Param Sparsh Ni Yatra – Vachana 47

19 Views
20 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : આત્મરતિ

સાક્ષીભાવના ત્રણ ચરણો: આત્મરતિ, આત્મતૃપ્તિ, આત્મસંતુષ્ટિ. આ ત્રણ ચરણો મળી જાય પછી तस्य कार्यं न विद्यते. Doing છૂટી જાય; Being આવી જાય.

પોતાના નિર્મળ આત્મતત્ત્વની વાતો સાંભળીને એવા નિર્મળ આત્મતત્ત્વનો અનુભવ કરવાનું ધ્યેય નક્કી થાય – એટલે પહેલું આત્મરતિ ચરણ મળે.

આત્મરતિ સાધક પાસે હોય છે અલપઝલપ આત્માનુભૂતિ. આવો સાધક જાગૃતિના અભાવમાં રાગ, દ્વેષ, અહંકારમાં વહી જાય પણ એ વિભાવો એને ડંખે છે એટલે સાધક એવા ઉપાયો પણ કરે છે જેથી વિભાવોમાં વહી જવાનું ઓછું થઈ શકે.

પરમ સ્પર્શની યાત્રા – વેસુ ચાતુર્માસ વાચના –

સાક્ષીભાવ + સમર્પણ = એ પ્રભુની સાધના. 

અધ્યાત્મસારના યોગાધિકારમાં સાક્ષીભાવની વિવેચના કરતી વખતે મહામહોપાધ્યાય યશોવિજય મહારાજાએ સાક્ષીભાવના ચરણોને બતાવવા માટે ભગવદ્ગીતાનો એક શ્લોક કોટ કર્યો છે. એ શ્લોકમાં સાક્ષીભાવના ત્રણ ચરણો બતાવવામાં આવ્યા છે. બહુ પ્યારો શ્લોક છે; “यस्त्वात्म रति रेवस्यात् आत्मकृतश्च मानव: आत्मन्येव च संतुष्ट: तस्य कार्यं न विध्यते” (“यस्त्वात्मरतिरेव स्यादात्मतृप्तश्च मानवः। आत्मन्येव च सन्तुष्टस्तस्य कार्यं न विद्यते।। “) છેલ્લાં ચરણમાં કહે છે કે સાક્ષીભાવના આ ત્રણ ચરણો જેને પણ મળી ગયા એનું Doing છૂટી ગયું. “तस्य कार्यं न विध्यते” શબ્દો છૂટી જાય, વિચારો છૂટી જાય. મહાપુરુષોના ગ્રંથો આપણને મળ્યા છે એ ખરેખર આશ્ચર્યકારક ઘટના છે. અનુભૂતિની ટોચ પર ગયેલી વ્યક્તિ શબ્દોની દુનિયામાં આવી શકતી નથી; પણ માત્ર કરુણાને વશ, પ્રભુની આજ્ઞાને વશ, એ મહાપુરુષોએ ગ્રંથો રચ્યાં. 

આપણી પરંપરામાં અનુભૂતિવાન મહાપુરુષો અગણિત થયા. પણ એમાંથી ગ્રંથો કેટલાં મહાપુરુષોએ લખ્યા? આંગળીને વેઢે ગણીએ એટલાં જ મહાપુરુષોએ ગ્રંથો રચ્યાં છે. “तस्य कार्यं न विध्यते” doing છૂટી જાય, being આવી જાય; મજા જ મજા. અમારી મજા શેને કારણે બોલો? કશું જ કરવું નથી.. માત્ર હોવાની ધારામાં વહેવું છે. તો સાક્ષીભાવના ત્રણ ચરણો આ શ્લોકમાં આપ્યા. “यस्त्वात्म रति रेवस्यात् आत्मकृतश्च मानव: आत्मन्येव च संतुष्ट: तस्य कार्यं न विध्यते” 

મહોપાધ્યાયજી યશોવિજય મહારાજ અધ્યાત્મસારના યોગાધિકારમાં આ શ્લોકને કોટ કરે છે અને સાક્ષીભાવના ત્રણ ચરણોને એના દ્વારા પોતે બતાવે છે. સાધક પહેલા આત્મરતિ થાય, પછી આત્મતૃપ્ત થાય, અને એ પછી આત્મસંતુષ્ટ થાય. આ સાક્ષીભાવના ત્રણ ચરણો. 

