Param Sparsh Ni Yatra – Vachana 45

41 Views
19 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : ધ્યાન સહજ સંભારી રે

ધ્યાન એટલે સ્વરૂપ-સ્થિરતા. ઉપયોગ સ્વમાં રહે, તે ધ્યાન. તમે તમારામાં હોવ, તે ધ્યાન. તમારું મન જે સતત પરમાં જતું હોય, તેને તમે અટકાવી શકો તેવું નિયંત્રણ આવે, પછી ધ્યાન બહુ સરળ છે.

અત્યારે તમારું મન ખોટી રીતે treat થયેલું છે એટલે વારંવાર પરમાં જતું રહે છે. સાક્ષીભાવ આવે, એટલે આ રીતે પરમાં જવાનું બંધ થઈ જાય.

ના ભૂતકાળનું સ્મરણ. ના ભવિષ્યની ચિંતા. માત્ર વર્તમાનની શુદ્ધ ક્ષણમાં સાક્ષીભાવે રહેવાનું. આવો સાક્ષીભાવ સહજ ધ્યાનની પૃષ્ઠભૂમિકા બની જાય.

પરમ સ્પર્શની યાત્રા – વેસુ ચાતુર્માસ વાચના –

‘मधुराधिपतेरखिलम् मधुरम्’ માધુર્યના અધિપતિ પરમાત્માનું બધું જ મધુરું મધુરું હોય. પ્રભુએ આપેલી સાધના એ પણ મધુર. પ્રભુએ સાધનાનું composition આપ્યું: સાક્ષીભાવ + સમર્પણ. સાક્ષીભાવ બધી જ ઘટનાઓથી તમે નિર્લેપ હોવ; બહાર કશુંક બની રહ્યું છે.., ઘટિત થઇ રહ્યું છે…, તમે એનાથી બેખબર છો! 

ભર્તુહરિએ સંન્યાસ લીધો. એકવાર પદ યાત્રા કરતાં એક સાંજે એક ગામમાં એ આવ્યા. ગામની બહાર કૂવો, અને એની બાજુમાં મજાની શિલા હતી. ભર્તુહરિએ નક્કી કર્યું, રાતવાસો આ શિલા ઉપર. લગભગ પરોઢના ચાર વાગ્યા સુધી ધ્યાનદશા એમની ચાલી રહી. ચાર વાગે થોડું શરીરને આરામ આપવા માટે લેટ્યા. છ વાગ્યા. ભર્તુહરિ લેટેલા છે. નજીકમાં કૂવો છે. બહેનો પાણી ભરવા માટે આવી છે. એક બેન ભર્તુહરિને ઓળખી ગઈ કે આપણા માળવાનો આ સમ્રાટ હતો. મજાની વાત એ છે કે અનંત જન્મોથી બીજાના minus points જોવાની એવી તો ટેવ પડી છે કે plus point જોવાનું ક્યારેક પ્રભુની કૃપા હોય તો થાય. 

પૂજ્યપાદ હરીભદ્રસૂરિ મહારાજા એકદમ મનોવૈજ્ઞાનિક આયામના ગુરુ છે, અને એટલે એમણે સાધનાનો પ્રારંભ ગુણાનુરાગથી કર્યો. મૈત્રીભાવ આવી જાય, પ્રમોદભાવ આવી જાય, બીજા બધાના ગુણો ઉપર તમને અનુરાગ પેદા થાય ત્યારે જ તમારી સાધના શરૂ થઇ શકે છે. સમ્યગ્દર્શન તો દૂરની વાત છે, એ પાંચમી દષ્ટિમાં છે; પણ પહેલી દ્રષ્ટિમાં સાધક આવે ત્યારે પણ એની પાસે ગુણાનુરાગ જોઈએ. જે-જે વ્યક્તિને તમે જુઓ, એ ગુણોથી સમૃદ્ધ છે, ગુણોથી સભર છે, એ વ્યક્તિમાં આપણને દોષ દેખાય છે; એ આપણો minus point છે, નહિ કે એનો. તો ગુણાનુરાગ ન આવે ત્યાં સુધી સાધનાનો પ્રારંભ થઇ શકતો નથી. 

આજથી નક્કી કરો, જે પણ સાધુ-સાધ્વીજી ભગવંતોને જુઓ. જે પણ શ્રાવક- શ્રાવિકાને જુઓ અને જે પણ માર્ગાનુસારી આત્માને જુઓ, એનામાં રહેલા ગુણોનું દર્શન તમને થવું જોઈએ. પ્રભુએ મારા ઉપર કૃપા કરી. એ કૃપાનું નિર્વચન હું એક જ રીતે કરું છું કે પ્રભુએ એવું positive attitude મને આપ્યું; કે કોઈ પણ વ્યક્તિનો દોષ ક્યારેય પણ દેખી શકાતો નથી. તો ગુણાનુરાગ આવવો જ જોઈએ.. બધા જ ભવિષ્યના સિદ્ધ પરમાત્મા છે, અને અત્યારના વેશ પરમાત્મા છે! અનુષ્ઠાન પરમાત્મા છે! અત્યારે અહીંયા બે પરમાત્મા મોજુદ છે. વેશ પરમાત્મા અને અનુષ્ઠાન પરમાત્મા. એ પરમાત્માની આશાતના થઇ શકે ખરી? એ વેશ પરમાત્માને જોઈએ, આંખો ભીની ભીની બને.. એ અનુષ્ઠાન પરમાત્માને જોઈએ, અને આંખો ભીની બને.. 

છ વર્ષનો દીકરો સિદ્ધિતપ કરે! છ ની બારી પછી, સાતની બારી પછી, એક પણ બેસણામાં કશું જ ખાઈ શકે નહિ, અને છતાં માત્ર અને માત્ર પ્રભુની (ઉપરની) શ્રદ્ધાને કારણે એ સિદ્ધિતપ કરે, એ અનુષ્ઠાન પરમાત્માને જોઇને આપણી આંખો ભીની ન બને?! એક સૂત્ર આજે આપું; બધા જ આત્માઓ સારા જ છે, ખરાબ હોય તો એકમાત્ર હું છું. આ સૂત્ર તમારી ભીતર બરોબર ઉતરી જાય, તો નિશ્ચયથી પ્રભુશાસન તમને મળેલું કહેવાય. 

પેલી જે બાઈ ભર્તુહરિને ઓળખતી હતી, એણે ભર્તુહરિને સુતેલા જોયા, હાથ માથાની નીચે હતો. ભર્તુહરિમાં કેટલા બધા ગુણો હતા.! એક સમ્રાટ સંન્યાસી બનેલો.! બિલકુલ અપરિગ્રહી.! પાથરવા માટે કશું નહતું.! ઓઢવા માટે કશું ન હતું.! માત્ર હાથ માથાની નીચે હતો.! પેલી બાઈ કહે છે, જોયું, આ ભર્તુહરિ.! આ બધો ત્યાગ કર્યો રાજ્યનો, પણ ઓશિકાનો લોભ હજી જતો નથી.! માથાની નીચે કોમળ કોમળ જોઈએ એ ભાવ છે. ભર્તુહરિ જાગી ગયેલા.. આમ પણ યોગીઓની નિદ્રા કેવી હોય? શરીર સુતું હોય, એ જાગતાં હોય. 

આજની યોગિક દુનિયામાં એને conscious sleep કહેવામાં આવે છે. શરીર સૂઈ જાય, Conscious mind સૂઈ જાય, તમે જાગતા હોવ. ભર્તુહરિએ એ શબ્દો સાંભળ્યા. એમને લાગ્યું કે વાત તો સાચી છે. માથું શિલા નીચે ન રહે એવા કોઈ ખ્યાલથી હાથ માથા નીચે ગયેલો હશે, પણ આ બાઈની વાત બિલકુલ perfect છે, બિલકુલ સાચી છે કે ઓશિકાનો લોભ હજી મને ગયો નથી; એમણે માથા નીચેથી હાથ લઇ લીધો અને માથાને શિલા ઉપર ટેકવી દીધું. ત્યારે પેલી બાઈ કહે છે, જોયું કેવું ખોટું લાગી ગયું.. ભર્તુહરિ પાસે સાક્ષીભાવ હતો. આમ કહ્યું કે આમ કહ્યું.. જે વચન મારી સાધના માટે ઉપકારક હોય એને લઇ લઉં, બીજા બધાને છીડી દઉં. આ જે સાક્ષીભાવ છે ને એ જ ધ્યાનમાં જવામાં ઉપકારક બને છે. 

સાક્ષીભાવમાં શું થયું? તમારું મન, તમારો ઉપયોગ પરમાં ન ગયો. તો આ એક foundation થયું. ઉપયોગ સ્વમાં રહે એનું નામ ધ્યાન. ધ્યાનની સરળમાં સરળ વ્યાખ્યા આ: તમે તમારામાં હોવ એનું નામ ધ્યાન. અત્યારે મન ખોટી રીતે treat થયેલું છે, એટલે સતત પરમાં જયા કરે છે. સાક્ષીભાવ આવ્યો; પરમાં જવાનું બંધ થયું. તો foundation તૈયાર થઇ ગયું. નિર્વિકલ્પતા એ foundation. સાક્ષીભાવ એ પણ foundation. ઉપયોગ, તમારું મન, પરમાં જતું હોય તમે એને અટકાવી શકો, તમારી પાસે નિયંત્રણ આવે, એટલે ધ્યાન બહુ જ સરળ છે. 

ધ્યાનની એક બહુ મજાની વ્યાખ્યા ગુજરાતી ભાષામાં સુબાહુ જિન સ્તવનામાં પૂજ્યપાદ દેવચંદ્રજી મહારાજે આપી. આપણું સ્તવના સાહિત્ય કેટલું તો સમૃદ્ધ છે! ભક્તિધારાની વાતો પણ છે, સાધનાધારાની વાતો પણ છે, અને સાધનાના ઊંડાણની પણ વાતો છે! આપણી સ્તવનાના મુખ્ય બે પ્રકારો. એક સ્તવનાનો પ્રકાર: મહોપાધ્યાય યશોવિજયજી, માનવિજય મહારાજ, કાંતિવિજયજી, ઉદયરત્નજી મહારાજ એ બધાનો છે, જે લોકો આપણને સીધા જ ભક્તિની ધારામાં લઇ જાય. આનંદઘનજી ભગવંત અને દેવચંદ્રજી ભગવંત તથાકથિત બૌદ્ધિકો માટે છે. જે પોતાની જાતને બૌદ્ધિક માનતો હોય, તો આનંદઘનજી ભગવંતે અને દેવચંદ્રજી ભગવંતે કારણ-કાર્યની ઊંડી મીમાંસા સ્તવનોમાં રજુ કરી, બુદ્ધિને ગોઠીમણા ખવડાવ્યા છે. તથાકથિત બૌદ્ધિકો જે છે, એ પણ એનો અર્થ સમજી શકતા નથી! અને બુદ્ધિ જ્યાં પરાસ્ત થાય એટલે ભક્તિની ધારા શરૂ થઇ જાય. 

તો બહુ મજાની કડી છે; સુબાહુ જિન સ્તવનાની; “ધ્યેય સ્વરૂપે પ્રભુ અવધારી, દુર્ધ્યાતા પરિણતી વારિ રે; ભાસન વીર્ય એકતાકારી, ધ્યાન સહજ સંભારી રે” ધ્યાન સહજ સંભારી રે – ધ્યાન એટલે સહજ અવસ્થા! તમે વિચારોમાં હોવ, એ અસહજ અવસ્થા છે. વિચારો તમારું સ્વરૂપ ખરું? ધ્યાન એ જ તમારું સ્વરૂપ છે. ધ્યાન એટલે સ્વરૂપ – સ્થિરતા. સિદ્ધશિલા ઉપર આપણે જઈશું, ત્યાં પણ શું હશે? સ્વરૂપ – સ્થિરતા. 

એટલે જ્ઞાનસારમાં કહ્યું; “ચારિત્રં સ્થિરતારૂપં, અત: સિદ્ધેષું અપિ ઈશ્યતે” (चारित्रं स्थिरतारुपमत: सिध्धेष्वपीष्यते) તો એ સ્વરૂપની સ્થિરતા જે છે, એ ધ્યાન. વિચારો તમને પરમાં લઇ જશે. કમસેકમ તમારી પાસે વિચારો પરનું નિયંત્રણ હોવું જોઈએ. 

હમણાં એક બહુ મજાની ઘટના ઘટી. અમેરિકાની એક બહુ પ્રતિષ્ઠિત યુનીવર્સીટીના પ્રોફેસર પત્ની સાથે weekend માં ફરવા માટે નીકળ્યા. વિચાર એવો હતો; દૂર-દૂર કોઈ અજાણ્યા જંગલમાં જવું. ખાવા-પીવાની સામગ્રી જોડે હતી. જઈ રહ્યા છે જંગલમાં, ત્યાં સહેજ, પ્રોફેસર પોતે driving કરતાં હતાં, સ્ટેરીંગ પરનો કાબૂ સહેજ ચુકાઈ ગયો, ગાડી એક ઝાડ સાથે અથડાઈ. પ્રોફેસરને વાગ્યું, લોહી ઝરી રહ્યું છે. સામાન્ય તયા આવા કોઈ પણ માણસો બહાર નીકળે ત્યારે first aid box  તો હોય જ- પ્રાથમિક ઉપચારની સામગ્રીઓનું box તો હોય જ, પણ આજે ભૂલાઈ ગયેલું. ત્યાંથી ફોન પણ લાગતો નથી! હવે તો કોઈ ગાડી આવે, એમાં lift મળે અને જઈ શકાય, એ વાત છે. આ ગાડી પણ ખોટવાઈ ગઈ છે. લોહી તો લુસી નાંખ્યું. પીડા બહુ છે.. એ વખતે પ્રોફેસરની પત્નીએ કહ્યું, કે હું હમણાં ધ્યાનના કલાસીસમાં જાઉં છું, અને હું શરૂઆતમાં જ છું હજુ પણ એક વાત મેં શીખી છે, કે તમારા મનને તમે જ્યાં મુકવા ચાહો ત્યાં મૂકી શકો છો. અત્યારે તમને પીડા થઇ રહી છે. આપણી પાસે કોઈ ઉપચારની સામગ્રી નથી. કોઈ ટીકડી પણ નથી કે કોઈ પાટા-પિંડીની સામગ્રી નથી. એક કામ તમે કરો. તમે તમારા ક્લાસમાં ભણાવતા હોવ, વિદ્યાર્થીઓની સામે એવો કોઈ વિચાર કરો અથવા તમારા જીવનમાં કોઈ સારી ઘટના ઘટી હોય એમાં તમારા મનને લઇ જાવ. તમે તમારા મનને ત્યાં આગળ મૂકી દેશો તો પીડામાં તમારું મન નહિ રહે. પ્રોફેસરે એ પ્રયોગ કર્યો. એકદમ success ગયા. એ પ્રોફેસર એક વર્ષ પછી, ધ્યાનનો અભ્યાસ કર્યા પછી, યુનીવર્સીટીમાંથી રાજીનામું આપી દે છે અને ધ્યાનના આચાર્ય બની જાય છે. 

એક જ વાત છે; તમારા મનને ક્યાં મુકવું એ તમારા હાથની વાત છે. ઘટના ઘટી, પણ એ ઘટનામાં તમારે તમારા મનને નથી મુકવું, તમે નક્કી કરો. આખરે મન પર નિયંત્રણ તમારું હોવું જોઈએ.! આજે negativity એટલી બધી વધી છે અને એના કારણે પ્રેરણાત્મક પ્રવચનો આપનારા ઢગલાબંધ નીકળી ચુક્યા છે. કારણ શું થયું? એક ઘટના ઘટે, માણસ એને સહન કરી શકતો નથી. સહિષ્ણુતા ઘટી. સહિષ્ણુતા વધારવી પડશે અને ઘટનાને કેવી રીતે જોવી એ નક્કી કરવું પડશે. હું વારંવાર કહું છું; ઘટનાને ઘટવાની છૂટ છે, તો એ ઘટનાનું અર્થઘટન કેમ કરવું એ તમારા હાથની વાત નથી? 

આઈસ્ટાઇન સાપેક્ષવાદનો સિદ્ધાંત શોધીને વિશ્વપ્રસિદ્ધ બની ગયેલા. એ પછી અમેરિકન સરકારના નિમંત્રણથી અમેરિકા જવાનું એમને થયું. વૉશિન્ગટનમાં એમનો બહુ મોટો સમારોહ રાખેલો. એરપોર્ટથી ખુલ્લી ગાડીમાં મોટરોના કાફલા સાથે આઈસ્ટાઇન જઈ રહ્યા છે. ફૂટપાથો બધી પેક, આઈસ્ટાઇનને જોવા માટે, બાલકનીઓ ફૂલ. જે પ્રોટોકોલ ઓફિસર આઈસ્ટાઇન જોડે હતો; એણે કહ્યું, સાહેબ! કેટલાય પ્રસિદ્ધ રાજનેતાઓ આવી ગયા, ઘણા બધા સંતો પણ આવી ગયા, પણ આટલી માનવ મેદની ક્યારેય પણ જામી નથી! શું તમારા નામનો જાદુ! કદાચ તમે પહેલી વાર અમેરિકા આવી રહ્યા છો, પણ આખું અમેરિકા તમારા માટે ગાંડું થઇ ગયું છે! સામાન્ય તયા અહંકાર આવે. પણ આઈસ્ટાઇન હતાં. એમણે કહ્યું; કે આ જ રોડ ઉપરથી જિરાફ નીકળે તો આનાથી વધારે માણસ જોવા માટે આવે. લોકોને નવીનતાનો શોખ છે. ઘટના એવી રીતે ઘટેલી હતી કે અહંકાર પુષ્ટ થાય. આઈસ્ટાઇને ઘટનાનો અનુવાદ એવી રીતે કર્યો કે અહંકાર બિલકુલ શિથિલ થઇ જાય. લોકો મને જોવા માટે પાગલ નથી બન્યા, એક નવીનતાનો શોખ છે એના માટે લોકો જે છે એ ઉમટી રહ્યા છે. 

આવું જ ચર્ચિલ માટે બનેલું. ચર્ચિલ બહુ સારા પ્રવચનકાર. એનું નામ પડે અને હજારો-લાખો લોકો ભેગા થઇ જાય. એકવાર ચર્ચિલ બોલી રહ્યા હતાં. ભાષણ પૂરું થયું. મિત્રે કહ્યું; શું તમારા નામનો જાદુ છે! તમે બોલવાના છો એ સમાચાર મળે એટલે આટલી બધી ભીડ ભેગી થઇ જાય! ચર્ચિલે કહ્યું, આ જ જગ્યાએ મને ફાંસીને માંચડે લટકાવવાનો હોય ને તો આનાથી વધારે માણસો ભેગા થાય! ઘટનાઓને લાઈટલી જોતા શીખો. ઘટનાઓને ગંભીરતાથી નહિ જુઓ! પ્રભુએ તો સર્વ સ્વીકારની સાધના આપી છે. તમે લોકોએ acception – rejection બેય કરી નાંખ્યું છે. હીરામાં કરો ત્યાં સુધી વાંધો નહિ રીજેકશન, પણ ઘટનાઓની અંદર એકપેશન નહિ, રીજેકશન નહિ; માત્ર સ્વીકાર… માત્ર સ્વીકાર…. રીજેકશન બિલકુલ નહિ; અસ્વીકાર બિલકુલ નહિ.! ઘટના, ઘટના છે. ‘હું’, ‘હું’ છું. 

તો આ જે સાક્ષીભાવ છે, એ સાક્ષીભાવ ધ્યાનની પૃષ્ઠ ભૂમિકા, ધ્યાનનું foundation બની શકે. તો શું કહ્યું: “ધ્યાન સહજ સંભારી રે” ધ્યાન સહજ છે! એકવાર કરો એટલે ખબર પડશે. પછી ધ્યાનમાં એટલો બધો આનંદ આવશે, કે બહારની દુનિયામાં તમે આવી નહિ શકો. 

વિવેકાનંદ નરેન્દ્ર રૂપે હતાં. ગુરુએ શક્તિપાત કર્યો. એક અઠવાડિયા સુધી નરેન્દ્ર ભીતર ડૂબી ગયો. આઠમા દિવસે ગુરુ એને બહાર લાવે છે અને એ વખતે નરેન્દ્ર કહે છે; ગુરુદેવ! આ જન્મમાં નહિ, આખા ભવચક્રમાં આનંદપૂર્ણ સમય ગયો હોય તો માત્ર આટલો જ હતો, જે આપે આપેલો હતો. એ આનંદમય ઘટનામાંથી મને પીડામય ઘટનામાં શા માટે લાવ્યાં? એ ધ્યાન, એ સમાધિદશા નરેન્દ્રને એટલી ગમી ગઈ, કે વિવેકાનંદ બન્યા પછી વારંવાર એ ધ્યાનમાં – સમાધિમાં જતા રહેતાં. એકવાર તમે અનુભવ કરો.. 

એક વાત મજાની કહું. કોઈ પણ ઘટના ક્યારેય પણ તમને પીડા આપી શકતી  નથી! એક પણ ઘટનામાં તાકાત નથી કે તમને પીડા આપે.. પણ ઘટના વિશેના વિચારો જે છે ને, એ તમને પીડા આપે છે. બોલો એક ઘટના ઘટી. દસ દિવસ થયા. હવે યાદ નથી આવતી. એના વિચારો નથી આવતાં, તો એ ઘટના પીડા નહિ આપે! પ્રિયજન તમારી વચ્ચેથી ચાલ્યો ગયો. બહુ જ પીડા થઇ. તમારો અત્યંત પ્રિયજન અને તમારી વચ્ચેથી એને ચિર વિદાય લીધી. તમને નહિ ગમે, રડશો, પણ એક વર્ષ પછી? એની પહેલી તિથીએ ફોટા ઉપર હાર પહેરાવી દેશો. બીજી તિથી, ત્રીજી તિથી, ધીરે ધીરે પીડા વિસારે પડશે. પીડા શેની હતી? વિચારોને કારણે હતી. તો વિચારો ઉપર નિયંત્રણ કરતાં તમને આવડે, તો તમે આનંદી બની જાવ. તમારા જેવો આનંદમય વ્યક્તિ કોઈ ન હોય પછી.. અમે લોકોએ વિચારો ઉપર નિયંત્રણ કર્યું છે એટલું જ નહિ કહું; વિચારો આવતાં નથી અમને! વિચારોની કોઈ જરૂરિયાત નથી.. વર્તમાનયોગમાં જ્યારે રહેવાનું છે. ન ભૂતકાળનું કોઈ સ્મરણ છે, ન ભવિષ્યની કોઈ ચિંતા છે; વર્તમાન શુદ્ધ ક્ષણમાં રહેવાનું છે; વિચારો જ નથી. અને એ વિચારો નથી, માટે અમે મજામાં છીએ.. 

તો ધ્યાન સહજ સંભારી રે – ધ્યાન સહજ અવસ્થા છે, અને પછી કહે છે; ‘સંભારી રે’ – ખાલી યાદ કરો..! ગત જન્મોની અંદર તમે ક્યારેક ક્યારેક ધ્યાન કરેલું છે. ખાલી યાદ કરો..! 

એ જ વાત દેવચંદ્રજી મહારાજે નવમાં સ્તવનમાં કહી; “મોહાદિકની ઘૂમી અનાદિની ઉતરે હો લાલ, અમલ અખંડ અલિપ્ત સ્વરૂપ જ સાંભરે હો લાલ” તમારું જે સ્વરૂપ છે, નિર્મલ સ્વરૂપ એ તમને યાદ આવશે. તમે આનંદઘન આત્મા છો. પીડા આવે તમને? તમે આનંદઘન આત્મા છો. પીડા ક્યાંથી આવે? પીડા માટે દ્વાર બંધ થઇ ગયા છે. આનંદ જ આનંદ હોય… કારણ કે તમે ઘટના નિરપેક્ષ બન્યા. 

મારા દાદા ગુરુદેવ ભદ્રસૂરી મહારાજા. લગભગ સાહેબજીનું ૯૦વર્ષનું આયુષ્ય હશે, એ વખતે અમે લોકો ભોયણી તીર્થે ગયેલા. એક સાંજે સાહેબજીના નખ ઉતારવામાં આવ્યા, પગના. ઉપાશ્રયમાં સહેજ અંધારું હતું, સાંજના સમયે. ખ્યાલ નહિ આવ્યો અને ક્યાંક નેઈલકટર એમની એકદમ પાતળી ચામડીને અડી ગયું હશે. સવારે સાહેબજીનું પડીલેહણ કરવા માટે અમે ગયા, ત્યારે જોયું, એક પગ આખો કાળો-કાળો.. વિચારમાં પડી ગયા.. શું છે આ કાળું-કાળું? છ વાગેલા હતા એટલે પૂરું અજવાળું નહતું. બારી-બારણાં ખોલ્યાં ત્યારે ખ્યાલ આવ્યો કે હજારો કીડીઓ પગે ચોટેલી હતી.! ધીરે-ધીરે જયણાપૂર્વક એ કીડીઓને ઉતારી. પછી સાહેબજીને પૂછ્યું; કે સાહેબજી આટલી બધી કીડીઓ આપના પગે, આપે અમને કહ્યું પણ નહી.! પીડા તો થઇ જ હશે.! એ વખતે એમણે કહ્યું; હું ૧૨ વાગે જાગેલો, ઈરિયાવહિયા કર્યા, ચૈત્યવંદન વિગેરે કર્યું, એ પછી સીધો જ સૂરિમંત્રની આરાધનામાં હું લાગી ગયો. હવે મારો ઉપયોગ એ જપમાં હતો. મારું પૂરું મન, પૂરો ઉપયોગ જપયોગમાં હતો; આ શરીરમાં શું થાય છે મને ખબર ક્યાંથી પડે? એક મચ્છર ડંખ મારે આપણાથી સહન થતું નથી.! આપણો ઉપયોગ ત્યાં ફંટાઈ જાય છે. કાઉસ્સગમાં હોવ અને મચ્છર કરડે તો પણ ઉપયોગ ત્યાં ફંટાઈ જાય છે. અને આ મહાપુરુષ કહે છે, હું જપયોગમાં લાગી ગયો, મારું મન, મારો ઉપયોગ પુરેપુરો જપમય થઇ ગયો; હવે શરીરમાં શું થાય છે મને ખબર ક્યાંથી પડે? ઉપયોગને ક્યાંથી ક્યાં મુકવો એ તમારા હાથમાં છે. 

બોલો એક વાત તમને પૂછું; તમે expert માણસો છો. હિસાબ કરતાં હોવ, અથવા નોટોનું બંડલ ગણતાં હોવ, ત્યારે આમ શરત-ચૂક થાય છે ખરી આમ? 97, 98, 99.. અરે 99 થયા કે 98 થયા? આવું થાય છે? ત્યાં તમારું મન પૂરેપૂરું હાજર હોય છે. એટલે તમે expert તો છો જ.! સંસારની જે ઘટનામાં તમને રસ છે, ત્યાં આગળ તમે તમારા મનને બરોબર એકાગ્ર બનાવી શકો છો. એટલે સૂત્ર એ છે કે જ્યાં રસ છે, ત્યાં એકાગ્રતા આવી શકે છે. હવે એ વિચારો.. શુભ ક્રિયાઓ ઘણી બધી કરો છો. કઈ ક્રિયામાં તમારો રસ વધારે છે? અમને કોઈ વાંધો નથી. 

ઉપાધ્યાયજી ભગવંતે કહ્યું; “યોગ અસંખ્ય જિનવર કહ્યા” “યોગ અસંખ્ય જિનવર કહ્યા” પ્રભુએ કહેલી અનેક સાધના પદ્ધતિઓ છે. કેમ? અનેક સાધના પદ્ધતિઓ કેમ? સાધનાની પેટર્નસ્ આટલી બધી કેમ? સીધી વાત.. જેટલા સાધકો એટલી સાધનાની પેટર્નસ્. એટલે જ સમૂહની અંદર જ્યારે તમે બેઠેલા છો, ત્યારે સાધના માટે તમને લલચાવી શકાય, પણ સાધના અપાય માત્ર personally. તમારી અત્યારની જે ધારા છે, ગત જન્મોની તમારી જે ધારા છે, એ સાધનાને અનુરૂપ સાધના ગુરુએ તમને આપવાની હોય છે. એટલે દરેક સાધકની સાધના personally આપવાની હોય છે. એટલે અત્યારે તો માત્ર સાધના માટે તમને લલચાવી શકાય કે પ્રભુની સાધના કેટલી સરસ.! સાક્ષીભાવ અને સમર્પણ.. મજા જ મજા… પણ, એમાં સાક્ષીભાવ કેટલા પર્સન્ટેજ? સમર્પણ કેટલા પર્સન્ટેજ? એ દરેક સાધક માટે સદ્ગુરુ નવી-નવી રીતે compose કરીને આપે છે. 

તો એકવાર આ સાધનાનો રસ ચાખી લો, તો તમે એ સાધનામાં એકાગ્ર બનવાના જ છો. ‘જ્યાં રસ ત્યાં મન’ આ સૂત્ર છે. ‘જ્યાં રસ ત્યાં મન’. સંસારની એક-એક બાબતમાં રસ છે, તો મન ત્યાં બરોબર છે. સાધનાની અંદર તમે નક્કી કરો; ચાલો ભક્તિ ગમે છે, વાંધો નહિ. સ્વાધ્યાય ગમે છે; વાંધો નહિ. કોઈ પણ યોગ લો, પણ એ યોગની અંદર એકાગ્ર બની જાવ. 

તો સાક્ષીભાવ આપણને કઈ રીતે ઊંચકે છે.. એ આપણને ધ્યાન તરફ કઈ રીતે લઇ જાય છે… એની મજાની વાત અવસરે…

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *