વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : દાન એટલે તમારા હૃદયનો વિસ્તાર
જેનું હૃદય પ્રભુ પ્રત્યેના પરમપ્રેમથી છલોછલ ઊભરાઈ ગયું હોય, એવા વ્યક્તિત્વની આંતરદશા કેવી હોય? એ સર્વત્ર માત્ર પ્રેમને જ જુએ છે, પ્રેમને જ સાંભળે છે; એને જ વિચારે છે.
નાનકડા વ્યક્તિત્વ, નાનકડા કૃતિત્વમાં તમે અનંત જન્મોથી રહ્યાં. એક વાર પ્રભુ સાથે તમારું મિલન થઈ જાય, તો તમારું વ્યક્તિત્વ વિરાટ અસ્તિત્વમાં બદલાઈ જાય.
દાન એટલે ચેતો-વિસ્તાર. તમારા હૃદયનો વિસ્તાર. એક ગરીબ માણસને તમે શું આપો છો, એ મહત્વનું નથી; કયા ભાવથી આપો છો એ મહત્ત્વનું છે.
પરમ સ્પર્શની યાત્રા – વેસુ ચાતુર્માસ વાચના – ૩૮
પરમાત્માનો પ્રેમ અગણિત સમયથી આપણા ઉપર વરસ્યા જ કર્યો. વરસ્યા જ કર્યો.. એ પ્રેમથી જેમનું હૃદય છલોછલ ઉભરાઈ ગયું, એવા વ્યક્તિત્વોની આંતરદશા કેવી હોય?
મહર્ષિ નારદ ભક્તિના ક્ષેત્રે, અનુભૂતિવાન મહાપુરુષ છે. એમનું ભક્તિ સૂત્ર ભક્તિયોગના ક્ષેત્રે એક માઈલ સ્ટોન કૃતિ છે. એ ભક્તિસૂત્રમાં મહર્ષિ નારદે પ્રભુના પ્રેમથી જેમનું હૃદય છલોછલ ભરાઈ ગયું છે, એવા વ્યક્તિત્વોની આંતરદશાની વાત કરી: “તત્પ્રાપ્ય તદેવાવલોકયતિ, તદેવ શ્રુણોતિ, તદેવચિન્તયતિ” (“तत्प्राप्य तदेवावलोकयति, तदेव शृनोति, तदेव भाषयति, तदेव चिन्तयति ॥“) એ પ્રેમથી જેમનું પણ હૃદય છલોછલ ભરાઈ ગયું, એવા વ્યક્તિત્વો માત્ર એ પ્રેમને જ જુએ છે, એ પ્રેમને જ સાંભળે છે, અને એ પ્રેમને જ વિચારે છે.
ત્રણ વાતો કહી : પહેલી વાત, ‘तदेवावलोकयति’ જેનું હૃદય પ્રભુના પ્રેમથી છલોછલ ઉભરાઈ ગયું, એને બધે જ પ્રભુનો પ્રેમ વરસતો દેખાય છે. જે ક્ષણે પ્રભુનો પરમ પ્રેમ મને મળ્યો, એ જ ક્ષણે જ પ્રભુએ મારું vision totally બદલી કાઢ્યું. એ જ ક્ષણથી પ્રભુએ એક positive attitude મને આપી દીધો, અને એથી સંઘની એક-એક વ્યક્તિ પ્રત્યે પ્રેમભાવ ઉભરાયો. એક સિદ્ધિતપનો તપસ્વી નાનકડો દીકરો આવે, મારી આંખો આજે પણ ભીની ભીની બને છે. થાય કે પ્રભુના પ્રેમને કેવો એણે ઝીલ્યો! પ્રભુનો પ્રેમ સતત વરસી રહ્યો છે. એ પ્રેમને આપણે ઝીલવો છે.
મીરાંએ એ પ્રેમને ઝીલ્યો. મીરાંનું લગ્ન ચિતોડના રાણા જોડે થયેલું. પણ એ તો બહિરંગ લગ્ન હતું. અંતરંગ લગ્ન પ્રભુ સાથે થયેલું હતું. જ્યાં પણ પ્રભુને જોવે એ નાચવા મંડી પડે. એને કહેવામાં આવ્યું; તું રાજરાણી છે, જાહેરમાં નાચે એ ચાલી શકે નહિ. એ વખતે એ કહે છે, હું ક્યાં નાચું છું? એ નાચે છે! I am not dancing! He is dancing! પ્રભુ સાથે એની ચેતના એટલી એકાકાર થઇ ગયેલી! એ કહે છે; હું નાચતી નથી! પ્રભુ નાચે છે.! હું છું જ ક્યાં? કે હું નાચું?! મારું વ્યક્તિત્વ પ્રભુના અસ્તિત્વની અંદર સંપૂર્ણતયા ભળી ગયું છે. આપણું નાનકડું વ્યક્તિત્વ, આપણું નાનકડું કૃતિત્વ, તમને નાના – નાનામાં મજા આવે કે મોટા – મોટામાં મજા આવે?
ડાઈમંડના વેપારીઓ લાખ – બે લાખમાં રમે કે કરોડોમાં રમે? ડેલ્ટાવાળો શું કરે? તમને નાનું નાનું ગમે કે મોટું મોટું ગમે? ઉપનિષદો કહે છે; “यो वै भूमा तत्सुखं नाल्पे सुखमस्ति” જે વિશાળ છે, એમાં જ મજા છે. “नाल्पे सुखमस्ति” છીછરા પાણીમાં શું મજા આવે? દરિયામાં ઊંડે જઈએ, મજા આવી જાય. તમારું નાનકડું વ્યક્તિત્વ, તમારું નાનકડું કૃતિત્વ અગણિત જન્મોથી એમાં તમે રહ્યા છો. એકવાર પરમ સાથે તમારું મિલન થઇ જાય, તમારું વ્યક્તિત્વ – અસ્તિત્વમાં, વિરાટ અસ્તિત્વમાં બદલાઈ જાય.
મીરાં નહતી અને એટલે જ ભગવાન હતા. રાજ પરિવારે નક્કી કર્યું; આ છોકરી આપણે ત્યાં ચાલી શકે નહિ. શું કરવું? મારી નાંખો! શરબતની અંદર ઝેર નાંખ્યું, બપોરનો સમય, એક રાજસેવક મીરાંના રૂમમાં જાય છે. સોનાની તાસક, એમાં સોનાનો ગ્લાસ, એમાં છે શરબત, ઝેર નાંખેલું, રાજસેવકે મીરાંને કહ્યું; એમણે મોકલાવ્યું છે. એ એટલે કોણ? રાજસેવકના મનમાં એ હતું કે રાણાજીએ મોકલાવ્યું છે, ‘એમણે’ મોકલાવ્યું છે. મીરાંની પરિભાષા માં ‘એ’ એટલે કોણ? પ્રભુ! ઓહ! મારા પ્રભુએ મોકલાવ્યું છે! લાવો.. લાવો.. લાવો.. મીરાં વિચારે છે, મારા પ્રભુ જે મોકલે એ તો અમૃત જ હોય ને.. પીએ છે.. ઝેરની અસર ક્યાંથી થાય? ભજનીકે ભજનમાં લખ્યું; “વિષ કા પિયાલા રાણાજી ભેજા, કરી અમૃત પી જાના’ એક શ્રદ્ધા; પ્રભુ આ રહ્યા.! ‘તદેવાવલોકયતિ’ ચારે બાજુ એ વ્યક્તિને માત્ર ને માત્ર પ્રભુનો પ્રેમ વરસતો દેખાય છે.
શ્રી સંઘની અંદર જે – જે અનુષ્ઠાનો થઇ રહ્યા છે, આંખો ભીની બને આપણી. નવસારીથી સાડા છ – સાત વરસનો દીકરો આવેલો. સાત વરસનો દીકરો અને એને માસક્ષમણ ચાલતું હતું. હાથ જોડાઈ જાય કે શું પ્રભુનો પ્રેમ એણે ઝીલી લીધો.! જેને પ્રભુના પ્રેમને માણ્યો, એ માત્ર ચારે બાજુ પ્રભુના પ્રેમને વરસતો જોશે. મારી દ્રષ્ટિએ અહોભાવ એ બહુ જ મહત્વની ઘટના છે. હું એમ કહી શકું; કે નૈશ્ચયિક આત્મ-સ્વરૂપનું અનુભવન સતત ચાલુ છે મને, અને છતાં હું અહોભાવની ધારાને સ્પર્શી શકું છું. મારી દ્રષ્ટિએ વ્યવહાર અને નિશ્ચયમાં કોઈ જ વાંધો નથી. નૈશ્ચયિક રૂપે જે આત્મ-સ્વરૂપ મારું છે, એની અનુભૂતિ ચાલુ હોય છે, અને એ ક્ષણોની અંદર હું અહોભાવની ધારામાં પણ આવી શકું છું. અહોભાવ બહુ જ મહત્વની ચીજ છે. એ જ અહોભાવ તમને પ્રભુ સાથે જોડી આપશે.
ગઈ કાલે મેં ત્રણ ચરણો બતાવેલા. પરમ પ્રેમની અનુભૂતિ, એના દ્વારા આજ્ઞાનુભૂતિ અને એના દ્વારા આત્માનુભૂતિ. એકવાર પ્રભુના પરમ પ્રેમનો અનુભવ થયો, તમારું હૃદય અહોભાવથી છલોછલ ઉભરાઈ ગયું. આજે એ અહોભાવનું practical કરવાનું છે. સિદ્ધિતપના જે તપસ્વીઓએ સરસ મજાની સાધના કરી છે, એમનું બહુમાન કોણ કરશે. એક શ્રી સંઘમાં, ચાતુર્માસમાં, ગુરુદેવની નિશ્રામાં સમૂહ અટ્ઠમ તપની આરાધના થઇ. એક ભાઈએ બહુ મોટી રકમનો ચડાવો લઈને બહુમાનનો આદેશ મેળવ્યો. એક પછી એક આરાધકો બહુમાન માટે આવતાં ગયાં. એ ભાઈ બહુમાન કરતાં જાય છે, એમની આંખોમાંથી આંસુ ટપકતાં જાય છે, ગળે ડૂસકાં છે. એમાં પાંચ વર્ષની એક દીકરી આવી. પાંચ વરસની દીકરી અટ્ઠમ તપની એને આરાધના કરેલી, ત્રીજો દિવસ અટ્ઠમ તપનો, ચહેરો ફૂલ ગુલાબી. ગઈ કાલે માસક્ષમણના એક તપસ્વી આવેલા. ૩૦મો દિવસ એમને હતો. પૂંજણા માટે ઉપર આવેલા. સંબંધીઓ બધા આવેલા જોડે, એ વખતે મેં કહેલું; કે ૩૦માં દિવસનો ઉપવાસ જે બહેનને છે એમના મુખ ઉપર તપશ્ચર્યાનું તેજ કેટલું બધું દેદીપ્યમાન છે! અને મેં એમના સંબંધીઓને કહ્યું; ચા – નાસ્તો કરીને આવ્યા છો, અને છતાં તમારા મુખ ઉપર આટલી તાજગી નથી.!
પાંચ વરસની દીકરી, અટ્ઠમ તપ કરેલો, એનું બહુમાન કરવાનું છે. પેલા ભાઈએ એ દીકરીને ઉચકી લીધી અને કહ્યું; બેટા ! મને આશીર્વાદ આપ, મારા માથા ઉપર તારો હાથ મુક! એ દીકરી બહુ સમજુ, વિવેકી. એ કહે અંકલ ! તમે મોટા છો. તમે મને આશીર્વાદ આપો. હું તમને આશીર્વાદ શી રીતે આપું? એ વખતે અંકલે કહ્યું; કે આજે તું મોટી છે, તે તપશ્ચર્યા કરી છે, માટે તું મોટી છે, હું નાનો છું. એ ભાઈની આંખમાં આંસુ, ગળે ડૂસકાં, એમણે કહ્યું, બેટા! નવકારશીનું પચ્ચક્ખાણ ક્યારે આવે એની રાહ જોનારો હું માણસ છું. અટ્ઠાઈધરનો દિવસ હોય, કે સંવત્સરીનો દિવસ હોય, હું બેસણું પણ કરી શકતો નથી. આ તપધર્મનો મારો જે અંતરાય છે, એ અંતરાયને તોડવા માટે તારો આશીર્વાદ મારે જોઈએ છે. તું મને આશીર્વાદ આપ; તપશ્ચર્યા આડેનો મારો અવરોધ જે છે એ હટી જાય. હમણાંની બનેલી આ ઘટના છે. તો પણ દીકરી માથા ઉપર હાથ મુકવા તૈયાર નહિ. એ કહે, મારાથી મુકાય જ નહિ! હું તમને આશીર્વાદ શી રીતે આપું? પણ એ ભાઈએ દીકરીનો હાથ પકડી પોતાના માથા ઉપર મુક્યો! અને પછીની ઘટના એ છે, કે એ જ પર્યુષણમાં એ ભાઈએ અટ્ઠમ તપની આરાધના કરી.
આજે સિદ્ધિતપના તપસ્વીઓના બહુમાનના ચડાવા છે. પૈસાની કોઈ મહત્તા હોતી નથી. અને મારી પોતાની દ્રષ્ટિમાં તો પૈસાનું કોઈ મહત્વ છે જ નહિ. પ્રવચન સભામાં તમે કરોડપતિ હોવ કે અબજોપતિ હોવ પાછળ આવીને બેસી જાવ. આગળ તો મહાત્માઓ બેસશે. વિરતિધર શ્રાવકો જ બેસશે. તમે જે પ્રમાણે આવો એમ પાછળ બેસી જાઓ. અબજોપતિ આવ્યો તો પણ શું થયું? કોઈ મંત્રી આવ્યો તો પણ શું થયું? પાછળ આવીને બેસી જાય. પ્રભુની સભા છે. અહીંયા કોઈ પૈસાનું status નથી. અહીં પૈસાની કોઈ કિંમત નથી.
એક જણાએ મને પૂછ્યું; કે સાહેબ ! મોટો ચડાવો બોલે એને આશીર્વાદ તમે આપો, એટલે પૈસાવાળાને જ આશીર્વાદ આપો છો ને? મેં કીધું; પૈસાવાળાને નહિ, એણે પૈસા છોડ્યા એટલે ત્યાગ કર્યો, એટલે ત્યાગીને આશીર્વાદ આપું છું. એના પૈસા ની પાસે રહ્યા, અમારે એનું કોઈ કામ નથી. એણે પ્રભુશાસન માટે એના ધનનો વ્યય કર્યો તો અમે એને ધન્યવાદ આપી શકીએ. અમે એને આશીર્વાદ આપી શકીએ. આ પ્રભુનું શાસન.!
સ્વદ્રવ્યથી જેને દેરાસર બનાવવું છે. એવા એક – બે નહિ, સંખ્યાબંધ લોકોના નામ અમારી પાસે હોય છે. આજના યુગમાં માત્ર સંપત્તિ વધી છે એમ નહિ. તમારો ભાવ પણ એટલો જ વધ્યો છે. લાખો અને કરોડો, અબજો રૂપિયા દર વર્ષે જિનશાસનમાં ખર્ચાય છે. તમારી જે આ ત્યાગ ભાવના છે, દાન ભાવના છે, બહુ જ મજાની છે. અને આ ખરેખર જિનશાસન મળ્યું છે એની નિશાની છે. હરીભદ્રસૂરિ મહારાજે કહ્યું; “धर्मस्यादिपदं दानं”
પણ એકવાત તમને કહું; દાન એટલે શું? મારો એક વિશેષ અર્થ દાનનો છે. દાન એટલે “ચેતોવિસ્તાર” તમારા હૃદયનો વિસ્તાર. એક ગરીબ માણસને જોયો. તમે શું આપ્યું? એની જોડે મને નિસ્બત નથી. તમે ક્યાં ભાવથી આપ્યું, એની જોડે મને નિસ્બત છે. ૫૦ની નોટ આપી કે ૧૦૦ની નોટ આપી. કોઈ મહત્વની વસ્તુ નથી. પણ તમારો એક ભાવ. એક સાધર્મિક તમારા ત્યાં આવ્યો. તમારા મનમાં એ ભાવ હોય; કે આ મારો સાધર્મિક મારા જેવો બની જાય. એક – એક શ્રીમંત પાસે ૧૦-૧૦, ૨૦-૨૦, ૩૦-૩૦ સાધર્મિકોના નામ હોવા જોઈએ. એ શ્રીમંત એવો છે, એક મારી પાસે આવેલો શ્રીમંત. ઉનાળાની અંદર ૨૪ કલાક એ.સી. માં રહેનારો માણસ. ઘરે પણ એ.સી., ઓફિસે એ.સી., કારમાં પણ એ.સી. એ કહે સાહેબ હું સામાયિક કરી શકતો નથી. મેં એને રસ્તો બતાવ્યો. સામાયિક કરાવ તું. એવા સાધર્મિકો છે જેની ધર્મમાં બહુ લાગણી છે. પણ આર્થિક પરિસ્થિતિને વશ ધર્મ કરી શકતાં નથી; એમને કહી દે, પાછળના બારણેથી કોઈને પણ ખબર ન પડે એ રીતે તારે ત્યાં દર મહિને આટલા પૈસા આવી જશે, તું સાધના કર, અને મને એનો લાભ આપ.