પહેલું ચરણ સાધક આત્મરતિ બને છે. આત્મતત્વની વાતો સાંભળે. જેમ પ્રભુના પ્રેમમાં આપણે પડી જઈએ એ જ રીતે આપણી નિર્મલ ચેતનાના પ્રેમમાં પણ આપણે પડી જઈએ. શું આવું મારું સ્વરૂપ છે..?! હું બિલકુલ અલિપ્ત! રાગ અને દ્વેષ મારા મન સુધી, મારા ચિત્ત સુધી, મારી લેશ્યા સુધી; હું બિલકુલ અલિપ્ત છું.. આ સાંભળતા કેટલો તો આનંદ થાય.! 

તો પહેલું જ ચરણ એ છે કે જયારે સાધક આત્મતત્વની વાતો સાંભળે છે, અને નિર્મલ ચેતનાને મારે પામવી છે એવું એનો એક ધ્યેય નક્કી થાય છે. આંશિક આત્માનુભૂતિ આ ચરણમાં હોય છે, પણ એની જાગૃત્તિ વધુ આ ચરણમાં રહેતી નથી. અલપઝલપ આત્માનુભુતિ આવી જાય, વળી રાગ અને દ્વેષમાં જતો રહે; આત્માનુભુતિ છૂટી જાય. પણ એ વખતે એક જાગૃત્તિ એની પાસે હોય છે. રાગ અને દ્વેષમાં એ જાય છે, અહંકારમાં એ જાય છે, પણ એને એ ખટકે છે. વિભાવો ડંખે એ બહુ મોટી ઉપલબ્ધિ છે. બહુ જ મોટું achievement. જે ક્ષણે રાગ-દ્વેષ અહંકાર તમને ડંખ્યા, ખટક્યા એ તમારા જીવનની મોટામાં મોટી ઉપલબ્ધિ છે. એ ડંખે એટલે એ જવાના જ છે! કોઇ પણ દોષ ડંખ્યો એટલે જવાનો! 

તો રાગ અને દ્વેષમાં સાધક જાય છે, અહંકારમાં જાય છે; પણ એને એ ડંખે છે, અને એથી એવા ઉપાયો એ કરે છે કે રાગ-દ્વેષમાં એ સરકી ન શકે.

એક બહુ પ્યારી ઘટના તમને કહું. એક હિંદુ ગુરુ. જ્ઞાની-જાગૃત. શિષ્યો ઘણા બધા. એકવાર એમણે પોતાના શિષ્યોને કહ્યું; કે મારી આ ઝોળી જે છે એ કોઈએ પણ ક્યારેય ઊંચકવાની નહિ કે એને ક્યારેય જોવાની પણ નહિ. શિષ્યો, પ્રતિબદ્ધ શિષ્યો; ગુરુની આજ્ઞા થઈ, વિચારવાનું પણ રહેતું નથી. 

સમર્પણની એવી એક ધારા આપણી પરંપરામાં હતી કે સાક્ષીભાવ બહુ જ સહેલાઈથી મળી જતો. ગુરુએ કહી દીધું કે મારી આ ઝોળી એને કોઈએ અડકવાનું નહિ. વિહારની અંદર, પદયાત્રામાં પણ એ ઝોળીને હું જ ઉંચકીશ, કોઈએ એના માટે આગ્રહ કરવાનો નહિ. શિષ્યોના મનમાં વિચાર પણ નથી આવતો કે ઝોળીમાં શું હશે? 

હું ઘણીવાર કહું; મુમુક્ષુઓને કે તમારી જે બુદ્ધિ છે ને એને ઘરે મુકીને આવવાનું. મોટામાં મોટી સજ્જતા મુમુક્ષુની કઈ? બુદ્ધિ અને અહંકારની જુગલબંધીને ઘરે મુકીને આવવાનું. હું ઘણીવાર હસતાં – હસતાં કહું કે તમે લોકો પાક્કા નીકળ્યા કે અમે કાચા નીકળ્યા ખબર પડતી નથી. તમે પાક્કા નીકળ્યા કે અમે કાચા નીકળ્યા? બુદ્ધિ અને અહંકારને ઘરે મુકીને જ આવવાનું હતું. એ બુદ્ધિ અને એ અહંકાર અહીં કેમ લાવ્યા? જોઈએ જ નહિ..! 

