Param Sparsh Ni Yatra – Vachana 39

21 Views
22 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : त्वं मे माता

પ્રભુ! જો સમર્પણ અનિવાર્ય છે, તો એ સમર્પણ પણ તું જ આપ. હું તો અહંચેતના છું; તું સદગુરુ ચેતનાને મારી પાસે મોકલ કે એ મને ઝુકાવી દે!

પ્રભુ! કોઈ પણ મા ક્યારેય પોતાના બાળકને કહી શકે કે તું ગંદુ છે; બાથરૂમમાં જઈને સ્વચ્છ થઈને આવ; પછી જ તને ખોળામાં લઉં! જો કોઈ પણ મા એ રીતે કહે, તો એના માતૃત્વની કોઈ ગરિમા રહેતી નથી.

એમ કર્મોથી હું ભરેલો છું; રાગદ્વેષથી ખરડાયેલો છું – તો તેથી શું થયું! હું ગંદુ છું; પણ તારું બાળક છું. મારી એક વિશેષતા છે કે હું તારું જ બાળક છું અને તારી પાસેથી જ મારે બધું લેવાનું છે!

પરમ સ્પર્શની યાત્રા – વેસુ ચાતુર્માસ વાચના –

પરમાત્માના પ્રેમથી જ્યારે હૃદય છલોછલ ભરાઈ જાય છે, ત્યારે ભક્તની આંતરદશા પ્રભુ પ્રત્યેના અત્યંત બહુમાનવાળી હોય છે. એ ક્ષણોમાં ભક્તના કંઠેથી જે શબ્દો સરે છે, એને મંત્રની પ્રતિષ્ઠા મળે છે. મંત્રગાન. 

શક્રસ્તવ જેવા મંત્રોનું ગાન. એ ગાનને સમાધિ કરતાં પણ ઉંચી દશા માનેલી છે. પરંપરામાં એક શ્લોક આવે છે; “जपकोटिसमं ध्यानं, ध्यानकोटिसमो लय: ⵏ लयकोटिसमं गानं, गानात् परतरं न हि॥” જપની પરાકાષ્ટા એ ધ્યાન. ધ્યાનની પરાકાષ્ટા એ લય, એ સમાધિ, તમે ડૂબી ગયા. ધ્યાનની અંદર ધ્યાતા અલગ હોય છે, ધ્યેય અલગ હોય છે, વચ્ચે ધ્યાનનો પુલ હોય છે; પણ જે ક્ષણે ધ્યાતાની ચેતના ધ્યેયમય બની ગઈ, એ ક્ષણો લયની – સમાધિમાં. એ સમાધિ કરતાં પણ મંત્રગાનનું સ્થાન ચડિયાતું છે. लयकोटिसमं गानं, गानात् परतरं न हि” એ સમાધિની પરાકાષ્ટા એ ગાન. કયો સંદર્ભ છે એ? સંદર્ભ એ છે કે સમાધિમાં એક સાધક, એક ભક્ત, ભીતર ઉતરે છે. મંત્રોનું જ્ઞાન ૫૦, ૧૦૦, ૨૦૦ વ્યક્તિઓને એકસાથે ભીતર ઉતારે છે. 

એક નાનકડો બંધ હોલ હોય. એક વ્યક્તિ મંત્રગાન કરી રહી છે. ૪૯ જણા એને સાંભળી રહ્યા છે. એ ગાન શું કરશે? ૫૦ એ ૫૦ સાધકોને સમાધિની દશામાં લઇ જશે, બધા જ ભીતર ઉતરી જશે. બહુ મજાની વાત એ થઇ કે જપ, ધ્યાન કે લય એ વ્યક્તિગત ચેતનાને ઉઠાડવા માટેના માધ્યમો બન્યા. ગાન, સમૂહ ચેતનાને એકદમ સુસજ્જ કરે છે, એ ૫૦ જણાની ચેતના એકસાથે ભીતર ડૂબી જશે.. 

આપણે ત્યાં એટલા બધા પ્રયોગો થતાં હતા, મેં પહેલાં કહેલું તેમ…હીરસૂરિ મ.સા. સેનસૂરિજીને છેલ્લે સમયે અમુક આમનાયો, અમુક મંત્રો આપવા માંગતા હતાં, એ આપી ન શક્યા એના કારણે આખી પરંપરા delink થઇ ગઈ. પણ મને લાગે છે કે આ યુગમાં આપણે ઘણી બધી પરંપરાઓનું અનુસંધાન કરી શકીએ એમ છે. તો મંત્રગાન સમૂહ ચેતનાને સુસજ્જ બનાવે છે. ૫૦ જણા ઉપર એકસાથે કામ શરૂ કરવું. 

આપણે ત્યાં કલ્પસૂત્ર સામાચારીમાં આવશે. અમુક ગણધર ભગવંત આટલાને વાચના આપે છે. અમુક ગણધર ભગવંત આટલાને વાચના આપે છે. આ બેચીસ અલગ – અલગ કેમ પડી…? એ પણ સમૂહ ચેતના પરનો પ્રયોગ હતો. જે અઢીસો ભક્તિની ધારામાં જઈ શકે એવા હતાં, એક ગણધર ભગવંતે એ અઢીસો ઉપર કામ શરૂ કર્યું; અને અઢીસોની ચેતના એકસાથે, સરખી રીતે, લયબદ્ધ રીતે આગળ વધવા લાગી. આજના યુગમાં આપણે ઘણું બધું કામ કરી શકીએ એમ છે. 

એક વાત તમને કહું; પ્રભુએ આપણને ધ્યાનની પદ્ધતિ આપી છે. જે લોકો પાસે મૂળમાં કંઈ હતું નહિ. એ લોકો marketing કરવા માટે મંડી પડ્યા છે, મેડીટેશનનું. અને જેમની પાસે પરંપરાથી ધ્યાન અને કાયોત્સર્ગ મળેલો છે, એ આપણે બધા ઉદાસીન છીએ. આજનો યુગ ધ્યાનનો યુગ છે. લોકો ખુબ સાંભળી રહ્યા છે અને જે ઉચકાયેલા સાધકો છે, એમને હવે માત્ર શબ્દોમાં રસ નથી. એ કહે છે કે તમે practically મારા રાગ, દ્વેષ અને અહંકાર ને દૂર કરી આપો, અને એના માટે ધ્યાન જ appropriate માધ્યમ છે. આપણે લોકોએ ધ્યાનને આત્મસાત્ કરવો પડશે, અને એ ધ્યાનનું presentation કરવું પડશે. નહીતર પ્રભુના આપણે અપરાધી બનીએ. “गानात् परतरं न हि” એ ગાન પછી આ પ્રક્રિયામાં આગળ કંઈ જ નહિ. સમૂહ ચેતનાનું ઉત્થાન તમે કર્યું. પછી ૫૦ ઉપર કરો, ૧૦૦ ઉપર કરો, ૨૦૦ ઉપર કરો કે ૧૦૦૦ ઉપર કરો. આ હોલમાં ૫૦૦, ૭૦૦, ૧૦૦૦ માણસ હોય, તમે બધા જ જો મૌનમાં હોવ, અને માત્ર પ્રભુને પી રહ્યા હોવ, તો આખા હોલમાં એક યુનિટી રચાય. સમૂહ ચેતના નિષ્પન્ન થઇ ગઈ. એ ૭૦૦ માણસ એમની ચેતના અલગ -અલગ નથી, એક જ થઇ ગઈ. પણ, તમે વિચારોમાં હોવ, તો બધા જ છુટ્ટા છો. વિચારો નથી, વિચારોના મૌનમાં તમે લાગેલા છો અને પ્રભુને પી રહ્યા છો; તો આ હોલમાં એક સમૂહ ચેતના નિષ્પન્ન થાય. પણ તમે તો આઉટ ડોર પેશન્ટ. ઇન ડોર પેશન્ટસ્ ઉપર ઘણું કામ કરી શકો. 

આપણી સાધ્વી શક્તિ કેટલી તો વિરાટ છે..! તમે શું કરી શકો એમ નહિ, શું ન કરી શકો, એ મારે તમને પૂછવું છે. એકવાર ભીતર ઉતરી જાવ, પછી તમે ઘણાને ભીતર ઉતારી શકશો. 

તો શક્રસ્તવ અદ્ભુત મંત્રગાન છે. એ શક્રસ્તવના છેડે એક મજાનો શ્લોક આવે છે : “त्वं मे माता पिता नेता,

देवो धर्मो गुरु: पर: ।

प्राणा: स्वर्गोSपवर्गश्च,

सत्त्वं तत्त्वं गतिर्मति:॥“

પ્રભુના પ્રેમથી જેનું હૃદય છલકાઈ ઉઠ્યું છે, એ ભક્તના આ શબ્દો છે. એ પ્રભુને કહે છે, ત્વં મે માતા – તું મારી માં છે. પ્રભુ જેવી માં મળી ગઈ, આપણે શું કરવાનું? We have the back seat driving. 

એક ઓફિસર હોય, ઓફિસમાંથી એના સોફરને મોબાઈલ પર કહે; કે આપણે જવાનું છે. સોફર ગાડીને એ.સી. કરી નાંખે. અધિકારી આવે, સોફર કારનું પાછળનું બહારનું બારણું ખોલીને ઉભેલો છે, ઓફિસર અંદર બેસી ગયો, પેલાએ કારનો દરવાજો બંધ કર્યો. ઓફિસરે કીધું અહીંયા જવાનું છે, વડોદરા, મુંબઈ; પછી એ પોતાના કામમાં ડૂબી જાય છે. સોફર એને એ જગ્યાએ લઇ જાય છે. આવું back seat driving તમારી પાસે છે. Back seat journey. પ્રભુ અને સદ્ગુરુ તમને લઇ જાય, નિશ્ચિત પડાવ તરફ. તમારે માત્ર બેસી જવાનું છે. એ બેસવાનું એટલે શું? પ્રભુને સમર્પિત થઇ જવાનું. એક તમારું મન પ્રભુને સમર્પિત કરો. 

નિરંજન ભગતની એક સરસ કવિતા છે; સમર્પણ ઉપરની. “કાગળના રંગબેરંગી ફૂલો જોયાં અને કવિએ ગીત શરૂ કર્યું, કાગળના ફૂલોને ઉદ્દેશીને, “તમારે રંગો છે અને આકારો છે, કલાકારે દીધો તુમ સમીપ આનંદ કણ છે અને બાગોમાંના કુસુમ થકી લાંબુ જીવન છે.” કેટલી સરસ પ્રશંસા કરી! તમારા રંગો અદ્ભુત, આકારો અદ્ભુત અને બાગમાંનું કુસુમ, ફૂલ કરમાઈ જવાનું, તમે કરમાવવાના નથી! પણ એ પછી જે સમર્પણનો મહિમા અને એકદમ નજાકતથી ખોલે છે, એ કવિ જ ખોલી શકે.! એ કહે છે; “ન જાણો નિંદુ છું.” કવિ અને કોઈની નિંદા કરે! સાધક અને કોઈની નિંદા કરે! બની શકે? એક બાજુ એ સાધક હોય, તો એના કંઠમાંથી પ્રભુ જ નીકળે. બોલો તમારા કંઠમાંથી કોણ પ્રગટે? પ્રભુ જ પ્રગટે.! બીજું કોણ પ્રગટી શકે.? હોઠ ખોલો અને પ્રભુ પ્રગટે! એ કહે છે; “ન જાણો નિંદુ છું. પરંતુ પૂછું છું, તમારા હૈયાના ગહન મહી એ એવું વસતું, દિનાન્તે આજે તો નિજ સકલ અર્પી ઝરી જાઉં” ખાલી તમને પૂછું છું, તમારી ટીકા નથી કરતો. તમારા હૃદયમાં એવી વાત ખરી? કે દિવસ ઢળે એટલે જે પણ મારી પાસે છે એ ધરતીમાતાને અર્પિત કરી દેવું? આ ભાવ તમારી પાસે છે? એક સમર્પણ તમારી પાસે આવ્યું. Then you have not to do anything absolutely. પછી પરમચેતના અને ગુરુ ચેતના બધું જ કામ કરી દે છે. ત્વં મે માતા – પ્રભુ તું મારી માં છે. 

વિનયવિજય મ.સા એ શત્રુંજયાધિપતિ ઋષભદેવ પ્રભુના ચરણોમાં ૫૮ કડીની એક સ્તવના પેશ કરી છે. એમાં એ માત્ર બાળકના રૂપમાં પ્રભુના ચરણોમાં ઉપસ્થિત થયાં છે. એક કડી એમાં છે: “કહે શું તુમે જીણંદ રે, ભક્તિ નથી તેહવી; તો તે ભક્તિ મુજને દિયો રે” પ્રભુ ! તું કહીશ; કે તારી પાસે ભક્તિ નથી, સમર્પણ નથી, હું તને મોક્ષ કઈ રીતે આપું? તો એ ભક્તિ, એ સમર્પણ આપી દો! 

મેં હમણાં જ કહ્યું; તમે સમર્પિત થઇ જાવ! પણ સમર્પણ મેળવવાનો પણ આ short cut કેટલો મજાનો છે! પ્રભુને કહી દો, કે પ્રભુ સમર્પણ જો અનિવાર્ય છે તો એ સમર્પણ તું આપી દે! હું તો અહં ચેતના છું જ! હું ક્યારે વળી ઝુકવાનો હતો? તું મને ઝુકાવી દે! સદ્ગુરુ ચેતનાને મારી પાસે મોકલ, એ મને ઝુકાવી દે. સમર્પણ પણ તારે આપવાનું છે. એ પછી કહે છે, પ્રભુ કદાચ તમે કહેશો, હમણાં તારી યોગ્યતા મોક્ષે જવાની નથી. નથી તો નથી, આપી દો! એ પણ આપી દો! લાવો.! અચ્છા ! તમે કહેશો પ્રભુ કે તારા કર્મો ઘણા બધા બાકી છે. કર્મો બાકી છે તો ખતમ કરી નાંખો ! મારા કર્મોને ખતમ કરવા માટે હું કોઈ બીજા પાસે જવાનો નથી, તમારા જ ચરણોને મેં પકડ્યા છે, કર્મોને ખતમ કરી નાંખો.! 

અને એ પછી તો બહુ મજાની વાત કરી, કે પ્રભુ! કોઈ પણ માઁ હોય એ બાળકને ક્યારેય કહી શકે ખરી, કે તું ગંદુ છે, બાથરૂમમાં જઈને આવ! નાહીને આવ! પછી હું તને ખોળામાં લઉં.! અને જો કોઈ પણ માઁ એ રીતે કહે તો એના માતૃત્વની કોઈ ગરિમા રહેતી નથી. એમ કર્મોથી હું ભરેલો છું. તો શું થયું? રાગ-દ્વેષથી ખરડાયેલો છું તો શું થયું? હું ગંદુ છું પણ તારું બાળક છું. મારી એક વિશેષતા છે, હું તારું જ બાળક છું, અને તારી પાસેથી જ મારે બધું લેવાનું છે. 

અને એ પછી છેલ્લે તો ભક્તનો વિશેષાધિકાર એમણે ખોલ્યો. Fighting નો. પ્રભુ! મારા માટે તમે આ બધી વાતો કરો છો. યોગ્યતા નથી. કર્મો ઘણા છે. અને તમે શું કર્યું મને ખબર છે. મરૂદેવા માતા, તમારા માતા એટલે કોઈ સાધના નહિ કરાવી! હાથીની અંબાણી પરથી મોક્ષમાં મોકલી દીધા! ભરત ચક્રવર્તી તમારો દીકરો એટલે તમે શું કર્યું? આરીસા ભવનની અંદર કેવલજ્ઞાન એને આપી દીધું! બાહુબલી તમારો દીકરો એટલે એને પ્રતિબોધવા તમે બ્રાહ્મી અને સુંદરી બેય સાધ્વીજીઓને મોકલ્યા! એટલે આવો પક્ષપાત તમે રાખો છો! ભક્તની દુનિયા છે ને, બહુ મજાની છે. કારણ ભક્ત કહે છે; કે હું લડું નહિ, ભગવાન જોડે રીસ ન કરું, તો પ્રેમની ધારા એકદમ ફ્લેટ – સપાટ થઇ જાય, કંઈ આરોહ-અવરોહ હોય તો મજા આવે! હું રિસાઉં, એ મનાવે તો કેટલી મજા આવે! 

ઉદયનાચાર્ય બહુ જ મોટા દર્શનાચાર્ય બન્યા. ન્યાયકુસુમાંજલિ જેવા ગ્રંથોના પ્રણેતા. એ ઉદયનાચાર્ય પ્રખર દર્શનાચાર્ય હતાં અને પાછળથી પ્રખર ભક્તિયોગાચાર્ય. એક વાત તમને કહું; જે લોકો તર્કની દુનિયામાં ગયા, એ બધાને આખરે તર્કથી થાકીને ભક્તિની દુનિયામાં આવવું પડ્યું. શંકરાચાર્ય શ્રેષ્ઠ દર્શનાચાર્ય અને શ્રેષ્ઠ ભક્ત. સિદ્ધસેનદિવાકર સૂરિ શ્રેષ્ઠ દર્શનાચાર્ય અને શ્રેષ્ઠ ભક્ત. તર્કોથી સંતોષ ક્યારે પણ થતો નથી. જ્યાં સુધી ભક્તિની ધારામાં તમે ન આવો, ત્યાં સુધી તમે ક્યારે પણ સંતુષ્ટ બની શકવાના નથી. 

મેં વચ્ચે તમને કહેલું; એક પ્યાસ લઈને અગણિત જન્મોથી તમે દોડી રહ્યા છો. હજુ તમને ખ્યાલ નથી કે પ્યાસ શેની છે? પાણીની પ્યાસ હોય, કોઈ મલાઈ રબડી આપે તો ચાલશે? નહિ ચાલે. પાણી જ જોઇશે. એમ અગણિત જન્મોથી એક પ્યાસ લઈને તમે દોડી રહ્યા છો. તમને ખ્યાલ નથી કે એ પ્યાસ શેની છે? અને એટલે ચાલો પૈસા ભેગા કરો; કર્યા ભેગા. હવે બોલો સંતુષ્ટ થયા? પદાર્થોનો ઢગલો ઘરમાં ખડકયો. આજનો મનોવૈજ્ઞાનિક કહે છે; કે આજના માણસે ઘરને ગોડાઉન બનાવી નાંખ્યું છે. ઘરો નાનકડા, ચીજોનો અંબાર ઘણો. આજે તમને કહું કે એ પ્યાસ પ્રભુ મિલનની હતી. જ્યાં સુધી પ્રભુ તમને ન મળે, ત્યાં સુધી એ પ્યાસ તમારી બુઝાવવાની નથી, છીપાવવાની નથી. અમે લોકો સંતુષ્ટ. તૃપ્ત. કેમ શું કારણ? પ્રભુ મળી ગયા! એક સદ્ગુરુ તમને પ્રભુ આપવા માંગે છે. મારે તમને શબ્દો નથી આપવા, પ્રભુ આપવા છે! જોઈએ પ્રભુ? જોઈએ? એક પ્રભુ મળી જાય, જીવન આનંદમય! જીવન સંતુષ્ટ! જીવન તૃપ્ત! 

તો જે પણ દર્શનાચાર્યો હતાં, એ બધાને ભક્તિની ધારામાં આવવું જ પડ્યું અને એ લોકો જલ્દી આવી શક્યા. કારણ બુદ્ધિમાન તો બહુ જ હતાં. એ બુદ્ધિમતતા ને કારણે એમને ખ્યાલ આવ્યો કે આમાં આટલે સુધી ગયા, આટલે સુધી ગયા, આટલે સુધી ગયા. કંઈ મળતું નથી. We have no achievement. Achievement કોઈ જ નથી, પ્રાપ્તિ નથી, પાછા ફરી ગયા. તમને પૂછું છું: What’s your achievement? ૫૦ વર્ષ મહેનત કરી. ૬૦ વર્ષ મહેનત કરી. એક જ પ્રશ્ન મારો આજે; what’s your achievement? તમને બધાને પણ પૂછું; ૧૦ વર્ષનો દીક્ષા પર્યાય થયો, ૨૦ વર્ષનો થયો. ૩૦ વર્ષનો થયો. What’s your achievement? શું મળ્યું તમને? કેવો આનંદ મળ્યો તમને? આનંદ ત્યારે જ મળશે જ્યારે પ્રભુ હૃદયમાં આવશે. પ્રભુની આજ્ઞા હૃદયમાં આવશે. પાલન હું પણ બધું કરી શકતો નથી. પણ, પ્રભુ પ્રત્યે અત્યંત, અત્યંત, અત્યંત ભક્તિ હોવાને કારણે પ્રભુની એક-એક આજ્ઞા પ્રત્યે તીવ્ર આદર છે, અને આ જે તીવ્ર આદર છે, એ આનંદને લઈને આવે છે. એ આદરના સ્વરૂપે પ્રભુ આવી ગયા અંદર? 

ફરી પૂછું; what’s your achievement? આજે રાત્રે ઊંઘ ન આવે ને તો જરા વિચાર કરજો કે આટલા વર્ષોની અંદર પ્રાપ્તિ  શું થઇ? એક વાત નક્કી  છે, બધાને સુખ જોઈએ, આનંદ જોઈએ. જેમ-જેમ પદાર્થો ભેગા થયા, જેમ-જેમ સંપત્તિ વધી, સુખ વધ્યું? તમે જોઈ લો. અમે કહીશું ને એ હજુ તમારા ગળે ઓછું ઉતરશું; પણ તમારો જો અનુભવ હશે તો એક જ ક્ષણની અંદર તમને તત્વજ્ઞાન મળી જશે. અમે તો કહી-કહીને થાકી ગયા કે ત્યાગમાં સુખ. ઓછું થાય એમાં સુખ. પણ what’s your experience? તમારો અનુભવ શું છે? ચાલો હજુ ભેગું કરો. હજુ ભેગું કરો. પણ જોતાં તો જાવ કે 5 કરોડ હતાં ત્યારે જે સુખ હતું, એ સાત કરોડ થયા ત્યારે વધ્યું. દસ કરોડ થયા ત્યારે વધ્યું? પાંચ કરોડ હતાં ત્યારે જે સુખ હતું, દસ કરોડ રૂપિયા થયા, ડબલ થઇ ગયું? બોલો? તમારો અનુભવ શું છે એ મારે જાણવું છે. કારણ તમારો અનુભવ એ જ તમને આ બાજુ લઇ આવશે. અમે કહીશું; તમે સમજવાના મ.સા. છે ત્યાગની જ વાત કરે ને, બીજી કઈ વાત કરશે? પણ, તમને પોતાને લાગે, જેમ-જેમ પદાર્થો વધ્યા, જેમ-જેમ સંપત્તિ વધી, એમ પીડા વધી. 

એક વાત આજે તમને કહું, પૈસાથી કદાચ સુવિધા મળી શકે, સુખ તો ન જ મળે. સુવિધા કદાચ મળી શકે, સગવડ કદાચ મળી શકે. નાના ફ્લેટમાં રહેનારો, મોટા એપાર્ટમેન્ટમાં જાય. સુવિધા વધી શકે. સુખ તો માત્ર અને માત્ર પ્રભુ જ આપે. તમારો જ બેંચમેટ, તમારી જ બાજુના ફ્લેટમાં પાછળથી રહેનારો, તમે અને એ બાજુ-બાજુના ફ્લેટમાં રહેનારા, એને એવી લાઈન હાથમાં આવી ગઈ, કરોડો અબજો રૂપિયા એ કમાઈ ગયો અને પોશ એરિયામાં બહુ મોટો બંગલો બનાવ્યો એણે, ઇન્ટીરીયર ડેકોરેશનમાં દસેક કરોડ ખર્ચી નાંખ્યા. તમે એનો એ બંગલો જોવા માટે જાવ, ત્યારે તમને શું થાય? એ વખતે તમને તમારો ફ્લેટ કેવો લાગે? ફ્લેટ દ્વારા સુવિધા મળી કે તમે સારી રીતે રહી શકો છો. સુખ કોણ આપે? એ વખતે પ્રભુ આવે હૃદયમાં, તો સુખ જ સુખ.. કે ભાઈ એના પુણ્યથી એ કમાય છે. મારા પુણ્યથી હું કમાવું છું. અને આખરે આ જન્મની અંદર મારો હેતુ માત્ર પદાર્થોમાં રાચવાનો નથી. મારે તો સાધના કરવી છે. સાધના માટે હું આવ્યો છું. પ્રભુને મેળવવા માટે હું આવ્યો છું. તમે સુખી થાવ કે નહિ? સુખ પ્રભુથી જ મળે! બરોબર? ઘૂંટાઈ ગયું આજ? પૈસાથી સુવિધા વધે, સુખ ન વધે.

એ ઉદયનાચાર્ય એક ગામમાં ગયેલા. એ ગામમાં મહાદેવજીનું એક મંદિર. બપોરે ૧૨ વાગે પુજારી પૂજા કરીને બહાર નીકળ્યો. એ બંધ કરે એ પહેલાં ઓટોમેટીકલી દરવાજા બંધ થઇ ગયા. પછી ઘણી મહેનત કરી. દરવાજા ખુલે જ નહિ. કેટલાય ભક્તો આવ્યાં. ઘણી-ઘણી મહેનત થઇ દરવાજા નહિ ખુલે. એ અરસામાં ઉદયનાચાર્યને એ ગામમાં આવવાનું થયું. લોકોને આશા બંધાણી, આટલા મોટા ગજાના ભક્તિયોગાચાર્ય આવે છે, તો આજે તો ભગવાન દર્શન આપશે. ગામમાં આવ્યા. ઉદયનાચાર્યે પૂછ્યું; મંદિર ક્યાં છે? પહેલાં મંદિરે જઈએ. એમને ખ્યાલ નથી કશો. મંદિરે ગયા; બંધ દરવાજા. પૂછ્યું; કેમ અત્યારે મંદિર બંધ છે? તો ગામનો અગ્રણી આગળ આવ્યો, એ કહે, સાહેબ! મહિનાઓ પહેલાં ઓટોમેટીકલી દરવાજા બંધ થઇ ગયા છે, અને હવે ખુલતાં જ નથી! પણ આપ આજે આવ્યા છો, તો જરૂર પ્રભુ દર્શન આપશે. ઉદયનાચાર્યએ પ્રભુની સ્તુતિ કરી, દરવાજા ખુલ્યા નહિ. આ ભક્ત છે. સમર્પિત ભક્ત. પ્રભુના ચરણોમાં જેમને પોતાનું જીવન પૂરેપૂરું સમર્પિત કરી દીધેલું. 

તમે બધા સમર્પિત છો; પ્રભુને ગમે તે કરવાનું, પ્રભુને ન ગમે તો ન કરવાનું. બરોબર? એટલે જ મેં પહેલા કહેલું, કે જ્યારે તમે નક્કી કરો, કે પ્રભુએ કહ્યું છે એ મારે કરવું. શ્રાવકોના સ્તર ઉપર પ્રભુએ એ રીતે આજ્ઞાઓ આપી, તો એ રીતે તમારે આજ્ઞાઓનું પાલન કરવું. તમે પણ સદ્ગુરુને પૂછી શકો કે સાહેબજી ! મારી આ લાઈફ સીસ્ટમ પ્રભુને ગમે એવું આમાં ખરું? અથવા તો પ્રભુને ન ગમે એવું જે પણ હોય એ મને કહો એને હું દૂર કરી દઉં. સદ્ગુરુ ચેતનાનો પ્રવેશ વાસ્તવિક રૂપે તમારા જીવનમાં ત્યારે જ થાય જ્યારે તમે નક્કી કર્યું કે પરમાત્માની આજ્ઞા પ્રમાણે મારે ચાલવું. એ પ્રભુની આજ્ઞા ૪૫ આગમ ગ્રંથોમાં ફેલાયેલી છે. તમે ક્યાં વાંચવા જવાના? એટલે તમે સદ્ગુરુને પૂછી લો કે સાહેબજી! આ પ્રમાણે ચાલુ છું. હું બરોબર છું? 

એક ખેડૂત હળ હાંકતો હતો ખેતરમાં અને એક ભાઈ ત્યાંથી પસાર થયો, બાજુમાં રસ્તો હતો, એને સ્ટેશન ઉપર જવું હતું. એ ભાઈ ઉભો રહ્યો એક મિનિટ અને એણે પેલા ખેડૂતને પૂછ્યું; કે ૯.૪૫ ની ગાડી હું પકડી શકીશ? ખેડૂતે શું કહ્યું? જરા ચાલો તો…. પેલો પૂછે છે; હું ૯.૪૫ ની ગાડી પકડી શકીશ? ઉભા-ઉભા પૂછે છે. તો ખેડૂતે કહ્યું; જરા ચાલો તો. પેલાને થયું; મારો પ્રશ્ન છે આમ, આનો જવાબ છે આમ. કાંઈ નહિ. પરાણે કંઈ જવાબ લેવાય નહિ. એ ચાલવા માંડ્યો. એટલે પેલાએ કહ્યું; તમે ૯.૪૩ એ પહોંચી જવાના. પેલો માણસ કહે; પણ મેં પૂછ્યું ત્યારે જવાબ નહિ આપ્યો, અને હવે જવાબ આપો છો.! ત્યારે પેલા ખેડૂતે કહ્યું; કે તમે પૂછ્યું હોત ને કે કેટલા કિલોમીટર? તો હું તમને કહેત કે દોઢ કિલોમીટર છે. પણ તમે પૂછ્યું કે હું ૯.૪૫ પહેલા પહોંચીશ કે નહિ? તો હું તમારી ચાલ ન જોઉં ત્યાં સુધી મને ખબર શી રીતે પડે? તમે તમારી લાઈફ સીસ્ટમ, તમારી ચાલ ગુરુને દેખાડો અને કહો કે સાહેબ ! Am I right? હું બરોબર છું? હું આગળ ક્યાંક પહોંચી શકીશ? 

ઉદયનાચાર્ય ભક્ત છે, સમર્પિત ભક્ત, અને એ વખતે એ જે બોલ્યા છે ને, આપણી કલ્પનામાં ન આવે! એ મહાદેવજીને કહે છે; “ઐશ્વર્ય મદમત્તોસિ, મામ્ અવજ્ઞાય તિષ્ઠસિ; સમાપતિતે તુ બૌદ્ધે, મદધીના તવ સ્થિતિ: ‘ઐશ્વર્ય મદમત્તોસિ’ ભગવાનને કહે છે! તમે ઈશ્વર છો, એટલે ઐશ્વર્યના અભિમાનમાં તમે આવી ગયા છો. મામ્ અવજ્ઞાય તિષ્ઠસિ! બીજા બધાની અવજ્ઞા કરો, બરોબર છે, મારા જેવાની તમે અવજ્ઞા કરો! હું આવું ને દર્શન ન આપો! અને પછી કહ્યું; “સમાપતિતે તુ બૌદ્ધે, મદધીના તવસ્થિતિ:” જ્યારે બૌદ્ધોનું આક્રમણ હિંદુ સંસ્કૃતિ ઉપર થયું, ત્યારે એ આક્રમણને ખાળનાર હું હતો! જો એ આક્રમણને મેં ન ખાળ્યો હોત, તો તમારે બિસ્તરા – પોટલા ઉપાડીને બહાર જવું પડત.! 

ચાર ધામની યાત્રા અને આ બધું જે થયું ને, એ બૌદ્ધ સંસ્કૃતિના આક્રમણની સામે હિંદુ સંસ્કૃતિની રક્ષા માટે કર્યું. તો “મદધીના તવસ્થિતિ:” હું હતો તો તમે છો. ભક્ત બાળક છે અને બાળકને માં ની પાસે બધું જ કહેવાનો અધિકાર છે. 

તો શક્રસ્તવ સિદ્ધસેનદિવાકરસૂરિએ કરેલું એક મંત્રગાન છે, અને એવું ગાન જે સમૂહ ચેતનાને નિષ્પન્ન કરે. આપણે અત્યારે એ ગાન નથી કરતાં. પણ એ ગાનની અંદર જે ભાવો ભરાયેલા છે, એ ભાવોની આપણે વાતો કરી રહ્યા છે. 

તો બહુ મજાનો શ્લોક આપણી સામે છે: 

“त्वं मे माता पिता नेता,

देवो धर्मो गुरु: पर: ।

प्राणा: स्वर्गोSपवर्गश्च,

सत्त्वं तत्त्वं गतिर्मति:॥” 

આ શ્લોકને આપણે આવતી કાલે પણ જોઈશું.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *