વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : સ્તબ્ધતા. હર્ષાશ્રુ. આનંદ.
પરમાત્માનો પરમપ્રેમ પહેલી વાર જે ક્ષણે ઝીલાય, તે ક્ષણે ભક્તની ભાવદશા કેવી હોય? ભક્ત પહેલા સ્તબ્ધ થાય છે; એ સ્તબ્ધતા આંસુઓમાં વિખેરાય છે અને પછી આનંદનો એક સ્થાયી ભાવ મળે છે.
કોઈ આશ્ચર્યસભર ઘટના બને અને conscious mind બાજુમાં ખસી જાય, ત્યારે સ્તબ્ધતાનો અનુભવ થાય. સ્તબ્ધતાની ક્ષણો બહુ જ મજાની. ત્યાં conscious mind નથી અને તમે પોતે પરમાત્માના પ્રેમને અનુભવી રહ્યા છો.
પછી એ સ્તબ્ધતા તૂટીને conscious mind પાછું આવી જાય, તો પણ વાંધો નથી. કારણ? એક વખત અસ્તિત્વના સ્તરે પ્રભુનો પ્રેમ અનુભવાઈ ગયો, પછી conscious mind ના સ્તરથી તમે બહારનું કામ કરશો અને તમારું ભીતરી મન (જેને આપણે ઉપયોગ કહીએ) ભીતર જ રહેશે.
પરમ સ્પર્શની યાત્રા – વેસુ ચાતુર્માસ વાચના – ૪૧
પરમાત્માનો પરમપ્રેમ પહેલીવાર જે ક્ષણે ઝીલાયો, એ ક્ષણે ભક્તની ભાવદશા કેવી હતી? ભક્ત પહેલાં સ્તબ્ધ થાય છે; એ સ્તબ્ધતા આંસુઓમાં વિખેરાય છે અને પછી આનંદનો એક સ્થાયી ભાવ મળે છે. સૌથી પહેલાં જે ભાવદશા આવી, એ સ્તબ્ધતા હતી. આવો પ્રેમ હોઈ શકે ખરો?!
મેઘકુમાર પહેલીવાર પ્રભુની પાસે ગયાં. સ્તબ્ધ થઇ ગયાં.! આવો પ્રેમ હોઈ શકે? Beyond the imagination! કલ્પનાને પેલે પારની આ વાત હતી. અગણિત જન્મોમાં જે પ્રેમને અનુભવેલો, એ પ્રેમ કરતાં આ પ્રેમ બિલકુલ અલગ હતો. જેમાં ન હતો સ્વાર્થ, ન હતો રાગ; શુદ્ધ સ્નેહની એક સરવાણી ચાલી રહી હતી. તો પહેલી ભાવદશા સ્તબ્ધતા.
આવી એક વિરાટ ઘટના મારા ઉપર ઘટિત થઇ રહી છે! સ્તબ્ધતા ક્યારે થાય છે? આશ્ચર્ય સભર ઘટના હોય છે, અને conscious mind બાજુમાં ખસી જાય છે, ત્યારે જ સ્તબ્ધતાનો અનુભવ તમને થાય છે. એકવાર conscious mind બાજુમાં મુકાઈ જાય, પછીનો જે અનુભવ હશે, એ તમારો પોતાનો હશે.
ગુર્જિએફની જીવનની એક ઘટના યાદ આવે. સાંજનો સમય. ગુર્જિએફ પોતાના આશ્રમમાં બેઠેલા. એક સાધક આવે છે. સાધક શેના માટે આવે? સાધના લેવા માટે. તમે સાધક કે માત્ર શ્રોતા? તમે માત્ર શ્રોતા નથી, સાધક પણ છો; અને સાધક સદ્ગુરુ પાસે માત્ર સાધના લેવા માટે આવે. એણે ગુરુને વિનંતી કરી; ગુરુદેવ! મને સાધના દીક્ષા આપો. ગુરુ તૈયાર હતા. અમે તો તૈયાર જ હોઈએ ને..? કારણ, પ્રભુએ અમને આ કામ સોંપેલું છે. મેં વચ્ચે કહેલું; કે ગુરુ ચેતના પરમ નિષ્ક્રિય છે, પરમ ચેતના પરમ સક્રિય છે; પણ, ગુરુ ચેતના પરમ નિષ્ક્રિય છે. We have not to do anything absolutely. અમારે અમારી ઇચ્છાથી કશું જ કરવું નથી. પ્રભુએ આજ્ઞા કરી; “તને સિદ્ધિ થઇ છે, વિનિયોગ કર!” તો પ્રભુની આજ્ઞાનું પાલન કરવાનું. ગુરુ ચેતના પોતાના તરફથી પરમ નિષ્ક્રિય છે, એણે કશું જ કરવું નથી; એ જ કરવું છે, જેના માટે એને પ્રભુની આજ્ઞા મળેલી છે.
તો ક્રિયા કરવા છતાં એ નિષ્ક્રિય છે, કારણ એની પાસે કર્તૃત્વ નથી. મેનેજરે કહ્યું; અને ક્લાર્ક દસ લાખ રૂપિયાનો ચેક બેંકમાંથી લઈને આવી રહ્યો છે, અથવા ચેક લઈને ગયો, પૈસા લઈને આવી રહ્યો છે; પણ એ ક્લાર્ક ને ક્યારેય પણ થવાનું; દસ લાખ રૂપિયા મારા છે! એના ઉપર એની માલીકીયત ક્યારે પણ સ્થપાવાની નહિ. એમ અમે કોઈ પણ કાર્ય કરીશું, એ કાર્ય પરની માલીકીયત માત્ર પ્રભુની છે.
સદ્ગુરુ તૈયાર હતા… આમ પરમ નિષ્ક્રિય; પણ પ્રભુની આજ્ઞાના પાલનમાં પરમ સક્રિય.
ઘણા બધા વિરોધા ભાસો હોય છે. એક વિરોધભાસની મેં વાત કરેલી કે હું નિશ્ચયની ધારામાં ઊંડે ઉતરેલો છું. આત્મ-સ્વરૂપનું અનુભવન સતત ચાલતું હોય છે, છતાં અહોભાવની ધારામાં હું આવી શકું છું. આ પણ એક પ્રભુની કૃપા જ છે. નહિતર હું સાક્ષીભાવમાં ગયા પછી સાક્ષીભાવના પિંજરામાં પૂરાઈ જાઉં. એ વાત પણ મારે કરવી છે આજે કે એકલો સાક્ષીભાવ કોરો પડી જાય છે. સાક્ષીભાવ છે, સમર્પણ તમારી પાસે નથી; તો એ સાક્ષીભાવ કોરો પડી જવાનો, અને પાછળના બારણેથી કર્તૃત્વ આવી જવાનું; હું સાક્ષીભાવની ટોચ પર પહોંચી ગયો છું! એટલે પ્રભુની કૃપા છે કે સાધનાનું બેલેન્સિંગ એ આપણને કરીને આપે છે. સાક્ષીભાવ અને સમર્પણનું એક બેલેન્સિંગ પ્રભુની સાધનામાં છે.
તો સદ્ગુરુ તૈયાર હતા, પણ પેલો તૈયાર નહતો.! સદ્ગુરુ સાધના આપે. પણ કોને આપે? હું સાધના આપું, પણ કોને આપું? તમને આપું ને? મારા આ શબ્દો તમે લઇ રહ્યા છો. ખરેખર તમે લઇ રહ્યા છો? ન તમારા કાન, ન તમારું conscious mind, માત્ર તમે અને તમે પ્રભુના આ શબ્દોને ઝીલી રહ્યા છો, એવું કહી શકાય?
કલ્પસુત્રના પ્રવચનો આવે ને, ત્યારે ઘણા લોકો ઊંઘવા માંડે. કેમ? સાંભળેલું છે બધું.! એક ભાઈએ મને પૂછેલું; કે સાહેબ! દર વર્ષે કલ્પસૂત્ર કેમ? મેં કહ્યું, તને જવાબ શું આપું? તારો પ્રશ્ન જ ખોટો છે. પ્રશ્ન એ હોવો જોઈએ, કે સાહેબ દર અઠવાડિયે કલ્પસૂત્ર કેમ નહિ? પ્રભુની વાતો જ્યાં આવે છે, પ્રભુની સાધનાની વાતો જ્યાં ગૂંથાયેલી છે, એ પરમ પાવન કલ્પસૂત્ર એનું શ્રવણ ગુરુદેવ તમે અમને દર અઠવાડિયે કેમ નથી કરાવતાં? મેં કહ્યું; તારો પ્રશ્ન તો આ જોઈએ. તમે માત્ર conscious mind ના લેવલથી સાંભળો છો. આ તો સદ્ગુરુઓની એક ઉદારતા છે કે તમને પ્રવેશ આપી દે છે; નહિતર કહી દે કે ભાઈ! જેને અસ્તિત્વના સ્તરથી પ્રભુને માણવા હોય એ જ અહીંયા આવજો, બાકી ભીડ ઉભી નહિ કરતાં.
વચ્ચે એક વાત યાદ આવી. ગુર્જિએફને પૂછવામાં આવ્યું; કે રવિવારે પ્રવચન આપશો? ગુર્જિએફે કહ્યું; જોઈએ. હા નથી પાડી! જોઈએ કહ્યું; ૧૦૦-૧૫૦ કિલોમીટર સુધી સમાચાર ફેલાઈ ગયા કે કદાચ, સદ્ગુરુ આ રવિવારે બોલશે, ૪૦૦૦ માણસ એકઠું થઇ ગયું, પંડાલ ખીચોખીચ ભરાઈ ગયો. કહેવામાં આવ્યું; કે સાહેબ ! આટલા બધા લોકો તમને સાંભળવા માટે આવી ગયા છે. ગુર્જિએફ કહે છે; ના પાડી દો, આજે પ્રવચન નથી. બીજા રવિવારે ફરી પૂછવામાં આવ્યું; જોઈએ. ફરી સમાચાર પહોંચ્યા, ૨૦૦૦ માણસ આવ્યાં; ગુર્જિએફે ના પાડી પ્રવચનની. ત્રીજો રવિવાર; સાહેબ બોલશો? જોઈએ. તો પણ હજાર માણસ આવ્યું અને એ દિવસે ગુર્જિએફ જે બોલ્યાં, એ હજાર લોકોને લાગ્યું કે ખરેખર સદ્ગુરુને અસ્તિત્વના સ્તરથી આજે અમે માણ્યા. ગુરુએ પરીક્ષા કરી; પહેલો રવિવાર; નહિ. બીજો રવિવાર; પ્રવચન નહિ. ત્રીજો રવિવાર, જોઈએ. શું થયું? જેમને એક તડપન હતી; સદ્ગુરુના શબ્દોની, એ લોકો જ આવેલા. તો ગુર્જિએફ સાધના આપવા તૈયાર હતાં, પણ પેલો સાધના લેવા માટે તૈયાર નહતો; કારણ, conscious mind નું લેવલ જ હતું, અસ્તિત્વના સ્તર વિના સાધના તમે મુકો ક્યાં?
ગુર્જિએફે એક સરસ પ્રયોગ કર્યો. એમણે કહ્યું, આ હોલનું લાકડાનું બિંબ સુથારો ગોઠવતાં હતાં, સમય થયો એટલે નીકળી ગયા. બરોબર સેન્ટરમાં બિંબ નથી આવ્યું. તું જરા ઉપર ચઢી જા. આપણે બિંબને સેન્ટરમાં ગોઠવી દઈએ. પેલો ઉપર ચઢ્યો. ગુરુ નીચેથી કહે છે; જરા right – જમણું લે. પેલાએ જમણું લીધું. અરે યાર વધારે જમણું આવી ગયું, થોડું ડાબું લે, પેલાએ ડાબું લીધું. હજી સેન્ટરમાં નથી આવ્યું. થોડું left વધારે લે. થોડું વધારે લેવા ગયો, અને સેન્ટરની બહાર જતું રહ્યું પાછું. હવે આમ લે પાછું. એમ અડધો કલાક સુધી right-left, right – left, કરાવ્યા કર્યું. હવે આના કારણે શું થાય? થાય શું? કંટાળાજનક પ્રવૃત્તિ છે, એટલે ઊંઘ આવે છે. તમને ઊંઘ ક્યાં-ક્યાં આવે? એક તો પ્રવચનમાં બરોબર..? કેટલાકની ઉડી જાય, ને કેટલાને આવી જાય.
તો અડધો કલાકની કંટાળાજનક પ્રવૃત્તિ; conscious mind થાક્યું.. થાક્યું એટલે ઊંઘ્યું. એક વાત by the way કહું; ઊંઘે કોણ? ઊંઘે કોણ? તમે નહિ, જે થાકે તે ઊંઘે. કોણ ઊંઘે? થાકે તે ઊંઘે. શરીર કામ કરીને થાક્યું હોય, conscious mind વિચારો કરીને થાક્યું હોય, એ બેય સૂઈ જાય. તમારે સુવાનું ક્યાં છે?
હું નાનો હતો ને, ૧૧ વર્ષે મેં દીક્ષા લીધી. પહેલું જ ચોમાસું જુના ડીસામાં. અષાઢ સુદ ચૌદસ આવી, અને ગુરુદેવ વિચારમાં પડ્યા કે આને સંથારામાં સુવાડીએ, અને સવારે પાંચ ફૂટ દૂર નીકળે છે; આને સાલાને પાટ પર સુવાડીશું તો ધબો નારાયણ કરશે! પણ વિધિ તો હતી જ. તો બહુ જ નાનકડી પાટ મારા માટે શોધી, અને ગુરુદેવ નો કેવો પ્રેમ કે બાજુમાં બ્લેન્કેટ મુકવી દીધા, બેય બાજુ, કે પડું તો પણ મને વાગે નહિ. પણ એ આખા ચોમાસામાં હું એકેવાર પાટ પરથી નીચે ન પડ્યો! કારણ unconscious mind જે છે એમાં સુચના અપાયેલી કે જો હલ્યા-ડોલ્યા તો પડ્યા.!
તમે પણ સમેતશિખરની યાત્રાએ જાવ, રેલ્વેની નાનકડી berth હોય; તમે રાત્રે સૂઈ જાવ, ક્યારે પણ નહિ પડો. સુતાં પહેલાં તમે તમારા અંતરંગ મનને સુચના આપો છો કે હવે હાલવા-ડોલવાનું નથી. શરીર સૂઈ જાય, conscious mind સૂઈ જાય, પણ તમે જાગો છો ને? અને એટલે જ સંથારાપોરસીના સૂત્રમાં કહ્યું; “अतरंत पमज्जए भूमिं” શ્રાવક ઊંઘેલો છે કે સાધુ સૂતેલો છે, પણ પડખું બદલવાનું છે; ઓઘો કે ચરવળો હાથમાં આવી જાય છે, એ જગ્યા પૂંજાય જાય છે, શરીરનો એ ભાગ પૂજાય જાય છે અને પછી પડખું બદલાઈ છે. તો શું થયું? conscious mind સુતેલું છે, શરીર સુતેલું છે; તમે જાગતા છો.
તો પેલાનું conscious mind અને શરીર બેઉ થાકી ગયા. થાક્યા એટલે ઊંઘ્યા. ગુરુને પણ આ જ કામ કરવું હતું, એને ઊંઘાડવો હતો. જોયું કે પડે એવો નથી. એક મિનિટ , બે મિનિટ, અઢી મિનિટ સુવા દીધો. અને પછી ગુરુએ જોરથી બુમ મારી. એય! શું કરે છે? પેલાએ આંખ ખોલી. આ તમારા બધાનો અનુભવ હશે. આંખ ખુલી ગઈ છે, પણ conscious mind activate થયું નથી. આપણને ઘણીવાર એવું થાય, સાંજે વિહાર કરીને ગયા; રાત્રે સુતાં, તમે ઉઠ્યા, દંડાસણ હાથમાં પણ આવી ગયું; પણ conscious mind તરત activate નથી થતું. એટલે અહીંયા હું આવ્યો છું; તો ત્યાં બાથરૂમ જવા માટે કઈ જગ્યા છે? હું ઉપર છું? દાદર ઉતરીને જવાનું છે? ક્યાં જવાનું છે? એ થોડી સેંકડો તમને ખ્યાલ નથી આવતી. થોડી સેકંડો થઇ, conscious mind activate થઇ ગયું અને તરત તમને ખ્યાલ આવી ગયો. એ ગાળો બહુ જ મહત્વનો છે. જ્યારે conscious mind નથી, અને તમે છો. conscious mind પાસે બીજું કોઈ ગણિત જ નથી. કારણ કે કોમ્પ્યુટર છે એને તમે પ્રોગ્રામ ખોટો feed કરીને આપ્યો છે; એટલે ખોટા જ પ્રોગ્રામોમાં એ ચાલી રહ્યું છે, પદાર્થોથી સુખ મળે, વ્યક્તિઓને મળું ને સુખ મળે, બહારથી સુખ મળે. ખોટો પ્રોગ્રામ તમે તમારા conscious mind ના કોમ્પ્યુટરમાં feed કરેલો છે; અને એટલે તમારા conscious mind નું કોમ્પ્યુટર ખોટા પ્રોગ્રામો રોજ આપી રહ્યું છે. એ conscious mind સૂઈ ગયું, તમે જાગતા છો. એ જ ક્ષણે ગુરુએ એની સામે જોયું. આંખ દ્વારા સીધો શક્તિપાત કર્યો અને બિંબ પર બેઠેલા એણે ગુરુના શક્તિપાતને ઝીલી લીધો. એ નીચે ઉતર્યો, હવે માત્ર thanks કહેવાનું હતું, આભાર માનવાનો હતો; કામ પૂરું થઇ ગયું હતું.
તો સ્તબ્ધતામાં શું થાય? conscious mind બાજુમાં જતું રહે. Accident કોઈ પણ થાય, ત્યારે તમે જોજો. થોડી સેકંડો તમને ખ્યાલ નહિ આવે શું કરવું? શું થયું? conscious mind બાજુમાં જતું રહ્યું છે. તો સ્તબ્ધતાની ક્ષણો, બહુ જ મજાની ક્ષણો કે conscious mind નથી અને તમે છો. તમે પરમાત્માના પ્રેમને અનુભવી રહ્યા છો. તો પરમાત્માનો પ્રેમ પહેલીવાર ઝીલાયો, ત્યારે સૌથી પહેલી ભાવદશા જે થઇ એ સ્તબ્ધતાની. એ સ્તબ્ધતા તૂટે, conscious mind આવી ગયું. પણ હવે વાંધો નથી. કેમ? કે અસ્તિત્વના સ્તરે પ્રભુનો પ્રેમ અનુભવાઈ ગયો છે. એકવાર અસ્તિત્વના સ્તર પર સાધના પહોંચી ગઈ. પછી conscious mind નું લેવલ આવે તો વાંધો નથી. conscious mind ના લેવલથી તમે બહારનું કામ કરશો, અને તમારું મન ભીતરનું જેને આપણે ઉપયોગ કહીએ, એ ઉપયોગ અંદર અને અંદર રહેશે.
મેં આ જ ટેકનીકથી કામ કર્યું છે. ૩૦ વર્ષ એકાંતમાં રહ્યો. ગુરુદેવ અચાનક ગયા. અરવિંદસૂરિ દાદાએ કહ્યું; હું કંઈ સંભાળવાનો નથી, તારે બધું સંભાળવાનું છે. એ મારા ગુરુ હતા, ગુરુની આજ્ઞા શિરોધાર્ય કરવાની હતી. પાટ પર આવી તો ગયો, પણ મારે મારી સાધનાને અખંડ રાખવી હતી. કારણ એકવાર તમે એના પ્રેમનો, એને આપેલી સાધનાનો અનુભવ કરી લો, પછી તમે એને ક્યારેય છોડી શકતા નથી. તો મારે એ પ્રભુના પ્રેમથી એક ક્ષણ અળગા થવું નહતું. એ પ્રભુએ આપેલી સાધનાથી એક ક્ષણ અળગા થવું નહતું. તો મેં આ ટેકનીક અજમાવી, કે પ્રવચનની ટેવ પડેલી છે, તો conscious mind જે છે એ પ્રવચન આપી દે, થોડો ઉપયોગ અંદર હોય. તો કોઈ પણ ક્રિયાઓ ચાલતી હોય, અને એ વખતે હું મારી અંદર હોઉં. વાસક્ષેપ અપાઈ રહ્યો છે, લોકોની જોડે વાતો પણ થઇ રહી હોય, અને અંદર રમવાનું ચાલુ હોય.
અને એ જ વાત પદ્મવિજય મ.સા. એ કરી. “સારણાદિક ગચ્છમાંહિ કરતાં, પણ રમતાં નિજ ઘર હો” સારણા, વારણા, ચોયણા, પડીચોયણા બધું જ ચાલી રહ્યું છે અને પોતાના ઘરમાં રમવાનું પણ ચાલુ છે. તો સ્તબ્ધતા તૂટી, આંસુની ધારા ચાલુ થઇ. મારા પ્રભુ! તું મને ચાહે છે.! મારામાં કશું નથી.! કંઈ મારી લાયકાત? કંઈ મારી સજ્જતા? કઈ મારી યોગ્યતા? કે તું મને ચાહે…?! હર્ષના આંસુ આંખોમાંથી નીકળી રહ્યા છે અને એ પછીની ક્ષણો આનંદની ક્ષણો છે. પછી તમે જે પણ કંઈ કરો, એ આનંદમય ઘટના છે. પડીલેહણ કરો છો, મારા પ્રભુએ કહ્યું છે, એટલે એમાં પણ પ્રભુનો પ્રેમ આવી ગયો; અને એ જ આપણું પ્રીતિ અનુષ્ઠાન.
ચાર અનુષ્ઠાનો પૈકીનું પહેલું અનુષ્ઠાન પ્રીતિ અનુષ્ઠાન. પ્રભુના પ્રેમમાં રંગાયેલી એક નાનકડી પણ ક્રિયા પ્રીતિ અનુષ્ઠાન.
મુંબઈ વાલકેશ્વરમાં મોટા દેરાસરે એક સુખી પરિવારને જોયેલો, જે કલાકો સુધી પ્રભુની આંગી કરે. બેન ત્રણ કલાક, ચાર કલાક, પાંચ કલાક સુધી પ્રભુની આંગી બનાવ્યા કરે, ચાંદીના ખોખા ઉપર. બેન પરમ ભક્ત હતા. રજાનો દિવસ હોય ત્યારે સંતાનો પણ આવી જાય, આંગી કરવા માટે. મેં એમને પૂછ્યું; કે આંગી કરતી વખતે તમારી feeling શું હોય છે? તો એમણે કહ્યું; સાહેબ! હું પ્રભુની જોડે હોઉં છું. એ ક્ષણો મારી પ્રભુમય ક્ષણો હોય છે. એટલે સ્તબ્ધતા, આંસુ, આનંદ. એ આનંદ તમને મળ્યો, પછી તમે જે પણ કરો, એ પ્રભુ સાથે જોડાવાની ક્ષણો.
મીરાંએ મજાની વાત કરી. મીરાંએ કહ્યું, શતરંજ રમવી છે, પણ partner કોણ હોય? પ્રભુ.! પ્રભુ સિવાય કોઈની સાથે બોલું નહિ, તો પ્રભુ સિવાય કોઈની સાથે ખેલું પણ કેમ? મીરાં કહે છે; “ચોપટ ખેલું પિય સે, તન મન જોર લગાય” એ વખતે શરીરમાં ઉત્સાહ છે, મનમાં પણ ઉત્સાહ છે, કારણ મારા પરમાત્માની જોડે હું છું. પછી પૂછવામાં આવ્યું; કે શતરંજની રમત, એમાં તો હાર પણ થાય અને જિત પણ થાય. તું હારી જાય તો તારી feeling શું હોય? તો મજા. હારી જાઉં તો પણ મજા, જીત મળે તો પણ મજા. બેય બાજુ લાડવા.! “હારી તો પિયકી ભયી રે, જીતી તો પિય મોહ” હું હારી ગઈ; તો પ્રભુની થઇ ગઈ. હું જીતી ગઈ તો પ્રભુ મારા થઇ ગયા.! બેય બાજુ લાડવા.! બેય બાજુ મજા.! “હારી તો પિયકી ભયી રે, જીતી તો પિય મોહ”
આ જ આનંદના લયમાં શક્રસ્તવ આવેલું છે. એ શક્રસ્તવનો ધ્વની માત્ર તમારા કર્ણ પટલ પર અથડાય, તમારા વિકલ્પો શાંત થઇ જાય, તમારી અશાંતિ છૂ થઇ જાય. અર્થ સમજો કે ન સમજો, કોઈ મોટી વાત નથી, અર્થ ન સમજાય તો પણ કોઈ વાંધો નથી. એની ધ્વનીમાં આ તાકાત છે કે; તમારા મનના વિકલ્પોને છૂ કરી નાંખે અને વિકલ્પો ગયા એટલે શાંતિ જ શાંતિ. મજા જ મજા.
પક્ખીસૂત્રમાં જે આગમ ગ્રંથોના આપણે નામ લઈએ છીએ, એમાં બે આગમ ગ્રંથો છે; ઉત્થાન સૂત્ર અને સમુત્થાન સૂત્ર. ઉત્થાન સૂત્ર જે છે; એ બોલો.. એના ધ્વની તરંગો જ્યાં સુધી જાય ત્યાં સુધી સાંભળનાર જે છે એના મનમાં ઉથલ-પાથલ થાય અને એને પીછે હટ કરવી પડે. કોઈ મુનિ ઉપર કોઈ અસામાજિક તત્વ દ્વારા આક્રમણ થતું હોય, ઉત્થાન સુત્રનો પાઠ શરૂ થાય, પેલા લોકોએ ભાગી જવું પડે. એક ધ્વનિમાં તાકાત. સમુત્થાન સૂત્ર એવું છે કે એ બોલો.. આ એક હોલમાં સમુત્થાન સુત્રનું પઠન શરૂ થાય, તો હોલમાં રહેલા બધાના મન એકદમ શાંત, શાંત, શાંત થઇ જાય. ધ્વનિની આ તાકાત છે. એટલે કોઈ પણ મંત્ર હોય, એનો અર્થ સમજવાની કોશિશ નથી કરવી, એનો ધ્વની perfectly, properly આપણને મળવો જોઈએ. Pronunciation શુદ્ધ હશે, તો જ ધ્વની શુદ્ધ મળશે.
સિદ્ધસેનદિવાકરસૂરિ મહારાજને એક વિચાર આવ્યો કે ગણધર ભગવંતોએ સૂત્રો પ્રાકૃત ભાષામાં રચ્યા, એ યુગ હતો. આજનો યુગ સંસ્કૃત ભાષાનો છે; “विद्वद्मान्य विद्वदभोग्य” ભાષા સંસ્કૃત છે. તો બધા જ સુત્રોને હું સંસ્કૃતમાં ફેરવું. આદરભાવ છે. ગણધર ભગવંતો પ્રત્યે પૂજ્યભાવ છે. એમણે એ વાત ગુરુદેવને કહી. ગુરુદેવે એમને પારાંચિત પ્રાયશ્ચિત્ત આપ્યું. ૧૪ વર્ષ સુધી ગુપ્તવાસે રહેવાનું, ગુપ્ત વેશે રહેવાનું, એક રાજાને જૈન ધર્મી બનાવવાનો, એક તીર્થ આપણું બીજે ગયેલું હોય, એને પાછું લાવવાનું. આટલું મોટું પ્રાયશ્ચિત્ત કેમ આપ્યું? આશય ખોટો નહતો, પૂજ્યભાવ છે ગણધર ભગવંતો પ્રત્યે; પણ વાત એ હતી કે ધ્વનીને તોડવાની વાત હતી.
‘પંચિદિય સંવરણો’ એક ધ્વની છે. તમે સંસ્કૃતમાં એને ફેરવો; “पंचेन्द्रीय संवारक:” ધ્વની ફરી ગઈ. એટલે ધ્વનીને તોડવાનો વિચાર કર્યો, એ બદલ આટલું મોટું પ્રાયશ્ચિત્ત ગુરુએ એમને આપ્યું; અને એટલા માટે કે ભવિષ્યની અંદર કોઈ આ ધ્વનીને તોડવાનું પાપ ન કરે.
ઈરિયાવહી સૂત્ર બોલો, અને આંખોમાંથી આંસુ સરે. નમુત્થુણં બોલો અને અહોભાવની ધારામાં તમે જાવ, કારણ કે ધ્વની એ છે; એ નમુત્થુણં સાંભળો કે નમુત્થુણં બોલો અહોભાવ આવે, આવે અને આવે જ. એટલે એ ધ્વની તોડી શકાય નહિ. સંસ્કૃતમાં ગ્રંથોને કે સુત્રોને ફેરવી શકાય નહિ. દરેક મંત્ર આ રીતે ધ્વનીના base ઉપર કામ કરી રહ્યા છે.
શું મજાની પરંપરાઓ આપણને મળી છે… કેટલી બધી પરંપરાઓ મળી છે મજાની. પહેલા પણ મેં એકવાર કહેલું; કે પરંપરાઓને સમજવી છે. ક્યારે પણ પરંપરા વિરુદ્ધ એક શબ્દ બોલતાં નહી. એ પરંપરાને કોઈ પૂર્વાચાર્યે શરૂ કરી હશે. મહાજ્ઞાની ગીતાર્થ ગુરુ ભગવંતે શરૂ કરી હશે. તમારી બુદ્ધિમાં એ ન ઉતરે એથી તમને એ પરંપરા તોડવાનો પણ અધિકાર પણ નથી, અને પરંપરા વિરુદ્ધ બોલવાનો પણ અધિકાર નથી. પરંપરાને માત્ર follow up કરવી છે. અઢાર હજાર વર્ષ સુધી પ્રભુનું શાસન જે ચાલશે, એ આ પરંપરાને કારણે ચાલશે. છેલ્લે એક સાધુ, એક સાધ્વી, એક શ્રાવક ને એક શ્રાવિકા હોય, તો પણ પ્રભુનું શાસન ચાલે.
એટલે પરંપરાઓ બહુ જ મહત્વની છે.
તો શક્રસ્તવ બહુ મજાનો મંત્રગાન છે. ક્યારેક એ સાંભળો, ત્યારે તમને ખ્યાલ આવશે કે એકાગ્ર ચિત્તે તમે સાંભળશો; તમારા વિકલ્પો છૂ થઇ જશે, તમને અપાર શંતિ મળશે. એ જ શક્રસ્ત્વના છેડે જે શ્લોક આવ્યો છે; એને આપણે જોઈ રહ્યા છીએ. “ત્વં મે માતા – પ્રભુ! તું મારી માઁ છે.. અને પ્રભુ આપણી માઁ છે. તો આપણે કરવાનું બાકી શું રહ્યું? મોક્ષ આ રહ્યો.! પ્રભુ મોક્ષ આપી દેશે.
ઉપાધ્યાયજી ભગવંતે એક સ્તવનમાં કહ્યું; “શુદ્ધ દ્રવ્ય ગુણ પર્યાય ધ્યાને, શિવ દિયે પ્રભુ સપરાણે રે” ગયા હતા દર્શન કરવા, અને આત્મ-દ્રવ્યનું ધ્યાન કરીને તમે ગયેલા, પ્રભુ કહે છે; લે! મોક્ષ તમને આપું.! ‘શિવ દિયે પ્રભુ સપરાણે રે’ લે, લઇ જા ! હું મોક્ષ આપું છું આજે. એ પ્રભુ આપણી માઁ છે. પછી પણ ઘણા બધા વિશેષણો મુક્યા છે. પ્રભુને પિતા તરીકે કલ્પ્યા, નેતા તરીકે, ગુરુ તરીકે પણ પ્રભુને કલ્પ્યા છે. બહુ જ મજાની વિભાવના છે. આગળ આપણે જોઈએ.