સાધનામાર્ગમાં તમારી બુદ્ધિ બિલકુલ નકામી છે. આદ્યશંકરાચાર્યજીએ કહ્યું, “તર્ક: અપ્રતિષ્ઠિત:” સાધનામાર્ગમાં તર્કનું, વિચારનું કોઈ મૂલ્યાંકન નથી; માત્ર સમર્પણ. એક ગુરુ પાસે બપોરના ત્રણ વાગે શિષ્ય આવ્યો, પાણીની પાત્રી લઈને, ગુરુદેવ પાણી વાપરો. ગુરુએ પાણી વાપર્યું અને પછી કહ્યું, કેવું અંધારું છે.. બપોરના ત્રણ વાગેલા. આકાશમાં વાદળા પણ નહતા. ઉપાશ્રયમાં અજવાળું આટલું સરસ આવતું હતું અને ગુરુ કહે છે, કેવું અંધારું છે.. શિષ્ય કહે છે, તહત્તિ ગુરુદેવ. તમે હોવ તો શું કહો? સાહેબજી બરાબર દેખાતું નથી લાગતું. Eye specialist ને બોલાવી લઈએ. ગુરુ કહે છે, અંધારું છે. શિષ્ય કહે છે; જી ગુરુદેવ. અને ગુરુએ કહ્યું કે અજ્ઞાનનું અંધારું કેવું છે ! મોહનું અંધારું કેવું છે ! કે પ્રભુનું શ્રામણ્ય મળ્યા છતાં આપણે ક્યારેક-ક્યારેક ચુકી જઈએ છીએ. 

ગુરુએ કહ્યું; ઝોળી જોવાની નહિ. શિષ્યો માટે વાત પૂરી થઈ ગઈ. એકવાર એક પદયાત્રામાં મહેમાનો ઘણા હતા. અઠવાડિયા માટે પદયાત્રામાં આવેલા ગુરુ સાથે. એક ભાવિકની ઈચ્છા થઈ ગઈ કે ગુરુ પોતે ઝોળી ઉપાડે એ તો કંઇ બરાબર કહેવાય? ગુરુદેવ તમારી ઝોળી મને આપો. ગુરુદેવે ના પાડી. અને એ વખતે બાજુમાં રહેલાં શિષ્યએ કહ્યું કે એ ઝોળીને અડકવાની પણ મનાઈ છે, એ ઝોળીને ઊંચકવાની મનાઈ છે; ગુરુદેવે સ્પષ્ટ ના પાડેલી છે. પેલા મહેમાનના મનમાં કુતુહલ થયું. એવું તો શું હશે ઝોળીમાં? કે ગુરુ ઊંચકવાની ના પાડે, અડવાની ના પાડે. 

બે – એક દિવસ પછી એક બપોરે ગુરુ, શિષ્યો અને બધા મહેમાનો પ્રભુની ભક્તિ માટે મંદિરે ગયા. પેલો મહેમાન ત્યાં ઉતારામાં રહી ગયો. એને એક જ વાત જોવી હતી. ઝોળીમાં શું છે? ગુરુની ઝોળી ખીટીએ લટકતી હતી. બધા ગયા. એને ઝોળી નીચે ઉતારી. ખોલી. જોયું. માણસની ખોપરી અંદર હતી! મરેલા માણસની ખોપરી. વિચારમાં પડી ગયો.. તાંત્રિકો હોય, વામમાર્ગીઓ હોય, એ આવી ખોપરી રાખે; ગુરુ તો સાધનાચાર્ય છે, અને એમની સાધના સંદિષ્ટ સાધના છે. એ સાધનાની અંદર ખોપરી આવે ક્યાંથી? વિચારમાં પડી ગયો. વિચારમાં ને વિચારમાં કેટલો સમય ગયો એને ખબર જ ન રહી. ઝોળી ખુલ્લી. ખોપરી દેખાતી હતી, અને એ બેઠો હતો. ત્યાં જ મંદિરેથી ભક્તિ કરી ગુરુ, શિષ્યો અને મહેમાનો બધા આવ્યા. હજુ એને ખબર નથી કે ગુરુ આવી ગયા છે. એ વિચારમાં પડેલો છે. ગુરુએ જોયું, આને ઝોળી ખોલી નાંખેલી છે. બધાએ ખોપરી જોઈ પણ લીધી. 

એ વખતે ગુરુએ બધાને બેસાડ્યા; અને કહ્યું, આ ખોપરી મેં શા માટે રાખી છે એ સમજાવું. એકવાર હું વહેલી સવારે સ્મશાનમાંથી પસાર થતો હતો. મારે જવાનું હતું, એમાં short way સ્મશાનમાં થઈને જતો હતો. હું સ્મશાનમાં થઈને જતો હતો ત્યાં અંધારામાં મારા પગ નીચે કંઇક અથડાયું. જોયું, શું છે? માણસની ખોપરી હતી. એ વખતે મને થયું કે આ માણસ કદાચ પોતાની જાતને માનતો હશે કે હું હોઉં અને મારું ઘર ચાલે. કદાચ એ ગામનો અગ્રણી હશે તો માનતો હશે કે હું હોઉં અને ગામ ચાલે. અને એ માણસની આ દશા?! મને લાગ્યું કે મને પણ ક્યારેક અહંકાર થાય છે. હું આટલો મોટો ગુરુ છું. સેંકડો સાધકો, હજારો સાધકો મારી પાસેથી જ્ઞાન મેળવે છે, આવો અહંકાર મને પણ ક્યારેક આવી જાય છે, એટલે એ ખોપરી મેં લઇ લીધી, ઝોળીમાં મૂકી દીધી. તમને કોઈને ખ્યાલ નથી. હું રોજ સવારે અને સાંજે એ ઝોળી ખોલી અને ખોપરીનું દર્શન કરું છું. એટલા માટે કે ભાઈ આખરે તારી પણ દશા આ જ થવાની છે. જો તું તને શરીર રૂપે માનતો હોય તો શરીરની દશા આ જ થવાની છે. એટલે મારી જાગૃતિ પરિપૂર્ણ રહે અને શરીર એ હું નથી; આત્મતત્વ એ જ હું છું, આ દ્રઢીકરણ મારી ભીતર થાય એના માટે આ ઝોળી મેં રાખી છે. 

પહેલું ચરણ આત્મરતિ. પુદ્ગલરતિ તો તમે છો જ. પરરતિ તો તમે છો જ…! હવે આત્મરતિ બનવું છે… અને એકવાટ તમને ગેરંટી સાથે કહું કે એકવાર તમે ભીતરી આનંદનો અનુભવ કરી લો; બહારની દુનિયા છોડવી નહિ પડે; છૂટી જશે! અમારી ઈચ્છા એક જ છે – એકવાર ભીતરી આનંદ તમારો તમે ચાખી લો. પણ તમને કેમ ચખાડવો? એની મુશ્કેલી છે. 

તાવ આવેલો હોય અને એના મોઢામાં પેંડો મુકીએ તો શું થાય? એ કહે કડવો-કડવો લાગે છે. પેંડો કડવો નથી, પેંડો મીઠો છે; પણ જે પરિસ્થિતિમાં એ લઇ રહ્યો છે, એ પરિસ્થિતિ બરાબર નથી. એટલે પહેલા એના તાવને ઉતારવો પડે, પછી પેંડો ખવડાવીએ તો એને મીઠો લાગવાનો જ છે. પરમાં આનંદ છે. પરમાંથી સુખ મળે છે. આવી તમારી જે ભ્રમણા છે, એ ભ્રમણાનો છેદ એકવાર ઉડી જાય તો તમને ભીતરી આનંદનો સ્વાદ ચખાડી દઈએ. 

Actually તમારા માટે તો આ મુશ્કેલ છે જ નહિ. ત્યાગની એક મજાની પરંપરા તમને મળી છે. તમારો દીકરો, તમારી દીકરી દીક્ષા લેવા તૈયાર થાય; તમે એને પ્રેમથી હા પાડો છો. ત્યાગ તમને ગમે છે.. વૈરાગ્ય તમને ગમે છે.. એક સમર્પણ જે તમારી પાસે છે ને, એના કારણે મને લાગે છે કે તમને ભીતરી આનંદનો આસ્વાદ જરૂર ચખાડી શકાશે. કેવું સમર્પણ તમારી પાસે છે? 

હમણાંની એક ઘટના કહું. ૫૦ વરસ પહેલાંની છે. એક ગામમાં એક જ્ઞાની ગુરુભગવંત પધાર્યા. સંઘે વિનંતી કરી. ગુરુદેવ માસકલ્પ અમારે ત્યાં કરો. ગુરુદેવે હા પાડી. ઘણા બધા દીકરા ગુરુદેવ પાસે ભણવા માટે આવતા હતા. એક ૮ વરસનો દીકરો જન્માન્તરીય વૈરાગ્યની ધારા લઈને આવેલો. એને સદ્ગુરુ એવા ગમી ગયા કે સ્કુલે જવું પડે એટલો ટાઈમ બાકાત. ઘરે જમવા જાય. બાકીનો પૂરો સમય ઉપાશ્રયમાં ગુરુદેવ પાસે. મહિનો પૂરો થવા આવ્યો. ગુરુદેવનો વિહાર થવાનો છે. પેલો દીકરો રડી પડ્યો; કે ગુરુદેવ તમારા વિના હું રહી નહિ શકું. તમે મને સાથે લઇ જાવ. ગુરુદેવે કહ્યું; બેટા ! તારા માતપિતાની રજા હોય તો અમે સાથે લઇ જઈ શકીએ. એ પોતાના માતપિતાને બોલાવીને લઈને આવ્યો. શું સમર્પણ એ માતપિતાનું ! એકનો એક દીકરો છે! ગુરુદેવ સાથે લઇ જાઓ! ૬ મહિના, ૮ મહિના, ૧૨ મહિના આપની સાથે રાખો. આપને લાગે કે દીક્ષા માટે યોગ્ય છે, તો દીક્ષા અપાવવા અમે તૈયાર છીએ. આપને લાગે કે યોગ્ય નથી, તો સ્કુલનું એક વર્ષ ભલે બગડતું અમને કોઈ વાંધો નથી. 

એ દીકરો ગુરુદેવની સાથે વિહારમાં ગયો. પણ જન્માન્તરીય વૈરાગ્ય હતો. જ્યાં પણ જમવા જાય. ત્યાંના  લોકોની ફરિયાદ આવે કે ગુરુદેવ ! આ દીકરો કાંઈ ખાતો જ નથી! રોટલી અને શાક બે વસ્તુ ખાઈને ઉભો થઈ જાય છે. છ મહિના થયા. માતપિતા આવ્યા. ગુરુદેવે કહ્યું; તમારો દીકરો તૈયાર છે. તમારી તૈયારી હોય ત્યારે દીક્ષા આપી દેવાશે. માતપિતાએ કહ્યું; ગુરુદેવ અમે તૈયાર છીએ. મારે આ કહેવું છે.. આ સમર્પણ તમારી પાસે છે! લાખો રૂપિયા છોડવા સહેલી બાબત છે. પણ પોતાના કલેજાના ટુકડાને પ્રભુશાસનને સમર્પિત કરી દેવો એ અઘરી ઘટના છે. આ સમર્પણ જેમની પાસે છે, એમને આત્મરતિ બનાવવા એ મારી દ્રષ્ટિએ સહેલું કામ છે. 

તમારા ઉપર થોડું કામ કરીએ અને તમે પરમાત્માના પ્રેમમાં પાગલ બની જાવ. તમારા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિની તમને ઝંખના પણ થઈ જાય. 

એ દીકરાની દીક્ષા થઈ. દીક્ષા પછીનું ગુરુદેવનું પહેલું ચોમાસું પાલીતાણામાં હતું. તો માતપિતાને થયું કે પાલીતાણા ચોમાસું કરવું એ શ્રાવકના કર્તવ્યમાં પણ આવે છે. બીજી જગ્યાએ ચોમાસું હોય. આપણે બે-ચાર દિવસ માટે જઈ શકીએ. પણ પાલીતાણા ગુરુદેવનું ચોમાસુ છે. આપણે ચારેય મહિના ગુરુદેવ સાથે રહી શકીએ. ભક્તિ કરી શકીએ. અને આપણા બાલમુનિ સાથે રહી શકીએ. ગુરુદેવનું ચોમાસું ઓશવાલ ભવનમાં હતું. એ લોકોએ ત્યાં જ રૂમ લઇ લીધી. ગુરૂદેવનો પ્રવેશ થયો. આ લોકોનો પણ પ્રવેશ થઈ ગયો. રસોડું ચાલુ કરી દીધું. અષાઢ સુદ આઠમનો દિવસ. બધા મુનિવરો એકાસણા માટે બેઠેલા. આયંબિલ માટે બેઠેલાં. બાલમુનિને વાપરવાનું પૂરું થઈ ગયેલું. થોડી ગોચરી ખૂટતી હતી. આમ તો બાલમુનિને મોકલાય નહિ વહોરવા. પણ એમની માતાને ત્યાં અને બિલકુલ બાજુમાં જ મોકલવાના હતા. ગુરુદેવે કહ્યું; બાલમુનિને કે તમે તમારી માતાને ત્યાં જઈને આટલું વહોરી આવો. બાલમુનિ તૈયાર થયા. એકદમ ટેલેન્ટેડ છે. 

બનેલું એવું કે અષાઢ સુદ બીજના પ્રવેશ થયેલો. માતપિતા પણ અષાઢ સુદ બીજના આવી ગયેલા. હવે ચૌદસ સુધી યાત્રા થઈ શકે, એટલે એક પણ પાઠ શરૂ કરેલા નહિ. ઉનાળામાં વિહાર કરીને આવેલા, થાકેલા હતા બધા, પણ યાત્રા કરવાની હતી. તો આ માતા જ્યારે પણ ઉપાશ્રયમાં જાય ત્યારે બાલમુનિના હાથમાં પુસ્તક ન હોય, વાતો કરતા હોય. એ માઁ ને થયું કે મારા બાલમુનિ અભ્યાસ ન કરે તો ચાલે કેમ? ત્રણ વાર મેં જોયું, એકેવાર એમના હાથમાં પુસ્તક ન હતું, ભણતા ન હતા. એકવાર માતા આવેલા. સાતમના દિવસે. બાલમુની બહાર ગયેલા યાત્રા કરવા. ગુરુદેવને શ્રાવિકા માતાએ પૂછ્યું; ગુરુદેવ! મારા બાલમુનિને ભણતા જોયા નથી, એ જો ભણશે નહિ તો પ્રભુશાસનની સેવા શી રીતે કરશે? એ વખતે ગુરુદેવે કહ્યું; કે બાલમુની બહુ જ ટેલેન્ટેડ છે. તમને તો ખ્યાલ હશે કે સ્કુલમાં પહેલે નંબરે આવતો હતો કે નહિ? તો કહે, આવતો હતો. એટલો ટેલેન્ટેડ છે કે અમારું પક્ખીસૂત્ર સાડા ત્રણસો ગાથાનું. એ કરતા સાડા ત્રણ દિવસ નહિ, એને સાડા ત્રણ કલાક જ લાગેલા.! આટલો ટેલેન્ટેડ છે, પણ ચૌદસ સુધી યાત્રા કરવાની છે એટલે કોઈ પાઠ શરૂ થયા નથી. અષાઢ વદ બીજથી બધા જ પાઠ શરૂ થશે, અને સવારથી સાંજ સુધી અભ્યાસ ચાલુ થશે. પણ માઁ નું હૃદય છે ને? માઁએ, એ જ વખતે મનમાં નક્કી કર્યું કે મારા બાલમુનિરાજ નવી ત્રણ હજાર ગોખે નહિ ત્યાં સુધી મારે છ વિગઈનો ત્યાગ.. ગુરુદેવને કહ્યું નહિ, મનોમન નિયમ લઇ લીધો. 

આ સાતમની ઘટના અને આઠમને બાલમુનિ વહોરવા માટે આવે છે. ધર્મલાભનો શબ્દ ઉચ્ચાર્યો, માઁ ખુશ થઈ ગઈ! અરે વાહ! મારા બાલમુનિ! પિતાજી બહાર શોપિંગ કરવા ગયેલાં. માઁ એકાસણું કરવા માટે બેઠેલાં. બધી જ તપેલીઓ બાજુમાં, મહાત્મા આવે તો વહોરાવી શકાય. બાલમુનિ અંદર આવ્યાં. કેટલા ટેલેન્ટેડ છે! હજુ તો આવ્યાંને બે સેકન્ડ નથી ગઈ, માઁ ની થાળી ઉપર નજર ગઈ. બધું લુખ્ખું-લુખ્ખું. રોટલી લુખ્ખી, બધું લુખ્ખું. માઁ એ કહ્યું; પાત્ર નીચે મુકો, હું વહોરાવું. બાલમુનિ કહે વહોરવાની વાત પછી. આજે તમારે શું છે એ કહો? તો કહે; એકાસણું. એકાસણું છે તો લુખ્ખુ-લુખ્ખુ બધું કેમ છે? માંને લાગ્યું; કે આમના માટે તો નિયમ લીધો છે, પત્તા ખુલ્લાં કરવામાં કોઈ વાંધો નથી. માઁ એ કહ્યું; કે તમે નવી ત્રણ હજાર ગાથા ન કરો ત્યાં સુધી છ વિગઈનો ત્યાગ મેં ગઈ કાલે જ નક્કી કર્યો છે. ઓહો! ત્રણ હજાર ગાથા ને? એમાં શું છે.! વહોરી લીધું. ગયા. અને જે ધૂણી ધખાવી.. પાંચ દિવસમાં ત્રણ હજાર ગાથા.! અને સવારે અગિયાર વાગે ગાથા પૂરી કરી ત્રણ હજાર, માઁ ને બોલાવીને લાવ્યા. માઁ ને કહ્યું; ગુરુદેવને પૂછી લો. ત્રણ હજાર ગાથા નવી, તમે કહ્યા પછી મેં કરી છે કે નહિ.? ગુરુદેવે કહ્યું; ખરેખર કરી છે. એ વખતે એ માઁ ને કેટલો આનંદ થયો હશે ! આ સમર્પણ તમારી પાસે છે અને એટલે તમારા માટે આત્મરતિ બનવું, સાક્ષીભાવમાં જવું એ અઘરું નથી. 

એટલી મજાની પરંપરા પ્રભુએ આપી છે કે એ પરંપરાને આપણે ઝુકી જઈએ.! ભક્તિની આ પરંપરા.! સાધનાની આ પરંપરા.! ૨૫ જૈનોના ઘર થયા; દેરાસર વિના ચાલે નહિ.! આ ભક્તિની ધારા.. ક્યાંય પણ મકાન લેવું છે, દેરાસર બાજુમાં છે કે નહિ? એ તમે જુવો છો. ભગવાનની બાજુમાં રહેવું છે. સદ્ગુરુની બાજુમાં રહેવું છે. આ જે પરંપરા છે, એ પરંપરાએ એવું એક સમર્પણ તમને આપેલું છે કે તમારા માટે સાધનાના આ પથ ઉપર જવું એ ખરેખર બહુ સહેલું છે. But if you desire! તમારી એક સંકલ્પ શક્તિ જોઈએ કે મારે મારી સાધના દ્વારા મારા આત્માના નિર્મલ સ્વરૂપને પ્રગટ કરવું છે. If you desire. એકમાત્ર સંકલ્પ તમારે કરવો છે. 

કોઇ પણ સાધનાને સિદ્ધિમાં રૂપાંતરિત કરવી છે. ત્રણ તત્વો જોઈએ: પ્રભુની કૃપા, સદ્ગુરુનો આશીર્વાદ, અને સાધકનો સંકલ્પ. પ્રભુની કૃપા સતત વરસી રહી છે. એક ક્ષણ એવી નથી કે પ્રભુની કૃપા ન વરસતી હોય. અમારો આશીર્વાદ ચાલુ જ છે. પણ પ્રભુની એ કૃપાને અને સદ્ગુરુની એ કૃપાને તમે ઝીલશો કયા પાત્રમાં? સંકલ્પના પાત્રમાં. 

માસક્ષમણ કરવું છે. એક સંકલ્પ થયો – પ્રભુની કૃપા મળી ગઈ, સદ્ગુરુની કૃપા મળી ગઈ; માસક્ષમણ પૂરું. સાધ્વીજી ભગવતી ઉપવાસ કરે છે. ૬૫ મો- ૬૬ મો ઉપવાસ છે. પણ તમે જુઓ ચહેરા ઉપર એ જ શાતા તમને દેખાશે. આ શાતા ક્યાંથી આવી? દેવ-ગુરુ પસાય. શું કહો સાચું કહો? તમને કોઈ પૂછે કેમ છો? મજામાં? શું કહો? લક્ષ્મીજી પસાય? શું કહો? લક્ષ્મીજી પસાય? કે દેવગુરુ પસાય? શું કહો? કારણ કે લક્ષ્મીજીનું આગમન પણ પ્રભુ અને સદ્ગુરુની કૃપાથી જ થવાનું છે. 

તો અદ્ભુત્ત તત્વ તમને મળ્યું છે. એ પ્રભુની કૃપા મળી. સદ્ગુરુઓની કૃપા મળી. હવે એક જોઈએ માત્ર તમારો સંકલ્પ, અને એ સંકલ્પ હોય તો પ્રભુની જે આ સાધના છે, એ સાધનાને આત્મસાત્ તમે બધા જ કરી શકશો.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *