આપવો છે. હોવાપણાનો આનંદ. તમે તમારા સ્વરૂપમાં હોવ એ જ આનંદ. અત્યારે આનંદ કેમ નથી? તમે સ્વમાં નથી માટે. પરમાં છો માટે. 

એટલે જ કબીરજી શું કહે છે; “મેરા મન અનત કહાં ઉડ જાવે” પ્રભુને છોડીને મારું મન બીજે ક્યાં જાય?! ક્યાંય પણ મનને મુકશો, પીડા જ પીડા છે. પ્રભુમાં મન મુકો. પ્રભુની સાધનાને મન આપો. પ્રભુની આજ્ઞાને મન આપો. પણ એ સિવાય દુનિયામાં ક્યાંય કોઈને પણ મન આપ્યું, તો પીડા જ પીડા છે. એકવાર જેને મેળવવાની ચિંતા હોય, કેમ મળશે? એની જોડે મારું લગ્ન થશે કે નહિ એની ચિંતા હોય. બે વર્ષ પછી એ એટલું પાત્ર અણગમતું હોય કે divorce ક્યારે મળે જલ્દીમાં જલ્દી..! એ ભગવાનને પ્રાર્થના કરે કે જલ્દી divorce થઇ જાય.! તમારે ત્યાં સુખ ક્યાં મને બતાવો, ચાલો? પૈસા ભેગા થાય એટલે સુખ બોલો? નક્કી બોલો? જેટલા પૈસા વધે એમ સુખ વધે. આવો કોઈ રેસિયો ખરો? એક લાખવાળા કરતાં દસ લાખવાળા પાસે દસ ગણું સુખ હોય. કરોડપતિને સો ગણું સુખ હોય. ખરું નક્કી કંઈ આમ…? રેસીયો ખરો? પૈસા વધે એમ સુખ વધે કે પીડા વધે? બોલો.? 

જુના સમયની કથા છે. એક રાજા એક સંત ગામમાં પધાર્યા. સંતોનો એ ભક્ત હતો. સમ્રાટ સંતની પાસે ગયો. પ્રવચન સાંભળ્યું. પછી એણે કહ્યું, બધા વિખેરાયા પછી, કે ગુરુદેવ! હું દુઃખી છું, મને સુખી બનાવો. દુઃખી કેમ તું? રાજા છે તું. પાણી માંગતા દૂધ મળે છે. તારો મહેલ મેં જોયો, મોટો મહેલ છે તારો. તારે શું ચિંતા! મારું રાજ્ય આટલું નાનકડું છે, અને બાજુમાં મોટા મોટા રાજ્યો છે; એટલે મને અતૃપ્તિ, અસંતોષ રહે છે. સંત છે ને મનોવૈજ્ઞાનિક આયામના ગુરુ હતાં. એમણે વિચાર્યું કે આને સીધી ત્યાગની વાત કરીશ ને તો કપડાં ખંખેરીને ઉભો થઇ જશે. અચ્છા, અચ્છા તારી વાત સાચી હો, આટલું ખોબા જેવડું તારું રાજ્ય, જરા મને દોરીને બતાવ. ઉત્તર-દક્ષિણ કેટલું? પૂર્વ-પશ્ચિમ કેટલું? સાહેબ ! આટલું જ છે. તારી વાત સાચી, ખોબા જેવડું રાજ્ય, એમાં સુખ ક્યાંથી મળે? એ નગારે ઘાવ, આજુબાજુમાં નાના રાજ્યો પડાવી લે, તારું રાજ્ય મોટું કરી નાંખ. તો પેલાને થયું; આ ગુરુ સાચા. 

તમે તો બડભાગી છો, કે જન્મતાંની સાથે ત્યાગની વાતો તમને સાંભળવા મળી છે. પણ, સાંભળવામાં ત્યાગ, આચરણમાં… શું બોલો? પાંચ કરોડન flat, બે કરોડનું ઈન્ટીરીયર ડેકોરેશન. એક બહુ મજાની વાત કરું; by the way, આપણા સમાજમાં એક બાજુ ત્યાગની પ્રતિષ્ઠા બહુ જ છે. તમે ત્યાગીઓને જે રીતે અહોભાવથી ઝૂકો છો, અમારું હૃદય ભીનું થઇ જાય છે. પણ એક વાત મારે કહેવી છે કે તમારે ત્યાં એ ત્યાગની પ્રતિષ્ઠા કે ભોગની પ્રતિષ્ઠા? તમે સારો કોને માનો? જેની પાસે વધારે પૈસા છે એ સુખી? કે જે સંતોષી છે અને આરાધક છે એ સુખી? થોડોક વિચાર કરજો. 

રાજાએ નગારે ઘા દીધો. એક નાનકડું રાજ્ય હતું એને ભેળવી નાંખ્યું પોતાનામાં. પણ સુખ વધવાને બદલે ઘટ્યું, દુઃખ વધ્યું; કારણ કે એ રાજ્યને પરાણે લીધેલું. એ રાજ્યનો રાજા પહેલા બહુ સારો હતો. ટેક્ષસ્શન બહુ ઓછા હતા. આ રાજ્યમાં કરવેરા બહુ હતા. પ્રજા ત્રાહીમામ્.. અહીંયા બળવો થાય. અહીં બળવો સમે, ત્યાં બીજી જગ્યાએ બળવો થાય. રાજા તો ત્રાહીમામ્ થયો. ગુરુ પાસે આવ્યો. સાહેબ! તમે કહ્યું એમ કર્યું પણ દુઃખ તો વધ્યું, ઘટ્યું નહિ.ગુરુ એના ચહેરા સામે જોવે છે. હજુ એને બ્રહ્મજ્ઞાન આવ્યું નથી. એટલે ફરીથી કહ્યું; કેટલું રાજ્ય, તે તારા રાજ્યમાં ભેળવ્યું? તો કહે કે આટલું. હરામખોર! આટલું નાનકડું રાજ્ય તે લીધું? હજુ મોટા રાજ્યો ઉપર નજર કર. હજુ મોટું રાજ્ય તારું બનવું જોઈએ. હા, હા ગુરુ આ જ. ફરી મહેનત કરી. ફરી મોટું રાજ્ય થયું. 

રાજા સુખી થયો કે દુઃખી થયો? તમને પૂછું છું? દુઃખ વધ્યું.! હવે એને સમજાણું કે સાલું આના કરતાં પહેલા સુખી હતો. મારું રાજ્ય હતું, હું રાજા હતો, મારી પ્રજા મારી આજ્ઞામાં હતી. આ સાલું નવું દુઃખ મેં જાતે ઉભું કર્યું. એટલે ગુરુ પાસે ગયો; કે સાહેબ! આ તો જેમ રાજ્ય વધ્યું એમ ઉપાધિ વધી. સંત કહે; હવે ઠેકાણે આવ્યો. સંત કહે; સાચી વાત તો એ છે; ત્યાગમાં જ સુખ છે. રાજ્ય તારા દીકરાને ભળાવી દે. મારી જોડે ઝુંપડીમાં આવતો રહે, સુખી થઇ જઈશ તું. સુખી થઇ જઈશ તું! એટલે ખરેખર સુખી થવું હોય તો કઈ રીતે સુખી થવાય? 

એક રાજાને સંતે કહેલું; કે તારે સુખી થવું છે ને, તો સુખી માણસનો ખમીસ જેવો શર્ટ એ તારે માંગવાનો અને એક દિવસ ભલે રાત્રે એ શર્ટ તારે પહેરવાનો, તું સુખી થઇ જઈશ. રાજાએ તો અધિકારીઓની ટીમ નક્કી કરી. એક ટીમ આ બાજુ, એક ટીમ આ બાજુ, એક ટીમ આ બાજુ. સુખી માણસ જે હોય એનું પહેરણ લઇ આવો. ખમીસ લઇ આવો. કોઈની પાસે પણ જાય, તમે સુખી? પેલો કહે; ના, મારે આટલું બાકી છે. તમે સુખી? મારે આટલું બાકી છે. એમ કરતાં કરતાં એક માણસ એક ટીમને મળ્યો. ખેતરમાં કામ કરતો, નાનકડી ઝુંપડી, એકલો હતો. ભગવાનનું ભજન કરતો. એક ટાઈમ રોટલો ઘડી કરતો અને ખાતો. તમે સુખી? અરે હા, મારા જેવો સુખી કોઈ નહિ હોય કહે. સરસ, તો એક કામ કરો ને? તમારું પહેરવાનું ખમીસ જે છે શર્ટ, એ ખાલી બે દિવસ માટે આપો ને આમ. ખમીસ? હું કંઈ પહેરતો જ નથી ઉપર.! ખાલી આ પંચ્યું જે છે, ધોતિયું એ પહેરું છું. ઉપર પહેરવાની જરૂર શું? મર્યાદા ઢાંકવા માટે પુરુષને બસ ધોતીની જરૂર. ખમીસ તો હું રાખતો જ નથી, ક્યાંથી આપું? અને ટીમ પાછી ફરી, રાજાને કહ્યું; સુખીમાં સુખી માણસ આખા રાજ્યમાં એક છે પણ એની પાસે ખમીસ નથી. ત્યારે રાજાને થયું કે જેની પાસે કંઈ જ ન હોય એ સુખી. તમને તો જન્મથી આ જ્ઞાન મળી ગયું છે કે ત્યાગી મહાત્માઓ સુખી હોય. એ જ ત્યાગની પ્રતિષ્ઠા તમારા જીવનમાં થાય એવો અવસરે. 

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *